Daily Archives: July 1, 2018

મુચકુંદ ગુફા

Standard

જૂનાગઢ માં આવેલી રહસ્યમય મુચકુંદ ગુફા જયાં છુપાયેલો છે ભગવાન રણછોડ શ્રી કૃષ્ણ, મહારાજા મુચકુંદ અને અજેય કાલયવન રાક્ષસ ના વધનો ભેદ …

સંતો અને શૂરા ની ભૂમિ એટલે રૂડું સોરઠ. એ સોરઠ નું અતી પૌરાણીક નગર એવું જુનાણું એટલે જૂનાગઢ અને જૂનાગઢ ને યાદ કરતા જ યાદ આવે, માં અંબા અને ભગવાન ગુરૂદત્ત જેના શિખરો શોભાવી રહ્યા છે એવો ગરવો ગઢ ગિરનાર. તેની સામે ગૂગળ માં લોબાન ભળી રહ્યો હોય તેવી પ્રતિતિ કરાવતો ગરવો દાતાર જેના શિખર પર બિરાજે છે જમિયલશા પીર દાતાર.

હિંદુ ધર્મની શૈવ, શાક્ત અને વૈશ્ર્ણવ પરંપરા તેમજ ઇસ્લામ અને જૈન ધર્મ ના સંગમ સમી આ સોરઠી ધરા પોતાના માં કંઇક રહસ્યો સમાવીને બેઠી છે. જેમાંની એક કથા છે આ મુચકુંદ ગુફાની કે જ્યાં યાદવેન્દ્ર ભગવાન શ્રી ક્રૃષ્ણએ પોતાના અજોડ બુધ્ધિ-ચાતુર્ય થી અજેય કાલયવન રાક્ષસ ને અપાવ્યું હતું નિર્વાણ અને મહારાજા મુચકુંદ ને આપ્યું હતું ભક્તિ નુ વરદાન.

કથા આ પ્રમાણે છે. ઋષિ શેશિરાયણ ત્રિગત રાજ્ય ના કુલગુરૂ હતા અને તેઓ એક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેથી તેમને 12 વર્ષ બ્રહ્મચર્ય નું પાલન કરવાનું હતું. કોઇ એ તેમને નપુંષક છો એવુ કેહતા તેમને લાગી આવ્યુ અને તેમણે ભગવાન મહાદેવ ની તપસ્યા કરી અને મહાદેવ પ્રસન્ન થતા તેમણે મહાદેવ પાસે એક એવા પુત્ર નું વરદાન માંગ્યું કે જે અજેય હોય, કોઇ તેને હરાવી ના શકે અને બધા શસ્ત્રો તેની સામે નિસ્તેજ થઇ જાય જેથી કોઇ તેનો સામનો ના કરી શકે. ભગવાન મહાદેવ એ તથાસ્તુ કહ્યું અને અપ્સરા રંભા થી ઋષિ શેશિરાયણ ને એક બાળક નો જન્મ થયો.

યવન રાજ્ય ના મહારાજ કાલજંગ ને કોઇ સંતાન ન હોવાથી તેમણે ઋષિ શેશિરાયણ પાસે આ બાળક ની માંગણી કરી અને ઋષિ શેશિરાયણ એ આ બાળક તેમને આપી દિધું અને ત્યાર થી આ બાળક નું નામ પડ્યું કાલયવન અને તે યવન રાજ્ય નો રાજા બન્યો.

મહાદેવ ના વરદાન થી સુરક્ષિત અજેય કાલયવન ને કોઇ હરાવી નહોતું શક્તું જેથી તેની અનિષ્ટતા અને દુરાચાર વધતો જતો હતો. એક વાર કાલયવને નારદજી ને પુછ્યું કે તે કોની સાથે યુદ્ધ કરે જે પોતાના સમાન વીર હોય. ત્યારે નારદજી એ કાલયવન ને યદુકુળમણિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાનું કહી તેનું મૃત્યુ નિશ્ર્ચિત કરી દિધું અને નારદ્જી એ ભગવાન મધુસુદન નો પરિચય પણ કાલયવન ને આપ્યો કે ભગવાન કેવા લાગતા હશે.

મથુરા પર ચડાઇ કરતી વખતે શૈલ્ય એ જરાસંધ ને કાલયવન ને પણ યુદ્ધમાં શામેલ કરવા કહ્યું અને કાલયવન માની ગયો અને જરાસંધ ની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી અને મથુરા ને ઘેરી લીધી. કાલયવન એ મથુરા નરેશ પર સંદેશ મોકલાવ્યો અને એક દિવસ ની મુદત આપી. ભગવાન કૃષ્ણ એ પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ એક શરત રાખી કે યુદ્ધ કાલયવન અને પોતાની વચ્ચે જ થવું જોઇએ આટલી મોટી સેનાઓ ને શું કામ લડાવવી. આ સાંભળી કાલયવન હસવા લાગ્યો પરંતું તેને એ ખબર નહોતી કે હવે તેનુ મૃત્યુ નજીક છે. કાલયવને કોઇ દિવસ ભગવાન કૃષ્ણ ને જોયેલા નહી પણ તેને નારદજી આપેલો પરિચય યાદ હતો.

