Daily Archives: January 12, 2018

દેશ પરદેશ..!!

Standard

દેશ પરદેશ

~ નટવર મહેતા 
 દક્ષિણ ગુજરાતનાં કાંઠા વિભાગમાં અરેબિયન સમુદ્ર નજીક આવેલ દાંતી ગામમાં રોજની જેમ આજે પણ સમયસર વીજળી ગુમ થઈ ત્યારે કોળીવાડમાં રહેતા શાંતાબેને દીવો સળગાવતા નિસાસો નાંખી કહ્યું, ‘આજે સપરમાં દિવસે પણ લાઈટ ગઈ. મૂઆ આ લોકો ક્યારે બદલાશે?!’ હા, આજે સપરમો દિવસ હતો. આજે કાળી ચઉદશ હતી અને કાલે તો પ્રકાશનું પર્વ દિવાળી.
મહોલ્લામાં બાળકો તો કેટલાંક વયસ્ક પણ ફટાકડા ફોડી રહ્યા હતા એના ધડાકાનો અવાજ ક્યારેક ક્યારેક વાતાવરણમાં ચમકારા સાથે ગુંજતો હતો. શાંતાબેન માટે આ વરસની દિવાળી ખાસ હતી. એમના પતિ ઈશ્વરભાઈ કેનેડાથી ચાર વરસ બાદ દિવાળી નિમિત્તે ખાસ આવ્યા હતા. ફક્ત બે અઠવાડિયા માટે અને લાભપાંચમે તો એ ફરી ઊડી જવાના હતા. ઈશ્વરભાઈના કેનેડા ગયા બાદ એમના કુટુંબના દિવસો થોડા સુધર્યા હતા. બાકી તો એ જ ચારો કાપવાનો, ઇંધણા કરવા જવાનું, લોકોના ખેતરે નીંદવા જવાનું, જો કે એ કામ તો હજુ પણ એઓ કરતા જ હતા. પરંતુ, ત્યારે હાથ પર પૈસો દેખાતો નહીં ત્યારે હવે થોડી રાહત લાગતી. પરંતુ, એમને ઈશ્વરભાઈની ખોટ બહુ સાલતી. ઈશ્વરભાઈ કહેતા હતા કે હવે એઓ ત્યાં જઈને એમને અને જીગાને જેમ બને એમ જલ્દી કેનેડા બોલાવી લેશે. જીગો-જીગ્નેશ એમનો એકનો એક દીકરો હતો. બીએ થયેલ પણ ખાસ કામ ન મળતા એણે ટર્નર-ફીટરનું શિખવાની શરૂઆત કરી હતી. અને એનો આશય પણ એક જ હતો કે ગમે એમ કરી પરદેશ જવું. કાંઠા વિભાગનાં કુટુંબમાંથી એકાદ વ્યક્તિ ક્યાં ટર્નર, ફીટર કે વેલ્ડર હોય અને આરબ દેશોમાં કામ કરતો હોય એ સામાન્ય હતું. પરંતુ, ઈશ્વરભાઈ પાસે એવી કોઈ આવડત ન હતી તો ય એઓ કેનેડા પહોંચી ગયા હતા. અને ચાર વરસ બાદ દેશ આવ્યા. આજે એ શાંતાબેન અને એમના એકના એક દીકરા જીગ્નેશને કેનેડા લઈ જવા માટેના કાગળિયા કરવા બપોરના સુરત ગયા હતા અને જે એજન્ટે એમને કેનેડા મોકલાવ્યા હતા એને જ કામગીરી સોંપવી હતી જેથી બધું સમુસુતરું પાર પડે. શાંતાબેન એમની જ રાહ જોઈ રહ્યા હતાઃ હવે તો આવી જ રહેવા જોઈએ. એમણે ખાસ દૂધપાક, પુરી, વડા બનાવ્યા હતા જે ઈશ્વરભાઈને ખૂબ જ ભાવતા હતા.
ઈશ્વરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. પંદર વીંઘા ખારપાટની જમીન, મુખ્ય ખેતી ડાંગરની- ચોખાની. ચોમાસામાં પાક સારો રહેતો, ઊનાળુ ડાંગરની ખેતીમાં નહેરવાળા બહુ ત્રાસ આપતા. જ્યારે જોઈએ ત્યારે જ પાણી ન આવે. હાથ તંગ રહેતો. ત્રણ ભેંસ બેંકની લૉનથી લીધેલ એનું દૂધ ડેરીમાં ભરતા એ આવકથી થોડી રાહત રહેતી. ઈશ્વરભાઈ પહેલેથી જ મહેનતુ. પણ ખારપાટની જમીન પર મહેનત ઉગતી ન હતી. દાંતીની નજીક જ ઉંભરાટનો દરિયા કિનારો હતો અને ગાયકવાડ સ્ટેટના સમયથી જ ત્યાં વિહારધામ હતું. ત્યાં લોકો વેકેશન કરવા આવતા. રહેવા આવતા. વિહારધામમાં ગુજરાત ટૂરીઝમની રેસ્ટોરાં ‘તોરણ’માં વેઈટરનું કામ કરતા હતા. અને આ કામ એમને ખરેખર ઉપયોગી થઈ પડ્યું કેમકે એ કામને કારણે જ એઓ કેનેડા જઈ શક્યા. એક ઉનાળામાં એઓ ત્યાં કામ કરતા હતા ત્યારે હબીબ હાજીને કોઈ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યુ કે હબીબ નામનો એક ઘરાક કોઈને કેનેડા સેટ કરવાની વાત કરી રહ્યો હતો. અને ઈશ્વરભાઈના કાન સતેજ થયા. હબીબ હાજી જ્યારે રેસ્ટોરાંની બહાર આવ્યો ત્યારે ઈશ્વરભાઈએ એને પુછી જ લીધું, ‘તમે એજન્ટનું કામ કરો છો?’
‘હા…’ હસીને હાજી બોલ્યો, ‘કેમ…?’
‘મારે કામ હતું. ફોરેન જવા માટે. કંઈ થાય તો…!’
‘આ મારો કાર્ડ છે.’ પોતાની કારનો દરવાજો ખોલતા હબીબ હાજીએ ઈશ્વરભાઈને બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે, જો થાય તો તારું પણ કામ કરી દઈશ.’
-દેશ પરદેશ ટ્રાવેલ્સઃ ઈશ્વરભાઈએ કાર્ડ પર વાંચ્યુ, દેશ અને દુનિયાભરના પ્રવાસ, વિસા, પાસપોર્ટ માટે મળો. સુરત નાનપુરાનું સરનામું હતું. ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ હતા. સાચવીને એ બિઝનેસ કાર્ડ એમણે શર્ટના ઉપરના ગજવામાં મુક્યો.
‘ઇશ્વરિયા…’ ગલ્લા પર બેઠેલ મેનેજરે હસીને કહ્યું, ‘જો જે, આવા એજન્ટથી ચેતતો રહેજે. પૈસા ય જશે અને તું અહીં નો અહીં જ રહી જશે અને તારો બૂચ લાગી જશે.’
‘સાવ સાચું કીધું તમે,’ ઈશ્વરભાઈએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘સો ગળણે ગાળીને જ હું પાણી પીઈશ જાનીભાઈ.’
‘તો સારું…!’
એક અઠવાડિયા પછી ઈશ્વરભાઈ મોટરસાયકલ પર સુરત ગયા. એમની પાસે ખખડધજ રાજદૂત મોટરસાયકલ હતી. સરનામા પરથી ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ શોધતા વાર ન લાગી. એક બહુમાળી મકાનના પહેલાં માળે ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ની વિશાળ એરકન્ડિશન્ડ ઓફિસ હતી. રિસેપ્શનિસ્ટે એમને બેસવાનું કહ્યું. થોડા સમય બાદ અંદર કાચની દીવાલ પાછળ બનાવાયેલ ઓફિસમાં એમને જવાનું કહેવાયું. એમને થોડો ડર લાગતો હતો, સંકોચ થતો હતોઃ સાથે કોઈને લાવ્યો હોત તો સારું. એમ વિચારી એઓ અંદર દાખલ થયા. સામે જ મોટા ટેબલ પાછળ ખુરશી પર સફેદ શર્ટ પેન્ટમાં હબીબ હાજી બેઠેલ હતો.
-કાયમ સફેદ જ કપડાં પહેરતો હોય એમ લાગે! ઈશ્વરભાઈએ વિચાર્યું.
‘આવો…’ હબીબે આવકારતા કહ્યું, ‘શું મદદ કરી શકું?’
ઈશ્વરભાઈએ શર્ટના ઉપરના ગજવામાંથી બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘હું મળ્યો હતો તમને… ઉંભરાટ.. યાદ છે?!’
‘હં…’ વિચારતો હોય એમ હબીબે કહ્યું.
એટલામાં જ એક છોકરી ચાનો કપ લઈને આવી અને ઈશ્વરભાઈને આપ્યો.
‘પીજીએ…’ હબીબે ઈશ્વરભાઈને વિનંતિ કરી, ‘મને યાદ નથી આવતુ. ઐસા હૈ કી બહૂત લોગોસે મિલના-જૂલના રહેતા હૈ…! સોરી. પણ યાદ નથી આવતુ.’ હબીબે ઈશ્વરભાઈએ આપેલ એનો બિઝનેસ કાર્ડ હાથમાં ફેરવતા ફેરવતા કહ્યું.
‘તમે ઉંભરાટ આવ્યા હતા. એક અઠવાડિયા પહેલાં. હું ત્યાં તોરણ હોટલમાં વેઈટરનું કામ કરું!’ ઈશ્વરભાઈએ યાદ અપાવવાની કોશિષ કરતા કહ્યું, ‘મેં તમને કહ્યું હતું. ફૉરેન જવા માટે. અને તમે કાર્ડ આપી કહ્યું હતું કે, મને મળજે. એટલે હું અહીં આવ્યો છું…!’
‘ઓ….કે…!’ ચહેરા પર હાસ્ય લાવી હબીબે કહ્યું, ‘તો વાત એમ છે. બોલો ક્યાં જવું છે?’
‘……………’ ઈશ્વરભાઈ મૌન, શું જવાબ આપે?
‘કોઈ રિલેટિવ્સ, સગુ-વહાલું છે ફોરેનમાં?’ હબીબે પૂછ્યું.
‘ના…!’ થૂંક ગળી ઈશ્વરભાઈએ કહ્યું, ‘કેમ એના વિના ન જવાય?’
‘જવાય ને…!’ હસીને હબીબે કહ્યું, ‘એના માટે જ તો અમે બેઠાં છીએ!’
‘…તો મારું કંઈક કરોને…પ્લીઝ…!’
‘કંઈ આવડત છે?’
‘… એ તો કામ પર આધાર રાખે…!’ સહેજ અટકીને ઈશ્વરભાઈએ કહ્યું, ‘હું ગમે એ કામ કરવા તૈયાર છું!’
‘સરસ…’ કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરતા હબીબે કહ્યું, ‘તમારું તકદીર જોર કરે છે. એક પાર્ટી છે કેનેડા, મોટી પાર્ટી. એને ચાર પાંચ માણસો જોઈએ છે. ખાસ તો ઘરકામ, મોટેલમાં કામ કરી શકે એવા. પથારી બનાવે, સાફ-સફાઈ કરે, પરચૂરણ કામકાજ બધા જ પ્રકારનું કરે એવા. ત્રણ જણ તો તૈયાર છે. બે વિકમાં તો એ ઉપડી જશે…!’
‘મારું કંઈ થાય કે નહીં ત્યાં…?!’
‘થાય તો ખરૂં લેકિન ખર્ચો કરવો પડે એના માટે પહેલાં. ત્યાં ગયા પછી એ વસૂલ થઈ જાય.’
‘ખર્ચ કરવા હું તૈયાર છું…પણ ત્યાં ખરેખર જવાવું જોઈએ. અને રહેવાવું જોઈએ…કોઈ ગરબડ ન થવી જોઈએ…!’
‘આવડી મોટી ઑફિસ લઈને બેઠો છું હું પંદર વરસથી. કેટલાયને ઠેકાણે પાડ્યા. આપણું બધું જ લીગલ… બાકાયદા… નહીંતર તાળા ન લાગી જાય?’ હસીને હબીબે કહ્યું, ‘ન થતું હોય તો મોઢાં પર જ ન પાડી દેવાની. ચાંદ કોઈને પણ થાળીમાં ન બતાવવાનો આપણો ઉસૂલ… ! જે કંઈ હોય એ બધું ચોખ્ખું. સાફ..!’
‘કેટલો ખરચ થાય?’
‘આ તો હમણાં કેનેડાની લાઈન ખૂલી છે. કોણ જાણે ક્યારે એ બંધ થઈ જાય અમેરિકાની જેમ! એ પણ કેનેડાના અમુક ભાગ, ચોક્કસ સ્ટેટમાં જ એન્ટ્રી છે. જ્યાં એમને માણસોની જરૂર છે. વસ્તી ઓછી એ વિભાગમાં, અને ત્યાં ઠંડી સખત…!’
‘તમે કહ્યું નહીં. ખરચ કેટલો થાય?’
‘ત્યાં તમને ઉતારી દેવાના હોય તો ઓછો થાય, પણ આ તો કામની ખાતરી. જોબ પ્લેસમેન્ટ સાથે. એટલે પંદર પેટી તો થાય…!’
‘પંદર…?’
‘પંદર લાખ…! એમાં બધું જ આવી જાય. પાસપોર્ટ… મુંબઈથી વીનીપેગની એર ટિકિટ…! અરે…! તમને ત્યાંથી તમારા રહેવાના ઠેકાણે જવાનું પણ આવી જાય. ત્યાં ઉતરો એટલે આપણો માણસ તમને રિસીવ કરવા તૈયાર હોય…!’
‘પંદર તો…’ નિરાશ થતા ઈશ્વરભાઈએ કહ્યું, ‘મારી લિમિટની બહાર…’ સહેજ વિચારીને કહ્યું, ‘કંઈ વાજબી…’
‘ઓ…કે…!’ સવાલ કરતા હબીબે પૂછ્યું, ‘તમારી લિમિટ મને કહો…! તો…’
‘પંદર તો બહુ વધારે…!’ ઈશ્વરભાઈએ લગભગ ઊભા થવાની તૈયારી કરતા કહ્યું.
‘અરે…!’ હસીને હબીબે કહ્યું, ‘તમે એમ જ ઊભા થઈ જાઓ એ ન ચાલે, શું કહ્યું નામ તમારું? જૂઓને મેં તો નામ પણ નથી પૂછ્યું.’
‘ઈશ્વર…’
‘વાહ…! ઈશ્વર એટલે અલ્લાહ…! ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન! ’ ઈશારાથી બેસી જવાનું કહેતા હબીબ બોલ્યો, ‘જૂઓ ઈશ્વરભાઈ, આપના માટે દશમાં કામ કરી આપીશ! એક પણ પૈસો એનાંથી વધારે નહીં કે ઓછો નહીં. અડધા પહેલાં. અડધા કેનેડાના પેપર અને ટિકિટ તમારા હાથમાં આવે ત્યારે. ખાતરીનું કામ. કોઈને પણ મારા વિશે પૂછી જુઓ. હું તમને એડ્રેસ આપું. જો કોઈ ‘દેશ પરદેશ’ વિશે એલફેલ બોલે તો દશને બદલે પંદર મારે તમને આપવાના…! કામ ગેરેન્ટીનું. અને તમે તકદીર વાલા છો કે મારી પાસે ઓપનિંગ છે. લાઈન ક્લિયર છે. બાકી આજે વીસ-પચ્ચીસ આપીને જવા વાળા પડ્યા છે!’
‘વિચારીને જણાવું…?’
‘બેશક…!’ હસીને હબીબે કહ્યું, ‘એમ તો વિચારવા જેવું કંઈ નથી! આવો ચાન્સ ન મળે. પણ મને ઉત્તર જલ્દી જોઈએ. એકાદ અઠવાડિયામાં. કારણ કે, કેનેડાવાળી પાર્ટીને ઉતાવળ છે. અને કેનેડા સરકારનું પણ કંઈ કહેવાય નહીં. ક્યારે ઈમિગ્રેશનના કાયદા બદલાય જાય અને ક્યારે લાઇન બંધ થઈ જાય એનું કંઈ જ કહેવાય નહીં. જે કંઈ છે એ આજે છે, હમણાં છે. કલકી બાત કોન જાને?’
‘પણ મારે ફેમિલી સાથે…’
‘અરે! એ કહેવાનું તો હું ભૂલી જ ગયો… ઈશ્વરભાઈ,’ અચાનક કંઈ યાદ આવતા હબીબે કહ્યું, ‘તમારે ત્યાં ગયા પછી પીઆર કાર્ડ મલી ગયા પછી ફેમીલીને પણ બોલાવી શકાશે. બસ તમે ત્યાં કેવું કામ કરો એના પર આધાર. ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ કરવાનો રહેશે. એટલે ત્રણ વરસ તો કામ પાક્કુ!’
‘હું ફરી મળું તમને ફેમિલી સાથે વાત કરીને…’ ખંચકાતા ખંચકાતા પૂછ્યું, ‘કોઈ લોચો તો નથીને?! ન પડે ને?!’
‘કસમ ખુદાની…હાજી છું! બે વાર હજ કરી છે. ખુદાના કસમ ખાઈને કહું કે કંઈ લોચો નથી.’ ગળા પર જમણા હાથની આંગળીઓ લગાવી હબીબે કસમ ખાધી.
ઘરે આવ્યા બાદ ઈશ્વરભાઈએ ઘણું વિચાર્યું. એક અવઢવ થયા રાખતી હતી. પેપરમાં એવા ઘણા કિસ્સા વાંચ્યા હતા જેમાં પરદેશ જવાની ઘેલછામાં કેટલાકે પૈસા ગુમાવ્યા હતા. એમની પાસે ખાસ આવડત ન હતી. ગામમાં ઘેર ઘેરથી કોઈને કોઈ ફોરેન, મસ્કત, અબુ-ધાબી, દુબઈ, વગેરે ગયા હતા. જીગ્નેશ પણ બહાર જવા માટેની વાત કરી રહ્યો હતો.
-દશ લાખ બહુ મોટી રકમ હતી.
-પણ એક વાર કેનેડા ગયા બાદ એ એકાદ વરસમાં તો કમાઈ લેવાય. આ તો પાછું કામ સાથે.
-દશ લાખ કાઢવા ક્યાંથી? ઈશ્વરભાઈ ગુંચવાય ગયા.
-જમીન…! જમીન કાઢી નાંખું?
-મકન પટેલને જોઈતી જ છે. એ ક્યારનો માંગ માંગ કર્યા કરે છે. આમ પણ મહેનત કરીને મરી જઈએ ત્યારે માંડ ભાત પાકે. એમના ખેત પડોશી મકન પટેલનો દીકરો દુબઈ ગયો હતો. ત્યાં એણે ખાસી કમાણી કરી હતી. અને મકન પટેલે દીકરાની કમાણી જમીનમાં રોકવા માંડી હતી. ખાસી જમીન એમણે ખરીદી લીધી હતી. દાંતી ગામમાં મકનની જમીન સૌથી વધારે હતી. અને એની પાસે ટ્રેક્ટર પણ હતું.
-જોઈએ! એ મકનિયાને જ દાણો દાબી જોઉં. ઈશ્વરભાઈએ વિચાર્યું.
શાંતાબેનને ઈશ્વરભાઈએ કેનેડા અંગે વાત કરી.
‘જે કંઈ કરો એ સમજી વિચારીને કરજો…’ શાંતાબેન તો એવું જ માનતા હતાઃ ‘ઈશ્વર’ કરે એ ખરું!
મકનભાઈને મળી ઈશ્વરભાઈએ જમીનની વાત કરી. મકનભાઈ તો તૈયાર જ હતા. સોદો જલ્દી પાર પડ્યો. અને હાથ પર પૈસા આવી જતા ઈશ્વરભાઈએ સુરત જઈ હબીબ હાજીને મળી કેનેડા જવા માટે આગળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી. ગામલોકોએ એમને ચેતવ્યા. પરંતુ, ઈશ્વરભાઈએ યા હોમ કરી ઝંપલાવી જ દીધુઃ જે થવાનું હોય એ થાય!
હબીબ હાજી પહોંચેલ હતો. એણે એના ચક્રો ગતિમાન કર્યા. ઈશ્વરભાઈને કેનેડિયન કૉન્સ્યુલટ જરનલ તરફથી પુછાનારા સવાલો માટે તૈયાર કરતા કહ્યું, ‘આમ તો બધું જ ક્લિયર છે. પણ તમારા પર પણ ઘણો આધાર રાખશે જ્યારે તમને કેનેડિયન ઍમ્બેસી પર બોલાવશે. જેટલું પુછે એનો જ જવાબ આપજો. સવાલ જવાબ આમાં તૈયાર જ છે. તમને ત્યાં ઇન્ટપિટર મળશે. એટલે લૅન્ગવેજનો તો વાંધો ન આવવો જોઈએ. બસ તમે કોન્ફિડસ રાખજો. ડરતા નહીં. અલ્લાતાલા પરવરદિગાર ભલું જ કરશે.’
-અને અલ્લાતાલાએ ખરેખર ભલું જ કર્યું. ઈશ્વરભાઈને વીસા મળી ગયા કેનેડાનાં. ઈશ્વરભાઈ-શાંતાબેનની ખુશીનો પાર ન હતો. જીગ્નેશ તો માની જ ન શકતો હતો કે એના પપ્પા કેનેડા જઈ રહ્યા હતા. હવે એ પણ થોડા વરસમાં જઈ શકશે. કેનેડામાં શરૂઆતમાં તકલીફ પડી ઈશ્વરભાઈને! અજાણ્યો દેશ, અંગ્રેજી ભાષા, કડકડતી ઠંડી. પણ એક ધ્યેય સાથે આવ્યા હતા ઈશ્વરભાઈ કેનેડા. ગમે એ થાય ટકી જવું અને એટલું જ નહીં પણ દેશથી કુટુંબને પણ કેનેડા બોલાવી લેવું. ઈશ્વરભાઈને હબીબ મારફત જેણે સ્પોન્સર કરેલ એ ઇસ્માઇલભાઈનો બહોળો વેપાર હતો કેનેડામાઃ ગેસ સ્ટેશન(પેટ્રોલ પમ્પ), મોટેલ, ગ્રોસરી સ્ટોર, રેસ્ટોરાં! એમને માણસની, મહેનતુ માણસોની ખાસ જરૂર હતી. અને મહેનત કરવામાં તો ઈશ્વરભાઈ પાછળ પડે એમ ન હતા. થોડા વરસમાં તો એઓ ઇસ્માઇલભાઈના ખાસ માણસ બની ગયા. એમને એક રૂમ રસોડાનો એપાર્ટમેન્ટ એની મોટેલમાં રહેવા આપી દીધો. રૂમ બનાવવાથી માંડીને બાથરૂમ સાફ કરવા જેવા કે સ્નો પડે તો વોકવેમાંથી રાત-મધરાતે સ્નો સાફ કરવાના કામ કરવામાં પણ ઈશ્વરભાઈને નાનમ ન લાગતી. નકાર તો એમની જીવ્હા પર હતો જ નહીં. ચાલશે, ફાવશે અને ભાવશે…એમણે અપનાવી લીધું હતું.
-યસ મેન. હા, ઇસ્માઇલભાઈએ ઈશ્વરભાઈનું નામ પાડ્યું હતું. એઓ ખુશ હતા. ઈશ્વરભાઈ તરફથી. એમના કામકાજથી.
‘હલો…’ ઈશ્વરભાઈના ફોન આવતા કેનેડાથી, ‘શાંતા…!’
‘હલો…!’ શાંતાબેન વાત ન કરી શકતા, ગદગદિત થઈ જતા, ‘કેમ છો તમે? ઠંડીથી સાચવજો!’
‘અરે! ફીકર ન કર તુ મારી. અને ઠંડી તો બહાર હોય, ઘરમાં, એપાર્ટમેન્ટમાં ન હોય. અને કામ પર પણ ન હોય!’
‘તે તમે કામ શું કરો?’
‘કામ એટલે કામ…!’ હસીને ઈશ્વરભાઈ કહેતા, ‘કંઈ પણ કામ…ઇસ્માઇલભાઈ, મારા શેઠ, મારા બૉસ, મારા માલિક જે કહે એ બધા જ કામ કરું. એ ખુશ તો આપણે ખુશ. અને એમની પાસે કામની ખોટ નથી. થોડા સમયમાં તો તમને બોલાવી લઈશ. એઓ બહુ ભલા માણસ છે. ખુદાના બંદા. છે મુસલમાન.. પણ આપણને શું? આપણે તો આપણું કામ ભલું અને પૈસા નિયમિત આપી દે. દર શુક્રવારે ચેક જમા થઈ જાય પગારનો.’
‘જમવાનું…?’ શાંતાબેન ચિંત્તાતુર અવાજે પૂછતા, ‘ખાવાનું શું કરો છો?’
‘અરે…! ખાવાની ક્યાં ફીકર કરે છે? તને ખબર તો છે ને કે મને રાંધતા આવડે. તો પછી ફીકર શાની?’
‘જો હું થોડા થોડા દિવસે પૈસા મોકલાવીશ. સીધા તમને ન મોકલાવી શકાય તો પેલા ‘દેશ પરદેશ’ વાળા હબીબભાઈના માણસો આવીને આપી જશે!’ ઈશ્વરભાઈએ સમજાવતા કહ્યું, ‘એને કંઈક હવાલો કે એવું કહે. પણ ઇસ્માઇલભાઈ કહે કે એમાં જ સારું. એમાં ડૉલરના પુરા પૈસા એટલે કે રૂપિયા મળશે.’
…. એમ જ નિયમિત પૈસા આવતા રહ્યા, અને હવે ઈશ્વરભાઈ પણ આવી ગયા ને લાભપાંચમે તો પાછા જતા રહેવાનાં હતા.
‘જો… ને… જીગા…!’ શાંતાબેને ઘડિયાળમાં નજર કરતા કહ્યું, ‘નવ વાગી જવાના ને તારા પપ્પાનું કંઈ ઠેકાણું નથી!’ શાંતાબેનન અવાજમાં ચિંતા હતી, ‘આપણા કાગળિયા આપવા એ સુરત ગયા છે તારી મોટરસાયકલ હોન્ડા પર! મોબાઇલનો પણ જવાબ આપતા નથી! ઉંચકતા નથી! તું સાથે ગયો હોત તો શું થાત? બળી તારી મેચ…!’
‘એ આવશે… આવી જશે. કદાચ બેસી ગયા હોય બેઠક જમાવીને પેલા હબીબ સાથે. એના માટે બોટલ પણ લઈ ગયા છેને બ્લેક લેબલની તો…!’ જીગ્નેશે હસીને કહ્યું, ‘મેં કાલે જવા કહ્યું તો આજે જ ઉપડી ગયા. મારે આજે ઉંભરાટ ઈલેવન સાથે સેમીફાયનલ મેચ હતી. મેં પચ્ચોતેર રન બનાવી ઉંભરાટ ઈલેવનને ટુર્નામેંટમાંથી હટાવી દીધી!’ જીગ્નેશ માટે ક્રિકેટ જાણે બીજો ધરમ હતો.
‘તો ય તારે જવું જોઈતું હતું સાથે. એક મેચ ન રમતે તો…!’ પણ એમની વાત કાને ધર્યા વિના જીગ્નેશ બહાર જઈ ફટાકડા ફોડવા લાગ્યો. આ વરસે તો ગયા વરસ કરતા વધારે ફટાકડા અને ખાસ તો સુતળી બોંબ લાવ્યો હતો. એના ધડાકાઓથી કોળીવાડ ધ્રુજવા લાગ્યું.
જીગ્નેશના મોબાઈલ પરથી શાંતાબેને ફરી ઈશ્વરભાઈને ફોન કર્યો. પણ રીંગ વાગતી રહી. અને થોડા સમય પછી મોબાઈલ ફોન કંપનીનો મેસેજ દર વખતની જેમ સાંભળવા મળ્યોઃ તમે ડાયલ કર નંબર કોઈ ઉપાડતું નથી, કૃપયા થોડા સમય પછી ડાયલ કરવા વિનંતિ છે…!
શાંતાબેનની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો.
‘જી…ગા…!’ ઘરની બહાર ફળીયામાં આવી શાંતાબેને બૂમ પાડવા માંડી, ‘જીગા…! જી…..ગા….!’ આજૂબાજૂ નજર કરી એમણે એક છોકરાને કહ્યું, ‘જોને જીગ્નેશને શોધી કાઢ…! જી….ગા…!’
‘શું છે…!?’ પાંચેક મિનિટ પછી જીગ્નેશ આવ્યો, ‘આવ્યો પપ્પાનો ફોન…?’
‘નથી આવ્યો…!’ શાંતાબેને નિસાસો નાંખી કહ્યું, ‘એવું હોય તો તારા પપ્પા ફોન કરીને કહે કે એને મોડું થવાનું છે. ઉપાડતા જ નથી મોબાઇલ!’
‘પેલા હબીબને ફોન કર…’ ફોન હાથમાં લઈ એણે કહ્યું, ‘એનો નંબર આપ.’
‘એની ઑફિસનો નંબર છે. એના પર પણ મેં ફોન કર્યો. કોઈ ઉપાડતુ નથી.’
‘એ તો અત્યારે બંધ જ હોય ને?!’ ચીઢાયને જીગ્નેશ બોલ્યો, ‘સેલ ફોન નંબર આપ..’
‘એ તો તારા પપ્પાના ફોનમાં જ છે…!’ લગભગ રડી પડતા શાંતાબેને કહ્યું, ‘પપ્પા ફોન લઈ ગયેલ એમાં.’
‘ઓ…હ…’ એની ટેવ મુજબ જીગ્નેશથી ગાળ દેવાય ગઈ! હવે એને પણ ચિંતા થવા લાગી હતી. એની મોટરસાયકલ લઈને જ પપ્પા ગયા હતા. એટલે એણે કોઈની મદદ લેવી પડે. એ જલ્દીથી મહોલ્લામાં બહાર આવ્યો. પડોશમાં જ જીતુ રહેતો હતો. એની સાથે જીગ્નેશને બહુ બનતું ન હતું. પણ આજની વાત અલગ હતી. એણે જીતુને વાત કરી એની પાસે મોટરસાયકલ હતી. એને વાત કરતા એ તૈયાર થયો એની મોટરસાયકલ લઈને.
‘અમે પપ્પાને શોધવા જઈએ છીએ!’ જીગ્નેશે ચંપલ ચઢાવતા કહ્યું, ‘લાવ એકવાર મને રીંગ કરી જોવા દે, કદાચ નેટવર્કમાં ખામી હોય તો લાગી પણ જાય…!’
જીગ્નેશે પ્રયત્ન કરી જોયો. પણ સામેથી કોઈએ ન ઉપાડ્યો, ‘અમે મરોલી ચાર રસ્તા સુધી જઈ આવીએ. કદાચ, હોન્ડા બગડી ગયું હોય. કદાચ…’ જીગ્નેશને આગળ વિચારતા ધ્રુજારી થતી હતી.
શાંતાબેન તો રડવા જેવા થઈ ગયા. ઘડિયાળમાં દશ વાગી ગયા હતા.
જીતુ-જીગ્નેશે મોટરસાયકલ મારી મૂકી. આકાશમાં થોડા થોડા સમયે ચમકારા થયા રાખતા હતા. ફટાકડાના! રોકેટના…!
મરોલી ચાર રસ્તા સુધી કોઈ નિશાની ન મળી. કોઈ અકસ્માતની. જો એવું કંઈ થયું હોય તો…!
મરોલી ચાર રસ્તા પર બન્ને થોડો સમય રોકાયા. ત્યાં લારીવાળાને પણ પૂછી જોયું. કંઈ જોયું હોય…કંઈ સાંભળ્યું હોય…પણ એ બધા દિવાળીની રજાના મિજાજમાં હોવાથી ઘરે જવાની ઊતાવળમાં કે પારકી પંચાતમાં ન પડવાની માનવસહજ ખાસિયતને કારણે કોઈએ બરાબર જવાબ ન આપ્યા.
‘પોલીસમાં જઈએ તો…?!’ જીગ્નેશે જીતુને સુચન કર્યું.
જીતુની ઇચ્છા ન હતી, ‘એમને એમ પોલીસમાં…?’
જીગ્નેશ સમજી ગયો. જીતુએ ઢીંચ્યો હતો. એના મ્હોંમાંથી દેશી દારૂની વાસ આવતી હતી. એટલે સ્વાભાવિક એ પોલીસમાં જવાનો ઇન્કાર જ કરવાનો.
‘ચાલ જીગ્નેશ…!’ જીતુએ એની મોટરસાયકલને કીક મારી, ‘ઘરે જઈએ. ઈશ્વરભાઈ ઘરે આવી પણ ગયા હોય…!’
જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું કરવું? ન છૂટકે એ જીતુની પાછળ બેઠો. અને જીતુએ દાંતી તરફ મોટરસાયકલ પુરપાટ હાંકવા માંડી.
હજુ ઈશ્વરભાઈ આવ્યા ન હતા. શાંતાબેને રડતા હતા. બાર વાગી ગયા હતા. કંઈક એવું અજુગતું બની ગયું હતું કે જે ન બનવું જોઈએ. થોડા મહોલ્લાના માણસો, પડોશી પણ એકત્ર થઈ ગયા હતા. અને ધીમા સાદે જાતજાતની વાતો કરતા હતા.
-એકલા જવું ન જોઈએ.
-પીધું હશે.
-કોઈ ઠોકીને ચાલી ગયું હોય.
-હેલ્મેટ તો પહેરવી જોઈએ.
-રસ્તા કેટલા ખરાબ. ખાડાઓ કેટલાં છે?
-સપરમાં દિવસે તો ઘેર રે’વું જોઈએ.
-જમાનો બહુ જ ખરાબ છે.
લગભગ રાતે અઢી વાગે એમના બારણે પોલીસ જીપ આવીને ઊભી રહી. બહાર જ ગુસપુસ વાતો કરી એમણે જીગ્નેશને બહાર બોલાવ્યો. એની હીરો હોન્ડા મોટરસાયકલનાં નંબરની ખાતરી કરી કહ્યું, ‘ઍક્સિડન્ટ થયો છે. સચીનના વળાંક પર!’ પોલીસે મોટરસાયકલના નંબર પરથી એમનું સરનામું શોધ્યું હતું અને ખબર કરવા આવ્યા હતા.

શાંતાબેને તો ઠૂંઠવો જ મૂક્યો અને રડતા રડતા એઓ બેહોશ થઈ ગયા. જીગ્નેશ પણ રડવા લાગ્યો.
-આ શું થઈ ગયું?!
ઈશ્વરભાઈને અકસ્માત થયો હતો સચીનના વળાંક આગળ. આમ પણ એ વળાંક ભયજનક જ હતો. કોઈએ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કોઈ વાહને ટક્કર મારી હતી એમની મોટર સાયકલને. એમનો દેહ સુરત સિવિલ હૉસ્પિટલમાં હતો.
કાળી ચઊદશનો અંધકાર ઘેરો બની વધારે ગાઢ થઈ ગયો. સોપો પડી ગયો દાંતી ગામમાં.
ગામના સરપંચ, પોલીસ પટેલ પણ ઈશ્વરભાઈના ઘરે આવી ગયા. એમની પાસે જીપ હતી. જીગ્નેશને લઈ એઓ રાતોરાત સુરત સિવિલ હૉસ્પિટલ પર પહોંચ્યા. પણ રાતે તો પોસ્ટ્મૉર્ટમ શક્ય ન હતું. ઉપરાંત, ઘણા સર્જ્યનો પણ દિવાળીની રજા પર હતા. માંડ મોડી સવારે પોસ્ટ્મૉર્ટમ થયા બાદ ઈશ્વરભાઈનો દેહ મળ્યો. કાળી ચઉદશ કાળમુખી બની ગઈ હતી. ઈશ્વરભાઈને હેમરેજ થયું હતું. માથામાં માર વાગવાથી આંતરિક રક્તસ્રાવથી એમનું તત્કાળ મૃત્યુ થયું હતું. ઉપરાંત એમનું જડબું પણ તૂટી ગયું હતું. એમણે હેલ્મેટ પહેરી ન હતી. જો હેલ્મેટ પહેરી હોત શાયદ બચી જાત. એમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ન હતું. જો કે એમની પાસે મોટરસાયકલ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ ન હતું.

શોકમગ્ન ગામમાં સ્મશાનયાત્રા નીકળી હતી ઈશ્વરભાઈની. આખું દાંતી ગામ હીબકે ચઢ્યું હતું.
સચીનના પોલીસ ઇનસ્પેક્ટર વિક્રમસિંહ પરમારે ઈશ્વરભાઈની મોટરસાયકલને ટક્કર મારનાર વાહનની ઘણી શોધખોળ કરી પણ કોઈ માહિતી મળતી ન હતી. આમ તો એ રસ્તો ખાસો વ્યસ્ત રહે. એના પર ઘણી આવનજાવન હોય. પણ કોઈ ચશ્મદીદ ગવાહ મળતા ન હતા. વળી દિવાળીનો ઉત્સવ પણ હોય સહુ એની ઊજવણીમાં પડ્યા હતા. અકસ્માત વખતે ઈશ્વરભાઈનો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. એમને ઉપરના ગજવામાં ફોન રાખવાની આદત હતી અને ફોન સરકીને રોડ પર પડી ગયો હતો. એના પરથી કોઈ વાહન પસાર થતા એ તૂટી ગયો હતો અને એ જ કારણે શાંતાબેને કે જીગ્નેશે જે ફોન કરેલ એના કોઈ પ્રત્યુત્તર મળ્યા ન હતા.
અકસ્માતના ત્રણ દિવસ બાદ, બપોરે ઈશ્વરભાઈના ઘરે હબીબ હાજીની સફેદ સેન્ટ્રો આવીને ઊભી રહી. મહોલ્લામાં હજુ ય ઘેરો માતમ હતો. શ્વેત કપડામાં સજ્જ હબીબ હળવેથી કારમાંથી ઊતર્યો, ‘ઈશ્વરભાઈકા…’ એ વાક્ય પુરું કરે એ પહેલાં જ એક યૂવકે ઈશ્વરભાઈના ઘર તરફ ઈશારો કર્યો.
ચંપલ બહાર ઉતારી એ ઘરમાં હળવેકથી દાખલ થયો. થોડા વયસ્ક શોકમગ્ન બેઠા હતા ફરસ પર પાથરેલ શેતરંજી પર. એમણે હબીબ તરફ સહેજ આશ્ચર્યથી નજર કરી નમસ્કાર કર્યા.
‘હમકો…’ પછી સુધારો કરી હબીબ બોલ્યો, ‘મને આજે જ જાણ થઈ. અખબારમાં સમાચાર વાંચ્યા.’ વિચારીને એ બોલ્યો, ‘હું હબીબ હાજી, એ દિવસે એઓ મને જ મળવા આવેલ. એમના ફેમિલિના પેપર લઈને! ખાસી વાતો થયેલ.’
ડૂસકા પર કાબૂ રાખી જીગ્નેશ હબીબની બાજુમાં બેઠો. એની આંખો તો છલકાય જ આવી. એની પીઠ પર હબીબે હળવે હળવે હાથ ફેરવવા માંડ્યો. કોઈએ અંદરથી આવી ગ્લાસમાં પાણી આપ્યું હબીબને જે હબીબે જીગ્નેશને આપ્યું. એમાંથી જીગ્નેશે બે ઘૂંટ પીધા.
‘બહૂત બુરા હુઆ…!’ નિશ્વાસ નાંખી હબીબે કહ્યું, ‘કુછ પતા ચલા કિસને કીયા? કૈસે હુઆ?’ જીગ્નેશના હાથમાંથી ગ્લાસ લેતા હબીબે હળવેથી પૂછ્યું.
‘ના…!’ ઊંડો શ્વાસ લઈને જીગ્નેશે કહ્યું, ‘કોઈ ટક્કર મારીને ભાગી ગયું ને કોઈએ ન જોયું.’
‘ઓ…હ…! આઈ એમ સોરી…કૈસે? કેમ લોકો આવું કરતા હશે?’
એક ઘેરી ખામોશી છવાય ગઈ.
‘મારી પાસે તને આપવા માટે કંઈક છે!’ હબીબે હળવેથી ગણગણતા કહ્યું, ‘બહાર આવ!’
‘શું?!’ જીગ્નેશે ધીમેથી પૂછ્યું પણ હબીબ એ પહેલાં ઊભો થયો એટલે જીગ્નેશ એની પાછળ પાછળ દોરાયો.
હબીબ એની કાર પાસે ઊભો હતો. જીગ્નેશ એની પાસે ગયો. કારનો આગળનો દરવાજો ખોલી હબીબે અંદરથી એક પેકેટ બહાર કાઢ્યું, ‘આ તમારા માટે છે. પચાસ હજાર છે. ઈશ્વરભાઈ કામ કરતા ત્યાં મેં ઇસ્માઇલ ભાઈજાનને ફોન કરી ઍક્સિડન્ટની માહિતી આપી હતી અહીં આવવા પહેલાં તો એમણે તમને આ પૈસા આપવા કહ્યું. એઓ બહુ દુઃખી થયા છે. તારી સાથે, તારી મમ્મી સાથે વાત કરવા ચાહે છે…!’ સરવાલના ગજવામાંથી એનો આઈફોન બહાર કાઢતા કહ્યું, ‘હું જાણું છું. તારી મમ્મી શાંતાબેન તો વાત ન કરે પણ તું જો વાત કરશે તો ઇસ્માઇલભાઈ સાથે તો સારું. લગાવું ફોન?’
‘હું?’ જીગ્નેશ સહેજ અચકાયો, ‘હું શું વાત કરીશ? મારા પપ્પા જ નથી રહ્યા તો…’
‘તો પણ…જરા વાત કરી લે…’ કહી હબીબે કેનેડા ફોન લગાવ્યો, ‘હલ્લો..ભાઈજાન?…હબીબ હીયર…’
‘……………!’
‘હા…! હું અહીં જ છું. ઈશ્વરભાઈના છોકરા જીગ્નેશ સાથે. તમે કહેલ એ પચાસ આપી દીધા છે. લો.. વાત કરો…’ કહી એણે ફોન જીગ્નેશને આપ્યો.
‘હલો…!’
‘જો બેટા! જો હુઆ બહુત ખરાબ હુઆ…વેરી બેડ…! તારા પપ્પા અલ્લાહના આદમી હતા. એક નેક ઈમાનદાર ઈન્સાન.’
‘……………!’
‘વો તેરે બારે મેં, તારી મોમના બારામાં વાત કરતા. હમ હૈ.. મેં બેઠા હું. કિસીભી મદદકી જરૂર હો તો હબીબને કહેજે. મારો ફોન નંબર એની પાસે લઈ લે જે અને જ્યારે પણ જરૂર હોય ફોન કરજે.’
‘થેન્ક યૂ!’
‘મેં તારા બારામાં હબીબને વાત કરી છે. કાયદા બદલાય ગયા છે. તારા પપ્પા જો હોત તો કોઈ વાંધો ન હતો. પણ હવે…બટ આઈ વીલ ટ્રાય…! હબીબ વાત કરશે તને. વી વીલ ટ્રાય અવર બેસ્ટ ફોર યૂ!’
‘થેન્ક યૂ!’
‘તારા પપ્પાનો હિસાબ પણ કરવાનો છે હજુ. મેં હબીબને તમને પચાસ હજાર રૂપિયા આપવા કહ્યું છે. એ ઈશ્વરભાઈના જ છે. હિસાબ કરી હું બીજા મોકલાવીશ. પરવદિગાર પર. ખુદા પર વિશ્વાસ રાખજે. ભગવાન છે. કંઈ પણ કામ હોય તો મને ફોન કરતા અચકાતો નહીં.’
‘ઓ કે!’ જીગ્નેશને ઇસ્માઇલભાઈ સાથે વાત કરતા સારું લાગ્યુઃ કેટલા ભલા માણસ છે!! વિચારી એણે ફોન હબીબને આપ્યો.
‘જી ભાઈજાન… જી…ખુદા હાફીઝ.’ કહી હબીબે ફોન ડિસકનેક્ટ કર્યો, ‘વીધી પતે પછી મને મળજે. કંઈક વિચાર કરીશું તારું થાય તો…!’ એનો બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે અને જાણ કરતો રહેજે. કાર્ડની પાછળ કેનેડાનો નંબર પણ લખેલ છે!’ કહી એ કારમાં ગોઠવાયો.
‘ઓ કે…!’ જીગ્નેશે કાર્ડ એના ગજવામાં મુકતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યૂ વેરી મચ.’
જીગ્નેશ ઘરમાં આવ્યો. અંદર બેઠેલ એના સગાવ્હાલા, કાકા, મામા વગેરે એના તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.
‘દેશ પરદેશ ટ્રાવેલ્સના માલિક હતા. હબીબ. એને જ મળવા અને અમારા પેપર આપવા પપ્પા ગયા હતા. એણ કેનેડા પપ્પા જ્યાં કામ કરતા ત્યાં પણ જાણ કરી દીધી તો ત્યાંથી એમણે પૈસા મોકલાવ્યા છે!’ પૈસાનું પેકેટ એણે કબાટમાં મુકતા કહ્યું.
‘કેવું પડે…!’ જીગ્નેશના મોટા કાકાએ કહ્યું, ‘આનું નામ તે માણસ…બાકી આજે તો આવું કંઈ થાય તો પૈસા ગયા જ સમજો.’ સહેજ અટકી એ બોલ્યા, ‘ઈશ્વરે હોન્ડા પર જવું જોઈતું ન હતું. એક તો એ ચાર વરસથી એ બહાર હતો. હવે લાયસન્સ પણ ન મળે. પોલીસ તો કંઈ કરવાની નથી. અને કરે તો પણ શું? એટલે ઈશ્વરને પાછો થોડો આવશે? મારો ઈશ્વર…’ કહી એમણે આંખોની ભીનાશ ધોતિયાથી સાફ કરી નાક ધોતિયામાં જ સાફ કરી કહ્યું, ‘જીગા… તારુ થાય તો તું ઊપડી જા!’
‘બરાબર મોટાબાપા, પણ પપ્પા હોત તો અલગ વાત હતી, ‘પપ્પાને તો પીઆર કાર્ડ પણ મળી ગયેલ. અને મારી અને મમ્મીની ફાઈલ મુકવા, એનાં કાગળિયા કરવા જ તો પપ્પા ગયા હતા સુરત…! હવે તો…!’ જીગ્નેશે માંડ એના રૂદન પર કાબુ રાખતા કહ્યું, ‘હવે અઘરૂં છે! અને કાયદા બદલાય ગયા છે.’
ખામોશી ફરી ગુંજવા લાગી. કોઈને સમજ પડતી ન હતી.
આમ થોડા દિવસો પસાર થયા. સારણ તારણની વીધી પતી ગઈ એટલે સહુ પોતપોતના ઘરે જતા રહ્યા હતા. જીગ્નેશે એક વાર કેનેડા ફોન કરી જોયો. પણ ઇસ્માઇલભાઈનો સંપર્ક ન થયો. આમ પણ સમયના ફેર-બદલની એને ખાસ ગતાગમ ન હતી. એના ફોન નંબર કોલર આઈડીમાં નિહાળી થોડા દિવસ બાદ ઇસ્માઇલભાઇનો જ ફોન એના પર આવ્યો, ‘સોરી…તારો ફોન આવેલ પણ હું વેકેશન પર હતો. કૃઝમાં. અલાસ્કા ગયેલ. તો આજે જા આવ્યો અને સેલ પર તારો મીસકૉલ જોયો!’
‘તમે કહેલ ફોન કરજે તો…!’ જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું વાત કરવી?
‘હા.. સારું તેં ફોન કર્યો તો. ઇશ્વરભાઈનો હિસાબ આવી ગયો છે. હું બીજા લાખ રૂપિયા આપવા હબીબને કહીશ. તું હબીબ પાસે જઈને લઈ આવજે. એકાદ અઠવાડિયા પછી જજે. આ છેલ્લા છે. હિસાબ ચૂકતે. જે કંઈ હતું એમાં મેં પચાસ એડ કર્યા છે. ઉમેર્યા છે. મારા તરફથી. સમજ્યો?’
‘મારૂં કંઈ થાય કે નહીં?’ ખચકાતા ખચકાતા જીગ્નેશે વિનવણી કરતા કહ્યું, ‘પ્લીઝ.. કંઈક કરો મારું. હું બીએ પાસ થયેલ છું. મિકેનિકનું બધું જ કામકાજ કરતા આવડે મને…’
‘જો બેટા થાય તો કરીશું જ. મને શો વાંધો હોય? તું ધીરજ રાખજે. હબીબને મળતો રહેજે. એ જે કહે એ કરજે.’
‘ઓકે…!’
‘તારી મોમને મારા આદાબ, નમસ્તે કહેજે…!’
દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. સુરત જઈ જીગ્નેશ લાખ રૂપિયા લઈ આવ્યો. એ પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. જીગ્નેશ પાસે કોઈ કામકાજ હતું નહીં. દૂધ સિવાય બીજી કોઈ આવક હતી નહીં. અને એ આવકમાંથી તો ચણા મમરા પણ ન આવી શકે એટલી મોંઘવારી હતી. હવે શું કરવું સમજ પડતી ન હતી. જીવન આખે આખું બદલાય ગયું હતું. સપના જોતો હતો કેનેડાના એ સપના બધા વેરવિખેર થઈ ગયા હતા. એક આશાનાં તણખલે એ ટકી રહ્યો હતો. જેમ તેમ કરીને કેનેડા જવાય તો કંઈ થાય. પાંચ મહિના પછી એ સુરત જઈ ફરી મળ્યો હબીબને.
‘તમે કંઈક કરો !’ મારી પાસે પાસપોર્ટ પણ છે, ‘મિકેનિકનું બધુ જ કામકાજ આવડે છે મને.’
‘હું તારા વિશે જ વિચારતો હતો. આજે જ ઇસ્માઇલ ભાઈજાન સાથે વાત થઈ તારા વિશે!’
‘એમ?’ જીગ્નેશને ક્યાંક આશાનું કારણ દેખાયું, ‘શું વાત થઈ? કંઈ ચાન્સ…!’
‘છે… પણ એનો આધાર ત્યાંથી ગર્વનમેન્ટ પર છે. એમને ઈશ્વરભાઈનું ડેથ સર્ટિફિકેટ અને ઍક્સિડન્ટ રિપોર્ટ જોઈએ. ઓરિજીનલ. સરકારમાં રજૂ કરવા. પછી આગળ તારું શું કરવું એ વિચારી શકાય. પ્લાનિંગ કરાય.’
સુરતથી નીકળી એ સીધો સચિન પોલીસ સ્ટેશને ગયો. એ વિશે તો એ ભૂલી જ ગયો હતો. આમ પણ પપ્પા પાસે લાયસન્સ ન હતું એટલે એમાં કંઈ વરવાનું ન હતું એમ વિચારી એણે પોલીસ રિપોર્ટની, શોધખોળની અવગણના જ કરી હતી. વળી પોલીસ પૈસા ખાવા વિના કોઈ કામ કરવાની ન હતી. એની પાસે ખવડાવવાના વધારાના પૈસા ય ક્યાં હતા?! માંડ પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારે એને પાંચ મિનિટ ફાળવી. એણે વાત કરી અકસ્માતની.
‘જો જીગ્નેશ…!’ વિક્રમસિંહે ચાનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું, ‘મને યાદ છે. અમે બરાબરની તપાસ કરી છે. શોધ કરી. પણ કોઈ આગળ નથી આવ્યું. દેશમાં લાખેક હીટ એન્ડ રનના કેસો થાય છે. વળી મને યાદ છે કે તારા પપ્પા પાસે તો લિગલ ડ્રાઈવિંગ લાયસંસ પણ ન હતું. એમણ હેલમેટ પણ ન પહરેલ. કાયદો શું કહે? શું કરે? તું જ કહે…’
‘પણ સાહેબ મને ઍક્સિડન્ટ રિપોર્ટ તો મળવો જોઈએને?’
‘તું અરજી આપી દે… ફોર્મ ભરી દે પેલા પોલીસ ક્લર્ક પાસે.’
‘મળી તો જશે ને?’ ચિંતાતુર અવાજે જીગ્નેશે કહ્યું, ‘સાહેબ, એ મળે તો શાયદ મારે કેનેડા જવાનું થાય એમ છે. મારા પપ્પા કેનેડાથી આવેલ. અને ઍક્સિડન્ટ થયો તો…બધુ ખોરવાય ગયું. હવે જો ઍક્સિડન્ટ રિપોર્ટ મળે અને કેનેડાની સરકાર કંઈક વિચારે તો મારો પત્તો લાગે. પ્લીઝ. સાહેબ.. જે કંઈ ખર્ચો થાય, ઉપરનો એ આપવો પડે એવું હોય તો કહો…!’
‘તારે લાંચ આપવી છે મને…?’ ગુસ્સે થઈ વિક્રમસિંહે કહ્યું, ‘મને લાંચ આપવી છે??’
‘સાહેબ,’ થૂંક ગળી એ બોલ્યો, ‘સોરી પણ…’
‘મારો સમય ન બગાડ… મારે કંઈ તારો એક જ કેસ નથી. સમજ્યો? એક તો…’ આગળના શબ્દ ગળી જઈ વિક્રમસિંહે એક સુરતી સંભળાવી.
જીગ્નેશે પોલીસ ક્લર્કને અરજી આપીઃ ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ માટે.ત્રણ ચાર ધક્કા ખવડાવ્યા બાદ ત્રણ મહિના પછી જીગ્નેશના હાથમાં ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ આવ્યોઃ હીટ એન્ડ રન.
ખાસો સમય પસાર થઈ ગયો હતો. લગભગ વરસ કહોને? હવે તો જીગ્નેશ-શાંતાબેનને પૈસાની ભારે ખેંચ હતી. જીગ્નેશે છૂટક કામકાજ શરૂ કર્યું હતું. મિકેનીકનું. પણ કોઈ બાંધી આવક ન હતી. જમીન તો વેચી દીધેલ એટલે ખેતીની આવક પણ બંધ થઈ ગયેલ. જીગ્નેશે પોલીસ રિપોર્ટ અને ડેથ સર્ટિફીકેટ હબીબને સોંપ્યાને પણ પાંચ મહિના થઈ ગયા. પણ હબીબ કહેતો હતો કે કેસ ગુંચવાય ગયો છે વાર તો લાગશે. કેટલો સમય જશે એની કોઈ મર્યાદા ન હતી. એક નિરાશાની ગર્તામાં ગોથું ખાઈ રહ્યા હતા જીગ્નેશ અને શાંતાબેન. શાંતાબેનના રહ્યાસહ્યા ઘરેણાં પણ એક પછી એક વેચાતા રહ્યા. આશાનું કોઈ કિરણ દૂર દૂર ક્યાંય નજરે આવતું ન હતું.

