મર્ડર મિસ્ટરી : ખૂન કી ખૂશ્બુ બડી સખ્ત હૈ!

Standard

 સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

  

ઑલ ટાઈમ બેસ્ટ સેલર રાઈટર ઑફ ધ વર્લ્ડ રહસ્યકથાની લેખિકા છે! મિસ્ટી ગાથાઓની લેખિકા આગાથા ક્રિસ્ટી!

આગાથા ક્રિસ્ટીનું સાહિત્ય જરાય સ્કિપ કરવા જેવું નથી. ઈન ફેક્ટ, જગતમાં બાઈબલ અને શૅક્સપિઅરના નાટકો પછી સૌથી વધુ બે અબજથી વધુ નકલો આગાથાની રચેલી ગુન્હાખોરીની વેંચાઇ છે!

એક રમણીય પણ નિર્જન ટાપુ. એમાં એક આલીશાન મકાન. મકાનમાં આવી ચડે છે આઠ અતિથિઓ. જેનું સ્વાગત કરે છે એક બટલર (રસોઇઓ પ્લસ ઘરનો કેરટેકર) અને નોકરાણી. આઠે ય નર-નારીઓ એકબીજાને ઓળખતા નથી. અલગ અલગ ઉંમર ને બેકગ્રાઉન્ડના છે. આખા ય મકાનમાં કુલ (બટલર, હાઉસકીપર મળીને) ૧૦ જ વ્યક્તિ છે. ભરતીને લીધે દરિયો નિર્જન છે. કોઇ આવવાનું નથી.

બધાને ત્યાં એકઠાં કરવા માટેના અલગ અલગ કારણો અને આમંત્રણો અપાયા છે. કોઇ નોકરીના બહાને તો કોઇ સમર હોલીડેના બહાને. ટાપુમાં પહોંચ્યા પછી કોઇ તેડવા ન આવે તો બહાર નીકળવાનો રસ્તો નથી. બીજું કોઇ કોમ્યુનિકેશન નથી. ફરતો દરિયો ખતરનાક છે, તરીને કશે જવાય એમ નથી. દરેક મહેમાનના ઓરડામાં એક જૂના જમાનાની કવિતા ‘ટેન લિટલ નિગર્સ’ લટકાવેલી છે, જેમાં દસ પાત્રોના અલગ – અલગ રીતે (ગળાફાંસા, ઝેર વગેરેથી) મૃત્યુ બતાવવામાં આવ્યા છે.

રાતના ભોજન પછી ઓરડામાં એક ગ્રામોફોન વાગે છે. બધાને બોલાવનાર યજમાન તો ડોકાતા નથી. પણ રેકોર્ડેડ અવાજમાં બટલર-હાઉસકીપર સહિત દસેયના કરતૂતો પ્રગટ કરવામાં આવે છે. દસેય કોઇને કોઇ રીતે ખૂન સાથે સંકળાયેલા છે. પણ કાયદાની નજરમાં આવ્યા જ નથી કે છટકી ગયા છે. કેટલાક ભાંગી પડીને કબૂલાત કરે છે. કેટલાક રદિયો આપે છે. પણ પછી ધીરે ધીરે પેલી જૂની કવિતાના વર્ણન મુજબ જ એક પછી એક લાશ પડે છે. વ્હાય? હાઉ? બાય હૂમ?

એન્ડ ધૅન ધૅર વૅર નન. આગાથા ક્રિસ્ટીની વર્લ્ડ બેસ્ટ સેલર નૉવેલ. અત્યાર સુધીમાં ઓફિશ્યલી જેની ૧૦ કરોડ નકલો વેંચાઇ ચૂકી છે, એવી મેગા બ્લોકબસ્ટર નૉવેલ. આંકડો ફરીથી વાંચજો : દસ કરોડ નકલ. બિનસત્તાવાર જુદી, ને ૫૦ ભાષાઓમાં થયેલા અનુવાદ જુદા. ૧૯૩૯માં પ્રકાશિત આ નવલકથા પર આધારિત એક સુપરહિટ હિન્દી ફિલ્મ પણ બની ગઇ. યાદ છે? ગુમનામ. આજે રિમેક કરવા જેવી છે, ને ન જોઇ હોય તો જોઇ લેજો. સાથોસાથ અંગ્રેજી ‘ક્લ્યુ’ અને ‘સ્લ્યુથ’ પણ. ‘બિગ બૉસ’ની ટાઈમપાસ કૂથલી કરતાં ય રસપ્રદ હોય છે એના કૉન્સેપ્ટમાં હોં કે!

