‘સાચું’ કહે તે દૂર, ‘સારું’ કહે તેની જરૂર

Standard

એ વાત સાચી છે કે સરદાર અને મારી વચ્ચે માત્ર સ્વભાવગત તફાવતો જ નથી, પણ આર્થિક અને કોમી બાબતો પ્રત્યેના અભિગમમાં પણ તફાવત છે. અમે કોંગ્રેસમાં સાથે કામ કરતા ત્યારથી કેટલાં બધાં વર્ષ થયાં આ તફાવતો ચાલુ જ રહ્યા છે, પણ આ તફાવતો હોવા છતાં, પરસ્પર માન અને પ્રેમ ઉપરાંત દેખીતી રીતે જ ઘણું બધું બંને વચ્ચે સમાન હતું અને વિશાળ દૃષ્ટિએ કહીએ તો સ્વતંત્રતાનો એક જ રાજકીય હેતુ હતો. આને લીધે આ બધાં વર્ષ દરમિયાન અમે સાથે કામ કર્યું અને એકબીજાને અનુકૂળ થવા અમારાથી બનતું બધું જ કર્યું.

જો કોંગ્રેસ એક નિર્ણય ઉપર આવી તો અમે તે નિર્ણય સ્વીકારી લીધો, પછી એના અલમાં તફાવત હોય એમ બને ખરું. મને એમ ચોક્કસ લાગે છે કે વડાપ્રધાનની કામગીરી પણ લક્ષમાં લેવી જોઈએ. તેમ છતાં, આ વસ્તુ શક્ય ન ગણાય તો પછી બીજો એક જ વિકલ્પ મારે કે સરદાર પટેલે પ્રધાનમંડળ છોડવું એ જ રહે છે. અત્યારના સંજોગોમાં મને એ અનિષ્ટ વિકલ્પ લાગે છે અને હું આ નિર્ણય ઉપર બને તેટલી તટસ્થતાથી આવ્યો છું. જો કોઈએ પ્રધાનમંડળ છોડવાનું જ હોય તો હું જ છોડવાનું પસંદ કરું એ ફરી વાર કહું છું.’

જવાહરલાલ નેહરુએ ગાંધીજીને 6ઠ્ઠી જાન્યુઆરી, 1948ના દિવસે મોકલેલી એક નોંધમાંથી આ અવતરણ લેવામાં આવ્યું છે. એ પછી આ નોંધ વાંચીને સરદારે જે પ્રતિ ઉત્તર લખ્યો એમાં એમણે લખ્યું છે, ‘સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિન્દુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે જુદાં દૃષ્ટિબિંદુ છે તે અંગે બેમત નથી. તેમ છતાં, અમે બંને દેશનાં હિતોને અમારા અંગત મતભેદો કરતાં ઊંચા ગણીએ છીએ અને પરસ્પર માન અને પ્રેમની લાગણીને લીધે અમે સહિયારા પ્રયત્નમાં સહકારથી કામ કર્યું છે.

હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી એવો વિચાર કરવો દુ:ખદ અને કરુણ પણ છે, પણ વડાપ્રધાનના પોતાના સ્થાન વિશેના એમના દૃષ્ટિબિંદુ પાછળ રહેલી એમની લાગણી અને પ્રતીતિનું બળ હું પૂરેપૂરું સમજી શકું છું. વડાપ્રધાને, પરસ્પર સમાધાન ન સિદ્ધ થઈ શકે તો પદત્યાગ કરવાનું પોતે પસંદ કરશે એવો ઉલ્લેખ પણ કર્યો છે, પણ હું નિશ્ચયપૂર્વક કહું છું કે જો કોઈએ જવાનું હોય તો મારે જ જવું જોઈએ. સક્રિય સેવાની વય હું લાંબા સમયથી વટાવી ગયો છું. મને જરાય શંકા નથી કે મારી અને એમની વચ્ચેની પસંદગી એમની તરફેણમાં જ થવી જોઈએ. આથી એમણે પદત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.’

