સંબંધો નવા સ્વરૂપમાં..!!

Standard

– મકરંદ કવઠેકર

સુનંદાબેનની એકની એક દીકરી હતી મૃણાલ. તેમના પતિ રજનીભાઈનો ધંધો હતો અને તેમની કમાણી સારી હતી. પણ મૃણાલે દસમું ધોરણ પાસ કર્યું અને એક અકસ્માતમાં રજનીભાઈનું અવસાન થયું. આથી સુનંદાબેન એકલાં પડી ગયાં. તેમનો એકમાત્ર આધાર હવે મૃણાલ હતી. પતિના એકાએક થયેલ અવસાનને કારણે તેમના ધંધાનું હવે શું કરવું એવો પ્રશ્ન સુનંદાબેન સમક્ષ ઊભો થયો, પણ તેમના ભાઈ પણ ધંધામાં જ હતા અને તેમણે રજનીભાઈના ધંધાને સારી રીતે સમેટી આપ્યો. આથી ધંધા અંગેની ચિંતા તો દૂર થઈ. પૈસા પણ તેમની પાસે સારા એવા હતા. હવે એક જ ઉદ્દેશ તેમની સામે હતો અને તે મૃણાલને સારી રીતે ઉછેરવાનો.

વખત સાથે મૃણાલ મોટી થતી હતી. તે ઘણી હોંશિયાર હતી અને આગળ જતાં તેને કૉમ્પ્યુટર એન્જિનિયરીંગમાં પ્રવેશ મળી ગયો. ત્યાં સહાધ્યાયી પંકજ સાથે તેનો ભેટો થયો અને ઓળખાણ થઈ. ઓળખાણમાંથી તેઓ એકબીજાની નજીક આવ્યાં. કૉલેજનો અભ્યાસ આગળ ચાલતો હતો. મૃણાલની પ્રગતિથી સુનંદાબેનને સંતોષ હતો. પણ એકલે હાથે દીકરી મોટી કરવી એટલે તાર પર કસરત કરવા જેવું તેમને લાગતું. એનું કારણ પણ હતું. મૃણાલ જેટલી હોંશિયાર હતી, એટલી જ રૂપાળી પણ હતી. કોઈપણ યુવાન તેની તરફ આકર્ષાઈને તેના પ્રેમમાં પડે તે શક્ય હતું. તેવા કોઈ કારણે મૃણાલના જીવનમાં કોઈ ગૂંચ ન પડે એ જ એમની ચિંતા હતી. તે હંમેશાં દીકરીને ટોકતાં, કે દીકરી તારા પપ્પા નથી. હું એકલી જ છું એ તું ધ્યાનમાં રાખજે. તારા જીવનમાં ચિંતા કરવા જેવી કોઈ પરિસ્થિતિ પેદા ન થાય તેની તું કાળજી રાખજે. બસ, બીજું મારે તને કંઈ નથી કહેવું. મૃણાલ તેમને હૈયાધારણ આપતી કે આવી બીક તું રાખીશ નહીં. પણ આમ માત્ર કહેવાથી માના દિલને ચિંતામાંથી મુક્તિ થોડી જ મળે ? પોતાની હોંશિયાર, સુંદર દીકરીને સાચવતાં સાચવતાં હંમેશાં તે રજનીભાઈને યાદ કરતાં અને મનમાં તેમને કહેતાં, તમે તો ચાલી ગયાં. આપણી દીકરીનો ભાર ઉંચકતાં મને બહુ વસમું લાગે છે. અવારનવાર તેઓ આ બાબતે ચિંતિત થઈ ઊઠતાં.

રજનીભાઈના ચાલ્યા જવાથી સુનંદાબેન એકલાં પડ્યાં તેમાં વળી મૃણાલ પણ હવે તેના અભ્યાસમાં લાગી ગઈ, અને તેથી મમ્મી સાથે બહુ સમય વીતાવી શકતી ન હતી. આથી સુનંદાબેનના જીવનમાં એકદમ ખાલીપો આવી ગયો. મધ્ય ઉંમરે એકલતા આવી પડવાથી તેઓ દુ:ખી થવા લાગ્યાં. તેમને જોઈએ એટલો મૃણાલનો સથવારો મળતો ન હતો. બધાં ભલે કહેતાં કે રજનીભાઈ ગયા એ વાત ખરી, પણ દીકરીનો તેમને મોટો સાથ-સથવારો છે. પણ મૃણાલને તેઓ થોડું જ કહી શકે કે તું અભ્યાસના ભોગે પણ મને તારો વધુ સંગાથ આપ ? હું એકલવાયું જીવન ગુજારવા મથું છું અને તારા સહારાના આધારે તેનો બોજ મને નહીં લાગે. પણ આ તો તેમના મનમાં આવતા વિચારો હતાં. તેનો અમલ તેઓ કહી શકે તેમ થોડાં જ હતાં ? મૃણાલ પાછી ભણવામાં ઘણી હોશિયાર હતી. તેને તેનું જીવન બનાવવાનું હતું. આથી તે બીજી કોઈ જ બાબતમાં રસ લેતી ન હતી. સુનંદાબેન માટે બીજી પણ એક વાત હતી. સમાજસેવામાં પડવાની તેમને જરાયે ઈચ્છા કે લાલસા ન હતી. અધ્યાત્મમાં પણ વિશેષ રસ ન હતો. આથી તેઓ એકલતા જીરવી શકતાં ન હતાં, અને હંમેશાં તેમને પતિની યાદ આવતી અને ઘણીવાર રડી પડતાં.

