Author Archives: દિવ્યરાજસિંહ સરવૈયા

બોલબાલા અબોલાની…

Standard

લેખક – લલિત પરીખ

વિશાળ  એવા ‘પ્રસન્ન પ્રાસાદ’માં કેવળ માત્ર અવસાદ જ અવસાદનો પ્રસાર હતો.મૌન જ મૌનનું સામ્રાજ્ય હતું.અબોલાની બોલબાલા બિચારી સાવ મૂંગે મોઢે, ચુપચાપ તમાશો જોતી રહેતી હતી -રણજીત અને રંજીતા નામધારી  બે  પરિણીત પ્રેમીઓની પારસ્પરિક મૂક તકરારનો.’ઘર’ પર્દાઓથી શોભતું, સુંદર રંગેલી દીવાલોનું, રાચરચીલાથી સજેલું-સજાવેલું  એક શોભા માત્રનું  ‘મકાન’ માત્ર બનીને રહી ગયું હતું.સમ ખાવા પૂરતા પણ એ મકાનમાં ન સંવાદ બોલાતા -સંભળાતા હતા,ન ટી .વી ચાલવાનો અવાજ સંભળાતો હતો કે ન ભજન કે જુના -નવા ગીતો-ગાયનોની કોઈ કેસેટ પણ વાગતી સંભળાતી હતી.અરે ત્યાં સુધી કે ફોન પણ ડેડ  કરી દેવામાં આવ્યો હતો.હસતા બોલતા ઘરને કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગતું હતું.રણજીત-રંજીતા વાત ન કરે એ તો સમજાય;પણ આ તો નજર પણ મેળવતા બિલકુલ બંધ થઇ ગયા હતા.પોતપોતાના સમયે પોતાની કારમાં ચુપચાપ ચા- કોફી નાસ્તા વી.ને ન્યાય પણ આપ્યા વગર રણજીત પોતાની પેથોલોજીકલ  લેબ તરફ રવાના થઇ જતો અને રંજીતા પોતાના ગાયનિક ક્લિનિક તરફ યંત્રવત દોડતી.

બેઉ પરાણે પરણેલા કે લાકડે માંકડે વળગાડી દીધેલા પતિ -પત્ની તો નહોતા જ. એક જ શહેરની મેડિકલ કોલેજમાં બેઉ સાથે દાખલ થયેલા, એક જ બેચમાં હોવાથી પરિચય વધતા પ્રેમમાં પડેલા અને માતા પિતાની રાજી ખુશી સાથે ધામધૂમથી પરણેલા એવા પોતાની કોલેજમાં અને જ્ઞાતિમાં લવ બર્ડ્સ તરીકે પંકાયેલા પ્રેમીઓ હતા.

