વક્ત ને કિયા ક્યા હસીં સિતમ… તુમ રહે ના તુમ, હમ રહે ના હમ!

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

વક્ત ને કિયા ક્યા હસીં સિતમ… તુમ રહે ના તુમ, હમ રહે ના હમ!

ઘડિયાળો વિનંતી કરે છે મનુષ્યને કે આયના સામે ઊભા રહી જાતને નિહાળો. બદલાતા અને વહેતા સમયની આપણા પર પડતી છાપ નીરખો

ઘરેઘર વહેંચવા નીકળી પડયો છું છાબડીઓ લઈ, કરું શું સંઘરીને આટલા ખાલીપણાને હું!
સફર ધીમી છતાં નિશ્ચિત બની છે, લાકડાતરફી, ત્યજીને જે સમય પર બહાર આવ્યો પારણાંને હું!
(શોભિત દેસાઈ)

પરફેક્ટ લવ બધાના નસીબમાં નથી હોતો. હોય એનો ય કાયમી તો નથી જ રહેતો. તો જે છે એ ચાહતા શીખવું. સમાધાનમાં ય સુખદ સ્મિતની લાગણી થાય એનું જ નામ પ્રેમ!

As I walked out one evening,
Walking down Bristol Street,
The crowds upon the pavement
Were fields of harvest wheat.

And down by the brimming river
I heard a lover sing a lover sing
Under an arch of the railway:
“Love has no ending.

“I’ll love you, dear, I’ll love you
Till China and Africa meet,
And the river jumps over the mountain
And the salmon sing in the street,

“I’ll love you till the ocean
Is folded and hung up to dry
And the seven stars go squawking
Like geese about the sky.

“The years shall run like rabbits,
For in my arms i hold
The Flower of the Ages,
And the first love of the world.”

But all the clocks in the city
Began to whirr and chime:
“O let not Time deceive you,
You cannot conquer Time.

“In the burrows of the Nightmare
Where Justice naked is,
Time watches from the shadow
And coughs when you would kiss.

“In headaches and in worry
Vaguely life leaks away,
And Time will have his fancy
To-morrow or to-day.

“Into many a green valley
Drifts the appalling snow;
Time breaks the threaded dances
And the diver’s brilliant bow.

“O plunge your hands in water,
Plunge them in up to the wrist;
Stare, stare in the basin
And wonder what you’ve missed.

“The glacier knocks in the cupboard,
The desert sighs in the bed,
And the crack in the tea-cup opens
A lane to the land of the dead.

“Where the beggars raffle the banknotes
And the Giant is enchanting to Jack,
And the Lily-white Boy is a Roarer,
And jill goes down on her back.

“O look, look in the mirror?
O look in your distress:
Life remains a blessing
Althoug you cannot bless.

“O stand, stand at the window
As the tears scald and start;
You shall love your crooked neighbour
With your crooked heart.”

It was late, late in the evening,
The lovers they were gone;
The clocks had ceased their chiming,
And the deep river ran on.

હજુ શરૃ ના થયેલી ઠંડી વિના જ ઠૂઠવી દે એવી આ લાંબીલચક કવિતા લાગી હશે સ્કીપ કરતી વખતે. બ્રિટનમાં જન્મેલા અને પાછળથી અમેરિકન સિટીઝન બનેલા અને જગતના ઉમદા આધુનિક કવિઓમાંના એક ગણાયેલા ડબ્લ્યુ.એચ. (વિસ્ટન હ્યુ) ઓડનની આ ક્લાસિક પોએમ છે.

ટાઈટલ છે : એઝ આઈ વોક્ડ આઉટ વન ઇવનિંગ. માત્ર ૬૦ લીટીમાં જીવનની સોનોગ્રાફી કરી નાખી છે અહીં ‘એજ ઓફ એંગ્ઝાયટી’ જેવી અણમોલ કિતાબ માટે પુલિત્ઝર પ્રાઈઝ જીતનારા કવિએ.

