Monthly Archives: March 2019

“અભરામ ભગત”

Standard

અભરામ ભગત

જન્મ: ૨૪-૧૦-૧૯૨૦। મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

સ્વ. અભરામ ભગતનો જન્મ આજથી ૯૦ પહેલા સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું.તેમના પિતા પોલીસખાતામાં નોકરી કરતા હતા.પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તેથી માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. પછી થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં દાખલ કરવામાં આવ્યો.પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા… આવી હાલતમાં ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ ગયા.ત્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો.જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!
થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે ‘ભગત’ તરીકે ઓળખાતા ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો ‘અભરામ’ તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું ‘અભરામ ભગત’. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ.

જેતપુર નજીકના વડિયા ગામના દરબારે અભરામ ભગતને જમીન આપી.તે જમીન પર ભગતે મકાન બાંધીને પત્ની હલીમાબાનુ સાથે પોતાનો સંસાર વસાવ્યો.
તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ અગ્રીમ સ્થાન મેળવ્યું.
ભજન ઉપરાંત અભરામ ભગત ‘આખ્યાન’ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી! તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!
અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા. એ 1973ની સાલ હતી. ભગતને ‘અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ’, ‘સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ’ જેવી સંસ્થાઓ તેમજ ‘ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી’ ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત ‘રાજકુમાર કોલેજ’ માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. “તાનપૂરાનો એક તાર તૂટી ગયો!”- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ…..

“રૂપી”

Standard

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે, ‘રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!’

પણ રૂપી તો મેરની દીકરી. એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નક્શી કરવી છે. ગોખલા કંડારવા છે, ભીંત ઉપર ચિતરામણ આલેખવાં છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોયે શું?

માટીના સૂંડલા પોતાને માથે મેલીને, મલપતી મલપતી, રૂપી ચાલી આવે છે. ધોમધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતુંચોળ થાતું આવે છે. મોતીની સેર વીખરાણી હોય તેવાં પરસેવાનાં ટીપાં ટપકતાં આવે છે. કૂવાને કાંઠેય મેરાણીઓ મોઢાં મચકોડીને વાતો કરે છે, “બાઇ, આ તો નવી નવાઇની આવી છે! કૂવામાં પાણી જ રે’વા દેતી નથી. કુણ જાણે અધરાતથી બેડાં તાણવા માંડે છે.”

નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે ‘વાલામૂઇ પડે તો ઠીક થાય!’ ભૂખી-તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળિને સાસુ-સસરો હેતાળ ઠપકો આપે છે કે, “અરે રૂપી, ખાધાનીયે ખબર ન પડે, બેટા?” એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઇ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોળાણાં છે. શરણાઇ-શી એના હાથની કળાઇઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીનાં રૂપ કાંઇ અછતા રહે?

રૂપીનો વર નથુ રોટલા ખાવા આવે છે. એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી.

“રૂપી!” નથુ બહાર નીકળીને એને સાદ કરે છે: “રૂપી, આવડી બધી કેવાની અધીરાઇ આવી છે, ઘર શણગારવાની? કાંઇ મરી બરી તો જાવાની નથ ના!”

“લે, જો તો, બાઇ! નથુ કેવી વાણી કાઢી રિયો છે! મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઉ ખપનો, નથુ?”

“હે ભગવાન! આ મેરની છોકરી તો નવી નવાઇની! કવરાવ્યો મને! ભગવાન કરે ને નિસરણી લસરે જાય!” એટલું કહીને નથુ હસે છે.

“તો તો, પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાઉં તોયે તારા ખોળામાંથી ઊઠાં નહિ ને! ખોટી ખોટી માંદી પડેને સૂતી જ રાં!”

રૂપી એનો વર નથુ ખોરડાની પછીતે ઊભાં ઊભાં આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતાં ને પેટ ભરવાની વાતો ભૂલી જતાં હતાં. ઇશ્વરે પોતાની વહુને થોડાજ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભીને કરો લીંપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોરમટીનાં છાંટણાંમાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઇ નવલખાં રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદગાર નીકળી જતો કે ‘ઓહોહો! બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઇ ન મળે.’

