ઋગ્વેદ પરિચય

Standard

જાણી અજાણી વાતો…ઇતિહાસ , સાહિત્ય અને વર્તમાન ને અનુલક્ષી ને...

ઋગ્વેદ’ શબ્દમાં બે પદો રહેલાં છે,  ઋક્ અને વેદ.
ઋક્ નો અર્થ આવો થાય છે-
“ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्”
“જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે.”
‘વેદ’ શબ્દનો અર્થ અને વિભાવના આપણે “वेदामृतम् -४ વેદ શબ્દનો અર્થ” માં મેળવ્યો.
આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર “झलां जशोऽन्ते” મુજબ ‘ઋક્’ માં રહેલ ‘ક્’ નો સંધિ થતા ‘ગ્’ બન્યો અને ‘ઋગ્વેદ’ શબ્દ બન્યો,
જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ.

ઋષિઓ દ્વારા ગ્રથન અને ઋગ્વેદની શાખાઓ :

વેદો અપૌરુષેય ગ્રંથ છે.
વેદમંત્રોનાં પૌરાણિક ઋષિઓને દર્શન થયા હતા
અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા.
અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય માટે તે સમયની પ્રણાલી
અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને ‘ગ્રંથ’ નું સ્વરૂપ આપવામાં આવ્યું.

મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી.
જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ શૈલીમાં પોતાના પુત્રોને અને શિષ્યોને વેદો ભણાવ્યા એમના નામ પર થી વેદોની શાખાઓ બની હતી.
પાણીની મુનિનાં વ્યાકરણ પર ભાષ્ય લખનાર પતંજલિ મુનિએ ભાષ્યગ્રંથ “વ્યાકરણ મહાભાષ્ય” માં ઋગ્વેદની 21 શાખાઓ હતી એવો ઉલ્લેખ કર્યો છે.

આ ૨૧ શાખાઓમાંથી ઘટીને પાંચ શાખાઓ રહી હતી-

૧. શાકલ શાખા.
૨. વાષ્કલ/બાષ્કલ શાખા.
૩. આશ્વલાયન શાખા.
૪. શંખાયન શાખા.
૫. માંડુકાયન શાખા.

આ પાંચ શાખાઓમાંથી પણ અત્યારે એક માત્ર શાકલ શાખા જ ઉપલબ્ધ છે. એટલે કે આપણે જેને ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ એ આ શાકલશાખા છે.
(અનુમાન કરો જો એક શાકલશાખામાં 10552 મંત્રો હોય તો આ પાંચ શાખા કે 21 શાખા મળીને મંત્રોની સંખ્યા ક્યાં સુધી પહોંચે!!)

ઋગ્વેદનું વિભાજન-વર્ગીકરણ :

અત્યારે જે શાકલશાખાને આપણે ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ તે ઋગ્વેદનું વિભાજન બે રીતે કરવામાં આવ્યું છે, અષ્ટક ક્રમ અને મંડલ ક્રમ.

અષ્ટક ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

અષ્ટક એટલે આઠ. આ અષ્ટક ક્રમ પ્રમાણે ઋગ્વેદનું વિભાજન આઠ અષ્ટકોમાં વિભાજીત છે. આ આઠ અષ્ટકોમાં પણ દરેકની અંદર ચોક્કસ વિભાજન છે જે અષ્ટક-અધ્યાય-વર્ગ-ઋચાઓ એ ક્રમે કરવામાં આવ્યું છે.
આઠ અષ્ટકમાં દરેક માં આઠ અધ્યાયો છે, એટલે કુલ 64 અધ્યાય. દરેક અષ્ટક માં ઋચાઓની ચોક્કસ સંખ્યાનાં સમૂહને ‘વર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ અષ્ટક ક્રમ ને સરળ રીતે આમ દર્શાવી શકાય-

◆ અષ્ટક – ૮
◆ અધ્યાય – ૬૪
◆ વર્ગ – ૨૦૨૪
◆ મંત્ર સંખ્યા- ૧૦૫૫૨

મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદ મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત છે.
મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહ ને સૂક્ત નામ આપવામાં આવ્યું છે , આ સૂક્ત ના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.
સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:

મંડલ – ૧૦
અનુવાક – ૮૫
સૂક્ત – ૧૦૨૮
મંત્ર સંખ્યા – ૧૦૫૫૨

મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.
જયારે મંડલ બીજા થી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :

◆ બીજું મંડલ – ગૃત્સમદ ઋષિ
◆ ત્રીજું મંડલ – વિશ્વામિત્ર ઋષિ
◆ ચોથું મંડલ – વામદેવ ઋષિ
◆ પાંચમું મંડલ – અત્રિ ઋષિ
◆ છઠ્ઠું મંડલ – ભરદ્વાજ ઋષિ
◆ સાતમું મંડલ – વસિષ્ઠ ઋષિ

અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજા થી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.
આ ૧૦૫૫૨ ઋગ્વેદ મંત્રોને ‘ઋગ્વેદસંહિતા’ કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.

ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :

ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે,
આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે.
ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે, જેમકે-

સ્વર્ગલોક/દ્યુ સ્થાનીય દેવતાઓ :

મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે,

અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ :

ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.

પૃથ્વી સ્થાનીય દેવતાઓ :

પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.

ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે
જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. ૩/૨૩) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે
તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. ૧૦/૧૦૮) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇ ને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે.
આનું કારણ શું!??
એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે,
બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે,
બ્રહ્મ એટલે ચૈતન્ય.
એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે
એ તમામ ને દેવતા કહ્યા છે.

ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :

ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.
ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.
છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.

ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :

એક રીતે સમગ્ર ઋગ્વેદમાં સ્તુતિ સુકતો છે. પણ આ સ્તુતિ સુકતોમાં પણ પ્રકાર પડે છે જેમ કે

કાવ્યસૂકતો
પ્રકૃતિસૂકતો
પ્રાર્થનાસૂકતો
સંવાદસૂકતો
દાર્શનિકસૂકતો
ઐતિહાસિકસૂકતો
ધર્મનિરપેક્ષસૂકતો
વ્યાવહારિકસૂકતો.

જય માતૃભુમિ.

સાભાર :: જનમેજય અધ્વર્યુ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s