Daily Archives: May 1, 2019

ત્યાં બે ગીધ હતાં!

Standard

૧૯૯૩નું વર્ષ. સુદાનનો દુકાળગ્રસ્ત વિસ્તાર. આમ તો દુકાળની આગળ કાળમુખા સિવાય કોઈ વિશેષણ ન હોય, છતાંય વજન પડે એ માટે કહેવું હોય તો કહી શકાય કે સંપૂર્ણપણે દુકાળગ્રસ્ત વિસ્તાર હતો. ખાવા-પીવા-પહેરવા કંઈ જ નહતું. એક જ કામ હતુઃ મરવાનું! સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જન્મેલો એક ફોટો જર્નાલિસ્ટ, નામ કેલ્વિન કાર્ટર, ત્યાં ગયો. તેને ફોટો રિપોર્ટિંગ કરવાનું હતું. દુકાળ હતો, ભૂખમરો હતો. સુકી જમીન પર એક કૃશ થઈ ગયેલી બાળકી સુતી હતી, અને પાછળ તેનો કોળિયો કરવા માટે ટાંપીને બેઠેલું એક ગીધ હતું. કેલ્વિન કાર્ટરે આ ક્ષણ ઝડપી. ફોટો પાડ્યો.

જોતજોતામાં, એ સમયે, આ ફોટો આખી દુનિયામાં પ્રચલિત થયો. એ સમયે એટલે કે, ત્યારે વસ્તુ કે વ્યક્તિ આજે થાય છે એટલા જલ્દી પ્રચલિત નહોતા થતા. માટે જૂજ લોકોને મળે એવી સફળતા કેલ્વિન કાર્ટરને મળી હતી. દુનિયાભરની ન્યુઝચૅનલો તેમને એક સેલિબ્રિટી તરીકે આમંત્રણ મોકલી રહ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનું ટોચનું બહુમાન કહેવાય એ પુલિત્ઝર પ્રાઈઝ તેમને મળ્યું. તેમણે, કહ્યું એમ, ઘણા ઈન્ટરવ્યુઝ આપ્યા. એક ઈન્ટરવ્યુમાં કેલ્વિન કાર્ટરને કોઈએ પૂછ્યું કે, ‘પછી એ બાળકીનું શું થયું?’ કેલ્વિને જવાબ આપ્યો કે, ‘એ તો મને ખ્યાલ નથી. કેમ કે એ ફોટો લીધા પછી મારે ફ્લાઈટ પકડવાની હતી. હું ત્યાંથી નીકળી ગયેલો.’ ઈન્ટરવ્યુ લેનાર ફોન પર હતા. ફોન પર સામો જવાબ આવ્યો: ‘તો મને લાગે છે કે એ દિવસે ત્યાં બે ગીધ હતા, જેમાંના એક પાસે કૅમેરા હતો!’

આ જવાબ સાંભળીને કેલ્વિન કાર્ટરને ખૂબ આઘાત લાગ્યો. તેને પેલી બાળકી અને ગીધનું દ્રશ્ય ફરી ફરી દેખાવા લાગ્યું; એનો તો તેમણે ફોટો જ પાડ્યો હતો! પણ એ સાથે તે ફોન પર બોલાયેલા શબ્દો તેમને યાદ આવવા માંડ્યા. એમણે ધાર્યું હોત તો બાળકી જ્યા પહોંચવાના પ્રયાસમાં ભૂખને કારણે ફસડાઈ પડી એ યુનાઈટેડ નેશન્સની રાહત છાવણીમાં એને લઈ જઈ શક્યા હોત. તે બચી શકી હોત. તેમની ફ્લાઈટ કદાચ મિસ થાત પણ પેલી બાળકી બચી ગઈ હોત!

આ વિચાર તેમને કનડતો રહ્યો અને એક દિવસ, તારીખ ૨૪ જૂલાઈ, ૧૯૯૪ના રોજ- ૩૩ વર્ષની ઉંમરે ફોટો જર્નાલિસ્ટ કેલ્વિન કાર્ટરે આપઘાત કરી લીધો!

– પાર્થ દવે