આ પૃથ્વી પર જે પૃથ્વી છે તે શશી કપૂરને લીધે છે..!!

Standard

આ પૃથ્વી પર જે પૃથ્વી છે તે શશી કપૂરને લીધે છે*l
_ગુડ મૉર્નિંગ_ – સૌરભ શાહ
( _મુંબઇ સમાચાર_ : સોમવાર, 20 જૂન  2016)
પાંચમી નવેમ્બર ૧૯૭૮ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં એક ઈતિહાસ સર્જાયો. નસિરુદ્દીન શાહ, ઓમ પુરી અને બીજા કળાકારોએ ભરચક રેસિડેન્શ્યલ લત્તામાં ‘ઉધ્વસ્ત ધર્મશાલા’ નામનું નાટક ભજવ્યું. વેન્યુ હતું પૃથ્વી થિયેટર. મુંબઈના એ આયકૉનિક નાટ્યગૃહનો પહેલો જ દિવસ.
પૃથ્વીરાજ કપૂરે ૧૯૪૨માં પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી હતી. આ નાટક કંપનીમાં કુલ ૧૫૦ સભ્ય. તે ભારતનાં વિવિધ શહેરોમાં ફરી ફરીને નાટકો કરતી. મુંબઈના ઑપેરા હાઉસમાં પણ શોઝ થતા (નવેમ્બરમાં એ લૅન્ડમાર્ક હેરિટેજ થિયેટર રિનોવેટ થઈને ફરીથી ધમધમતું થઈ જવાનું છે એવા ખબર છે). પૃથ્વી થિયેટર્સના દરેક નાટકમાં પૃથ્વીરાજ કપૂરનો લીડ રૉલ રહેતો.
પૃથ્વીરાજ કપૂરનું એક સપનું હતું કે પોતાની નાટક કંપની પાસે એનું પોતાનું એક થિયેટર હોય. ૧૯૬૨ની સાલમાં એમને સરકાર પાસેથી જુહુમાં એક નાનકડો પ્લોટ લીઝ પર મળી ગયો. એ જમાનામાં જુહુ સ્કીમ હજુ ડેવલપ થઈ રહી હતી. જમીન પાણીના, વેલ બિસ્લેરીના ભાવે મળી જતી. આજે સોનાના ભાવે પણ નથી મળતી. પૃથ્વીરાજ કપૂરનું એ સપનું એમની હયાતિમાં પૂરું થયું નહીં. પાછલાં વર્ષોમાં પાપાજીની તબિયત નરમગરમ રહેતી. ૧૯૭૨માં એમનું અવસાન થયું. એ વર્ષે લીઝ પણ એક્સપાયર થઈ. સરકારે એ જમીન જાહેર વેચાણ માટે મૂકી અને પહેલી ઑફર કપૂર ફૅમિલીને કરી. શશી કપૂરે એ જમીન ખરીદી લીધી. પિતાનું સપનું સાકાર કરવા ‘શ્રી પૃથ્વીરાજ કપૂર મેમોરિયલ ટ્રસ્ટ ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન’ બનાવવામાં આવ્યું. વેદ સેગાન નામના આર્કિટેક્ટે નાટ્યગૃહની ડિઝાઈન તૈયાર કરી. જેનિફર કપૂરે છ વર્ષ સુધી દિવસ-રાત મહેનત કરીને ‘પૃથ્વી થિયેટર’ બનાવ્યું. ૧૯૭૮માં ‘ઉધ્વસ્ત ધર્મશાલા’થી ઓપનિંગ થયા બાદ દર વર્ષે લગભગ ૫૦૦થી વધુ નાટ્યપ્રયોગો ‘પૃથ્વી’માં થાય છે.
૧૯૮૪માં જેનિફરના અવસાન પછી એમના પુત્ર કુણાલ કપૂરે તેજસ્વી દિગ્દર્શક અને અભિનેતા ફિરોઝ અબ્બાસ ખાનની મદદથી ‘પૃથ્વી’ના સંચાલનની જવાબદારી લઈ લીધી. ૧૯૯૦ના દાયકામાં પુત્રી સંજના કપૂરે ‘પૃથ્વી’ના મેનેજમેન્ટમાં સમયશક્તિ રેડ્યાં.
