Monthly Archives: September 2019

એલી કોહેનઃ એ ઇઝરાયલી જાસૂસ જેમણે સીરિયાના નાકમાં દમ લાવી દીધો

Standard

એલી કોહેનઃ એ ઇઝરાયલી જાસૂસ જેમણે સીરિયાના નાકમાં દમ લાવી દીધો

– ભરત શર્મા બીબીસી સંવાદદાતા

‘તું કોને ચિઠ્ઠી લખી રહ્યો છે? આ N કોણ છે?’

‘કંઈ નહીં. બસ એમ જ… N એટલે નાદિયા. હું ક્યારેક-ક્યારેક સમય પસાર કરવા માટે આવું બધું લખતો રહું છું.’

‘નાદિયા કોણ છે?’

‘નાદીયા મારી પત્નીનું નામ છે.’

‘પરંતુ મને લાગ્યું હતું કે તારાં લગ્ન નથી થયાં.’

‘કામિલનાં લગ્ન નથી થયાં, પણ એલીનાં થયાં છે…’

‘એલી કોઈ નથી.’

‘મને ક્યારેક-ક્યારેક એકલું લાગે છે, જેના કારણે હું લખું છું.’

‘કામિલને ક્યારેય એકલતા અનુભવાતી નથી.’

‘સારું હવેથી ચિઠ્ઠીઓ નહીં લખું.’

‘ચિઠ્ઠીઓ, હજુ બીજી પણ છે? ક્યાં છે?’

‘જુલિયા પ્લીઝ, હું તેને પોસ્ટ કરવાનો નથી. બસ વિચાર્યું કે જ્યારે આ બધું ખતમ થઈ જશે ત્યારે આ બધું હું એને(નાદિયા) બતાવી શકું…નહીં નહીં નહીં, પ્લીઝ તેને સળગાવીશ નહીં…’

‘આ કોઈ રમત નથી કામિલ. આ કોઈ રોલ નથી, જે તું ભજવી રહ્યો હોય. કાં તો તું કામિલ છે અથવા મરવા માટે તૈયાર થઈ જા.’

જુલિયા ગુસ્સામાં એ વ્યક્તિનું ગળું દબાવીને ઊભાં થઈ જાય છે. સાથે જ ધમકી પણ આપે છે તેમણે દરેક હલચલ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવી પડશે.

કામિલ સમજી જાય છે કે તેમનાથી ભૂલ થઈ છે અને તેઓ ફરી આવી ભૂલ કરવાનું જોખમ લઈ શકે નહીં.

પાછળ રહેલા ફાયરપ્લેસમાં ચિઠ્ઠીઓ બળીને રાખ થઈ ગઈ અને સાથે જ નાદિયા સાથે જોડાયેલાં અરમાન પણ. એલીએ ફરી એક વખત કામિલનો વેશ ધારણ કરી લીધો.

નેટફ્લિક્સ પર તાજેતરમાં જ રિલીઝ થયેલી છ એપિસોડ્ઝની સિરીઝ ‘ધ સ્પાય’નું આ દૃશ્ય એક સામાન્ય વ્યક્તિના જાસૂસ બન્યા બાદ, ફરી સામાન્ય વ્યક્તિ બનવાની ઇચ્છા અને જરૂરિયાત દર્શાવે છે.

એલી કે કામિલ. કામિલ કે એલી. ઇઝરાયલી કે સીરિયન. જાસૂસ કે વેપારી.

કહાણી ભલે ફિલ્મી લાગે. પણ એલી કોહેનનું જીવન આવા જ થ્રિલથી ભરેલું હતું. આખું નામ એલીશાહુ બેન શૉલ કોહેન.

તેમને ઇઝરાયલના સૌથી બહાદુર અને સાહસિક જાસૂસ કહેવામાં આવે છે.

એવા જાસૂસ જેમણે દુશ્મનો સાથે ચાર વર્ષ સીરિયામાં વિતાવ્યાં એટલું જ નહીં, પણ સત્તાની સાઠગાંઠમાં પોતાની પહોંચ એટલી વધારી કે ટોચ સુધી પહોંચવામાં સફળ રહ્યા.

