એક સાંજની મુલાકાત- ચંદ્રકાંત બક્ષી

Standard

મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’

ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાંખ્યું અને નવા ફ્લેટમાં આવી ગયાં. ફલેટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૃમ અને કિચન-બાથરૃમ હતાં.

બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઈંટની દીવાલ હતી, જે તાજી વ્હાઈટવૉશ કરેલી હતી. દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.

અમારી ઉપર અમારો બંગાળી મકાનમાલિક અક્ષય બાબુ એની સ્ત્રી અને ત્રણ બાળકો સાથે રહેતો. એ કોઈ ગવર્નમેન્ટ ઑફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની – શોભા-કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી, ને રાતના અંધારામાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. ત્રણે બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતાં.

જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટવૉશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મકાન પર બેસીને રંગમિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૃમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દીવાલોમાંથી ભીના રંગની, ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી.

‘તમે જગ્યા લેશો?’ નમસ્કારોની આપ-લે થયા બાદ એણે પૂછ્યું.

‘હા.’

‘તમે બે જણાં છો?’

‘હા.’ દલાલે વચ્ચે કહ્યું, ‘પતિ-પત્ની બે જ જણાં છે. બીજું કોઈ નથી. તમારે કોઈ જ જાતની ખટખટ નથી અને માણસો બહુ સારાં છે.’

હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો.
જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે બે દિવસ પછી લૉરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવું શરૃ કર્યું.

હું રોજ સવારે આઠ વાગ્યે નાહીને, ગરમ નાસ્તો કરીને જતો. બપોરે એક વાગ્યે આવતો અને જમીને એક કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતાં મને સાડા નવ વાગી જતા, પછી જમીને, મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને સૂઈ જતો!

મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા-આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડયો પડયો એક ચોપડી વાંચતો હતો ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, ‘મિ. મહેતા, તમને ફૂલોનો શોખ ખરો કે?’

હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, ‘ખાસ નહિ.’

એ હસી ગઈ : ‘તમારાં શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી બે-ચાર જૂઈનાં ફૂલ લઈ જાય છે.’ હું જોઈ રહ્યો.

એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ દબાઈ હોય એટલી ઝડપથી બની ગયું.

મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના આઠથી રાતના સાડા નવ સુધી ઘરની બહાર જ રહેતો. સવારે શોભા નીચે ઊતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપોર્ટ આપતી અને હું બેધ્યાન સાંભળતો.

થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને માટે કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું,

પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો. પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં ત્રણ બાળકો થઈ ગયાં પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઊઠતી, મજાક કરતી, જોતી – બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી.

કોઈ કોઈ વાર મને એવો ખ્યાલ પણ આવતો કે કોઈ દિવસ સરલા ઘરમાં નહિ હોય અને એ એકાએક મારા ઓરડામાં આવી જશે, અને બારીઓ બંધ કરી દેશે, અને સાંજ હશે, – અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિષે કોઈ દિવસ કહ્યું ન હતું, અને એ જ્યારે વાતવાતમાં શોભા વિષે વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ધ્યાનથી એની વાત સાંભળી લેતો.

સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે બપોરે ફિલ્મ જોવા જતાં અને લગભગ અચૂક, અમે બહાર નીકળતાં ત્યારે એ બારીમાં બેઠેલી હોતી. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતાં હતાં ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, ‘શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી.’

‘ખરી વાત; છે તો વાઘણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહિ.’

‘કોણ કેટલા વાગ્યે આવ્યું, ક્યારે ગયું – બધાંનો ખ્યાલ રાખે છે. તું કયા બસ-રૃટમાં જાય છે અને ગયા રવિવારે તેં શું પહેર્યું હતું એની પણ એને ખબર છે.’

‘એમ…? તને કહેતી હશે.’

‘હા. મને કહે છે કે સરલા, તેં છોકરો સરસ પકડયો છે.’

મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતાં જ એ હસી પડી.

‘એની વાત ખરી છે.’ મેં ઉમેર્યું. ‘તેં છોકરો ખરેખર સરસ પકડયો છે.’