પણ આપણે હજુ અક્ષરની આરપાર વાંચી શકતી નજર બેચલર કે માસ્ટર ઓફ આર્ટસની છુટ્ટે હાથે વહેંચાતી ડિગ્રીઓ પછી પણ કેળવી નથી શક્યા. ઘણી વાર ઉતાવળિયા યુગમાં મોબાઈલ પર ફરતી આંગળીઓની સ્પીડમાં જ સંસાર સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ. અનોખી અભિવ્યક્તિ સમજવા બહુ બધી બુદ્ધિની જરૃર નથી હોતી.

પણ સર્જકે એક્સપ્રેશનમાં પઝલની જેમ છુપાવેલા સંદર્ભો ઉર્ફે રેફરન્સીઝ પારખી લેવા જેટલી સમજદારી જોઈએ. રીડિંગથી નોલેજ વધે, ને પછી એનો તાલમેલ બેસાડવાની ગિફ્ટ હોય તો વિઝડમ વધે. પછી એ ચિત્ર હોય, ફિલ્મની ફ્રેમ હોય કે કવિતા.

તો અહીં ઉપાડ એકદમ સિમ્પલ છે. કવિ અહીં સાક્ષીભાવે બયાન કરે છે. માટે એ દર્શક છે. દર્શક બહાર નીકળે છે એક સાંજે બ્રિસ્ટોલ સ્ટ્રીટ પર. ત્યાં એને ફૂટપાથ પર લોકોના ટોળા દેખાય છે. કાપણી માટે તૈયાર એવા ઘઉંના ખેતરો જેવા.

વાત કેવળ સ્ટ્રીટ ને વ્હીટ શબ્દોના પ્રાસની નથી. સારી કળા માણવા માટે ડિટેક્ટીવ થવું પડે. મેગ્નીફાયિંગ ગ્લાસથી કડીઓ શોધીને જોડવી પડે. કાપણીલાયક ઘઉંનું ખેતર જોયું છે કદી? એ દૂરથી લીલું નહિ પણ ડૂંડાને લીધે સોનેરી દેખાય. માટે પહેલો અર્થ વિઝ્યુઅલ છે.

સાંજના ઢળતા તડકાના કિરણોમાં ફૂટપાથો પર જથ્થાબંધ લહેરાતા લોકો સોનેરી લાગે છે. ને બીજો અર્થ એથી ઊંડો છે. કાપણીલાયક ઘઉંનું દ્રશ્ય સુંદરની સાથે ટ્રેજિક પણ છે. ગમે ત્યારે એના પવનમાં થતા મુક્ત નર્તન પર માલિક ખેડૂતનું દાતરડું ફરી વળવાનું છે. એ અચાનક સજીવમાંથી નિર્જીવ બની જવાના છે. સોલલેસ!

આગળ? દર્શક સાંભળે છે, બે કાંઠે ઉછળતી નદીના કિનારે રેલ્વેની કમાન નીચે એક પ્રેમીનું ગીત કે પ્રેમ કદી મરતો નથી! વેલ, રેલ્વે ને નદી. બે ય સૂચવે છે. ગતિ. સફર. યાત્રા. પણ ફરક છે. રેલ્વે માનવસર્જિત છે. માટે ટ્રેન કોઈક જગ્યાએ લાસ્ટ સ્ટેશન પર અટકે છે.

નદી કુદરતની કરામત છે. માટે એની ધારા અંત આવી જાય તો ય અટકતી નથી. માત્ર રૃપ બદલે છે (સમુદ્રમાં ભળીને!) અને વહેતો પ્રવાહ એ પણ કાળ યાને સમયનું સનાતન પ્રતીક છે. નદીની જેમ જ સમય સતત વહ્યા કરે છે. રૃપ ને પાણી બદલાય છે. વહેણ નહીં.

અને એકાંતમાં શાશ્વત પ્રેમનું ગીત ગાતો પેલો લવર હૈયું ઠાલવીને કહે છે કે હું તને ચાહીશ. ચીન અને આફ્રિકા એકમેકમાં ભળી ન જાય ત્યાં સુધી. નદીઓ પહાડો ઉપરથી પસાર ન થાય ત્યાં સુધી. ગલીઓમાં માછલીઓ ગાવા ન  લાગે ત્યાં સુધી! આ બધું અસંભવ છે. યાને ચાહવાની પ્રક્રિયા અનંત છે.

