મૂળભૂત લાગણીઓ પરનો કાબૂ આપણું વર્તન નક્કી કરે છે

Standard

તડકભડક – સૌરભ શાહ

( સંદેશ : રવિવાર, 14 જાન્યુઆરી 2018)
*ઈમોશનલ* ઈન્ટેલિજન્સી વિશેની સમજણ પામવા આગળ વધતાં પહેલાં આપણામાં રહેલા બેઝિક ઈમોશન્સ વિશે જાણી લઈએ. આ મૂળભૂત લાગણીઓ છેઃ
ક્રોધ
ધિક્કારથી માંડીને રિસાઈ જવા સુધીની રેન્જમાં ક્રોધ પ્રગટ થતો રહે છે. આ બે અંતિમોની વચ્ચે કટુતા, પજવણી, ખીજ, ચીડ, કિન્નાખોરી જેવાં નાના-મોટા મુકામો પણ આવતા રહે છે. ક્રોધ પ્રગટે છે ત્યારે તમારા હાથમાં લોહીનું ભ્રમણ વધી જાય છે. આ વાત ખાસ નોંધવા જેવી છે. આને કારણે, મોટે પાયે માણસ હાથમાં શસ્ત્ર (કે જે ચીજ આવી એને શસ્ત્ર બનાવીને) બીજા પર ઉગામે છે અને નાને પાયે હાથ ઉગામે છે જેનું પરિણામ તમાચામાં આવી શકે. ક્રોધ દરમ્યાન હૃદયના ધબકારાનો દર વધી જાય છે અને અડ્રેનલિન જેવાં હોર્મોનનો સ્ત્રાવ પણ વધે છે જેને કારણે માણસ ખૂબ જ તાકાત માંગી લેતું કામ કરવા જેટલી શક્તિ પોતાનામાં આવી ગઈ છે એવું ઝનૂન અનુભવતો થઈ જાય છે.
ભય
આ લાગણી સર્જાતાં લોહી પગ તરફ ધસી જાય છે. જેને કારણે ચહેરો ફિક્કો પડી જાય છે અને પગમાં ઘટના સ્થળેથી ભાગી છૂટવાની તાકાત આવે છે. સાથોસાથ શરીર ક્ષણાર્થ માટે થીજી જાય છે. તે જ જગ્યાએ છૂપાઈ જવાનો વિકલ્પ સ્વીકારવો કે નહીં એવું વિચારવાની તક આ દરમ્યાન મળે છે. ચિંતા, દહેશત, નર્વસનેસ, ઉચાટ, બાવરાપણું, ધ્રાસકો, વ્યાકુળતા, કંપારી છૂટવી, હેબતાઈ જવું, ધાસ્તી, ડર, આતંક વગેરે ભયના વિવિધ મુકામો છે.
દુઃખ
કશા જ કારણ વગરની ઉદાસી દુઃખનું સૌથી નાનું એકમ છે અને એના બીજા અંતિમે છે ડિપ્રેશન. આ બંનેની વચ્ચે દુઃખના વિવિધ તબક્કાઓ હોય છે. આ દરેક તબક્કાની માત્રા ઓછી વત્તી હોવાની. દુઃખના ગ્રે શેડ્ઝ ઘણા છે. ગમગીની, વ્યથા, શોક, વિશાદ, ખેદ, ગ્લાનિ, હતાશા, દિલગીરી, નિરાશા, વ્યગ્રતા, અકળામણ, ઉચાટ, સેલ્ફપિટી અર્થાત્ જાતને કોસ્યા કરવી યાને કિ આત્મદયા, તલસાટ, એકલવાયાપણું, હતોત્સાહ, નાસીપાસ અને ડિજેક્શન યાને કિ તરછોડાયા હોવાની લાગણી.
દુઃખની લાગણીનું મુખ્ય કાર્ય જીવનમાં સર્જાયેલી ઓછપને દૂર કરવાનું અથવા તો જેની ઓછપ સર્જાઈ છે તેના વિના ચલાવી લેવાનું સિગ્નલ આપવાનું છે. દુઃખની લાગણી સર્જાતાં શક્તિમાં ઓટ આવે છે, ઉત્સાહ ઓસરી જાય છે અને માણસ નિષ્ક્રિય અથવા પ્રવૃત્તિહીન બનવા તરફ સરક્યા કરે છે. આવું થવાને કારણે એને ઘડીભર થંભીને નવેસરથી આરંભ કરવાની તક મળે છે. આ ગાળામાં વ્યક્તિ નવાં સાહસ કરતાં અચકાય છે. એ અચકાય એ માટે જ એની શક્તિમાં, એના ઉત્સાહમાં ઓટ આવે છે જેથી એ પોતાની ભૂલ વિશે ફેરવિચાર કરે અને એ ભૂલોને નિવારી શકાય એ રીતનું પ્લાનિંગ કરે.