‘ચાલ હવે; પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી…’

‘…પછી થયું, કે વધારે ખેંચવા જઈશું તો હાથથી જશે, એટલે હા પાડી દીધી!’ મેં કહ્યું.

સામેથી આવતી ખાલી ટેક્સીને ઊભી રાખીને અમે બન્ને બેસી ગયાં.

દિવસો પસાર થતા ગયા. કોઈ કોઈ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભીઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાંયે એ મારી સાથે હસીને વાત કરતી. ત્યારે અમે બંગાળીમાં વાતો કરતાં અને સરલા બંગાળી સમજતી નહિ. અક્ષય બાબુ સાથે મારે ખાસ વાત થતી નહિ. એ માણસ ઑફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ કોઈ વાર ઉપરથી કંઈક રવીન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે દેખાતો.

સરલાએ એક વાર મને પૂછેલું, ‘આનો બાબુ કંઈ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે.’

‘ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે, – ગાડી ચાલે છે, પણ માણસ બિચારો બહુ શાંત છે.’

‘પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે. ઝવેરાતની દુકાન છે ને એ બાળપણમાં કન્વેન્ટમાં ભણી છે.’

‘કન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઈ ગઈ…’ મેં કહ્યું.

‘જનાનખાનામાં કંઈ ભરાઈ નથી.’ સરલાએ કહ્યું, ‘એના પતિને ભરી દીધો!’ અને અમે બન્ને હસ્યાં.

‘તને ખબર છે? આપણા ફ્લેટનું રંગ-રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પક્કી બિઝનેસવૂમન છે! બંગાળીઓમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે!’ સરલાએ જવાબ આપ્યો નહિ. કૈં વિચારમાં હોય એવું પણ લાગ્યું નહિ.

દિવસો જતા તેમતેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ-રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો, પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી. બાગમાં ફૂલો લેવા એ ઊતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડયો હોઉ અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવા આવવાની, એકાંતની ઈચ્છા જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી, શોભાને એનાં બાળકોમાંથી સમય મળયો નહિ અને હું ઘણોખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, ‘તમે તો બહુ મજૂરી કરો છો, મિ. મહેતા!’
‘શું થાય?’ મેં કહ્યું, ‘તકદીરમાં લખાવી છે તે…’

‘તમારા જેવું તકદીર તો…’ એ રહસ્યભર્યું હસી. ‘બહુ ઓછા માણસોનું હોય છે.’ હું પણ હસ્યો.

‘મારે એક વાર તમારી દુકાને આવવું છે.’ એણે કહ્યું.

હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માગતો ન હતો. મેં તરત કહ્યું, ‘તમારે કંઈ જોઈએ તો મને કહેજોને, હું લેતો આવીશ.’ દિવસમાં ચાર વાર તો આવ-જા કરું છું. એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું કે નયે મળું…’ શોભા મારી સામે જોઈ જ રહી.

સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહિ. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતાં. કોઈ વાર હું આવી જતો ત્યારે એ હસીને કહેતી, ‘ચાલો, હું જાઉં છું; હવે તમે બંને વાત કરો-‘ અને તરત ચાલી જતી.

ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હમેશાં પ્રયત્નશીલ રહેતી – મારી પાસે આવવા; પણ ઘરમાં એકાંત મળતું નહિ. સરલા હંમેશા ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું ઘરમાં એકલો હોઉં.

હું ફક્ત એ દિવસની કલ્પના જ કરીને સમસમી જતો. શોભાના વિચારમાં હું એકદમ ગરમ થઈ જતો અને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઈ દિવસે નહિ આવે જ્યારે ફ્લેટના એકાંતમાં મળી શકીશું. અને જેમ જેમ નિરાશા નિરાશા થતી તેમ તેમ ઇચ્છા વધુ સતેજ બનતી. શોભા ગરમ સ્ત્રી હતી, એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એને માટે જાણે તરફડી રહ્યો હતો.