જેવું યુધ્ધ શરૂ થયું અને કૃષ્ણજી મથુરામાંથી બહાર આવ્યા કે તરત જ કાલયવન એ જોયું કે જેવું નારદજી એ કહ્યું હતું એ પ્રમાણે વર્ણ શ્યામ પણ સુંદર હતો, મસ્તક પર મોરપિંછ લહેરાતું હતું, તેજોમય લલાટ પર શોભી રહેલું ચંદ્રવંશી તિલક અને તાજાં તાજાં ખિલેલા કમળ સમાન નેત્રો, તેમના મુખારવિંદ પર રમી રહેલું એ ત્રિભુવનવિમોહીત સ્મિત સૌને દંગ કરી રહ્યું હતું.

સિંહ સમાન છાતી પર કૌસ્તુભમણી અને સ્ફટિક માળા લહેરાય રહી હતી અને વક્ષઃસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન શોભાય રહ્યું હતું. એ કસાયેલા ખભા ઉપર પિતાંબર ચળકી રહ્યું હતું અને સાવજ સમા ડગલાં માંડતા ભગવાન ને જોઇ ને કાલયવન ઓળખી ગયો કે આજ વાસુદેવ છે. તેમના હાથ માં કોઇ શસ્ત્ર ન હોવાથી કાલયવન એ પણ નિર્ણય કર્યો કે પોતે પણ તેની સાથે શસ્ત્ર વગર જ યુદ્ધ કરશે. જેવો કાલયવન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે દોડ્યો કે ભગવાન પોતાની પીઠ દેખાડી ને ભાગવા લાગ્યા. બધા અચરજ પામી ગયા કે શ્રી કૃષ્ણ આવી રીતે પીઠ દેખાડી ને ભાગે અને આથી જ તેમનુ નામ “રણછોડ” પડ્યું.

ભગવાન રણછોડ આગળ ભાગી રહ્યા છે અને કાલયવન પાછળ પાછળ છે તેને એવુ લાગી રહ્યુ છે કે હમણાં પકડ્યો હમણાં પકડ્યો પણ જે સમસ્ત બ્રહ્માંડ માં વ્યાપ્ત છે એ તુચ્છ કાલયવન ના હાથ માં કેમ આવે! કાલયવન પોતાના પાછલા જન્મ મા કરેલા પુણ્યો ના કારણે ભગવાન થી બચી રહ્યો હતો આથી ભગવાન તેમની પીઠ દેખાડી ભગવાન ની પીઠ ના દર્શન કરવાથી કાલયવન ના પુણ્યો સમાપ્ત થવા લાગ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા રેવતાચલ પર્વત ની એક ગુફા માં પ્રવેશ્યા. તેમની પાછળ પાછળ કાલયવન પણ એ ગુફા મા પ્રવેશ્યો. ભગવાન કૃષ્ણ ગુફા માં છુપાઇ ગયા એટલે કાલયવન ને કોઇ દેખાયુ નહી પણ કોઇ પિતાંબર ઓઢી ને ત્યાં સુતું હતું એ નજરે પડ્યું. તેને કૃષ્ણ સમજીએ વિચારમાં પડી ગયો કે મને આટલો દોડવીને આ કૃષ્ણ અહિયાં આરામ કરે છે. તેણે એ સુતેલા પુરૂષ ને લાત મારી અને વર્ષો થી નિંદ્રાધીન એ વ્યક્તિએ જ્યાં ઉઠી ને કાલયવન ની

સામે જોયું ત્યાં જ તેના શરીર માં પ્રચંડ આગ સળગી ઉઠી. થોડી જ ક્ષણોમાં કાલયવન બળી ને ભસ્મ થઇ ગયો. ભગવાન કૃષ્ણ આ દ્રશ્ય ગુફામાં છુપાઇને જોઇ રહ્યા હતા. વર્ષો થી આ ગુફામાં નિંદ્રા કરી રહ્યા હતા મહારાજા મુચકુંદ અને તેમની દ્રષ્ટિ માત્ર થી અજેય કાલયવન રાક્ષસ ના ભસ્મ થઇ જવા પાછળ નું કારણ હતું દેવરાજ ઇંદ્ર તરફ થી તેમને મળેલુ વરદાન. આવો જાણીએ મહારાજા મુચકુંદ ની કથા.

મહારાજ મુચકુંદ ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતા ના પુત્ર હતા અને ભગવાન રામચન્દ્ર ના તેઓ પુર્વજ હતા. દેવતાઓ પણ રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે મહાપરાક્રમી અને સંગ્રામવિજયી મહારાજ મુચકુંદની સહાય લેતા. એક વાર રાક્ષસોથી ભયભીત થઇ ને દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને રાક્ષસો સામે યુદ્ધ માં સહાય કરવા પ્રાર્થના કરી.

મહારાજ મુચકુંદ દેવતાઓ સાથે રાક્ષસો સામે યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધ સદી ઓ સુધી ચાલ્યું, ત્યારબાદ કાર્તિકેયના રૂપ માં એક સમર્થ સેનાપતી મળવાથી દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને અરજ કરી કે હે! મહારાજ આપ સદીઓથી અહીં યુદ્ધમાં સહાય કરી રહ્યા છો આપ નું કુટુંબ પણ કાળના પ્રભાવ માં નષ્ટ થઇ ચુક્યુ હશે આપ હવે વિદાય લો. દેવરાજ ઇંદ્રએ મહારાજ મુચકુંદ ને કહ્યુ કે માંગો મહારાજ આપ ને શું ઇચ્છા છે? બસ એક મોક્ષ નહી માંગતા કેમકે એ તો માત્ર ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ જ આપી શકે. મહારાજ મુચકુંદ આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ પણ ઉંઘ્યા ન હતા, તેથી તેમણે દેવરાજ ઇંદ્ર પાસે માંગ્યું કે હું હવે આરામ કરવા માંગુ છુ આપ મને નિંદ્રાનું વરદાન આપો. ઇંદ્રદેવ એ તથાસ્તુ કહ્યુ અને એ પણ કહ્યુ કે જે કોઇ મૂર્ખ આપને આપની નિંદ્રામાંથી જગાડશે તેના પર આપની દ્રષ્ટિ પડતા જ એ બળી ને ભસ્મ થઇ જશે. ત્યારબાદ મહારાજ મુચકુંદ એક ગુફામાં આવી અને નિંદ્રાધીન થયા.