**** **** **** ****

પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારનો આજનો દિવસ બહુ થકવનારો હતો. સચીન જીઆઈડીસીમાં ધમાલ થઈ હતી. એક કારખાનામાં મજૂરો વચ્ચે દંગલ ફાટી નીકળ્યું હતું. એક તો સ્ટાફ ઓછો હતો અને કારખાનાનો માલિક સુરતના એમપી પાટિલનો સગો થતો હતો એટલે પાટિલ તરફથી પણ દબાણ હતું. એઓ આખો દિવસ જીઆઈડીસી ખાતે રહ્યા ત્યારે પરિસ્થિતિ માંડ કાબૂ હેઠળ આવી. કેટલીક ધરપકડ કરવી પડી. મોડી સાંજે ઘરે આવી ગરમ શાવર લઈ એઓ પરવારી બાલ્કનીમાં ઈઝી ચેર પર ગોઠવાય ચા પીવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ એમનો સેલ ફોન વાયબ્રેટ થવા લાગ્યો. બ્લેકબેરીના સ્ક્રીન પર અજાણ્યો નંબર જોતા એ ફોન લેવો કે ન લેવો વિચાર કરી એમણે ગ્રીન બટન દબાવી કહ્યું, ‘હલો..પીઆઈ પરમાર!’
‘હલો…!’ સામેથી કોઈ પુરૂષે ઘેરો અવાજમાં કહ્યું, ‘સોરી ટૂ ડિસ્ટર્બ યૂ ઓફિસર. આઈ નીડ સમ ઇન્ફોર્મેશન… સમ કન્ફર્મેશન!’
‘હલો…’ ઈ. વિક્રમસિંહ પરમાર ગુંચવાયા, ‘કોન હૈ? હૂ આર યૂ?’
‘આઈ એમ પૌલ ડીસોઝા ફ્રોમ સન લાઈફ ઇન્શુઅરન્સ કેનેડા.’
‘હાઊ કેન આઈ હેલ્પ યૂ?’ ચાની ચૂસકી લેતા ઈ. વિક્રમસિંહે સહેજ અટકીને કહ્યું, ‘સર…?’
‘આઈ એમ કોલિંગ ફ્રોમ કેનેડા. ટોરન્ટો.’
વિક્રમસિંહ ગુંચવાયા, ‘ઓ…કે…’
‘આઈ ડૂ ઈન્વેસ્ટિગેશન ફોર ક્લેઈમ્સ ઓફ લાઈફ ઇન્શુઅરન્સ. ડૂ યૂ ફોલો મી?’
‘ય…સ!’ હજુ ય વિક્રમસિંહની ગૂંચ ઊકેલાય ન હતી, ‘ ય…સ…!’
‘ગૂડ…વેરી ગૂડ…સો…!’ સામેથી સહેજ હસીને પૌલે કહ્યું, ‘આઈ નીડ યોર હેલ્પ ફોર વન પુલિસ રિપોર્ટ ફોર હીટ એન્ડ રન કેઈસ ઓફ…પટેલ…પટેલ…આઈશ્વેરભાઇ…!’
હવે ચમકાવાનો વારો હતો ઈ. વિક્રમસિંહ પરમારનો! એમના હાથમાંથી ચાનો કપ છટકતા છટકતા રહી ગયો. ચા છલકાયને એમના કુર્તા પર પડી.
‘ઈશ્વરભાઈ પટેલ?’
‘યેસ…યેસ… આઈશ્વેરભાઇ હુ વોઝ બીન કિલ્ડ ઓન ટ્વેન્ટિ સેકન્ડ ઓક્ટોબર ઓફ લાસ્ટ યર ઇન રોડ ઍક્સિડન્ટ અરાઉન્ડ નાઈન ઈવિનંગ ટાઇમ સમવેર કોલ્ડ સાચીન…’
‘યેસ…યેસ…! સચિન. આઈ નો એબાઊટ ધેટ હીટ એન્ડ રન…આઈ એમ ઈનચાર્જ ઓફ સચિન!’
‘આઈ ગોટ ઇન્શુઅરન્સ ક્લેઈમ ફોર હીસ ડેથ…એન્ડ આઈ ગોટ રિપોર્ટ ઓફ સચિન પુલિસ એન્ડ આઈ ગોટ યોર સેલ ફોન નંબર ફ્રોમ યોર વેબસાઈટ!’
‘ઓહ…!’ હવે ઈ. વિક્રમસિંહની અંદરનો પોલીસ જાગૃત થઈ ગયો. જલ્દીથી એઓ અંદરના રૂમમાં બનાવેલ એમની ઓફીસમાં ગયા, ‘સર…મી. પૌલ, આઈ એમ એટ હોમ…હાઊસ…નોટ ઈન ઑફિસ.. નોટ ઓન પોલીસ સ્ટેશન. ગીવમી યોર કોન્ટેક્ટ ઇન્ફો. એન્ડ આઈ વીલ કોન્ટેક્ટ યૂ વિથ ઓલ ઇન્ફોરમેશન…!’
‘સ્યોર…’ પૌલે બધી માહિતી આપી એ વિક્રમસિંહે નોંધી લીધી, ફોન નંબર, ઈમેઇલ આઈડી, સરનામુ.
‘મે આઈ નો હૂ ક્લેઇમ્ડ ફોર ઈશ્વરભાઈ પટેલ એન્ડ ધ સમ ઓફ ઇન્શુઅરન્સ. ધ એમાઉન્ટ ઑફ ક્લેઈમ પ્લીઝ…!’
પૌલે એ માહિતી આપી અને ઈ. વિક્રમસિંહના હ્રદયના ધબકારા વધી ગયાઃ ઓહ માય ગોડ…!
-તો ક્યાંક બહુ મોટો કાંડ થઈ રહ્યો છે! વિક્રમસિંહ વિચારતા લાંબો સમય સુધી બાલ્કનીમાં જ બેસી રહ્યા. જ્યારે એમની પત્નીએ જમવા બોલાવ્યા ત્યારે જ એ ઘરમાં આવ્યા.

રાત આખી એઓ વિચારતા રહ્યા.
સવારે સચીન પોલીસ સ્ટેશન પર પહોંચી સહુથી પહેલાં એમણે ક્લર્ક પાસેથી ઈશ્વરભાઈની હીટ એન્ડ રનની બંધ કરી દીધેલ કેઇસ ફાઈલ મંગાવી. જીગ્નેશે પોલીસ રિપોર્ટ માટે અરજી કરેલ એમાં એનો સેલ ફોન નંબર હતો એ ડાયલ કર્યો, ‘જીગ્નેશ પટેલ…?’
‘હં…!’ જીગ્નેશ મોડો સુતો હોય હજુ પથારીમાં જ હતો.
‘સચીન પી. આઈ વિક્રમસિંહ બોલું છું.’
‘જી સાહેબ…!’ જીગ્નેશ પથારીમાંથી એકદમ ઊભો થઈ ગયો, ‘પત્તો લાગ્યો કંઈ…?’
‘પત્તો લાગશે…પણ બધું કામ પડતુ મૂકી જેમ બને એમ જલ્દી તું મને મળ. સચીન પોલીસ સ્ટેશન પર.’
‘જી સાહેબ…’ જીગ્નેશને સમજ પડતી ન હતી, ‘કેમ… સાહેબ?’
‘તુ મળ…સવાલ ન કર…’ કરડાકીથી વિક્રમસિંહે કહ્યું.
‘ઓકે…સાહેબ, નાહી ધોઈને કલાકમાં નીકળું છું. દશ વાગ્યા પહેલાં તો આવી જઈશ.’
‘ધેટ્સ ફાઈન…’
દશ વાગ્યા પહેલાં તો જીગ્નેશ સચીન આવી ગયો, ‘બોલો સાહેબ?’
‘આવ…’ ઈન્સપેક્ટર વિક્રમસિંહે એને આવકારતા કહ્યું, ‘થેન્ક્સ ફોર કમિંગ ઈન શોર્ટ નોટિસ!’ બેલ વગાડી જમાદારને બે સ્પેશ્યલ ચા માટે હુકમ કર્યો, ‘જો જીગ્નેશ. મને બધી જ માહિતી જોઈએ. ક્યારે તારા પપ્પા કેનેડા ગયા, કેવી રીતે ગયા, કોને ત્યાં રહ્યા, કેટલા પૈસા મોકલાવ્યા. ગૂજરી ગયા પછી તમને કેટલા પૈસા મળ્યા…એ ટૂ ઝેડ… સમજ્યો?’
‘પણ કેમ સાહેબ?’ જીગ્નેશ ગભરાયો, ‘કંઈક…’
‘એ તને હું પછી કહીશ. કંઈ પણ છુપાવીશ નહીં. નાની સરખી વાત પણ…’ એટલામાં ચા આવી ગઈ, ‘ચા તો પીએ છે ને? નાસ્તો-બાસ્તો કરવો છે?’
‘ના સાહેબ…પણ…’
‘તું પણની પંચાત મૂક અને શરૂ થઈ જા…’ ચાનો ગ્લાસ મોંએ માંડી ચૂસકી લીધા બાદ ઈ. વિક્રમસિંહે શરૂ કર્યું, ‘ઈશ્વરભાઈને કોણે કેનેડા બોલાવેલ?’
…અને જીગ્નેશે શરૂઆતથી તે અકસ્માત અને અકસ્માત બાદ મળેલ લાખ રૂપિયા અને હબીબને પોલીસ રિપોર્ટ આપ્યા સુધીની વાત કરી.
‘તો એમના ડેથ બાદ, ઍક્સિડન્ટ બાદ તમને દોઢ લાખ રૂપિયા મળેલ છે? બરાબર?’
‘જી સાહેબ!’
‘એ કોણે આપેલ..?’
‘દેશ પરદેશ ટ્રાવેલ્સ વાળા હબીબભાઈએ..!’ થૂંક ગળી જીગ્નેશ બોલ્યો, ‘પપ્પા દર વખતે, એટલે કે જ્યારે જીવતા હતા ત્યારે પણ એની મારફત જ પૈસા મોકલાવતા. એનો ફોન આવતો અને હું જઈને લઈ આવતો. ક્યારેક મહીને, ક્યારેક બે મહીને. પપ્પા ફોન કરતા અમને કે આટલા રૂપિયા મોકલાવ્યા છે તો સુરત જઈને લઈ આવજે અને હું જતો ને લઈ આવતો.’
‘તારું જવાનું શું થયું?’
‘વાત ચાલે છે.’ જીગ્નેશને હજુ ય સમજ પડતી ન હતી, ‘હબીબભાઈએ કહ્યું છે કે હમણાં સ્લો છે.’
‘તારી પાસે આ હબીબની ફોન નંબર છે? એનું સરનામું? સુરતમાં એની ઑફિસ ક્યાં આવેલ છે?…ને કેનેડાનો ફોન નંબર પણ આપી દે…’ પેપરમાં નોંધ કરતા કરતા ઈ. વિક્રમસિંહે કહ્યું.
એના પાકીટમાંથી જીગ્નેશે હબીબે આપેલ ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’નો બિઝનેસ કાર્ડ કાઢી ઇન્સ્પેક્ટરને આપતા કહ્યું, ‘પાછળ નંબર છે એ કેનેડાનો છે. સાહેબ, મને કંઈ કહેશો?’
‘થોડી રાહ જો.’ હસીને ઇન્સપેક્ટરે કહ્યું, ‘બધું જ કહીશ.પણ એ પહેલાં તારે કોઈને કહેવાનું નથી કે મેં તને બોલાવેલ અને તારી પાસેથી આ બધી માહિતી લીધેલ છે. કોઈને પણ…એમાં હબીબ પણ આવી જાય. સમજ્યો?’ નજરથી સવાલ કરતા આગળ કહ્યું, ‘હબીબનો ફોન આવે તો ઉપાડતો નહીં. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે તારા મોબાઈલ પર તો પણ જવાબ ન આપવાનો.’ સહેજ અટકીને કહ્યું, ‘તારે ઘરે લેન્ડ લાઈન છે?’
‘નથી…’
‘તારી મમ્મી પાસે મોબાઈલ ફોન છે…? જો હોય તો એના પર પણ કોઈ અજાણ્યો કે હબીબનો ફોન આવે તો ઉપાડવાનો નથી. સમજ્યો?’
‘મમ્મી પાસે મોબાઈલ નથી!’
‘ગૂડ…’ હસીને કહ્યું, ‘તારા પર કેનેડાથી ફોન આવે શાયદ, તો પણ જવાબ ન આપવાનો. તારો ફોન ટ્રેકિંગ પર મૂકી દઊં છું. તારા પર જે ફોન આવશે એ કે તું કોઈને પણ ફોન કરશે એ બધા રેકર્ડ થશે. સમજ્યો?’
‘પણ સાહેબ મેં શું કર્યું છે?’ જીગ્નેશ રડવા જેવો થઈ ગયો.
‘તેં કંઈ નથી કર્યું. પણ મારે, અમારે તારા ફોનને પણ રેકર્ડ કરવો જરૂરી છે. એટલે. સમજ્યો?’ ઊંડો શ્વાસ લઈ ઈ. વિક્રમસિંહે કહ્યું, ‘તારે ડરવાનું નથી. થોડા દિવસમાં બધું ક્લિયર થઈ જશે ત્યારે તને સમજાય જશે. સમજ્યો? પણ ફરી કહું છું. તું મને આજે મળ્યો અને જે વાત કરી એ તારે કોઈને પણ ન કહેવાની. તારી મમ્મીને પણ નહીં. તારી ગર્લફ્રેન્ડને પણ નહીં? સમજ્યો? ગર્લફ્રેન્ડ છે…?’
‘હતી…હવે નથી. બ્રેક અપ થઈ ગયું…’ નિરાશ જીગ્નેશ બોલ્યો.
‘તુ ઉપડ… મારો ફોન તારા પર આવેલ એ સેવ કરી લેજે. હું જ્યારે બોલાવું ત્યારે આવી જજે. સમજ્યો?’ વિક્રમસિંહને વારેવારે સમજ્યો બોલવાની આદત હતી.
જીગ્નેશના ગયા બાદ વિક્રમસિંહે જમાદારને બોલાવ્યો, ‘જો હું એક કેઈસની તપાસમાં બહાર જવાનો છું. સુરતમાં જ છું. પરંતુ કોઈનો ફોન આવે તો મારા માટે તો મારા મોબાઇલ પર રીંગ કરજે. પેલા એમપી પાટીલનો ફોન આવશે તો કહેજે કે સાહેબ આજે બીઝી છે. એનો ફોન આજે હું ઉપાડવાનો નથી. સમજ્યો?’
‘જી સાહેબ…’
ખુરશી પરથી એ ઊભા થયા. આજે એ ઘરેથી સિવિલ ડ્રેસમાં જ નીકળ્યા હતા. યુનિફોર્મ પહેર્યો ન હતો. પછી એકદમ યાદ આવી જતા એમણે સુરત હેડ ક્વાર્ટરના માહિતી વિભાગ પર ફોન જોડ્યો, ‘ઈન્સપેક્ટર વિક્રમસિંહ પરમાર બોલું છું.’
‘જય હિંદ…’
‘જય હિંદ…! મારે છેલ્લા ત્રણ વરસમાં હીટ એન્ડ રનનાં પેન્ડિગ કેસની ઈન્ફોર્મેશન જોઈએ છે. સુરત ડિવિઝનના બધા જ અનસૉલ્વ કેસ. પેપર કોપી.’
‘હું પ્રિન્ટ આઊટ કરી તમને મોકલાવી દઈશ.’
‘ના. હું જ રૂબરૂ આવીને લઈ જઈશ. બને તો કાલે સવારે!’
‘ઓકે સાહેબ. જય હિન્દ.’
બહાર આવી પોતાની મોટર સાયકલ રહેવા દઈ, રીક્ષા કરી એ સીધા નાનપુરા ખાતે ‘દેશ પરદેશ’ ટ્રાવેલ્સની ઓફિસ પર આવ્યા. રીક્ષા થોડે દૂર ઊભી રખાવી એને પૈસા આપી એ ચાલતા ‘દેશ પરદેશ’ ની ઓફિસના બહુમાળી પાસે આવ્યા. એમની કડક ચાલ બદલી નાંખી થોડી ખૂંધ બહાર કાઢી એ ‘દેશ પરદેશ’ની ઓફિસમાં દાખલ થયા.
‘આવો…!’ રિસેપ્શનિસ્ટ છોકરીએ એમને આવકાર્યા.
‘મારે બહારગામ અંગે…ફોરેન અંગે…’ ધીમા અવાજે ઇનસ્પેક્ટર વિક્રમસિંહે અવાજ બદલી કહ્યું.
‘બેસો…!’ રિસેપ્શનિસ્ટે ઇન્ટરકૉમ પર વાત કરી ઇનસ્પેક્ટરને કહ્યું, ‘અંદર જાઓ…!’
કાચનો દરવાજો ખોલી વિક્રમસિંહ અંદર એરકન્ડિશન્ડ ઓફિસમાં દાખલ થયા. કાચના વિશાળ ટેબલ પાછળ રિવોલ્વિંગ ખુરશીમાં હબીબ એના કાયમના સફેદ વસ્ત્રોમાં ગોઠવાયો હતો એણે આવકારતા કહ્યું, ‘આવો, બોલો…!’
‘મારે ફોરેન જવું છે. જો જવાય તો. મને મારા એક દોસ્તારે કહ્યું કે તમે ગોઠવી આપો છો.’
‘એમ…? કોણે…!’
‘છે એક એને તમે મોકલાવેલ લંડન. તો મારે પણ…! ગમે એમ કરીને. આ દેશમાં શું દાટ્યૂં છે?’
‘…તો પણ એમ કંઈ બહાર ન જવાય. એ માટે બ્લડ રિલેશન જોઈએ. ત્યાં કામ હોવું જોઈએ!’
‘કેનેડા…’ જરા અટકીને વિક્રમસિંહે કહ્યું, ‘આજકાલ કેનેડા તો એમને એમ પણ જવાય એવું પેપરમાં મેં ક્યાંક વાંચેલ…!’ વિક્રમસિંહ ઓફિસનું બરાબર અવલોકન કરતા હતા. ટેબલ પર બે સેલ ફોન પડ્યા હતા. બને લેટેસ્ટ આઈફોન ને લેન્ડ લાઈન પણ હતી એના પર સફેદ કોર્ડલેસ ફોન પણ પડ્યો હતો.
‘એ બરાબર…કેનેડાની લાઈન ચાલુ છે. પણ…’
‘…પણ બોલોને ખર્ચાની ફિકર ન કરો.’
કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરી હબીબે કહ્યું, ‘એક ઓપનિંગ થવાની છે. પણ હાલે એ વિશે કંઈ કહેવાય એમ નથી.’ એનો કાર્ડ આપતા કહ્યું, ‘એકાદ મહિના બાદ મને મળજો. અને બહાર સેક્રેટરીને તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર લખાવી જજો. અમે જો એ પહેલાં કંઈ થાય તો ફોન કરી બોલાવીશું.’
‘આ કાર્ડ પર તમારો મોબાઈલ નંબર નથી!’
‘ના..પણ લેન્ડ લાઈનનો તો છે ને? જો કામ આગળ વધશે તો હું મારો નંબર પણ આપીશ. અત્યારે તો…!’
બહાર આવી ઇ. વિક્રમસિંહે રિસેપ્શનિસસ્ટને એમનું નામ, એમના વતનનું સરનામું, અને એમનો અંગત ફોન નંબર લખાવ્યો.
-તો એ કોઈને એમ મોબાઈલ નંબર નથી આપતો. પણ એમની પાસ એક નંબર તો ઓલરેડી હતો જ. એમણે જીગ્નેશ પાસે લીધેલ. ત્યાંથી સીધા એ એરટેલની ઓફિસે ગયા. જીગ્નેશે જે નંબર આપેલ એ એરટેલનો હતો. એ નંબર પરથી હબીબની બધી માહિતી મળી. એના પરથી એના બીજા મોબાઈલની માહિતી પણ મેળવી. એ વોડાફોનનો નંબર હતો. બન્ને કંપની પાસે એમણે ઓગસ્ટ થી ડિસેમ્બર, ૨૦૧૩ની કોલ રેકર્ડની પ્રિન્ટ મેળવી લીધી. અને એ પહેલાંની પ્રિન્ટ સચિન પોલિસ સ્ટેશને ફેક્સ કરવા હુકમ કર્યો.

દિવસ આખો એ કામમાં પસાર થઈ ગયો.
બીજા દિવસે એમણે એમના ખાસ વિશ્વાસુ સબ ઇન્સ્પેક્ટર અનંત શર્માને બોલાવ્યા અને હબીબના બન્ને ફોનના કોલ રેકર્ડસના પ્રિન્ટ આઊટ આપતા કહ્યું, ‘શર્મા આ બન્ને લિસ્ટમાંથી જે નંબર પર મેક્સિમમ ડાયલ થયેલ હોય એની યાદી જોઈએ જેમ બને એમ જલ્દી. અને એ દરેક નંબરની ઇન્ફોર્મેશન, દરેક ઇન્ફોર્મેશન સાંજ સુધીમાં મારા ટેબલ જોઈએ.’ હસીને કહ્યું , ‘મોટો શિકાર કરવાનો છે.’
‘કોણ છે?’
‘છે એક લોમડી પણ વાઘનું ચામડું પહેરી ફરે છે…સફેદ વાઘ…’
બપોર સુધીમાં તો શર્મા અને અન્ય કોન્સ્ટેબલે યાદી બનાવી દીધી. એમાં સત્તર નંબર એવા હતા કે જેના પર વધારે વાત થયેલ હોય. ક્યા નંબર પર કેટલી વાર વાત થયેલ એ બધું ઍક્સલની સ્પ્રેડશિટ પર તારીખ પ્રમાણે ઉતારી શર્મા ઇ. વિક્રમસિંહની ચેમ્બરમાં દાખલ થયો.
એના પર નજર કરતા વિક્રમસિંહે કહ્યું, ‘ગૂડ વેરી ગૂડ…’
‘આમાં બે નંબર એના ફેમિલીના છે. એ બે નંબર પર તો રોજ લગભગ પચ્ચીસથી ત્રીસ વાર વાત થયેલ છે. એક એની વાઈફનો અને બીજો એની દિકરીનો.’
‘તો એ લિસ્ટમાંથી ડિલિટ કર!’ કંઈક વિચારીને કહ્યું, ‘અને એક નવી યાદી બનાવ. શોર્ટ. તારીખ ૧૮ થી ૨૬ ઑક્ટોબર સુધીની. એ દરેકની માહિતી કાઢ. અને એમાંથી જે નંબર પર વધારે વાત થયેલ હોય એના દરેક લોકેશન સાથે, અને તારીખ બાવીસ ઑક્ટોબરના ફૂલ રેકર્ડ વિથ લોકેશન. આજે ઘરે લેટ જવાનું થાય તો પણ. તારી વાઈફને ફોન કરીને કહી દે…! સમજ્યો?’
સાંજે સાત વાગે બે નંબર એવા મળી ગયા જેની ઇ. વિક્રમસિંહને જરૂર હતી. અને એનું લોકેશન સુરત નવસારી હાઈવે પર સચીનની નજીક હતું અને એના દ્વારા પર હબીબના વોડાફોનના મોબાઈલ પર ચાર વાર વાત થયેલ. તો અને એક વાર કેનેડા પણ વાત થયેલ. રાતે ૧૦.૧૦ વાગે. કેનેડાનો નંબર જે જીગ્નેશે આપેલ એ જ હતો.
‘યેસ…યેસ…!ધીસ ઇસ ધ મેન આઈ વોન્ટેડ…’ ઉત્તેજીત થતા વિક્રમસિંહે કહ્યું, ‘આ નંબરની પુરી કુંડળી જોઈએ મારે. અત્યારે જ…!’
‘યસ સર…’
થોડા સમય પછી શર્મા ફરી મળ્યો વિક્રમસિંહને, ‘સર.. આ નંબર ૯૭૧ ૮૭૨ ૬૦૫૩ દલપત દરબારનો છે. એના ભેંસના તબેલા છે. દૂધનો મુખ્ય ધંધો. સમરોલીમાં રહે છે. એડ્રેસ પાકુ છે…!’
‘દલપત દરબારને આપણા દરબારમાં હાજર કરવાનો સમય થઈ ગયો છે!’ ઘડિયાળમાં નજર કરી એમણે કહ્યું, ‘સમરોલી કોણ છે ડ્યૂટી પર? હમણાં…?’
‘પી આઈ દિવાન…’
‘ઓકે…! એક ટીમ તૈયાર કરો. હું કમિશ્નર સાહેબને વાત કરી એમને ઇન્ફોર્મ કરી દઊં છું!’ કહી એમણે કમિશ્નરને ફોન કરી વિગતથી વાકેફ કર્યા. ત્યારબાદ પી આઈ દિવાનને પણ ફોન કરી એમના માણસોની ટીમને પણ તૈયાર રહેવા કહ્યું, ‘એમ તો કોઈ વાંધો આવવાનો નથી. તો ય જસ્ટ સેફ્ટી. વેપન સાથે રેડ કરવાની છે. દલપત દરબાર માથાભારે છે ખરો. પણ અજાણ છે. એને એવું હશે કે પોલીસ એની સુધી પહોંચી શકવાની જ નથી અને મારે…આપણે એનો જ લાભ લેવાનો છે.’
‘નો પ્રોબ્લેમ વિક્રમસિંહ!’ સામેથી પીઆઇ દિવાને કહ્યું, ‘હું હમણાં જ મારા બે આદમીને આપે આપેલ સરનામા પર મોકલી ખાતરી કરી લઊં છું કે દરબાર એના ઘરે છે અને અગિયાર વાગે વી વીલ ગેટ હીમ.’
‘ધેટ્સ ફાઈન…’
અને સાડા અગિયાર વાગે તો દલપત દરબાર ઇ. વિક્રમસિંહની કસ્ટડીમાં હતો. એણે ખાસ વિરોધ ન કર્યો. પણ એના વૉરન્ટ માટે એ સતત આગ્રહ રાખતો રહ્યો, ‘વૉરન્ટ વગર તમે પકડી ન જ શકો…’
‘વૉરન્ટની તો…’ પી આઇ વિક્રમસિંહએ ફરસ પર બેઠેલ છ ફૂટ ઊંચા ગોરા મુછાળા દલપત દરબાર સામે ખુરશી ગોઠવી.
‘સાહેબ,’ દલપત ઊભા થતા બોલ્યો, ‘બહુ ભારે પડશે તમને. બહુ ભારે…!’
‘ભારે તો તને પડવાનું છે દલપત.’ ઊભા થઈ દલપતના બન્ને ખભા પર બન્ને હાથ રાખી એને ધક્કો મારી કહ્યું, ‘તારા આકાએ તારા ફટાકડા ફોડી નાંખ્યા છે દરબાર.’
‘મારા આકા…?’
‘જેના ઇશારે તું તારા ટેમ્પોની ટક્કર મારી બધાને રામ ધામ પહોંચાડતો હતો.’
‘શું વાત કરો છો?’ અંદરથી ડરતા તો ય મોં પર હિંમત બતાવતા દરબારે કહ્યું, ‘મારા કોઈ આકા કે કાકા નથી.’
એક સણસણતો તમાચો વિક્રમસિંહે દલપત દરબારને ઝીંકી દીધો.
‘બોલ કાળી ચઉદશને સચિન નજીક તેં ઈશ્વરભાઈ પટેલને ઊડાવી દીધેલને…??’
‘કોણ ઈશ્વરભાઈ…?’
બીજો સણસણતો તમાચો પડ્યો દલપતના ગાલ પર, ‘સીધી વાત કર. નહિંતર મને આંગળી વાંકી કરતા આવડે છે. શર્મા મારો દીવો લાવો.. આ દરબારની આરતી ઊતારવાની છે. એની પછવાડે આગ લગાડવાની છે. તો જ એના મોંમાંથી વાત નીકળશે.’
શર્માએ કસ્ટડીમાં આવી લાઠી વિક્રમસિંહને આપી. અને તરત જ વિક્રમસિંહે એક જોરદાર ફટકો દલપતની પીઠ પર માર્યો.
‘ઓહ…!’ ઊંહકારો ભણી થૂંકી દલપતે ગાળ બોલી.
…અને વિક્રમસિંહનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો.
‘બોલ…બોલ…’ ફટાફટ એમની લાઠી વરસતી રહી.
‘કહું છું…સાહેબ…ખમા કરો… ખમ્મા કરો…’ પીડાથી કરાંજતા દલપત દરબારે કહ્યું.
‘ચાલ ભસવા લાગ કૂત્તા…’
‘સાહેબ…! મેં જ એ કામ પતાવેલ.’
‘કેવી રીતે? ચાલ બોલ…’ દલપત સામે ફરી ખુરશી ગોઠવી વિક્રમસિંહ ગોઠવાયા, ‘જો જરા ય ખોટું બોલ્યો તો મારો દંડો બોલશે,’ કહી પીઠ પર ફરી એક ફટકો માર્યો, ‘પહેલેથી શરૂ કર!’
‘હબીબ સાથે સાત વરસથી કામ કરું છું!’
‘સા…ત…વરસ?’ આશ્ચર્યથી વિક્રમસિંહની આંખ પહોળી થઈ ગઈ, ‘તો કેટલાં કાંડ કરેલ છે? કેટલાંને ઊડાવેલ છે?’ એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
‘સાતને…!’
‘ઓહ…!’
ત્યારબાદ તો ઉભરાતી સોડા બાટલીની જેમ  આખી રાત દલપત દરબારના મ્હોંમાંથી વાત નીકળતી રહી. હબીબ ઘરાક નક્કી કરતો. જેવા ઘરાક એવા ભાવ. એ પ્રમાણે દલપત દરબારને પૈસા મળતા. લાખથી બે લાખ રૂપિયા. એની પાસે ચાર ટેમ્પો હતા. એનો ઉપયોગ એ અકસ્માત કરવામાં કરતો. એકમાં એના પર કેસ ચાલતો હતો.
‘તને એ ખબર છે હબીબ તને કેમ લોકોને ઊડાવવાનું કહેતો?’
‘…………..!’ દલપત મૌન.
એક સણસણતો તમાચો પડ્યો એના ગાલ પર.
‘હા..!’ દર્દથી કણસતા દલપત બોલ્યો, ‘હબીબને પૈસા મળતા હતા. કેવી રીતે એ મને જાણ નથી. પણ મને પૈસા મળી જતા અડધા પહેલાં અને અડધા અકસ્માત પછી. એટલે…!’
‘….એટલે તારે લોકોને આમ અમસ્તા જ ઊડાવી દેવાના?’ તિરસ્કારની હદ આવી જતા વિક્રમસિંહે લાઠીનો એક જોરદાર ફટકો દલપતની પીઠ પર લગાવ્યો.
‘સા…હે…બ! મારો નહીં. હવે એવું નહીં કરું…’
‘અરે! મારું ચાલે તો તારું અહીં જ એનકાઉન્ટર કરી નાંખુ.’ બીજો ફટકો લગાવી વિક્રમસિંહ ખુરશી પરથી ઊભા થયા, ‘પણ તારા આકા અને કાકાઓને અંદર કરવાના છે…! સાલાઓ ફ્રોડ…!’
વહેલી સવારે હબીબને એના ઘરેથી ચૂપચાપ ઊઠાવી લેવામાં આવ્યો. ઘણાં ધમપછાડા કર્યા હબીબે, પણ જેવો એને દલપત ભેગો કરવામાં આવ્યો એની હવા નીકળી ગઈ.
‘દેશ પરદેશ ટ્રાવેલ્સ? તારું નામ તો હબીબને બદલે શેતાન હોવું જોઈએ…સા…લા…’ આખી રાતનો ઉજાગરો હતો વિક્રમસિંહને, માથું ફાટ ફાટ થતું હતું, ‘ચાલ, તું એમ જ બોલવાનો છે કે તારા આ કૂતરાની માફક માર ખાઈ ખાઈને?’ એક-બે ફટકા તો ય ઇ. વિક્રમસિંહે લગાવી જ દીધા.
‘બો મારે છે…’ પીડાથી કરાંજતા દલપતે હબીબને કહ્યું, ‘આખી રાત માર ખાધો છે મેં!’
‘…હવે તારો વારો છે…’ કસ્ટડીની કોટડીમાં ફરસ પર બેઠેલ હબીબની એકદમ નજીક ખુરશી ગોઠવી ઈ. વિક્રમસિંહ બેઠા, ‘તારી ટ્રાવેલ્સનું નામ તો ‘દેશ પરદેશ’ને બદલે ‘લોક પરલોક’ હોવું જોઈતું હતું. ચાલ, બોલવા માંડ…શરૂઆતથી…!’
….અને હબીબે કહેવા માંડ્યું. કેનેડા, લંડન, યુએસ, કેન્યા, સાઊથ આફ્રિકામાં એના સંપર્ક હતા. અહીંથી એ ઘરાક નક્કી કરી ખાસા એવા પૈસા લઈ પરદેશ મોકલાવતો. ત્યાં એમને કાયદેસર કરવામાં આવતા. સારી રીતે રાખવામાં આવતા. એ દેશ મોકલાવતા એ પૈસાની લેવડ-દેવડ પણ હબીબ મારફત જ કરવામાં આવતી. એમનો વિશ્વાસ જીતી લેવાતો. એમની જાણ બહાર એમના જીવનનાં લાખો રૂપિયાના વીમા ઉતારાતા. એનાં નિયમિત પ્રિમયમ પણ ભરાતા.  ત્રણ ચાર વરસ પછી એમને એમના કુટુંબને મળવા જવા માટે દેશ મોકલાવાતા. ક્યારેક તો એની પણ ટિકીટ કઢાવી આપવામાં આવતી. અહીં આવે ત્યારે એને દલપત એમને ઊડાવી દેતો અને અકસ્માતનો રિપોર્ટ પરદેશ મોકલાવી વીમાનાં પૈસા મેળવી લેવાતા. મોટે ભાગે, વહેલાં મોડા વીમાના પૈસા પરદેશમાં મળી જતા. પણ ઇશ્વરભાઇના કેઈસમાં વીમાની રકમ હતી પાંચ મિલિયન ડોલર. અને એ કારણે પૌલને શંકા ગઈ. ઉપરાંત પૈસા ઇશ્વરભાઇના ફેમિલિને મળવાને બદલે ઇસ્માઇલને મળવાના હતા એટલ એ શંકા વધુ દૃઢ થતા એમણે ઇ. વિક્રમસિંહને ફોન કરી તપાસ કરતા ભાંડો ફૂટ્યો.
‘કેટલાં કેઈસમાં પૈસા મળ્યા છે વીમાના…અને કેટલાં રૂપિયા?’
‘…………..’ હબીબ મૌન પ્રશ્રાર્થ નજરે જોતો રહ્યો ઇ. વિક્રમસિંહ તરફ. અને વિક્રમસિંહે અચાનક એક ફટકો લગાવી દીધો એની પીઠ પર.
‘સોચતા હું…! સાબ…’
‘જલ્દી બોલ સા….’
‘ચારમેં મિલે…દો મે બાત ચલતી હૈ…!’
‘કેટલા મળ્યા છે ટૉટલ…?’
‘સાબ ઉસકી ગિનતી નહીં કી…’
‘ઓહ… તો ઉતને મિલે કે ગિનતીમેં ભી નહીં આતે…’ ગુસ્સાથી વિક્રમસિંહ ફાટ ફાટ થતા હતા. કોટડીમાંથી બહાર નીકળવા પહેલાં એમણે એમણે એમના બ્લેકબેરીથી હબીબના ફોટા પાડ્યા. દલપતના ફોટા પાડ્યા, ‘હવે તારા પરદેશી આકાઓનો વારો છે.’
‘અરે! કોઈ ચા લાવો…નાસ્તો મંગાવો…’ સુરતની આકાશમાં સૂરજ ધીરે ધીરે બહાર નીકળી રહ્યો હતો. ત્યારે કેનેડામાં અસ્ત થઈ રહ્યો હતો. વિક્રમસિંહે કેનેડા સન લાઈફ ઇન્શુઅરન્સના ફ્રોડ ઇન્વેસ્ટીગેશનના ઓફિસર પૌલ ડીસોઝાને ફોન લગાવ્યો, ‘ઈટ ઇસ મર્ડર…પ્લીસ ટેઈક હેલ્પ ઑફ યોર પોલિસ અને અરેસ્ટ ઇસ્માઇલ. આઈ એમ સેંડીગ પિક્ચર્સ ઓફ હીસ કોનમેન ઓફ ઇન્ડિયા. હું કિલ્ડ પિપલ ઓવર હીયર…!’
‘થેન્ક્સ ઓફિસર…! યુ આર ધ બેસ્ટ…એન્ડ વિ વિલ ડૂ રેસ્ટ…’ હસીને પૌલે ફોન ડિસકનેક્ટ કર્યો.
(સમાપ્ત)

સાભાર- સુરેશ કાક્લોતર

પ્રેમની પરખ

Standard

વાર્તા : પ્રેમની પરખ
ત્રણે જણાં નદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં ત્રણેએ એકબીજા સાથે કંઇ વાત ન કરી. ફક્ત ત્રણે જણા રાણી સાથે સ્વપના જોતા હતા. છેવટે નદી કિનારેથી થોડી દૂર આવેલી સૂમસામ જગ્યામાં પહોંચ્યા એટલે દેવાંગે, ”જય ભોલેનાથ” કહીને અડ્ડો જમાવ્યો.
દેવાંગ, નયન અને કુંજન ત્રણે ખાસ મિત્રો હતા. એક દિવસ રાણીને લીધે તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા.

હજી મોડી રાત્રે થઇ નહોતી એટલે રાણીનો બુઢ્ઢો બાપ તેને શોધવા નીકળે તેની શક્યતા ઓછી હતી. પણ રાણીની હાલત જોઇને એમ લાગતું હતું કે તે રાતભર આમ જ પડી રહેશે અને તેથી જ ત્રણેની હાલત કફોડી થઇ ગઇ હતી.
રાણી કરસન વાણિયાની દીકરી હતી. હજી એક વર્ષ પહેલા તો શેરીમાં છોકરાઓ સાથે ગિલ્લીદંડો અને પકડદાવ રમતી હતી. અરે, ઝાડ ઉપર ચડીને કાગડાના માળામાંથી તેના ઇંડા પણ લઇ આવતી. આ રાણી અચાનક થોડા દિવસથી શાંત થઇ ગઇ છે. તેનો પહેરવેશ પણ બદલાઇ ગયો છે અને હંમેશા બધા સાથે લડતી- ઝગડતી રાણી હવે સહુ સાથે નીચી નજર કરીને વાત કરે છે.
તેના આવા બદલાયેલા રૃપને લીધે તે ખૂબ સુંદર અને ગર્વિષ્ઠ લાગતી હતી. અને તેથી જ આ ત્રણે મિત્રો મનમાંને મનમાં તેા સ્વપના જોતા હતા. અને આ ત્રણે જાણતા હતા કે ટુંક સમયમાં જ તેના પિતા તેના વિવાહ નક્કી કરી નાંખશે.
તે દિવસે કુંજને આ પ્રસ્તાવ મૂક્યો, ”આજે આપણે થોડી મજા કરીએ. ચલો પૈસા કાઢો બધા. આપણી વચ્ચે એક બાટલી થઇ રહેશે.”
નયને કહ્યું, ”આઇડીયા સારો છે, ચલો.”
દેવાંગે પણ ઊભા થઇને ખિસ્સામાં હાથ નાખ્યો. પછી ત્રણેએ ભાગે પડતા પૈસા કાઢીને એક દારૃની બાટલી ખરીદી.
ત્યાં વળી કુંજને યાદ કરાવ્યું કે આની સાથે કંઇ ખાવાનું તો લેવું પડશે. સેવ-ગાંઠિયા કે પછી શીંગદાણા કંઇ પણ ચાલશે.
”તીખી સેવ હશે તો મજા આવશે.” દેવાંગના મોઢામાં બોલતા- બોલતા પાણી આવી ગયું.
કરસન વાણિયાની દુકાન નજીક જ હતી. એટલે ત્રણેએ ત્યાં જવાનું નક્કી કર્યું.
”હવે તો રાણી મોટી થઇ ગઇ છે એટલે આપણને ઓળખશે પણ નહિ.”
”તો એમાં તું રડે છે શું કામ.” નયન હસતા હસતા બોલ્યો.
આ પ્રમાણે વાત કરતા તેઓ રાણીની દુકાને પહોંચ્યા. દુકાનમાં નજર કરતા જ બધા સ્થિર થઇ ગયા.
દુકાનમાં રાણી એકલી જ બેઠી હતી. તેના પિતા ક્યાંય દેખાતા નહોતા.
”કેમ રાણી આજકાલ ઘરની બહાર પણ નીકળતી નથી. એકદમ ઘરકૂકડી બની ગઇ છે કે શું?”
રાણીના માંસલ ચહેરા ઉપર નીકળેલા ખીલ તેની સુંદરતા વધારતા હતા. આ મિત્રોની સામે જોઇને તે હસતા બોલી, ”શું જોઇએ છે? તીખી સેવ?”
”તને કેવી રીતે ખબર પડી ગઇ?”
”સાંજના સમયે દુકાને આવો તો કોઇને પણ ખબર પડે કેટલી જોઇએ?”
રાણીએ આમ કહી બાટલી તરફ પણ આડકતરો ઇશારો કરી દીધો. તેને ખબર હતી દેવાંગને બધા ક્યારેય છાંટોપાણી કરી લેતા હતા.
દેવાંગે કહ્યું, ”અમે કાંઇ દારૃડિયા નથી. આ તો ક્યારેક મજા કરવા થોડુ પીએ છીએ.”
”હવે સારું અને ખરાબ તો તમને જ ખબર પડે. હું શું જાણું?” અને પછી હસતા હસતા બોલી, ”શું ફરક પડે છે મને? કેટલી સેવ આપું?”
નયને કહ્યું, ”દે તને જેટલી ઇચ્છા હોય તેટલી તારા પિતા ક્યાંય દેખાતા નથી.”
”પિતાજી પૈસાની વસૂલી કરવા ગયા છે. હમણા આવતા જ હશે.”
”તારા માટે વર ગોતવા તો નથી ગયા ને?” કુંજને હસતા-હસતા પૂછ્યું.
”મારો વર હું પોતે જ ગોતી લઇશ. એ માટે પિતાજીને તકલીફ નહિ આપું.” રાણીએ મક્કમતાથી જવાબ આપ્યો.
”કેવો વર? મૂછવાળો, માથે પાઘડી પહેરતો હોય તેવો?” કુંજને ફરી મજાક કરી.
”બની શકે એવો જ હોય.” એમ કહેતા રાણીએ તીખી સેવનું એક પડીકું પકડાવતા કહ્યું, ”આ લો.”
”તને ખરાબ નથી લાગ્યું?” દેવાંગે પૂછ્યું.
”શેનું ખરાબ?”
”અમે તારી મજાક કરીએ છીએ?”
”તમે તો મારી ચિંતા કરો છો એટલે આમ કહો છો.” રાણીએ જવાબ આપ્યો.

તેની આ વાતથી ત્રણે દંગ થઇ ગયા.
ત્યાં તો રાણી ફરી બોલી, ”હવે જાવ. પિતાજીના આવવાનો સમય થઇ ગયો છે.”
ત્રણે જણાં નદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં ત્રણેએ એકબીજા સાથે કંઇ વાત ન કરી. ફક્ત ત્રણે જણા રાણી સાથે સ્વપના જોતા હતા. છેવટે નદી કિનારેથી થોડી દૂર આવેલી સૂમસામ જગ્યામાં પહોંચ્યા એટલે
દેવાંગે, ”જય ભોલેનાથ” કહીને અડ્ડો જમાવ્યો.
”કેટલી કાળી છે ને રાણી?” કુંજને કહ્યું.
”અરે કાળી હોય તો શું થયું? જોયું નહિ કેવી વાતો કરતી હતી અને વારંવાર તને જ ભાવ આપતી હતી.” દેવાંગે કહ્યું.
”તને કેવી રીતે ખબર પડી?” કુંજને પૂછ્યું.
”તારી બધી વાતોનો જવાબ કેવો પટાપટ આપતી હતી?”
ત્યાં તો કુંજને ત્રણ ગ્લાસ સામે મૂક્યા અને બાટલી ખોલી તેમાં દારૃ રેડયો. દેવાંગે તીખી સેવનું પડીકું ખોલ્યું.
ત્યાંથી થોડે દૂર થોડા વૃક્ષો હતા અને તેની આડશેથી થોડા તારા જોતા હતા. ટમટમ થતા તારા જોવાની પણ એક મજા હતી.
થોડી સેવ મોઢામાં મૂકતા નયને કહ્યું, ”એક દિવસ રાણીને પણ પીવરાવીએ તો મજા આવશે.”
”શું આ? તેને મૂર્ખ સમજો છો?”
”કેમ? તે નહિ પીવે?”
”આપણે પીએ છીએ એટલે શું બધા પીવે?” અને વળી તેની વાતથી ખબર નહોતી પડતી કે તેને આ પીવું નથી ગમતું.”
”તેણે એવું ક્યારે કીધું?”
નયને સિગરેટ કાઢી અને બોલ્યો, ”રાણી માટે આટલી વાત સારી નથી લાગતી. શું વારંવાર એનું જ રટણ કરવું?”
થોડીવાર શાંતિ થઇ ગઇ ત્યાં કુંજને કહ્યું, ”તું સાચુ કહે છે, વારંવાર રાણીની વાતો કરવી સારી નથી લાગતી.”
”તો બસ, હવે કોઇ તેનું નામ નહિ લે.” દેવાંગે ગ્લાસ ઉપાડીને કહ્યું.
”બરોબર છે.” અન્ય બંનેએ પણ તેના ગ્લાસ સાથે ગ્લાસ ટકરાવીને તેને ટેકો આપ્યો. તથા ગ્લાસ મોઢે માંડયો. ત્યારબાદ તેઓ આમતેમ જોવા લાગ્યા.
અચાનક પાંચ મિનિટ પછી તેઓ ચોંકી ગયા. કોઇને વિશ્વાસ નહોતો આવતો કે આવા અંધારામાં નદીને કિનારે રાણી આવીને ઊભી હતી.
કુંજનના ગ્લાસમાંથી દારૃ નીચે ઢોળાયો અને દેવાંગની જીભ ‘તું’ કહેતા લથડી ગઇ.
”આવી ગઇ. તમે શું કરો છો તે જોવા આવી.” એટલું કહેતા તે આગળ આવી અને તેમની બાજુમાં ઘાસ ઉપર બેસી ગઇ.
”કમાલ છે તારી! તને ડર ન લાગ્યો?”
”શેનો ડર?”
”તારા ઘરનાઓને ખબર છે?”
”ના, હું તો ખોટું બોલીને આવી છું.”
કુંજને વાતને વાળતાં કહ્યું, ”હવે આવી જ છે તો લે તીખી સેવ ખા.”
દેવાંગે કહ્યું, ”ફક્ત સેવ?” કુંજને તેને કટાક્ષપૂર્ણ રીતે જોયો.
રાણી હસતા બોલી, ”તમે જ ખાવ અને પીવો. હું જોઇશ કોને નશો ચઢે છે.”
”ધત્, આટલાથી કંઇ નશો ન ચઢે? અને અમે કંઇ નશો કરવા પીતા નથી.”
”તો પછી શું કામ પીવો છો?”
”મજા કરવા.”
”મજા? કેવી મજા?”
દેવાંગ હસ્યો, ”તને નહિ ખબર પડે જે પીવે તે જ જાણે. મજા ન આવે તો કોઇ પીવે શું કામ?”
રાણી પણ હસી, ”પહેલા મજા પછી નશો? તમે તો મજા કરવા જ આવ્યા છો?”
ત્રણે સ્તબ્ધ થઇ ગયા. કુંજને કહ્યું, ”નશામાં ચૂર કોઇને જોવાની તને મજા આવે છે?
”ફક્ત જોવાનું જ નહિ, મદહોશ બનવાનું પણ મને ગમે છે.” કહેતા રાણીએ કુંજનનો ગ્લાસ લીધો. ફટાકથી બધો દારૃ પી ગઇ.
રાણીના આ વર્તનથી તો ત્રણેનું લોહી થીજી ગયું. બેવકૂફોની જેમ તેઓ તેને જોઇ રહ્યા. ત્યાં તો દેવાંગ બોલ્યો, ”શાબાશ! લે થોડી વધારે લે.”
”છી! કેટલો ગંદો સ્વાદ છે. કેવી રીતે પીવો છો તમે?”
”લે થોડી સેવ ખા. મોઢાનો સ્વાદ સારો થશે.” દેવાંગે સેવ આપતા કહ્યું.

