Monthly Archives: April 2019

“મેઘલી રાત્રીની ડોક્ટરની વિઝીટ”

Standard

“મેઘલી રાત્રીની ડોક્ટરની વિઝીટ”

શાહનવાઝ મલીક “શાહભાઈ” દસાડા..

ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો શુનકાર રાત્રીમાં કેટકેલાય અવનવા અવાજો સંભળાતા હતા, વીજળી ઊંડે ઊંડે ઝબુકી જતી હતી અને દૂર સુદૂર ધીમો ગડગડાટ સંભળાતો હતો, વીજળી થાય ત્યારે આજુબાજુ બેઘડી માટે અજવાળું પથરાતું અને પછી ઘુપ્પ અંધારું છવાઈ થઈ જતું,

આવી મેઘલી રાતે એક બેચેન આદમી ડૉક્ટરના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો અને માથાના વાળ પરથી પાણી ઝટકતો હતો, મોઢે હાથ ફેરવી ઉચ્છવાસ છોડતો હતો હવેતો કંટાળીને એણે દરવાજા પર લાત મારી દીધી અને ભેંકાર રાત્રીમાં એ દરવાજા પર લાગેલી લાતના પડછંદા પડઘા પાડી રહ્યાં,

એને લાગ્યું કે અંદર કઈંક સળવળાટ થયો એણે દરવાજા પર કાન લગાવ્યા અને અંદરથી ધીમો ધ્રૂજતો અવાજ આવ્યો કોણ? એણે કહ્યું કે મારી દીકરીની તબિયત ખરાબ છે પુરા દિવસો ચાલે છે અને અત્યારે એને દુખાવો ઉપડ્યો છે, હું ડોક્ટરને લેવા આવ્યો છું, દરવાજો ખુલ્યો અને એને અંદર આવવા કહ્યું, ડોકટરે પડીકીમાં દવા આપી અને કહ્યું કે આવી વરસાદની રાતમાં હું ક્યાંય વીઝીટમાં જતો નથી, તમે આ દવા લઈ જાઓ એનાથી દુખાવામાં રાહત થઈ જશે, સવારે આવજો હું આવી જઈશ,

પણ પેલો બાપ દુઃખી હતો અને ડોક્ટરને કોઈપણ કિંમતે લઈ જવાનું નક્કી કરીને આવેલો હતો, ડોકટર નજર મિલાવતા નહોતા એણે ડોક્ટરની ઠુડી પકડીને ચહેરો ઊંચો કર્યો અને એની આંખો જોઈ બસ ખલાસ કઇં પણ બોલ્યા વગર ડોકટર અંદર ગયા અને વિઝીટમાં લઈ જવાતી ચામડાની બેગ લઈને બહાર આવ્યાં અને પગમાં કંઈ પણ પહેર્યા વગર એની સાથે ચાલી નીકળ્યાં અને દરવાજો બંધ કરવાનું પણ ભૂલી ગયા,

કેટલુંય ચાલીને ડોકટર થાક્યાં અને એક જગ્યા પર ઉભા રહી બન્ને હાથ ગોઠણ પર મૂકી વાંકા વાંકા હાંફવા લાગ્યાં, પેલો ઘણો આગળ નીકળી ગયેલો પાછળથી કંઈજ અવાજ નહીં આવતા એણે પાછું વળીને જોયું અને ડોકટરતો ક્યાંય ઉભેલા હતા એ પાછો આવ્યો અને ડોક્ટરને નાના બાળકને ગોદ કરે એમ ઉઠાવીને ચાલતો થઈ ગયો, ડોકટર પણ એની અમાનવીય શક્તિથી અવાક થઈ ગયાં,

ડોક્ટરને ખાસ ખબર હતી કે ગામનો ઝાંપો ક્યારનોય ચાલ્યો ગયો હતો હવે આગળ કોઈ ઘર નહોતાં તો હવે આ જણ મને ક્યાં લઈ જતો હતો શું કરવાનો હતો, ડરવાનો વારો આવ્યો, અને પેલો તો ડોક્ટરને ખભે બેસાડ્યા પછી ખુબજ ઝડપી ચાલે ચાલી રહ્યો હતો લગભગ દોડીજ રહ્યો હતો, ડોકટરે એના લીલા વાળ જકડી રાખ્યા હતા અને નીચે ના પડી જવાય એવી રીતે એના પડખામાં પગ દબાવીને આંખો બંધ કરી લીધી,

છપાક છપાક વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં એના પડતા પગલાં સંભળાતા હતા અને આછી વીજળી અને ધીમા ઉંડે થતાં ગડગડાટ સિવાય રાત સુમસાન હતી અને કેટલુંય ચાલીને એણે એક જગ્યા પર ડોક્ટરને નીચે ઉતાર્યા, ત્યાંજ વીજળી ઝબુકી અને એટલા બેઘડીના અજવાળામાં ડોકટરે ધ્યાનથી જોઈ લીધું કે એ કબ્રસ્તાનમાં હતાં અને ચારે તરફ ભયંકર શાંતિ છવાયેલી હતી ડોકટર બોલવા માંગતા હતા કશુંક પૂછવું હતું પણ અવાજ સાથ આપતો નહોતો ગળું ખંખેરવું હતું પણ શરીર કોઈ પ્રતિક્રિયાજ નહોતું આપતું,

પેલાએ એક કબર પરથી મોટી સલાટ હટાવી અને બેગ લઈને અંદર ઉતર્યો ડોકટર પણ અનુસર્યા અને થોડાક પગથિયાં ઉતરીને એ એક ચોખ્ખા ઓરડામાં આવ્યાં, એક બાઈએ એ ડોક્ટરને ટુવાલ આપ્યો અને ડોકટર એમનું પલળેલું માથું લૂંછવા લાગ્યા જુનવાણી એન્ટિક ફાનસના આછા અજવાળામાં એની દીકરી કણસતી હતી વૈભવી પલંગમાં એ સૂતી હતી, કુરશી લગાવીને ડોક્ટરને બેસાડયા અને સામે ટીપોઈ મૂકીને એમની બેગ મૂકી,

ડોકટર મગજ બંધ કરીને બસ એમના કામ પર ધ્યાન પરોવી રહ્યા હતાં એમને જરાપણ પરિસ્થિતિ સમજાતી નહોતી અને સમજવી પણ નહોતી બસ આ લોકો જે ચાહે એ કામ પતાવીને અહીંથી જીવતા નીકળી જવાય એટલે ભગવાન નો પાડ માનવો,

એમણે ગરમ પાણી માંગ્યું અને બે ઇન્જેક્શન આપ્યાં થોડી વાર રાહ જોઈ અને એ દીકરીની માં ને મદદ કરવા જણાવ્યું દુન્ટીના ભાગેથી જોર મારવાનું કહી એમણે એક નાના બાળકને માથા વડે પકડીને ખેંચ્યું અને હાશકારો થઈ ગયો,

પેલી દીકરી શાંત થઈ ગઈ ડોકટરે રુ વડે બાળકને સાફ કર્યું અને સાફ સુથરા કાપડમાં લપેટીને એની માની બાજુમાં સુવડાવ્યું અને એમના હાથ અપને આપ એ દીકરીના કપાળે મુકાઈ ગયો બસ બેટા હવે કોઈ ચિંતા નહીં,

કેટલીય સ્ત્રીઓ ભેગી થઈ ગઈ પણ વાત નહિવત થતી હતી ભાષા પણ ડોક્ટરને સમજાતી નહોતી, વરસાદમાં પલળેલા ડોકટર ધ્રુજતાં હતાં, એમને કોઈએ ઇશારો કર્યો એ જડવત આગળ વધ્યા એક હુંફાળા ઓરડામાં લઇ જઇ એમને કપડાં કઢાવીને ગરમ રજાઈ અપાઈ અને એ ઓઢીને કડકડતાં દાંત સાથે ઘુસી ગયા,

થોડીવારમાં ચીલમચી અને બદનો લઈને એક છોકરો આવ્યો હાથ ધોવડાવીને ફરી નવો ટુવાલ અપાયો, બધુજ વૈભવી હતું વાસણો પણ રજવાડી આવતા હતાં અને પલંગ પણ રાજાશાહી હતાં ઓરડામાં રાચ રચિલું તમામ કોઈ બાદશાહોના ઘરમાં હોય એવું હતું, હમણાંજ પેદા થયેલું બાળક હવે રડતું બંધ થઈ ગયું હતું અને એક સુંદર થાળમાં મીઠાઈ આવી, ડોકટર ને મધુપ્રમેહ હોઈ ગળ્યું ખાતા નહોતા પણ દીકરીના બાપે આગ્રહ કરી એક કટકો લેવા કહ્યું અને એક કટકો ખાતાં ડોકટર અકરાંતિયાની જેમ તૂટી પડ્યા,

જિંદગીમાં આવી મીઠાઈ જોઇજ નહોતી તો ખાવાનો તો સવાલ જ નહોતો, હવે ડોકટર થોડા હળવા થવા લાગ્યા હતાં અને એના બાપને સવાલ કરવાની હિંમત કરી લીધી કે આપ અહીં આટલા દૂર કબ્રસ્તાનમાં કેમ રહો છો ? તો પેલાએ જવાબ આપ્યો કે ગામમાં પણ ઘણા રહે છે પણ અમારી પાસે અમારું પોતાનું ઘર છે એટલે કોઇના ઘરમાં જઈને રહેવાની જરુર નથી,

એણે કહ્યું કે તમારા દવાખાનેથી હું કેટલીયવાર દવા લઈ ગયો છું અને મને ખબર હતી કે તમે પ્રસૂતિના નિષ્ણાત છો એટલે હું તમને જગાડવા આવ્યો મારી ઉંમર સાતસો વર્ષની છે અને મારું સોળસો માણસોનું કુટુંબ છે બધા આ ગામમાં જ રહીએ છીએ, તમારે ડરવાની જરુર નથી, હવે ડોક્ટરને હાશકારો થયો અને એમણે રજા આપવા કહ્યું અને બીજીવાર ગમે ત્યારે જરુર લાગે બોલાવી લેવાનું કહીને ઉભા થયાં,

પેલો જણ અંદર ગયો અને કઈંક અજાયબ ભાષામાં એની પત્ની જોડે વાત કરી પાછો ફર્યો ડોક્ટરને ફક્ત એમની ભાષામાં નામ સમજાતા હતા, એની પત્ની એહમદ કહેતી હતી અને એ મરિયમ કહેતો હતો બસ આટલું સમજાતું હતું અને એ બન્ને બહાર નીકળ્યા વરસાદ રોકાઈ ગયો હતો અને ઝાંખું ચંદ્રમાનું અજવાળું ફેલાયું હતું, અને એણે ડોક્ટરને ખભે બેસાડી આંખ બંધ કરવા જણાવ્યું, ડોકટરે આંખ બંધ કરી અને એકજ મિનિટમાં તો એ એમના ઘરના દરવાજે હતાં,