આનંદ
ચોથી લાગણી દુઃખથી તદ્ન વિપરીત છે. આનંદમાં સીધીસાદી પ્રસન્નતાથી માંડીને હર્ષોલ્લાસ સુધીના અનેક તબક્કા છેઃ ખુશી, સંતોષ, રાહત, નિશ્ચિતતા, રાજીપો, આહ્લાદ, ઉમંગ, ગૌરવ, રોમાંચ, ઈન્દ્રિયસુખ (અર્થાત્ સ્પર્શ, સ્વાદ, સુગંધ, શ્રવણ અને દ્રષ્ટિ સહિતની પાંચમાની એક યા અધિક ઈન્દ્રિય દ્વારા મળતું સુખ), હરખ, દિવ્ય આનંદ અથવા પરમાનંદ ( જેને આધ્યાત્મિક્તા સાથે જોડવામાં આવે છે તે), ધૂનીપણું અને ઉન્માદ.
આનંદ કે સુખને અહીં માનસશાસ્ત્રની રીતે જ મૂલવીએ છીએ. સુખને કારણે મગજ વધુ પ્રવૃત્તિશીલ બની જતાં નેગેટિવ લાગણીઓ હટી જાય છે અને સંપૂર્ણ શરીર અત્યંત આરામ અને રાહત અનુભવતું થઈ જવાથી મન કોઈપણ કામ ઉત્સાહભેર કરવા માટે તત્પર રહે છે.
પ્રેમ
સીધાસાદા વહાલથી માંડીને આસક્તિ સુધીનાં બે અંતિમ બિંદુઓ ધરાવતી આ લાગણીના વિવિધ મુકામ છેઃ આકર્ષણ, સ્વીકાર, મૈત્રી, વિશ્વાસ, કૃપા, માયા, સ્નેહ, દયા, નિકટતા, સમર્પણ, ભક્તિ, આદર, મોહ, સદ્ભાવના, અનુરાગ અને આરાધના. આ બધા શબ્દો એકબીજાના પર્યાય નથી. ચોક્કસ પ્રકારની લાગણીની ઓછી-વત્તી માત્રાને વર્ણવવા માટે પ્રચલિત થયેલા શબ્દો છે. આ લાગણીને કારણે મળતી તૃપ્તિથી માણસમાં બીજા સાથે કામ કરવાની ભાવના સહકારની ભાવના વધે છે. આ લાગણીથી પ્રાપ્ત થતો સંતોષે માણસને વધુ શાંત બનાવે છે.
આશ્ચર્ય
વિસ્મય, નવાઈ, આંચકો, આચંબો, સ્તબ્ધતા, હેરત અને આઘાત જેવા આ લાગણીના વિવિધ તબક્કા છે. આશ્ચર્યથી આંખો પહોળી થઈ જવાનું કારણ એ કે રેટિનાને વધુ પ્રકાશ મળે અને દેખાતા દ્રશ્યનો વ્યાપ વધે, અણધારી સર્જાયેલી પરિસ્થિતિનો સારી રીતે તાગ મેળવી શકાય.
નફરત
અણગમાનો બીજો છેડો નફરત છે. વચ્ચે ઉપેક્ષા, તિરસ્કાર, તુચ્છકાર, કડવાશ, તોછડાઈ, નિંદા, સુગ, હડધૂત, જુગુપ્સા, ધિક્કાર વગેરેના તબક્કા આવી જાય. આ લાગણી સર્જાતી વખતે ચહેરાના જે હાવભાવ બને છે તે મૂળભૂત રીતે કશુંક ન ખવાઈ જાય કે ન સૂંઘવાનંછ સૂંઘાઈ જાય ત્યારે એને રોકવા કે બહાર ફેંકી દેવા માટેની પ્રતિક્રિયા વખતે જે ભાવપલટો આવે તેના જેવા હોય છે.
શરમ
માનભંગ, શરમિંદગી, હીણપત, સંકોચ, દોષિત કે ગુનાહિત હોવાની વ્યથા, પસ્તાવો અને લજ્જા આ લાગણીના મુખ્ય તબક્કા છે.
માણસની આ મૂળભૂત લાગણીઓ પર નજર નાખી લીધા પછી થોડીક વાત બુદ્ધિ એટલે કે ઈન્ટેલિજન્સ વિશે કરી લઈએ. બુદ્ધિને માપવાનો આંક ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ અથવા તો આઈ.ક્યુ. છે. આઈ.ક્યુ. નક્કી કરવા માટે વૈજ્ઞાાનિક પદ્ધતિ છે. કેટલીક લેખિત કસોટીઓ દ્વારા વ્યક્તિનો આઈ.ક્યુ. નક્કી થતો હોય છે.
