Daily Archives: March 11, 2018

કેટલાક લોકો એકાદ પ્રેમની પળની આશામાં જીવ્યે જાય..!!!

Standard

કઠણ સંયોગો વચ્ચે જીવતા આપણે સૌ માનવો એક જ પળની સોનેરી ઘડીની આશામાં જીવીએ છે. તમારા જીવનમાં ડગલે ને પગલે કષ્ટ અને મીઠી ઘડીની કોકટેલ રચાયેલી છે. પણ માનવો અને પ્રેમાળ દિલવાળા લોકો શું કામ આ સંસારનું કષ્ટમય જીવન જીવે છે? શું દરેક યુવતીને કે દરેક યુવકને તેની યુવાનીમાં કરેલા પ્રેમનું પાત્ર પતિ કે પત્ની તરીકે મળે છે? એવી રીતે પ્રેમપાત્ર લાખ્ખોમાંથી એકને મળે છે પણ બીજા અભાગી લોકો એકાદ પ્રેમની પળ કે એકાદ સુખની ઘડીની આશામાં જીવ્યે જાય છે. જરા ધીરજથી અને છેલ્લા અંત સુધી કાન સરવા કરીને નીચેની વાર્તા વાંચજો.
અંગ્રેજ લેખક ડૉ. એલેકવાદાની આ અનોખી પ્રેમવાર્તા અંત સુધી વાંચવાની છે અને છેલ્લી અંતની બે-ચાર પંક્તિ તમને વિચાર કરતા કરી મૂકે તેવી છે. એક શરત છે કે ‘મારો પ્રેમ નિષ્ફળ ગયો’ કે પ્રિયતમા કે પ્રીતમ બેવફા નીવડ્યાં એવી કદી જ ફરિયાદ કરશો નહીં. પ્રેમ નિષ્ફળ જતો નથી. પ્રેમ હંમેશાં સફળ હોય છે. તો વાંચો:-
કૉલેજ કાળમાં ખૂબ રોમાન્સ કરીને પછી પ્રેક્ટિકલ બનીને મા-બાપે ચીંધેલા અને પોતે પસંદ કરેલા પાત્રને મોટા ભાગના પરણી જાય છે. અહીં વાર્તાનો હીરો છે – જ્હોની અને હિરોઈન છે મેરી. જ્હોની તેના જીવનને અટકાવી દેતો નથી. પ્રેમપાત્રને ન પરણી શકયો તો શું છે? પ્રેમ તો હૈયામાં ભંડારેલો છે ને? જ્હોની આવું સમાધાન કરી વ્યવહારુ બની શાંતિથી જીવન જીવે છે. ભૂતકાળના કૉલેજના પ્રેમને વાગોળે છે.
રસ્તામાં જ્હોનીને ખૂબ ભૂખ લાગી એટલે ટ્રેનની ડાઈનિંગ કારમાં જઈ હેડ વેઈટરને ‘ગુડ મોર્નિંગ’ કહ્યું અને બેસવા માટે જગ્યા ખોળવા માંડી. વેઈટરે કહ્યું ‘આજે ઠંડી વધુ છે લોકો ગરમી માટે ડાઈનિંગ કારમાં આવ્યા છે. પણ હા પેલા ખૂણમાં ખાલી જગ્યા છે. એક ખુરશી પાસેની જગ્યા ખાલી છે. પેલી સુંદર મહિલા જે પ્રેમકાવ્યો લખવા જ આ ટ્રેનની મુસાફરી કરે છે ત્યાં જગ્યા મળશે.’
