દુનિયાનો દસ્તુર

Standard

દુનિયાનો દસ્તુર…
જીવનમાં કોઈપણ ક્ષેત્રે હંમેશા અત્યંત નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં, માત્ર એક વખત કે ક્યારેક જ ભૂલ થાય તો પણ કર્યું કારવ્યું બધું જ પાણીઢોળ થઇ જાય અથવા તો એ નાનકડી ભૂલ પણ માફ કરવામાં ન આવે અને શિક્ષા ભોગવવી પડે તેવા અનુભવ મોટાભાગના સંનિષ્ઠ લોકોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કર્યા જ હશે! 
આ વ્યથાને અદ્દભૂત રીતે વ્યક્ત કરતી એક નાનકડી વાર્તા સુવિખ્યાત લેખક, સર્જક શ્રી ચેતન ભગતે ‘સોશિયલ મિડિયા’ પર ‘શેર’ કરી છે જેનો ગુજરાતી અનુવાદ અત્રે સાભાર પ્રસ્તુત છે:
“એક રાત્રે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરવાની તૈયારીમાં જ હતો એવા સમયે એક કૂતરો દુકાનમાં આવ્યો.
કૂતરાએ એક થેલી પોતાના મોંથી ઝાલેલી હતી. થેલીમાં ખરીદી માટેની ચીજ-વસ્તુઓની એક યાદી રાખેલી હતી અને સાથે તેમાં પૈસા પણ મુકેલા હતા. દુકાનદારે યાદી મુજબની ચીજો થેલીમાં મૂકી અને તેના થતા હતા એટલા પૈસા લઇ લીધા.
તુરત જ કૂતરાએ થેલી ઉઠાવી લીધી અને ઝડપભેર દુકાનમાંથી નીકળી ગયો. આશ્ચર્યમાં ગરકાવ દુકાનદારે તત્કાળ દુકાન બંધ કરી અને આ કૂતરાનો માલિક કોણ છે તે જોવાની ઉત્કંઠા સાથે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યો.
થોડે આગળ એક બસસ્ટોપ હતો ત્યાં કૂતરો ઊભો રહ્યો અને બસની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં બસ આવી એટલે તરત જ કૂતરો તેમાં ચડી ગયો. બસનો કંડકટર નજીક આવ્યો એટલે કૂતરો પોતાના ગળે બાંધેલો પટ્ટો કંડકટરને દેખાય એ રીતે ફરી ગયો. પટ્ટા ઉપર પૈસા અને સરનામું બાંધેલા હતા. કંડકટરે પૈસા લીધા અને ટીકીટ કાપીને કૂતરાના પટ્ટામાં રાખી દીધી.
પોતાની મંઝીલ નજીક આવી એટલે કૂતરો બસના દરવાજા પાસે ગયો અને પોતાને નીચે ઉતરવું છે તેવું દર્શાવવા પૂંછડી હલાવવા લાગ્યો. બસ ઊભી રહી કે તુરત જ કૂતરો નીચે ઉતરી ગયો. દુકાનદાર હજુ એ તેનો પીછો કરી રહ્યો હતો.
આખરે એક બંગલાના દરવાજે કૂતરો ઊભો રહ્યો અને પોતાના પગથી દરવાજો ખટખટાવ્યો. થોડીવારમાં બંગલાના માલિકે દરવાજો ખોલ્યો અને કૂતરાને લાકડી વડે ફટકારવા લાગ્યો.
આ દૃશ્ય નિહાળીને આઘાત પામેલો દુકાનદાર ઘરધણીને એ પૂછ્યા વિના રહી ના શક્યો કે, તમે આવા નિર્દોષ અને કામઢા કૂતરાને શું કામ ફટકારો છો?
આ સાંભળીને ઘરધણીએ કહ્યું કે, કૂતરાએ મારી ઊંઘ બગાડી. એણે ઘરની ચાવી સાથે લઈને જવું જોઈતું હતું…”
આપણા સહુના જીવનનું સત્ય પણ આ જ છે. લોકો તમારી પાસે અગણિત અપેક્ષાઓ રાખે છે. જેવા તમે થોડાક પણ ઊણા ઉતર્યા કે તેઓ તમારી ભૂલો બતાવવા લાગી જાય છે. તમે કરેલા બધા જ સારા કાર્યો ભૂલી જવામાં આવે છે. તમારી નાનકડી ભૂલને પણ બહુ મોટી કરીને દેખાડવામાં આવે છે. વાસ્તવિક દુનિયાનો આ જ દસ્તુર છે.
ખાસ કરીને જ્યાં તમે કામ કરતાં હો, નોકરી કરતાં હો ત્યાં આવા અનુભવ ખાસ થાય છે!!!
-(મહેશ દોશી, પૂર્વ-તંત્રી – ‘ફૂલછાબ’)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s