☆☆ આંહી જ મારુ દુવારકા… ☆☆

Standard

“ઈ..મેમાન શુકામ આવ્યા’તા માં…?”

અઢાર ની ઉંમરની નદી કાંઠા ની ફોરમતી આંબડી જેવી ઘેઘુર અને રઢીયાળી,જુવાન દીકરી એ ફાળ ભરી ને માં ને પૂછ્યું..
“તને જોવા આવ્યા ‘તા બેટા..”
“મને..?”
દીકરી નો ચહેરો ભડકો થયો..
“પણ મારા મા જોવા જેવું શુ છે..હે…માં”
દીકરી ની અણ સમજણ ઉપર માં આછું મલકી ગઈ..
“જો દીકરી જેનું ખાનદાન ખોરડું હોય..
અને ઘરમા જુવાન દીકરી હોય એટલે ન્યાત ના માંગા આવે..આ તો જગત નો વહેવાર છે..”
“પણ માં મારે લગન જ નથી કરવા”
“હે….?”
ડુંગર ની ટોચે થી દડદડતી હોય એમ મા નો ઊદ્ ગાર નીકળ્યો
“અરે બેટા આ તું શુ બોલે છે..?ધારાણી શાખ નું તારા બાપ નું ખોરડું અને તું અઢાર ની થઈ..”
“આજ અઢારની તો કાલ ત્રીસ ની ને એક દિવસ સાંઈઠ ની પણ થઈશ મા..મારી ઊંમર ની ચિંતા તું શુકામ કરે છે..?”
મા ચિંતીત થઈ..
“તારા બાપ ની આબરુ નો વિચાર કર…”
“લગન કરવાથી આબરુ વધે એવુ કોણે કીધુ..માં.?

ચારણ ની દીકરી તો કુંવારી હોય તોય જોગમાયા થઈ ને પૂજાય
મારે સંસાર વહેવાર મા નથી પડવું મારી મા..મારી ઉપર ખોટા ‘ભાખા’ મુકીશ નઈ..”
“મારા પેટ…
પચીસ ની હતી ને તારા બાપુ નું ગામતરુ થયુ..તું માંડ વરસ દિ ની હતી..આ બળબળતી જીવતર ની વનરાઈ મા થી બચતા બચતા મે તને મોટી કરી…
જુવાન રંડાપો કેવો હોય ઈ ની મને ખબર છે બેટા..
આ મારા જીવતર નું નાવડું કાંઠે આવી ને માંડ ઠરીઠામ થ્યુ છે.બાપ..એને ડુબાડીશ નઈ..”
“તારું ને મારુ સૌનું નાવડું ઊગારનારો તો મોરલીધર છે મારી માવડી..
ભરોસો રાખ્ય અને મને મારા પંથે હાલવા દે..”
જામ ખંભાળીયા ગામ ના પાંચમા પુછાય એવા ચારણ ના ઘર ની આ દીકરી…’બોઘી’ ને એની વિધવા માં એ ઊછેરીને મોટી કરી હતી…
જુવાની ને ઊંબરે આવી ને ઉભેલી બોધી ના મન મા કંઈક મનસુબાઓ ઘડાઈ રહ્યા છે…
સમય વિતતો રહ્યો..
આવેલા માંગા પાછા જવા લાગ્યા…
એક દિવસ કોચવાતે સુરે માં એ બોઘી ને કહ્યું…
“બેટા ન્યાત મેણા બોલશે કે..જુવાન દીકરી વાંઢી રહી કાંઈક ‘ચળું’ હશે..”
“એવા મેણાં ને ગણકારીએ નૈ માં…
બાકી ની વાતુ જાવા દે…કારણ કે મારા બાપની આબરુ ની મને ખેવના છે..હો..દુવારકા વાળો સૌ સારાવાના કરશે…”