એમ કરતાં કરતાં અષાઢ ઊતરીને શ્રાવણ બેઠો. જોતજોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરાં છલોછલ હાલ્યાં જાય છે. ધરતીનાં ઢોરઢાંખર અને પંખીડાં હરખમાં હિલાળો મારે છે, ને રૂપીયે વારતહેવાર રહેવા મંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા-કંકાવટી લઈ રૂપી બાપોદરનાં દેવસ્થાનો ગોતે છે, પીપળાને અને ગાયોને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે, નાગદેવતા રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ શી રળિયામણી હતી! ઓહોહો! શી રળિયામણી હતી!

શીતળા-સાતમ અને ગોકળ-આઠમના તહેવારો ઢૂકડા આવ્યા. સાતમ-આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડાં આવે. રૂપીનેય માવતરથી સંદેશા આવ્યા કે ‘સાતમ કરવા વહેલી પહોંચજે.’

સાસુ-સસરાએ રાજીખુશીથી પોતાની લાડકવાયી વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લૂગડાં પહેરી, ઘરેણાંગાંઠાં ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેંથે હિંગોળો પૂરી ને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લૂગડાની નાની બચકી લીધી.

પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી, નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું, “રૂપી! આ બધું પિયરિયામાં મા’લવા રાખી મૂક્યું’તું ને? નથુ! નથુ! બોલીને તો ઓછી ઓછી થઈ જાછ! તંઈ આ શણગાર તો નથુ માટે કોઇ દી નુતા સજ્યા!”

“લે, જો તો બાઇ! આડું કાં બોલતો હઈશ, નથુ! કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે દી હુતી? અને આજ પે’ર્યું છે એય તારે જ કાજે ને! તું હાલ્ય મારી હરે. મને કાંઇ ત્યાં એકલા થોડું ગમશે?” એટલું બોલતાં તો રૂપીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

“અરે ગાંડી! એમાં કોચવાઇ ગી? અને મા-બાપની રજા વિના મારાથી અવાય ખરું કે?”

“હું ફુઇને અને મામાને બેયને કે’તી જાઉં છું ને! તું જરુર આવજે. હો! તારા વન્યા મારી સાતમ નૈ સુધરે હો, નથુડા!”

એટલું કહીને રૂપી સસરા કને ગઈ. પોતાની તોછડી, મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, “મામા, નથુને ચોકસ મેલજે, હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

“માડી, મેલશું તો ખરા; પણ તારાં માવતરનું સાચેખોટેય તેડું તો જોવે ને!” બુઢ્ઢી સાસુએ જવાબ દીધો.

“અરે ફુઇ, એનો ધોખો તું કરીશ નૈ. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને!”

એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી-કેમ જાણે ફરી કોઇ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો. “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરોવાઇ ગયું.

“અરરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઇ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્ય. પહેલાં મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.”

“પણ, માડી. તને કહ્યું કુણે?”

“કુણે શું, તારી પડોશણુંએ. સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટે દીધી, માડી! આમ તો જો! મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો -રોગી ઉતરડાઇ જ ગી.”

“માડી, તને કોઈ ભંભેરે ગુ (ગયું) છે, હો! અમારાં પાડોશી ભારી ઝેરીલાં છે. તું કોઇનું માનીશ મા, હો! અને તેં મને તેડું મોકલ્યું, તારેં નથુને કીમ ન તેડાવ્યો? ઇ તો રિસાઇને બેઠો છે. ઝટ દઈને ખેપિયો મેલ્ય.”

“ચૂલામાં જાય તારો નથુડો! મારે એ ભૂતને તેડાવવો જ નથ. અને લાખ વાતેય તને પાછી ઇ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે; એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથ દાટેં દેવી!”

દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત ક્યાંથી હોય?

રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઇઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારા બુઢ્ઢા માવતર અને નથુ -એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઇ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઇને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે.

સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે નાતરું કર્યું. રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઇ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઇ ગઈ.

પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે, “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.”

એનું કલ્પાંત કોઇએ ન સાંભળ્યું. એ મૂરખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા મંડે? ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટા ન હોય.

ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઊઠી “નૈ જાઉં! નૈ જાઉં! મારા કટકા કરી નાખશો તોયે બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો.”

માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કઈંક વટેમાર્ગુ નીકળે છે ક્યો માણસ ક્યે ગામ જાય છે એટલુંય પૂછ્યા વગર સહુને કહે છે, “ભાઇ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય; ત્યાં ઊભી ઊભી હું એની વાટ્ય જોઇશ!”

વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતાં જાય છે કે “ફટક્યું લાગે છે!”

સોમવારે બપોરે લૂગડાંનો ગાંસડો લીધો, “મા, હું ધોવા જાઉં છ.”

માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવાં ઊજળાં લૂગડાં ધોઇ, માથાબોળ નાહી, લટો મોકળી મેલી, ધોયેલ લૂગડાં પહેરી, ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની હાલ્ય જ અછતી નહીં રહે; એ તો હાથી જેવા ધૂલના ગોટા ઊડાડતો ને દુહા ગાતો ગાતો આવશે! નહીં આવે? અરે, ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને! કેટલા બધા સંદેશા! સૂરજ નમવા મંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઊતરવા લાગ્યા. તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા, ગૌધન ગામમાં પહોંચ્યું. ધૂનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ-પાંદડાને જંપવાની વેળા થઈ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો. અરેરે, નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું! એને મારી જરાય દયા ન આવી?

“રૂપી! રૂપી! રૂપી!” એવા સાદ સંભાળાણા. રૂપી ચમકી: ‘કોના સાદ? નથુના? ના, ના, આ તો ગામ ભણીથી આવે છે.’ સાદ ઢૂકડા આવ્યા. ‘આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે.’

‘નથુ, તેં તો મારી સાતમ બગાડી! અરે, ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા! પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકરશું.’

“રૂપી! રૂપી! રૂપી!” ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુબ્બાંગ! દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો.

“રૂપી! રૂપી! રૂપી!” પોકારતી મા ધૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતાં હતાં કે ‘રૂપીની મા! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો!’

-ઝવેરચંદ મેઘાણી.

જખ્ખબૌંતેરા

Standard

🚩જખ્ખબૌંતેરા🚩

ધરા કચ્છને જખદેવની ધોડલે શોભે છે અસવારી,

ઘોડલે ધોડલે ધજા ફરકે,નમન કરે છે નરનારી.

કચ્છની શુરવીર ધરતીપર નખત્રાણા તાલુકાનું અણગોરગઢ નામક એક શહેર હતું. એ શહેરની ગાદીપર મોડ વંશનો જામ લાખા ફુલાણી નામનો રાજા રાજ કરતો હતો.લાખાને ધાંઆ નામનો એક સહોદર ભાઇ પણ હતો.તેને સંતાનમાં એક માત્ર પુત્ર હતો તેનુ નામ પુઅંરો હતું.

જે તું મછીંન મારીએ,મેલો રખી ન મન,

પેં થીને તું પુતરજો, આંગણ ઝીઝો અન્ન.

જામ લાખા કુલાણીના ભત્રીજો જામ પુઆંર ના વખત માં તેની રાજધાની પધ્ધર ગઢના પશ્ચીમે અને વોઘડી નદીના કિનારાની બાજૂમાં આવેલ ભેખડોમાં ચમત્કારી સાત ૠષીયો તપસ્યા કરતાં હતા અને લોકોના દુ:ખ-દર્દ દુર કરતા.આ ઋષીઓએ સંઘારકોમના લોકોને પોતાના ભક્ત અને તેમના ઇષ્ટદેવ શીવ અને બૌંતેર યક્ષદેવોના અનુયાયી બનાવ્યા. એ ઋષીયોના રહેઠાણ પાસેની વાધોડી નદીમાં એક માછી દરરોજ માછલા પક્ડવા આવતો.આ માછીને ત્યાં કોઇ સંતાન ન હોવાથી એક દિવસે આ માછી દંપતી સંતાન પ્રાપ્તીની મનોકામના સાથે તપ કરતા સપ્તઋષીની શરણમાં ગયા અને તેમના પગ પક્ડી સંતાન માટે પ્રાથના કરી. તેને ઋષીએ જણાવ્યુ કે “જો તું માછલા મારી જીવ હત્યાનો વ્યવસાય નહી કરે તો તને પુત્ર પ્રાપ્તી થશે અને અન્ન-વસ્ત્ર પણ પુષ્ક્ળ મળશે.” માછીએ તે દિવસથી માછલા ન મારવાની પ્રતિજ્ઞા લીધી. સમય જતા તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ઋષીઓના આ ચમ્તકારની વાત વાયુ વેગે પ્રસરી. આ વાત વેહતી વેહતી પુંઅરાના કાને પોંહચી.