સહિયારી લોન લઈને  રંજીતાના  પિતાએ આપેલા પ્લોટ પર ‘પ્રસન્ન પ્રાસાદ’નું નિર્માણ  કરી તેઓ બેઉ હોંસે  હોંસે  ગૃહપ્રવેશનો સમાંરભ  ઉજવી, પોતાના ટેસ્ટ પ્રમાણે તેને ફર્નિશ કરી સજાવી કરીને, રહેવા આવી ગયેલા.રંજીતાની પ્રેક્ટિસ  તો  પહેલા દિવસથી જ જોરદાર ચાલી પડેલી.રણજીત સિદ્ધાંતવાદી અને સત્યવાદી યુધિષ્ઠિર હોવાથી કોઈ કરતા કોઈ ડોક્ટરને કમિશન ન આપવાનો દુરાગ્રહી હોવાથી જોઈએ એટલો સેટલ નહોતો થઇ શકેલો.પરંતુ તેમ છતાં તે દર્દીઓ સાથેના પોતાના સદ્વ્યવહાર અને સહાનુભૂતિના કારણે સ્લો પણ  સ્ટેડી ગતિથી જામી તો રહ્યો જ હતો.બેઉને લોન પર લીધેલી પોતપોતાની કાર પણ હતી.પરણ્યાના દસ બાર વર્ષ વીત્યા બાદ પણ સેંકડો ડીલીવરી કરાવનારી રંજીતાને પોતાને ડીલીવરી ન આવતા માબાપના એકના એક દીકરા એવા રણજીતનું મન  કૈંક ઉદાસ થવા લાગ્યું.તેના મનમાં કોઈ અનાથ બાળકને ખોળે લઇ પોતાની અને એ દત્તક બાળકની  પ્રસન્નતા વધારવાનો વિચાર રંજીતા સામે મૂક્યો.રંજીતાની દલીલ એમ હતી કે પોતાને ડીલીવરી નથી જ આવવાની એવું તો પોતે પણ ગાયનિક હોવાથી વૈજ્ઞાનિક રીતે જાણતી હતી.કોઈ બાળકને દત્તક લીધા પછી પોતાને બાળક થાય તો લાંબે ગાળે દત્તક બાળકની માનસિકતા એક સમસ્યા બની શકે એટલે તે પોતે  દત્તક બાળક લેવાના વિચાર સાથે સહમત  ન થઇ.છેવટે સહમત થઇ તો પણ  દીકરો દત્તક લેવો કે દીકરી દત્તક લેવી તે પણ ચર્ચાનો વિષય બની ગયો.રણજીતને દત્તક દીકરો જોઈતો હતો અને  રંજીતાને  દત્તક દીકરી જોઈતી હતી.બસ, આમાં જ બોલાબોલી શરૂ થઇ ગઈ અને એ એટલી તીવ્ર થઇ ગઈ કે અંતે અબોલામાં પરિણમી.સવારે એક વાર આવી બેઉ ટાઈમની રસોઈ કરી જનાર બહેનને  પણ આવું જોઈ- જાણી  જબરી નવાઈ  લાગતી કે આવું અબોલાનું સામ્રાજ્ય ક્યાં સુધી ચાલશે?

પરંતુ, આવી અબોલાની  સ્થિતિ-પરિસ્થિતિનો કોયડો એકાએક ઉકેલાઈ ગયો જયારે બેઉના માબાપે સરપ્રાઈઝ પાર્ટી રાખી રંજીતાનું બેબીશાવરનું ફંક્શન યોજ્યું અને જેમાં પ્રસન્ન પ્રસન્ન એવા રણજીતે રંજીતાને ભેટીને અભિનંદન આપ્યા અને તેમાં ય જયારે હરખાઈ હરખાઈને રંજીતાએ જાહેરકર્યું  કે  પોતાને ટ્વિન્સ  આવવાના છે અને  બાબલો-બેબલી જન્મવાના છે.

બાબલા -બેબલીના સમાચારે રણજીત -રંજીતાના અબોલાનો અણધાર્યો સુખદ અંત આણી દીધો અને રણજીત કોઈ ગીત ગાવા લાગી ગયો: “..એક સે હુએ દો  ઔર અબ દો સે હોંગે ચાર,તૂ તો મેરી યાર યાર યાર ! વાહ રે હમારા પ્યાર !”

(સમાપ્ત)

Advertisements

સાચી ઓળખ

Standard

લેખક  – જોસેફ મેકવાન

[જોસેફ સાહેબની વાર્તા શૈલી એવી હોય છે કે જાણે કોઈ ઢાળ ઉતરતાં હોઈએ એમ સડસડાટ વાર્તામાંથી પસાર થવાનું બને છે. એક વાર શરૂ કર્યા પછી ક્યાંય અટકી શકાતું નથી. તેમની આ પ્રસ્તુત વાર્તા તેનો ઉત્તમ નમૂનો છે. સૂક્ષ્મ સંવેદનાઓને તેમની કલમ આબાદ ઝીલી લે છે. જેમાંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે તે ‘ચાકડો’ એ જોસેફ સાહેબની ઉત્તમ કૃતિઓનો જતનપૂર્વક સંપાદિત કરેલો સંગ્રહ છે. તેનું સંપાદન  આગ્નેસબેન વાઘેલા તેમજ શ્રી રમેશભાઈ વાઘેલાએ કર્યું છે.]

