સૂઝે ત્યારે લખી નાખવું..!!

Standard

પાર્થ દવેનો લેખ કચ્છમિત્રમાં 

અહીં શેરવુ જરૂરી લાગ્યું એટલે શેર્યુ!

આપણા માટે ખૂબ ઉપયોગી !

***સૂઝે ત્યારે લખી નાખવું..!***
———————-

વિનેશ અંતાણીની ક્લાસિક નવલકથા ‘પ્રિયજન’ કઈ રીતે લખાઈ છે? ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ ગીત લખાયું ત્યારે રમેશ પારેખ અમદાવાદના ગીતા મંદિર-બસ સ્ટેન્ડે હતા!   

———————-
~પાર્થ દવે(‘અક્ષરત્વ’જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, તારિખઃ 07-03)
એક ગ્રીક ફિલોસોફર થઈ ગયો, નામ એનું એપિકેટ્સ. તેણે કહ્યું હતું કેઃ ‘લેખક બનવું છે? …તો લખો!’ એપિકેટ્સ ૭૯-૮૦ વર્ષ જીવ્યો એમાં આ તેનું માર્કેબલ ક્વોટ. પણ લખનારને કેવા સંજોગોમાં લખવું, કેવા સંજોગોમાં લખવાનું સૂઝવું એ વિશે વાત નહોતી કરી. જેમ કે, મારે આજે સવારે કંઈક લખવાનું છે, ફોર ધેટ મેટર, કોઈપણ લેખક  કે કવિને સવારે લખવાનું છે પણ કેમેય કરીને કશું સૂઝતું જ નથી અને (જો હોય તો)ઘર ને ઘરવાળા માટે શાકભાજી લેવા વ્હિકલ પર માર્કેટ જવા નીકળવાનું છે. એ નીકળે છે, ઘરથી થોડે દૂર જાય છે ને ટુ વ્હિલર પર જ તેને ‘લખવા’ના વિચારો આવવા માંડે છે. તેને જે નહોતું ‘સૂઝતું’ તે હવે સૂઝવા માંડે છે. આવું થાય તો શું કરવું? એ જ જવાબ, જે એપિકેટ્સે આપેલોઃ ‘લખવું!’ જો જે-તે સર્જક એમ ન કરતો હોત તો આપણે ઘણું બધું માણવાનું ચૂકી ગયા હોત. જો રમેશ પારેખે એમ ન કર્યું હોત તો આપણે ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ ન સાંભળી શક્યા હોત! ન વાંચી શક્યા હોત!  
તો… વાત એમ છે કે,   