રાણી રથકે જોડેઓં,આવઇ રખીએં વટ્ટ,

વીયા વધાઇયું મું ડેઓ,ત માણક ડીયા ભટ્ટ.

અસીના એડા ઓલીયા,જે ડીયું બે કે બાર,

ઇ નીયા ઉતે થીએ, સાહેબ જે દરબાર.

રાજૈ પુઅરે જામકે, ચઇયું ગાલયું ચાર,

મોઆણી તે મેર કઇ,અસાં કઇ નાકાર

પધ્ધર ગઢમાં જામ પુંઅરાને ત્યાં પુત્રની ખોટ હતી. પુઅરાની રાણીએ જ્યારે ૠષીદેવોના ચમત્કારની જાણ થઇ ત્યારે તેને પણ આ દેવોનું શરણું લેવાની ઇચ્છા થઇ. રાણી રથ જોડાવીને ઋષીઓ પાસે પોંહચી ગઇ અને ઋષીમુની પાસે સંતાનની માગણી કરી અને કહયુ કે, “મને પુત્ર પ્રાપ્તી થાય તો તમોને અમુલ્ય હીરા-માણેકની ભેટ ધરીશ.” ઋષી બોલ્યા “બેટા તું શાંત થા અમે કોઇ મુંડા કે ઠગો નથી, જો અમારી પાસે બાળકો ના વગ હોય તો હમણા જ તને ઝીલીકક્ડ કાની ઉખતી, કાની કેઓ ઠકા,\nપુંઅરો વેંધે પાટતેં, છીપર થઇ મથા.\n»»{ક્ક્ડ જખે મારેલુ બાણ છીંપર પર વાગતા તે છીંપર પુંઅરો નાહવા બેઠોતો તેના માથે પડી}«ને તેમાંથી આપી દઇએ.પુત્ર પ્રાપ્તી પુર્વ જ્ન્મના પુણ્યના ફ્ળ સ્વરુપે થાય. માણસ કર્મબંધનમાં બંધાયેલ છે.” ટુકમાં કે રાણીના નસીબમાં સંતાન પ્રાપ્તીનું સુખ હતું નહી.ઋષીની વાત સાંભળી રાણી નીરાશ હ્રદયે રાજ મહેલ પાછી આવી. ઋષીઓના પક્ષપાતની રાજાને ખુબ જ ક્રોધ આવ્યો એને રાજા પુંઅરે સાતે ૠષીઓને પક્ડી લવી કારગ્રુહમાં ઘકેલી દીધા.ઋષીઓ રાજાની ધાક્ધમકીથી તે ડર્યા વગર પોતાની વાત પર અડગ રહયા. આથી ક્રોધે ભરાયેલા રાજાપુંઅરે ઋષીઓને સજા આપવા માટે તેને કાંસાની ઘાણી બનાવવીને કાંટાળા ગોખરુ પર તેમને બળદની જેમ ફેરવવા માડયા.આવી રીતે પોતાના પુજ્ય ઋષી પર અત્યાચાર થતા જોઇ સંધારો રાજા પાસે જઇ ઋષીઓને બંધન મુક્ત કરવા વિંનતી કરી. સંધારો પણ રાજાના સેવક હોવાથી તેને પણ પુંઅરાએ પોતાના ક્બજામાં લઇને કારાગારમાં ધકેલી દીધા અને ધણા સંઘારોનો સંહાર કર્યો તો કેટલાક ઉપર અત્યાચારની અતિવૃષ્ટી કરવા લાગ્યો.તદઉપરાંત તાંબાના પતરા તપાવી સંધારો ને ચલાવ્યા અને ઉક્ળતા તેલમાં સાંવરણીઓ બોળી સંઘારોના વાંસે છંટાવી, અત્યાચારો અને શારીરીક તક્લીફોથી મૃતઃપાય જેવા થઇ ગયેલા સંઘારોએ ચીત્કાર કરતા બોલ્યા “હે પુંઅરા અમારા જેવા રંકોની હાયને તું સાંભળતો નથી પણ અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ અને જખ્ખદેવો તારો વિનાશ કરી નાખશે તું રાજસતા ભોગવી નહી શકે.” કેટલા દિવસો સુધી પુંઅરાએ આમાનુસી અત્યાચાર ચાલુ જ રાખ્યા.

અસીં મલક રૂમસામજા, વડા અસાંજા વીર,

છોડે કો હલડી મિંજા,ત અચેં અસાંજા પીર.