બે ત્રણ મહિના નો સમય વિતી ગયો..
બોઘી એ મનોમન દ્વારકાધીશ ની માનતા કરેલી કે..મારી માં જો મારા પગલા વધાવશે તો પગપાળા તારી જાત્રા કરીશ…
ધીમે ધીમે જનેતા નો આતમો સમજણ ને થાળે પડ્યો..
હવે પરણવાની વાતો વિસરાઈ ગઈ છે..
એક દિવસ બોઘી એ મા ને વાત કરી “માં ભાતા પોતા તૈયાર કર્ય..આપણે દુવારકા પગપાળા જવું છે..”
માં ને પણ થયુ રણછોડરાય ના દર્શન કરીશુ..મારા જીવ ને શાંતી મળશે…
બીજે દિવસે ભાતું બાંધી મા દીકરી દ્વારકા ને પંથે પડ્યા…
રસ્તામા નદી આવી..
આછા બિલોરી નીર..કાંઠે બાવળ બોરડી ના વન..બોઘી ની માં એ ત્યા સ્નાન કરવાની ઈચ્છા જણાવી..
થોડે દૂર…એક રૂપાળું હાંડાં જેવુ ગામ દેખાતું હતું..
“માં તું નાઈ ને સામે ના ગામ મા આવજે..હું જોવ છું કોઈ ચારણ નું ઘર હોય તો ઊતારો કરીએ..”
“હા..બેટા તું જા..હું અબઘડી આવી..”
બોઘી એ ગામ ની દિશા મા ડગલા દીધા..
ગામ મા જાણવા મળ્યું કે,આ તો ભક્ત કવી ઈસરદાન નું ગામ છે’રંગપર’ એની પેઢીએ એક ચારણ નું ખોરડું પણ છે..
છોકરા એ આંગળી ચીધી ને…
બોઘી ચારણ ના ઘર તરફ આગળ વધી..

‘અમરો બારહઠ’ કરી ને એક ચારણ આ ગામ મા રહેતો હતો..
પણ,અમરો એટલે દુખ નો દાઝેલો.. વેદના ની ભઠ્ઠી મા રીંગણા ની જેમ શેકાયેલો આદમી…
ગઢવી ને ઘરે થી બાઈ બે નાના છોકરા મુકી ને લાંબે ગામતરે હાલી નીકળી છે…
મોટો ચાર વર્ષ નો અને નાનો તો સાવ દોઢ જ વર્ષ નો..
આવા ફુલ જેવા નમાયા બે દિકરા ને વિધુર અમરો માંડમાંડ સાચવે છે..
માલ ઢોર નો ઝાખીરો…ખેતી ની જમીન અને ઊપરયામણ મા ચારણ ની ન્યાત નો વહેવાર…
રસમ રિવાજો..એમા બે ભુલકાઓ ની મા બનેલો અમરો થાકી તો જતો પણ…
આ ફુલડા ની સાચુકલી મા બની ને એને હેત આપે એવી કોઈ ચારણયાળી એને દેખાતી નહોતી..
બપોર ની વેળા છે…
અમરો ગઢવી ભેંશુ લઈ ને સીમમાથી આવ્યો છે…સવારે છાશ ફેરવવાથી માંડી ને વાસીંદુ..સુધ્ધા કરી ને ગયેલો ચારણ હાડતોડ મજુરી કરીને થાકી તો ગયો છે…પણ,
રોટલા સાટુ ટળવળતા છોકરા ને ખવરાવવુ તો પડે..
ગઢવી એ ચુલો પેટાવવા..લાકડા સંકોર્યા..
પણ ચુલો ભરવાની અણઆવડત ને લીધે ધુમાડા ના ગોટા ચડ્યા છે…
ઘરભંગ માણસ ની મનોદશા કેવી હોય એતો જેના પર વિતી હોય એને જ ખબર પડે..
અમરા ગઢવી ની આંખો ધુમાડા મા લાલચોળ થઈ છે..
ફુંક મારતો જાય…લોટ બાંધતો જાય…લોટ મા પાણી મીઠું ઓછા વધુ ન થાય એનો ખ્યાલ રાખતો જાય..
પણ આજ તો ચુલો જાણે એની વેરી થયો હોય..એમ સળગતો નથી..ધુમાડો આંખોમા થી ફેફસા સુધી ઘુસી જાય છે..
તાપ થતો નથી..
ચુલો…લોટ..કથરોટ..બધું બથોબથ છે..
એમા ઘોડીયે સુતેલો નાનો છોકરો ભેંકડો તાણે છે..
ચાર વરસ નો મોટો ખાઉ ખાઉ કરતો બાપ ને ખભે વળગ્યો છે..
એને આઘો કરી ને અમરો બહાર ધકેલે છે..
જા થોડીવાર બહાર રમજે..
છોકરો રમતો રમતો ઓસરી મા આવ્યો..જોયુ તો
એક રૂપાળી બાઈ ને જોઈ..
પોતાની મા ને આ બાઈ મા નિરખતો છોકરો ઘડીભર તો ટગર ટગર જોઈ રહ્યો..
પણ થોડીવારે..જાગૃત થઈ ને અંદર જઈ પોતાના બાપ ના ખભા ઢંઢોળવા લાગ્યો..
પણ,બાપ તો ચુલા હારે ધીંગાણુ ખેલે છે..