હવે રાણી ઘાસ પર પગ પહોળા કરીને બેઠી, ”આવું પીવાથી શું મજા આવે?”
”થોડી વધુ પી લે એટલે તને ખબર પડશે.” દેવાંગે પોતાનો ગ્લાસ લંબાવતા કહ્યું.
”ના, ના હવે નહિ?”
”આમ ન ચાલે કુંજનના ગ્લાસમાંથી પીધુ અને મારા નહિ?” રાણીની આંખો થોડી બળતી હતી. થોડા કૌશલ્યથી તેણે પોતાનો છેડો છાતી ઉપર ટકાવી રાખ્યો હતો.
રાણી બોલી, ”ઠીક છે પણ આ છેલ્લીવાર. હવે વધારે નહિ.”
દેવાંગના હાથમાંથી ગ્લાસ લેતા તે બોલી અને ઝડપથી તે ગટગટાવી ગઇ.
”તો પછી મારામાંથી કેમ નહિ?” નયને પોતાનો ગ્લાસ આપ્યો.
”અરે હું તો મજાક કરતી હતી. હું મજા કરવાને બદલે નશામાં ડુબી જઇશ.”
”ડરવાની જરૃર નથી. અમે તો છીએ. થોડી લઇ લે પછી નહિ કહીએ.”
રાણીએ હાથ લંબાવતા કહ્યું, ”લાવ.” અને એક શ્વાસે નયનનો ગ્લાસ પણ ખાલી કર્યો.
રાણી આમ ત્રણ ગ્લાસમાંથી પીશે તેની કોઇને કલ્પના પણ નહોતી.
”કેવું લાગે છે.” દેવાંગે પૂછ્યું.
રાણી હસી. તેની આંખો વિષધર સાપની જેમ હસતી હતી.
કુંજને પૂછ્યું, ”કંઇ થતું નથી ને? જો માથું ફરતું હશે તો હમણા થોડીવારમાં સારુ થઇ જશે.”
રાણીની છાતી ઉપરથી છેડો સરકી ગયો.
”શું થાય છે? કેમ કંઇ બોલતી નથી.”
રાણીએ કહ્યું, ”મને સુવું છે.”
”અહીં? ચક્કર આવે છે? બોલને શું લાગે છે?” અને રાણી ઘાસ ઉપર લાંબી થઇને સુઇ ગઇ.
”મરી ગયા? હવે શું કરશું?” ત્રણે એકબીજા સામે જોઇને બોલ્યા.
”હવે શું થશે એટલે આપણે થોડી એને બોલાવીને દારૃ પીવાનું કહ્યું હતું. તેણે પોતે જ ગ્લાસ ખેંચ્યો હતો.”

કુંજને વાંકા વળીને તેના મોઢા સામે જોયું.” તેનું મોઢું ખુલ્લુ છે અને આંખો બંધ છે તેને ખૂબ તકલીફ થતી હશે.” એમ કહીને તેણે તેના ગ્લાસ થપથપાવતા કહ્યું, ”રાણી, એ… રાણી.”
રાણી ચૂપ હતી.
”શું થયું? આ બેહોશ થઇ ગઇ છે?”
દેવાંગ અને નયન પણ વાંકા વળ્યા તેના માથે હાથ ફેરવ્યો એટલે દેવાંગ બોલ્યો, ”તેને પરસેવો થાય છે.”
”જોવા દે…” એમ કહી નયને પણ તેના માથા તથા ગાલ ઉપર હાથ ફેરવ્યો. ”રાણી બોલ તો ખરી કેવું લાગે છે?”
રાણીનું માથુ એક બાજુ નમેલું હતું. તેને સીધુ કરતા કુંજન બોલ્યો.” માથા ઉપર પાણી નાંખવું છે?”
”હા, નાંખીએ, ગાલ અને ગળા ઉપર પણ પાણી નાખીશું તો સારુ રહેશે.”
નદી સામે હતી. કુંજને કહ્યું, ”રૃમાલ ભીનો કરીને લાવીએ અને ગ્લાસમાં પણ થોડું પાણી લાવીએ.”
”તું તો હુકમ દેવા લાગ્યો. તું જ જા.” નયને કહ્યું.
”મારી પાસે રૃમાલ નથી. હોત તો હું જ જાત.”
ત્યાં સુધીમાં દેવાંગ તો નદી કિનારે પહોંચી ગયો હતો.
”ઠીક છે તારો રૃમાલ દે હું જ જાવ છું.” કુંજને કહ્યું.
”રહેવા દે હું જાવ છું.” કહેતો નયન ઊભો થયો.
”તેને મૂર્છા તો નહિ આવી હોય?”
”તેણે પોતે જ પીધી હતી.”
”મને તો એમ થાય છે કે તે હવે આંખ નહિ ખોલે તો…”
”ધત્ હવે! આટલું પીવાથી કોઇ મરે નહિ? અને આ કંઇ ઝેર થોડી હતું. ઝેર હોત તો આપણે પહેલા મરી જાત.”
”આપણી વાત અલગ છે.” એમ વાત કરતા બંને રૃમાલ ભીનો કરીને તથા પાણીનો ગ્લાસ લઇને આવ્યા.

દેવાંગ વાંકો વળીને તેના માથા પાસે બેઠો. ભીનો રૃમાલ રાણીના માથે, ગાલે તથા ગળે ફેરવ્યો.
કુંજને તેને હલાવતા કહ્યું, ”રાણી, એ રાણી? તને કોણે અહીંયા આવવાનું કહ્યું હતું?”
દેવાંગે તેનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો. નયન બોલ્યો, ”મોઢામાં પાણી રેડું?”
”રેડને?” કુંજને તેનું માથું હાથેથી ઉપાડીને ઊંચું કર્યું. નયને તેના હોઠ ઉપર ધીરે ધીરે પાણી રેડયું. પાણી પડતા જ રાણીે પડકુ ફેરવ્યું અને તેના મોઢામાંથી ”આહ!” શબ્દ નીકળ્યો.
ત્રણેએ ફરી એકબીજા સામે જોયું. પાણી રેડવાથી તેનું બ્લાઉઝ ભીનું થયું હતું તથા તેનો છેડો ઘાસ ઉપર પથરાઇ ગયો હતો. તેના બંને હાથ પણ વિચિત્ર રીતે ઘાસ ઉપર પડયા હતા.
કુંજન ઊભો થયો. ”કેટલા વાગ્યા હશે?” અત્યાર સુધીમાં તો મહોલ્લામાં ખબર પડી ગઇ હશે. આપણા નસીબ જ ખરાબ છે.”
કોઇની પાસે ગડિયાળ નહોતી. તથા જગ્યા પણ એટલી બધી સૂમસામ હતી કે સમયનો અંદાજ બાંધી શકાતો નહોતો.
દેવાંગે કહ્યું, ”ચલો આપણે ભાગી જઇએ.”
”ભાગી જવું સારુ કહેવાય?” નયને ડરના માર્યા પૂછ્યું.
”રાણીને શોધવા કોઇ તો આવશે જ. એટલે આપણે ભાગવું જ હિતાવહ રહેશે.”
ત્રણેએ ફરી એકબીજા સામે જોયું ત્યારબાદ આજુબાજુ જોયું. તે વિસ્તાર નિર્જન વગડો એકદમ ભયાવહ દેખાતો હતો.
”ચલો જતા રહીએ. ગ્લાસ અને બોટલ નદીમાં ફેંકી દઇશું.” એમ કહેતા કુંજને બોટલ લીધી. નયને ગ્લાસ લીધા. દેવાંગે ફરીવાર વાંકા વળીને રાણી તરફ જોયું.
અને ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. રાણી એક ઝાટકે ઊભીથઇ અને છેડો સરખો કરતા બોલી, ”શું હું અહીં એકલી રહીશ? હું પણ તમારી સાથે આવીશ.”
ત્રણેને એમ થયું કે રાણીનું ભૂત હતું કે શું? કુંજને માંડમાંડ કહ્યું, ”એટલે કે…”
”અરે મારે પણ ઘરે તો જવાનું હોયને…”
”તો આટલીવાર સુધી તું આમ ચૂપચાપ પડી હતી.”
રાણી હસી, ”તું જોતી હતી, તમને બધાને.”
”શું જોતી હતી?”
”જોતી હતી કે તમારામાંથી કોણ મને સૌથી વધુ પ્રેમ કરે છે.”
”એટલે?”
રાણી હવે ખડખડાટ હસી, ”હું તમને પારખતી હતી. પણ તમે કોઇ મને પ્રેમ કરતા નથી.” એટલું કહી સાડીનો છેડો હવામાં લહેરાવતી તે દોડી ગઇ અને ત્રણે દિગ્મૂઢ બનીને જોતા રહ્યા.

–  અજ્ઞાત

જિંદગી એક કહાની…

Standard

જિંદગી– એક કહાણી…
~ નટવર મહેતા 
 માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ ગઝલ ગુંજી રહી હતીઃ હર તરફ હર જગહ બેસુમાર આદમી…સુબહસે શામ તક બોજ ધોતા હુઆ અપની હી લાશકા ખુદ મજાર આદમી…
-વાહ.. માનસ મ્લાન હસ્યોઃ કેટલું સચ છેઃ અપની હી લાશકા ખુદ મજાર આદમી…
– આ બોજની ખોજ ખુદ તેં તો નથી કરીને??
હર વખત થતો સવાલ એના મને એને પૂછ્યો. એક વાર સાયકલ પર કૉલેજ જવાનો ય કેટલો આનંદ હતો. જલાલપોરથી નવસારી બી. પી. બારિયા સાયન્સ કૉલેજમાં જતા જતા રસ્તો ક્યાં કપાઈ જતો એ જાણ પણ ન થતી. અને આજે? આ ત્રીસ માઈલ કાપતા કાપતા કારમાં બેસીને ય હાંફી જવાય છે!
વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ ન થઈ. કારમાં બેઠા બેઠા જ રિમોટથી ગરાજનો ડોર ખોલી કાર ગરાજમાં પાર્ક કરી ગરાજમાંથી જ એ ઘરમાં ગયો. ચાર બેડરૂમનાં એના વિશાળ હાઉસે એને ખામોશીથી આવકાર્યો.
-ધરતીનો છેડો ઘર…! પણ ઘરનો છેડો ક્યાં છે?? એનાથી એક નજર લિવિંગ રૂમની દિવાલ પર લટકતી મધુની તસ્વીર પર નંખાઈ ગઈ. મધુ એની પત્ની. હવે તસ્વીર બનીને દિવાલને સજાવી રહી હતી. ખાલી ખાલી મકાનને ઘર બનાવી રહી હતી. ત્રણ વરસના સ્નેહલને અને માનસને એકલતાના એક દંડિયા મહેલમાં કેદ કરી મધુએ પ્રભુને પ્યારા થવાનું સ્વિકાર્યું હતું.
તારે જો વસવું જ હતું આમ તસવીરમાં,

શું કામ આવી હતી તું મારી તકદીરમાં?
– ઓહ! એક ભારખમ નિઃસાસો નંખાઈ ગયો માનસથી. ખોમોશી હર કમરામાં પઘડાતી હતી. એટલે નિઃસાસાનો પડઘો વધારે મોટો લાગ્યો.
સ્લાઈડિંગ ગ્લાસ ડોર ખસેડી એ બેક યાર્ડમાં ડેક પર આવ્યો. બેક યાર્ડમાં તપસ્યા કરી રહેલ ઑકના ઊંચા વૃક્ષે એને આવકાર્યો. એના વિશાળ થડ પર માનસે હાથ ફેરવ્યોઃ તારી અને મારી હાલત એક સરખી છે યાર! એ હસ્યો. ઑકના એ વૃક્ષે ભગવા પહેરવા માંડ્યા હતા. એક કેસરી પર્ણ ખર્યું અને માનસના પગ પાસે પડ્યું જાણ એ વૃક્ષમિત્રે એને જવાબ આપ્યો. એ પર્ણ એણે ઊંચક્યું. અનાયાસ એને એણે એના નાકે અડાડ્યું. જાણે એમાંથી કોઈ સુગંધ ન આવવાની હોય..!! વરસોથી એને તલાશ હતી એક સુવાસની…! કે જેને એ વરસો પહેલાં ક્યાંક છોડી આવ્યો હતો… પણ એ માદક સુવાસની તલાશે એનો પીછો છોડ્યો નહતો. મોગરાની એ મહેક!! સ્નેહાના ઘુંઘરાળા કાળા કેશમાં, રમતો ભમતો, લહેરાતો, મહેકતો મોગરાનો એ ગજરો…! એની મનમોહક મહેક…! અને એના જેવી જ મનમોહિની સ્નેહા.. સહેજ શ્યામલ, શર્મિલી, નાજુક, નમણી સ્નેહા….!!
-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!
-હવે સ્નેહાને આ રીતે યાદ કરવાથી કશું થવાનું ન હતું. પણ નફ્ફટ મન એમ માને તો ને??
-ભગવાને આ મન બનાવી મહાન કાર્ય કર્યું હતું! બસ કમબખ્ત એનો દરવાજો બનાવવાનું જ એ વીસરી ગયો હતો. વાહ રે પ્રભુ.. વાહ.. કેવી છે તારી માયા…!!
બેક યાર્ડમાં પથરાયેલ લીલાછમ ઘાસ પર એ ખૂલ્લા પગે એ ટહેલવા લાગ્યો. કુમળા ભીના ઘાસની કૂંપળનો સ્પર્શ એને ગમતો. આમ જ એ સ્નેહા સાથે હાથમાં હાથ પરોવી ખૂલ્લા પગે નવસારી કૃષિ કૉલેજ કૅમ્પસના બાગમાં વહેલી સવારે સવારે એ ટહેલતો…! આંગળીના ટેરવે ટેરવે એ રેશમી સ્પર્શ હજુ ય સળવળી રહ્યો હતો. સ્નેહાની સ્મૃતિ માનસનો પીછો છોડતી નહોતી કે પછી એ એનો પીછો છોડવા માંગતો નહતો.
પાનખરની શરૂઆતને કારને ખરી પડેલ થોડા રંગબેરંગી પર્ણો પવનને કારણે આમથી તેમ ઊડતા હતા. વાતાવરણમાં ખુશનુમા ઠંડી હતી. દૂર પશ્ચિમાકાશે સૂર્યનારાયણ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં કેસરવર્ણો રંગ છલકાય રહ્યો હતો.
– હવે આકાશને જીવન સાથે થોડો લગાવ થવા લાગ્યો હતો. લાખ લાખ અભાવની વચ્ચે આ લગાવને કારણે જીવવાનું મન થતું હતું. બાકી તો રૂખ હવાઓકા જીધરકા હૈ …ઉધરકે હમ હૈ…!!  ઊડતા પર્ણો નિહાળી એકલો એકલો એ ખડખડાટ હસી પડ્યો.
– યુએસ આવ્યા બાદ શરૂઆતના કેટલાંય વરસો સુધી એ જીવતો જ ક્યાં હતો? બસ શ્વાસ લેવાની અને છોડવાની એક પ્રતિક્ષિપ્ત ક્રિયા જ કરતો હતો ને? અને આટ આટલા વરસો બાદ આ જીવન ક્યાં રાસ આવ્યું હતું હજુ ય એ ને? એક પંક્તિ એને યાદ આવી ગઈ,
ફૂંક્યા કરું છું હું રોજ થોડો થોડો પ્રાણ મારી લાશમાં;

ખભે નાંખી રોજ નીકળી પડું છું ખુદ મારી તલાશમાં.
-ક્યારે પુર્ણ થશે આ તલાશ?
માનસે બે-ત્રણ વાર ગરદન હલાવી, આવતા વિચારો જાણે ખંખેરી નાંખવા માંગતો ન હોય!
અંદર આવી રેફ્રિજરેટરમાંથી બિયરના થોડાં કેન એણે લીધાં અને સ્ટોરેજમાંથી બીજા થોડા કેન લાવી ફ્રિજરમાં ઠંડા કરવા મૂક્યા.  કેન લઈ એ ફરી ડેક પર આવી એ હીંચકા પર ગોઠવાયો. સાઈડ ડેસ્ક પર  કેન મૂકી હીંચકાને એક ઠેસ મારી બિયરનું એક કેન ખોલી એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. કડવા બિયરની ઠંડક ગળેથી ધીમે ધીમે નીચે ઉતરતી મહેસૂસ કરી.
હીંચકો ધીરે ધીરે ઝૂલતો રહ્યો. મનના હીંચકાને પણ જાણે હીંચ લાગી, માનસ પહોંચી ગયો બી. પી. બારિયાની એ કેમેસ્ટ્રિની લૅબમાં. ડેમોન્સ્ટ્રેટર પંડ્યાસર ગેસ કોમેટોગ્રાફી વિશે કંઈક સમજાવી રહ્યા હતા. જૂદી જૂદી વેવલેન્થ વિશે એઓ સમજ આપી રહ્યા હતા. આજે એઓ લૅબમાં સ્પ્રેક્ટોફોટોમીટરનો ઉપયોગ કરવાના હતા. માનસની લૅબ પાર્ટનર હતી સ્નેહા પરીખ જે ધ્યાનમગ્ન થઈ પંડ્યાસરને સાંભળી રહી હતી અને માનસ એવાં જ એક ધ્યાનથી સ્નેહાને એકધારૂં જોઈ રહ્યો હતો. અચાનક સ્નેહાની નજર માનસ પર પડતા માનસની ચોરી પકડાઈ ગઈ.
કેમેસ્ટ્રી ભણતા ભણતા, પ્રયોગ કરતા કરતા બન્નેના હ્રદયની વેવલેન્થ મળી ગઈ હતી. બન્ને એકબીજાને પસંદ કરતા થઈ ગયા હતા. કૉલેજ જવાની વધારે મજા આવવા લાગી હતી. અભ્યાસમાં પણ રસ પડવા લાગ્યો હતો. ધીરે ધીરે બે યુવાન હૈયા નજદીક આવવા લાગ્યા હતા. ક્યારેક દાંડીના રમણિય દરિયા કિનારે ડૂબતા સૂરજની શાખે તો ક્યારેક ધીર ગંભિર વહેતી પૂર્ણાના જળની સાક્ષીએ ભવોભવ એક થવાના વણલખ્યા કરાર થઈ ગયા. વંસત ટૉકિઝમાં હાથમાં હાથ પરોવી પ્રેમકથા જોતા જોતા એ બે યુવાન હૈયા ભવિષ્યના સુહાના સપનાં સજાવતા. બન્ને સમજુ હતા. એમના પ્રેમમાં પવિત્રતા હતી, પાવકતા હતી. ક્યાંય વિકાર ન હતો. દિલ મળ્યા હતા બન્નેનો. મનમેળાપ થઈ ગયો હતો. બન્ને એ પણ જાણતા હતા કે અભ્યાસ એમનું મુખ્ય લક્ષ્ય હતું.  અને વધારે સારા માર્ક મેળવવા બન્ને વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા પણ થતી.
સ્નેહાના પિતા એક સહકારી બેંકમાં જુનિયર ક્લર્ક હતા. સ્નેહા એમની એકની એક પુત્રી હતી. જ્યારે માનસ એના મોટાભાઈ સાથે રહેતો હતો. મોટાભાઈ નામાના ચોપડા લખતા હતા. કેટલાય વેપારીઓને ત્યાં એઓ ચોપડા લખવા જતા. માનસ માટે એના મોટાભાઈ જ સર્વસ્વ હતા. એ પાંચ વરસનો હતો ત્યારે એક અકસ્માતમાં પિતાને ગુમાવી બેઠો હતો. મોટાભાઈએ એને સંતાનની માફક ઉછેર્યો હતો. બન્ને વચ્ચે ઉમ્મરમાં પણ લગભગ આઠ વરસનો તફાવત હતો. એના ભાભીએ પણ એને અસીમ પ્રેમ આપ્યો હતો. મોટાભાઈ એને કહેતા, ‘જો માનસ, હું તો ભણી ન શક્યો. પણ તારે બરાબર ભણવાનું છે. જેટલું ભણાય એટલું. બાપુજીની ઈચ્છા હતી કે હું પણ ભણું પણ સંજોગોએ મને ભણવા ન દીધો. બા, બાપુજી આમ અચાનક આપણને છોડી જતા રહેશે એવી આપણને ક્યાં જાણ હતી? પ્રભુ એમના આત્માને શાંતિ આપે. પણ સાચી શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે તું ભણીગણી બરાબર કમાતો ધમાતો થાય. અને કુટુંબનું નામ રોશન કરે. ભલે મારે બે પેઢીના ચોપડાઓ વધારે લખવા પડે, ભલે તારી ભાભીએ થોડા ટિફિન વધારે બનાવવા પડે પણ તારૂં ભવિષ્ય સુધરવું જોઈએ. તારું ભાવિ સુધરે તો અમારી મહેનત પણ લેખે લાગશે. અને અમારે ઘરડે ઘડપણ તારો ટેકો રહેશે. તારા ભત્રીજા, ભત્રીજીને પણ સારું રહેશે. બસ, તું એક વાર ગ્રેજ્યુએટ થઈ જા. બને તો એમએસસી પણ કરજે. ખરૂં કહું છું ને હું?’ ભાભી તરફ નજર કરી એમણે પુછ્યું, ‘ શું કહે છે તું?’
‘હું શું કહેવાની? મારી ક્યાં ના છે….?? માનસને ભણીગણીને ઠેકાણે પાડવાનો છે. મારે દેરાણી પણ લાવવાની છે ને?
માનસને સ્નેહાની યાદ આવી જતી. એને થતું કે ભાઈ-ભાભીને વાત કરી દઉં સ્નેહાની. પણ એ વિચરતો એકવાર નોકરી મળી જાય! થોડા પૈસા જમા થાય. એટલે ભાઈ-ભાભીને વાત કરીશ. ભાઈ-ભાભી ક્યાં ના પાડવાના છે?
માનસ-સ્નેહા બીએસસી થઈ ગયા. માનસને અતુલ કેમિકલ્સમાં વલસાડ નજીક અતુલ ખાતે નોકરી મળી ગઈ. તો સ્નેહાએ બી એડનું આગળ ભણવાનું નક્કી કર્યું. હવે એમની મુલાકાતો ઓછી થતી. રોજ મળવાનું ન થતું. પણ એમ થવાથી એમના પ્યારમાં પરિપક્વતા આવી. ક્યારેક બન્ને ગાડીમાં સાથે થઈ જતા. સ્નેહા બિલીમોરા બીએડ કોલેજમાં અભ્યાસ કરતી એથી ક્યારેક સાથે પ્રવાસ કરવાનો લહાવો લેતા.આજે લોકલમાંથી નવસારી ખાતે બન્ને સાથે જ ઉતર્યા. મોગરાના બે ગજરા માનસે ખરીદ્યા. એક સ્નેહાને આપ્યો અને એક એણે ભાભી માટે રાખ્યો. સ્નેહાને સીટી બસ સ્ટેન્ડ સુધી સાથ આપી સાયકલ સ્ટેન્ડ પરથી માનસે પોતાની સાયકલ લીધી. સાયકલને પેડલ મારતા મારતા માનસ વિચારતો હતોઃ આજે તો ભાભીને આ ગજરો આપી ખુશ કરી દઈશ અને ત્યારબાદ મોકો જોઈને સ્નેહાની વાત કરી જ દઈશ. હવે તો નોકરીમાં પણ એ કાયમી થઈ ગયો હતો. તો સ્નેહા પણ થોડા જ સમયમાં શિક્ષિકા બની જનાર હતી. નોકરી કરતી દેરાણી ભાભીને ગમશે?
-કેમ ન ગમે? અને સ્નેહાને તો બધું ઘરકામ પણ આવડતુ હતું. રસોઈપાણીમાં પણ એ નિપુણ હતી.પછી ભાભીને શો વાંધો હોય? ભાભી જ કહેતા હતા કે આજે તો બે જણા કમાઈ તો જ દા’ડો વળે! અરે! ભાભી પણ ક્યાં ઓછી મહેનત કરતા હતા? સવારે પચાસ સાંઠ તો સાંજે પણ ત્રીસ પાંત્રીસ તો થઈ જ જતા. ભાભીના હાથમાં અન્નપુર્ણાનો વાસ હતો. વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ પણ ન થઈ.
ઘરે આંગણમાં સફેદ એમ્બેસેડર કાર ઉભી હતી. માનસને નવાઈ લાગીઃ અત્યારે કોણ આવ્યું હશે? એ પણ કાર લઈને!! ભાડેની કાર હતી. હળવેથી એ ઘરમાં દાખલ થયો.
‘આવી ગયો ?!!’ ભાઈએ એને આવકાર્યો, રોજ તો એ ઘરે આવે ત્યારે ભાઈ ઘરે ન આવેલ ન હોય અને જો આવેલ હોય તો પણ ચોપડા લખવા બેઠા હોય.
‘માનસ,’ ભાઈએ ઘરમાં બેઠેલ બે પ્રોઢ પુરુષો સાથે ઓળખાણ કરાવતા કહ્યું, ‘આ છે રાજુભાઈ. તારા ભાભીના દૂરના મામાના એ દીકરા થાય. એઓ અમેરિકાથી આવ્યા છે. અને આ છગનભાઈને તો તું ઓળખે જ છે ને…ધરમપુરવાળા…!’
‘ન્યુ જર્સી….’ ગંભીર અવાજે રાજુભાઈએ સુધાર્યું. માનસે વારા ફરતી બન્ને સાથે હાથ મેળવી હસ્તધૂનન કર્યું. એને સહેજ સંકોચ થતો હતો. વાળમાં હાથ ફેરવી એણે પોતાની બેચેની દૂર કરવાની કોશિષ કરતા ઓરડામા ગોઠવેલ બાંકડા પર એ બેઠો. એને ગુંગળામણ થતી હતી. રાજુભાઈની નજર એને વીંધી રહી હતી તો છગનભાઈ મરક મરક મરકી રહ્યા હતા.
‘અમારો માનસ બીએસસી થયો છે, કેમેસ્ટ્રિમાં ફર્સ્ટ ક્લાસ સાથે!’ મોટાભાઈએ ગૌરવપુર્વક કહ્યું, ‘અતુલ કેમિકલ્સમાં તરત જ નોકરી પણ મળી ગઈ. અને હવે તો એ કાયમી પણ થઈ ગયો છે.
‘અરે વાહ!’ છગનભાઈ હસીને બોલ્યા, ‘બહુ સારું કહેવાય!’
રાજુભાઈ કંઈ બોલાતા નહતા. અંદરના ઓરડામાંથી ભાભી તાસકમાં નાસ્તો, ચા, વગેરે લઈને આવ્યા. એમની સાથે એક યુવતી અને એક પ્રોઢ સ્ત્રી પણ હાથમાં પાણીના ગ્લાસ, સોસિયોની બોટલ લઈને આવ્યા. યુવતી સહેજ ભરાવદાર હતી એણે ઘેરવાળો ચૂડીદાર પહેર્યો હતો. એના પર નાંખેલ ઓઢણી વારે વારે સરકી જતી હતી. માનસને ખ્યાલ આવી ગયો કે એ યુવતી પરદેશી હતી. અને એને ચૂડીદાર પહેરવાની આદત નહતી.
‘આ મધુ છે.’ ભાભીએ ઓળખાણ કરાવતા કહ્યું, ‘રાજુભાઈની દીકરી. એ પણ ન્યૂ જરસીથી જ આવી છે.’
સ્ટ્રો વડે સોસિયોનો ઘૂંટ પીતા પીતા અટકીને મધુએ માનસ તરફ નિહાળી કહ્યું, ‘હા…ય…!!’
‘હા…આ….આ…ઈ…!’ સહેજ સંકોચાઈને માનસે એનો પ્રત્યુત્તર પાઠવ્યો.
‘આઈ લાઈક સોસિયો…!’ સહેજ હસીને બોટલ પર નામ વાંચી મધુ બોલી, ‘આઈ ડ્રિન્ક ફર્સ્ટ ટાઈમ. મધુ માનસને જોયા કરતી હતી અને ખોટું ખોટું હસતી હતી. માનસને મૂંઝવણ થતી હતી.
થોડો સમય બેસી, થોડી આમતેમની વાતો કરી રાજુભાઈ વગેરે ગયા. હાથપગ ધોઈ માનસ રસોડામાં ગયો. ભાભી રોજ કરતા આજે વધુ ખુશ ખુશાલ લાગતા હતા. એમણે આજે કંસાર બનાવ્યો હતો.
‘કેવી લાગી મધુ?!’ ભાભીએ થાળી પીરસતા પૂછ્યું.
‘સારી…! પણ…!!’ માનસને આગળ શું કહેવું એ સમજ ન પડી.
‘…સહેજ હબધી છે!’ ભાભીએ માનસની વાતનો દોર સાંધતા કહ્યું, ‘ પણ એમ તો ગમી જાય એવી છે. મારી દેરાણી બનવા એકદમ પેલું શું કહે છે એમ પરફેક્ટ…’
‘જો માનસ…!’ હાથ ધોઈ મોટાભાઈ પણ પાટલે ગોઠવાયા, ‘રાજુભાઈ તારા માટે વાત લઈને આવ્યા છે. એમની દીકરી મધુ માટે. સામેથી આવ્યા છે. અને આપણું જાણીતું ફેમિલી. ઘરના જેવા.’
‘પણ ભાઈ, મારે બહારગામ જવું નથી…’ માનસને ગળે કોળિયો અટકી ગયો, ‘મારે તો અહિં આપની સાથે રહેવું છે…’
‘અમારી સાથે જ રહેવું હોય તો અમેરિકા જઈને અમને ત્યાં બોલાવી લે જે….!’ ભાભીએ હસીને કહ્યું, અમે પણ તારી પાછળ પાછળ અમેરિકા આવીશું. પણ આવું ઘર અને આવી ફોરેન રિટર્ન છોકરી ક્યાં મળવાની?’
‘ભા…ભી…!’ માનસને થાળી પરથી ઊઠી જવાનું મન થઈ આવ્યું, ‘પ્લી…સ…! હમણાં મારે લગ્ન કરવા જ નથી.’
‘તો…!?’ ભાભી હસીને બોલ્યા, ‘ આખી જિંદગી કુંવારા રહેવું છે? હમણાં નહિં તો ક્યારે ધોળી ધજા ફરકી જાય પછી…??’
‘જો…ભાઈ મારા…!’ મોટા ભાઈએ સમજાવતા કહ્યું, ‘આખી જિંદગી કોઈ કુંવારા રહેતું નથી, રહી શકતું નથી. તું ભણેલ ગણેલ છે. તને તો ખબર છે જ કે કેટલી તકલીફો વેઠી તને ભણાવ્યો છે. આ તો સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. કપાળ ધોવાની જરૂર નથી.  અને આ દેશમાં શું દાટ્યું છે? તારી ભાભી પણ કેટલી મહેનત કરે છે? ચોપડા લખી લખી આંગળીઓમાં પણ આંટણ પડી ગયા છે. અને હવે તો ખૂંધ પણ નીકળી આવી છે. અતુલની નોકરીમાં તને મળે મળે ને કેટલાં મળે? પંદર હજાર…? બહુ બહુ તો વિસ હજાર…!? અને એમાં શું વળવાનું?? બસ, એક વાર તું અમેરિકા જાય. સારું કમાતો ધમાતો થાય તો મારી અને તારી ભાભીની મહેનત કંઈક ફળે. તારા સંજોગો ઊજળા થાય તો અમને ય બોલાવી શકે. તારા ભત્રીજા-ભત્રીજીનું પણ કંઈક વિચારે…! તને મેં દીકરાથી અલગ ગણ્યો જ નથી. ગણ્યો છે??’
‘ના મોટાભાઈ. કદી ય નહિં, પણ….’
‘હવે આ પણની પંચાત છોડ માનસ…!’ ભાભીએ થોડો કંસાર થાળીમાં પીરસતા કહ્યું, ‘હવે જો ના તેં ના કહી છે આ લગ્ન માટે તો…’ ભાભીની આંખો ભીની થઈ ગઈ.
‘પણ ભાભી…!’માનસની જબાને સ્નેહાનું નામ આવી ગયું પણ પાણીના ઘૂટડા સાથે એ ગળી ગયો. ભાભીની આંખોની ભીનાશ એને આગળ વાતો કરતા અટકાવી ગઈ.
‘આપણા કોઈ સગા-વ્હાલાં પરદેશમાં નથી, તું એક જશે. તો આપણાં પણ કંઈ દા’ડા સુધરશે. ભાઈ મારા…, પ્લિ..ઇ…ઇ…સ…! તું ના ન પાડતો. હાથ જોડી તને આ સબંધ માટે કહું છું.’ મોટાભાઈએ પણ ગળગળા થઈ જતા કહ્યું. ગાળિયો વિંટળાઈ રહ્યો હતો માનસના ગળાની ફરતે…! અને લાગણીના ગાળિયાના તંતુઓ સુંવાળા હોય છે પણ સાથે સાથે મજબૂત પણ હોય છે.
માનવે અત્યારે પણ એના ગળાની ફરતે હાથ વિંટાળ્યો.
-કાશ..! ત્યારે જ એનાથી ના કહેવાઈ હોત તો…?? કાશ…! એણે લાગણીઓના પ્રવાહમાં પોતાની જાતને વહેવા ન દીધી હોત તો…? કાશ…! એણે નેહાના પ્યારને ઠુકરાવ્યો ન હોત….!!કાશ એ જીવતો જ ન રહ્યો હોત…તો…!!
-કાશ…!! કાશ…!! કાશ…!!
એક પૂરા એવા આ જીવતરની થઈ જાય લાશ;

એ પહેલાં ઓળંગવા પડે છે એણે કેટકેટલાં કાશ!!
બિયરનું કેન ખોલી એક ઘૂંટ ગટગટાવતા માનસ મ્લાન હસ્યોઃ આ ઉદાસી એને કવિ બનાવી દેશે કે શું??
-સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!!
-ક્યાં હશે સ્નેહા…!! …? કેવી હશે? હું જેમ એને પળે પળ ઝખું છું એમ એ ય મને યાદ કરતી હશે? તડપતી હશે?
મધુ સાથે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. બધું બહુ જ ઝડપથી બની રહ્યું હતું. મધુ અને રાજુભાઈ પાસે સમય નહતો.એઓ ફક્ત બે સપ્તાહ માટે જ દેશ આવ્યા હતા. જાણે માનસના હાથમાં કંઈ જ નહતું. ભાઈ ભાભી બહુ ખુશ હતા. લગ્ન બાદ ત્રીજા જ દિવસે તો મધુ અમેરિકા ભેગી થઈ જવાની હતી.
-સ્નેહા સાથે ભવોભવ સાથ નિભાવવાના કોલનુ શું? માનસ મુંઝાઈ રહ્યો હતો. એક તરફ દેવતુલ્ય ભાઈ દેવી જેવા ભાભી તો બીજી તરફ એની જિંદગી હતી. અને જિંદગીને દગો દેવાનો હતો.
-ઓહ…! માનસને મરી જવાનું મન થતું હતું. પણ મરણ એ કોઈ ઊકેલ નહતો.
એ મળ્યો સ્નેહાને. લુણસીકૂઈ મેદાનની પાળ પર. દૂર આકાશમાં તારા ટમટમતા હતા. જાણે માનસના આંસૂ આકાશમાં ચમકી રહ્યા હતા…! અને થોડા આંસુ માનસે આંખોમાં સાચવી રાખ્યા હતા. શબ્દો થીજી ગયા હતા…! સ્નેહાની હથેળી માનસે એના બન્ને હાથોમાં પકડી રાખી હતી. જાણે એ છોડવા જ ન માંગતો ન હોય…!
માનસની બેચેની સ્નેહા સમજી ગઈ, ‘એવી તે વાત આજ શી ખાસ છે? સનમ મારા કેમ ઉદાસ ઉદાસ છે?’
આંસુ આંખની અટારીએ અટકાવી માનસ મ્લાન હસ્યો. દિલ પર પથ્થર રાખી ભીના અવાજે એણે મધુની વાત કરી. અમેરિકા જવા માટે ભાઈ-ભાભીનું દબાણ, એમનું ઋણ એમના ઉપકાર, ભાઈ-ભાભીની મહેનત…માનસ એના રૂદન પર કાબૂ રાખી ન શક્યો.
‘બસ…?’ આછો નિઃશ્વાસ નાંખી સ્નેહા બોલી, ‘આટલી અમસ્તી વાત અને એનો આટલો મોટ્ટો બોજ…!’
‘સ્નેહા…આ…આ…’ માનસે ડૂસકું ભરતા કહ્યું, ‘મને માફ કરજે…!’
‘માફી શા માટે માંગે છે માનસ? મારા માનુ…જાનુ…તેં ક્યાં કોઈ ગુન્હો કર્યો છે? તેં તો પ્યાર કર્યો છે. નિઃસ્વાર્થ પ્યાર. પવિત્ર પ્રેમ…. અને માનસ પ્રેમ એ મુક્તિ છે. પ્રેમ બંધિયાર નથી. પ્રેમ હથિયાર નથી. બંધન નથી. મુક્તિ તરફનો પ્રવાસ છે.’ ઊંડો શ્વાસ ભરી સ્નેહા બોલી , ‘જા માનસ…! હું તને મુક્ત કરું છું! મેં દિલથી પ્રેમથી કર્યો છે, મનથી ચાહ્યો છે તને ખુદાથી વધુ. તું મારા દિલમાં હંમેશ રહેશે, ધબકશે….વિચાર તો કર, દિલ મારું હશે ને એમાં ધબકારા તારા હશે. મુક્ત કરીને ય હું તને પાસે રાખી રહી છું. સદાયને માટે…તું સુખી થા એ જ મારો પ્યાર છે, પૂજા છે…આપણે દાગ દિલમાં નથી લગાવ્યો છે. આપણે દિલને પ્યારથી સજાવ્યું છે. શણગાર્યું છે. સંવાર્યું છે…બે દિલ અલગ છે તો એક ધબકાર છે, માનસ એનું જ નામ તો પ્યાર છે.’
‘સ્નેહા….!’
‘રિ…ઇ….ઇ…ઈ…ઈ…ક્ષા….આ…આ….!’ સાવ અચાનક એક રિક્ષાને ઊભી રખાવી સ્નેહા ઝડપથી એમાં બેસીને જતી રહી. કંઈ જ કરી ન શક્યો માનસ…કંઈ જ કહી ન શક્યો માનસ…!
બસ આ છેલ્લી મુલાકાત હતી માનસની અને સ્નેહાની.
માનસે એનો જમણો હાથ એના હ્રદય પર મુક્યોઃ સ્નેહાના ધબકારનો સુર એમાંથી દૂર તો નથી થયો ને? સ્થિર થયેલ હિંચકાને એણે એક ઠેસ મારી માનસે બિયરનું ત્રીજું કેન ખોલ્યું. એની આંખો એની જાણ બહાર જ છલકાય રહી હતી. ગાલો પર ગંગા જમના વહી રહી હતી.
દિલમાં છે દરદ અને આંખોમાં અખૂટ પાણી;

