યજુર્વેદ પરિચય

Standard

ચાર વેદોમાં ઋગ્વેદ  પછી યજુર્વેદ નું સ્થાન છે.
વાયુપુરાણ તો યજુર્વેદને ઋગ્વેદથી પણ જુનો કહે છે.
એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે.

આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય  ——

૧  યજુર્વેદ પરિભાષા :

યજુર્વેદનાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે.
આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ ‘યજ્ઞ’ થાય છે.
પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે.
બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે.
આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે.
આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ.

૨ યજ્ઞનું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે :
યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે.
આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે.

યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે.
એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે.
બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે જેમ કે અગ્નિહોત્રાદિ યજ્ઞો.
આ લૌકિક યજ્ઞનું મૂળ સૂત્ર એ છે કે પોતાના અધિકારમાં રહેલી વસ્તુને દેવકાર્ય અથવા લોકકલ્યાણ માટે સમર્પિત કરી દેવું.

યજ્ઞનું પ્રતિપાદન કરનારા યજુર્વેદનાં મંત્રોમાં કોઈ જગ્યા એ યજ્ઞમાં હિંસા/પશુવધ/ પશુબલિ કરવાનું કહેવામાં આવ્યું નથી.
કારણ કે યજ્ઞ ને ” अध्वरः ” = હિંસા રહિત કહેવામાં આવ્યાં છે.
પરંતુ કેટલાક વિદ્વાનો એ યજુર્વેદનાં મંત્રોના અમુક શબ્દોનાં અર્થ જુદી રીતે રજુ કરીને યજ્ઞને હિંસાયુક્ત બતાવ્યા છે જે સર્વથા અયોગ્ય છે, અવૈદિક છે.
અને આના આધારિત યજ્ઞો પણ થાય છે જેને યજ્ઞ કહી જ ન શકાય.
(યજ્ઞનાં વાસ્તવિક સ્વરૂપ અંગેની વિશેષ ચર્ચા વિસ્તૃત લેખમાં કરીશું.)

યજુર્વેદનાં મંત્રોનું સ્વરૂપ : ———–

યજ્ઞ સંબંધિત યજુર્વેદનાં મંત્રો ગદ્ય સ્વરૂપમાં છે. ગદ્ય એટલે ચોક્કસ શબ્દોની બાંધણી વગરનું. આથી જ યજુર્વેદનાં મંત્રો ને ” गद्यात्मको यजु:
अनियताक्षरावसानो यजु: ” = જેમાં અક્ષરોની સંખ્યા નક્કી નથી એવું એટલે કે છંદોનાં બંધારણ વગરનું એવા કહેવામાં આવ્યા છે.

જો કે ગદ્યાત્મક સ્વરૂપ હોવા છતાં યજુર્વેદમાં ઋગ્વેદનાં૬૬૩ મંત્રો યથાવત રહેલાં છે,
આ ઉપરાંત શુકલ યજુર્વેદનો ૪૦મો અધ્યાય એટલે કે ઈશાવાસ્યોપનિષદનાં ૧૭ મંત્રો પણ પદ્યાત્મક છે.

૩ યજુર્વેદની બે પરંપરા – કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ :

યજુર્વેદનાં મુખ્ય ઋષિ વૈશમ્પાયન છે, વૈશમ્પાયને તેમનાં શિષ્યોને યજુર્વેદનું અધ્યયન કરાવ્યું હતું.
યજુર્વેદની બે પરંપરા છે – બ્રહ્મ સંપ્રદાય અથવા કૃષ્ણ યજુર્વેદ અને આદિત્ય સંપ્રદાય અથવા શુકલ યજુર્વેદ.
બ્રહ્મ સંપ્રદાયમાં એટલે કે કૃષ્ણ યજુર્વેદ પરંપરામાં યજુર્વેદનાં વેદમંત્રો ઉપરાંત યજુર્વેદનાં બ્રાહ્મણગ્રંથો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આદિત્ય સંપ્રદાયમાં એટલે મેં શુકલ યજુર્વેદ પરંપરામાં બ્રાહ્મણ ગ્રંથો ના મિશ્રણ વગરનાં માત્ર યજુર્વેદનાં વેદમંત્રો ને જ સંહિતામાં સ્થાન આપવામાં આવ્યું છે.
શુકલ યજુર્વેદ સંહિતાનાં ગ્રાથાનકર્તા વૈશમ્પાયનનાં શિષ્ય યાજ્ઞવલ્ક્ય છે.
યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને “વાજસનેયી સંહિતા” પણ કહેવામાં આવે છે.

