કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે,સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?

Standard

કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે,

સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?
મિશા અને માઝુમી બંને બહેનો. સગી બહેનો. એમાંય પાછી જોડિયા બહેનો. ટ્વિન્સ સિસ્ટર્સ. યુવાનીના શિખર પર જીવતી બહેનો. સૌંદર્યમાં એવી કે એને જોઇને સો જોજન દૂર ઊભેલો પુરુષ પણ એને પામવા માટે વલખાં મારવા લાગે!
પપ્પા અનુપમભાઇ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર-મંત્રણામાં પરોવાયાં.
‘કહું છું…’ વંદનાબહેને કહેવાનું શરૂ કર્યું, ‘આવતી કાલે એક સારા ઘરનો મુરતિયો આપણી દીકરીને જોવા માટે આવવાનો છે.’
‘એકલો?’
‘ના હવે! એની મોટી ગાડીમાં જેટલા સમાય એટલા માણસોને લઇને આવવાનો છે. એની મમ્મી, પપ્પા, બે નાની બહેનો, એક વિધવા ફોઇ, એક કાકા અને કાકી…’
‘અને ડ્રાઇવર પણ. એનો અર્થ એ થયો કે એની કાર બહુ મોટી હશે અથવા એ બે-ત્રણ કાર લઇને આવવાનો છે. મતલબ કે મુરતિયો પૈસાદાર હશે.’
‘માત્ર પૈસાદાર નહીં, પણ આ શહેરનો સૌથી વધુ પૈસાદાર છે. દીપન ઇન્ડસ્ટ્રીના શેઠ દીપચંદનો એકનો એક દીકરો છે.’
પત્નીના મુખેથી દીપચંદ શેઠનું નામ સાંભળીને અનુભાઇ ખુરસીમાંથી ગબડવા જેવા થઇ ગયા, ‘હેં? શું વાત કરે છે તું? કંઇ ભાંગ-બાંગ તો પીધી નથી ને? આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસ માણસનું ઘર…?!?’
‘ઘર ભલેને મિડલ ક્લાસ રહ્યું, પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને? દીપચંદ શેઠે ક્યાંકથી ઊડતી વાત સાંભળી હશે આપણી બેય રાજકુમારીઓના રૂપ વિશે. એટલે સામેથી કહેવડાવ્યું કે આવતા રવિવારે નમતા બપોરે અમે દસ-બાર જણાં તમારા ઘરે કન્યાને જોવા માટે પધારીશું.’
અનુભાઇ વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યમાં સરી પડ્યા. પછી રાજી થયા અને પછી વિમાસણમાં પડી ગયા, ‘વંદના, મને એક વાત સમજાવ, કાલે દીપચંદ શેઠનો પરિવાર આપણી કઇ દીકરીને જોવા આવવાનો છે? મિશાને કે માઝુમીને?’ અનુભાઇનો સવાલ લાખ ટકાનો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ આ સવાલનો જવાબ સૂઝે નહીં એવો!
‘હું એ જ વાતે મૂંઝાણી છું. વહેવારુ દૃષ્ટિએ પહેલો સંબંધ મોટી દીકરીનો જ કરવાનો હોય, પણ મિશા અને માઝુમી તો જોડિયા બહેનો છે. બંનેના જન્મ વચ્ચે ફક્ત સાત જ મિનિટ્સનો ફરક છે. આમાં શું મોટું ને શું નાનું?!’
‘અરે, એના કરતાં પણ મોટી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે મુરતિયાને સમજાવવું શી રીતે કે આ બેમાંથી કોણ મિશા છે અને કોણ માઝુમી છે?’
અનુભાઇએ ખરું જ કહ્યું હતું. ટ્વિન્સ હોવાના કારણે એમની બંને દીકરીઓ જન્મથી જ એક સરખી દેખાતી હતી. પછી મોટી થતી ગઇ તેમ તેમ સામ્ય ઘટવાને બદલે વધતું ગયું. એવું કહેવાય છે કે પોતાનાં સંતાનોને જનેતા તો અલગ પારખી જ શકે છે, પણ પંદર વર્ષની વય સુધી તો વંદનાબહેને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી. બંનેનાં વસ્ત્રો ભલે સરખાં જ હોય, પણ કપાળની બિંદીનો રંગ એ અલગ રાખતાં હતાં.
ક્યારેક મોટી મિશાના (સાત મિનિટ) જમણા કાંડે લાલ દોરો બાંધી દેતાં હતાં. પણ કૉલેજમાં ગઇ એ પછી તો મિશા-માઝુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી દીધી હતી.
છેવટે એવું નક્કી થયું કે મિશાને જ મુરતિયા આગળ રજૂ કરી દેવી. અને માઝુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી. જેથી મહેમાનોના મનમાં કોઇ જાતની મૂંઝવણ પ્રગટ ન થાય.
