જેલ

Standard

જેલ
– જિગીષા ચૌહાણ
 અરે ! જો બેટા બા આવ્યાં !’ કહેતી તન્વી હીરને ઊંચકીને તેની મા મૃદુલાને આપે છે. હીર જાણે તેની બાની જ રાહ જોતી હોય એમ તરત જ મૃદુલા પાસે જાય છે. મૃદુલા આજ હીરની જોડે જાણે બાળક જ બની જાય છે, જાણે એને આવનારા સમયથી પીછો છોડાવી હીરની જેમ પાછા એક વરસની બાળકી બની જવું છે. આભાસ છે, અંદેશો છે અને કે સમય એને પાછળ નહીં પણ આગળ ને આગળ ધકેલી રહ્યો છે. મૃદુલા આજે પહેલીવાર સમય સાથે ચાલતાં અચકાય છે તેને આજે પાછું આજે બચપણમાં જતું રહેવું છે. પ્રશ્નોની હારમાળા અને આખો ભૂતકાળ જાણે નજર સમક્ષ ફરી જીવતો થયો હોય એમ એ અનુભવી રહી હતી. આજે જાણે સમય અહીં હીર પાસે જ રોકાઇ જાય તો કેવું એ વિચારે હીરને ગોળ ચકરડી ફેરવતાં તેનાં મગજમાં પણ વિચારો ચકરાવે ચઢ્યાં હતા. પણ આજ સુધી ક્યાં સમયે કોઇનું સાંભળ્યું હતું કે આજે સાંભળે ?
મૃદુલા એક નાની અમથી કોટડીમાં પગથિયે બેઠી આ બધું વિચારી રહી હતી. આમ, તો ખુલ્લી જગ્યા હતી હવાની મોકળાશ હતી. બહેનોને રહેવા માટે કંઇ અગવડ ના કહી શકાય એવી એ કોટડી હતી. પણ આખરે તો જેલ જ ને ! પોતાના કર્મોની કઠણાઇ કહો કે સખ્તાઇ એના જેવી કેટલીય બહેનો એ જેલની કોટડીમાં હતી. કોઇ ખૂનની સજા ભોગવતી તો કોઇ પાસાની, તો કોઇ દહેજના દુષણની, કોઇ ચોરી તો મૃદુલા ભ્રષ્ટાચારની સજામાં અહીં જેલ ભોગવી રહી હતી.
લગભગ બધાં માટે તૈયાર રહેતી આ સજા માટે બહારથી તૈયાર દેખાતી હતી, પણ એનાં અંતરની મૂંઝવણ તો એ જ જાણે ! ઘરની જવાબદારી, બાળકોની ચિંતા, ભવિષ્યની ગોઠવણ કરવામાં મૃદુલા નોકરીમાં ક્યારે ભ્રષ્ટાચારના આરોપમાં મૂકાઇ, તેની તેનેય ખબર ના રહી. આખી જિંદગી જેણે જાતે મહેનત કરી હોય, કેટકેટલાયે પ્રસંગોએ તેની પરીક્ષા કરે હોય, ને છતાંય હિંમત ના હારેલી મૃદુલા હજી તો અડીખમ જ ઊભેલી કંઇ કેટલાય તોફાનો હ્રદયમાં સંઘરી ઊછળતા પ્રશ્નો સાથે સામે કાંઠે પાર પડવા મૃદુલા આજે મધદરિયે અટવાઇ પડી હતી. એક વાર તે અહીં આવી તો ગઇ હતી, પણ ત્યાંથી બહાર નીકળવાનો કોઇ રસ્તો તેને દેખાતો નહોતો. જામીન પર છુટવાની આશાએ તો ત્યાં કોટડીમાં રહેતી બધી બહેનો જીવતી હતી. મૃદુલા પણ એ જ રાહમાં ત્યાં રહેતી હતી. વિધિની વિચિત્રતા તો એ હતી કે એ જે દિવસે જેલમાં ગઇ એ હતો શુક્રવાર. બીજો દિવસ બીજો શનિવાર. કોર્ટનું કામકાજ બંધ. પછીનો દિવસ રવિવાર. રજાનો દિવસ. તેના કુંટુંબીઓ ગમે તેટલી દોડાદોડી કરે તોય મૃદુલા શુક્રવાર સાંજે જેલમાં ગઇ એ હવે સોમવાર સાંજ પહેલાં બહાર આવી શકે તેમ નહોતી.
