“આપણે એક એવી ક્ષણ સાથે હતા, એ પળે જીવનમરણ સાથે હતા..”

Standard

By Dr Sharad Thakar Dt 27.10.17

“આપણે એક એવી ક્ષણ સાથે હતા, એ પળે જીવનમરણ સાથે હતા”

શિયાળાની ભેંકાર અને ઘોર અંધકારભરી રાત. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકનુ એક સાવ નાનકડું ગામ. રાતના અગિયાર વાગે ચાર માનવ આકારો ઠંડીમાં ધ્રૂજતાં, થથરતાં, અંધારું અને ધાબળા બેયનાં આવરણો લપેટીને દવાખાનાની દિશામાં આગળ વધી રહ્યા હતાં. આખું ગામ તો કાતીલ ઠંડીનું માર્યું નવ વાગ્યાથી જ પથારીભેગું થઇ ગયું હતું, પણ ચાર ચૌદશીયા ગામના ચોરે બેઠાં બેઠાં ચોવટ કરી રહ્યા હતા. એમાં એક લાલજી ચર્ચાપત્રી હતો, જે નાનાં-મોટાં છાપાંઓમાં કયારેક-કયારેક ચર્ચાપત્રો લખ્યા કરતો હતો. બીજો એક ઓસમાણ પગી હતો. મૂળ તો ઉસ્માન, પણ કાઠિયાવાડી લોકબોલીમાં અપભ્રંશ થઇને એ ઓસમાણ થઇ ગયો હતો. પારકી પંચાતમાં રસ લેવાનો આ લૂરચા ઓસમાણનો એક માત્ર શોખ. ત્રીજો ચીમન ઢોલી. અને ચોથો કાનજી નાઇ.

આ ચારેયની કોઇ જ્ઞાતિ નહીં, ધર્મ નહીં, ઇમાન નહીં અને નૈતિકતા નહીં. આખો પંથક એમના કરતૂતોથી ફફડે.

પહેલી નજર ઓસમાણની પડી, ‘અબે લાલજી, કુછ દેખા તુમને? વો ચારકુ પીછાણા?’

લાલજી પત્રકારે જિંદગી આખીનો સામટો અનુભવ કામે લગાડયો, ‘હા, ઓળખ્યા. આ આપણાં ગામનાં નથી. બાજુના રામપરાનો જશીયો કોળી ને એની ઘરવાળી વજી છે. સાથે એમનો જુવાન દીકરો મેપો અને ત્રણ મહિના પહેલાં પરણીને આવેલી એની ઘરવાળી નિમુ લાગે છે, પણ આ ચારેય જણાં અત્યારે અડધી રાતે કયાં જતાં હશે?’

‘કયાં તે દવાખાને!’ ચીમન ઢોલીએ નિદાન કર્યું, ‘એલા, ઊઠો! મને તો આમાં રૂપિયાની સુગંધ આવે છે. હાલો, એમનો પીછો કરીએ! બબ્બે પૈસાની કમાણી થાશે.’

ચાર જણાં આગળ. ચાર જણાં પાછળ. વરચે દસ ડગલાનું અંતર. દવાખાનું એટલે બે ઓરડા, એક નર્સ, એક પટાવાળો અને એક નવા-સવા ડોકટરનું બનેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર.

જશુ કોળીએ કમાડ ધમધમાવ્યું. એની વહુ વજીએ બૂમ પાડી, ‘બે’ન! ઓ નરસબે’ન! દવાખાનું ખોલજો, બે’ન! મારી વહુને પેટમાં દુ:ખે છે…’

નર્સે બારણાં ઊઘાડયાં. નિમુ ચીસો પાડતી હતી એને અંદર લીધી. જયાં પડદો પાડીને દરદીનાં કપડાં હટાવ્યાં, ત્યાં તો નર્સની ઊંઘ ઊડી ગઇ. પટાવાળાને જગાડીને ધકેલી દીધો, ‘જલદી દોડતો જા અને ડોકટરને બોલાવી લાવ! કહેજે સુવાવડનો કેસ આવેલ છે. બાળકનું માથું દેખાય છે. દોડ જલદી…!’

પટાવાળો દોડતો ગયો અને ડોકટરને લઇને ઊડતો પાછો આવ્યો. સામાન્ય રીતે કેસ ગમે તેવો તાકીદનો હોય, તો પણ ડોકટરો સૌથી પહેલું કામ કેસપેપર કાઢવાનું અને એમાં દર્દીની સંપૂર્ણ વિગતો ભરવાનું કરતા હોય છે. એના પછી દર્દીની શારીરિક તપાસ કરે. એ પછી સારવાર શરૂ કરતાં પહેલાં બહાર આવીને દર્દીનાં સગાંસંબંધીને દરદ વિષે માહિતગાર કરે. એ પછી જ સારવાર શરૂ કરે.

