સંઘર્ષ અને સફળતા…

Standard

“મમ્મી, પપ્પા ક્યાં ગયાં છે…!!?”
માતા સાથે કોર્ટના ધક્કા ખાતી છ વર્ષની કિંજલ પૂછ્યા રાખતી.

“બેટા, તારા પપ્પા ચાંદામામા પાસે ગયા છે. જલ્દી પાછા આવશે હો…!”

અને જેમ જેમ કિંજલ મોટી થતી ગઈ તેમ તેમ તેને બધી હકીકત સમજાતી ગઈ કે પપ્પા ચાંદ પર નથી ગયા પણ પપ્પાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અને તેમના હત્યારાઓને સજા અપાવવા જ નાનપણથી માતા સાથે તે કોર્ટના ધક્કા ખાઈ રહી છે..! અને ખૂબ દુઃખ અને છતાં ગર્વ સાથે કહું કે આ ઇન્સાફની લડાઈ પૂરા 31 વર્ષ સુધી લડીને કિંજલ ન્યાય મેળવીને જ જંપી.

હા, આજે કિંજલ અને પ્રાંજલની વાત કરવી છે. આ બે બહેનોએ જે દુઃખ સહન કર્યું તે ભાગ્યે જ કોઈને સહન કરવાનું આવે. અને એ દુઃખ-દર્દમાંથી તવાઈને તળીયેથી છેક ટોચ ઉપર કેવી રીતે પહોંચી શકાય તે આ બે બહેનોની વાસ્તવિક સ્ટોરી ઉપરથી જાણવા જેવું છે.

કિંજલનો જન્મ 5 જાન્યુઆરી, 1982ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં થયો. પિતા DSP હતા. કિંજલ 6 મહિનાની હતી અને તેની બહેન પ્રાંજલ માતાના ગર્ભમાં હતી ત્યારની વાત છે.

ત્યારે ઉત્તરપ્રદેશમાં ગોંડા એન્કાઉન્ટર કેશ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો. 12મી માર્ચની રાત હતી. ગોંડા જિલ્લાનું માધવપુર ગામ. પોલીસ પાર્ટી ડાકુને પકડવા ગયેલી. જેમાં સામસામે ફાયરિંગમાં DSP ક્રિષ્ન પ્રતાપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું. આવી જાહેરાત થઈ.

પરંતુ સત્ય કંઈક જુદુ અને ખોફનાક હતું. હકીકતે DSP કે.પી.સિંહની ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અને હત્યારા તેના સાથી પોલીસ અધિકારીઓ જ હતા.

હવે આપણને સૌને પ્રશ્ન થાય કે નીચેના અધિકારીઓ પોતાના ઉપરી અધિકારીની હત્યા શા માટે કરે…!??

તો વાસ્તવિક વિગતો એવી છે કે કે.પી.સિંહના તાબાના કેટલાક અધિકારીઓ ઉપર ત્યારે કરપ્શનના આરોપો લાગેલા. તેથી કે.પી.સિંહે નિષ્પક્ષ અને તટસ્થ તપાસના આદેશ આપેલા. આ તપાસથી અનેક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને રેલો આવે તેમ હતો.

DSP કે.પી.સિંહ ખૂબ જ નોનકરપ્ટ, પ્રામાણિક, નીડર અને બાહોશ અધિકારી હતા. કોઈની પણ ધમકીઓથી ડર્યા વિના કે કોઈની પણ સેહશરમ રાખ્યા વિના તેમણે દૂધનુંદૂધ અને પાણીનુંપાણી કરવા તપાસ શરૂ કરાવી. અને જાણે કે પેલા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પેટમાં તેલ રેડાયું. તે સૌએ સાથે મળી કોઇપણ ભોગે આ DSPનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને ભયંકર ષડયંત્ર રચ્યું.