‘પૃથ્વી થિયેટર’ અનેક રીતે યુનિક બન્યું એની પાછળ શશી કપૂર અને જેનિફર કપૂરની દીર્ઘ દૃષ્ટિ કામ કરી ગઈ. મુંબઈમાં તાતા-એનસીપીએ સિવાય બીજું એક પણ નાટ્યગૃહ એવું નથી જ્યાં ઑન ડૉટ શો શરૂ થાય અને શો શરૂ થઈ ગયા પછી ભલભલા ચમરબંધને પણ નાટ્યગૃહમાં પ્રવેશ ન મળે. આવવું હોય તો ઈન્ટરવલ પછી આવજો. ‘પૃથ્વી થિયેટર’ની બીજી એક ખાસિયત એ છે કે ૨૨૦ની કૅપેસિટી ધરાવતા આ નાટ્યગૃહમાં ટિકિટ સાથે સીટ નંબર નથી આપવામાં આવતા. લાઈનમાં શિસ્તબદ્ધ ઊભા રહેવાનું અને વારા પ્રમાણે પ્રવેશવાનું. ફ્રન્ટ રોમાં નાટય જોવું હોય તો કલાક-દોઢ કલાક પહેલાં લાઈનમાં સૌથી આગળ ઊભા રહેવા મળે. સલિમ અરિફ દિગ્દર્શિત ગુલઝાર લિખિત ‘અઠ્ઠનિયાં’નો બીજો જ શો હતો. અમે વહેલા વહેલા જઈને સૌથી પહેલા ઊભા રહી ગયા હતા. શોનો ટાઈમ નજીક આવતો ગયો એમ અમારી પાછળ એક-બે, એક-બે કરીને પ્રેક્ષકોની લાઈન વધતી જતી હતી. થોડી વાર રહીને જોયું તો પચ્ચીસ-ત્રીસમા નંબરે ખુદ ગુલઝારસા’બ આવીને ઊભા હતા. – નૉર્મલ પ્રેક્ષકની જેમ. ન તો એમણે કોઈ રૂઆબ દેખાડ્યો (જેનો એમને હક્ક હતો. પોતાના જ નહીં, કોઈના પણ નાટકમાં એમને એવો હક્ક હોય) કે હું લાઈનમાં નહીં ઊભો રહું અને એના કરતાં મોટી વાત એ કે પૃથ્વીના મેનેજમેન્ટ સહિત એ નાટકના દિગ્દર્શક કે બીજા કોઈએય ગુલઝારને લાઈન તોડીને પ્રવેશ કરવા માટે આમંત્રણ આપ્યું નહીં. ધિસ ઈઝ પૃથ્વી કલ્ચર. આવી સંસ્કારિતા, આવી તહઝીબ, આવી અદબ મુંબઈના કોઈ થિયેટરમાં તમને જોવા નહીં મળે.
‘પૃથ્વી થિયેટર’ની એ આગવી ઓળખાણ છે. એક એની કૅફે અને બીજી એની બુક શૉપ. કૅફેમાં થિયેટર-ફિલ્મના વેટરન્સથી માંડીને તરવરિયાઓ સહિતના અલગ અલગ પ્રતિભા ધરાવતા લોકો તમને જોવા મળે. તમારા જેવા સામાન્ય નાટ્યરસિકો તો હોય જ. પૃથ્વીની કૅફેની ફેમસ આયરિશ કૉફી કે સુલેમાની ચા ઉપરાંત હવે તો મેનુમાં ચિક્કાર નવી નવી વાનગીઓ ઉમેરાયેલી છે. નાનકડી બુક શૉપમાં થિયેટરને લગતાં દુર્લભ પુસ્તકો મળી જાય.