જ્હોનીએ થેંક્યુ કહ્યું. એક ધારદાર આંખોવાળી સ્ત્રી તેની બે કોણી ટેબલ પર ગોઠવીને બેઠી હતી. લમણા ઉપર આંગળીઓ એવી રીતે ઘસતી હતી જાણે કોઈ ફિલસૂફ વિચારો કરીને થાકી ગઇ હોય! આ ટ્રેનની ડાઈનિંગ કાર એક વાત માટે પ્રખ્યાત હતી. પ્રેમમાં ‘નિષ્ફળ’ ગયેલા પ્રેમીઓ પ્રેમનું નવું પાત્ર શોધવા જ આ ટ્રેનની મુસાફરી કરે છે. ટ્રેનનું નામ પણ ‘લવ ટ્રેન’ પડી ગયું છે.
‘એક્સ્ક્યુઝ મી’ એમ જ્હોનીએ કહ્યું એટલે સ્ત્રી સફાળી તેની વિચાર તંદ્રામાંથી જાગી. ઊંચે જોયું અને તેના ચહેરાની કળીઓ ખીલી ઊઠી: ‘ઓહ! જ્હોની તું!’ ‘અરે મેરી તું!’
‘કેવો યોગાનુયોગ! પંદર વર્ષે બન્ને મળ્યાં હતાં. ટ્રેન સડસડાટ દોડતી હતી. જંગલનાં વૃક્ષોને ભેદીને આ ટ્રેનમાં પ્રેમીઓ મુસાફરી કરતા હતા. વિરહવાળાં પાત્રો, સામાજિક પાત્રો, દુ:ખથી ભાગતાં પાત્રો ટ્રેનમાં ભરેલાં હતાં. યુવાનીમાં કૉલેજના દિવસોમાં રોમાન્ચ કરતાં કરતાં જંગલો, નદીઓ અને પર્વતો ખૂંદનારા કોલેજના સાથીદારો જ્હોન અને મેરી વિધાતાની કૃપાથી ટ્રેનમાં અચાનક મળી ગયાં હતાં.
આ જંગલો જોઈને જ્હોની અને મેરી અતીતમાં ખોવાઈ ગયાં. પણ પછી વાસ્તવમાં બને છે તેમ મેરીએ મૌન તોડીને કહ્યું ‘જિંદગી કેવી છે? આપણું જીવન અમુક મીઠી પળોને ત્યાં ને ત્યાં થીજાવી દે છે. એ પળ ક્યારે ઓગળશે તેની અબળખા રાખ્યા કરે છે.’- જવાબમાં જ્હોની કંઈ બોલી શકયો નહીં. એકીટશે મેરીને જોઈ રહ્યો. પાંચ મિનિટ સુધી બન્ને ચુપ રહ્યાં. પછી જ્હોની બોલ્યો ‘અરે! મેરી તું કશી જ બદલાઈ નથી.
તારા વાળ થોડા ધોળા થયા છે પણ તું વધુ સુંદર લાગે છે.’ મેરી બોલી ‘બદલાયું કંઈ નથી છતાં ઘણું બધું બદલાયું છે.’ પંદર વર્ષ પહેલાંની મેરીના મનની વાત મેરીને યાદ આવે છે. ‘ડિયર જ્હોની આઈ નેવર ડ્રેમ્ટ, આઈ કુડ લવ એની વન સો મચ એઝ આઈ લવ યુ.’ આટલું બોલી ત્યાં મેરીની આંખના ખૂણા ભીના થઈ ગયા. જ્હોનીએ તેના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. મેરીએ આંખ લૂંસવા કરતાં રૂમાલને હોઠે અડકાડીને જ્હોનીને રૂમાલ પાછો આપ્યો.
