દુનિયાને આયુર્વેદ બચાવશે કે એલોપથી

Standard

દુનિયાને આયુર્વેદ બચાવશે કે એલોપથી
સન્ડે મૉર્નિંગ – સૌરભ શાહ
( _મુંબઇ સમાચાર_ : રવિવાર, 21 જાન્યુઆરી 2018)
આપણામાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ આપણામાં એવી કોઈ કહેવત નથી કે ‘પહેલું સુખ તે ચકાચક રસ્તા, સ્વેન્કી ટ્રકો અને વિશાળ ગોડાઉનો.’ ભારત નેક્સ્ટ દાયકાઓમાં એ બધું બનાવશે એ તો ઠીક છે પણ ભારતને ફરીથી સુપર પાવર બનાવશે ભારતીય ચિકિત્સા પદ્ધતિ. આયુર્વેદ વત્તા પ્રાણાયામ વત્તા યોગ જેમાં કુદરતી ઉપચાર પદ્ધતિ તેમ જ ઘરગથ્થુ કે દેશી વૈદુંનો પણ સમાવેશ થઈ ગયો. 
દુનિયાને આજે કોઈ એક વાતની જરૂર હોય તો તે છે પ્રજાની જીવનશૈલીને અભડાવ્યા વિના પ્રજાને નીરોગી રાખી શકે અને દર્દમાંથી મુક્તિ અપાવી શકે એવી ઓછામાં ઓછા ખર્ચે મળતી ઉપચાર પદ્ધતિ. દુનિયાના અન્ય કોઈ દેશ પાસે આવા કૉમ્બિનેશનવાળી ઉપચાર પદ્ધતિ નથી. ક્યાંક યુનાની પદ્ધતિ છે, તો ક્યાંક એક્યુપંકચરની તો ક્યાંક અન્ય પ્રકારના ઘરગથ્થુ ઈલાજોની પદ્ધતિ છે. ‘ધ ફાસ્ટેસ્ટ ઈન્ડિયન’ નામની ઑસ્ટ્રેલિયન ફિલ્મમાં ઉંમરલાયક હીરો એન્થની હોપક્ધિસને પ્રોસ્ટેટનું દર્દ છે અને કોઈ દવા અકસીર જણાતી નથી ત્યારે અમેરિકામાં એને હાઈવે પર મળી ગયેલા એક રેડ ઈન્ડિયન મોટર મિકેનિકે બિલકુલ દેશી દ્રવ્યોનું ચૂરણ એને પીવડાવ્યું કે તરત એને ધોધમાર પેશાબ થઈ ગયો. સ્વામી આનંદે ‘કુળકથાઓ’માં ધનીમા વિશે લખતાં એક જિક્ર કરી છે કે ધનીમાએ કેસૂડાંનાં ફુલ બાફીને એનો લેપ દર્દીના પેટ પર કર્યો ત્યારે દર્દીએ ‘તગારું ભરીને પેશાબ કરીને’ દર્દમાંથી રાહત મેળવી. આવા વિવિધ નાનામોટા ઉપચાર તો દરેક સંસ્કૃતિમાંથી મળી આવે પણ યોગ-પ્રાણાયામ-આયુર્વેદવાળી સર્વગ્રાહી ઉપચાર પદ્ધતિ માત્ર ભારતની જ દેણ છે.
એલોપથીનો આરંભ તો માંડ બસો વર્ષ પહેલાં થયો. આની સામે આપણે ત્યાં અઢી હજાર વર્ષ અગાઉ ચરકસંહિતા અને સુશ્રુત સંહિતા લખાઈ જેમાં અનુભવ સંચિત જ્ઞાનને શબ્દસ્થ કરવામાં આવ્યું. આ અનુભવો તો એના કરતાંય જૂના, છેક વૈદિક કાળના. અલમોસ્ટ પાંચેક હજાર વર્ષ પુરાણા. યોગ અને પ્રાણાયામની પદ્ધતિઓ એથીય પ્રાચીન. 
એલોપથીની શોધ થઈ તે પહેલાં ત્યાંના લોકો દર્દીઓની સારવાર સાવ જંગલી રીતે કરતાં. શરીરમાં ફરતું લોહી બગડ્યું છે એટલે આ રોગ થાય છે એવી વ્યાપક માન્યતા અને એનો ઈલાજ શું? શરીરનું વધું લોહી વહી જવા દો-કાપો મૂકીને. નવું લોહી શરીર બનાવશે. આમાંને આમાં દર્દીઓ મરી જતાં. મનોચિકિત્સા માગી લેતા દર્દીઓના તો એથીય ક્રૂર રીતે ઈલાજો થતા-ગળામાં પથ્થર બાંધીને પર્વત પરથી નીચે ફેંકવામાં