ઓ ખુદા કેવી લખી તેં આ જિંદગીની કહાણી?
ગાલને એણે પવિત્ર થવા દીધા. દિલ જો એમ હળવું થતું હોય તો ભલે…! આ આંસુ ય અદભુત પ્રવાહી છે. એ ક્યાં કદી એમને એમ વહે છે? સઘળા દુઃખ દરદને ક્યારેક તો એ ઓગાળીને જ રહે છે.
ભાગ્યચક્ર ફર્યું હતું. કઈ દિશામાં એ તો કોણ જાણે?
લગ્ન બાદ લગભગ છ મહિને માનસ ન્યુર્યોકના જે એફ કે એરપોર્ટ પર ઊતર્યો. સસરા રાજુભાઈ એના એક મિત્ર સાથે એને લેવા આવ્યા હતા. માનસની નજર એની પત્ની મધુને શોધતી હતી. રાજુભાઈ એના માતે જેકૅટ લઈને આવ્યા હતા. એ આપતા કહ્યું, ‘ઈટ ઈસ વેરી કૉલ્ડ…! બહુ ઠંડી છે. આ પહેરી લો.’
માનસને પુછવાનું મન થયુઃ મધુ ન આવી?? પણ એને સંકોચ થયો. ઘરે આવી ગયા બાદ પણ મધુ ક્યાંય નજરે ન આવી.
‘તમે આરામ કરો. મારે સબવે પર જવું પડશે. આઈ હેવ ટુ ગો…’ રાજુભાઈએ કારની ચાવી રમાડતા કહ્યું. માનસની સાસુએ એને પાણી આપ્યું. માનસને ઠંડી લાગતી હતી. એણે બે ઘૂંટ પીધા.
‘આવો…! અંદર…!’ વિશાળ ઘરમાં અંદર જતા સાસુએ એને દોર્યો, ‘આ તમારો રૂમ છે. અંદર જ બાથરૂમ પણ છે. આરામ કરો. ભૂખ લાગી હોય તો….’
‘ના….ના….! વિમાનમાં ખાવાનું આપેલ. મને ભૂખ નથી.’ પોતાની બન્ને બેગ એ વારાફરતી રૂમમાં લઈ આવ્યો.
‘………..ઓ…..કે…’ એની સાસુએ કંઈ ખાસ આગ્રહ ન કર્યો.
‘મધુ નથી?’ આખરે માનસે પૂછી જ નાખ્યું.
‘ઓ… મ…ધુ…ઊ…!’ સહેજ અચકાયને સાસુએ કહ્યું, ‘એની ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે એમાં ગઈ છે એ. ટુમોરો તો આવી જશે. એનું નક્કી જ હતું એટલે શી હેસ ટુ ગો…! એણે જવું પડ્યું…’
-તો વાત આમ હતી…!
બીજે દિવસે છેક સાંજે મધુ આવી હતી. તે પહેલાં ન તો એનો કોઈ ફોન આવ્યો ન કોઈ મૅસેજ…! એ આવી પણ એના ચહેરા પર મેરા પિયા ઘર આયાનો કોઈ આનંદ નહતો. ઉત્સાહ નહતો. સાવ કોરો ચહેરો…ભાવહિન !! મધુ માટે માનસ જાણે એક સાવ અજાણ્યો જણ હતો. એ રાતે બન્ને સાથે સુતા. હતા પતિ પત્ની. પણ પતિ પત્ની વચ્ચે થવા જેવો કોઈ વ્યવહાર ન થયો. માનસે પુરુષસહજ પહેલ કરી.
‘ગિવ મી સમ ટાઈમ…આઈ નીડ મોર ટાઈમ…!’ પડખું ફરી મધુ સૂઈ ગઈ.
-આમને આમ આખે આખી જિંદગી આપી દીધી મેં તો મધુ તને …!’ માનસે બિયરનું કેન ખાલી કર્યું.
દિવસે દિવસે માનસને મધુનો પરિચય થવા લાગ્યો. મધુના કુટુંબનો પરિચય થવા લાગ્યો. મધુએ એના માતા પિતાના દબાણવશ એમના ઈમોશનલ અત્યાચારને કારણે જ માનસ સાથે લગ્ન કર્યા હતા. આ મધુએ જ એને કહ્યું હતું. વળી મધુને કોઈ માનસિક તકલીફ પણ હતી. ક્યારેક એ બહુ ઉત્સાહથી વાતો કરતી. માનસને પ્રેમથી નવડાવી દેતી. તો ક્યારેક સાવ અજાણી બની જતી. ફાટે દોરે એને જોતી રહેતી. ક્યારેક દિવસોના દિવસો સુધી એક શબ્દ ન બોલતી. તો ક્યારેક બોલવાનું શરૂ કરતી તો બંધ જ ન કરતી. ક્યારેક એન શરીરને સ્પર્શ પણ ન કરવા દેતી તો ક્યારેક આક્રમક બની વારંવાર શારિરીક સુખ ભોગવવા માટે અત્યાગ્રહી બની માનસને પરેશાન કરતી. અને માનસ એમ કરવામાં અસફળ રહે તો માનસને મ્હેણાં ટોણાં મારી ઈમ્પોટન્ટ કહેતી… !
-મધુને માનસિક રોગ હતો. માનવને ધીરે ધીરે ખ્યાલ આવી ગયો કે એની પત્ની મધુ બાઈપૉલર હતી. કભી શોલા કભી શબનમ હતી. એને કાયમી દવા લેવી પડતી. અને એ દવા ન લે તો એના માનસનું સંતુલન ખોરવાય જતુ. એને દવા લેવાની જરા ય ગમતી ન હતી અને દવા લેવાને બદલે, ગોળી નિયમિત ગળવાને બદલે એ કોઈ ન જૂએ એમ ફેંકી દેતી. અભ્યાસ તો એણે અડધેથી જ છોડી દીધો હતો. મધુના જ ભાઈ મેક તરફથી માનસને જાણવા મળ્યું કે મધુ બે વાર રિહેબમાં, માનસિક રોગોપચાર માટે રહી આવી હતી. અને ત્યાંથી પણ એ ભાગી આવી હતી.
-ઓહ…! માનસનો પનારો એક માનસિક રોગી સાથે પડ્યો હતો. એના સસરાના ત્રણ સબવે સેન્ડવિચના સ્ટોર હતા. બે ગેસ સ્ટેશનો હતા. અને  સાસુ સસરા બહોળા બિઝનેસને કારણે એક સ્ટૉરથી બીજે સ્ટૉર નિશદિન દોડતા રહેતા. ઘરે લીલી છમ નોટોનાનો વરસાદ થતો હતો. પણ એ લિલોતરીએ એમના સંતાનોને સુકવી દીધા હતા. એઓ મધુ અને મેકના સંસ્કારસિંચનમાં થાપ ખાય ગયા હતા. મેક તો ક્યારેક અઠવાડિયે બે અઠવાડિયે એકાદ વાર ઘરે આવતો. એ ક્યાંક એની સ્પેનિશ ગર્લ ફ્રેન્ડ આથે રહેતો હતો. એ કૉલેજ કદી જતો ન હતો. એ શું કરતો એ કોઈને જાણ નહોતી. એના પિતાના બિઝનેસમાં એને કોઈ રસ નહતો.
રાજુભાઈનો ઈરાદો તો માનસને ય એમનાં બહોળા બિઝનેસમાં જોતરી દેવાનો જ હતો. પણ માનસ ન માન્યો. એના એક પ્રોફેસરના મિત્ર ન્યૂ જર્સી ખાતે ફાયઝર ફાર્માસ્યુટિકલલ્સમાં કામ કરતા હતા. એનો ફોન નંબર હતો. અને એમના પર પ્રોફેસરે ભલામણપત્ર પણ લખી આપેલ. એમને ફોન કરતા માનસને ફાયઝર ફાર્માસ્યુટિકલ્સમાં એનાલિટીકલ કેમિસ્ટની નોકરી મળી ગઈ. માનસે બહુ આગ્રહ કરતા સસરાએ માનસને બે રૂમ રસોડાનું એક હાઊસ ભાડે લઈ આપ્યું. અમેરિકા આવ્યા બાદ લગભગ છ મહિના બાદ મધુને લઈ એ અલગ રહેવા ગયો. કાર ડ્રાઇવિંગ શિખી માનસે એક નાનકડી કાર પણ લઈ લીધી. મધુની હાલત ક્યારેક એકદમ બગડી જતી. અવકાશમાં એ તાકતી રહેતી. સુનમુન બની જતી. માનસનું કોઈ જ સગુ-વ્હાલું અહીં નહોતું. એ મૂંઝાતો. ગુંગળાતો. પણ શું થાય? મધુને સમજાવતો. દવા લેવા માટે દબાણ કરતો. અને નિયમિત દવા આપવાનો પ્રયાસ કરતો. એના મા-બાપને કહેતો કે મદદ કરો. પણ એમને એમના બહોળા બિઝનેસને કારણે સમય નહતો. દવા નિયમિત લેતી ત્યારે મધુ એકદમ સામાન્ય યુવતી બની જતી. ત્યારે એ માનસને પ્રેમથી, સ્નેહથી તરબતર કરી દેતી. અરે! માનસને એ જોબ પર પણ જવા ન દેતી. અચાનક આવતા ઝાંપટાઓથી માનસ ભિંજાય જતો.
-અને એમ કરતાજ સ્નેહલનો જન્મ થયો. માનસે બહુ કાળજી રાખી હતી કે સંતાન જલ્દી ન થાય. પરતું, માતા બનાવાને કારણે કદાચ મધુની માનસિક હાલતમાં સુધારો થાય પણ ખરો. અને જ્યારે સ્નેહલ મધુના ગર્ભમાં વિકસી રહ્યો હતો ત્યારે મધુની માનસિક હાલતમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો.
-સ્નેહલ…! એનો એકનો એક પુત્ર! આજે તો યુએસમાં એક ખ્યાતનામ હાર્ટ સર્જ્યન થઈ ગયો હતો. સ્નેહલને જ કારણે જ એને જીવન જીવવા જેવું લાગતું હતું. સ્નેહલ આજે ઈન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સમાં એનું પેપર પ્રેઝન્ટ કરવા ડલાસ ગયો હતો. આવતી કાલે આવવાનો હતો. સ્નેહલ વિક એન્ડ મોટા ભાગે એના ડેડ સાથે જ પસાર કરતો.
સ્નેહલનો નાક નકશો માનસ જેવો જ હતો. એને મોટો કરવામાં, ઊછેરવામાં કેટ કેટલી તકલીફ પડી હતી માનસને! અરે! એક વાર તો બાથ આપતી વખતે મધુએ સ્નેહલને લગભગ ડૂબાડી જ દીધો હતો. એ તો સારું હતું કે દિવસે રવિવાર હતો અને માનસ ઘરે હતો. માનસ સીપીઆર જાણતો હતો એટલે એ સ્નેહલને બચાવી શક્યો હતો. ધીમે ધીમે મધુએ દવા લેવાની બંધ કરી દીધી હતી. માનસ એને ધમકાવી, સમજાવી પટાવી દવા ખવડાવતો. એના સાસુ સસરાને ફરિયાદ કરતો. પણ એમણે તો બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું હતું. એમણે તો હાથ ઊંચા કરી દીધા. મધુના રોગે જોરદાર ઊથલો માર્યો હતો. ક્યારેક તો એ આક્રમક બની જતી. માનસે પણ મધુના હાથના તમાચા ખાવા પડતા. અનિયંત્રિત બની જતી. સ્ક્રિક્ઝોફેનિક બની જતા મધુને રિહેબમાં ફરી દાખલ કરવી પડી. નાનકડા સ્નેહલને વહેલી સવારે ડે કેરમાં મૂકી આવતો. સાંજે ઘરે આવતા લઈ આવતો. રસોઈ કરતો. નોકરીમાં માનસની પ્રગતિ થઈ હતી. એને પ્રમોશન મળી ગયું  અને એ રૉ મટિરિયલ વિભાગનો ડાયરેક્ટર બની ગયો હતો. માનસને સ્નેહાની યાદ સતત સતાવતી. એને થતુઃ સ્નેહાને છોડવાની જ એ સજા ભોગવી રહ્યો હતો….!
ક્રિસમસની રજાઓ હતી. મધુને મળવા ગયો હતો માનસ સ્નેહલને રિહેબ ખાતે. મધુ હવે સામાન્ય લાગતી હતી. એને ય ઘરે આવવું હતું. સ્નેહલ પણ હવે તો ત્રણ વરસનો થઈ ગયો હતો. એણે ય મોમ સાથે રહેવું હતું. ડૉક્ટરને માનસ મળ્યો. તહેવારોની મોસમ હતી. જો સ્નેહા બરાબર નિયમિત દવા લે તો ડાક્ટરે એને ઘરે લઈ જવાની મંજૂરી આપી દીધી. અને મધુએ દવા લેવાનું પ્રોમિસ આપ્યું સ્નેહલના માથા પર હાથ મૂકીને.
ઘરે આવી મધુને બહુ સારું લાગ્યું. એની ગેરહાજરીમાં માનસે ઘર સાફ સુથરું રાખ્યું હતું. એના મધુએ વખાણ પણ કર્યા. સજાવેલ ક્રિસમસ ટ્રિની આસપાસ ગિફ્ટ પણ ગોઠવવામાં આવેલ હતી. એમાં સ્નેહલ માટે મોમ તરફથી ય ભેટ હતી એ જોઈને અને જાણીને મધુ રાજી રાજી થઈ ગઈ. સ્નેહલ તો મોમને છોડતો જ નહતો. માંડ એને એના રૂમમાં સુવડાવી મધુ માનસન પડખે ભરાઈ. ઘણા દિવસો બાદ એ માનસને વિટળાઈને સુતી. બન્ને ઉત્કટ શારિરિક સુખ ભોગવી નિંદ્રાધીન થયા.
-ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ….
વહેલી સવારે ફૉનની રિંગ વાગતા માનસ એકદમ ઝબકીને જાગી ગયો. એણે પડખે જોયું. મધુ નહોતીઃ જાગી પણ ગઈ…! વિચારી આંખો ચોળી એણે ફોન ઉપાડ્યો, ‘હ….લ્લો….!!’
‘…………………..!!’ માનસના હાથમાંથી કૉડલેસ ફોનનું રિસિવર પડી ગયું. સાવ અવાચક થઈ ગયો માનસ. સામે છેડે પોલિસ હતી. અમે એમણે જે માહિતિ આપી એ ચોંકાવનારી હતી. મધુએ માનસની કાર સાથે ઘરની નજીક આવેલ એક લેઈકમાં મોતની ડૂબકી લગાવી હતી. જ્યારે એ ઊંઘમાં હતો ત્યારે ચૂપકીદીથી મધુએ કાર ડ્રાઈવેમાંથી હંકારી મૂકી હતીઃ દુનિયાને આખરી અલવિદા કરવા…!
-ઓહ…! એણે તરત જ એના સસરાને ફોન કર્યો અને ઊંઘતા સ્નેહલને કાર સિટમાં નાંખી એ પોલિસે કહેલ જગ્યાએ ગયો. પોલિસે કાર ખેંચી નાંખી હતી અને મધુનો દેહ ઑટોપ્સી માટે મોકલી આપ્યો હતો. મધુ દગો દઈ ગઈ. માનસને એની જીવનસંગિની મધુ સાવ છેતરી ગઈ હતી….કાણી જીવન નૌકા સાથે પુરે પુરી વૈતરણી તરી ગઈ હતી!!
-શા માટે?? શા માટે?? મધુ કેટ કેટલી સાચવી હતી મેં તને? અને તેં છે…ક આવું કર્યું??!! માનસની આંખો બન્ને કાંઠે છલકાય ગઈ.
સાવ એકલો થઈ ગયો માનસ.
વિચાર કરી માનસે ભાઈભાભીને દેશથી બોલાવી દીધા. એઓ તો આવવું જ હતું. એમના આવવાથી સ્નેહલની ચિંતા સાવ ઓછી થઈ ગઈ. માનસના લગ્ન મધુ સાથે કરવા માટે એમને દબાણ કર્યું હતું. માનસને એમાં કોઈનો દોષ જણાતો નહતો. એની જિંદગીની કહાણી જ એમ લખાણી હતી. તો કોઈ શું કરે એમાં? ભાભી ઘર સંભાળતા. ભાઈને એક ભારતિયની મૉટેલ પર કામ મળી ગયું. એમના સંતાનોને સ્કૂલમાં ઍડમિશન અપાવી દીધું. સમય પસાર કરવા માનસે ફરી અભ્યાસ કરવા માંડ્યો. ફાયઝરમાં એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને એ રો મટિરિયલ ડિપાર્ટમેન્ટનો વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો. ન્યુ જર્સીની ઠંડી મોટાભાઈને માફક ન આવતા એમને હ્યુસ્ટન ખાતે નાનકડી મૉટેલ લઈ આપી. અને એમનું કુટુંબ એમાં વ્યસ્ત રહેતું અને બે પાંદડે થયું હતું. સ્નેહલ ભણવામાં હુંશિયાર હતો. સ્નેહલ અભ્યાસમાં તેજ તો હતો જ અને હાર્ટ સ્પેશ્યાલિસ્ટ બની ગયો હતો. મોટાભાઈ-ભાભીએ માનસને બીજા લગ્ન કરવા માટે બહુ સમજાવ્યો, દબાણ પણ કર્યું. પણ આગ સાથે બીજીવાર ખેલ ખેલવા તૈયાર ન હતો. એક વાર યુએસ આવ્યા બાદ ફરી કદી એ દેશ ગયો નહતો. એ કહેતો કે દેશના હવા પાણી સાથે અંજળપાણી પુરા થયા. અને જાય તો પણ કયા મ્હોંએ એ દેશ જાય….?? સ્નેહાને એ શું જવાબ આપે? સ્નેહાની યાદ માનસને સતાવતી રહેતી. આવતી રહેતી. સ્નેહાને એણે કદી અલગ જ કરી ક્યાં હતી. દિલમાં વસાવી હતી સ્નેહાને…! એકલો એકલો એ ક્યારેક સ્નેહા સાથે વાતો કરતો રહેતો. સ્નેહાને પ્રેમ પત્રો લખતો. ફાડી નાંખતો. કેટલાંય પ્રેમપત્રોનાં એણે બે મોટા મોટા ફોલ્ડર બનાવ્યા હતા. એ પ્રેમપત્રોમાં શબ્દેશબ્દ સ્નેહ નિતરતો હતો…! પવિત્ર પ્રેમ પ્રજવતો હતો. દિવ્ય પ્રેમ દેદીપ્યમાન થતો હતો. એ પત્રોમાં એની જિંદગીની કહાણીના એક એક પ્રકરણો સચવાયા હતા. સ્નેહા માટે સાડીઓ, ડ્રેસ લાવીને એ ક્લૉઝેટમાં લટકાવતો. કેટલાંય કિમતી ઘરેણા લાવ્યો હતો સ્નેહા માટે…! અરે…! ક્યારેક તો સ્નેહા વતી ખુદને પ્રેમપત્ર લખી પૉસ્ટ કરતો. એકવાર તો સ્નેહા વતી ખુદને લખ્યું હતુઃ
જાનુ! લોક તો રહી જતે બસ આપણી વાત કરીને,

શું મળ્યું સનમ? મને જિંદગીમાંથી બાકાત કરીને!
આંખો બંધ કરતા એને સ્નેહા દેખાતી. સપનાંમાં આવીને સતાવતી કે ક્યારેક સપનાંમાં એ સ્નેહાને સતાવતો. શતરંજની બાજીઓ મંડાતી. ક્યારેક એ હારતો તો ક્યારેક સ્નેહા જીતતી.
-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!!  આ છેલ્લું જ કેન ડાર્લિંગ…! સ્વગત્‍ બોલી માનસે બિયરનું ચોથું કેન ખોલ્યું અને ઘૂંટડો ભર્યોઃ તું તો જાણે છે ને વ્હાલી…! હું ક્યાં કદી પીઊં છું? બસ, આ વિક એન્ડ છે તો.. જસ્ટ ફોર રિલેક્ષ…! માનસને હલકો હલકો નશો થવા લાગ્યો હતો. હવે એ મોટે મોટેથી સ્નેહા સાથે વાત કરવા લાગ્યો હતો, ‘આજ સુધી હું ક્યાં મારા માટે જીવતો હતો? તું જ કહે…ટેલ મી… ટેલ મી…ટેલ મી…! પણ તું ક્યાં કંઈ કહે જ છે? જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે જ નથી કહેતી !! બસ તારા આ પરવાળા જેવા હોઠ સીવી દે…! ફોર..ગો…ડ સેઈક…!! પ્લિ…સ કંઈક તો બોલ…!’
‘અરે…ડેડ ?? કોની સાથે વાત કરો છો??’ સ્લાઇડિંગ ડૉર ખસેડી સ્નેહલ અચાનક ડેક પર આવ્યો. ચિંતાતુર અવાજે એ બોલ્યો, ‘ડે…ડ….!! તમે તો કપડાં પણ બરાબર નથી પહેર્યા. ઈટ ઈસ કૉલ્ડ…’ જલ્દીથી અંદરથી શાલ લઈ આવ્યો અને માનસના ખભા પર નાંખી.
‘તું…!? તું તો કાલે આવવાનો હતોને?’ માનસે શાલ બરાબર વિંટાળી. હવે એ વર્તમાનમાં આવી ગયો હતો. એને પણ ઠંડીનો અહેસાસ થયો, ‘સો…ઓ…ઓ…ડૉક…! હાઊ વોઝ યોર ઇન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સ…?’ મોટે ભાગે એ માનસ સ્નેહલને ડૉક કહીને જ સંબોધતો…!
‘ઈટ વોઝ ગ્રે…ઈ…ટ ડેડ…!’ બે ખુરશી સ્નેહલે હીંચકા સામે ગોઠવી, લાઈટ સળગાવતા ડેકની ચાર ખૂણે ગોઠવેલ દૂધિયા ગોળા પ્રકાશમાન થયા. માનસે ખાલી કરેલ બિયરના કેન એણે રિસાયકલના ગાર્બેજ કેનમાં નાંખ્યા, ‘ડેડ…વિ હેવ ગેસ્ટ…!’ અંદર જઈ એક યુવતીને દોરી એની સાથે એ ડેક પર આવ્યો. યુવતીએ નીચે વળીને માનસના ચરણસ્પર્શ કર્યા અને હળવેથી એ ખુરશી પર ગોઠવાઈ.
યુવતી પર માનસની નજર પડી. એ ચોંકી ગયો. એણે આંખો ચોળી…!!
‘મીટ ડૉક્ટર માનસી ફ્રોમ મુંબાઈ….!’
‘……………….!’ માનસ આવ અવાચક્‍.
‘નમસ્તે અંકલ…!’
‘ન..ન…ન…નમસ્તે…એ…’ માનસની જીભ લોચા વાલતી હતી. હ્રદયના ધબકારા વધી ગયા હતા…! ધક… ધક… ધક…! ધબકારા ખુદના કાનમાં સંભળાતા હતા. એ ટીકી ટીકી ડૉક્ટર માનસીને જ જોઈ રહ્યો હતો. એ જ ગોળ ચહેરો…એ જ નાનકડું નમણું નાક…. એ જ મારકણી કથ્થઈ આંખો… એ જ લાંબી ભ્રમરો…એ જ પરવાળા જેવા ગુલાબી હોઠ…! જાને સ્નેહા એના મનોપ્રદેશમાંથી બહાર આવી સામે ગોઠવાઈ ગઈ હતી. સાવ બેશરમ બની માનસ માનસીને જ જોઈ રહ્યો હતો.
‘ડૉક્ટર માનસી મુંબાઈ હિન્ડુજા હૉસ્પિટલમાં કાર્ડિયાક સર્જ્યન છે.’ સ્નેહલે ઓળખાણ આગળ વધારતા કહ્યું.
‘……………….!’ માનસ તો ચૂપ જ. એ વિચારતો હતોઃ છે તો એ જ…! સ્નેહા જ…! પણ અહીં કેવી રીતે? એ અહીં ક્યાંથી હોય…? મારો ભ્રમ છે…!
‘માનસી વોન્ટ ટુ સી ન્યુયોર્ક… સો અમે બન્ને આજે આવી ગયા….!’
‘વો…વો…ઓ…ટ ઇસ.. યોર મૉમ…..તારી મમ્મીનું નામ શું…??’ ધ્રૂજતા અવાજે માનસે પૂછી જ નાંખ્યું, ‘સ્નેહા તો નથીને?’
‘યસ…!!’ એકદમ ચમકીને માનસી બોલી, ‘ પણ તમે કેવી રીતે જાણો….? હાઊ ડુ યુ નૉ…??’
હીંચકા પરથી માનસ હળવેથી ઊભો થયો. એના રોમ રોમમાં કંપનો થઈ રહ્યા હતા. રૂંવે રૂંવે સંતુર વાગી રહ્યું હતું. એના ખભા પરથી શાલ સરકીને ડેકની ફરસ પર પડી. નીચા નમીને ખુરશી પર બેઠેલ માનસીના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને બાવડેથી માનસીને બળપૂર્વક ઊભી કરી એ માનસીને ભેટી પડ્યો. માનસીને સંકોચ થતો હતો. એને કંઈ સમજ પડતી નહતી. માનસની આંખોમાંથી ગંગા જમના વહેતી હતી. ધ્રૂજતા કદમે એ ફરી હીંચકા પર ધબ દઈને બેસી પડ્યો. ભીની ભીની આંખે મંદ મંદ હસતો માનસ કંઈક અજબ લાગતો હતો.
‘યુ આર માનસી…બિ…કૉ..ઝ… માય નેઈમ ઈસ માનસ…!’ ડૂંસકું લઈ હસીને માનસ બોલ્યો. સ્નેહલને કંઈ સમજ પડતી નહતી. એને ચિંતા થઈ આવી એના ડૅડની. એ માનસની બાજુમાં ગોઠવાયો અને ટીસ્યુ પેપર આપી પૂછ્યું, ‘ડેડ.. આર યુ ઓકે…?’
‘આઈ એમ ફાઈન…ડૉક…!’ માનસે નાક સાફ કરી કહ્યું, ‘સોરી… આઈ એમ વેરી સોરી… બટ આઈ કુલ્ડ નૉટ સ્ટોપ માઇસેલ્ફ…! હાઊ ઇસ સ્નેહા…??’ એની આંખોમાં છલોછલ પ્રેમ છલકાય રહ્યો હતો.. માનસી માટે…સ્નેહા માટે…!
‘મોમ મજામાં છે. ગઈ કાલે જ ફેઈસબુક પર એની સાથે વિડીયો ચાટ કરી હતી. હજુ માનસીને સંકોચ થઈ રહ્યો હતો, ‘બ….ટ….!’
માનસીને અટકાવી માનસ બોલ્યો, ‘તારે એ જ જાણવું છે ને કે હું કેવી રીતે તારી મોમને ઓળખું…! તો બેટા… ડિયર… એ એક લાં…બી કહાણી છે. પણ મને પહેલાં એ કહે કે તારા ડેડ… પપ્પા શું કરે છે…?કેમ છે…?’
‘……………….!’ હવે ચુપ રહેવાનો વારો હતો માનસીનો. સહેજ અટકીને ધીરેથી એ બોલી, ‘ મેં મારા પપ્પાને  ફોટામાં જ જોયા છે!’ ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘હું જ્યારે છ મહિનાની હતી ત્યારે જ સ્કૂટર એક્સિડન્ટમાં …’
‘ઓહ….! આઈ એમ વેરી સોરી ટુ હિયર…’ માનસ પણ ગમગીન થઈ ગયો, ‘ તો પછી સ્નેહાએ…??’
‘ના…મૉમ એકલીએ જ મને મોટી કરી. ઊછેરી. સહુએ બહુ સમજાવી હતી. ખાસ તો નાના-નાનીએ. અરે દાદા-દાદીએ પણ. બટ મોમે બીજીવાર લગ્ન કરવા માતે ના જ પાડી દીધી!’ સહેજ અટકીને થૂંક ગળી માનસી બોલી, ‘મોમ મને કહેતી રહે છે કે એને કોઈનો ઈંતેજાર છે… અને એ એની રાહ જોશે જિંદગીભર…!ભવોભવ…! પણ હવે મને લાગે છે કે…….’
‘…..કે એ.. ઈંતેજાર હવે પુરો થઈ ગયો…!’ હસીને માનસે વાતનું અનુસંધાન કરતા કહ્યું, ‘ડોક, માય સન…! બુક ટિકિટ રાઈટ નાઊ…ટુ મુંબાઈ…એની એરલાઈન…એની ક્લાસ…! મારી રાહ જોઈ રહી છે સ્નેહા…!!બહુ રાહ જોઈ છે એણે મારી….’
બીજે દિવસે જ્યારે ન્યુ જર્સીના નૂવાર્ક એરપોર્ટ પરથી કૉન્ટિનેંટલ એરલાઈનની ફ્લાઇટ સીઓ ૪૮ હવામાં તરતી થઈ ત્યારે માનસ-સ્નેહાની જિંદગીની કહાણીના નવા પ્રકરણનું પહેલું પાનું લખાઈ રહ્યું હતું…
(સમાપ્ત)

સાભાર – સુરેશ કાક્લોતર

“જાણ્યા અજાણ્યા”

Standard

જાણ્યાં-અજાણ્યાં
 – ડૉ. પ્રદીપ પંડ્યા
 હાડ ગડગડાવી નાખતી ઠંડીમાં પણ દાર્જીલિંગના ટાઈગર હિલના શિખર પર હાજરો વ્યક્તિઓની ભીડ હતી. નીચે ખુલ્લા મેદાનમાં, ટુરિઝમના બિલ્ડિંગના ભોંય મજલે, પ્રથમ મજલે હજારો યુવક-યુવતીઓ, સહેલાણીઓ, રાત્રિના સાડા ત્રણ વાગ્યાથી ઊભાં હતાં. મોટા ભાગનાના હાથમાં ગરમાગરમ કૉફીના મગ હતા અને તેના ગરમ પ્યાલાને સ્પર્શ કરીને ઠંડીને દૂર કરવાના યત્નો કરતાં હતાં. ટુરિઝમના બિલ્ડિંગમાં ત્રીજે માળે કૅબિન છે-બંધ છે, અહીં આરામખુરશીઓ છે અને ચારે તરફ કાચની બારીઓ છે. સુસવાટાભર્યા પવનો અને તેને સાથ આપતી ઠંડી અહીં આવીને પોરો લે છે અને પાછી વળી જાય છે. બીજાઓ એ ઠંડીથી ધ્રૂજી ઊઠે છે, પણ કોઈના ચહેરા પર આ ઠંડીની ચિંતા નથી. તેઓ આવી ઠંડી અને આવી પ્રતીક્ષાની તૈયારી કરીને આવ્યાં હોય છે. ચારે તરફ સ્ત્રી-પુરુષો ગરમ કોટ, મફલર, ગરમ શાલ, કાનટોપી, લેધર જૅકેટ, જીન્સના પૅન્ટથી સમગ્ર ભીડ સજ્જ હતી.
જે સહેલાણી દાર્જીલિંગ જાય તે સવારનો સૂર્યોદય જોવા ટાઈગર હિલ જાય જ. દાર્જીલિંગની તળ સપાટીથી લગભગ બારસો-પંદરસો ફૂટની ઊંચાઈ પર આવેલું આ સ્થળ વિશ્વમાં જાણીતું છે. લોકો કહે છે અને એ હકીકત પણ છે કે સૂર્યનારાયણનું પ્રથમ કિરણ જ્યારે કાંચનજંઘાના ઉન્નત શિખર પર પડે છે ત્યારે એક પ્રકારનો સ્વર્ગીય અનુભવ થાય છે. સૂર્યનું એ પ્રથમ કિરણ હિમાલયનાં ઉન્નત-ભવ્ય શિખરોને પ્રજ્વલિત કરે છે, પણ ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ માટે કોઈક નવી આશા, ઈચ્છા લઈને આવે છે. જો કે અત્યારે સાડા ત્રણ વાગે ઘોર અંધકાર હતો, સૂર્યોદય થવાને વાર હતી. બંધ કૅબિનમાં બેઠેલી વ્યક્તિ, જેઓ પચાસ રૂપિયાની ફી ભરીને ઉપર આવી હતી. તેમના હાથમાં ગરમ કૉફીના મગ હતા અને બાજુમાં બિસ્કિટ હતાં. દરેકના ખભા પર કૅમેરા, ડિજિટલ કૅમેરા અને વિડિયો કૅમેરા ઝૂલતા હતા. ઝાંખો પ્રકાશ અંદર અને ઘોર અંધકાર બહાર. દૂર દૂરથી દાર્જીલિંગ શહેરની કોઈ બત્તી ટમટમતી હતી.
કૅબિનની એક બારી પાસે નેહા ઊભી હતી અને બહારના કાળાં અંધારિયા સૌંદર્યને માણતી હતી. તે આ અંધકારને શ્વાસોમાં ઉતારતી હતી. તેણે સહેજ બારી ખોલી અને પવનની એક ઠંડી લહર અંદર ઘૂસી આવીને તેને થથરાવી ગઈ. બારી તરત જ બંધ કરી અને ફરીથી અંધકાર નિહાળવા લાગી.

‘આ અંધકાર પણ કેટલો સુંદર લાગે છે, નહીં ?’ પાછળથી એક ઊંડો, નાભિમાંથી આવતો હોય એવો કર્ણપ્રિય અવાજ નેહાને કાને અથડાયો. નેહાને થયું કે પાછળ અમિતાભ છે કે શું ? તે પાછળ ફરી. એક યુવક હતો. જીન્સનું પૅન્ટ, ફુલ લેન્થનું શર્ટ, મરુન રંગનું સ્વેટર અને ગળામાં મફલર હતું. ચહેરા પર સ્મિત હતું.

‘મને અંધકાર ગમે છે.’

‘તમે અહીં અંધકાર જોવા આવ્યા છો ?’

‘ના, અંધકારને માણવા અને એ કેવી રીતે અદશ્ય થાય છે એ જોવા માટે.’

‘કેમ ?’

‘જિંદગીમાં પણ અંધકાર આવી જ રીતે જાય છે ને ? મારું નામ નેહા છે.’

‘મારું નામ રુદ્ર. હું અંધકાર જોવા કે માણવા નથી આવ્યો, પણ બધાંની જેમ પ્રકાશનું એક કિરણ મારા ગજવામાં ભરીને લઈ જવા આવ્યો છું.’
નેહાને આ યુવક થોડો અલગ લાગ્યો. તેને આગળ વાત કરવાની ઈચ્છા થઈ.

‘કેમ બહુ દુ:ખી છો ?’

‘ના. સુખી છું – દુનિયાની નજરે, પણ આ કિરણને હૃદયમાં સંઘરી રાખીશ અને જ્યારે જરૂર પડશે ત્યારે યાદ કરીને વિચારીશ કે એક જ પ્રકાશ કિરણ કેટલો અંધકાર દૂર કરી શકે છે.’ રુદ્ર અટક્યો, ‘તમારે સૂર્યોદય જોવો છે કે કાંચનજંઘાનું સૌંદર્ય ?’

‘એટલે ?’

‘અહીંનો સૂર્યોદય તો સામાન્ય જ હોય છે અને લોકો અહીં કાંચનજંઘા જોવા આવે છે એટલે આપણે સામેની બારી પાસે ઊભાં રહીએ.’

‘ભલે.’

‘તમારે શું જોવું છે ?’ રુદ્રએ પૂછ્યું.

‘એટલે તમે શું બતાવવા માગો છો ?’

‘સૂર્યોદય તો તમે ઘણી વખત, ઘણાં સ્થળોએ જોયો હશે, અદ્દભુત હોય છે, પણ અહીં જ્યારે તેનું પ્રથમ કિરણ આ બરફાચ્છાદિત ઉન્નત કાંચનજંઘાનાં શિખરોની ટોચ પર પડે છે અને તે જ્યારે શરમાઈને ગુલાબી-પીળો-લાલ રંગ ધારણ કરે છે અને તે સ્મિત કરીને કિરણને આવકારે છે ત્યારે તેનું સ્મિત અને સૌંદર્ય અવર્ણનીય હોય છે. તેને માટે કોઈ શબ્દ હજુ કવિએ શોધ્યો નથી. મોનાલિસાનુંય સ્મિત ઝાંખું લાગે.’

નેહાએ સ્મિત કર્યું : ‘તમે કવિ છો ?’

‘ના રે…’ રુદ્રએ હસીને કહ્યું : ‘અહીં આ વાતાવરણ, શુદ્ધ હવા, હિમશિખરો અને પરમ શાંતિ સાથે કોઈ પણ વ્યક્તિ કવિ કે લેખક બની જાય છે. જો તે તેમ ન બને તો તેનામાં લાગણી, સંવેદના અને સૌંદર્ય પામવાની ઊણપ છે.’

‘અને તમારામાં એ નથી.’ આ વખતે નેહાએ ખુલ્લું સ્મિત કર્યું. રુદ્ર એ સોહામણા સ્મિત નીચે છુપાયેલી શ્વેત દંતાવલી અને તેને બંધ કરી દેતા ભરાવદાર હોઠ જોઈ રહ્યો.

‘તમે એકલાં છો ?’

‘અહીં એકલી આવી છું. મારા પતિને વહેલા ઊઠવાની ટેવ નથી અને આવા પથ્થરોમાં રસ નથી.’
ધીમે ધીમે બહારનો અંધકાર ઓછો થતો જતો હતો. હિમશિખરો કાળાશમાંથી ભૂખરા અને પછી શ્વેત રંગ ધારણ કરતાં હતાં. લોકોએ કૅમેરા, ડિજિટલ કૅમેરા અને વિડિયો તૈયાર રાખ્યા હતા. બધા રાહ જોતા હતા અને એકાએક હર્ષની બૂમ આવી. પ્રથમ કિરણે કાંચનજંઘાને સ્પર્શ કર્યો હતો. એક પીળા-લાલ રંગનું ટપકું ઊપસ્યું અને ધીમે ધીમે પ્રસરવા માંડ્યું. તે સાથે કૅમેરાની હજારો ક્લિકોનો અવાજ ભળી ગયો. બીજી પાંચ મિનિટમાં તો તે શિખરે લાલ-પીળાશભર્યો મુગટ ધારણ કરી લીધો હતો અને તે પછી તેની નજીક આવેલાં બીજાં હિમશિખરો ખીલવા માંડ્યાં હતાં. એક અદ્દભુત દ્રશ્યની ઝાંખી થઈ રહી હતી. હૉલ એકદમ શાંત હતો.
બીજા એક કલાક પછી આ સૌંદર્ય માણીને બધાં નીચે ઊતર્યાં. બહાર અને નીચે ગિરદી હતી. હવે દરેકને પોતાનાં ઘેર-હૉટલમાં જલદીથી પહોંચવું હતું. રસ્તો સાંકડો હતો, વાહનો ખૂબ જ ધીમી ગતિથી ચાલતાં હતાં.

‘તમે કેવી રીતે આવ્યાં છો ?’ રુદ્રએ પૂછ્યું.

‘અમે આરસીઆઈના રિસોર્ટમાં ઊતર્યાં છીએ. ત્યાંથી એક જીપમાં આવ્યાં છીએ, પણ અત્યારે તે જીપ દેખાતી નથી.’

‘થોડીક વાર લાગશે. ફરીથી કૉફી લઈએ.’ રુદ્રએ સૂચન કર્યું.

‘ભલે.’

બન્ને નીચે આવ્યાં અને એક નેપાળી મહિલા પાસેથી ગરમ ગરમ કૉફીના બે પ્લાસ્ટિકના કપ લીધા અને હોઠે અડકાડ્યા. બન્ને પાળી પર બેઠાં. એકાએક રુદ્રએ કહ્યું : ‘નેહા, તમારો હાથ આપો.’

‘મારો હાથ જોવો છે ? પણ મારાં તો લગ્ન થઈ ગયાં છે.’

‘લાવો તો ખરાં.’ નેહાએ હાથ રુદ્રના હાથમાં મૂક્યો. રુદ્રએ નેહાની હથેળી ખોલી. એક તરફ અંગૂઠો રાખ્યો અને સામે ચાર આંગળીઓ…’

‘નેહા, હવે ધારો કે આ અંગૂઠો વાઘ છે અને તમારી ચાર આંગળીઓ ઘેટાં છે. વાઘ ભૂખ્યો છે, પણ આ નદી પાર કરી શકે તેમ નથી. અને આ ઘેટાં પણ નદી પાર કરી શકે તેમ નથી અને વાઘને કોઈ પણ હિસાબે ઘેટાં ખાવાં છે તો મને રસ્તો બતાવશો ?’
નેહાએ રુદ્ર સામે જોયું. ચહેરો સરસ હતો, ગંભીરતા હતી. કોઈ છેલબટાઉપણું કે મજાક ન હતી. સારા ઘરનો યુવક લાગતો હતો અને વાત કરવાની લઢણથી, અવાજથી કોઈ પણ યુવતીને વિશ્વાસ મૂકવાનું મન થાય તેવો હતો. નેહાએ પોતાની હથેળી જોઈ, તેણે અંગૂઠો નમાવ્યો.

‘હં… હં… વાઘ નદી ઓળંગી શકે નહીં.’ રુદ્રએ હસીને કહ્યું. નેહા ગૂંચવાઈ અને પાંચેક મિનિટ વિચાર કરતી બેસી રહી. આ સમગ્ર સમય દરમિયાન રુદ્ર તેને જોતો રહ્યો.

‘મને ખબર પડતી નથી, તમે કહો.’ નેહાએ હાર કબૂલી. રુદ્રએ ચહેરો ગંભીર કર્યો, નેહાનો હાથ સહેજ દબાવ્યો અને ધીમેથી કહ્યું :

‘મને પણ ખબર નથી પડતી.’

‘તો પછી ?’

‘આ તો પાંચ મિનિટ સુધી તમારો સુંદર હાથ મારા હાથમાં રાખ્યો. મને આનંદ થયો. થેન્ક્સ, નેહા.’ અને તે સાથે નેહા મુક્ત રીતે ખડખડાટ હસી પડી, તે ખુલ્લા હાસ્યમાં રુદ્ર જોડાયો. બીજી પાંચેક મિનિટ તે હસ્યા કર્યો.

‘તમે હસો છો ત્યારે ખૂબ જ સુંદર લાગો છો. તમે તમારી આંખોથી હસો છો. તમારું સમગ્ર વ્યક્તિત્વ હસે છે. આવું હાસ્ય મેં કદાપિ જોયું નથી.’

‘મારાં વખાણ…..’

‘નેહા, આ સ્મિત-હાસ્યને હંમેશાં સાચવી રાખજો.’

‘મૅડમ, જીપ તૈયાર છે.’ એક અવાજ આવ્યો.

‘બાય, તમારી સાથે વાત કરવાની મજા આવી.’ રુદ્રએ કહ્યું.

‘મને પણ.’
આ વાતને આઠ વર્ષ થઈ ગયાં.

ટાઈગર હિલ, દાર્જીલિંગ, સવારના ચાર વાગ્યાનો સમય, હજારો લોકો, એ જ ધમાલ. દર વર્ષે સહેલાણીઓની સંખ્યામાં વધારો જ થતો હતો. રુદ્ર હાથમાં કૉફીનો કપ લઈને એક બારી તરફ વળ્યો અને તેના સ્વરમાંથી આનંદની એક નાની ચીસ નીકળી ગઈ.

‘અરે, તમે ?’

યુવતીએ પાછળ જોયું. તે હસી પડી.

‘તમે ?’

રુદ્ર હસ્યો.

‘ટાઈગર હિલ અને કાંચનજંઘા બહુ જ ગમે છે ?’ રુદ્રએ પૂછ્યું.

‘હા. તમને પણ ગમે છે ને ?’ નેહાએ સ્મિત કર્યું.

‘હા, પણ હું તો અહીં બીજું શોધવા આવ્યો હતો.’

‘શું ?’

‘વર્ષો પહેલાં જોયેલું, માણેલું તમારું ખડખડાટ હાસ્ય, સ્મિત, તમારા હસતાં નયનો અને તેનો નશો ફરીથી હૃદયમાં ભરવો હતો.’

‘સમજ ન પડી…’ નેહાએ ફરીથી સ્મિત કર્યું. રુદ્રએ સ્મિત, શ્વેત દંતાવલીને જોઈ રહ્યો.
‘તમે બદલાયાં નથી, તમારું વ્યક્તિત્વ, હાસ્ય હજી એવું જ છે. તમને મેં આઠ વર્ષ પહેલાં અહીં જોયાં હતાં. કાંચનજંઘાનાં સુવર્ણમઢેલાં શિખરો વચ્ચેથી આવતું ઝરણા જેવું ખડખડ હાસ્ય સાંભળ્યું હતું. માણ્યું હતું. તે નશો મારા અણુ અણુમાં પ્રસરી ગયો હતો. મારે તે સ્મિત, તમને ફરીથી જોવાં હતાં અને એટલે દર વર્ષે અહીં આવતો હતો તમને શોધવા. એક ઈચ્છા-આશા સાથે કે તમે ક્યારેક તો અહીં આવશો. તો આ કાંચનજંઘા સાથે તમને પણ ફરીથી મળવાની તક મળી જાય.’ નેહા આ રુદ્રને જોઈ રહી.

‘આમ જ સ્મિત આપતાં રહો, સુંદર લાગો છો. હૃદયને ફરીથી છલકાવી દેવું છે. ચાલો, કૉફી લઈએ.’ ફરીથી સૂર્યોદય થયો, પ્રથમ કિરણથી કાંચનજંઘાનું શિખર અને રુદ્રનું હૃદય ઝળહળી ઊઠ્યું.

‘રુદ્ર’ નેહાએ કૉફીનો એક ઘૂંટ લીધા પછી કહ્યું, ‘સાચું પૂછો તો મારે પણ તમને મળવું હતું. બહુ મન થતું હતું. મારે બે સંતાન છે. અત્યારે તેઓ બધાં હૉટલમાં આરામ કરે છે અને હું જાણીજોઈને એકલી જ આવી છું. કદાચ તમે મળી જાવ.’

‘તમારે મને મળવું હતું ?’ રુદ્રનો ધીરો ગંભીર, નાભિમાંથી અવાજ આવ્યો.

‘હા, તમે જે રીતે મારાં વખાણ કર્યાં હતાં, મારા સ્મિત, હાસ્યને વખાણ્યું હતું કે માણ્યું હતું તેવો અનુભવ મને હજુ સુધી થયો નથી અને મને ફરીથી એ અનુભવ લેવાનું મન થયું અને હું આવી.’

‘પણ હું મળીશ તેની…’

‘હું મળીશ તેવી તમને પણ ક્યાં ખાતરી હતી ?’ નયનોએ સ્મિતથી ઉત્તર આપ્યો.

‘હું તો દર વર્ષે આવું છું તમને શોધવા. આપણે મળ્યાં અને બીજા વર્ષથી જ.’

‘અને આજે ન મળી હોત તો ?’

‘કોઈ અફસોસ ન થાત. આવતે વર્ષે ફરીથી, ફરીથી.’ બન્ને ચૂપ થઈ ગયાં. નેહા રુદ્રને જોતી રહી. કેવી હતી આ વ્યક્તિ, આ યુવક-પુરુષ ! શું તે તેના પ્રેમમાં હતો ? શક્યતા ન હતી કે હતી ? એકાએક તેને થયું કે રુદ્ર તેનું સરનામું ન પૂછે તો સારું. તે તેના પતિ અને બાળકોથી પૂર્ણ રીતે સુખી હતી. ખુશ હતી. કોઈ ફરિયાદ ન હતી. તે કોઈને પણ છોડવા કે ખોવા માગતી ન હતી.
‘તમે વિચાર કરો છોને કે શું હું તમારા પ્રેમમાં છું ? અને તમારું સરનામું માગીશ…’

નેહા ચૂપ રહી. રુદ્ર સામે જોયા કર્યું.

‘નેહા, ચિંતા ન કરશો, હું તમારા સ્મિત, તમારાં હસતાં નયનોના પ્રેમમાં છું, તમારામાં નહીં. મારાં લગ્ન થયાં છે, એક પુત્ર છે, ખુશી છું, હું ક્યારેય તમારું સરનામું નહીં માગું અને મારું નહી આપું.’ રુદ્રએ નેહાનો હાથ પકડ્યો. નેહાએ રાહતનો શ્વાસ લીધો.

‘મને સંતોષ થયો. મેં તમને જેવા ધાર્યા હતા તેવા જ તમે નીકળ્યા તેનો આનંદ થયો. આપણે સરનામાની આપ-લે નહીં કરીએ.’

‘આપણું સરનામું ટાઈગર હિલ, દાર્જીલિંગ છે.’ રુદ્રએ વાક્ય પૂરું કર્યું.

‘હા, અને હું વચન આપું છું કે દર બે વર્ષે હું અહીં આવીશ.’ નેહાનો સ્વર ગંભીર હતો. આત્મીયતા ઊભરાતી હતી.

‘અને હું પણ..’ રુદ્રએ નેહાનો હાથ હોઠ સુધી લઈ ગયો અને હળવું ચુંબન કર્યું.

‘આપણે જાણ્યાં-અજાણ્યાં રહીશું.’ નેહાએ સ્મિત સાથે કહ્યું.

‘હા, જાણ્યાં-અજાણ્યાં.’

બંને કૉફી પીને છૂટાં પડ્યાં.
( સમાપ્ત ) 

યુ કેન ડુ ઇટ..!!

Standard

‘યુ કેન ડુ ઈટ….!!

~નટવર મહેતા 
  ‘બચાવો…બચાવો…બચાવો….!’
મરિયમ દોડી રહી હતી. હાંફળી ફાંફળી..!! જીવ કાઢીને…જીવ બચાવવા.
‘બચાવો…બચાવો…બચાવો….!’
એની પાછળ પાછળ એક ટોળું દોડી રહ્યું હતું. દરેક ડગલે ટોળામાં પુરુષોની સંખ્યા વધી રહી હતી. પાંચ…દશ…પંદર…! કોઈના ય ચહેરા ઓળખાતા ન હતા! એક ધાબું હતું ચહેરાઓની જગ્યાએ!! કોઈએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા…કોઈએ ભગવા તો કોઈએ પીતાંબર…!!
મરિયમે ઝડપ વધારી.
‘ભૈયા…ભૈયા…ભૈયા…!! મુઝે બચાઓ…!!’
મરિયમ અને ટોળા વચ્ચે અંતર ઝડપથી ઘટી રહ્યું હતું. ઘટી ગયું. મરિયમ જમીન પર ફસડાઈ…ટોળું બેરહમીથી એના પર તૂટી પડ્યું…! ટોળાંએ મરિયમને પીંખી નાંખી…! વીંખી નાંખી…!! ચૂંથી નાંખી!
ફરહાન ઝબકીને એકદમ જાગી ગયો.
પરસેવે રેબઝેબ! એની છાતી ધમણની માફક ચાલી રહી હતી. એ પથારીમાં બેઠો થઈ ગયો. બ્રસેલ્સની રોયલ વિન્ડસર હોટેલના રૂમ નંબર ૪૦૩માં વાતાનુકૂલિત વાતાવરણમાં પણ એનું શરીર  પરસેવે નાહી રહ્યું હતું.
-ડેમ…!! એણે પોતાના હાથના બન્ને પંજા પોતના ચહેરા પર ફેરવ્યા અને કપાળે બાઝેલ પ્રસ્વેદ બિન્દુ દૂર કર્યા. હજુ ય એના હ્રદયના ધબકારા એના કાનમાં સંભળાઈ રહ્યા હતાઃ ધક…ધક… ધક… ધક…!
-ઓ મરિયમ…! મરિયમ…! મરિયમ…!
ફરહાને એની પડખે સુતેલ શિવાની પર એક નજર કરી. શરીર સુખથી સંતૃપ્ત થઈ શિવાની ઘસઘસાટ ઊંઘી રહી હતી. રેશમી ગુલાબી કમ્ફોર્ટરમાંથી એની પાતળી પણ માંસલ જાંઘ બહાર ડોકિયું કરી રહી હતી એને ફરહાને બરાબર ઢાંકી. પલંગ પરથી એ ઊભો થયો. થોડા ઊંડા શ્વાસ લીધા. એના સ્નાયુબધ્ધ એકવડા શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એટલે ઠંડીનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું! આદતવશ ફરી એણે બન્ને પંજા પોતાના ગોરા ચહેરા પર ફેરવ્યા. કાર્પેટ પડેલ બૉક્સર પહેરી એણે પોતાની નિર્વસ્ત્રતા દુર કરી. હજુ એના હ્રદયના ધબકારા ધીમા થયા નહોતા. હળવા કદમે ચાલી એ બાથરૂમમાં ગયો. લાઈટ ચાલુ કરી વોશ બેસિનને લગોલગ જડેલ આદમકદ અરીસામાં એ પોતાને નિહાળી રહ્યો.
આયનાએ ઓળખવાની ના પાડી છે;