થોડાં વર્ષો પહેલાં ‘ધ પૃથ્વી થિયેટર યરબુક’ પ્રગટ થતી હતી. દર વર્ષે એક નાટ્ય કલાકાર વિશેનું ડાયરીનુમા પુસ્તક. કલેક્ટર્સ આયટમ રહેતી. મારી પાસે હબીબ તન્વીર અને સત્યદેવ દુબે પરની યરબુક્સ છે. બંનેય થિયેટર ક્ષેત્રના નેશનલ લેવલના મહારથીઓ. હબીબ તન્વીરને તો તમે કેટલીક ફિલ્મોમાં જોયા હશે. કેતન મહેતાવાળી ‘સરદાર’ ફિલ્મ એમનાથી ઓપન થાય છે. સત્યદેવ દુબે પણ ક્યારેક ફિલ્મોમાં દેખાતા. ૧૯૭૫માં ‘દીવાર’માં નવાસવા કૂલી તરીકે યંગ સત્યદેવ દુબે દેખાયેલા જે સામંતના માણસોને વીકલી બે રૂપિયાનો હપ્તો આપવાનો ઈન્કાર કરે છે (મૈં નહીં દૂંગા, મૈં ક્યૂં દૂંગા, બહન કી શાદી કરાની હૈ, દહેજ કે લિયે પૈસે જોડને હૈ) અને ટ્રક નીચે એને કુચલી નાખવામાં આવે છે. બીજા અઠવાડિયે એક ઔર કૂલી હપ્તો આપવાનો ઈન્કાર કરીને ડૉક પર (તેમ જ બૉક્સ ઓફિસ પર) ઈતિહાસ સર્જે છે!
‘પૃથ્વી થિયેટર’ને કારણે નસિરુદ્દીન શાહથી મકરંદ દેશપાંડે સુધીની સેંકડો પ્રતિભાઓને તમે રંગમંચ પર લાઈવ જોતા થયા. ગુજરાતીમાં છેક ૧૯૮૦-૮૧ના જમાનામાં મહેન્દ્ર જોશીએ ‘ખેલૈયા’ કર્યું જેમાં પરેશ રાવળનો લીડ રોલ હતો, એ લાઈવ ગાતા પણ હતા એ મ્યુઝિકલમાં! રજત ધોળકિયાનું મ્યુઝિક અને ચન્દ્રકાન્ત શાહનાં ગીત તથા સ્ક્રિપ્ટ. ત્યારથી મનોજ શાહ સુધીના ટેલન્ટેડ નાટ્યકારોને લીધે ‘પૃથ્વી’ની ગુજરાતી દિશાને પણ નક્કર વળાંક મળ્યો. શફી ઈનામદાર, દિનેશ ઠાકુર, ‘ઈપ્ટા’નાં નાટકો હોય કે પછી અંગ્રેજી-મરાઠીમાં ભજવાતાં નાટકો. લાઈવ પિયાનો રિસાયટલ હોય, શાસ્ત્રીય સંગીત હોય, બાળનાટકો હોય, નાની મોટી શિબિરો, સેમિનારો તમે પૃથ્વી કૅફેના એક સ્ટૅન્ડ પરથી ‘આ મહિનાનું ટાઈમટેબલ’નું પતકડું ઉપાડીને વાંચો તો ખ્યાલ આવે કે ‘પૃથ્વી થિયેટર’ છેલ્લા લગભગ ચાર દાયકાથી કેટકેટલી નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે.
‘પૃથ્વી થિયેટર’ બન્યું તે પહેલાં ગુજરાતી કમર્શ્યલ રંગભૂમિ જોરમાં ચાલતી-પૅરેલલ રંગભૂમિ હજુ પાપાપગલી ભરી રહી હતી. મરાઠી રંગભૂમિ ધમધોકાર ચાલતી. નવા પ્રયોગો પણ ખૂબ થતા. હિંદી અને અંગ્રેજી રંગભૂમિ પર રડીખડી પ્રવૃત્તિ થતી. ‘પૃથ્વી થિયેટર’ બંધાયા પછી આ ચારેય ભાષાઓમાં પૅરેલલ રંગભૂમિ ધમધમતી થઈ.
શશી કપૂર તથા એમના પરિવારે ગાંઠના પૈસે તેમ જ સમય-શક્તિ રેડીને પિતાની યાદમાં આ ભવ્ય સ્મારક સ્થાપ્યું. શશીજીને વ્હીલ ચેરમાં ક્યારેક તમે પૃથ્વી કૅફેમાં જુઓ છો. એમને ડિસ્ટર્બ કરતા નથી. એમની સાથે સેલ્ફી બેલ્ફી પડાવવાને બદલે એમને એમના જ સ્મરણોમાં ખોવાયેલા રહેવા દો એ જ તમારો એમના પ્રત્યેનો આદર વ્યકત કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. દૂરથી તમે એમને જુઓ છો, મનોમન વંદન કરો છો અને એમનાં આવનારાં વર્ષો તંદુરસ્ત તથા શાંતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના કરો છો. બહુ બહુ આપ્યું છે એમણે આપણને સૌને. અને એ આપવામાં બહુ બહુ સહન કર્યું છે એમણે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s