મૃણાલ એન્જિનિયર થઈ અને આ સમય દરમિયાન તે તેના સહાધ્યાયી પંકજના પ્રેમમાં પડી. બંને એકબીજાને ચાહતાં હતાં. તેમની વચ્ચેના પ્રેમ સંબંધો ખીલી ઊઠ્યા. કોઈવાર તેઓ લાંબા સમય સુધી વાતો કરતાં બેસતાં, તો કોઈ વાર ફરવા નીકળી પડતાં અને આથી ઘેર આવતાં મૃણાલને મોડું થતું. એકવાર તો સુનંદાબેને તેને પૂછી જ નાખ્યું કે તું કોઈ છોકરાના પ્રેમમાં પડી છે કે શું ? પણ મૃણાલે અદ્ધર અદ્ધર જવાબ આપી પોતાના પ્રેમની કોઈ વાત તેમને કળવા દીધી નહીં. મૃણાલ અને પંકજે આગળ ભણવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું અને ત્યાર પછી અમેરિકા પણ જવાનો તેમનો વિચાર થયો. પણ હજુ લગ્નગ્રંથિથી બંધાઈ જવાની તેમને ઉતાવળ ન હતી.

પણ બીજાં બે વરસનું ભણતર પૂરું થતાં સુધીમાં તો પંકજને લગ્ન કરવાની ઉતાવળ થઈ. અમેરિકા જવાનું થશે ત્યારે જઈશું પણ હવે આપણે પરણી જઈએ એવું તેણે મૃણાલને કીધું અને તેને એ પણ કહ્યું કે, ‘પહેલાં તારી મમ્મીને કહે કે તે મારા પપ્પાને મળે અને આપણાં લગ્નની વાત કરે.’

‘પણ તે પહેલાં મારી મમ્મીને તારી ઓળખાણ તો કરાવવી પડશે ને ? તે માટે તું એકવાર મારા ઘરે આવ. બોલ, ક્યારે આવીશ ?’ મૃણાલે તેને પૂછ્યું.

‘આવતા અઠવાડિયે.’ પંકજે પ્રત્યુત્તર વાળ્યો. એ પ્રમાણે પંકજ મૃણાલની મમ્મીને મળવા તેમના ઘરે ગયો. તેની ઓળખાણ કરાવતાં મૃણાલે મમ્મીને કહ્યું :

‘આ પંકજ, અમે સાથે ભણતાં હતાં અને હવે એકબીજાને ચાહીએ છીએ. અમે હવે લગ્ન કરવાનાં છીએ.’ આ સાંભળી સુનંદાબેન તો અવાક થઈ ગયાં. પણ તે ભાવ પોતાના ચહેરા પર ન દેખાવા દઈ મૃણાલે પંકજની જે માહિતી આપી તે તેમણે સાંભળી લીધી. પંકજ એમને બધી રીતે સારો લાગ્યો અને મૃણાલ માટે તે યોગ્ય પણ લાગ્યો. પંકજને પણ મૃણાલની મમ્મી માટે સારો અભિપ્રાય પેદા થયો અને તેમના માટે માન થયું.

પંકજ નીકળી ગયા પછી મૃણાલે મમ્મીને કહ્યું : ‘તું હવે પંકજના પિતા, અશ્વિનભાઈને મળીને અમારાં લગ્નની વાત કર. ક્યારે મળીશ તેમને ?’ સુનંદાબેનને માટે હા-ના કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. બે દિવસ પછી તે પંકજના ઘરે અશ્વિનભાઈને મળવા ગયાં. તેમણે બંનેએ લીધેલા નિર્ણયની વાત કરી. અશ્વિનભાઈને આ બાબતમાં કાંઈ ખબર ન હતી. સુનંદાબેને અશ્વિનભાઈને પોતાની ઓળખાણ આપી, મૃણાલની બધી માહિતી આપી અને કહ્યું : ‘છોકરાંઓએ નિર્ણય લઈ લીધો છે, એટલે આપણે હવે માત્ર સંમતિ જ આપવાની છે. તમે પંકજભાઈ માટે મૃણાલનો સ્વીકાર કરો એવી હું વિનંતી કરું છું.’

