અનાવૃત – જય વસાવડા

Standard

બીક અને બાળક : નાની ઉંમર, મોટા ડર !

મોટાભાગની હોરર ફિલ્મ્સ એના કેરેકટર્સના સ્ટુપિડ ડિસિશન્સ પર ચાલે છે

ક્લાઉન ઉર્ફે જોકર તો સર્કસમાં હસાવવા માટે હોય, રાઈટ? એ કેવી રીતે બાળકોનો વિલન બની શકે? પણ સ્ટીવન કિંગે આઉટ ઓફ ધ બોક્સ વિચાર્યું કે એકચ્યુઅલી નાના બાળકો માટે ક્લાઉન કે જોકર ભડકામણું કેરેક્ટર છે. મોટા ડોળા હોય, લાલ હોઠ ને સફેદ ગાલ ચીતરેલા હોય, તડકભડક કપડાં પહેરેલા હોય, ચીસો પાડે ને અટ્ટહાસ્ય કરે!

બાઘડો.

બચપણમાં ગમે ત્યારે આ બાઘડો આવી જવાનો ડર મોટેરાં બતાવતા. બાઘડો એટલે વાઘ હશે ?પણ વાઘ તો એક્ઝોટિક, ફેસિનેટિંગ લાગે. એકચ્યુઅલી એ ખતરનાક ને ફાડી ખાય એવું જાનવર છે – એ સમજ તો પુખ્ત વયે આવે. નાના હોઈએ ત્યારે વાઘને જોઇને રોમાંચિત થવાય કે ભયભીત ? બાળકો સાપને જોઇને ડરે ય ખરા ને કૂતરા સાથે રમે ય ખરા !

એની વે, પણ બાઘડો કોઈ કપોળકલ્પિત બૂગીમેન હશે સ્વદેશી સંસ્કૃતિનો જેના કાલ્પનિક ડરથી તોફાની બચ્ચાંઓને સીધા કરવામાં હતા. જેના સ્વરૃપનું વર્ણન જ ન થાય એવું ‘ચળિતર’ તો વધુ બીવડાવે. એવું આપણે ત્યાં સહજભાવે કહેવામાં આવતું કે બાવો ઉપાડી જશે ! સારું છે, ત્યારે આજની જેવા લાગણીદુભાઉ ટ્રોલ્સ નહોતા બાકી ધર્મઆધારક જોગીઓને ‘બિહામણા બાવા’ કહીને એનો ડારો દેવા બદલ મમ્મીઓ અપરાધી ગણાઈ જાત !

‘બાઉ’ ને બાઘડા ને બાવાના નામે કન્ટ્રોલ કરવાની તરકીબો જૂની અને જાણીતી છે. થોડાક સમજણા થતાં બાળકને આમ પણ અંધારાનો ડર લાગતો જ હોય છે.

એમાં તો બાળક મોહનદાસ કરમચંદ ગાંધીને એમને ત્યાં કામ કરવા આવતા રંભાબહેને રામનામનું રટણ શીખવાડયું. અને બાઘડો બીવડાવે એ પહેલા ગાંધીજીના હૈયે રામ એટલા વસી ગયા કે એમનો અભય ખુલી ગયો અને વગર સિક્યુરિટીએ સામી છાતીએ આંખમાં આંખ નાખીને પોતાની વાત કહેતા થઇ ગયા ! બાળકો શું ઘણા ભારતીય મોટેરાંઓને ય એકલતા કે અંધકારના ભય સામ્રાજ્ય સામે હનુમાનચાલીસા કોન્ફિડન્સ બિલ્ડિંગનું કામ કરે જ છે.

આવો ભય ભગાડવા જ કાળી ચૌદશનો તહેવાર આવ્યો હશે. હવે તો બધા મોબાઈલ પર જ સીમિત થઇ ગયા પણ જ્યારે દોસ્તારોની ઓટલા પરિષદ મળતી ત્યારે સ્મશાનમાં રાત રોકાઈને કોણ ભજીયા થાય એવી ચેલેન્જના એક્સચેન્જ થતા. કોઈ ભૂતિયા મનાતા મકાનમાં રાતવાસો કરવાનો કે ચૂડેલના સફેદ સાડલાથી બીવડાવવાના પરાક્રમો થતા.