‘ધ સ્પાઇ’ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કોહેન કામિલ બનીને સીરિયાના રાષ્ટ્રપતિના એટલા નજીક પહોંચી ગયા હતા કે તેઓ સીરિયાના ઉપસુરક્ષા મંત્રી બનવાથી જરાક જ દૂર હતા.

એવું કહેવાય છે કોહેને મેળવેલી ગુપ્ત જાણકારીએ વર્ષ 1967ના અરબ-ઇઝરાયલ યુદ્ધમાં ઇઝરાયલની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

ઇજિપ્તમાં જન્મેલા એલી ઇઝરાયલ કેવી રીતે પહોંચ્યા?

ઇઝરાયલે 1967માં સીરિયા, જૉર્ડન અને ઇજિપ્તને છ દિવસમાં હરાવ્યા હતા.

આ વ્યક્તિ ન ઇઝરાયલમાં જનમી હતી, ન સીરિયા કે આર્જેન્ટિનામાં. એલીનો જન્મ વર્ષ 1924માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં એક સીરિયન યહૂદી પરિવારમાં થયો હતો.

તેમના પિતા વર્ષ 1914માં સીરિયાના એલેપ્પોમાં આવીને વસ્યા હતા. જ્યારે ઇઝરાયલ બન્યું તો ઇજિપ્તના ઘણા યહુદી પરિવાર ત્યાંથી નીકળવા લાગ્યા.

વર્ષ 1949માં કોહેનનાં માતાપિતા અને ત્રણ ભાઈઓએ પણ આ નિર્ણય લીધો અને ઇઝરાયલ આવીને વસી ગયા. પરંતુ ઇલેક્ટ્રૉનિક્સનો અભ્યાસ કરી રહેલા કોહેને ઇજિપ્તમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય લીધો.

એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકાના મતે અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પર ગજબની પકડ ધરાવતા હોવાથી ઇઝરાયના ગુપ્ત વિભાગને તેમનામાં રસ પડ્યો.

વર્ષ 1955માં તેઓ જાસૂસીનો એક નાનો કોર્ષ કરવા માટે ઇઝરાયલ પણ ગયા અને પછીના વર્ષે ઇજિપ્ત પરત આવી ગયા.

જોકે, સુએઝ વિવાદ બાદ બીજા લોકો સાથે કોહેનને પણ ઇજિપ્તમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને વર્ષ 1957માં તેઓ ઇઝરાયલ આવી ગયા.

અહીં આવ્યા બાદ તેમનાં લગ્ન નાદિયા મજાલ્દ સાથે થયાં, જેઓ એક ઇરાકી-યહુદી હતાં અને લેખિકા સેમી માઇકલનાં બહેન પણ.

વર્ષ 1960માં ઇઝરાયલના ગુપ્ત વિભાગમાં ભરતી થતાં પહેલાં તેમણે ટ્રાન્સલેટર અને એકાઉન્ટન્ટ તરીકે પણ કામ કર્યું.

ઇરાકના કુર્દો પર ગુજારાયેલા અત્યાચારની આપવીતી

પહેલાં આર્જેન્ટિના, પછી સ્વિટ્ઝર્લૅન્ડ થઈને સીરિયા

આગળની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ કોહેન 1961માં આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સ પહોંચ્યા, જ્યાં તેમણે સીરિયાના વેપારી તરીકે પોતાનું કામ શરૂ કર્યું.

કામિલ અમીન થાબેત બનીને કોહેને આર્જેન્ટિનામાં વસતા સીરિયન સમુદાયના લોકો વચ્ચે સંપર્કો ઊભા કર્યા અને જલદી સીરિયન દૂતાવાસમાં કામ કરતા અધિકારીઓ સાથે મિત્રતા કરીને તેમનો વિશ્વાસ જીતી લીધો.