***

કવિ રમેશ પારેખને સંગીતકાર ગૌરાંગ વ્યાસે એક ફિલ્મ માટે ગીત લખવા અમદાવાદ બોલાવ્યા. ર.પા.(રમેશ પારેખ)ને ત્યારે લખવાનું કંઈ સૂઝ્યું નહીં. આખરે એ કહે કે મારે જવું છે. નિમેષ દેસાઈ એમને સ્કૂટર પર ગીતા મંદિર, કે જ્યાંથી બસ મળતી અને હજુ મળે છે, મૂકવા ગયા. બસને થોડી વાર હતી. ર.પા. બસ સ્ટેન્ડે બેઠા હતા. ત્યાં અદરથી ધક્કો લાગ્યો! કંઈક સૂઝ્યું. ર.પાએ આસપાસ જોયું. નીચે પડેલી રદ્દી બસ ટિકિટ ઉપાડી અને પાછળ લખ્યું, ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો..’ પછી એ ટિકિટ ર.પાએ નિમિષ દેસાઈને આપી અને કહ્યું: ‘ગૌંરાગભાઈને ગીતનું આ મુખડું આપી દેજો. અંતરા અમરેલી જઈને મોકલાવીશ!’
આ છે ક્રિએટિવિટી. આ છે સર્જન. રમેશ પારેખ તો ક્રિએટિવીટિથી ફાટફાટ થતા સર્જક હતા. તેમની કવિતાઓ, ગીતો જબ્બર અને જોશીલા છે! ઈવન, તેમનું ગદ્ય પણ મસ્ત છે. કોને ખબર હશે કે આજે ગુજરાતી ભાષાનું યાદગાર અને ર.પા.ના સિગ્નેચર માર્ક તરીકે જાણીતું થયેલું ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ ગીતા મંદિર પાસેની ઉડતી બસની ટિકિટની પાછળ લખાયું હતું! અને આ ઘટનાએ ફૂલછાબના તંત્રી તથા પત્રકાર કૌશિક મહેતાને ધક્કો માર્યો કે કવિ, લેખકો, પત્રકારોના લેખન-સર્જન અંગે પુસ્તક થવું જોઈએ. અને સર્જાયું એક પુસ્તક: ‘લખવું એટલે કે…’
ગુજરાતી ભાષાના દિગ્ગજ કવિ અનીલ જોશી ત્યારે મુંબઈ હતા. તેમની પાસે ઘેર પૈસા નહતા અને (કદાચ એટલે જ) ખૂબ ડિપ્રેશનમાં હતા. છાપાની પસ્તી વેંચીને શાકપાંદડુ ખરીદવા પડ્યા હતા તેવા એ દિવસો હતા. અનીલ જોશી અને તેમના જીગરીદોસ્ત નિદા ફાઝલી જહાંગીર આર્ટ ગેલેરીના પગથીયે દરરોજ ભેગા થતા. એક દિવસ નિદા ફાઝલીએ અનીલજીને કહ્યું, ‘ચર્ની રોડમાં કવિ સંમેલન છે. ચાલ, ૩૫ રૂપિયા પુરસ્કાર મળશે!’ એ વખતે ૩૫ રૂપિયા અનીલ જોશીને ખજાના સમા લાગ્યા હતા! અને એ અભાવના દિવસોમાં કાવ્યપંક્તિ સર્જાઈ હતી: મારી કોઈ ડાળખીમાં પાંડદા નથી, મને પાનખરની બીક ના બતાવો! આમ તો અનીલ જોશીએ આ ઉપરાંત અઢળક અને અફલાતૂન સર્જન કર્યું છે, પણ બાદમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ગવાયેલી આ કવિતા ગુજરાતી સાહિત્યની અમર રચના બની ગઈ. આજે પણ સાંભળો, સાલું વૈરાગ્ય જેવી ફિલીંગ આવે! ‘બરફમાં હું ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ન બતાવો!’ આહ..
ર.પાએ લખેલ ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ જે દર વખતે નવરાત્રિમાં ગવાતો મોસ્ટ ફેવરિટ ગરબો બની ગયો છે તે ફિલ્મ ‘નસિબની બલિહારી’ માટે લખાયેલ હતું. એ જ રીતે કાંતિ મડિયા ‘કાશીનો દિકરો’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે અનીલ જોશીને ફોન કરીને કહ્યું કે, તમે વેસ્ટ એન્ડ હોટલ પર આવી જાઓ. અનીલભાઈ ત્યાં ગયા તો જોયું કે ક્ષેમુ દિવેટીયા સાંજિદાઓ સાથે હાજર હતા. મડિયાએ અનીલભાઈને જોઈને જ કહ્યું કે, કવિ, માત્ર કલાકમાં જ આ ફિલ્મનું થિમ સોંગ તમારે લખવાનું છે. કાલે રેકોર્ડિંગ છે! ટાઈમની મારામારી છે. અનીલ ભાઈ હેબતાઈ ગયા! તેમણે સિચ્યુએશનની સમજ મેળવી. હોટલના લક્ઝ્યુરિયસ રૂમમાં ગયા, કોફી પીધી. સેન્ડવીચ ખાધી. અને લખ્યું:
ઝીણાં ઝીણાં આંકે અમને ચાળિયા

કાયા લોટ થઈને ઊડી,

માયા તો ય હજી ના છૂટી,

ડંખે સૂની મેડીને સૂના જાળીયા…
સૂની ડેલીને જોઈ પૂછશો ના કોઈ કે અવસરિયા કેમ નથી આવતા?

