પગ નથી છતાં પગભર : દિવ્યાંગોનાં હોય છે અંગ કરતા અંતર સબળા

Standard

પગ નથી છતાં પગભર : દિવ્યાંગોનાં હોય છે અંગ કરતા અંતર સબળા
કોલમ : જીવન મિરર

લેખક : ભવ્ય રાવલ

અખબાર : ગુજરાત મિરર
પગ નથી છતાં પગભર : દિવ્યાંગોનાં હોય છે અંગ કરતા અંતર સબળા
મેં તેને મળવાનું નક્કી કર્યું ત્યારે મારાં ડાબા પગનાં અંગૂઠાનો નખ નીકળી ગયો હોવાથી અંગૂઠો પાક્યો હતો અને અસહ્ય વેદના સાથે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. છેલ્લા કેટલાંક દિવસથી શરીરમાં છેક નીચેની બાજુએ આવેલો નાનો અમથો અંગૂઠો મારી સૂવા-ઉઠવા, બેસવા-ચાલવા અને કામકાજની સમસ્યાનું કારણ બન્યો છે. શું થાય? આખરે કામ તો કામ છે કરવું જ પડે. ફોન પર જ્યારે મળવાની વાત થઈ ત્યારે તેણે ઉત્સાહિત અવાજે કહ્યું હતું કે, તે એક કારખાનામાં કામ કરે છે તેથી બુધવારે રજા હોવાથી એ રજાનાં દિવસે મળી શકશે. તેણે એ પણ કહ્યું હતું કે, તે ડોરસ્ટેપ ચડી ન શકવાના અને વિકટ્રીફાઈડ ટાઈલ્સ પર ચાલી ન શકવાના કારણે ફક્ત એવા સ્થળે મળી શકશે જ્યાં કોઈ ચડાણ કે લીસ્સી સપાટી ન હોય.

હું જ્યારે પહેલીવાર મેઘલને મળ્યો ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જ મેઘલને જોતા છેલ્લાં કેટલાંક સમયથી મારાં અંગૂઠો દુઃખવાનો દર્દ આપોઆપ ઓસરાઈ પગ નીચેથી જમીન ખસી ગઈ. મેઘલને મેં ફેસબુકમાં જોઈ હતી ત્યારથી જ લાગ્યું હતું કે, આ વ્યક્તિમાં કઈક તો ખાસ છે એટલે તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. જ્યારે મુલાકાત લીધી ત્યારે પણ બન્યું એવું જ. મેઘલને મળ્યા બાદ એક દિવ્યાંગ વ્યક્તિની વાસ્તવિક જીવનકથા પરથી એક પછી એક પડદા ઉઠતા ગયા ને તકલીફો ભરેલી તકદીર વચ્ચે પગ વિનાનો માનવી કઈ રીતે પગભર બની મક્કમતાથી જીવી શકે છે તે સમજાઈ ગયું.

મેઘલનો જન્મ ધોરાજીમાં થયો છે. જન્મે તો તે સામાન્ય અને તંદુરસ્ત બાળકી હતી પણ એક વર્ષની ઉંમરે તેને તાવ આવ્યો. આ તાવ કોઈ જીવલેણ તાવ ન હતો કે તે મેઘલને જીવનભર માટે ભરખી જાય. પરંતુ ક્યારે શું થઈ જાય તેની કોને ક્યાં ખબર હોય છે? આ તાવમાંથી છુટકારો આપવા તેને એક ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ ડોકટરે ઈન્જેકશન આપ્યું જેની આડઅસર થતાં એક વર્ષની બાળકી મેઘલનું સમગ્ર શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. થોડાં દિવસો સુધી તો સમજાયું જ નહીં આ શું થઈ ગયું? શું હવે મેઘલ નહીં બચી શકે? મેઘલના માતા-પિતા તેને લાખ પ્રયત્નો કરવા છતાં હસાવી પણ ન શકતા, રડાવી પણ ન શકતા. ન જમાડી શકતા કે ન સુવડાવી શકતા. મેઘલ કોઈપણ ક્રિયા-પ્રતિક્રિયા સ્વરૂપે માત્ર આંખો જ પટપટાવી શકતી હતી. પોતાની એક વર્ષની બાળકી મેઘલને જીવતી લાશ બની જતા જોઈ મેઘલના પિતા કિશોરભાઈ અને માતા પંકજબેન પર જાણે આભ ફાટી પડ્યું. મેઘલના મોટેરાં ભાઈ-બહેન હજુ ઉંમરમાં અણસમજુ હતા તેથી એ પણ સમજી ન શકતા હતા કે પોતાની નાનેરી બેનાને આ તો શું થઈ ગયું? છેવટે મેઘલનાં પરિવારે ઈશ્વરની મરજીમાં નારાજગી ન દર્શાવતા હરી ઈચ્છાને મનથી સ્વીકારી મેઘલને સ્વસ્થ અને મસ્ત બનાવવામાં લાગી પડ્યા. જ્યાં દવા ન અસર કરતી ત્યાં દુવા અને જ્યાં દુવા કામે ન લાગતી ત્યાં દવા મેઘલની સારવાર અર્થે ઉપયોગમાં લેવાયા.

