ભગવાનની દુનિયા – ચંદ્રકાંત બક્ષી

Standard

હું ભગવાનને જોતો રહ્યો. એ એક મોટા ઉંદરને પાંજરાંમાંથી બહાર કાઢીને સુવડાવીને એની પીઠ પર પોતાની કોઢવાળી જાડી આંગળીઓ ફેરવી રહ્યો હતો. ઉંદર, પાળેલા જાનવરની જેમ શાંત હતો.

રિસર્ચ લેબોરેટરીમાં પ્રવેશતાં પહેલાં રિસેપ્શનના કાચના મોટા ક્યુબીકલમાં જઈને નામ લખાવી દેવું આવશ્યક હતું. અંદર બે ટેબલો પર બે માણસો બબ્બે ટેલિફોન લઈને બેઠા હતા અને પબ્લિક માટે ખૂણામાં એક પબ્લિક ટેલિફોન પણ હતો. એક સરદાર હતો, બીજો દક્ષિણ ભારતીય ખ્રિસ્તી જેવો લાગતો હતો.

એક ટેબલ પાસે જઈને હું ઊભો રહ્યો, ‘મારું નામ છે વ્યાસ… અને મારે ડૉક્ટર નિંજુરને મળવું છે.’

રિસેપ્શનવાળા ખ્રિસ્તી જેવા માણસે સામે પડેલું રજિસ્ટર જોયું, અને આજના મુલાકાતીઓનાં નામો જોવા લાગ્યો. તરત જ મેં મારા નામ પર આંગળી મૂકી – ‘આ રહ્યું મારું નામ! મેં આગળથી અપોઈન્ટમેન્ટ લઈ રાખી છે.’

‘બેસો.’

એણે ડૉક્ટર નિંજુરને ફોન જોડયો – ‘એ વિઝિટર ફોર યૂ, સર…! યેસ સર…!…’ પછી એણે રિસીવર મને આપતાં કહ્યું, ‘ટોક ટૂ ડૉક્ટર નિંજુર!’

‘હું વ્યાસ બોલું છું.’

‘કેટલી વાર થઈ?’

‘બસ – હમણાં જ આવ્યો.’

‘અચ્છા, યૂ વેઈટ…! હું લેબોરેટરીની બસમાં આવું છું… પછી ઉમેર્યું, ‘તું નિરાંતથી બેસજે વ્યાસ, મને અમારી મિનિ બસમાં આવતાં દસેક મિનિટ થશે ખરી!”

‘ઈટ્સ ઑલ રાઈટ…! ટેઇક યોર ઓન ટાઇમ…!’

મેં એક સિગારેટ પૂરી કરી ત્યાં મિનિ બસ આવતી જોઈ. સ્ત્રી-પુરુષો ઊતર્યાં, પછી ડૉક્ટર નિંજુર ઊતર્યો. દૂરથી વેવ કર્યું, હું કાચની દીવાલમાંથી જોઈ શક્યો. મેં પણ વેવ કર્યું.

‘હાય -!’ અંદર આવીને એ બોલ્યો.

‘હાય!’

‘પણ… તું કેમેરા લાવ્યો નથી?’

‘આજે માત્ર જોઈ લેવાનો વિચાર છે. કેમેરા-વર્ક પછી આવીને કરીશ.’ મેં કહ્યું.

‘અચ્છા, કમ ઓન!’ આ જ મિનિ બસમાં આપણે બેસી જઈએ. નહીં તો… એને પાછી આવતાં ફરી દસ મિનિટ થશે.

‘ચાલ.’

હું અને નિંજુર કાચના ક્યુબીકલમાંથી નીકળીને કર્બ પાસે ઊભેલી મિનિ બસમાં ચડી ગયા. સીટ પરથી, બારીની બહાર સરોવર અને ફેલાયેલા પર્વત દેખાઈ રહ્યા હતા. ડ્રાઈવર સિગારેટના બે ઝડપી કશ ફૂંકીને પગ નીચે સિગારેટ દબાવીને, ફરીથી આવીને એની સીટ પર બેસી ગયો. મોઢું ફેરવીને બસની અંદર જોતાં એણે ગિયર બદલ્યું.