તેમાં સીરિયન મિલિટ્રી એટૅચે અમીન અલ-હફીઝ પણ હતા, જે આગળ જઈને સીરિયાના રાષ્ટ્રપતિ બન્યા.

કોહેને પોતાના ‘નવા મિત્રો’ વચ્ચે એવો સંદેશ ફેલાવ્યો હતો કે તેઓ બહુ જલ્દી સીરિયા પાછા જવા માગે છે.

વર્ષ 1962માં જ્યારે તેમને રાજધાની દમાસ્કસ જવા અને વસવાની તક મળી તો આર્જેન્ટિનામાં તેમણે બનાવેલા સંપર્કોએ સીરિયામાં સત્તાની નજીક પહોંચવામાં તેમને ખૂબ મદદ કરી.

પોતાના પગ જમાવીને તરત જ કોહેને સીરિયાની સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી અને યોજનાઓ ઇઝરાયલ સુધી પહોંચાડવાનું શરૂ કર્યુ.

વર્ષ 1963માં જ્યારે સીરિયામાં સત્તા પરિવર્તન થયું ત્યારે જાસૂસી ક્ષેત્રે કોહેનના પ્રયત્નોનું મહત્ત્વ વધી ગયું.

બાથ પાર્ટીને સત્તા મળી અને તેમાં એવા ઘણા લોકો હતા જે આર્જેન્ટિનાના સમયથી કોહેનના મિત્રો હતા.

સીરિયન રાષ્ટ્રપતિની ખૂબ નજીક પહોંચી ગયા

અમીન અલ હફીઝે સત્તાપરિવર્તનની આગેવાની લીધી, જેઓ રાષ્ટ્રપતિ બન્યા. હફીઝે કોહેન પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને કહેવાય છે કે એક વખત તો તેમને ઉપ સુરક્ષા મંત્રી બનાવવા સુધીનો નિર્ણય લઈ ચૂક્યા હતા.

કોહેનને સૈન્યની ગુપ્ત બ્રિફીંગમાં હાજર રહેવાની તક મળી એટલું જ નહીં, તેમને ગોલાન હાઇટ્સમાં સીરિયાની સેનાની છાવણીઓની મુલાકાત લેવાની પણ તક મળી.

તે વખતે ગોલાન હાઇટ્સ વિસ્તારને લઈને સીરિયા અને ઇઝરાયલ વચ્ચે ઘણો તણાવ હતો.

‘ધ સ્પાય’ સિરીઝમાં એક ઘટના દર્શવાઈ છે કે કઈ રીતે કોહેન, અહીં સૈનિકોને ગરમી ના લાગે તે માટે યૂકેલિપ્સનાં વૃક્ષો વાવવાની સલાહ આપે છે અને એ વૃક્ષો વાવવામાં પણ આવે છે.

કહેવાય છે કે વર્ષ 1967ના મધ્ય-પૂર્વના યુદ્ધમાં આ વૃક્ષો અને ગોલાન હાઇટ્સથી મોકલેલી અન્ય માહિતીએ ઇઝરાયલ સામે સીરિયાની હારનો પાયો નાંખ્યો હતો.

આ જ વૃક્ષોના કારણે ઇઝરાયલને સીરિયાના સૈનિકોનું લોકેશન શોધવામાં મદદ મળી.

એલી કેવી રીતે પકડાયા?

જાસૂસી પર કોહેનની મજબૂત પકડ છતાં તેમનામાં લાપરવાહીની એક ઝલક પણ જોવા મળતી હતી.

ઇઝરાયલમાં તેમના હૅંડલર વારંવાર તેમને રેડિયો ટ્રાન્સમિશન વખતે સાવધ રહેવાની સલાહ આપ્યા કરતા હતા.

સાથે જ એમને એવા સંકેત પણ મળતા કે એક દિવસમાં બે વખત રેડિયો ટ્રાન્સમિશન ન કરે.

જોકે, કોહેન વારંવાર આ ચેતવણીઓને અવગણ્યા કરતા હતા અને તેમની આ લાપરવાહી જ તેમના અંતનું કારણ બની.