આવતા. બસો વર્ષ પહેલાં એલોપથીનો આવિષ્કાર થયો તે મુખ્યત્વે યુદ્ધના મેદાનમાં ઘાયલ થતા સૈનિકોને જીવાડવા માટે. રણમોરચે કોઈ સૈનિક માંદો પડે કે ઘાયલ થઈને નકામો થઈ જાય તે પરવડે નહીં. એને કોઈ પણ ભોગે અને કોઈ પણ ખર્ચે સાજો કરીને તાત્કાલિક ફરીથી યુદ્ધ કરતો થઈ જાય એવો કરવો જ પડે અથવા તો કમસે કમ જીવતી હાલતમાં પોતાના ઘરે પહોંચી જાય એવો કરવો પડે. આવું કરવામાં એના શરીરને લાંબા ગાળાનું નુકસાન થાય તેની પરવા નહોતી. યુદ્ધનો સમયગાળો સચવાઈ જવો જોઈએ. પછી શરીરનું જે થવાનું હોય તે થાય. મોર્ફિન અને એની પછીનાં દર્દશામક એન્ટિબાયોટિક્સથી લઈને ટેમ્પરરી તાકાતવર્ધક સ્ટિરોઈડ્સ સુધીની અનેક ઉપચાર પદ્ધતિઓ એની આડઅસરોને અવગણ્યા વિના પ્રચલિત થતી ગઈ અને જોતજોતામાં પશ્ર્ચિમી પ્રજામાં એનો પ્રચાર કરીને ફાર્મા કંપનીઓ અબજો ડૉલરની કમાણી કરતી થઈ ગઈ. 
આયુર્વેદનો આરંભ યુદ્ધકાળ દરમિયાન નહીં, પણ પ્રજાના શાંતિકાળ દરમિયાન, પ્રજા નિરામય જીવન જીવી શકે, તે માટે થયો. રોગથી બચવા માટે પ્રાણાયામ અને યોગનો આવિષ્કાર થયો જેમાં પ્રજાની સુખાકારીનો હેતુ કેન્દ્રમાં હતો. શરીર અને મન સાથેનો સંબંધ અને તેનું બૅલેન્સ જાળવવાનું કામ યોગ દ્વારા થયું. યોગનો મતલબ જ આ બેઉનું મિલન. પશ્ર્ચિમી દેશો સાયકોસોમેટિક રોગો વિશેની સમજણ હજુ હમણાં વિક્સાવી. વિખેરાયેલા મનની અસર શરીર પર પડતાં શરીરતંત્ર પણ ડિસ્ટર્બ થઈ જાય અને શરીર ખોટકાઈ જાય ત્યારે મન ડહોળાઈ જાય એવી વાત એમને આજકાલમાં જ ખબર પડી. આપણે ત્યાં તો છેક ‘ચરકસંહિતા’માં સાયકોસોમેટિક રોગના ઉલ્લેખો છે. બાપાલાલ ગ. વૈદ્યનું ખૂબ ઉપયોગી પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. ‘ઘરગથ્થુ વૈદક’ની પ્રથમ આવૃત્તિ ૧૯૩૩માં પ્રગટ થઈ હતી. અત્યારે નવી સંવર્ધિત આવૃત્તિ બજારમાં મળે છે. પ્રસ્તાવનામાં બાપાલાલ વૈદ્યે ઈ. પૂ. ૩૦૦ના અરસામાં રચાયેલા ‘ચરકસંહિતા’ ગ્રંથના બે શ્ર્લોક ટાંક્યા છે અને એનો ભાવાનુવાદ પણ આપ્યો છે:
‘જે માણસનો આહાર તેમ જ વિહાર હિત છે, જોઈ વિચારીને જે કામ કરનાર છે, વિષયોમાં જેની આસક્તિ નથી, જે દાતા છે, જિતેન્દ્રિય છે, સત્ય બોલનાર છે, ક્ષમાવાન છે, આપ્તોની સેવા કરનાર છે-એવા માણસને રોગો થતા નથી.’
અને તરત જ આ બીજો શ્ર્લોક:
‘જેનાં મતિ, વચન અને કર્મ સુખાનુબંધી છે, જેનું મન પોતાના કહ્યામાં છે અથવા વશમાં છે, જેની બુદ્ધિ વિશદ છે, જે જ્ઞાનયુક્ત છે, તપસ્વી છે અને યોગમાં જેની તત્પરતા છે-એવા માણસને રોગો થતા નથી.’