રવિવાર આવી ગયો, નમતી બપોર પણ આવી ગઇ અને મહેમાનોની કાર પણ. સવા-સવા કરોડની બે ગાડીઓમાંથી બાર જણાં બહાર ઠલવાયાં. અનુભાઇ-વંદનાબહેન પ્રવેશદ્વાર પાસે જ ઊભાં હતાં. હૈયું ઠાલવીને એમણે આવકાર આપ્યો.
પાંચ પુરુષો હતા, સાત સ્ત્રીઓ હતી, પણ એક પુરુષને જોઇને વંદનાબહેનનું હૃદય આશંકાથી થડકી ઊઠ્યું: ‘હે ભગવાન! આ કાળો પહાડ જો મુરતિયો ન હોય તો સારું!’
દસ મિનિટમાં જ ખબર પડી ગઇ કે શહેરનો કદાચ સૌથી કદરૂપો એ પુરુષ જ મિશાનો હાથ માગવા માટે આવેલો ઉમેદવાર હતો. વાત-વાતમાં પરિચય આપતાં દીપચંદ શેઠે કહ્યું: ‘આ મારો એકનો એક પુત્ર મૌલેષ.
અમેરિકામાં એમ.બી.એ. કરીને આવ્યો છે. મારો એંશી ટકા બિઝનેસ હવે એણે જ સંભાળી લીધો છે. હું તો જવા ખાતર ઑફિસમાં જઉં છું. બે-ત્રણ કલાક બેસીને પાછો આવું છું. કંપનીનું વાર્ષિક ટર્નઓવર આઠ કરોડનું હતું, મૌલેષે એક જ વર્ષમાં એને એંશી કરોડ સુધી પહોંચાડી દીધું છે.’
અનુભાઇના ગળામાં દેડકો ફસાઇ ગયો હોય એમ માંડ ખાંસી જેવો અવાજ નીકળ્યો, ‘સારું કહેવાય.’
‘હવે આનાથી વધારે સારું કામ એક જ બાકી રહ્યું છે.’ દીપચંદ ઉત્સાહથી ઊછળી રહ્યા હતા: ‘મૌલેષના હાથ પીળા કરવા છે. અમારા ખાનદાનમાં શોભી ઊઠે એવી કન્યા…’
દીપચંદ બોલતા રહ્યા, અનુભાઇ વિચારતા રહ્યા: ‘કિસ્મતનો ખેલ છે બધો! આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે! જો દીપચંદ આ શહેરના આટલા મોટા જાણીતા અને ધનવાન શ્રેષ્ઠી ન હોત તો મેં એમને ક્યારનાયે અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત! ક્યાં મારી દીકરી મિશા અને ક્યાં આ નમૂનો!’
ત્યાં જ મિશા પાણીના ગ્લાસ સાથેની ટ્રે લઇને આવી પહોંચી. ડઝનીયું ખાનદાન એને જોઇને ખુશ થઇ ગયું. મૌલેષ આંખો ફાડીને ભાવિ પત્નીને જોઇ રહ્યો. જ્યારે મિશાની નજર મૌલેષ પર પડી ત્યારે એ ચકરાઇ ગઇ.
હાથમાંથી ટ્રે હાલક-ડોલક થવા માંડી. માંડ માંડ એણે સમતુલા જાળવી રાખી. અનુભાઇ અને વંદનાબહેન મિશાનો ચહેરો વાંચી ગયાં. સમજી ગયાં કે હવે આ ઇન્ટરવ્યૂને આગળ ચલાવવાનો અર્થ નથી.
અણસાર તો દીપચંદ એન્ડ કંપનીને પણ આવી જ ગયો. ચા-નાસ્તાની ઔપચારિકતા પતાવીને ટોળી રવાના થઇ ગઇ. અનુભાઇને આવું કહીને દીપચંદે હદ કરી દીધી, ‘ભ’ઇ અમને તો કન્યા પસંદ છે, તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો.’
ધૂળ જણાવે?! ઘરમાં સન્નાટો છવાઇ ગયો હતો. આવા મુરતિયાને એક જ વાર જોયા પછી પૂરો એક મહિનો ડિપ્રેશનમાં પસાર થાય, એની સાથે આખી જિંદગી કેવી રીતે જાય?
રાત્રે માઝુમી બહારથી આવી. એણે પૂરી હકીકત જાણી. એ ઊંડા વિચારમાં ડૂબી પડી. બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે માઝુમીએ મમ્મી-પપ્પા સામે પોતાના મનની વાત રજૂ કરી, ‘પપ્પા, દીપચંદ શેઠનાં પરિવારજનોને એ વાતની ખબર છે કે હું અને મિશાદીદી સરખાં જ બ્યુટિફુલ છીએ?’ ‘કદાચ ના, કદાચ હા.’
‘તો હું મૌલેષની સાથે મેરેજ કરવા તૈયાર છું.’ માઝુમીનો નિર્ણય સાંભળીને ઘરની દીવાલો પણ ધ્રૂજી ઊઠી.
અનુભાઇ હચમચી ગયા, ‘બેટા, તું આ શું બોલી રહી છે? તેં મૌલેષને જોયો પણ નથી અને એની સાથે…?’
‘હા, પપ્પા! મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને પછી જ આ નિર્ણય લીધો છે. ગઇ કાલે આખી સાંજ હું ઘરની બહાર હતી. સમય પસાર કરવા માટે હું દસથી બાર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં રખડતી હતી.
એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ ચીજો જોતી રહી. મારાં સૌંદર્યની શોભા વધારી મૂકે તેવી બે હજાર ચીજો મેં બજારમાં જોઇ, પણ એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી. પપ્પા, મારે મનભરીને જિંદગી જીવવી છે. જગતભરના મોજશોખ ખરીદવા છે અને એશોઆરામથી માણવા છે.’
‘પણ બેટા, એટલા માટે તું મૌલેષ જેવા કદરૂપા પુરુષ જોડે…?’
‘પુરુષનો દેખાવ ન જોવાય, પપ્પા, એની આવડત જોવાય, આવક જોવાય અને સ્વભાવ જોવાય.’
‘પણ મૌલેષનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે?’
‘સારો જ હશે. નહીં હોય તો થઇ જશે. મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઇ શકે. વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્નીની સાથે લડવા-ઝઘડવાનો સમય જ ન રહે. તમે ફોન કરીને જણાવી દો કે…’
અનુભાઇએ ફોન ડાયલ કર્યો, ‘શેઠજી, મારી દીકરી માઝુમીને મૌલેષકુમાર પસંદ છે.’
મિશાના આઘાતનો પાર ન હતો. નાની બહેને આ શું કર્યું? માત્ર રૂપિયા જ જોયા? ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જઇએ ને? એણે તો માઝુમીને કહી પણ દીધું, ‘જોજે ને, તારા મેરેજના આલબમમાં મૌલેષ સાથેના બધા ફોટાઓ બ્લેક એન્ડ વ્હાઇટ જ લાગવાના છે, કલરમાં લીધા હશે તો પણ!’
માઝુમી પરણી ગઇ.
એકાદ વર્ષ પછી મિશા પણ પરણી ગઇ. એનો પતિ મલ્હાર હિન્દી ફિલ્મના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસમ હતો. વાતચીતમાં પણ ચબરાક. ભલભલાને આંજી દે તેવો. મિશા અને મલ્હારની પ્રત્યેક તસવીર દીવાલનું આભૂષણ બની રહે તેવી આવતી હતી.
આ ઘટનાને આજે દસ-અગિયાર વર્ષ થઇ ગયાં છે. આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે?
માઝુમીના આવ્યા પછી મૌલેષના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માઝુમી વર્ષના છ મહિના એનાં બે સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ઘૂમતી રહે છે. એનાં બાળકોને વિદેશમાં ભણવા મૂક્યાં છે. માઝુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડાં, સૌથી મોંઘાં પર્ફ્યુમ્સ, સેન્ડલ્સ અને એસેસરીઝ વાપરી રહી છે. એનો લેડીઝ રૂમાલ પણ સોનાની જરીથી શોભે છે. સાચા ડાયમન્ડ સિવાય એ બીજાં કોઇ ઘરેણાં પહેરતી નથી.
કંપનીના પંદરસો કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે. મૌલેષ પણ ખરો જેન્ટલમેલ સાબિત થયો છે.
મિશાનું શું થયું? એનો પતિ નોકરીઓ બદલતો રહે છે. આટલાં વર્ષો પછી માંડ બાવીસ હજારના પગાર સુધી પહોંચ્યો છે. મિશા ભાડાના ઘરમાં નોકરાણીની જેમ ઢસરડો કરી કરીને ચિમળાઇ ગઇ છે. એ અકાળે ડોશી જેવી દેખાવા માંડી છે. નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાસ જોવા મળે છે. એનો પતિ હવે ફિલ્મી હીરોના બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે. હવે એ લોકો ફોટો પડાવતા નથી કેમ કે એ બંનેનો કપલ ફોટો સારો આવે એવું રહ્યું નથી. જિંદગીનો પૂરો આલબમ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ બની ગયો છે.
[સત્ય ઘટના: આ ઘટનામાં મારો આશય લેશમાત્ર એવો નથી કે રૂપાળી યુવતીઓએ ધનવાન છોકરાઓ જ પસંદ કરવા જોઇએ. આ તો જે બન્યું છે તે લખ્યું છે.]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s