Daily Archives: March 9, 2018

સ્ટ્રોક્સ અને રંગસંયોજનના રાજા રાફેલ

Standard

કલા કસબ – દિનેશ દેસાઈ

પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા મશહૂર ઈટાલિયન પેઈન્ટર-આર્કિટેક્ટ રાફેલ (૧૪૮૩-૧૫૨૦)એ કલામિમાંસા કરતા એક વાર કહ્યું હતું કે દેશ યા પ્રદેશ જુદા હોઈ શકે, એમાં સરહદો છે, પરંતુ કલા અને તેના વિવિધ ફોર્મમાં કોઈ જુદાપણું નથી. કલાનો આવિષ્કાર એ માનવસભ્યતાની સૌથી પુરાતન શૈલી છે. જેમાં માનવી પોતાની મૌલિકતાને આગવી ઢબથી સજાવીને આકાર આપે છે. આ વ્યવસ્થા દરેક દેશ-પ્રદેશ અનુસાર જુદી જુદી હોઈ શકે. આવી વિવિધતા પણ કલાવિશ્ર્વને એક તાંતણે બાંધવાનું જ કાર્ય કરે છે.
રાફેલ આમ તો વીસમી સદીના પૂર્વાર્ધમાં નિધન પામ્યા. રાફેલનું આખું નામ રાફેલો સાન્ઝિયો દા ઉર્બિનો, પરંતુ આ કલાકાર રાફેલ નામે જ દુનિયાભરમાં જાણીતા બન્યા. રાફેલની કલાના શ્રેષ્ઠતમ નમૂનાઓ ઈટાલીમાં ઠેર ઠેર અને વેટિકન સિટી પેલેસમાં પણ જોવા મળી શકે છે.
મહત્ત્વની વાત એ છે કે રાફેલ એક પવિત્ર આત્મા હતા અને તેમનો જન્મ પણ ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે થયો હતો અને તેમનું મૃત્યુ પણ ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે જ તા.૬ એપ્રિલ, ૧૫૨૦ના રોજ થયું. જન્મ વર્ષ ૧૪૮૩માં પણ તા.૬ એપ્રિલ હતી, એમ કહેવાય છે. જો કે કલાના ઈતિહાસકારોમાં તેમની જન્મ તારીખ માટે મત-મતાંતર છે કે તેમનો જન્મ તા.૨૮ માર્ચ અથવા તા.૬ એપ્રિલ, ૧૪૮૩ છે.
માત્ર ૩૭ વર્ષની આયુમાં તેઓએ સંખ્યાબંધ કલાકૃતિઓ કલાજગતને આપીને અમરત્વ પ્રાપ્ત કરી લીધું. લિયોનાર્ડો દ વિન્ચી અને માઈકલેન્જેલો સહિતના તત્કાલીન અને સમકાલીન ચિત્રકારોની થોડી ઘણી છાપ રાફેલનાં ચિત્રોમાં તો વળી વિન્ચી અને માઈકલેન્જેલોનાં ચિત્રોમાં રાફેલની થોડી ઘણી અસર પરસ્પર અવશ્ય જોવા મળે છે.
ચિત્રકાર-સ્થપતિ રાફેલ હાઈ રિનેશન્સ એજમાં થઈ ગયા, એટલે કે ૧૪થી ૧૬મી સદીમાં પ્રવૃત્તિમાન તત્કાલીન અને પ્રાચીન કળા, સાહિત્ય વગેરેનું પુન:જીવન અને તેને લીધે કળા તથા સ્થાપત્યની વિકસિત થયેલી શૈલીનો યુગ અથવા ગાળામાં રાફેલ થઈ ગયા. કલાવિશ્ર્વને તેમણે ઘણી બધી અમૂલ્ય ભેટ ધરેલી છે. રાફેલ તેમની કલામાં રહેલા ફોર્મ (આકાર, ઘાટ, આકૃતિ), બંધારણ-રચના યા ઘડતર તથા દેખાવની સંકલ્પનાની ચોકસાઈ માટે વધુ જાણીતા છે.
