માતૃભાષા – માનો ખોળો

Standard

માતૃભાષા- માનો ખોળો?

ગુજરાતી સાહિત્યમાં માફિયા ગણાતા એક લેખક અંગે મને પૂછવામાં આવ્યું કે એ તારો મિત્ર છે? જવાબમાં મેં તેને સામે પ્રશ્ન કર્યો કે તું આવું કેમ પૂછે? જેના ઉત્તરમાં તેણે મને માહિતી આપી કે, એ તારો મિત્ર હશે તો તારે એક પણ શત્રુની ઓશિયાળી નહીં રહે, જોકે એ એટલું જ સાચું છે કે માણસને એક સમયે અજાતશત્રુ થવાનું પરવડશે, જ્યારે એની સામે લડનાર કોઇ શત્રુ નહીં બચ્યો હોય.

આપેલી પ્રસ્તાવના સાથે મારા એક નિકટતમ મિત્ર ડો. ગુણવંત શાહ યાદ આવી ગયા. તે ભલે મારા સારા મિત્ર છે છતાં મને યાદ નથી કે અમે બંને રસ્તા પર ખભે હાથ મૂકી સાથે ચાલ્યા હોઇએ. એવી જરૂર પણ ઊભી થઇ નથી. અમારી વચ્ચે વિચારભેદ પણ ઘણા છે. તે સિરીયસલી હસે છે અને હું હસતાં હસતાં ગંભીર થવા પ્રયત્ન કરતો હોઉં છું. તે મને નિર્વ્યાજપણે ચાહે છે.

દર અઠવાડિયે લગભગ ત્રણેક વખત એ ફોન પર ટહુકે છે. (તેમના ઘરનું નામ પણ ટહુકો છે) એમનો સ્વભાવ આમ તો ખરબચડી ખાદી જેવો છે, પરંતુ મારા માટે એ ખરબચડી ખાદી કાયમ મુલાયમ બની રહી છે. છેલ્લા લગભગ ત્રણેક દિવસથી તેઓ મારા ઘરના તમામ સભ્યોને મિત્રભાવે સલાહ આપે છે કે આપણે વિનોદ ભટ્ટ જોઇએ છે. તેથી વિનોદ ભટ્ટને પણ કહી દો કે ખોટી જીદ ના કરે, અને જરૂર પડે એટલીવાર ડાયાલિસીસ કરાવે. તેમનામાં પડેલી જિજીવિષા એટલી પ્રબળ છે કે તેમને કોઇ મારી શકવાનું નથી.

12મી માર્ચ 2018ના રોજ ડો. ગુણવંત શાહનો જન્મદિન ઊજવાઇ ગયો, જે સાચા અર્થમાં તો ગુજરાત સરકારે ઊજવ્યો ગણાય. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ભાષા તરફના અનન્ય પ્રેમને કારણે તેમણે માતૃભાષા અભિયાન શરૂ કરેલું. (બાય ધ વે ડો. ગુણવંત શાહ સાહિત્યના વિદ્યાર્થી નથી વિજ્ઞાનના વિદ્યાર્થી છે) બે-ત્રણ વખત અમે સ્ટેજ પર સાથે હતા. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા (શિક્ષણમંત્રી), નાનુભાઇ વાનાણી એ બધાની હાજરીમાં આ લખનારે એવી દર્દભરી અપીલ એ મહાનુભાવોને કરેલી હતી કે ‘આપણી દૂધભાષા, આપણી હાજરીમાં વેન્ટિલેટર પર હોય, એ આપણાથી કેમ સાંખી લેવાય?’ અને એ મોકળા મનવાળા મહાનુભાવોએ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો અને ગુણવંતભાઇની વર્ષગાંઠના દિવસે સવારે ગુજરાત સરકારે એવી જાહેરાત કરી કે ગુજરાતી પહેલા ધોરણથી શરૂ કરીને બારમા ધોરણ સુધી તેમજ કોલેજોમાં ફરજિયાત કરવામાં આવશે.

આજથી લગભગ 60 વર્ષ પહેલાં અમે કોમર્સના વિદ્યાર્થી હતા. કોલેજ જતા હતા પણ ભણતા નહોતા. એ વખતે અમારે ઇન્ટરના વર્ષમાં ઇશ્વર પેટલીકરની નવલકથા જન્મટીપ અભ્યાસક્રમમાં હતી. આજે આટલાં વર્ષો પછી પણ કોલેજમાં બેસીને ફરીથી એ જ ભણવાનું મન થાય છે. (બાય ધ વે ઇશ્વર પેટલીકર વાતવાતમાં બોલતા ‘એ રીતે’).

