Monthly Archives: April 2018

‛કલમના ધણીએ બંદૂક તાણી’

Standard

કલમના ધણીએ બંદૂક તાણી
 ‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી હતી… જાસાચિઠ્ઠી બંધાણી છે એવી વાતે ગામ આખાનાં અન્નપાણી ઊડી ગયાં હતાં… શું કરવું એની ગડમથલ શરૂ થઇ. કાંઇ ન સૂઝ્યું એટલે આંધળી ભેંસ ‘મોઢવે’ જાય એમ સૌની નજર રાણપુર માથે ગઇ: ‘બે-ત્રણ જણા રાણપુર જાય અને છાપાવાળાને ખબર આપે.’

‘લ્યા, છાપાવાળા કાંઇ તોપું રાખે છે?’ ટીખળી બોલી ગયો.

‘ભલે, પણ એની પાસે ઘણા રસ્તા હોય.’

‘રસ્તો કાંઇ કલમથી નીકળશે? ઇ તો વળતા દી’એ સમાચાર છાપશે કે ગઇ રાતે નાગનેસ ભંગાણું…’ વાત કરનાર મમૉળુ હસ્યો:

‘છાપામાં બેઠા છે ઇ તો, બામણ અને વાણિયા છે… કાગના વાઘ!’

‘પણ ખબર દેવામાં આપણું શું જાય છે? આપણાથી તો કાંઇ થવાનું નથી, પછી?’ અને રોંઢડિયા વેળાએ નાગનેસથી બે જણ ચિઠ્ઠી લઇને રાણપુર આવ્યા.

‘સૌરાષ્ટ્ર’ની ઓફિસના દરવાજે ઊભા રહ્યા.

‘બોલો, કોનું કામ છે?’ ચોકીદારે ટપાર્યા.

‘છાપાવાળનું.’

‘એટલે કે તંત્રીનું?’

‘હા, ઇમને જ મળવું છે.’

‘ક્યાંથી આવો છો?’

‘નાગનેસથી.’

‘રજા લઇ આવું.’ કહીને ચોકીદાર કાર્યાલયમાં ગયો.અમૃતલાલ શેઠ બહાર હતા પણ ઝવેરચંદ મેઘાણી હાજર હતા… ચોકીદારે વાત કરી. મેઘાણીભાઇએ રજા આપી. ખચકાતા બે જણ મેઘાણીની ખુરશી પાસે આવીને ઊભા રહ્યા.

‘તમે નાગનેસથી આવો છો?’ ભરાવદાર મૂછોનો, મોટી ઉપરી આંખોનો, લાંબાં ઓડિયાંનો ચહેરો ઊંચો થયો. પેલા આગંતુકોએ બોલવાને બદલે બહારવટિયાનો જાસો, તેમના હાથમાં મૂક્યો.

મેઘાણીએ જાસો વાંચ્યો… ‘સૌરાષ્ટ્રની રસધાર’ના લેખકની આંખમાં શહીદી, સમર્પણ અને મર્દાનગીની કંઇ કેટલીય સિંદૂરવણીઁ ખાંભીઓ ચિતરાઇ ગઇ!‘હં…! ચિઠ્ઠી ક્યાંથી મળી?’

‘ગામના રખેહરે, ઝાંપેથી છોડી.’

‘પછી?’

‘કાંઇ સૂઝતું નથી.’

‘પણ વઢવાણ પોલીસને જાણ કરી?’

‘છેટું પડે અને જોખમનો પાર નૈ.’

‘શાનું જોખમ?’‘વઢવાણ જનારાનાં નામ બહારવટિયા જાણે તો એના આખા કુટુંબના કટકા કરે.’

મેઘાણી હસી પડ્યા. ‘એટલી બધી વાત?’

‘નૈ ત્યારે? ઇ તો ખોળામાં ખાંપણ લઇને મરવા નીકળ્યા છે પણ અમારાં છોકરાં રઝળી જાય ને, બાપુ?’