એ સમયે મેઘલનાં પિતા પોસ્ટઓફીસમાં ક્લાર્કની ફરજ બનાવતા. આથી જે ગામમાં તેમનું પોસ્ટીંગ થતું તે ગામમાં મેઘલની સારવાર ચાલુ રહેતી. સમય, સ્થળ અને સંજોગ અનુસાર એક પછી એક ડોકટર બદલાતા જતા. શરૂનાં પાંચ વર્ષ સુધી તો હોસ્પિટલ જ મેઘલ અને તેના પરિવારનું ઘર બની ગયું હતું. ધીમેધીમે મેઘલનાં શરીરમાં શારીરિક પરિવર્તન સાથે સુધારો થયો, તેનાં પેરેલાઈઝડ શરીરમાં જાણે પ્રાણ પુરાવા લાગ્યા. તેમ છતાં મેઘલને કેલીપર્સ અને બૈસાખી પર આજીવન આધારિત રહેવું પડશે એ નક્કી થઈ ગયું. સરકારી નોકરીમાં થતી બદલીઓ અને એક ગામથી બીજા ગામ સુધી થતી રજળપાટથી થાકીને અંતે કિશોરભાઈએ પોસ્ટ વિભાગમાં આજીજીઓ કરી પોતાનું પોસ્ટીંગ રાજકોટમાં માંગ્યું. છ-સાત વર્ષની ઉંમરે મેઘલનો ઉછેર અને સારવાર રાજકોટ સ્થિત શરૂ થયા.

મેઘલ જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ તેનાં માતાપિતા અને ભાઈ જીજ્ઞેશ તથા બહેન વાસ્વીનો સાથ, સહકાર અને સ્નેહ ડગલે-પગલે મળતો અને વધતો ગયો. તેણે ભણવાનું નક્કી કરી લીધું અને ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપી. એ દરમિયાન બન્યું એવું કે, મેઘલ જ્યારે ધોરણ ૧૦ બોર્ડમાં હતી ત્યારે તેની બોર્ડની પરીક્ષાનો સીટ નંબર એક સ્કૂલની બિલ્ડીંગમાં છેક ચોથા માળ પર આવ્યો. જ્યાં સામાન્ય માણસ પણ ચોથો માળ ચડવામાં હાંફી જાય ત્યાં ૭૦ ટકા હેન્ડીકેપ એટલે કે, શારીરિક અપંગતા ધરાવતી મેઘલ કેમ પહોંચી શકે? મેઘલ અને તેના પરિવારે સ્કૂલ સંચાલકો અને પરીક્ષા આયોજકોને તેનો સીટ નંબર બદલવા બહુ જ વિનંતી કરી પરંતુ કોઈ ટસનું મસ ન થયું. આખરે મેઘલ અને તેના પરિવારે આ અંગે વધુ તર્ક-વિતર્ક ન કરતા વ્યવસ્થાને આધીન થયા. મેઘલે ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી. ધોરણ ૧૧-૧૨ ઘર બેઠા શિક્ષણ મેળવ્યું ત્યાં જ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આવી અને ફરી ધોરણ ૧૦માં સર્જાયો હતો એવો પ્રશ્ન સર્જાશે તો? મેઘલે ભારે હૈયે ધોરણ ૧૨ની પરીક્ષા ન આપવાનું નક્કી કર્યું. મેઘલે ભણવાનું છોડી દીધું. વળી, અધૂરામાં પૂરું એ ગાળામાં જ તેમનાં પિતા કિશોરભાઈનું આકસ્મિક અવસાન થયું. મેઘલ અને તેનો પરિવાર વધુ એકવાર દુઃખની ગર્તામાં ઘકેલાઈ ગયો. જોકે અંગતની વિદાય પાછળ વિખેરાઈ જવાથી કોઈ અંગત પુનઃજીવીત થતું નથી. મેઘલ અને તેનો પરિવાર સંજોગોનાં શકંજામાંથી એક પછી એક પારાવાર બેઠો થતો ગયો.