એમણે દરવાજો ધક્કો મારીને ખોલ્યો અને એ આવજો હો કહીને પેલો અહેમદ બહારજ ઉભેલો અને દરવાજો બંધ કરી દીધો, પણ અહેમદ તો એમની સામે આવીને ઉભો થઇ ગયો, અને બોલ્યો કે ડોકટર મને કોઈ દરવાજો ના રોકી શકે પણ એ સમયે તમે મારું અસલી રુપ જોઈ લેતા તો જીરવી ના શકતા અને કદાચ તમારું મૃત્યુ થઈ જાય તો મારી દીકરી એની પ્રસવ પીડામાં મરી જાય એટલે હું ઇન્સાની પરિપેક્ષમાં તમને મળ્યો,

પણ હા હું અંદર આપને આપની ફી આપવા આવ્યો હતો અને આપનો અહેસાન કે આવી વરસાદની રાત્રે આપ મારા ઘરે આવ્યા અને મારી દીકરીની જિંદગી બચાવી, એણે ફરી દરવાજો ખોલ્યો એક ક્ષણ રહેજો એમ કહી બહાર નીકળ્યો અને લીમડાના પાંદડા તોડીને ડોકટરના હાથમાં મુક્યા અને કહ્યું કે ખિસ્સામાં મૂકી દો, ડોકટરે કોટના ગજવામાં પાંદડા ઠુસ્યાં અને અહેમદના જવાની રાહ જોવા લાગ્યા ચલો ખુદા હાફિઝ એમ કહી પેલો ગાયબ થઈ ગયો,

હવે ડોક્ટરને કઈંક હળવાશ થઈ અને મગજ કામ કરવા લાગ્યું જિન્નાતની કોમના બારામાં ખૂબ સાંભળેલું પણ આજે નજરે જોઈ લીધું અને એમની દીકરીની સુવાવડ પણ કરાવી,

પણ કેવી અહેસાન ફરમોશ કોમ છે શાલો બક્ષીસમાં લીંબડાના પાન આપીને ચાલ્યો ગયો, એમણે પહેરેલો કોટ કાઢી ખીંટી પર ટીંગાડીને પલળેલા કપડાં કાઢી ફેંક્યા અને નવી લૂંગી કાઢીને પહેરી એમની પત્નીને સુતેલી જોઈ રહ્યાં,

ત્રણ ગોળીઓ ઉંઘની ખાય ત્યારે એમની પત્ની સુઈ રહેતી અને પછી બેન્ડવાજા વાગે તોપણ ઉઠતી નહોતી અને એ પણ એમની પત્નીની બાજુમાં સુઈ ગયાં,

કોઈએ જાણે સ્વપ્નમાં ડોક્ટરને ધક્કો માર્યો અને એ નીચે પડતા બચ્યાં અને એમની આંખ ખુલી ગઈ એમની પત્ની કર્કશ અવાજે એમને જગાડી રહી હતી કે કેમ આજે આટલું બધું સુઈ રહ્યા છો દવાખાનેથી કમ્પાઉન્ડર બેવાર આવી ગયો અને કેટલાય દર્દીઓ પાછા ગયા હવે ઉઠો, અને ડોકટરે ઘડિયાળ સામે જોયું બપોરનો એક વાગ્યો હતો સફાળા પથારીમાંથી ઉઠ્યાં અને બાથરૂમમાં ઘૂસ્યા નાહીને કપડાં બદલીને એ નાસ્તાના ટેબલ પર આવીને બેઠાં,

ત્યારે એમની પત્ની બોલી કે કપડાં લીલાં હતા તો મેં ધોઈને સુકવી નાખ્યાં છે અને તમારા કોટના ખિસ્સામાંથી કઈંક અજાયબ ચીજ નીકળી છે રહો હું લઈ આવું એટલે ડોકટર થોડા ખિન્ન થયાં કે રાત્રેજ લીંબડાના પાન ફેંકી દીધા હોત તો અત્યારે આની બકબક ના સાંભળવી પડત, અને એમની પત્ની રૂમાલમાં બાંધેલી નાની પોટકી લાવીને નાસ્તાના ટેબલ પર મૂકી અને ડોકટરે ખોલીને જોયું તો લીંબડાના પાનનો કલર સોનેરી હતો હા પાન સોનાના હતા…….

તા.ક. મારા દાદીમા ના કહ્યા અનુસાર આ બાબત વિરમગામમાં ઘણાં વર્ષો અગાઉ બનેલી સત્યકથા છે….

લેખક-શાહનવાઝ મલીક “શાહભાઈ” દરબાર ગઢ દસાડા જી.સુરેન્દ્રનગર

એવું નથી કે મોટો માણસ ac ઓફિસમાં જ મળે ક્યારેક ધોમધખતા તાપ માં રોડ પર પણ મળી જાય…!!

Standard

એવું નથી કે મોટો માણસ ac ઓફિસમાં જ મળે ક્યારેક ધોમધખતા તાપ માં રોડ પર પણ મળી જાય..વિશ્વાસ ન આવતો હોય તો એક નજર કરી લો.

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો.

ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.

ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ‘ચેક અપ’ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!’

ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.

દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?

આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું.

શૂ-મેકરે કીધું ‘બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.‘પાંચ હજાર રૂપિયા.’ માણસે સપાટ ચહેરે કહી દીધું ‘પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.’

અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.

પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા ‘બેન આના પગમાં કંઈક ખોડ છે?’

સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બંને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી – ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.’

જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.

શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.

રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું ‘નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ…’

‘ના ભ’ઈસા’બ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.
પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી. શું કરવું? ક્યાં જવું?
કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!’

અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.
કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.

સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’
‘દીકરો છે?’

‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બે’ન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’
‘પણ જોજો હં, કામ બગડે નહીં…’
મોચી હસ્યો, ‘બે’ન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.

એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!’

ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા.

બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.’
પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું

‘ના, બે’ન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ…. ના… ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું – આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’
‘કેમ?’

‘બીજું કંઈ કામ નથી, બે’ન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!’ બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!

મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.

અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.

યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા… પણ તમે નિરાશ ન થશો, બે’ન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.’

અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ ‘નવાં’ બની ગયા હતા.
અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’
‘એક પણ નહીં.’ યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું ‘દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!

ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું.
ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે.

ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!
(સત્ય ઘટના)

– Dr. Sharad Thakar

Keep sharing…

કાષ્ઠકલાનું પ્રતીક પિત્તળ જડિત પટારા

Standard

કાષ્ઠકલાનું પ્રતીક પિત્તળ જડિત પટારા (Brass mounted wooden)

લોકજીવનની સાથે લોકકલા ઓતપ્રોત થઈ હોવાને કારણે લોકજીવન સદાયે કળાનું રસિયું રહ્યુ છે. ઘરમાં અને સમાજ જીવનમાં તથા માંગલીક પ્રસંગોએ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ એવા તો નમણા રૂપ એણે આપ્યા છે જે જોનાર બે ઘડી મન મોકળું કરીને બસ નિરખ્યા જ કરે.
આજે સંસ્કૃતિએ વિકાસની હરણફાળ ભરવા માંડી છે ત્યારે લોકજીવનમાંથી આવા ઘણાય પ્રતીકો વીસરાઈ ચુક્યા છે અથવા વીસરાતાં જાય છે. લોકસંસ્કૃતિનાં પ્રતીકો તરીકે જેણે મોખરાનું સ્થાન જાળવી રાખ્યુ હતુ તે પટારો આજે લોકજીવનમાંથી ભુલાવા માંડ્યો છે. અત્યારે તો લોકો સ્ટાઈલીશ તીજોરીઓ અને કબાટ વાપરતા થઈ ગયા છે. ગામડામાં વસતી કેટલીક જાતીઓ જેમણે પોતાની જૂની લોકરૂઢીઓ જાળવી રાખી છે ત્યાં એ આજે પણ ક્યાંક સચવાઈ રહ્યો છે.

◆ કાષ્ઠકલાનું બેનમૂન પ્રતીક

મજૂડાં અને ડામચિયાનો વપરાશ શરૂ થયો પછીથી લોકજીવનની જરૂરીયાતમાંથી ઉદૃભવેલુ પ્રતિક તે પટારો છે. જુનાં વખતમાં લોકો નાણાં, ઘરેણાં વગેરે જમીનમાં દાટી રાખતા. ધીમે ધીમે માનવીને એનાં ગેરલાભો જણાતાં તેણે આ બધી વસ્તુઓ મુકવા માટે નવુ સાધન શોધી કાઢ્યુ તે સાધન હતુ પટારો.પટારામાં ગાદલાં, ગોદડાં, આણા-પરિયાણાનો સામાન, ઘરેણાં તથા રોકડ નાણું મુકવામાં આવતુ.

◆ પટારાનું ઘડતર અને જડતર

પટારો એ ગુજરાતી કાષ્ઠકલાનું બેનમૂન પ્રતીક છે. ગુજરાતનાં સુથારો આખો પટારો લાકડામાંથી ઘડતા અને એના ઉપર એવુ તો આકર્ષક અને મજબુત જડતર કરતા કે ભલભલા ચોર અને લુંટારુઓ એને સહેલાઈથી તોડી શકતા નહોતા. પટારાની લંબાઈ 5 થી 7 ફૂટ અને પહોળાઈ 4 થી 5 ફૂટ જેટલી હોય છે. એનુ લાકડુ ન દેખાય એ રીતે અને ગીલેટવાળાં પતરાથી મઢવામાં આવે છે. પટારા સાગ, હરદળવો અથવા સાજડનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આગળનો ભાગ સીસમનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. પતરા પર રંગબેરંગી મોર, પોપટ, ચકલીઓ, ગણેશ, ઘોડા, વાઘ, હાથી, હરણ, ફુલ, કોડી, વેલ વગેરે જેવા પશુ-પક્ષી કે ફુલ છોડનાં ભાતપ્રતીકોથી સુશોભિત કરવામાં આવતા. અંદર રૂપિયાની વાંસળિયું મુકવાનાં નાના મોટા ખાના હોય છે. ગામડાનાં અભણ સુથારો આ પટારામાં એવા ચોર-ખાનાં બનાવતા કે રીઢો ચોર પણ ગોથું ખાઈ જાય.
પટારાની નીચે ચાર પૈડા હોય છે. જેથી તેને સહેલાઈથી હેરવી-ફેરવી શકાય. પટારો ઉપરથી ઉઘડે છે અને એનાં પાંદડિયું અને નકુચામાં ખંભાતી તાળાં વાસવામાં આવે છે.
આ પટારાની બાજુઓ સીધી હોય છે. તેના ઉપરનો ભાગ વળાંકવાળો હોય છે. બંને બાજુના ભાગ અને પાછળનાં ભાગને પિત્તળની પટ્ટીઓ વડે ફીટ કરી મજબુત કરવામાં આવે છે. પાછળનો ભાગ દીવાલ સામે હોય છે અને નીચેનો ભાગ ભોંયતળિયા પર આવતો હોય છે. લાકડાની ધારો, પિત્તળનાં પતરા, માથા વગરની ખીલીઓથી જોડવામાં આવે છે. પટારાને ઢાંકવા માટે તેની આગળ અર્ધગોળાકાર ભાગ હોય છે જે ‘પાવડીના’ નામે ઓળખાય છે.
પટારાની બાજુઓ ઉભા પાટિયાને ખીલાસરીથી જોડીને બનાવવામાં આવતા હોય છે. આ સામેના ભાગને સુથાર ‘દર્શનભંગ’ જેવુ સુંદર નામ આપે છે. જ્યારે બે બાજુના ભાગોને ‘બાજુના કરા’ કહેવાય છે. નીચેના ભાગને ‘તળિયુ’ કહે છે. આગળના ભાગને પિત્તળની પટ્ટીઓ મઢવામાં આવે છે.
પટારાના આગળનો ભાગ જેને દર્શનભંગ કહેવાય છે તેના પર ભાત પાડેલા બીબામાં ઢાળેલા ભાતપ્રતિકો પિત્તળના ચોરસ આકારો પર ‘સ્ટેમ્પીંગ’ કરવામાં આવે. તેમજ પટારાના કરાઓને પંચીંગ વડે કાણા પાડીને ઝીણી કારીગરી ઉપસાવવામાં આવે છે. આ રીતે અનેક ભાત, ભાતપ્રતિકો અને ઝીણવટથી કાપેલી કોરો વડે પટારાના બાજુઓને અલંકૃત બનાવવામાં આવે છે. જ્યારે આ કામ પુરુ થઈ જાય ત્યારે મીજાગરા, હાથા અને આંગળી ફીટ કરવામાં આવે છે જે લુહાર બનાવે છે. પટારાનાં લાકડાનું મુખ્ય કામ સુથાર બનાવે છે.
જેમ જામનગર,કચ્છ અને રાજસ્થાની બાંધણી, ઘોઘાનાં ઘોડલા, ગીરના દેશી બળદ, કાંકરેજની ગાયો, પાટણનાં પટોળા, સુરતની બારબંધવાળી બંગડી, હાલારનાં હાથીડા અને સંખેડા તથા મહુવાનું લાકડાકામ વખણાતુ કે વખણાય છે એમ ધોલેરા, ભાવનગર, મહુવા, બોટાદ, લીંબડી અને વીરમગામનાં પટારા ખુબ વખણાતા. એમાં ગુજરાતમાં પટારા ખરીદવા માટે ધોલેરા, ભાવનગર અને વિરમગામ તો ખુબ જાણીતા મથકો હતા. લોકો દુરદુરથી ગાડા જોડીને પટારા લેવા આવતા. આ પટારાની કિંમત થોડાક સમય પહેલા 500 થી માંડીને 5000 રૂપિયા જેટલી હતી જે તે સમયમાં ખુબ મોંઘી કિંમત ગણી શકાય. જોકે પટારાની કળામાં આજે ઓટ આવવા માંડી છે. જુના વખતનાં મજબુત પટારા અને એવુ જડતરકામ આજે તો ક્યાંક જ જોવા મળે.