મને આડાઅવળા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગેસલાઈટો ઝબકી ઊઠતી ત્યારે હું ઉદાસ તઈ જતો અને મારું અડધું માથું દુખવા આવતું. કોઈ કોઈ વાર મને ઘેર ચાલ્યા આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એર-કન્ડિશન્ડ હોટલમાં જઈને બેસી જતો અને કૉફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘેર આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરીને, કપડાં બદલીને પલંગ પર પડયો અને બહાર ડોરબેલ વાગ્યો – સરલા આવી ગઈ હતી.

મેં ઊઠીને બારણું ખોલ્યું – સામે શોભા ઊભી હતી!

‘તમે આજે બહુ વહેલા આવી ગયા?’ એણે પૂછ્યું.

‘હા, જરા તબિયત ઠીક ન હતી.’ મેં કહ્યું અને મારી તબિયતને હું એકદમ ભૂલી રહ્યો હતો!

‘સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અરધો કલાક લાગશે આવતાં. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં… મને પણ થયું કે તબિયત ખરાબ હશે!’

‘અંદર આવો.’ મેં કહ્યું. મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવી ને બારણું બંધ કર્યું. અમે બન્ને એકબીજાને સમજી ગયાં હતાં. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઈ હતી.

અમે બન્ને વચ્ચેના મોટા ખંડમાં આવ્યાં. મારું હૃદય ધડકવા લાગ્યું. શોભા  સામે હતી અને સરલાને  આવવાને હજી અરધા કલાકની વાર હતી, અને –

‘મારે તમારી સાથે એક ખાસ-પ્રાઈવેટ વાત કરવી છે.’ એણે કહ્યું, ‘અંદર ચાલો.’ હું બોલી શક્યો. અમે બન્ને ખૂણાવાળા રૃમમાં આવી ગયાં. સાંજ હતી. અંધારું હતું. મેં બત્તી જલાવી નહિ.

‘અહીં કોઈ નથી?’ એણે દબાતા અવાજે પૂછ્યું.

‘ના. ફ્લેટમાં આપણે બે જ છીએ.’

એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતાં કહ્યું, ‘સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી.’

આખા રૃમમાં શૂન્યતા છવાઈ ગઈ.

એણે મને એની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું હું ધૂ્રજી ઊઠીશ.

મારી આંખમાં આંખ પરોવીને એણે કહેવા માંડયું, ‘હું આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’

હું ધૂ્રજી ઊઠયો.

લેખકનો પરિચય

ચંદ્રકાંત બક્ષી

જન્મ : ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨

નિધન : ૨૫ માર્ચ, ૨૦૦૬

ગુજરાતના અસંખ્ય વાચકોના લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીનો જન્મ ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨માં પાલનપુરમાં થયો હતો. કોલકાત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે બી.એ.નો અભ્યાસ કર્યો હતો. એ પછી એમ.એ. અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. બક્ષીબાબુ ૭૦ના દશકામાં મુંબઈ સ્થાઈ થયા હતા. ઈતિહાસના અધ્યાપક તરીકે કારકિર્દી શરૃ કરવાની સાથે સાથે તેમનો નાતો લેખન સાથે જોડાયો હતો.

લેખનશૈલી અને  વિષય વૈવિધ્યના કારણે તેમણે ગુજરાતી લેખનમાં આગવો વાચકવર્ગ મેળવ્યો હતો. વિવિધ અખબારોમાં આવતી તેમની કોલમોએ અપાર લોકચાહના મેળવી હતી. તેમના લગભગ ૨૦૦ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેમાં ઈતિહાસ પરના પુસ્તકો : મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. ‘પડઘા ડૂબી ગયા’, ‘પેરેલિસિસ’, ‘અયનવૃત્ત’ સહિત તેમણે લગભગ ૨૬ નવલકથાઓ સર્જી હતી.

તેમના ૧૫ જેટલાં ટૂંકી વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા હતા.  ૬ રાજકીય વિશ્લેષણાત્મક પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનના પુસ્તકો પણ લોકપ્રિય નીવડયા હતા. ‘ગુજરાત સમાચાર’માં બક્ષીબાબુ ‘વાતાયન’ અને ‘સ્પિડબ્રેકર’ નામની કોલમ લખતા હતા.
સાભાર – વોટ્સએપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s