શંકા – લક્ષ્મીપ્રિયા

Standard

લેખક – લક્ષ્મીપ્રિયા

નવીનવેલી સીમા ફરીથી પતિના મોંમાં ‘મિસિસ અવસ્થી’નું નામ સાંભળીને એક વિચિત્ર પ્રકારની ભંગિમા બનાવીને, એરકન્ડિશન્ડ ડબ્બામાંથી બહાર જોવાના નિષ્ફળ પ્રયાસ કરવા લાગી. તેની સમજમાં એ આવતું જ નહોતું કે તેના મનમાં મિસિસ અવસ્થી તરફ એક અજાણ્યો ભય ફેલાઈ ગયો છે કે પછી તેના મનમાં નારી સુલભ ઈર્ષ્યા છે, જે તેના પ્રિયતમના મોંમાંથી પારકી સ્ત્રીની પ્રશંસા સાંભળી ઉત્પન્ન થઈ છે.
માત્ર બે દિવસ પહેલાં પિયરની મોહમાયા છોડી વિદાય લઈ નવવધૂ બનેલી સીમાને એ સારી રીતે સમજાઈ ગયું હતું કે મિસિસ અવસ્થીના દિલમાં સૂજલ માટે ગમે તે સ્થાન હોય, પરંતુ સૂજલ માટે મિસિસ અવસ્થી ઘણી મહત્વની હતી. સૂજલ-સીમાનાં લગ્ન લગ્ન અંગેની જાહેરખબર દ્વારા નક્કી થયાં હતાં. સૂજલ એક સેમી સરકારી કંપનીમાં સહાયક મેનેજર પદ પર કામ કરતો હતો. રૂપિયા-પૈસાની કશી કમી હતી નહીં. તેની ત્રણ-ત્રણ જૂતાંની દુકાનો પણ હતી, જે ઘણી સરસ ચાલતી હતી. સગાંવહાલાંના નામે માત્ર એક દીદી હતી, જે સીમાના શહેરમાં પરણી હતી. તેણે જ અખબારમાં જાહેરાત જોઈને તેનાં લગ્ન કરાવ્યાં હતાં.
પાંચ વર્ષ પહેલાં સૂજલની દીદીને મળીને પાછા ફરતાં તેનાં માતાપિતા રોડ અકસ્માતમાં શિકાર બન્યાં હતાં. ત્યારે સૂજલ એમ.એ. ફાઈનલમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા પૂરી થતાં જ તેણે સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસવાની ઈચ્છાને એક તરફ રાખી અને નોકરીની શોધમાં લાગી ગયો. તેનાં દીદીજીજાએ તેને ઘણો સમજાવ્યો કે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તેના ઘરે આરામથી રહી સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસવાની તૈયારી કરે, પરંતુ તેના સ્વાભિમાની મને કોઈ પર બોજા બનવાનો ઈન્કાર કર્યો. તેના નિર્ણય પર તેના કેટલાક મિત્રોએ તેને મૂર્ખ ઠેરવ્યો, પરંતુ તેણે આ વાતની જરા સરખી પરવા ન કરી અને નોકરી મેળવવામાં લાગી રહ્યો. આખરે અમદાવાદમાં નોકરી મળી ગઈ, ત્યારથી તે મિસિસ અવસ્થીનો પાડોશી હતો. કંપની તરફથી તેને ઘર મળ્યું હતું. પાડોશી હોવાની સાથે સાથે તે તેની સાથે કામ પણ કરતો હતો.