અમે વિરોધપક્ષના કોઇ નેતા નથી એટલે વાતવાતમાં સરકારની કોઇ વાતમાં વિરોધ કરવાનું અમને મન થતું નથી. તેથી સરકાર શ્રીના આ નિર્ણયને એક ગુજરાતી પ્રજાજન લેખે અમે આવકારીએ છીએ. જોડાજોડ સરકારને એ પણ અનુરોધ કરીએ છીએ કે માત્ર ચોથા કે દસમા ધોરણમાં ભણવા પૂરતી ભાષા ફરજિયાત ન રહે, ભાષાનું આયુષ્ય લાંબું ટકે એ માટે વિજયભાઇ રૂપાણી તેમજ ચુડાસમા સાહેબ બંનેના પગલાંને બિરદાવીએ છીએ.

માતૃભાષા માટે કહેવાય છે કે માતા જ બોલતી હોય છે બાપ ચૂપ રહેતો હોય છે. જમતી વખતે ઘરમાં જરૂર પડે એટલું જ મોં ખોલતો હોય છે. આ જ કારણે આપણે માતૃભાષાને ક્યારેય ‘ફાધરટંગ’ કહી નથી.

એક રમૂજ પ્રમાણે ગુજરાત ખાતે રવીન્દ્ર શતાબ્દીનું વર્ષ ઊજવાતું હતું તો કવિ નિરંજન ભગત એમાં ભાગ લેવા મંડપ સુધી પહોંચ્યા અને ત્યાં જઇને જોયું તો રવીન્દ્રની જોડણીમાં હ્્સ્વ ઇ હતી તેથી પાછા ફરી ગયા હતા- મડિયાએ ભલે આ મજાકમાં કર્યું હોય પણ ભગતસાહેબના કિસ્સામાં કશું ધારી લેવાય નહીં.

કહેવાય છે કે અમદાવાદના ‘વીજળી ઘર’ પર શરૂઆતમાં બબ્લનું જ બોર્ડ મૂકવામાં આવેલું તેમાં ‘વીજળીઘર’ની જોડણી ‘વિજળી ઘર’ લખાઇ હતી. આથી જોકે વીજળી ઘરવાળાની દૃષ્ટિએ વોલ્ટેજમાં કશો ફરક નહોતો પડતો, પણ આ ખોટી જોડણી વાંચતાં નગીનદાસ પારેખની આંખમાં કાંકરી ખૂચ્યા જેવી પીડા થતી એટલે આ જોડણી સુધારી લેવા વીજળી ઘરના સંચાલકોને તેમણે પત્ર લખ્યો. એકાદ-બે પત્રની કોઇ અસર ના થઇ એટલે નગીનભાઇએ રોજનો એક પત્ર લખવા માંડ્યો. પત્રોના મારાથી હારીને આ પત્રો બંધ થાય એ વાસ્તે જ ‘વીજળી ઘર’ની જોડણી સુધારી દેવામાં આવેલી. અત્યારે આપણે-એમાંય ખાસ તો છાપાંવાળાઓ-જોડણીની શુદ્ધતાથી બહુ હરખાતા નથી (અમદાવાદના એક અખબારમાલિકને તો બ્રહ્મદેશની સાચી જોડણી લખતાંય પારાવાર મુશ્કેલી પડી છે.)

એક વખત શેખાદમ આબુવાલાએ ‘જનસત્તા’ના (એ વખતના) તંત્રી વાસુદેવ મહેતાને ખુશખબર આપતાં જણાવ્યું કે: ‘બાકીનાં બે છાપાં કરતાં (આપણા) ‘જનસત્તા’માં મુદ્રણ દોષો બહુ ઓછા આવે છે. ત્યારે વાસુદેવ મહેતાએ પોતાની લાક્ષણિક ઢબે પ્રતિભાવ આપ્યો: ‘એક વાત સમજી લે આદમ, આપણું સર્ક્યુલેશનેય ઓછું ને ભૂલોય ઓછી…’

શુદ્ધ જોડણીના હઠાગ્રહીઓ અંગે ઘણી રમૂજો ચાલે છે. એક રમૂજ પ્રમાણે કોઇ એક સાક્ષરની સુપુત્રી ઘરમાંથી ભાગી ગઇ. જતી વખતે એક પત્ર મૂકતી ગયેલી. એ પત્ર વાંચીને સાક્ષર પત્નીએ પતિના હાથમાં પત્ર મૂકતાં ઠપકાભર્યા સ્વરે કહ્યું હતું: ‘તમે આ છોકરીને બહુ ફટવી મારી હતી તે જુઓ, આખરે નામ બોળ્યું ને!’ સુપુત્રીનો પત્ર વાંચી નિસાસો નાખતાં સાક્ષરે કપાળ કૂટ્યું: ‘તમારું કહેલું યથાર્થ છે અર્ધાંગના, દીકરીએ સાચે જ મારું નામ બોળ્યું…
 
છે જરાયે જોડણીનું ભાન?…’ નાસી જઉં છું ને બદલે ‘નાશી જઉં છું’ લખ્યું છે…’ પછી બે સેકન્ડ સુધી પત્ર હાથમાં રાખી સાક્ષર વિચારમાં પડી ગયા ને એકદમ આનંદથી ઊછળી પડતાં બોલ્યા: ‘ભાર્યા, પત્ર તમે બરાબર વાંચો. આ પત્ર આપણી વહાલસોયી સુપુત્રીનો નથી જણાતો…’

‘શા પરથી તમે એમ કહો છો?’ પત્નીએ પ્રશ્ન કર્યો. ‘તેણે નીચે સહીમાં ‘પ્રતિમા’ને સ્થાને ‘પ્રતીમા’ લખ્યું છે. હવે તમે જ કહો આપણી દીકરી પોતાના નામની ખોટી જોડણી ક્યારેય લખતી હશે?’