આગાથા ક્રિસ્ટીની જ ‘ધ અનએક્સ્પેકટેડ ગૅસ્ટ’ પરથી બી.આર. ચોપરાની ‘ધુન્દ’ ફિલ્મ બની હતી અને એ જ આગાથા ક્રિસ્ટીની એટલી જ વિખ્યાત કથા ‘મર્ડર ઈન ઓરિએન્ટ એક્સપ્રેસ’ પરથી ધુરંધર એકટર-ડાયરેકટર કેનેથ બ્રનાની ફિલ્મ એકચ્યુઅલી વળી ૧૯૭૪ની સિડની લુમેટ (ટ્વેલ્વ એંગ્રી મેન) જેવા જીનિયસ ફિલ્મમેકરે બનાવેલી આ જ નામની ફિલ્મની રિમેક છે. બેઉ ફિલ્મોની ધરખમ સ્ટારકાસ્ટ. ટેલેન્ટેડ એક્ટર્સનો મેળો જાણે. નવી ફિલ્મ ક્લાસિક બ્રિટિશ ફ્લેવર અને સોર્સ મટીરિયલને એકદમ વફાદાર એડેપ્ટેશન માટે તો જોવા જેવી છે જ.

જરાતરા ફેરફાર સહિત કેનેથ બ્રાનાએ પોતાની મૂછોથી મશહૂર એવું (શેરલેક હૉમ્સ પછી બીજા નંબરે આવતું) કાલ્પનિક પાત્ર હરક્યુલ પૉયરૉ છટાથી ભજવ્યું છે. જૉની ડેમ અને મિશેલ ફાઈફર પણ જામે છે. અને ખાસ તો ડન્કર્ડની જેમ ડિજિટલ કેમેરાને બદલે ફિલ્મ રીલ પર શૂટ કરીને જે ભવ્ય સેટઅપ ડિઝાઇન કર્યો છે, એ ય અદ્ભુત છે. ટિપિકલ ક્લાસિક થ્રિલર. ધીમી બળે, અને વધુ લહેજત આપે!

‘મર્ડર ઈન ઑરિએન્ટ એક્સપ્રેસ’ જો કે ‘એન્ડ ધૅર વૅર નન’ એકદમ ઑપોઝિટ એવા એના ક્લાઇમેક્સ માટે રહસ્યકથાના વાચકો જ નહિ, લેખકોમાં ય પ્રસિદ્ધ છે. લેખિકા આગાથા ક્રિસ્ટીએ એમાં એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે ભલભલા ક્રાઇમ-ડિટેક્ટિવ સ્ટોરીઝના ખેરખાંઓ વિચારી પણ નથી શક્યા. એનંત સક્સેસફુલ રિપિટેશન પણ ભાગ્યે જ થયું છે!

ડૉન્ટ વરી, ફિલ્મ જોઇ ન હોય અને શોખ હોય તો જોઇ લેવી કે નૉવેલ વાંચવી. આ લેખના લાસ્ટ પેરેગ્રાફમાં એ સિક્રેટ લખાશે. રસભંગ ન કરવો હોય એમણે છેલ્લો ફકરો સ્કિપ કરવો.

પણ આગાથા ક્રિસ્ટીનું સાહિત્ય જરાય સ્કિપ કરવા જેવું નથી. ઈન ફેક્ટ, જગતમાં બાઈબલ અને શૅક્સપિઅરના નાટકો પછી સૌથી વધુ બે અબજથી વધુ નકલો આગાથાની રચેલી ગુન્હાખોરીની વેંચાઇ છે! જે.કે. રૉલિંગે સૌથી વધુ કમાણી કરી અને સિડની શૅલ્ડનના સૌથી વધુ અનુવાદો થયા, પણ સૅલિંગ નંબર્સમાં આગાથા આજે ય અનબીટેબલ છે.

