ઉદાર હૃદયી ચુનીદાદા – જયશ્રી
કોઈ જમાનામાં એ દીવાલ સફેદ અને સ્વચ્છ રહી હશે પણ આજે તો એ કોઈ બાળકલાકારની ચિત્રવિચિત્ર રચનાઓનું પ્રદર્શન કરી રહી હતી. ક્યાંક જાડી પેન્સિલથી દોરેલ પૂંછડી વગરનો કૂતરો છે તો વળી એની બાજુમાં ત્રિનેત્રી બિલાડીની ભંગિમા વિનમ્ર હોવા છતાં પણ ડરામણી લાગતી હતી, ક્યાંક લાલ શાહીથી એક જાડો લીટો દોરીને ખરતો તારો બતાવ્યો હતો તો વળી એક ઠેકાણે છાપામાંથી કાપીને બનાવેલ હોડી વિચિત્ર રીતે ચોંટાડી હતી.
જેઠ મહિનાના ધગધગતા તાપથી બચવા ચુનીદાદા બપોરના સમયે પોતાની નીચી અને નાનકડી દુકાનના દરવાજા પર ટાટ (બાંબુની ચીપોથી બનાવેલ)નો પડદો નાખી દેતા. એમને ત્યાં મીઠાઈ લેવા આવનાર ગ્રાહકોને ખબર હતી કે પડદો ઊંચકીને ‘ચુનીદાદા’ના નામની બૂમ પાડવાથી રંગમંચના પડદાની જેમ પડદો ઊંચકાઈ જશે અને ચુનીદાદાના દર્શન થશે. સોદો પતી ગયા પછી પડદો પાછો પાડી નાખવામાં આવશે. હું જ્યારે પણ એમની દુકાન જતી ત્યારે થોડી વાર તો એમના પૌત્રના બનાવેલા ચિત્રામણનું જરૂર નિરીક્ષણ કરતી અને બાળકના કલ્પનાજગતનો તાગ મેળવવા મથતી.
તે દિવસે તન્મયતાથી દીવાલ ઉપર ચીતરેલ ચિત્રવિચિત્ર કૃતિઓનું નિરીક્ષણ કરી રહી હતી કે અચાનક પડદો ઊંચકાઈ ગયો અને દુકાનમાં રાખેલ શીશીઓ પર સીધો તડકો પડતાં એકાએક બધું જ ઝળાંહળાં થઈ ગયું. મારી આંખો અંજાઈ ગઈ. એ પ્રચંડ પ્રકાશથી બચવા મેં મારી આંખો પર હાથની છાજલી કરી અને પાછળ ફરી ગઈ. ત્યાં તો મેં બે નાનકડા નવાગંતુકોને કુતૂહલપૂર્વક જોયા. છોકરો દસેક વર્ષનો હશે અને એની સાથેની છોકરી એનાથીયે નાની. બન્નેના ચહેરામહોરા લગભગ સરખા હતા – મોટી મોટી આંખો, નાનકડું પણ જરા ઉપસેલું નાક, નાજુક કળી જેવા હોઠ – ફેર ફક્ત એટલો જ હતો કે છોકરાના મુખ પર વિશ્વાસ અને ગર્વ હતો જ્યારે છોકરીના ચહેરા પર શરમ અને સંકોચ. છતાં ભાઈ માટેનો અહોભાવ નીતરતો હતો. એ અનિચ્છા અને સંકોચની મારી બારણાની બહાર ઊભી રહી ગઈ એટલે એનો ભાઈ એનો હાથ પકડીને ઘસડતો હતો અને કાનમાં ગૂસપૂસ કરતો હતો, ‘ચાલને પિન્કી, દાદી કશું નહીં કહે, આપણે ચોરી થોડી જ કરી છે ?’