ઈટાલી જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી સ્વાભાવિક રીતે જ ઈટાલી સહિત વેટિકન સિટી, રોમ અને અન્યત્ર ચર્ચ, મ્યુઝિયમ અને રોયલ પેલેસ તથા રોયલ વિલામાં પંદર અને સોળમી સદીમાં રાફેલે તૈયાર કરેલા ઓઈલ પેઈન્ટ્સ અને શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને રાફેલે પ્રભુ ઈસુ અને મધર મેરીના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનપ્રસંગોને લઈને તૈયાર કરેલાં ચિત્રો અને શિલ્પ-સ્થાપત્યો પાંચેક સદી પછી આજે પણ પ્રવાસીઓ અને મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.
રાફેલ પોતાના સમયમાં અત્યંત વ્યસ્ત, પ્રવૃત્તિશીલ, ઉદ્યમી અને સૌથી વિશાળ આર્ટ વર્કશોપ ધરાવતા કલાકાર હતા. ૩૭ વર્ષની વયે તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પણ તેઓ પોતાની પાછળ બહુ મોટી માત્રામાં અધૂરાં કામો છોડી ગયા હતા. તેમની કલાના સૌથી વધુ નમૂના વેટિકલ સિટી પેલેસમાં જોવા મળી રહે છે. અહીં રાફેલના નામે એક વિશાળ ખંડ છે, જેમાં તેમની કલા-કારકિર્દીનું મોટા ભાગનું કલા-કાર્ય પ્રદર્શિત કરીને સંગ્રહિત કરવામાં આવ્યું છે.
રાફેલ એક કુશળ સ્થપતિ અને શિલ્પકાર પણ હતા. રાફેલના શિલ્પ-સ્થાપત્યકલાના શ્રેષ્ઠ નમૂના તરીકે વેટિકનની ધ સ્કૂલ ઓફ એથેન્સને ગણાવવામાં આવે છે. કારકિર્દીના આરંભે તેઓએ ઘણા બધા ડ્રોઈંગવર્ક અને સ્કેચીસ પણ કર્યા. એ પછી ઓઈલ કલરનો બહેતર અને નમૂનારૂપ ઉપયોગ કરીને રંગ અને છાયા-પ્રતિછાયાના વિનિયોગથી કેનવાસ પેઈન્ટિંગ્સ પણ પાડ્યા.
રાફેલે તેમના સમયમાં નવીનતમ ટેકનોલોજી તરીકે સંકલિત રૂપે અને સમગ્રતયા પ્રિન્ટ-મેકિંગ કલાને પણ આત્મસાત્ કરીને પ્રિન્ટ-મેકિંગ આર્ટને બહોળી પ્રસિદ્ધિ પણ અપાવી. રાફેલના ઓઈલ પેઈન્ટિંગ્સ અને સ્કલ્પચરના નમૂનાઓ ઈટાલીની શાન ગણાય છે. એમ કહેવાય છે કે તેમના સમકાલીન અને પ્રતિસ્પર્ધી કલાકાર માઈકલેન્જેલોને રાફેલના મૃત્યુ પછી જ કલા ક્ષેત્રે નામના અને પ્રસિદ્ધિની તકો સાંપડી. રાફેલનાં કલાપ્રદાનને ત્રણ તબક્કામાં ભાગ પાડીને વર્ગીકૃત કરવામાં આવે છે. 
આમ જોવામાં આવે તો (૧) રાફેલની કલાકારકિર્દીના પ્રથમ તબક્કાને જ્યોર્જિયો વસારી નામે ઓળખવામાં આવે છે. શરૂઆતનાં આ વર્ષો રાફેલે અર્બિનો ખાતે ગાળ્યા હતા. (૨) આ પછી તેમના ચાર વર્ષ (૧૫૦૪-૧૫૦૮)ના કલાપ્રદાનને ફ્લોરેન્સ પિરિયડ નામે ઓળખવામાં આવે છે. (૩) રાફેલની કલા-કારકિર્દીનો ત્રીજો અને અંતિમ તબક્કો તેમણે ઈટાલીની રાજધાની રોમમાં ગાળેલા ૧૨ વર્ષને ગણવામાં આવે છે. રાફેલે તેમના આ અંતિમ ૧૨ વર્ષ વેટિકન સિટીના બે પોપ અને તે પોપના અંગત સહાયકો માટે કલા-કાર્ય કર્યું.