પાંદડુ તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બંધાતા.
***
હેન્રી ડેવીડ થોરોએ કહેલું કે, ‘હ્દયમાં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી. લખવાનું મુલતવી રાખવું ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડાં પ્રેસ કરવા જેવું છે!’ અગાઉ વાત કરી એમ, ર.પા ઉર્ફે રમેશ પારેખનું ગદ્યની જેમ પદ્ય પણ પ્રવાહી અને ચોટદાર હતું. તેઓ ‘ફૂલછાબ’માં કૉલમ લખતા. તેમનું સંકલન ‘ચાલો, એકબીજાને ગમીએ’ નામથી થયું છે. રમેશ પારેખે એક જગ્યાએ હેન્રી ડેવીડ થોરોએ કહેલું તેના અનુસંધામાં કહેતા હોય તેમ પોતાના ‘લખવા’ વિશે લખ્યું છે, ‘પરિસ્થિતિ પછી તે આગંતુક હોય કે અંદરની -ઉભયને યથાતથ સ્વીકારી લેવાની મારી માનસિક તૈયારી હોતી નથી. પરિણામે માનસિક રોગીને હવામાં ભૂતો દેખાય એમ મને પરિસ્થિતિમાં ચેલેન્જ દેખાય છે. અને હું પ્રત્યગ્ર થઈ જઉં છું.(ડોન કિહોટેની જેમ?)-અને મારામાં રહેલો લડાયક કારિગર રંધો ને ફરસી લઈ ઝનૂનપૂર્વક પરિસ્થિતિના પિંડને છોલવા માંડે છે ને અનુંરૂપ(ડિઝાઇન) પરિવર્તન-સારું કે નઠારું કરીને જ જંપે છે. અને કવિતા એમાં ક્યારેક પ્રાણપ્રતિષ્ઠા કરી જાય છે.’ 
થોડા સમય પહેલા રજા લઈ ગયેલા જલન માતરીસાહેબ મુશાયરાના રાજા હતા. તેઓ ખેડા જીલ્લાના માતર ગામના, માટે નામની પાછળ ‘માતરી’ લાગેલું. વર્ષ ૧૯૬૦ની વાત છે. તેમના પિતાનું અવસાન થયું. દુઃખદ પ્રસંગ હતો. સગા-સંબંધીઓ બહારથી આવ્યા હતા. જલનસાહેબના ઘરની સામે મોટું મેદાન હતું. ઉનાળાની ઋતુ હતી. કાતિલ ગરમી પડી રહી હતી. મહેમાનોને આરામ કરાવવા માટે બહાર મેદાનમાં પથારીઓ કરી હતી. ત્યાં જ અડધી રાતે અચાનક વાદળાં ઘેરાયાં અને વરસાદ વરસ્યો એટલે મેદાનમાંથી બધાંને ભાગવું પડ્યું. દુઃખમાં દુઃખ ઉમેરાયું. 
જલનસાહેબને આદત મુજબ કુદરત પર ગુસ્સો આવ્યો, પરિણામે એક મુક્તક સર્જાયુઃ 
કારભારાને જમાનાના વખોડી નાંખ મા