લોકજીવનનાં ઘરની શોભારૂપ પટારા વિનાનું ઘર ખાલીખમ લાગતુ. રાજપૂત, ભરવાડ, કણબી, કાઠી, મેર, આહિર અને બીજી કેટલીક જાતીઓના ઘરોમાં નજર કરીએ તો બબ્બે પટારા જોવા મળતા. સામાન્ય રીતે બેઠક-ઉઠક માટે ઉપયોગમાં લેવાતા ઓરડામાં અવનવા આળેખોથી ઓપતી બે હાથ પહોળી અને વેત ઉંચી પેડલી ઉપર પટારા મુકવામાં આવતા તેના પર ત્રાંબા-પિત્તળના બેડાની માંડ્ય અને માંડ્ય ઉપર કલાત્મક માળી હોય છે.
પરણીને સાસરે જતી કન્યાને જુના વખતમાં આણમાં પટારો આપવામાં આવતો. આજે તો પટારાનું સ્થાન લાકડાનાં કબાટોએ અથવા સ્ટાઈલીશ તીજોરીઓએ લઈ લીધુ છે. તેમ છતા કેટલીક જાતીઓએ આ પટારાઓ સાચવી રાખ્યા છે. એક પટારો મારા ઘરે હમણા સુધી હતો પણ બહુ જુનો હોવાને કારણે તુટી ગયેલો.

◆ પાટુ રે મારી પટારો તોડ્યો

ઘણીવાર પટારાનો ઉપયોગ માણસને સંતાડી રાખવા પણ થતો. પટારામાં પુરીને દુશ્મનોને મારી નાખ્યાનાં દાખલા પણ નોંધાયા છે. સામાન્ય રીતે પટારો એટલો મજબુત હોતો કે જલદી તુટતો નથી પરંતુ બળિયા લોકોને તો એવા પટારા કોઈ વિસાતમાં હોતા નથી. સોરઠમાં વાવડી ગામનાં વીર રામવાળાએ તો આવો પટારો પાટુ મારીને તોડી નાખ્યો હતો. તે જ તેમની બહાદુરી બતાવે છે. રામવાળાનાં રાસડામાં પણ આવે છે કે-
“પાટુ રે મારી પટારો તોડિયો;
કંઈ વાગી છે ડાબા પગમાં ચૂંક
ઘેલી ગરના રાજા…”

આજે પણ ગુજરાતને ગામડે-ગામડે ચારસો-પાંચસો વર્ષ જુના પટારા ક્યાંક સચવાયેલા મળી આવે છે. આવા પ્રતિકોનો અભ્યાસ હાથ ધરાય તો લોકસંસ્કૃતિનાં રસિયાઓને ઘણી સામગ્રી હાથ આવે તેમ છે.

સંદર્ભ: લોકજીવનના મોતી, ખરક જાતીની કલા-સંસ્કૃતિ અને મારા દાદાની જાણકારી મુજબ.
✍ ચેતનસિંહ ઝાલા
——————————————————————

અટલ બિહારી વાજપેયી

Standard

અટલબિહારી વાજપેયી – અટલ બિહારી વાજપેયી કોઈ એક પક્ષના નહીં સમગ્ર દેશના નેતા હતા

ભારત એટલે રત્નોની ખાણ. એ રત્નો નહીં કે જે માત્ર ભૌતિક પદાર્થ હોય. ભારત એટલે માનવીય ગુણોનાં રત્નોની ખાણ અને એટલે જ તો આપણાં દેશની સરકાર આવા માનવીય રત્નોને શોધીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપે છે. આવા જ એક આપણા ભારતરત્ન.

અટલ બિહારી વાજપેયી. રાજકીય દૃષ્ટિએ સામાન્ય પ્રચલિત માહિતી જોઇએ, તો વાજપેયી એટલે એ નેતા કે જેમના વિશે દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ભવિષ્ય ભાખી દીધુ હતું કે આ યુવાન એક દિવસ દેશનો વડાપ્રધાન બનશે (અટલજી ૧૯૫૭માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા ત્યારે નહેરુ દેશના વડાપ્રધાન હતા. એવુ મનાઈ છે કે અટલજીની ભાષણ શૈલીથી નહેરુ એટલા પ્રભાવિત હતા કે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે આ યુવક એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે.)

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની દેવ કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.

પરંતુ વાત જ્યારે રાજકારણથી ઉપર ઉઠી રાષ્ટ્રકારણ, લાગણીઓ, માનવતા અને હૃદયની આવે, ત્યારે ભારતનાં રત્નનો એક નવું જ રૂપ ઉપસી આવે છે અને એ રૂપ છે કવિ હ્રદય… ૨૫મી ડિસેમ્બર, ૧૯૨૪નાં રોજ ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલ બિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ હતાં અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતા પાસેથી મળ્યું હતું, કારણ કે કૃષ્ણ બિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં.

હકીકતમાં ભાષણ શૈલીમાં કટાક્ષ અને કઠોર હૃદયી લાગતાં અટલ બિહારી વાજપેયીનાં કાવ્યો તેમના શૌર્ય, સાહસ, સહિષ્ણુતા, રાષ્ટ્રપ્રેમ, વ્યથા પ્રસાર, વ્યંગ પ્રસારનું માધ્યમ હતાં. તેમણે અનેક કવિતાઓની રચના કરી, પરંતુ કવિતાઓની રચના કરતાં પણ મોટી વિશેષતા એ હતી કે અટલજી પોતાનાં કવિ હૃદયને યોગ્ય સમયે જ પ્રગટ કરતાં અને એવી રીતે પ્રગટ કરતાં કે વિરોધીઓ માત્ર મૌન જ નહોતા થઈ જતાં, બલ્કે અટલજી પ્રત્યે તેમના મનમાં આદર વધી જતો હતો.

આવાં જ કેટલાંક પ્રસંગોને આજે વાગોળી શકાય કે જ્યારે અટલજીએ ગરમ લોઢા પર પોતાનાં શાંત પાણી સમાન કાવ્યો દ્વારા એવા હથોડા માર્યાં કે સમર્થકો જ નહીં, પણ વિરોધીઓએ પણ નતમસ્તક થઈ જવાં મજબૂર કરી દીધાં. વાત જો ૧૯૬૬નાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે થયેલી તાશ્કંદ સમજૂતીની જ કરીએ, તો સૌ જાણે છે કે આ સમજૂતીનો પાકિસ્તાને ગેરલાભ જ ઉઠાવ્યો હતો અને વિરોધ પક્ષ જનસંઘનાં નેતા તરીકે વાજપેયી આ સમજૂતીની વિરુદ્ધ હતાં. એટલુ જ નહીં, તાશ્કંદમાં કાશ્મીર અંગે થયેલા કરાર બાદ આપણાં તે વખતનાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં જ રહસ્યમય મોત થઈ ગયુ હતું. તે વખતે અટલજીના કવિ હૃદયે કંઇક આવો પોકાર કર્યો હતો.

હમ સંધિ મેં હારે હૈં…

હમ લડાઈ કે મૈદાન મેં કભી નહીં હારે

હમ દિલ્હી કે દરબારે મેં હારે હૈં

હમ યુદ્ધ મેં કભી નહીં હારે

હમ શાંતિ મેં હારે હૈં

હમ સંઘર્ષ મેં કભી નહીં હારે

હમ સંધિ મેં હારે હૈં

તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દીમાં ભાષણ આપીને એક નવી પ્રથાનો પ્રારંભ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પર અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં ભાષણ આપનાર અટલજી પ્રથમ નેતા હતા.