“બાપું….” છેવટે છોકરો બોલ્યો..”બાઈ આવી..”

ધુમાડા ના ત્રાસ થી સળગેલો ગઢવી આપા મા હતો નઈ
“તે શુ કરુ…? ઘર મા બેહાડું…!!
જા હવે આઘો ટળ્ય..”
“ઘર મા બેહાડું…” જેવા ગઢવી ના કવેણ તડકો બહાર ઊભેલી બોઘી ને સણસણતો લાગ્યો..
ઓસરી મા થી ઘરમા ડોકાઈ ને બોઘી એ અમરા ગઢવી ને ઊધડો લીધો..
“એલા કેવો છો..?..હે…?
આંખો..ચોળતો ગઢવી સફાળો ઉભો થઈ ગયો…
જોયું તો એક રૂપાળી જુવાનડી…પાંચ હાથ પુરી..સાગના સોટા જેવી સવળોટી..માથા પર બચકી હાથ મા ભાતાનો ડબરો..અને
કવેણ થી ખીજાયેલી ક્રોધ મા રાતીચોળ આંખો વાળી ઊભેલી જોઈ..
ગઢવી ને થયું ‘ઓ ત્તારી….આ તો મારી ન્યાત છે..અને કવેણ નીકળી ગયું..હવે જોગમાયા કરે ઈ ખરી’
“બાપા માફ કરો…”
“આટલી ઉંમરે જીભ ઉપર અંગારા ઝરે…?
ચારણ છો..ચારણ ની જીભે કુવાડા હોય…?
ચારણ ની જીભે તો ફુલ ઝરે…”
ગઢવી ના બેઈ હાથ જોડાઈ ગયા..
“હૈયે ને હાથે દાઝેલો છું..મોટુ મન રાખી ને માફ કરો”
બોઘી એ ગઢવી ના ચહેરા ની લાચારી જોઈ ક્રોધ ને કડવાશ મ્યાન કર્યા..
અને ચિકિત્સક નજરે આ ધર નું ફળીયુ ને ઓસરી જોયા…
વાળ્યા વગર ના ફળીયા મા..
કૂતરા એ પાડેલા ખાડાં..
ધુળ ને ચુલાની રાખ ના ઢગલા..
એંઠા વાસણ ઊપર કાગડા ની રમઝટ..
ઓસરી ની પણ હાલત જોવા જેવી હતી..
ધુમાડા થી કાળી મેશ થયેલી છત ઊપર…કરોળીયા ના જાળા
અને ભેંભુત થયેલી ભીંતો…
“છોકરા ની માં ક્યા ગઈ છે..?”
બોઘી એ કશીય લાગણી વગર પુછ્યું..
ગઢવી છોકરા ના માથે હાથ મુક્યો…
જવાબ ન દીધો..
“તમારા સ્વભાવ ની અવળચંડાઈ નડી હશે…
રીસામણે છે..ને..
હવે આવે શેની..?”
રુંધાતા સ્વરે ગઢવી બોલ્યો
“હા હવે નઈ આવે…મારી ચારણ્ય લાંબે ગામતરે ગઈ છે..
જીવતર નો સાથ છોડી ને હાલી નીકળી”
“અરરરરરર”….બોઘી ના હૈયા મા થી જેમ ફુંક મારતા લોટ ઊડી જાય એમ બધો ય રોષ.ઊડી ગયો..
“હે…મારા મોરલીધર…”બોઘી નું રૂંવાડે રૂંવાડું દ્રવી ગયુ…
“હે….શામળીયા..તે આ બચલાવ ને નમાયા કર્યા..?”
એટલી વેર મા ઘોડીયા મા સુતેલો દોઢવરસ નો બાળક જાગી ગયો…
લોટવાળા હાથે ગઢવી એ બાળક ને તેડ્યો..
પણ બાળક કેમેય છાનો રહેતો નથી..
તળેળા નાખતા…બાળક ના રુદન ની સાથોસાથ..
બોઘી ના હૈયા મા પણ તોફાન મચ્યું છે…!!