સૌરભ સાથેનો મારો પરિચય ગાઢમાંથી ઘનિષ્ઠ બનતો નેહમાં નિખરવા લાગ્યો ત્યારે મારા શુભચિંતકોએ સૌ પ્રથમ મને ચેતવેલી : ‘સૌરભની મમ્મીને ઓળખે છે ! બહુ કાઠી બાઈ. તારે ને એને ઊભા રહ્યે નહીં બને. ઝેર જેવી જિંદગી કરી મેલશે તારી, પરથમથી જ વિચારી લેજે !’
આ ચેતવણીમાં ઈર્ષ્યાય હતી અને અદેખાઈ પણ હતી. સૌરભ જેવો સુશીલ, દેખાવડો અને ઉમદા ચારિત્ર્ય સાથે ઊંચા દરજ્જાની નોકરી કરતો યુવાન હું મારા રૂપે-ગુણે જ મેળવી રહી છું અને મારાં મા-બાપને પૈઠણ કે પહેરામણીમાં જરા જેટલુંય ચિંતા કરવાપણું નહીં રહે. એવું જાણનારાં સહેજે જ મારા સદભાગ્યની ઈર્ષ્યા કરે એ દેખીતું હતું. પણ બીજી બાજુ સૌરભનાં બા વિશેના અભિપ્રાયમાં થોડુંક વજૂદ પણ હતું. એ હંમેશાં પોતાના પરિવારમાં ગૂંથાઈ રહેતાં. કદીયે કોઈની ચર્ચા-ચોવટમાં ના પડતા. સાચું લાગે એ જરાય સાડીબાર રાખ્યા વિના સંભળાવી જ દે. કોઈનો ઝાઝો ઘરોબોય ના રાખતાં અને સ્વભાવનાં આકરાં ગણાતાં. એટલે લોકો, ખાસ કરીને સ્ત્રીઓ એમને અતડાં ને ઘમંડી ગણતાં. એમાં પૈસાપાત્ર હોવાના ગર્વની વાત પણ ભળતી.
આપણે કોઈના માટે ગમે તેટલી સારી ધારણા ભલેને બાંધીએ પણ લોકાપવાદ આવા ચાલતા હોય ત્યારે દિલમાં શંકા ઘોળાયા વિના ના રહે. પરિણામે મેં એક વાર સૌરભને પૂછી નાખ્યું :
‘સૌરભ, બા વિશે તરેહવારની વાતો થાય છે, એમાં સાચું શું છે ?’
એક પળવાર મારી સામે ટીકી રહ્યો, અપલકભાવે. એ મને ચાહતો હતો એટલે આવી પૃચ્છાનું એણે માઠું ના લગાડ્યું. મને તાગતો હોય એમ એ બોલેલો: ‘મારાં મમ્મી વિશે પૂછે છે ને ? હું કહું એ તને ખપ નહીં લાગવાનું. તું ખુદ ખાતરી કરી લે.’ હું વિમાસણમાં પડી ગયેલી. મારા સવાલ પછી સૌરભ જાણે મૂરઝાઈ ગયેલો. ખાસ તે સમયે એ તો પછી ઊઘડ્યો જ નહીં. અમે છૂટ્ટાં પડતાં હતાં ત્યારે એણે કહેલું :
‘સમાચાર મોકલું ત્યારે માનસિક રીતે સજ્જ થઈને આવજે ! હું તને મારાં મમ્મીની મુલાકાત કરાવીશ.’
હું અસંમજસમાં પડી ગઈ હતી. પહેલીવાર સૌરભનાં મમ્મીને મળવાનું હતું. હકીકતે તો પોતાના એકના એક દીકરાને મોહી લેનારી વીસનખાળી કેવી છે એ જ એ પારખવા માગતાં હતાં ! આમ મારાં બાથી એ પરિચિત હતાં જ; પણ હું ગુરુકુલમાં ભણી અને પછી શાંતિનિકેતનમાં ‘ફાઈન આર્ટ્સ’નું પૂરું ભણવા ગઈ એટલે મને તો એમણે જોયેલી જ નહીં. લોકો તો મને ચેતવતાં હતાં, પણ આકરી કસોટી તો મારી હતી. સૌરભનાં મમ્મી – મારાં ભાવિ સાસુમાની પરીક્ષામાં મારે પાસ થવાનું હતું. સૌરભે એકવાર કહેલું, મજાક સ્તો ! ‘હું તો તારા મોહનો માર્યો તને ડિસ્ટિંકશન માર્કસ આપી દઉં; પણ મારાં બા તને પચાસ ટકાય આપે તો તારે માની લેવું કે તું ‘ફર્સ્ટ કલાસ ફર્સ્ટ’ થઈ ગઈ !’
ને હું ભગવાન બુદ્ધની યશોધરા ગાતી હતી તેમ :
રે મન આજ પરીક્ષા તેરી
બિનતી કરતી હૂં મૈં તુઝસે, બાત ન બિગડે મેરી !