ભારતના ઇતિહાસમાં સરદાર અને નેહરુના મતભેદનું પ્રકરણ બહુ ચગ્યું છે. ચગાવામાં આવ્યું છે. સમર્થકો અને વિરોધીઓએ એમના પરસ્પર મતભેદોને જો આજે પણ છોડ્યા નથી તો ત્યારે એવા લોકો નહીં હોય એ માનવાનું આપણી પાસે કોઈ કારણ નથી. એ એવો સમય હતો જ્યારે ભારતની એક નવી દિશા ઊઘડી રહી હતી. બ્રિટિશરાજની ગુલામીમાંથી મુક્ત થયેલો દેશ પોતાના પગ પર ઊભો રહેતા શીખી રહ્યો હતો. સરદાર અને નેહરુ, આ બે પાત્રો ભારતની સ્વતંત્રતાના ઇતિહાસમાં બહુ મહત્ત્વનાં છે.

સરદાર પટેલ વડાપ્રધાન બની શક્યા હોત તો…થી શરૂ કરીને નેહરુ, ગાંધી પરિવારે આ દેશની પત્તર ઠોકી નાખી જેવી અનેક ચર્ચાઓ હાથમાં સિંગલમોલ્ટનો ગ્લાસ લઈને કે પછી પોતપોતાની રાજકીય માન્યતાના નશાનો ગ્લાસ લઈને કરવામાં આવે છે, ત્યારે પણ થતી જ હશે! સરદારને નેહરુ વિરુદ્ધ, નેહરુને સરદાર વિરુદ્ધ અને ગાંધીજીને આ બંનેની વિરુદ્ધ કહેનારા માણસો ત્યારે પણ હશે જ.

એક વાર વ્યક્તિ જાહેર જીવનમાં દાખલ થાય પછી એના વિશે અનેક અભિપ્રાયો, માન્યતાઓ, કિંવદંતિઓ, લોકવાયકાઓ ફેલાવા લાગે છે. માણસ જેમ વધુ સફળ, પ્રસિદ્ધ કે પાવરફુલ પહોંચવાળો થતો જાય તેમ તેમ એના સમર્થકો અને વિરોધીઓ, બંનેની સંખ્યામાં વધારો થાય છે. આપણા દેશની સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે જનસામાન્ય તરીકે કોઈને પણ સફળ થતા જોઈ શકતા નથી. આપણી પાસે સફળ, પ્રસિદ્ધ, પાવરફુલ કે પહોંચેલા માણસ માટે એક અંગત, આગવો અભિપ્રાય હોય છે અને મોટાભાગના લોકો એ અંગત, આગવા અભિપ્રાયને અંતિમ સત્ય તરીકે બજારમાં વેચવાનો પ્રયત્ન કરે છે.

આજે સરદારને 142 વર્ષ પૂરાં થાય છે. 1875થી 2017, 140 દાયકા અને બે વર્ષની આ જીવતી-જાગતી દંતકથા આપણી વચ્ચે હતી અને આપણી વચ્ચે જ જીવી ગઈ એ વાત ગળે ઉતારવી અઘરી લાગે છે ક્યારેક. આપણે બધા જ હેલ્ધી મતભેદથી પર થઈ ગયા છીએ. કોઈ આપણી વાતનો વિરોધ કરી શકે અથવા આપણને કંઈ સજેસ્ટ કરી શકે એ વાત આપણને અનુકૂળ જ નથી આવતી. આપણી માન્યતા અંતિમ સત્ય છે અને સૌએ એને સ્વીકારી જ લેવી પડે એવું માનીને જીવનારા લોકોની સંખ્યા વધતી જાય છે,

એથીયે આગળ વધીને સાચું કહેનારા હિતેચ્છુઓ કે વિરોધીઓને આસપાસ રાખવાનું હવે મોટાભાગના લોકોને ગમતું નથી. માણસ જેમ આગળ વધતો જાય, મોટો થતો જાય કે સફળ થતો જાય તેમ તેમ એની આસપાસના બધા જ લોકો એને સારું અને મીઠું કહેતાં થઈ જાય છે. સાચું પૂછો તો વ્યક્તિ માત્રની પડતી અહીંથી જ શરૂ થાય છ. જેને પોતાની સફળતા ટકાવી છે અથવા પોતાની લોકપ્રિયતાના શીખર પર આજીવન રહેવું છે એણે ટીકાકારોને નકારવા કે અવગણવાને બદલે એમની વાત સાંભળતા શીખવું જોઈએ.

