કલા કસબ – દિનેશ દેસાઈ
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા મશહૂર ઈટાલિયન પેઈન્ટર-આર્કિટેક્ટ રાફેલ (૧૪૮૩-૧૫૨૦)એ કલામિમાંસા કરતા એક વાર કહ્યું હતું કે દેશ યા પ્રદેશ જુદા હોઈ શકે, એમાં સરહદો છે, પરંતુ કલા અને તેના વિવિધ ફોર્મમાં કોઈ જુદાપણું નથી. કલાનો આવિષ્કાર એ માનવસભ્યતાની સૌથી પુરાતન શૈલી છે. જેમાં માનવી પોતાની મૌલિકતાને આગવી ઢબથી સજાવીને આકાર આપે છે. આ વ્યવસ્થા દરેક દેશ-પ્રદેશ અનુસાર જુદી જુદી હોઈ શકે. આવી વિવિધતા પણ કલાવિશ્ર્વને એક તાંતણે બાંધવાનું જ કાર્ય કરે છે.
રાફેલ આમ તો વીસમી સદીના પૂર્વાર્ધમાં નિધન પામ્યા. રાફેલનું આખું નામ રાફેલો સાન્ઝિયો દા ઉર્બિનો, પરંતુ આ કલાકાર રાફેલ નામે જ દુનિયાભરમાં જાણીતા બન્યા. રાફેલની કલાના શ્રેષ્ઠતમ નમૂનાઓ ઈટાલીમાં ઠેર ઠેર અને વેટિકન સિટી પેલેસમાં પણ જોવા મળી શકે છે.
મહત્ત્વની વાત એ છે કે રાફેલ એક પવિત્ર આત્મા હતા અને તેમનો જન્મ પણ ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે થયો હતો અને તેમનું મૃત્યુ પણ ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે જ તા.૬ એપ્રિલ, ૧૫૨૦ના રોજ થયું. જન્મ વર્ષ ૧૪૮૩માં પણ તા.૬ એપ્રિલ હતી, એમ કહેવાય છે. જો કે કલાના ઈતિહાસકારોમાં તેમની જન્મ તારીખ માટે મત-મતાંતર છે કે તેમનો જન્મ તા.૨૮ માર્ચ અથવા તા.૬ એપ્રિલ, ૧૪૮૩ છે.
માત્ર ૩૭ વર્ષની આયુમાં તેઓએ સંખ્યાબંધ કલાકૃતિઓ કલાજગતને આપીને અમરત્વ પ્રાપ્ત કરી લીધું. લિયોનાર્ડો દ વિન્ચી અને માઈકલેન્જેલો સહિતના તત્કાલીન અને સમકાલીન ચિત્રકારોની થોડી ઘણી છાપ રાફેલનાં ચિત્રોમાં તો વળી વિન્ચી અને માઈકલેન્જેલોનાં ચિત્રોમાં રાફેલની થોડી ઘણી અસર પરસ્પર અવશ્ય જોવા મળે છે.
ચિત્રકાર-સ્થપતિ રાફેલ હાઈ રિનેશન્સ એજમાં થઈ ગયા, એટલે કે ૧૪થી ૧૬મી સદીમાં પ્રવૃત્તિમાન તત્કાલીન અને પ્રાચીન કળા, સાહિત્ય વગેરેનું પુન:જીવન અને તેને લીધે કળા તથા સ્થાપત્યની વિકસિત થયેલી શૈલીનો યુગ અથવા ગાળામાં રાફેલ થઈ ગયા. કલાવિશ્ર્વને તેમણે ઘણી બધી અમૂલ્ય ભેટ ધરેલી છે. રાફેલ તેમની કલામાં રહેલા ફોર્મ (આકાર, ઘાટ, આકૃતિ), બંધારણ-રચના યા ઘડતર તથા દેખાવની સંકલ્પનાની ચોકસાઈ માટે વધુ જાણીતા છે.