અમુક બહાદૂરો આગેવાની લઇને ‘હોય કંઇ’ કહેતા વટ મારવા ધસી જતા ને બીજા ડરપોક હિંમતકરતા આપણએ પોચટ છીએ એ જાહેર ન થાય એની શરમના માર્યા એમની પાછળ પાછળ જતાં ! કોઇકને બોરડીના ઝાળામાં કપડું ફસાય ત્યાં પ્રેતે પકડયાનો ભાસ થતો ને કોઇકને રાતના પાનના ખખડાટમાં ડાકણના ઝાંઝર સંભળાતા. કોઇક ઝાડ ઉપર બ્રહ્મરાક્ષસ રહેતો એવું માનતા ને કોઇક જીન્નાતની અજ્ઞાાત છાયાથી ફફડતા.

આમ પણ, અંધારાનો ડર મનુષ્ય જાતિમાં સનાતન છે. પશુપંખીઓ જેવી અંધકારમાં આરપાર જોઈ શક્તી દ્રષ્ટિની ભેટ કુદરતે માણસને આપી નથી.જંગલના જીવનમાં શિકારી પશુઓ રાતના વધુ એક્ટિવ હોય. ને સૂરજના અજવાળામાં બધું સ્પષ્ટ દેખાતા રાહત થાય.

એટલે ધર્મમાત્રમાં જ્ઞાાનને, ઇશ્વરને તેજ કે પ્રકાશ સાથે જ જોડવામાં આવ્યા. સંસ્કૃતિઓમાં સૂર્યથી શરૃ થયેલ પૂજા દીવડા-મીણબત્તી સુધી આવી. એના તો તહેવારો શરૃ થયા. લાઇટ ઇઝ લાઇફ. રોશની હોય તો હૈયે ધરપત રહે. ઘણા એકલા ઘરમાં હોય તો લાઇટ પણ ચાલુ રાખીને સૂવે. ઘણા કંપની માટે કોઇને બોલાવે.

એટલે જ ભયના પણ ઉત્સવ શરૃ થયા હશે. ચીલર હોરર ફિલ્મમાં પોતાની બીક ભગાડવા અમુક પ્રેક્ષકો મોટા સાદે કોમેન્ટો કે ખિખિયારા કરતા હોય છે. એ જ સાયકોલોજીથી ડર ભગાડવા ભૂતાવળના ઉત્સવો સામૂહિક ઉજવાયા હશે. બીક પણ ભૂખતરસ વિષાદ સેક્સ ક્રોધ જેવો બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. એટલે નવરસમાં આપણે ત્યાં બિભત્સ, શૃંગાર, ભયાનક, રૌદ્ર તમામ રસની સ્વીકૃતિ છે.

ગઝલ સાંભળવાવાળા જેમ પૈસા ખર્ચીને રડવાનું પસંદ કરે, એમ રોલર કોસ્ટર રાઇડમાં બેસનારા પૈસા ખર્ચીને ચીસો પાડવાનું પસંદ કરે છે ને ! ડરવું બધું આપણા કન્ટ્રોલમાં હોય એવી ફીલિંગ સાથે એન્ટરટેઇનમેન્ટ છે. એમાં જ તો હોરર ફિલ્મોની આખી ભયાનકસૃષ્ટિ ઉભી થઇ !

અને એ અમેરિકન ફિલ્મોથી દુનિયાભરમાં બ્રાન્ડેડ થઇ ગયેલો અમેરિકન ફેસ્ટિવલ પૂરો થયો આ વર્ષનો. દર વર્ષે ફિક્સ ૩૧ ઓક્ટોબરે હેલોવીન ઉજવાય. સરદારસાહેબના જન્મદિન ને ઇન્દિરાજીના નિર્વાણદિનને લીધે આપણે ત્યાં મીડિયામાં એની નોંધ ઓછી લેવાય. પણ હેલોવીન વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર અમેરિકન ફેસ્ટિવલ છે. એમાં ય ફિલ્મો ને માર્કેટિંગને લીધે ક્રિસ્મસની હારોહાર આવી ગયો છે.