કૉલેજ કાળમાં આ બન્ને પ્રેમીઓ કેવી નક્કર ભૂમિ પર હતા! જિંદગી વિશે છાતી ઠોકીને બોલતા, પણ એવામાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. બન્નેનાં લગ્નની તારીખો નક્કી થઈ ગઈ હતી તે તારીખ પણ ફોક ગઈ. યુદ્ધમાંથી જ્હોની પાછો આવ્યો ત્યારે મેરી તેને મળવા ન આવી પણ મેરીનો પત્ર મળ્યો.
‘વહાલા જ્હોની, મારા પ્રાણ! તને લાગશે કે હું બહુ ક્રૂર છું પરંતુ મને લાગે છે કે જો હું તને પરણીશ તો એ તારી સાથે વધુ ક્રૂરતા આચરી ગણાશે. હું તને પરણીને નાહકનો દુ:ખી કરીશ! આમેય તું કેટલો બધો સંવેદનશીલ છે. કાચની બંગડી જેવો છે. મનમાં કશુંક ઓછું આવે ત્યાં તું નંદવાઈ જાય તેવા નાજુક મનનો છું. જાણે તને ભગવાને સ્ત્રીને બદલે પુરુષ ઘડ્યો છે. થોડું સ્ત્રીત્વ પણ ઉમેર્યું છે. જવા દે… હું તને પરણીને દુ:ખી કરવા માગતી નથી… તારી મેરી.’
આજની ઘડી અને કાલનો દિવસ. આ પત્ર વાંચ્યા પછી પંદર વર્ષે બન્ને પ્રેમીઓ આજે મળ્યા હતા! બન્ને જુદી જુદી વ્યક્તિને પરણી ગયાં હતાં. મેરીએ બીજા પુરુષને પરણીને તેને દુ:ખી કર્યો નહોતો. જ્હોની પણ બીજી સ્ત્રીને પરણીને સુખી હતો. મેરી પણ તેના પતિ સાથે સુખી હતી. જ્હોનીએ કહ્યું ‘તું વારંવાર આ ચા પીતાં પીતાં કહ્યાં કરતી તું બહુ સુખી છે. તો પછી આ તારી આંખ નીચે કાળાં કુંડાળાં કેમ છે?’
‘અને તને મારા સોગંદ છે પણ મને કહે કે- આપણું સગપણ કાગળ લખીને તેં કેમ તોડ્યું?’ અચાનક આમ બોલીને જ્હોનીએ મેરીનો હાથ પકડ્યો. મેરીએ થોડીક ક્ષણો ચુપ રહ્યાં બાદ કહ્યું ‘સુખ તો છે પણ આપણે બન્ને ડુંગરા ખૂંદીને કવિતાઓ કરતાં, ગાતાં, નાચતાં, કૂદતાં એ બધું હવે સુકાઈ ગયું છે.’ જ્હોની કહે ના પણ મને કહે કે તેં સગપણ શું કામ તોડ્યું? મેરી કહે સાચું કહું? અલગ વ્યક્તિને પરણ્યાં પછી આવનારી આવી કોઈ સુખદ ક્ષણનો દુર્લભ પ્રેમ એક પળ માટે અનુભવવા ખાતર જ! જ્હોનીની આંખો ભીની થઈ ગઈ!
‘માના કિ તેરી દીદ કા કાબીલ નહીં હૂં મૈં,