આ વરદાન વિશે શ્રી કૃષ્ણ જાણતા હતા તેથી જ તેઓ યુદ્ધમાંથી ભાગ્યા અને જે ગુફા માં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફામાં જઇ મુચકુંદ ને પોતાનું પિતાંબર ઓઢાડી દિધુ જેથી કાલયવન મહારાજ મુચકુંદ ને જગાડે અને તેમની દ્રષ્ટિ પડતા કાલયવન બળી ને ભસ્મ થઇ જાય. મહારાજ મુચકુંદ એ જગી ને જોયું તો કાલયવન ભસ્મ થઇ ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ ના તેજ થી આખી ગુફા જળહળી રહી હતી. તેઓ થોડા સમય સુધી ભગવાન ને ઓળખી ના શક્યા પણ પછી જાણ થતાં જ તેઓ ભાવવિભોર થઇ ભગવાન ને વંદન કરવા લાગ્યા.

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે તે પરમ બુદ્ધિમાન મહારાજ મુચકુંદે ભગવાન ની શરણ માંગી. ત્યારે યદુકુળશિરોમણી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે! રાજન આપ આપના મનોભાવો અને મન ને મને સમર્પિત કરી દો. આપે જે પાપ કર્યા તેને મારા નામ સ્મરણ થી નાશ કરો અને આપ આવતા જન્મમાં એક બ્રાહ્મણ થઇ ને જન્મ લેશો ત્યારે આપને ભક્તિ થી ફરી વાર મારા દર્શન પ્રાપ્ત થશે. એમ કહેવાય છે બીજા જન્મ માં મહારાજ મુચકુંદ નરસિંહ મહેતા થઇ ને જન્મ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢ આવ્યા હતા.

આ રેવાતાચલ પર્વત એટલે ગિરનારની ગુફા જ્યાં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફા આજે પણ વર્તમાન છે. જુનાગઢ શહેર થી ભવનાથ તરફ જતા જ્યાં દામોદર કુંડ આવેલો છે ત્યાં દામોદર ભગવાન માધવરાય ના મંદીર થી જમણી બાજુ તરફ સાવ નજીક ના અંતરે આ રહસ્યમય તેમજ રસમય ગુફા આવેલી છે. આ ઐતિહાસીક અને પૌરાણિક ગુફા ના દર્શન કરવા એક લ્હાવો છે.

સોરઠ ની ધરા માટે એમ કહી શકાય કે દરેક પથ્થર ઉંચકાવીએ તો એક કથા આપણ ને મળી આવે. આપણા આ અમુલ્ય ધાર્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ તો છે. આ વારસા ને જાણી ને આપણે ગર્વ અનુભવવો જ રહ્યો. આ કથા ઓ માત્ર આપણા સૌરાષ્ટ્ર માં આપણા ગુજરાત માં કે આપણા ભારત માં જ સંભવી શકે એમા કોઇ બે મત નથી…….

“વિશ્વ નાં ઈતિહાસ નાં મહાનતમ વિજેતાઓ”

Standard

હરિસિંહ નલવા માટે આ એક ખુબજ મોટી સિદ્ધી છે. ભારત વર્ષ માં આપણે તેમને એક મહાન સરસેનાપતિ તરીકે કોઈ પણ ક્રમાંકે સ્થાન ન આપ્યું. પરંતુ વૈશ્વિક ઈતિહાસકારો એ તેમને પ્રથમ સ્થાને બિરાજમાન કરી તેમની નોંધ લીધી છે… આગળ વાંચો……..

માનવજાતી નાં ઈતિહાસ નાં શિલ્પ ને, મહાયુદ્ધો નાં પરિણામો એ કંડાર્યું છે. પુર્વાપરના સમયથી વર્તમાન સમય સુધી સેનાધીપતિઓ નાં વેધક આદેશો અને સૈનિકોની તલવારો ની ધારો થી સંસ્કૃતિઓ ની દિશા અને દશા નક્કી થઇ છે.
આવો અમારી સાથે જોડાઓ વિશ્વ નાં ઈતિહાસ ને શોભાવનાર મહાનતમ લશ્કરી સેનાધીપતિઓ ની યાદી નાં કાઉન્ટડાઉન મા અહીં અમે દર્શાવીશું ટોપ 10 વિશ્વ વિજેતાઓ ને.