જેથી ૧૯૯૬માં તેમની સરકાર માત્ર એક મત માટે હારી ગઈ. તેમણે પ્રધાનમંત્રી પદ છોડવું પડ્યું. આ સરકાર માત્ર ૧૩ દિવસ જ રહી. બાદમાં તેમણે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ થયેલી ચૂંટણીમાં તેઓ ફરીથી પ્રધાનમંત્રી બન્યાં. (કેટલાક લોકોના મને ફક્ત બાર દિવસ)

અટલ બિહારી વાજપેયી કાશ્મીર મુદ્દે હંમેશા લાગણીશીલ રાજપુરુષ અને રાષ્ટ્રપુરુષ રહ્યા છે. સંઘથી લઈ જનસંઘ સુધીની કાશ્મીર નીતિ નેહરૂની કાશ્મીર નીતિની ટીકાકાર હતી અને એટલે જ કાશ્મીરનાં મુદ્દે વાજપેયી સતત પોતાની વ્યથા કાવ્યો દ્વારા ઠાલવતા રહેતા હતાં. એવા જ એક શૌર્ય કાવ્યમાં તેમણે પાકિસ્તાન સામે આ રીતે પડકાર ફેંક્યો હતો…

કશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા…

અમેરિકા ક્યા સંસાર ભલે હી હો વિરુદ્ધ

કશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા

એક નહીં, દો નહીં, કરો બીસોં સમઝૌતે

પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા

આપણે સૌ જાણીએ છીએ કે જનસંઘમાંથી વર્તમાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો ઉદય થયો. ૬ઠી એપ્રિલ, ૧૯૮૦નાં રોજ અસ્તિત્વમાં આવેલ ભાજપને પોતાની સ્થાપનાનાં ૩૪ વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે મે-૨૦૧૪માં દેશની શાસનધુરા મળી, પરંતુ આ સિંહાસનનાં બી વાવ્યા હતાં વાજપેયીએ જ. ભાજપે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત ઝંપલાવ્યું ૧૯૮૪-૮૫માં અને તે વખતે દેશની ૫૪૨ બેઠકોમાંથી આ પક્ષને માત્ર ૨ જ બેઠકો મળી હતી. પરાજિત થનાર ભાજપનાં દિગ્ગજ નેતાઓમાં વાજપેયી પણ હતાં, પરંતુ તેઓ ક્યારેય નિરાશ ન થયાં… તેઓ હાર માનનાર વ્યક્તિ નહોતાં અને એટલે જ તેમના અટલ હૃદયે કંઇક આ કાવ્યની રચના કરી…

હાર નહીં માનૂઁગા…

હાર નહીં માનૂઁગા

હાર નહીં માનૂઁગા

રાર નહીં ઠાનૂઁગા

કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હૂઁ

ગીત નયા ગાતા હૂઁ

બસ, આવા જ અટલ ઇરાદાઓ સાથે વાજપેયી દિલ્હીની સત્તા તરફનાં પોતાનાં અને પક્ષનાં સંઘર્ષને સકાવ્ય નેતૃત્વ આપતાં રહ્યાં. પહેલી વખતની ચૂંટણીમાં બે બેઠકો જીતવા છતાં તેમનાં ઉપરોક્ત કાવ્યે કંઇક એવો જ ઇરાદો જાહેર કર્યો કે એક દિવસ ચોક્કસ અમે દિલ્હીની સત્તા પર હોઇશું. તેમણે દિલ્હીમાં કમળ ખિલવા અંગેની એક કવિતા ૧૯૯૧માં અમદાવાદમાં કાંકરિયા ખાતેના ફુટબૉલ ગ્રાઉન્ડ પર યોજાયેલ એક ચૂંટણી સભામાં કહી હતી….

કમલ ખિલ જાયેગા…

યહ રાત્રિ જાગરણ રંગ લાયેગા

રાત કટ જાયેગી, અંધેરા છઁટ જાયેગા

સૂરજ નિકલ આયેગા

કમલ ખિલ જાયેગા

રામ મંદિર આંદોલન અને તે પછી બાબરી મસ્જિદનાં માળખાનો ધ્વંસ થવાનાં પગલે ભાજપ સામે કોમવાદી પક્ષ હોવાના આક્ષેપો થવા લાગ્યાં. તે સમયે પણ વાજપેયી વિશે વિરોધીઓ એવું કહેતાં કે એક સારી વ્યક્તિ ખોટા પક્ષમાં છે, કારણ કે વાજપેયી ક્યારેય કોમવાદી માનસ નહોતા ધરાવતાં. હા તેઓ પ્રખર હિન્દુત્વવાદી હતાં, પણ આ વાત સાબિત કરે છે તેમની આ કવિતા.

કિતની મસ્જિદ તોડ઼ીં…

ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિયે?

કબ દુનિયા કો હિન્દૂ કરને ઘર-ઘર મેં નરસંહાર કિયે?

કોઈ બતલાએ કાબુલ મેં જાકર કિતની મસ્જિદ તોડ઼ીં?

ભૂ-ભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય

હિન્દૂ તન-મન, હિન્દુ જીવન, રગ-રગ હિન્દૂ મેરા પરિચય

વાજપેયીનાં કાવ્યોમાં વિરોધીઓ સામે કટાક્ષ જ નહીં, પણ અધ્યાત્મ, ધર્મ અને માનવતાની પણ છોળો ઉછળતી હતી. જેવું કે તેમણે આ કવિતામાં કહ્યું છે.

આદમી કી પહચાન…

આદમી કી પહચાન

ઉસકે ધન યા આસન સે નહીં હોતી

ઉસકે મન સે હોતી હૈ

મન કી ફકીરી પર

કુબેર કી સંપદા ભી હોતી હૈ

અને એવી જ એક કવિતા તેમણે હતાશામાં ઘેરાયેલા લોકો માટે લખી હતી.

ટૂટે મન સે કોઈ ખડ઼ા નહીં હોતા…

છોટે મનસે કોઈ બડ઼ા નહીં હોતા

ટૂટે મન સે કોઈ ખડ઼ા નહીં હોતા

મન હાર કર, મૈદાન નહીં જીતે જાતે

ન મૈદાન જીતને સે મન હી જીતે જાતે હૈ

વાત જ્યારે દેશભક્તિની આવે, તો અટલજી કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈ કોહિમા સુધી સમગ્ર ભારતને પોતાના કાવ્યમાં વણી લેતાં. પોતાની આ કાવ્ય રચના વાજપેયીએ ૧૯૬૧માં અમદાવાદમાં રાયપુર ખાતેની ઔદિચ્યવાડીની સભામાં સંભળાવી હતી.

નર્મદા જિસકી કરધની હૈ…

ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ

યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ

હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ

પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈં

વિંધ્યા કટિ-મેખલા હૈ, નર્મદા કરધની હૈ

પૂર્વી-ઘાટ ઔર પશ્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈં

કન્યાકુમારી ચરણ હૈ, સાગર નિશદિન ચરણ ધુલાતા હૈ

આષાઢ-સાવન કે કાલે-કાલે બાદલ,

જિનકી કુંતલ કેશ-રાશિ હૈ

યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ,

યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ

યહ ઋષિ-મહર્ષિ-ત્યાગી-તપસ્વી-તીર્થંકરો કી પાવન ભૂમિ હૈ

યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત

વિરાટ પુરુષ કા જીતા-જાગતા અવતાર હૈ

યહી હમારી સપનોં કી દુનિયા હૈ

જિએંગે તો ઉસી કી ખાતિર

ઔર અગર મરેંગે તો ભી ઉસી કી ખાતિર

યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ

જિસે લેકર હમ આગે ચલતે રહેંગે

ખેર, અટલ બિહારી વાજપેયી વિશે અને ખાસ તો તેમનાં કાવ્યો વિશે લખવાં બેસીએ, તો આખો દિવસ પણ ઓછો પડે એટલે જ પોતાનાં જન્મ દિવસે વાજપેયીએ ઉચ્ચારેલી કેટલીક પંક્તિઓ સાથે આપણી વાતને આગળ વધારીએ.

સ્વયં સે જ્યાદા લડ઼તા હૂઁ…

હર પચીસ દિસમ્બર કો

જીને કી એક નઈ સીઢ઼ી ચઢ઼તા હૂઁ

નયે મોડ઼ પર

ઔરોં સે કમ, સ્વયં સે જ્યાદા લડ઼તા હૂઁ

રાજકિય સેવા કરવાનો નિર્ણય લેવાના કારણે તેઓ આજીવન અવિવાહિત રહ્યાં. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો.

‘મૌત સે ઠન ગઇ’…

ઠન ગઇ.

મોત સે ઠન ગઇ.

ઝુજને કા મેરા ઇરાદા ન થા,

મોડ પર મિલેંગે ઇસકા વાદા ન થા,

રાસ્તા રોક કર વહ ખડી હો ગઇ,

યૂં લગા જિંદગી સે બડી હો ગઇ.

મૌત કી ઉમર કયા હૈ? દો પલ ભી નહીં,

જિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.

મૈં જી ભાર જિયા, મેં મન સે મરું,

લૌટકર આઉંગ, કુચ સે કયોં ડરું?

ચુ દબે પાવ, ચોરી-છિપે સે ન આ,

સામને વાર કર ફિર મુજે આજમા.

મૌત સે બેખબર, જિંદગી કા સફર,

શામ હર સુરમઇ, રાત બંસી કા સ્વર.

બાત એસી નહીં કિ કોઇ ગમ હી નહીં,

દર્દ અપને-પરાએ કુછ કામ ભી નહીં.

પ્યાર ઇતના પરાયોં સે મુઝકો મિલા,

ન અપનોં સે બાકી હૈં કોઇ ગિલા.

હર ચુનૌતી સે દો હાથ મૈંને કિએ,

આંધીઓ મેં જલાએ હૈં બુઝતે દિએ.

આજ ઝકઝોરતા તેજ તુફાન હૈ,

નાવ ભંવરો કી બાંહો મેં મહેમાન હૈ.

પાર પાને કા કાયમ મગર હૌસલા,

દેખ તેવર તુફાં કા, તેવરી તન ગઇ.

મૌત સે ઠન ગઇ.

આવો ફરી દિવા પ્રગટાવીએ

ભરી બપોરે અંધારુ,

સૂરજ પડછાયાથી હાર્યુ,

અંતરતમનો પ્રેમ નીચોડી

બુઝાયેલી વાટ સળગાવી

આવો ફરી દીવા પ્રગટાવીએ

અમે પડાવને સમજ્યા મંઝીલ

લક્ષ્ય થયુ આઁખોથી દૂર

વર્તમાનના મોહજાળમાં

આવનારી કાલ ન ભૂલાય

આવો ફરી દીવા પ્રગટાવીએ

આહુતિ બાકી, યશ અધૂરો,

સગાંઓના વિધ્નોએ ઘેર્યો

છેલ્લે જયનું હથિયાર બનાવા

નવ દધીચિંના હાંડકાં ગાળ્યા

આવો ફરી દીવા પ્રગટાવીએ

– અટલ બિહારી વાજપેયી (અનુ. કલ્યાણી દેશમુખ)

ખિતાબ

૧૯૯૨, પદ્મવિભૂષણ

૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી

૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ

૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય

૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ

૨૦૦૪, ભારત રત્ન

માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

ભડલીનો આશરો… (દેવાયત બહારવટિયો – ભુપત બહારવટિયાનો સાથી)

Standard

ભડલીનો આશરો…
(દેવાયત બહારવટિયો – ભુપત બહારવટિયાનો સાથી)

સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જે ને યાદ કરીને રોમ રોમ ઊભા થય જાય….
એ ખોફનાક સમયગાળો અને ભારત- પાકિસ્તાન ભાગલા ને ચારેય તરફ અપરાધનો માહોલને ધીમે ધીમે ઉગતો લોકશાહીનો સમય…

એવો એક દાયકો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાન્તમાં પણ આવ્યો હતો…

ભુપત ડાકુ અને એમના સાથીદારોએ સૌરાષ્ટ્ર ધરાને હલાવીને રાખી દીધી હતી, ગામે ગામ એ દાયકામાં ભુપત બહારવટિયાનુ અને એમના સાથીદારો નામથી લોકોમાં ભય ઉભો થય જતો…

એ સમયગાળા અંદાજે ઈ.સ. ૧૯પ૦-પ૩ હતો રોજે રોજ એક લુંટ, ખુન,ધાડપાડ અને એ સમય ના સમાચાર પત્રોમાં
ભુપત.. ભુપત….