‘પણ, પહેલાં મારે તમારી દીકરીને એકવાર જોવી છે. તેને લઈને તમે આવો પછી આપણે આગળ વિચાર કરીશું. બોલો, ક્યારે આવો છો ?’ તેમણે સુનંદાબેનને પૂછ્યું. પછીના રવિવારે મળવા આવવાનું નક્કી કરી સુનંદાબેન અશ્વિનભાઈના ઘરેથી બહાર નીકળ્યાં. ઘેર આવીને સુનંદાબેને મૃણાલને કહ્યું : ‘પંકજના પપ્પાએ આપણને તેમના ઘરે બોલાવ્યાં છે અને રવિવારે આપણે જવાનું છે.’ આ વખતે તેમણે થોડા ગુસ્સાથી મૃણાલને કહ્યું : ‘તમે આટલા લાંબા સમયથી પ્રેમમાં હતાં, સાથે હરતાં-ફરતાં હતાં પણ તેં મને કોઈ દિવસ તેની જાણ પણ થવા દીધી નહીં કે તે અંગે કશું કહ્યું પણ નહીં ! કેટલીયેવાર હું તને કહેતી રહી પણ તેં મને અંધારામાં રાખી તેનું મને દુ:ખ થાય છે. પણ એટલું સારું છે કે તેં શોધેલો સાથીદાર, પંકજ, મને સારો લાગ્યો; તેનું ઘર, તેના પપ્પા પણ સારા લાગ્યા એટલે આગળ બીજું કાંઈ વિચારવાનું નથી. બસ, અશ્વિનભાઈ હા પાડે એટલે આપણે લગ્નની વાત આગળ ચલાવી તે પૂરી કરી લઈએ. મારી દીકરીની ઈચ્છા મુજબ કરવામાં મને પણ ઘણો આનંદ થાય છે.’

રવિવારે સુનંદાબેન મૃણાલને લઈને અશ્વિનભાઈના ઘરે ગયાં. અશ્વિનભાઈએ બધાંની સાથે વાતો કરી, મૃણાલ સાથે પણ હસીને વાત કરી. પંકજ મૃણાલને ઘર બતાવવા લઈ ગયો ત્યારે અશ્વિનભાઈએ વાત કરતાં સુનંદાબેનને કહ્યું : ‘પંકજની મમ્મીને ગયે હવે દસ વરસ થશે. આ એકનો એક દીકરો છે, તે પણ હવે અમેરિકા જવાની વાત કરે છે એટલે અહીં તો હું એકલો જ રહેવાનો ! પણ શું થાય ? દીકરાના ભવિષ્યને પહેલાં ધ્યાનમાં લેવાનુંને ? વળી આ અધવચ્ચેની ઉંમરે આપણે ત્યાં જઈને શું કરીશું ? એના કરતાં અહીં જ સારા કામધંધામાં લાગી જવાનો મેં વિચાર કર્યો છે. જોઈએ હવે આગળનું એકલવાયું જીવન કેવી રીતે પસાર થાય છે ?’

તેમની વાત સાંભળી સુનંદાબેન બોલ્યાં : ‘મારી વાત પણ તમારાથી ક્યાં જુદી છે ? મૃણાલના પપ્પા ગયા પછી તેને મોટી કરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તે ન જણાયું પણ હવે તે અમેરિકા જશે એટલે…! છોકરાઓનું શું ? એ થોડાં જ કંઈ આપણો વિચાર કરી બેસી રહેવાનાં ? મૃણાલ કાયમ માટે થોડી જ મારી સાથે રહેવાની હતી ? તેની જવાબદારીથી હું બહુ ચિંતામાં રહેતી હતી, અને હંમેશાં મને એના પિતા રજનીની યાદ આવતી રહેતી. તમે તો કામધંધામાં રોકાઈ જશો, પણ મારું શું ? હું શું કરીશ ? કેવી રીતે મારો સમય વિતાવીશ એ મારા માટે મોટો પ્રશ્ન છે. પણ તમે કહો છો તેમ, છોકરાંઓના જીવનને હવે આપણે પ્રાધાન્ય આપવું જોઈએ.’ એટલામાં પંકજ અને મૃણાલ ત્યાં આવી ગયાં અને સુનંદાબેનને ફરી મળવાનું અશ્વિનભાઈએ આમંત્રણ આપતાં બધાં ઊભાં થયાં અને સુનંદાબેન અને મૃણાલ બહાર નીકળ્યાં. જતાં જતાં સુનંદાબેને કહ્યું : ‘હવે આપને વારંવાર મળવાનું થશે. કંઈ નહીં તો ફોન પર વાત થશે જ.’