મેં   જ  ખુદને મારી  નજર લગાડી  છે.
મ્લાન હસી ઠંડા પાણીની છાલક પોતાના મ્હોં પર મારી ફરી એ પોતાના પ્રતિબિંબને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. બાથરૂમની બહાર આવી એણે સાઈડ ડેસ્ક પર મૂકેલ ડિજીટલ ક્લૉક પર નજર કરીઃ મધરાતના બે વાગવામાં દશ મિનિટ બાકી હતી. સવારે નવ વાગે તો એની રિટર્ન ફ્લાઇટ હતી. બ્રસેલ્સથી મુંબઈની, જે એણે લઈ જવાની હતી. જેટ એરવેઝમાં ફરહાન મુખ્ય પાઇલટ હતો. કૅપ્ટન હતો.
-ઓહ!! ગમે એમ કરીને ઊંઘવું જરૂરી હતું. પણ આ એક દુઃસ્વપ્ન એને ચેનથી સુવા દેતું નહોતું! સુવા દેવાનું નહોતું. વારેવારે આવતું… સતાવતું રહેતું હતું…!!
-મરિયમ…!
મરિયમને યાદ કરી એણે એક ઊંડો નિઃશ્વાસ નાંખ્યો. એની પાંપણે આંસુનાં તોરણો લટક્યા!! એ કંઈ જ કરી ન શક્યો હતો મરિયમને બચાવવા માટે…!! મરિયમ એની એકની એક નાની દીદી હતી. ખીલતા મોગરાની કળી જેવી મહેકતી…વહેતા ઝરણા જેવી ખળખળ વહેતી…ઊછળતી કુદતી…!! આમ્રકુંજમાં ડાળીએ ડાળીએ ઘૂમતી કોયલની માફક ચહેકતી ગહેકતીઃ ભૈયા ભૈયા…! અબ્બુ અબ્બુ…!! અમ્મી અમ્મી…!!!
ચૂથી નાંખી હતી નાપાક હિન્દુઓએ મરિયમને! બેરહમીથી વીંખી નાંખી હતી એની એકની એક દીદીને…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં… એની ચૂંથાયેલ લાશ મળી આવી હતી. એની સખીના ઘરેથી પરત આવવા મરિયમ નીકળી હતી. અચાનક દંગા ફાટી નીકળ્યા હતા. આખુ મુંબઈ સળગી ઊઠ્યું હતું. માનવો શેરીમાં નીકળી પડ્યા હતા દાનવ બનીને…! ફરહાન ત્યારે ફ્લોરિડા ભણી રહ્યો હતો. અબ્બુ જાવેદ અલીએ એને ફોન કર્યો હતોઃ મરિયમ ગુમશુદા છે…! મુંબઈ ભડકે બળી રહ્યું છે. ઇન્ડિયા આખું સળગી ઊઠ્યું છે…! માનવતા મરી પરવારી છે. શયતાન રાજ કરી રહ્યો છે. ફરહાન દોડી આવ્યો હતો ફ્લોરિડાથી મુંબઈ…!!એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલે દોડતા રહ્યા હતા હાંફળા ફાંફળા…!!ફસાદ થોડા શાંત થયા બાદ એક મુર્દાઘરમાં એ અબ્બુ સાથે ગયો હતો. એક બેનામી લાશને ઓળખવાઃ એ હતી મરિયમ…!! એક ડૂંસકું આવીને અટકી ગયું ફરહાનના ગળે.
-શું વાંક હતો મરિયમનો…?!
-એણે ક્યાં બાબરી મસ્જિદ બાંધી હતી…?!
-અરે…! એને તો જાણ પણ ન હશે કે બાબરી મસ્જીદ ક્યાં આવી…?!
ફરહાનના ગાલ પર આંસુની સરવાણી વહેવા લાગી…!
-મને માફ કરી દે મરિયમ…! હું તને બચાવી ન શક્યો…!!
-મને બક્સ દે…મારી દીદી…!!
મરિયમની રૂહ ભટકતી હતી…!! એણે એના બન્ને પંજાઓ ફરી પોતાના ચહેરા પર ફેરવ્યા. જાણે એ પોતાના ચહેરા પર ચોંટેલ ખોખલી સ્વસ્થતા શહેરો ઉતારી નાંખવા માંગતો ન હોય…!!
પલંગ પરથી એ ફરી ઊભો થયો. ઘડિયાળ પર ઊડતી નજર કરી એણે ખુદાને યાદ કરી નમાજ અદા કરીઃ ખુદા મારી મરિયમને બક્સ દે…! તારી પનાહમાં લઈ લે…!! યા અલ્લા…!! યા ખુદા…!!! રહમ કર…રહમ કર…!!
લેપટૉપની બેગમાં નાના પાઉચમાં રાખેલ વેલિયમ ફાઈવની એક નાનકડી ગોળી કાઢી એણે ગળી અને   શિવાનીના સુંવાળા પડખે સમાઈ ફરહાને આંખો બંધ કરી…!!
‘વેઈક અપ કૅપ્ટન!!’  તાજુ શેમ્પુ કરી બહાર આવેલ શિવાનીએ એના ભીના ભીના ખુશ્બુદાર વાળથી સુતેલ ફરહાનના ચહેરા પર વાંછટ કરી. છાતી પર બરાબર કસીને બાંધેલ ટુવાલ ખેંચવાની ફરહાનની કોશિશ શિવાનીએ નિષ્ફળ બનાવી.
‘ગેટ રેડી…!!’ એણે હુકમ જ કર્યો, ‘યુ હેવ ઓન્લી થર્ટી મિનિટ્સ…! પછી ફરહાનના રૂમનું બારણું અડધું ખોલી હોટેલના કોરીડોરમાં એક નજર દોડાવી કોઈ નથીની ખાતરી કરી એ ટુવાલભેર ઝડપથી બહાર સરકી ગઈ અને પડખેના એના રૂમમાં સરકી ગઈ.
શાવર નીચે ઊભા રહી ફરહાન વિચારવા લાગ્યોઃ આ શિવાની પણ ગજબની ઓરત છે!! એના અંગેઅંગને એ જાણતો હતો… પહેચાનતો હતો…પણ એના દિમાગમાં શું ચાલે છે એના વિશે એને કશી જ ગતાગમ પડતી નહોતી!! શિવાની પણ જેટ એરવેઝમાં એરહોસ્ટેસ જ હતી. એકવાર શિવાનીએ ફરહાનનો રૂમ છોડ્યો કે એ શિવાની માટે કૅપ્ટન ફરહાન કે કૅપ્ટન અલી જ બની જતો…!! કોઈ પણ જગ્યાએ એ ઊતરતી, કોઈ પણ ડેસ્ટીનેશને, એ હંમેશ બે અલગ અલગ હોટેલમાં રૂમ બુક કરાવતીઃ એક રૂમ ફરહાનના રૂમની સાવ પડખે અને બીજો એને જેટ એરવેઝ તરફથી મળતો ઑફિશિયલ રૂમ…!! આ શિવાની પણ એક કોયડો જ હતી ફરહાન માટે…!! શિવાની સાથેના એના સંબંધો ફરહાને ગુપ્ત રાખ્યા હતા. એને એ ય જાણ નહોતી શિવાની એને ચાહે છે કે નહિ? એ શિવાનીને ચાહે છે કે નહિં??  એના અને શિવાનીના સંબંધોની વ્યાખ્યા શી છે…??
બ્રસેલ્સથી મુંબઈની ફ્લાઇટ એકદમ સરળ અને સમયસર રહી હતી. સહારના શિવાજી છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે શિવાનીએ એક વાર પણ ફરીને એના તરફ ન જોયું!!
-એ છે જ એવી!! ફરહાને વિચાર્યું. શી ઈસ લાઈક ધેટ…!!
ફરહાને એની ફોર્ડ ફિયેસ્ટાની ઈગ્નિશન કિ ફેરવી…!! મધરાતનો સમય હોય માહિમ એની કોલોની પર આવતા ફરહાનને જરાય ટ્રાફિક ન નડ્યો. એના બંગલા ‘આશિયાના’ના કંપાઉંડમાં કાર પાર્ક કરતા કરતા એની નજર અબ્બુના રૂમ પર પડી. બારી બંધ હતી. એરકંડિશનરનો ધીમો ઘરઘરાટ સંભળાઈ રહ્યો હતો. ઓટલાના ચોથા પગથિએ એ પહોંચ્યો એ પહેલાં તો એના અબ્બુ જાવેદ અલીએ બારણું ખોલ્યું, ‘આ ગયા બેટા..?’
‘અ…બ્બુ…!! આપ ભી ના…!’ ફરહાન પ્રેમથી પિતાને ગળે મળ્યો, ‘ઈતની રાત હો ગઈ…!! ફિર ભી આપ…! સો જાના ચાહિયે થા…!!’
ચાર ફૂટ બે ઇંચ ઊંચા જાવેદ અલીએ પગના પંજા પર ઊભા થઈ છ ફૂટ એક ઇંચ ઊંચા ફરહાનના કપાળે પ્રેમથી એક ચુંબન કર્યું અને વાળમાં હાથ ફેરવ્યા, ‘કૈસી રહી ફ્લાઇટ…?’
‘આપકી દુઆ હૈ હમારે સાથ તો હમે ક્યા હોને વાલા હૈ…? હસીને ફરહાને કહ્યું, ‘આપકા તજરૂમા કૈસા ચલ રહા હૈ અબ્બુ..?’
‘બસ બેટા…! વહી કર રહા થા..,! ક્યા પાક બાત કહી હૈ ભગવાન કિશનને..! મા કર્મણ્યે વાધિકાર્સ્તે ફલેષુ કદાચન્…! ‘ જાવેદ અલી મુંબઈ યુનિવર્સિટીના ઊર્દુના પ્રોફેસર હતા. એઓ હાલમાં ભગવદ્ ગીતાનું ઊર્દુમાં જ્ઞાનાંતર કરી રહ્યા હતા.
‘અબ્બુ સો જાઓ…! હમ ભી શાવર લે કે સો જોયેંગે…!’ થૂંક ગળી ફરહાને વિચાર્યુઃ મેર ભોલે અબ્બુ યે સબ કિતાબી બાતેં હૈ…!!
‘અચ્છા બેટા…!’ કહી એમણે લિવિંગ રૂમની લાઈટ હોલવી કહ્યું, ‘બેટા, આપકી અમ્મીને આપકે લિયે બહુત બઢિયા બિરયાની પકાઈ હૈ…હો શકે તો…!!’
‘ઓ કે…! અબ્બુ…!!’ કહી ફરહાન પહેલે માળે એના રૂમમાં ગયો. ટાઈ છોડી યુનિફોર્મ કાઢી માસ્ટર બેડરૂમના ઍટેચ્ડ બાથરૂમમાં એ ઘૂસ્યો. શાવર નીચે ઊભા રહી હૂંફાળો શાવર લેતા લેતા એ વિચારવા લાગ્યોઃ કેટલા ભોળા છે મારા અબ્બુ…?!! કેટ કેટલાં ઝહર ગટગટાવી પી ગયા…? પચાવી ગયા…!! કેટલી આસાનીથી એ વીસરી ગયા કે જાવેદ ગદ્દારના નામે એક વાર એમનું નામ દેશભરના અખબારોમાં કાલી સ્યાહીમાં છપાયું હતું…! શું અબ્બુ એ સાવ વીસરી ગયા હશે કે પછી…??!!
થયું એવું હતું કે મુસ્લિમ લીગે પ્રોફેસર જાવેદ અલીને બૃહદ મુંબઈ મહાનગર પાલિકાના વૉર્ડની ચૂંટણી માટે એક ઉમેદવાર તરીકે ઊભા રાખવાનું નક્કી કર્યું હતું. બોર્ડની વસ્તી અને જાતિ મુજબ અને એક નેક પાક ઉમદા ઇન્સાન તરીકે પ્રોફેસરની ઓળખને કારણે એઓ ચૂંટાઈ આવે એવી પુરેપુરી ખાતરી હતી. વૉર્ડમાં મુસ્લિમ વસ્તી ચાલીસથી બેતાલીસ ટકા હતી એટલે પણ એમની ચૂંટાઈ આવવાની પુરે પુરી શક્યતા હતી. એમની આ પસંદગીથી વૉર્ડના શિવસેના શાખાધ્યક્ષ કુશાભાઉ કરકરેને આંખમાં કણાની માફક ખૂંચી હતી. એમની સેનાના ઉમેદવાર વસંત પાટિલની ચૂંટાવાની શક્યતા ડગમગી ગઈ હતી. અને એક કારસો રચાયો હતો પ્રોફેસર જાવેદ અલી પર ગદ્દારનું લાંછન લગાવવાનો…! સેના શાખાભવન પર કોઈએ લેટર બૉમ્બ મોકલ્યો હતો. એ લેટર બૉમ્બ ફૂટ્યો. બે શિવ સૈનિકો ઘવાયા તો એક મર્યો…! બાહોશ કહેવાતી મુંબઈ પોલીસે તપાસ આરંભી…! આંતર રાષ્ટ્રિય અલકાયદાથી દેશી સિમ્મી સુધીના આતંકવાદી સંસ્થાઓની સંડોવણીની જાતજાતની અફવાઓથી અખબારો…ટીવી ચેનલો…રેડિયો છલકાયા… બે મહિના બાદ અચાનક પ્રોફેસર જાવેદ અલીના ‘આશિયાના’ પર પોલીસની રેડ પડી… પ્રોફેસરે ઘરની તલાશી લેવા દીધી હતી…એમનો ક્યાં કોઈ દોષ હતો  કે એમને કોઈ વાંધો પડે…??
પણ એમના આશ્ચર્ય વચ્ચે…સહુના આશ્ચર્ય વચ્ચે… ઘરની તલાશી દરમ્યાન એમની અંગત વિશાળ લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફના પાનાંઓ કાપી એમાં જગા બનાવી રાખેલ ચારસો ગ્રામ જેટલું આર. ડી. એક્ષ. મળી આવ્યું!! પોલીસે ‘શોધી’ કાઢ્યું…!! પ્રોફેસરે બહુ જ વિરોધ કર્યો. આ એમનું ન જ હતું…! એમને ફસાવવામાં આવી રહ્યા છે…!! ફસાવી દેવામાં આવ્યા છે…!! પણ પોલીસ ઈ. મહેશ માંજરેકર કેમ માને?? આ તો સીધો ગુન્હો હતો…! આર. ડી. એક્ષ!! મુંબઈની પોલીસ બહુ કુશળ હતી. બાહોશ હતી. કોઈને ‘ફીટ’ કરી દેવામાં પણ…! મુંબઈ પોલીસ હોશિયાર હતી ગુન્હેગાર પકડવામાં પણ અને ગુન્હેગાર બનાવવામાં પણ…!!
ત્યારે ફરહાન એની ડ્યૂટી પર હતો. લંડનથી પરત એની ફ્લાઇટ વેધરને કારણે બે કલાક મોડી થઈ હતી… વહેલી સવારે એ ઘરે આવ્યો ત્યારે અમ્મીએ રડી રડીને આંખોમાં ગુલાલ આંજી દીધો હતો. અને અબ્બુની પોલીસે ધરપકડ કરી હતી. સહમી ગયો ફરહાન… એક ઈમાનદાર પાક મુસ્લિમ હોવાનો શું આ સરપાવ હતો…??!! એનું જુવાન લોહી ઊકળી ઊઠ્યું હતું. એના પ્રોફેસર ભોળા અબ્બુને ફસાવી દેવામાં આવ્યા હતા…!! જો રસ્તામાં ચીંટીની કતાર જતી હોય તો જે ઇન્સાન ખુદનો રાહ બદલી નાંખે એવા નેકદિલ ઇન્સાન આજે ગદ્દાર…દેશ દ્રોહી…ખૂની તરીકે કારાવાસમાં….?? જેલમાં…?? યા ખુદા કૈસા હૈ તેરા યહ ઇન્સાફ…?? કૈસી યે તેરી ખુદાઈ…?? ફરહાને તરત જ અબ્બુને જેલમાં મળવાની કોશિશ કરી…! પણ પોલીસે એની એક ન માની…! બસ, એને એટલી જાણ થઈ કે અબ્બુએ અનશન શરૂ કર્યા હતા અને જેલમાં અન્ન જળનો ત્યાગ કર્યો હતો…! એના વિસ્તારના વિધાનસભ્યને મળીને પોલીસ અબ્બુ પર થર્ડ ડિગ્રી ન અજમાવે એની વિનંતિ કરી. સાંસદોને મળી રજૂઆત કરી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મળ્યો. ચાન્સેલરે તો બેધડક અબ્બુનો જ પક્ષ લીધો. ફરહાને એક અઠવાડીયાની રજા મૂકી દીધી. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, લીડરોને મળ્યો. વિદ્યાર્થીઓ એને પુરો સાથ આપ્યો. મુંબઈ વિદ્યાર્થી સંઘે વિધાનસભા તરફ મ્હોંએ કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી વિરોધ દર્શાવ્યો. મુસ્લિમ કોમી એકતા સમિતિએ શાંતિ બનાવી રાખવાની આપી મુસ્લિમોને શાંત રાખ્યા. સરકાર પર દબાણ વધી રહ્યું હતું. પ્રોફેસર જાવેદ અલીએ ગાંધી ચીંધ્યા માર્ગે જેલમાં વિરોધ જારી રાખ્યો. મુસ્લિમ લીગે મુંબઈના જાણીતા ઍડ્વોકેટ લાલવાણીને રોક્યા. પ્રોફેસર નિર્દોષ હતા.. જરૂર નિર્દોષ હતા એમાં કોઈ શક નહોતો. પરંતુ એમના ઘરમાંથી જ..એમની અંગત લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફમાં બનાવવામાં આવેલ ગુપ્ત ખાનામાંથી મળી આવેલ આર. ડી. એક્સને કારણે કેસ સાવ નબળો પડી ગયો હતો…!!
-આ કુરાન-એ-શરીફ ત્યાં  કોણે ગોઠવ્યું??
ઍડ્વોકેટ લાલવાણી માટે આ સહુથી મોટો કોયડો હતો. આવડું દળદાર પુસ્તક સફાઈદાર રીતે રેડ વખતે તો પોલીસ ન જ મૂકી શકે!! ખુદ પ્રોફેસરે પણ કહ્યું હતું કે જ્યારે રેડ પડી ત્યારે ચાર પોલીસ કર્મી અને ઈ. માંજરેકર સાવ ખાલી હાથે વારંટ સાથે આવ્યા હતા…! તો પછી એ ત્યાં આવ્યું કેવી રીતે?? લાલવાણીએ એના અંગત અન્વેષકોને કામે લગાડ્યા. પ્રોફેસરની ઘરે ઘણી આવન-જાવન રહેતી હતી…! ખાસ તો એમના વિદ્યાર્થીઓ…! કેટલાક તો એમના હેઠળ પીએચડી કરતા હતા…એમ.ફીલ કરતા હતા…! એ ઉપરાંત મુસ્લિમ લીગના, મુસ્લિમ સમાજના માણસોની આવરો જાવરો રહેતો હતો. પ્રોફેસરે એ સહુને નિર્દોષ ઠરાવી દીધા હતા!!
-તો??
કોકડું ગૂંચવાયું હતું.
-અને એક દિવસે એક સુરાગ લાલવાણીના માણસને હાથ લાગ્યો!
માહિમના જ રૂપા બારમાં એમનો માણસ બિયર ગટગટાવી રહ્યો હતો. ત્યારે બાર ડાન્સર પર દરેક ઠૂમકે ઠૂમકે એક યુવાન સો સોની નોટ ઊડાવી રહ્યો હતો…! એક ડાન્સર શીલા હતી પણ એવી જ કાતિલ મારકણી…! રાત્રે અઢી વાગે જ્યારે બાર બંધ થયો ત્યારે લાલવાણીના એ માણસે એ યુવાનનો પીછો કર્યો. બે દિવસે રેકી કરી…! અને એક દિવસ એને દબોચી લેવામાં આવ્યો. થોડી ગડદા પાટુ બાદ હલાવેલ સોડા બોટલમાંથી ઊભરાતા સોડાવોટરની જેમ એ યુવાને વાત ઓકીઃ એની મા શાંતા તાઈ પ્રોફેસરને ત્યાં વીસ વરસથી ઘરકામ કરતી હતી. એને સિફતથી ત્યા એ કુરાન ગોઠવી દીધું હતું રેડના આગલા દિવસે…!! પ્રોફેસરની અંગત લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો હતા. એક વધે કે ઘટે કોને ખબર પડવાની હતી…?! લાલવાણીના માણસે રાતોરાત શાંતા તાઈને ઉઠાવી હતી. એના દીકરાને પણ ઉઠાવ્યો. પોલીસે ખુદ આ કામ કરાવેલ એટલે પોલીસ પાસે તો જવાનો કોઈ જ મતલબ નહોતો. વળી આ હવે એક બહુ જ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો હતો. એટલે લાલવાણીએ સીધા જ ગૃહ પ્રધાન વિકાસ રાઉતે સામે રજૂ કરવામાં આવ્યા. રાઉતેએ પોલિસ  કમિશ્નરને તેડાવ્યા…ખખડાવ્યા…!! ઈ.મહેશ માંજરેકરને તાબડ્તોબ બોલાવવામાં આવ્યા…! એણે કબૂલી લીધું કે શાખાધ્યક્ષના ઈશારે આ કાંડ કરવામાં આવેલ!! એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને રાતોરાત પ્રોફેસરને જાવેદ અલીને છોડાવામાં આવ્યા. દંગાફસાદ ફાટી ન નીકળે એવી ગૃહ પ્રધાનની માંગણી અને વિનંતિને માન આપી નેક દિલ પ્રોફેસરે શાંતિ-અમન બની રહે એ માટે મોટું દિલ રાખીને સહુને માફ કરી દીધા અને એ જ ઘડીએ ગંદા ગોબરા રાજકારણમાં કદી ન પડવાનો નિર્ણય લઈ લીધો!
-કેટલા મહાન અબ્બુનો દીકરો હતો ફરહાન…!! શાવર બંધ કરી શરીર પર પાણી એમનું એમ જ રહેવા દઈ ફરહાને નાઇટ ગાઉન વીંટાળ્યો. અબ્બુ-અમ્મીના બેડ રૂમની લાઈટ બંધ છે એની ખાતરી કરી આદતવશ બે પંજા પોતાના ચહેરા પર બે- ત્રણ વાર ફેરવ્યા અને પલંગમાં લંબાવ્યું. હવે એને ત્રણ દિવસની છુટ્ટી હતી. પાંચ દિવસના સતત ઉડ્ડયન બાદ મળતી રજાઓમાં એ તાજો-માજો થઈ જતો.
સવારે ઊઠી ફરહાન જિમમાં તૈયારી કરતો હતો ત્યારે જ અબ્બુએ એના ઓરડામાં પ્રવેશ કર્યો, ‘બેટા! કલ સુબહ કુરિયરસે યહ આપકે લિયે આયા થા…!’ ફેડએક્ષનું એક મોટું એન્વેલેપ આપતા કહ્યું, ‘મુઆફ કરના હમે…! કલ રાત યહ હમારે દિમાગસે નિકલ ગયા થા…!!’
‘આપ ભી અબ્બુ…!’ હસીને ફરહાને કહ્યું, ‘ હમે ક્યું બારબાર શરમિંદાં કર રહે હો…! મુઆફ કરના કહકર…! હમ આપકે બેટે હૈ…!!’
‘…ઓ…ર…હોનહાર બેટે હો…!’ ગૌરવથી પ્રોફેસરે કહ્યું, ‘ બેટે…! અમ્મી કો મીલ લેના. વો તેરી શાદીકે બારેમેં સોચકર પરેશાન રહેતી હૈ…! અબ તો તુ…હી… ઉસે સમજા શકતા હૈ….!’ પ્રોફેસરે વાત અધૂરી છોડી એક નિઃશ્વાસ નાંખ્યો.
ફરહાન મૌન જ રહ્યો. ફેડએક્ષના એ એન્વેલેપને એણે બે- ત્રણ વાર ફેરવીને જોયું. મોકલનાર તરીકે જેટ એરવેઝ, દુબઈનું સરનામું હતું. એન્વેલેપને એણે સહેજ દબાવ્યુઃ અંદર પેપર જ છે….! જમાનો બહુ ખરાબ છે. વરંડામાં લટકાવેલ નેતરના હીંચકે એ બેઠો. એન્વેલેપ ખોલ્યું. અંદર બે પત્રો અને ઍમીરાત્સ એરલાઈનની ટિકિટ હતી…!! એક પત્ર જેટ એરવેઈઝના લેટરહેડ પર જ હતો. સૂર્ય પ્રકાશમાં ધરી લેટરહેડમાં સંતાયેલ વોટર માર્કસ્ એણે તપાસ્યા. એ-ફોર સાઇઝના એ કાગળોની બરાબર વચમાં હોવો જોઇતો જેટ એરવેઈઝનો લૉગો બરાબર હતો તો ચાર ખૂણે જે એ નો વોટર માર્કસ્ પણ બરાબર હતાઃ તો લેટર જેટ એરવેઈઝનો જ હતો પણ એના અતિ આશ્ચર્ય વચ્ચે એ ઊર્દુમાં લખાયો હતો. એણે વાંચવાની શરૂઆત કરીઃ જનાબ કપ્તાન ફરહાન અલી, બિસ્મિલ્લાહ અર્ રહેમાન નીર્રહીમ…!!  જે…મ જે…મ એ વાંચતો ગયો એમ એના રૂપાળા ચહેરા પર હાવભાવ બદલાતા રહ્યા. મનોભાવમાં પરિવર્તનો આવતા રહ્યા. એને માટે દુબઈની રિટર્ન ટિકિટ મોકલવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસની… અલ્લાહના રસૂલ તરફથી ખુદાની ખિદમતમાં હાજર રહેવાનું ફરમાન હતું…!
-ઓહ અલ્લાહ…! યા અલી!! યે ક્યા હૈ?? ફરી ફરી એ પત્ર વાંચતો રહ્યો. એનું દિલ ધડકતું હતુઃધક.. ધક… ધક… ધક…!!
-ક્યા કિયા જાય?? એણે ઍમીરાત્સની ટિકિટ પર ફરી નજર કરી. કન્ફર્મ ટિકિટ હતી. આજની બે વાગ્યાની ફ્લાઈટની અને રવિવારે દુબઈથી ચાર વાગે પરત મુંબઈની. સાથે દુબઈમાં ત્રણ દિવસ રોકાવા માટે જરૂરી દુબઈના વિસા પણ હતા…!!
-જવું કે ન જવું…??
-શું આ પણ અબ્બાની જેમ એને ફસાવવા માટેનો ફાંસલો તો નથીને…??
-અબ્બુને વાત કરું…??
-ના…ના…! ભોલે અબ્બુને બિચારાં ખોટી ચિંતામાં શા માટે મૂકવા…??!!
-તો…??
પત્ર જેટ એરવેઝના લેટરહેડ પર જ હતો. એ વારંવાર વાંચી ગયો. એમાં એક આદેશ હતો. ફરમાન હતું…! કંઈક વિચારી એણે એનું લેપટૉપ ચાલુ કર્યું. જેટએરવેઝના એના એકાઉન્ટમાં લોગઇન થયોઃ ના, ત્યાં આ અંગે કોઈ મેસૅજ નહતો. ઊલટું એચઆરનો ત્રણ દિવસની રજા એન્જોય કરવાનો મેસૅજ હતોઃ  એન્જોય યોર વિકએન્ડ, અને હેલ્થ ક્લબની મેમ્બરશિપ રિન્યુ કરી દેવામાં આવેલ એ અંગે મેસૅજ હતો!!
યંત્રવત્ એણે ત્રણ જોડી કપડાં, ત્રણ જિન્સ અને ચાર ટિશર્ટ અને ત્રણ જોડી અંડર ગારમેન્ટસ એની સેમ્સોનાઈટ બેગમાં મૂક્યા.
-દેખ લેતે હૈ ક્યા હૈ અલ્લા કે રસૂલકા ફરમાન…?? વિચારી એણે પ્રોફેસર પિતાને કહ્યું, ‘અબ્બુ…! હમે દુબઈ જાના પડેગા આજ દો દિનકે લિયે. એરવેઝકા સ્પેશ્યલ સેમિનાર હૈ…! ઈતવારકો શામકો હમ વાપસ આ જાયેંગે…!’
‘અચ્છા…?? દુબઈમેં…??’
‘હા…જી…!!’
‘તો ચલે જાઓ બેટા…!! તરક્કીકે લિયે કુછ ભી કરો…!’ સહેજ અટકી એ બોલ્યા, ‘ હમ સોચ રહે થે કી દો દિન આપકી સાથ ગુજારેંગે…!’ પ્રોફેસર સહેજ નિરાશ થઈ ગયા.
‘ફરહાન બેટે…!’ અમ્મીએ એના રૂમમાં દાખલ થતાં કહ્યું, ‘હમને તો ક્યા ક્યા સોચ રખા થા…? ક્યા ક્યા પ્લાન કિયા થા ઈન છુટ્ટીઓ કે લિયે…! ઝરીનાખાલાને તેરે લિયે દો દો લડકી બતાઈ હૈ ઉસે તેરે સાથ દેખને કા મનસૂબા સજાકે રખ્ખા થા…! અબ સબ કૅન્સલ  કરના પડેગા…!’ સહેજ ફરિયાદના સુરમાં કહ્યું, ‘બેટા…! કબ તક મૂઝે હી રોટી પકાની પડેગી…??’
‘અમ્મી આજકી બહુ રોટી નહિ પકાતી…!’  હસીને ફરહાન બોલ્યો. એને શિવાનીની તીવ્ર યાદ સતાવી ગઈ.
‘તો તેરે દિલમેં કોઈ હો તો બતા દે…બેટા…!’
‘મેરે દિલમેં તો મેરી અમ્મી હૈ…!’ અમ્મી ઉમરાઉના બન્ને ખભા પકડી પ્રેમથી ફરહાન બોલ્યો, ‘અબ હમે નીકલના પડેગા…!’
ઍમીરાત્સની ફ્લાઇટ સવા ત્રણ કલાકમાં ફરહાનને દુબઈ લઈ આવી. ફ્લાઇટમાંથી હજુ એ લોંજમાં આવ્યો કે તરત જ એક આરબ ઝડપથી એના તરફ આવ્યો, ‘મિસ્ટર ફ..ર..હા…ન??’
‘યસ…?!’ જમણો હાથ લંબાવી ફરહાને એ આરબ સાથે હાથ મેળવ્યો.
‘પ્લી..ઝ…!’ આરબે એના હાથમાંથી એક માત્ર કૅરીઑન લગેજ બેગ નમ્રતાથી લેતા કહ્યું, ‘પ્લીઝ ફૉલૉ મી…!’ પછી આઈફોન કાઢી અરબીમાં કંઈક કહ્યું. કોઈ પણ જાતની કસ્ટમ વિધી પતાવ્યા વિના વીઆઈપી એક્ઝિટમાંથી બન્ને એરપોર્ટની બહાર આવ્યા કે એક બ્લેક મર્સિડીઝ એમની સામે આસ્તેથી સરકીને ઊભી રહી ગઈ. બન્ને એમાં ગોઠવાયા. કોઈ ફિલ્મી પાત્ર ભજવી રહ્યો હોય એવું લાગ્યું ફરહાનને!! પણ ના, આ કોઈ ફિલ્મ નહોતી. એક નરી વાસ્તવિકતા હતી. અચાનક ફૂટી નીકળેલ આરબ…!કોઈ પણ જાતની કસ્ટમ પ્રક્રિયા વિના વિઆઈપી એક્ઝિટમાંથી બહાર નીકળવું…અને હવે ડાર્ક ટિન્ટેડ વિન્ડો વાળી બ્લેક વૈભવી મર્સિડીઝ…!!
-એ ક્યાં જઈ રહ્યો છે…? હજુ એ વિચારવાનું પુરૂં કરે તે પહેલાં તો કાર હળવેકથી ઊભી રહી ગઈ. આગળની પેસેન્જર સીટ પરથી ઊતરી આરબે ઝડપથી પાછળનો દરવાજો ખોલ્યો, ‘વેલ કમ ટુ વર્લ્ડ’સ ટોલેસ્ટ બિલ્ડિંગ જનાબ ફરહાન અલી…વેલકમ ટુ… બુર્જ ખલીફા…!!’ દુનિયા સહુથી ઊંચા આઠમી અજાયબી સમા બુર્જ ખલીફાના વૈભવશાળી પ્રવેશ દ્વારે એ ઊભો હતો.
-અરે વાહ…!! જેટ એરવેઝ ઈતના સુધર ગયા…?!!
કાર એમને ઉતારીને સરકી ગઈ.
‘પ્લીઝ ફોલો મી…!’ એક અત્યાધુનિક લિફ્ટ મારફતે એ બન્ને ઇઠ્ઠોતરમાં માળે પળભરમાં પહોંચી ગયા.
ભવ્યાતિભવ્ય કોરીડોરમાં લીલા રંગની કાર્પેટ બિછાવેલ હતી. બન્ને ૭૮૬ નંબરના સોનેરી પતરું જડેલ દ્વારે આવીને ઊભા રહ્યા કે દ્વાર ખૂલી ગયું.
‘ખુશામદીદ… ખુશામદીદ…!!’ પાંચ ફૂટ ઊંચા સહેજ શામળા શખ્સે બે હાથો વડે બાવડાથી પકડી ફરહાનને પ્રેમથી આવકાર્યો,‘આહલન વસાલન…આહલન વસાલન…!!’

