એક રાખડી બાકી 

Standard

એક રાખડી બાકી ;- હીરેન હરસુખલાલ વૈશ્નાની
  શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.

‘ખબર નહિ રીના ને શું થયું છે ?’, આ વિચાર તેના મન મા વલોવાયા કરતો હતો. થોડા સમય રાહ જોઇ હશે ત્યાં જ શિવેનના પિતાજી હરસુખભાઈનો તેના મોબાઈલ પર ફોન આવ્યો અને જે વાત જાણવા મળી તેનાથી શિવેન એકદમ સ્તબ્દ્ધ રહી ગયો.

‘રીનાએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે.’, તેવું પોતાના પિતાજીના મોઢે થી ફોનમાં સાંભળીને શિવેન એકદમ ચિંતીત થઈ ને પોતાના ઘર ભણી દોડી ગયો.
‘મને કશી ખબર નથી. કેમ થયું ખબર નહીં…!!! તમારામાંથી કોઇ ને કંઈ ખબર હોય તો કહો.’, ઘરના ડ્રોઈંગરૂમનો સન્નાટો દૂર કરતા શિવેને પોતાના ઘર ના સભ્યોને પુછ્યું. માતા, પિતા કે દાદી તરફથી કોઈનો જવાબ ના મળતા તેણે રીનાને મળવા જવાનુ નક્કી કર્યું…. ‘હું તેની પાસે થી જવાબ મેળવી ને જ રહીશ.’ એમ કહીને તે રીનાને મળવા નીકળી ગયો. ઘરના બધા જ સભ્યો બહાર ની તરફ જઈ રહેલા શિવેનને એકીટસે જોઈ રહ્યાં. આશરે ૩ થી ૪ કલાક પછી શિવેન ઘરે પાછો ફર્યો અને આવતાંની સાથે જ તેણે દાદીને પુછ્યું,

‘દાદી ! તમે ભુત કે આત્મા પર વિશ્વાસ રાખો છો ખરી ?’.

‘હા, ભગવાન અને આત્મા સત્ય જ છે.’ દાદીએ કહ્યું. આટલું સાંભળીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બસ, આ સાથે જ ઘરના સભ્યો નવા ચક્ડોળે ચડ્યા, ‘શિવેને એવુ કેમ પુછ્યું ?’ તેમ વિચારવા લાગ્યાં.
રાત્રે દાદી ગાઢનિદ્રામાં સૂતા હતાં. અચાનક તેમના માથા પર પ્લાસ્ટિકનો બોલ આવીને પડ્યો. ગભરાઈને દાદી ઊઠી ગયા. ઉઠતાંની સાથે જ તેમની નજર ટેબલ પર સફેદ ફ્રોકમાં બેઠેલી નાની બાળકી પર પડી. દાદીનોતો પરસેવો જ છૂટી ગયો, અને ‘કોણ છો તું?’ એવું જોરથી દાદી બોલી ઉઠ્યાં. મીઠું સ્મિત આપતાં નિઃસ્વાર્થ અવાજે બાળકી બોલી,

‘હું છું…. કેમ દાદી ? એટલે કે….હતી ! હું તો મૃત્યુ પામી છું ને !’. હવે તો દાદી ઊભા થઈને ચીસો પાડતાં ડ્રોઈંગરૂમ તરફ ભાગ્યા અને બધા સભ્યો અવાજ સાંભળી એકઠા થઈ ગયાં. ડરેલા અવાજમાં તેમણે નાની છોકરીની આત્મા વીશે બધાને કહ્યું.

‘જોયું….., દાદીની આવી ગેરમાન્યતાઓથી ડરીને જ રીનાએ મને લગ્ન માટે ના પાડી છે. બસ થયું હવે દાદી!’ એમ કહીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

‘તમે ડરી ગયા લાગો છો. અમારી સાથે અમારા રૂમમાં સુઈ જાઓ.’ તેમ કહી હરસુખભાઈ દાદીને તેમના રૂમમાં લઈ ગયાં.
રક્ષાબંધનનો દિવસ આવ્યો…

દાદી ઘરથી થોડે દૂર મંદીરમાં દર્શન કરતાં હતાં. ૧૨મા ધોરણ ની એક છોકરીએ દાદીને પ્રસાદી આપતા કહ્યું, ‘દાદી આજે અમારુ રિઝલ્ટ આવ્યું, મેં મારી સ્કૂલ માં પ્રથમ નંબર મેળવ્યો છે.’ દાદીએ ખુશીથી પ્રસાદી સ્વીકારી.

‘પણ, કાશ… હું મૃત્યુ ના પામી હોત તો આ દિવસ સારી રીતે જીવી શકી હોત !’, છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું. દાદી ખૂબ જ ડરી ગયા અને જોરથી બૂમ પાડીને મંદીરના પંડિતને કહ્યું, ‘જુઓ તો… આ છોકરી શું બોલી રહી છે!!!’.

‘હેં !!!! અહીં આપણા બન્ને સિવાય કોણ છે ?’, પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું. છોકરી તેમની સામે હજુ સ્મિત પાથરી રહી હતી. દાદી ખૂબ જ ડરી ગયા અને ઝડપથી મંદીરમાંથી નીકળી રસ્તા પર દોડવા લાગ્યાં. વિચારોમાં મગ્ન દાદીને ક્યાં જવું તેનું પણ ભાન ના રહ્યું. તે આમ તેમ ફાંફા મારવા લાગ્યાં. તેમની આ હાલત જોઇને ત્યાં ઉભેલી એક યુવાન લેડી ઈન્સ્પેક્ટરે તેમને આવી હાલત વિશે પુછ્યું.

‘મને મારા ઘરે ઝડપથી પહોંચાડી દો !!’, દાદીએ રડતાં રડતાં કહ્યું.

‘પણ તમે રહો છો કઈ બાજુ ? કે પછી મારી જેમ સ્વર્ગ માં રહો છો ?’ લેડી ઈન્સ્પેક્ટરે કહ્યું. આ સાંભળતાની સાથે જ દાદી ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યાં.
થોડા કલાકો બાદ….

દાદીની આંખોં ખૂલી. પોતાને પોતાના જ ઘરના ડ્રોઈંગ રૂમમાં જોઈને તેમને હાશકારો થયો. અચાનક તેમની નજર એક પ્રકાશ પર પડી, જે હરસુખભાઈના રૂમમાંથી આવી રહ્યો હતો. દાદી એ ઘરમાં નજર ફેરવી તો ઘરમાં તેમના સિવાય કોઈ પણ ન હતું. ખૂબ આશાઓ સાથે તે પેલા પ્રકાશ તરફ પોતાના દીકરારૂમ તરફ ગયા અને આંખો ફાટી જાય એવું દ્રશ્ય જોયું. રૂમ માં કંઇ ન હતું, ટેબલ- ખુરશી કંઈ જ નહીં. રૂમમાં વચ્ચોવચ્ચ આગ ભડભડતી હતી અને એક અજાણી સ્ત્રી લાલ ઘરચોડા માં તેની આસપાસ ફરતી હતી અને પોતે જ લગ્નનાં મંત્રો ગાતી હતી. દાદી સામે જોઈને તેણે પણ સ્મિત આપ્યું અને પછી અચાનક જ રડવા લાગી. ફાટેલી આંખો સાથે દાદી ઘરની બહાર ભાગ્યા. ઘર બહાર નીકળતાની સાથે જ ઓશરીમાં તેમણે વધુ ભયાવહ દ્રશ્ય જોયું….. ઓશરીમાં એક ચીતા બળી રહી હતી……દાદી ના પગ થાંભલાની જેમ જમીન સાથે ચોંટી ગયાં. તે શૂન્યમનસ્ક થઈ ગયા હતાં. ત્યાં જ તેમની પાસે પેલી નાની બાળકીની આત્મા આવી, એ પછી ૧૨મા ધોરણવાળી છોકરીની આત્મા, લેડી ઈન્સ્પેકટરની આત્મા અને અંતે પરણતી સ્ત્રીની આત્માએ આવીને દાદી ને ઘેરી લીધા…. પાગલ થઈ જવાની હદ સુધી આવી પહોંચેલા દાદી આંખો બંધ કરી જોર જોર થી રડવા લાગ્યા….
‘મારી મા પણ આમ જ રડી હશે, જ્યારે તમે મારી દીદીના ભૃણને આ દુનિયામાં જન્મ પણ નહોતો લેવા દીધો. ફક્ત એટલા માટે કેમ કે તે એક સ્ત્રી થવાની હતી ??’ શિવેન બોલ્યો. તેના માતા-પિતા પણ ત્યાં જ ઉભા હતાં….. ‘આ બધી આત્માઓ નથી, દાદી. આ બધા મારા મિત્રો છે. આત્મા જેવી વસ્તુ પર વિશ્વાસ રાખવાને બદલે જો સ્ત્રી જાતિ પર ભરોસો રાખ્યો હોત તો આજે મારી એક દીદી હોત…. રીના, જ્યારે તારા પરીવારને અમારા આવા ભૂતકાળ વિશે ખબર પડી ત્યારે તેં મારી સાથે લગ્ન તોડવા ને બદલે મારા દાદીને તેમની ભૂલનો એહસાસ કરાવવાનું નક્કી કર્યું અને તારા મિત્રો અને મંદીરના પંડિતને પણ તેં આ માટે તૈયાર કર્યાં, જેનો મને ક્યારેય પણ વિચાર નહોતો આવ્યો. આજની નારીની તાકાત અને સમજણ શક્તિનું તેં સચોટ ઉદાહરણ આપ્યું છે.’ દાદી એકીટસે બધા સામે જોઈ રહ્યા.
રૂદનભર્યા અવાજે શિવેન બોલ્યો,

‘દાદી, વર્ષોથી મારા કાંડામાં એક રાખડી બાકી રહી ગઈ છે …. નાની બાળકીની માસૂમીયત, ૧૨મા ધોરણમાં ઊતિર્ણ થવાની ખુશી, લેડી ઈન્સ્પેકટર જેવી કામયાબી, પરણવાનો અમુલ્ય દિવસ, પતિ આગળ ઢાલ બનીને તેની પહેલા પોતે ચીતા બની જવાની ઈચ્છા રાખવાની હિંમ્મત… આ બધું તમે દીદીને જોવા કે માણવા ના દીધું. અરે તમે તો દીદીને આ દુનિયાની તસવીર પણ જોવા ના દીધી. દાદી, મારી એક રાખડી તમે હંમેશા માટે છીનવી લીધી. (આકાશ તરફ નજર કરી ને…) રક્ષાબંધનના આ દિવસે, આ જ મારી ના જીવી શકેલી બહેનને શ્રદ્ધાંજલી છે. મારા જેવા દીકરાની લાલસા પાછળ તમને તમારી દુનિયા મળતા પહેલા જ છીનવાઈ ગઈ….આ માટે મને માફ કરશો દીદી ! લવ યુ દીદી !!’ આ કહેતા સાથે જ શિવેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેના માતા-પિતા, રીના, આત્માઓ બનેલી તેની મિત્રો….બધાની આંખ માંથી આંસુ સરી પડ્યાં.
આત્માઓ બનેલી શિવેનની ચારેય મિત્રોએ તેને રાખડીઓ બાંધી અને શિવેનને ચાર બહેનો મળી ગઈ. દાદી ને તેમની ભૂલ સમજાવવા માટે આ નાટક કરવા બદલ શિવેને રીના અને બીજા બધાને ધન્યવાદ પાઠવ્યો.

થોડા મહીના બાદ, શિવેન અને રીના પરણી ગયા. તેમને ત્યાં એક બાળકી એ જન્મ લીધો, જેનું નામ તેમણે ‘યશસ્વી’પાડ્યું.
यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवताः।

यत्र तास्तु न पूज्यंते तत्र सर्वाफलक्रियाः॥

લે. ;- હીરેન હરસુખલાલ વૈશ્નાની

પોસ્ટ સાભાર ;-સુરેશ કાક્લોતર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s