‘ગામમાં કોઇ હથિયાર પકડે એવું?’

‘છે, પણ-’ પેલા ખોટકાઇને ઊભા રહ્યા.

‘પણ હથિયાર તો છે ને?’

‘ઇ તો હોય જ ને?’

‘તમે આમ ફાટી પડશો તો શું થાશે?’ સૌરાષ્ટ્રની રસધારની શૌર્યકથાઓ લખનાર કલમનો ધણી, સામે ઊભેલા આદમીઓની મૂછો ઉપર થડંથડાનાં મહેણાં બાંધી રહ્યો હતો એના ગળામાંથી કાઠિયાણી ભાષાનો કઠોર મર્મ હોઠ પર ફરફરી ઊઠ્યો કે ‘ઓઇ મૂછડાં!’‘તમે કાંક રસ્તો કાઢો, સા’બ!’ પેલા ઓચર્યા.‘આમાં રૂડો રસ્તો તો કાંઇ ન નીકળે ભાઇ! મારે પોતાને બહારવટિયા સામે ઊભવું પડે.’ કહીને મેઘાણીએ લોંઠકા હોંકારાની રાહ જોઇ પણ કાંઇ ન મળ્યું!

‘હાલો’ કહીને એ કડેડાટ ઊભા થયા… ભીંતે લટકતી બંદૂક લીધી. માથા ઉપર સાફો મૂક્યો: ‘હું જ નાગનેસ આવું છું હાલો.’ અને કાગળની દુનિયામાંથી ઠેકડો મારીને મેઘાણીને કાજળઘેરી રાતનો મુકાબલો અંકે કર્યો. રાણપુરથી છાપાવાળા આવ્યા છે એવી વાત સંભળાણી ત્યારે ગામમાં થોડોક સળવળાટ થયો. માંદું માણસ પડખું ફરે એમ ગણ્યાગાંઠ્યા માણસોની હલચલ દેખાણી… થોડાક માણસો ગામને ચોરે આવ્યા. થોડાકને પાનો ચડ્યો, તે હથિયાર લઇને આવ્યા. છેવટે સૂરજ જતો રહ્યો. મેઘાણી એમની બંદૂક સજ્જ કરીને બેઠા હતા.

સોપો પડવાનો વખત થયો અને ફૂટેલા ઘડામાંથી પાણી વહ્યું જાય એમ ચોરે આવેલા ગ્રામજનો એક પછી એક, નોખનોખાં બહાનાં બતાવીને જતા રહ્યા!

મેઘાણીએ એકાકીપણાના અહેસાસને ઉપલા હોઠ તળે દબાવીને થોડી રમૂજ માણી લીધી! હવે તો મુકાબલો જ એક ઉપાય હતો… અધરાતનો ગજર ભાંગ્યો. ગામને ગોંદરે કૂતરાં ડાડવ્યાં. જોતજોતામાં આઠ દસ ઘોડા ડાબલા વગાડતાં ગામના ઝાંપેથી દાખલ થયા.

‘ખબરદાર!’ ગામના ચોરેથી ઘેઘૂર ગળાનો, નિર્ભયતા અને કઠોરતાથી ધધકતો પડકારો ઊઠ્યો.

બહારવટિયા પ્રથમ તો વહેમાયા, પછી અચંબાણા ને પડકારથી થોડા હેબતાણા પણ ખરા કે ગોત્યોય ન જડે એવો આ પડકારો, ગામમાં આવ્યો ક્યાંથી?

‘જો આગળ વધ્યા તો ભરેલી જ છે… સગી નહીં થાય.’ મેઘાણીએ બંદૂક ઊંચી કરી.