10. તૈમુરલંગ
મહાનતમ વિજેતા ઓ ની યાદી માં 10 માં સ્થાને છે તૈમુર 14 મી સદી નો તુર્ક શાસક જે તૈમુરલંગ તરીકે પણ ઓખાય છે. તૈમુરે ચંઘેઝ ખાન નાં મોંગોલ સામ્રાજ્ય ને પુનઃ સ્થાપિત કરવા માં અગત્ય ની ભૂમિકા નિભાવી. તૈમુર એક દુર્દૈવ લશ્કરી વડો હતો. તેણે પશ્ચિમ, દક્ષીણ અને મધ્ય એશિયા નાં મોટા ભાગ પર પોતાની વિજય પતાકા લહેરાવી અને પોતાને મુસ્લિમ વિશ્વ નાં સૌથી શક્તિશાળી શાસક તરીકે સ્થાપિત કર્યો. તૈમૂરીદ રાજવંશ નાં સ્થાપક ની સેના એ સમગ્ર એશિયા ખંડમાં કાળો કેર મચાવ્યો હતો ઇતિહાસકારો નો અંદાજ છે કે આ બર્બર શાસક ની લશ્કરી ઝુંબેશ દરમિયાન 17૦ લાખ લોકો ને તેના લશ્કરે રહેંસી નાખ્યા.

9. હેન્નીબાલ બાર્કા
તેમને આપણે હેન્નીબાલ તરીકે પણ ઓળખીએ છીએ., રોમનો સામે તેમના ઐતિહાસિક યુદ્ધ વિજયો થકી આ યાદી માં તેમણે નંબર નવ નું સ્થાન મેળવ્યું છે. હકીકત માં હેન્નીબાલ ને રોમન સામ્રાજ્ય નાં મહાનતમ શત્રુ માનવામાં આવે છે. તેમણે બીજા પ્યુનિક યુદ્ધ માં રોમનો સામે કાર્થેજિનિયન દળો ની આગેવાની લીધેલી.
ઇસુ ખ્રિસ્ત નાં જન્મ નાં 200 વર્ષ પહેલા જન્મેલા હેન્નીબાલ ને આજે પણ આલ્પ્સ ની પર્વતમાળાઓ ની આર પાર હાથી ઓ ની તેણે કરાવેલી કૂચ માટે યાદ કરવામાં આવે છે. લશ્કરી વિદ્યાલયો નાં ઈતિહાસ માં તેમની ગણના, યુદ્ધ દાવપેચ માં માહેર કુશળ સેનાનાયક તરીકે કરવામાં આવે છે. પ્રમાણ માં ઘણી નાની અને અસજ્જ સેના સાથે તેઓ રોમનો સામે લડાઈઓ લડ્યા અને સતત જીતતા રહ્યા.

8. નેપોલિયન બોનાપાર્ટ
સમય નાં ચક્ર ને 2000 વર્ષ આગળ ધપાવતા આપણી રૂબરૂ થઇ રહ્યા છે. વિશ્વ ઈતિહાસ નાં મહાનતમ વિજેતાઓ ની યાદી માં

8 માં સ્થાને નિર્વિવાદ પણે બિરાજતા નેપોલિયન બોનાપાર્ટ. માત્ર સાડા પાંચ ફૂટ ની ઊંચાઈ નાં નેપોલિયન કદ્દાવર શરીર નહોતા ધરાવતા પરંતુ તેઓ અદ્વૈત યુદ્ધ-કૌશલ્યનાં સ્વામી કહેવાયા છે.
પોતાનાં જીવનકાળ 1769 થી 1821 દરમિયાન નેપોલિયન યુરોપીય યુદ્ધો માં એક બળવત્તર સેનાનાયક તરીકે ઉભરી આવ્યા. સર્વપ્રથમ સરસેનાપતિ બાદમાં ફ્રાંસ નાં સમ્રાટ અને ઇટાલી નાં શાસક, નેપોલિયને બે દશક સુધી પોતાના સૈન્ય નું યુરોપીય ખંડ ની ચોતરફ યુદ્ધો માં નેતૃત્વ કર્યું, અગણિત યુદ્ધો માં વિખ્યાત વિજયો મેળવ્યા. એક સમયે આ અદનો વ્યક્તિ 700 લાખ કરતાં પણ વધુ લોકો પર શાસન કરતો હતો.

7. ફ્રાન્સિસ્કો પીઝાર્રો (1471-1541)
આ યાદીમાં સાતમુ નામ છે, ફ્રાન્સિસ્કો પીઝાર્રો, એક સ્પેનિશ વિજેતા. દક્ષીણ અમેરિકા ની મોટા ભાગની ધરતી પર સ્પેઇન નું શાસન પ્રસર્યું તેને માટે ઈતિહાસ નાં પુસ્તકો માં હેરમાન કોર્ટેસ વિષે ઘણું લખાયું છે. પરંતુ હકીકત માં પીઝાર્રો નું યોગદાન વધુ નોંધપાત્ર રહ્યું છે.
એટલાન્ટીક ની આર-પાર તેણે ત્રણ અભિયાનો નું નેતૃત્વ કર્યું ત્રીજી વખત તો તેણે માત્ર 160 ઘોડેસવારો સાથે મોટા ભાગનાં ઇન્કેન સામ્રાજ્ય પર પોતાનો કબજો જમાવ્યો. આધુનિક તકનીક નો ફાયદો અને વિરોધી શાસકો ની નિર્મમ કત્લેઆમ કરતાં પીઝાર્રો એ આજના પેરુ પર કબજો જમાવી અને ઈતિહાસ ની દીશાજ બદલી નાખી.