ગાતી ગાતી એક અસહ્ય બોજ સાથે સૌરભના ઘરે પહોંચી હતી. મેં ‘અસહ્ય’ શબ્દ વાપર્યો ને ! હા, સૌરભે મને ફોન પર નિમંત્રણ આપ્યું ત્યારે મેં પૂછી નાખેલું : ‘મારે તને પરણવાનું છે કે તારી બાને ?’
ને એણે જરાય ક્ષોભાયા કે થોથવાયા વિના સ્પષ્ટ કહી દીધું હતું : ‘મારી માનાં અરમાનોને…!’ ને પછી રિસીવર મૂકી દીધું હતું. એકવાર તો મારું મન આળું થઈ ઊઠ્યું હતું : ‘હું એકવીસમી સદીમાં જવા થનગની રહેલ નારી છું. મારું સ્વમાન છે, ગૌરવ છે ને પરિણય એ બે યુવાન હૈયાંની અંગત મૂડી છે. કોઈનેય એમાં દખલ કરવાનો અધિકાર શાનો હોઈ શકે ?’ પણ જે સંસ્થાએ મને કેળવી હતી, મારા સંસ્કારોનું પરિમાર્જન કર્યું હતું, એ મને મર્યાદા લોપવા નહોતી દેતી. હૃદય કહેતું હતું : ‘જેમની સાથે રહેવાનું છે, જેમના સંગે જીવનવ્યવહારોની પ્રીત બાંધવાની છે એ સૌનો રાજીપો રળી લેવો એ જ ભારતીય લગ્નજીવનમાં નવવધૂની સિદ્ધિ છે. આ ભારત છે, યુરોપ કે અમેરિકા નથી. સ્ત્રી માત્ર એક પુરુષને નથી પરણતી; એનાં પરિવારજનોના, આપ્તજન-પરિજનોના, મિત્રોના, સંબંધીઓના સૌના સંબંધે સંબંધાય છે. લગ્ન એ માત્ર બે હૈયાં વચ્ચેની સ્નેહગાંઠ જ નથી; પારિવારિક અને સામાજિક સ્નેહ-સંવાદિતાની સરવાણીઓ વહેતી કરનાર જીવંત જીવનસ્ત્રોત છે એ !’ આ શિક્ષણ નર્યા આદર્શો ન હતું. એમાં વિચારોના-પરંપરાઓના નિષ્કર્ષો હતા. એટલે જ સૌરભે વાત કાપી નાંખ્યા પછી તો એનાં મમ્મીને જીતી લેવાનો જાણે મને પાનો ચડ્યો. મારા રૂપનું, મારા ગુણોનું, મેં જાળવીને જતન કરેલા મારા સંસ્કારોનું ને મારા પોતીકાપણાનું મને સહેજે અભિમાન હતું, મને એની ઓથ હતી. એટલે કોઈ પણ પ્રકારની કસોટીને પહોંચી વળવાના દઢતર સંકલ્પો સહિત હું જ્યારે સૌરભના ઘરે સૌપ્રથમ પહોંચી ત્યારે મારા સાનંદાશ્ચર્યનો પાર ના રહ્યો.