ટ્રેન અમદાવાદ સ્ટેશન પર ઊભી રહી, ત્યારે સીમાએ નિરાંતનો શ્વાસ લીધો. મનમાં વિચારવા લાગી કે મિસિસ અવસ્થી જાણે કઈ બલા છે ? તેને મળ્યા વિના જ તેના મનમાં તેના તરફ પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો અને કેમ ન બંધાય ? એક નવપરિણીતા સાથે તેના પતિ તેના વિષયમાં જાણવા-સમજવા અને વાત કરવાને બદલે કોઈ પારકી સ્ત્રીના ગુણગાન ગાતો રહે ત્યારે કઈ સ્ત્રીનું મન આશંકિત ન બની જાય ? તેઓ સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ફૂલોથી સજાવેલી એક કાર ઊભી હતી. તેને લાગ્યું કે બીજું કોઈ નવપરિણીત યુગલ આવવાનું છે અથવા જવાનું છે. તેના મનમાં એક પીડા ઊભી થઈ કે કાશ, તેનું પણ કોઈ હોત, જે તેના માટે આવી કાર સજાવીને તેની રાહ જોતું હોત, પરંતુ આ શહેરમાં તો તેનું કોઈ જ નહોતું. કારની નજીક જતાં જે સામે અને પાછળના કાચ પર તેનું અને સૂજલનું નામ જોઈ તેના મનમાં સુખદ આશ્ચર્ય જાગ્યું. તેને સારું લાગ્યું કે તેના સ્વાગત માટે સૂજલે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. ડ્રાઈવરે સૂજલને કશું કહ્યું જે સીમા સાંભળી શકી નહીં, પરંતુ તેની વાત સાંભળી તે ઘણો પ્રસન્ન દેખાતો હતો.
કોલોનીમાં કારે પ્રવેશ કર્યો ત્યારે તેણે જોયું કે મેઈન ગેટથી જ લાઈટો અને રંગીન ઝાલરોથી રસ્તો સજાવાયેલો હતો. સૂજલે ડ્રાઈવરને પૂછ્યું : ‘શું અહીં કશી પાર્ટી છે ?’
આ સાંભળી ડ્રાઈવર હસીને બોલ્યો : ‘જી ના સાહેબ, આ બધું તો તમારા બંનેના સ્વાગત માટે કરાયેલું છે.’
‘અચ્છા, પરંતુ આ બધું કર્યું કોણે ?’ સૂજલ પૂછ્યા વિના ન રહી શક્યો.
‘એ તો હું જાણતો નથી સાહેબ, પરંતુ મને લાગે છે કે એ જ સાહેબે આ બધું કરાવેલું છે, જેમણે મને તમને અહીં લાવવા માટે સ્ટેશને મોકલ્યો હતો. ત્યાં બધા લોકો તેને મિસિસ અવસ્થીના નામથી ઓળખે છે.’
‘એ જ તો હું કહેતો હતો ને સીમા, કે મિસિસ અવસ્થી એવી સ્ત્રીઓમાંના છે, જેઓ કોઈને પણ પોતાના બનાવી શકે છે. સંબંધો કેમ સાચવવા એ તેમની પાસેથી શીખવું જોઈએ.’
દરવાજા પર આરતીનો થાળ લઈ સરસ મીઠાશભર્યા સ્મિત સાથે એક સૌમ્ય સ્ત્રી ઊભી હતી. સૂજલના કહેવા મુજબ તેમની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઈએ, પરંતુ જોવામાં તેઓ 40-42થી વધુનાં દેખાતાં નહોતાં. સીમાને એ સમયે મિસિસ અવસ્થી સારાં લાગ્યાં હતાં, પરંતુ થોડા જ દિવસોમાં તેમની સારપ સીમાને ખૂંચવા લાગી હતી. તે વિચાર કરતી, એ સાચું છે કે સૂજલને જૂતાંની દુકાન શરૂ કરવાનો વિચાર મિસિસ અવસ્થીએ આપ્યો હતો અને પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડીને આપ્યા હતા, જોકે પછીથી સૂજલે બધા પૈસા ચૂકવી પણ દીધા હતા, પરંતુ સૂજલનું માનવું હતું કે યોગ્ય સમય પર કરાયેલા કોઈ પણ ઉપકાર ક્યારે પણ ઉતારી શકાતો નથી. સૂજલ અને મિસિસ અવસ્થીનો એકબીજા પ્રત્યે આટલો લગાવ જોઈને ન ઈચ્છવા છતાં પણ સીમાના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો.