પેલો આરબ  કુર્નિશ બજાવી બહારથી જ સરકી ગયો.
‘શુક્રિયા…!’ સહેજ સંકોચાયને ફરહાને કહ્યું. વિશાળ બેઠક ખંડમાં વચ્ચે ગોઠવાયેલ વૈભવશાળી સોફા તરફ પેલા શખ્સે ફરહાનને દોરી જઈ બરાબર ફરહાનની સામેના સિંગલ સોફામાં એ ગૌરવથી ગોઠવાયો, ‘તો કપ્તાન ફરહાન અલી…! આ…પ…કી મંઝિલ આપકો યહાં તક લે હી આઈ…!’
‘……………..!!’ ફરહાન મૌન જ રહ્યો. એણે પેલા શખ્સ સાથે નજર મેળવવા કોશિશ કરી પણ એણે પહેરી રાખેલ સોનેરી ફ્રેમવાળા ડાર્ક બ્રાઉન ગોગલ્સને કારણે એનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
-શું ચાલી રહ્યું છે? ફરહાનની સમજમાં કંઈ જ આવતું નહોતું.
એટલામાં એક સ્ત્રી લચકતી ચાલે આવી. સર્વિંગ ટ્રૉલી પર બે લીલાછમ તરોપા હતા. અને ચાંદીના બે કટોરામાં તરોપામાંથી તાજુ જ કાઢવામાં આવેલ કુમળું મલાઈદાર કોપરું હતું. એ ઔરતે રિદાહ હેઠળ એનો ચહેરો ખુબસુરતીથી સંતાડેલ હતો. પણ એની મારકણી આંખો એના સૌંદર્યને છતી કરી દેતી હતી. એ ઔરતે તરોપામાં ચાંદીની સ્ટ્રો મૂકી નજાકતથી ફરહાનને આપ્યો અને સામેના કોતરણી વાળા ટેબલ પર કોપરાનો કટોરો મૂક્યો.
‘શુક્રિયા…!’ ફરહાને તરોપો લેતા કહ્યું. એને તરોપામાંથી સીધું નાળિયેર પાણી પીવું ખૂબ જ પસંદ હતું તો કુમળું કોપરું એની નબળાઈ હતી. આ વાતનું અહિં ધ્યાન રાખવામાં આવેલ છે એ જાણી ફરહાન સમજી ગયો કે સામે બેઠેલ શખ્સ એના વિશે ઘણું જ જાણતો હોવો જોઈએ…!!
ઇશારો કરી એણે બાંદીને મોકલી દીધી, ‘સો કૅપ્ટન ફરહાન અલી…!! ક્યા કહું…?? વોટ શુલ્ડ આઈ સે…?’ પેલા શખ્સે તરોપામાંથી ચૂસકી મારી કહ્યું, ‘ લેટ મી વેરી ફર્સ્ટ સે થેન્ક યુ વેરી મચ. હમ આપકે દિલ-ઓ-જાંસે શુક્રગુજાર હૈ…! આપ વો શખ્સ હૈ…ખુદાકે વો બંદે હો… જો અબ પુરી દુનિયાકી તાસીર બદલ દેને વાલા હૈ…! તવારીખ બદલ દેને વાલા હૈ…!!’ એ સોફા પરથી ઊભો થયો ફરહાનની નજદીક આવ્યો. એણે વાપરેલ મસ્ક પરફ્યુમની સુગંધ ફરહાને અનુભવી…!
‘હમ સમજે નહિ…!’ ફરહાને સંકોચાયને કહ્યું.
‘ડેસ્ટિની…!’ પેલા શખ્સે ફરહાનના હ્રદયે એની ઇન્ડેક્સ ફિંગર મૂકી કહ્યું, ‘તકદીર…તકદીર…! આપકી કિસ્મતમેં જો લિખા હો વો કોઈ મીટા નહિં શકતા…! બહુત હી કમ પાક નેક દિલ ઈન્સાનકો હી ઐસી ફઝલ અલ્લાહ ખેરાત કરતા હૈ જો જન્નતમેં અપની જગહ બના પાતા હૈ…! ખુદાકે દરબારમેં હસતે હસતે કદમ રખ શકતા હૈ…! ઈસ્લામકા ફરિશ્તા બન શકતા હૈ…! યુ કેન ડુ ઈટ…! એન્ડ યુ વિલ ડુ ઈટ…!’  કહી એ ફરી પોતાના સ્થાને ગોઠવાયો.
-કોણ છે આ શખ્સ?? ફરહાને વિચાર્યું.
‘હમ કૌન હૈ યે મત સોચો…!’
-યા અલ્લા…! ફરહાને બીજી જ ક્ષણે વિચાર્યુઃ આ માણસ તો એના વિચારો પણ વાંચી લે છે…! ચોરી લે છે…!
‘હમ કૌન હૈ યે મત સોચો…!’ ફરી દોહરાવી એ વ્યક્તિએ એના સોનેરી ગોગલ્સ ઉતાર્યા અને ફરહાન સાથે સીધી નજર મેળવી. એની જમણી આંખ સહેજ નાની હતી. એની આંખોમાં સાપ રમતા હતા. ફરહાનને આછો આછો ખ્યાલ આવી ગયો કે કોણ છે આ અજીબ શખ્સ!! એના રૂંવાટા ઊભા થઈ ગયા. આ એ શખ્સ હતો કે જેને દુનિયાભરની પોલીસ શોધતી હતી.
સહેજ હસીને એ બોલ્યો, ‘હમ વો હૈ જો કહીં ભી રહે…સારે જહાંમેં હમ રાજ કરતે હૈ…! ઔર જો હમે નારાજ કરે હમ ઊસે તારાજ કર દેતે હૈ…બરબાદ કર દેતે હૈ…! ઉસકે નામોં નિશાં મિટા દેતે હૈ…!! ઈસ્લામકે લિયે હમ કુછ ભી કર શકતે હૈ…! કુછ ભી…મતલબ કુછ ભી…!!’
એટલામાં જ ફ્લેટમાં હળવા સ્વરે ત્રણ ટકોરા પડ્યા. અને ત્યારબાદ મૃદુ સ્વરે અજાન સંભળાઈઃ અલ્લાહ ઓ અકબર અલ્લા…હ… અલ્લાહ ઓ અકબર અલ્લા..હ…
‘નમાજકા વક્ત હો ગયા….આઓ નમાજ અદા કરે ઓર ખુદાકો યાદ કરકે તાકાત માંગે…’ પેલા સખ્શે આદેશ આપ્યો કે સવાલ કર્યો એ ફરહાનને સમજ ન પડી પણ બન્ને ઊભા થયા. અંદર બનાવવામાં આવેલ ખાસ બંદગી કક્ષમાં જઈ વજૂ કરી બન્નેએ  ઈશાની નમાજ અદા કરી.
‘યા અલ્લા…!રહેમ કર…! મહેરબાની કર…! હમે ઈસ્લામકા હૌંસલા બઢાનેમેં મદદ કર…!!’ નમાજ અદા કર્યા બાદ પેલા શખ્સે ફરહાનના ખબે હાથ મૂકી કહ્યું, ‘આ..ઓ…! હમ આપકો કુછ દિખાને ચાહતે હૈ જનાબ…!’ એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘ હમ વો કુછ દેંખે વો તો ઊંટકી પૂંછકા એક બાલ કે બરાબર હૈ…! કિતને હી સિતમ નાપાક અમિરીકી… ઔર શેતાન હિંદુઓને હમ પર બેરહેમીસે ગુજારે હૈ…! હમારે ખૂનકી હોલી ખેલી હૈ ઊન ફિરંગીઓને…! હમે ખતમ કરને કી સાજિશ કી જા રહી હૈ હર ઘડી હર પલ ઈસ જહાંમે…!’ કહી એ ફરહાનન ફ્લેટમાં જ બનાવવામાં આવેલ આધુનિક હોમ થિયેટર તરફ દોરી ગયો. જ્યાં ઊંટના ચામડા મઢેલ બે વિશાળ સોફાઓ દિવાલને લગોલગ ગોઠવવામાં આવેલ હતા. બન્ને એના પર  ગોઠવાયા.
-મને આ બધું બતાવવાનો શો અર્થ??!!  ફરહાને વિચાર્યું પણ એ મૌન જ રહ્યો.
પેલી વ્યક્તિએ રિમૉટ કન્ટ્રોલ હાથમાં લઈ એક બટન દબાવ્યું એટલે સામેની દિવાલ એક મોટા પડદામાં પરાવર્તિત થઈ ગઈ! એના પર એક પછી એક  ચિત્રો, કેટલાંક સ્થિર તો કેટલાંક ચિત્રપટ, હાલતા ચાલતા…ચિત્રો બદલાવા લાગ્યા. ઇરાકમાં અમેરિકન આર્મીએ કરેલ આડેધડ બોમ્બમારો…માસૂમ નાના ભુલકાંઓની લાશ…લાશના ટુકડા…વિચ્છેદિત શરીરના અંગો…સ્ત્રી-પુરુષોની લાશોના જુગુપ્સા પ્રેરક ઢગલે ઢગલા…અને એ લાશોનું ખાડાઓમાં બુલડોઝર વડે સામૂહિક દફન…!! ઠેર ઠેર લોહી જ લોહી…! અરે…!! કેટલાંક દ્ગશ્યો સાથે તો તારીખ અને સમય પણ હતો. કેટલીક એકદમ સ્પષ્ટ તો કેટલીક ફિલ્મ જાંખી અને અસ્પષ્ટ હતી. ઇરાકી સ્ત્રીઓ પર કરવામાં આવતા અત્યાચાર… યુદ્ધ કેદી બનાવી મુસ્લિમો સાથે કરવામાં અમાનુષી વ્યવહાર. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલીઓના આડેધડ વિમાની હુમલા…અફઘાનિસ્તાનમાં રશિયનો અને ત્યારબાદ અમેરિકન સૈનિકોના જુલમો… નિર્દોષ લોકોની લાશોના ખડકલા…! ટોરાબોરામાં કરવામાં આવેલ એકધારો સતત સાત દિવસ સુધીનો બોમ્બમારો…! કીડીઓની જેમ મરતા અફઘાનિસ્તાની મુસ્લિમો…! પાકિસ્તાનમાં ડ્રોન વિમાનો દ્વારા રોજ બરોજ નિર્દોષ પાકિસ્તાનીઓ પર કરવામાં આવતા હુમલાઓ…! ભારતીય સૈનિકો દ્વારા કશ્મિરમાં ગુજારવામાં આવતા સિતમો…! ગોધરા ટ્રેન દહન બાદ ફાટી નીકળેલ તોફાનોમાં ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણી મારવામાં આવેલ એની ફિલ્મ… અમદાવાદમાં એમના નિરાશ્રિત કેમ્પસ્…અને એમાં પડતી અગવડો…! મુસ્લિમોના ધંધા ઉદ્યોગને નિશાન બનાવી કરવામાં આવેલ હિદ્નુઓના હુમલાઓ…!! આખેઆખી ફિલ્મનું એડિટિંગ અવલ દરજ્જાનું હતુ….અરે એમાં જાવેદ અલીને જાવેદ ગદ્દાર તરીકે ચીતરવામાં આવેલ એનો ઉલ્લેખ પણ આવરી લેવામાં આવેલ…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં મુસ્લિમ વસ્તીની તબાહી…અને છેલ્લે એક છોકરી દોડતી હતી…દુરથી…એની પાછળ એક ટોળું…કોઈના ય ચહેરા સ્પષ્ટ ન હતા…પણ વસ્ત્રે પહેરે ઓઢવે એ સહુ હિદ્નુઓ હતા…છોકરીની ચૂંથાયેલ લાશ અને છેવટે મરિયમનો માસુમ ચહેરો પડદા પર સ્થિર થઈ ગયો. જે ચારેક મિનિટ રહ્યો…મરિયમની આંખમાંથી આંસુ ટપકતા હતા…!! અને ફરહાન ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો…એની આંખે બારે મેઘ ખાંગા થયા..!! ક્યાં સુધી એ ચોધાર આંસુંએ રડતો જ રહ્યો. રડતો જ રહ્યો. પેલા શખ્સે એને રડવા જ દીધો. ત્યારબાદ, એ હળવેથી ઊભો થયો અને ફરહાનને આલિંગનમાં લીધો. ફરહાન એને વળગી વળગીને રડવા લાગ્યો. ડૂસકૂં રોકી, ભીના શાંત મક્કમ અવાજે એણે પૂછ્યું, ‘હમારી મરિયમકા ખૂનકા બદલા લેને કે લિયે હમે ક્યા કરના હોગા…??’
*****                                                                                                  *****
મુંબઈથી બ્રસેલ્સની જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W0228 શિવાજી છત્રપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ એકના ગેટ 6A પર મળસ્કે ચાર વાગે લાંગરી ચૂકી હતી. જે લગભગ એક કલાક મોડી હતી. એટલે પ્રવાસીઓ ઝડપથી પોતાના બોર્ડિંગ પાસ એરવેઝના કર્મચારીઓને બતાવી વિમાનમાં દાખલ થઈ રહ્યા હતા. ગોરા…કાળા…ખાખી..પચરંગી…એમાં અઢી મહિનાની એક બાળકીથી માંડીને નેવું વરસના એક વૃદ્ધ સહિત કુલ ૨૫૦ પ્રવાસીઓ હતા.
મુખ્ય પાઇલટ કૅપ્ટન ફરહાન અલી અને કો. પાઇલટ અશોક અરોરા લાસ્ટ મિનિટ ચેકિંગ કરી રહ્યા હતા એ એર બસ ૩૩૦-૨૦૦નું…!! વિમાન પુરેપુરું ભરાઈ ગયું…! છ એર હોસ્ટેસ અને ચાર પુરુષ પર્સર પોત પોતના ઝોનમાં ફરી કયા પેસેન્જર તરફથી ટ્રબલ આવી શકે, કોણ ડિમાન્ડીંગ છે નો અડસટ્ટો મેળવી રહ્યા હતા. શિવાનીની ડ્યૂટી હર હંમેશની માફક બિઝનેસ ક્લાસમાં જ હતી. બિઝનેસ ક્લાસમાં ચઉદ અમેરિકન, ચાર બ્રિટિશ, અને બે ઈજરાયેલી પ્રવાસીઓ અને કેટલાંક ભારતીય યાત્રીઓ હતા. એક ઇટાલિયન જોડું ભારત હનીમૂન કરવા આવેલ હશે એ હજુ પણ હનીમૂન મૂડમાંથી બહાર આવ્યું લાગતું નહોતું અને એક બીજાને ચુંબનો પર ચુંબનો કરી રહ્યું હતું! એના પર નજર પડતા શિવાની મનોમન હસી. સોનેરી પીળા કલરમાં જાંબલી રંગની ફૂલપાનની ડિઝાઇન અને પહોળા પાલવવાળી યુનિફૉર્મની સિલ્કની સાડી અને જાંબલી રંગની સ્લિવલેસ બ્લાઉઝમાં સોટા જેવી પાતળી શિવાની બહુ જ મારકણી લાગતી હતી. વિન્ડો સીટ પર બેઠેલ એક આધેડ ભારતીય શિવાની પર નજરથી બળાત્કાર કરી રહ્યો હતો!! એ શિવાનીના ધ્યાનમાં આવી ગયું. એટલે પાલવ વડે એની કમનીય કમર નજાકતથી ઢાંકી સીધી એ પ્રવાસી પાસે જ ગઈ, ‘હાઉ આર યુ સર…?! ડુ યુ નીડ એનીથિંગ સર…??’ દાડમ જેવી ચસોચસ ગોઠવાયેલ મોતીના દાણા જેવી દંતપંક્તિ બતાવતું પહોળું હાસ્ય કરી શિવાનીએ પૂછ્યું.
‘વો…વો…ટર…!’પેલો આધેડ ગલવાઈ ગયો.
‘સ્યો…યો…ર…!’ શિવાનીએ હસીને કહ્યું. પોતાના સ્ટેશન પર જઈ ગ્લાસમાં પાણી લઈ એ સજ્જનને આપ્યું.
મોટાભાગના પેસેજંરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. કૅબિન ક્રુએ ફટાફટ ઑવરહેડ લગેજ કન્ટેનરને વાસી દીધા. ઉડ્ડયન પહેલાંના સુચનો અપાયા. ડોક પરથી વિમાનને અલગ કરવામાં આવ્યું અને ટ્રેક્ટરે રિવર્સ કરી ટરમેક પર મૂક્યું.
‘વેલકમ ટુ જેટ એરવેઝ ફ્લાઇટ નંબર 9W0228..! આઈ એમ યોર કૅપ્ટન ફરહાન અલી વિથ કો. પાઇલટ અશોક અરોરા વિલ ટેઈક યુ ટુ બ્યુટિફૂલ બ્રસેલ્સ. વિ અપોલાઈઝ ફોર ધ ડિલે…! બટ ઈફ વેધર પરમિટસ્ વિ વીલ રીચ અવર ડેસ્ટિનેશન ઓન ટાઇમ…!’ ફરહાનનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગુંજ્યો, ‘વિ હેવ નાઇન અવર ટ્વેન્ટી મિનિટ જર્ની ટુ બ્રસેલ્સ.ધ વેધર ઓફ બ્રસેલ્સ ઇસ ગુડ અને રાઈટ નાઉ એબાઊટ વન ડિગ્રી સેન્ટિગ્રેડ એન્ડ નો સ્નો ફોરકાસ્ટ…!! થેન્ક યુ વેરી મચ ફોર ફ્લાઈંગ વિથ જેટ એરવેઝ…વી વિલ અપડેઈટ યુ એઝ એન્ડ વ્હેન રિકવાયર્ડ…! હેવ અ નાઈસ જર્ની…!’
ટરમેક પરથી હળવે હળવે રવાલ ચાલે ચાલતું વિમાન મુખ્ય રનવે પર આવીને ગોઠવાયું. સહેજ ઊભું રહ્યું, ‘વી આર ફિફ્થ ઇન ધ ક્યુ…! હેવ ટુ વેઈટ ફોર ફ્યુ મોર મિનિટસ્…! પ્લીસ બી સિટેડ…ફાસન યોર સિટ બેલ્ટ એન્ડ કોઑપરેટ વિથ અસ!! કૅબિન ક્રુ… પ્લીઝ ટેઈક યોર સીટ…! વિ વિલ બી એર બોર્ન વેરી સુન. થેન્ક યુ..!’
કોકપીટનો દરવાજો અંદરથી બંધ ગયો. હવે જો કૅપ્ટન ફરહાન અલી કે કો પાઇલટ અશોક અરોરા ખોલે તો જ એ દરવાજો ખૂલી શકે એવી સુરક્ષા વિમાનના અપહરણને અને કોકપીટમાં કોઈ આતંકવાદી દાખલ ન થઈ શકે એ હેતુ થી કરવામાં આવેલ હતી.
બિઝનેસ ક્લાસમાં કોકપીટની દિવાલને લગોલગ અનફૉલ્ડ સિંગલ સીટ પર શિવાની ટટ્ટાર ગોઠવાઈ હતી. સીટ બેલ્ટ બાંધવાને કારણે એના ચુસ્ત શરીરના ઉન્નત વળાંકો એને વધુ આકર્ષક બનાવતા હતા. વિમાનમાં શિલિંગ લાઈટ સિવાય બધી જ રોશની ઓછી કરી દેવામાં આવી…! કૅપ્ટન ફરહાન અલીએ ફૂલ થ્રોટલ દબાવી વિમાનને પૂરે પુરી તાકાતથી રન વે પર દોડાવ્યું…સહેજ ઘરઘરાટી સાથે દોડ લગાવી વિશાળ પંખીની માફક ગણતરીની પળોમાં વિમાન હવામાં અધ્ધર થયું.
શિવાનીએ આંખો બંધ કરી પ્રભુને યાદ કર્યાઃ હે પાંડુરંગા…!
થોડા જ સમયમાં તો એરબસે બત્રીસ હજારની જરૂરી ઊંચાઈ મેળવી લીધી. સીટ બેલ્ટનો વોર્નિંગ દુર થઈ. કેટલાંક મુસાફરોએ બાથરૂમનો ઉપયોગ પણ શરૂ કરી દીધો. શિવાનીએ વેલકમ ડ્રિન્કની તૈયારી કરવા માંડી. સર્વિંગ ટ્રૉલી પર પેસેન્જરની રિકવેસ્ટ મુજબ સ્કોચ, બ્રાન્ડી, વાઈન ફ્રૂટ જ્યૂસ, સોડા-પેપ્સી-કૉક વગેરે ગોઠવવા માંડ્યા. એટલામાં જ વિમાને એક નાનકડી ડૂબકી મારી… એક આંચકો લાગ્યો. શિવાનીએ પણ પોતાની જાતને પડતા માંડ બચાવી. કેટલાક મુસાફરો તો ગબડ્યા પણ ખરા…! હાયકારો નીકળી ગયો એમનાથી…!
-વા…ઉ…ઊ…! શિવાનીએ વિચારી ફરી તૈયારી કરવા માંડી. એક વાઈન ગ્લાસ તૂટી ગયો એના કાચ કાળજીપુર્વક ઝડપથી એકત્ર કર્યાઃ કૅપ્ટન અલી શુલ્ડ વોર્ન..! એને વિમાન વળાંક લેતું હોય એમ પણ લાગ્યું! ઈસ હિ ગોઇંગ બેક ટુ… મુંબઈ..?? શિવાનીએ વિચાર્યુઃ કદાચ એર ટર્બ્યુલન્સથી બચવા એમ કરવું પડ્યું હશે. શિવાનીએ મનને મનાવ્યું. કદાચ બીજો એર પૉકેટ આવે એમ વિચારી ટ્રૉલીની બ્રેક બરાબર ચકાસી શિવાનીએ થોડી રાહ જોવાનું વિચાર્યું. એણે સાડીનો છેડો બરાબર લપેટ્યો. આમ તો એરહોસ્ટેસ માટે સોનેરી પીળો કોટ અને જાંબલી પેન્ટ જ યુનિફોર્મ હતો પણ શિવાની અલગ જ હતી. એને તો સાડી જ વધારે ગમતી.એણે લિપસ્ટિક લગાવી હોઠને વધારે રતમુડા બનાવ્યા. હોઠોને એકમેક સાથે દબાવી અરીસામાં નજર કરી જમણી આંખ મારી પોતાની સાથે જ ફ્લર્ટ કર્યું!! એટલામાંજ એના બ્લાઉઝમાં સંતાડેલ  સ્માર્ટ સ્લિમ ફોન વાઈબ્રેટ થવા લાગ્યો. શિવાનીના શરીરના રોમ રોમમાં એ કંપન ફરી વળ્યુઃ ફોન એકધારો વાઈબ્રેટ થઈ રહ્યો હતોઃ ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
-ઓ માય ગોડ…! ઓ માય ગોડ…! ઓ માય ગોડ…!
સર્વ કંઈ વીસરી શિવાનીએ ત્વરાથી ફોન હ્રદય પાસેથી ખેંચ્યો. સ્ક્રીન પર નજર કરી. સહેજ અટકીને ફોન ફરી લયબધ્ધ કંપવા લાગ્યો. એણે નંબર ચેક કર્યોઃ યસ…ઈટ ઈસ ગ્રાઉન્ડ કન્ટ્રોલ…!! વ્હોટ ગોઇંગ ઓન? એને વિમાનમાં એક નજર દોડાવી. સહુ સમુસુતરું લાગતું હતું. તો…?
– ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
ફોન કંપવાનું અટકતો નહોતો. તો…? વિમાનમાં કંઈક ગરબડ છે જ…! ફ્લાઇટ હેસ લોસ ધ કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ …!! વાય…?? હાઉ…??
-નો ધીસ ઈસ રિયલ…! નોટ અ ડ્રિલ…!! શિવાનીનું કેળવાયેલ મગજ ઝડપથી વિચારવા લાગ્યુઃ નાઉ. ટાઈમ ટુ એક્ટ…! યસ…!! ઊંડો શ્વાસ લઈ એણે ખુદને કહ્યુઃ શિવાની યુ કેન ડુ ઈટ…! બે ડગલામાં તો એ કોકપીટના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ…!એની બોડી લૅન્ગ્વેજ જ બદલાઈ ગઈ…! કોકપીટમાં જ જરૂર કંઈ ગરબડ હતી. પ્લેઈને રસ્તો બદલ્યો હતો…અણધાર્યો વળાંક લીધો હતો!! શું કોકપીટમાં પહેલેથી જ કોઈ આતંકવાદી ધુસ્યો હશે…? વિચારી શિવાનીના હ્રદયના ધબકારા અનિયમિત થયાઃ ઓહ… માય ગોડ…! કોકપીટનો દરવાજો ખોલવા એણે જોર અજમાવ્યું પણ દરવાજો ટસનો મસ ન થયો. ફરી એક વાર એણે પ્રયત્ન કર્યો. બ્લાઉઝમાં બનાવેલ નાના પાઉચમાંથી સ્માર્ટ ડીકૉડર કાર્ડ કાઢી એણે કોકપીટના દ્વાર પાસેથી પસાર કર્યો. લૉક ડિકોડ થઈ જતા સહેજ જોર લગાવતા જ એ ખૂલી ગયું. એની નજર સીધી જ કો. પાયલટ અશોક અરોરા પર પડી…! એ ચમકી ગઈ…! અશોકની ડોક વળી ગઈ હતી…અને એનું માથું છાતી તરફ આગળ નમી ગયું હતું…! એ બેહોશ હતો…! ઓહ…! એણે કૅપ્ટન ફરહાન તરફ નજર કરી, એ બરાબર હતો!!
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…? કૅપ્ટન ફરહાન અલી??’
‘યુ..???’ ફરહાને એકદમ ચમકીને શિવાની તરફ નિહાળ્યું, ‘હાઊ ડુ યુ ગેન ઈન કૉકપિટ…?’
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…?’ શિવાની વાઘણની જેમ બરાડી. ફરહાનની ભાવશૂન્ય આંખોમાં શયતાન રમતો હતોઃ આ માણસ આ…વો…?!!
‘ગેટ રેડ્ડી ટુ ગો ટુ જન્નત વિથ મી…!’ ફરહાનનો અવાજ જાણે અવકાશમાંથી આવી રહ્યો હતો.
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની બરાડી, ‘વેઈક અપ…અરોરા…!! વેઈક અપ…!!’ શિવાની અશોક અરોરાની નજીક સરકી. અરોરાના બાલ પકડી એનું નિર્જીવ માથું એણે હલાવ્યું…
‘વ્હો જહન્નમમેં જા ચૂકા હૈ…હમને પહોંચા દિયા…!’
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની માની શકતી જ ન હતી કે ફરહાન આવું કરે…! હવે શિવાનીને ખ્યાલ આવ્યો કે વિમાને જે ડૂબકી મારેલ એ એર પૉકેટને કારણે નહોતી. પણ કૅપ્ટન ફરહાન અને અરોરા વચ્ચે થયેલ ઝપાઝપીને કારણે હતોઃ ઓ માય ગોડ…!! ફરહાને અરોરાને પતાવી દીધો!!
‘ય…સ…! હી ઈસ ડેડ…!’
‘ક્યા…?’શિવાનીએ સાડી ઊંચી કરી. ફરહાને શિવાનીને સાડી ઊંચી કરતા નિહાળી વિકૃત હસીને કહ્યું, ‘તૂઝે અબ ભી સેક્સ કરના હૈ જબ હમેં જાના હૈ જન્નતમેં…!’
શિવાનીની જમણી જાંઘ સાથે સાયલંસરવાળી કોલ્ટ-45 બાંધેલ હતી તો ડાબી જાંઘે કુશળતા પૂર્વક નાનકડી સ્ટન ગન લગાવેલ હતી. એના જમણા હાથમાં સ્ટનગન આવી ગઈ હતી. હા, શિવાની એક કમાન્ડો હતી…ભારતીય વાયુ સૈનાની ટ્રેઇન્ડ કમાન્ડો…!
પોતાની ધૂનમાં જ ફરહાન મસ્ત રહી બબડતો હતો, ‘મરિયમકી મોતકા કર્જ હમે અદા કરના હૈ…!’ એની નજર શિવાની પર નહોતી. ‘અવકાશના અંધકારમાં નિહાળી એ બોલી રહ્યો હતો, ‘ હમ સબ મરને વાલે હૈ..!’ પાગલની માફક એ બબડતો હતો, ‘હમને ઓટો પાયલટ પર જીપીએસમેં ટાર્ગેટ લૉક કર દિયા હૈ તારપુર એટોમિક રિએક્ટર…! તબાહી મચ જાને વાલી હૈ…સારે હિદ્નુસ્તાનમેં…તબાહી…હી…તબાહી…! કયામત…કયામત…!!’ ફરહાને વિકૃતિથી અટ્ટ હાસ્ય કર્યું.’ અને હસતા હસતા એણે એના હાથના પંજા એની ટેવ મુજબ ચહેરા પર ફેરવવાની શરૂઆત કરી કે એના હાથ એના ચહેરા પર જ થીજી ગયા…!!
શિવાની એની પાછળ સરકી આવી હતી અને એના ડાબા કાન નીચે ગરદન પર એણે સ્ટન ગન મૂકી ટ્રિગર દબાવી જ દીધું…! ફરહાનને એક લાખ વોલ્ટ કરંટનો જોરદાર આંચકો લાગ્યો…! એ તરત મૃતપ્રાય થઈ ગયો…. શિવાની આવું કરશે એની કલ્પનામાં જ નહોતું…! શિવાની તરફ જોવાની એણે દરકાર ન કરી એ એને બહુ જ ભારે પડી ગઈ…! ફરહાને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેની સુવિધા જ બંધ કરી દીધી હતી અને એ કારણે ફ્લાઇટ 9W0228 રડાર પરથી અદૃશ્ય થઈ ગઈ…એ શંકાસ્પદ હતું અને એટલે જ ગ્રાઉન્ડ કન્ટ્રોલે સ્માર્ટ ફોનથી કમાન્ડો શિવાનીને ચેતવી દીધી…! ગુસ્સાથી પાગલ શિવાનીએ ફરી વાર ફરહાનને કપાળે સ્ટન ગન અડાડી એક ઓર આંચકો આપ્યો. બે બે વારના જોરદાર વીજળીક આંચકાને કારણે ફરહાન બેહોશ થઈ ગયો. શિવાનીએ સીટ બેલ્ટ છોડી પાયલટની સિટ પરથી એને ફરસ પર ફંગોળ્યો…એના ગુપ્તભાગમાં બે વાર જોરદાર લાત મારીઃ આવા શખ્સ સાથે એણે શરીર સુખ ભોગવ્યું હતું…!!?? શિવાનીના ખાસ બનાવેલ અણીદાર શુઝના પ્રહારને કારણે ફરહાનનું વૃષણ ફાટી ગયું. એને આંતરિક રક્ત સ્રાવ થવા લાગ્યો. અને અસહ્ય પીડાથી ફરહાન કણસવા લાગ્યો. એક સાથે હજારો વીંછી ડંખી રહ્યા હતા ફરહાનને…!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’
વિમાન એકધારી ઊંચાઈ ગુમાવી રહ્યું હતું એ શિવાની એ મહેસૂસ કર્યું.
‘હવે…? ઓ પાંડુ રંગા…હેલ્પ મી…હેલ્પ મી…!’ બબડતી શિવાની પાયલટની સીટ પર ગોઠવાઈ… ‘વી હેવ અ પ્રૉબ્લેમ…!’ પીએ સિસ્ટિમ તરત જ એણે મુસાફરોને ચેતવ્યા, ‘પ્લી..ઈ…સ, એવરી વન ટેઈક યોર સીટ એન્ડ ફાસન યોર સીટબૅલ્ટ…પ્લીઝ…!!’ એ બોલતી હતી પણ એના બન્ને હાથ ફટાફટ ચાલતા હતા… વિમાન પર કન્ટ્રોલ મેળવવાની તજવીજ ચાલુ જ કરી દીધી હતી એણે…!! ફરહાને તારાપુર અણુ વિદ્યુત મથકના મુખ્ય રિએક્ટર સાથે ૩૫,૦૦૦ ગેલન પેટ્રોલ ભરેલ ૨૪૦ ટનનું વિમાન ભટકાવવાની પુરી તૈયારી કરી દીધી હતી…! જો એમ થાય તો અણુ રિએક્ટર ફાટે અણુ બૉમ્બની માફક અને આખા ભારતમાં તબાહી મચી જાય…! રેડિયેશન ફેલાઈ જાય…! કરોડો લોકો મરી જાય…!!અડધો દેશ ખલાસ થઈ જાય….!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’ શિવાની ફટાફટ જુદા જુદા બટનો દબાવતી જતી હતી. વિમાન હાલક ડોલક થતું હતું… અને કોકપીટનો દરવાજો ફરી બંધ થઈ ગયો…! સામે કન્ટ્રોલ પેનલ પર અસંખ્ય અલગ અલગ સ્વિચો હતી…ડાયલો હતા…જાત જાતના ઈન્ડીકેટરો હતા..એમાંના જે એ જાણતી હતી એ એણે ચકાસવા માંડ્યા. એને સ્ટિમ્યુલેટર પર સો કલાક એર બસ ૩૩૦-૨૦૦ ઊડાડવાની તાલિમ આપવામાં આવેલ હતી પણ સ્ટિમ્યુલેટર નહોતું. સાચે સાચું પ્લેઇન હતું…૨૫૦ પેસેન્જર હતા… અને ટાર્ગેટ હતું તારાપુર એટોમિક રિએક્ટર…! અને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે કોઈ જ સંપર્ક નહતો…!!
‘આલ્ફા નાઈન…! આ…લ્ફા ના..ઈ…ન…!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેનું બટન દબાઈ જતા અને એ કાર્યરત થતા સંપર્ક થઈ ગયો…
‘મે..ડે..!’ શિવાનીના જીવમાં જીવ આવ્યો…’ મે…ડે…! આલ્ફા નાઈન રિપૉર્ટિંગ.. ઓ…વ…ર’’
‘આલ્ફા નાઈન.. વોટ ઇસ ગોઈંગ ઓન…? ક્યા ગરબડ હૈ…?’
‘મે..ડે…! મે..ડે…!’ શિવાનીએ માઈક્રોફોન કાને ભેરવી માઉથપિસમાં કહ્યું, ‘કમાન્ડો શિવાની રિપૉર્ટિંગ…! ઓ…વ…ર’
‘વ્હોટ રોંગ…? ઓવર…!’
‘કૅપ્ટન ફરહાન બેટ્રેઈડ…વો સાલા ગદ્દાર નીકલા…! હી કિલ્ડ અશોક અરોરા…! બટ નાઊ હી ઇસ  અન્ડર માય કન્ટ્રોલ…! હી ઈસ નોટ કોઑપરેટિંગ…! ઓવર…”
‘ઓકે…’
‘આઈ નીડ હેલ્પ… ટુ ફ્લાઈ ઓર લેન્ડ…!’
‘વિ આર રેડી…! ટ્રાય ટુ ગો અપ ક્વિકલી… ઓ…વ…ર….!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ પરથી મદદ મળવાની આશાથી શિવાનીને થોડી રાહત થઈ…!
‘હા…ઊ..?’
નીચેથી થોડા સૂચનો આવ્યા. શિવાનીએ એ પ્રમાણે પ્રયાસ કર્યા…! ઓલ્ટીમીટર પર ઝડપથી ઊંચાઈ ઘટી રહી હતી…
‘ટાર્ગેટ ઇસ તારાપુર એટોમિક રિએક્ટર…!’શિવાની પ્રયાસ વધારતા કહ્યું, ‘આઈ મસ્ટ ડુ સમથિંગ… પ્લીઝ હેલ્પ… હેલ્પ…!’
‘ઓહ…માય ગોડ…!!’ નીચેથી અવાજ આવ્યો, ‘કમાન્ડો…ગેટ ઓન મૅન્યુઅલ…! પ્લેન કો મૅન્યુઅલ પર લે લો…જલ્દી..જલ્દી…કરો….ટાઈમ નહિં હૈ… ક્વિક…ક્વિક…!’
‘કૈસે…? મૅન્યુઅલ પર કૈસે લું. બતાઓ…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. પણ ફરહાને પાસવર્ડ પ્રૉટેક્ટેડ ઓટો પાયલટ કરી દીધેલ અને પાસવર્ડ બદલી નાંખેલ એટલે ઑટો પાયલટમાંથી વિમાન બહાર આવી જ ન શકે…!
‘ઓ માય ગોડ…!!’ ઓરિજીનલ સાચો પાસવર્ડ નીચેથી આવ્યો તે એન્ટર કરતા પણ મૅન્યુઅલ ન થતા વિમાન પર કન્ટ્રોલ ન જ આવ્યો. અને વિમાન ધસી રહ્યું હતું મોતના ગોળાની જેમ તારાપુર અણુ રિએક્ટર સાથે ભટકાવા…
‘ટ્રાય સમ ન્યુ પાસવર્ડ… પ્લીઝ..ક્વિક…ક્વિક…!’ નીચેથી દબાણ વધી રહ્યું હતું.
શિવાનીએ નવા નવા પાસવર્ડ એન્ટર કરવા માંડ્યા. પણ એક પણ કામ આવતો ન હતા…
ફરહાનને થોડું થોડું ભાન આવવા માંડ્યું હતું.. ગુપ્તભાગ પકડી સાતડાની માફક વાંકો વળી એ કણસતો હતો…
‘વોટ ઇસ પાસવર્ડ??’ શિવાની બરાડી, ‘યુ સન ઑફ બીચ…વોટ ઇસ પાસવર્ડ…?’ વાત કરતા કરતા એ નવા નવા પાસવર્ડ તો એન્ટર કર્યે જ જતી હતી… પાયલટની સીટ પરથી એ સહેજ ઊભી થઈ વોટર હોલ્ડરમાં મિનરલ વોટર ભરેલ હતી એ બોટલ ઉપાડી એણે ફરહાન મ્હોં પર ઠાલવી દીધી… ‘યુ બાસ્ટર્ડ…. પ્લીઝ સ્પિક અપ…ફોર ગોડ સેક… પ્લીઝ…વોટ ઇસ યોર પાસવર્ડ…??’
ઠંડું પાણી મ્હોં પર પડવાથી ફરહાનને થોડું ભાન આવતું હોય એમ લાગ્યું. એ લવારા કરવા લાગ્યો, ‘મરિયમ…મરિયમ… હમ આ રહે હૈ તુઝે મિલને…મેરી પ્યારી બહન મરિયમ!! દેખ હમને આપકે ખૂનકા કૈસા બદલા લિયા…? તબાહી મચાદી..હમને…તેરે લિયે…મરિયમ…!’
‘યુ હેવ ઓન્લી ટુ મિનિટ…કમાન્ડો શિવાની…ઓન્લી દો મિનિટ બાકી હૈ…કુછ કરો…વરના સબ મારે જાયેંગે…દેશ બરબાદ હો જાયેગા…!’
વિમાન ધસી રહ્યું હતુઃ યમરાજના પાગલ થઈ ગયેલ પાડાની માફક તારાપુર અણુ વીજળી મથક તરફ…!
શિવાનીના ધબકારા પણ વધી રહ્યા હતા. એને લાગતું હતું કે એની છાતી ફાટી પડશે…એણે ઊંડો શ્વાસ લઈ ટાઈપ કર્યુઃ mariam અને ધ્રૂજતા હાથે એન્ટરનું બટન દબાવ્યું…અને વિમાન મૅન્યુઅલ પર આવી ગયું…! એ દરમ્યાન વિમાને સારી એવી ઊંચાઈ ગુમાવી દીધી હતી…! સહુ પ્રથમ તો શિવાનીએ વિમાનની દિશા જ બદલી નાંખી…! જેથી વિમાન એટોમિક રિએક્ટર સાથે સીધે સીધું ન ભટકાય… સહેજ રાજી થતા એણે માઉથપિસમાં કહ્યું, ‘આઈ ગોટ ઈટ…!! આઈ ગોટ ઈટ…!! વેસલ્સ ઇસ ઈન માય કન્ટ્રોલ…! આઈ ગોટ ઈટ…!!  આઈ વોન્ટ ટુ ગો અપ…! હાઉ કેન.. હાઊ.. ઓવર…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. વિમાન નીચે તરફ ધસી રહ્યું હતું.
‘આઈ કાન્ટ…’લગભગ રડી પડતા શિવાની બોલી, ‘મેં ઉપર નહિં જા શકતી…! આઈ કાન્ટ…’
‘યુ કેન ડુ ઈટ…કમાન્ડો…’ હવે શિવાનીને ટ્રેઇનિંગ આપનાર કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા ગ્રાઉન્ડ કન્ટ્રોલમાં એમની રેસક્યુ ટીમ સાથે આવી ગયા હતા, ‘ઓન્લી યુ કેન ડુ ઈટ..માય ડિયર શિવાની…!!’
‘જય હિંદ સર…!!’
‘જય હિંદ ટાઈગ્રેસ…!’ કમાન્ડોની આકરી તાલિમ વખતે શિવાનીને કર્નલ ટાઈગ્રેસ કહેતા હતા, ‘લિસન…ધેર ઈસ મિડલ સ્ટીક…બ્લ્યુ…ઈન ધ મિડલ ઑફ કૅબિન…પુલ ઈટ અપ…બ્લ્યુ…કેન યુ સિ ઈટ..પુલ…પુલ… ટ્રાય ઈટ…નાઊ..યુ કેન…!’
કર્નલ જસવિંદરસીઘે સચોટ સૂચનો આપવા માંડ્યા. એમની હાજરીથી જ શિવાનીનો આત્મવિશ્વાસ બેવડાયો. શિવાનીએ બળ કરી બ્લ્યુ સ્ટિક ઉપરની તરફ ખેંચી…અને એટલે પ્લેનનું અધઃપતન અટકી ગયું. અને જરા હાલક ડોલક થઈ એ સીધી સમક્ષિતિજ ગતિમાં આવી ગયું.
‘યસ.. નાઊ આઈ એમ નોટ ફોલીંગ ડાઉન…’ શિવાનીનો ઉત્સાહ વધ્યો. પણ એ બહુ ન ટક્યો. કારણ કે વિમાન હવે તારાપુર વીજળી મથકના નો ફ્લાય ઝોનમાં બહુ નીચી ઊંચાઈએ ઊડી રહ્યું હતું. અને એમ થવાને કારણે રિએક્ટરના રક્ષણ માટે રાખવામાં આવેલ એર ડિફેન્સ રોકેટ પ્રણાલિ કાર્યાન્વિત થઈ ગઈ…કારણ કે આ તારાપુર અણુમથક પર એક હવાઈ હુમલો જ હતો. નીચેથી એક વિમાનવિરોધી તોપ ફૂટી અને એક રોકેટ ફ્લાઇટ 9W0228 બાજુમાંથી ઝુ…ઊ…ઊ…ઊ…મ કરતું પસાર થઈ ગયું…એની તણખા ધરાવતી પૂંછડી અંધકારમાં શિવાનીએ જોઈ અને એ ચોંકી ઊઠી..અને બરાડી… ‘સ્ટોપ ધ ફાયરિંગ સર…ધે આર ફાયરિંગ અસ…!’
‘સ્ટોપ ધ ડેમ ફાયરિંગ…’ કર્નલ જસવિંદર સિંઘે સિંહ ગર્જના કરી કોઈને આદેશ આપ્યો. ખરેખર તો આ વાત એમના મનમાંથી નીકળી જ ગઈ હતી એનો હવે એમને અફસોસ થવા લાગ્યો…
ઝોલા ખાતુ શિવાનીનું પ્લેઇન તારાપુર અણુવિદ્યુત મથક પર ઊડી રહ્યું હતું. પેસેન્જર ડરના માર્યા સહમી ગયા હતા. ચીસાચીસ કરી રહ્યા હતા. નીચે તારાપુર મથકની લાઈટ દેખાઈ રહી હતી. પણ હવે શું…?
‘સર! નાઉ વોટ…??’ શિવાની પ્લેઇન પર કાબુ મેળવાની પુરી કોશિશ કરી રહી હતી.
એટલામાં જ નીચેથી વિમાન વિરોધી તોપમાંથી વછૂટેલ એક રોકેટ ફ્લાઇટ 9W0228ની જમણી પાંખને છેડે જરાક ઘસરકો કરી ગયું. એ કારણે જમણી પાંખને છેડે આગ પકડી લીધી…! વિમાન ડાબી તરફ સહેજ નમી ફરી લેવલમાં આવી ગયું.
‘આઈ એમ શોટ…ડે…એ…મ…!!’ શિવાની ડરની મારી બરાડી, ‘આઈ એમ શોટ…’
વિમાનમાં મુસાફરો ચીસો પાડવા લાગ્યા. વિમાન થોડું વધારે હાલક ડોલક થતું હોય એમ લાગ્યું.
‘પ્લીઝ બી સિટેડ… બી સિટેડ…’ શિવાનીએ પીએ સિસ્ટિમ પર પ્રવાસીઓને વિનંતિ કરી ગ્રાઉન્ડ સાથે વાર્તાલાપ શરૂ કર્યો, ‘નાઉ આઈ એમ શોટ…આઈ એમ શોટ ઓન ધ એન્ડ ઑફ રાઇટ વિન્ગ… આઈ ગોટ ફાયર…આઈ નીડ ટુ ગેટ ડાઉન એની હાઉ…આઈ એમ શોટ…!! આઈ નીડ ટુ લેન્ડ નાઉ…’ નાઉ શબ્દ પર ભાર આપતા શિવાનીએ પ્લેઇન કાબૂમાં રાખતા વિચાર્યુઃ હાઉ…?? હાઉ કેન આઈ લેન્ડ નાઉ…? હાઉ…?? એ હવે મનોમન ડરી ગઈ હતી. એ જાણી ગઈ હતી કે તારાપુર અણુ રિએક્ટરને તો એ જેમ તેમ બચાવી શકી હતી…પણ…હવે…મોત સિવાય બીજો કોઈ આરો ન હતો…એક સામટા અઢીસો મુસાફરો… ઓહ… ગોડ…એણે એક કૃધ્ધ નજર ફરહાન તરફ નાંખી જે અર્ધ બેહોશ અવસ્થામાં લવારો કરી રહ્યો હતો. કણસી રહ્યો હતો..
‘યુ કેન ડુ ઈટ…!’ જસવિંદરસિંઘનો આદેશ જ આવ્યો, ‘માય ડિયર શિવાની યુ આર કમાન્ડો… બ્રેવ કમાન્ડો, માય ટાયગ્રેસ યુ વિલ લેન્ડ.. સ્યોર લેન્ડ…’
વિમાન ઊડવાને કારણે હવા લાગવાથી જમણી પાંખે ભડકો નાનો મોટો થતો હતો. અને વિમાન ડાબે પડખે થોડું નમી ગયું હતું. અને થોડું ચક્રાકારે ઊડી રહ્યું હતું.
‘રાઈટ નાઉ… શિવાની… ગ્રેજ્યુઅલી એટ ટ્વેન્ટી ડીગ્રી બ્રિંગ પ્લેઇન લોવર એલિવેશન…! ગિયર ઇસ ઇન ધ મિડલ… યુ નો..ધેટ…યુ નો..! યુ કેન ડુ ઈટ…’ જસવિંદરસિંઘે સંયત સ્વરે શિવાનીને માર્ગદર્શન આપવા માંડ્યું, ‘ ડોન્ટ વરી એબાઉટ ફાયર..ઈટ ઈસ એક્ષટરનલ…ઓનલી…! યુ આર ગોઈન્ગ ટુ લેન્ડ ઓન હોલી વોટર ઑફ અરેબિયન સિ…અરેબિયન સમુદ્રકા પાની તુઝે બચાયેગા બેટી… બ્રિંગ ટ્વેન્ટી ડિગ્રી ડાઉન એન્ડ મેઈક રાઈટ એટ ફિફટિન…! માય ટાયગ્રેસ મેઈક રાઈટ એટ ફિફટિન નાઉ…એન્ડ યુ વિલ સેઈફલી લેન્ડ ઓન હોલી વોટર ઓફ અરેબિયન સિ…ડુ યુ અન્ડરસ્ટેન્ડ…?’
‘યસ સર…!!બટ વો..ટ…ર…??’ શિવાનીએ એમના કહ્યા મુજબ કરતા કહ્યું,
‘વોટર વિલ બી ઈઝિ એન્ડ સેફર ફોર યુ…’
શિવાનીએ ખુદને કહ્યુઃ શિવુ, યુ કેન ડુ ઈટ…પ્લેઈન ધીમે ધીમે નીચે આવવા માંડ્યું. મળસ્કેના અંધારામાં કંઈ નજર આવતું નહતું. બન્ને હાથે એણે લેન્ડિંગ ગિયર પકડી રાખ્યું  હતું અને એ ધીમે ધીમે વિમાનને નીચે લાવી રહી હતી. પ્લેઇન ધ્રૂજતુ હતું…ગમે તે થઈ શકે…એને એકદમ ધ્યાનમાં આવ્યું કે પેસેંજરોને તો જાણ કરવી જરૂરી હતી, ‘વિ આર ગોઈંગ ટુ લેન્ડ ઓન વોટર ઑફ અરેબિયન સિ…ઈટ ઈસ એન ઇમર્જન્સી લેન્ડિગ…પ્લેઇન હેસ કૅપેસિટી ટુ સ્વિમ…પાની પે તૈર શકતા હૈ…! પ્લીઝ કોઑપરેટ વિથ અસ ટુ સેવ અવર લાઈવ્સ…!’ હજુ તો એ વાક્ય પુરું કરે એ પહેલાં તો વિમાનની પૂંછડી અરેબિયન સમુદ્રના પાણીને અડી…અને વિમાન પ્રતિ ધક્કાથી હવામાં સહેજ ઊછળ્યું…! શિવાનીએ લેન્ડિગ ગિયર કસીને પકડી રાખેલ પણ આ બધી ધમાલમાં એ સીટ બેલ્ટ બાંધવાનું તો વીસરી જ ગયેલ એટલે એ ફંગોળાઈ…પણ ગિયર ન છોડ્યું અને થ્રોટલ બિલકુલ બંધ કરી દઈ બળપૂર્વક લેન્ડિગ ગિયર ઉપર તરફ સહેજ ખેંચી રાખ્યું. લગભગ ચાલીસ સેકન્ડ બાદ આખું વિમાન દરિયાના પાણીની સપાટી પર આશરે એકસો વીસ માઈલની ઝડપે સરકવા લાગ્યું…!! દરિયામાં મોટા મોટા મોજાં ઊછળ્યા. વિમાનના બન્ને એન્જિનો પાણી ભરાઈ જવાને કારણે એ તરત બંધ થઈ ગયા. જમણી પાંખે લાગેલ આગ પણ દરિયાના પાણીને કારણે હોલવાઈ ગઈ. બે-ત્રણ માઈલ સરકીને વિમાન ઊભું રહી ગયું… તરવા લાગ્યું…!!
‘ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!!’ શિવાની માની શકતી જ ન હતી કે પ્લેઇન લેન્ડ થઈ ગયું છે…
ભારતીય નૌસૈનાની બચાવ નૌકાઓએ વિમાનને ઘેરી લીધું. કૉસ્ટ ગાર્ડના ચોપરોએ ફ્લડ લાઈટ ફેંકવા માંડી…! વીસ જેટલા કમાન્ડો અને ચાર તબીબોની ટૂકડી વિમાનમાં ધસી આવી…વિમાન ડૂબી ન જાય એ માટે ક્લેમ્પ લગાવી બોયાં બાંધવામાં આવ્યા. અને ત્વરાથી એક પછી એક પેસેન્જરોને કાળજીપુર્વક ઊતારી નૌકાઓમાં ચઢાવવામાં આવ્યા. શિવાની પાયલટની સીટ પર બેસી રડી રહી હતી…ધ્રૂસકે… ધ્રૂસકે…! પણ એના એ આંસુઓમાં ખારાશ ન હતી…! એ આંસુ હર્ષના હતા…વિજયના હતા… આનંદના હતા…! લગભગ આખું વિમાન ખાલી થઈ ગયું. ફરહાનના મ્હોં પર શિવાની થૂંકી, ‘ગદ્દાર…! દેશ દ્રોહી…!!’ એના બન્ને હાથ પાછળ લઈ જઈ એણે હાથકડી પહેરાવી. એ હજુ ફરસ પર પડી કણસી રહ્યો હતો…એના ગાલે બે સણસણતા તમાચા માર્યા શિવાનીએ.
એટલામાં જ શિવાની પાસે કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા પ્રગટ થયા અને શિવાને એ વ્હાલપૂર્વક ભેટી પડ્યા. એમની આંખોમાં પણ આંસુ હતા, ‘આઈ નો ઓન્લી યુ કેન ડુ ઈટ..એન્ડ માય બ્રેવ કમાન્ડો યુ ડીડ ઈટ…આઈ એમ વેરી પ્રાઉડ ઑફ યુ…ટાયગ્રેસ…!’
અરેબિયન સમુદ્રના પૂર્વાકાશમાં સૂરજ સહેજ ડોકિયું કરી શિવાનીને જોઈ રહ્યો હતો…
(સમાપ્ત)

સાભાર – સુરેશ કાક્લોતર

અપગ્રેડેસન..!!

Standard

આજ થી ૧૫ – ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નોહતી જ્યાં PCO ના હોય..પછી ધીમે ધીમે બધા ના ઘર માં લેન્ડલાઈન ની સુવિધા થાવ માંડી…

ધીમે ધીમે PCO ઓછા થવા લાગ્યા…

અને પછી વિશ્વ્ માં જન્મ લીધો મોબાઇલે…

લગભગ PCO બંધ…
                        હવે PCO વાળા એ મોબાઈલ ના રિચાર્જ અને બિલ ભરવાના કરી દીધા..અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઇન ભારત થઇ ગયા છે…                                       

  

                   

તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..?                 

            

                      આજે બજાર માં દરેક ચોથી-પાંચ મી દુકાન મોબાઈલ ની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલ ને લગતી કોઈ પણ હલી કરવી હોય…
                  આજે લગભગ બધું “Paytm” થી થઇ ગયુ છે…હવે તો લોકો રેલવે,બસ ની ટિકિટ પણ મોબાઈલ થી કરાવવા લાગ્યા છે…હવે રૂપિયા -પૈસા નું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે….
                  રોકડ રૂપિયા ની જગ્યા પેહલા પ્લાસ્ટિક  મની એ લીધી…અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઇ ગયું છે…
                  દુનિયા ખુબ ઝડપ થી બદલાઈ રહી છે…આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો…       
                   ૧૯૯૮ માં “કોડાક” કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા… થોડા જ વર્ષો માં “ડિજિટલ ફોટોગ્રાફી” એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા.. “કોડાક” દેવાળિયું થઇ ગયું… તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા.. મુદ્દા ની વાત એ છે કે.. 
તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષો માં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે…

આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઇ જશે… 

        

                  

” ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં

                         તમારું સ્વાગત છે…   ”   

                 

                    “ઉબેર” ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એકપણ કાર નથી તેમછત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે. 
              Airbnb દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે , જયારે તેમની ખુદની પાસે તો પોતાની એકપણ હોટેલ નથી…
             અમેરિકા માં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું…કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી Legal Advise  આપીદે છે…આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે…અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે…
         Watson  નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે…
અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઇ ગયું હશે…
         ૨૦૧૮ પૂરું થાય તે પેહલા પેહલા ડ્રાઈવર વગર ની કાર રસ્તા પર સેવા આપવા માટે આવિષ્કાર પામી ચુકી હશે…૨૦૨૦ સુધી માં આ એક જ આવિષ્કાર દુનિયા પલ્ટીનાંખવાની શરૂઆત કરાવી દેશે….
         આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો…. 

જે વધશે તે કાંતો Electric કાર  હશે અથવાતો હાયબ્રીડ…….

રસ્તાઓ ખાલી જોવા મળશે…

પેટ્રોલ ની નહિવત જરૂર પડશે….

આરબ દેશો મુશ્કેલી માં મુકાવા લાગશે , 

આર્થિક તાણ અનુભવવા લાગશે…
તમે પોતે Uber જેવા એક સોફ્ટવેરે થી કાર મંગાવશો અને પલભર માં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસસ આવી જશે….

અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઇક કરતા પણ સસ્તી પડશે..
         Driverless કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે….

એટલે insurance અને વીમા કંપની પણ ઘર ભેગી..!

           

       ડ્રાઈવર નામ નો રોજગાર લુપ્ત થઇ  જશે…

જયારે શહેરો અને રસ્તો પર થી ૯૦% ગાડીઓ ગાયબ થઇ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યા નો અંત આપોઆપ આવી જશે….
      એટલે સમય અનુસાર 

upgrade થાતાં રહો
– અજ્ઞાત

વ્હોટ્સઅપની વાર્તા

Standard

વ્હોટ્સ અપની વાર્તા

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
‘આન – દોલન…’
‘આન… એય આન…! તું જ્યારે માઇકમાં બોલે છે ત્યારે તારા શબ્દોની અસર વિજળીના  તેજ લીસોટા જેવી હોય છે. સામે બેસેલા બધા મંત્રમુગ્ઘ થઇને તને સાંભળ્યા જ કરે છે… તારા શબ્દોના ઉતાર ચઢાવ અને લયમાં લોકો ભીંજાઇ જાય છે… ખેંચાઇ જાય છે….!’
‘બસ… બસ… હવે…! આજના તારા મસ્કા મારવાનો ક્વોટા પુરો થયો હોય તો ઘરે જાઉં…!’ આને પોતાનો હાથ છોડાવતા કહ્યું.
‘એમ.. થાય છે કે તારો હાથ ક્યારેય ન છોડું…! તને કાયમ સાંભળ્યા જ કરું….!’
‘એ તો ગર્લ ફ્રેન્ડ હોય ત્યાં સુધી આ ડાયલોગ દરેક પુરુષ બોલે છે…. પત્ની બની ગયા પછી હાથ પકડવાનો કે સાંભળવાનો કોઇ પતિ પાસે ટાઇમ નથી હોતો…!’ અને આન તેનાથી દુર થવા ઉભી થઇ પણ ફરી દોલને ખેંચીને બેસવા આગ્રહ કર્યો.
અને ત્યાં જ કેન્ટીનમાં ત્રણેક છોકરા દોડતાં – દોડતાં આવ્યાં… ‘ અરે આંદોલન તમે અહીં બેઠાં છો…! આનની સ્પિચ પછી તો કોલેજમાં વિરોધ શરુ થઇ ગયો છે. વિદ્યાર્થીઓએ આ ડિસેમ્બર મહિનાના જુદાં જુદાં ડે ઉજવ્યાં તેને સમય, નાણાં અને સંસ્કારને લાંછન રુપ કહ્યું હતું તેના માટે આજે કોઇ ક્લાસમાં બેસીને લેક્ચર નહી ભરે તેવી સૌએ જાહેરાત કરી છે….! પહેલા આન બધાની પાસે માફી માંગે, પછી જ અમે કોલેજ શરુ થવા દઇશું તેવી જીએસે જાહેરાત કરી છે….!’
‘પણ.. મને તો જેવું લાગ્યું તેવું કહ્યું…,  ડેની ઉજવણીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર બન્નેનું ચિરહરણ થતું મેં આ કોલેજમાં જોયું એટલે કીધું…! 31સ્ટ ના નામે ડીજે અને દારુ પીને આવેલા પેલા કોલેજીયનોએ કેવો હંગામો કરેલો….!’ આને તરત જ પ્રત્યુત્તર વાળ્યો.
‘જો એ વિચારવાનો અત્યારે સમય નથી… પ્રિન્સિપાલ સર તને શોધે છે..!’ પેલામાંથી એક છોકરાએ ઉતાવળે કહ્યું.
‘તું ઘરે જા… એ તો હું સંભાળી લઇશ….!’ દોલન તરત જ આનનો હાથ છોડાવી પેલા છોકરા સાથે પ્રિન્સિપાલની ઓફીસ બાજુ ગયો.
‘પણ કેવુ પડે… તમારું બન્નેનું નામ કેવુ..? આન અને દોલન… ભેગું કરીએ એટલે થાય આંદોલન… અને તમે જ્યારે મળો છો ત્યારે કોઇને કોઇ આંદોલન થાય જ છે….!’ પેલા છોકરાએ દોલનને પીઠ પર ધબ્બો મારતાં કહ્યું.
‘હા… અમે પહેલી વાર જ્યારે મળેલાં ત્યારે પણ શહેરમાં કરફ્યુ લાગેલો… આન ને છોકરી સમજીને જવા દીધેલી અને પોલીસવાળાંએ મને તો બે ધોકા બન્ને બમ્પ પર મારેલા… એ..આંદોલન મને દસ દિવસ સુધી દુ:ખેલું…!! પણ તે પછી આન મારી થઇ ગયેલી…!’ દોલને આન તરફ છેલ્લી નજર કરતા કહ્યું.
‘હા… હવે એ તો મહોબ્બત મેં ધોકા ઔર ધોખા સભી કો મિલતા હૈ… તુમ્હે ધોકા પસંદ હૈ… ઇસલિયે પોલીસ કા ધોકા મિલા….!’ આને હસતાં હસતાં કહ્યું.
અને કતરાતી નજરે દોલન પ્રિન્સિપાલની ઓફીસ તરફ આગળ વધ્યો અને જીએસને સમજાવી મામલો થાળે પાડ્યો.
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતાં આન અને દોલન વચ્ચે પ્રેમના આંદોલન ઝડપથી આગળ વધ્યાં હતા.

આન અને દોલન બન્નેની એક ખાસીયત એ હતી કે બન્ને સારા વક્તા હતા અને કોલેજના દરેક કાર્યક્રમોમાં લીડરશીપ લેતા હતા.
એક દિવસે દોલને આનનો હાથ પકડીને બધાની વચ્ચે કેન્ટીનમાં કહેલું  ‘ જો આન તું મારી નહી થાય તો હું આંદોલન પર ઉતરી આવીશ… તારા પિતાજીને આવેદનપત્ર આપીશ.. ભૂખ હડતાલ અને અગ્નિસ્નાન પણ કરીને દેખાડીશ….!’ દોલનનો ત્યારનો સૂર પ્રેમ કરતા કોઇ આંદોલનમાં ભાગ લઇ રહ્યો હોય તે રીતનો હતો.
પણ.. તે પછી આન ધીરે ધીરે દોલન પ્રત્યે ખેંચાઇ અને બન્ને પ્રેમમાં પ્રવાહિત થઇ ગયા.
‘દોલન… આપણાં લગ્ન ક્યારે થશે…?’ આને એકવાર પુછી લીધું.

‘ક્યારે થશે તેમ નહી…. થશે કે નહી તેમ પુછ….!’ દોલને તરત જ સ્પષ્ટ કરી દીધું.
‘કેમ… આમ બોલે છે….?’ આને થોડી સ્પષ્ટતા માંગી.
‘તું’યે ગાંડી છે’ને… આપણી વચ્ચે નાત-જાતની મોટી દિવાલ છે….! તું જ્યારે ઘરમાં વાત કરીશને તે દિવસે જ ઘરમાં તારે આંદોલન કરવું પડશે…..!’ દોલને જીવનની હકીકત કહી.
‘જો પ્રેમ હોય તો… આપણને કોઇ દિવાલ નહી રોકી શકે….!’ આને ફિલ્મી ડાયલોગ સંભળાવી દીધો.
‘જોઇશું આગળ કેવી દિવાલો આવશે….અને કેવી રીતે કુદીશું… પણ અત્યારે તો પ્રેમ કરી લઇએ….!’ દોલને આખી વાત વાળી લીધી.
સમય વીતતો ચાલ્યો.. આન અને દોલન ભેગા થઇને આંદોલન બની ચુક્યા હતા.
કોલેજ પણ પુરી થવાને આરે હતી…

ઘરેથી કોઇ સહકાર નહી મળે એટલે કોર્ટ મેરેજનું બન્નેએ વિચારી લીધું.
‘આ કમૂરતા ઉતરે એટલે કોર્ટ મેરેજ….!’  આને પોતાનો નિર્ણય દોલનને કહી દીધો.
દોલન માટે તો આન જેવી છોકરી મળવી એટલે કાગડો દહીંથરુ લઇ ગયો એમ જ કહેવાય…!
દોલને તો તરત જ કહેલું, ‘ કોર્ટ મેરેજમાં મૂહૂર્ત નહી માત્ર ઉંમર જોવાની હોય છે…!’
અને બન્નેએ તારીખ નક્કી કરી લીધી.

આન જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઇ રહી હતી અને પહેલીવાર તે પોતાના મમ્મી પપ્પાને જણાવી નહોતી રહી તેનો વસવસો હતો પણ ઉંમરની નાદાનિયત તેને પ્રેમ તરફ ખેંચી રહી હતી.
આજ દિન સુધી બન્ને જ્યારે મળતાં ત્યારે શહેરમાં હંમેશા કોઇને કોઇ અશાંતિ ફેલાઇ જ હતી.
અને કોર્ટ મેરેજના આગળના દિવસે જ શહેરમાં જાતિવાદ વકરી ગયો. શહેર બંધ કરવાનું એલાન થઇ ગયું.
અમારી જ્ઞાતિના લોકોને જો કાંઇ થાય તો અમે ચૂપ નહી બેસીએ…. તેમ ધીરે ધીરે આ દાવાનળ જુદા જુદા રાજ્યોમાં પણ પ્રસરી રહ્યો હતો.
શહેર બંધ અને ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે તેવું ઉગ્ર આંદોલન પણ શહેરમાં શરુ થઇ ગયું હતું.
આન તેના પિતાજી સાથે ખરીદી માટે નીકળી હતી તે શહેરની પરિસ્થિતિથી અજાણ હતા… અને એકાએક સામેથી મોટું ટોળું આવ્યું અને લોકો પર દુરથી પથ્થરમારો શરુ કર્યો.

આનના પિતાજીએ તરત જ પોતાનો હેલ્મેટ પોતાની દિકરી આનને પહેરાવી સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા..
આંદોલન ઉગ્ર હતું… પોલીસ આવી… પોલીસને જોઇ ટોળું વધુ ઉશ્કેરાયું અને જોર જોરથી પથ્થરમારો કરવા લાગ્યું… 
જો કે આન હેલ્મેટના કારણે બચી ગઇ, પણ તેના પપ્પાના ખુલ્લા માથા પર પથ્થરોએ ભારે ઇજા કરી.

એક ક્ષણમાં તો પપ્પાના માથામાંથી લોહીની ધાર થવા લાગી.
આન તો પપ્પાનું માથું પકડીને બેસી ગઇ.. તે ક્રુર નજરે ટોળા સામે તાકી રહી હતી.. 
હેલ્મેટના કાચમાંથી સામે ટોળામાં દોલન દેખાયો.. તે પણ બધાને આંદોલનને તીવ્ર બનાવવા ઉશ્કેરી રહ્યો હતો… પોલિસે ટીયર ગેસ છોડીને ટોળાને વેરવિખેર કર્યુ… 
આન અને તેના પિતાજી માંડ માંડ હોસ્પિટલે પહોંચ્યા..
લોહી ખૂબ વહી ગયું હતું… લોહીની જરુર ઉભી થઇ… આંદોલનની અસરને કારણે શહેર બંધ હતું. સિવિલ સુધી પહોંચવામાં જોખમ હતું.. પણ… પોતાને હેલ્મેટ આપીને બચાવનાર પપ્પા માટે આને જોખમ લીધું.. આને જોયું કે એક દિવસમાં તો શહેરને કાળો રંગ લાગી ગયો હતો… સળગતા ટાયરોનો ધુમાડો…. તોડી નાખેલી દુકાનો… સળગીને રસ્તામાં ઉભેલી સરકારી બસ… બધું જ જોતા હૈયું ભરાઈ આવ્યું…
આખરે  મહામહેનતે એક બોટલ લોહી મળ્યું.. આંદોલનમાં અનેક ઘવાયેલા હોવાથી શહેરમાં લોહીની અછત ઉભી થઇ હતી….
આને જોયું કે અત્યાર સુધી દસેક વાર દોલનના ફોન આવી ચુક્યા હતા.

લોકોને ઉશ્કેરતા તે ચહેરા પર પહેલી વાર આનને નફરત થવા લાગી હતી.
ફરી ફોન વાઇબ્રેટ થયો… દોલન વારેવારે ફોન કરી રહ્યો હતો.

આને કોલ રીસીવ કર્યો તરત જ સામે છેડેથી અવાજ આવ્યો, ‘ મારી દુલ્હન… કાલે તૈયાર રહેજે…! આપણે હકીકતમાં અંદોલનની સાથે જ આન અને દોલન એક થશે. અને હા.. અમે બધાએ આંદોલન શરુ કર્યુ છે. અમારી જ્ઞાતિનું અપમાન અમે સહેજે’ય નહી સાંખી લઇએ. આવતીકાલે….!’
‘સાંભળ દોલન….!’ આને અધવચ્ચે અટકાવતા કહ્યું પણ દોલન કાંઇપણ સાંભળવા તૈયાર નહોતો. 
તેને પોતાનું કહેવાનું ચાલુ રાખ્યું, ‘ તારી વાત પછી….! આવતીકાલે સવારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ.. અને તારે તેમા ધારદાર પ્રવચન આપવાનું છે. આખરે હવે તું પણ મારી જ જ્ઞાતિની થવાની છે.. અને એક ધમાકેદાર આંદોલનના પડઘમ સંભળાવી પછી આપણે કોર્ટ મેરેજ કરીશું… આખરે આપણું નામ કુદરતી રીતે આંદોલન જ છે જે કાલે સાબિત  કરી દઇશું.’
‘પણ.. દોલન…!’ આન વિનવતી ગઇ પણ દોલને ફરી કહી દીધું.
‘આવતીકાલે બરાબર અગીયાર વાગે કલેક્ટર ઓફીસ સામે અને પછી સાડા બારે કોર્ટ મેરેજ…!’ એટલું કહી દોલને ફોન મુકી દીધો.
ફોન કટ થતાં આન એક હાથમાં લોહીની બોટલ અને એક હાથમાં ફોન લઇને ધ્રુસકે ધ્રુસકે રડી પડી…
આ દોલન જેને હું પ્રેમ કરું છું.. મારી જિંદગી આપી રહી છું.. તે મને આંદોલન કરાવીને.. લોકોને ભડકાવીને પછી આન-દોલનનો મિલાપ થશે તેવું ઝંખી રહ્યો છે… મારે તેને શીખવવું જ પડશે…
અને આન કોઇ વિચાર કરી ઉભી થઇ.

બ્લડ બેંકના ડિરેક્ટર સાથે થોડી વાતચીત કરી અને આવતીકાલનો પ્રોગ્રામ ગોઠવીને પોતાના પપ્પાને લોહી પહોંચાડવા ઝડપથી  હોસ્પિટલ તરફ ગઇ અને રાત્રે લોહીની બોટલ શરુ કરી દીધી.
પપ્પાને સારું થતા આન પપ્પાને વળગી પડી,’પપ્પા, સોરી….!’ અને ધુસકે ને ધુસકે રડી પડી.
‘કેમ સોરી…?’ પપ્પાએ પુછ્યું.
આને પોતાના આંસુ રોકીને કહ્યું, ‘ એ તો એમ જ…. પણ પપ્પા તમે મને હેલ્મેટ કેમ આપી દીધો..?’
‘અરે.. બેટા… તારો બાપ છું… અને મારી નજર સામે તને એક ઉઝરડો પડેને તો’ય મારું કાળજુ ચિરાઇ જાય… તને જો ક્યાંક પથ્થર વાગી જાય તો તને જે દર્દ થાય તેના કરતા વધુ દર્દ તો મને થાય. વળી,  આખી જિંદગીનો વસવસો રહી જાય કે મારું માથું સલામત રાખવા દિકરીને સુરક્ષિત ના રાખી શક્યો. બેટા કોઇપણ બાપ પોતાની દિકરી માટે હેલ્મેટ તો શું આખું માથું પણ આપતા ક્ષણનો’ય વિલંબ ના કરે…!’
આન ફરી ચોધાર આંસુએ રડી અને વળગી પડી અને મનોમન બબડી, ‘  જે બાપ મને એક ઉઝરડો પણ ના પડવા દે અને મારા માટે હસતા મુખે માથું પણ મુકી શકે તેનું જ માથું દુનિયા સામે શરમથી ઝુકી જાય તેવું કામ કરવા હું જઇ રહી હતી….! ભગવાન મને માફ કરી દે..!’

આંસુની ગંગાથી આન પવિત્ર બની હતી.
બીજા દિવસે સવારે દોલને કહ્યા મુજબ અગિયાર વાગે આન કલેક્ટર ઓફીસ પહોંચી. લોકોનું મોટું ટોળું ઉભું હતું. દોલન આનને જોઇને ખુશ થઇ ગયો. તેને આનને સ્ટેજ પર આવકારી અને સ્પિચ આપવા કહ્યું.
આને માઇક હાથમાં લીધું અને પોતાની ધારદાર સ્પિચથી શરુઆત કરી, 
‘સર્વે આંદોલનકારી ક્રાંતિકારીઓ… તમારી શક્તિને હું નમન કરું છું… આજે એક દિવસમાં જ આપણે આખા શહેરને બતાવી દીધું કે અમારું અપમાન કરશો તો અમે ચુપ નહી બેસી રહીએ….! શહેરને ભડકે બાળીશું… શહેરને બંધ કરાવી દઈશું…!’
આનની ધારદાર શરૂઆતમાં જ સૌએ તાળીઓનો વરસાદ વરસાવી દીધો.
‘અને… આપણી તાકાત આજે બધાને બતાવી દઇશું… આ આવેદન માત્ર કાગળ નથી આપણો જુવાળ છે અને યુવાનોની હૈયાવરાળ છે… સાચુને….?’
આને આવેદનપત્ર ઉંચો કરીને કહ્યું.