આ ભૂલકાંઓની ગુસપુસ વાતો ચાલતી હતી એટલામાં તો ચુનીદાદા મેં માંગેલી મીઠાઈનું પડીકું તૈયાર કરી લાવ્યા અને પૈસાનું પરચૂરણ મારા હાથમાં મૂક્યું પણ તોય મેં ત્યાંથી ચાલતી ન પકડી. આ છોકરાના અંતિમ વાક્યે મારું કુતૂહલ જગાડ્યું હતું. એટલે આ રહસ્યનો ઘટસ્ફોટ થાય એવી આશાએ હું ખોટીખોટી એકાગ્રતાથી ચુનીદાદાએ આપેલ બાકીના પૈસા ગણી રહી હોવાનો ડોળ કરતી ઊભી હતી. જો ચુનીદાદાએ મારી આ ક્રિયા જોઈ હોત તો બિચારા હેબતાઈ જાત, જાણે એમનું નાક કપાઈ ગયું એવી ગ્લાનિ અનુભવત. કારણ કે આજ સુધી વૃદ્ધ ચુનીદાદાએ આપેલ પરચુરણ અમે કદી ગણતાં નહીં. એમની લેવડદેવડ એટલી ચોક્કસ રહેતી. વળી અમારો વર્ષો જૂનો એમનો સંબંધ હતો, એટલે અમે કોઈ દિવસ આવી ગુસ્તાખી એમની સામે કરી નહોતી, સાહસ પણ નહોતું થયું. મારા સારા નસીબે એમનું ધ્યાન એ બાળકો પ્રત્યે હતું. છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને કોઈ સમજુ યુવકની અદાથી બોલ્યો, ‘દાદા, તમે ઊઠવાની તસ્દી ન લેતા, અમે મીઠાઈ તો લઈશું. પણ શું લેવું એ હજુ નક્કી નથી કરી શક્યાં.’ એવું કહીને એણે બહેન તરફ સ્મિત કર્યું, જાણે કહેતો ન હોય, ‘જો મેં તને કહ્યું હતું ને કે તારે એક શબ્દ પણ બોલવો નહીં પડે.’
થોડી વાર આમતેમ નજર ફેરવ્યા પછી પિન્કીનો સંકોચ ઓછો થયો અને એ વિશ્વાસપૂર્વક ભાઈને કહેવા લાગી કે, કઈ મીઠાઈ વધારે દિવસ રહેશે, તાપમાં ઓગળે નહીં અને સ્વાદમાં પણ સારી હોય ? છેવટે ગંભીર સ્વરે ભાઈ બોલ્યો, ‘જો પિન્કી, આપણે આ મીઠાઈ અડધો કિલો લઈશું તો બધાં બાળકોને આપી શકાશે. એ ખરું છે કે જ્યારે આપણને આ ખજાનો મળ્યો ત્યારે ત્યાં ત્રીજું કોઈ હાજર ન હતું પણ એનું ફળ તો બધાંયને મળવું જોઈએ ને ! આપણે બધાંય સાથે મળીને ખાઈશું.’ ત્યારે મને સમજ પડી કે આ બાળકોને રસ્તે ચાલતાં ચાલતાં કંઈક પૈસા મળી ગયા હશે. એટલામાં તો પેલો છોકરો કહેતો સંભળાયો, ‘અચ્છા, ચુનીદાદા, અમને અડધો કિલો આ મીઠાઈ આપો.’ એણે એક મીઠાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું.
‘અડધો કિલો !’ સાંભળીને ચુનીદાદાએ આશ્ચર્યથી બાળકો સામે જોયું. છોકરો આંગળીથી જે મીઠાઈ બતાવી રહ્યો હતો તે સહુથી મોંઘી હતી. ‘આનો અડધો કિલો ?! એટલે કે આમને કોઈ મોટો ખજાનો મળ્યો લાગે છે….’ મેં મનમાં વિચાર્યું.
થોડી વારમાં ત્રાજવા પર મીઠાઈ મૂકીને વજન કરવામાં આવ્યું. મીઠાઈ ઘણી હતી એટલે એક પડીકામાં ન મૂકીને દાદાએ બે પડીકાં બાંધ્યાં અને છોકરાને કહ્યું, ‘આ લે બેટા.’