પણ આ કેસમાં આ કાયદેસર અનુક્રમનાં પાલન માટે કોઇ શકયતા જ કયાં હતી? ડોકટર પ્રજાપતિ તાજા જ એમ.બી.બી.એસ. થઇને સરકારી નોકરીમાં જોડાયા હતા. વધારામાં એમણે ડી.જી.ઓ. પણ કર્યું હતું, એટલે પ્રસૂતિ કરાવવાનો પણ અનુભવ ખરો જ. એ તરત જ અંદરના ઓરડામાં ધસી ગયા. આ એમની ભૂલ ગણો તો ભૂલ, લાપરવાહી કહો તો લાપરવાહી અને માનવતા ગણો તો માનવતા. ડોકટર જયારે નિમુ પાસે પહોંરયા, ત્યારે બાળકનું અડધું શરીર જનેતાનાં શરીરમાંથી બહાર આવી ગયું હતું, અડધું હજું અંદર હતું. નિમુની ચીસો વધુ ને વધુ મોટી થઇ રહી હતી. ડો. પ્રજાપતિએ માંડ-માંડ હેન્ડગ્લોઝ પહેર્યા અને બાકીનું કામ પૂરું કર્યું. પ્રસૂતિ સુખરૂપ સંપન્ન થઇ. બાળક બચી ગયું, એની મા પણ જીવી ગઇ. ડોકટર મોજાં કાઢીને બારણું ખોલીને બહાર આવ્યા. કોઇ પણ ડોકટર આવા સંજોગોમાં જે પહેલું વાકય બોલે તે જ એ પણ બોલ્યા, ‘પેંડા વહેંચો, કાકા! તમારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.’ ‘શું બોલો છો, દાકતર? તમારું દિમાગ તો ઠેકાણે છે ને? મારી વહુ પરણીને સાસરે આવી એ વાતને આજે ત્રણ મહિના જ થયા છે. આ કોનો દીકરો અમારા ગળે વળગાડવાની વાત છે?’ જશીયો કોળી વિફરી બેઠો.

‘અરે, કાકા! આ તમે હમણાં જ તો તમારી વહુને લઇને આવ્યા… અને એની તો મેં સુવાવડ કરાવી. દીકરો બીજો કોનો હોય? અત્યારે દવાખાનામાં બીજો કેસ પણ કયાં છે?’

‘એ અમે ન જાણીયે, દાકતર! અમે તો વહુને એટલા માટે લાવ્યા હતાં કારણ કે એને પેટમાં દુખાવો ઉપડયો હતો. આમ તો સવારથી દુ:ખતું હતું, પણ અમે હિંગને અજમા જેવા દેશી ઉપાયો કરવામાં દહાડો કાઢી નાખ્યો. દરદ ન મટયું ત્યારે ન છુટકે અમારે અહીં…પણ અમને શું ખબર કે તમે આવા પાપીયા હશો. અગાઉથી રામ જાણે કોનો હમેલ પાડીને સંતાડી રાખ્યો હશે? અમે આવ્યાં એટલે…! જશુ, વજી અને મેપાએ રાડારાડ કરી મૂકી. મેપો તો છેલ્લી પાટલીએ જઇ બેઠો. કહે, ‘મારી બાયડીને બહાર કાઢો! અમારે દવા નથી કરાવવી. અમે તો ઘરભેગાં થઇ જઇએ.’

‘અને આ બાળક?’ ડો. પ્રજાપતિ માંડ આટલું બોલી શકયા. મેપાએ તડ ને ફડ કરી નાખ્યું, એને તમે ઊછેરજો, સાહેબ! પૂણ્ય મળશે.’

નાટકનો પહેલો અંક પૂરો થવા જતો હતો, ત્યાં જ દસ ડગલાં દૂરના અંધકારમાંથી ચાર ઓળાઓ ઝબૂકયા. ચૌદશીયાઓની ચંડાળ ચોકડી ડૉકટરને ધેરી વળી. શરૂઆત કાનજી નાઇએ કરી, ‘સાહેબ, આ ગામમાં જયારે દવાખાનું નહોતું, ત્યારે ઇલાજનું કામ હું કરતો હતો, પણ કમાણી સાટુ તમારા જેવા ધંધા કરવાનું મને ન આવડયું!’

‘સાયેબ, બીજું બધું જવા ધો! પહેલાં એક વાતની ચોખવટ કરો કે આ બાળક બીજાનું છે કે… પછી… તમારું જ…?’ ચીમન ઢોલીએ દાંડી પીટી.

‘વો ઢૂંઢ નિકાલનેકા કામ મેરા! મેરા નામ ઓસમાણ પગી હૈ. મૈં દાકતર પાપકા પગેરા ખોજ લૂંગા!’