આવું કશું થવાનું નથી, માટે પ્રેમ અટકવાનો નથી. આગળ એ લવર લલકારે છે કે જ્યાં સુધી સમુદ્રને ગડી વાળી સૂકવવા ન નાખી દેવાય ત્યાં સુધી, જ્યાં સુધી સપ્તર્ષિના તારાઓ ઝાંખા થઈને કર્કશ અવાજ કરતા કોઈ અતિસામાન્ય બતક જેવા ન થઈ જાય ત્યાં સુધી! સાગર સુકાઈ જાય કે અબજો વર્ષનું આયુષ્ય ધરાવતા તારાઓ ઓલવાઈ જાય એવું થવાનું નથી. માટે અગેઇન, લવ ઈઝ ફોરએવર. ભવોભવની પ્રીત. નેવરએન્ડિંગ.

અને એ પ્રિયતમ પોતાની પ્રેયસીને જ્યારે બાહોંમાં ભરે છે, ત્યારે વર્ષોના વર્ષો જાણે દોડતા સસલાની જેમ પસાર થઈ જાય છે! મહોબ્બત આગોશમાં હોય ત્યારે આનંદ એવો થાય છે કે એ ભાવસમાધિમાં સમયનું ભાન રહેતું નથી.

કેવી છે કે બ્યુટી? જેવી હોય તેવી, પણ એના પિયુની નજરમાં તો યુગો યુગોથી ખીલેલા પુષ્પ જેવી અદ્રુત છે. એ બેઉનો પ્રેમ જ જાણે જગતનો એકમાત્ર ને શ્રેષ્ઠ પ્રેમ છે. બાકીના લૈલા-મજનૂઓ કે રોમિયો-જુલિયેટ્સ તો પાણી ભરે એની આગળ. દરેક પ્રેમીપંખીડાને આ જ ફીલિંગ આવતી હોય છે, કે જગતમાં પહેલો, સાચો ને અજોડ એવો પ્રેમ તો આપણે જ કર્યો છે!

(બાય ધ વે, કવિતામાં પ્રેમીના જેન્ડરનો સીધો ઉલ્લેખ નથી. ટ્રેડીશનલી ગીત ગાતા લવરને ફ્લાવર જેવું ઉપમા કોણ સ્ત્રી ને કોણ પુરુષ એ સંકેત કરે છે. પણ સ્ત્રી ગમતા પુરુષ માટે પણ આવી જ કલ્પના કરી શકે.) મુદ્દાની વાત એ કે ઈશ્કમાં માથાબોળ ડૂબેલા હો તો એના સપના જોવામાં ય સમયનું ભાન રહેતું નથી.

પણ હવે આવે છે, પરમેનન્ટ ટર્નિંગ પોઈન્ટ. એવરગ્રીન વિલન ઓફ બ્યુટી એન્ડ લવ. ટાઈમ! મધુરું પ્રેમગીત સાંભળવામાં ખોવાઈ ગયેલા કવિ-દર્શકને ઢંઢોળતી હોય એમ અચાનક નગર આખાની ઘડિયાળો ડંકા ગજાવતી ધણધણી ઊઠે છે! અને જાણે ચેતવણી આપતી હોય એમ કશુંક કહેતી હોય એવો અહેસાસ થાય છે. શું કહે છે? ‘ભલે પ્રેમની વાર્તામાં જાત ભૂલી ગયા હો ત્યારે એવું લાગે છે કે સમય થંભી ગયો છે એટસેટરા. પણ વાસ્તવિકતામાં કાળને કોઈ જીતી શકતું નથી. યુ કાન્ટ બીટ ટાઈમ!’