6. સાયરસ – ધ ગ્રેટ
કાઉન્ટડાઊન માં 6ઠ્ઠા સ્થાને છે સાયરસ ધ ગ્રેટ. આ ખાસમખાસ લોકો ની યાદી માં આ નામ કદાચ એટલું જાણીતું નથી પરંતુ સાયરસ ની લશ્કરી તાકાત ને અવગણી શકાય તેમ નથી.
સાયરસે મેડિયન સામ્રાજ્ય અને લીડીઆ પર વિજય મળવ્યો અને 546 BC સુધીમાં તે પર્સિયન સમ્રાટ બન્યો. સાયરસે બેબીલોનીઅનો ને હરાવ્યા અને યહૂદીઓ ને મુક્ત કર્યા. 530 BC માં તેના મૃત્યુ સુધીમાં તે વિશ્વ નાં સહુથી મોટા સામ્રાજ્ય નો શાસક હતો. તે યુદ્ધમાં તો અપરાજેય હતો જ સાથે સાથે તેનું રાજકીય નેતૃત્વ પણ સાક્ષી છે કે તેણે પૃથ્વી નાં ત્રણ ખંડો પર પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું જે લાંબા સમય સુધી અખંડિત રહ્યું.

5. જુલિયસ સીઝર
બહુ મુશ્કેલ છે, મહાન લશ્કરી વિજેતાઓ વિશે વાત કરવી અને એવા વ્યક્તિ નું નામ ન લેવું જે આપણી યાદી માં પાંચમું સ્થાન ધરાવે છે. જે માણસ વિશે વાત નથી મુશ્કેલ છે. ઇતિહાસ સૌથી પ્રખ્યાત સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક તરીકે, જુલિયસ સીઝરે રોમન ગણતંત્રના લશ્કર ને આફ્રિકા અને યુરોપમાં જીત તરફ દોર્યું.
શેક્સપીયર નાં નાટક નાં પાત્ર, આદરપાત્ર લશ્કરી અને રાજકીય નેતા ની હત્યા તેના જ મિત્ર બ્રુટસ એ 44 AD માં કરી. પણ તે પહેલાના વર્ષો માં સીઝરએ પોતાની લશ્કરી શક્તિ નાં ઉપયોગ થી રોમન સામ્રાજ્ય નો ફેલાવો સુદૂર પ્રદેશો સુધી કરી દીધો હતો.

4. અટ્ટીલા – હુણ
વિશ્વ ઈતિહાસ માં બહુ થોડાજ એવા નામો છે કે જેનું નામ માત્ર ભય નો ઓથાર વર્તાવે છે. બર્બરિક હુણો નો નાયક, આ યાદી નો ચોથો મહાનતમ વિજેતા કે જેણે પોતાના માર્ગ માં ફક્ત લૂંટ અને વિનાશ વેર્યો.
અટ્ટીલા પંચમી સદી માં થઇ ગયો. તેનું સામ્રાજ્ય મધ્ય એશિયા થી લઇ ને આધુનિક જર્મની સુધી ફેલાયેલું હતું. તે પશ્ચિમ અને પૂર્વ રોમન સામ્રાજ્ય નાં સૌથી મોટા દુશ્મનો માં નો એક હતો. અટ્ટીલા ની ક્રુરતા અને દુશ્મન ની સહેજ પણ દયા ન ખાવા ની નીતિ તેને ઈતિહાસ માં વિલન રૂપે ચીતરે છે પણ તેની લશ્કરી નાયક તરીકે ની કુશળતા નિર્વિવાદ છે.

3. સિકંદર મહાન (એલેકઝાન્ડર ધી ગ્રેટ)
એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એ એક વાર કહ્યું હતું: ” સિંહો નાં લશ્કર ની આગેવાની એક ઘેટું કરે તો હું તેના થી ડરતો નથી.; પરંતુ એક સિંહ જયારે ઘેટાંઓ નાં લશ્કર ની આગેવાની લે તેનાથી ભયભીત છું.”મિત્રો મહાન વિજેતાઓ નાં આપણા કાઉન્ટડાઉન માં નંબર ત્રણ પર વિરાજમાન, વ્યક્તિ ચોક્કસપણે એક સિંહ જેવા નાયક હતા.
30 વર્ષ ની ઉંમરે પહોંચતા સુધી માં તો એલેકઝાન્ડર એ પોતાની સૈન્ય શક્તિથી મોટા ભાગની દુનિયા પર કબજો જમાવી લીધેલો. તેણે શક્તિશાળી પર્સિયન સામ્રાજ્ય ને હરાવ્યું અને તેનું શાસન જીબ્રાલ્ટર થી લઇ ને પંજાબ સુધી ફેલાયેલું હતું. તેના સમય માં ગ્રીક ને તેણે મુખ્ય ભાષા તરીકે અગ્રતા આપી. ફલાન્ક્સ સૈન્ય રચના નો વ્યૂહ અપનાવી પ્રાચીન સમય માં આ શાસકે યુદ્ધકલા માં આમૂલ ક્રાંતિ આણી માટે તેઓ આ વિશિષ્ટ યાદી માં શિખર ની નજીક નાં સ્થાન ને યોગ્ય છે.