નિંજુરે પૂછ્યું, ‘તું સ્ટુડિયો પરથી જ આવ્યો છે!’

‘હા, ઘેરે જવાનો ટાઇમ જ રહ્યો નહીં. પછી’ – ‘અહીં તમારે સખ્ત સિક્યુરિટી રાખવી પડે છે?’

‘રાખવી જ જોઈએ.’ દૂર સરોવરમાં બનાવેલા લાકડાના પ્લેટફોર્મ તરફ જોતાં એ બોલ્યો, ‘રિસર્ચ લેબોરેટરી છે!’

હું બારી બહારનો પાણીનો વિશાળ પટ, તડકામાં ચમકતો અને શાંત, જોઈ રહ્યો. હવામાં ઠંડક અને થોડી સનસનાહટ હતાં. ડાબી તરફના ઊંચા ડુંગરના ઢાળ પર કાપી નાખેલાં જંગલી વૃક્ષોનાં ઠૂંઠાં સ્પષ્ટ દેખાતાં હતાં – કદાચ વાહનવ્યવહારના માર્ગમાં એમની ડાળીઓ આડી આવી જતી હશે અને પાનખરમાં ખરતાં પાંદડાંઓની સફાઈનો પ્રશ્ન પણ રહેતો હશે.

‘અચ્છા, વ્યાસ! તારે કેટલું શૂટિંગ કરવું છે?’

‘ફિનીશ્ડ… હજાર ફીટ જેટલું લગભગ.’

‘અને ખાસ -?’

‘ખાસ કંઈ નહીં. લેબોરેટરીમાં તો કેમેરા-વર્કની મને રજા પણ નથી. અને મારે માત્ર વૈજ્ઞાાનિક વાતો નથી કરવી. અહીં કામ કરતા માણસો, એમની દુનિયા, એમનું જીવન – એ બધું આવવું જોઈએ. એ ન આવે તો પણ વાંધો નથી. મને એક જ વૈજ્ઞાાનિક કે ચપરાસી કે લિફ્ટ બોયમાં રસ પડે તો હું માત્ર એને જ શૂટ કરું. એકાદ સસલા જેવી સુંવાળી લેબ-એસિસ્ટન્ટ દેખાઈ જાય તો… આપણે એની પણ ફિલમ ઉતારી શકીએ!’

‘સાલા…!’

‘ઈટ હેઝ ટુ બી હ્યુમન…! તદ્દન ડોક્યુમેન્ટરી જેવું ન બનવું જોઈએ.’

‘સમજી ગયો.’ નિંજુર જરા વિચાર કરીને બોલ્યો.

મિનિ બસ એક ચૌરાસ્તા પર ઊભી રહી ગઈ. આસપાસ અદ્યતન મકાનો, લાંબાં, ઊંચાં, વર્તુળાકાર, કાચ અને ક્રોમીઅમની ચમક અને વિજ્ઞાાનની કિટાણુ રહિત તીવ્રતાવાળાં…

અમે ઊતરી ગયા.

‘ચાલ, પહેલાં મારી લેબમાં -‘

હું નિંજુરની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એકાએક એણે અટકીને મને કહ્યું, ‘વ્યાસ! તને જે પાસ આપ્યો છે એ છે ને? નહીં હોય તો… બહાર નીકળવા માટે કલાકની વિધિ કરવી પડશે!’