એના બેલ્જીયમ મૂળના જરાક ટણીવાળા અને ‘ભેદભરમ અંગે બે જ વ્યક્તિ જાણે છે : ઉપર ભગવાન અને નીચે હરક્યુલ પૉયરૉ’ એવું કોન્ફિડન્સથી કહેતા ડિટેક્ટીવ પાત્ર ઉપરાંત આગાથીએ મિસ માયૅલ નામની લેડી ડિટેક્ટીવ પણ સર્જેલી. ૧૯૨૦થી આગાથાએ લખવાનું શરૃ કર્યું, ૩૦ વર્ષની ઉંમરે… અને ૧૯૭૬માં ગુજરી ગયા ૮૬ વર્ષની વયે ત્યારે ૬૬ નવલકથાઓ ને અન્ય ટૂંકી વાર્તાઓના ૧૪ ચંદ્રકો અને ‘મેરી વેસ્ટમાકૉટ’ના નામે ૬ રોમેન્ટિક નૉવેલ પણ લખી ચૂક્યા હતા!  અમુકના ગુજરાતી અનુવાદો થયા છે. આજે ય જગતમાં હાઇએસ્ટ સેલિંગ રાઈટર આગાથા છે!

આ લખાણોમાં ૧૯૫૨થી શરૃ કરી છેલ્લા ૬૫ વર્ષથી લંડનમાં પિકાડેલી સર્કસ પાસે વૅસ્ટ ઍન્ડમાં ભજવાતા ‘માઉસટ્રેપ’ નાટકનો ય સમાવેશ થઇ જાય ! સૌથી વધુ એકધારા નોનસ્ટોપ ચાલતા નાટક તરીકે વર્લ્ડ રેકોર્ડ ધરાવતા આ નાટકને તો આ લેખકડાએ નજરે નિહાળવાનો લ્હાવો લીધો છે. એક બરફના તોફાનવાળી રાતે હોટલમાં અમુક પાત્રો ભેગા થાય છે, અને રેડિયો પર સમાચાર આવે છે કે એક કિલર છૂટો ફરે છે, અને…

આગાથા ક્રિસ્ટીની કહાનીઓ આજે ય એવરગ્રીન ગણાય છે, એના મુખ્ય કારણ ત્રણ છે : એક, એની સેન્ટ્રલ થીમ. ડૅથ. આગાથા ક્રિસ્ટીની વાર્તાઓમાં ભાગ્યે જ લૂંટ કે છેતરપીંડી જેવા અન્ય ગુનાઓ આવે. મર્ડર મિસ્ટ્રી જ એમની ફેવરિટ. માટે સૌથી મોટો અપરાધ હત્યા જ એમની કહાનીઓમાં થાય. લાશ જ મળી આવે. એ લાશ પણ ભાગ્યે જ હિંસક રીતે લોહી નીંકળતી મળે. અણધારી મળી આવતી લાશોનો ધીમે ધીમે અલગ અલગ પાત્રોના મનોભાવો અને નજર સામે દેખાતી કડીઓથી કોઇ ડિટેક્ટીવ ઉકેલ શોધે. પૉયરૉની ભાષામાં ‘લિટલ ગ્રે સેલ્સ’થી  મગજ કસીને!

ડૅથની આસપાસ ફરતી થીમે આગાથા ક્રિસ્ટીની લાઈફ સૅટ કરી દીધી. એનું લખાણ કાચના ગ્લાસમાં ભરેલ પાણી જેવું. પ્રવાહી અને પારદર્શક. એન્ડિંગમાં ‘માઉસટ્રેપ’ની જેમ જ વાત પૂરી થઇ ગઇ હોય એમ લાગે, પછી અણધાર્યો ટ્વીસ્ટ લઇ આવવાની ક્ષમતા ય લાજવાબ. સ્ત્રીઓમાં તો આમ પણ નૅચરલ ગિફ્ટ હોય જ, એવું કાતિલાના ઑબ્ઝર્વેશન. એની જ કબૂલાત મુજબ હાલતા ને ચાલતા એને પ્લૉટ મળી આવતા કશુંક જોઇને.

અને એમાં એ એક અજ્ઞાાત ભય ઊભો કરી શકતી. બહારથી પરફેક્ટ લાગતા સૅટઅપ અને સ્માઇલ્સની વચ્ચે – ભીતરમાં કશુંક ખદબદી રહ્યું હોય, અને પેલા ફેક વાતાવરણનો નકાબ ચીરતો ક્રાઇમ થાય. એમાં આઉટસાઇડર તરીકે ડિટેક્ટીવનો પ્રવેશ થાય. અનસૉલ્ડ કે ખોટા જજમેન્ટ કે ભ્રષ્ટ સીસ્ટમને લીધે ક્રિમિનિલ છટકી જતા આપણે ય જોયા જ છે. આગાથાની નવલકથાઓમાં મોટે ભાગે દોષિત નિર્દોષ નીકળે એવો પૉએટિક જસ્ટિસ હોય. પણ એ ઉપદેશને બદલે પઝલના ફૉર્મેટમાં હોય. એટલે વિડિયો ગેઇમ પહેલાના જમાનામાં ગેઇમ રમવાની થ્રિલ એ પાનાઓમાંથી મળે!

