હસ્તરેખાનું શાસ્ત્ર

Standard

Dr.Sarad Thakar

રવિવારનો દિવસ હતો.
બપોરનો સમય. લગભગ ત્રણ વાગ્યા હશે. મારા ઘરનાં બારણાં પાસે એક ગાડી આવીને ઊભી રહી. અંદરથી એક યુવાન, for હેન્ડસમ ડોક્ટર બહાર નીકળ્યો. હું એને ઓળખી ગયો. એ મારા જ વિસ્તારનો એક ફિઝિશિયન હતો. મારા કરતાં ચાર-પાંચ વર્ષે જુનિયર હતો. અમારી વચ્ચે ખાસ એવી કોઈ ઘનિષ્ઠતા ન હતી, તો એવી કોઈ દૂરી પણ ન હતી. ક્યારેક કોઈક પાર્ટી‍માં ભટકાઈ જઈએ તો ‘કેમ છો?’ કહેવા જેટલો સંબંધ જરૂર હતો.

મેં એને આવકાર આપ્યો,
પણ એણે કમ્પાઉન્ડમાં ઊભાં ઊભાં જ મને કહી દીધું,

‘મારે તમારું ખાસ અંગત કામ પડયું છે,
પણ એના માટે હું અંદર નહીં આવું. તમારે મારા ઘરે આવવું પડશે. તમે આવશો ને, પ્લીઝ?’

‘કોઈ ગાયનેક પેશન્ટ છે?’

મેં અનુમાન કર્યું.

‘હા અને ના, માફ કરજો. હું તમને અત્યારે એના વિશે કંઈ જ નહીં કહું. તમે ઝટપટ તૈયાર થઈ જાવ. હું તમને લેવા જ આવ્યો છું.’

એણે તાકીદ કરી.

‘ઠીક છે, પણ હું તૈયાર થાઉં એટલી વાર માટે તો તમે ઘરમાં આવો. પાણીબાણી પીઓ, ત્યાં સુધીમાં…’

મેં શિષ્ટાચાર દાખવ્યો, પણ એ વધારે સંકોચશીલ નીકળ્યો. મારા ઘરના સભ્યોને ખલેલ પડશે, એવું કહીને એ ગાડીમાં જ બેસી રહ્યો.
હું પાંચ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કપડાં બદલીને નીકળી પડયો. આ ઘટના આજથી બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાંની છે. ત્યારે પાંચ મિનિટમાં તૈયાર થઈને નીકળી પડવું એ મારા માટે શક્ય હતું, કારણ કે ત્યારે હું માત્ર ડોક્ટર જ હતો. લખવાની મજૂરી તો મેં એ પછી લગભગ બે-ત્રણ વર્ષ પછી શરૂ કરી હતી. રવિવારનો બપોર એ મારા માટે ભારે ભોજન બાદની વામકુક્ષિનો સમય હતો.

ગાડીમાં બેઠા પછી ડો. શાહે ફોડ પાડ્યો,

‘મારે તમારી પાસેથી થોડાંક માર્ગદર્શનની જરૂર છે. તમારે હાથ જોઈ આપવાનો છે. મેં સાંભળ્યું છે કે તમે પામિસ્ટ્રીનું ખૂબ સારું જ્ઞાન ધરાવો છો.’

‘ખૂબ સારું તો ન કહી શકાય…
પણ સારો પ્રયત્ન અવશ્ય કરી રહ્યો છું.’

મેં સાચી વિનમ્રતા દાખવી. ગાડી એના ઘરની દિશામાં દોડી રહી. ડો. શાહે સાંભળેલી વાત અફવા ન હતી, હકીકત હતી. એ દિવસોમાં મને હસ્તરેખાશાસ્ત્રનો અભ્યાસ કરવાનું ઝનૂન ઊપડયું હતું. પ્રખ્યાત હસ્તરેખા નિષ્ણાત કીરો (ઘણા એનો ઉચ્ચાર ચીરો અથવા શીરો પણ કરે છે)એ લખેલા વિશ્વશ્રેષ્ઠ પુસ્તકનો ગહન અભ્યાસ કરીને એ શાસ્ત્રમાં હું ખાસ્સો ઊંડો ઊતરી ચૂક્યો હતો. મને કીરોની વાતમાં શ્રદ્ધા એટલા માટે જન્મી હતી કેમ કે એની વાતમાં લોજિક હતું, વિજ્ઞાન હતું, અફરતા હતી, અકાટય નિ‌શ્ચિંતપણું હતું અને મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને પણ ગળે ઊતરી શકે તેવું સચોટ સાતત્ય હતું.