નિંજુરે એની લેબમાં એની બે એસિસ્ટન્ટોની ઓળખાણ કરાવી, કોફી પાઈ, પછી ફોન જોડયો. ફોન એંગેજ્ડ આવતો હતો એટલે રિસીવર ક્રેડલ પર મૂકીને કહ્યું, ‘મારી ઈચ્છા એવી છે કે આપણે પહેલાં બેઝમેન્ટથી શરૃ કરીએ – પણ એક વાત : તું જરા ગંધ સહન કરી શકશે ને?’

‘એટલે? વોટ ડુ યૂ મીન?’

‘આઈ મીન… વ્યાસ, બદબૂ. બહુ નહીં હોય, પણ હશે ખરી.’

‘કેમ? તું મને નર્કમાં લઈ જવા માંગે છે?’

‘નર્કમાં નહીં, પૃથ્વી પર. નીચે એક જુદી દુનિયા છે – અને એ તારે જોવી જોઈએ.’

‘બેઝમેન્ટમાં છે?’

‘હા, ત્યાં અમારું એનિમલ-ફાર્મ છે! અમારી લેબોરેટરીઝ માટે અમારે જે જાનવરોની જરૃર પડે છે એ અમે નીચેથી મંગાવી લઈએ છીએ. પણ ત્યાં આવું બધું નથી -‘ નિંજુરે એની લેબમાં નજર ફેરવતાં કહ્યું, ‘આ તો સ્વર્ગ છે. અહીં તો – એણે સ્વર જરા ધીમો કરી નાંખ્યો, ‘અપ્સરાઓ પણ છે… નીચે પૃથ્વી પર દસ હજાર પ્રાણીઓ છે – ઉંદરો!”

‘એટલે તું મને તારા ઉંદરો બતાવવા માંગે છે?’

‘એ ઉંદરો પર તો અમારી લેબોરેટરી ચાલે છે, યાર…! જોવા જેવું છે. બહુ મોટો વિસ્તાર છે. એક એક પાંજરું, એમાં એક એક પરિવાર, એ બધાંને ખાવા-પીવાનું આપવાનું. રોજ એમનો ખ્યાલ રાખવાનો, રેકર્ડ રાખવાનો. જન્મથી મરણ સુધી એકેએક જાનવરનો રેકર્ડ રાખવાનો – જન્મ્યા પહેલાં નર અને માદાનો રેકર્ડ રહે. પછી એના પોસ્ટમોર્ટમનો રેકર્ડ રાખવાનો!’ નિંજુર હસ્યો – ‘સાલી એક વિચિત્ર દુનિયા છે. બહારવાળાને અમે અંદર પણ જવા દેતા નથી!’

હું જરા વિચારમાં પડી ગયો.

‘ઓ.કે.’

નિંજુરે ફોન કર્યો. આ વખતે લાઈન મળી ગઈ – ‘ચાલ!’

નીકળતાં નીકળતાં એણે એક અપ્સરાને બોલાવીને કહ્યું, ‘મેનકા! હું અને વ્યાસ બેઝમેન્ટમાં છીએ. જરૃર પડે તો જ ફોન કરજે, નહીં તો મેસેજ લઈ લેજે!’

‘રાઇટ, સર!’ મેનકાએ કહ્યું.

ખોવાઈ જવાય એવી લોબીઓ અને રેઇલિંગો, નાની નાની એકદમ સાફ સીડીઓ જેમાંથી ડીસઈન્ફેકટન્ટની તેજ વાસ આવતી હતી. સફેદ વ્હાઇટ-વોશ કરેલી સામસામી દીવાલો, સફેદ ઓવરઓલ પહેરીને ઝપાટાબંધ જઈ રહેલા બુદ્ધિશાળી માણસો, આંખોને ધક્કો મારે એવી સ્વચ્છતા અને સફેદી, અને ક્યાંક ક્યાંંકથી લિફ્ટના અવાજો.

નિંજુર ગાયબ ન થઈ જાય એ તકેદારીથી હું એની પાછળ ચાલતો ઊતરતો રહ્યો. એ વાત કર્યા વિના ઝડપથી ચાલતો હતો. છેવટે એક લિફ્ટમાં પ્રવેશીને એણે કહ્યું, ‘હવે આપણે આવી ગયા છીએ.’