મૂળ કોન્સેપ્ટ તો યુરોપનો છે. પ્રાચીન સેલ્ટિક સંસ્કૃતિમાં સોવિન ફેસ્ટિવલ હતો. (સેલ્ટ એટલે આજના યુનાઇટેડ કિંગ્ડમ, આયર્લેન્ડ, દક્ષિણ ફ્રાન્સના વિસ્તારમાં બે હજાર વર્ષ પૂર્વે જીવતી પ્રજા) મૂળ તો દરેક કલ્ચરમાં ફેસ્ટિવલ્સ મોસમના બદલાવા અને ખેતીની સાયકલના સંકેત સાથે જોડાયેલા હોય છે. એવું જ આ હેલોવીનનું ૩૧ ઓક્ટોબર પછી શિયાળાની રાતો લંબાય અને દિવસ ટૂંકા થાય. વીજળી વગરના જમાનામાં અંધકારનો ડર વધે. એટલે ભૂતાવળની ચર્ચાઓ શરૃ થાય (ત્યારે ક્યાં મોબાઈલ નામનું પલીત પ્રવેશેલું આપણા જીવનમાં !)

એવું મનાય છે કે ૧ નવેન્બર આસપાસ સેલ્ટિક નવું વર્ષ ઉજવવાનું શરૃ થયું ને આગલા દિવસે પ્રેતયોનિ અને માનવયોનિ સાથે સ્પિરિટ વર્લ્ડ એન્ડ હ્યુમન વર્લ્ડ વચ્ચેની અદ્રશ્ય દીવાલ પાતળી પડતા ભૂતડાંઓ પૃથ્વીની મુલાકાતે નીકળતા એવી માન્યતાઓને બળ મળ્યું. પછી તો સેલ્ટિક પ્રદેશ રોમનોએ જીત્યો ને એની પરંપરાઓ પણ મિક્સ થઇ. એવામાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો. એનો ‘ઓલ સેઇન્ટસ ડે’ ૧ નવેમ્બરે ઉજવવાનો શરૃ થયો ને એ પહેલાની રાત ભૂતાવળની રાત.

તાપણા, સફરજન, વિવિધ શેતાની આકારમાં કાપેલા પતકોળાં, ‘સારા’ભૂતો માટે ભોજન ને ખરાબ ભૂતોથી ઘરનું રક્ષણ આ બધા રીતરિવાજોઉમેરાયા. એ તહેવાર ‘હેલોવીન’ નામથી ઉજવવાનો શરૃ થયો. એમાં શરૃ થયું ‘ડિક ઓર ટ્રીટ’. મોટે ભાગે બાળકો ભૂતભડકામણા કોસ્ચ્યુમમાં ઘેર જઇને આપણે ત્યાં જૂના વખતમાં ગરબામાં જેમ ઘેરઘેર જઇ પૈસા માંગતા એમ માંગે ને ન આપે એને બીવડાવે. આમ તો ઇનોસન્ટ ફન. પણ અમેરિકામાં જે જાય એનો સ્કેલ વધી જાય !

યુરોપિયન ઇમિગ્રન્ટસને લીધે હેલોવીન પહોંચ્યું અમેરિકા, ને અમેરિકા ગયા પછી ઇટાલીના પિત્ઝાકે જર્મનીની સ્નો વ્હાઇટનું ય રૃપ બદલાઈ જાય, એમ હેલોવીન અમેરિકન ફેસ્ટિવલ થઇ ગયો. આજે યઘેર ઘેર એની અદ્ભુત સજાવટ થાય. મોલથી મલ્ટીપ્લેક્સ સુધી એના શણગાર હોય.

રંગબેરંગી પરેડ નીકળે. આપણી કાળીચૌદશ સાથે એની સમાનતા. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની મેજર થીમ. લોકો બોલિંગ ધ એપલની પાર્ટીઝ કરે. ભૂતો એમને ઘોસ્ટ સમજે માટે અંધારામાં એવા કોસ્ચ્યુમ્સ પહેરીને નીકળે.

