ઘટસ્ફોટ

Standard

ઘટસ્ફોટ – હરીષ થાનકી
 હા, એ માધવીનો જ ફોટો હતો. એ જ લંબગોળ ચહેરો, સહેજ ઊપસેલું નાક, કપાળની વચ્ચોવચ મોટો ગોળ ચાંલ્લો અને ઉપલા હોઠ અને નાકની વચ્ચેના ભાગમાં નાનકડો કાળો મસો. આજના અખબારમાં છપાયેલા એ ફોટા સામે પ્રિયા તાકી રહી. એકાદા-બે ક્ષણ બાદ તેને એ ફોટો સ્પષ્ટપણે દેખાતો બંધ થયો. એને લાગ્યું કે તેની આંખમાં બાઝી રહેલી આંસુઓની ખારાશ તેની દ્રષ્ટિને ધૂંધળી કરી રહી છે. પ્રિયાએ ઝડપથી પોતાના હાથમાં રહેલા અખબારની આડશ વધુ ઊંચી કરી અને નીતરતી આંખોને ઝટપટ લૂછી નાંખી જેથી સામે બેઠેલો શ્યામલ એ જોઈ ન જાય.
‘માધવી ગુજરી ગઈ છે. અખબારમાં તેનો ફોટો છે, તેના બેસણાની જાહેરાત સાથે…’ હાથમાં રહેલા છાપાની આડશ પાછળથી પ્રિયાએ શ્યામલના ભાવવિહીન શબ્દો સાંભળ્યા. તેણે પોતાના હાથ માંહેનું છાપું બંધ કરી શ્યામલ તરફ જોયું. શ્યામલ જાણે કે કાંઈ જ ન બન્યું હોય તેમ બહુ જ શાંતિથી પોતાના હાથમાં રહેલી અખબારી પૂર્તિ વાંચી રહ્યો હતો. પ્રિયા આઘાતસભર નજરથી શ્યામલ તરફ તાકી જ રહી. માધવી હવે આ દુનિયામાં નથી રહી એ વાત તેણે પ્રિયાને એવી રીતે સંભળાવી જાણે કે શ્રીનગરમાં કોઈ આંતકવાદી પોલીસના હાથે ઠાર મરાયો હોય…! મરનાર પ્રત્યે કોઈ ભાવના, કોઈ જ અનુકંપા વગર…!
આ… આ શ્યામલ છે ? પ્રિયાની શ્યામલ તરફની દ્રષ્ટિમાં ભારોભાર કડવાશ ઉમેરાઈ… માધવી કોણ હતી શ્યામલની ? અરે, એક વખત શ્યામલના નામની આગળ પોતાને બદલે તેનું નામ લાગતું… મિસિસ માધવી શ્યામલ શુક્લ… અને આ માણસ કે જે એનો પતિ હતો, જીવનસાથી હતો, એ પોતાની ભૂતપૂર્વ પત્ની ગુજરી ગયાના સમાચાર એવી રીતે કહેતો હતો જાણે કે…! પ્રિયાને લાગ્યું કે તેના પેટમાં કશુંક ચૂંથાઈ રહ્યું હતું… ના, ના… આ શ્યામલ નથી… નથી જ વળી…! શ્યામલ આવો હોઈ શકે ખરો !
ગુજરાતી ભાષાનો એ પ્રસિદ્ધ ગાયક શ્યામલ શુક્લ, જેના કંઠના કામણ સામે લોકો પાસે ‘વાહ… વાહ’ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો રહેતો. જેના ગળામાંથી દર્દસભર ગઝલો અદ્‍ભુત આરોહ-અવરોહ સાથે વહેતી અને તેની સ્ત્રી-ચાહકો રડી રડીને ઓડિટોરિયમનું વાતાવરણ બોઝિલ કરી મૂકતી. જેની એક સી.ડી. રીલીઝ થતી ત્યાં તો તેની હજારો નકલો ચપોચપ વેચાઈ જતી. જેને તેના ચાહકો ‘ગુજરાતનો મહેંદી હસન’ કહીને નવાજતા, એ શ્યામલ શુક્લ આજે રવિવારની સવારે પોતાની પત્ની પ્રિયા સાથે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા નવરંગપુરા ખાતેના આલીશાન બંગલાના વરંડામાં નેતરની ખુરશી પર બેઠા બેઠા મૉર્નિંગ-ટી લેતાં આજનું અખબાર વાંચી રહ્યો હતો. અને તદ્દન સપાટ ચહેરે પ્રિયાને કહી રહ્યો હતો કે તેની પૂર્વપત્ની માધવી ગુજરી ગઈ છે…!