૧૯પ૦-પ૩ ના સમયના જયહિન્‍દ, ફુલછાબ, પ્રભાત, નૂતન સૌરાષ્ટ્ર, વંદે માતરમ જેવા અખબારમાં ભુપત અને એના સાથીદારોના અપરાધનના આવતા રોજે એક સમાચાર એની સાક્ષી પુરે છે…

એ સમયે સૌરાષ્ટ્રના ગામડામાં લૂંટફાટ અને નિર્દોષ માણસની હત્યા કરનાર ભૂપત આરઝી હકૂમતના એક સમયના અડીખમ યોદ્ધા વાઘણીયા દરબારશ્રી અમરાવાળા અને એના સિપાહી, રમતવીર, નિશાનબાજ ભૂપતને સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં કયાંય સ્થાન મળ્યું નહી જે યુવાન આરઝી હકૂમતના આંદોલનમાં જુનાગઢ નવાબને ભાંગવા માટે ભારતનો ભોમિયો બને છે. એ યુવાન પછીના સમયે બહારવટીયો કેમ બન્‍યો? ‘એેેક હતો ભૂપત’ લેખક – જીતુભાઈ ધાંધલ ‘ભૂપત’ નામે કાળું વાંકે લખેલી કથા ભૂપતે પોતે જ લખેલ તેમની હપ્‍તાવાર આત્મકથા જયારે હું ભૂપત હતો, આ બંને ગ્રંથો આ પુસ્તકના અગત્યના આધાર બની રહે છે.

ભુપતના સાથીદારોમાંથી એક દેવાયતભાઈ જેઠાભાઈ ભુવા સોરઠીયા આહીરનો નાતો ભડલી ગામે હંમેશા જીવંત રહેશે…

“કહેવાય છે કે પારેવાના પગ પાંચ દી’ રાતા”

સરકારે ઈનામ જાહેર કર્યુ અને પોલીસવડા પર તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન રમણીકલાલના દબાણ જેથી પોલીસ સક્રિય થઈ અને મિશનો પર મિશનો કરી અમુક અંશ સફળતા હાંસલ કરી ભુપતની ટોળી વિખેરી નાખી અને અમુક સાથીદારોને શોધખોળ કરી મારવા લાગી….

અંતે ધીરે ધીરે બહારવટીયા ભુપતની ટોળી વિંખાવા લાગી…

એવા સમય ભાવનગર રાજપરીવાર દ્વારા ભુપત અને એમના સાથીદારો આશરો આપવામાં આવ્યો…
(*નેકનામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અને તમેના ભાઈઓ નિર્મલકુમારસિંહ અને ધર્મેન્દ્રકુમારસિંહજી
ભાવનગર રાજપરિવારનો સંબંધ ગોંડલ સ્ટેટ રાજપરિવાર સાથે હતો )
જેમાં દેવાયત ભાવનગર રાજપરિવારના ડ્રાઈવર તરીકે રહ્યાં અને ભુપત અને એમના બીજા સાથીદારો અમુક સમયાંતરે બીજે જતા રહ્યા હતા…

આપસી ફુટ કારણે પોલિસને જાણ થઈ કે દેવાયત ભાવનગર રાજપરિવારના આશરે છે જેને રંગે હાથે પકડવા ગોંડલ મુકામે ગુજરાત પોલીસ દ્વારા ષડ્યંત્ર રચવામાં આવ્યું અને એ ષડયંત્ર પોલીસ સફળ થઈ આશરે રહેલા દેવાયત ગોંડલથી ભગાડવામાં આવ્યા….

દેવાયત આહિર પોલીસ બચી ગોહિલવાડ પંથકમાં આવ્યા ગામડે ગામડે ગયા પણ બહારવટિયાને ઉપરથી સરકારનુ ઈનામ..આશરો કોણ આપે, બધાએ ના પાડી નિરાશા હાથે લઈ આવેલા દેવાયત સિહોરની બજારમાંથી ભડલી ગામનુ નામ સાંભળ્યું ને ભડલી આવી ચડ્યાં, જીજીભા બાપુ અને તેમના પરિવાર એ આશરો આપ્યો એટલે દેવાયત નવો જોશ મળ્યો…..

ભડલી ગામની આથમણી સીમમાં વાડીએ આખો દિવસ આંબા ઉપર રહેતા અને રાતે ગામ ભાંગવા, ધાડફાડ – લુંટ જેવા ગુનાઓને અંજામ આપતા….

સમય જતા ધીરે ધીરે સંબંધ વધ્યો અને ભડલી ગામમાં દુધમાં સાંકળ ભળે એમ ભળી ગયા….

એવા સમય માં બાજુના ગામની જાનના વળાવ્યા [જાનમાં જતા જાનૈયાની જાન માલની ડાકુ-લુંટારાઓથી સુરક્ષીત રાખવા માટે ક્ષત્રિય સાથે લઈ જતા ] તરીકે આવવાનું આમંત્રણ મળ્યું એટલે ભડલી ગામ માંથી દરબારો અને દેવાયત વળાવ્યા તરીકે જાનની સાથે ગયા…

જાન ગોંડલ મુકામે ગઈ હતી. એ સમય એક એવો રિવાજ હતો કે જ્યાં સુધી વળાવ્યા જાનની સુરક્ષા જ્યાં સુધી સાબિત ના કરે ત્યાં સુધી જાન વળાવામાં ના આવતી.

એ સમય નિશાની ખેલ રચવામાં આવતો, જેમાં નિશાન સાધી વળાવ્યા પોતાનો ભરોસો પુરો પાડતા જેથી કન્યા પક્ષવાળા પોતાની દિકરી અને જમાઈની સુરક્ષા માટેની ચિંતામાંથી મુક્ત થતા….

એ અંતર્ગત અહીં પણ નિશાની ખેલ રચવામાં આવ્યો પણ આ વખતે અલગ જ હતો સોપારી એ પણ તોરણમાં બાંધવામાં આવી હતી.
તોરણમાં સરકારી દોરી ઉપયોગ થયો હતો જેથી દરબારો અને દેવાયત જાણ થઈ ગઈ હતી કે પોલીસ પણ સામેલ હોય શકે…

“દેવા મને લાગેશ કે કાંઇ કાળું છે હો”

“હા બાપુ નકર સોપારુ હોય ક્યા ને ઈ સરકારી દોરડે”

“હુ તો આ નય પાડી હગુ”

“તો બાપુ હું પાડી દવ”

“ના તું પાડીશ તો ખબર પડી જાહે હો”

“બાપુ ભડલીની આબરૂનો સવાલ છે હો…
ને એ તો મારે આજે નય કાલે”

“દેવા તો પછી હું શુ જવાબ આપીશ”

“એ તમતારે હું આવી જાયશ તમે જાન પોગડી દે જો”

કરીને સોપારીનું નિશાન લીધું અને સોપારી ઉડાવી દીધી એ સમય દરેક વળાવ્યા ઉપર પોલીસ દેખરેખ રાખતી, નિશાન લેતા પોલીસને અંદાજો આવી ગયો કે આ દેવાયત જ હોય શકે

નિશાની લઈ દેવાયત પોતાની કરામતથી ત્યાંથી ફરાર થઈ ગયા, જાન વળાવી દીધી…

ને બે દિવસમાં જાન પહોંચી પણ ગઈ પણ દેવાયત પહોંચા નઈ એટલે જીજીભા બાપુ પુછ્યું ” દેવાયત ક્યાં ”

“એ… એને ના પાડી તોય નિશાન પાડ્યું ઈ પોલીસ જાણ થય એટલે એ તો ત્યાંથી નીકળી ગયો હતો પણ જાતા જાતા કીધું હતું કે હું આવી જાયશ”

” ભલે તો ઈ તો પોંચી જાહે ”

એના જ બીજા દિવસે દેવાયત એક ગામ મા પહોંચ્યા અને ત્યાંના એક શેઠને ધોળા દિવસે લુંટની ધમકી આપી…. એટલે શેઠે પોલીસને જાણ કરી પોલીસ તરત ગોઠવાઈ ગઈ

અને બપોરના સમયે પોલીસના વેશમાં આવીને શેઠ પાસેથી લુંટ ચલાવી પોલીસને જાણ થાય તે પહેલાં ત્યાંથી નિકળી ગયો. પોલીસ પાછળ પડી.
ભડલી આવતા વચ્ચે ઢોર ચરાવતા ગોવાળના કપડાં પહેરીને ઢોર ચરવા લાગ્યા પોલીસ જેની શોધમાં હતી એને જ પોલીસને અવળે રસ્તે વાળી દીધી…

ત્યાંથી આવતા ભડલીની સીમાંડે લુંટેલો માલ ડાટી દીધો અમુક રોકડ રકમ લઈ ભડલી આવી પહોંચ્યા…

જીજીભાબાપુ અને દેવાયતે સાથે વાળું કર્યુ ને બેઠા.

“બાપુ કાલ ના દિ’ ઉગતા દેવગાણા ભાંગવાનો વિચાર છે”

” હમણા ખમૈયા કરી જાને ભઈ ”

” ના બાપુ કાલ તો ભાંગવુ જ છે ”

” તો તારી મરજી જે કર ઈ પણ ધ્યાન રાખજે હો ”

અને એટલી વાત કરી એમના નિયમ પ્રમાણે [લુંટ કરતા પહેલા ધમકી આપી આવતા ] ધમકી આપી….

દેવગાણા પાદરે ઉભા રહીને

“તમારે જેમ રેવુ એમ રહો કાલે તમારૂં ગામ ભાંગવાનુ છે ”

કહી ભડલી પાછા ફર્યા….

દેવગાણા ગામમાં ભયભીત વાતાવરણ ઉભું થયુ અને બધી ઘટનાઓ અને આપસી ફુટ કારણે તત્કાલિન પોલીસ વડાને જાણ થઈ ગઈ..

સવારે વહેલા જીજીભાબાપુ અને દેવાયતભાઈ વાડીએ ખાટલા પર બેઠા હતા ત્યારે દેવાયતભાઈ બોલ્યા

“બાપુ મને ભડલીમાં તો બીક નથી ને કોઈ ફુટે એવું પણ નથી લાગતુ પણ મે ભુલ કરી છે….”

શુ..વળી ??

“બાપુ…. હું દસ ગામમાં આશરા હાટુ જઈ આવ્યો અને પાછી ઓળખાણ પણ આપી આવ્યો…”

“હવ… એવી ચિંતા ના કરવાની હોય લેર કર થાય ઈ જોઈ લેશું”

પણ, કરમને કરવું અને પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે વળાવિયા તરીકે ભડલી ના દરબારો હતા તો નક્કી ત્યાં હોવો જોઈએ તથા ઈનામની લાલચમાં આવી કોઈએ પોલીસને બાતમી આપી. રાત્રિના સમયે પોલીસ કાફલો ભડલી તરફ રવાના થયો.

આ સમયે આશરે ૩૦૦ ની વસ્તીના ગામમાં ૪૦૦ પોલીસ કંપની હથિયારો સાથે પહોંચી ગઈ….