2. ચંગીઝ ખાન 1162-1227 AD
ઇતિહાસનાં મહાન વિજેતાઓ યાદી માં બીજા સ્થાનનો કબજો જે વ્યક્તિ પાસે છે તે ચંગીઝ ખાન, મોંગોલ સામ્રાજ્યનો સ્થાપક – ઈતિહાસ નું સૌથી મોટું સંલગ્ન સામ્રાજ્ય. તેણે ઇશાન એશિયામાં અસંખ્ય વિચરતી જાતિઓ અને સંઘો વચ્ચે એકતા સાધી સહસંબંધ દ્વારા આવા વિશાળ સામ્રાજ્ય ની સ્થાપના કરી સાથેજ તેણે હાથમાં તલવાર સાથે પોતાનું પ્રભુત્વ પણ દર્શાવ્યું.
અટ્ટીલા હૂણ જેમ ચંગીઝ ખાન નું નામ પણ ભયાનક અને ક્રૂર યુદ્ધો નો પર્યાય બની ગયો છે. આ મોંગોલ યોદ્ધા એ સમગ્ર આધુનિક એશિયા માં ગામો અને નગરો ને ઉજ્જડ બનાવ્યા તેની સત્તા અને શક્તિ માટે ની એક ક્રૂર ભૂખ દર્શાવે છે. સંગ્રામો માં આગેવાની લઇ ને તે એક ઉદાહરણ પૂરું પાડતો. તેના જીવનકાળ દરમિયાન તેણે ઇતિહાસમાં અન્ય કોઇ પણ શાસક કરતાં વધુ – 48,60,000 ચોરસ માઇલ જમીન પર કબજો જમાવેલો.

1. હરી સિંહ નલવા
માનવ ઈતિહાસ નાં મહાનતમ વિજેતાઓ ની યાદી માં પ્રથમ ક્રમાંકિત યોદ્ધા છે હરી સિંહ નલવા.
હરિસિંહ નલવા એ સમયાંતરે અનેક પડકારો નો સામનો કરી પોતાને એક સુપ્રસિદ્ધ લશ્કરી નાયક તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી.
આ યાદી માં ટોચ નું સ્થાન હરિસિંહ નલવાએ મેળવ્યું છે તેની પાછળ અસંખ્ય કારણો છે અને તેમાં નું એક છે કે તેમણે નહીવત સાધનો સાથે આટલી સફળતાઓ મેળવી. જયારે ઉપર્યુક્ત વિજેતાઓ ની પાસે બહોળા સંશાધનો હતાં, જ્યારે હરિ સિંહે વિશાળ સેનાઓ ને હરાવવા બુદ્ધિશાળી રણનીતિ અને અપ્રતિમ હિંમત પર આધાર રાખેલો.
તેમનો સમય 1791 થી 1837 નો હતો અને શીખ સામ્રાજ્ય ની સેના નાં તેઓ સર-સેનાપતિ હતાં.
આંગળી નાં વેઢે ગણી શકાય તેટલા શીખ યોદ્ધાઓ ની સેના વડે, તેમણે સમગ્ર ભારત માં શીખો નાં શાસન ને પુનઃસ્થાપિત કર્યું. અફઘાનિસ્તાન માં તેમણે લશ્કરી અભિયાનો ચલાવી અને ભારત માં પ્રવેશતા હુમલાખોરો નાં પ્રવાહ ને અટકાવ્યો. તોફાની વિસ્તારો માં કડકાઈ દાખવી અને બળવાઓ કચડી દીધા.
હરી સિંહ વિખ્યાત છે ઈતિહાસ નાં એક માત્ર વ્યક્તિ તરીકે કે જેમણે ખૈબર પાસ પર વિજય મેળવ્યો હતો – ખૈબર
પાસ એક દુર્ગમ પહાડી રસ્તો છે જે અફઘાનિસ્તાન અને વર્તમાન નાં પાકિસ્તાન ને જોડે છે. આ અવિશ્વસનીય વિજય તેમની યુદ્ધ ની વ્યૂહરચના નાં કૌશલ્ય નું પુરજોર થી પ્રદર્શન કરે છે.
1804 માં શિકાર પર ગયેલા હરી સિંહ પર એક વાઘે અચાનક હુમલો કરી દીધો, બીજા સાથી શિકારી ઓ ની મદદ વગર હરિસિંહ એ વાઘ નો હાથો હાથ મુકાબલો કર્યો અને તેનું જડબું તોડી નાખ્યું, અને ત્યાંજ વાઘ ને મારી નાખ્યો અહી તેમને વાઘ-માર નું બિરુદ મળ્યું.
સમગ્ર વિશ્વ માં એવો કોઈ લશ્કરી આગેવાન નહિ હોય જેણે હરી સિંહ નલવા નાં પરાક્રમો વિષે ન સાંભળ્યું હોય. આજે પણ તેઓ, મોટા સામ્રાજ્ય ની મદદ વિના પોતાના દુશ્મનો ને સમયાંતરે હાર નો સામનો કરાવનાર એક આદરણીય સૈન્ય નાયક તરીકે જાણીતા છે.
આજે તમને માનવા માં નહિ આવતું હોય કે હરી સિંહ નાં નેતૃત્વ માં આટલી નાની સૈન્ય ટુકડી ઓ એ વિશાલ મહાનતમ સેના ઓ ને કેમ કરી ને હરાવી હશે? તો અમે તમને આમન્ત્રીએ છીએ આ પુરુષો ની અપ્રતિમ શારીરિક
તાકાત અને માનસિક સજ્જતા વિષે થોડા વધારે માહિતગાર થવા માટે. કેટલીક યુદ્ધકળાઓ- માર્શલ આર્ટ ને હરિસિંહ એ ખુબ લોકપ્રિય બનાવી જેની મદદ વડે આ સૈનિકો કુશળ યોદ્ધા બન્યા. શિસ્ત અને શારીરિક બળ નાં પ્રયોગ વડે તેઓ માનસિક રીતે ઈચ્છા મુજબ નું લક્ષ્‍ય પાર પાડવા સજ્જ બન્યા. આ યુદ્ધકળા શીખો ને પેઢી દર પેઢી આજે પણ હસ્તગત છે.
હરી સિંહ અને તેમના સાથીઓ મધ્ય રાત્રી એ 12 વાગ્યે અણધાર્યો હુમલો કરી મોગલો નાં કબ્જા માંથી હિંદુ સ્ત્રીઓ ને છોડાવી લાવવા માટે પ્રખ્યાત હતાં, માટે તેમના ગેરીલ્લા હુમલાઓ થી થર થર કાંપતા મોગલો કહેતા 12 વાગવાના છે, હમણાં સરદારો હુમલો કરશે. આજે શરમ ની વાત છે આપણી માં બહેનો અસ્મત નાં રક્ષકો ની આપણે આજે મજાક બનાવી દીધી છે!!!

