ચિંતન ની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Standard

મૂડની મોમેન્ટ બહુ ઓછા
લોકો પારખી શકે છે!

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ,
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
-મરીઝ

        મૂડ બહુ મૂડી ચીજ છે. મૂડ મુહૂર્ત જોઈને આવતો નથી. એ બસ આવી જાય છે. એકદમ અણધાર્યો,તદ્દન અચાનક અને સમજાય નહીં એ રીતે એ આવી ચડે છે. મૂડની એક મસ્તી હોય છે. ક્યારેક બધું જ સારું લાગવા માંડે છે. જિંદગી સુંદર છે એવો અહેસાસ થાય છે. પ્રકૃતિનાં તમામ તત્વો પ્રેમ કરવા જેવાં લાગે  છે. હવામાં અચાનક માદકતા ફીલ થાય છે. કુમાશ ફૂલની પાંખડીમાં હોય છે કે પછી આંગળીના ટેરવામાં? મૂડ સારો ન હોય તો કોઈ નજાકત સ્પર્શતી નથી. મૂડ હોય ત્યારે બધું મસ્ત લાગે છે. મૂડને ઓળખતા જેને આવડે છે એ જિંદગીને વધુ માણી શકે છે.

       તમે મૂડ મુજબ વર્તો છો? મન થાય એવું કરી શકો છો? મૂડ સારો હોય ત્યારે મૂડને માન આપી એને અનુસરો છો? સારો મૂડ વારંવાર આવતો નથી. એક પતિ-પત્નીની વાત છે. શિયાળાની ખુશનુમા સવાર  હતી. વાતાવરણમાં ઝાકળની કુમળી જાજમ પથરાયેલી હતી. બંને કારમાં જતાં હતાં. નીકળવામાં ઓલરેડી મોડું થઈ ગયું હતું. હાઇવે પર હતાં ત્યારે પત્નીએ કહ્યું, વોટ અ બ્યૂટીફૂલ વેધર. એમ થાય છે કે  ગાડી રોકીને બહાર ખુલ્લામાં થોડીવાર ઊભું. ટાઢકને ફીલ કરું. પાંદડાં પર બાઝેલાં ઝાકળનાં બિંદુને સ્પર્શું.  બે હાથને ખુલ્લા રાખી ઊંડો શ્વાસ લઈ પ્રકૃતિને મારી અંદર ભરી લઉં. પતિએ તરત જ કાર સ્લો કરીને  સાઇડમાં રોકી. તેણે કહ્યું, કમ! પત્નીએ કહ્યું, પણ મોડું થાય છેને! પતિએ કહ્યું, હા મોડું થાય છે. પંદર મિનિટને બદલે અડધો કલાક મોડા પહોંચશું. તારો જે મૂડ છેને એ પાછો નહીં આવે. જસ્ટ કમ આઉટ, તને ખબર છે આપણને એવું લાગતું હોય છે કે આપણે વાતાવરણને ફીલ કરીએ છીએ, હકીકતે આપણે તો આપણને ફીલ કરતા હોઈએ છીએ! આપણને આપણા અસ્તિત્વનો પરિચય મળતો હોય છે. આપણે આપણી નજીક જતા હોઈએ છીએ! માણસે પોતાની નજીક જવાનો એકેય મોકો જતો કરવો ન જોઈએ!  બંનેએ કારમાંથી ઊતરીને માત્ર વાતાવરણને નહીં, પોતાને અને એકબીજાને પણ ફીલ કર્યાં.

