શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા

Standard

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ

ઈતિહાસ મા નજર ફેરવીએ તો રાજપીપળા ની ગાદી પર 1650 ની આસપાસ ગોહિલ વંશ ના પચ્ચીસમા ગાદીવારસ તરીકે શ્રી છત્રસાલજી મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને તેમની રાણી નુ નામ નંદકુવરબા હતુ. તેઓ બંને ધાર્મીક અને માં હરસિદ્ધિ ના પરમ ઉપાસક હતા. માંની અસીમ કૃપા થી ઇ. સ. 1630 તેમને ત્યાં પુત્ર નો જન્મ થયો. સમય જતા માતા પિતા ની માફક પુત્ર પણ દયાળુ, ધાર્મીક અને દેવીભકત થયા. તેમનુ નામ રાખ્યુ વેરીસાલજી માતા પિતા નો ધાર્મીક વારસો તેમને મળ્યો તેઓ પણ માતા પિતા સાથે જગત જનની મા હરસિદ્ધિ ની ઉપાસના કરવા ઉજૈન જતા.

૧૨ વરસ ની ઉંમર દરમ્યાન તેઓ અનેક વખત ઉજ્જૈન માંના દર્શનાર્થે જય આવ્યા. તેઓ પોતાની માતા ને અનેક પ્રશ્નો પુછતા. માં હરસિદધી કયાંથી આવ્યા. આ મદિર કોણે બંઘાવિયુ વિગેરે. અને માતાજી એમને સમજાવે કે દિકરા આ મદિર માતાજી ના પરમ ઉપાસક મહારાજા વીર વિક્રમાદિત્યે બનાવેલ અને તેઓ મા હરસિદ્ધિને કોયલા ડુગર પરથી ઉજ્જૈની નગરી મા લઇ આવેલ.

આ વાત સાંભળી વેરિશાલજી ને વિચાર આવ્યો કે જો રાજા વિક્રમાદિત્ય માતાજી ને ઉજૈન લાવી શકતા હોય તો હું કેમ માતાજી ને મારી નગરી માં ન લાવી શકી? બાળ વેરિશાલજી એ દર્શન કરતા કરતા પુછી લઘુ કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દશૅન માટે વારંવાર અહી સુધી આવવુ ન પડે. આ કાલીધેલી વાત સાંભળી મહારાજા છત્રસાલજી અને માતા નંદકુવરબા હસી પડેલ. પરંતુ કુવરે ગંભીરતાથી જણાવેલ કે ખરેખર હું માતાજીની ભક્તિ કરીશ અને માતાજી ને મારી સાથે રાજપીપળા લઇ જઇશ. અને પુજારીજી પાસેથી પૂજા વિધી અને મંત્ર “ઓમ હરસિદ્ધિ યે નમ:” જાણી ને સમજી લીધો.

થોડા દિવસ ઉજૈન રોકાઈ રાજા રાણી સાથે કુંવર રાજપીપળા આવી ને માં હરસિદ્ધિ ની ઉપાસના મા લાગી ગયા. સમય જતા એ માતાજી ના પરમ ભકત બની ગયા. ઇ.સ. ૧૬૫૨ માં વેરીશાલજીના પિતા રાજા છત્રશાલજીનો સ્વર્ગવાસ થયો. આ સમયે વેરીશાલજીની ઉંમર માત્ર ૨૨ વર્ષની હતી. ૨૨ વર્ષની ઉંમરે તેમનો રાજયાભિષેક થયો. અને તેઓ રાજપીપલાની ગાદી ઉપર બેઠા. તેમની ધાર્મિકતા અને મા હરસિધ્ધિની કૃપા દ્વારા કુનેહપૂર્વક રાજય કારભાર ચલાવતા. પોતાની નીતિ અને સદભાવનાથી પોતાના રાજ્યના સમ્રગ પ્રજાજનોનું દિલ તેમણે જીતી લીધું હતું.

ગાદી પર બેઠા બાદ તેઓ સમય અનુસાર પોતાની કુળદેવી માતા હરસિધ્ધિના દર્શનાર્થે ઉજજૈન જતા માં હરસિધ્ધિ પ્રત્યેની અતૂટ શ્રધ્ધા અને ભાવના ભક્તિથી પ્રસન્ન થયેલ માં હરસિધ્ધિ એ ઇ.સ.૧૬૫૭માં સ્વપ્ન દ્વારા જણાવ્યું કે, હે બાળક, તારા વિંધ્યાચળ પ્રદેશમાં આવીને કાયમ માટે વસવાટ કરીશું. મારી સાથે વીરવૈતાળ, મહાકાલેશ્વર મહાદેવ તથા બાલપીર આવશે. પરંતુ મારી એક શર્ત છે. અને તે એ કે અમે તારી પાછળ પાછળ આવીશું. પરંતુ તારે પાછા વળીને જોવાનું નહિ. જોતું અમારી આ શર્તનો જે સ્થળે ભંગ કરીશ ત્યાંથી અમે એક પણ ડગલું આગળ વધીશું નહી. અને એટલું જ નહિ પણ તારે જે તે સ્થળે અમારા સ્થાનકો બનાવવા પડશે.