તારે ત્યાંના તંત્રના પણ કોઈ ઠેકાણાં નથી

વારેઘડીએ મોસમો બદલાતી જોઈને મને,

લાગે છે કે ફરીશ્તા તારા કહેવામાં નથી!
જાણીતી વાત છે કે, મરહૂમ શાયર ‘મરીઝ’એ પોતાની ગઝલો માચીસના પૂઠા પર લખી હતી. આજે લેખકો સીધું લેપટોપ કે કોમ્પ્યુટર પર ટાઈપ કરીને લખે છે, પરંતુ અગાઉ તો ફૂલ-સ્કેપના પેજ ખાસ કાઢીને લખાતું! માંડવીના વિનેશ અંતાણીસાહેબનું બેસ્ટ સર્જન ‘પ્રિયજન’ અવતર્યું તે ઘટના રસપ્રદ છે. વિનેશભાઈ ત્યારે ભુજના આકાશવાણી કેન્દ્રમાં કાર્યરત હતા. તેમણે નવલકથા લખવાની એક સપ્તાહની રજા લઈ રાખી હતી, જે પૂરી થવા આવી હતી! પ્રિયજન તેમના જ રેડિયો નાટક ‘માલિપા’ પરથી લખવાના હતા, માટે સ્ક્રિપ્ટ પણ તૈયાર હતી. એ નાટક પરથી અંદાજ કાઢીને વિનેશભાઈએ ૧૧૦-૨૦ ફુલસ્કેપ પાનાં પણ ફાઈલમાં ગોઠવી દીધા હતા. ભુજના પાનવાળા પઠાણની દુકાનેથી રાતે જ તૈયાર કરાવી રાખેલા ત્રણસો તમાકુવાળો મસાલો મોઢામાં મૂકી દીધો હતો! ‘માલિપા’ની સ્ક્રિપ્ટ સામે હતી, કથાબીજ તેઓ જાણતા હતા.  પણ… પ્રિયજનનું પહેલું વાક્ય આવ્યું જ નહીં! આખો દિવસ પસાર થઈ ગયો. બીજા દિવસે વિનેશભાઈએ લખ્યું, પણ ‘પ્રિયજન’ નહીં, ‘આસોપાલવ’! તેમણે પછીના ત્રણ દિવસમાં ‘આસોપાલવ’ નવલકથા લખી નાખી! અને એ પૂરી થઈ તેની બીજી જ મિનિટે ‘પ્રિયજન’ લખવાની શરૂઆત કરી! વિનેશ અંતાણી કહે છે, ‘મેં મારી નવલકથા ‘પ્રિયજન’નું છેલ્લું વાક્ય લખ્યું ત્યારે રાતના અઢી વાગ્યા હતા. મેં મારા થાકેલા શરીરને લંબાવ્યું હતું અને ભારે થઈ ગયેલા પોપચાં પર હાથ દાબ્યો હતો. મારું મન હળવું થઈ ગયું હતું. અને હવે તે નવલકથા વિશે કશું જ આગળ લખવાનું બાકી રહ્યું ન હતું એ વાતનો ખાલીપો પણ મારા મન પર છવાઈ ગયો હતો.’ ત્યારે કોને ખબર હતી કે આ અત્યંત સંવેદનશીલ નવલકથા સમય જતા ગુજરાતી સાહિત્યમાં ક્લાસિકનો દરજ્જો પામવાની છે… 
મનોજ ખંડેરિયાએ લખ્યું છે કેઃ ‘ડૂમો-ડૂસકું-દુઃખ-ડચૂરો કંઠે આવી અરધે અટકે,/ પણ ઠલવાતા કાગળિયે તો, એવું લાગે જીવીએ છીએ.’ 
*જે બાત!*

હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લખવાની પ્રેરણા તેમને ગલોફામાં પાન જમાવીને હીંચકે ઝૂલતા હોય ત્યારે જ આવે છે. જ્યારે આ લખનારને પાન ખાધા પછી વધુમાં વધુ પ્રેરણા થૂંકવાની આવે છે. તેનું કારણ એ જ કે જ્યોતીન્દ્ર દવે સાહિત્યકાર હતા, જ્યારે હું એક કટારિયો(કોલમિસ્ટ) છું. મોટા ભાગે હું છાપામાં, પસ્તીવાળાંના લાભાર્થે લખતો હોઉં છું. -વિનોદ ભટ્ટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s