કડપ વરસાવતી કઠોર મુખમુદ્રા, આરપાર વીંધી નાખી તાગ લેવા તાકતી વેધક આંખો, પ્રેમમાં પડેલી છોકરી હંમેશાં નકામી ને નખરાળી જ હોય એવા પૂર્વગ્રહથી પીડાતી મનોવૃત્તિ ને એ બધા જ આવેશોના પરિણામે ચહેરે ઝલકતી વિરૂપતા મેં ન્યાળવા-નીરખવા ધારી હતી, એના બદલે હૈયાનો સાચકલો હરખ જેમના મુખડે વિલસતો હતો અને જેના મનોભાવને કે આંખોની પરખને વ્યક્ત કરાતા હેતનો જરાય અંતરાય નહોતો નડતો એવા જાજવલ્યમાન દેહસામર્થ્ય ધરાવતાં ને પહેલી નજરે જ પોતીકા પ્રભાવે કરીને જીતી લે એવાં સૌરભનાં બાને જોઈને એક પળ હું મારા અસ્તિત્વનેય વીસરી ગઈ. સાંભળેલી વાતોને કારણે બાંધેલી ધારણાઓને લીધે ઊલટાના મારા ચહેરે ક્ષોભનાં વાદળ છવાઈ ગયાં હશે ને મારી સાચી સુંદરતાને એ નડતર બની રહ્યાં હશે, એવા થડકારે અને દિલના પરિતાપે મારી આંખો ભરાઈ આવી. અનાયાસે મારા હૈયામાંથી બા કે મમ્મી નહીં – ‘મા…..આ…..!’ ઉદ્દગાર સ્ફુરી પડ્યો ને મને ભાનેય ના રહ્યું ને ચરણસ્પર્શ કરવા નમેલો મારો દેહ એમની સ્નેહાળ ભુજાઓમાં આબદ્ધ થઈ ગયો. મારાં આંસુથી એમની છાતી ભીંજાઈ હશે તેના આંચકા સહિત મારા બંને ખભા પકડી એમણે મને અળગી કરતાં મારી આંખોમાં આંખો માંડી :
‘અરે ! તું રડે છે ! સાચ્ચેસાચ્ચ રડે છે ! અરે, આજની આ ઘડીએ રુદન શાનું, હેં ગાંડી….!’
‘હા મા. તમારે માટે મારા મનમાં બંધાયેલી ખોટી ધારણાનો એ પરિતાપ છે !’
‘તે પહેલી મુલાકાતમાં અને એક જ નજરમાં તેં મને પારખી લીધી, એમ !’
‘હા મા, જોવાની આંખ હોય તો અંતરને કશુંય અજાણ્યું નથી રહેતું !’ ને એમણે ફરી એકવાર મને છાતી સરસી ચાંપી દીધી.
પછી એમના કામઢા હાથોમાં મારો ચહેરો સમાવી લઈ મારા કપાળે એક પ્રગાઢ બોસો દીધો, ને ફરી ધીરે સાદે બોલ્યા : ‘ત્રણ વાર તેં મને ‘મા’ કહી, સાચું ને ! જો, આપણા મેળાપના નાટકને વાંકા સ્મિત વડે હૈયે ઉતારતા જરાક આઘા ઊભા રહ્યા છે તે મારા કુળદીપક શ્રી સૌરભભાઈ ! શાળામાં જતા હતા ત્યાં સુધી મને તુંકારે બોલાવતા હતા. કૉલેજમાં ગયા પછી હું એમને માટે આદરવાચક ઉદ્દગાર પાત્ર ઠરી ગઈ છું. ને આ બાજુ-જમણી ગમ જો, એ તોફાની આંખોવાળી છોકરી છે તે તારી નણંદ પ્રીતિ છે. કહેવા પૂરતી જ એ પ્રીતિ છે, બાકી આખીય અપ્રીતિ છે. તું આવવાની છે એમ જાણ્યું એટલે જમાઈને ધરાર પડતા મેલી ગઈકાલની અહીં આવી પહોંચી છે, તારા સત્કારમાં કશી કમી ના રહે એ જોવા. એ મને