પણ આ ફેસ્ટિવલ ચિલ્ડ્રન-ટીન એજર્સમાં ખાસ્સો પોપ્યુલરછે. તો વાત ભૂતની કે ડરની માત્ર નથી. બાળપણ અને બીકની છે. એક્ચ્યુઅલી, હેલોવીન નિમિત્તે રિલિઝ થતી હોરર ફિલ્મો જોવાનો શોખ હોય, તો ખબર પડશે કે મોટાભાગની હોરર ફિલ્મ્સ એના કેરેકટર્સના સ્ટુપિડ ડિસિશન્સ પર ચાલે છે.

જસ્ટ થિંક, અવાવરૃ જગ્યામાં રહેલી લાકડાની કેબિનમાં તમે યંગ કપલ હો તો રાત વીતાવો ખરા ? કે પછી મધરાતના ઘરના ભોંયરામાં ‘ઠક ઠક’ અવાજ આવતો હોય તો એકલા મીણબત્તી લઇ પગથિયા ઉતરીને જોવા જાવ ? કશોક અગોચર કે ગોઝારો અહેસાસ થયા પછી ય બાળકોને એકલા રૃમમાં સૂવડાવો ? આવા તો સેંકડો મુદ્દાઓ મળશે જ્યાં કોઈ શાણી વ્યક્તિ પગ ન મૂકે, ત્યાં મૂરખની જેમ પુખ્ત વયના હોશિયાર ને સ્માર્ટ હીરો-હીરોઇન ધસી જાય અને આફત નોતરે.

પણ આ જ સેટ અપ ચિલ્ડ્રનમાં એકદમ રિયાલિસ્ટિક લાગે ! બાળકો ભોળા હોય, નાદાન હોય, શારીરિક-માનસિક રીતે સ્ટ્રોંગ કે મેચ્યોર ન હોય, કુતૂહલપ્રિય હોય… ઇન શોર્ટ, ઘોસ્ટ સેટઅપમાં એવરરેડી પ્લોટ મળે, હવે વિચારજો કે જગતની મોટા ભાગની અત્યારે સફળ થયેલી હોરર ફિલ્મોમાં બાળકો-તરૃણોના પાત્રો કે રમકડાં ઢીંગલા જ પ્રાઈમ ફોકસમાં હોય છે! પણ વર્ષોથી હોરરનો પ્લોટ કમનસીબ રીતે શેતાની ચુંગાલમાં ફસાઈ ગયેલા બાળકો તો રહ્યાં જ છે.

હોન્ટિંગ, એનાબેલ, ઓરફનએજ, ઓરફન, ઓમેન, પોલ્ટરધાઈસ્ટ, ઈનસાઈડિયસ, શાઈનિંગ, કેસ્પર (અલબત્ત, પ્યારા ભૂત!), મામા, એમિટીવિલે હોરર. બહુ લાંબી યાદી થાય. લેટેસ્ટ કલ્ટ હોરર બનેલ કોન્જુરિંગ સીરિઝમાં પણ ફોકસ બાળકો પર છે. અને રિલિઝ થતાવેંત જે જોઈને આગાહી ભાખેલી, એ મુજબ વર્લ્ડવાઈડ સૌથી વધુ કમાણી કરનાર હોરર ફિલ્મ ‘ઈટ’નો તો આખો પ્લોટ જ બાળકો છે!

‘ઈટ’. સ્ટીવન કિંગની ક્લાસિક નોવેલ. આ સ્ટીવન નામ જ ભૂતિયું છે. અંગ્રેજીમાં સ્ટીફન ઉચ્ચાર એસ-ટી-પી-એચ-એ-એન વાળા સ્પેલિંગનો બાકાયદા થાય જ. પણ આ લોકપ્રિય લેખક મહાશયના સ્પેલિંગમાં ‘એ’નો બદલે ‘ઈ’ છે. એવા ઓછા હોય પણ એટલે એનો ઉચ્ચાર વળી ‘સ્ટીવન’ કરે છે તેઓશ્રી!