»»{ભાવાર્થઃ અમે રૂમશામના છીએ.અમારી સંભાળ લેનાર મહાન વિરો છે.પણ જો આ હક્ડી માંથી અમે છુટીએ તો જ અમારા દેવો ને અમે બોલાવીએ.}

ક્નેં પાએ કુંકરા, ધરસ બુરાયમ ધાં,

રેઆ રાજ અઘાં,અસાં કો ન આવેઓ.

ક્નેં પાએ કુંકરા, લખાડી ચડીઓ;

બૌંતેર જખ ભેંરા થીઆ, પિંઢમે ધાટ ઘડયો.

આવો જુલમ અને ક્રુર સજા જોઇને રાજાના જાંભીયા નામના એક હજામને તેઓ પર દયા આવી.તેણે ‘ભીખધરસ’ નામના એક ઋષિને પોતાનો પોષાક પહેરાવી તેની જગ્યાએ ઘાણીમાં જોડાઇ મુક્તા કર્યા. મુકત ઋષિએ લાખાડી નામની ટેકરી પર ચડીને બંને કાનોમા આંગળા ભરાવી પોતાના ઉધારક એવા ભોલેનાથ શંકરનો આરાધ કર્યો. ભોળાનાથ શીવે પોતાના ભક્ત એવા ઋષી નો આંક્રદ સાંભળી લીધો અને પોતાના તેજ સ્વરુપ એવા બૌંતેર યક્ષદેવો ને છોડયા. આ બૌંતેર યક્ષો અને તેમની બહેન સાંયરી કચ્છની પવિત્રધરાના જખૌ બંદર નજીક સૌપ્રથમ પ્રગટ થયાં. જે પરથી આ બંદરનું નામ જખૌ પડયું. બૌતેર યક્ષ દેવોને કચ્છી લોકો જખદેવ કહે છે. આ બૌતેર યક્ષ દેવો વીર,ઘીર, શિસ્તબદ્ધ,અતુલ્ય બળશાલી તેમજ દિવ્ય તેજસ્વી હતા.

સચી સાંયે જખજી, અચી વરતાણી આણ,

રૂમ સામ સુરતાણ, બૌંતેર બેલીડે ધણી.

»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના સુલતાન સાંઆ જખની આણ સઘડે ફરી વળી}«

બૌંતેર બેલીડેં ધણી, રૂમસાંમ જોં રા,

સેવક સંગારા,સાઉં ગરીબેં સાય થીએ.

»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના રાજા સાંઓ જખ,જેના સેવકો સંઘાર લોકો છે જે સદાય ગરીબો ની સહાય થાય છે}«

ઝંઢીએ મથે ઝંઢા, પેરણ પટોરા,

તાંસરીએં ખીર પીંએ,જેંજા રખી પુજાર.

»»{ઝંડીઆ જખ ઉપર વાળના ગુચ્છ છે અને તે પટોળા ધારણ કરે છે,તેના જાજા પુજારી તાસળી ભરીને ખીર પીવરાવે છે}«

જખૌ બંદરથી આ જખ્ખબૌંતેરા નનામી ડુંગર પર આવ્યા પરંતુ નનામો ડુંગર તેમનો ક્રોધ સહન ન થતા નમી પડયો.ત્યાંથી તેઓ ધ્રબવા ડુંગર પર આવ્યા પણ ધ્રબવો પણ તેનો ક્રોધ ઝીલી ન શક્તા ધ્રુજવા લાગ્યો.પછી તેઓ ભાંગભાંગ નામની ટેકરી પર આવ્યા. તે ટેકરી પણ તેમનો ભાર સહન ન કરી શક્વાથી ભાંગી પડી,પછી તેઓ લાખડીયા ટેકરી પર અને પછી અધો છીણી પર આવ્યા, પણ એમાનુ એક પણ સ્થળ તેમને બરાબર યોગ્ય ન જણાતા આખરે તેઓ પધ્ધરગઢની પશ્ચિમે એકાદ માઇલને અંતરે આવ્યા.એ સ્થાન તેમને સર્વ રીતે યોગ્ય જણાવાથી તેમણે ત્યાં જ પોતાનું સ્થાન બનાવ્યું.બહેન સાંયરી ખુબજ ચપળ,ચાલાક અને અત્યંત કાર્યકુશળ હતા. તેને પધ્ધરગઢની તેમજ રાજા રાણીની માહીતી મેળવવા મોક્લ્યા,થડીજ વારમાં સાંયરી જીણવટપુર્વક બધી જ માહીતી એક્ઠી કરી લાવ્યા.