ઈટાલી જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી સ્વાભાવિક રીતે જ ઈટાલી સહિત વેટિકન સિટી, રોમ અને અન્યત્ર ચર્ચ, મ્યુઝિયમ અને રોયલ પેલેસ તથા રોયલ વિલામાં પંદર અને સોળમી સદીમાં રાફેલે તૈયાર કરેલા ઓઈલ પેઈન્ટ્સ અને શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને રાફેલે પ્રભુ ઈસુ અને મધર મેરીના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનપ્રસંગોને લઈને તૈયાર કરેલાં ચિત્રો અને શિલ્પ-સ્થાપત્યો પાંચેક સદી પછી આજે પણ પ્રવાસીઓ અને મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.
રાફેલ પોતાના સમયમાં અત્યંત વ્યસ્ત, પ્રવૃત્તિશીલ, ઉદ્યમી અને સૌથી વિશાળ આર્ટ વર્કશોપ ધરાવતા કલાકાર હતા. ૩૭ વર્ષની વયે તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પણ તેઓ પોતાની પાછળ બહુ મોટી માત્રામાં અધૂરાં કામો છોડી ગયા હતા. તેમની કલાના સૌથી વધુ નમૂના વેટિકલ સિટી પેલેસમાં જોવા મળી રહે છે. અહીં રાફેલના નામે એક વિશાળ ખંડ છે, જેમાં તેમની કલા-કારકિર્દીનું મોટા ભાગનું કલા-કાર્ય પ્રદર્શિત કરીને સંગ્રહિત કરવામાં આવ્યું છે.
રાફેલ એક કુશળ સ્થપતિ અને શિલ્પકાર પણ હતા. રાફેલના શિલ્પ-સ્થાપત્યકલાના શ્રેષ્ઠ નમૂના તરીકે વેટિકનની ધ સ્કૂલ ઓફ એથેન્સને ગણાવવામાં આવે છે. કારકિર્દીના આરંભે તેઓએ ઘણા બધા ડ્રોઈંગવર્ક અને સ્કેચીસ પણ કર્યા. એ પછી ઓઈલ કલરનો બહેતર અને નમૂનારૂપ ઉપયોગ કરીને રંગ અને છાયા-પ્રતિછાયાના વિનિયોગથી કેનવાસ પેઈન્ટિંગ્સ પણ પાડ્યા.
રાફેલે તેમના સમયમાં નવીનતમ ટેકનોલોજી તરીકે સંકલિત રૂપે અને સમગ્રતયા પ્રિન્ટ-મેકિંગ કલાને પણ આત્મસાત્ કરીને પ્રિન્ટ-મેકિંગ આર્ટને બહોળી પ્રસિદ્ધિ પણ અપાવી. રાફેલના ઓઈલ પેઈન્ટિંગ્સ અને સ્કલ્પચરના નમૂનાઓ ઈટાલીની શાન ગણાય છે. એમ કહેવાય છે કે તેમના સમકાલીન અને પ્રતિસ્પર્ધી કલાકાર માઈકલેન્જેલોને રાફેલના મૃત્યુ પછી જ કલા ક્ષેત્રે નામના અને પ્રસિદ્ધિની તકો સાંપડી. રાફેલનાં કલાપ્રદાનને ત્રણ તબક્કામાં ભાગ પાડીને વર્ગીકૃત કરવામાં આવે છે.
આમ જોવામાં આવે તો (૧) રાફેલની કલાકારકિર્દીના પ્રથમ તબક્કાને જ્યોર્જિયો વસારી નામે ઓળખવામાં આવે છે. શરૂઆતનાં આ વર્ષો રાફેલે અર્બિનો ખાતે ગાળ્યા હતા. (૨) આ પછી તેમના ચાર વર્ષ (૧૫૦૪-૧૫૦૮)ના કલાપ્રદાનને ફ્લોરેન્સ પિરિયડ નામે ઓળખવામાં આવે છે. (૩) રાફેલની કલા-કારકિર્દીનો ત્રીજો અને અંતિમ તબક્કો તેમણે ઈટાલીની રાજધાની રોમમાં ગાળેલા ૧૨ વર્ષને ગણવામાં આવે છે. રાફેલે તેમના આ અંતિમ ૧૨ વર્ષ વેટિકન સિટીના બે પોપ અને તે પોપના અંગત સહાયકો માટે કલા-કાર્ય કર્યું.