હજુ કંઇ બાકી હતું તે લાલજી ચર્ચાપત્રીએ પૂરું કર્યું, ‘એય ડૉકટર! હું છાપાંનો માણસ છું. પૈસા ઢીલાકર, નહીંતર છાપે ચડાવી દઇશ! દરબારી ગામમાં આવીને આવા ગોરખધંધા કરે છે?’ બિનઅનુભવી જુવાન ડોકટરને કાતીલ ઠંડીમાંયે પરસેવો ફૂટી નીકળ્યો. એ વર્ષોમાં હજુ આપણાં દેશમાં બાળકનો પિતા નક્કી કરવા માટે ડી.એન.એ. ટેસ્ટ થતો ન હતો. બ્લડગ્રુપ દ્વારા આ વાતની કસોટી થતી નથી હોતી.

બાકીના તમામ સંજોગો ડોકટરની વિરુદ્ધ જતા હતા. દર્દી તથા એનાં પરિવારનો સંપૂર્ણ ઇન્કાર, માત્ર ત્રણ જ મહિનાનું લગ્નજીવન, એની પહેલાનું નિમુનું જે કોઇ જાતીય લફરું હોય તે શોધી કાઢવાની અશકયતા અને ઉપરથી ચંડાળ ચોકડીની કુટિલ રમત.

ડો. પ્રજાપતિ ભાંગી પડવાની અણી પર હતા, ત્યાં જ એમના દિમાગમાં ઝબકારો થયો. લાલજીનું બોલાયેલું છેલ્લું વાકય એમના મનમાં રિવાઇન્ડ થયું, ‘દરબારી ગામમાં આવીને આવા ગોરખધંધા કરો છો?’ ડોકટરને આશાનું કિરણ દેખાયું. ગોરખધંધાવાળી વાત ખોટી, પણ દરબારી ગામ હતું એ તો સાવ સાચું! અને ડોકટરને દરબાર રવુભા ગોહિલ સાંભરી આવ્યા. આમ તો આખા ગામનાં દરબારો ગોહિલ વંશના રાજપૂતો જ હતા, પણ આ રવુભા એમના મોવડી જેવા.

‘જા ને લ્યા! ઝટ રવુભાને બોલાવી લાવ ને!’ ડૉકટરે પટાવાળાને દોડાવ્યો. દસ મિનિટમાં રવુભા હાજર. સાથે બીજા પચાસ મરદમૂછાળા રાજપૂત જુવાનો પણ દોડી આવ્યા. રવુભાએ શાંતિથી મામલો સૂંઘી લીધો. વાતની પૂરી જાણકારી મેળવી લીધી, પછી પહેલો ઘા રાણાનો ફટકાર્યો ઓસમાણ પગીના માથે.

‘એલા ઓસમાણીયા! તને મારવા માટે તો તલવારનીયે જરૂર નહીં પડે. એક અડબોથ ઝીંકી દઇશને તો આખે આખો તું સામેની ભીંતમાં સમાઇ જઇશ. આ બિચારો ડોકટર હજુ ચાર દિવસ પહેલાં વણકરવાસમાં વિઝિટ માટે ગયો હતો. અડધી રાતે જઇને પશા વણકરના એકના એક દીકરાનો જીવ બચાવી આવ્યો. પશાએ કેટલો આગ્રહ કર્યોતોયે પૈસા ન લીધા. કીધું કે સરકાર મને પગાર આપે છે.’ ‘પણ બાપુ!’ લાલજી પત્રકારે આખરી પ્રયત્ન કરી જોયો, ‘પૈસાની વાત અલગ છે અને ચારિત્ર્યની વાત અલગ છે. આ તો ડોકટરનું…’

‘ખબરદાર, લાલીયા! એક શબ્દ પણ આગળ બોલોય છે તો તારી જીભ ખેંચી કાઢીશ. જે વાત મારે કોઇને નહોતી કરવી એ આજે કહેવી પડે છે. આપણાં ગામનાં એક આબરૂદાર ઘરની દીકરી. એનો પગ કુંડાળામાં પડી ગયેલો. બાપ મારી પાસે આવીને રડી ગયો. મેં આ ડોકટરને બોલાવીને દીકરીનો છુટકારો કરી આપવા ભલામણ કરી, પણ ડોકટર ન માન્યા. કહે કે, ‘બાપુ, મારી નાખો, પણ એ કામ હું નહીં કરું!’ હજુ સાંભળવું છે તારે કંઇ? અને છેલ્લી વાત! સવારનો સૂરજ ઊગે એ પહેલાં તમે ચારેય જણાં આ ગામ છોડી દેજો! નહીંતર આ રવુભા તમને દુનિયા છોડાવી દેશે.’

પછી શું થયું એ વાત મામુલી છે, પણ મહત્ત્વની વાત એ છે કે પેલો નવજાત દીકરો વાયા અનાથાશ્રમ કલકત્તાના એક કરોડપતિ કુટુંબમાં દત્તક બનીને શોભી રહ્યો છે. અત્યારે એકવીસ વર્ષનો છે.

(સત્ય ઘટના)
લેખક :: શરદ ઠાકર,
શીર્ષક પંકિત :: બાલુ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s