કક્ડ કાની ઉખતી, કાની કેઓ ઠકા,

પુંઅરો વેંધે પાટતેં, છીપર થઇ મથા.

»»{ક્ક્ડ જખે મારેલુ બાણ છીંપર પર વાગતા તે છીંપર પુંઅરો નાહવા બેઠોતો તેના માથે પડી}«

આમ જખ્ખબૌંતેરાએ યોદ્ધાઓની જેમ સેના સ્વરૂપે પઘ્ઘરગઢની સામે જ આવેલી કકડભટ્ટ નામની ટેકરી ઉપર મુકામ કર્યા.આ ટેકરીનું નામ કકડભટ્ટ એટલા માટે પડયું કે બૌતેર યક્ષ દેવોમાં ‘કકડ’ નામે એક બાણધારી યક્ષ યોદ્ધા હતા. બીજે દિવસે પુંઅરો નાહવા બેઠો ત્યારે આ કક્ડ નામના યક્ષ દેવે બાણ દ્ધારા જામ પુંઅરાના મહેલના સ્નાનાગારની શિલાનો ધ્વંશ કર્યો. આ સમયે જામ પૂંઅરો સ્નાન કરવા કુંડમા પડયો હતો, ઉપરથી શિલા પડતાં તેના નીચે દબાયેલા ક્રુર રાજવીનુ રીબાઇને મૃત્યુ થયું અને સંઘારો તથા ઋષીઓને પુંઅરાના ત્રાસ માંથી મુક્ત કરી જખ્ખબૌંતેરા અદ્રશ્ય થઇ ગયા.પછી લોકો કક્ડભટ્ટ નામની ટેકરી પર તેમના પ્રતીક સ્વરૂપ બૌંતેર મૂર્તીની પ્રતીષ્ઠા કરીને તેમની પૂજા કરવા લાગ્યાં.

ત્યાર બાદ સન્ ૧૫૦૩ માં ભુજ શહેરની સ્થાપનાં ના વખતમાં ભુજના રાજા બિમલજી, રાવો શ્રી બીજા બેશલજી બિરાજમાન હતા. તેમની પાસે બારોટ હરીશંગ મંત્રી હતા. બારોટનો નિયમ હતો કે નિત્ય ભુજમા બિરાજમાન ૭૨ યક્ષદેવના સ્થાનમાં જઇ સેવાપુજા કરી ને બે ઘડી ઘ્યાન ઘરી દાદાના આર્શીવાદ લીધા પછી જ તેનો રોજીંદો કારભાર સંભાળતા.રાજા રોજ નિહાળતા-વિચારતા કે એવું તે શું વિશેષ હશે કે બારોટ ત્યાં ગયા વગર કામે ચડતા નથી.જેની ખાત્રી કરવા રાજાને શંકા પડતા જખદાદાએ બારોટની પ્રાથના સાંભળી ગેબી અવાજ કરી આદેશ કર્યો કે તું નિશ્ચિત સુઇ જા સવારે બૌંતેર નામ તારી પથારી નીચે મલશે. આમ છતા બારોટજી એ આપેલ નામ માન્ય ન રાખતા છેવટે રાજાને દાદા એ પરચો (ચમત્કાર) બતાડયો. બીજે દિવસે પરોઢ ના રાજા ઉઠીને ઝરોખામાં આળસ મરોડતા હતા ત્યારે અચાનક આકાશ તરફ નજર જતાં રાજા અવાક બની ગયા સામેથી ૭૨ ઘોડે સવારો લાઇનસર જતાં દષ્ટિ ગોચર થયાં આશ્ચર્ય તો એ વાતનુ હતું દરેક ઘોડેસવાર પર નામ પણ અંકિત કરેલા હતા. તે નત મસ્તકે નમન કરી રહયા. તેણે બારોટની પીઠ થાબડી કહે તમે ખરા ભગત, અને તારા યક્ષદાદા ખરેખર પુજનીય હવે હું પણ એમનો ભગત બસ!. આ ઘોડેસવારોને રાજાએ જયાં ઉતરતાં અને પડાવ નાખતા જોયા ત્યાં (હાલનુ માધાપરનુ સ્થળ) ટેકરી પર રાજાએ મંદિર બંધાવ્યુ. અને ૭૨ યક્ષદેવોની સ્થાપના કરી અને ભાદરવાના બીજા સોમવારે ત્યાં મેળાનું આયોજન કર્યુ. એ પરંપરા એમણે ચાલુ રાખી જે આજે પણ ચાલુ છે. રાજા સહ પરિવાર પ્રજા સાથે હાજર રહેતા આમ શ્રી માધાપર જખદાદાની સ્થાપના ની શરૂવાત થઇ.