સામે બધાએ એકસાથે જોરથી પ્રત્યુત્તર વાળ્યો, ‘ એકદમ સાચુ.’ 
‘તો પછી યુવાનો આજે થાવ તૈયાર કારણ કે કોઇ માઇનો લાલ આપણી સામે આંગળી ચિંધી ના શકે…!’
સભામાંથી અવાજ આવ્યો, ‘ અમે તૈયાર છીએ… તૈયાર છીએ…!’
‘બસ… તો પછી આજે આપણે એક નવું જ આંદોલન કરીશું જેમાં અહીં આપણે રક્તદાન કેમ્પ કરીએ છીએ અને આપણે બ્લડ ડોનેટ કરી આ આંદોલનમાં ઘવાયેલા લોકો માટે લોહીની બોટલ મોકલાવીશું અને બધા પોતાનું ડોનેશન આપી જે કોઇ સરકારી સંપત્તિને નુક્શાન કર્યુ છે તેની ભરપાઇ પેટે આ આવેદન પત્ર સાથે તે દાનની રકમ પણ જમા કરાવીશું. જેથી બધા જ જાણે કે આ આંદોલન હિંસક નહી પણ પ્રેમનું હતું… વેરઝેરનું નહી પણ ભાઇચારાનું હતું… તો તૈયાર છો ને બધા…..!’
‘હા… તૈયાર…!’ બધા એકસૂરે આનની વાતમાં ખેંચાઇ ગયા હતા.
અને તે દિવસે આને આંદોલનકારીઓના દિલમાં અપમાન નહી પણ સન્માનનું આંદોલન જગાવી દીધું. આંદોલનકારીઓનો જુવાળ સમાજમાં અશાંતિ માટે નહી પણ સામાજિક સમરસતા તરફ વાળી દીધો.
દોલન આનને મળવા નજીક આવ્યો પણ આને તેને રોકતા કહ્યું, ‘દોલન આપણું આંદોલન અહીં જ સમાપ્ત થાય છે. આપણાં નામના શબ્દોનો મેળ પણ અરાજકતા તરફ દોરે છે. જે મને કદી’યે મંજુર નથી. હવે કોઇ મુહુર્ત કે તારા આવેદનની મારે જરુર નથી. ગઈકાલે તારા ફેંકાયેલા પથ્થર અને મારા પિતાએ આપેલા હેલ્મેટથી હું જીવનને સમજી ચુકી છું. ’ 
એટલું કહી આન ટોળાં વચ્ચેથી સરકીને પોતાના પિતાજીની સુરક્ષિત છત્રછાયામાં પહોંચી ગઇ.
સ્ટેટસ

‘ચલોને આંદોલન એવું કરીએ, જ્યાં

ભેદભાવ નહી હેતભાવ જ જન્મે….!’
લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

તા. ૦૭/૦૧/૨૦૧૮

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત 

સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,

ચાર રોમાંચ જીંદગીના
અને સ્વવિકાસ માટેનું પુસ્તક

હું – ખોવાયેલા ખુદની શોધ
આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.

ભારતીયતાનો પરિચય

Standard

ભારતીયતાનો પરિચય
– અવંતિકા ગુણવંત
ફ્રેન્કફર્ટથી બોમ્બે આવતા વિમાનમાં કિન્નરીની બાજુની સીટમાં લારી નામનો એક ઈટાલિયન બેઠો હતો. પચાસેક વર્ષની ઉંમરનો હતો. એનો જન્મ ઈટાલીમાં થયો હતો પણ હાલમાં એ કુટુંબ સાથે અમેરિકામાં વસ્યો હતો. એની કંપની તરફથી ધંધાર્થે એ ઈજિપ્ત, રોમ, આફ્રિકા, સાઈબીરીયા, ફ્રાન્સ, જર્મની, રશિયા, ઈંગલેન્ડ એમ કેટલાય દેશોમાં ફરતો હતો. ભારતમાં બે વાર આવી ગયેલો. એ એની ત્રીજી ટ્રીપ હતી.
એણે એના મોંમા સળગાવ્યા વિનાની દેશી બીડી રાખી મૂકેલી. કહે, ‘બીડી પીવાની મનાઈ છે, મોંમાં મૂકી રાખવાની મનાઈ નથી. મને આવું કરવાની મઝા આવે છે.’ થોડી વાર થઈ એટલે એરહોસ્ટેસ ડ્રીંક્સ લઈને આવી. કિન્નરીએ નારંગીનો રસ લીધો. લારીએ વાઈન લીધો. એણે કિન્નરીને પૂછ્યું : ‘તમે કેમ વાઈન નથી લેતા ?’

‘હું વાઈન નથી પીતી. મેં કદી ચાખ્યોય નથી.’

‘ચાખવાનો, શું કરવા નથી ચાખતાં ? પીવા જેવું પીણું છે.’

‘અમારા ગુજરાત રાજ્યમાં એના પર કાયદેસર પ્રતિબંધ છે. અમારા ધર્મમાં એનો નિષેધ છે.’ કિન્નરીએ કહ્યું.

‘તમારાં મા-બાપે પહેલેથી નિષેધ કર્યો હશે એટલે કદી તમને ચાખવાનો અવસર જ નહિ મળ્યો હોય.’ લારીએ મજાકભર્યા સૂરમાં કહ્યું.

‘હા.’ કિન્નરીએ સરળતાથી ઉત્તર આપ્યો. સફરમાં એ એકલી જ હતી. અમેરિકાથી ભારત જતી હતી. એનેય આ સહપ્રવાસીની સાથે વાત કરવાની મઝા આવતી હતી. લાંબી સફરમાં વાતો કરનારની ઝંખના અવશ્ય રહે છે.

‘એટલે કે તમે વાઈન ચાખ્યો નથી, કારણ કે આજ દિન સુધી એ માટે તક નહોતી મળી. પણ આજે તો તમને પૂરી તક છે. તમને જોનાર કોઈ નથી, અટકાવનાર કોઈ નથી તો લો ને. લઈ લો.’

‘ના. મને ઈચ્છા નથી થતી.’

‘ઈચ્છા નથી થતી કે હિંમત નથી ચાલતી, લેતાં ડરો છો ?’

‘ના રે, ડરવાનું શું કામ ? અહીં તો છૂટ છે. કોઈ કાયદાનો પ્રતિબંધ નથી.’

‘તો ચાખો.’ કહીને લારીએ ગ્લાસ કિન્નરીના મોં સામે ધર્યો.

કિન્નરીએ વાઈનનો ગ્લાસ સૂંઘ્યો ને બોલી, ‘મેં ટેસ્ટ કરી લીધો.’
‘કેવી રીતે ?’

‘નાકથી સૂંઘીને’

‘કેવો લાગ્યો ?’

‘ખરાબ નથી.’

‘તો તો આગળ વધો. હવે જીભથી ટેસ્ટ કરો. મોં વાટે ગળામાં ઉતારો.’ લારી મસ્તીથી બોલ્યો.

‘ના મેં સૂંઘ્યો એ પૂરતું છે.’ કિન્નરીએ કહ્યું.

‘સેંકડો હજારો વર્ષથી દુનિયામાં દારૂ પીવાતો આવ્યો છે. તમારા દેશમાંય પીવાતો હતો અને પીવાય છે. તમારા રાજ્યમાં બંધી કરી છે એ બિનજરૂરી છે.’ લારીએ કહ્યું.

‘નશાકારક પીણાં પીને માણસ સાનભાન ભૂલી જાય એ પીણાંની બંધી જ હોવી જોઈએ.’ કિન્નરીએ કહ્યું.

‘હું વાઈન લઉં છું. મને તો એનાથી કોઈ નુકશાન નથી થયું.’ લારીએ કહ્યું.

‘એ તમારો અનુભવ છે.’ કિન્નરીએ કહ્યું.

‘હું ચાખીને અનુભવ કરીને બોલું છું. જ્યારે તમે ચાખ્યા વગર અનુભવ કર્યા વિના બોલો છો. બુદ્ધિમાન માણસ કદી આવું કરે ?’ લારીએ પૂછ્યું.

કિન્નરી બોલી, ‘દરેક વસ્તુના ગુણધર્મ જાણવા, એને અજમાવવી જોઈએ એવું નથી. ઝેર પીવાથી મરી જવાય. એ બીજાના અનુભવે જાણ્યું છે, એની પર વિશ્વાસ મૂકવાનો. આપણે જાતે ઝેર પીને અજમાવવાની જરૂર નથી. આપણે બુદ્ધિમાન છીએ, બીજાના કહેવા પર ભરોસો રાખી શકીએ.’
‘તમે બીજા પર કેટલો ભરોસો કરો ?’ લારીએ પૂછ્યું.

‘સંપૂર્ણ’ કિન્નરી આત્મવિશ્વાસથી બોલી.

લારી એકદમ કિન્નરીના હાથનું કાંડું પકડે છે. કિન્નરી હાથ છોડાવી લેતી નથી કે ચહેરા પર કોઈ પ્રતિભાવ નથી આપતી. કંઈ બોલતી નથી, જરાય વિચલિત નથી થતી.

લારી બોલ્યો, ‘મેં તમારો હાથ પકડ્યો છે.’

‘જોઈ રહી છું.’ સ્વાભાવિક કંઠે કિન્નરી બોલી.

‘છોડાવી કેમ નથી લેતાં ?’ લારીએ પૂછ્યું.

‘શું કામ છોડાવી લઉં ?’

‘મેં તમને સ્પર્શ કર્યો છે. હું એક પુરુષ છું. તમે એક સ્ત્રી છો. આપણે સાવ પરિચિત છીએ. પ્રથમ વાર જ એકબીજાને જોયાં છે. આપણો દેશ જુદો છે. ભાષા જુદી છે. સંસ્કાર જુદા છે. સંસ્કૃતિ જુદી છે. તમે સાવધ કેમ નથી બની જતાં ?’

‘તમારા સદભાવ માટે મને કોઈ શંકા નથી. હું એક સ્ત્રી છું માટે તમે મને સ્પર્શ નથી કર્યો. હું કોઈ વિકાર નથી અનુભવતી. આ વાતાવરણ જેમ મારી ચામડીને અડે છે, તેમ અમારો હાથ હાથ અડે છે.’ કિન્નરીએ કહ્યું.

‘આ પ્લેનમાં બીજા ઈન્ડિયનો છે. તમારા સમાજમાં કોઈ પુરુષ સ્ત્રીને અડે, આમ હાથ પકડે તો ખરાબ દેખાય તોય તમે હાથ કેમ ખેંચી નથી લેતા ? તમને ડર નથી ? તમારી ટીકા થશે ?’ લારીએ પૂછ્યું.

‘માણસ માણસની વચ્ચે સદભાવ હોય છે. માણસના હૃદયમાં સદભાવ હોય છે. હું એ સદભાવમાં વિશ્વાસ રાખું છું. આપણી આ ક્ષણની મૈત્રીમાં વિશ્વાસ રાખું છું. હું તમને અપમાનિત કરવા નથી માગતી. હું પરિપક્વ ઉંમરની છું.’

‘તમારી ઉંમરની વાત કેમ વચ્ચે લાવ્યા ? મેં ક્યાં તમારી ઉંમર પૂછી છે ? તમે પરિપક્વ ઉંમરના છો. એમ કહેવા પાછળ તમારો શું આશય છે ?’

‘મારો આશય એક જ છે કે હું ઠરેલ બુદ્ધિની છું. એ તમે જાણી શકો. બાકી ઉંમર તો એમ જ કહેવાઈ ગઈ.’ ‘ના એમ જ નથી કહેવાઈ ગઈ. તમે તમારી ઉંમરથી સભાન છો. ઉંમર કહીને તમે એવું સૂચવવા માગો છો કે તમે હવે યૌવનાવસ્થા વટાવી ચૂક્યાં છો. તમારામાં પ્રેમનાં તોફાન ન જાગે. પ્રેમની મસ્તી ન જાગે. એટલે પુરુષ તમને જોઈને ચંચળ ન બને, ઉન્મત ન બને, બેચેન ન બની બેસે, તમારી ગંભીરતા આપોઆપ એને ઠંડો પાડે.’ લારીએ સ્પષ્ટતાથી કહ્યું.
કિન્નરી ક્ષણાર્ધ માટે તો ચમકી ગઈ. પણ પછી બોલી, ‘મેં આવી દષ્ટિથી વિચાર નથી કર્યો. હું યુવાન હતી ત્યારેય હું ડરતી ન હતી. હું માણસમાં વિશ્વાસ કરું છું. હું મારી જાતમાં વિશ્વાસ કરું છું ને માણસાઈમાં વિશ્વાસ કરું છું. નીડરતાથી જીવવાનું અમે શીખ્યા છીએ.’ લારીએ હાથ છોડી દીધો ને થોડી વારે ગાઢ સ્વરે બોલ્યો, ‘તમે જેને પ્રિય છો એ તમને ક્યા નામથી બોલાવે છે ?’

‘મારું નામ કિન્નરી છે, પણ તેઓ લાડમાં મને કિનુ કહે છે.’ કિન્નરીએ કહ્યું.

‘તો હું તમને એ નામથી બોલાવું ?’

કિન્નરી હસી. એ લારીને જોઈ રહી.

‘તમને કિનુ કહું તો તમને વાંધો છે ?’ લારીએ ફરીથી પૂછ્યું.

‘મને શું કામ વાંધો હોય ? મને ક્યા નામથી બોલાવવી એ તમારે નક્કી કરવાનું છે. મારે તો માત્ર જવાબ આપવાનો છે.’
કિન્નરીની વાતો, વર્તન અને વિચારોથી લારી એકદમ પ્રભાવિત થઈ ગયો. એ બોલ્યો : ‘હું બે વાર મુંબઈ આવી ગયો છું. ખાસ્સા દિવસ રોકાયો છું. ઘણી સ્ત્રીઓ સાથે વાત કરી છે. મૈત્રી કેળવવા પ્રયત્ન કર્યો છે, પણ તેઓ ભડકીને દૂર ભાગે છે. કોઈ આટલી સરળતાથી આવા સ્વાભાવિકપણે, આવા ગૌરવથી મળતું નથી. બોલતું નથી.’
કિન્નરીએ કહ્યું : ‘તમે કલબમાં જતાં હશો ત્યાં અમુક જ પ્રકારની સ્ત્રીઓને મળ્યા હશો. તમે કોઈ ભારતીય ગૃહસ્થના ઘરે ગયા છો ? અમારી પરંપરા પ્રમાણે જીવતા ટ્રેડીશનલ ગૃહસ્થના ઘેર ? ભારતનાં ગામડાંમાં જાઓ. એક વાર ત્યાં જાઓ, એમને મળો, ત્યાં ગૃહિણી ગમે તે ઉંમરની હશે પણ તમને સૌજન્યપૂર્ણ આવકાર આપશે. હેતથી તમારી સાથે વાતો કરશે, જમાડશે. તમારી સરભરા કરશે. ત્યાં એક માનવીય ગરિમા હશે. ભારતીય માનસનો સાચો પરિચય મેળવવો હોય તો પરંપરાના સંસ્કાર પામેલા કોઈ કુટુંબમાં જાઓ. કલબમાં કે અત્યારની ઑફિસોમાં કે કૉલેજોમાં નહિ. અમારે ત્યાં કોઈ સ્ત્રીને મિસિસ કે મિસ કે પુરુષને મિસ્ટર કહીને બોલાવવાનો રિવાજ નથી. માણસ અજાણ્યો હોય, પહેલી વાર મળતો હોય તોય એને ભાવથી સગાઈ સૂચક સંબોધન કરાય છે. અમારે ત્યાં અજાણ્યા પર વિશ્વાસ કરાય છે. એના આદરસત્કાર થાય છે. તમે જાઓ એટલે કોઈ તમને ભાઈ કહીને બોલાવશે. કોઈ વયોવૃદ્ધ સ્ત્રી દીકરો માનશે, નાનાં બાળકો કાકા-માસા જેવું મીઠું સંબોધન કરશે. તમને સગાઈના દોરમાં બાંધી દેશે. તમને પોતાપણાની હૂંફ-ઉષ્મા અનુભવવા મળશે. તમને કોઈ નવો અનુભવ થશે.’
‘મને અહીં તમારી પાસેથી જ એ અનુભવ મળ્યો છે. હું તમારો આભાર માનું છું.’ લારીએ કહ્યું.
( સમાપ્ત ) 