રાફેલનો જન્મ અને ઉછેર ઈટાલીના માર્શે ખાતે અર્બિનોમાં થયો. અહીં તેઓએ શરૂઆતનાં વર્ષો ગાળ્યાં અને ઉત્તરાવસ્થા રોમમાં વીતાવી. પરંતુ એ સિવાયનાં વર્ષો બોર્ગોમાં પાલાઝો કેપ્રિની ખાતે તેઓ રહ્યા. તેઓએ લગ્ન કર્યાં નહોતાં પણ સને ૧૫૧૪માં મારિયા બિબિયેના સાથે તેમના લગ્ન નક્કી થ
યાં હતાં. મારિયાનું પછીથી મોત થયું. ઈતિહાસકારોએ નોંધ્યું છે કે રાફેલને એકાધિક સ્ત્રીઓ સાથે સંબંધ રહ્યા.
રાફેલના ચિત્રોમાં (૧) સેલ્ફ પોટ્રેઈટ, (૨) ફાધર એન્ડ ટુ એન્જલ, (૩) ધ મોન્ડ ક્રુસિફિક્શન, (૪) ધ કોરોનેશન ઓફ ધ વર્જિન, (૫) ધ વેડિંગ ઓફ ધ વર્જિન, (૬) સેન્ટ જ્યોર્જ એન્ડ ધ ડ્રેગન, (૭) ધ મેડોના ઓફ ધ પિન્કસ, (૮) ધ મેડોના ઓફ ધ મેડોઝ, (૯) સેન્ટ કેથેરિના ઓફ એલેક્ઝાન્ડ્રિયા, (૧૦) ડિપોઝિશન ઓફ ક્રાઈસ્ટ, (૧૧) ટ્રમ્પ ઓફ ગલાટે, (૧૨) પોટ્રેઈટ ઓફ એલિસાબેટ્ટા ગોન્ઝાગા, (૧૩) પોટ્રેઈટ ઓફ પોપ જુલિયસ-૨, (૧૪) લા ફોર્નારિના (રાફેલની અંગત દાસી), (૧૫) સિસ્ટિન (સિસ્ટર) મેડોના મુખ્ય છે.
રાફેલનાં ચિત્રો જોતા જણાય છે કે તેમના સ્ટ્રોક્સ અને રંગસંયોજન ભાવકના મન ઉપર ઘેરી છાપ મૂકી જાય છે. તેમના ચિત્રોમાં ક્યાંક ભડક રંગોનું કોમ્બિનેશન પણ માણવા મળે. દરેક ચિત્રો રિયાલિસ્ટિક પેઈન્ટિંગ બની રહે છે. ઈટાલીમાં સંગ્રહવામાં આવેલાં તેમનાં ચિત્રો આજે પણ હૂબહૂ અને જીવંત લાગે છે. ચિત્રમાં રહેલા પાત્ર જાણે હમણાં બોલી ઊઠશે, એની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
રાફેલનાં શિલ્પો અને સ્થાપત્યોની પણ વાત કરીએ. રાફેલનાં શિલ્પ બહુધા ખ્રિસ્તી ધર્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને અન્ય પાત્રો-પ્રસંગો ઉપર આધારિત છે. આ શિલ્પકૃતિઓ પણ મૂળ રૂપે સાચવી રાખવા પ્રયાસ કરાયો છે. રાફેલનાં શિલ્પો એટલે જાણે પથ્થરમાં કંડારવામાં આવેલી કવિતાઓ. આ સિવાય રાફેલની સ્થાપત્યકલાની સૂઝબૂઝનાં પણ ઈટાલીમાં દર્શન અવશ્ય થાય છે.