જાન્યુઆરી 1965માં સીરિયાના કાઉન્ટર-ઇન્ટેલિજન્સના અધિકારીઓને તેમના રેડિયો સિગ્નલનો અંદાજ આવી ગયો હતો અને તેમને ટ્રાન્સમિશન મોકલતી વખતે રંગે હાથ પકડી લીધા. કોહેનની પૂછપરછ થઈ, સૈન્ય કોર્ટમાં કાર્યવાહી થઈ અંતે તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો.

કેહોનને વર્ષ 1966માં દમાસ્કસના જાહેર ચોકમાં ફાંસી આપવામાં આવી હતી.

તેમના ગળામાં એક પાટિયું લટકાવી દેવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું ‘સીરિયામાં રહેતા અરબી લોકો તરફથી’.

ઇઝરાયલે પહેલા તેમની ફાંસીની સજા માફ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર અભિયાન ચલાવ્યું પરંતુ સીરિયા માન્યું નહીં.

કોહેનના મૃત્યુ બાદ ઇઝરાયલે તેમનો મૃતદેહ અને અવશેષ પરત કરવાની ઘણી વાર માગ કરી પણ સીરિયાએ દરેક વખતે ઇનકાર કર્યો.

53 વર્ષ પછી મળી એલીની ઘડિયાળ

મૃત્યુનાં 53 વર્ષ બાદ 2018માં કોહેનની એક ઘડિયાળ ઇઝરાયલને મળી. ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ વાતની જાહેરાત કરવામાં આવી હતી.

ઇઝરાયલના કબજામાં આ ઘડિયાળ ક્યારે અને કેવી રીતે આવી તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે ‘મોસાદના ખાસ ઑપરેશન’ દ્વારા આ ઘડિયાળ જપ્ત કરીને ઇઝરાયલ પરત લાવવામાં આવી છે.

મોસાદના ડિરેક્ટર યોસી કોહેને ત્યારે કહ્યું હતું કે એલી કોહેન પકડાયા તે દિવસ સુધી તેમણે આ ઘડિયાળ પહેરી હતી. તેમજ તે ‘કોહેનની ઑપરેશનલ ઇમેજ અને નકલી અરબ ઓળખનો મહત્ત્વનો ભાગ હતી.’

આ ઘડિયાળ મળી ત્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન આપ્યું હતું, “હું આ સાહસિક અને પ્રતિબદ્ધતાપૂર્ણ અભિયાન માટે મોસાદના લડાકુઓને લઈને ગર્વ અનુભવું છું.”

“આ ઑપરેશનનો એક માત્ર હેતુ એ મહાન યોદ્ધાનું કોઈ પણ પ્રતીક ઇઝરાયલ લાવવાનો હતો, જેણે પોતાના દેશની સુરક્ષા માટે આટલી મહત્ત્વની ભૂમિકા નિભાવી.”

ગયા વર્ષે મે મહિનામાં એક સમારોહમાં આ ઘડિયાળ કોહેનનાં પત્ની નાદિયાને સોંપવામાં આવી હતી. ત્યારે તેમણે ઇઝરાયલની ટીવીને ત્યારે કહ્યું હતું, “જે સમયે મને ખબર પડી કે આ ઘડિયાળ મળી ગઈ છે, મારું ગળું સુકાઈ ગયું અને મારું શરીરમાં ધ્રુજવા લાગ્યું હતું.”

નાદિયાએ કહ્યું, “એ વખતે મને લાગ્યું કે જાણે હું મારા હાથમાં એમનો હાથ હોવાની અનુભૂતિ કરી રહી છું. મને જાણે એમનો એક ભાગ મારી પાસે હોય એવો અહેસાસ થયો.”