આ ટેલન્ટ આગાથામાં આવી, એનું પર્નસલ કનેકશન છે. આ લખવૈયાની જેમ આગાથા ય ‘ફ્રોમ સ્કૂલ’ની સ્ટુડન્ટ. બ્રિટનના રળિયામણા દેવોન વિસ્તારમાં પ્રમાણમાં સુખીસંપન્ન કુટુંબની દીકરી.

પણ સ્કૂલે ન મોકલી એની માતાએ. આઠેક વર્ષની થઇ ત્યાં સુધી તો ઘેર પણ કોઇ ટયુટર શીખવાડવા ન આવે. એમાં વાંચવાનો શોખ વળગ્યો. શેરલોક હોમ્સવાળા આર્થર કોમન ડોઇલનો એ જમાનો. સોળ વર્ષે અગાથા પૅરિસ ભણવા ગઈ. આપણા બંગાળની જેમ જ ક્રાઇમ થ્રીલરની જોનરનું જન્મદાતા યુરોપમાં ફ્રાન્સ. પછી વોલન્ટરી નર્સ તરીકે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં જોડાઇ એટલે હથિયારોનું અને ફાર્મેકોલોજી-ફૉરેન્સિક, મેડિકલ સાયન્સનું ફર્સ્ટ હેન્ડ નોલેજ મળ્યું.

કેટલાક અફેર્સ એક નિષ્ફળ લગ્ન એમ પૂરતા ઇમોશનલ એક્સપિરિયન્સીઝ પછી આગાથાને સોલમેટ પેચ આર્કિયોલોજીસ્ટ હસબન્ડ મેક્સમાં મળ્યો. એ હસતા હસતા કહેતી કે ‘પતિ પુરાતત્વશાસ્ત્રી હોય એ સારું, સ્ત્રી જેમ જૂની યાને ઘરડી થાય એમ એ એમાં વધુ રસ લેતો જાય!’ પણ ઓવર ધ સિગારેટ એન્ડ વાઇન આ યુગલ ખૂબ ફર્યું.

આફ્રિકા, ઈજીપ્ત, ઇરાન, ઇરાક, તૂર્કી, જેવા અનેક દેશોમાં વર્ષો સુધી આર્કિયોલોજીકલ સાઇટસ (બ્રિટિશ મ્યુઝિયમમાં ઇરાક ઉર્ફે મેસોપોટેમિયા પાસેથી સચવાયેલા એસિરિયાના અવશેષો આગાથાના પતિની ખોજ છે.) ફરવાને લીધે આગાથાનું જીકે ઉર્ફે જનરલ નૉલેજ ગૂગલ-વિકી પહેલાના જમાનામાં સતત- અપગ્રેડ થતું જ ગયું.

જેનું રિફલેકશન એના ફિકશનમાં આવ્યું. કલ્ચરલ ને લોકેશન ડિસ્ક્રીપ્શનમાં માહેર. ઓરિએન્ટ એક્સપ્રેસ પણ વિમાની યુગ પહેલા શરૃ થયેલી લકઝરિયસ ટ્રેન હતી. ૧૮૮૩માં શરૃ થયેલી. ઇસતંબુલ, પેરિસ, વિએના, બુડાપેસ્ટ, સ્ટ્રાસબર્ગ વગેરેને કવર કરતી. અંદર આરામદાયક રજવાડી સલૂન. આગાથાએ પણ એમાં મુસાફરી કરી હતી. થોડા વર્ષો પહેલા જ હાઇસ્પીડ ટીજીવી જેવી ટ્રેનને લીધે એના પાટિયા પડી ગયા.