મમ્મી કહીને બોલાવે છે. મને એમ કે તું વળી ફોરેન ફરી આવી છું એટલે પેલું હમણાં ચલણમાં ચાલ્યું છે ને… ‘મામ’ એવું કંઈક કહીને મને બોલવશે, પણ આજથી હું, તેં કહ્યું તેમ તારી મા. મારી પ્રીતિએ મારી દેખરેખમાં આઠ વરસ આ ઘર પર રાજ કર્યું. તું આવ પછી મારે તો વિધિવત તારી તાજપોશી કરવી છે. બોલ બેટા, ક્યારે આવે છે ?’
શિષ્ટ-શાલીન ભાષા, જરાય કૃતજ્ઞતા કે દેખાડો નહીં. જે કાંઈ શબ્દરૂપે કે ક્રિયા અન્વયે ટપકે તે સાવ સ્વાભાવિક જ લાગે એવો એમનો વ્યવહાર પામીને હું તો એટલી ઓળઘોળ થઈ ગયેલી કે એમના સવાલનો ઉત્તર ‘અબઘડી’ એમ દેતી હોઉં એ રીતે પૂરી શક્તિથી મેં એમને ભીંસી લીધાં. ત્યાંથી સહેજ છૂટી થઈ કે મારાં નણદલબા ધસી આવ્યાં : ‘ભાભી ! પહેલી જ મુલાકાતમાં હું તમારી વેરવણ થઈ ગઈ. મારી મમ્મીને તમે આખીયે જીતી લીધી, હવે એ જરાક-તરાક મારી હતી તેય નહીં રહેવાની !’ દેખીતી રીતે જ પ્રીતિની આ સરસ અને વાજબી કૉમ્પ્લીમેન્ટ્સ હતી. એ ભાવ મનેય સ્પર્શી ગયો : ‘તમે ઉતાવળ કરી પ્રીતિબહેન સાસરે જવામાં. તમને પીઠી અને મેંદી ચડાવવાના મારા ઓરતા તમે છીનવી લીધા. એકાદ વરસ તમારા સહીપણામાં જીવવાનું મળ્યું હોત તો !’
બસ, આ મુલાકાત પછી તો સૌરભ કરતાંય એનાં બાના સાંનિધ્યમાં પહોંચી જવાની મને તાલાવેલી લાગી. તાજેતરમાં જ અમેરિકા પાછા ગયેલા મારા ભાઈને ફરી પાછા આવવાની ફરજ પડી અને ખૂબ જ આનંદોલ્લાસથી હું અને સૌરભ પરિણયસૂત્રે બંધાઈ ગયાં.
એક સાવ અજાણ્યા પરિવેશમાં જતાં, જિંદગીનો સુવર્ણયુગ જેમાં માણ્યો એવું બાપીકું ઘર છોડતાં અને માની મમતા પરહરતાં શ્વસુરગૃહે વિદાય થતી કન્યા હીબકે હીબકે રુએ છે એ ઘડી હૃદયવિદારક હોય છે. ધીરગંભીર મારા બાપુજી કશીક મહામૂલી નિધિ ખોઈ બેઠા હોય એમ ભારઝલ્લા હૈયાને પાંપણની ધારે પરાણે રોકી રાખી ઓશિયાળા ભાવે મને નીરખી રહ્યા હતા. લગભગ અમેરિકન થઈ ગયેલાં મારાં ભાઈ-ભાભી પણ આ ક્ષણે અસ્સલ ગુજરાતી રંગે રંગાઈ ગયાં હતાં. ભાઈનાં આંસુ વહેતાં હતાં ને ભાભી મને ધીરજ બંધાવવાના શબ્દો ગોતી રહી હતી. મારી મમ્મી કેમ કર્યાંય આંસુ ખાળી