જોકે એમાં શ્યામલનો શો દોષ હતો – પ્રિયાએ વિચાર્યું – માધવીએ કર્યું જ એવું હતું ને…!
આજથી વીસ વર્ષ અગાઉ…
એ પંદરમી ઑગસ્ટનો દિવસ હતો. ભારતનો સ્વાતંત્ર્ય દિન. શ્યામલ ડ્રૉઇંગરૂમમાં બેઠો બેઠો માધવી સાથે લગભગ છેલ્લી વાતચીત કરી રહ્યો હતો. બંને હવે એકબીજાથી છૂટાં પડી રહ્યાં હતાં, કાયમ માટે.
‘મને લાગે છે કે આપણે હવે કોઈ જ ચર્ચા કરવાની બાકી રહેતી નથી. ખરું ને ?’
સામે સોફા ઉપર બેઠેલી માધવી કશું જ ન બોલી. તદ્દન મૌન.
‘હું તને પૂછી રહ્યો છું માધવી, સાંભળે છે ને ?’ શ્યામલનો અવાજ થોડો ઉત્તેજિત થયો.
‘હા… સાંભળું છું… બોલો.’ માધવી જાણે કે બોલવા ખાતર બોલતી હોય તેમ બોલી.
‘આવતી કાલે ડિવોર્સ પેપર તૈયાર થઈ જશે. આપણે બંને તેમાં સાઇન કરી દઈશું… બસ, એ પછી તું છુટ્ટી… અને હા, જો તને ઉતાવળ હોય તો તું આજથી જ સાવન સાથે રહેવા જઈ શકે છે… તો હું તને પેપર્સ મોકલી આપું પણ તો પછી મને સાવનનું… આઈ મીન, તારા નવા ઘરનું એડ્રેસ આપતી જજે. મારી પાસે તારું એ એડ્રેસ નહીં હોય.’ શ્યામલ છત તરફ જોઈને બોલી રહ્યો હતો.
‘હં… ના, હું કાલે જ જઈશ. આજની રાત હું અહીં રોકાવા ઈચ્છું છું.’ માધવીનો ઠંડોગાર અવાજ શ્યામલના કાનને બરફના ટુકડાની માફક સ્પર્શ્યો.
‘જેવી તારી મરજી.’ બોલતો શ્યામલ પોતાના સોફા પરથી ઊભો થયો. અને પછી માધવી પાસે આવી તેની તદ્દન નજીક બેસી, પોતાના હાથમાં રહેલી એટેચીમાંથી એક મોટા કદનું કવર કાઢી માધવીના હાથમાં આપતાં બોલ્યો; ‘આમાં તારી બૅંકની પાસબુક છે. જોઈ લેજે. તેમાં ગઈકાલે જ અઢાર લાખ રૂપિયા જમા કરાવી દીધા છે. આ ફાઈલ પણ જોઈ લે. વાસણા ખાતેનો એ ફ્લૅટ, કે જે આપણે તારા નામે જ ખરીદ્યો હતો તેના દસ્તાવેજ આ ફાઈલમાં છે. તેને સાચવી સંભાળીને રાખજે. અને હા, આ ઘરમાંથી તારે બીજું કંઈ પણ સાથે લઈ જવું હોય તો લેતી જજે. મને પૂછવાની જરૂર નથી.’ શ્યામલ માધવીને આ બધું કહી રહ્યો હતો ત્યારે માધવી બારીની બહાર રસ્તા પર પસાર થઈ રહેલાં વાહનો તરફ જોઈ રહી હતી. જાણે કે તેને આ સઘળી બાબતો સાથે કાંઈ લાગતું-વળગતું જ ન હતું.
