સરદાર વિરુદ્ધ નહેરુઃ એક અનંત સાઠમારીનો ઈતિહાસ

Standard

તડકભડકસૌરભ શાહ

( _સંદેશ_ : રવિવાર, 29 ઓક્ટોબર 2017)

સરદાર પટેલ વિશે ખૂબ લખાયું. દરેકે પોતપોતાની રીતે લખ્યું. પરંતુ હજુય એક વાત ખટકે છે કે સરદારને સ્વસ્થતાપૂર્વક મૂલવતું કોઈ જ સંપૂર્ણ પુસ્તક ઉપલબ્ધ નથી. સ્વ.યશવંત દોશી દ્વારા ગાંધીજીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ માટે બે ભાગમાં લખાયેલી સરદારની જીવનકથાને ઓલમોસ્ટ સંપૂર્ણ કહી શકો.ઓલ મોસ્ટ.

ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આપણે સૌ ડો.આંબેડકરને યાદ કરીએ છીએ. અરુણ શૌરીએ ‘વર્શિપિંગ ફોલ્સ ગોડ્સ’માં બંધારણ ઘડવામાં સૌથી વધુ ફાળો કોનો કોનો હતો તે વિશે રિસર્ચ કરીને ઘણી મિથ તોડી છે. યશવંત દોશીએ નોંધ્યું છેઃ ‘બંધારણ માટે એક મુસદ સમિતિ (ડ્રાફટિંગ કમિટી) રચવામાં આવી હતી. તેના સભ્યો ડો. ભીમરાવ રામજી આંબેડકર (પ્રમુખ), અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર અને કનૈયાલાલ મુનશી હતા. આ કમિટી કલમોના મુસદ તૈયાર કરતી પણ કલમોમાં શું રાખવું અને શું ન રાખવું, તેનો અંતિમ રાજકીય નિર્ણય નહેરુ અને સરદારના હાથમાં હતો. એ બંનેની સંમતિ સિવાય મહત્ત્વનો કોઈ નિર્ણય થાય તેમ નહોતું. એટલે સમગ્ર બંધારણ ઉપર એ બંનેની વણલખી છાપ પડેલી છે.’

સરદાર જો ભારતના પહેલા વડા પ્રધાન હોત તો – એ પ્રશ્નને લઈને ખૂબ ચર્ચાઓ ઓલરેડી થઈ ચૂકી છે. સરદારની આ બાયોગ્રાફીમાંથી એક ઓછો જાણીતો પણ ખૂબ અગત્યનો એવો મુદે જડે છે. લોર્ડ માઉન્ટબેટન ભારતના છેલ્લા વાઈસરોય (૧૨ ફેબ્રુઆરી ૧૯૪૭થી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭) અને પહેલા ગવર્નર જનરલ (૧૫ ઓગષ્ટ ૧૯૪૭થી ૨૧ જૂન ૧૯૪૮) હતા. રાષ્ટ્રપતિનો હોદે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક ઘોષિત થયું તે દિવસથી અમલમાં આવ્યો. માઉન્ટબેટનની નિવૃત્તિ નજીક આવતી હતી તે વેળાએ, મે ૧૯૪૮માં એમની જગ્યાએ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવી એ પ્રશ્ન ઊભો થયો. નહેરુની ઈચ્છા ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ને એ સ્થાને બેસાડવાની હતી. એમણે રાજાજીને વાત કરી. રાજાજીએ તે માટે અનિચ્છા દર્શાવી પણ એવું સૂચવ્યું કે નહેરુ (જે ઓલરેડી વડાપ્રધાન હતા) પીએમશિપ ત્યજીને ગવર્નર-જનરલ બને અને સરદારને વડાપ્રધાન પદ સોંપવામાં આવે. રાજાજીએ નહેરુને સમજાવ્યા કે આવી ગોઠવણ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અતિ મૂલ્યવાન બનશે અને આંતરિક વ્યવસ્થાઓ માટે પણ અત્યંત કુશળ રહેશે. રાજાજીએ નહેરુ સમક્ષ એવો મત વ્યક્ત કર્યો કે હું જે માળખું સૂચવું છું તેમાં તમારી સત્તા વધુ હશે. પણ નહેરુએ એ સૂચન બાજુએ હડસેલી દઈ રાજાજી ગવર્નર જનરલનું પદ સ્વીકારે એવો આગ્રહ રાખ્યો. નહેરુને એ સમયે રાજાજી જેવા માણસની જરૂર હતી. રાજાજી બહુશ્રુત, વિદ્વાન હતા અને તેમની સાથેની વાતચીત પ્રેરક અને આનંદદાયક હતી તે તો ખરું જ. પણ ખરો મુદે કોમી પ્રશ્ન પરત્વે નહેરુ અને રાજાજીના સમાન દ્રષ્ટિબિંદુનો હતો. તેઓ બંને (એટલે કે નહેરુ અને રાજાજી બેઉ) લઘુમતીઓ સાથે નરમાશથી કામ પાડવાની જરૂર જોતા હતા. જ્યારે સરદાર લઘુમતીઓ સાથે કડક હાથે કામ લેવા ઈચ્છે છે એમ નહેરુ માનતા હતા. મોટા ભાગના કોંગ્રેસીઓ સરદાર જેવું જ વલણ ધરાવતા હતા. એટલે નહેરુને રાજાજી જેવા નેતાના ટેકાની આવશ્યક્તા હતી. નહેરુએ આગ્રહ રાખ્યો અને રાજાજીએ ગવર્નર જનરલનું પદ સ્વીકાર્યું. ૧૯૫૦ની સાલ નજીક આવતી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ થશે તેની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થવા માંડી. ૧૯૪૯ના મે મહિનામાં કેટલાક છાપાંઓએ એવી વાત વહેતી મૂકી કે રાજાજી અને રાજેન્દ્રપ્રસાદના અનુયાયીઓ પોતપોતાના નેતા માટે પ્રચાર કરી રહ્યા છે. રાજાજી તે વખતે ગવર્નર જનરલ હતા અને રાજેન્દ્રબાબુ બંધારણ સભાના અધ્યક્ષ હતા. છાપાઓમાં એવું પણ લખાતું થયું કે નહેરુ રાજાજીને ટેકો આપે છે અને સરદાર રાજેન્દ્રબાબુને.