પધરામણી

Standard

પધરામણી
~ નટવર મહેતા 
દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. આજથી ચારેક વરસ પહેલાં એ અહિં અમેરિકા આવ્યો હતો. મોટી બહેન ગીતાએ એની પિટિશન ફાઈલ કરી હતી. જે નવ વરસના લાંબા ઈંતેઝાર બાદ ઓપન થઈ હતી. બનેવી જશુભાઈ તો ફાઈલ કરવા માંગતા જ નહોતા. કે’તા કે અહિં હવે પહેલાં જેવું નથી. વળી દિનુ કંઈ ખાસ ભણેલ નહોતો. અહિં આવીને શું કાંદા કાઢવાનો? દિનુની વિનવણી અને બહેનના મનામણાં બાદ એમણે ફાઈલ કરી. દિનુ આવ્યો ને થોડા દિવસમાં જ બનેવીએ એને કહ્યું, ‘જો દિન્યા…, આ અમેરિકા છે. તું એમ માનતો હોય કે અહિં ઘી-કેળાં છે તો એ માન્યતા છોડી જે દેજે. અહિં પરસેવાની કિંમત છે. આ તક અને લકનો દેશ છે. તક ન મળે તો ઊભી કરવાની. પણ લક ન હોય તો કંઈ ન થાય. વીસ વરસમાં મેં કરોડપતિને રોડપતિ થતા જોયા છે તો રોડ પર રખડતાંને મર્સિડિઝમાં મહાલતા જોયા છે. તારે તારું ફોડી લેવાનું.’ અને બનેવીએ ઉમેર્યું, ‘તારે કેવી નોકરી કરવી એ તારા પર નિર્ભર છે. મારા કન્વિનિયન સ્ટોરમાં કે ગેસ સ્ટેશનો પર તને કામ પર રાખવાનો નથી. ધંધામાં સગાઓને મેં કદી રાખ્યા નથી. એમાંથી ઘરમાં ઝગડો ઘૂસે. મને એ ન ગમે. સો જૉબ શોધવા માંડ. અને જેમ બને એમ જલદી અહિંથી મૂવ થા.’
‘પણ..’ બહેન ગીતાએ સહેજ અચકાઈને કહ્યું, ‘એને લાયક કામ તો મળવું જોઈએને..!’
‘….તે શોધવાનું. એને લાયક એક જ કામ અત્યારે તો મારા ધ્યાનમાં છે. મોટેલમાં..!’ જશુભાઈએ સહેજ ચીઢાયને કહ્યું, ‘બીએ થયેલાથી બૉસ ન બનાય. મોટેલમાં લાગી જા. ત્યાં રૂમો બનાવવાની, મગજ બહુ ખાસ ચલાવવાનું નહિ, અને મોટો ફાયદો એ કે રે’વા માટે એકાદ રૂમ મળી જાય તો રેન્ટ ન આપવું પડે. કામનું કામ અને રહેવાનું મફતમાં. એમાં પણ હવે તો કોમ્પિટિશન છે. આપણા દેશીઓ રહેવા મળે તો સાવ મફતમાં કામ કરવા તૈયાર છે એવું ય સાંભળવા મળ્યું છે. એટલે એ કામ મળી જ જશે એવું પણ નથી. ટ્રાય કર. તારું નસીબ હોય તો કંઈ મળી પણ જાય. લે આ પેપરમાં ઘણી જાહેરાતો છે. મોટેલ હેલ્પ માટેની. ફોન કરવા માંડ.’ કહીને એમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ અખબારોની અમેરિકી આવૃત્તિના ચાર-પાંચ પેપરો દિનુને આપ્યા, ‘ જેમ બને એમ જલદી અહિંથી નીકળવાની કોશિશ કરજે. એવું ન થાય કે પછી મારે…’ બનેવી જશુભાઈ શબ્દો ગળી ગયા પણ એનો ભાવાર્થ દિનુ સમજતો હતો. એણે બહેન તરફ એક નજર કરી પણે બહેને પણ નજર ફેરવી દીધી.
-આ અમેરિકા છે! દિનુને અત્યારે પણ બનેવીના શબ્દો યાદ આવી ગયા..અને એક પ્રશ્ન થયોઃ શું આ અમેરિકા છે? આ પ્રશ્ન એને કેટલાય વખતથી સતાવતો હતોઃ આવું અમેરિકા?! જ્યાં લીલાછમ ડોલરની બોલબાલા હતી અને લીલીછમ લાગણીઓની કોઈ કિંમત નહોતી!
કેટ કેટલાં અરમાનો સાથે એ આવ્યો હતો અહિં? એક વાર અમેરિકા પહોંચી જવાય તો બસ પછી કિસ્મતના દરવાજા ખૂલી જાય. દરવાજા તો ઘણા હતા પણ બધા બંધ હતા..એની ચાવી નહોતી. હતી એ મળતી નહોતી. જેણે કદી ય પોતાની પથારી જાતે પાથરી નહોતી એણે દિવસના ચાલીસથી પચાસ બેડ બનાવવા પડતા..રૂમો બનાવવા પડતા…ગંદા-ગંધાતા સંડાસ-બાથરૂમ સાફ કરવા પડતા…! મેલી ચાદરોની લૉન્ડ્રી કરવી પડતી!! અને દિવસના અંતે શું મળતું?? એક રૂમ દીઠ ચાર ડોલર ને ઢગલો થાક…! આકરી હતાશા…! નરી નિરાશા…!!
-ના, આવું ક્યાં સુધી? દિનુ વિચારતો રહેતો…! આવું ક્યાં સુધી…!?
-હે પ્રભુ બતાવી દે કોઈ તદબીર કે સુધરી જાય આ બગડેલ તકદીર…!!
ધીરે ધીરે એક પછી એક મોટેલ બદલતા બદલતા છેલ્લા ત્રણ વરસથી દિનુ આ એકસો વીસ રૂમની ‘ડેઈઝ ઈન’ મોટેલમાં કામ કરતો હતો. એના માલિક હતા સુનિલભાઈ. એમની પાંચ મોટેલ હતી. કરોડોમાં રમતા હતા. થોડા વિચિત્ર હતા. એમના હાથમાંથી પણ પૈસો સહેલાઈથી છૂટતો નહિ. કોની પાસે કેવું કામ લેવું એ એમની આગવી આવડત હતી. દિનુને ક્યારેક અહિં નાઈટ શિફ્ટમાં ડેસ્ક સંભાળવાની આવતી. એટલે રૂમ બનાવવામાંથી ક્યારેક છુટકારો મળતો. નાઈટ શિફ્ટમાં કામ થોડું ઓછું રહેતું પણ ઊંઘનું બલિદાન આપવું પડતું તો દિવસે રૂમ બનાવી થોડા વધારાના ડોલર પણ મેળવી શકતા. પરન્તુ, આ રીતે કંઈ પૈસા બનાવાય નહિ. દિનુ વિચારતોઃ એક વાર પૈસા આવે તો કંઈ વાત બને. જિંદગી બને. લગ્ન કરાય…! બરાબર સેટલ થવાય! પોતાનું હોય એવું કંઈ કરી શકાય…! ડેસ્ક માટે સુનિલભાઈને સમજાવતા સમજાવતા પણ દિનુને નાકે દમ આવી ગયો હતો. જેમ તેમ સુનિલભાઈ માન્યા એ પણ નાઈટ શિફ્ટ માટે જ! સુનિલભાઈની માન્યતા હતી કે, દેશીઓને ડેસ્કની જૉબ ન અપાય. દેશીઓને જોઈ કસ્ટમર ઓછા આવે! દેશીઓ તો અંદર હાઉસકિપર તરીકે જ સારા…!
શાવર લઈને દિનુ બાથરૂમની બહાર આવ્યો ત્યારે જ ફોનની રિંગ વાગી. માઈક્રોવેવના ઘડિયાળ તરફ એણે એક નજર કરી. અત્યારે રાતે નવ વાગે કોણ હશે વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હલો…!!’
‘દિ…ઈ…નુ…ઊ…!!’ સામે સુનિલભાઈ હતા. આમ તો એઓ અઠવાડિયે એક વાર આવતા. મોટે ભાગે વિક એન્ડમાં. આમ અચાનક સુનિલભાઈનો ફોન આવ્યો એટલે દિનુને સહેજ આશ્ચર્ય થયું, ‘આઇ વોન્ટ ટુ સી યુ નાઉ…’ સુનિલભાઈએ કહ્યું, ‘ડુ યુ અન્ડરસ્ટેન્ડ…!’ ગુસ્સામાં હોય ત્યારે સુનિલભાઈ મોટે ભાગે અંગ્રેજીમાં બોલતા અને એમના અવાજ પરથી લાગતું હતું કે, સુનિલભાઈનો પારો સાતમા આસમાને હતો.
‘ય…સ…!’ દિનુએ ધીમાં અવાજે કહ્યું. જલદી જલદી સ્વેટ સ્યુટ ચઢાવી એ સુનિલભાઈની ઑફિસ તરફ ગયો. સુનિલભાઈની ઑફિસ બે માળના મોટેલના મકાનના એક ખૂણે આવેલ હતી. એનો બંધ દરવાજો ધીરેથી ખોલી એ ઑફિસમાં દાખલ થયો.
‘બો…લો…ભાઈ, કેમ યાદ કર્યો…?!’ દિનુએ ધીમેથી પૂછ્યું.
‘……………’ સુનિલભાઈ મૌન. પણ એમનો ગુસ્સો એમની આંખોમાંથી વરસતો હતો.
દિનુ ડરી ગયો. સુનિલભાઈના ભારેખમ શ્વાસોશ્વાસનો અવાજ પણ તેજ થઈ રહ્યો હતો.
‘પેક અપ યોર બેગ્સ…એન્ડ ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ…! યુ બાસ્ટર્ડ…!’ પોતાની રિવૉલ્વવિંગ ઑફિસ ચેરને ગુસ્સાથી ગોળ ઘુમાવી બોલ્યા.
‘પ…ણ…’ દિનુને કંઈ સમજ ન પડી.
‘યુ…સન ઑફ…!’ સુનિલભાઈના મ્હોંમાંથી અસ્ખલિત ગાળો સરતી હતી, ‘યુ ચીટર…!’
હવે દિનુ ચમક્યો…! તો સુનિલભાઈને જાણ થઈ ગઈ! પણ કેવી રીતે?
‘હાઉ મેની ડોલર યુ મેઈડ ફ્રોમ શોર્ટિયા?’ ગુસ્સેથી ધ્રૂજતા ધ્રૂજતા સુનિલભાઈ ઊભા થઈ દિનુની એકદમ નજદીક આવી ગયા, ‘કેટલા વખતથી..! ફ્રોમ હાઉ લોન્ગ…તું તારી કટકી કાઢતો હતો..? તને એમ કે આઇ વિલ નોટ નો એનિથિંગ…! તને મેં ડેસ્ક પર બેસાડ્યો…! આપણો માણસ સમજીને…!! મારો માણસ સમજીને…!! ને તેં સાલા…જે થાળીમાં ખાધું એમાં જ ટટ્ટી કરી?! તારી જાત પર ગયો?! ગેટ આઉટ નાઉ ફ્રોમ માય મોટેલ…!’
‘ભા..આ…ઈ…!’ દિનુએ મોટ્ટું ધ્રૂસકું નાંખી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘ભાઈ…!! મારાથી મોટી ભૂલ થઈ ગઈ…!આઇ એમ સૉરિ…વેરી… સૉરિ…!’ દિનુએ મજબૂતીથી સુનિલભાઈના પગો જકડી લીધાં, ‘મને માફ કરી દો…’
‘નો…’ સુનિલભાઈએ લગભગ લાત મારી એને છોડવતા કહ્યું, ‘નો..વે…! નાઉ આઇ કાન્ટ ટ્રસ્ટ યુ…! અરે!!  તારા કરતાં તો ધોળિયાઓ સારા…! પેલી મારિયા જો…!કેટલા વખતથી છે ડેસ્ક પર…! એક પેની પણ જો એણે લીધી હોય તો…!’ મારિયા મોટેલમાં ડેસ્ક ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરતી હતી, ‘એની નાઈટ શિફ્ટ હોય તો પણ શી નેવર…એન્ડ…યુ…! બોલ કેટલાં બનાવ્યા?’
વાત એમ હતી કે નાઈટ શિફ્ટમાં દિનુ જ્યારે ડેસ્ક પર હોય ત્યારે બે-ચાર કલાક માટે શરીર સુખ ભોગવવા આવતા યુગલોને એ બારોબાર અડધા ભાવે રૂમ ફાળવી આપતો. એની કોઈ રિસિપ્ટ ન બને અને રૂમ  દીઠ ચાલીસ-પચાસ ડોલર એ સીધા પોતાના ગજવામાં સરકાવી દેતો! પેલા યુગલો શોર્ટ ટાઈમ માટે આવે એટલે એઓ ‘શોર્ટિયા’ના નામે ઓળખાય…એઓ મજા કરીને જતા રહે એટલે તરત દિનુ રૂમ બનાવી દેતો. સજાવી દેતો. કોઈને જાણ ન થાય એ રીતે સિફતથી એ આ કામ કરતો હતો…ઘણા સમયથી…! પણ ન જાણે કોઈ રીતે સુનિલભાઈ જાણી ગયા…!
‘મને માફ કરી દો…ભા…ઈ…!’ ધ્રૂસકા દબાવી, રડતા રડતા દિનુ વિનવણી કરતો હતો, ‘હવે હું કદી એવી ભૂલ ન કરીશ…! મારી મતિ મારી ગઈ હતી…!’ દિનુએ ફરીથી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘તમારી જૂતી ને મારું માથું…! તમે મને મારો…! પણ ભાઈ મને કામ પર રહેવા દો…! હું તમારા પૈસા એક એક કરીને આપી દઈશ…! પ્લીઝ…!’ દિનુએ ધ્રૂસકું મૂક્યું. રડતા રડતા એ ફરસ પર ફસડાઈ પડ્યો.
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ?’ સુનિલભાઈએ દિનુ તરફ તુચ્છ નજર કરી કહ્યું, ‘ટેલ મી…ટેલ મી…!’
‘…………………’ દિનુએ યાચક નજર કરી વિનવણી કરી, ‘એક વાર ટ્રસ્ટ કરો..! એક ભૂલ તો ભગવાન પણ માફ કરે…! તમે તો મારા અન્નદાતા છો…!’
વેપારી મગજના સુનિલભાઈ વિચારવા લાગ્યાઃ આજકાલ ધંધો ખાસો મંદો હતો. બીજો માણસ શોધતા કોણ જાણે કેટલાં દિવસ નીકળી જાય અને કોણ જાણે એ કેવો હોય? જે છે એને પણ ઑવરટાઈમ આપવો પડશે!
‘ભાઈ…!!પ્લી…ઈ…ઝ…!!’ સુનિલભાઈને વિચારતા નિહાળી દિનુ કરગર્યો, ‘ભા…ઈ, તમે કહો એના સોગંદ ખાંઊં…!’
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ? તારો કેમ વિશ્વાસ થાય?’ સુનિલભાઈએ સહેજ ઢીલાં પડતા કહ્યું.
‘ભગવાન સ્વામિનારાયણના સોગંદ…!’ દિનુએ ગળામાં પહેરેલ કંઠી આંખે લગાડી કહ્યું, ‘ભાઈ હું સોગંદ ખાઈને કહું કે કદી પણ એવું ન કરીશ…!’ એની આંખમાં ડર ડોકાતો હતો. જો આ નોકરી જતી રહે તો બીજી આવી નોકરી ન મળે. વળી સુનિલભાઈનું મોટેલ બિઝનેસમાં મોટું નામ. એક વાર એ બ્લેક લિસ્ટમાં આવી જાય તો કદી ય એ મોટેલમાં નોકરી ન કરી શકે…! નોકરી તો જાય અને સાથે સાથે માથેથી છાપરું પણ જાય. બનેવી તો એને ઘરમાં જ ન ઘૂસવા દે…! જાણે એ એક ડેડ એન્ડ પર આવી ગયો હતો…!
‘નો…!’ સુનિલભાઈ અસમંજસ થઈ હોય એમ એમનું ડોકું ધૂણાવતા હતા.
‘પ્લી…ઝ…!’
‘હાઉ વિલ યુ ગિવ માય મની?’ સુનિલભાઈએ પાસો ફેંક્યો, ‘તેં કેટલા બનાવ્યા?’
‘………………!’ દિનુ મૌન રહી નીચું જોઈ ગયો.
‘યુ કેન સ્ટે…!’ સુનિલભાઈ અટક્યા
‘………………!’ દિનુના જીવમાં થોડો જીવ આવ્યો.
‘વિથ વન કન્ડિશન…!’
‘આઇ એમ એગ્રી…!!’ દિનુએ શરત સાંભળ્યા વિના જ કહી દીધું.
સુનિલભાઈ હસી પડ્યા, ‘કન્ડિશન ઇસ કે યુ વિલ નેવર વર્ક ઓન ડેસ્ક…એન્ડ…!’
‘મને કબૂલ છે…!’
‘એન્ડ…!’ હજુ શરત બાકી હતી.
‘………………!’ દિનુ મૂંઝાયો, ‘ભાઈ…મને તમારી દરેક શરત મંજૂર છે!’
‘લિસન…! યુ વિલ ગેટ ઓન્લી ડોલર ફોર રૂમ…!વન બક પર વન રૂમ…!’
-ઓહ…! દિનુ ચમક્યો…! ફક્ત એક જ ડોલર…? ચાર ડોલરને બદલે એક જ…! ઓ પ્રભુ…!!
‘વૉટ ડુ યુ થિન્ક…?’ વ્યંગથી સહેજ હસીને સુનિલભાઈ બોલ્યા, ‘ઇફ એગ્રી..સ્ટે…!નોટ એગ્રી…ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ રાઈટ નાઉ…! તારો રૂમ ખાલી થશે તો ગેસ્ટ માટે જગ્યા થશે…! બોલ…વોટ યુ વોન્ટ ટુ ડુ? તારા જેવા બીજા પચાસના રોજ ફોન આવે છે. અને તને કોઈ મોટેલમાં કેવી રીતે કામ મળે એ હું જોઇશ…! આઇ વિલ સી યુ…! દિન્યા…! યુ બ્રોક ધ ટ્રસ્ટ…!’
દરવાજા વસાય રહ્યા હતા દિનુ માટે.
‘મને મંજૂર છે. તમારી દરેક શરત મને મંજૂર છે.’ સુનિલભાઈના જમણા હાથની હથેળી પોતાના બન્ને હાથોમાં લઈ થપથપાવતા દિનુ સહેજ હતાશ થઈને બોલ્યો, ‘થેન્ક યુ ભાઈ!! મારે તમારો વિશ્વાસ ફરી જીતવાનો છે. આ માટે મારે જે કંઈ કરવું પડે એ કરવા હું તૈયાર છું!’
‘રિમેમ્બર યુ વિલ નેવર ચીટ મી…!’
‘આઇ વિલ…!! નોટ ઓન્લી યુ, આઇ વિલ નોટ ચીટ એનીવન…!’
હતાશ થઈને, હારીને દિનુ એના રૂમમાં આવ્યો…! જાણે એના બધા જ અરમાનોનું અવસાન થયું હતું. સુનિલભાઈએ એની પાંખ કાપી લીધી હતી. જ્યારે એણે તો ઊડવાનું હતું ઊંચે ઊંચે આકાશમાં…!
દિવસો પસાર થઈ રહ્યા હતા. દિનુની દશા કોઠીમાં મ્હોં સંતાડીને રડતા બાળક જેવી હતી. દેશથી મા-બાપ પૈસા મંગાવતા હતા. બાપુજીનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું. બા લગ્ન માટે દબાણ કરતી કે એક વાર દેશ આવીને પરણી જા…હવે તેંત્રીસનો તો થઈ ગયો…!! બનેવી જશુભાઈ ફોન પર પણ ભાગ્યે જ વાત કરતા…! બેન ગીતા ક્યારેક વાતો કરતી…! સાવ એકલો થઈ ગયો હતો દિનુ…! એકલો એકલો રડી પડતો…! કાર લીધેલ એના હપ્તા પણ ન ભરાતા બેન્કવાળા કાર લઈ ગયા…! એક એક ડોલરમાં રૂમ સાફ કરીને શું વળશે? એણે બીજી મોટેલોમાં ફોન કરી જોયા. પણ જ્યારે સુનિલભાઈનું નામ પડતું અને જાણે વાત જ આગળ વધતી જ અટકી જતી! સુનિલભાઈ બધે ફરી વળ્યા હતા…! અન્ય કોઈ નોકરી કરી શકે એવી એની હાલત રહી નહોતી. એમાં પણ એક બે ઈન્ટરવ્યુ આપ્યા. પણ કોઈ આવડતના અભાવે, અનુભવના અભાવે અને વધતી જતી બેકારીને કારણે કોઈ બીજું કોઈ કામ મળે એ શક્ય લાગતું નહોતું. દેશ નાસી જવાનું મન થતું હતું…! સપનાઓના મહેલ તૂટી ગયા હતા…! અતૃપ્ત અભિલાષાઓની લાશ ખભે લઈને ફરતો હતો દિનુ…!
દિવસો જેમ તેમ પસાર થતા હતા. મોટેલ પર અન્ય કર્મચારીઓ સાથે પણ ધીરે ધીરે દિનુના સંબંધ ઓછા થઈ રહ્યા હતા. સ્પેનિશ મૅનેજર સ્કોટ પણ એની સાથે ખપપુરતી વાતો કરતો. એક મારિયા હતી જે દિનુની થોડી દરકાર કરતી. એ મોટે ભાગે ડેસ્ક પર જ કામ કરતી. ત્રીસેક વરસની મારિયા સાલસ સ્વભાવની હસમુખી યુવતી હતી. એ સમજતી હતી કે દિનુ કોઈ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિનુ પોતાની વાત કોઈને કેવી રીતે કરે? કેવી રીતે એ કહે કે એ કટકી કરતો હતો શોર્ટિયામાંથી અને સુનિલભાઈએ એને પકડી પાડ્યો હતો…? છતાં પેટ છૂટી વાત દિનુએ મારિયાને કરી. મારિયા પહેલાં તો હસી એના પર. ત્યારબાદ, ધીરે ધીરે મારિયાએ સહાનુભૂતિ  બતાવવા માંડી હતી. એની સાથે એ હસીને વાતો કરતી. એના માટે ક્યારેક ખાવાનું પણ લઈ આવતી! તો ક્યારેક થોડા પૈસા પણ આપતી. એ કહેતી, ‘ડોન્ટ વરી..ડીનુ…એવરીથિંગ વિલ બી ફાઇન…ધ ડે વિલ ચેઇન્જ…!’
-પણ ફાઇન થશે એમ કહેવાથી ફાઇન થઈ જતું નથી…! સમય બદલાતો હોય છે…એનો સ્વભાવ છે, એ બદલાય…એની સાથે પરિસ્થિતિ બદલાતી નથી…! દિનુને ફક્ત થોડી શાંતિ મળતી જ્યારે એ મંદિરે જતો. એના વિસ્તારમાં નવું નવું સ્વામિનારાયણનું મંદિર થયું હતું. એમાં શનિ-રવિના રોજ સાંજે પ્રાર્થના સભા થતી. ઘણા સત્સગીંઓ આવતા. પ્રવચનો થતા. ઉપદેશો અપાતા..! ગમે તેમ કરીને દિનુ એ સત્સંગ સંધ્યાઓમાં ભાગ લેતો. પ્રભુને વિનવણી કરતોઃ હે પ્રભુ…! હે સ્વામિનારાયણ ભગવાન…! મારી દશા સુધાર…! મારા તરફ પણ કંઈક નજર કર…! વળી મંદિરે જવાનો મોટો ફાયદો એ થતો કે ત્યાં સત્સંગ બાદ મહાપ્રસાદી મળતી. જમવાનું મળતું…! બાકી તો રોજ મેક્ડૉનાલ્ડની કે બર્ગરકિંગના ડોલર મેન્યુની સેન્ડવિચના ડૂચા જ મારીને જ પેટપૂજા કરવી પડતી હતીને?
દિનુ પોતાનું કામ કરતો રહેતો. સુનિલભાઈએ શરૂઆતમાં એને મળવાનું ટાળતા. પણ આડકતરી રીતે એની જાણ રાખતા. દિનુ પણ માનતો હતો કે એક દિવસ તો સુનિલભાઈનું હૈયું ઓગળશે. ફરી પહેલાં જેવા દિવસો જરૂરથી આવશે. જ્યારે સુનિલભાઈ મોટેલની વિઝિટે આવતા ત્યારે દિનુ એમની નજરમાં આવવાની કોશિશ કરતો. જેથી સુનિલભાઈના વિચારો કંઈક બદલાય. અમેરિકામાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું હતું. બેકારી વધી રહી હતી. દરેક ધંધા મંદા થઈ રહ્યા હતા. એની અસર મોટેલના ઉદ્યોગ પર પણ વિપરીત પડી હતી. એ કારણે સુનિલભાઈ પણ ચિંતાતુર રહેતા. સુનિલભાઈએ ‘ડેઈઝ ઈન’માંથી પણ માણસો ઘટાડવા માંડ્યા હતા. એવામાં દિનુ પોતાની સ્થિતિ કેવી રીતે સુધારી શકે? જો દિનુ કંઈ કહેવા જાય તો એને પણ કાઢી મૂકે એ ડરે એ વધારેને વધારે મૂંઝાતો હતો. માનસિક વિટંબણાઓને શાતા મળે એ માટે એના મંદિરના આંટા ફેરા વધી રહ્યા હતા. મંદીના દોરમાં મંદિરનો ધંધો ધમધોકાર ચાલે એ એક નરી વાસ્તવિકતા છે.
આજે સુનિલભાઈ આવ્યા હતા. શનિ-રવિ એઓ આવતા. શનિવારે એઓ રોકાતા. દિનુએ ધીમેથી એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. મોટે ભાગે શુક્રવાર સાંજે એ આવી જતા.
‘ય….સ….! હુ ઈસ…ધીસ…?’ અંદરથી સુનિલભાઈનો અવાજ આવ્યો, ‘ડોર ઇસ ઓપન… પ્લીઝ કમ ઇન સાઈડ…!’ સુનિલભાઈ માટે મોટેલમાં એમનો એટેચ્ડ કિચન વાળો સ્યૂટ શનિ-રવિ કાયમ ખાલી રાખવામાં આવતો.
દિનુ ધીરેથી રૂમમાં અંદર દાખલ થયો, ‘જ…ય સ્વામિનારાયણ…! ભા…ઈ…!’
‘જય સ્વામિનારાયણ…! આવ દિનુ…!’ પલંગ પર આરામ ફરમાવતા સુનિલભાઈ પલંગ પર બેઠાં થયા.
‘ભાઈ….’ સ્વામિનારાયણ ભગવાનના ફોટાવાળું ગોળ વાળેલ કેલેન્ડરનું પિંડલું ખોલી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભા…ઈ…! આ આપના માટે લાવ્યો છું. ખાસ આપના માટે…!’
સુનિલભાઈએ કેલેન્ડર હાથમાં લીધું. ફોટા પર એક નજર દોડાવી અને ભાવપૂર્વક કપાળે ફોટો લગાવ્યો.
‘ભાઈ…! આપણા સિટીમાં નવું મંદિર બની રહ્યું છે. લગભગ બંધાય ગયું છે. આપને સમય હોય તો આવો કાલે…! સત્સંગ સભામાં…!! ઘણા માણસો આવે છે…!’
‘હા…મેં વાંચ્યું છે. મારા પર પણ, આઈ મીન મોટેલના સરનામે બે-ત્રણ વાર ઈન્વિટેશન કાર્ડ પણ આવેલ છે….!’
‘તમે કાલે તો અહિં જ છોને? મારી ખાસ વિનંતિ છે કે તમે આવો કાલે…! દેશથી ઘણા સ્વામિ, ગુરુઓ આવેલ છે. મંદિરમાં સ્વામિનારાયણ જયંતીએ પ્રાણ પ્રતિસ્થાની તૈયારી ચાલે છે. આખા યુએસમાંથી, લંડનથી, અને દેશથી ઘણા બધા સ્વામિઓ, સાધુઓ, ગુરુ મહારાજો આવવાના છે!’
‘એ….મ…!!?’ સુનિલભાઈએ થોડો રસ બતાવ્યો.
‘હા…! મહોત્સવની તૈયારીઓ ચાલે છે…!’
‘…તો….તો…!’ વેપારી સુનિલભાઈનું મગજ વિચારવા લાગ્યું, ‘એઓને ઘણી જગ્યાની જરૂર પડશે…! ઉતારા માટે…!’
‘હા જ સ્તો…! અને આપણા ટાઉનમાં એટલાં બધા દેશીઓ પણ ક્યાં છે કે એઓના ઘરે સ્વામિ-સાધુઓને ઉતારો આપી શકાય? ભાઈ…તમે આવો સત્સંગમાં તો સારું…કૉન્ટેક્ટ થાય…! અને…’
‘કેટલા વાગે સત્સંગ થાય છે? મારું સ્કેડ્યુઅલ જો બિઝી ન હોય તો આઈ વિલ ટ્રાય…!’
બીજા દિવસે સુનિલભાઈએ સત્સંગમાં ભાગ લીધો. આજુબાજુના અન્ય ટાઉનમાંથી ઘણા ગુજરાતીઓ પણ આવતા હતા. સ્વામિઓના પ્રવચનમાં ભક્તિની શક્તિ, ભારતીય સંસ્કૃતિની મૉર્ડન જિંદગીમાં અગત્યના અને મંદિર બનાવવા અંગેના મૂળભૂત વિચારોની વિગતવાર છણાવટ સુનિલભાઈએ જાણી. દિનુ તો મંદિરમાં ઘણા સમયથી આવતો હતો એટલે એ તો મોટે ભાગે દરેક ગુરુ સ્વામિઓને, સાધુઓને નામથી ઓળખતો હતો. એણે એ દરેક સાથે સુનિલભાઈની ઓળખાણ કરાવી. મુખ્ય ગાદીપતિ સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત બંધ ઓરડામાં સુનિલભાઈ મળ્યા. સુનિલભાઈ પોતાના ધંધાની મૂંઝવણ વર્ણવે એ પહેલાં જ એ સ્વામિજીએ જાણી લઈ એમને ધીરજ આપતા કહ્યું, ‘ નિશા પછી પ્રભાત આવે છે…અંધકારના વેશમાં પ્રકાશ આવે છે. આજ કાલ દેશ પરદેશમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. સંસ્કારોની હોળી સળગે છે એમાં જે કંચન હશે એ ટકી જશે, કથીર હશે એ ભસ્મ થશે. કંચન બનો…! સત્સંગ કરો. સાધુઓ, સ્વામિઓ પારસમણિ જેવા હોય છે. એના સંપર્કમાં આવે એ કથીર હોય તો ય કંચન બને…! સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરોડો યુવાનો સત્સંગીઓ દેશ દુનિયામાં જોડાઈને પોતાના જીવનનું ઊર્ધ્વગમન કરી રહ્યા છે. દરેક ધર્મના લોકો એનો લાભ લઈ રહ્યા છે.મનની શાંતિ પ્રાર્થનાથી જ આવે. સત્સંગથી આત્મજ્ઞાન મળે. સાચી માનસિક શાંતિ મળે.’
સુનિલભાઈ માટે આ એક નવો જ અનુભવ હતો. આજ સુધી ધંધાને કારણે એઓને સમય મળતો નહતો. એકલપંડે પાંચ પાંચ મોટેલ સંભાળવામાં, એક મોટેલ પરથી બીજી મોટેલ પર, એક શહેરથી બીજે શહેર…જવામાં જ જિંદગી પુરી થઈ રહી હતી. એમની પત્ની મધુ ઘણી વાર કહેતી કે કંઈ ધરમ કરમ કરો. પણ સમય કોને હતો એ માટે? વળી આજકાલ રિસેસનને કારણે, મંદીને કારણે મોટા ભાગે એમની દરેક મોટેલ અડધા કરતા વધારે ખાલી રહેતી એટલે ગાંઠના ગોપીચંદન કરવા પડતા હતા. મૂડી તૂટી રહી હતી.રાત્રે ઊંઘ ઊડી જતી. એવામાં ધરમ કરવા જાય કે ધંધો કરવા જાય? મધુ તો કહેતી કે મોટેલમાં ઘણા કાળા-ધોળાં કરમો થાય તો એનું ય પાપ લાગે…! પણ ધંધો એ ધંધો…! એમાં થોડુંક તો કાળું-ધોળું કરવું પણ પડે. એ પોતે ક્યાં જાણી જોઈને એવું કરતા હતા? સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત વાત કરવાથી, એમની શાંત વાણીથી એમને થોડી શાતા વળી. સ્વામિની વાત સાચી હતી. ધરમને શરણે જવા સિવાય કોઈ આરો નહતો. ધર્મમ્ શરણ્ ગચ્છામિ…!!
એ રાત્રે સુનિલભાઈને નિરાંતે ઊંઘ આવી. પછી તો જ્યારે જ્યારે સુનિલભાઈ આવતા ત્યારે સત્સંગ સભામાં જતા. મહાપ્રસાદી લેતા. ધીરે ધીરે એઓ ધરમના રંગે રંગાઈ રહ્યા હતા. મંદિરનું કામકાજ ચાલી રહ્યું હતું. ચૈત્ર સુદ નોમ, રામ નવમી અને સ્વામિનારાયણ જંયતીના શુભ દિને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું.
‘ભાઈ…!’ દિનુ રૂમ બનાવીને બહાર નીકળ્યો ત્યારે જ સુનિલભાઈ મોટેલમાં આંટો મારવા નીકળ્યા હતા. કેટલાંક રૂમોમાં કાર્પેટ બદલવાની કામગીરી પુરી થઈ ગઈ હતી એ જોવા માટે એઓ અને મૅનેજર સાથે ચેકિંગ માટે ગયા હતા, ‘જય સ્વામિનારાયણ…!ભાઈ…!’ દિનુએ રબ્બરના હાથ મોજાં કાઢી બન્ને હાથ જોડી કહ્યું, ‘જય સ્વામિનારાયણ….!’
સુનિલભાઈએ દિનુના ખભા પર હાથ મૂકી કહ્યું, ‘જય સ્વામિનારાયણ દિનુ…! કેમનું ચાલે છે…?’ પછી એમણે મૅનેજર સ્કોટ તરફ ફરી સહેજ હસીને પૂછ્યું, ‘હાઉ હી ડુઇન…?’
‘હિ ઇસ ડુઇંગ ગુડ…!’ હસીને સ્કોટ બોલ્યો, ‘નો કમ્પ્લેઈન…રાઈટ નાઉ…! હિ ઇસ ડુઇંગ ઓન્લી હાઉસ કપિંગ…!’
‘ગીવ હીમ લિટલ રેઇઝ…!’ સુનિલભાઈ સહેજ પીગળ્યા, ‘શું કહે છે દિનુ?’
‘……………………!’ દિનુ મૌન. સહેજ હસરતભરી નજરે એ સુનિલભાઈ તરફ નિહાળવા લાગ્યો.
‘ગિવ હીમ ક્વાટર મોર ફ્રોમ નેકસ્ટ વીક…!’ દિનુ તરફ જોઈ સુનિલભાઈ બોલ્યા, ‘જો દિનુ, સિચ્યુએશન ઇસ બેડ…! યુ નો…! આજે કેટલા રૂમ બનાવ્યા?’
‘થેન્ક યુ ભાઈ…!’ મ્લાન હસીને દિનુ બોલ્યો, ‘તમે મને ફાયર ન કર્યો એ જ મારા માટે તો ઉપકાર છે.’ સહેજ અચકાઈને દિનુએ કહ્યું, ‘આઈ નો સિચ્યુએશન ઇસ બેડ…!’
‘સ્કોટ…! મૅનેજર તરફ નિહાળી સુનિલભાઈએ કહ્યું, ‘યુ કેન ગો. ફિનિશ યોર વર્ક…’
‘સી યુ લેટર…’ કહીને સ્કોટ એની ઑફિસ તરફ ગયો.
લૉબીમાં કાર્ટ ધકેલતા દિનુ સાથે સુનિલભાઈ ધીમે ધીમે ચાલવા લાગ્યા, ‘ભાઈ, ગુરુજી આપને યાદ કરતા હતા. એમણે આપના માટે કંઠી અને દાદા સ્વામિનો ફોટો આપેલ છે. તમે કહો ત્યારે આપને આપી જઈશ…! બહુ તત્વજ્ઞાની પુરુષ છે એઓ. મારા મનના બધા પાપો એમણે જ ધોયા, સાફ કર્યા. મારા મનમાં આપના પ્રત્યે પણ હવે કોઈ રાગ-દ્વેષ રહ્યો નથી. હા, શરૂઆતમાં મને થોડું લાગી આવ્યું હતું. પણ દોષ મારો હતો. ગુન્હો મારો હતો. ગુરુસ્વામીજીએ મારા મનને સ્વચ્છ કર્યું. બહુ ચમત્કારી વ્યક્તિત્વ છે ગુરુજીનું…! ત્રિકાળ જ્ઞાની છે. એક વાર એમની પધરામણી કરવી જોઈએ આપણી મોટેલ પર…! એમના ચરણકમળ પડશે તો ધંધો પણ…’
‘એઓ પધારશે…?!!…અહિં…? આપણી મોટેલ પર….?!’ સુનિલભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘કેમ નહિ?!’ કાર્ટ પર ચીપકાવેલ લિસ્ટ પર નજર કરી દિનુએ કહ્યું, ‘ભાઈ, મારે હજુ બીજા ત્રણ રૂમો બનાવવાના છે. જો આપને સાંજે સમય હોય તો હું ગુરુજીએ આપેલ ભેટ આપને આપી જઈશ. તમે ક્યાંક જવાનો હો તો…!’
‘ના….!’ સુનિલભાઈએ વચ્ચે બોલી પડ્યા, ‘મારે એકાઉન્ટ મૅટર ચેક કરવાની છે. બટ યુ કેન સી મી એટ.. ફાઇવ…! પાંચ વાગે મળ…!’
‘ઓ…કે…!ભાઈ…! જય સ્વામિનારાયણ….’ દિનુએ રબ્બરના હાથ મોજાં ચઢાવતા કહ્યું, ‘હું આવીશ પાંચ વાગે…! ને ભાઈ થેન્ક યુ ફોર રેઈઝ…!’ સોમવારથી દિનુને હવે એક રૂમ દીઠ સવા ડોલર મળવાનો હતો…! સુનિલભાઈ ઓગળી રહ્યા હતાઃ જય સ્વામિનારાયણ…!!
આખો દિવસ રૂમો બનાવી-સજાવી, થાક ઉતારવા શાવર લઈ, સહેજ તાજા-માજા થઈ સાંજે પાંચ વાગે ભગવા રંગની એક નાનકડી કોથળીમાં દાદા સ્વામિનો લેમિનેટેડ ફોટો, કંઠી અને સુખડીનો પ્રસાદ લઈ દિનુએ સુનિલભાઈના રૂમના બંધ દરવાજા પર ટકોરા માર્યા.
‘આ..આ…વ દિનુ!’ જાણે સુનિલભાઈ દિનુની જ રાહ જોતા હતા.
‘જય સ્વામિનારાયણ…!’ દિનુએ નમ્રતાથી હાથ જોડ્યા, ‘ભાઈ…! આ આપના માટે ગુરુજીએ પ્રસાદ અને ભેટ મોકલાવી છે.’ દિનુએ કોથળી ખોલી એમાંથી દાદા સ્વામિનો ફોટો કાઢી ભાવપૂર્વક એણે આંખે લગાડ્યો, ‘બહુ જ યુગદ્રષ્ટા છે દાદા સ્વામિ તો…!’ એણે ફોટો અને કંઠી સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભાઈ આ તમે પહેરજો. ગુરુએ ખાસ આપના માટે બહુ ભાવથી આપી છે… એ આપની રક્ષા કરશે…! જરૂરથી કરશે…! મારો તો અનુભવ છે…! ..ને આ પ્રસાદી છે. ‘સુખડીની નાની નાની લાડુડીમાંથી એક નાનકડો લાડુ એણે સુનિલભાઈને આપ્યો, ‘ભાઈ લો…પ્રસાદી…!’ એની આંખો સહેજ ભીની થઈ, ‘એક વાત કહું…? તમે માનશો નહિ ભાઈ!! પણ આ એક લાડુથી મેં ક્યારેક આખો દિવસ ગુજાર્યો છે…! એટલી દૈવી શક્તિ હોય છે પ્રભુના પ્રસાદમાં…!’
‘જય સ્વામિનારાયણ…!’ સુનિલભાઈએ પ્રસાદ ભાવપૂર્વક મ્હોંમાં મૂકી એમણે એમનો જમણા હાથનો પંજો આસ્થાથી પોતાના મસ્તક પર ફેરવ્યો, ‘દિનુ…તું પધરામણીનું કં…ઈ કહેતો હતોને…!’
‘કેટલા વાગ્યા…?!’ દિનુએ દિવાલ પર લટકાવેલ ઘડિયાળ તરફ નજર કરી કહ્યું, ‘ગુરુજીની સાયં સંધ્યા પુરી થઈ ગઈ હશે! ભાઈ, જો આપને વાંધો ન હોય તો એક ફોન કરી જોઉં?’
‘ના…ના…મને શો વાંધો…!’ સુનિલભાઈએ એમનો મોબાઇલ ફોન દિનુને આપ્યો, ‘લે, રિંગ કર…!’
દિનુએ ફોન લઈ રિંગ કરી. થોડી વાર પછી સામેથી ફોન કોઈએ ઉપાડ્યો, ‘જય સ્વામિનારાયણ…!’
‘જય સ્વામિનારાયણ…મહારાજ…!’ ફોનના માઉથપીસ પર હાથ રાખી એણે ધીમેથી     સુનિલભાઈને કહ્યું, ‘ગુરુજીના મુખ્ય શિષ્ય સ્વામી નિત્યાનંદજી છે. પછી ફોનમાં એ બોલ્યો, ‘ગુરુજી સાથે જરા વાત કરવી હતી. હું દિનુ. હા…!’
‘………………….’
‘હા…એ બાબતમાં જ…! હા, મારા બો…સ…આઈ મિન સુનિલભાઈ અહિં જ છે. એમના સેલ પરથી જ ફોન કર્યો છે. ગુરુજીને ક્યારે ફાવશે? એમની ઇચ્છા છે. સુનિલભાઈ કાલે અહિં જ છે. સાંજ સુધી…!’
‘………………….!’
ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ ગુરુજીને પુછાવે છે…આપને કાલે ફાવશેને ભા…ઈ…? પછી તો ગુરુજીને ક્યારે સમય મળે એ કંઈ કહેવાય નહિ…!’
સુનિલભાઈએ ધીમેથી હકારમાં એમની ડોક હલાવી.
‘હા…! કાલે? સવારે…દશ વાગે…?!’ દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ નિહાળ્યું.
સુનિલભાઈ હકારમાં ફરી એમની ડોક ધુણાવી.
‘સવારનું મુહૂર્ત શુભ છે. ઓકે…!’
‘………………….!’ ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ આપનાથી એમને લેવા તો જવાશેને? ગુરુજી પાસે કંઈ ગાડી ન હોય…! એવું હોય તો હું ડ્રાઈવ કરી એમને લઈ આવીશ…! આવો મોકો  તો ભાગ્યશાળીને જ મળે. આમ તો ગુરુજી કોઈની ઘરે કે મોટેલ પર જતા નથી. પણ ન જાણે કેમ આપના પર એમને અપાર લાગણી છે. એઓ આવશે તો હું પણ મારા રૂમમાં એમના પાવન પગલાં પડે એવી પ્રાર્થના કરીશ!!’ સુનિલભાઈ કંઈ કહે એ પહેલાં જ દિનુએ ફોનમાં કહી દીધું, ‘હા..! હું અથવા તો સુનિલભાઈ પોતે સવારે દશ વાગે મંદિરે ગુરુજીને લેવા આવીશું એમની મર્સિડિઝમાં…!’
‘………………….!’
‘ઓ..કે…! પોણા દશે મંદિરે પહોંચી જઈશું…! હા…હા…! મને જાણ છે ગુરુજીનો સમય બહુ કીમતી છે. જય સ્વામિનારાયણ…!’ કહીને ફ્લીપ ફોન બંધ કરી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘હું તો માની જ નથી શકતો કે ગુરુજી આટલી આસાનીથી રાજી થઈ જશે…!’ દિનુએ સાશ્ચર્ય કહ્યું, ‘ભાઈ, આપ પહોંચી જજો ટાઈમસર…! આવો લહાવો ભાગ્યશાળીને જ મળે. હું પણ વહેલાં રૂમો બનાવવાનું શરૂ કરી દઈશ એટલે દશ વાગ્યા પહેલાં તો ફ્રી થઈ જઈશ. બાકી હોય એ પછીથી બનાવીશ…!’
શનિવારે સવારે દશ વાગે સુનિલભાઈની સિલ્વર મર્સિડિઝ ધીમેથી ડેઇઝ ઈન મોટેલના અર્ધગોળાકાર પોર્ચમાં ઊભી રહી. સુનિલભાઈ ડ્રાઈવરની સીટ પરથી ઝડપથી ઊતર્યા અને પેસેન્જર બાજુનો દરવાજો ખોલ્યો નમ્રતાપૂર્વક ખોલ્યો. દિનુ પણ ગુરુજીની રાહ જ જોતો હતો. એ પણ મોટેલમાંથી દોડીને આવ્યો. ગુરુજી સાથે એમના બે શિષ્ય સાધુઓ પણ આવેલ હતા. ગુરુજી હળવેકથી ગાડીમાંથી બહાર નીકળ્યા.
દિનુએ દોડીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા, ‘જય…સ્વામિનારાયણ… અમારા અહોભાગ્ય…આપના ચરણો અમારા આંગણે પડ્યા…!’
‘અરે…દિનુ…! કેમ છે…?’ ગુરુજીએ દિનુના માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘ સુખી રહે…અને સર્વનું કલ્યાણ કર…! જય સ્વામિનારાયણ….!’ આજુબાજુ નજર કરી એમણે સુનિલભાઈને કહ્યું, ‘ સરસ જગા છે…! મોકાની…!’
‘હા…! હાઈવે એઈટી વેઇસ્ટ પર ઍક્ઝિટ ટ્વેન્ટી લેતાં પહેલાં  આપણી જ મોટેલ આવે…’ સુનિલભાઈએ સહેજ ગર્વથી કહ્યું, ‘આવો…! પધારો….!!’ મુખ્ય પ્રવેશદ્વાર તરફ એમણે ગુરુજીને દોર્યા.
ગુરુજી સહેજ અટક્યા. એમના શિષ્યો તરફ એક નજર કરી. શિષ્યો  અને દિનુ પણ કંઈ ગુસપુસ કરી રહ્યા હતા. પ્રવેશદ્વારની સામે જ મોટેલની વર્તુળાકાર રિસેપ્શન ડેસ્ક હતી.
‘ભાઈ…’ દિનુએ સુનિલભાઈની નજદીક જઈ કહ્યું, ‘મારિયા ડેસ્ક પર છે…!’ ડેસ્ક ક્લાર્ક મારિયા એની જગ્યાએ રજિસ્ટરમાં કંઈક નોંધી રહી હતી, ‘ગુરુજી અને સ્વામી, સાધુઓને સ્ત્રીના પડછાયો પણ વર્જ હોય છે…એઓ એનાથી દુર રહે…! એઓ બ્રહ્મચર્ય પાડે…! અખંડ બ્રહ્મચારી હોય છે…!!’
‘ઓહ…એમ વાત છે…!’ કહી સુનિલભાઈ ઝડપથી મોટેલમાં ગયા. મારિયા સાથે કંઈક વાતો કરી. એક ફોન કર્યો. પાંચેક મિનિટ બાદ મારિયા મોટેલમાં અંદરના રૂમમાં ગઈ ને મૅનેજર સ્કોટ ડેસ્ક પર આવીને ગોઠવાયો. એને થોડી સલાહ-સુચનો આપી  સુનિલભાઈ બહાર આવ્યા, ‘પ…ધા..રો…ગુરુજી…આવો…અંદર…!’
‘જય સ્વામિનારાયણ…’ ગુરુજીએ એમની ભગવી ચાદર શરીરે બરાબર વીંટાળી, ‘વિશાળ છે આપની મોટેલ તો આપના વિશાળ દિલની માફક જ…! કેટલા રૂમો છે?!’
‘આમ તો એકસો ત્રીસ છે. પણ ગેસ્ટ માટે આઈ મીન રેન્ટ માટે એકસો વીસ અવેલેઈબલ હોય છે! આમ તો આ વરસે એક્સ્ટેન્શનનું પ્લાનિંગ હતું. બીજા સિક્સટિ માટે પણ આપ તો જાણો છો ને આજકાલ ઈકોનોમી ડાઉન છે એટલે…!’
લૉબીમાં ગુરુજી અને સુનિલભાઈ ઝડપથી આગળ ચાલતા હતા. એમની પાછળ પાછળ બે શિષ્યો અને દિનુ એમને અનુસરતા હતા.
‘કેટલા દિવસ ડાઉન રહેશે?! આ ઓબામા આવ્યા છે.’ ગુરુજીએ હસીને કહ્યું, ‘ એમણે ઘણા પગલાંઓ લેવા માંડ્યા છે. હી વિલ સ્ટિમ્યુલેટ ધ ઈકોનોમી.  અમેરિકા પર આખી દુનિયાની નજર હોય છે. સારા દિવસો જરૂરથી આવશે. આશાવાદી બનો…! આશા અમર છે…! આશા અમૃત છે…!’
‘સાચી વાત…!’ સુનિલભાઈએ એમના રૂમના ડોરના પેડ પર ઈલેક્ટ્રોનિક કાર્ડ અડકાડ્યો ને દરવાજો ખોલી કહ્યું, ‘આમ તો પુરી મોટેલને આપના પગલાંઓથી પાવન કરવી હતી મારે પણ…’ સહેજ અચકાઈને એઓ બોલ્યા, ‘ગેસ્ટ…કસ્ટમર હોય એમાં વુમન હોય…અને…’
‘ડોન્ટ વરી…! આઈ કેન અન્ડરસ્ટેન્ડ…’ ગુરુજીએ મરકીને કહ્યું, ‘હું તો ના જ પાડતો હતો પણ દિનુએ કે’દીનું નક્કી કરેલ. બહુ સેવાભાવી છોકરો છે. આપના બહુ વખાણ કરતો હતો!!’ ગુરુજીએ દિવાલ પર લટકાવેલ દાદા સ્વામિના ફોટાને બે હાથ જોડી નમસ્કાર કર્યા, ‘લો…! આપને મારા આશીર્વાદની શી જરૂર છે? ખુદ દાદા સ્વામિ હાજરા હજૂર છે…! યુગપુરુષ….! દિવ્ય દૃષ્ટા…!’ ગુરુજીએ સોફા પર સ્થાન લીધું.
શિષ્યો સાથે દિનુ પણ હળવેકથી અંદર આવ્યો. એણે જમીન પર સૂઈને ગુરુજીને  સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા…! ગુરુજીએ સોફા પરથી ઊભા થઈને એને છાતી સરસો લગાડ્યો, ‘અરે…દિનુ તારું સ્થાન તો અહિં છે…!’ એમણે એમની છાતી પર હ્રદયની જગ્યાએ આંગળી લગાડી કહ્યું , ‘મારા દિલમાં…! ભલે તેં દીક્ષા નથી લીધી…પણ તારી ભક્તિ…ભાવના… દાસ્યાસક્તિ બેજોડ છે…ઉત્તમ છે… વત્સ, તારું કલ્યાણ થશે…તું સૌનું કલ્યાણ કર…!’
‘આપની આજ્ઞા સર આંખો પર…!’ દિનુની આંખ ભાવથી ભીની થઈ ગઈ. એ ગદગદિત થઈ ગયો, ‘આપે તો મને ડૂબતો બચાવ્યો છે…! આપ તો મારા માર્ગદર્શક…તારણહાર છો…! ઉદ્ધારક છો…’ રૂમની કાર્પેટ પર ગુરુજીની સાવ નજદીક બેસી દિનુ બે હાથો વડે ધીમે ધીમે ગુરુજીના પગો દબાવવા લાગ્યો.
પછી તો જાત જાતની વાતો થઈ.. સુનિલભાઈના કુટુંબ વિશે, મૂળ વતન, દેશપ્રેમ, પ્રગતિ…સંતાનો…સત્સંગ…સંસ્કાર…ધરમ…કરમ…મંદિર…શિક્ષાપત્રી…વચનામૃત…ભણતર…સેવા.. ગુરુજીએ થોડો ફળાહાર કર્યો.
‘આ મારા તરફથી આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી.’ સુનિલભાઈએ એક બંધ ઍન્વેલપ ગુરુજીને આપતા કહ્યું, ‘હાલે તો વન થાઊઝન્ડ વન ડોલર છે…! આપ તો જાણો જ છો ઈકોનોમીક કન્ડિશન…!’ સુનિલભાઈએ ગુરુજીના ચરણસ્પર્શ કરતાં કહ્યું.
‘અ….રે…! સુનિલભાઈ…!’ ગુરુજીએ ઍન્વેલપ એમના શિષ્યોને આપતા કહ્યું, ‘ભા…ઈ, આપે તો અમારા માટે કંઈ કહેવાનું બાકી જ ન રાખ્યું. ધન્ય છે આપને. આપના જેવા સત્સંગીઓને કારણે જ આપણો ધર્મ પાંગરી રહ્યો છે. આપના જેવાને કારણે લાગે છે કે હજુ ય કળિયુગ નથી આવ્યો. સ્વામિનારાયણ ભગવાન અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રેયસ્થ ભવઃ!’ ગુરુજીએ બન્ને હાથો સુનિલભાઈના માથા પર થોડો સમય મૂકી રાખ્યા. સુનિલભાઈએ એક અજીબ પરમ શાંતિનો અનુભવ થયો.
‘ગુરુજી…!’ સાથે આવેલ એક શિષ્યે કહ્યું, ‘આપણે હવે નીકળવું જોઈએ…!આજે મંદિર માટે કાઉન્ટીના માણસો આવવાના છે. સેફ્ટી માટે. ફાયર માર્શલ..!એઓ આવે એ પહેલાં આપણે પહોંચવું પડશે.’
‘ઠીક યાદ અપાવ્યું સ્વામિ સત્યપ્રિયવદન!’ સુનિલભાઈ તરફ નિહાળી ગુરુજીએ કહ્યું, ‘અમે નીકળીશું. આપ આવો જ સમભાવ રાખશો…! અહિં વિશાળ વીસ એકરમાં ભવ્ય પંચ શિખરી મંદિર સર્જવાનું દાદા સ્વામિનું સ્વપ્ન છે! અને આપ તો જાણો જ છો કે એઓ જ્યારે પણ લે એ પૂર્ણ કરે જ છે…! અમે નીકળીશું!’ એમને સુચક નજરે એમના શિષ્યો અને પછી દિનુ તરફ જોયું. દિનુ તુરંત સમજી ગયો. એણે સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ…! ડેસ્ક પર…મા…રિ…યા…!’
‘હા…!’ સુનિલભાઈ ઝડપથી રૂમની બહાર નીકળ્યા. પાંચેક મિનિટ બાદ આવ્યા, ‘ આવો ગુરુજી…રસ્તો ક્લિયર છે. કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો મહારાજ…! આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી પ્રાર્થના છે.’
‘આશીર્વાદ તો ઉપર બેઠા હજાર હાથવાળાના લેવાના…!’ આકાશ તરફ આંગળી ઊચી કરી ગુરુજી ઊભા થયા, ‘એની કૃપા વિના પાંદડું પણ ન હલે…!આપણે તો…અમે તો નિમિત્તમાત્ર…! એમની સેવા..કરો..! જય સ્વામિનારાયણ…!’
દિનુ ફરી પગે લાગ્યો, ‘મહારાજ આપને મારા રૂમે લઈ જવા હતા પણ હવે સમય થઈ ગયો છે. એટલે બીજી વાર..!’
‘અવશ્ય…!દિનુ…!’ ગુરુજીએ દિનુને કહ્યું, ‘કામ બરાબર કરજે…! તું તો ભાગ્યશાળી છે કે સુનિલભાઈ જેવા પરોપકારી દાતાર તારા શેઠ છે.’
‘જી ગુરુજી…! એઓ અન્નદાતા છે તો આપ મન્નદાતા છો…! અંતઃકરણના અધિષ્ઠાતા છો.’
આશીર્વચન વરસાવી ગુરુજી અને શિષ્યો ગયા. દિનુ એના કામે લાગ્યો. એ દિવસ તો ઝડપથી પસાર થઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો. લોન્ગ વિક એન્ડની રજાઓને કારણે મોટેલમાં ગરદી હતી. મારિયા આજે આવી ન હતી. મૅનેજર સ્કોટે મારિયાના ઘરે, એના સેલ ફોન પર ઘણી વાર રિંગ કરી. પણ કોઈ જવાબ ન મળતા સીધો મેઈલબોક્ષ જ મળતો હતો. એણે બધી જગ્યાએ મૅસેજ મૂક્યો. મારિયા લગભગ સાતેક વરસથી ડેસ્ક ક્લાર્ક તરીકે મોટેલમાં કામ કરતી હતી. બહુ જ નિયમિત રહેતી. કામગરી અને સૌની વિશ્વાસુ હતી.
‘બૉસ…!’ સ્કોટે ઇન્ટરકોમ પર સુનિલભાઈને રૂમ પર ફોન કર્યો, ‘મારિયા ઈસ નોટ ઈન…! આઈ નીડ હેલ્પ…!’
‘વ્હોટ હેપન્ડ ટુ હર…? આઈ એમ કમિંગ…!’ ઝડપથી તૈયાર થઈ સુનિલભાઈ મૅનેજર સ્કોટને મળ્યા. રિસેપ્શન પર ચાર પાંચ ગ્રાહકો લાઈનમાં ઊભા હતા. એમના બાળકો દોડધામ કરતા હતા એ ગ્રાહકોની સાથે સ્કોટ જરૂરી કાર્યવાહીમાં પરોવાયો હતો.
‘વ્હોટ હેપન્ડ ટુ મારિયા…?!!’ ડેસ્ક પાછળ જઈ સુનિલભાઈએ સ્કોટને મદદ કરવા માંડી, ‘ડીડ યુ કોલ હર…??!’
‘રૂમ નંબર થર્ટી ફોર…!’ સ્કોટે ગ્રાહકને ઈલેક્ટ્રોનિક કાર્ડ કી આપતા કહ્યું, ‘યસ કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ ઈસ સર્વડ્ ઈન લૉબી. હેવ એ નાઇસ ડે…’ ત્યારબાદ એણે સુનિલભાઈ તરફ ફરીને કહ્યું, ‘આઈ કોલ્ડ હર…મેની ટાઇમ્સ…! નો આન્સર…! આઈ નીડ હેલ્પ…! ઈટ લુક્સ લાઈક વિ વિલ બી બીઝિ ટુડે…!’
સુનિલભાઈએ પોતાના સેલ ફોન પરથી પણ મારિયાને મૅસેજ મૂક્યો. એક તો મંદીને કારણે એમણે દરેક મોટેલમાં માણસો ઓછા કરી દીધા હતા. જરૂર હોય એના કરતા અડધા જ માણસો કામ પર આવે એમાં આ મારિયાએ દિવસ ખાંડો કર્યો. આખો દિવસ એઓએ ડેસ્ક પર કામ કર્યું. વિચારીને એમણે દિનુને ડેસ્ક પર કામે લગાડ્યો. અન્ય મોટેલ પર રાત્રે જઈ આવી દિવસે ‘ડેઈઝ ઈન’ પર એમણે ખુદ ડેસ્ક સંભાળવી પડતી. પાંચ દિવસ પસાર થઈ ગયા. મારિયાના કોઈ સગડ નહોતા. આજે તો એમણે પોલીસને ઈન્ફોર્મ કરવાનું જ વિચાર્યું હતું. ટપાલી મેઈલ આપી ગયો સ્કોટ એનો થોકડી લઈ આવ્યો અને બે રજિસ્ટર્ડ પત્રો સુનિલભાઈના નામે હતા એ એણે સુનિલભાઈને આપ્યા, ‘બૉસ, ઈટ ઇસ ફોર યુ!!’
સુનિલભાઈએ એ એન્વલપ ખોલ્યા અને  હક્કા બક્કા જ રહી ગયા સુનિલભાઈ! એમને લાગ્યું કે એમને ચક્કર આવી રહ્યા છે. એમના દિલની ધડકનો વધી ગઈ…! દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા…ધક…ધક…ધક…!એરકન્ડિશન વાતાવરણમાં પણ  એમને પરસેવો વળી ગયો.
એમની હાલત જોઈ સ્કોટને ચિંતા થઈ આવી, ‘બોસ…આર યુ ઓકે…?!!’
‘આઈ એમ ફાઇન…!’ સુનિલભાઈ એ બન્ને પત્રો લઈ હાંફતા હાંફતા ઝડપથી ઊભા થઈ એમના અંગત રૂમમાં જતા રહ્યા. હજુ ય એ માની શકતા નહોતા. એ બન્ને પત્રો નોટિસ હતી. એક લોયરની…! મારિયાના લોયરની…! મારિયાએ સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ ઠપકાર્યો હતો પાંચ મિલિયન ડોલરનો એમના પર…! જાતીય પ્રેરિત ભેદભાવાત્મક વલણ બદલ એમને કોર્ટમાં ઘસડ્યા હતા…! બીજી નોટિસ હતી યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના ઇન્સપેક્ટર જનરલની કાયદાભંગ બદલ…! ઓ..હ…! એમને લાગ્યું કે એમનું હ્રદય ધબકવાનું બંધ થઈ જશે. એમણે છાતી પર જોરથી હાથ ભીંસી દીધો…!
-આ મારિયાએ તો ભેખડે ભેરવી દીધો…! એઓ ઝડપથી વિચારવા લાગ્યાઃ ગુરુજી આવ્યા ત્યારે એમણે મારિયાને ડેસ્ક પરથી અંદરના ભાગમાં જવાનું કહેલ ત્યારે મારિયાએ સહેજ વિરોધ કરેલ, ‘વાય શુલ્ડ આઇ ગો ઈન સાઈડ…? આઈ એમ ફાઇન હિયર…!’
ત્યારે સુનિલભાઈએ સ્વભાવસહજ ગુસ્સાથી કહી દીધેલ, ‘જસ્ટ ગો ઈન સાઈડ…!’
ત્યારે મારિયાની આંખમાંનો આક્રોશ એઓ પારખી ન શકેલ!
-હવે? એમને પોતાની જાત પર ગુસ્સો આવ્યો…! હવે શું?
-પાંચ મિલિયન ડોલર…!
-આ તો ધરમ કરતા ધાડ પડી..! ગુસ્સાથી એમણે એમના ડોકે લટકતી કંઠી બળપૂર્વક ખેંચી તોડી નાંખી. કંઠીના ઝીણા ઝીણા મણકા કાર્પેટ પર વેરાય ગયા. રોષભરી નજરે સુનિલભાઈએ દિવાલ પર લટકતી દાદા સ્વામિની તસવીર તરફ જોયું.એ તસવીરમાં સ્વામિજી મરક મરક હસી રહ્યા હતા.  કંઈક વિચારી એ તસવીર ઉતારી બારી ખોલી બહાર ફેંકી દીધી સુનિલભાઈએ!!
-ઓહ…!
સાવ હતાશ થઈ એઓ પલંગ પર ફસડાય પડ્યા. કંઈક વિચારી એમણે મારિયાને ફોન કર્યો…! થોડી રિંગો બાદ મારિયાએ ફોન ઉપાડ્યો, ‘ડોન્ટ કોલ મી એવર પ્લીઝ..! કોલ માય લૉયર…’ એટલું કહી મારિયા ફોન કાપી નાંખ્યો…!
-હવે…! મારિયાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. આટલા આટલા વરસથી કામ કરતી મારિયાએ સાવ મ્હોં ફેરવી દીધું! એક નરી શૂન્યતા છવાય ગઈ સુનિલભાઈના મનમાં. જાણે સળગતો કોયલો ઉપાડતા હોય એમ એમણે વારાફરતી બન્ને નોટિસ વાંચી. સ્થળ સમય પુરાવા સાથે મારિયાએ પોતાનો કેસ મજબૂત કરી દીધો હતો. કાયદાઓ જટિલ હતા. આમાં ક્યાં સ્ત્રીત્વનું અપમાન હતું? એમણે ક્યાં અપમાન કર્યું હતું? સહેજ વિચારી એમણે દિનુને પોતાના રૂમમાં મોકલવા માટે સ્કોટને કહ્યું. દિનુ આજે ડેસ્ક પર ફરજ બજાવી રહ્યો હતો. ડરતા ડરતા દિનુએ સુનિલભાઈના રૂમના દરવાજે બે ટકોરા માર્યાઃ હવે શું હશે…?
‘જય સ્વામિનારાયણ ભા…ઈ…! મને યાદ કર્યો?’
‘………………….!’ ક્રુધ્ધ નજરે સુનિલભાઈ દિનુએ થોડી ક્ષણો નિહાળતા રહ્યા. દિનુએ જોયું કે સુનિલભાઈના શર્ટના ઉપરના બટનો ખુલ્લા હતા. કદાચ તૂટી ગયા હતા. દિવાલ પર લટકતી તસવીર ગાયબ હતી. સુનિલભાઈ હાલ-બેહાલ હતા.
‘દિન્યા…!’ ઊંડો નિઃશ્વાસ નાંખી સુનિલભાઈ બોલ્યા, ‘આ તારા ગુરુજીએ તો ભેરવી દીધો મને…! બરબાદ કરી નાંખ્યો…!’
‘ગુ…રુ…ઉ…ઉ…જી….ઈ…ઈ…એ…??!!’ દિનુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એની આંખો પહોળી થઈ ગઈ.
‘કયા કાળ ચોઘડિયામાં પધરામણી કરી હતી એમની…!’ સુનિલભાઈ ગુસ્સેથી બોલતા હતા, ‘તારી વાતમાં હું આવી ગયો..ને..!’  એમણે ફરી એક નિસાસો નાંખ્યો.
‘પણ થયું શું?’ દિનુને સમજ ન પડી, ‘ગુરુજીએ…?’
‘તારા ગુરુજી અને એના ચેલકાઓ પર સ્ત્રીનો પડછાયો ન પડવો જોઈએ…!બરાબરને…?’
‘હા…! એઓ બાલ બ્રહ્મચારી…!’
‘બાલ બ્રહ્મચારીની તો….!’ સુનિલભાઈએ દિનુની વાત કાપી નાંખી એક ભદ્દી ગાળ દેતાં કહ્યું, ‘તારા ગુરુજીને કારણે મારિયાને મેં અંદર જવા કહેલું…!’
‘હા…!બરાબર…!’
‘એ મારિયાએ સ્યૂ કર્યો છે…મારા પર… સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો…! તારા ગુરુજીને લીધે એને એના સ્ત્રીત્વનું અપમાન થયેલ લાગ્યું એ સ્ટ્યૂપિડ બીચને…!’
‘શું વાત કરો છો ?!!’ દિનુનું મ્હોં પહોળું થઈ ગયું.
‘હા…જો…’ ગુસ્સેથી એમણે પેલી બે નોટિસોના કાગળિઆઓ દિનુના મ્હોં પર ફેંક્યા, ‘આ…જો…સાલીએ પાંચ મિલિયન ડોલરનો સ્યૂ ઠોક્યો છે મારા પર…! હવે કહે તારા અંતર્યામી ગુરુજીને કે બચાવે મને…! મને બરબાદ કરી નાંખ્યો તેં ને તારા ગુરુજીએ….!’ ગુસ્સાથી  કાંપતા હતા સુનિલભાઈ, ‘લગાવ તારા એ ગુરુઘંટાલને ફોન…!’ એમણે એમનો સેલ ફોન દિનુ પર ફેંક્યો જે દિનુએ ચપળતાથી ઝીલી લીધો, ‘લગાવ ફોન… એ…ને ને કહે કે બચાવે મને…!’
ધ્રૂજતા ધ્રૂજતા દિનુએ નંબર ડાયલ કર્યો. સામેથી રિંગ વાગતી રહી. કોઈએ ફોન ન ઊંચક્યો…! દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ જોયું.
‘મારું ડાચું શું જોઇ રહ્યો છે. મૅસેજ મુક એમને. મારે એમને મળવું છે. તારે પણ આવવું પડશે. સાંજે..આજે સાંજે જ…!’
દિનુએ ડરતા ડરતા મૅસેજ મૂક્યો.
‘અરે…દિન્યા…!’ સુનિલભાઈને એકદમ યાદ આવ્યું, ‘તને તો મારિયા સાથે સારું બને છે ને?!! સ..મ..જાવ…સમજાવ એ રાંડને…!!’
‘ચોક્કસ ભાઈ…!’ હું એને ફોન કરીશ…
‘ફોન પર તો એ કંઈ માને એમ નથી…! રૂબરૂ મળ…! પર્સનલી…!પર્સનલી…! એને કહે કે શા માટે મેં એને અંદર મોકલી હતી…!’
‘હા…ભાઈ હું સાંજે એને મળવા જઈશ…! મારે ટેક્સી લેવી પડશે.’ દિનુ પાસે કાર નહોતી.
‘લે…!’ સુનિલભાઈએ એને થોડા ડોલર આપતા કહ્યું, ‘જોઈએ તો હમણાં જ નીકળી જા. તને તો એના ઘરનું એડ્રેસ તો જાણ હશે ને!’
‘ના…! પણ એ તો આપણા એમ્પલોઈના ડેટાબેઇસમાં હશે એ સ્કોટ પાસેથી મેળવી લઈશ. તમે ફિકર ન કરો…!’
‘અ…રે…!!શું ફિકર ન કરો…! આ યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાળા કાયદાઓ બહુ ખરાબ હોય છે. અને એઓ કોઈનું સાંભળે નહિ!’
સાંજે દિનુ સાથે સુનિલભાઈ ગુરુજીને મળ્યા. ગુરુજીએ તો હાથ ઊંચા કરી દીધા. કહી દીધું કે કોર્ટ કચેરીના મામલામાં એઓ ન પડે. આ તો સુનિલભાઈના નિમંત્રણને માન આપી એઓ મોટેલ પર ગયેલ. હવે એમાં એમનો શો દોષ?
સુનિલભાઈની નિદ્રા વેરણ થઈ ગઈ. બ્લડ પ્રેશર વધી ગયું. બીજા દિવસે એઓ એમના વકીલને મળ્યા. મારિયાના લૉયરની નોટિસ અને ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાગળો લઈને. સુનિલભાઈએ એમના વકીલને કહ્યું કે એમણે જ મારિયાને અંદરના ભાગમાં જવા માટે કહેલ અને મારિયા વિરોધ કરેલ. વિચારણાઓ થઈ. ખુદ એમના વકીલે કહ્યું કે કેસ નબળો છે. છતાં અપીલમાં જવાનું નક્કી થયું. એક મહિના પછી કેસ ખૂલ્યો. સુનિલભાઈના કમનસીબે મહિલા ન્યાયાધિશ સાન્દ્રા ડિ’સોઝા પાસે કેસ ગયો. સ્ત્રી ન્યાયાધીશ…! સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ! ઓહ…! વળી મારિયા પાસે બે વિડિયો ટેઇપ હતી. જે એના લૉયરે કોર્ટમાં રજૂ કરી જેમાં સુનિલભાઈ મારિયાને બે-બે વાર અંદર જવા માટે આદેશ આપતા સ્પષ્ટ દેખાતા હતા અને મારિયાએ શાંત સ્વરે એનો વિરોધ નોંધાવેલ એ પણ સ્વયં સ્પષ્ટ હતું. આ વિડિયો મોટેલમાં જ મૂકેલ સિક્યુરીટિ કૅમેરા દ્વારા ટાઈમ અને તારીખ અને સમય સાથેની હતી એટલે કેસ એકદમ નબળો પડી ગયો!  આ ટેઈપ મારીયા પાસે કેવી રીતે આવી? સુનિલભાઈ વિચારતા રહ્યા. જ્યૂરીનો નિર્ણય પાંચ દિવસ બાદ આવવાનો હતો.
સુનિલભાઈની ઉંમરમાં જાણે દશ વરસનો વધારો થઈ ગયો હતો. સાવ હારી ગયા હતા એઓ. મારિયાને પૈસા આપવા સિવાય છૂટકો નહોતો. નહિતર મારિયા એમને જેલવાસની સજા થાય એ માટે દબાણ કરે…! જેલવાસ…કેદ…! ઓહ…!! એમના વકીલે સલાહ આપી કે હવે કોર્ટ બહાર કેસનો ઊકેલ આવે તો કંઈ રાહત થાય બાકી જડ્જ સાન્દ્રા ડિ’સોઝા અને જ્યૂરીના આદેશમાં કદાચ વધારે કડક સજા અને પૅનલ્ટી આવી પડે. જ્યૂરીમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધારે હતી.
સુનિલભાઈના વકીલ મારિયાના લૉયરને મળ્યા અને કોર્ટ બહાર સુલેહ-સમાધાન કરવાનું નક્કી થયું. મારિયા માંડ તૈયાર થઈ. પણ એણે  પાંચ મિલિયન ડોલરથી એક પણ પૈસો ઘટાડવા માટે નન્નો ભણી દીધો. સુનિલભાઈને ડિપ્રેશનનો ભારે ઍટેક આવ્યો. એઓ સુનમુન થઈ ગયા હતા. એમને કોઈ વાતમાં રસ ન રહ્યો. મારિયાએ અને એના લૉયરે એક મહિનાની મુદત આપી. સુનિલભાઈના કુટુંબીજનો પણ ગમે તે રીતે મારિયાથી પીછો છોડાવવા માંગતા હતા. દરેક મોટેલના સુનિલભાઈ સોલ પ્રોપ્રાયટર હતા. જાત મહેનત કરીને એમણે સામ્રાજ્ય ખડું કર્યું હતું. એમણે બે મોટેલ વેચવા કાઢી…! ડાઉન ઈકોનોમીના કારણે ભાવ ઓછા આવતા હતા છતાં એમણે એ વેચી નાંખી તો મારિયાએ એક મિલિયન ડોલર ઓછા કર્યા.
જે દિવસે મારિયાને ચાર મિલિયન ડોલર આપવામાં આવ્યા એ દિવસે જ  બિચારા સુનિલભાઈને મેન્ટલ રિહેબમાં દાખલ કરવા પડ્યા. તો બીજી બાજુ બે ભાગ્યશાળી વ્યક્તિઓએ એમના નવજીવનનો શુભારંભ કર્યો. એ હતા દિનુ અને મારિયા! દિનુનાં ગુરુજીના ‘પધરામણી’ના બેજોડ આયોજને રંગ રાખ્યો હતો. રોડપતિ દિનુ મારિયાના પતિની સાથે સાથે કરોડપતિ બની ગયો હતો.  દિનુ અને મારિયાના લગ્ન થયા હતા અને  દિનુ અને મારિયાએ  બે મોટેલ ખરીદી હતી કે જે સુનિલભાઈએ વેચી હતી…પાણીના ભાવે!!
(સમાપ્ત)
સાભાર – સુરેશ કાક્લોતર

“હરિ હરિ”

Standard

ગઈકાલે સવારે પ્રાતઃકાળે અમદાવાદની બહાર જવાનું થયું, હજી સૂર્યોદય થયો નોહતો અને નજર એકદમ આકાશે પડી..

મંગળની જોડે એકદમ જ નજીક એક ચમકતો પ્લેનેટ હતો,પેહલા તો એ શુક્ર હોવાનો આભાસ થયો પણ તરત જ મગજ ટટોળ્યુ, મંગળ અત્યારે તો તુલા રાશીમાં છે, અને અત્યારે ધનારક તો બેસી ગયા, સૂર્ય હવે ધન રાશીમાં આવી ગયો છે,અને જનરલી શુક્ર અને બુધ આ બે ગ્રહો સૂર્યની આજુબાજુની રાશીમાં જ હોય, તો પછી અત્યારે આ કયો ગ્રહ ભૂમિસુત જોડે આટલો નજીક યુતિમાં આવ્યો..?? અને પાછુ નરી આંખે પણ એમની યુતિ દેખાઈ રહી છે..!!??

મગજમાં કીડો ભરાયો, એટલે ડ્રાઈવરને કીધું સાઈડ પર કર દોસ્ત ગાડી, હજી શ્યામલ ચાર રસ્તાથી ચીમન પટેલના બંગલાવાળા મેદાન સુધી જ પોહચ્યો હતો, ખુલ્લુ મેદાન હતું એટલે બે ગ્રહોની યુતિ નરી આંખે સ્પષ્ટ દેખાતી હતી ..

આપ`ડે તો ગાડીમાંથી ઉતરીને મસ્ત ઠંડીમાં મોબાઈલમાં ગુગલ સ્કાય ખોલ્યું અને એમાં “જ્ઞાન” મળ્યું કે મંગળ જોડે તો સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિ યુતિમાં આવી ગયા હતા,એવું ગુગલ સ્કાય બતાડી રહ્યું હતું..!!

ફરીવાર કન્ફર્મ કરવા માટે કુંડળીની એપ ખોલી, અને એમપણ તુલા રાશિમાં મંગળ-ગુરુ યુતિમાં દેખાયા,સૂર્યદેવ જોડે આજકાલ શનિ,શુક્ર અને બુધ ધનરાશીમાં છે..!!

અદ્દભુત ગુરુ-મંગળ યુતિ દર્શન થયા..!!

કોઈને સેહજ પણ રસ હોય તો વેહલી સવારે પૂર્વ દિશમાં અને સાંજે સુર્યાસ્ત પછી પશ્ચિમે ગુરુ-મંગળની યુતિ સ્પષ્ટ અને એકદમ નરી આંખે દેખાઈ રહી છે..!! બહુ જ સરસ નજારો છે..

ક્યારેક વોટ્સ એપ,ફેસબુક અને ઈન્સ્ટા ની બહારની દુનિયા જોઈ લે દોસ્ત..!!

જો કે આ સલાહ તો પરોપદેશેપાંડિત્યમ  જ છે, હું જ આખો દિવસને રાત રચ્યો પચ્યો રહું છું આ સોશિઅલ મીડયામાં..!!

ગઈકાલે બીજી પણ એક ઘટના ઘટી, મને એક વોટ્સ એપ ગ્રુપમાં ટોકવામાં આવ્યો કે અડધી રાત્રે મેસેજ ના કરો..

પેહલા તો મને થયું કે હશે “કાકા”ની ઉંમર થઇ હશે એટલે ટોકવાની ટેવ પડી હોય એટલે ટોકે,પણ પછી “કાકા” આંગળ વધ્યા આખી વોટ્સએપ સંહિતા બનાવવાના મૂડમાં આવી ગયા..!!

હવે મારી વાત કરું તો શરુ શરુમાં મને પણ અડધી રાત્રે વોટ્સ એપ મેસેજ આવતા ત્યારે દાઝ ચડતી, પણ પછી સેહજ શાંત દિમાગે વિચાર્યું કે હું સાંજે પણ વોટ્સ એપ મેસેજ ઠોકું છું ત્યારે પેલો સિડની અને મેલબોર્નવાળો બાપ`ડો ઘસઘસાટ ઊંઘતો હોય છે,એ બાપ`ડાની ત્યાં અડધી રાત જતી હોય છે અને દિવસે મેસેજ કરું તો યુરોપ અમેરિકાવાળા હેરાન થાય છે….!!

અને આ જ વસ્તુ સામે મારી સાથે પણ થાય છે, હું જેમ એમને મેસેજ કરું છું એમ એ લોકો પણ મને મેસેજ કરે છે..!! 

એટલે પછી હવે મેસેજ કરવામાં વળી “વેળા-કવેળા” ક્યાં શોધવી  ?

ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા થી લઇને અલાસ્કા સુધીના લોકોના ટાઈમ હું સાચવવા જાઉં તો ક્યાં મેળ બેસે..??

ફાઈનલી આપ`ડે એક કામ કર્યું કે વોટ્સ એપના અને બીજા બધા સોશિઅલ મીડિયાના નોટીફીકેશન સાઉન્ડ ઓફ કરી નાખ્યા..!!!

પત્યુ..!!

એટલે મારી દરેકને વિનતી કે મારા “કવેળા” ના મેસેજથી તકલીફ થતી હોય તો તમારા નોટીફીકેશન સાઉન્ડને ઓફ કરી અને નિરાંતની ઊંઘ માણો..!!

બાકી હમ નહિ સુધરેંગે..!!

બીજા પણ ઘણા “કાકા”ઓ મને સોશિઅલ મીડિયામાં ટોકા-ટોકી કરી રહ્યા છે, મુદ્દા જુદા જુદા હોય ટોકવાના, પણ ટોકે..એક “કાકા”ને આજે જ “ક-મને” અનફ્રેન્ડ કર્યા..!

(અહિયાં “કાકા” શબ્દ માનસિક ઘડપણ દર્શાવા વાપરું છું)

કદાચ વોટ્સએપ અને બીજા સોશિઅલ મીડિયા હવે સમયના અને સરહદના બંધન પાર કર ચુક્યા છે, આજે વોટ્સ એપથી લઈને બીજા તમામ સોશીયલ મીડિયા કોઈપણ દેશમાં ૨૪*૭ થઇ ચુક્યા છે એમના બ્રોડકાસ્ટમાં કદાચ પેલુ કહે છે ને ધ સીટી નેવર સ્લીપ એમ દુનિયાભરમાં ફેલાયેલા આ બધા સોશિઅલ મીડિયા ક્યારેય ઊંઘતા જ નથી..!

સોશિઅલ મીડિયાના આ “નાં” ઊંઘવાના પ્લસ અને માઈનસ બંને છે,

પ્લસમાં  માણસ અડધી રાત્રે પણ કનેક્ટેડ રહે છે,અને માઈનસમાં માણસ અડધી રાત્રે ઊંઘવાને બદલે અડધો જાગતો પાડ્યો રહે છે..!

હવે દરેક ઈન્ડીવિજ્યુઅલ એ પોતે નક્કી કરવાનું છે કે પોતે શું કરવું છે..!! 

એને કેટલો સમય એને કનેક્ટ થવું છે, અને કેટલો સમય ડીસકનેક્ટ થવું છે, 

અને હા “કાકા” પોતાના વિચારો બીજા કોઈ ઉપર થોપવાનો મતલબ નથી..!!! કે તું આટલા સમયમાં જ મેસેજ કરી શકે અને આટલા સમયમાં નહિ..!!

ઘણા વોટ્સ એપ ગ્રુપમાં કોઈ ચોક્કસ ટોપિક ઉપર ચર્ચા કરવી, કે બીજી કોઈ સામાજિક ,ધંધાકીય સમસ્યા ઉપર ચર્ચા કે સરકારી નીતિઓ ઉપર વગેરે વગેરે ઉપર રહીને ચાલવું એવું બધું શરુ શરુમાં નક્કી કરવામાં આવે છે,પણ સરવાળે તો એકાદ બે ફોરવર્ડીયા દરેક ગ્રુપમાં હોય કે જે આંખ બંધ કરીને દસ પંદર વીસ મેસેજ કોઈપણ સમયે ફોરવર્ડ કરી જ નાખતા હોય છે,એમના માટે બસ ફોરવર્ડ કરવું એટલું જ અગત્યનું હોય છે એટલે મેસેજ ફોરવર્ડ થાય એટલે ગ્રુપમાં એમનું અસ્તિત્વ સાબિત થઇ થઇ જાય એટલે પત્યું..!!

આવા બીજા ઘણા બધા ફોરવર્ડીયા ના “પ્રકાર” હોય છે દરેક ગ્રુપમાં, 

બીજુ દરેક વોટ્સ એપ ગ્રુપમાં “કાકા” સિવાયના એક-બે “મોટો ભા” પણ હોય છે, જેને બધાને ટોકવામાં મજા આવતી હોય છે અને એમને પણ મારા જેવાને ટોકવાની વધારે મજા આવે..!!

કારણ શું ? ખબર છે ..?

પેલી નવી પરણેલી વહુ સાસરે ઘણી મેહનતે એકદમ મસ્ત દાળ બનાવતી હોય, પણ સાસુ રસોડે આવે દાળ સુંઘે પછી અડધી ચપટી મીઠું દાળમાં નાખે અને પછી સાસુ બોલે જો હવે સરસ થઇ દાળ..!!

બિલકુલ આ “સાસુ” ની જેમ મને વોટ્સ એપ ગ્રુપમાં એ ટોકે એટલે એને દાળ સુધાર્યા નો સંતોષ થાય..!!

અલ્યા “ડો`હા” આ ૮૦૦ શબ્દો હું લખુ છું, ટાઈપ કરું છું અને તું એક બે લીટી લખીને મને ટોકે છે અલ્યા..!! 

તો લખો ને “સાસુ” તમે પણ..!!

મને તમને વાંચવા નહી ગમે તો સ્ક્રોલ કરી નાખીશ..!! 

મેં ક્યા તમારા રૂપિયા બગડ્યા કે લઇ ગયો કે તમારી દાળ બગડી નાખી મેં કે તમારો દા`ડો બગડ્યો હે ..? તે ખોટી કટકટારી કરો છો..!???

એની વે ભડાસ “પ`તી…”

જે “કાકા” કે “ડોહા” ને મન પર લેવું હોય તો છૂટ,ઈશ્વર સુધરવાનો સહુ ને મોકો આપે છે તમને મેં આપ્યો અને સુધરવું હોય તો તમારો કુવો તમને મુબારક..!

મારે તો આખું બ્રહ્માંડ મારું છે, અને હું તો હેન્ડ્યો ધા`બે મંગળ-ગુરુ ને શોધવા અને છોકરાવને બતાડવા..!! 

અને તમે ..?? 

જા`વ ધાબે..!!  

ડોહા નથી થવું આપડે આટલા જલ્દી..!!! 
શૈશવ વોરા