(ઈંગ્લીશ ઈઝ વેરી ફન્ની લેંગ્વેજ યુ નો!) પંડયાને ‘પાંડયા’ બોલનારાઓ પાસેથી બીજી તો શું અપેક્ષા રાખીએ… પણ આ એ ને ઈના ગોટાળા ન થાય માટે વિથ પબ્લિક એપોલોજી મિસ્ટરી હોરરના કિંગ નરેટરને સ્ટીવન જ કહીશું. ઓકે? તો આ સ્ટીવન કિંગ વર્ષોથી એક પછી એક બેસ્ટ સેલર લખતા રહે છે, જેને સાહિત્યના ખેરખાંઓ ય નવાજે છે ને હોલીવૂડવાળા તો ધુરંધર ડાયરેક્ટરો સાથે લાઈન લગાવીને ઉભા હોય છે, એના પરથી ફિલ્મ બનાવવા.

પરંતુ કિન્તુ ઝીણા ઝીણા ફોન્ટમાં દબાવીને છાપો તો ય ઓલમોસ્ટ ૧૪૦૦ પાનાની થાય એવી એમની એપિક નોવેલ ‘ઈટ’ જબ્બર પોપ્યુલર છતાં એના પરથી ફિલ્મ બનાવવા ખાંડાના ખેલ નહોતા. માટે ગેપ પડી ગયો. રાહ જોવી પડી. નવલકથા બહાર પડયાના છેક ત્રીસ વર્ષે, અને આ વર્ષે એ ફિલ્મ આવી. ટેલેન્ટેડ ડાયરેક્ટર એન્ડ્રુ મુશેટ્ટી (‘મામા’ ફેમ) એ એકદમ ફાડુ ફિલ્મ બનાવી છે.

પણ તો ય અડધી જ નોવેલ એમાં કવર થઈ છે. સક્સેસ જોતા બીજો પાર્ટ પણ હવે આવશે જ. અડધી નોવેલમાં ય બે મસમોટા મહત્વના સીન પડદા પર કાઢવા પડયા છે. હા, ઈટ પરથી પોપ્યુલર ટીવી સીરિઝ બનતી રહી છે. કોઈ ક્રેડિટ આપ્યા વિના ‘મફત કા ચંદન ઘસ બે લાલિયા’ની જેમ પરબારું ઉઠાવી લેવાતી આપણી પરંપરા મુજબ એના પરથી ‘વોહ’ નામની લિલિપુટે લખેલી બોરિંગ સિરિયલ પણ આપણે ત્યાં આવી ગઈ.

ઘણા સાયકોલોજીકલ પ્લોટ ધરાવતી ફિલ્મ કે સીરિયલમાં એના પાત્રોને ‘ક્લાઉન’ યાને સર્કસનો જોકર દેખાતો હોવાનો ભાસ થાય એવું અમિતાભ બચ્ચન (યુદ્ધ)થી રાજીવ ખંડેલવાલ (સાઉન્ડટ્રેક) સુધી ચાલ્યું. એ ટ્રેન્ડ પણ ઈટ નવલકથાએ જ સેટ કરેલો!

ક્લાઉન ઉર્ફે જોકર તો સર્કસમાં હસાવવા માટે હોય, રાઈટ? એ કેવી રીતે બાળકોનો વિલન બની શકે? પણ સ્ટીવન કિંગે આઉટ ઓફ ધ બોક્સ વિચાર્યું કે એકચ્યુઅલી નાના બાળકો માટે ક્લાઉન કે જોકર ભડકામણું કેરેક્ટર છે. મોટા ડોળા હોય, લાલ હોઠ ને સફેદ ગાલ ચીતરેલા હોય, તડકભડક કપડાં પહેરેલા હોય, ચીસો પાડે ને અટ્ટહાસ્ય કરે! જે.કે. રોલિંગની પહેલા જેનું નામ ન લઈ શકાય એટલી હદે ટેરીફાઈંગ વિલન સ્ટીવન કિંગે ‘ઈટ’માં આપ્યો.