કાળવાણી આગળ ચાલે છે : એવી અંધારી બિહામણી ગલીઓ છે, જ્યાં થરથરાવી દેતા નાઈટમેર્સ ઉર્ફે દુ:સ્વપ્નો વસે છે. અને ન્યાય યાને જસ્ટિસ ત્યાં નગ્ન ફરે છે. થોડામાં કેવું ઘણું કહી દીધું એ જોયું? કાળ ને ન્યાય બે ય એકબીજાને સમાંતર ચાલે છે (કર્મન્યાયનો નિયમ!) પણ અહીં જજમેન્ટ દેવાવાળી વાત નથી. જેમ ન્યાય સામે બધા જ સરખા છે. ને કોઈ પણ અનુગ્રહ-પૂર્વગ્રહ કે પક્ષપાત વિના ન્યાય તમામને એક ત્રાજવે તોળે છે, એવું જ સમયનું છે. એમાં કોઈ ભેદ કે ભાવ નથી.

ક્રૂર લાગે એવી વાત છે. પણ એમાં સચ્ચાઈ છે. બુઢાપો બધાને આવે છે. વરસ બધા કેલેન્ડરમાં વીતે છે. માટે પ્રેમના મૂડમાં ખુશ પ્રેમીઓને પડછાયામાં રહેલો સમય કહે છે કે, સાવધાન! ક્યારે આ સ્વીટ કિસ છે, એ દર્દીલી ઉધરસમાં ફેરવાઈ જશે એની ખબર નહીં પડે!

જેમ થર્મોસમાં લીકેજ હોય ને પાણી ટપકીને ખતમ થાય એમ રોજીંદી ઘટમાળમાં, જાતભાતના શિરદર્દ ને ચિંતાઓમાં, પસાર થતા સમય સાથે જીવન ક્યાં ઢોળાઈ જશે એનો અહેસાસ નહીં થાય ! વહેલો કે મોડો, આજ કે કાલ સમય તો ગમે તેને આંબી જ લેશે. સેલિબ્રિટી હોય કે ભિખારી, ધર્મગુરુ હોય કે આગેવાન.

હીરોઈન હોય કે ખેલાડી. સૃષ્ટિ મોજમાં હોઇએ ત્યારે ગમે તેટલી હરિયાળી ને લીલીછમ લાગતી હોય, પણ ગમે ત્યારે એના પર કાળ બરફની સફેદ મુર્દા કફન જેવી સન્નાટાભરી ચાદર ઓઢાડી દેશે! (ઓડેન ભારતમાં મોટા થયા હોત તો પાનખરના ઉકળતા વેરાનનું વર્ણન કરત. મર્મ જો કે એક જ છે) સમય આનંદ અને ફળદ્રુપતાના રંગીન નૃત્યમાં તલ્લીન ડાન્સર્સનું સ્ટેજ તોડી પાડશે. સ્વિમિંગ પૂલ કે નદીમાં ભૂસકો મારતા પહેલા કુશળ તરવૈયા ડાઈવ યાને હવામાં ગુલાંટ મારે છે.

એ વખતે બે ઘડી સ્વીમર ગુરુત્વાકર્ષણને પછાડી ઉડવા લાગશે એમ લાગે, પણ અંતે તો એ નીચે જ આવે છે. એમ જરાવાર કોઇ પણ વ્યક્તિ કે શોખ કે યૌવનના પ્રેમમાં હો ત્યારે મુક્ત ઉડાન ભરતા હો એવું લાગે, પણ આખરે તો ભગવદ્ગીતામાં કહેવાયું છે એમ કાળના જડબામાં એની રાક્ષસી દાઢનું ચવાણું બની જવાની છે, આ બધી સુખની, મોજની, હાસ્યકિલ્લોલની પળો!

ઘડિયાળો ઉર્ફે સમયના સંદેશવાહકો પોતાની કાળવાણી વિસ્તારે છે. પાણીમાં (અરીસામાં નહિ, કારણ કે પાણી કોઇ રંગસ્વાદગંધ વિના રહેતા નિરપેક્ષ સમયનું પ્રતિબિંબ છે. જેને સંતુલિત-સ્થિર કરવું અઘરું છે) એકીટશે ખુદની જાત નિહાળો. ને વિચારો કે વહી ગયેલો સમય કેવો વેડફાયો. એમાં શું ચુકાઇ ગયું, રહી ગયું. કારણ કે, કાળને રિવર્સ ગીઅર હોતું નથી. સમય ગયો તો ગયો. ખલ્લાસ.