રાતે દેવાયત અને જીજીભા બાપુ બન્ને વાળું કરવા બેઠાને ગાડીઓના અવાજથી મોરલા બોલ્યા એટલે દેવાયત એ કહ્યું
“બાપુ હવે જાન આવવી ગઈ હો મારી”

“અરે….હોય દેવા”

ને પોલીસ ચડી આવી છે એ વાતની જાણ ગામના એક કોળીએ કરી….

“બાપુ ગામને પાધરે પોલીસ પોલીસ જ્યાં સુધી ધાન જાય ન્યાં સુધી છે બધા જોટા લય ત્યાર થઈ આવ્યા છે ગામમાં દેવાયત ગોતે છે”

ગામમાં હાહાકાર મચી ગયો દરેક ઘરો તપાસમાં આવ્યા પણ ક્યાં દેવાયત મળયો નહીં એટલે પોલીસ અલગ અલગ દિશામાં ટુકડીઓ વેંચાય ગય….

એવામાં બાપુએ દેવાયતને

“દેવાયત આપણાં અનજળ અટલા હતા ભાઈ હવ ભાગ અને અહીંથી ખોખરા દશ દોર આ નય મુકે”

“ભલે બાપુ હાલો ત્યારે જે માતાજી” કરી દેશી તમંચો અને એમનોના હથીયારો લય ભાગ્યા પણ માતાજીની ધારે( હાલ જ્યાં ગોહિલના કુળદેવી બેઠા છે ત્યાં) જવાની જુની કેડી પાસે ભાગતા પોલીસ ભાળી ગઈ અને પોલીસ વડા
ગોહિલ સાહેબ અને દેવાયત વચ્ચે ફાયરીંગ થયું એ ફાયરીંગમાં દેવાયતભાઈને સાથળના ભાગે ગોળી લાગી પણ હોંશમાં ને હોંશમાં દેવાયત સમઢીયાળા સીમ સુધી પહોંચી ગયા…..

ત્યાં એક કુંભાર કૌંસ હાંકતા હતા.

“એય… કૌંહ છોડ અને ગાડું જોડ મને ઉંડી કાંટ ઉતારી જા ”

“ના.. એ વડકા… હુ નાખે છો…!! કોણ છો અને કેમ લુલો હાલે છો”

“આજનો દી’ હાંકવો છે રોજ હાંકવો છે”(દેશી તમંચો બતાવીને)

કુંભાર ગભરાઈ ગયો અને એમને કૌંસ છોડીને ગાડું જોડ્યું ને ઉડવાઈ ની વાવની (ખકરડી અને ખોખરાનો સીમ વિસ્તાર) ઉંડી કાંટમાં ઉતારી દીધાં…

હાલ પણ એ જગ્યા એ ધોળા દિવસે પણ કોઈ છુપાયેલી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે….

એ ગાળામાં નીચે કે ઉપરથી પયનિશાન લઈ શકાય એવી જગ્યાએ દેવાયત છુપાય ગયા….

પણ લોહીના ટીપાં કેડામાં પડેલા એ પરથી પોલીસ જાણ થઈ ગઈ અને સમઢીયાળા સુધી પહોંચી ગયા, ગાડામાં લોહીથી લથપથ જોઈને કુંભારની પુછતાછ કરી…

“એ…. આ ગાડામાં લોય કોનું છે”

“સા’બ એ વાછડુ મરી ગયું છે એને નાખવા ગયતો”

“સાચુ બોલ સાલા….”

કુંભાર ગભરાય ગયો પોલિસને બધું કહીં દીધું અને દેવાયતને જે જગ્યા ઉતર્યા હતા એ જગ્યા બતાવી દીધી….

પોલીસે એ જગ્યાને ફરતી ઘેરી લીધી…

દેવાયતભાઈ પાસે માત્ર ત્રણ ગોળીઓ બચી હતી.
ફાયરીંગ થયું એટલે સામે રહેલા એક પોલીસને ત્યાં જ ઠાર કર્યો….

કોઈ પોલીસ કર્મચારી હિંમત ન હતી કે ત્યાં સુધી પહોંચે એવામાં પોલીસ વડા ગોહિલ સાહેબ હિંમત કરી પણ દેવાયત ગોળીનો બદલો વાળ્યો વધેલી બે ગોળી માંથી નિશાને લઈ ગોહિલ સાહેબ પણ ઠાર કર્યા…

તારીખ ૯-૨-૧૯૫૨ના રોજ એમને ખરકડીના અને ખોખરાના ડુંગરના ઊંડાઈની વાવના ડુંગર ઉપર ઠાર કર્યા આજે પણ એ જગ્યાએ એમનો પાળીયો મોંજુદ છે…….(પોલીસ રેકોર્ડમાં એનકાઉન્ટર બોલે છે પણ કહેવું એવું છે કે એક ગોળી વધી હતી એટલે એમને ખુદે પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું)

આજે પણ કહેવાય છે ભડલી દેવાયતને આશરો આપનારી…

પ્રસ્તુત કર્તા – યુવરાજસિંહ ગોહિલ ભડલી (દાજીરાજ)

પ્રેરણા સ્ત્રોત – સુરપાલસિંહ ગોહિલ ભડલી

નોંધ – દેવાયત સાથે રહેલ વડીલો પાસેથી મળેલી માહિતી પરથી

‘ફ્રેન્ડશીપ બેલ્ટ’

Standard

વ્હોટ્સ અપની વાર્તા – ૫૨

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

‘ફ્રેન્ડશીપ બેલ્ટ’

© કોપીરાઇટ આરક્ષિત

કાઉન્ટર પર પડેલા જુદાં જુદાં ફ્રેન્ડશીપ બેલ્ટસમાંથી આખરે સુધાને એક લેટેસ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટ પસંદ આવ્યો.

સામે ઉભેલા સેલ્સબોય અને બાજુની સેલ્સગર્લ મલકાઇ રહ્યાં હતા કારણ કે સામે રહેલા આન્ટીની ઉંમરના ભાગ્યે જ કોઇ ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા આવતાં.

ત્યાં થોડે દૂર ઉભેલા સાવને તો તેની ફ્રેન્ડ સ્વરાને ઇશારો કરીને કહી પણ દીધું, ‘જોયું, પેલા આન્ટી આટલી ઉંમરે પણ પોતાના ફ્રેન્ડ માટે કેટલી બારીકાઇથી ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદી રહ્યાં છે.’ સ્વરા પણ તેમને જ જોઇ રહી હતી.

સુધાએ તેની કિંમત ઇશારો કરીને પુછી.

‘ત્રીસ રુપિયા…!’ સેલ્સ ગર્લે સ્માઇલ સાથે કહ્યું પણ સુધાને કોઇ સમજણ ન પડી હોય તેમ તેને ફરી ઇશારો કરીને પુછ્યું.

સેલ્સગર્લે તેની સાથે લાગેલી ટેગ બતાવી તેના પર લખેલો ભાવ બતાવ્યો અને સુધાએ પર્સમાંથી દસની ત્રણ નોટો આપી અને સરસ મજાની સ્માઇલ સાથે બેલ્ટ પર્સમાં સાચવીને મુકી દીધો.

‘આન્ટી.. તમારી ચોઇસ ખૂબ ફાઇન છે.’ સાવને તો બાજુમાંથી પસાર થતા આન્ટીને આખરે કહી દીધું.

જો કે આન્ટીએ તો માત્ર સ્માઇલ જ આપી અને બહાર નીકળી ગયા.

સ્વરા, સાવન અને તેમનું ગ્રુપ ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદીને ગાર્ડનમાં પહોંચ્યું.

પેલા આન્ટી પણ તે ગાર્ડનમાં સામે ખૂણામાં ઝાડના છાંયડાવાળા બાકડા પર બેસીને કોઇકની રાહ જોઇ રહ્યાં હતા.

તેઓ વારેવારે ઘડીયાળ જોઇ રહ્યા હતા અને તેમની નજર વારેવારે દરવાજા તરફ પહોંચી જતી હતી.

ગ્રુપના બધા ફ્રેન્ડસને તે આન્ટીના ફ્રેન્ડશીપ ડે ની સ્ટોરી જાણવાની તલપ લાગી હોય તેમ તેઓ જોઇ રહ્યાં.

આન્ટીએ પોતાના પર્સમાં રહેલા કવરમાંથી એક કાગળ કાઢ્યો અને ઝડપથી વાંચીને ફરી કવરમાં મુકી દીધો. વળી, તેમને હમણાં જ ખરીદેલો ફ્રેન્ડશીપ બેલ્ટ પણ કાઢ્યો અને તેને કવરમાં મુકી તેને બાકડા પર મુક્યું.

તેમની નજર દરવાજા પર સ્થિર બની અને ત્યાં જ સામે લગભગ પચાસેક વર્ષના એક પુરુષને આવતા જોઇ તેમની આંખો જાણે ખીલી ઉઠી….! આન્ટીના ચહેરા પરનું સ્મિત વધી રહ્યું હતું. તે પોતાની જગ્યાએથી ઉભા થયા અને બે-ત્રણ ડગલા આગળ આવ્યાં.

‘કૌન કહેતા હૈ કી બૂઢે ઇશ્ક નહી કરતે, યે તો હમ હૈ કી ઉનપે શક નહી કરતે.’ સાવને તો જૂની શાયરી ઇશ્કીયા અંદાઝમાં અર્જ કરી. બધા વાહ વાહ કરે તે પહેલા સ્વરાએ નાક પર આંગળી મૂકી બધાને ચૂપ રહેવા જણાવ્યું.

બન્ને સામસામે આવતા તેમની આંખો થોડીવાર માટે એકમેકમાં ખોવાઇ ગઇ.. તેઓ વચ્ચે કોઇ સ્પર્શ કે શબ્દની આપ-લે વિના એક મજબૂત સબંધ હોય તેમ લાગ્યું.

પેલા પુરુષે ગાર્ડનના કોર્નર તરફ આવેલા રેસ્ટોરેન્ટ તરફ જવાનો ઇશારો કર્યો અને બન્ને તે તરફ ચાલ્યાં.

આન્ટીએ પર્સ લીધું પણ તે કવર ત્યાં બાકડા પર જ ભૂલી ગયા.

‘હું તેમનો લવલેટર અત્યારે જ લઇ આવું છું. જોઇએ આન્ટી લેટરમાં કેવી શાયરીઓ લખે છે…?’ સાવને તો કુતૂહલતાવશ તે બાકડા તરફ દોટ મુકી.

જ્યારે બીજા છોકરાએ કહ્યું, ‘હું તેઓ પાછા આવે તેની પર નજર રાખીશ.’

અને થોડીવારમાં સાવનના હાથમાં કવર આવી ગયું. સાવને તો તરત જ કવરની અંદરનો કાગળ ખોલીને ગ્રુપમાં બધાને સંભળાય તે રીતે વાંચવાનું શરુ કર્યું.