નહોતી શકતી ને એક હું હતી કે આંખમાં આંસુ છતાં સાચું રોઈ નહોતી શકતી. લાગતું હતું કે એક એવા પરમ વિશ્વાસના આવાસે જઈ રહી છું, જ્યાં જવાથી મારા માતૃઘર સાથેનો મારો સંબંધ વધુ દઢ થશે. મારી સહિયરોમાંથી એક જણી ખાસ મને સંભળાવવા જ કહી રહી હતી : ‘પ્રેમ કરીને પરણી રહી છે ને સદગુણી વર પામી છે એટલે લાડી ઝાઝું રડતાં નથી, પણ એકવાર સાસુને હાથે પલોટાવા તો દો, પછી ખબર પડી જશે !’ મારું શંકાળું મન એ પળેય જરાક અસ્વસ્થ થઈ ગયું હતું; પણ મારા અનુભવી હૈયે એના પર વિજય મેળવી લીધો હતો. ને તોય મારાં સાસુની સાચી ઓળખ થવાની હજી મને બાકી હતી !
અમારાં લગ્ન પછીનો એ પંદરમો દિવસ હતો. સૌરભ સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયાની મુંબઈ શાખાનો ઑફિસર હતો. દિવસો ડિસેમ્બરનાં હતાં એ જ કારણે અને સૌરભને ખાસ એવી રુચિ પણ નહીં. એને લીધે અમે હનીમુન જેવું કશું જ વિચાર્યું નહોતું. બસ, સ્વર્ગીય સુખ આપતા લગ્નજીવનના અમારા આરંભના એ રોમાંચકારી દિવસો અનેરા ઉત્સાહમાં પસાર થતા હતા. વહેલી સવારનો સમય હતો. મારી તંદ્રીલ આંખોમાં હજી નીંદરનો ભાર હતો ને મારી સાસુનો અવાજ સંભળાયો :
‘પ્રીતિ ! ઊઠ જોઈએ બેટા ! પાંચ વાગ્યાનો નળ શરૂ થયો છે. જોતજોતામાં સાત વાગ્યે જતો રહેશે. આજે તો ઢગલાબંધ લૂગડાં ધોવાનાં છે. ધોબી તો એના દેશ ગયો છે પણ અધૂરામાં પૂરું આપણી કામવાળી ય મહિનાની રજા લઈ એના છોકરાને પરણાવવા ગઈ છે. ચાલ જલદી કર.’ હઠ કરીને અને સાસરિયાંની ઉપરવટ થઈને મારાં નણંદ પ્રીતિબહેન અમારાં લગ્નને કારણે વીસ-એકવીસ દિવસ અગાઉથી પિયર આવ્યાં હતાં. એમની પોતાની નણંદના પણ લગ્ન હતાં. અમારી સગવડ સાચવવા એમણે તારીખ-વાર બદલ્યાં હતાં, છતાં પ્રીતિબહેન એ કશું ગણકારતાં નહોતાં. ને વરસેકની નાની દીકરી પૂર્વીને લઈને એ હજીય પિયરમાં જ પડી રહ્યાં હતાં. સાસુમાનો અવાજ સાંભળતાં જ હું સડાક કરતીકને બેઠી થઈ ગઈ. સૌરભ હજી મજાની નીંદર લઈ રહ્યો હતો. હૂંફાળી શૈયા છોડવાનું મનેય ગમતું નહોતું પણ સાસુનો અવાજ આદેશાત્મક હતો. અમારા રૂમનું બારણું ઊઘડતું ભાળતાં જ સાસુ ત્યાં ધસી આવ્યાં. સહેજ ધીરા પણ હુકમ કરતા સ્વરે એ બોલ્યાં : ‘દિવ્યા ! તું પાછી જા, ઊંઘ ના આવે તો ય હું ના કહું ત્યાં સુધી તારે તારા રૂમમાંથી બહાર નીકળવાનું નથી.’