મેં કીરોના એ પુસ્તકને પચાસેક વાર વાંચી કાઢયું હતું. પાને-પાનું પી ગયો હતો. થિયરી મને આવડી ગઈ હતી, હવે પ્રેક્ટિકલ્સ બાકી રહ્યા હતા. સ્વયં કીરોએ કહ્યું છે કે પામિસ્ટ્રીને જો તમારે અનુમાનશાસ્ત્રને બદલે શત-પ્રતિશત એક્યુરસી ધરાવતું વિજ્ઞાન બનાવવું હોય તો તમારે જેટલા શક્ય એટલા વધુ હાથ વાંચવા પડે. જેમ ઓપરેશન વિશે વાંચી લીધા પછી સર્જ્યને હાથ સાફ કરવા માટે પચીસ-પચાસ દર્દીઓનાં ઓપરેશનો કરવાં જ પડે તેના જેવું જ આ શાસ્ત્રનું પણ હોય છે.

એટલે એ દિવસોમાં હું જેને મળું એનો હાથ જોવા બેસી જતો હતો. છ મહિ‌નામાં તો મેં એકાદ હજાર હાથ ‘વાંચી’ કાઢ્યા હશે. આનંદની બાબત એ હતી કે બહુ ઝડપથી એ વિષયમાં મને મહારત હાંસલ થવા લાગી હતી. આશ્ચર્યજનક ગણી શકાય તે હદ સુધી મારી આગાહીઓ સાચી પડવા લાગી હતી. જો એ પછીનાં તરતનાં વર્ષોમાં હું લેખનકાર્ય તરફ ન વળી ગયો હોત તો મને લાગે છે કે પામિસ્ટ્રીના ક્ષેત્રમાં મેં ખૂબ સારી ખ્યાતિ અર્જિત કરી લીધી હોત, પણ મારા નસીબમાં હથેળીને બદલે આંગળીઓ સાથેનો પનારો લખાયો હશે માટે મેં પામિસ્ટ્રીને છોડીને પેન પકડી લીધી.

ડો. શાહનું ઘર આવી ગયું. અમે ડ્રોઇંગરૂમમાં બેઠા. એણે એની ખૂબસૂરત પત્ની પ્રિયા સાથે મારો પરિચય કરાવ્યો. પ્રિયા પણ અમારી સાથે ગોઠવાઈ ગઈ. થોડી વાર સુધી આડીઅવળી વાતો કર્યા પછી ડો. શાહે મુદ્દાની વાત કાઢી,

‘સર,
તમારે પ્રિયાનો હાથ જોઈ આપવાનો છે.’

હું સતર્ક થઈ ગયો. રવિવારના બપોરે એક અલ્પપરિચિત યુવાન તબીબ મને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ જાય અને એની પત્નીનું ભવિષ્યકથન કરવાની દરખાસ્ત મૂકે, ત્યારે મામલો જરૂર ગંભીર હોવો જોઈએ, પણ મારી પાસે ના પાડવાનું કોઈ કારણ ન હતું. પ્રિયા તરત સામેથી ઊઠીને મારી બાજુમાં સોફામાં બેસી ગઈ. ડાબા હાથની હથેળી ખુલ્લી કરીને મારી સામે લંબાવી દીધી.

મેં કહ્યું,

‘માત્ર ડાબા હાથની જ નહીં, જમણા હાથની હથેળી પણ મારે વાંચવી પડશે. કીરોના મતાનુસાર બહેનોનો માત્ર ડાબો હાથ જ જોવો એ પૂરતું નથી ગણાતું.’

હું ભવિષ્યવાણીઓ કરતો ગયો. ક્યાં સુધીનું આયુષ્ય છે? સ્વાસ્થ્યસુખ કેવું રહેશે? માતાપિતા, સાસુસસરા, પતિ સાથેના સંબંધો કેવા હશે? દાંપત્યજીવનમાં મનમેળ, વિદેશપ્રવાસો, અકસ્માતો, મોટી માંદગીઓ, ઘાત-આઘાત… હું પ્રિયાની હસ્તરેખાઓમાં છુપાયેલી ભવિષ્યના પ્રવાસની કેડીઓ ઉકેલતો રહ્યો. પણ પ્રિયા ચૂપ હતી. એનો પતિ ખામોશ રહીને બધું સાંભળી રહ્યો હતો.

છેવટે મેં પૂછી લીધું,

‘તમારે ખાસ કોઈ બાબત વિશે કંઈ જાણવું છે?’

ડો. શાહે કહ્યું,

‘હા, અમારે એ જાણવું છે કે પ્રિયા કેટલાં સંતાનોની મા બનવાની છે?’

હું એમના પરિવાર વિશે કશું જ જાણતો ન હતો. એ લોકોનાં લગ્નને કેટલાં વર્ષો થયાં હશે એની પણ મને ખબર ન હતી. પ્રિયાએ અત્યાર સુધીમાં કેટલાં બાળકોને જન્મ આપ્યો હશે કે એ નિ:સંતાન હશે? મને કશી જ જાણ ન હતી. મેં એની હથેળીના એક ખાસ હિ‌સ્સા પર ધ્યાન કેન્દ્રિ‌ત કર્યું. નજર ઝીણી કરી. બત્તી ચાલુ કરાવી જોઈ, પણ મારે જે જોવું હતું તે જોઈ શકાતું ન હતું.

‘તમારા ઘરમાં મેગ્નિફાઇંગ ગ્લાસ હશે?’

મેં પૂછયું. જવાબમાં ડો. શાહ દોડીને ટેબલના ખાનામાંથી મોટો, સારી ગુણવત્તાવાળો ગ્લાસ લઈ આવ્યા. મેં મારા અને પ્રિયાના હાથની વચ્ચે એ ગ્લાસ ધરી રાખ્યો. અચાનક બધું સ્પષ્ટ દેખાવા માંડ્યું. પૂરેપૂરા અભ્યાસ પછી મેં કહ્યું,

‘પ્રિયાના નસીબમાં બે સંતાનોનું સુખ લખાયેલું છે. એક દીકરો, એક દીકરી.’

આટલું બોલીને હું ડો. શાહનો પ્રતિભાવ જાણવા માટે એની સામે જોઈ રહ્યો. ડો. શાહે પૂછયું,

‘મોટું કોણ હશે? દીકરો કે દીકરી?’

‘દીકરી પહેલા જન્મશે, એ પછી દીકરો થશે.’

મેં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું. પ્રિયા ચૂપ હતી. ડો. શાહ મારી પરીક્ષા લઈ રહ્યા હોય એમ પૂછી રહ્યા….,

‘તમને ખાતરી છે કે તમારી આગાહી સાચી જ પડશે?’

‘મને વિશ્વાસ મારા અભ્યાસ પર છે, મારી મહેનત પર છે, મારા અનુભવ પર છે, પણ સૌથી વધુ વિશ્વાસ આ હથેળીમાં લખાયેલી વાણીમાં છે. આ પથ્થર ઉપરની લકીર છે.’

મેં ભારપૂર્વક કહી દીધું. પ્રિયાના ચહેરા પર હું પ્રથમ વાર સ્મિત જોઈ શકતો હતો, પણ ડો. શાહ હજુ પણ ગંભીર હતા.

‘પ્રિયા, તું અંદર જા. ચા બનાવીને લઈ આવ. તારે જે જાણવું હતું તે પૂરું થઈ ગયું. હવે મારે શરદભાઈની સાથે થોડીક અંગત વાત કરવી છે.’

ડો. શાહે આટલું કહીને પ્રિયાને દૂર કરી દીધી. પછી તરત એક ખાનામાંથી એક રિપોર્ટ અને એક એક્સ-રે કાઢીને મારા હાથમાં મૂકી દીધો.

‘આ શું છે? કોનો એક્સ-રે છે?’

હું પૂછી બેઠો. ડો. શાહે કહ્યું કે કોઈ અજ્ઞાત પેશન્ટના ગર્ભાશયનો ફોટો હતો. મેં બ્રાઉન કવરમાંથી ફોટો બહાર કાઢયો. એ એચ.એસ.જી. ફોટોગ્રાફ હતો. વંધ્યત્વની સારવાર માટે સ્ત્રીના ગર્ભાશયમાં અપારદર્શક પ્રવાહી ભરીને પાડવામાં આવતો એક્સ-રે. મેં ફોટો જોયો, પછી રિપોર્ટ વાંચ્યો. પછી કહ્યું,

‘ધિસ ઇઝ ક્વાઇટ ક્લિયર. આ જે કોઈ પેશન્ટ છે, તેની બંને તરફની ફેલોપિયન નળીઓ બંધ છે. હાલમાં આપણે ત્યાં જે વૈજ્ઞાનિક સુવિધા ઉપલબ્ધ છે એનાથી આ સ્ત્રીને બાળક થવાની કોઈ પણ શક્યતા રહેતી નથી. નળી ખોલવાનું ઓપરેશન થઈ શકે, પણ આ કેસમાં સફળતાની ટકાવારી શૂન્ય જેટલી જણાય છે. ટેસ્ટ ટયૂબ બેબી હજુ આપણે ત્યાં…’

ડો. શાહે મને ચોંકવી દીધો,

‘આ મારી પત્ની પ્રિયાનો રિપોર્ટ છે. અમારે એક દીકરી છે. એ પાંચ વર્ષની થવા આવી છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમે બીજા સંતાન માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ. ઇન્વેસ્ટિગેશન્સ અને ટ્રીટમેન્ટમાં કશું જ બાકી રાખ્યું નથી. તમારું ડોક્ટરી જ્ઞાન કહે છે કે એને બીજું ગર્ભધારણ નહીં થઈ શકે અને તમારી ભવિષ્યવાણી કહે છે કે પ્રિયાનાં નસીબમાં બે સંતાનોનું સુખ લખાયેલું છે. અમારે સાચું શું માનવું?

‘મિત્ર, તમે મારી ભયંકર આકરી કસોટી કરી નાખી છે. મને અંધારામાં રાખ્યો અને બે તદ્દન વિરોધાભાસી વાતો મારા મોંએથી કઢાવી લીધી, પણ હું મારી બંને વાતોને વળગી રહું છું. મેં જેનો હાથ જોયો છે એને જરૂર બીજું બાળક થશે જ, મેં જે અજ્ઞાત દરદીનો ફોટોગ્રાફ (રિપોર્ટ) જોયો છે એને બાળક થવાની કોઈ જ શક્યતા નથી.’

ચા-નાસ્તો પતાવીને ડો. શાહ મને ગાડીમાં ઘરે મૂકી ગયા. એ પછી બરાબર દસ મહિ‌ના પછી એક બપોરે એ મારા ઘરે આવીને પેંડાનું બોક્સ આપી ગયા, ‘પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો છે. હસ્તરેખાનું શાસ્ત્ર જીતી ગયું. તબીબી વિજ્ઞાન હારી…’

‘ના, મિત્ર, એવું ન બોલશો. તબીબી વિજ્ઞાન પણ અમુક હદ સુધી જ સચોટ આગાહી કરી શકે છે. કોઈ શ્રેષ્ઠ ડોક્ટર પણ એ નથી કહી શકતો કે આ બાળક કયા કલાકે અને મિનિટે જન્મવાનું છે કે આ વૃદ્ધ ચોક્કસ કઈ મિનિટે મરી જશે. પ્રિયાના ગર્ભાશયમાંથી દવા પસાર થઈ હશે ત્યારે કદાચ નળીમાં કોઈ ફેરફાર થયો પણ હોઈ શકે. કદાચ તમારા મનમાં જન્મેલા પોઝિટિવ એપ્રોચનું પણ આ પરિણામ હોઈ શકે છે. બાકી કીરોના શાસ્ત્ર વિશે હું એટલું કહીશ કે આ શાસ્ત્ર શત-પ્રતિશત સચોટ છે, આ શરત એટલી જ કે એમાં પ્રાવીણ્ય મેળવવા માટે વૈજ્ઞાનિકની હદ સુધી મહેનત કરવી પડે.’

(છેલ્લાં વીસ વર્ષથી મેં હાથ જોવાનું બંધ કરી દીધું છે, આ માહિ‌તી ખાસ તમારા માટે.)’

લેખક :: ડો. શરદ ઠાકર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s