જો મારી શર્ત મંજુર હોય તો મને રાજપીપલા લઈ જવાની તારી ઇચ્છા હું પુરી કરીશ. અને હવે તું જ્યારે ઉજ્જૈન આવીશ ત્યારે તારી સાથે અમે આવીશું. એટલું કહી માં હરસિધ્ધિ સ્વપ્નમાં અંતરધ્યાન થઈ ગયા. અને શ્રી વેરીશાલજીની આંખો ખૂલી ગઈ. તેઓમાં હરસિધ્ધિનું સ્મરણ કરતાં ઉઠી ગયા. અને સ્નાનાદિ વિધિથી પરવારીમાં ની પૂજનવિધિમાં લાગ્યા. પૂજનવિધિ બાદ તેઓએ ઉજ્જૈન જવા માટે તૈયારી કરી તે તરફ પ્રયાણ કર્યું. ત્રણ દિવસમાં તો ઉજ્જૈન પહોંચી ગયા.

ઉજ્જૈન નગરીમાં જઈ સ્નાન વિધિથી પરવારી માતાજીના મંદિરમાં પૂજનવિધિ કરવા ગયા. શ્રી માતાજીએ વેરીશાલજીની કસોટી કરી જોઈ. પૂજાની સામગ્રી લઈને મંદિરમાં તેઓ ગયા હતા. તેમાં માં હરસિધ્ધિની જ માયા વડે કંકુ લેવાનું ભૂલાઈ ગયું.

વેરીશાલજીનો નિયમ હતો કે પૂજામાં બેઠા પછી બોલવાનું નહિ તેમજ ઉઠવાનું પણ નહિ. પૂજા કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે પોતે કંકુ લાવવાનું ભૂલી ગયા છે. કંકુ મેળવવા મંદિરમાં આજુબાજુ નજર દોડાવી પરંતુ માતાજીની માયાથી કંકુ વગર રાજા મૂંઝવણમાં મૂકાઈ ગયા. તેમને થયું કે હવે કરવું શું ?

દેવી ભક્ત રાજા વેરીશાલજીએ તુરત જ કટારી કાઢી પોતાની ટચલી આંગળી કાપીને માતાજીને પોતાના રૂધિરનો ચાંલ્લો કર્યો. અને પૂજન વિધિ પૂર્ણ કરી અને નમ્રભાવે પ્રાર્થના કરી કે , હે દયાળું માતાજી મારા રૂધિરને કંકુને સ્થાને સ્વીકારશોજી અને મારી ભૂલચૂક હોય તે માફ કરશો. માતા હરસિધ્ધિ વેરીશાલજીની પવિત્ર ભક્તિથી પ્રસન્ન થઈ બોલ્યા : માંગ તારે જે જોઈએ તે માંગ.

રાજા વેરીશાલજીએ કહ્યું, હે માતાજી હું બધી જ રીતે આપની કૃપાથી સંતુષ્ટ છું. પણ આપ મને જે સ્વપ્નમાં કહ્યું હતું કે પ્રમાણે આપ મારે ત્યાં પધારો. માતાજીએ કહ્યું, મારી શર્ત તને યાદ છે ને ? એ પ્રમાણે અમે આવીશું ! વેરીશાલજીએ કહ્યુ, માતાજી મને મંજુર છે. માતાજીએ કહ્યું આવતી કાલે હું તારી સાથે જરૂરથી આવીશ.

બીજે દિવસે સવારમાં વેરીશાલજી રાજા આનંદિત વદને માતાજીના મંદિરે ગયા અને ભાવ ભક્તિપૂર્વક પૂજા કરી અને પ્રાર્થના કરી. માતાજીની આજ્ઞાની રાહ જોતા ઉભા રહ્યા.

એટલામાં જ આકાશવાણી થઈ કે હે રાજન ! તું તારા ઘોડા ઉપર આરૂઢ થઈને મનમાં રાજપીપલાનું ધ્યાન ધર જેથી ઘણા જ ટૂંક સમયમાં એ સ્થળે પહોંચી જઈશ અને હું તારી સાથે જ પાછળ આવું છું.

આ શબ્દો સાંભળી વેરીશાલજી અત્યંત ખુશ થઈ અને માતાજીને નમસ્કાર કરી પોતાના ઘોડા ઉપર આરૂઢ થયા.

ઘોડા ઉપર બેસતાની સાથે જ માં હરસિધ્ધિના પ્રતાપથી ઘોડો ખૂબ જ ગતિથી જમીન પસાર કરવા લાગ્યો.