એ વાત અલગ છે કે બધા જ ટીકાકારો સાચા નથી હોતા, પરંતુ સાર-અસાર કે યોગ્ય-અયોગ્યનો ભેદ પાડવાની સમજણ તો માણસે પોતે જ કેળવવી પડે! આપણી સફળતા સાથે જે ઘસડાઈને આવે છે એમાંના મોટાભાગના લોકો ‘ચમચા’ છે. એમને આપણો ફાયદો જોઈએ છે. સત્તાનો, સંપત્તિનો, ઓળખાણોનો કે આપણી સારાઈનો ફાયદો લઈને આવા લોકો પોતાનો રસ્તો કાઢે છે. એ જાણે છે કે, ખુશામત કરવાથી જો ખુદા પણ ખુશ થઈ જતો હોય તો સામાન્ય માણસનું શું ગજું? આવા લોકો આપણી આસપાસ ફક્ત પોતાના ફાયદા માટે રહે છે. નેહરુ સાથે પણ કદાચ આવું જ થયું?

સાચા મિત્ર અને મોઢે કહેનારા બધાને એમણે ધીમે ધીમે પોતાનાથી દૂર કર્યા. એમના ઉછેરમાં રહેલો વિવેક અને સોફેસ્ટિકેશનને કારણે એમણે સ્પષ્ટ નહીં કહ્યું હોય તો પણ સરદાર જેવા ઘણાં લોકો સમયાંતરે એમને છોડી ગયા. છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે નેહરુની આસપાસ ફક્ત એવા જ લોકો હતા એમને હા પાડવા સિવાય, ચઢાવવા સિવાય કે એમની વાહવાહી કરવા સિવાય ભાગ્યે જ કોઈ કામ કરતા! સરદારે જ્યારે જ્યારે નેહરુનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો ત્યારે દરેક વખતે સરદારની સ્પષ્ટતા અને સફળતાથી ઘવાયેલા, અંજાયેલા આ લોકોએ નેહરુને એમની વિરુદ્ધ દોર્યા હશે?

સરદાર 1929માં કોંગ્રેસ પ્રમુખ બની શક્યા હોત. લાહોરમાં રાવી નદીને કાંઠે પૂર્ણ સ્વરાજનો ધ્વજ સરદારને હાથે ફરક્યો હોત. 1936માં કોંગ્રેસ પ્રમુખ બની શક્યા હોત. 1946માં કોંગ્રેસ પ્રમુખ બનીને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પણ એ જ બની શક્યા હોત, પણ એમણે આવું કંઈ જ કર્યું નહીં. હોઠે આવેલા પ્યાલાનો અસ્વીકાર કરીને એમણે કહ્યું, ‘હું આ લડતમાં સેનાપતિ ગાંધીજીનો સૈનિક છું. જે પદગ્રહણ કરવાની સ્વયં સેનાપતિ ના પડે એ પદ હું શી રીતે ગ્રહણ કરી શકું?’

જેણે ગાંધીજીની પાછળ પોતાનું જીવન ફના  કરી નાખ્યું એવા બાપુએ જ્યારે પ્રથમ વડાપ્રધાન પસંદ કરવાનું આવ્યું ત્યારે કહ્યું, ‘એક પણ પ્રાંતિક સમિતિએ જવાહરલાલનું નામ સૂચવ્યું નથી, જ્યારે પંદરમાંથી બાર પ્રાંતિક સમિતિએ સરદારનું નામ સૂચવ્યું છે. કારોબારીમાં જવાહરલાલના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.’ આ પ્રસ્તાવ ગાંધીએ સ્વયં કૃપલાણી પાસે રજૂ કરાવ્યો હતો. આનો અર્થ થાય કે કારોબારીના સભ્ય તરીકે સરદારે પણ આ પ્રસ્તાવ પર સહી કરવી પડે!

વિરોધનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર સરદારે સહી કરી આપી. આજે 31મી ઓક્ટોબરે, એવા માણસને યાદ કરવો જોઈએ, જેણે પદ, પ્રતિષ્ઠા કે પૈસાનો મોહ રાખ્યા વગર પોતાની નિષ્ઠાને મહત્ત્વની ગણી, દેશ માટે જાતને સમર્પિત કરી દીધી. સાચું બોલવાથી પદ અને પ્રતિષ્ઠા નહીં મળતા હોય, પરંતુ લોકોના હૃદયમાં કાયમી સ્થાન મળે છે એ સરદાર પટેલના જીવનમાંથી શીખવા જેવું છે. સત્ય સાંભળવાની અને કહેવાની, સત્ય સહેવાની અને જીવવાની એમની આવડતને આજે પ્રણામ! 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s