સાહિત્ય, સાંપ્રત સમાજ અને વિનોબા ભાવે – ડો. જય મહેતા

Standard

૧૯૫૮માં સામુદાયિક નેતૃત્વ માટે સૌપ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર વિનોબાજીને ભારત સરકારે ૧૯૮૩માં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજ્યા હતા.

‘આ સાહિત્યની શક્તિ ઉપર મને બહુ વિશ્વાસ છે. હું માનું છું કે સાહિત્યની શક્તિ પરમેશ્વરની શક્તિ બરાબર છે. કદાચ આમાં કોઇને અતિશયોક્તિ લાગશે. પરંતુ હું માનું છું કે બ્રહ્માંડમાં જે કાંઇ છે, તેને ઇશ્વરની શક્તિ માનવામાં આવે છે.

હવે, બ્રહ્માંડમાં જે છે, તે બધું તો સાહિત્યકારોની વાણીમાં આવે જ છે, પરંતુ બ્રહ્માંડમાં જે નથી તે પણ સાહિત્યકારોની વાણીમાં આવે છે! ‘શશ-શૃંગ (સસલાનું શિંગડું) ઇશ્વરની સૃષ્ટિમાં નથી, પણ સાહિત્યકારોની સૃષ્ટિમાં છે! ‘આકાશ-પુષ્પ’, ‘આકાશ-કુસુમ’ કોણે જોયેલું? પણ સાહિત્યકારોની સૃષ્ટિમાં તે છે!

‘આકાશ-ગંગા’ પણ આકાશમાં તો નથી, પણ સાહિત્યકારોની સૃષ્ટિમાં છે! સાહિત્યકાર તો આકાશમાં, પાતાળમાં અને ધરતી ઉપર ગંગાની ધારા જુએ છે. આમ, તેને માટે ત્રણ-ત્રણ ગંગા છે! જ્યારે ઇશ્વરની સૃષ્ટિમાં માત્ર એક જ ગંગા છે જે હિમાલયમાંથી નીકળીને ગંગાસાગરમાં મળે છે. એટલે સાહિત્યમાં બહુ મોટી શક્તિ છે.’

આ શબ્દો કોઇ સાહિત્યકાર કે ભાષાવિદ્નાં નથી પણ દેશનાં એક ઋષિતુલ્ય વિચારકનાં છે જેનું નામ છે વિનોબા ભાવે.

કળાની વિવિધ શાખાઓ જેમ કે સાહિત્ય, સંગીત, નાટયકળા, ચિત્રકળા, સિનેમા, શિલ્પકળા વગેરેનાં મૂળમાં એક પરિબળ સર્વસામાન્ય છે:- અભિવ્યક્તિ. જે તે સમયે, જે તે પરિસ્થિતિમાં માણસને જે સંવેદનો અનુભવાય છે તેને તે વિશ્વ સમક્ષ રજુ કરવા ઇચ્છે છે અને આ રજુઆતનાં માધ્યમસ્વરુપે ઉપરોક્ત કળાઓમાંથી એકની પસંદગી કરે છે.

આ પ્રકારની અભિવ્યક્તિથી કળાકારને પોતાનો વિચાર રજૂ કર્યાનો આનંદ મળે છે અને સાથેસાથે તે સમાજજીવનમાં કશુંક મુલ્યવાન પ્રદાન પણ કરે છે. આ અભિવ્યક્તિ કોઇપણ લાગણીની હોઇ શકે:- પ્રેમ, આનંદ, આક્રોશ, નિરાશા, આશાવાદ, જાતીયતા, આધ્યાત્મિકતા, શૌર્ય, વાત્સલ્ય વગેરે. એટલે જ સંસ્કૃત સાહિત્યમાં નવ રસની મહત્તા કરવામા આવી છે. કળાના માધ્યમથી કહેવાતી વાત કે પડઘાતી લાગણી વાચક/ભાવકના મનમાં સમસંવેદન જગાડે છે અને આમ આપવીતિને જગવીતિ બનાવે છે.

એટલે જ આપણે કોઇ કાવ્ય, ફિલ્મનું ગીત, વાર્તા કે નાટયપ્રસ્તુતિ સાથે પોતાની જાતને જોડી શકીએ છીએ, જે તે કૃતિ આપણી જ મનોવ્યથા કે મનોભાવ વ્યક્ત કરે છે એવું આપણને લાગે છે. જો કે, આમ કરવામાં કળાકારને અત્યંત પીડાદાયી અને હચમચાવી મુકતી સર્જનપ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. એ પ્રક્રિયા લોકોને દેખાતી નથી પણ તેની નીપજ એટલે કે કલાકૃતિ લોકસમુહ સમક્ષ પહોંચે છે.