શ્રી બૌતેર યક્ષની નામાવલી

૧ સાંઉ.૨ બેરીઓ.૩ ઝંડીયા.૪ સીણાગરી.૫ સાઊપુરી.૬ દેવપુરી.૭ સાંયરી.૮ દાતાર.૯ કંઠેરો.૧૦ વેકડશેન.૧૧ મેખાયલ.૧૨ મહુંપાડ.૧૩ જખદેવ.૧૪ ઊભદેવ.૧૫ ઊભેવાન.૧૬ આદજખ.૧૭ શત્રરણ.૧૮ શેષનાગ.૧૯ આંલીયા.૨૦ રતન.૨૧ સીધ્દાંત.૨૨ પદમનાગ.૨૩ શેષનાગ.૨૪ મહેશ્વરી.૨૫ મકડ.૨૬ કકડ.૨૭ સીધ્દ.૨૮ શહાડ.૨૯ મહાડ.૩૦ મેદો.૩૧ અમર.૩૨ પીંગલ.૩૩ શાહ.૩૪ જમુટ.૩૫ બલુગ.૩૬ વીશોત.૩૭ વ્યાસગુરુ.૩૮ યશગુરુ.૩૯ વછેરાજ.૪૦ એલાખ.૪૧ બેલાખજખ.૪૨ હાજત.૪૩ મહુત.૪૪ સીધારથ.૪૫ સમંરચ.૪૬ ભરત.૪૭ ઊત્તમસેન.૪૮ પ્રતાપી.૪૯ ગોપાલ.૫૦ ભુપાલ.૫૧ ઉથાપ.૫૨ ગંગેશર.૫૩ હ્થારણ.૫૪ ઘરમ.૫૫ ગોતમરાજ.૫૬ બુધ્દવંત.૫૭ તેજવંત.૫૮ મકર.૫૯ પદારથ.૬૦ ધજાબંધ.૬૧ રમખાણ.૬૨ નકલંકી.૬૩ ભગવાન.૬૪ સુરચંદ.૬૫ વીરચંદ.૬૬ આણંદ.૬૭ સઘીરચંદ.૬૮ અકલ.૬૯ અગોચર.૭૦ આદનાથ.૭૧ અવીચલ.૭૨ સચોજખ્ખ
૭૩.બહેન સાંયરી

બાણકોટ

Standard

બાણકોટ

પં. ડો. હિતેષ એ. મોઢા

મિત્રો, મહારાષ્ટ્રનુ નામ દુર્ગરાષ્ટ્ર અથવા દુર્ગાલય હોવુ જોઈએ. કારણ મહારાષ્ટ્રમાં ભારત જ નહિ આખા વિશ્વના સૌથી વધુ ગઢ (દુર્ગ-ફોર્ટ-ફોર્ટીસ) ધરાવે છે.
આજે ચર્ચા કરવી છે, મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારની (પાલઘરથી સિંધુદુર્ગ સુધી) તેમાં પણ માલવણ વિસ્તાર યાને રત્નાગીરીથી સિંધુદુર્ગ. આ વિસ્તાર પશ્ચિમ ઘાટ યાને સહ્રાદ્રિ પર્વતમાળા ની શૃંખલામાં આવેલ છે. સાતપૂડાથી લઈ ને છેક કેરાલા તામિલનાડુ સુધી આ સહ્યાદ્રિ પ.માળા વિસ્તરેલી છે. ભારતનું ૪૦ ટકા વરસાદી જલ ક્ષેત્ર એટલે આ પર્વતમાળા. આ પર્વતમાળામાંથી મોટા ભાગની નદી પશ્ચિમેથી પૂર્વ તરફ ધીમી વહે છે, જેમ કે ગોદાવરી, કાવેરી, કૃષ્ણા જેવી મોટી નદી. એ સિવાય તેની પેટા નદી ને ઉપનદીઓ અને નાની નાની નદીઓ. જયારે અહિ બાણકોટની ઉતરે સ્થિત નદી સાવીત્રી મહાબળેશ્વરથી નીકળીને રાયગડ થઈ પશ્ચિમ તરફ વહી હિંદ મહાસાગરમાં મળે છે.