પછીના બે મહિનાની અંદર, મૃણાલ અને પંકજનાં લગ્ન થઈ ગયાં. સુનંદાબેનને કામ બાબતે ત્રણ-ચાર વાર અશ્વિનભાઈને મળવાનું થયું હતું, અને ઘણીવાર ફોન પર પણ તેમની જોડે વાત કરી હતી. મૃણાલનાં લગ્ન પછી તે તેના ઘરે ગઈ અને સુનંદાબેન સાવ એકલાં પડી ગયાં. પણ તેઓ મનને સમજાવતાં કે કોઈક દિવસ તો આ પરિસ્થિતિ આવવાની જ હતી ને ! પણ, તેમ છતાં, તેમનું મન બેચેન રહેતું. લગ્ન થયા પછી ચાર જ મહિનામાં પંકજ અને મૃણાલનું અમેરિકા જવાનું નક્કી થયું. આથી ફરી એકવાર સુનંદાબેન અશ્વિનભાઈને મળવા ગયાં અને સંતાનોના અમેરિકા જવાનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે સુનંદાબેન મૃણાલના ઘરે જ રહ્યાં હતાં અને તેમની સાથે એ એરપોર્ટ પર ગયાં હતાં. દીકરા-વહુને એ એરપોર્ટ પર મૂકી પાછા ફરતી વખતે અશ્વિનભાઈએ સુનંદાબેનને કહ્યું કે, તમે પણ મારા ઘેર ચાલો, ચા-નાસ્તો કરીને પછી ઘરે જજો. આમે છોકરાઓના જવાથી આપણું ઘર ખાલી ખાલી લાગશે. તમે તો ઘરે જઈને ઘરકામમાં લાગી જશો પણ મને તો સારું લાગશે. સુનંદાબેનને તેમની વાત સાચી લાગી અને અશ્વિનભાઈની જોડે તેઓ તેમના ઘરે ગયાં. ત્યાં ચા-નાસ્તો, બપોરનું જમણ કરી સાંજે તેઓ ઘેર પાછાં ફર્યાં.

બીજે દિવસે અમેરિકા પહોંચી ગયા પછી મૃણાલ અને પંકજનો ફોન આવી ગયો એટલે તરત સુનંદાબેને અશ્વિનભાઈને તેની વાત કરી ત્યારે તેમણે કહ્યું : ‘મારા પર પણ ફોન આવી ગયો છે અને હું હમણાં તમને ફોન કરવાનો જ હતો. ચાલો છોકરાંઓ સુખરૂપ ત્યાં પહોંચી ગયાં, આપણને હાશ થઈ. તેઓ તો ગયાં પણ આપણને અહીં એકલાં મૂકતાં ગયાં. ઘર ખાલી ખાલી લાગે છે. રોજ આપણે આ પ્રમાણે ના કહેવું જોઈએ પણ કહેતાં મન નથી રોકાતું, શું થાય ?’

‘હા, તમારી વાત બરાબર છે. કંઈ નહીં, હવે આપણે સંબંધી તો છીએ જ. તમને કંઈ જરૂર પડે તો ફોન કરજો. સંકોચ રાખશો નહીં. અને વચ્ચે વચ્ચે ફોન પણ કરતા રહેજો.’

‘જરૂર.’ એમ કહી અશ્વિનભાઈએ ફોન મૂક્યો. પંકજ અને મૃણાલ અમેરિકા ગયા પછી વચ્ચે વચ્ચે તેમના ફોન આવતા હતા. એકવાર સુનંદાબેન અશ્વિનભાઈ રહેતા હતા એ વિસ્તારમાં ગયાં હતાં એટલે અશ્વિનભાઈને મળવા તેમના ઘરે ગયાં હતાં. તેમને ત્યાં ચા-પાણી કરી, ઘણી બધી વાતો કરી તેઓ ઘેર પાછાં ફર્યાં હતાં.