🇮🇳 જય હિન્દ 🇮🇳

બુઝારું

Standard

(લઘુકથા)

દાદાજીનાં ઠસકાં અને પૃથ્વીશ ની રમતમાં આવતાં શબ્દો સિવાય વાતાવરણ ભારેખમ હતું.

કપિલાબેન, તેમનાં વૃધ્ધ સસરા, વિધવા મોટી વહુ ધરતી, પાંચ વર્ષનો પૌત્ર પૃથ્વીશ અને કપિલાબેનનો નાનો દિકરો આકાશ..બધાં જ ડ્રોઈંગરૂમમાં હતાં.

મોટાં દિકરા વ્યોમનાં આકસ્મિક મૃત્યુને બે વર્ષ થવાં આવ્યા.. આકાશનાં છૂટાંછેડાનો કેસ જે ત્રણ વર્ષથી ચાલુ હતો તે આજે કોર્ટે મંજુર કરી દિધાં.

વ્યોમનાં અવસાન બાદ ધરતી અને પૃથ્વીશનું શું ?? એ યક્ષપ્રશ્ન તો હતો જ, એમાં વળી છેતરપિંડીથી પધરાવાયેલી માનસિક રોગી નાની વહુથી છૂટકારો થયો એથી ખુશ થવું કે અંતે તો આકાશનું ઘર ભાંગ્યું એથી દુ:ખી થવું એ સમજાતું નહોતું.

આ બધાથી અજાણ નાનો પૃથ્વીશ ડાઈનીંગ સ્પેસમાં એની મસ્તીમાં રમતો હતો.ધરતીએ એને બે-ત્રણ વાર ટોક્યો, બેટા ગ્લાસ માટલા સાથે ના ટકરાવ ! માટલું ફૂટી જશે ! પૃથ્વીશ ડાઈનીંગ ચેરને ધક્કો મારી પાણીયારાં પાસે લઈ ગયો. ઉપર ચડીને માટલું ખોલી નાખ્યું.

હવે ધરતીએ ગુસ્સે થઈને બુમ પાડી- ઉભો રે’જે ! મમ્મીનો બદલાયેલો રણકો ઓળખતો પૃથ્વીશ દોડીને કમ્પાઉન્ડમાં રમવા જતો રહ્યો.

રૂમમાં પાછી શાંતિ પથરાઈ.

કૈંક નિર્ણય પર પહોંચ્યા હોય એમ કપિલાબેન ઉભા થયાં. પાણીયારે જઈ પૃથ્વીશે નીચે મુકેલું બુઝારું પાછું ગોળા પર ઢાંકતાં મક્કમ પણ મુલાયમ અવાજે બોલ્યાં !
ધરતી ! બેટા મારી એક વાત માનીશ ? બીજી વાર મારી વહુ બનીશ ?

આકાશ અને ધરતીની નજરો ટકરાઈ ! ધરતીનાં ચહેરા પર આશ્ચર્ય પ્રગટ્યું ! ધીમે ધીમે એ આશ્ચર્ય અહોભાવ અને આદરમાં પલટાયું. કપિલાબેન સાથે મેળવવા ઉઠાવેલી નજર લાગણી અને સ્ત્રીસહજ લજ્જા બન્નેનાં ભારથી પાછી ઝૂકી ગઈ.

ખુણાંની સેટી પર સુતેલાં સસરાની આંખોમાં એક અવર્ણનિય ચમક આવી અને બે વૃધ્ધ આંખો ભીની થઈને સંતોષપૂર્વક ખુલ્લાં પડેલાં ખોરડાં પર ઢાંકણ ઢંકાતું જોઈ રહી.

~ ડૉ.મનોજ જોશી ‘મન’
( જામનગર )

બુઝારું = ગોળા/માટલાનું ઢાંકણ

વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે.

Standard

.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ll વીસનગર મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વીસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે. ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને “રણની રાણી” કહેવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર “સુંદરી” આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે. શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે ખ્યાત છે. આનર્તપુર, આનર્તનગર, વૃન્દનગર કે કેવળ નગર તરીકે ઓળખાયું. વડનગરની બિલકુલ પાસે વીસનગર હોવાથી વડનગરની ઐતિહાસિકતા વીસનગરને ગળી ગઈ. આને કારણે વીસનગર પ્રાચીન હોવા છતાં તેની સ્થાપના છેક વાઘેલા કાળમાં થઈ એવી માન્યતાને પ્રબળ સમર્થન મળ્યું એટલું જ નહિ ફાર્બસ જેવા વિધ્વાનો તો સત્ય તરીકે તેનો સ્વીકાર કર્યો. આનું કારણ વીસનગરની પ્રાચીનતા સિધ્ધ કરવા માટે મળતા આધારોનું દારિદ્રય છે.

