યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?

Standard

MID DAY 19 MAY 2020

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?

ઈતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો દ ગામાને આપે છે. પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો, ત્યારે કચ્છના દરિયો ખુંદનાર માલમો આફ્રિકા સુધી પોતાના વહાણો લઈને જતા. ભારત સુધી પહોંચવામાં વાસ્કો દ ગામાને માર્ગ બતાવનાર માંડવીના કાનજી માલમની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે. કાનજી માલમે વાસ્કો દ ગામાને કાલીકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો, તેણે અરબ સાગરમાં વાસ્કો દ ગામાનું વહાણ પણ હંકાર્યું હતું. જેટલો જશ વાસ્કો દ ગામાને મળ્યો એટલો તે વખતે કાનજી માલમને મળત તો ઈતિહાસ કંઈક જુદો હોત.

એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે. તેમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે. માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટપટા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોળામાં રમતું બાળક. કચ્છના લોહાણા, ભાટિયા, ખોજા, મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી. પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી. તે સમયે કચ્છનાં ભદ્રેશ્વર, કોટેશ્વર, માંડવી અને મુંદ્રા જેવા બંદરીય નગરોમાં રહેતા વેપારીઓ ઈરાન, અરબસ્તાન, મોમ્બાસા, પૂર્વી આફ્રિકા ઝાંઝીબાર, જાવા, સુમાત્રા, એડન, મલીન્દી, દમાસ્કસ, મસ્કત જેવા વિદેશી બંદરો સાથે વેપાર કરતા. મીઠુ, અફીણ, ઢાલ, તલવાર, ચપ્પુ, કિનખાબી કાપડ, ધાબળા, ઢાલ અને પગરખાં જેવી ચીજવસ્તુઓને લઈને જતા અને ત્યાંથી ખજુર, હાથીદાંત, ઘઉં, ચોખા, નારીયેળી, સુકો મેવો, રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતા. એ વેપારીઓના વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રે જ શૌર્ય અને દિશા બતાવી હતી. જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા, ત્યારે કચ્છની વહાણવટાના ઈતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય તેવો કાનજી માલમ નામનો વહાણવટી પોતાની દરિયા વિશેની આગવી સુઝ દરિયાઈ પવનો અને એના આધારે ચલતા વહાણોની દિશા નક્કી કરી શકતો હતો. તે કાળી દીબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાનથી વહાનને સાચી દિશા આપી શકતો. કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડુ જ્ઞાન હતું. આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છી ભાષા. કાનજી માલમ કચ્છી બોલતો. ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઇને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા, મલીન્દી, મોગાદીસુ, કીલ્વા, ઝાઝીવાર અને દારેસલામ જેવા બંદરોની સફરે જતો. પરંતુ વિશ્વનો વહાણવટાનો ઈતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમા છૂટા છવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમજ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે.

વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો. કાનજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો દ ગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયેલો હતો. ૧૪૪૭ની આઠમી જુલાઈએ વાસ્કો દ ગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો. હતો. તેના કાફલામાં એકસો સીતેર માણસો હતા. પોર્ટુગલનાં લિસ્વન બંદરથી રવાના થઇને વાસ્કો જ્યારે ૧૪ મી એપ્રિલ ૧૪૯૮માં મલીંદી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિંદુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી. તેને ભારત પહોંચાડે તેવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરુર ઊભી થઈ. જોકે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતી. તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો. મુંજાયેલા વાસ્કો દ ગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી. યોગાનુયોગે કાનજી માલમ આરબ શેખનો અતિ વિશ્વાસુ માણસહતો. ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો. એટલે શેખના કહેવાથી કાનજી માલમ વાસ્કો દ ગામાના કાફલા સાથે ૧૪મી એપ્રિલ ૧૪૯૮ના રોજ મલિંદી બંદરથી ભારત આવવા નીકળ્યો. કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતું. વાસ્કો દ ગામા પણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે દરિયાના છોરુ કાનજીના અગાધ જ્ઞાન અને કુશળતા ઉપર વારી ગયો. રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું. એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. ઈતિહાસના પાના ઉપર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી. જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો. આ કચ્છી માણસની અસલિયત છે. આરબ શેખના કહેવાથી, જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો દ ગામાને તેણે ૨૦મી મે ૧૪૯૮ના રોજ દક્ષિણ ભારતાના કાલીકટ જે હવે કોમીકોડ તરીકે ઓળખાય છે તે બંદરે પહોંચાડ્યો. કાલીકટ બંદરમાં તે વખતે ઝામોરીન નામે રાજા હતો. તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે. એ કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામાના કાફલાને આવકાર્યો. વાસ્કો દ ગામાએ રાજાને કિંમતી ભેટ સોગાદોથી રાજી કર્યો અને કાલીકટમાં રહેવાની અનુમતી માગી. પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય તે પહેલા પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો. એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા. પરંતુ તે દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો. ૧૫૦૨ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો. ૨૪ ડીસેમ્બર ૧૫૨૪ના દિવસે કોઈ રહસ્યમય બિમારીને ને લીધે વાસ્કો દ ગામાનું મૃત્યુ થઈ ગયું. પણ અધકચરા ઈતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને જે યશ મળ્યો તેવો યશ તેને માર્ગ બતાવનાર કાનજી માલમને ન મળ્યો. કેટલાક ઈતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભોમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એલેકઝાન્ડર બર્ન્સ નામનો એક અંગ્રેજ તે વખતે કચ્છી વણવટીઓના પરિચયમાં આવ્યો હતો. તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને ૧૮૩૪ની સાલમાં આવું લખ્યું છે – યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારનાં દેશોમાં ઘૂમતા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો, આલેખનો (ચાર્ટસ) અને નકશાઓનો ઉપયોગ કરીને તેમનાં વહાણો આજે (૧૮૩૪) પણ હંકારે છે. તેના નમૂનાઓ ઉપલબ્ધ છે. તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે – વાસ્કો-દ-ગામાનાં વહાણો લિમ્બન બંદરથી મલિન્દી આવ્યાનાં નવ દિવસ બાદ મલિન્દીમાં રહેતા ‘માલમ ‘કાનાકવા’ (કાનજી માલમ) નામના ભારતીય સુકાનીએ તેનું વહાણ હિંદી મહાસાગરમાં હંકાર્યું હતું. તે સહી સલામત રીતે પોર્ટુગીઝ કાફલાને મલિન્દીથી કાલિકટ લઈ આવ્યો હતો. વાસ્કો દ ગામાની ભારત આવ્યાની ઘટનાના સવા ચારસો વર્ષ બાદ ૧૯૨૦માં અંગ્રેજી લેખક પીયર્સે લખ્યું છે કે, હું ખાતરીપૂર્વક કહું છું, કે કચ્છનાં રહેવાસી કાનજી માલમે મલિન્દી બંદરથી વહાણ હંકાર્યું હતું અને તે હિંદી મહાસાગર તથા કેપ ઓફ ગુડ હોપ ઓળંગતો ઓળંગતો મલબાર કિનારાનાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો-દ-ગામાને એણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો. ઈટાલિયન ઇતિહાસકાર સિંથિયા સલ્વાડોરી પોતાના સંશોધન માટે ૧૯૮૯માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા. ત્યાં તેમણે કચ્છી વણાહણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો. અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ. દરિયો અમારો દેવ છે અને શીકોતર અમારી માતા છે. એટલું જ નહીં કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ.

One response »

  1. વાસ્કો દ ગામાને ભારતનો જળમાર્ગના “શોધક” તરીકે ઇતિહાસ પલટાવીને ભારતને માર્ગે “પહોચનાર” પ્રથમ યુરોપિયન તરીકે લખાવો જોઈએ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s