વાત્સલ્ય – ડૉ. નિલેષ ઠાકોર

Standard

વાત્સલ્ય..
– ડૉ. નિલેષ ઠાકોર

અમદાવાદ ના સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલી બી. જે. મેડિકલ કોલેજ ની લાઇબ્રેરિ માં વાંચી રહેલા સક્ષમ ની નજીક એક છોકરી આવી અને સક્ષમ ને કહ્યું
“ હું અહી તમારી પાસે વાંચી શકું ?”

થોડા ખચકાટ અને શરમ ના મિશ્ર પ્રતિસાદ સાથે સક્ષમ એ કહ્યું “ હા, કેમ નહીં! જરૂર થી બેસો ” એ છોકરી વચ્ચે વચ્ચે પોતાને જે સમજણ ના પડે એ ટોપિક સક્ષમ પૂછતી અને સક્ષમ પણ આત્મવિશ્વાશ પૂર્વક એના જવાબ આપી પૂરો ટોપિક સમજાવતો. ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો.

સક્ષમ એમબીબીએસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતો સૌથી તેજસ્વી વિદ્યાર્થી હતો. પોતાના ક્લાસ માં પૂછાતા બધાજ પ્રશ્નો ના જવાબ આપવામાં હમેંશા અવ્વલ રહેતો. ક્લાસ માં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ પણ સક્ષમ ના જવાબ સાંભળી અભિભૂત થઈ જતાં. કોલેજ ની અને યુનિવર્સિટિ ની દરેક પરીક્ષામાં સક્ષમ નું નામ પ્રથમ ક્રમાંકે હોતું. સક્ષમ એક મૃદુ અને સહજ સ્વભાવ નો સીધો સાદો છોકરો હતો.પોતે દરેક પરીક્ષામાં અવ્વલ હોવા છતાં નિર્ભીમાની હતો અને બીજાની મદદ કરવા હમેંશા તત્પર રહેતો. આ કારણસર સક્ષમ પર ફીદા થનારી છોકરીઓ ની સંખ્યા પણ વધારે હતી. આ બધી છોકરીઓ માં શિખા ને સક્ષમ માટે કઇંક વિશેષ લાગણી હતી અને પોતે જ પહેલ કરી એ સક્ષમ પાસે લાઈબ્રરી માં પહોંચી ગઈ અને રોજ એના પાસે લાઇબ્રેરિ બેસી વાંચવાનો ક્રમ રોજિંદો બનાવી દીધો. ધીમે ધીમે લાઇબ્રેરિ ની બહાર પણ તેમની મુલાકાતો વધવા લાગી. ક્યારે તેમનો સંબંધ પ્રેમ માં પરિણમ્યો તેની તેમને ખબર જ ના રહી. સક્ષમ અને શિખા એકબીજા ના ગાઢ પ્રેમ માં ગળાડૂબ અને નિજ મસ્તી માં ગુલ હતા.

અચાનક એક દિવસ લાઇબ્રેરિમાં વાંચી રહેલા સક્ષમ ના મોબાઇલ પર આશરે રાત્રે 9 વાગ્યા ના સુમારે કોલ આવ્યો. કોલ ઉપાડી જરા ગંભીર મુદ્રા સાથે એને સામે રહેલી વ્યક્તિ ને બસ આટલું કહ્યું

“ હા, હું આવું છું.” અને એ પાસે વાંચી રહેલી શિખાને કશું કહ્યા વગર નીકળી ગયો.
રાત્રે 11 વાગ્યા ના સુમારે સક્ષમ પાછો આવ્યો.

શિખા ના મનમાં હજાર સવાલો હતા છતાં સક્ષમ ને ખોટું ના લાગે એ કારણસર એને પૂછવાનું ટાળ્યું.

થોડા દિવસ પછી આ જ રીતે રાત્રે 11 વાગ્યા ના સુમારે કોલ આવ્યો. એ જ ગંભીર મુદ્રા સાથે એને કોલ માં કહ્યું “ હા, હું આવું છું.” અને એ સડસડાટ નીકળી ગયો.