આઈ.ક્યુ. અને ઈ.ક્યુ. (ઈમોશનલ ક્વોશન્ટ) એ બેઉ એકબીજાની વિરોધાભાસી કન્સેપ્ટ નથી, એકમેક કરતાં અલગ છે એટલું જ. આ વાત સમજી લેવા જેવી છે. દરેક વ્યક્તિમાં બુદ્ધિ તથા લાગણીઓનું મિશ્રણ હોવાનું. બીજી વાત, ખૂબ ઊંચો આઈ.ક્યુ. અને તદ્ન ઓછો ઈ.ક્યુ. હોય અથવા તો એકદમ નીચો આઈ.ક્યુ. અને ખૂબ બધો ઈ.ક્યુ. હોય એવું મોટેભાગે બનતું નથી. ક્યારેક એવા કિસ્સા જોવા મળે તો તે અપવાદ રૂપ હોવાના. ક્યાંક કોઈક રીતે આ બેઉનું પ્રમાણ એકબીજા સાથે જોડાયેલું હોય છે.
અલબત્ત, આ પ્રમાણ ઓછુંવત્તું હોય એ શક્ય છે. આ પ્રમાણ એક બાબતમાં મધ્યમ, સરેરાશ કે એવરેજ હોય અને બીજી બાબતમાં વધારે હોય એ શક્ય છે અને એવું વારંવાર જોવા મળતું હોય છે. પણ તદ્ન ઓછું અને ખૂબ વધારેનું કોમ્બિનેશન જવલ્લે જ જોવા મળતું હોય છે.
આઈ.ક્યુ. માટે જેમ લેખિત કસોટી દ્વારા પ્રમાણ નક્કી કરવાની પદ્ધતિ શોધાઈ છે એવી કોઈ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હજુ સુધી ઈ.ક્યુ. માટે નથી શોધાઈ. હા, જાતજાતની નાની-મોટી ટેસ્ટ દ્વારા તમે જાતે નક્કી કરી લો એવી મનોરંજક કસોટીઓ ઘણી છે જેના પરથી તમને અંદાજ આવે કે તમારામાં ઈમોશનલ ઈન્ટેલિજન્સનું પ્રમાણ કેટલું છે પરંતુ સર્વસ્વીકાર્ય એવી વૈજ્ઞાાનિક ટેસ્ટ હજુ સુધી તૈયાર નથી અથવા તો કહો કે જે કંઈ વિવિધ પ્રકારની ટેસ્ટ છે તે બધાને સ્વીકાર્ય નથી. કોઈક અમુક ટેસ્ટ દ્વારા ઈ.ક્યુ.નક્કી કરે તો બીજું કોઈક અન્ય ટેસ્ટ દ્વારા નક્કી કરે.
ઈમોશનલ ઈન્ટેલિજન્સ અને આઈ.ક્યુ. વચ્ચેનો સૌથી મોટો ભેટ એ કે અક્કલ તો ભગવાને તમને જેટલી આપી છે એટલી જ રહેવાની છે પણ એ અક્કલનો ઉપયોગ લાગણીઓને પ્રદર્શિત કરવામાં કયાં, ક્યારે અને કેટલો થાય છે તે અગત્યનું છે. આ શ્રેણીનો સૌથી મહત્ત્વનો લેખ હવે આવે છે જેમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ આપણામાં કેવી રીતે ખિલવી શકીએ કેવી રીતે ખિલવી શકીએ તેની કેટલીક ટિપ્સ છે. બસ, થોડીક રાહ જુઓ.
પાન બનાર્સવાલા
તમારી લાગણીઓ તમારા વિચારોની ગુલામ છે અને તમે તમારી લાગણીઓના.
– એલિઝાબેથ ગિલ્બર્ટ (‘ઈટ, પ્રે, લવ’નામના બેસ્ટસેલરની લેખિકા જેમાં એમણે પતિથી ડિવોર્સ લીધા પછી કરેલા વિશ્વ ભ્રમણના અનુભવો લખ્યા છે. જન્મઃ ૧૯૬૯.)

——————————–

WhatsApp  Group : ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ 9004099112
Facebook – http://www.fb.me/saurabh.a.shah
Email – hisaurabhshah@gmail.com
Blog – http://www.saurabh-shah.com
પુસ્તકો ઘેરબેઠાં મેળવવા – બુકપ્રથા http://bit.ly/bookpratha અથવા ધૂમખરીદી http://bit.ly/2hGtvGm
© Saurabh  Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s