ક્યાંથી લાગેવળગે ? આખરે તો એ આવતીકાલથી પોતાના પ્રિયજનના ઘરે જઈ રહી હતી ને ? કાયમ માટે સ્તો – શ્યામલ વિચારી રહ્યો હતો – ભગવાન જાણે કેટલા વખતથી એ બંને જણાં વચ્ચે લફરું ચાલી રહ્યું હશે ? આજથી પંદરેક દિવસ પહેલાં માધવીએ શ્યામલ પાસે કબૂલ્યું હતું કે તે કોઈ સાવન નામની વ્યક્તિના પ્રેમમાં છે અને તેને શ્યામલથી છૂટાછેડા જોઈએ છે. આ વાત શ્યામલ માટે આઘાતજનક નહીં; પરંતુ સાનંદાશ્ચર્ય ઊભું કરનારી બની રહી હતી. કારણ કે શ્યામલ ખુદ પણ છેલ્લા એકાદ વર્ષથી પોતાની ગાયકીની ફેન એવી પ્રિયાના પ્રેમમાં ગળાડૂબ હતો. પરંતુ માધવી પાસે ડિવોર્સ માગવાની હિંમત એકઠી નહોતો કરી શક્યો. એવામાં માધવી તરફથી અચાનક આવી પડેલી છૂટા પડવાની પ્રપોઝલથી એક ક્ષણ માટે તેને થયું કે તે નાચી ઊઠે; પરંતુ તેની માગણીને તરત સ્વીકારી લેવામાં જોખમ હતું. એણે ઝડપભેર પોતાના ભાવજગત પર કંટ્રોલ કરી, કૃત્રિમ આશ્ચર્ય સથે માધવીને પૂછ્યું હતું કે; ‘માધવી, તું આ શું બોલી રહી છે તેનો તને ખ્યાલ છે ?’
‘હા શ્યામલ, મને ખ્યાલ છે કે આ વાત જાણીને તને અવશ્ય દુઃખ થશે; પરંતુ મારી પાસે હવે કોઈ રસ્તો જ બાકી નથી રહ્યો. હું હવે સાવન વગર જીવી શકું તેમ નથી. આમ તો… આપણાં લગ્ન થયાં તે પહેલાંથી જ હું સાવનને ચાહતી હતી પરંતુ…’ માધવી ચૂપ થઈ ગઈ હતી.
‘પરંતુ શું માધવી ?… શું એ વખતે તારે તારાં માતાપિતાની ઈચ્છા સમક્ષ ઝૂકી જવું પડ્યું હતું કે… પછી સાવન જ…!’
‘ના ના, એવું નહોતું. એ વખતે સાવન હજુ અભ્યાસ કરતો હતો. તેની જિંદગી સ્થિર નહોતી અને હું કોઈ જ રિસ્ક લેવા નહોતી માંગતી. એટલે મેં તારું માગું સ્વીકારી લીધું. આજે હવે તે બધી જ રીતે સેટ થઈ ગયો છે. મને બોલાવે છે તો મને એમ લાગે છે કે મારે તેને સ્વીકારી લેવો જોઈએ. ગમે તેમ તોપણ એ મારો પહેલો પ્રેમ હતો.’
‘પ્રેમ…! શીટ્‍… પાક્કી ગણતરીબાજ જતી માધવી. તેનો પ્રેમ પણ કેલ્ક્‍યુલેટેડ હતો. પ્રેમમાં પણ ફૂંકીફૂંકીને પગલાં ભરનારી આ સ્ત્રીથી અલગ થવાની આ તક ચૂકવા જેવી ન હતી. – શ્યામલ વિચારી રહ્યો હતો.