ચોરાના એકાંતમાંથી ઊઠેલા આવા નિર્ભય પડકારાના ને પથ્યમાંથી કાઠિયાણી સાફો, મૂછો અને ઘેઘૂર આદમીયત દેખાણી! બહારવટિયાને વહેમ આવ્યો: ‘આ પડકારો એકલા આદમીનો નથી. એકલાનું ગજું પણ નથી… કાં તો આપણા જેવા મરજીવા ક્યાંકથી આ ગામને ટિંબે આવ્યા હશે. ગામે રોટલા ખવડાવ્યા હશે પછી વાત સાંભળી ને એ જવાંમદોઁ લૂણ હલાલ કરવા જ ચોરે બેઠા છે.’ અને વળતી પળે બહારવટિયા પોબારા ગણી ગયા.

લૂંટારા દૂર નીકળી ગયાની ખાતરી થતાં મેઘાણીએ ચડાવેલો બંદૂકનો ‘ઘોડો’ નીચે ઉતાર્યો અને બંદૂક ખભે મૂકી. ગામના બીકણ આદમીઓની શાબાશી ઝીલવા કરતાં સીમનાં શિયાળવાં સાંભળવા સારાં એમ માનીને મેઘાણીએ રાણપુર તરફ પગ ઉપાડ્યા…મોડી રાતે રાણપુર છાપાના કાર્યાલયમાં આવ્યા…અમૃતલાલ શેઠ આવી ગયા હતા. એમણે વાત પણ મેળવી હતી. મેઘાણીને હસતા આવેલા જોઇને ખાતરી થઇ ગઇ કે ફતેહ મેળવી છે.

‘તમે બહારવટિયાનો મુકાબલો કરવા ગયા’તા કે?’

‘હા જી શું કરું?’ મેઘાણી હસ્યા.

‘ભાઇ! આવા જીવસટોસટ સાહસમાં પડશો તો આપણા છાપાનું શું થાશે? માનો કે તમે-’‘મુકાબલામાં ખપી ગયો… હોત તો ખરુંને?’

મેઘાણીએ હસતાં હસતાં ઉમેર્યું: ‘શેઠ! હું વાર્તાઓ મરદની લખું છું અને મારામાં એનો છાંટોયે ન હોય તો ઇ વાર્તાઓ વાંચે કોણ? કદાચ ખપી જવાયું હોત તો સૌરાષ્ટ્રની રસધાર’માં અવર કોઇ કલમે, એક કથાનો ઉમેરો થાત…’ અને મેઘાણી હસી પડ્યા.
‘સૌરાષ્ટ્રની રસધાર’ પણ હસી હશેને?

લેખક:- નાનાભાઈ જેબલિયા

​ઉપાસના પવઁ જુના સુરજદેવળ

Standard

ઉપાસના પવઁ જુના સુરજદેવળ

===================

તા-16-04-2018 થી 19-04-2018

——————‘

( સંકલન ભનુભાઈ ખવડ સેજકપર )

===================

   સુરેન્દ્રનગર જીલ્લાના પૌરાણિક નગરી એટલે થાનગઢ થી પુવઁ દિશામાં 1 કિ.મી.ના અંતરે પ્રાચીન સમયનુ સુયઁનારાયણનુ મંદિર આવેલુ છે. જેને જુના સુરજદેવળ તરિકે ઓળખવામાં આવે છે.તે સ્થાન ને કાઠીદરબારોનુ મુખ્ય ઉપાસના સ્થાન માને છે. આજે પણ ચૈત્ર અમાસથી વૈશાખ સુદી ચોથ સુધી  કાઠીદરબારો ઉપવાસ કરે છે. તયાના હાલના મહંતશ્રી પુ.દિલીપબાપુ ભગત અને ભગત પરિવાર તેમજ સેવાસમિતી દ્વારા ઉપાસકો માટે સારી એવી સેવા કરી રહયા છે તે વંદનિય છે. 