રાફેલનો જન્મ અને ઉછેર ઈટાલીના માર્શે ખાતે અર્બિનોમાં થયો. અહીં તેઓએ શરૂઆતનાં વર્ષો ગાળ્યાં અને ઉત્તરાવસ્થા રોમમાં વીતાવી. પરંતુ એ સિવાયનાં વર્ષો બોર્ગોમાં પાલાઝો કેપ્રિની ખાતે તેઓ રહ્યા. તેઓએ લગ્ન કર્યાં નહોતાં પણ સને ૧૫૧૪માં મારિયા બિબિયેના સાથે તેમના લગ્ન નક્કી થ
યાં હતાં. મારિયાનું પછીથી મોત થયું. ઈતિહાસકારોએ નોંધ્યું છે કે રાફેલને એકાધિક સ્ત્રીઓ સાથે સંબંધ રહ્યા.
રાફેલના ચિત્રોમાં (૧) સેલ્ફ પોટ્રેઈટ, (૨) ફાધર એન્ડ ટુ એન્જલ, (૩) ધ મોન્ડ ક્રુસિફિક્શન, (૪) ધ કોરોનેશન ઓફ ધ વર્જિન, (૫) ધ વેડિંગ ઓફ ધ વર્જિન, (૬) સેન્ટ જ્યોર્જ એન્ડ ધ ડ્રેગન, (૭) ધ મેડોના ઓફ ધ પિન્કસ, (૮) ધ મેડોના ઓફ ધ મેડોઝ, (૯) સેન્ટ કેથેરિના ઓફ એલેક્ઝાન્ડ્રિયા, (૧૦) ડિપોઝિશન ઓફ ક્રાઈસ્ટ, (૧૧) ટ્રમ્પ ઓફ ગલાટે, (૧૨) પોટ્રેઈટ ઓફ એલિસાબેટ્ટા ગોન્ઝાગા, (૧૩) પોટ્રેઈટ ઓફ પોપ જુલિયસ-૨, (૧૪) લા ફોર્નારિના (રાફેલની અંગત દાસી), (૧૫) સિસ્ટિન (સિસ્ટર) મેડોના મુખ્ય છે.
રાફેલનાં ચિત્રો જોતા જણાય છે કે તેમના સ્ટ્રોક્સ અને રંગસંયોજન ભાવકના મન ઉપર ઘેરી છાપ મૂકી જાય છે. તેમના ચિત્રોમાં ક્યાંક ભડક રંગોનું કોમ્બિનેશન પણ માણવા મળે. દરેક ચિત્રો રિયાલિસ્ટિક પેઈન્ટિંગ બની રહે છે. ઈટાલીમાં સંગ્રહવામાં આવેલાં તેમનાં ચિત્રો આજે પણ હૂબહૂ અને જીવંત લાગે છે. ચિત્રમાં રહેલા પાત્ર જાણે હમણાં બોલી ઊઠશે, એની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
રાફેલનાં શિલ્પો અને સ્થાપત્યોની પણ વાત કરીએ. રાફેલનાં શિલ્પ બહુધા ખ્રિસ્તી ધર્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને અન્ય પાત્રો-પ્રસંગો ઉપર આધારિત છે. આ શિલ્પકૃતિઓ પણ મૂળ રૂપે સાચવી રાખવા પ્રયાસ કરાયો છે. રાફેલનાં શિલ્પો એટલે જાણે પથ્થરમાં કંડારવામાં આવેલી કવિતાઓ. આ સિવાય રાફેલની સ્થાપત્યકલાની સૂઝબૂઝનાં પણ ઈટાલીમાં દર્શન અવશ્ય થાય છે.