આગાથાના આ પ્રવાસોના અનુભવો ‘કમ, ટેલ મી હાઉ યુ લિવ’ નામની આત્મકથાનાત્મક કિતાબમાં વાંચવા જેવા છે. ઓથરની સબ્જેકટ ઓથોરિટી ને સહજ સંશોધનપ્રક્રિયા કેવી ચાલતી હોય એ ગ્રાફ સમજવા માટે પણ. આગાથાએ જ મૂળ બેલ્જીયમના એક નિવાસીના લૂક અને એક ફ્રેન્ચ પ્રોફેસરની વર્તણૂકને મિક્સ કરીને પોયરોનું કેરેકટર ઘડયું હતું.

બહેને કરેલી ચેલેન્જ પરથી લખેલી પહેલી જ નવલકથા છ પ્રકાશકોએ રિજેક્ટ કરી, અને આજે એની લેખિકા વિશ્વમાં સૌથી વધુ વંચાતા પુસ્તકો સાથે જોડાયેલું અમર નામ છે! પણ એ ખબર ઓછા લોકોને હશે કે પોતાના બીજા બે પરમેનન્ટ પતિ કરતા આગાથાની ઉંમર ૧૫ વર્ષ મોટી હતી!

અને એ પતિ સાથે આર્કિયોલોજીકલ સાઇટસનું વિવિધ લોકેશન પર થતું એન્કેવેશન (ઉત્થાનન) જ આગાથાને ઘડતું ગયું. ભૂતકાળના ઇતિહાસની કોઇ સ્પષ્ટ વાતોનો સુરેખ આલેખ (ક્લીઅર ગ્રાફ) તો હોય નહિ. માત્ર છૂટા છૂટા હાડકા જોડીને અનુમાનથી જ ડાયનોસોર બનાવવું પડે. આપણે ઇતિહાસને જાણે જાતે ત્યાં જઈને સીસીટીવી ફૂટેજનું કવરેજ કર્યું હોય, એમ જ વાંચતા-વિચારતા થયા છીએ. વાસ્તવમાં તો ઇતિહાસમાં દસ્તાવેજી લખાણ પણ હોય તો ય પરસ્પર વિરોધાભાસી હોય. જે-તે ઘટના વખતે કોઈ ત્યાં સાક્ષી તરીકે હાજર તો હોય નહિ.

માટે અનુમાન કરીને, ઇમેજીનેશનના સહારે સ્ટોરી ઘડવી પડે. થોડું ઘણું સાયન્સ તવારીખના ચૂકાદા પૂરતું મદદરૃપ થાય. એટલે હિસ્ટ્રીમાં ફેક્ટ કેટલું ને ફિકશન કેટલું, એ મિસ્ટ્રી તો સનાતન છે. ખૂટતી કડીઓ જાતે જ જોડવી પડે. એને આખરી સત્ય મુગ્ધ ઇમોશનલ પીપલ માની લે, પણ વાસ્તવમાં એ ટ્રુથ મીટ્સ ટેલ (વાર્તા) જેવું જ હોય.

આ ટ્રેનિંગ આગાથાને ચુસ્ત ને નવા સરપ્રાઇઝવાળા પ્લોટ ગૂંથવામાં બહુ કામ લાગી. પ્રવાસ અને પુરાતત્વે એની કલમમાં જીવંત અનુભવના પ્રાણ પૂરી દીધા. સસ્પેન્સ સ્ટોરી એક ઉખાણું હોય છે. આજે આગાથાની એસ્ટેટ એનો ૪૬ વર્ષનો પ્રપૌત્ર સંભાળે છે, જે તો ‘મર્ડર ઈન ઓરિએન્ટ એક્સપ્રેસ’ની રિમેકથી રાજી છે.

નૅટફલિકસ ને સાઇબરગેમિંગની જનરેશન સુધી આ બહાને ફરી દાદીમાની વાર્તાઓ પહોંચશે, એ મુદ્દે એ ફિલ્મને તો સપોર્ટ કરે જ છે. પણ હજુ કેનેથ બ્રાના ‘ડેથ ઇન નાઈલ’ પરથી ય ફિલ્મ બનાવે, એવી ઇચ્છા રાખે છે. આગાથા અગાઉ લખતી, પછી ટાઇપ કરતી, પછી ડિકટાફોનથી એની વાર્તાઓ બોલીને સેક્રેટરીને લખાવતી. પ્લોટ ને કેરેકટર્સની ટાંચણ જેવી નોટ્સ બનાવીને પછી વાર્તા ઘડતી.