એક દિવસ ઓફિસથી આવવાના સમયે સૂજલ વરસાદમાં ભીંજાઈ ગયો. તે દિવસે મિસિસ અવસ્થી માથું સખત દુખવાના કારણે રજા પર હતા, પછીથી સારું થઈ જતાં સાંજના તે સીમા પાસે વાત કરવા માટે આવી હતી. સૂજલને ભીનાં વસ્ત્રોમાં જોઈ સીમા ઝટપટ ટુવાલ લેવા અંદર ગઈ. જ્યારે તે ટુવાલ લઈ બહાર આવી ત્યારે તેણે જોયું કે મિસિસ અવસ્થી તેના છેડા વડે સૂજલનાં વાળને લૂછી રહ્યાં હતાં અને કહેતાં હતાં : ‘કેટલી વાર તને કહ્યું છે કે તારા શરીરનો વિચાર કર. જો તને કશું થશે તો મારું શું થશે ?’ આ બધું જોઈ સાંભળી સીમા ત્યાં વધુ ઊભી રહી શકી નહીં, નારાજ થઈ તિરસ્કારભરી નજરે તે બંને તરફ જોઈ, ટુવાલનો ઘા કરી અંદરની તરફ જતી રહી. મિસિસ અવસ્થી કશું બોલ્યા વિના પોતાના ઘરે ચાલ્યાં ગયાં. તેના ગયા પછી સૂજલ ગુસ્સે થયો અને સીમાને કડવા શબ્દોમાં પૂછ્યું :
‘સીમા, આવી તે કેવી ગેરવર્તણૂક કરી ? આ રીતે મિસિસ અવસ્થીનું અપમાન શા માટે કર્યું ? એક અઠવાડિયાથી જોઈ રહ્યો છું કે તું દરેક વખતે ઉખડેલી રહે છે અને મિસિસ અવસ્થીને જોતાં જ તારો ચહેરો એવો બની જાય છે કે જાણે તે તારી કોઈ વસ્તુ ઝૂંટવી લેવા ન આવી હોય ?’
‘બસ, બહુ થયું. ઓછામાં ઓછું મા-દીકરાના પવિત્ર સંબંધનું નામ લઈને તમારી ગંદી અને છીછરી ભાવનાને છુપાવવાનો પ્રયાસ ન કરો. આટલા દિવસોથી શું હું નથી જોતી કે તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે ? હું બધું સમજું છું.’
‘સીમા, બસ હવે ચૂપ થઈ જા. તું આટલી હલકા વિચારવાળી વાત વિચારી જ કેમ શકે છે ? અને વળી ક્યા આધારે તું આવું હલકું લાંછન મારા પર લગાવે છે ? જ્યારે તને સાચી વાતની જાણ થશે ત્યારે તું ઘણી પસ્તાઈશ. તને તારી જાત પર શરમ આવશે.’
‘હું વિના કારણ આક્ષેપ નથી કરી રહી. એક મહિનાથી કોણજાણે ઓફિસે કેટલાય ફોન કર્યા ત્યારે જવાબ મળતો કે મિસિસ અવસ્થી સાથે બહાર ગયા છે. મને બહાર લઈ જવા માટે તમારી પાસે સમય નથી હોતો અને બીજા માટે ઓફિસમાંથી પણ સમય મળે છે. મેડમનો ફોન આવ્યો નથી કે રાત હોય કે દિવસ, તરત ડ્યૂટી બજાવવા ચાલ્યા જાવ છો. આખરે આ બધી વાતોનો અર્થ શો છે ? જો ખરેખર મા માનો છો તો પછી મા અથવા આન્ટી કહીને કેમ નથી બોલાવતા ? જ્યારે જુઓ ત્યારે મિસિસ અવસ્થી, મિસિસ અવસ્થી બોલતા રહો છો.’ સીમાએ ગુસ્સામાં હાંફતાં કહ્યું.
સૂજલે તેને એવી નજરથી જોયું જાણે તેના પર ગુસ્સો નહીં પણ દયા આવતી હોય. પછી એટલું જ બોલ્યો : ‘અત્યારે તને કશું નહીં કહું. કારણ કે મનમાં રહેલી શંકાને કારણે મારી દરેક વાત તને ખોટી લાગશે. છતાં પણ હું તને એક વાત કહેવી જરૂરી સમજું છું કે મારા માટે તો એ સ્ત્રી સગી મા સમાન જ છે. ભલે હું તેને મા કે આન્ટી કહીને બોલાવતો નથી, પરંતુ વહેલી તકે તારી નજર સામેનો પડદો હટી જશે.’ આમ કહી સૂજલ રૂમની બહાર ચાલ્યો ગયો.