‘ઓ.કે., તો હવે હું તને તારા એ પહેલા પ્રેમ પાસે જતાં નહીં રોકું. એક વિનંતી છે પ્લીઝ… મને થોડો સમય આપ જેથી હું મારી જાતને સમજાવી દઉં… બસ, પંદરેક દિવસ…’
બરાબર પંદર દિવસ પછી… તેમના દાંપત્યજીવનનો એ છેલ્લો દિવસ હતો. કાલે માધવીથી તે છૂટો થઈ જશે. એ પછી પ્રિયા સાથે લગ્ન કરી લેશે. બધું જ બરાબર ગોઠવાઈ જશે.
‘થેન્ક્‍યુ શ્યામલ…’ અચાનક માધવીના અવાજે તેને વર્તમાન ક્ષણથી અવગત કર્યો. ‘થેન્ક્યુ વેરી મચ… તેં આપણા સેપરેશનનું બધું જ કાર્ય ઝડપથી આટોપી લીધું એ બદલ તારો આભાર… એક વાત કહું શ્યામલ ? તું પણ કોઈ યોગ્ય પાત્ર શોધીને જલદીથી પરણી જજે. તને એકલાં રહેતાં નહીં આવડે. તને ટેવ નથી ને… એટલે ?’ કહેતાં કહેતાં માધવીનો અવાજ સહેજ ભારે થઈ ગયો હતો. તેના ગળામાં ડૂમો ભરાવા લાગ્યો હતો.
‘મારી ચિંતા ન કરીશ… બસ, તું સાવન સાથે સુખી થાય એટલે ઘણું.’ શ્યામલે અવાજમાં ભારોભાર દર્દ ભર્યું. બરાબર એ જ રીતે; જે રીતે સ્ટેજ પર કોઈ કરુણ ગઝલ ગાતી વખતે તેમાં તદ્દન કૃત્રિમ ભાવો ભરી દેતો અને સામે બેઠેલા ઓડિયન્સને રડાવી દેતો.
થેન્ક્યુ તો મારે તને કહેવું જોઈએ માધવી, કે તેં બરાબર સમયસર સાવન સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને મારા અને પ્રિયા માટે રસ્તો ચોખ્ખો કરી આપ્યો – શ્યામલે મનમાં ઊઠેલો આ વિચાર હોઠ સુધી ન આવી જાય તેની તકેદારી રાખી.
બીજે દિવસે ડિવોર્સ પેપર સાઈન થઈ ગયા. માધવી ઘર છોડીને ચાલી ગઈ. હંમેશને માટે… એ પછીના ત્રણ મહિનામાં શ્યામલે પ્રિયા સાથે લગ્ન કરી લીધાં.
આજે એ ઘટનાને વીસ વર્ષનો સમય વીતી ગયો. આ વચ્ચેનાં વર્ષો દરમિયાન શ્યામલે કદી એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે માધવી અને સાવન અમદાવાદમાં જ રહે છે કે અન્ય સ્થળે ? અને ન તો કદી માધવી તરફથી શ્યામલના સંપર્ક માટેનો કોઈ પ્રયાસ થયો. જોકે શ્યામલ તો ‘પબ્લિક ફિગર’ હતો. તેન ડિવોર્સ અને રિ-મેરેજના ન્યૂઝને અખબારોમાં પૂરતું કવરેજ અપાયું હતું. એ પછી જે છાપાંઓમાં શ્યામલના ફોટા અવારનવાર પ્રસિદ્ધ થતા રહેતા હતા, એ જ અખબારોમાં આજે માધવીનો ફોટો છપાયો હતો; પરંતુ બેસણાની જાહેરાત સ્વરૂપે…
‘શ્યામલ, માધવી મૃત્યુ પામી છે. ગમે તેમ તોય એ તારી એક વખતની પત્ની હતી. આપણે તેના પરિવારજનોમાં જે કોઈ હોય તેને સાંત્વના આપવા જવું જોઈએ.’ પ્રિયા બોલી.