નામ એનું કહેવા ખાતર ‘પેનીવાઈઝ’. પણ એ ખરેખર પૃથ્વીના જન્મ સાથે જ પ્રગટેલું જેને શબ્દોમાં વર્ણવી ન શકાય એવું ભયજનક, અગોચર તત્ત્વ. માટે નામ ‘ઈટ’. તે… ઓલું, પેલું, કંઈક દેખાયું… કંઈક જોયું… કંઈક છાતી પર ચડી બેઠું મધરાતે અને ડોળા ફાટી ગયા, ધબકારા ચૂકાઈ ગયા ને શરીરને જાણે લકવો લાગી ગયો… એ શું હતું? માટે ‘ઈટ’!

‘ઈટ’ના પ્લોટમાં નાનકડા ગામમાં ચોક્કસ વર્ષના સમયાંતરે જાગતો અને મોટા ભાગે જોકરના સ્વરૃપમાં દેખાઈને બાળકોને રીતસર શિકાર બનાવી મારી નાખતો મહાપિશાચ છે.

કથાના ઓપનિંગમાં જ નાનકડો જ્યોર્જી કાગળની બોટ ગટરના વોંકળામાં વરસાદમાં સરકી જાય એ લેવા જાય છે. જ્યાં ફુગ્ગો બનાવીને એક પશુ જેવી આંખવાળો લોહિયાળ તરસ ધરાવતો ક્લાઉન એને ભરખી જાય છે. એનું વર્ણન વાંચો એટલે માસ્ટર સ્ટોરીટેલર કોને કહેવાય એ ખબર પડે.

પછી એનો નાની ઉંમરનો જ ભાઈ, એને મળતા મિત્રો ધીરે ધીરે આ ઝળુંબતો શેતાની ભય ઓળખે છે. એનાથી પીડાય છે, ને સાથે મળી બાળકો જ એનો સામનો કરવાનું નક્કી કરે છે. નોવેલ અલબત્ત બે ફાંટામાં રજુ થયા કરે છે. મોટા પુખ્ત વયના થયેલા પાત્રો ફરી ગામમાં આવે છે એ અને બાળકોને જે દિલધડક અનુભવો થયેલા મોતના વિકરાળ જડબાના, એ!

એક્ચ્યુઅલી સ્ટીવન કિંગને ‘ઈટ’ લખવાનો વિચાર ‘૭૦ના દશકના અંતમાં ને ‘૮૦ના દશકની શરૃઆતની એક સાંજે આવેલો. એ એક સાંજે થોડા કિલોમીટર વોકિંગ કરી પોતાની રિપેર કરેલી ગાડી ગેરેજમાં લેવા ગયેલા. ફરકા પહાડ,

સમી સાંજના ઉતરતા ઘેરા સુમડાં થતા ઓળા, જંગલ જેવા વૃક્ષોમાંથી આવતા પવનના ને પંખીના અવાજો સિવાય ખામોશી ને રસ્તામાં ગટર તરફ જતા વોંકળા પરનો લાકડાંનો પગ મૂકો તો કિચૂડાટી બોલાવતો બ્રિજ! એકલા જ ચાલતા કિંગ ઊભા રહી ગયા ને વિચારે ચડયા કે નીચે પાણી જે અંધારા ગૂફા જેવા મુખમાં જાય છે, ત્યાં કશુંક ભયાનક અગોચર તત્ત્વ હોય તો?

આમ પણ હોરરનો ખરો ડર કોઈ અદ્રશ્ય અજ્ઞાાત પણ બેચેની ફેલાવતી ‘પ્રેઝન્સ’ને ફીલ કરવાનો હોય છે! બે વર્ષ સુધી આ પ્લોટ મમળાવ્યા પછી ‘ઈટ’ લખવાની શરૃઆત કરી. એમાં વિલન પેનીવાઈઝના ઉદ્ભવનો બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાએલો એવો સબપ્લોટ હતો કે ફિલ્મમાં બજેટના અભાવે એ શૂટ ન થયો. નોવેલની કકળાટિયાઓ ને રૃદાલીઓએ કોન્ટ્રોવર્સી કરી.