એ જતો રહે ત્યારે ભાન થાય છે કે ઝડપી લેવાયેલી યોગ્ય ક્ષણનું કેવું મહત્વ છે!

પણ કવિ ઓડન સોળે કળાએ પ્રગટ થાય છે હવે. કબાટમાં ટકોરા મારે છે હિમશિખર ને પથારીમાં ડૂસકાં ભરે છે રણ! યે હુઈ ન કવિતા! સમયનું અસલી કરાલ સ્વરૃપ હવે ખુલે છે. ગ્લેશિયર ઉર્ફે હિમશિખર ફોટામાં બહુ સોહામણા લાગે. પણ હોય છે એકદમ વેરાન.

કડકડતી કાયમી ઠંડીમાં ત્યાં તણખલું ય ઉગે નહિ, ને ના કોઇ સતત રહી શકે. માટે ત્યાં જીવન થીજી જાય છે. સ્થગિત ભેંકાર બનીને. કબાટમાં હોય ખાણીપીણીની સામગ્રી, શણગારના વસ્ત્રો ને આભૂષણો… ત્યાં આવા હિમશિખરો ટકોરા મારે મતલબ પ્રેમસભર યૌવાન ગયું ને નિર્જન એકાંત રહ્યું!

એવી જ રીતે પથારીમાં હોય આરામ અને આનંદ. સહશયનની ઉન્માદક કેલીઓ. ત્યાં રણ હીબકાં ભરે અર્થાત હવે ત્યાં કશું લીલુંછમ, ફળદ્રુપ નથી. શૃંગારનો બેડ હવે જાણે બીમારનો બેડ બની ગયો છે. વૃદ્ધત્વ, ખાલીપો, રોગ, મોત વોટએવર આંબી ગયું છે. માટે આગળની પંક્તિઓમાં ચાના કપમાં પડેલી તિરાડનો ઉલ્લેખ છે. મતલબ સ્ફૂર્તિ આપતો જીવનરસ ઢોળાઇ રહ્યો છે.

અને એ જાળવવા પાત્ર શરીરમાં તડ – કરચલીઓ પડી છે. રંગરોગાનવાળો ભવ્ય મહેલ હવે ભૂતાવળનું કે ભૂતકાળનું ખંડેર બનતો જાય છે. (પાસ્ટ માટેનો સંસ્કૃત શબ્દ ભૂત કેવો અસરકારક છે!) એમાંથી રચાય છે કે મૃત્યુ યાને અંત તરફ જતો પથ. યાને પ્રેમ, જુવાની, મોજમજાની મહેફીલો, સુંદર ઘર બધું ગમે તેટલું વ્હાલું લાગે. કાળક્રમે એમાં ઓટ આવવાની.

અને એટલે આગળ સમયના સામ્રાજ્યની પહેચાન કરાવવામાં આવે છે, પશ્ચિમમાં પોપ્યુલર પરીકથાઓના ટ્વીસ્ટ આપીને, જેમ કે જાયન્ટ્સથી ગભરાતો મેજિક બીન્સ વાળો બાળક જેક હવે મોટો થઇ ગયો છે. ગરીબ પૈસાદાર થઇ ગયો છે. પેલી જેક એન્ડ જીલના જોડકણાવાળી માસૂમ જીલ હવે માદક બનીને સિડક્ટ્રેસની જેમ પડખાભેર સુતી છે.

નાનકડું ભૂલકું ગર્જન કરતો બાહુબલિ યોદ્ધો બને છે. સમય પસાર થાય એમ સારું-ખરાબ બધું બદલાય છે. કલ્પનાના જગત સિવાય કશું એમનું એમ જ રહેતું નથી. ‘માસૂમ’ની બાળ ઉર્મિલા ‘રંગીલા’ની હાય રામાની કામિની બની જાય છે! ઇનોસન્સ મેચ્યોરિટીમાં ફેરવાઇ જાય છે. શત્રુ મિત્ર ને મિત્ર શત્રુ બની જાય છે. નથિંગ ઈઝ પરમેનન્ટ, ઓર ફોરએવર.