“ઈ તો ઘડીક રો’શે”
કહી ને કંટાળેલા અમરા ગઢવી એ બાળક ને ફરી ઘોડીયા મા નાખ્યું…
“બેટા તું ભાઈ ને હિંચકાવ્ય..હું રોટલા ઘડી નાખું તમે બેસો”
કહી અમરો ગઢવો ફરી પાછો ચુલે વળગ્યો…
ચાર વરસ નું બાળક પોતાના ભાઈ ને બચકાવતું ફોસલાવતું…નાના હાથ થી વહાલ કરતું હિંચકાવી રહ્યુ છે..
દોઢ વરસ નુ બાળક છાનું રહેતું નથી..
આ બાજું ચુલા ના ધુમાડા મા થી અગ્નિ પ્રગટવાનું નામ નથી લેતો…
આ બેઈ ધટના વચ્ચે અથડાતા કુટાતા હૈયે બોઘી અવાક્ બની ને ઊભી છે…
અને અચાનક બોઘી ના ડગલા ઘોડીયા તરફ વળ્યાં…
રડતા બાળક ને ઊપાડી ને બોઘી એ છાતીએ છાપ્યો..

કુદરતનો ચમ્તકાર થયો હોય એમ..
ચુલા મા અગ્નિ પ્રગટ થયો…
બાળક રડતો શાંત થઈ ને પોતાની માં ના ખોળા મા પોઢે એમ પોઢી ગયો…
બોઘી નો એક હાથ…
ચાર વરસ ના દિકરા ના માથા ઉપર ફરી રહ્યો છે…
એક હાથે દોઢ વરસના દિકરા ને સુવડાવ્યો છે..
કાળા મેશ જેવા ધુમાડા ના ગોટા..
હવા મા ઓસરી ગયા છે..
વાતાવરણ મા શાંતી પથરાઈ ગઈ છે..

“બોધી…આંહી શુ કરે છે..?
આ બાળકો…?
બોઘી ની મા સ્નાન કરી ને ચારણ નું ઘર પૂછતી આવી પુગી..
“હાલો..હવે દુવારકા છેટું છે..
મારગ પકડીયે બેટા..”
“હવે ક્યાંય જાવુ ને કારવવું માં…હવે તો આંહી જ મારુ દુવારકા ને આ ઘર એજ મારુ તિરથ”
રોટલો શેકતા અમરા ગઢવી ને હૈયે ટાઢા શેરડાં ફુટ્યા..

ને બોઘી એ પોતાની માં ને બધી વાત સમજાવી..

નોંધ÷બોઘીબાઈ ના આ સમર્પણ અને ત્યાગ ની ગાથા એક સત્ય ઘટના છે..
આજે પણ ‘રંગપર’ ગામ મા બોઘી બાઈ દેવી તરીકે પૂજાય છે.

લેખ – ✍ભરત વ્યાસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s