પુરૃષમાં ‘સર’ વાળું નાઇટહૂડ હોય એમ બ્રિટિશ એમ્પાયરના બીજા નંબરના ‘ડેમ’ના ખિતાબથી સન્માનિત આગાથા જો કે પર્સન તરીકે ફેમિલી સિવાય પ્રાઇવેટ હતી. પૉયરોની કથા લખીને એટલી કંટાળી કે ૧૯૭૫માં એણે એક વાર્તામાં હોમ્સની જેમ પોતાના ડિરેકટીવ પૉયરોને પણ મારી નાખ્યો. ૧૯૭૬માં એક વર્ષ પછી સ્વયં આગાથા ક્રિસ્ટીનું અવસાન થયું.

પણ પૉયરો અને આગાથા બેમાંથી કોઈ ખરેખર તો મર્યું નહિ. કથાઓ ઘડી બંને જીવતા રહ્યા. લિટરેચરને પડદા પર લઇ આવવામાં મેકબેથથી ફ્રેન્કેન્સ્ટાઇન સુધીનો અનુભવ ધરાવતા અને પહેલી ‘થોર’ ફિલ્મના ડાયરેકટર કેનેથ બ્રાનાએ ખુદ જ કરક્યુલ પૉયરો બનીને ‘મર્ડર ઇન ઓરિએન્ટ એક્સ્પ્રેસ’ વિન્ટેજ સ્ટાઇલમાં દિલથી બનાવી છે.

આસપાસના બરફીલા એકાંતનો માહોલ, સ્ટીમ એન્જીનની ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં કોમ્પેક્ટ થઈ ગયેલા કેરેકટર્સ, અમેરિકામાં બનેલા એક રિયલ ક્રાઇમ (બાળકના અપહરણ પછી ખંડણી પડાવી બાળકને મારી નાખવું) પરથી રચાયેલો પ્લોટ અને મ્યુઝિક. ડિઝનીની ફેમિલી સાથે મસ્ટ સી એવી ‘કોકો’ ફિલ્મ સાથે આ ફિલ્મ પણ જોઈ કાઢવા જેવી છે.

વાત કેવળ એમાં ‘હુ ડન ઇટ’ કે ‘ક્રાઇમ નેવર પેઝ’ વાળી મર્ડર મિસ્ટ્રીની નથી. આર્થર કોનન ડેવિલની જેમ જ આગાથા ક્રિસ્ટીને સાહિત્યિક કહેવાય એવા નિરીક્ષણો અને જીવનના સચોટ સત્યો વાર્તારસમાં ગૂંથી લેવાની આદત હતી. મર્ડર ઇન ઓરિએન્ટ એક્સપ્રેસ ક્લાઇમેક્સ સુધીમાં ક્લાસિકલ મોરલ ડાઇલેનામાં પરિવર્તીત થાય છે. નરી આંખે જે ગુનો દેખાય, એમાં અંતરાત્માની આંખે ગુનો છે કે નહિ? એ પ્રશ્નો ઉભા થાય છે. આવી કટોકટીની ક્ષણે ન્યાય કેમ તોળવો એની ગડમથલ ચાલે છે. આગાથા ક્રિષ્ટીના અમુક ફેમસ ક્વૉટસ એટલે જ લાઇફટાઈમ મમળાવવા જેવા છે!

‘ઇમ્પોસિબલ ક્યારે ય બની જ ન શકે. પણ જો એવી કોઇ અસંભવ ઘટના ઘટે તો માની લેવાનું કે એ ઉપરઉપરથી અસંભવ ભલે લાગે પણ વાસ્તવમાં પોસિબલ હશે!…. જે જૂઠું બોલતા હોય એને તમે સાચું પરફેક્ટ ટાઇમે કહો તો એ જૂઠ પકડાઈ ગયાના અચરજથી જ ઘણી વાર સાચું દેખાડી દેતા હોય છે!…. હું હાથની નહિ, મનની ફિંગરપ્રિન્ટસ ઉકેલું છું!… અનુમાનો કાં સાચા પડે કાં ખોટા. સાચા પડે તો તમે એને અંત:પ્રેરણા કહો.