માટે ઘડિયાળો વિનંતી કરે છે મનુષ્યને કે આયના સામે ઊભા રહી જાતને નિહાળો. બદલાતા અને વહેતા સમયની આપણા પર પડતી છાપ નીરખો. આપણું હોવું એ ચમત્કાર છે, પરમની કૃપા છે. પણ આપણે આપણી જાત પર એવા અમરત્વના ચમત્કાર કરી નથી શકતા.

જેણે ચાહ્યું એ ધાર્યું પામી નથી શકતા. ઇક દિન બિક જાયેગા માટી કે મોલ! અને પછી અરીસામાં યાને આત્મનિરીક્ષણમાં ખુદનું પરીક્ષણ કરી ઊભા રહો બારી પાસે. હવે આસપાસની દુનિયા નિહાળો. એમાં ય આ જ કાળદેવતાનો અફાટ ભરડો જ નજરે ચડશે. ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ, ઢલ જાયેગા! સમયના આ વિજય સામે આપણી લાચારીના તો કેવળ આંસુ નીકળશે પીડાથી છલોછલ.

પણ કાળા વાદળમાં એક રૃપેરી કોર છે. ટાઈમ લિમિટેડ છે, આપણે બધા જ કોઇને કોઇ રીતે અધૂરા છીએ. મનમાં મેલવાળા છીએ. પણ આપણો પાડોશી, યાને પૃથ્વી પર, જીવનમાં આપણા ફેલો ટ્રાવેલર મનુષ્યો પણ એવા જ છે. એમના દિલમાં ક્યાંક દુષ્ટતા છે, તો આપણા દિલમાં ક્યાંક ય દુષ્ટતા છે. માટે જરાક જતું કરીને, માફકસર ગઇગૂજરી ભૂલીને પણ પ્રેમ કરવો.

બેઉ ટાઈમના અમોઘ હાથે શિકાર થયેલા જ છે, હારેલા જ છે. પછી કેટલીક નફરત કરવી? માટે કહાની જેવો સંપૂર્ણ ન યે થાય તો થાય એવો પ્રેમ કરવો. પરફેક્ટ લવ બધાના નસીબમાં નથી હોતો. હોય એનો ય કાયમી તો નથી જ રહેતો. તો જે છે એ ચાહતા શીખવું. સમાધાનમાં ય સુખદ સ્મિતની લાગણી થાય એનું જ નામ પ્રેમ!

અને છેવટે ધ એન્ડ. ફરી આવે છે આ બધી વાત સાંભળનાર ને સમી સાંજે ટહેલવા નીકળનાર દર્શક. પણ હવે દ્રશ્ય બદલાયું છે. સંધ્યાનો નારંગી પ્રકાશ રાત્રિનો ઘેરો અંધકાર બન્યો છે. પેલા ગીત ગાતા પ્રેમીઓ એ છાયામાં જાણે ઓગળી ગયા છે. ચાલ્યા ગયા છે. હવે તો ઘડિયાળો પણ ચૂપ થઇ ગઇ છે. અર્થાત, સમય હવે નોંધાતો નથી. આખરે તો આ દિવસ, સપ્તાહ, મહિના, વર્ષ બધા માણસે પોતાની સગવડતા માટે બનાવેલા એકમ છે.

પ્રકૃતિને એનાથી શું ફરક પડે? એનો લીલારાસ અનંત છે. સમયને ગણનારા માણસો ન રહે ત્યારે ય અદ્રશ્ય સ્વરૃપે સમય તો રહેશે, પણ એને કોઇ વ્યાખ્યા કે માપણીમાં સમાવી નહિ શકાય. મૃતાત્માને મહિનો, વર્ષ, ઉંમર કશું લાગુ પડતું નથી. એ તો એમને યાદ કરનાર જીવતા લોકો પુરતું છે. એ ય કોઇ દિવસે ગુજરી જાય પછી એમના માટે ય સમયનું અસ્તિત્વ લોપાઈ જાય.