‘કોઈ જ જરૂર નથી. આપણને વળી ત્યાં કોણ ઓળાખશે ? વળી સાવનને આપણે કઈ રીતે મળીશું ? હવે તો તેને કદાચ સંતાનો થયાં હશે તો એ પણ મોટાં થઈ ગયાં હશે. મને લાગે છે કે આપણું ત્યાં જવું તદ્દન નિરર્થક હશે.’ શ્યામલે છાપામાંથી મોઢું બહાર કાઢ્યા વગર જ પ્રત્યુત્તર આપ્યો.
‘ત્યાં આપણને કોઈ ઓળખે કે ન ઓળખે; પરંતુ કમ સે કમ માધવીના આત્માને તો સારું લાગશે ને ?’ પ્રિયાએ શ્યામલના હાથમાંનું છાપું સહેજ હટાવતાં કહ્યું.
‘માધવીના આત્માને તો મેં આજથી વીસ વર્ષ અગાઉ જ સારું લગાડી દીધું હતું પ્રિયા…!’ હવે શ્યામલે પ્રિયા તરફ નજર માંડી. ‘તેને જે વખતે પોતાના પ્રિયતમની આગોશમાં ખોવાઈ જવું હતું એ વખતે મેં તેને પ્રેમથી છૂટી કરી દીધી હતી… કોઈ જ કચવાટ વગર… એક પણ વખત વિરોધ કર્યા વગર… કયો પુરુષ પોતાની પત્ની તેની પ્રિય વ્યક્તિને પામી શકે તે માટે આટલી આસાનીથી છૂટાછેડા આપી દે ?… અને એ પણ તેના ભાગનો તમામ હિસ્સો તથા સંપત્તિ આપીને… પૂરતું બૅંક બેલેન્સ અને એક ફ્લૅટની ચાવી આપીને…? બોલ જોઉં ?’ શ્યામલ વર્ષો અગાઉ માધવી પર કરેલા ઉપકારની કિંમત જાણે કે પ્રિયાને ગણાવી રહ્યો હોય તેમ બોલ્યો.
‘શ્યામલ, શું તેં એ વખતે માધવીને ફક્ત એટલા માટે જ છૂટી કરી દીધી હતી કે તે સાવનને પામી શકે ?… કે પછી એટલા માટે છૂટી કરી હતી કે તું મને મેળવી શકે ?… એ વખતે તારી વાતોથી માધવી જરૂર છેતરાઈ હશે; પરંતુ એ વાતને લઈને તું તારી જાતને પણ આજ સુધી છેતરી રહ્યો હોઈશ એ મને ખબર નહોતી.’ પ્રિયાનો અવાજ થોડો સખત થયો.
‘ગમે તેમ હોય પરંતુ માધવીની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હતી ને ? તેને તો તેનો સાવન મળી જ ગયો હતો ને ?’ શ્યામલે દલીલોનો અંત લાવવા કહ્યું.
‘કયો સાવન…! કોણ સાવન ? સાંભળ શ્યામલ, સાવન નામની કોઈ વ્યક્તિ માધવીના જીવનમાં ક્યારેય આવી જ નહોતી, સમજ્યો !’ પ્રિયાએ અચાનક ઘટસ્ફોટ કરતાં કહ્યું. ‘સાવન એ એક કલ્પિત પાત્ર હતું. માધવી એ વખતે તારાથી છૂટી પડી ત્યારે પણ તે એકલી જ હતી. અને આજે પણ જ્યારે તે મૃત્યુ પામી હશે ત્યારે એકલી જ હશે.’
શ્યામલના પગ પાસે જાણે કે બૉમ્બ-વિસ્ફોટ થયો. તેણે ફાટી આંખે પ્રિયા સામે જોયું. અને જાણે કે તેને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવતો હોય તેમ પ્રિયા સામે એકીટશે જોઈ રહ્યો.