‘દાદા, તમારો ખૂબ ખૂબ આભાર….’ છોકરાએ વિનયપૂર્વક કહ્યું અને બન્ને પડીકાં ખૂબ જ ચીવટથી પોતાની બહેનના નાનકડા હાથમાં પકડાવ્યાં. પછી ટેબલ પર ધાતુના સિક્કાના ‘ખટ’ અવાજથી આખી દુકાનમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. મેં આંખ ઉઠાવીને જોયું તો ટેબલ પર ધાતુનો ચળકતો એક સિક્કો હતો. તે પણ ફક્ત પાંચ રૂપિયાનો ! જ્યારે ખરીદેલી મીઠાઈના લગભગ પચાસ રૂપિયા થતા હતા.
છોકરાયે કહ્યું : ‘ઠીક છે ને, દાદા ?’ અને મોટુંમસ સ્મિત વેર્યું.
મેં ચુનીદાદા સામે જોયું. મને થયું કે તેઓ બાળકોને રોકી રાખશે અને ધમકાવશે, મીઠાઈનાં પડીકાં પાછાં લઈ લેશે, પણ આ શું ? ચુનીદાદાના શાંત, સૌમ્ય મુખની દરેક રેખા પર જાણે સ્મિત ટપકી રહ્યું હતું. એમની આંખો સ્નેહ અને ઉદારતાની સરવાણી વરસાવી રહી હતી. થોડી વાર પછી એમના હોઠ ખૂલ્યા અને હસતાં હસતાં બાળકના માથા પર હાથ મૂકીને કહ્યું : ‘હા, બેટા, બિલકુલ ઠીક છે, આભાર.’
ઘરે પાછા વળતાં હું વિચારતી રહી કે આજે મને સાચા મહાત્માનાં દર્શન થયાં. ચુનીદાદાએ આટલી મોંઘી મીઠાઈ આટલી મોટી માત્રામાં કદાચિત જ વેચી હશે, આજે એ જ મીઠાઈ નાનાં બાળકોને એમ જ ઉપહાર તરીકે આપી દીધી. કોઈ બીજો દુકાનદાર હોત તો છોકરાનું અપમાન કર્યું હોત અને ધમકાવીને કાઢી મૂક્યો હોત પણ ચુનીદાદાનું દિલ ઉદાર હતું, તેઓ મોટા મોટા નેતાઓ કે મહાત્માઓથી પણ મને મહાન લાગ્યા. એમણે છોકરાની આંખમાં વિશ્વાસ અને સંકોચશીલ બહેન પ્રતિનો નિર્મળ પ્રેમ જોઈ એ શિશુની સુંદર ભાવનાનો ભંગ નહોતા કરવા માગતા. તેઓ બાળકના અજ્ઞાનને અને એના સોનેરી સ્વપ્નને ચૂરચૂર નહોતા કરવા માગતા. એટલે એમણે આટલી મોંઘી વસ્તુ ભેટની જેમ આપીને એનું મૂલ્ય હજાર ગણું વધારી મૂક્યું. મને તો એમ જ હતું કે મહાનતા તો કેવળ રણભૂમિમાં માતૃભૂમિને માટે બલિદાન આપવામાં હોય છે, અથવા જાત ઘસીને લોકોની સેવા કરવાવાળાઓ જ મહાન હોય છે પણ મેં કોઈ દિવસ સ્વપ્ને પણ ધાર્યું નહોતું કે કોઈ વૃદ્ધ શરીરમાં ધબકતું વાત્સલ્યપૂર્ણ તથા ઉદાર હૃદય પણ આટલું મહાન હોઈ શકે ?!
( સમાપ્ત )
લે. ;- જયશ્રી
પોસ્ટ સાભાર ;- સુરેશ કાક્લોતર