માટે કોઇ ટ્રેક કરવાવાળું ન રહે કે કોઇ ટાવર ક્લોક ન રહે તો ય સમય સતત વહેતો જ જશે, લાઈક ડીપ ડાર્ક રિવર. ચિરંજીવ રહેશે. અનાદિ અનંત શિવત્વની નદી. બાકી બધું ભૂંસાઇ જશે. પ્રેમીઓ પણ, અને પ્રેમ પણ. પછી એ પ્રેમ પુસ્તક માટેનો હોય કે સંગીત માટેનો.

બિઝનેસ બ્રાન્ડિંગ માટેનું પેશન હોય કે પોલિટીકલ વિકટરીની આરઝૂ. બધી જ ચાહતને સમય સમાપ્ત કરી દેશે. અને આમ વધુ એક વર્ષ પંચાંગમાં બદલાય ત્યારે સમયના ખળખળ વહેતા જળને સંવેદનના ખડક પર બેઠાંબેઠાં નિહાળતાં ઉઠશે વિચારવમળો, જે યાદ અપાવી દેશે આ કવિતાની!

જાપાનમાં જન્મેલા અને બ્રિટનમાં વસેલા ખઝુઓ ઇશિગુરોને ૨૦૧૭નું સાહિત્ય નોબેલ પ્રાઈઝ મળ્યું. એમની કથા છે ‘રિમેન્સ ઓફ ધ ડે’. જેમાં મુખ્ય નાયક સ્ટીવન્સ છે. એકદમ ચીપીચીપીને વિચારી વિચારીને માપમા ને ભારમાં જીવવાવાળો બટલર. નવા શેઠ મસ્તમૌલા છે. કદી ન રજા લેતા સ્ટીવન્સને ધરાર વેકેશન પર મોકલે છે. આટલા વર્ષે ક્યાં જવું એનો ય એને વિચાર થાય છે. યાદ આવે છે કે એક જમાનામાં એના ઘરમાં એક યુવતી હાઉસકીપર હતી.

કેન્ટન. એ શરારત કરતી પણ સ્ટીવન્સને એની એટીકેટને લીધે શું જવાબ આપવો એ ય સૂઝતું નહીં ને પોતાનું કામ કરતો. આટલા વર્ષે એ મળવા બોલાવે છે પરણેલી કેન્ટનને. કલાકો વાતો થાય છે. કેન્ટન એના સંસારમાં સુખી છે, પણ જતી વખતે બસમાં ચડતા કહે છે કે ક્યારેક એમ થાય કે જિંદગી જરા જુદી રીતે જીવાઇ હોત તો હેપીનેસ વધુ હોત, જેમ કે તારી સાથે.

પણ કાયમ પાસ્ટમાં થોડું જીવાય છે? ને સ્ટીવન્સને થાય છે કે એ પોતે બસ ચૂકી ગયો. મનોમન એ ય પ્રેમ તો કરતો હતો, પણ અહેસાસ મોડો થયો. ભગ્નહૃદયી સ્ટીવન્સ કથાના અંતે સમજે છે કે આયખાની સાંજ ઢળવા આવી, ઢસરડામાં વેડફાયું જીવન. હવે બાકી વધેલો સમય યાને રિમેન્સ ઓફ ધ ડે જરાક મરજી મુજબની મજાઓ કરી લઇએ!

અને યાદ કરીએ એવી એક પળને જે આપણી મોસ્ટ ફેવરિટ મેમરી હોય. જેમાં કોઇની આંખમાં તાકીએ ત્યારે એ આપણા આત્મામાં ડોકિયું કરતા હોય એવું લાગ્યું હોય ને બાકીનું જગત એ ક્ષણ પુરતું મટી ગયું હોય! ત્યારે જો તમે એકલા ન હો, તો જે સાથે હોય એની સ્નેહસ્મૃતિની એક પળ ડેડલી ટાઈમ સામે નોંધાતું પરાક્રમ છે. સવંત સામે નોંધાતો વિક્રમ છે! બાકી લાઈફ ઈઝ લવ, ટાઈમ  એન્ડ ડેથ!

ફાસ્ટ ફોરવર્ડ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા, ઓળઘોળ આયખાનું મૂલ.
(માધવ રામાનુજ)

Leave a comment