લિફ્ટ ઊભી રહી, અમે બહાર નીકળ્યા. એક કાચનું બારણું ખોલીને પ્રવેશ્યા, સફેદ ઓવર-ઓલ પહેરેલા કર્મચારીઓ ટ્રોલીઓ લઈને લોબીમાં આવજા કરતા હતા. એણે એક છોકરાને પૂછ્યું, ‘સાહબ ક્યાં છે?’

‘ત્રણ નંબરમાં.’

ત્રણ નંબરની રૃમનું બારણું ખોલીને અમે બંને પ્રવેશ્યા. મોટા રૃમમાં ચારે તરફ પાંજરાં ગોઠવેલાં હતાં અને વાસ – નિંજુરે કહી હતી એ વાસ – નસકોરાંઓમાં થઈને ફેફસાંઓ સુધી ઘૂસી ગઈ. સામે ટેબલ પર બેઠેલા માણસે સ્મિત કર્યું. એક કાળો માણસ જાડાં ચશ્માં, સફેદ ઓવર-ઓલ, ટેબલ પર ગોઠવેલી આંગળીઓ અને પંજાનો અમુક ભાગ કોઢને લીધે તદ્દન સફેદ અને વાંકા દાંત…

‘આ મારો દોસ્તો છે, વ્યાસ! મેં તને એના વિષે બધી માહિતી આપી દીધી છે… અને,’ મારા તરફ મોઢું ફેરવીને, ‘આ છે અમારો ભગવાન! અમારું એનિમલ-ફાર્મ એના હાથમાં છે. અહીંની દુનિયામાં જન્મથી મૃત્યુ સુધી બધું એના હાથમાં છે. હી ઈઝ એન ઓથોરિટી ઓન હિઝ સબ્જેક્ટ…!’

મેં કોઢવાળી જાડી આંગળીઓ સાથે હાથ મિલાવ્યા.

‘મેં એમનું નામ મિસ કર્યું.’ મેં નિંજુર તરફ જોયું, પ્રશ્નાર્થ.

‘એનું નામ કેમ મિસ થાય? એનું નામ છે ભગવાનસિંઘ, પણ અમે બધા એને ભગવાન કહીએ છીએ.’

અમે ત્રણે સાથે ખડખડાટ હસી પડયા.

લાકડાના એક કબાટમાંથી ભગવાને બે સફેદ જાડા, કપડાના લાંબા કોટ કાઢ્યા. એક નિંજુરે પહેર્યો, બીજો મેં એને જોઈને પહેરી લીધો. ચેપ ન લાગે એ માટેની આ વિધિ હતી. આખું બેઝમેન્ટ એરકન્ડિશન્ડ હતું અને દસ હજાર જાનવરોની વાસથી અહીંની હવા ભીની અને તીવ્ર અને બોઝિલ મહેસૂસ થઈ રહી હતી. વર્તુળાકાર લોબી હતી. વચ્ચે મોટા મોટા રૃમો હતા જેમાં ગોઠવેલાં પાંજરાંઓમાં જાનવરો હતાં અને એક જ જેવા લાગતા કર્મચારીઓ, કપડાં સફેદ ગોળાકાર ટોપીઓવાળી વરદીઓ પહેરીને કામ કરતા નજર આવી રહ્યા હતા.

અહીં એક જ દિશામાંથી જવાનું હતું. જ્યાંથી પસાર થઈએ ત્યાં પાછા આવવાનો નિયમ ન હતો, ભગવાને સમજાવ્યું.