શિખા લાઇબ્રેરિ માં રાહ જોતી રહી. આશરે રાત્રિ ના 2 વાગ્યે સક્ષમ પાછો આવ્યો અને શિખાના ચહેરા પર છવાયેલા હજાર સવાલો ને નજર અંદાજ કરી જાણે કઈંજ ના બન્યું હોય એમ શિખા જોડે બેસી વાંચવા લાગ્યો. થોડા થોડા દિવસે આવી રીતે કોલ આવતા અને સક્ષમ ચાલ્યો જતો અને ક્યારેક ક્યારેક તો લાઇબ્રેરિ માં રાતભર પાછો જ ના આવતો. શિખાના મન માં હવે શંશય થવા લાગ્યો.

“સક્ષમ ક્યાં જતો હશે ? કદાચ સક્ષમ બીજી કોઈ છોકરી ના પ્રેમ માં ? ના, ના, મારો સક્ષમ આવું કદાપિ ના કરે મને સક્ષમ પર પૂરો વિશ્વાશ છે ? તો પછી એ મને કશું કહેતો કેમ નથી ?” વિચારો નું યુદ્ધ શિખા ના મનમાં ફરી વળ્યું.

થોડા દિવસ ના અંતરાલ, પછી રાત્રે 10 વાગ્યે આવો કોલ આવ્યો અને સક્ષમ નીકળી ગયો. હકીકત જાણવા આ વખતે શિખા પણ સક્ષમ ની પાછળ પાછળ સક્ષમ ને ખબર ના પડે એ રીતે સક્ષમ ને અનુસરવા લાગી. દૂર થી એને જોયું તો સક્ષમ ટ્રોમા અને ઇમર્જન્સિ વિભાગ ના સિસ્ટર ઇન ચાર્જ પૃચ્છા કરી ત્યાં હમણાં જ એડ્મિટ થયેલા એક વૃદ્ધ દાદા ને મદદ કરતો હતો. થોડીવાર પછી એ વૃદ્ધ દાદાને ટેકો આપી x-ray પાડવા x-ray રૂમ માં લઈ ગયો.

શિખા ઝડપ થી સિસ્ટર ઇન ચાર્જ પાસે પહોંચી જીજ્ઞાશા પૂર્વક પૂછ્યું “આ સક્ષમ ના દાદા છે ? શું થયું છે એમને ?”

“હા, આ સક્ષમ ના દાદા છે અને આવા કેટલાંય સક્ષમ ને દાદા અને દાદી છે.” સિસ્ટર ઇન ચાર્જ એ જરા હાસ્ય સાથે કહ્યું.

“મતલબ ?” શિખા એ આંખો ની ભ્રમરો ઊંચી ચડાવી ફરી પાછો સવાલ પૂછ્યો ?

“જ્યારે પણ અહીં કોઈ વૃદ્ધ અને અશક્ત અને જેમની કોઈ મદદ કરવા વાળું સાથે હોતું નથી ત્યારે અમે સક્ષમ ને કોલ કરીએ છીએ અને સક્ષમ એક પળ નો વિચાર કર્યા વગર અહી આવી એમની સારવાર માં મદદ કરે છે, એમની ટિફિન ની વ્યવસ્થા કરે છે જ્યાં સુધી એમની પરિસ્થિતી માં સુધાર ના થાય ત્યાં સુધી એમની પાસે જ બેસે છે.” સિસ્ટર ઇન ચાર્જ એ ખુશી ની લાગણી સાથે શિખા ને કહ્યું.

થોડીવાર પછી સક્ષમ ઇમર્જન્સિ વિભાગ માંથી બહાર આવ્યો અને બહાર પોતાની રાહ જોઈ ને ઊભી રહેલી શિખા ને જોઈ થોડું અચરજ પામ્યો. શિખા સક્ષમ ને જોઈ ત્યાં જ ભેંટી પડી અને સહેજ આંખ ના ખૂણાઓ ભીના કરી કરી કહ્યું “ મને માફ કરી દે સક્ષમ મેં તારા પર ખોટો શંશય કર્યો પણ તે મને કશું કહ્યું કેમ નહીં ?”