        જિંદગીમાં મજાની મોમેન્ટ અચાનક જ આવતી હોય છે. પ્લાનિંગથી પાર્ટી થાય, પ્લેઝર તો અંદરથી ઊઠે ત્યારે મળે. એ મોમેન્ટ આવે ત્યારે વધાવી લો. એક યુવાનની વાત છે. જોબ પરથી ઘરે જતો હતો. બજારમાંથી નાની બહેન માટે આઇસક્રીમ લીધો. કાર ટ્રાફિક સિગ્નલ પાસે રોકાઈ. એક બાળક ફુગ્ગા વેચવા આવ્યું. એની નિર્દોષતા સ્પર્શી ગઈ. આઇસક્રીમનો કપ કાઢ્યો. કાઉન્ટ ડાઉન થતી ટ્રાફિક ક્લોક હજુ 56 સેકન્ડની વાર બતાવતી હતી. આઇસક્રીમની ચમચી ભરી એણે પેલા છોકરાને ખવડાવી. આઇસક્રીમનો કપ આપી તેના માથે હાથ ફેરવ્યો. એક મિનિટ કરતાં ઓછા સમયમાં બે જિંદગીએ છલોછલ જીવી લીધું. જિંદગીમાં આવી ભરતી બહુ ઓછી વખત આવતી હોય છે!

        પ્રેમનું પ્લાનિંગ ન હોય. આનંદની એપોઇન્ટમેન્ટ ન હોય. મજાની યોજના ન હોય. ઉત્સાહની રાહ ન  હોય. જિંદગી પીપીટી, પાવર પ્રેઝન્ટેશન બનાવીને જીવાતી નથી. એપોઇન્ટમેન્ટ ડાયરીમાં પોતાના માટે  એક કલાકનો સમય ફાળવો, પણ એ સમયે મજા આવે એવું જરૂરી નથી. મૂડ તો એની મરજીએ આવે છે. આવે એવો એને જીવી લેવાનો હોય છે. હમણાં નહીં એવું એને કહો તો એ ચાલ્યો જાય છે પછી નવરાં હોઈએ ત્યારે એ આવતો નથી. સંવેદનાઓ તો જ્યારે ખીલે ત્યારે એને માણી લેવાની હોય છે. દિલ ઇશારો આપે ત્યારે એને દાબી ન દો. કોઈ ક્ષણ ઉમદા લાગે ત્યારે એને મહેસૂસ કરી લો.

          પ્રેમનું પ્લાનિંગ કરવાવાળા ઘણી વખત પસ્તાતા હોય છે. પ્રપોઝ કરવાનું પણ પ્લાનિંગ ન હોય. હું તને  પ્રેમ કરું છું એવું કહી દેવાની તો એક ક્ષણ આવતી હોય છે. આંખમાં થોડીક ચમક ઊપસે,ટેરવામાં થોડીક ઝંખના ફૂટે, શ્વાસ થોડોક વધુ નાજુક થાય, આયખું એકદમ ભર્યુંભર્યું લાગે,અસ્તિત્વ એકદમ ઉજાગર હોય, શબ્દો શણગાર સજતા હોય, ધબકારાએ ગતિ પકડી હોય ત્યારે હળવેકથી કહી દેવાતું હોય છે કે હું તને પ્રેમ કરું છું, તું મને ગમે છે, તું મારી જિંદગી છે, તારું સાંનિધ્ય મને મારા હોવાની પ્રતીતિ આપે છે, તારો હાથ હાથમાં હોય ત્યારે આખું જગત જાણે મારી બાંહોમાં હોય છે. પ્રેમની કબૂલાતની ક્ષણ તો અચાનક આવે એની મજા છે. ફિલ્મોમાં બતાવાય છે એ તો બકવાસ હોય છે. ઘૂંટણીએ પડીને ફૂલ ધરીને પ્રેમ વ્યક્ત કરવાનું તો વિચારવું પડે. સાચી ક્ષણ તો બસ આવતી હોય છે. દિલ કહી દેતું હોય છે કે આ જ ઘડી છે એના દિલને સ્પર્શવાની, આ જ સમય છે વ્યક્ત થઈ જવાનો! દરેક વાતનો રાઇટ ટાઇમ હોય છે એ સાચું, પણ દરેક વખતે એ રાઇટ ટાઇમ પૂછીને નથી આવતો. એ આવે ત્યારે તેને ઓળખી લેવાનો હોય  છે અને જીવી લેવાનો હોય છે!

         પોતાની વ્યક્તિનો મૂડ પારખતા તમને આવડે છે? આપણા મૂડથી પ્રેમ થાય એના કરતાં આપણી વ્યક્તિના મૂડથી પ્રેમ થાય એ વધુ ઉમદા હોય છે. એ સાચા પ્રેમીઓ છે જેને એકબીજાના મૂડ પારખતા આવડે છે અને એકબીજાના મૂડને પેમ્પર કરતા આવડે છે. એક દંપતીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. એકબીજાને બહુ પ્રેમ કરે. જોબ પરથી એક દિવસ પતિ ઘરે આવ્યો. પત્ની મસ્ત મૂડમાં હતી.  પતિ માટે એને ગમતું જમવાનું બનાવી રાખ્યું હતું. ડોરબેલ વગાડ્યો કે તરત જ પત્નીએ દરવાજો ખોલ્યો. કહ્યું કે, તારી જ રાહ જોતી હતી. હગ કરીને કહ્યું કે તને ગમે એવું જમવાનું બનાવ્યું છે. જમીને ચક્કર મારવા જઈએ. પતિ પણ એકદમ ગળે વળગ્યો. બંને મજાથી જમ્યાં. ચક્કર મારવા ગયાં. બીજા દિવસે સવારે પતિએ પત્નીને કહ્યું કે, તને એક વાત કરવી છે. ગઈ કાલે જ ઓફિસમાં ખબર પડી કે અમારી કંપની બંધ થાય છે. જોબ જશે. પત્ની એકધારું સામે જોઈ રહી. તો પછી તેં કાલે ઓફિસથી આવીને વાત કેમ ન કરી?પતિએ કહ્યું, તું કેવા સરસ મૂડમાં હતી. તારા ચહેરા પર કેવી ખુશી હતી? હું એ મિસ કરવા માગતો ન હતો અને તારો મૂડ પણ ખરાબ કરવા માગતો ન હતો. બીજી વાત એ કે, જે થયું છે એ તો બદલવાનું ન હતું! થોડુંક મોડું કહું તો શું ફેર પડવાનો હતો? હા, કહ્યું હોત તો તારા મૂડમાં ચોક્કસ ફેર પડી ગયો હોત! તને ખબર છે, હું જે કંઈ કરું છું એ તારી ખુશી માટે તો કરું છું. તારી ખુશીની પળ શા માટે  ખરાબ કરું?

        હા, હું ઘરે આવ્યો ત્યારે ડિસ્ટર્બ હતો,પણ તારો સરસ મૂડ જોઈને હળવો થઈ ગયો. બાકી બધું તો થઈ જશે, તેં જમવાનું સરસ બનાવ્યું હતું. પત્ની એક શબ્દ ન બોલી, બસ તેને વળગી ગઈ. છેલ્લે એટલું કહ્યું, હું તારી સાથે છું. જસ્ટ રિલેક્સ બધું થઈ જશે. આવી ઘટના પ્રેમનો દુર્લભ સમય બતાવે છે. આપણે તો એવું કહી દેતા હોઈએ છીએ કે, તેં મારા મૂડની પથારી ફેરવી દીધી! સમયને પારખતા આવડે એને જ  પ્રેમને સમજતા આવડતું હોય છે.

        બર્થ ડે, એનિવર્સરી,કોઈ નાનકડી કે મોટી સફળતા, સેલિબ્રેશનનું કારણ,સરપ્રાઇઝ એ બીજું શું છે? જીવી લેવાની થોડીક તો ક્ષણો છે! એક મિત્રની વાત છે. બહુ બિઝી રહે છે એ. બહારગામ પ્રોગ્રામ્સ આપવા જવાના હોય છે. વિદેશના પણ એટલા ઇન્વિટેશન હોય છે. નવું વર્ષ શરૂ થાય અને નવી ડાયરી આવે એટલે એ સૌથી પહેલું કામ એ ડાયરીની ચોક્કસ તારીખ ઉપર ચોકડી મારી દે છે. આ દિવસે કંઈ  નહીં! પત્નીનો બર્થ ડે, એનિવર્સરી, પોતાનો બર્થ ડે,સંતાનોનો બર્થ ડે,અમુક ચોક્કસ દિવસો એ ફક્ત મારા લોકો માટે છે. ગમે એટલો ફાયદો હોય આ તારીખો કોઈના માટે નહીં, ફક્ત મારા માટે છે. એણે જે કહ્યું એ વાત મજાની હતી. આ જે તારીખો રાખું છું એ મારા લોકો માટે નથી રાખતો, પણ મારા માટે રાખું  છું. આપણે ઘણી વખત કોઈને સમય આપીએ છીએ એ જ સમય આપણે પૂરેપૂરો જીવતા હોઈએ છીએ!

        મૂડને ઓળખો. તમારા મૂડને અને તમારા લોકોના મૂડને. એ જ તો પ્રેમ છે. સમય બધુ કહીને નથી આવતો. કોઈ મિત્ર અચાનક મળી જાય ત્યારે થોડીક પળો તેની સાથે જીવી લો. બાકીનું બધું તો થવાનું જ છે. આપણે કહીએ છીએ કે કંઈ અટકતું નથી, બધું ચાલતું જ રહેવાનું છે,તો પછી આપણે કેમ આપણા લોકો માટે જ્યાં અટકવાનું હોય છે ત્યાં અટકતા નથી?

       હમણાં નહીં, બહુ બિઝી છું, કેટલાં બધાં ટેન્શન છે, હું કંઈ નવરો નથી, આવું બધું કહીને આપણે કેટલું બધું ટાળતા રહીએ છીએ? હા,ઘણી વાર નથી કરી શકતા, પણ દરેક વખતે ન જ કરી શકીએ એવું નથી હોતું. ઘણી વખત તો આપણી દાનત જ નથી હોતી. એક પતિ-પત્ની છે. બંનેએ લવમેરેજ કર્યા છે. બંને બહુ સમજુ. પત્ની એકવાર બહારગામથી ફ્લાઇટમાં આવતી હતી. તેણે કહ્યું કે હું કેબ લઈને આવી જઈશ. તું ક્યાં છેક એરપોર્ટ સુધી ધક્કો ખાઈશ! એરપોર્ટ પર આવી ત્યારે એનો હસબન્ડ ફૂલ લઈને સામે ઊભો  હતો! પત્ની એને જોઈને ખુશ થઈ ગઈ. તેણે કહ્યું કે મેં ના પાડી હતીને? પતિએ કહ્યું,હા તેં આવવાનું તો નહોતું કહ્યું, પણ મને એક વાત યાદી આવી ગઈ. તારી સાથે પ્રેમમાં હતો ત્યારે બસો કિલોમીટર ડ્રાઇવ કરીને તને મળવા આવતો અને આવા મોકાની રાહ જોતો હતો. હવે તને લેવા આવવામાં મને ટ્રાફિક નડે છે? બસ આ જ વિચારે નીકળી પડ્યો!

          આપણે ઇચ્છીએ તો પ્રેમ જીવતો રહે. પ્રેમ જૂનો થતો નથી,આપણે એને જૂનો કરી દેતા હોઈએ છીએ. જૂનો થતો જતો પ્રેમ ક્યારે વાસી થઈ જાય છે એની સમજ નથી પડતી. મૂડ મુજબ પણ જિંદગી જીવવી જોઈએ. કદાચ એ જ સાચી જિંદગી હોય છે. ફૂલ આપણે ઇચ્છીએ ત્યારે ન ખીલે, એ તો ખીલે ત્યારે જ એને માણી લેવાનું હોય છે. પ્રેમનું પણ આવું જ હોય છે. વરસવાનું મન થાય ત્યારે વરસાદની રાહ ન જોવાની હોય, ઘણા વરસાદ તો અંદરથી ઊઠતા હોય છે. આપણને બસ એટલો અંદાજ હોવો જોઈએ કે વ્હાલનાં વાદળ બંધાઈ ગયાં છે!

◆ છેલ્લો સીન :
જીવી લેવા જેવી ક્ષણો પૂરેપૂરી જીવી લેવાય એ જ જિંદગી છે!        –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

✍લેખક – કૃષ્ણકાંત ઉનડકટ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s