પશ્ર્ચિમી દુનિયાને એલોપથીના રવાડે ચડાવવામાં ચર્ચનો બહુ મોટો હાથ હતો. ચર્ચ એટલે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડાઓનો સમુહ. આજની તારીખે પણ ચર્ચની ઘણી મોટી ઈન્ફલ્યુઅન્સ ફાર્મા કંપનીઓ પર તેમ જ વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થાઓ પર છે. આ અસરો આડકતરી રીતે ઊભી કરવામાં આવતી હોય છે. પણ અસર છે એ વાત નિ:શંક. યોગ-આયુર્વેદની સારવાર પદ્ધતિ આજની તારીખે ભારતની મલ્ટિનેશનલ કંપનીઓને હંફાવી રહી છે. એ જ્યારે વૈશ્ર્વિકસ્તરે પહોંચશે ત્યારે ચર્ચ સાથે જબરજસ્ત ટક્કર થવાની છે. ભારતે આ ટક્કર ઝીલવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આપણે કંઈ આપણા એકલાના કલ્યાણ માટે કામ નથી કરતા. આપણો ઉદ્દેશ વસુધૈવ કુટુંબકમ છે. સમગ્ર વિશ્ર્વને એક કુટુંબ જેવું ગણતા આપણે ક્યારેય આપણી ઉપચાર પદ્ધતિને પેટન્ટ કરાવી નથી. આયુર્વેદની ઔષધિઓ પર કોઈનો હક્ક નથી, સમગ્ર વિશ્ર્વ એનો ઉપયોગ કરી શકે છે. એવું જ યોગ અને પ્રાણાયામનું. આપણા માટે આ કંઈ કમાણીનાં સાધનો નથી કલ્યાણનાં સાધનો છે. આપણે જ્ઞાનને વેચ્યું નથી, વહેંચ્યું છે. વેદ-ઉપનિષદ પર કોઈ કૉપીરાઈટ નથી. ન તો વેદ વ્યાસે કે ન તો વાલ્મીકિ, તુલસીદાસે ક્યારેય મહાભારત-ગીતા-રામાયણ પર તમારી પાસેથી રૉયલ્ટી માગી છે? પશ્ર્ચિમી વિજ્ઞાને હંમેશાં માગી છે. એટલું જ નહીં આપણે જેના ઉપયોગોને હજારો વર્ષથી પુરવાર કરતા આવ્યા છીએ તે હળદર, લીમડા ઈત્યાદિને પેટન્ટ કરવાનું શૂર એ લોકોને ચડ્યું હતું. ભારતના આ જ્ઞાન સાગરને દુનિયા સ્વીકૃતિ આપે કે ન આપે એ વિજ્ઞાનનો મહાસાગર બનીને આખી દુનિયા પર છવાઈ જવાનો જ છે. તમે જો જો. કાલે!
કાગળ પરના દીવા
ભારતમાં કેટલાક સેક્યુલરો ભગવાન રામના જન્મના પુરાવાઓ એ રીતે માગતા ફરે છે જાણે તેઓ જિસસ અને અલ્લાહનાં આધાર કાર્ડ પોતાના ગજવામાં લઈને ફરતા હોય!
– વૉટ્સઍપ પર વાંચેલું
સન્ડે હ્યુમર
બેન્જામીન નેતન્યાહુ: મોદીજી, તમારે અમારી પાસેથી જેટલાં શસ્ત્રો જોઈએ એટલાં સાવ મફતના ભાવમાં લઈ લો, પણ અમને તમારો પેલો સાયન્ટિસ્ટ આપી દો જે આલુમાંથી સોનું બનાવવાની ફૉર્મ્યુલા જાણે છે. 
નરેન્દ્ર મોદી: ભઈલા, આવા પ્રકારનું આ એક જ નંગ છે અમારી પાસે, એ ન અપાય તમને!

——————————–

WhatsApp  Group :  ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ 9004099112
Facebook – http://www.fb.me/saurabh.a.shah
Email – hisaurabhshah@gmail.com
Blog – http://www.saurabh-shah.com
પુસ્તકો ઘેરબેઠાં મેળવવા – બુકપ્રથા http://bit.ly/bookpratha અથવા ધૂમખરીદી http://bit.ly/2hGtvGm
© Saurabh  Shah

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s