સક્ષમ એ શિખાનો હાથ પોતાના હાથ માં લઈ તેને સમજાવાતો હોય એમ કહ્યું “ શું કહું શિખા ? તું જાણે જ છે કે હું બહુ નાનો હતો ત્યારથી જ મારા માતા પિતા ગુજરી ગયાં, હું મારા મામા-મામી ના ત્યાં રહી મામી ના મ્હેણોં ટોણાં સાંભળી ઉછર્યો છું. એક માનું વાત્સલ્ય અને પિતા નું હેત શું એની મને આજ દિન સુધી ખબર નથી એટલે અહી જ્યારે પણ કોઈ વૃદ્ધ, અશક્ત અને એકલા બા કે દાદા એડ્મિટ થાય છે તો આવી જાઉં છું, એમના ટિફિન ની વ્યવસ્થા કરું છું,એમને મારા હાથે જમાડું છું, ક્યારેક ક્યારેક કોઈ બા મને એટલું પૂછી લે છે કે “બેટા, તું જમ્યો તો ખરો ને ?” ત્યારે એવું લાગે છે કે મારી મમ્મી મને પૂછી રહી છે અને પછી જ્યારે એ મને એ પોતાના હાથથી જમાડે છે ત્યારે એવું લાગે છે કે જાણે મારી મમ્મી મને જમાડી રહી છે. હું બસ આમ એમના હાથ નો એક કોળિયો ખાવા અહીં આવું છું. જ્યારે કોઈ દાદા ની મદદ કરું છું ત્યારે થતી વાતચીત માં દાદા મારા પરિક્ષાના પરિણામ વિષે પૂછે છે ત્યારે એવું લાગે કે જાણે મારા પપ્પા મને પૂછી રહ્યા છે, દરેક પરીક્ષામાં અવ્વલ આવું છું પણ પરિણામ પછી મારી પીઠ પર હાથ ફેરવી શાબાશી આપવા વાળું કોઈ નથી શિખા. એટલે જ જ્યારે એ દાદા મારૂ પરિણામ જાણી મારી પીઠ અને માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપે છે ત્યારે જાણે એવું લાગે છે કે મારા પપ્પા પાછા આવી ગયાં. અહી આ રીતે દાખલ થતાં દરેક બા- દાદા માં હું મારા મમ્મી-પપ્પા શોધું છું. ક્યારેક એમની બહુ યાદ આવી જાય તો હોસ્ટેલ પર પાછો જઈ મમ્મી પપ્પા ના ફોટા ને છાતી સરસો ચાંપી થોડુક રુદન કરી સૂઈ જાઉં છું.” આટલું કહેતાં કહેતાં સક્ષમ ની આંખ માંથી અશ્રુ ધારા વહેવા લાગી.

શિખા પણ સક્ષમ ના આંસુ લૂછતાં લૂંછતા બોલી “ સક્ષમ, થોડા સમય માં હું તારી જીવનસંગિની બનવાની છું અને હવેથી તારા આ દરેક કાર્ય માં પૂરો સાથ અને સહકાર આપીશ.જાસિસ્ટર ઇન ચાર્જ ને કહી દે કે હવે થી સક્ષમ એકલો નહીં પરંતુ સક્ષમ અને શિખા બંને આવશે.”

હાલ માં, સક્ષમ અને શિખા અમદાવાદ નજીક અમદાવાદ થી ગોધરા હાઇવે પર આવેલી ટ્રસ્ટ ની હોસ્પિટલ માં ફરજ બજાવે છે અને “દીકરા નું ઘર” નામનું વૃદ્ધાશ્રમ ચલાવી એમાંજ રહે છે. અત્યારે સક્ષમ અને શિખા ના પુત્ર વાત્સલ્ય પર 33 દાદી અને 46 દાદા ઓ ના વાત્સલ્ય અને હેત નો ધોધ વર્ષી રહ્યો છે જેના એક ટીંપા માટે પણ સક્ષમ પોતાના નાનપણ વંચિત રહ્યો હતો.

“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર , જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર