કવેણને ખાતર સિંહનો શિકાર

Standard

લોકકથાની વાતો – ડો.પ્રદ્યુમ્ન ખાચર

કાઠિયાવાડની ધરતીનાં નદી-કૂવાનું પાણી જ એવું છે કે તે પીનારા માણસો વટ, વચન, રખાવટવાળા ને ઝિંદાદિલ હોય છે. જ્યારે પણ કાઠિયાવાડના આબરૂદાર કે પાણીદાર માણસને કોઈ માંયકાંગલો મહેણું મારી જાય કે કવેણ બોલી જાય તો તે તલવારની જેમ જ તેના શરીરમાં ઊતરી જાય છે. એ મહેણું ભાંગવા તે વ્યક્તિ પોતાની જાતને જોખમમાં મૂકી દેતાં પણ અચકાતી નથી. આજે આવા જ એક નિર્ભય ભડવીર કાઠી દરબાર કાથડ ખુમાણની વાત માંડવી છે. એ સમયના માણસોને સામેની વ્યક્તિના બોલની કેવી કિંમત હતી ને તેઓ કેવી મર્દાનગીથી જીવતા હતા તેનો દાખલો કાથડ ખુમાણ પૂરો પાડે છે.

આ વાર્તાનો પ્રસંગ ઈ. સ. ૧૮૩૫ની આસપાસ સાવરકુંડલા પાસેના સેંજળ ગામમાં બન્યો હતો. સેંજળિયા નામની નદીની બાજુમાં વસેલું ઘટાટોપ ઝાડીમાં વસેલું પાઘડીપને પથરાયેલું કાઠિયાવાડના છોગા જેવું નાનકડું, રૂપકડું ખુમાણ દરબારોનું ગામ એટલે સેંજળ.

આ ખુમાણો એટલે કાઠિયાવાડના ત્રણ પરજના કાઠી દરબારો ખાચર ખુમાણ અને વાળા. એમની એક પરજનું ઉચ્ચ કુળ જેમાં લોમા ખુમાણ, જોગીદાસ ખુમાણ જેવા અનેક નરપુંગવો પાક્યા છે. આવા અડીખમ ન રૂંવે રૂંવે ખાનદાનીના પરપોટા બાજેલા છે એવા કુળમાં સેંજળમાં સાદુળ ખુમાણ પોતાના ગામગરાસનું રક્ષણ કરી જીવતર ગુજારી રહ્યા છે. પોતે શિકારના જબરા શોખીન ને અન્યોને રંજાડતા દીપડા કે જાનવરને ભાળે તેને સાદુળ ખુમાણ પળવારમાં ભોં ભેગા કરી દે. સાદુળ ખુમાણને ત્યાં સૂરજ નારાયણે આભને ટેકો દે એવા બે દીકરાઓ દીધા ત્યારે કાઠી કુળના રિવાજ મુજબ ફઈબાએ એકનું નામ પાડ્યું કાથડ ને બીજાનું માણશિયો. બંને ભાઈઓએ કાયમ શૂરાતનનાં જ ધાવણ ધાવ્યાં હતાં. કોઈને અન્યાય થતો જુએ કે એવી વાત સાંભળે ત્યાં તો બંને ભાઈઓનાં રૂંવાડાં ઊભાં થઇ જાય. રામ-લક્ષ્મણ જેવી આ જોડીના રૂંવાડે રૂંવાડે મરદાનગી આંટો વાઢી ગઈ હતી. એવામાં એક દિવસ સેંજળના મેપા ભરવાડનું ગાડું ગામની પાસે જ મદાવાના બાવળના ડુંગર પાસે પડ્યું જેમાં એક ડાલામથ્થો નરકેસરી આવ્યો ને એક નવચંદરી ભગરી ભેંસને થાપો મારી પછાડી દીધી. જીવની જેમ ઉછેરેલી નવચંદરી પરની તરાપ મેપો થોડો સાંખી લે. એ તો તરત જ કુહાડી લઇ દોડ્યો ને સાવજને જોઈ સોય ઝાટકીને કુહાડી ફટકારી દીધી. એટલામાં ગામના લોકોનો ગોકીરો સાંભળી સિંહ મારણ પડતું મૂકીને બાવળની કાંટમાં સંતાઈ ગયો.