ત્યાર પછી એક અઠવાડિયા સુધી ન તો સૂજલ મિસિસ અવસ્થીને ઘેર ગયો કે ન તો તેઓ તેમના ઘરે આવ્યાં. સીમા સાથે સૂજલનો વ્યવહાર સામાન્ય રહ્યો. ધીરે ધીરે સીમાનું મન થોડું શાંત થયું અને તે આનંદમાં દેખાવા લાગી. ક્યારેક ક્યારેક સૂજલનો ઉદાસ ચહેરો જોઈ તેના મનમાં વિચાર આવતો કે ક્યાંક તેની કશી ભૂલ તો થઈ નથી ને, પરંતુ બીજી જ પળે તેનું મન કહેવા લાગતું હતું કે તે જ સાચી છે.
તે દિવસે સૂજલ ઓફિસેથી આવ્યો ત્યારે ઘણો આનંદમાં દેખાતો હતો. આવતાંની સાથે જ સીમાને બાથમાં લઈને કહેવા લાગ્યો, ‘જાનેમન, તૈયારી કરવા લાગ, આપણે કાલે જ 15 દિવસ માટે મુંબઈ, ગોવા અને મહાબળેશ્વર ફરવા જઈ રહ્યાં છીએ. આમ પણ હનીમૂન માટે આપણે કશે જઈ શક્યાં નથી.’
‘ખરેખર ?’ સીમા એકદમ આનંદમાં આવી ગઈ. બીજે દિવસે પ્રવાસે જતાં પહેલાં સીમા અને સૂજલ મિસિસ અવસ્થીને મળવા ગયા હતા. તેઓ થાકેલા આરામચેરમાં માથું ટેકવી બેઠા હતા. બંનેને સાથે આવેલા જોઈ આનંદની એક લહેર તેના ચહેરા પર છવાઈ ગઈ. તેણે બહાર જવાની વાત સાંભળી આનંદ વ્યકત કર્યો અને હૈયાધારણ આપી કે તેમની ગેરહાજરીમાં તે તેમના ઘરનો પૂરેપૂરો ખ્યાલ રાખશે. ટેક્સીમાં બેઠાં પછી જાણે શું થયું કે સીમા એકદમ ઊતરી પડી અને ‘હું હમણાં આવી…’ એમ બોલી દરવાજા ભણી ગઈ અને વિદાય આપવા આવેલાં મિસિસ અવસ્થીને ગળે વળગીને બોલી, ‘આન્ટી, મેં તમારી સાથે જે વર્તન કર્યું છે તેના માટે મને માફ કરજો.’ પછી ઝડપભેર બહાર ચાલી આવી.
પંદર દિવસ પછી જ્યારે તેઓ બંને પાછા ફર્યા ત્યારે મિસિસ અવસ્થીના ઘરની બહાર લોકોની ભીડ જામેલી હતી. વાત શી છે એ જાણવા, સામાન ઘરમાં મૂકી તેઓ તરત જ ત્યાં ગયાં. ત્યાં ગયા પછી સીમાને ઘણો આઘાત લાગ્યો કે મિસિસ અવસ્થીનું કેન્સરના કારણે અવસાન થયું હતું. તે બીમાર છે તેનો તેમણે જરાસરખો અણસાર નહોતો આપ્યો. આ જોઈ તેને આશ્ચર્ય થતું હતું કે જેના ગુણગાન કરતાં સૂજલ થાકતો નહોતો, આજે તેને મૃત્યુશૈયા પર સૂતેલી જોઈ તે પણ તટસ્થ બની ગયો હતો. ઉદાસીનતાની છાયા તેના ચહેરા પર પણ હતી, પરંતુ તેને જોતાં જ એવું લાગી રહ્યું હતું કે જાણે તે માટે તે પહેલેથી જ તૈયાર હતો. લોકોએ જ્યારે જણાવ્યું કે તેમના ગયા પછી ત્રણ દિવસ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. જ્યાં લગભગ 12 દિવસ સુધી જીવન અને મૃત્યુ સામે ઝઝૂમ્યાં પછી જીવનથી મુક્ત થઈ ગયાં. લોકોના કહેવાથી સૂજલે મિસિસ અવસ્થીની ઈચ્છા મુજબ અગ્નિસંસ્કાર કર્યા અને તમામ ક્રિયાકર્મ પણ કર્યા. જાણે કોઈ સગો દીકરો ન કરતો હોય તેવી શ્રદ્ધાથી તેણે કામ કર્યું.