ગુજરાતના કેટલાક શહેરોનાં પ્રાચીન નામો

Standard

    અમદાવાદઃ- શરૂઆત આ શહેર તેના શાસક આશાભીલના નામથી આશાપલ્લી કે આશાવાલ ઓળખાતું. હાલમાં અમદાવાદમાં અસલાલી વિસ્તાર છે જે કદાચ આશાપલ્લીનું અપભ્રંશ હોય. આશાપલ્લીને જીતી લઇ પાટણપતિ કર્ણદેવ મહારાજે આ શહેરને નામ આપ્યું કર્ણાવતી. ત્યારબાદ ૬૦૧ વર્ષ પહેલા અહમદશાહે આ શહેરને પોતાનું પાટનગર બનાવ્યું અને નામ આપ્યું અહમદાબાદ જે ગુજરાતીમાં અમદાવાદ અને ચીપી ચીપીને ગુજલીશ બોલતા લોકોમાં એમેડાબાદ તરીકે પ્રચલીત છે. નવાનગર, નવિનપુર એ મધ્યયુગના સાહિત્યકારોમાં ઓળખાય છે. તો સ્વામિનારાયણ ગ્રંથોમાં અમદાવાદની શ્રીનગર તરીકે ઉલ્લેખ છે.
    સૂરતઃ- સૂરત તો અમદાવાદ કરતા પણ જુનું શહેર હોવાનું મનાય છે. સમ્રાટ ચંદ્રગુપ્ત (કે કદાચ તેના કોઇ અનુગામી શાસક)ના વિશે મે એક પુસ્તક વાંચ્યું હતું જેમા સૂરતનો સૂર્યપુર તરીકે ઉલ્લેખ છે. થોડા માસ પહેલા ‘સફારી’ના એક અંકમાં સૂરતના વાચકે સૂરતમાં આવેલા પ્રાચીન દેરાસરમાં ‘સૂર્યપુર’ તરીકે આ શહેરનો ઉલ્લેખ છે તે જણાવ્યું હતું. ત્યારવાદ ત્યાના મુસ્લીમ શાસકોએ તેનું નામ સૂરત કરી નાખ્યું હતું.
    વડોદરા ઃ- મોટાભાગના લોકો એમ માને છે કે વડોદરાનું બીજું નામ ફક્ત ‘બરોડા’ છે અને વડોદરા ગાયકવાડોએ વસાવ્યુ છે. પણ હકીકતમાં વડોદરાનું પ્રાચીન નામ છે વટપદ્ર અર્થાત વટવૃક્ષ હેઠળ વિકસેલુ શહેર. બની શકે કે આ શહેરમાં કોઇ કાળે વડના ઘણા ઝાડ હોય. મેં મૂળરાજ સોલંકી (સોલંકીવંશના સ્થાપક) વિશેના પુસ્તકમાં વટપદ્ર શહેરનો ઉલ્લેખ વાંચ્યો હતો.
    રાજકોટઃ- રાજકોટના સ્થાપક વિભાજી જાડેજાએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રીના માનમાં પોતાના પાટનગરનું નામ રાજકોટ રાખ્યું હતું. આ બનાવની વધુ વિગત મને ખ્યાલ નથી. હા પણ એટલુ યાદ છે કે જૂનાગઢના નવાબે એકવખત રાજકોટ જીતી લઇને તેનું નામ માસુમાબાદ કર્યુ હતું. પણ પાછળથી રાજકોટના શાસકોએ નવાબને હરાવી શહેર પાછું મેળવ્યું અને નામ રાજકોટ કર્યું. આમતો આ શહેર આખા સૌરાષ્ટ્રના રાજનું કેન્દ્ર છે એટલે રાજકોટ નામ યથાર્થ છે.
