શૂન્યની શોધ અને જ્ઞાનની સમૃદ્ધિ

Standard

ગુડ મૉર્નિંગ સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : ગુરુવાર, 25 જાન્યુઆરી 2018)
*ભારત* એક જમાનામાં જ્ઞાનની રાજધાની હતી, વિશ્ર્વ આખામાં વિદ્યા મેળવવાનું સૌથી મોટું કેન્દ્ર આપણો દેશ હતો. આવું કહીએ ત્યારે કેટલાક લોકો આપણને ઉતારી પાડતા હોય છે, પુરાવાઓ લાવો એવું કહેતા હોય છે અને છેવટે હિન્દુવાદી કહીને ઉતારી પાડતા હોય છે. ભલું થજો એમનું.
તક્ષશિલા અને નાલંદાના જ્ઞાનભંડારો એની સાબિતિ છે. લગભગ પંદરસો વર્ષ અને બે હજાર વર્ષ જૂના ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ પણ આપણા પાંચ હજાર વર્ષથી વધુ પુરાણા વેદ-ઉપનિષદ-ગીતા વગેરેની છાયાઓ એના પુરાવાઓ છે. આરોગ્ય અને ઉપચારોની બાબતમાં પણ આપણે કેટલા આગળ હતા તેનો પુરાવો પતંજલિ યોગસૂત્ર, ચરક સંહિતા તથા સુશ્રુત સંહિતા છે.
અને એ જમાનામાં આપણે અતિ શ્રીમંત રાષ્ટ્રની પ્રજા હતા, સુખી-સમૃદ્ધ હતા એનો પુરાવો છે – શૂન્યની શોધ. કેવી રીતે? વાત કરીએ પણ તે પહેલાં એક આ નાનકડી વાત.
ભારત ફરી એકવાર વિશ્ર્વ આખામાં જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થપાય એવી યોજના તૈયાર થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહિના પહેલાં પટણા યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં શું કહ્યું તે યાદ છે? એમણે કહ્યું હતું કે ભારતની તમામ યુનિવર્સિટીઓને અમે તક આપવા માગીએ છીએ કે તમે વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બનવા માટે કમર કસો. સરકાર દેશની તમામ યુનિવર્સિટીમાંથી જે દસ સૌથી વધુ લાયક હશે, પ્રોમિસિંગ હશે તે દરેકને રૂપિયા દસ હજાર કરોડ આપીને એને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીની સમકક્ષ બનાવવામાં મદદરૂપ થશે. કુલ દસ ભારતીય યુનિવર્સિટીઓને દસ-દસ હજાર કરોડ રૂપિયા. વિચાર કરો. અમેરિકાની હાર્વર્ડ, પ્રિન્સ્ટન અને કૉર્નેલ વગેરે જેવી આઈવી લીગ યુનિવર્સિટીઓ કે ઈંગ્લૅન્ડની ઓક્સફર્ડ કે કૅમ્બ્રિજ જેવી કુલ દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે ત્યારે રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાનું. વિશ્ર્વભરના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ આ ભારતીય યુનિવર્સિટીઓમાં ભણવા માટે પડાપડી કરવાના. ભારતના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓએ પછી મોંઘી ફી ભરીને અને અન્ય તોતિંગ ખર્ચાઓ કરીને વિદેશ નહીં જવું પડે. ભારતમાં ફરી એકવાર નવા જમાનાની તક્ષશિલા-નાલંદા વિદ્યાપીઠો સ્થપાશે. ભારતના બૌદ્ધિક ધનનો પરિચય અને પરચો વિશ્ર્વ આખાને થશે જે શૂન્યની શોધ વખતે થયો હતો. શૂન્યની શોધ આરબોએ કરી હતી તે ભૂલભરેલો ઈતિહાસ છે. ભારતે વિશ્ર્વને શૂન્યની ભેટ આપી.
હવે એ વાત કરીએ.
સમાજ પર કે પ્રજાના જીવન પર કઈ કઈ વસ્તુઓ સીધી અસર કરતી હોય છે? મારે હિસાબે પાંચ:
૧. ખેતી, પશુપાલન અને અન્ય વનસ્પતિઓ જે પ્રજાને ખોરાક આપે, પોષણ આપે, શક્તિ આપે.
૨. ઘર અને ગ્રામ્યવ્યવસ્થા જે પ્રજાને સુરક્ષા આપે અને રોજિંદા જીવનને સરળ બનાવે. મોહેં-જો-દરો, લોથલ, ધોળાવીરા, રાણકી વાવ વગેરે અનેક ઉદાહરણો ટાંકી શકો.
૩. બીમારીથી બચવાનું અને બીમારીઓથી સાજા થવાનું જ્ઞાન. આયુર્વેદ વગેરે.
૪. સામાજિક રીતરસમો. લગ્નસંસ્થા તથા રામાયણ-મહાભારત જેવા ગ્રંથોમાંથી મળતું વ્યવહારું જ્ઞાન.
૫. વિજ્ઞાન. ઉપરની ચારેય બાબતો જ્યારે પૂરતા પ્રમાણમાં હોય ત્યારે વિજ્ઞાન લોકોપયોગી બને અન્યથા તે વિનાશકારી બને.