ખોટા અનુમાનો વિશે કોઇ કશું બોલતું નથી હોતું!…. તમે પરફેક્ટ મર્ડરથી રોમાંચિત થઈ એના વખાણ કરી શકો. જેમ તમે ભવ્ય દેખાતા વાઘના વખાણ કરો એમ. પણ એટલે વાઘની પાસે જવાના અખતરા ન કરાય! …. ડહાપણ એને કહેવાય કે કોઇનો ય ભરોસો ન કરવો!…. માણસ ખાસ ઓરિજીનલ પ્રાણી નથી. એટલે એક જ વ્યક્તિના બે અપરાધમાં કશીક સમાનતા તો દેખાય જ!…. જે સ્ત્રી પ્રેમ કરે છે, એનું દિલ કારમા ઘા જીરવી શકે છે!…. મૂર્ખાઈ એવું પાપ છે કે જેને કદી માફી મળતી નથી, અને હંમેશા સજા ભોગવવી જ પડે છે!’

આ તો જરાક ઝલક છે વીણેલા મોતીડાંની. ઓકે, સો ઑલ્ડ ફેશન્ડ. સો એસોર્ટેડ ડાર્ક ચોકલેટ્સની! પણ આગાથા ક્રિસ્ટી વોઝ લકી. નજર સામે ટીવી-ફિલ્મોમાં પોતાની કૃતિઓ જોઈ. ખુદના પૂતળાં જોયા. પોતાનું નામ ગુલાબને અપાય એવું સન્માન જોયું. પોતાને મળેલા એવોર્ડસ તો ઠીક, પોતાના નામના એવોર્ડ ક્રાઇમ ફિકશન માટે અપાતા પણ જોયા! સંપન્ન કુટુંબમાં જન્મ, રોમાન્સ, વિશ્વપ્રવાસ, વિશાળ મહાલયમાં રહેવાનું, ભરપૂર પ્રસિદ્ધિ અને લખલૂટ આવક ભોગવવાની એ બધું જ માણ્યું સાડા આઠ દાયકાના આયખાની સાથે!

આપણે બધા જ આવા સમર્થ સર્જકોની એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જર્સ છીએ. શિયાળામાં કસરતના મહાત્મયમાં ઓચિંતો ઉછાળો આવે છે. દિમાગી સ્નાયુને કેવી રીતે કસરત કરાવીને મજબૂત બનાવવા? લોજીક અને ઓબ્ઝર્વેશનથી પઝલ સોલ્વ કરીને સ્તો! માથા પર ડમ્બેલ્સ થોડા ફટકારાય છે! શેરલોક હોમ્સ, પેરી મેસન, હરક્યુલ પોયરો, મેડોક્સ, મિસ માર્યલ, બ્યોમકેશ બક્ષી, ફેલુદા, ડૉ. જૌહરી, ઇન્સ્પેકટર કુમાર, શ્યામસુંદર બેલારોય જેવા સેંકડો ફિકશનલ ડિટેકટીવ્ઝ આપણા મગજના પર્સનલ ટ્રેનર છે, જે લિટલ ગ્રે સેલ્સને મજબૂત કરે છે.

અને ‘મર્ડર ઇન ઓરિએન્ટ એક્સપ્રેસ’ની એક્સકલુઝિવ સ્પેશ્યાલિટી? સ્પોઇલર એલર્ટ. જગતની આ દુર્લભ રહસ્યકથા છે., જેમાં દરેક શકમંદ (જે પૂરા ડઝન છે!) કાતિલ છે! બધા જ ખૂની પુરવાર થાય છતાં સવાલ એ પેદા થાય કે આ મર્ડર બાબતે ન્યાય કરવો, કે એ મર્ડરને જ ન્યાય ગણી લેવું? આગાથા ક્રિસ્ટી જેવાઓનું લેખન એટલે જ કેવળ દૂમધડાકાવાળી થ્રિલ્સને બદલે માણસના મનોભાવો ઉપસાવે છે. એક વાર્તા એવી કે તમામ પાત્રોના મોત, બીજી એવી કે તમામ ગુનેગાર! સો સ્ટાર્ટ રીડિંગ ધ ક્વીન ઓફ સસ્પેન્સ.

– ફાસ્ટ ફોરવર્ડ –

”શરીર એક પિંજરું છે. અને અંદર ક્યારેક તોફાની જંગલી વ્યક્તિત્વ પાંખો ફફડાવી, બહારના મુખવટાની કેદ તોડી આઝાદ થઇને અપરાધ કરવા ઝંખે છે!’ (આગાથા ક્રિસ્ટી)

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s