આજથી સદીઓ પહેલાં પ્લેટો, એરિસ્ટોટલ, દા વિન્ચી જેવાં જિનિયસ વિચારકો-કળાકારો કાર્યરત હતાં અને પૂર્વમાં કાલિદાસ, ભાસ, આર્યભટ્ટ, ચરક વગેરે પોતાનાં જ્ઞાાનપુંજથી સમાજને ઝળાંહળાં કરી રહ્યા હતાં એ સમયે કળા-વાણિજ્ય-વિજ્ઞાાન એવું વર્ગીકરણ જોવા મળતું ન હતું. એ સર્જકો વર્સેટાઇલ (બહુઆયામી વ્યક્તિત્વો) હતાં અને શિક્ષણપ્રણાલિ પણ એ પ્રકારની હતી કે વિદ્યાથઓને તમામ વિષયોનું પુરતું જ્ઞાાન આપવામા આવતું હતું.

કાળક્રમે વિદેશી આક્રમણો થતાં ગયાં, અંગ્રેજ શાસનનો વિકરાળ પંજો સમગ્ર ભારતમાં ફેલાયો. શિક્ષણવ્યવસ્થા બદલાઇ, આઝાદી પહેલાં અને આઝાદી પછી શિક્ષણની નદીએ અનેક વહેણ બદલ્યાં અને આજે એવી પરિસ્થિતિ થઇ છે કે ઉપરોક્ત આર્ટ્સ-કોમર્સ-સાયન્સ માત્ર સમજણ કે સવલત માટેનું વર્ગીકરણ ન રહેતાં વાડાબંધીનું ઉદાહરણ બની ગયું છે.

ઔદ્યોગિકીકરણની સાથે વિજ્ઞાાન અને ટેકનોલોજીનું મહત્વ દિનપ્રતિદિન વધતું ગયું. કારકિર્દી ઘડતર અને અર્થઉપાર્જન માટે સાયન્સ-કામર્સનું મહત્વ વધ્યું અને આર્ટ્સનું અવમુલ્યન શરું થયું. પરિણામે સમાજમાં એક ગેરમાન્યતા રુઢ થઇ ગઇ કે સૌથી તેજસ્વી વિદ્યાર્થી વિજ્ઞાાનશાખામાં ભણે, એ પછીનાં કોમર્સની પસંદગી કરે અને જે ક્યાંય ન ચાલે તેવાં વિદ્યાર્થીઓ આર્ટ્સ રાખે – જે સદંતર વાહિયાત, દુથ:દ અને ભયાનક માન્યતા છે.

સાયન્સ કે કોમર્સનાં કોઇ વિષયનું મુલ્ય ક્યારેય ઓછું ન જ આંકી શકાય પરંતુ આર્ટ્સ એટલે કે કળાઓનાં અભ્યાસનું જે અવમુલ્યન થયું છે એણે સમાજને ભારે હાનિ પહોંચાડી છે. સમાજમાં નૈતિક મુલ્યોનું ધોવાણ અટકવાનું નામ જ નથી લેતું. ક્રાઇમ રેટ વધવાનું આ પણ એક કારણ ગણી શકાય. નિ:સ્વાર્થ સેવા, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, સંવેદનશીલતા, સમર્પણ, લાગણીઓ વગેરે શબ્દો હાંસીપાત્ર બન્યાં છે અને આખરે એક વિરાટ પ્રશ્નાર્થચિહ્ન નો રાક્ષસ અટ્ટહાસ્ય કરતો પ્રગટ થાય છે:-

આ બધાંનો ફાયદો શું છે?

ઓશોએ કહેલું:-‘લોકો મારી પાસે આવીને પુછે છે કે ધ્યાન કરવાથી શું ફાયદો થશે? અરે ભાઇ, ફાયદા-નુકસાનની દુનિયાથી ત્રાસીને તો તમે ધ્યાનનાં માર્ગે વળો છો ને હવે ધ્યાનમાંથી પણ ફાયદા શોધવાં છે?’

બસ, બિલકુલ આ જ વાત સાહિત્યને પણ લાગુ પડે છે.