યજુર્વેદનાં આ બે ભાગો અંગે આચાર્ય મહિધરે શુકલ યજુર્વેદ પર ભાષ્ય લખતાં પહેલાં ભૂમિકામાં પ્રાચીન આખ્યાન વર્ણવ્યું છે-
એક વાર વૈશમ્પાયન પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્ય પર ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્ક્યે અધિત કરેલું
યજુર્વેદ વમન કરવાં કહ્યું.
વૈશમ્પાયનનાં શાપથી ભયભીત થઇને  યાજ્ઞવલ્ક્યે યજુર્વેદનું વમન કર્યું.
વૈશામ્પાયનની આજ્ઞાથી અન્ય શિષ્યો એ યાજ્ઞવલ્ક્યે વમન કરેલ યજુર્વેદનું તિત્તિર પક્ષી બની ભક્ષણ કર્યું.
તે કૃષ્ણ યજુર્વેદ કહેવાયો.
દુઃખી થયેલા યાજ્ઞવલ્ક્યે સૂર્યની ઉપાસના દ્વારા યજુર્વેદ મંત્રોનાં દર્શન કર્યા.
ત્યારબાદ તેને સંહિતાનું સ્વરૂપ આપ્યું તે શુકલ યજુર્વેદ કહેવાયો.

૪ યજુર્વેદની શાખાઓ  ———

મુખ્ય વેદસંહિતા માંથી તેની અલગ અલગ શાખાઓ-સંહિતાઓ કેવી રીતે બને છે એ તો ઋગ્વેદમાં આવી ગયું છે !!!
કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ બંનેની મળીને ૧૦૧ શાખાઓ હતી.
આમાંથી૮૬ શાખા કૃષ્ણ યજુર્વેદની હતી અને ૧૫ શાખા શુકલ યજુર્વેદની હતી.
પરંતુ સમય જતાં બંનેની સંહિતાઓ કોઈ કારણસર ઘટતી ગઈ નાશ થતી ગઈ,
એમ અત્યારે કૃષ્ણ યજુર્વેદની ૪ શાખાઓ રહી છે
અને શુકલ યજુર્વેદની માત્ર ૨ શાખાઓ રહી છે.

૫ કૃષ્ણ યજુર્વેદની ચાર સંહિતાઓ-શાખાઓ :

તૈત્તેરીય સંહિતા :

તૈત્તેરીય સંહિતા કૃષ્ણ યજુર્વેદની મુખ્ય સંહિતા શાખા છે.
યાજ્ઞવલ્કયે વમન કરેલ યજુર્વેદને વૈશમ્પાયન ઋષિનાં શિષ્યો એ તિત્તિર પક્ષી બની ને ભક્ષણ કર્યું
આથી કૃષ્ણ યજુર્વેદની આ મુખ્ય સંહિતા શાખા તૈત્તેરીય સંહિતા નામ થી ઓળખાય છે.
તૈત્તેરીય સંહિતામાં ૭ કાંડ છે અને ૧૮૦૦૦ મંત્રો છે.
મુખ્ય વિષય યજ્ઞવિષયક કર્મકાંડ છે.
કૃષ્ણ યજુર્વેદની આ તૈત્તેરીય સંહિતા પરિપૂર્ણ સંહિતા છે.
આ શાખાનું સંપૂર્ણ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે.
આ શાખાનો પ્રચાર અને વિસ્તાર આંધ્ર અને દ્રવિડ તેમજ મહારાષ્ટ્રનો અમુક ભાગમાં થયો હતો.