         આ પ્રાચીન સથાન નગરી નુ કેન્દ્ર બિંદુ છે. પ્રાચીન સમયથી માંધાતા ના સમયથી સુયઁનારાયણ ની સ્થાપના માનવામાં આવે છે . તેમજ એવુ પણ કહેવામાં આવેછે કે 13 મી સદીમાં વાળા વળોચજીએ બંધાવેલ અથવા જિણોઁધાર કરેલ છે . પરંતુ મુલતાની શૈલીનુ એક ઉત્કૃષ્ટ નમૂનો છે તે નિરવિવાદ છે. 

     કાઠીદરબારો એ યુધ્ધ કાળમાં અલગ અલગ સમયે અલગ અલગ સમુહમાં સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેમા એક સમુહ 13મી સદીમાં કચ્છમાંથી થાનગઢ પાસે આવ્યો , તેના સરદાર વાળો વળોચજી હતા. 

    તે સમયે કાઠીદરબારો ઉપર જામ અબડાજી નુ આકૃમણ ચાલુ હતુ, (જામ અબડાજી નામ એક કરતા વધુ પણ મળે છે) તે સંકટ સમયમાં વાળા વળોચજીએ અલગ અલગ રાજપુત સમાજમાંથી સહકાર લઇ એક તાકાતવાન સમુહ ઉભો કયોઁ . તે સંકટ સમયમાં વાળા વળોચજીને સુયઁનારાયણ સવપનમાં આવયા અને કહયુ કે વળોચજી મુંજાઇશ નહિ હુ તારી રક્ષા કરીશ , એમ પણ કહેવાયછે કે સુયઁનારાયણે એવો સંકેત આપેલો કે હુ તને સોનાની સાંગ આપુછુ , તે સાંગ મળેલી (ઉલ્લેખનીય છે કે કાઠીદરબારોનુ મુખ્ય હથિયાર સાંગ છે ) 

        જામ અબડાજી સાથે વાળા વળોચજીની આગેવાની નિચે ભયંકર યુદ્ધ થયુ અને સુયઁનારાયણ ની સહાયથી જીત પણ થઈ. તે યુધ્ધ માં ઝાલોરના કેશદેવજી ચૌહાણ પણ વાળા વળોચજી ના પક્ષમાં લડયા હતા. તેમને વાળા વળોચજીએ પોતાના પુત્રી સોનબાઇબા ને કેશદેવજી સાથે પરણાવયા અને જુના સુરજદેવળની પુજા આપી. તે કેશદેવજી પાછળથી વાલેરા જળુ તરિકે ઓળખાયા , તેમના જ વંશમાં ધાનાબાપુ થયા તેમના પુત્ર ગેબીપરંપરામાં જાદરાબાપુ ભગત થયા , ઉલ્લેખનીય છે કે તે જાદરાબાપુ પરિવાર ના જ પુ .મહંતશ્રી દિલીપબાપુ બિરાજે છે.તે જાદરાબાપુ પરિવાર માં પુજય કિશોરબાપુ સોનગઢ લાખાબાપુની જગ્યાના મહંત છે . તેમજ ધજાળા પુ.ભરતબાપુ (લોમેવધામ ધજાળા) અને પુ.રામકુબાપુ (ભાણેવધામ ધજાળા ) જાદરાબાપુ ની ભક્તિપરંપરાને વધારી રહયા છે તેમના ચલણોમાં વંદન.સોનગઢના પુ.જીવાબાપુ ભગત પણ જુનાસુરજદેવળે ખુબજ ઉપાસના કરતા હતા. 

       વાળા વળોચજીને સુયઁનારાયણ સવપનમાં આવેલ તે બાબતનુ એક બારોટી કવિત મળે છે તે ડો.પધૃમનભાઇ ખાચરે કાઠીઓ અને કાઠીયાવાડ નામના તેમના પુસ્તકમાં લખેલ છે.

           કવિત

           ====

સંવત બાર છતિસ માસ વૈશાખ મળતે,

શુકલ પક્ષ રવિ ચોથ , રાત અડધ રહતે.

સવપને આવેલ સુરજ, વેળા જુઓ વિચારી.

શકિત તણો પૃતાપ , ઉઠમત લયો અમારી.