આ ષડયંત્રના ભાગ રૂપે જ ડાકુઓને પકડવા જવાનું નાટક રચવામાં આવ્યું. આ ષડયંત્રમાં DSP ફસાઈ ગયા. પોતાના તાબાના જ પોલીસ અધિકારીઓ સાથે તેઓ પણ પહોંચી ગયા માધવપુર ગામે ડાકુઓને પકડવા. પરંતુ રાત્રે ત્યાં ગયા પછી ખબર પડી કે તેઓ ભયંકર ષડયંત્રનો શિકાર બન્યા છે. પોતાના જ પોલીસ અધિકારીઓ DSP સામે રિવોલ્વર તાકીને ઊભા રહી ગયા. મોત સામે જોઈ કે.પી.સિંહે કહ્યું પણ ખરું કે ‘તમે લોકો આ શું કરો છો..? મને મરો નહિ… મારે નાની દીકરી છે…!!

પણ ક્રુર પોલીસ આધિકરીઓ ન માન્યા અને બે ગોળી DSPની છાતીમાં ધરબી દીધી. આ ક્રૂર અધિકારીઓ આટલાથી જ ન અટક્યા ! આ ફેક એન્કાઉન્ટરને સાચું ઠેરવવા ગામમાંથી બાર નિર્દોષ લોકોને ઉપાડી લાવી તેમને પણ ડાકુ ગણાવી ઠાર મારવામાં આવ્યા અને એ રીતે પ્રિ-પ્લાન આખી નકલી સ્ટોરી ઊભી કરવામાં આવી.

કિંજલની માતા વિભાસિંહ ત્યારે ગર્ભવતી હતી. પોતાના પતિની ક્રૂર હત્યાની ફરિયાદ કરવા તે અનેક લોકો પાસે મદદ માટે ભીખ માંગતી રહી, પણ કોઈ તેની મદદે ન આવ્યું. પોલીસ ખુદ આરોપી તરીકે સામેલ હોય તે પ્રકરણમાં કોણ હાથ નાખે..! પોલીસે ફરિયાદ પણ ન લીધી. અંતે હારી થાકીહારીને વિભાસિંહે અદાલત દ્વાર ખખડાવ્યા. ફરિયાદ નોંધાઇ અને સુપ્રિમ કોર્ટની દખલગીરીથી તપાસ CBI ને સોંપવામાં આવી. કેસ પણ CBI કોર્ટમાં ચાલ્યો.

દરમિયાન વિભાસિંહને પતિની નોકરીના બદલામાં વારાણસીમાં ટ્રેઝરી ઓફિસર તરીકે નોકરી મળી ગઈ. પરંતુ સિંગલ વિધવા બે દીકરીની માતા બનેલી વિભાસિંહની હિંમતને દાદ આપવી પડે. વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર તે કેસ લડતી રહી અને કિંજલ અને પ્રાંજલ એ બન્ને દીકરીને ઉછેરતી રહી… ભણાવતી રહી…

કિંજલનો સ્વભાવ બહુ જિદ્દી હતો. તેને કોઈ કહે કે પિતાનો પ્રેમ એટલે શું…? તો તે સમજાવી ન શકતી. કારણ કે પિતાનો પ્રેમ તેને મળ્યો જ નહોતો. પણ તેની માતાએ કિંજલને જે પ્રેમ આપ્યો તે કોઈ ન આપી શકે. કિંજલ ભણવામાં બહુ હોંશિયાર નહોતી. તે વારંવાર ફેઈલ થતી, છતાં તેની માતાએ તેને ક્યારેય નહિંમત થવા ન દીધી.
પ્રિ-બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાથી સ્કૂલવાળાએ કહ્યું કે તેને બોર્ડની પરીક્ષામાં બેસવા નહિ દઈએ. માતા સ્કૂલે ગઈ અને પ્રિન્સિપાલને મળી. તક મળી.. હવે કિંજલે સાબિત કરવાનું હતું. અને તેણે બોર્ડની પરીક્ષામાં 90 % લાવી સાબિત કરી દીધું કે તે ધારે તે કરી શકે છે. ધોરણ-12 માટે સાયન્સ લીધું પરંતુ મેથ્સ તેને પહેલાથી જ નહોતું ગમતું. ધોરણ-11માં તે ફેઈલ થઈ. 12માની પ્રિ-બોર્ડની પરીક્ષામાં પણ ફેઈલ થઈ. ફરીથી માતા પ્રિન્સિપાલ પાસે ગઈ. ત્યારે એક શિક્ષકે કિંજલને બોલાવી કહ્યું કે ‘તારા મગજમાં શું ગોબર ભર્યું છે..?’ અને કિંજલને લાગી આવ્યું. ફરી તક મળી તો તેણે ફરી કમાલ કરી બતાવી. ખૂબ મહેનત કરી. આખું ગણિત ગોખી નાખ્યું. રોજ સવારે વહેલા 4 વાગ્યે ઉઠી તે પ્રશ્નો ગોખવા બેસી જતી. 10,000 પ્રશ્નો ગોખી નાખ્યા અને ધોરણ-12 સાયન્સમાં 90% ઉપરનું પરિણામ મેળવી સમગ્ર વારાણસી કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો.