આ સંદર્ભે વિનોબા ભાવેનું પુસ્તક ‘સાહિત્ય’ વિચારોની ક્ષિતિજો ઉઘાડી આપતું પુસ્તક છે. વિનોબાજીએ એક વાર પંડિત નહેરુને વેધક સવાલ કર્યા કે તમે દુનિયાનો ઇતિહાસ લખ્યો તેમાં કહ્યું છે કે, અકબરના જમાનામાં તુલસીદાસ થઇ ગયા; પરંતુ ખરું જોતાં અકબરના જમાનામાં તુલસીદાસ થઇ ગયા કે તુલસીદાસના જમાનામાં અકબર થયા? જમાનો અકબરનો કે તુલસીનો? આજે આટલાં વરસેય સમાજ ઉપર પ્રભાવ અકબરનો છે કે તુલસીનો છે? બંગાળ ઉપર પણ આજે અસર કોઇ રાજા-મહારાજાની છે કે રવિન્દ્રનાથની છે?

કેટલી સરસ વાત છે! અધ્યાત્મિક શૈલીમાં કહીએ તો સંસારમાં સઘળું અનિત્ય છે, બધું જ કાળની ગર્તામાં હોમાઇ જાય છે તેમ છતાં ઉત્કૃષ્ટ કળાકૃતિ આપોઆપ શાશ્વતિમાં સ્થાન પામે છે.

વિનોબા ભાવે મૂળ તો ગાંધીવિચારથી પ્રેરાયેલ કર્મવીર અને સંન્નિ સમાજસેવક હતા. ઇ.સ., ૧૯૪૦માં ગાંધીજીએ તેમનાં આંદોલન માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે જેમને પસંદ કરેલાં તેવા વિનોબા ભાવેએ ભૂદાન યોજના થકી વંચિત અને છેવાડાનાં માણસના ઉત્થાન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. ઇ.સ., ૧૯૫૮માં સામુદાયિક નેતૃત્વ માટે સૌપ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર વિનોબાજીને ભારત સરકારે ઇ.સ., ૧૯૮૩માં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજ્યા હતાં.

તેઓ વેદ, ઉપનિષદ, શાોનાં ઊંડા અભ્યાસી હતાં અને તેનાં પર ભાષ્યો લખ્યાં હતાં. ભગવદ્ ગીતાને પોતાનું પ્રાણતત્વ ગણાવતાં હતાં. તેમણે ભગવદ્ ગીતાનું ‘ગીતા આઇ’ શિર્ષકથી મરાઠી ભાષાંતર કરેલું જે ખૂબ પ્રચલિત બન્યું હતું. તેમનું વાંચન અને લેખન પુષ્કળ રહ્યું છે. ૨૨ ભાષાઓમાં પારંગત એવાં વિનોબાજીએ ભારતભરમાં પદયાત્રાઓ કરેલી જેમાં ઇ.સ.૧૯૫૭-૫૮ માં ગુજરાતમાં કરેલ ભ્રમણનો પણ સમાવેશ થાય છે.

આવી પ્રતિભાવાન અને તેજસ્વી વ્યક્તિ સાહિત્ય વિષય પર શું કહે છે તે જાણીએ:-

તેમણે દુનિયાને ઘડનારાં ત્રણ મુખ્ય પરિબળો ગણાવ્યાં છે: વિજ્ઞાાન, આત્મજ્ઞાાન અને સાહિત્ય. વિજ્ઞાાનના ચમત્કારોથી કોઇ અજાણ નથી. જીવનની સુખાકારી માટે, સ્વાસ્થ્ય, વાહનવ્યવહાર કે સંદેશાવ્યવહારની સરળતા માટે વિજ્ઞાાનનો સિંહફાળો સૌ સ્વીકારે છે. આત્મજ્ઞાાન એ અધ્યાત્મજગતનો એક કેન્દ્રવર્તી વિચાર છે, પણ આજે વાત સાહિત્યની.

વિનોબાજી સાહિત્યને મનુષ્યને મળેલું વાક્શક્તિનું અનેરું વરદાન ગણાવે છે.

પ્રથમ પ્રકરણમાં તેઓ સાહિત્યસર્જનની પ્રક્રિયાને પ્રસુતિવેદના સાથે સરખાવે છે. જેમ લેબર પેઇનના અંતે એક સુંદર, નવજાત શિશુને ખોળામાં તેડવાનું પરમ સુખ પ્રાપ્ત થાય છે તેમજ સર્જનની પીડા વેઠયા પછી જ હૃદયને શાતા આપતી કૃતિ સર્જાય છે.