આ વાવડ સાદુળ ખુમાણના ડાયરામાં પહોંચ્યા કે ભરવાડે આવું પરાક્રમ કરી દેખાડ્યું. આ સાંભળી સાદુળ ખુમાણના નાના દીકરાને એમ થયું કે અરે ભરવાડ, તેં એ સિંહને જીવતો જવા દીધો. લે હું આવું છું ને સિંહને ગોતી કાઢી અધૂરું કાર્ય પૂરું કરું. માણશિયા ખુમાણે સિંહને હાકલા-પડકારા કરી બહાર કાઢ્યો ને બંદૂકની ગોળીએ ગોંડલના રાજકુમાર નટવરસિંહજીની અદાથી ઠાર માર્યો. સેંજળના માણશિયા ખુમાણની આ અડગતા ને વીરતાની વાતો કાઠિયાવાડના ચોરે ને ચૌટે રમતી મેલાણી. સરસ્વતીપુત્રોએ અને શીઘ્ર કવિઓએ તરત જ ગીત અને દુહાઓની બિરદાવલીઓ રચી કાઢી. સાદુળ ખુમાણના ડાયરામાં સિંહની વાતો ને બિરદાવલીઓ ગવાવા લાગી. આ સાંભળીને થાકેલા સાદુળ ખુમાણનો મોટો દીકરો કાથડ ખુમાણ કહે કે બાપુ, ભાઈએ બંદૂકે સિંહ માર્યો તો એમાં આ લોકો આટલાં બધાં વખાણ આપણને ફૂલવવા કરે છે કે શું? ડાયરામાં આટલું સાંભળતાં એક અળવીતરો કાઠી મહર બોલ્યા વિના ન રહી શક્યો કે સાદુળબાપુ, આપડા કાથડભાઈ તો બંદૂકને અડ્યા વિના જ તલવારથી સિંહને મારી નાખે એવા જોરાવર છે હોં.

સીધીસાદી વાતે અવળો રંગ પકડ્યો. કાઠી કુળની તમામ મરજાદને ઓળખનાર કાથડ ખુમાણ ડાયરામાં તો પોતે કાંઇ સાંભળ્યું જ નથી એમ મૂંગો રહ્યો, પણ મનમાં ગાંઠ વાળી લીધી કે કાઠી તારા વેણને સાચું ન પાડું તો સૂરજનો સંતાન નહિ. સાદુળ ખુમાણ સમજી ગયા કે આ કાઠીની અળવીતરી બોલીએ જુવાન દીકરાને વટના રસ્તે ચડાવી દીધો છે એટલે હવે તેને ક્યાંય સિંહ આવ્યાના સમાચાર પહોંચાડવા દેતા નથી, નહીંતર આ કાથડ ખુમાણ ગયા વિના રહે જ નહિ.

પણ આવી વાતોને કેટલુંક બાંધીને છાની રાખી શકાય? સેંજળમાં તો છાશવારે સિંહ આવે ને મારણ કરીને ચાલ્યા જાય. એમાં એક દિવસ સિંહ પીઠવડીની વાડીમાં દેખા દે છે ને આપા સાદુળની ગાયને મારીને મારણ ખાઈ રહ્યો છે. ગામના એક કોળીએ આ સમાચાર આપ્યા કે બાપુ સિંહ આવ્યો છે ને મારણ કરીને બેઠો છે ત્યાં તો કાથડ ખુમાણની કહુ તૂટવા માંડી. તરત જ ઊભો થયો ને ઢાલ-તલવાર હાથમાં ઉપાડી.

આ જોઈ ગાયોના ગોવાળ જીવલાને પણ થયું કે બાપુને એકલા થોડા જવા દેવાય. તે પણ કાથડ ખુમાણ સાથે હાલી નીકળ્યો. બંનેએ સિંહનો શિકાર કઈ રીતે કરવો એ નક્કી કરી લીધું. કાથડ ખુમાણ કહે કે જીવલા, તું આથમણી બાજુ રહેજે ને હું ઉગમણી બાજુ ઊભો રહીશ. જીવલાએ સાવજને પડકાર્યો, પણ સાવજ તો કાથડ ખુમાણ તરફ જ ગોળીની જેમ દોડ્યો ને ફટાક દઈ તરાપ મારી. ચપળ કાઠી બચ્ચાએ સમય પારખી ગોઠણિયાં વાળી લીધા. ડાબા હાથે ઉગામેલી ઢાલની ઉપર સિંહનો પંજો પડ્યો. કાથડે પોતાનું રક્ષણ કરી લીધું ને તમામ બળ વાપરી ઊંટનાં પાંસળાં જેવી તલવારનો ઘા કરીને સાવજની કાયા સોંસરવી કાઢી નાખી. છતાં સાવજે થોડો સામનો કર્યો ને ઢાલ મોઢામાં લઇ લીધી પણ આખરે નિષ્પ્રાણ થઇ પડ્યો. આપા કાથડ ખુમાણ પણ લોહીલુહાણ થઇ પડ્યા.

બીજી બાજુ સાદુળ ખુમાણ શિકારી સહિત આવી પહોંચ્યા. દીકરાને લોહીલુહાણ દશામાં જોઈ બોલ્યા, અરે બેટા, જાનવરે લગાડ્યું કે શું? આપા કાથડ ખુમાણ કહે, ના બાપુ, આ તો પેલા ભાગીને ભરાઈ ગયેલા સાવજનું લોહી છે તે મેં મહરમાં બોલેલા કાઠીના વેણ ખાતર શિકાર કરી બતાવ્યો છે. પછી તો આ પ્રસંગ બનતાં વળી પાછા સેંજળના ખુમાણને બિરદાવતાં કેટલાંક ગીતો ને દુહા રચાયાં હતાં.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s