બદલાય દવેશ કાઠી બની, ખંડયત વાતો માનો ખરી.

પટગર નાર પરણતા  , વાળા વંશ વધારો વરી.

===============

   મંદિર ની રચના

  ——————-‘

એક સમયે રુષિમુનિઓની તપસ્યા ભૂમિનુ મુળસથાન ને પાછળથી મુલતાન તરિકે ઓળખવા લાગ્યા. તે મુલતાન એક સમયે સુયઁનારાયણની ઉપાસનાનુ મહત્વનુ કેન્દ્ર હતુ , તે આ મંદિરની રચના મુલતાન શૈલીનુ અનુસંધાન કરાવે છે.આ મંદિર પુવાઁભિમૂખ છે અને ફરતા ગોખમાં સુયઁની ઉભેલી આકૃતિઓ છે. બારશાખમાં સૂયઁમુતિઁ ઉતકટિકાસનમાં બિરાજે છે. એક માન્યતા એવી પણ હતી કે મંદિરની રક્ષા માટે ગૃહની આકૃતિઓ રાખવામાં આવતી , તો અહિ બારશાખમાં ઓતરંગમાં નવગૃહની આકૃતિઓ બેઠેલી બતાવે છે. શિલ્પની પરિભાષામાં મંડપ ભદૃ અને પૃતિરથની રચનાને કારણે ત્રીરથ પૃકારના છે.ગભઁગૃહ અને મંડપનુ તલમાન 2:1 ના પૃમાણનુ છે. 

      મુતિઁવિધાન પૃમાણૈ

     =============

(1) સાત ઘોડાના રથ ઉપર કમલાસનમાં બિરાજતા સુયઁનારાયણ ના બનને હાથમાં કમલ પણ હોય છે.

(2) સાત ઘોડાના રથ ઉપર બિરાજતા સૂર્ય ને ચાર હાથ હોય છે, જેમાં બે હાથમાં કમળ અને બે હાથમાં લગામ હોય છે, બન્ને બાજુ ઉષા અને પૃતયુષા અનુચરિ હોય છે, તેની સાથે બે અથવા ચાર પત્નીઓ હોય છે , કોઈ જગ્યાએ દંડ અને પિંગલ પુરુષ પણ હોય છે.રાણીઓમાં રાજ્ઞિ (રાંદલ) રિક્ષુભા (ધૌ) , છાયા, પૃભા વિગેરે પણ હોય છે.

     પૃતિકોની વિશેષતા

     ============

* કમળ ઉગતા સૂર્ય નુ પૃતિક છે.

* સાત ઘોડા સાત વારના પૃતિક છે ( જેને સાત રશમિઓ પણ કહે છે )

* રથના બે પૈડા બે પખવાડિયાના પૃતિક છે.

* ઉષા અને પૃતયુષા અંધકારના ભેદકના પૃતિક છે.

*સિહ ધ્વજ ધમઁ ભાવનાનુ પૃતિક છે 

        આમ જોતા સુયઁ ઉપાસના પ્રાચીન સમયથી ચડતી પડતીની થપાટો ખાઈને પણ આજે સુયઁ ઉપાસના ચાલુ છે તે ગવઁની બાબત છે.

      આ જુના સુરજદેવળે આજે પણ કાઠીદરબારો ઉપવાસ પવઁ ઉજવી રહયા છે .

====================

        સંદર્ભે 

       ====

(1) આપણી લોક સંસકૃતિ- જયમલભાઇ પરમાર

(2) રાજપુત વંશ સાગર- અજિતસિહ ગોહિલ

(3) કાઠીઓ અને કાઠીયાવાડ – ડો.પધૃમનભાઇ ખાચર

(4) ગુજરાતનો રાજકિય અને સાંસ્કૃતિક ઇતિહાસ – સોલંકીકાલ

====================

(ભનુભાઈ ખવડ સેજકપર ના જય સુયઁનારાયણ )