હવે સીમાને એવું લાગતું હતું કે ક્યાંક કોઈ ભૂલ તેનાથી થઈ છે છતાં પણ થોડી દ્વિધાની સ્થિતિમાં હતી. તેનું મન મિસિસ અવસ્થીને બિલકુલ નિર્દોષ માનવા ઈચ્છતું હતું. પરંતુ વીતેલા દિવસો દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ હજુ સુધી રહસ્યના પડદા પાછળ છુપાયેલી હતી. ન ઈચ્છવા છતાં પણ તેના મનમાં શંકા પેદા થઈ રહી હતી. ખેર, તેના સંબંધોને કારણે તેણે કશો પણ વિચાર ન કરવાનો નિર્ણય કર્યો, કારણ કે તેના માનવા મુજબ બધી જ ફરિયાદો, દોસ્તી, દુશ્મની જીવિત માનવી સાથે હોય છે, પરંતુ જે માનવી આ જગતમાં ન હોય તેના માટે શું સારું કે શું ખરાબ ? તે વિશે વિચાર કરવો પણ નકામો છે. આવો વિચાર કરી તે મૂંગી મૂંગી બધાં કામમાં લાગી ગઈ. સૂજલને પણ મદદ કરતી રહી. શ્રાદ્ધના દિવસે બધાં જરૂરી કામ પૂરાં કરી મહેમાનોને વિદાય કરી સૂજલ અને સીમા બેઠાં હતાં ત્યારે એક વકીલ આવ્યા. તેમની પાસેથી એ જાણીને બંનેને આશ્ચર્ય થયું કે મિસિસ અવસ્થીએ પોતાનું વિલ બનાવ્યું હતું. વસિયતનામામાં લખ્યું હતું કે તેનું કોઈ પણ સગું આ જગતમાં નથી. તેણે સૂજલને જ પોતાનો સગો પુત્ર માન્યો છે. એટલે પૂરી સભાન અવસ્થામાં તેણે તેની તમામ મિલકત સૂજલ અને તેની પત્ની સીમાના નામ પર કરી છે. ત્યારબાદ વકીલે સીમાને એક કવર આપ્યું અને કહ્યું કે મિસિસ અવસ્થીએ ખાસ સૂચના આપી છે કે તેમનાં મૃત્યુ પછી આ પત્ર સીમાના હાથમાં જ આપવો. સીમાએ ભારે હૈયે કવર ખોલ્યું, કારણ કે વસિયતનામાને સાંભળ્યા પછી તેના મનમાં કોઈ શંકા રહી નહોતી. મોતી જેવા સુંદર અક્ષરોમાં લખ્યું હતું :
પ્યારી સીમા,
સદા સૌભાગ્યશાળી બની રહો.
જ્યારે તું આ પત્ર વાંચતી હશે ત્યારે હું આ જગતમાંથી ચાલી ગઈ હોઈશ. સૂજલ અને મારી વચ્ચેના સંબંધોને લઈને તારા મનમાં અને આંખોમાં મેં જે શંકા જોઈ હતી તે માટે કોઈ સ્પષ્ટતા કરવાની હવે કશી આવશ્યકતા રહી નથી. છતાં પણ હું ઈચ્છતી નથી કે મારા મૃત્યુ પછી કોઈ એવી વ્યક્તિ સાથે મારું નામ ભૂલથી પણ ખોટી રીતે જોડાય, જે મારા સગાં દીકરા કરતાં પણ વધુ હોય. સૂજલ મારા માટે મારા સગાં પુત્રથી કોઈ પણ રીતે ઓછો નહોતો. મેં તેના માટે જે પણ કર્યું છે તેમાં એક માતાની પવિત્ર ભાવનાઓ સિવાય કશું નહોતું. બદલામાં તેણે પણ મારા સુખદુ:ખમાં એક પુત્રની જેવો જ સાથ આપ્યો હતો.
હું કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતી અને હું નહોતી ઈચ્છતી કે તારી નવી ઘરગૃહસ્થીમાં મારી બીમારીની વાત કરી માહોલને ઉદાસ બનાવું. એટલે સૂજલ પાસેથી આ વિશે કશું પણ તને નહીં કહેવાનું વચન લીધું હતું અને કદાચ એ મારાથી ભૂલ થઈ હતી. હું એ વાત સાવ જ ભૂલી ગઈ હતી કે એક પત્ની તેના પતિ પર અધિકાર ઈચ્છે છે. તેને એ જરા પણ સારું લાગતું નથી કે તેના સિવાય તેનો પતિ કોઈ બીજી સ્ત્રી તરફ વધુ ધ્યાન આપે, પછી એ સ્ત્રી ભલે તેની મા હોય, બહેન હોય, દીકરી હોય કે અન્ય કોઈ હોય. વળી દુનિયાના લોકો સામે સૂજલ સાથે મારો એવો કોઈ સંબંધ હતો નહીં એટલે હું તને ખોટી પણ ન કહી શકું. આ વાતની મારા મનમાં, ન ઈચ્છવા છતાં એક પીડા રહી કે તને સુખ, આનંદ આપવાના પ્રયાસમાં હું તને પીડા આપી બેઠી. તું ન જાણે એટલા માટે સૂજલ ઓફિસમાંથી સમય કાઢી તપાસ માટે મને હોસ્પિટલ લઈ જતો હતો, પરંતુ તને તો જાણ થઈ જ ગયેલી કે અમે બંને ઓફિસમાંથી કશે બહાર જઈએ છીએ, એટલે તારી શંકા મજબૂત થઈ ગઈ. આમાં તારી કોઈ જ ભૂલ નથી. કુદરતે મને વધુ સુંદર બનાવીને કદાચ મારા જીવન પર અભિશાપ જ કર્યો હતો. મારા પતિ પણ આ સુંદરતાના કારણે મારા પર ચારિત્ર્યહીનતાનો આરોપ મૂકી મને એકલી છોડીને ચાલ્યા ગયા હતા. ખબર નથી લોકોને આ વાત પર ક્યારે વિશ્વાસ બેસશે કે સ્ત્રીની સુંદરતા અને ચારિત્ર્ય વચ્ચે કોઈ જ સંબંધ હોતો નથી. શું કોઈ એ વાતની ગેરન્ટી આપી શકે છે કે કુરૂપ સ્ત્રી પતિવ્રતા અને ચારિત્ર્યવાન હોય છે અને સુંદર સ્ત્રી પતિતા અને ચારિત્ર્યહીન હોય છે ?
ખેર, આ ત્રાસ માત્ર મારો જ નહીં, દરેક સુંદર સ્ત્રીનો હોય છે. છતાં પણ હું તને એ જરૂર કહીશ કે ભરોસો અને વિશ્વાસ જ સંસારનો પાયો હોય છે. જો પાયો જ નબળો હોય તો તેના પર પ્રેમભર્યાં સપનાંનો મહેલ ક્યારે પણ ઊભો રહી શકે નહીં. એટલે તમારા સુખી સંસારમાં ક્યારે પણ શંકાને સ્થાન ન આપતાં, નહીં તો ઘરનો માળો વિખરાઈ જતાં વાર નહીં લાગે. આ બધું એટલું સાચું છે, જેટલું સાચું એ છે કે તું સૂજલની પત્ની છો. હું તારી આભારી છું કે પ્રવાસે જતાં પહેલાં માફી માંગી તેં મારા મૃત્યુને સહેલું બનાવ્યું. અચાનક મેં એવું અનુભવ્યું કે મારા દિલમાંનો કોઈ બોજ ઊતરી ગયો છે. હવે આના પર વિશ્વાસ કરવો કે ન કરવો એ તારા પર છે. બસ, તમે બંને સુખી રહો એવી મારી ઈચ્છા સાથે અહીં વિરમું છું.
તારી આન્ટી,
મિસિસ અવસ્થી.
સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. જે એ વાતની સાબિતી આપતાં હતાં કે આંસુઓની સાથે તેના મનની શંકા હંમેશાને માટે ધોવાઈને બહાર નીકળી ચૂકી હતી.

( સમાપ્ત )

સાભાર :: સુરેશ કાક્લોતર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s