આવી ઉગ્ર જાહેરચર્ચા ચાલતી હતી ત્યારે, ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ નહેરુએ રાજેન્દ્રબાબુને એક પત્રમાં લખ્યું:

‘આ બાબત અંગે મેં વલ્લભભાઈ સાથે ચર્ચા કરી છે અને અનેક દ્રષ્ટિએ જોતાં હાલની વ્યવસ્થા જેમ છે તેમ ચાલુ રાખવી એ જ ઉત્તમ માર્ગ છે એમ અમને લાગ્યું છે. એટલે કે રાજાજી રાષ્ટ્રપતિ તરીકે ચાલુ રહે. આથી ઓછામાં ઓછા ફેરફાર થશે અને રાજ્યનું તંત્ર પૂર્વવત્ ચાલતું રહેશે. અલબત્ત રાષ્ટ્રપતિ તરીકે તમારી વરણી થાય તે ખૂબ જ આવકાર્ય બને પણ તેમ કરવા જતાં ઘણા ફેરફાર કરવા પડે અને પરિણામે ઘણી ફેરવ્યવસ્થા કરવી પડે. વળી, આ તબક્કે રાજાજીને દૂર કરવા એ તેમના કાર્યની નિંદા કરવા જેવું મનાશે. જો આમ થાય તો ઘણી કમનસીબ ઘટના કહેવાય. આ કારણે વલ્લભભાઈને તથા મને લાગતું હતું કે સર્વાનુમતે ચૂંટણી થાય તે માટે રાજાજીનું નામ રજૂ કરવું જોઈએ. તમે આ સાથે સહમત થશો એવી આશા રાખું છું. અલબત્ત આ બાબતમાં બીજું કોઈ આવું સૂચન કરે તે કરતાં તમે જ આવું સૂચન કરો તે વધુ યોગ્ય લાગશે.’

આ પત્રથી રાજેન્દ્રબાબુને ઘણું માઠું લાગ્યું. ઓક્ટોબરમાં બંધારણવાળાના કોંગ્રેસ પક્ષના સભ્યોની સભામાં નહેરુએ દરખાસ્ત રજૂ કરી કે પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી રાજાજીને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે. નહેરુ આ સૂચન અંગેનું ભાષણ કરતા હતા ત્યારે જ સભ્યોએ વિરોધના અવાજો ઉઠાવ્યા. એ ભાષણ પૂરું કરીને બેસી ગયા. ત્યારબાદ એક પછી એક સભ્યો ઊઠતા ગયા અને દરખાસ્તનો વિરોધ કરતા ગયા. સભાનો મિજાજ કડક હતો અને વિરોધ પ્રબળ હતો. અંતે સરદાર વચ્ચે પડયા. વડાપ્રધાન સાથે આવી રીતે વર્તવા માટે એમણે સભ્યોને ઠપકો આપ્યો. યશવંત દોશીએ લખેલી સરદારની જીવનકથામાં નોંધાયું છેઃ ‘નહેરુના ચરિત્રલેખક સર્વપલ્લી ગોપાલ એમ માને છે કે આ વ્યાપક વિરોધ વ્યક્ત થાય એવું સરદારે જ ગોઠવ્યું હતું.’

સાચું ખોટું ભગવાન જાણે. આપણે તો એટલું જાણીએ કે રાષ્ટ્રપતિપદ નહેરુની પસંદગીના રાજાજીને નહીં પણ સરદારની પસંદગીના રાજેન્દ્રપ્રસાદને સોપાયેલું!

પાન બનાર્સવાલા

વલ્લભાઈ મને ન મળ્યા હોત, તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.

– ગાંધીજી
——————————–
WhatsApp  Group : _ગુડ મૉર્નિંગ_ – સૌરભ શાહ 9004099112

http://www.facebook.com/saurabh.a.shah

hisaurabhshah@gmail.com

http://www.saurabh-shah.com

સૌરભ શાહનાં પુસ્તકો  ઘેરબેઠાં મેળવવા માટે : http://www.bookpratha.com/authors/Saurabh-Shah-Author/60316
અથવા
http://www.dhoomkharidi.com/authors/saurabh-shah

© Saurabh  Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s