વીસનગર સંબંધિત સાહિત્‍િયક આધારો તો પાછળના કાળમાં ઉપલબ્ધ થયા પરંતુ વીસનગરની આસપાસના વિસ્તારોમાં પેઢામલી, આગલોડ, હડાદ, રામપુર જેવાં ગામોમાંથી પુરાવિદ રોબર્ટ બ્રુશફૂટે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આદ્યપાષાણ યુગના અવશેષો શોધી કાઢતાં પ્રસ્થાપિત માન્યતામાં પરિવર્તન કરવું જરૂરી બન્યું. ત્યારબાદ આઝાદી પછી ભારતીય તજજ્ઞોએ પણ વાલમ, તરભ, ખંડોસણ અને વલાસણામાંથી આવી વસાહતો શોધી કાઢી. અત્યારના વીસનગરનું ઉપનગર કાંસા પણ કાંસ્ય યુગની આવી વસાહતનું સૂચન કરે છે. વીસનગરનું પ્રાચીન કાળમાં અસ્‍િતત્વ હતું એવા અવશેષીય આધારો વીસનગરમાંથી જ ઉપલબ્ધ થાય છે. જેમાં મહાકાળેશ્વર મંદિરના પ્રસ્તરો, મૂળમંદિરનાં કીર્તિમુખ અને કીચકો, મંદિરના પરિસરમાંનું અર્ધપર્યુકાસન શિલ્પ, દેળિયા તળાવની પાળનો છેદ, પિંડારિયા તળાવનાં ગળનાળાંના કેટલાક થરો અને તેની આસપાસ વેરાયેલાં ઠીકરાં નોંધપાત્ર ગણાય.

અંગ્રેજોની છત્રછાયા નીચે યાગકવાડનો શાંતિપૂર્ણ રાજય અમલ શરૂ થયો અને વિસનગરની સર્વાંગી પ્રગતિનાં મંડાણ થયાં. ઈ.સ. ૧૮૭૪ માં ગુજરાતી શાળા, ૧૮૮રમાં એ.વી. સ્કૂલ, ૧૮૮૬માં ઉદ્ર શાળા અને ૧૮૮૭માં કન્યા શાળા તેમજ અંત્યંજ શાળા સ્થપાઈ. આ બધી શૈક્ષાણિક સંસ્થાઓનો મૂળભૂત ઉદેશ અંગ્રેજ વહીવટી તંત્રને કારકુનો પૂરા પાડવાનો હતો તેથી આ યુગમાં વિસનગરાઓ મુખ્યત્વે રેલવે અને પોસ્ટખાતામાં દેખાય છે. એ જ રીતે ૧૮૮૭માં વિસનગર વિસ્તારના સ્વાતંત્રપ્રિય ઠાકોરોના અંતરિયાળ પ્રદેશમાં તારંગા સુધી જતી રેલવે સ્થાપવાનો મુખ્ય ઉદેશ તો ૧૮પ૭ વખતે ત્યાં થયેલ સભાઓ ઉગ્ર બને તો થોડીક્ષણોમાં લશ્કરને ઠાલવવાનો હતો. આમ છતાં કેટલીક સ્તુત્ય પ્રવૃતિઓ થઈ. ઈ.સ.૧૮૭પમાં સુધરાઈ, ૧૮૮૩માં દવાખાનું અને ૧૮૮૪માં જનરલ લાયબ્રેરીની સ્થાપનાએ પ્રજામાં ઘણાં ક્ષેત્રોમાં ઉપકાર કર્યો હતો.

ઈ.સ. ૧૯૦૬માં ગાયકવાડે કરેલ ફરજિયાત કેળવણીની જોગવાઈએ વિસનગરની પ્રજાને સાક્ષાર તો કરી પરંતુ તેમનામાં રાષ્ટ્રીય સભાનતા જાગ્રત કરી. સને ૧૯૧પમાં હાઈસ્કૂલની તથા આઝાદીની પૂર્વ સંધ્યાએ વિનયન અને વિજ્ઞાન કોલેજ સ્થપાઈ. આ શૈક્ષાણિક સંસ્થાઓએ વૈચારિક ક્રાંતિની ભૂમિકા બાંધી પરિણામે ઈ.સ. ૧૯ર૩માં વિસનગર તાલુકા પ્રજામંડળની સ્થાપના થઈ. વડોદરા રાજયના પ્રજામંડળનું ૧૪મું અધિવેશન ૧૯૩૭માં વિસનગરમાં યોજાયું જેને લોખંડી પુરુષ સરદાર પટેલનો સંપૂર્ણ સહયોગ સાંપડયો. ૧૯૪રની ”હિન્દ છોડો” ચળવળમાં વિસનગરે પોતાના પનોતા પુત્ર ગોવિંદરાવ ઉત્રાણકરને શહીદ બનાવી અખિલ ભારતીય સ્વાતંત્ર સંગ્રામના ઈતિહાસમાં ગૌરવ પૂર્ણ સ્થાન મેળવ્યું. પ્રજામંડળના વિસનગરીય પ્રયાસોને કારણે ગાયકવાડના શાસનમાં સ્વાયત્તતા મેળવી શકાઈ અને આજ પ્રજામંડળે ૧૯૪૯માં ભારતીય સંઘમાં વડોદરા રાજયને જોડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ll
*વાચેલી નોંધ.

-વોટ્સએપ