‘પ્રિય મિત્ર,
છેલ્લા દસેક મહિનાથી તું ફરી મારી જિંદગીમાં આવ્યો અને મારી જિંદગી બદલી નાખી છે. મારો એ સ્યુસાઇડ એટેમ્પ્ટ અને મારું બચી જવું… હોસ્પિટલમાં મારી આંખો ખુલી તો સામે તું મળ્યો અને લાગ્યું કે જાણે નવું જીવન મળ્યું….! જેને ખૂબ પ્રેમ કર્યો હતો તે મારો પતિ મને જિંદગીની મઝધારે મૂકીને એટલા માટે ચાલ્યો ગયો કે હું તેમને સંતાન સુખ નહોતી આપી શકી. એકલવાયી સ્ત્રીની જિંદગી ખરેખર કેવી દુષ્કર છે તે મેં ખૂબ અનુભવ્યું…! કોલેજમાં આપણે સાથે હતા ત્યારે તેં મને ફ્રેન્ડશીપ બેલ્ટ આપ્યો હતો પણ ત્યારે મેં તે નહોતો સ્વીકાર્યો અને કોલેજમાં જ ફેંકી દીધેલો. મેં પણ ત્યારે તારી નિ:શબ્દ વેદનાની કોઇ પરવા નહોતી કરી.

હવે હું તારા ફ્રેન્ડશીપ બેલ્ટ માટે રાહ જોઇ રહી છું. જો કે તેં આપણાં સંબંધોને એક નાનકડાં બેલ્ટ કરતા પણ વધુ મજબૂત રીતે સાચવીને રાખ્યા છે. દર મહિનાના પહેલા રવિવારે તું મને અચૂક મળે છે. તારો એક આઇસ્ક્રીમ અને તારો થોડી મિનિટોનો સાથ મને ફરી તરોતાજા બની જીવવાની શક્તિ આપે છે.

હું પણ જાણું છું કે તું તારી જિંદગીમાં તારા પરિવારથી જોડાયેલો છે એટલે તું પણ શક્ય એટલો મારાથી દૂર રહે છે અને આપણી વચ્ચે માત્ર મિત્રતા અને મદદનો તાર તેં સારી રીતે સાચવી રાખ્યો છે. તું ન તો મારા ઘરનું સરનામું જાણે છે કે ન હું તારા ઘરનું સરનામું….!

તું જાણે છે તો મારો બેંક એકાઉન્ટ નંબર કે જેમાં મારી જિંદગી જીવી જવાય તેટલું જમા કરાવતો જાય છે.

આજે ફ્રેન્ડશીપ ડે છે. હું તને બીજું તો શું આપી શકું..? આ કવર સાથે અંદર ફ્રેન્ડશીપ બેલ્ટ મોકલી રહી છું. તને પહેરાવવાની હિંમત કરી શકતી નથી. ઉંમર અને સમજણ બંને મને રોકી રહી છે.

ક્યારેક મને અંદરો અંદર લાગ્યા કરે છે કે હું ક્યાંક તને અન્યાય તો નથી કરી રહીને…? મારા કારણે તને કેટકેટલી તકલીફો આવતી હશે તે તું મને ક્યારેય કહેતો નથી… અને ભગવાને આપણને જાણી જોઇને શબ્દો જ નથી આપ્યાં કે કોઇને આપણે આપણી તકલીફો કહી શકીએ. તારા ચહેરા પરની મુશ્કુરાહટ… તારી મદદ… પહેલા રવિવારે તારું અચૂક મળવું…. તારો ખવડાવેલો એક આઇસ્ક્રીમ… આ બધું મને ફરી ફરી એક મહિનો જીવવા અને તારો ઇંતજાર કરવા મજબૂર અને મજબૂત કરે છે. આ રવિવારે ફ્રેન્ડશીપ ડે છે તો હું તને બેલ્ટ આપું છું અને કહું છું કે,
તારા જેવો મિત્ર સૌને આપે અને મારા જેવી તકલીફો ઇશ્વર કોઇને ન આપે…

એ જ તારી મિત્ર…
સુધા’

અને આ પત્ર વાંચતા જ ગ્રુપના દરેક ફ્રેન્ડના આંખોમાં આંસુ હતા.

સાવને કાગળ ફરી કવરમાં મુક્યો અને ત્યાં જ પેલો મિત્ર દોડતો આવ્યો અને બોલ્યો, ‘અંકલ આંટી આ બાજુ આવે છે.’

સાવને તે કવર બાકડાં પર ફરીથી હતું તેમ ને તેમ જ મુકી દીધું.

સુધાની નજર કવર પર પડતા જાણે હાશકારો થયો અને તે કવર પેલા વ્યક્તિને આપ્યું. તેમને ઇશારાથી પુછ્યું પણ ખરું કે શું છે…? પણ આન્ટી કાંઇ બોલ્યા વગર દરવાજા તરફ આગળ વધ્યાં.

અંકલે તે કવર ખોલીને કાગળ વાંચ્યો અને પછી અંદર રહેલા ફ્રેન્ડશીપ બેલ્ટને ઝડપથી બહાર કાઢ્યો.

તેઓ દૂર જઇ રહેલ પોતાની ફ્રેન્ડને બોલાવવા ઇચ્છતા હતા પણ તેમના મોંમાંથી એકેય શબ્દ ન નીકળ્યો એટલે તે પાછળ ઝડપથી તેની તરફ ચાલ્યાં.

ચાલતાં ચાલતાં પોતાના ચહેરા પરનો પરસેવો લૂછવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો તો તેમના ખિસ્સામાં રહેલો ફ્રેન્ડશીપ બેલ્ટ નીચે પડ્યો અને તે સ્વરાની નજરે ચઢી ગયો.

સ્વરાએ ખૂબ ઝડપથી તે બેલ્ટ લીધો તેના પર જોયું તો આજથી પચ્ચીસ વર્ષ પહેલાની તારીખ તેના પર લખી હતી.

સ્વરાએ અંકલને બોલાવવા પાછળથી બૂમો પાડી પણ અંકલ તો આગળ ચાલતાં જ રહ્યાં છેવટે સ્વરાએ તેમને પકડીને ઉભા રાખ્યા અને બેલ્ટ તેમની સામે ધરીને કહ્યું, ‘ અંકલ, આટલાં વર્ષોથી ફ્રેન્ડશીપ બેલ્ટ સાચવીને રાખો છો, તો પછી પહેરાવી દોને.’

પણ અંકલ કાંઇ સમજતા નહોતા. તેમને ઇશારો કરીને કહ્યું કે પોતે મૂક-બધિર છે અને સ્વરાના પગ તળેની જમીન જાણે સરકવા લાગી.

પછી તરત જ સ્વરાએ પેલા આંટીને ઉભા રાખ્યાં આન્ટીને કહ્યું, ‘અંકલની હિંમત નથી થતી કે તમને બેલ્ટ આપે. તમે એકવાર ફેંકી દીધો હતો તે બેલ્ટ હજુ પણ તેઓ સાચવીને ફરે છે.’ આન્ટી પણ જાણે કાંઇ ન સમજ્યા હોય તેમ તેમને ઇશારાથી કહ્યું કે પોતે બહેરા મૂંગા છે.

આજે સ્વરા અને તેમના ફ્રેન્ડસ આ એક અનોખી મિત્રતાના સાક્ષી બન્યા. જ્યા તેમની વચ્ચે આપ લેના ભલે કોઈ શબ્દો નહોતા પણ મિત્રતાનો પવિત્ર સબંધ સંવેદનાઓથી ભરપૂર હતો.

સ્વરાના આગ્રહથી અંકલે તેમની પાસે રાખી મૂકેલો ફ્રેન્ડશીપ બેલ્ટ આખરે આન્ટીને પહેરાવી દીધો અને આન્ટીએ પણ તેમને બેલ્ટ બાંધ્યો.

બધાએ તાળીઓ પાડી જો કે અંકલ- આન્ટી માટે તો તેનો અવાજ સાયલન્ટ મોડમાં જ હતો પણ તેમની ફ્રેન્ડશીપ વાઇબ્રન્ટ મોડમાં હતી.

સ્ટેટસ

બધા સાથે હતા ત્યારે દોસ્ત તું જ પાસે નહોતો,

ને જ્યારે સાથે કોઇ નહોતા ત્યારે એકલો તું જ પાસે હતો.’

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો.

‘બહેનની ભેંટ’

Standard

વ્હોટ્સ અપની વાર્તા – ૫૪

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

‘બહેનની ભેંટ’

‘આ વખતે રક્ષાબંધને બહેનને શું આપીશું..?’ સવારના ચા-નાસ્તા સમયે જ રક્ષિતાએ માલવને પુછ્યું.

‘એ હું પણ વિચારતો હતો કે રોકડાં આપીએ કે કોઇ ગિફ્ટ..?’ માલવે પણ સામે જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો.

જો કે માલવ અને રક્ષિતા છેલ્લા ત્રણ દિવસથી આ પ્રશ્નની ચર્ચા કરતા હતા પણ કોઇ નિર્ણય પર આવી શક્યા નહોતા.

‘જો કોઇ ગિફ્ટ લાવવી હોય તો અત્યારે મોલમાં ડિસ્કાઉન્ટ છે. હું જોબ પરથી પાછા ફરતી વખતે લેતી આવીશ.’ રક્ષિતાએ આખરે ગિફ્ટનો નિર્ણય લીધો.

‘સારું તને જે સારી લાગે તે લઇ લે જે અને મને વ્હોટસએપ કરી દેજે.’ માલવે તે જવાબદારી રક્ષિતા પર ઢોળી દીધી.

‘માલવ… જો તું કહે તો આ જન્માષ્ટમીએ પેલું જગદીશ અંકલનું સેકેંડ હેન્ડ સ્કુટી લેવાની ઇચ્છા છે…! તેની કન્ડીશન સારી છે. છેલ્લે ચોવીસ હજારમાં આપશે તેવું કહેતા હતા…!’ રક્ષિતા આ માંગણી કરતા સંકોચાઇ રહી હતી.

‘પણ તેટલા પૈસા..?’ માલવે પ્રશ્ન કર્યો.

‘મારી પાસે આઠ હજારની વ્યવસ્થા છે…? અને બીજા હું મારા પપ્પાને કહીશ તો…!’ રક્ષિતાને લાગ્યું કે આ વાત માલવને નહી ગમે.

‘રક્ષિતા… તું પરિસ્થિતિને સમજ… દોઢ વર્ષ પહેલા જ પપ્પાની કેન્સરની બિમારીનો અણધાર્યો ખર્ચ… તેમનું મૃત્યુ અને પછી મમ્મીની દવાઓનો ખર્ચ… મારી નવી નોકરી…! બધુ એકદમ ગોઠવાઇ જતું નથી. આ તો ઘરની જરુરિયાત છે એટલે તારે જોબ કરવી પડે છે… નહિતર તારે જોબ પણ ન કરવી પડે. થોડી રાહ જો પ્લીઝ…! મને ખબર છે કે તારે નોકરીએ ચાલતા જવું પડે છે… હું જલ્દી તને ગોઠવણ કરી આપીશ… પણ પ્લીઝ તારા પપ્પાના ઘરેથી નહીં જ…! ’ માલવ એટલું કહીને ચૂપ થઇ ગયો.

અને ત્યાં જ માલવના ફોન પર રીંગ વાગી. માલવની નજર તેની સ્ક્રિન પર પડતા ચહેરા પર ચિંતાની વાદળી હટી ગઇ.

‘ઓ મોટીબેન…! સો વર્ષના થશો.. હાલ જ હું અને રક્ષિતા તમને જ યાદ કરતા હતા… ક્યારે આવો છો..?’ માલવ મોટીબેન અવનિકાનો ફોન રીસીવ કરતા જ ખુશ થઇ ગયો.