જોત જોતામાં અમેરિકા ગયાને મૃણાલને વરસ પૂરું થયું. પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી સુનંદાબેનને ખ્યાલમાં આવ્યું હતું કે આજકાલ મૃણાલના ફોન નિયમિત રીતે આવતા નથી. તે બહુ વાત પણ કરતી નથી. એક-બે વાર તો તેના ફોનની રાહ જોઈને તે રડી પડેલાં. એકવાર સામેથી તેમણે ફોન કરી મૃણાલને પૂછ્યું હતું : ‘તું કેમ પહેલાની જેમ હવે મારી સાથે વાત કરતી નથી ? તને કોઈ તકલીફ છે કે શું ? તું મજામાં હોય તેમ મને લાગતું નથી. શી વાત છે ?’ પણ ત્યારે પણ મૃણાલે ‘હું મજામાં છું’ એવું કંઈ કીધું નહીં. ફક્ત મમ્મીને કહ્યું કે, તું મારી ચિંતા ન કરીશ, અને ફોન મૂકી દીધેલો. ત્યારથી સુનંદાબેનને લાગતું હતું કે જરૂર કોઈ વાત છે જે મારાથી મૃણાલ છુપાવે છે. એટલે અઠવાડિયા પછી તેમણે ફરીથી તેને ફોન કર્યો અને પૂછ્યું :

‘શું છે બેટા ! સાચું કહે. મારાથી કશું છુપાવીશ નહીં, પણ મને એવું લાગ્યા કરે છે કે ચોક્કસ તને કોઈ તકલીફ છે. ત્યાં અશ્વિનભાઈ પણ કહેતા હતા કે, દીકરા-વહુના હમણાંથી ફોન આવતા નથી. શા માટે આવું કરે છે ?’

ત્યારે મૃણાલે રડતાં રડતાં મમ્મીને કહ્યું : ‘મમ્મી, તને શું કહું ? અહીં આવ્યા પછી ચાર જ મહિનામાં મારા અને પંકજના વિચારો બદલાઈ ગયા. અમારા વિચારો હવે મળતા નથી. રોજ ઝઘડા ચાલે છે. હવે તો અમે છૂટા પડવાનો જ નિર્ણય લીધો છે અને એકાદ મહિનામાં અમે ડાયવોર્સ લઈને છૂટાં પડીશું. એટલે હું તને ફોન નહોતી કરતી. પણ તું ચિંતા કરતી નહીં. હું હવે અહીંયાં મારો માર્ગ શોધી લઈશ. હવે હું તારા પર બોજ નહીં બનું.’

આ સાંભળી સુનંદાબેન તો અવાક થઈ ગયાં. તેમણે માંડ માંડ કીધું : ‘તું જે કંઈ કરે તે પૂરો વિચાર કરીને જ કરજે. તું સમજું છે. હું તને અહીંથી શું મદદ કરી શકીશ ? સંભાળીને રહેજે, બીજું શું ? અને હા, અવારનવાર મને ફોન કરતી રહેજે. એમ કરવાથી આપણ બેઉને સારું લાગશે.’ આમ વાત કહી તેમણે ફોન બંધ કર્યો. તેઓ બહુ દુ:ખી થયાં. દીકરીનું આ શું થઈ ગયું ? વિચારમાં ને વિચારમાં તેમને મોડેથી ઊંઘ લાગી.

બીજે દિવસે સવારે સુનંદાબેને અશ્વિનભાઈને ફોન કરીને મૃણાલે કહેલી વાત તેમને કહી અને પૂછ્યું : ‘તમારા ઉપર પંકજભાઈનો કોઈ ફોન નથી આવ્યો ? એમણે આ વાત તમને કરી નથી ?’ ત્યારે અશ્વિનભાઈએ ઊંડી લાગણી સાથે કહ્યું : ‘મને તો આમાંની કંઈ ખબર જ નથી. તમે જે કીધું તેનાથી મને તો આઘાત લાગ્યો છે. પણ તમે ચિંતા નહીં કરતાં. હું તેમને ફોન કરીને તમને જણાવીશ.’ આ વાતચીત દરમિયાન તે બોલી ગયા કે હમણાં મારી તબિયત સારી રહેતી નથી. ત્યારે સુનંદબેને તરત કીધું : ‘તો મને તમે ફોન ન કર્યો ? તમે મને પારકી જ સમજો છો, એમ જ ને ? શું થાય છે તમને ?’ સુનંદાબેને તેમને પૂછ્યું.

‘બીજું કંઈ નહીં. બસ આ બી.પી. વળગ્યું છે અને તેનાથી પરેશાની રહે છે. મન બેચેન રહે છે. ડોક્ટર કહે છે કે બહુ વિચાર ન કરો. પણ એકલો પડી રહું છું ત્યારે કોઈ ને કોઈ વિચારો આવી જ જાય છે, અને મન ઉદાસ થઈ જાય છે. થોડુંઘણું તો હું બહાર ફરવા જાઉં છું, પણ બાકીના સમયમાં એકલતા સહેવાતી નથી. સાચું કહું તો આવા સમયે મારી પત્નીની બહુ યાદ આવે છે. પણ શું થાય ? જે પરિસ્થિતિ છે તે સ્વીકાર્યા વગર છૂટકો નથી. ઘરમાં એકલા રહેવું બહુ વસમું લાગે છે. બસ આ જ મારો પ્રશ્ન છે. આજે તમે આવ્યાં તો ઘણું સારું લાગ્યું. બીજું કોઈ અગત્યનું કામ ન હોય તો સાંજ સુધી રોકાઓ.’ સુનંદાબેને તેમની પરિસ્થિતિ જોઈને રોકાવાનું નક્કી કર્યું. ઘરમાં જઈ તેમણે જાતે ચા બનાવી. નાસ્તાનું પૂછ્યું. આખો દિવસ તેઓ અશ્વિનભાઈ જોડે બોલતાં રહ્યાં. તેમને ઘણું સારું લાગ્યું. ભરપૂર વાતો કરીને સાંજે મોડેથી ઘરે જવા તેમણે અશ્વિનભાઈની રજા લીધી.

સુનંદાબેન મોડેથી ઘરે આવ્યાં, થોડી વાર આરામ કરી રાતનું વાળું કરી બેડ પર આડાં પડ્યાં અને તેમના મનમાં વિચારચક્ર ચાલું થયું. હું પણ રજનીને યાદ કરતી કરતી જ દિવસો વીતાવું છું ને ? તેમના વગર ખરેખર જીવન સાવ એકલવાયું અને નિરસ લાગે છે. આમ જોઈએ તો આપણાં ઘણાં સગાં છે પણ પોતાનું કહી શકાય એવું કોઈ નહીં. મૃણાલના અમેરિકા ગયા પછી તો મારા જીવનમાં નથી તો કોઈ ધ્યેય રહ્યું કે નથી કોઈ અપેક્ષિત આનંદની ઘડીઓ ! બીજાના સુખમાં આપણે સામેલ થવાનું એટલું જ. મૃણાલ મને અમેરિકા બોલાવી લેવાની વાત કરે છે પણ પહેલાં તો એ ડાયવોર્સ લઈને છૂટી થવાની, પછી કદાચ બીજાની સાથે લગ્ન કરવાની પણ શક્યતા તો ખરી જ ને ? એમાં ત્યાં મને કેવી રીતે ફાવશે ? કાયમ માટે તો જવાની મને જરાયે ઈચ્છા નથી. તો શું આમ ને આમ મારી જિંદગી વીતી જવાની ? તેમનું દિલ એકદમ ભારે થઈ ગયું. આંખો ભરાઈ આવી ત્યારે જ તેમને અશ્વિનભાઈનો વિચાર આવ્યો. શું તેમની પણ આ જ પરિસ્થિતિ નથી ? પુરુષ હોવાથી તો જીવનનો બોજ તેમને વધારે લાગતો હશે. તેની અસર તેમની તબિયત ઉપર થઈ છે એ દેખાઈ જ આવે છે. એમને પણ એકલતા ખાવા દોડે છે, એવું એ પોતે જ કહેતા હતા. ખરું વિચારું તો હું આજે માત્ર એક દિવસ માટે જ એમના ઘરે ગઈ તો તેમને કેટલું સારું લાગ્યું ! તેમનો ચહેરો કેટલો પ્રસન્ના લાગતો હતો ! અને મનમાં ને મનમાં તેઓ બોલી ઊઠ્યાં, ખરેખર તો મને પણ તેમની હાજરીમાં બહુ જ સારું લાગતું હતું. આજનો દિવસ ખરેખર ઘણા વખત પછી સારો ગયો. પણ તેથી શું ? રોજ કાંઈ થોડો જ તેમનો સાથ મળવાનો છે ? અને ફરી પાછું તેમનું મન ખિન્ના થઈ ગયું. રાતના મોડે સુધી તેમને ઊંઘ ન આવી.

બે અઠવાડિયાં પસાર થઈ ગયાં અને અશ્વિનભાઈનો સુનંદાબેન પર ફોન આવ્યો. તેમણે વાત કરતાં કહ્યું : ‘તમારા વિસ્તારમાં મારા એક ઓળખીતા રહે છે એમને મળવા હું સાંજે જવાનો છું. મને વિચાર આવ્યો કે તમને પણ મળવા આવું. તો સાંજે તમે ઘરે છો કે બહાર જવાનો તમારો કોઈ કાર્યક્રમ છે ?’

સુનંદાબેન ખુશ થતાં બોલ્યાં : ‘તમે ચોક્કસ આવો. હું તમારી રાહ જોઈશ. તમે આવવાના હોવ ત્યારે મારો કોઈ પણ કાર્યક્રમ હોત તો તે મેં રદ કર્યો હોત એટલું નક્કી. સાંજે તમે જરૂર આવો.’ એમ કહી તેમણે ફૉન મૂકી દીધો.

સાંજે અશ્વિનભાઈ ઓળખીતાને મળીને સુનંદાબેનના ઘેર ગયા. સુનંદાબેન તેમની રાહ જ જોતાં હતાં. બંને જણાં મળતાં બંનેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી. ખરેખર ઘણા દિવસો બાદ તેઓ સારા મૂડમાં દેખાતાં હતાં. તેમણે અશ્વિનભાઈને રાત્રે જમીને જવાનો આગ્રહ કર્યો. થોડી ના ના કહેતાં તેમણે હા પાડી. સુનંદાબેન જાતે જ રસોઈ કરતાં હતાં. આજે તેમણે બે નવી વાનગીઓ બનાવી હતી. ટેબલ ઉપર બધું સારી રીતે ગોઠવીને તેઓ જમવા બેઠા. અશ્વિનભાઈને તેમના હાથની રસોઈ જમવામાં વિશેષ રુચિ લાગી. વાતો કરતા, હસતાં હસતાં બંને જણાં જમી રહ્યાં. પણ છેલ્લે છોકરાંઓની વાત તો નીકળી જ. અશ્વિનભાઈ બોલ્યા : ‘આપણાં છોકરાંઓ છૂટાછેડા લઈને અલગ થઈ ગયાં એ બહુ દુ:ખની વાત છે. પણ આપણે એમાં શું કરી શકવાનાં હતાં ? પરણવાનો તેમણે જાતે જ નિર્ણય લીધો હતો અને હવે છૂટા પડવાનો નિર્ણય પણ તેમનો જ છે. તેઓ હવે પાછાં અહીં આવવાનાં નથી અને આપણે કંઈ કાયમ માટે ત્યાં જઈ શકવાનાં નથી. તો હવે આપણે તેમની ખોટી ચિંતા શા માટે કરવાની ? તેઓ આપણા પ્રશ્નનો તો કોઈ વિચાર કરતા જ નથી. તો હવે આપણી પરિસ્થિતિનો ઉકેલ આપણે જ લાવવો જોઈએ એવું મને લાગે છે. તમને શું લાગે છે ?’ તેમણે સુનંદાબેનને પૂછ્યું.

તેમણે પણ કીધું કે, છોકરાંઓનો નિર્ણય ખરેખર દુ:ખદ છે પણ તમે કહો છો તેમ તેમના માટે આપણે શક્ય બધું તો કરી છૂટ્યાં છીએ. હવે વધારે શું કરી શકાય ? ખરેખર તો તેમના તરફથી આપણને શાંતિ મળવી જોઈએ. પણ આ છોકરાંઓ તો જાણે પોતાનો જ વિચાર કરે છે. એટલે હવે એવું લાગે છે કે આપણે પણ તેમની વચ્ચે પડવા જેવું નથી. એક વાત તમને કરું ? તેઓ હવે ભલે છૂટાં પડ્યાં, પણ તેમના સંબંધ થકી આપણી વચ્ચે સંબંધ બન્યો છે એટલે આપણે તેમનાં ઋણી છીએ, ખરું કે નહીં ?’ અશ્વિનભાઈ તેમની જોડે સંમત થયા.

રાત્રે જમીને અશ્વિનભાઈએ ઘેર જવા નીકળતી વખતે સુનંદાબેનને કહ્યું : ‘આવતા રવિવારે તમે મારે ત્યાં જમવા આવો. તમે ના નહીં કહેતાં. આપણને આનંદ મળશે. અને હા, તે વખતે હું તમને એક સરપ્રાઈઝ આપવા માગું છું. મારી અપેક્ષા છે તમે મારી ઑફરનો સ્વીકાર કરશો.’ સુનંદાબેને તેમનું આમંત્રણ તો સ્વીકાર્યું પણ તેઓ શું સરપ્રાઈઝ આપવાના હશે તેનો વિચાર કરતાં રહ્યા અને અશ્વિનભાઈએ ગાડી ચાલુ કરી.