    ખંભાતઃ- ખંભાત મારું વતન છે. આ શહેરે એટલી જાહોજલાલી જોઇ છે જેટલિ માણસ ફક્ત સ્વપ્નમાં જ કલ્પી શકે. છેક ગુપ્તોના સમયથી મેં વાંચ્યું છે કે ખંભાત ધીકતું બંદર હતું. તે પહેલા તો તેનો ઉદ્દભવ કેવી રીતે થયો હશે તેના કોઇ પુરાવા નથી. આ શહેરે પણ અનેક નામો જોયા છે. ખંભાતનું પહેલું નામ એટલે ત્રંબાવટી. અંબાજીની આરતીમાં જે ‘ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી’નો ઉલ્લેખ આવે છે તે નગરી એટલે ખંભાત. તાંબા જેવો વર્ણ ધરાવતી અહીંની રેતીની ચમક જોઇ નામ પડ્યું ત્રંબાવટી તો રૂપાથી ચમકતી જાહોજલાલીને કારણે તે ઓળખાઇ રૂપાવટી તરીકે. (હવે વાત નીકળિ જ છે તે સહર્ષ જણાવિ દઉ કે આ માતાજીની આરતી જેમણે રચી છે તે શિવાનંદ સ્વામી ખંભાતના છે. સંવત ૧૬૨૨ ખંભાતમાં માતાજીના મંદિરની સ્થાપના વખતે તેમણે આ આરતી રચેલી). ખેર મૂળ વાત પર પાછા આવીયે. ત્રંબાવતીનું અપભ્રંશ થયું સ્તંભાવતી કે સ્તંભતિર્થ. સોલંકીકાળમાં આ શહેર આ નામે ઓળખાતું હતું. સ્તંભતિર્થ સમગ્ર ગુજરાતની લક્ષ્મીનું કેન્દ્ર ગણાતું હતું. જે સ્તંભતિર્થ પર રાજ કરે તે સમગ્ર ગુજરાત પર રાજ કરે તેમ મનાતું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો આચાર્યપદે અભિષેક આ શહેરમાં થયો હતો. સમગ્ર ગુજરાતમાં જૈનધર્મનો ફેલાવો થવામાં ખંભાત મુખ્ય કેન્દ્ર હતું. સ્તંભતિર્થ તેના નવાબી શાસનમાં બન્યું ખંભાત. આ સરસ નામને અંગ્રેજોએ તેમના સ્વભાવ મુજબ વિકૃત કરીને બનાવ્યું ‘કેમબે’. આજે પણ કોઇ ખંભાતનો નામોલ્લેખ ‘કેમબે’ તરીકે કરે છે, ત્યારે કાનને ડંખે છે.
    પાલનપુરઃ-  ગુજરાતમાં સોલંકીકાળના અસ્ત પછી જ્યારે વાઘેલાઓનું રાજ્ય આવ્યું તે સમયમાં આ શહેર સ્થપાયું વાઘેલાનરેશના મિત્ર આબુના દંડનાયક (સામંત) ધારાવર્ષદેવ પરમાર (જે મૂળ સિદ્ધરાજ જયસિંહના સમયથી આબુના સામંત હતા. ત્યારબાદ પાટણના શાસકો કુમારપાળ, અજયપાળ અને ભીમદેવ બીજાની પણ સેવા કરી હતી. તેઓ પોતાની તિરંદાજી માટે પ્રખ્યાત હતા)ના પુત્ર પ્રહિન્નદેવજીએ અરાવલીની ગિરિમાળાની નજીક નવું શહેર વસાવ્યું ‘પ્રહિન્નપુર’. જે વખત જતા પાલનપુર બન્યું. વધુ ઇતિહાસ કોઇ પાલનપુરના હોય તો મને જણાવજો. આટલો ઉલ્લેખ મેં ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘ગુજરાત-કથા’માં વાંચેલો.
    ગોધરાઃ – આજે દેશવિદેશમાં મિડીયાએ બદનામ કરેલ આ શહેરનો પોતાનો જૂનો ઇતિહાસ છે. ચરોતરથી ગાયો અહીં ચરવા આવતી. આથી આ શહેર ગોદ્રહલ તરીકે ઓળખાયું. સોલંકીકાળમાં આ નગર ગોધ્રિકાપંથક તરીકે ઓળખાતું. કુમારપાળ જ્યારે પાટણથી નાસતો ફરતો હતો ત્યારે ગોધરાના જંગલોમાં લાંબા સમય સુધી રહ્યો હતો.