‘શું…? શું કહ્યું તેં ? સાવન નામની કોઈ વ્યક્તિ જ નહોતી એમ…? તારી કાંઈક ભૂલ થાય છે પ્રિયા…! મેં મારી સગી આંખે અડધી રાત્રે તેને સાવન સાથે ફોન પર છુપાઈ છુપાઈને વાતો કરતાં જોઈ છે અને… એ જ સાવન માટે તો તેણે મારી પાસે ડિવોર્સ માગ્યા હતા…! જો તું કહે છે તે પ્રમાણે સાવન નામની કોઈ વ્યક્તિ જ ન હોત તો તેણે મારી પાસેથી ડિવોર્સ શા માટે માંગ્યા હતા…?’
‘એ બધું નાટક હતું શ્યામલ, માત્ર નાટક. માધવીના જીવનમાં એક જ પુરુષ હતો અને… એ પુરુષ તું હતો, માત્ર તું.’
‘પરંતુ તો પછી આ બધું કરવાની તેને શી જરૂર હતી ? અને બાય ધ વે, તને આ બધી વાતની ક્યાંથી ખબર ? તું તો માધવીને ક્યારેય મળી નથી, તો પછી તું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકે કે…?’ શ્યામલના પ્રશ્નો પ્રિયાને ચોતરફથી ઘેરી વળ્યા.
‘હું માધવીને મળી હતી અને એ પણ તમારા ડિવોર્સ થયા તે પહેલાં. ઈન્ફેક્ટ, એ જ મને મળવા આવી હતી. તેને આપણા અફેરનો ખ્યાલ આવી ગયો હતો. તેણે ગમે તેમ કરીને મારો ફોન નંબર મેળવી લીધો હતો. એ પછી તેણે મને ફોન કરી, પરિમલ ગાર્ડન મળવા બોલાવી હતી. ત્યાં તેણે મને આપણા સંબંધો વિશે પૂછ્યું હતું. મેં તેને બધું જ સાચેસાચું કહી દીધું. વાતને અંતે તેણે મને કહ્યું હતું કે જો હું ખરેખર જ તારી સાથે લગ્ન કરવા માંગતી હોઉં તો પોતે આપણી વચ્ચેથી ખસી જશે.’
‘એક મિનિટ… એક મિનિટ પ્રિયા… તો શું માધવીએ આપણી વચ્ચેથી ખસી જવા માટે જ આ બધું નાટક કર્યું હતું એમ તું કહેવા માંગે છે ? પરંતુ એવું કરવાનું કારણ શું ? તેણે આવું ન કર્યું હોત તોપણ હું તેની પાસે ભવિષ્યમાં ડિવોર્સ માંગવાનો જ હતો ને…! અને એ વખતે તે મને સરળતાથી ડિવોર્સ આપી આપણી વચ્ચેથી ખસી જઈ શકી હોત… તો પછી…!’ અને એકાએક જાણે કે કોઈ વાત સમજમાં આવી હોય તેમ શ્યામલ બોલ્યો; ‘ઓહ, માય ગોડ… એનો અર્થ એવો થયો કે તે ઈચ્છતી હતી કે અમારા સંબંધો તોડવાની જવાબદારી તે પોતાના શિરે લઈ લે… એમ જ ને ? પરંતુ માધવી એવું શા માટે કરે ? શા માટે ?’
‘માધવીએ એવું એટલા માટે કર્યું શ્યામલ, કે તે એક અનન્ય સ્ત્રી હતી. તેણે મને જાતે જ કહ્યું હતું કે તે આવું બધું કરીને જ છૂટાછેડા લેશે અને એ પણ ફક્ત એટલા માટે… એટલા માટે કે, તે તને ખૂબ જ પ્રેમ કરતી હતી શ્યામલ, તને બેહદ ચાહતી હતી. માધવી નહોતી ઈચ્છતી કે પોતે જેને આટલો બધો પ્રેમ કરતી હતી તે વ્યક્તિ એટલે કે તું, એ બાબતે જિંદગીભર એ અપરાધબોધ અનુભવે, કે તેં તારા અંગત સ્વાર્થ ખાતર તને સંપૂર્ણ સમર્પિત એવી તારી પ્રેમાળ અને ભોળી પત્નીને છેહ દીધો છે. અને બીજી વાત એ છે કે મારી સાથે લગ્ન કર્યા બાદ, ભવિષ્યમાં પણ ક્યારેય તને તેને તરછોડ્યાની ગિલ્ટી ફિલિંગ્ઝ પજવે તોપણ તેની તરફ પાછા ફરવાના તારા તમામ રસ્તાઓ બંધ હોય, જેથી તું બાકીની જિંદગી મને જ વફાદાર રહે. માધવી ઈચ્છતી હતી કે એની સાથે જે કાંઈ બન્યું એ મારી સાથે કદીયે ન બને… કદીયે નહીં… તને સમજાય છે શ્યામલ ?’ બોલતાં બોલતાં પ્રિયાની આંખોમાં આંસુનાં તોરણ બંધાવા લાગ્યા.
‘આટલાં વર્ષો સુધી આ વાત મારાથી સંતાડ્યા બાદ હવે આજે તું મને આ બધું શા માટે કહે છે પ્રિયા ?’ શ્યામલે છેલ્લો પ્રશ્ન કર્યો.
‘એટલા માટે કે, એ વાતનો ભાર હું એકલી ઉપાડી ઉપાડીને થાકી ગઈ છું કે મેં જાણ્યે અજાણ્યે એક એવી સ્ત્રીનો પતિ તેની પાસેથી છીનવી લીધો, જેને તે પોતાની જાત કરતાં પણ વધુ ચાહતી હતી. તારી સાથેના મારા આ વીસ વર્ષની મેરેજ લાઈફમાં માધવીનું બલિદાન પળેપળે મારામાં લઘુતાગ્રંથી ભરતું રહ્યું. જે પીડામાંથી તું મુક્ત રહ્યો તે પીડાએ મને હંમેશાં કોરી ખાધી. આજે હવે આ દુનિયા છોડીને તે જ્યારે જતી રહી છે ત્યારે હવે એ ભાર ઉઠાવવામાં તારો સાથ માગું છું… શ્યામલ તારો સાથ…’ કહેતાં કહેતાં પ્રિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શ્યામલ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતો રહ્યો. લગાતાર… ક્યાંય સુધી.
બીજે દિવસે સાંજે ચાર વાગ્યે શ્યામલ અને પ્રિયાએ એ ફ્લૅટની ઘંટડી વગાડી. થોડી વાર પછી સફેદ ઝભ્ભો લેંઘો પહેરેલા એક આધેડ વયના પુરુષે દરવાજો ખોલ્યો.
‘હું… હું શ્યામલ શુક્લ અને આ મારી વાઈફ છે મિસિસ પ્રિયા શુક્લ… અહીંનું એડ્રેસ અમને ન્યૂઝ પેપરમાંથી મળ્યું હતું. અહીં કોઈ માધવી…’ આગળના શબ્દો શ્યામલના ગળામાં જ અટવાતા જતા હતા.

‘જી હા, ચાર દિવસ પહેલાં જ ટૂંકી માંદગી પછી માધવીનો દેહાંત થયો છે… અને તમને તો હું ઓળખું છું. તમે તો જાણીતા ગઝલ ગાયક અને વીસ વર્ષ અગાઉ જેની સાથે માધવીના ડિવોર્સ થયા હતા… એ જ મિ. શ્યામલ શુક્લ ને…?’
‘હા, એ જ… પરંતુ તમે…?’ પ્રિયાનો પ્રશ્ન પરિચય શોધી રહ્યો હતો.
‘મારું નામ સાવન… સાવન સરદેસાઈ… માધવી મારી પત્ની હતી… એકચ્યુલી શ્યામલથી ડિવોર્સ લઈને… તે…! એક મિનિટ, તમે અહીં જ ઊભા રહેજો. મને માધવીએ એક કામ સોંપ્યું હતું. હું હમણાં જ આવું…’ કહી તે વ્યક્તિ અંદર જતી રહી.
શ્યામલ અને પ્રિયા હતપ્રભ બની એકબીજાની સામું જોઈ રહ્યા. એટલામાં તો સાવને બહાર આવી પ્રિયાના હાથમાં એક કવર આપ્યું અને બોલ્યો : ‘હકીકતે હું તમારી રાહ જ જોતો હતો. માધવી મૃત્યુ પામી તે પહેલાં એક પત્ર તમારા માટે લખી, આપતી ગઈ છે અને મને તે તમને પહોંચાડવાનું કહ્યું હતું. તમે આવી ગયાં તે સારું થયું નહીંતર કાલે મારે જ તમારે ત્યાં આ પત્ર આપવા આવવું પડ્યું હોત.’
શ્યામલ અને પ્રિયાએ તેમની સામે હાથ જોડ્યા અને ‘જય શ્રીકૃષ્ણ’ કહી વિદાય લીધી.
બહાર રોડ પર પાર્ક કરેલી ગાડીમાં બેસતાંવેંત પ્રિયાએ કવર ખોલ્યું અને તેમાં રહેલો માધવીનો પત્ર બહાર કાઢીએ ઉચ્ચક જીવે વાંચવો શરૂ કર્યો.
પ્રિયા,
આ પત્ર મળશે ત્યારે હું કાયમી વિદાય લઈ ચૂકી હોઈશ. આજે મારે તારી સમક્ષ એક કબૂલાત કરવી છે. હું તને જ્યારે છેલ્લે પરિમલ ગાર્ડનમાં મળી હતી ત્યારે મેં તને જે કાંઈ કહ્યું હતું એ સઘળું જુઠ્ઠું હતું. હું એ વખતે ખરેખર જ સાવનના પ્રેમમાં હતી; પરંતુ મને શ્યામલથી ડિવોર્સ લેવાની જરા પણ ઈચ્છા નહોતી. મારે તો એ વખતે શ્યામલ અને સાવન બંને સાથે જ જોઈતા હતા. શ્યામલનો યશ વૈભવ અને કીર્તિના ભાગીદાર બનીને જીવવું હતું અને સાથેસાથે સાવનના પ્રેમમાં પણ ભીંજાવું હતું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. એવામાં મેં તારા અને શ્યામલના અફેર વિશે જાણ્યું. તને મળી એટલે મને લાગ્યું કે હવે મારે શ્યામલને છોડવો જ પડશે. તો પછી શ્યામલને મારાથી ઝૂંટવી લેનાર એવી તારા માટે હું એવું કાંઈક કરું કે જેથી તારે જિંદગીભર એક પ્રેમાળ સ્ત્રીની જિંદગી બરબાદ કર્યાનો બોજ લઈને જીવવું પડે…! તું શ્યામલને પ્રેમ તો કરે પણ તારી જાત પ્રત્યેના ધિક્કારની સાથે…! તમારા બંનેના પ્રેમની વચ્ચે મારા કૃત્રિમ સમર્પણની એક એવડી મોટી દીવાલ ચણી દઉં કે તેમાં તું કાયમ માટે ગૂંગળાતી રહે… ભીંસાતી રહે… પરંતુ કોઈને કહી ન શકે, શ્યામલને તો નહીં જ…
ચાલ, હવે આજ તને એ બોજમાંથી મુક્ત કરતી જાઉં છું, તારી જનમટીપની સજા પૂરી થઈ. આજથી આખ્ખેઆખો શ્યામલ તારો…! જા… લઈજા… એને…
અને હા, મને કદીયે માફ ન કરતી.
બાય…

– માધવી
પત્ર વાંચી પ્રિયા બેહોશ થઈ ગઈ.

લે. ;- હરીશ થાનકી
પોસ્ટ સાભાર ;- સુરેશ કાક્લોતર 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s