પછીનો રવિવાર આવતા સુધીમાં તો સુનંદાબેન વિચાર કરી કરીને થાકી ગયાં કે અશ્વિનભાઈ શું સરપ્રાઈઝ આપવાના હશે ? પણ એ કંઈ કલ્પી શક્યાં નહીં. અને એમ કરતાં રવિવારનો દિવસ આવીયે પહોંચ્યો. સુનંદાબેન સારી રીતે તૈયાર થઈ, સવારના દસ વાગ્યે બહાર નીકળ્યાં અને લગભગ અગિયાર વાગે તે અશ્વિનભાઈના ઘરે પહોંચ્યા. બારણામાં જ અશ્વિનભાઈએ તેમને આવકાર્યાં અને તેમને ડ્રોઈંગ રૂમમાં દોરી ગયાં. તેમનો ચહેરો પ્રફુલ્લિત લાગતો હતો. આજનું વાતાવરણ બંનેને આલ્હાદક લાગતું હતું. સુનંદાબેનને સરપ્રાઈઝનું કુતૂહલ તો હતું જ, પણ ઉતાવળ કરીને પૂછવાનું નહીં એમ તેમણે મનમાં નક્કી કર્યું હતું. બીજી બધી ઘણી વાતો કરતાં કરતાં તેઓ જમવા માટે ટેબલ પર ગોઠવાઈ ગયાં. અશ્વિનભાઈએ આજે મિષ્ટાન્ન બનાવવા રસોઈયાને સૂચના આપી હતી. તેણે પણ વાનગીઓ સરસ બનાવી હતી. હસતાં વાતો કરતાં બંનેએ જમી લીધું તો પણ અશ્વિનભાઈએ સરપ્રાઈઝનું નામ ન દીધું. હવે સુનંદાબેનથી રહેવાયું નહીં. છેલ્લે તેમણે અશ્વિનભાઈને પૂછી જ નાખ્યું : ‘તમે મને શું સરપ્રાઈઝ આપવાના હતા ? હવે તો કહો. ઘણા વખત સુધી મારા દિલમાં તેની ઉત્સુકતા થતી રહી છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. બોલો, તમે શું સરપ્રાઈઝ આપવાના હતા ?’

આ સાંભળી અશ્વિનભાઈ તેમની તરફ સરકીને તેમની ખૂબ નજીક આવી હળવેથી બોલ્યા : ‘સુનંદાબેન ! બોલો, આપણે લગ્ન કરી જોડાઈ જઈશું ? મને ખાત્રી છે તમે મને ના નહીં કહો. ઘણા દિવસોથી હું આ વિચારતો હતો. મને તો તમે પોતાનાં જ લાગો છો, પણ તમારા માટે હું કેવો લાગતો હોઈશ એનો હું નિર્ણય કરી શકતો ન હતો. પણ છેલ્લે હું તમારા ઘરે આવ્યો ત્યારે મેં નક્કી જ કરી નાખ્યું હતું કે હવે હિંમત કરીને તમને પૂછી જ લેવું. જુઓ, પહેલાં આપણે વેવાઈ હતાં એ વાત ખરી, પણ હવે આપણાં સંતાનો એકબીજાથી ડાયવોર્સ લઈને છૂટાં પડી ગયાં છે અને તેથી આપણા એ સંબંધો પૂરા થયા છે. આપણે હવે એકબીજાના સગા રહ્યા નથી. આપણે બંને એકલાં પડી ગયાં છીએ. પાછલી ઉંમરમાં એકલવાયું જીવન નથી વેઠાતું. ખાલીપો હવે સહન નથી થતો. તેમાંય આપણે એકબીજાના સંપર્કમાં આવ્યાં, આપણાં સંબંધો વધ્યા ત્યારથી મને તમારી હાજરીમાં ખુશી મળે છે. મને લાગે છે કે તમને પણ આવી જ કંઈ લાગણીઓ થતી હશે. આપણી પાસે તેનો બીજો કોઈ જવાબ નથી. આપણે આમાં કશું ખોટું કરતાં નથી. આપણાં જીવનસાથી આપણને છોડી ગયાં, તેમને આપણે અન્યાય કરીશું એવું હું નથી માનતો. તેઓ સાથે હતાં ત્યારે તેમને સુખી જોવા હંમેશાં આપણે તત્પર હતાં અને એ માટે પ્રયત્નો કરતા હતા. હવે આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઢળતી ઉંમરે આપણું પોતાનું કહી શકાય એવું કોઈક હોવું જોઈએ એવું લાગ્યા કરે છે. આ પ્રમાણે વિચાર કરી છેલ્લે મેં તમારી પાસે આ પ્રસ્તાવ મૂક્યો છે. બોલો, મારો આ પ્રસ્તાવ તમે સ્વીકારશો ?

આ સાંભળી સુનંદાબેને સ્ત્રીસહજ લાગણી સાથે નજરો ઝૂકાવી હકારમાં ડોક હલાવી અને હળવે રહી માત્ર એટલું જ બોલ્યાં : ‘તમે મારા મનની જ વાત કરી છે. મને તમારો પ્રસ્તાવ મંજૂર છે.’ એમ કહી તેઓ અશ્વિનભાઈના વક્ષ:સ્થળ પર શીશ મૂકી કેટલોય સમય સ્થિર થઈ ગયાં. આંખોમાં ઝળઝળિયાં હતાં પણ તે હૃદયમાં ઊઠેલ સ્નેહભરતીની છાલક હતી..
( સમાપ્ત ) 

સાભાર : સુરેશ કાક્લોતર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s