આ બધું હળવાશથી જોઇએ છીએ. પરંતુ મુખ્ય વાત એ છે કે માતૃભાષા એ માનો ખોળો છે… રડવું, હસવું તેમજ સ્વપ્ન માણસને માતૃભાષામાં-દૂધભાષામાં જ આવે છે. (કોલકત્તા કોર્ટના ચુકાદા પ્રમાણે વ્યક્તિનું મરણોન્મુખ નિવેદન માતૃભાષામાં જ માન્ય ગણાશે.) એક રીતે જોવા જઇએ તો જગતભરની બધી જ ભાષાઓ પોતપોતાને સ્થાને ઉત્તમ છે, પણ બાળક જે ભાષામાં હાલરડું સાંભળતાં સાંભળતાં ઊંઘી જતું હોય એ જ ભાષામાં તેને ભણાવવું જોઇએ. ગુજરાતી મા-બાપે પોતાના બાળકને સૌપ્રથમ કક્કો બોલતાં-લખતાં શીખવવું જોઇએ.
 
ત્યારબાદ એ.બી.સી.ડી… પણ બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની મા-બાપની ઘેલછા ભારતમાં છે. એટલી તો ઇંગ્લેન્ડમાં ય નહીં હોય. વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી વેઠી હોવાને લીધે મનથી હજી પણ આપણે ગુલામ છીએ તે એટલે સુધી કે આપણી આગળ કોઇ અંગ્રેજીમાં ખોટેખોટી ફેંકાફેંકી કરે તો પણ તેનાથી આપણે ઝટ અંજાઇ જઇએ છીએ. અંગ્રેજી ભાષાના અજ્ઞાનને લઇને આપણી જાતને આપણે અધૂરા માનીએ છીએ. આપણી આ માનસિકતાની જાણ હોવાથી અંગ્રેજી ભાષાના શસ્ત્ર વડે કેટલાક ગઠિયા સેલ્સમેનના વેશમાં આવી અસ્ખલિત ઇંગ્લિશ બોલીને છેતરપિંડી કરી જતા હોય છે. બપોરના સમયે પુરુષવર્ગ લગભગ ઘેર ન હોય ત્યારે બહેનો પાસે આવા મોરલા ટપકી પડતા હોય છે. ને અંગ્રેજીમાં ગોટપીટ કરી જે કંઇ મળી જાય તે લઇ અંતર્ધાન થઇ જાય છે.

આપણે અંગ્રેજી ભાષાને સુરમાની જેમ અાંખમાં આંજીને બેઠા છીએ, કિન્તુ જગતના 180 દેશો પૈકી માત્ર 12 દેશો જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. બાકી દેશો પોતાની જ ભાષાનો ઉપયોગ કરે છે. અને આપણા દેશની વાત કરીએ તો ફક્ત 3 ટકા બાળકો જ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે જ્યારે 97 ટકા બાળકો માતૃભાષા કે પછી પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરે છે. દુનિયાનો કોઇપણ દેશ પારકી ભાષામાં પ્રાથમિક શિક્ષણ નથી આપતો.

યાદ આવ્યું:

વર્ષ 1956ના જૂન માસ સુધી આ વિનોદ ભટ્ટને ખબર નહોતી કે વિનોદ ભટ્ટ કયા પદાર્થનું નામ છે. અમારા દિવ્યા ફોઇ (શ્રીમતી દિવ્યાબહેન પ્રબોધભાઇ રાવળ) તેઓ એકવાર મારા ઘેર આવ્યાં: દિવ્યાબહેન: ‘શું કરે છે? આજકાલ.’

 મેં કહ્યું: ‘લખું છંુ.’

દિવ્યાબહેન: ‘તારી ફાઇલ બતાવને!’

મેં ફાઇલ ધરી દીધી.

જે લઇને તે ઘેર ગયાં ત્યારબાદ થોડાક જ સમયમાં પ્રબોધભાઇ રાવળનું મેગેઝિન યુવક બહાર પડ્યું. જેમાં મારો પહેલો લેખ છપાયો. જો આ શક્ય ન બન્યું હોત તો વિનોદ ભટ્ટ આજે ક્યાં હોત તેની કોઇને જાણ પણ ન હોત.

‘બસ દિવ્યા ફોઇ, તમને વંદન કરું છું!’

લે. અજ્ઞાત.

પોસ્ટ. વોટ્સએપ ગ્રૂપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s