જેમાં પ્યુબર્ટીમાં પ્રવેશતા બાળકો એક ટીમ બની મુકાબલો કરે એ માટે એક ‘રિચ્યુઅલ’ના ભાગરૃપે ટીનએજમાં તાજી પ્રવેશ કરતી એક માત્ર છોકરી વારાફરતી બધા સાથે સૂઈ જાય છે! નેચરલી, ફિલ્મમાં આ શૂટ થઈ શકે નહિ અન્ડરએજ કેરેક્ટર સાથે માટે ઉડાવી દેવાયું. પણ કિંગ એનો ઉલ્લેખ થાય નાકના ટીચકાં ચડાવીને ત્યારે હસીને કહે કે ”નાના બાળકોની લોહી નીતરતી લાશો મળે છે,

ત્યાં કોઈના પેટનું પાણી નથી હલતું. પણ પોતાની મરજીથી ય સેક્સની વાત આવે તો કહેવાતા એડલ્ટ્સ ટેરીફાઈડ થઈ જાય છે! બહુત નાઈન્સાફી હૈ!” ઓબ્સેશન ઈઝ હોરર યુ નો!

જો કે, ઈટ વાસ્તવમાં સ્ટોરી ઑફ ચાઈલ્ડહૂડ ફ્રેન્ડશિપ છે. મોટા થયા પછી લેણદારોના હપ્તાના, વળગી ગયેલા વ્યસનના, ધાર્યા વન વે લવ સાથેના બ્રેકઅપના એવા અઢળક અજ્ઞાાત ભયો સતાવે છે. પછી ભૂતપ્રેતથી ઓછો ને માણસથી વધુ ડર લાગે છે! ‘એડલ્ટ્સ આર મોન્સ્ટર્સ’ એવું ક્વૉટ ‘ઈટ’માં હતું. પણ ખરેખર એડલ્ટહૂડ ઈઝ મોન્સ્ટરસ. પુખ્ત થવું એ રાક્ષસી ભૂતાવળ લઈ આવે છે.

પણ બચપણના પ્રેત માત્ર સફેદ ધુમ્રસેર જેવા ભટકતા જીવાત્માઓ જ નથી હોતા. પ્યુબર્ટી યાને તરૃણાઈના હોર્મોનલ ચેન્જીઝ હોરર હોય છે. સ્કૂલમાં કે ગલીમાં ભટકાઈ જતા રાઉડીટપોરી કે સ્માર્ટ બિગ બુલીઝ ડરામણા હોય છે. પરીક્ષાનો ડર સતાવે છે.

(વૉચ ગુજરાતી મુવી ‘બેસ્ટ ઓફ લક : લાલુ’ ફોર ધેટ). મા-બાપની અપેક્ષાઓનો ડર સતાવે છે. મા-બાપ કે ભાઈભાંડુની ઉપેક્ષા પણ ભયજનક હોય છે. મિત્રોના વિખૂટા પડવાનો, રમત ખોવાઈ જવાનો, હારી જવાનો ભય પણ હેરાન કરે છે.

સ્ટ્રેન્જર થિંગ્સ જેવી સિરિયલ્સ તો મનોરંજન માટે હોરરની વાત કરે ને બિલ જેવો જુવાન એક્ટર હાંજા ગગડી જાય એમ પેનીવાઈઝ ભજવી બતાવે. પણ બાળકોને ખરેખર મોટાં થતાં પહેલા પોતાની આસપાસ પ્રેતવિશ્વ દેખાતું હશે એટલે કારણ વિના હસતા રડતા હશે?

માણસની આંખ માત્ર ૪૦૦ થી ૭૦૦ નેનોમીટર જેટલું ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ નિહાળી શકે છે. ૪૦૦થી નીચે અલ્ટ્રાવાયોલેટ ને ૩૦૦થી ઉપર ઈન્ફ્રારેડ ઝોન નરી આંખે દેખાતો નથી. મતલબ, આપણી આસપાસ એવા ઘણા દ્રશ્યો રચાય છે કે જે આપણને દેખાતા નથી, પણ હોય છે?

ઝિંગ થિંગ

‘સૌથી મોટું જૂઠ આપણી જાત સાથે આપણે બોલેલું જૂઠ છે. (સ્ટીવન કિંગ, ઈટ)

સાભાર :: વોટ્સએપ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s