સાહિત્યકાર કેવો હોય? ઉત્તમ સાહિત્યનાં લક્ષણ ક્યા હોય? આવાં પ્રશ્નોને તેમણે આ પુસ્તકમાં ચર્ચ્યા છે જેને આજનાં સંદર્ભમાં વિચારીએ તો ઘણું અનુકરણીય મળી આવશે. તેઓ કહે છે:-

‘સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બધાંનો તાવ માપે છે. જો થર્મોમીટરને પોતાને તાવ આવતો હોત, તો તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી ન શકત. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજા બધાનો તાવ માપી શકે છે. સાહિત્યકારનુંય તેવું જ છે. પરંતુ આની સાથોસાથ બીમાર પ્રત્યે હમદર્દી દાખવનારા વૈદ્યનાંયે લક્ષણ સાહિત્યકારમાં જોઇએ. તાવ છે તે જાણ્યું, તાવ ક્યો છે તે ઓળખ્યો, પછી તેનાં નિવારણ માટે તેને દવા પણ બતાવવાની છે. સાહિત્યકારમાં આવી બેવડી શક્તિ જોઇએ.’સાહિત્યકારની સમાજમાં આ ભૂમિકા છે.

તેને સમાજના સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહેવાનું છે, અને જ્યાં જરૃર લાગે ત્યાં પોતાનો વિચાર સ્પષ્ટ અને નિર્ભીકપણે રજૂ કરવાનો છે. રામચરિતમાનસમાં આ જ વાત તુલસીદાસજીએ સુંદર રીતે મૂકી છે. રાવણની સભામાં માલ્યવંત અને વિભીષણ સિવાયના તમામ સભ્યો રાવણના ભયથી ખુશામત કરે છે અને અવળે માર્ગે ચડાવે છે એ સંદર્ભે કવિ લખે છે :-

‘સચિવ વૈદ્ય ગુરુ તિન્હી જો પ્રિય બોલહિ ભય આસ

રાજ, ધર્મ, તન તિન્હી કર હોઉં બેગીહિ નાસ!’

મંત્રી, ડોક્ટર અને શિક્ષક ભયથી કે લાલચથી ખોટી વાત કરે, સાચી સલાહ ન આપે તો અનુક્રમે રાજ્ય, શરીર અને ધર્મનો નાશ થાય છે. અહીં ક્ષણભર માટે ગુરુની ભૂમિકામાં સાહિત્યસર્જકને મુકીએ તોપણ આ વાત કેટલી સચોટ લાગે છે! યુરોપિયન સાહિત્યમાં વિસમી સદીમાં થયેલ આર્થર મિલર, ટી.એસ. એલિયટ, હેરોલ્ડ પિન્ટર, સેમ્યુઅલ બેકેટ વગેરે અનેક શબ્દસાધકોએ જે તે સરકારની યુદ્ધખોર નીતિઓ, ભ્રષ્ટાચાર, મુલ્યોનો હ્રાસ, યાંત્રિકતા જેવી બદીઓ સામે બુલંદ અવાજે વિરોધ નોંધાવ્યો હતો.

પૂર્વ જગતમાં વિચારીએ તો સઆદત હસન મન્ટો, ખુશવંતસિંઘ, કમલા દાસથી લઇને ગુજરાતીમાં અખો, નર્મદ, બક્ષીબાબુ જેવાં અનેક નામો માનસપટલ પર ઉભરાઈ આવશે કે જેઓએ સમાજમાં પ્રવર્તતી વિષમતાઓને ખુલ્લેઆમ પડકારી હતી.

વિનોબા ભાવે આગળ સમજાવે છે:-

‘સાહિત્યકાર શબ્દનો ઉપાસક છે અને એણે શબ્દને કદી નીચે નથી પડવા દેવાનો. તેણે શબ્દનો ઉપયોગ એવી જ રીતે કરવો જેથી શબ્દ ઉન્નત થાય. ખોટા શબ્દોનાં ઉપયોગથી અવનતી થાય છે. સાહિત્યકારો શબ્દની ઉપાસના અનન્યભાવે કરે, શબ્દની કિંમત જાણે, શબ્દને અવનત ન થવા દે. લખવું ઓછું, મનન અને અનુભવ વધારે કરવો. ત્યારપછી સહજભાવે જે વ્યક્ત થતું હોય, તેને થવા દેવું. એ જે વ્યક્ત થશે, તે પાવન તેમજ ઉજ્જવળ વાણી જ હશે.’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s