આ બાણકોટ દાપોલી રત્નાગીરી ખાતે આવેલો છે. હાલ ખંડીત અવસ્થામાં ઊભો છે, એક તરફ નદી અને દરિયો ખાડી…. આ કોટ કે દુર્ગની સ્થાપના ઈ.સ. પૂર્વે ૧૦૦૦ આસપાસ થઈ છે, ગ્રીક ઈતિહાસ તથા ટોલેમી રચિત ઈતિહાસમાં આ દુર્ગનો ઉલ્લેખ છે, આનુ સ્થાપત્ય પણ અનુપમ છે. જેમાં અંડર ગ્રાંઉડ ટનલ. પણ છે. જે દરિયામાં કે અન્ય સ્થળે નીકળે છે, હાલ તો બંધ થઈ ગઈ છે. આ દુર્ગ ઈ.સ. પૂર્વે નિર્માણ પામેલ છે, જે આ લેખનું બીજ બન્યો, આ સિવાય અનેકોનેક દ્રુગ છે જે ઈસા પૂર્વેના છે, રત્નાગીરી જીલ્લામાં ફકત ૧૫ જ દુર્ગ આવેલ છે, છતાં તેને ભારતનુ સ્કોટલેંડનું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહિ લાગે. આ ન ફાવે તો સ્કોટલેંડને ઈંગ્લેંડનુ રત્નાગીરી કહેવું. આ ગઢ (ઉતરે) સાવીત્રી નદીના બેઝિન પર સ્થિત છે, નદીના સામે કાંઠે શ્રીવર્ધન જીલ્લાની હરિહરેશ્વર બીચ. પશ્ચિમે હિંદી મહાસાગર, પશ્ચિમ દક્ષિણે, ત્રણ કિમીના અંતરે કેળશી બીચ. કાસવ (કાચબા)પ્રજનન કેંદ્ર ત્થા પાંચ કિમીના અંતરે વેલાસ બીચ, એથી થોડુ આગળ વધીએ ભારજા નદી. નદીના ગઢથી. દાપોલી, તેમજ આ સહ્યાદ્રી પર્વતમાળાનો વિસ્તાર દરિયાઈ સપાટીથી સરેરાશ૮૦૦ ફુટની ઊંચાઈ પર આવેલ છે, આથી વાતાવરણ માફક હોય છે, આ કારણથી બ્રીટીશર્સ મીની મહાબલેશ્વર તરીકે પણ ઓળખાવતા હતાં.

અહિ મોટા ભાગના કોટ સમુદ્ર કિનારે પ્લટઔ પર કે બેઝીન, કે કિનારે આવેલ નાના દ્વિપ પર બનેલા છે, ગઢ પરથી સમુદ્ર દર્શન એટલે નિજાનંદ રૂપી રત્નાકરમાં સમાધિ!!!!!!!આહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હાહાહા દુર ક્ષિતિજ સુધી લહેરાતું નીલ રંગી પાણી…….

મિત્રો આ માલવણ વિસ્તાર અલગ સ્વભાવ, વ્યક્તિત્વ, ધરાવે છે, તેનુ માધુર્ય એટલે અહિની પ્રખ્યાત કેરી, પાણી, લાલ પત્થર, વિશ્વખ્યાત કાજુ. દુર્ગ, સહ્યાદી પર્વતમાળા તથા તેનું લાવણ્ય એટલે અહિનું વ્યંજનશાસ્ત્ર યાને માલવણી વ્યંજનને તાજ ગૃપ ઓફ હોટેલ્સના મેનુમાં સ્થાન મળ્યુ છે. આ વિસ્તારનું પાણી વ્યંજન, કેનિંગ કે પેકીગ ફૂડ. તેમજ યિષ્ટ સુરા માટે શ્રેષ્ઠ છે. અહિથી મળેલા રત્ન વિશેષ એટલે મહર્ષિ કર્વે, વિનોબા ભાવે લોક માન્ય તિલક, ડો આંબેડકર.

અપૂર્ણમ-સંપૂર્ણમ

જય ભારત જય આર્યવર્ત
॥ અસ્તુ ॥

પં. ડો. હિતેષ. એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ,
આર્ય જ્યોતિષ ગૌરવ પુરસ્કૃત
ત્રીપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ RD ચેંબર્સ છાંયા ચોકી, પોરબંદર
સેલ નંબર – 9879499307
http://www.ishanastrovastu.com
http://www.ishanastovastu.blogspot.com