    અમરેલીઃ- આ કેસર કેરીનો પ્રદેશ. તે અમરાવતી કે અમરાવલી (કેરીની હારમાળા) તરીકે ઓળખાતું. જે  અમરેલી બન્યું.
    નવસારીઃ-  સોલંકીકાળમાં નવસારી ‘નવસારિકા’ તરીકે ઓળખાતું અને  ગુજરાતની દક્ષિણની હદમાં છેલ્લો પ્રદેશ ગણાતો.
    ખેડાઃ- આ પ્રદેશ ગુજરાતનો સહુથી ફળદ્રુપ પ્રદેશ છે. ખેડ કરવા પરથી નામ પડ્યું હશે ખેડા. પ્રાચીન સમયમાં તે ખેટકપંથક તરીકે ઓળખાતું. જ્યારે માળવાના રાજા ભોજના સેનાપતિ એ ગુજરાતને દગો આપીને પાટણની લૂંટ ચલાવી, ત્યારે પાછા ફરતી વખતે પાટણવતી અજુર્નદેવજીએ તેને ખેટકપંથકમાં લડત આપી. નાના નાળામાં તેના સૈન્યને બન્ને બાજુથી રોકી રાખી પહેલા દિવસો સુધી ભૂખે ટળવળાવ્યા અને ત્યારબાદ દ્રંદ્રયુદ્ધ કરી સેનાપતીને હરાવ્યાં. શરમના માર્યા સેનાપતીએ ત્યાજ મોત વહાલું કર્યુ અને ગુજરાતની કીર્તિલક્ષ્મી જળવાઇ રહી.
બસ આજે આટલું જ. આમતો આપણા ગુજરાતના એકએક ગામના નામનો ઇતિહાસ છે. હું કોઇ પણ સ્થળે જાવ તેનું નામ પાછળનો ઇતિહાસ  લેવાની મારી આદત છે. કોઇ પણ જગ્યાનું નામ તેની ઓળખને છતી કરે છે તેમ મારું માનવું છે.

અંતે એક આડવત. બધી જગ્યાનું નામ સમય જતા બદલાયા છે. પણ ગુજરાતનું એક શહેર એવું છે જેનું નામ આજે પણ એનું એજ છે. તે છે જૂનાગઢ. હા કેટલાક સંસ્ક્રુત ભાષાનાં વિદ્વાનો તેનો જિર્ણદુર્ગ તરીકે ઉલ્લેખ કરે છે પણ આ નામ લોકોમાં પ્રચલીત ન હતું.  ૨૫૦૦ વર્ષ પહેલા જ્યારે ગુપ્ત શાસકોએ અહીં સુદર્શન સરોવર બંધાવ્યું ત્યારે પણ તે જૂનાગઢ હતું, સિદ્ધરાજે જ્યારે ખેંગારને હરાવીને ગઢ જીત્યો ત્યારે પણ જૂનાગઢ હતું અને આજે પણ જૂનાગઢ જ છે. ૨૫૦૦ વર્ષમાં ગુપ્તો, ચૌલુક્યો, સોલંકીઓ, વાઘેલા, ચોલ, પલ્લવ, રાષ્ટ્રકૂટ, કુશાણ, રાજપૂતો, મુઘલો, અફધાનો, નવાબો, સીદીઓ, અંગ્રજો જેવા અનેક રાજવંશોની ચડતી પડતી આ નગરે જોઇ, પણ આ નગર જૂનાગઢ જ રહ્યું. તે ન બદલાયું. કદાચ ન બદલાવું આ નગરની પ્રકૃતિ છે, નગરજનોની પ્રકૃતિ છે, તેમ મને લાગે છે.

“લે. અજ્ઞાત, સૌજન્ય – વોટ્સએપ.”