માલવે સ્પીકર ઓન કર્યુ, ‘શનિવારે રાત્રે નવ વાગ્યાની ટ્રેનમાં આવીશ તારા જીજાજી નહી આવી શકે, પણ તારી લાડક્વાયી ભાણી માલવિકા તો તને મળવા કેટલાય દિવસથી રાહ જોઇને બેઠી છે…!’ અવનિકા પણ ખુશ હતી.

‘હા… સારું પણ હું તને રેલ્વે સ્ટેશને લેવા આવીશ.’ માલવે સામેથી આગ્રહ કરીને કહ્યું.

થોડી આનાકાની પણ પછી બેન માની ગયા. રક્ષિતા સાથે તેમને વાતો કરી.
રક્ષિતાએ આખરે પુછી લીધું, ‘ બેન, આ વખતે રક્ષાબંધને તમને શું જોઇએ તેની જ વાત કરી રહ્યાં હતા.. અમે નક્કી નથી કરી શક્યા.. જો તમે જ કહી દો તો…!’

‘અરે… મારે મન તો તમે સુખીથી રહો એ જ બસ છે…!’ અવનિકાએ માત્ર આશીર્વાદ આપ્યાં.

‘એમ ન ચાલે.. કંઇક…તો માંગ…!’ માલવે આગ્રહ કર્યો.

‘સારું તારો આગ્રહ છે તો તારી ભાણી માલવિકાને કોલેજ જવાની તકલીફ પડે છે માટે એક નવું સ્કુટી લઇ આપજે.’ અવનિકાએ તો એટલી સહજતાથી માંગ્યું કે નવું સ્કુટી સાવ સહેલાઈથી આવી જાય.

આ સાંભળતા જ માલવનું ગળું સુકાઇ ગયું, પણ થૂંકનો ઘૂંટડો ઉતારીને કહ્યું, ‘ચોક્કસ મોટી બેન.. આ રક્ષાબંધનની આ ભેંટ મળી જશે.’ અને થોડીવાર વાતો કરી ફોન મુકી દીધો.

હમણાં જ રક્ષિતાને જુનુ ટુ વ્હીલર લેવાની ના કહી રહ્યો હતો તે માલવે બહેન માટે નવું સ્કુટી ગિફ્ટમાં આપવાની પ્રોમિસ કરી દીધું.

રક્ષિતા અને માલવ વચ્ચે થોડી મિનિટનો શૂન્યવકાશ સર્જાઇ ગયો.

‘રક્ષિતા.. પહેલીવાર મોટીબેને કંઇક માંગ્યું છે… પપ્પાના મૃત્યુ પછી અમે તેમને કશું નથી આપ્યું અને માલવિકાનું નામ પણ અમારા ભાઇ-બહેનના નામ પર છે. મારી ભાણી માટે મારે ગમે તેમ કરીને સ્કુટી લાવી આપવું પડશે… પ્લીઝ તું ખોટું ન લગાડતી કે મને નથી લઇ આપતા અને બહેન માટે….!’

માલવની આંખો રક્ષિતાના જવાબનો ઇંતજાર કરવા તેની તરફ મંડાઇ.

રક્ષિતા માલવના મનોમંથનને એક ક્ષણમાં જ સમજી ગઇ. તે ઉભી થઇ અને તેના આઠ હજાર રુપિયા માલવના હાથમાં મુક્યા અને બોલી, ‘મારા તરફથી મોટી બેનની ગિફ્ટ માટે આ પૈસા રાખજો તમારે જરુર પડશે.’

‘પણ આ તો તારા પગારમાંથી બચાવેલા તારી સ્કુટી લેવા માટેની બચતના પૈસા છે અને તે તારા માટે છે, હું ન લઇ શકું રક્ષિતા…!’ માલવે તે લેવાનો ઇન્કાર કરતા કહ્યું.

‘માલવ, આ ઘર જ હવે મારું છે તો અહીં તારું-મારું કંઇ નથી. બધું આપણું છે અને તકલીફો પણ આપણી છે…! બહેન માત્ર રક્ષાબંધને જ કંઇક માંગે છે, જો મારે ભાઇ હોત તો હું પણ હકથી માંગી લેત.’ અને રક્ષિતાએ પરાણે તે પૈસા માલવને આપી નવુ સ્કુટી બુક કરાવવાનું કહી દીધું.

રક્ષિતાનું આ પ્રકારનું સમર્પણ જોઇ માલવે તેના કપાળે ચુમી લીધી.

બન્ને પોતપોતાની નોકરીએ ગયા.

માલવે પોતાની કરેલી બચત અને થોડા ઉછીના પૈસા લઇ અને રક્ષિતાને સાથે રાખી તેમની પસંદગીના રંગનું નવુ સ્કુટી બુક કરાવી લીધું. રક્ષાબંધને તેની ડિલીવરી લેશે તેમ ગોઠવી દીધું.

રક્ષાબંધને અવનિકા અને માલવિકા આવી ગયા.

સવારે અવનિકાએ ભૈયા કી કલાઇ સે પ્યાર બાંધા હૈ…. રેશમ કી ડોરી સે સંસાર બાંધા હૈ…. ના બેકગ્રાઉન્ડ મ્યુઝીક પર માલવને રાખડી બાંધી. બધાએ ભેગા મળી પપ્પાને પણ યાદ કર્યા.

અવનિકાએ એક રાખડી રક્ષિતાને પણ બાંધી અને બોલી, ‘ આ ભાભી- રાખડી છે. તમારી ખુશીઓ માટે…!’
અને પછી માલવે અને રક્ષિતાએ તેમના માટે તૈયાર રાખેલી નવા સ્કુટીની ચાવી અવનિકાને સોંપી.

‘રક્ષિતા.. આ રક્ષાબંધને બહેનની ભેંટમાં મેં કંઇક વધારે તો નથી માંગી લીધું’ને…?’ અવનિકાએ પુછ્યું.

તે રક્ષિતાની આંખોના ભાવ વાંચવા માંગતી હતી. રક્ષિતા પણ ખૂબ હળવાશથી બોલી, ‘ એ શું બોલ્યા મોટીબેન, આ તો તમારો હક છે, આ તો તમે સામેથી કહ્યું તે સારું થયું નહિ તો અમારે તમને શું આપવું તેની મૂંઝવણ હતી.’

માલવે જોયું કે રક્ષિતાની આંખોમાં એકપણ અણગમાની કે તેને પડેલી તકલીફનો અંશમાત્ર ભાવ નહોતો.

બધા સ્કુટી પાસે આવ્યાં. માલવિકાને તેના પર ચાંલ્લો કરવા કહ્યું.

માલવિકાએ એક ચાંલ્લો કરી બધાને એક એક ચાંલ્લો વારાફરતી કરવા કહ્યું.

પછી તો સ્કુટીને પણ એક રાખડી બાંધી અને સ્કુટીની ચાવી માલવિકાના હાથમાં આપતા રક્ષિતામામીએ કહ્યું, ‘મામા-મામી લો આ ચાવી અને સૌથી પહેલો આંટો તમારો.’

રક્ષિતાએ તો તરત જ ચાવી અવનિકાને આપી અને કહ્યું આજે તો ભાઇ-બહેનનો દિવસ છે. તેના પર પહેલો હક ભાઇ બહેનનો જ છે.

અવનિકાએ ચાવી લીધી અને તેને માલવને પાછળ બેસાડ્યો. બન્ને એક ચક્કર મારીને થોડીવાર પછી આવ્યાં તો બન્નેની આંખોમાં ખુશીઓની અનોખી ચમક હતી.

અવનિકાએ તે ચાવી રક્ષિતાને આપી. રક્ષિતાએ સ્કુટી સ્ટાર્ટ કરી અને જાણે પોતાના સ્વપ્નનું સ્કુટી હોય તેમ આંખમા ચમક આવી ગઇ.

મામી-ભાણી પણ ચક્કર મારીને આવ્યા અને પછી તે ચાવી રક્ષિતાએ અવનિકાને આપતા કહ્યું, ‘ લો, મોટીબેન… તમારા સ્કુટીની ચાવી.’

અને ત્યારે જ અવનિકાએ કહ્યું, ‘ રક્ષિતા, તે ચાવી તારી પાસે જ રાખી લે. આ સ્કુટી તારા માટે છે.’

રક્ષિતા કંઇ સમજી નહી એટલે તે માલવ પાસે ગઇ.

અવનિકાએ બન્ને તરફ જોઇને કહ્યું, ‘મને ખબર છે કે ઘરની જરુરિયાતને પહોંચી વળવા રક્ષિતા જોબ કરી રહી છે અને તેને અપડાઉનની પણ તકલીફ છે. એક સુખી ઘરની દિકરી મારા ઘરને સાચવવા પોતાના સુખોનું પણ સમર્પણ કરતી હોય તો તેના માટે મારે પણ કંઇક કરવું પડે. મને પપ્પા જીવતા ત્યાં સુધી અનેકવાર રોકડ રકમ આપતા. તારા જીજાજી તે પૈસાને મને જ આપી રાખતા અને કહેતા કે તારી મરજી હોય તેમ તે વાપરજે. મમ્મીએ મને કહેલું કે રક્ષિતા માટે સેકેન્ડ હેન્ડ સ્કુટી જોઇ રાખ્યું છે. ત્યારે મને થયું કે આ જ સાચો સમય છે કે મારા તે પૈસા આ સ્કુટી માટે આપી દઉં. પણ તમે એમ સીધી રીતે સ્વીકારો પણ નહી એટલે મારે નવી સ્કુટીની માંગણી કરવી પડી. આ સ્કુટી તો રક્ષિતા તારા માટે જ છે અને હું અને માલવ જ્યારે ચક્કર મારવા ગયા ત્યારે મેં બધી હકીકત જણાવી દીધી છે. તેમાં સહેજ પણ આનાકાની કરવાની નથી. આ મોટી બહેનની રક્ષાબંધનની માંગણી છે.’

‘પણ રક્ષાબંધનની તમારી ભેંટ…?’ રક્ષિતાએ પૂછ્યું.

‘અરે, જે ઘરની વહુ પોતાની નણંદની ખુશીઓ માટે પોતાની જમા બચત પણ હસતા મોંએ આપી દે તેનાથી વધુ મોટી ભેંટ શું હોઇ શકે. પપ્પાના ગયા પછી તમે સૌ ફરી ઘરને ખુશીઓથી ભર્યુ ભર્યુ રાખો છે તે કાંઇ ઓછું છે ? ભાઇના ઘરની ખુશીઓ જ બહેન માટેની સૌથી મોટી ભેંટ છે.’ અવનિકા એટલું બોલી અને ભીની આંખે રક્ષિતાને વળગી પડી.

સ્ટેટસ

જે બહેન સાથે નાનપણમાં લડ્યો’તો,

તે ભાઇ તેની વિદાયે ખૂબ રડ્યો’તો…

રાખડીનો તાંતણો એ જ હાથથી બાંધશે,

જે હાથે કાયમ વ્હાલનો સ્પર્શ અડ્યો’તો

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની પારિવારીક, સામાજિક અને સંવેદનાસભર ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહો અમોલ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થઇ ગયા છે. જે એમેઝોન, ફ્લિપકાર્ટ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો.