‘દસ રૂપિયા’

Standard

દસ રૂપિયા !  – હરિશ્ચંદ્ર
  ગામના સીમાડે એક નાનકડું સ્મશાન. સામે હનુમાનની મૂર્તિ. થોડે દૂર એક ઝૂંપડી. દૂબળો કૂતરો. ઝૂકેલી કમ્મરવાળા સ્મશાનના પહેરેગીર રામૈયાદાદા. એમની એક જૂની લાકડી. કરચલીવાળું શરીર. ઝાંખી આંખો. બોખલું મોં. લાશોને બાળવી, બદલામાં કાંઈક દક્ષિણા લેવી, લાશની સંપત્તિ-કપડાં, ઘડો વગેરે રાખી લેવું, એ એમનો ધંધો.
પેટ ભરી દિવસ પસાર કરવો હોય, તો રોજની એક લાશ આવવી જોઈએ. કોઈ પત્નીને વૈધવ્ય માટે, કોઈ પતિને પત્નીના વિયોગ માટે, કોઈ માને લાડલા માટે ધ્રૂસકે ધ્રૂસકે રડવું પડે છે. એ આંસુઓને રામૈયાદાદાના ચૂલા પર શેકાવું પડે છે. ઊઠતાંવેંત દાદાની એક જ પ્રાર્થના : ‘પ્રભુ, આજે એક લાશ આવવા દેજે !’
આજે ચોખામાં કાંકરાને બદલે કાંકરામાં ચોખા વીણવાના દિવસો આવવાને કારણે દાદા સમાજને ભાંડતા હતા. ત્યાં કૂતરો ભસ્યો…. એક નાની સુંદર છોકરી સામેથી આવી રહી/

‘મારું નામ શૈલા ! ત્રીજી ભણું છું. કૉન્વેન્ટમાં હોં કે ! બાપુ મારા અમેરિકા છે. મમ્મીનું નામ ડૉ. સુશીલા.’

‘બેટા, ભૂલી પડી ગઈ છે ? અહીં ક્યાંથી ?’

‘ના….રે….! હું તો સ્મશાન જોવા આવી છું.’

‘સિનેમા-સરકસને બદલે સ્મશાન ? તું જરૂર ભૂલી પડી છે. લાવ, તને ઘેર પહોંચાડી જાઉં.’

‘ના….ના… હું કાંઈ નાની કીકલી નથી. પણ મારે તમને એક વાત પૂછવી છે. મારી મમ્મીની ઈસ્પિતાલમાં એક દરદી મરી ગયો. મેં મમ્મીને પૂછ્યું, આને ક્યાં લઈ જશે ? એણે ગુસ્સામાં કહ્યું : સ્મશાનમાં ! હેં દાદા, અહીંથી પાછા એ લોકો ક્યાં જાય ?’

‘બેટી મારી ! ભગવાન પાસે. પાપ કર્યાં હોય તો ભગવાન પાછા અહીં મોકલે. પુણ્ય કર્યાં હોય તો પોતાની પાસે રાખી લે.’

‘પણ દાદા, લોકો મરી શું કામ જાય છે ?’

‘બેટા, ઉંમર વધતાં બધાંને બુઢાપો આવે અને પછી મરણ.’

છોકરી શ્રદ્ધાથી સાંભળી રહી હતી ; ‘તો શું હુંયે બુઢ્ઢી થઈને તમારી જેમ કમરેથી વળી જઈશ ?’

દાદાએ વહાલથી છોકરીને ઊંચકી લીધી : ‘એવા બધા વિચારો ન કરીએ, મારી લાડલી !’

‘દાદા, તમારી બા ક્યાં છે ?’

‘મરી ગઈ.’

‘તો તમને ખવડાવે છે કોણ ?’

‘હું જ રાંધી લઉં છું.’
પછી તો બેઉની મહોબ્બત વધવા લાગી. છોકરીની આવનજાવન પણ વધવા લાગી. એક દિ’ દાદા ગુમસૂમ બેઠા હતા. એમને ગળે વળગી પડતાં નાનકી બોલી :

‘દાદા, આજે ચૂપચૂપ કેમ ?’

‘બે દિ’થી ખાધું નથી.’

‘શું એકેય લાશ નથી આવી ?’

‘ના.’

‘છી….છી…. ભગવાનમાં જરાય દયાનો છાંટો નથી,’ કહેતીકને હનુમાનની પાસે જઈ પ્રાર્થના કરવા લાગી, ‘હે ભગવાન ! એવું કરો કે બહુ લોકો મરે અને મારા દાદાને ખૂબ ખૂબ પૈસા મળે. પછી પાછી દાદા પાસે આવી પૂછવા લાગી, ‘તમારે કેટલા પૈસા જોઈએ ?’

‘દસ રૂપિયા બસ થાય.’ અજાણતાં જ દાદાના મોઢેથી વાત નીકળી ગઈ.
બીજે દિ’ સાંજે એ ન આવી. ત્રીજી, ચોથી સાંજ વીતી. દાદાને થયું, ગામમાં જઈને પૂછવાથી તો કાંઈ નહીં વળે, કોઈ માનશે જ નહીં કે અમારી વચ્ચે આવી દોસ્તી હોય ! લોકો ગાંડો કહીને કાઢી મૂકે ! બીજી બાજુ સાત દિવસ સુધી એકેય લાશ ન આવી. ત્યાં આમલીના ઝાડ નીચે બેહોશ થઈ પડેલા દાદાને કોઈકે ઢંઢોળ્યા, ‘તમને કેટલા શોધ્યા ! અમારે બધું પતાવવું પડ્યું. નાની બાળકી જ હતી. દાટી દીધી. આ લો તમારો લાગો.’ કહી દસની નોટ દાદાના હાથમાં મૂકી.

‘કઈ નાની બાળકી ?’ દાદાએ અધીરાઈથી પૂછ્યું.

‘અમારા બાબુજીની સ્તો. એ તો અમેરિકા છે. છેવટની ઘડીએ દીકરીનું મોં જોવાનું નસીબમાં નહીં. ભૂલ બધી શેઠાણીની જ ! સોનાની મૂર્તિ જેવી અમારી નાનકી…..’

‘ઓહ, બ્લ્યૂ સ્કર્ટ અને બૂટવાળી નાનકી ? કેવી રીતે મરી ગઈ ? સાચું કહો !’ દાદા આવેગમાં ચીસ પાડી ઊઠ્યા.

‘એ તો રોજ સ્કૂલેથી મોડી આવતી. શેઠાણી ગુસ્સે થઈ પૂછતાં, પણ જવાબ ન આપતી. સાત દિ’ પહેલાં એણે દસ રૂપિયા માગ્યા. ન આપ્યા એટલે એણે જીદ પકડી. શેઠાણીબાએ ખૂબ મારી. ત્યારથી તેને તાવ વધવા માંડ્યો. તાવમાં એ લવતી, દસ રૂપિયા લાવો, શેઠાણીબા ખુદ ડૉક્ટર. તેથી ઘણી દવાઓ કરી, પણ કાંઈ ન વળ્યું……’
રામૈયાદાદા સ્મશાન તરફ દોડી ગયા. નાનકીની તાજી સમાધિ ઉપર ‘ઓ મારી મીઠડી…..’ કહી એક ભયાનક ચીસ સાથે તૂટી પડ્યા.
(શ્રી પૈડીપલ્લીની તેલુગુ વાર્તાને આધારે)
પોસ્ટ સાભાર ;- સુરેશ કાક્લોતર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s