12 સાયન્સમાં સારું રીઝલ્ટ હોઈ માતાએ તેને એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન માટે કહ્યું ત્યારે કિંજલ કહ્યું કે ‘હું એન્જીનીયરીંગ કેવી રીતે કરું..? મેં સાયન્સ ગોખ્યું છે, ભણ્યું કે સમજ્યું નથી.’

અને પછી કિંજલે આર્ટ્સ લેવાનું નક્કી કર્યું. માતાને દીકરી ઉપર પૂરો ભરોસો હતો. દિલ્હીની ઉત્તમ ગણાતી લેડી શ્રીરામ કોલેજમાં એડમિશન લીધું. અને આગળ લોનો અભ્યાસ શરુ કર્યો.

નાની બહેન પ્રાંજલ પણ ભણવામાં હોંશિયાર હતી. તેણે પણ સાયન્સમાં અભ્યાસ કર્યો અને BHOમાં એડમિશન મેળવી ટોપર બની. કિંજલ પણ લોમાં ટોપર બની.

દરમિયાન કુટુંબીજનોએ દીકરીઓને પરણાવી દેવાની વાત કરી, પરંતુ માતા બન્ને દીકરીઓને ઓફિસર બનાવવા ઇચ્છતી હતી. તેથી દીકરીને ભણાવવામાં કોઈ કસર બાકી ન રાખી. વિભાસિંહનો પગાર પતિના ઇન્સાફ માટે કેસ લડવામાં અને દીકરીઓના ભણતર પાછળ જ ખર્ચાઈ જતો. છતાં હિંમત હાર્યા વગર વિભાસિંહ પોતાની જિંદગીની આ કપરી લડાઈ લડયે જતી હતી.

ત્યાં જ ઇ.સ.2001માં આ પરિવાર ઉપર બીજી મોટી આફત આવી પડી. પતિના હત્યારાઓને સજા અપાવવા સતત સંઘર્ષ કરનારી વિભાસિંહને કેન્સર ડિટેક્ટ થયું અને તે પણ છેલ્લા સ્ટેજનું. સતત દોડધામ અને દીકરીઓની જવાબદારીમાં એક મા પોતાની તબિયત તો ક્યાંથી સાચવી શકે..?

ત્યારે કિંજલ દિલ્હીમાં લોના પ્રથમ સેમેસ્ટરમાં જ ભણતી હતી. પ્રાંજલનો અભ્યાસ પણ ચાલુ હતો. વિભાસિંહને દીકરીઓની સતત ચિંતા હતી. તેણે 18 વખત કીમો થેરાપી લીધી. જેથી તેનું શરીર સાવ લેવાઈ ગયું. એક વખત ડોક્ટર કિંજલને કહ્યું… ‘તને ખબર છે… તારી માતા કેવી રીતે ઝઝૂમી રહી છે…? કેન્સરની બીમારી સામે તે કેવી રીતે લડી રહી છે…? કેવા દર્દમાંથી એ પસાર થઈ રહી છે…?’