તૂ મેરા ઝૌંક દેખ મેરા ઈન્તઝાર દેખ.’

દીદ : આંખની કીકે, દૃષ્ટિ, હિંમત, ઈરાદાપૂર્વકના નિર્ણય.

ઝૌંક : ધક્કો, ઝટકો સંભાળી લેવું. નશો પોતાને સ્થાનેથી ખસી જવું.

ગોરખમઢી : ગુરુ ગોરખનાથની તપોભૂમિ

Standard

ગોરખમઢીઃ ગુરુ ગોરખનાથની તપોભૂમિ
આદિ શંકરાચાર્યજીની જેમ ભારતભ્રમણ કરીને ધર્મોપદેશ આપનારા અન્ય એક ગણનાપાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ. ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલાં પદો અને ભજનો આજેય લોકમુખે રમે છે. કામરુ દેશમાં જઈ ચડેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને આ પ્રતાપી શિષ્ય પાછા લાવ્યા હોવાની કથા તેમની સાથે જોડાયેલી છે અને ‘જાગ મછન્દર ગોરખ આયા’ એ બહુ જાણીતી ઉક્તિ તેમની સાથે જોડાયેલી છે. ગોરખનાથે આખા ભારતમાં અલગ-અલગ જગ્યાએ તપસ્યા કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો. આજે પણ તેમની યાદમાં જુદાં જુદાં સ્થળે ગોરખધૂણો, ગોરખગુફા વગેરે મોજૂદ છે, પણ તેમના નામથી આખા ગામનું નામ પડયું હોય એવું કદાચ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાને બાદ કરતાં આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં જ બન્યું છે. ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખમઢીના નામે જાણીતું છે. સોમનાથથી કોડિનાર તરફ જતાં બારેક કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે. સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમયે નિર્જન જગ્યા હતી. એક કથા પ્રમાણે ૧૦મી કે ૧૧મી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળને તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું. તપસ્યા માટે જગ્યાની શોધ કરી રહ્યાં હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું. તેમણે અહીં પોતાની મઢી સ્થાપી હતી. એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ-અલગ સ્થળોએ લગભગ ૩૧ જેટલી મઢીઓ બનાવી હતી, પણ આ એકમાત્ર મઢી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી. બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી. પછીથી ગોરખમઢી નાથ સંપ્રદાયનું મુખ્ય મથક જ બની ગયું હતું. અહીં નાથ સંપ્રદાયોના સંતો-મહંતોએ વર્ષો સુધી તપસ્યા કરી હતી.
કેવી છે ગુરુ ગોરખનાથની તપોભૂમિ?
ગોરખમઢી ગામની વચ્ચે ગુરુ ગોરખનાથે બનાવેલી જગ્યા છે. જેમાં આશરે એક હજાર વર્ષ પહેલાં બનેલું ભોયરું છે. જમીનથી ૨૦ પગથિયાં ઊતરીએ એટલે નીચે ૨.૭૦ મીટર લાંબી અને ૨.૬૦ મીટર પહોળી એક ગુફા આવેલી છે. ગુફામાં એક ઊંચું આસન છે જેના પર ગોરખનાથ બેસીને તપ કરતા હતા. અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન, અન્નપૂર્ણાદેવી અને નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે. ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે, જ્યાં યજ્ઞાદિ કાર્યો થતા હતા. ધૂણાની એકદમ પાછળ ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું નાનકડું મંદિર આવેલું છે, જેમાં મત્સ્યેન્દ્રનાથની મુર્તિ છે. ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોનાં સમાધિસ્થાન છે. આ ઉપરાંત મહંત, તેમનો પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક મોટી હવેલી છે. એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી જેવું સન્માન મળતું હતું. આ આખી જગ્યાને સરકારે પુરાતત્ત્વ વિભાગમાં આવરી લઈને તેને રક્ષિત સ્મારકો ઘોષિત કર્યાં છે.
મહંતોનું રજવાડું: ૧૨ ગામનો ગરાસ
ગોરખમઢી નાથ સંપ્રદાયના સાધુ-સંતોનું મુખ્ય મથક બન્યું હતું અને અહીં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહેતી હતી, જેને ધ્યાનમાં રાખીને ગોરખમઢીના મહંતને જૂનાગઢ નવાબના તાબા હેઠળ આવતા ગોરખમઢી સહિતનાં ૧૨ ગામડાંઓ આપવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાંઓની આવક ગોરખમઢીની આ જગ્યાને મળતી હતી.
મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ૨૦૦ વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં ‘કરણઘેલો’ સહિતની નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને બંગાળી ભાષાનાં પુસ્તકોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે. અહીં આવતા ભાવિકો માટે અન્ય એક આકર્ષણ ‘પાડાઘંટી’નું હોય છે. એક જમાનામાં જ્યારે અહીં ધર્મોત્સવ થતો ત્યારે પાડાઘંટી બધાનું અનાજ દળવાનું કામ કરતી હતી. ૧.૨૦ મીટર વ્યાસ ધરાવતું પડ અને ૧.૬૦ મીટર થાળાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે ધૂંસરી સાથે પાડાને જોડવામાં આવે છે. એ પાડો ૨.૨૫ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે. આ મોટી પાડાઘંટી આજેય હવેલીમાં જોઈ શકાય છે.
લગભગ એકાદ સૈકા પહેલાં થયેલા મહંત સુંદરનાથજી બાપુ આસપાસના વિસ્તારમાં સવિશેષ લોકપ્રિય હતા અને તેમણે આ જગ્યાનો વિકાસ કર્યો હતો. આ મહંતની યાદમાં ગોરખમઢીની સાવ નજીકમાં આવેલા એક ગામને સુંદરપરા નામ આપવામાં આવ્યું છે. આજેય ગુરુ ગોરખનાથની ગુફા, ધૂણો, હવેલી, મહંતોનાં સમાધિસ્થાનો અને મહંતોનાં ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યાં છે.

ગોરખનાથ ના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે.
સંકલન:શ્રી ભીષ્મનાથ મનસુખનાથ(ગોરખમઢી)