માત્ર બે ત્રણ કલાકમાં જ પોતાના પ્રદેશમાં આવી પોંહેચેલો જોઈને રાજાના મનમાં થયું કે માતાજીએ મને શું ભ્રમિત કર્યો હશે ? એવા અનેક તર્ક વિર્તક સાથે રાજા પોતાની શર્તનું ભાન ભૂલી ગયા અને શંકાથી પ્રેરાઈને પાછું વળીને જોવા લાગ્યા. પાછળ દ્રષ્ટિ કરતાં જોઈને માતાજીએ કહ્યું , હે વત્સ તેં મારી શરતનો ભંગ કર્યો છે. માટે હવે અહીંજ અને અમે જ્યાં છે ત્યાં જ તું અમારા સ્થાનકો બંધાવજે, માતાજીના વચનો સાંભવીને વેરીશાલજીને પોતાની ભૂલનું ભાન થયું.

જો કે માતાજી રાજપીપલાની હૃદમાં તો આવી ગયા હતા જ, પરંતુ તેમની ઇચ્છા માતાજીને પોતાના મહેલમાં પધરાવી મહેલમાં મંદિર બંધાવી દરરોજ માતાજીના ચરણોની સેવાનો લાભ લેવાની હતી. પોતાની ભૂલનો તેમને બહુ જ પસ્તાવો થયો છતાં માતાજીને એવી જ ઇચ્છા હશે કે શહેર બહાર પોતાનું સ્થાપન થાય માટે જ રાજવી પોતાની શરત ભૂલી ગયા. માતાજીએ આ જગ્યાએ વાઘ પર બિરાજીને રાજા વેરીશાલજીને દર્શન આપ્યા હતા. આ દિવસ ઇ.સ..૧૬૫૭ ની સાલની નવરાત્રિના આઠમને મંગળવારનો દિવસ હતો.

આ અષ્ટમીને મંગળવારને દિવસે જ શ્રી હરસિધ્ધિ માતાજી સવારે વેરીશાલજી સાથે નીકળ્યા અને તે જ દિવસે રાજપીપલા નજીક આવીને શહેરની બહાર જ સંજોગોવસાત રોકાઈ ગયા. અને એજ જગ્યાએ રાજા વેરીશાલજીએ ભવ્ય મંદિર બંધાવ્યું. સાથે મહાકાળેશ્વર મહાદેવનું મંદિર, વીરવૈતાળનું મંદિર તેમજ બાલાપીરની દરગાહ પણ રાજા એ બંધાવ્યા. રાજા વેરીશાલજી રોજ અહિં આવીને ભાવભક્તિ પૂર્વક સેવા પૂજા કરી જાય. પોતાની સાથે ઉજ્જૈનથી રાજપીપલા માતાજી હરસિધ્ધિ પધાર્યા બાદ રાજાનો ભક્તિભાવ વધી ગયો.

માતાજીનું મંદિર બંધાવ્યું. અને તેમની માતાએ નંદપુર ગામમાં નંદકેશ્વર મહાદેવની સ્થાપના કરી. અને તેમની યાદગીરીમાં નંદકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. આ મંદિર ઇ.સ. ૧૬૬૦ માં બંધાવડાવ્યું હતું. અને સમય જતાં નંદપુર ઉપરથી નાંદોદ નામ થયું અને આજનું આ નંદોદ જૂના રાજ ઉપરથી રાજપીપલા કહેવાય છે.

ઈ. સ. ૧૭૦૭મા દુકાળ પડ્યો ત્યારે રાજા એ મંદિર બહાર તળાવ અને પ્રયોગશાળા ની બાજુ મા વાવ બનાવડાવી.. મહારાજા વેરીસાલસિહજીએ ૬૧ વર્ષ સુઘી સારી રીતે રાજ કરી ૮૫ વર્ષ ની ઉમરે ઈ. સ. ૧૭૫૧ મા માતાજી ના ધામમાં જવા માટે સદા ને માટે પોઢી ગયા.

તેમના પુત્ર જીતસિહે નંદપૂર થી રાજપીપળા ગાદી ની સ્થાપના કરી. ત્યાર પછી પ્રતાપસિંહ, રાયસિહ, અજબસિહ, રામસિંહ, નહારસિહજી, બીજા વેરીસાલસિહજી, ગંભીરસિહજી, છત્રસાલસિહજી, વિજયસિહજી, રાજેદસિહજી, તથા હાલ ના રધુવીરસિહજી છે. ૧૯૫૦ મા માતાજી નું મંદિર ગુજરાત સરકાર ને સોપાયુ ત્યાર થી ૧૯૭૩ સુધી ગુજરાત સરકારે વહીવટ કર્યો. ત્યાર બાદ હાલ વહીવટ હિંદુ દેવસ્થાન કમીટી પાસે છે.

માં હરસિધ્ધિ ની અપાર કૃપા અને અમી દ્રષ્ટિથી રાજપીપળા શહેરની ઉત્તરોત્તર પ્રગતી અને સમૃધ્ધિ જોવા મળે છે.

જય માઁ હરસિધ્ધિ રાજપીપલા વાળી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s