મેઘલે પોતાના ઘર પાસે જ એક કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. જ્યાં તે છેલ્લાં દસ વર્ષથી નોકરી કરી રહી છે. થોડાં વર્ષો બાદ નોકરીની સાથોસાથ આગળ જતા મેઘલે ફરી ભણવાનું નક્કી કર્યું અને આંબેડકર યુનિ.માંથી સાહિત્યનાં વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું તો પોતાની સાથે સાથે ભાઈ જીજ્ઞેશની ૧૨ ધોરણ ભણેલી પત્ની એટલે કે પોતાની સગી ભાભીને પણ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો. પસાર થતા સમયની સાથે મેઘલે જાણે દરેક પરિસ્થિતિને પોતાની નિયતિ સમજી લીધી હોય તેમ તેણે જિંદગી ભલે સરળ ન હોય, પોતાને સક્ષમ બનાવી લીધી. અંગ નબળું હતું તો શું થયું અંતર સબળું તો જગ આપણું.

દિવ્યાંગ વ્યક્તિઓ સાઈકલ, સ્કૂટર, કાર ચલાવી શકે છે. દેશ-દુનિયાની મુસાફરીઓ કરે છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે. તહેવારો ઉજવે છે. યોગા કરે છે. તેઓ સારા વિચારક અને વાંચક હોય છે. આપણને અસામાન્ય લાગતી આવી વ્યક્તિઓ અસામાન્ય બાબતોને પણ સામાન્ય બનાવી દે છે. મેઘલ પણ બીજાઓની જેમ પોતાના માટે અસામાન્ય હોય તેને સામાન્ય બનાવી જીવન જીવી રહી છે.

જેનું શરીર આજ સુધી બાર ઓપરેશનની માર અને મન અનેકો ઉતાર-ચડાવ અનુભવી ચૂક્યા છે એવી મેઘલ છેક નેપાળ સુધી મુસાફરી કરી આવી છે. મેઘલ ખેલ મહાકુંભમાં જેવેલીયન થ્રો યાની ભાલા ફેંકમાં રાજ્ય કક્ષા સુધી પોતાનું કૌશલ્ય જળકાવી ચૂકી છે. મેઘલ દર વર્ષે દિવ્યાંગ રાસોત્સવમાં પ્રિન્સેસ બને છે. વાંચન અને લેખનનાં શોખ સિવાય મેઘલ હેન્ડીક્રાફટ વર્ક અને ઘર કામમાં ખાસ્સું મહારથ ધરાવે છે. ફેસબુકથી લઈ રિઅલ લાઈફમાં મેઘલનાં ઘણા બધાં દોસ્તો છે તો પોતાની સોસાયટીમાં મેઘલને બધા મેઘુ દીદીનાં નામથી ઓળખે છે. મેઘલ દિવ્યાંગ વ્યક્તિઓનાં એક ગૃપ સાથે પણ જોડાયેલી છે. જેને આપણે અસામાન્ય સમજીએ છીએ એવી છેલ્લાં ચોત્રીસ વર્ષથી સામાન્ય બની જીવન જીવતી દિવ્યાંગ મેઘલ ઉપાધ્યાય હવે કોઈ સામાન્ય માનવીને પરણી જાય તો પણ નવાઈ નહીં. દિવ્યાંગ છે તો શું છે? માનસિક-વૈચારિક ખુદ્દારી અને ખુમારી આગળ શારીરિક ખામીઓ વામણી બની જાય છે.
મિરર મંથન : હાલમાં કોઇપણ નવું બાંધકામ ભૂકંપ, આગ જેવી આફતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. ઘણી ઈમારતોમાં ફાયર સેફ્ટી સાધનો હોય છે તો ઘણી જગ્યાએ લિફ્ટ હોય છે. કોંક્રિટનાં જંગલો સમા રેસિડેન્શિયલ કે કોમર્સિયલ બિલ્ડીંગથી લઈ કેટલીક જગ્યાઓએ દિવ્યાંગ વ્યક્તિઓને જવા-આવવામાં તકલીફ પડે છે. જો એમાં ક્યાંક દિવ્યાંગો સરળતાથી આવી-જઈ શકે તે માટેની સુવિધા પણ ધ્યાનમાં રાખી નવા બાંધકામની ડિઝાઈન કરવામાં આવે તો?
– ભવ્ય રાવલ

http://www.bhavyaraval.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s