પછી એણે આગળ ચાલતાં કહેવા માંડયું, ‘વર્ષે પચાસ હજાર રૃપિયાના અમારે ઘઉં ખરીદવા પડે છે.’ ખાદ્યભંડારમાં ચાર મોટાં મશીનો ઉંદરો માટે ખોરાક તૈયાર કરી રહ્યાં હતાં. ‘આ સિવાય ચણા અને બીજો સામાન’

અમે બહાર નીકળ્યા, મને થતું નિંજુરને કહું કે આ બધું જોવામાં મને બહુ રસ નથી, પણ ભગવાનને જોઈને હું ચૂપ રહ્યો.

બીજા કમરામાં પ્રવેશીને અમે ઊભા રહી ગયા. એક માણસ એક પાંજરું ખોલીને નાના નાના સફેદ ઉંદરોને ગરદનની ચામડી પકડીને નંબરો આપી રહ્યો હતો. એની સામે ટેબલ પર, બસ-કંડ્કટરો ટિકિટો પંચ કરવા માટે હાથમાં રાખે છે એવું એક પંચ પડયું હતું અને એક કાતર હતી. એણે પકડેલા ઉંદરના એક કાનમાં પંચ કરીને કાણું પાડયું, પછી કાતર લઈને આગળના એક પગનો બીજો નખ અને પાછલા પગના છેલ્લા નખો કાપી નાંખ્યા. દબાયેલા ચિત્કાર કરતા ઉંદરને પકડીને ભગવાને કહ્યું,

‘આ અમારી નંબર આપવાની રીત છે. આ ઉંદર હવે ગમે તે પાંજરામાં હોય અમે એને એના પાંજરામાં મૂકી શકીએ – કાન પંચ કર્યો એટલે એક હજાર, આ બીજો નખ કાપ્યો એટલે બસો અને પાછલા પગના નખ એટલે સોની અંદરના આંકડા. હવે આ નંબર આ ઉંદર મોટો થઈને મરશે ત્યાં સુધી એની સાથે રહેશે.

‘ પછી ભગવાને પાંજરાની બહાર લટકતું કાર્ડ બતાવીને સમજાવવા માંડયું, ‘આમાં બધી માહિતી છે. નરનો નંબર ખઠ ૩૬૫૨ છે. માદા ખરૃ ૪૨૧૭ છે. આ માદાનું આ બીજું લિટર છે. પહેલી વાર એને આઠ બચ્ચાં થયાં હતાં, ચાર નર અને ચાર માદા. આ વખતે દસ થયાં છે, છ નર અને ચાર માદા. આ પહેલા લિટરની તારીખ, પછી બીજી વારના પ્રસવની તારીખ અને વિગતો છે.

દરેક બચ્ચાનું જુદું ફાઈલ-કાર્ડ છે, પૂરી વિગતો સાથે.’ એક ફાઈલમાંથી એણે કાર્ડ કાઢ્યું અને સમજાવવા માંડયું, ‘આ અમેરિકાનું સ્ટ્રેઈન છે. છઠ્ઠે મહિને આ ઉંદરને કેન્સર થવું જ જોઈએ. ન થાય તો આ સ્ટ્રેઇન નકામું કહેવાય. મરી ગયા પછી ઉંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને રિપોર્ટ આમાં ફાઈલ થશે. દરમ્યાન લેબોરેટરીમાં જરૃર પડશે તો અમે અહીંથી સપ્લાય કરીશું.’

‘આ બધા કેન્સરના ઉંદરો છે?’

‘હા, અહીં લ્યુકેમિયા, બ્રેસ્ટ કેન્સર અને કેન્સરના છે.’

પાંજરાઓમાં નાના-મોટા સેંકડો ઉંદરો હતા, ભૂખરા અને સફેદ. પ્લાસ્ટિકની એક ટયૂબ પાંજરાની અંદર સુધી જતી હતી જેમાંથી ઉંદરો પાણી પી શકતા હતા. બીજી વ્યવસ્થા એક પતરાના ઢાળ પરથી ખોરાકનો ભૂકો અંદર સરક્યા કરવાની હતી. દરેક પાંજરામાં ઉંદરો સરકતા ખોરાકને બટકાં ભરવાની કોશિશો કરી રહ્યા હતા.

‘આ સ્ટ્રેઈન બદલાઈ જાય તો? અથવા એમાં દાસ-બ્રીડિંગ થઈ જાય તો?’ મેં પૂછ્યું.

ભગવાનના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું, અહીંની સૃષ્ટિના કોઈ નિયમભંગની જેમ. એ બોલી ઊઠયો, ‘એમ બને જ કેવી રીતે? અહીં અમે ભાઈ અને બહેનને જ મેટિંગ કરાવીએ છીએ અને એમાંથી નવી પ્રજા પેદા થતી રહે છે.

એટલે સ્ટ્રેઈન સો ટકા બરાબર જ રહે. અમારી પાસે સફેદ, ગુલાબી, ભૂખરા, કાળા ઘણા બધા સ્ટ્રેઈન છે. બધાની પ્રજાઓ જુદી જ રહેવાની. બીજી વાત એ કે જો આ ઉંદરને પાંજરાની બહાર પણ મૂકો તોપણ એ ભાગવાના નહીં, કારણ કે એ જન્મ્યા છે આ પાંજરામાં અને મરવાના પણ આ પાંજરામાં… એટલે એમને સ્વતંત્ર થઈને પાંજરાની બહાર નીકળી શકાય એ ખબર જ નથી.

એમનો સ્વભાવ જ નથી. એમનો એક કેસ પણ એવો બનતો નથી – એકેએક જાનવરનું કાર્ડ છે, ફાઈલ છે, ઈતિહાસ છે, નંબર લગાવી દેવામાં આવે છે – તમે જોયું! એમને પેટ ભરીને સ્ટરીલાઈઝ્ડ ખાવાનું અપાય છે, પાણી અપાય છે, પાંજરાની બહાર નીકળવાનું કોઈ કારણ નથી – સિવાય કે લેબમાં પ્રયોગ માટે જરૃર પડે…’ ભગવાન હસવા લાગ્યો, ‘આ તો દુનિયાના સુખીમાં સુખી ઉંદરો છે. એમની પાછળ અમે વર્ષે લાખો રૃપિયાનો ખર્ચ કરીએ છીએ…!’

નિંજુરે ઉમેર્યું, ‘વ્યાસ, ભગવાનને સસલાં કે ગીનીપીગ કરતાં ઉંદર વધારે ગમે છે. કારણ કે ઉંદર એક સાથે ચૌદ બચ્ચાં પણ આપે છે જ્યારે ગીનીપીગ એક પ્રસવમાં માત્ર ત્રણ જ જન્મે અને એ પણ બે પ્રસવોની વચ્ચે સમય પણ વધારે લાગે છે! અને ગીનીપીગને પાંજરાં મોટાં જોઈએ, જગ્યા ઘણી રોકે, ખાવા પણ વધારે જોઈએ. ઉંદરોને માટે એક જ સાઇઝનાં આવાં પાંજરાં હોય તો આઠ-દસ એક સાથે રહી શકે. એમનું લિટર પણ જલદી આવે છે. અમારું એનિમલ-ફાર્મ બહુ પ્રખ્યાત છે. ભગવાનના ઉંદર એક્સપોર્ટ પણ થાય છે.’

હું ભગવાનને જોતો રહ્યો. એ એક મોટા ઉંદરને પાંજરાંમાંથી બહાર કાઢીને સુવડાવીને એની પીઠ પર પોતાની કોઢવાળી જાડી આંગળીઓ ફેરવી રહ્યો હતો. ઉંદર, પાળેલા જાનવરની જેમ શાંત હતો.

‘આ લોકો પણ જે આંગળીઓ ખવડાવે છે એને બરાબર ઓળખી જાય છે.’ ભગવાને સંતોષથી કહ્યું.