ત્યારે કિંજલે માતાની પાસે જઈ તેને પૂછ્યું કે ‘તું શા માટે લડી રહી છે…?’ તો માતાએ જવાબ આપ્યો કે, ‘હું તમને બન્ને બહેનોને IAS બનાવવાનું સપનું જોઈ રહી છું.’ આ સાંભળી કિંજલે મરતી માતાને આશ્વાસન આપ્યું કે, “તું ચિંતા ન કર, હું પિતાના ઇન્સાફની લડાઈ લડીશ અને ન્યાય અપાવીશ. હું અને પ્રાંજલ બન્ને બહેનો IAS બનીને તારું સપનું પૂરું કરીશું. હું દીકરી અને બહેન બન્ને જવાબદારી નિભાવીશ. તું આ કેન્સર સામે લડવાનું છોડી દે.”

અને તેની માતા જાણે કે નિશ્ચિત થઈ ગઈ… આશ્વસ્થ થઈ કોમામાં ચાલી ગઈ અને થોડા સમયમાં જ દીકરીઓને એકલી-નોંધારી મૂકી તે અવસાન પામી. કિંજલ અને પ્રાંજલે તો જાણે મા-બાપ બન્ને ગુમાવી દીધા. કારણ કે માતાએ જ બન્ને ભૂમિકા ભજવો હતીને..!!

પરંતુ રડવા માટે ક્યાં ટાઈમ હતો..! માતાના અવસાન પછીના બે દિવસ બાદ જ કિંજલની પરીક્ષા હતી, તેથી તેણે દિલ્હી જવું પડ્યું… જિંદગીની આ સૌથી કપરી પરીક્ષા હતી. પરંતુ કિંજલ જેનું નામ… સંઘર્ષશીલ મા-બાપની આ દીકરીએ લોની પરીક્ષામાં ટોપ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.

પછીથી કિંજલે પ્રાંજલને પણ દિલ્હી બોલાવી લીધી. બન્ને બહેનો PGમાં એક રૂમ ભાડે રાખીને રહી અને UPSCની તૈયારી કરવા મંડી પડી. બન્ને બહેનો એકલી છે કે નિરાધાર છે એ વાતની કોઈને ખબર ન પડે તે માટે કોઈ પૂછે તો બન્ને બહેનો કહેતી કે માતા-પિતા બન્ને ઓફિસર છે,નોકરી કરે છે. દિલ્હી જેવા શહેરમાં બે જુવાન બહેનોએ એકલા રહેવું કપરું તો હતું જ. છતાં આ બન્ને બહેનોએ હિંમત ન હારી. ખૂબ મહેનત કરી.

એક વખત દિવાળીનો તહેવાર આવ્યો અને તૈયારી કરનારા બધા સ્ટુડન્ટ રજાઓમાં પોતપોતાના ઘરે ચાલ્યા ગયા… આ બન્ને બહેનોને તો હવે ક્યાં ઘર કે મા-બાપ હતા..!? તે દિવસોમાં જમવાની મેસ પણ બંધ થઈ ગઈ.

‘દીદી, મીઠાઈ તો દૂર… ખાવાનું પણ બંધ થયું… મને ખૂબ જ ભૂખ લાગી છે.’ એમ કહી એક દિવસ પ્રાંજલ રડવા લાગી. ‘હું હમણાં જ મેગી લઈ આવી તને બનાવી દઉં છું…’ એમ કહી કિંજલે પ્રાંજલને છાની રાખી અને કહ્યું કે,

‘એ બધા ભલે ઘરે ચાલ્યા ગયા… એના આ દિવસો બગડશે… જ્યારે હું તને આ ત્રણ દિવસમાં હિસ્ટ્રી તૈયાર કરાવી દઈશ. આપણે ભણવામાં એ લોકોથી આગળ નીકળી જઇશું…’

અને પછી બન્ને બહેનોએ ખૂબ તૈયારી કરી અને 2008માં UPSCની પરીક્ષા આપી. રીઝલ્ટ આવ્યું તો કિંજલ 25માં રેંક સાથે અને પ્રાંજલ 252માં રેંક સાથે ઉત્તીર્ણ થઈ હતી. અને આમ બન્ને બહેનોએ માતાની ગેરહાજરીમાં તેનું સપનું સાકાર કરી બતાવ્યું. બન્ને બહેનોએ પોતાના દર્દ, પરેશાની, તકલીફ, લાચારી અને નિરાધારપણાંને કઠોર પરિશ્રમથી દૂર કરી એક મિશાલ પુરી પાડી.