આટલું બેકગ્રાઉન્ડ સમજી લીધા પછી થોડી વ્યાપક દૃષ્ટિએ વિચારીએ. શૂન્ય વિશે સમાજ કે લોકો ક્યારે વિચારી શકે? ભૂખ્યો હોય ત્યારે? ના. મરવા પડ્યો હોય, જાનનું જોખમ હોય કે અસલામતીમાં જીવતો હોય ત્યારે ના. બીમાર હોય ત્યારે? ના. આક્રમણ સામે લડતો હોય ત્યારે? ના. પોતાની આસપાસના લોકો અબૂધ હોય ત્યારે? ના.
ભૂખ, જાનનું જોખમ, બીમારી, આક્રમણનો ભય અને આસપાસની દુનિયા વિશેનું અજ્ઞાન જ્યારે ન હોય ત્યારે માણસ શૂન્ય સુધી વિચારી શકે, જ્યારે એ બધી રીતે સુખી, સમૃદ્ધ, સુરક્ષિત અને સંતુષ્ટ હોય ત્યારે શૂન્ય પિક્ચરમાં આવે, કારણકે મૅથેમેટિક્સ કંઈ લાઈફની જરૂરિયાત નહોતી (આપણે હજારો વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, આજના જમાનાની નહીં). પ્રાણીઓ, ઝાડપાન, ગ્રહો, તારાઓ, આખી દુનિયા અને આખું બ્રહ્માંડ મૅથ્સ વિના જ જીવે છે. ગણિત લાઈફની લક્ઝરી હતી. અને એટલે શૂન્યની શોધ આપણી જીવનપદ્ધતિના વૈભવનું પ્રૂફ છે. આપણે દુનિયાને શૂન્યની ભેટ આપી, કારણ કે વૈભવ તો ઓલરેડી આપી રહ્યા હતા. વૈભવ ઓવરફ્લો થઈ રહ્યો હતો. આપણો દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને છે, અને આ શૂન્ય ગણિતમાંથી નથી આવ્યું. ગણિતશાસ્ત્રમાં તો પાછળથી ઍપ્લાય થયું હશે. ગણિત પહેલાં ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ પ્રયાણ કર્યું. વિજ્ઞાન અને અધ્યાત્મને પશ્ર્ચિમી જગત આજે જોડે છે, આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યા હતા. વિષ્ણુનાં એક હજાર નામમાંનું એક નામ છે – શૂન્ય. સંગીતમાં તાલના જે છ મુખ્ય અંગ છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય જેને ખાલી પણ કહીએ. ફળ જ્યોતિષમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય. એટલું જ નહીં આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્ર્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. અર્થાત્ નાસ્તિકવાદ. બીજી રીતે કહીએ તો દુનિયામાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.
ભારત દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને પશ્ર્ચિમી વિજ્ઞાને ભારતના આ મહાસાગરને હડપ કરી લેવાની જે ચેષ્ટાઓ કરી તે કયા ગાળામાં થઈ? ગઈ સહસ્રાબ્દીની કેટલીક શતાબ્દીઓ દરમ્યાન. વીતેલા મિલિનિયમની કેટલીક સદીઓ દરમ્યાન આક્રમણખોરોને લીધે ભારતનું મહત્ત્વ ઝૂંટવાઈ ગયું, ઢંકાઈ ગયું, દટાઈ ગયું. એ હવે ફરી પાછું લાઈમલાઈટમાં આવી રહ્યું છે. વિદેશીઓએ જ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્વીકારવા માટે જે જે પોતાના તરફી માપદંડો સ્થાપી દીધા તે પેરામીટર્સને હવે આપણે પડકારી રહ્યા છીએ. આ પડકારો આપનારાઓમાં આધુનિક જમાનામાં ડૉ. મનુ કોઠારી અગ્રણી હતા જેમના અવસાનના ૩ વર્ષ બાદ વિદેશી સંશોધકો ડૉ. કોઠારીના પડકારોને સાચા ઠેરવી રહ્યા છે. વધુ કાલે.
આજનો વિચાર
ઉમ્ર જાયા કર દી

લોગોં ને ઔરોં કે

વજૂદ મેં નુક્સ

નિકાલતે નિકાલતે

ઈતના ખુદ કો

તરાશા હોત તો

ફરિશ્તે બન જાતે.


– ગુલઝાર
એક મિનિટ!
બાર વર્ષની સખત મજૂરીવાળી કેદની સજા કાપતાં કાપતાં કંટાળી ગયેલો કેદી અથાગ મહેનત પછી જેલ તોડીને ભાગવામાં સફળ થયો. ઘરે પહોંચ્યો તો પત્નીએ દરવાજો ઉઘાડતાંવેંત પૂછ્યું:
‘ટીવીમાં બતાવે છે કે તમે આઠ કલાક પહેલાં જેલમાંથી ભાગ્યા… તો અત્યાર સુધી ક્યાં હતા?’
કેદી બિચારો સામેથી પોલીસને ફોન કરીને જેલમાં જમા થઈ ગયો.

——————————–

WhatsApp  Group : _ગુડ મૉર્નિંગ_ – સૌરભ શાહ 9004099112


Facebook – http://www.fb.me/saurabh.a.shah


Email – hisaurabhshah@gmail.com


Blog – http://www.saurabh-shah.com


© Saurabh  Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s