શુક્રવારની એ ગોઝારી સવાર. તન્વીને ત્યાં ગુરૂવારે મોડે સુધી હીરને રમાડી મૃદુલા ઘરે આવવા નીકળી. એ દિવસે તેને તન્વી જોડે જાણે એવી રીતે વાતો કરી હતી કે પછી તે બંને ફરી મળવાનાં જ ના હોય! તન્વી કંઇકંઇ સમજી ને કંઇક ન સમજી. અબોલ હીર પણ જાણે બધું જ જાણતી હતી એમ મૃદુલાને વળગી રહી. એ રાત મૃદુલાએ ઘરમાં કેવી રીતે વિતાવી હશે એ તો વિચારી જ ન શકાય ! વળી, એની નાની દીકરી તૃષા પણ તે રાતે તેની સાથે જ હતી. મનહરરાય – મૃદુલાનો પતિ – પણ આખો દિવસ ને રાત ચિંતામાં ફર્યા કરતા. ક્યાંય્ એવો રસ્તો નહોતો કે આવનારી આપત્તિમાંથી મૃદુલાને બચાવી શકાય. મૃદુલાએ અગર કંઇ કર્યુ હતું, તો પણ ઘર માટે, પોતાના સ્વાર્થ માટે નહીં, પણ યાદ છે. પેલી વાલેયા લૂંટારાની વાત. જ્યારે તે ચોરી લૂંટ કરતો ત્યારે અચાનક એક દિવસ તેને નારદ મુનિ મળે છે અને પ્રશ્ન કરે છે કે જા તું ઘરે જઇ તારા કુંટુંબીઓને પૂછ કે તું જે ચોરીનું પાપ કરે છે, તેના તે લોકો ભાગીદાર છે કે નહીં ? વાલિયો ઘરે જઇને એ પ્રશ્ન પૂછે છે, તો જવાબ મળે છે કે ‘ના તારા એ પાપના અમે ભાગીદાર નથી.’ અને વાલિયો વાલ્મીકી બની જાય છે.
આવું જ કંઇક મૃદુલા માટે બન્યું. પણ આજે તેનો પતિ તેની દીકરીઓ સાથે હતો. પણ સજા તો માત્ર ને માત્ર મૃદુલાને જ ભોગવવું પડે એમ હતું. મૃદુલા લગ્ન પછી નોકરીએ લાગી. એક સામાન્ય શિક્ષકની બસો રૂપિયા પગારની ત્રીસ વર્ષ પહેલાંની નોકરી એ સમયે મૃદુલા અને મનહરરાય માટે અતિ જરૂરી હતી. સાથે જ ઘરે બાળકોનાં ટ્યુશન કરી મૃદુલા ઘર ચલાવતી. મનહરરાયે પણ ઓછી મહેનત નહોતી કરી. પણ સમયે સાથ ના આપ્યો. આજ સુધી મનહરરાયે કંઇક સારું કરવા જે કંઇ પ્રયત્ન કર્યા તે બધામાં તેમને નિષ્ફળતાં જ મળી. આવી પળોજણ ને સતત મળતી નિષ્ફળતાથી મનહરરાય હવે હારી ગયાં હતાં. થાકીને તેમણે બધાં પ્રયત્નો છોડી દીધાં હતાં. હવે બસ તે માત્ર મૃદુલાને સારી જગ્યાએ ગોઠવવા જ પ્રયત્નો કરતાં અને તેમાં મનહરરાયને સારી એવી સફળતા પણ મળી હતી. સમયે આ વાતે મનહરરાયને પૂરો સાથ આપ્યો હતો. સમયના વહેવા સાથે જ મૃદુલા પણ સરકારી નોકરીમાં ગોઠવાઇ ગઇ હતી. મનહરરાયના પ્રયત્નો ને કેટલીક ઓળખાણોનો લાભ મૃદુલાને પૂરો મળ્યો અને એક સરકારી અધિકારી તરીકે મૃદુલા સરસ રીતે ખૂરશી પર ગોઠવાઇ ગઇ. આ બાજુ તન્વી અને તૃષા પણ ખૂબ ખુશ હતા. જીવન જાણે સરળ બનીને ચાલી રહ્યું હતું. તન્વી અને તૃષા પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા. જીવને જાણે તેમને બધું જ આપી દીધું હતું.
પણ ક્યારેય આ સતત વહેતો એક્ધારો પ્રવાહ આ ગોળ પૃથ્વી પર ચાલી શકે ખરો ? કે અહીં ચાલતો. મૃદુલાની સરકારી નોકરી ને મનહરરાયના પ્રયત્નો, સિફારિશો, ઓળખાણો ને બધું તાલબધ્ધ હતું. પણ ક્યાં, ક્યારે કાચું કપાયું ને મૃદુલાને ભોળવીને કેટલાક ભ્રષ્ટાચારીઓએ કરાવેલી સહીઓ મૃદુલાની નોકરીને ભરખી ગઇ. સરકારી નોકરીમાં જેટલી મજા એટલી જ સજા પણ ખરી અને ધડાધડ થતી બદલીઓ, બઢતીઓ, નવા નવા ચૂંટણીઢંઢેરાઓ, પક્ષોની ખેંચતાણો, ને રાજકીય પરિપાટીના બદલાતા સમીકરણોમાં મૃદુલાએ કરેલી સહીઓવાળી ફાઇલ ભ્રષ્ટાચારના પોટલામાં સૌથી ઉપર આવીને ખૂલી ગઇ. બસ, એક-બે નોટિસ, પોલીસની પૂછતાછ અને મૃદુલા કોર્ટમાં, બીજી ઘડીએ કોટડીમાં, પલકવારમાં તો માનવસંવેદનાઓના પત્તાંનો મહેલ ક્યાંય પડી ગયો.
‘અરે આજે તો સોમવાર છે. હમણાં બધાં મળવા આવશે આપણને’ એવા કોલાહલે જાણે મૃદુલા તંદ્રામાંથી જાગી. હા,જેલમાં શુક્રવારથી આજે સોમવાર થયો.મૃદુલાને દરેક જગ્યાએ ગોઠવાઇ જવાની આવડતે તે અહીં પણ ગોઠવાઇ ગઇ હતી. જેલની અંદર એની સાથે રહેલી સ્ત્રીઓના અનુભવો સાંભળી રહેલી ને સમજી રહેલી મૃદુલા જયારે કેદીઓ અને સગાંને મળવાના રૂમ પાસે આવી ત્યારે પહેલી વાર કોઇ ગભરૂ બાળકી લાગી’તી તન્વી એ , એ માહોલ, એ વાતાવરણ, ચારે બાજુની નજરો બસ જાણે તમારી જ પર અટકી રહી હોય એવું અજાણ્યા ડર, આક્રોશ, ન સમજી શકાય એવા અંદેશાઓવાળું, એ વાતાવરણ. ને એમાં નાનકડી હીરને લઇ મૃદુલા પાસે જતી તન્વી આજે પહેલી વાર ‘મા’ બની હતી જાણે-હીરની, તૃષાની, મનહરરાયની અને મૃદુલાની. બધી આંખે કંઇક કહેતી હતી, હૈયા કંઇક ઓર ને હોઠ કશું ત્રીજું જ. ને છતાં વાત કશી જ નહોતી અને સઘળું આ વાતોમાં જ અટવાયું હતું કે મૃદુલા એ કોટડીમાંની કેમની, ક્યારે બહાર આવશે. બહારનાં લોકો, મૃદુલાની જેમ જ સંડોવાયેલા અન્ય અને રાજકીય ગરમાગરમીનો માહોલ તો બધું અસંબદ્ધ જ બતાવતો હતો. પણ તોયે તાલમેલ તો કરવાનો જ હતો. તન્વી તો વમળમાં ફસાયેલી હતી. તૃષાને મનહરરાય મૃદુલા માટે જે કરે એ ખરું. તન્વી તો પોતાના પતિ અનન્યને કશું કહી પણ નહોતી શકી, કે પછી વિધાતાએ તન્વીને બચાવી લીધી કે અનન્ય ઘણા દિવસ માટે બહારગામ હોવાથી તન્વીની હાલત જાણી ના શક્યો જે તન્વીને છુપા આશીર્વાદ જ હતા. કારણ તન્વી, તૃષા, મૃદુલા કે મનહરરાય જમાઇ અનન્ય વિશે જાણે અવું નહોતા ઇચ્છતા, ઇચ્છે પણ કોણ?
અને વગર કંઇ તંતુ પકડાયે મુલાકાત પતી ગઇ. તૃષા આજે છૂટા હૃદયે રડી. તન્વી આવી ગઇ એ તૃષા માટે થોડી રાહત બની હતી. મૃદુલા વિના આજે જાણે ઘરની ભીંતો પડુંપડું થઇ રહી હતી. અને રોજ નવી સવારની રાહમાં રાત પડખાં ફેરવતી હઈ એ ઘરમાં. કોઇ સૂતું નહોતું ખબર નહી. મૃદુલા એ કોટડીમાં શું કરતી હશે? ઘરે તો બધા સાથે હતાં. મૃદુલા તો ત્યાં એકલી હતી. જેલના પરોણા ભોગવતી મૃદુલા વિશે વિચારી શકાતું નહોતું. ને એને ત્યાંથી બહાર પણ નહોતી નીકાળી શકાતી. એની સાથેના ઘણાં બધાં સહકર્મચારીઓ પણ એ આરોપમાં ફસાયા હતા ને સજા ભોગવી રહ્યાં હતાં. પી. આઇ. જાડેજા રોજ એક નવા મહેમાન જેલર અભેસિંહને સુપ્રત કરતા હતા. ને ભ્રષ્ટાચારના આરોપીઓ વઘતા જતા હતા એ જેલમાં જાણે !
ક્યાં ક્યાંની બાધા, આખડી, ધૂપ, દીવા, દૂઆ – કશું જ બાકી નહોતું હવે. એક અઠવાડીયું વીતી ચૂક્યું હતું. અઠવાડીયે બે વાર કાયદેસર અને ભ્રષ્ટાચારી રીતે ચાર વાર મૃદુલાને મનહરરાય ને તૃષા-તન્વી મળી ચૂક્યાં હતાં. આજે તૃષાની બહુ કઠણ પરીક્ષા હતી. પોતાની નોકરીમાં અગત્યનું પ્રેઝેન્ટેશન અને આજે જ મૃદુલાને જેલમાંથી છોડાવાનો હુકમ. વળી એ ઓર્ડર કોર્ટમાંથી જેલમાં લઇ જતાં તો સાંજ થવાની અને સાંજે પાંચ વાગ્યે તો જેલ બંધ. તન્વીએ તૃષાને પ્રેઝેન્ટેશન આપવા મોકલી અને પોતે હીરને લઇ મનહરરાય સાથે કોર્ટમાં દોડી. આખા દિવસની મથામણે સાંજે મૃદુલાને લઇ મનહરરાય જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તન્વીને હસવું કે રડવું એ જ ના સમજાયું.
સાંજના આછા અજવાળાં-અંધારે ખરેખર બધાંને સાચવી લીધાં. કોણ હસ્યું ને કોણ રડયું એ આછેરા ઓછાયામાં છુપાઇ ગયું ને મૃદુલા આખરે ઘરે આવી ગઇ. તૃષા એની આરતી લેવા દરવાજે જ ઊભી હતી પણ આજે કોઇને રડવાનો હક્ક નહોતો. ને બધું જ ચૂપચાપ સમેટાઇ ગયું. પણ આ મૃદુલા ગભરૂ હરણી જેવી કેમ થઇ ગઇ છે? એની રીતભાત, એનું માનસિક વર્તન બધું કેટલું બદલાઇ ગયું છે ? તૃષા અને તન્વી ચૂપચાપ આંખોના ઇશારે એક્બીજાને પૂછતાં રહી ગયાં ને રાત વીતતી ગઇ.
સવાર પડી. બધું જાણે નિત્યક્રમે થવા લાગ્યું પણ મૃદુલા કેટલી બદલાઇ ગઇ છે ! એક સહીએ બધા સહજીવનોને બધાં સમીકરણોને આજે બદલી કાઢ્યાં છે. પણ આખરે અંત તો એ જ છે કે બધાંએ ખાધુપીધું ને રાજ કર્યું કે રાજ ગયું ?

લે. – જીગીષા ચૌહાણ
પોસ્ટ સાભાર – સુરેશ કાક્લોતર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s