એક વખત મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ઇન્ડિયા ટુડે દ્વારા યોજાયેલ વુમન સમીટ અને એવોર્ડ સેરેમનીમાં બોલતા કિંજલ કહ્યું હતું કે, “UPSC પાસ કરનારા બધા સ્ટુડન્ટસ ખૂબ ઉત્સાહથી પોતાના પરિવારજનોને ફોન કરીને ખુશીના સમાચાર આપી રહ્યા હતા. કોઈ માતાને ફોન કરતું હતું તો કોઈ પિતાને… કોઈ ભાઈ-બહેન સાથે વાત કરતું હતું તો કોઈ મિત્રો સાથે ખુશી શેર કરતું હતું. આ દ્રશ્ય જોઈ અમે બન્ને બહેનો એકબીજાના ગળે વળગી ખૂબ રોઈ…

અમારા તો ક્યાં મા-બાપ હતા..! દુઃખ તો કોઈની સાથે શેર નહોતી કરી શકતી પરંતુ ખુશી શેર કરી શકીએ એવું પણ અમારું પરિવારમાં કોઈ નહોતું…

કિંજલ IAS બની અને પ્રાંજલ IRS બની. કિંજલે અલગ અલગ જગ્યાએ DM તરીકે ફરજ બજાવી.

દરમિયાન તેના પિતાના કેશનો 31 વર્ષે ફેંસલો થયો. ત્યારે કિંજલ કલેક્ટર બની ગઈ હતી. માતાને આપેલા વચન મુજબ તેને કોર્ટની લડત ચાલુ રાખી હતી.

5 જૂન, 2013ના રોજ લખનૌની વિશેષ CBI અદાલતે ચુકાદો આપી અઢાર પોલીસવાળાને દોષીત ઠેરવ્યા. દુઃખની વાત એ હતી કે ચુકાદામાં દોષિત ઠરેલ 18 આરોપીઓમાંથી 10 તો મૃત્યુ પામ્યા હતા. છતાં માતાનો સંઘર્ષ પોતે પણ ચાલુ રાખ્યો અને કિંજલ અંતે પિતાના હત્યારાઓને સજા અપાવી શકી. તે સમયે કિંજલ બરહાઇચની DM(કલેક્ટર) હતી.

હત્યા સમયે કિંજલના પિતા કે.પી.સિંહ DSP હતા અને IASની મુખ્ય પરીક્ષા પાસ કરી ચુક્યા હતા. મૌખિક ઇન્ટરવ્યૂ બાકી હતું અને આ દુઃખદ અણબનાવ બન્યો હતો. તે સમયે વિભાસિંહે મનોમન નિર્ણય કરેલો કે તે પોતાની દીકરીઓને ભણાવશે અને પતિનું IAS બનવાનું સપનું દીકરીઓ દ્વારા સાકાર કરશે.

કોર્ટમાં મુખ્ય આરોપીએ જ્યારે એવું કહ્યું કે, DSP કે.પી.સિંહના છેલ્લા શબ્દો એ હતા કે, ‘મને ન મારો… મારે નાની દીકરી છે..’ એ શબ્દો સાંભળી કિંજલ ચોધાર આંસુએ રોઈ પડી. માતા સાથે પિતાને ક્યારેય ન જોઈ શક્યની ફરિયાદ તેના મનમાંથી કાયમને માટે નીકળી ગઈ.

આજે કિંજલ લખનૌમાં સચિવ છે અને પ્રાંજલ ઇન્કમટેક્સ કમિશનર. અભાવો વચ્ચે અને અનાથ જેવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ ધારે તો પોતાની મહેનત વડે ટોચ ઉપર પહોંચી ઝળહળતી સફળતા મેળવી શકે છે. એ આ બન્ને બહેનોએ સાબિત કરી બતાવ્યું છે.

કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.

ડૉ સુનીલ જાદવ,

રાજકોટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s