આ ઉપરાંત મૈત્રાયણી સંહિતા, કઠ સંહિતા, કાપિષ્ઠલ કઠ સંહિતા અને શ્વેતાશ્વતર સંહિતા એમ ચાર શાખાઓ છે.
આમાંથી  શ્વેતાશ્વતરનું માત્ર ઉપનિષદ જ ઉપલબ્ધ છે બાકી બધી શાખા સંપૂર્ણ છે.

૬ શુકલ યજુર્વેદ સંહિતા – વાજસનેયી સંહિતાની બે શાખાઓ :

શુકલ યજુર્વેદનાં મંત્રદ્રષ્ટા અને ગ્રથનકર્તા ઋષિ યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને “વાજસનેયી સંહિતા” પણ કહેવામાં આવે છે.
શુકલ યજુર્વેદની બે શાખાઓ છે :
માધ્યન્દિન સંહિતા શાખા અને કાણ્વ સંહિતા શાખા.
આ બન્ને શાખાઓનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારતમાં થયો હતો.
બંને શાખામાં કોઈ ખાસ ભેદ નથી કે કોઈ વિરોધાભાસ નથી.
બંને શાખાનો મુખ્ય વિષય તમામ પ્રકારનાં યજ્ઞોનું પ્રતિપાદન કરવું એ છે.

યાજ્ઞવલ્ક્ય ઋષિનાં  શિષ્ય મધ્યન્દિન ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની માધ્યન્દિન સંહિતા શાખા બની.
આમાં ૪૦ અધ્યાય અને ૧૯૭૫ મંત્રો છે. માધ્યન્દિન સંહિતા શાખાનો ૪૦મો અધ્યાય ઈશાવાસ્યોપનિષદ તરીકે ઓળખાય છે
જે પ્રમુખ ૧૦ ઉપનિષદોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

યાજ્ઞવલ્ક્ય ઋષિનાં  શિષ્ય કણ્વ ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતા શાખા બની.
આમાં ૪૦ અધ્યાય અને ૨૦૮૬ ( માધ્યન્દિન સંહિતા શાખા કરતાં ૧૧૧ વધુ)  મંત્રો છે.
આ કાણ્વ શાખાનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ છે.

૭  યજુર્વેદનાં વિષયનું વર્ણન :

યજુર્વેદની બંને મુખ્ય પરંપરામાં માત્ર યજ્ઞ-કર્મકાંડનું વર્ણન નથી,
આના ઉપરાંત અનેક સુંદર વિચારોનો સંગ્રહ છે.
જેમ કે ઈશાવાસ્યોપનિષદ, શિવસંકલ્પ મંત્રો, રુદ્રાધ્યાયી (બ્રાહ્મણોને પ્રિય!!) , તત્વજ્ઞાનનાં મંત્રો, ભક્તિભાવ પૂર્ણ મંત્રો અને આત્મકલ્યાણ/શ્રેયનાં મંત્રોનું પણ પ્રતિપાદન થયેલું છે.

तेजोऽसि तेजो मयि धेहि
वीर्यमसि वीर्य मयि धेहि
बलमसि बलं मयि धेहि
जोऽस्योजो मयि धेहि
मन्युरसि मन्यु मयि धेहि
सहोऽसि सहो मयि धेहि।।
शुक्ल यजुर्वेद  ૧૯.૯

” હે પરમાત્મા!
તમે તેજ છો, મારામાં તેજની સ્થાપના કરો,
તમે વીર્ય છો, મારામાં વીર્યની સ્થાપના કરો,
તમે બળ છો, મારામાં બળની સ્થાપના કરો,
તમે ઓજ છો, મારામાં ઓજની સ્થાપના કરો,
તમે મન્યુ (અનીતિનાં સંહારક) છો, મારામાં અનીતિને સંહાર કરવાની શક્તિની સ્થાપના કરો,
તમે સહ સર્વોત્તમ બળ છો, મારામાં પણ તે સહ સર્વોત્તમ બળની સ્થાપના કરો!! “

વેદ આપણા પ્રાચિનતમ ગ્રંથો છે
અને આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે
જેને વેદ નથી વાંચ્યા એને કશું જ નથી વાંચ્યું
વૈદિક મંત્રોનો તો રોજેરોજ પાઠ કરવો જોઈએ !!!!

સાભાર :: જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s