નિંજુરની લેબમાં આવી ગયા છતાં નાકમાંથી બેઝમેન્ટની દુનિયાની વિચિત્ર ગંધ-ઉંદરોનાં શરીરોની, ખોરાકની, વિષ્ટાની, ભગવાનની – ખસતી ન હતી.

‘આપણે કોફી પીને હવે લેબ્ઝ જોઈ લઈએ.’ નિંજુરે કહ્યું.

‘નહીં યાર, હવે મારે લેબ્ઝ જોવી નથી.’

‘કેમ? કેમ?’

‘એટલા માટે કે મારે જે ફિલ્મ ઉતારવી છે એનો સામાન મને મળી ગયો છે. મારે હજારેક ફીટ જોઈએ. નવસો હશે તોપણ ચાલશે. ફિલ્મ સ્લો ફેરવીશું તો એટલો જ સમય લાગશે. શરૃમાં થોડા મોન્તાઝ શોટ્સ વાપરીશું. બાકી આ ભગવાનની દુનિયા બહુ મોટી છે. એને પ્રશ્નો પૂછીશ અને બાકી શૂટિંગ કરી લઈશ. અફલાતૂન કામ થવાનું અને ડોક્યુમેન્ટરી જેવું બનવાનો હવે કોઈ જ સંભવ નથી.’

નિંજુર જોઈ રહ્યો.

‘સાલા – તું ક્રેઝી થઈ ગયો છે, અમારા ભગવાનની જેમ. તારે લેબ્ઝ જોવી નથી?’

‘જોઈશ. પણ મારું શૂટિંગ હું બેઝમેન્ટમાં જ કરવાનો છું.’

દરમ્યાન કોફી આવી અને મેનકા આવી. મેનકાએ બધાની કોફી બનાવવા માંડી. એની રેશમી આંગળીઓ હું જોતો રહ્યો.

ગમ્યું.

લેખકનો પરિચય

ચંદ્રકાંત બક્ષી

જન્મ : ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨

નિધન : ૨૫ માર્ચ, ૨૦૦૬

ગુજરાતના અસંખ્ય વાચકોના લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીનો જન્મ ૨૦મી ઓગસ્ટ, ૧૯૩૨માં પાલનપુરમાં થયો હતો. કોલકાત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે બી.એ.નો અભ્યાસ કર્યો હતો. એ પછી એમ.એ. અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. બક્ષીબાબુ ૭૦ના દશકામાં મુંબઈ સ્થાઈ થયા હતા. ઈતિહાસના અધ્યાપક તરીકે કારકિર્દી શરૃ કરવાની સાથે સાથે તેમનો નાતો લેખન સાથે જોડાયો હતો.

લેખનશૈલી અને  વિષય વૈવિધ્યના કારણે તેમણે ગુજરાતી લેખનમાં આગવો વાચકવર્ગ મેળવ્યો હતો. વિવિધ અખબારોમાં આવતી તેમની કોલમોએ અપાર લોકચાહના મેળવી હતી. તેમના લગભગ ૨૦૦ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેમાં ઈતિહાસ પરના પુસ્તકો : મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. ‘પડઘા ડૂબી ગયા’, ‘પેરેલિસિસ’, ‘અયનવૃત્ત’ સહિત તેમણે લગભગ ૨૬ નવલકથાઓ સર્જી હતી.

તેમના ૧૫ જેટલાં ટૂંકી વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા હતા.  ૬ રાજકીય વિશ્લેષણાત્મક પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનના પુસ્તકો પણ લોકપ્રિય નીવડયા હતા. ‘ગુજરાત સમાચાર’માં બક્ષીબાબુ ‘વાતાયન’ અને ‘સ્પિડબ્રેકર’ નામની કોલમ લખતા હતા.
– ચંદ્રકાન્ત બક્ષી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s