મેં સહેજ પ્રતિવાદ કર્યો : ‘નાની પૂર્વીએ એમને મોડે સુધી ઊંઘવા નહોતાં દીધાં. ભલે પ્રીતિબહેન સૂઈ રહ્યાં. તમે મને બતાવો મારે શું કરવાનું છે ! પ્રીતિબહેન એકલા થાકી જાય છે.’ મારી વાતથી રાજી થવાને બદલે સાસુ નારાજ થઈ ગયાં.
‘તને હાલ ને હાલ નહીં સમજાય ! આ બધું જ કામ પ્રીતિએ કરવાનું છે. તું જા, કહું છું એમ કર.’
ને મેં જોયું તો મારાં સાસુએ પ્રીતિબહેનનું ઓઢણું ખેંચી લીધું : ‘ક્યારની બૂમો પાડું છું, સંભળાતું નથી ! નળ જતો રહેશે તો આખું ઘર ઉકરડો બની રહેશે !’
ખાસ્સી નારાજગી ને અકળામણ વ્યકત કરતાં નણંદબા ઊઠતાં હતાં એ હું મારા રૂમમાં રહી રહી પણ અનુભવી રહી. મને સમજાતું નહોતું. અનુભવે જાણવા મળેલું કે પિયરમાં આવેલી પુત્રીને મા જીવની જેમ જાળવે ને એના કોડ પૂરાં કરે. વહુને માથે આખોય ઢસરબોળો હોય પણ નણદલને ખસ ના કહેવાય. ‘ચાલ તારે તો સાસરે પછી કરવાનું જ છે ને ! અહીં મારા ઘરે તો આરામ કર થોડોક !’ આવાં જ દરેક માનાં વેણ હોય છે. પણ મારી સાસુનાં વેણ જુદાં હતાં, વ્યવહાર પણ જુદો જ હતો. નવેક વાગવા આવે ને હું પરવારી રહું કે સાસુમા મને લઈને કોઈક સંબંધીને ત્યાં જવા નીકળે, કાં મને કશુંક આંટાફેરાનું કામ સોંપે કાં ઘરમાં જ કશુંક એવું કામ બતાવે જે કામ જ ના હોય. રસોઈ આખીય પ્રીતિબહેનને માથે.
‘વહુ નવી નવી છે ને તેં બહુ લાડ કર્યા છે. હવે તો તું અહીં જ્યારે પણ આવે ત્યારે તારે જ ઘરની જવાબદારી ઉઠાવી લેવાની. વળી તારા હાથની રસોઈ દિવ્યા જમે તો એનેય ખ્યાલ આવતો રહે કે આપણે કેવા સ્વાદથી ટેવાયાં છીએ !’ પ્રીતિ આનો જવાબ ના આપતી. એના મોઢા પર અકળામણના ભાવ આવતા. ક્યારેક એ વાસણના પછડાટમાં વ્યક્ત પણ થતા. કવચિત અકારણ જ આંખની કીકી જેવી મીઠડી પૂર્વી પર ગુસ્સો ઠાલવી દેતાં. સાસુ આ બધું જોતાં છતાં આંખ આડા કાન કર્યા કરતાં.
શરૂઆતમાં તો મને લાગેલું કે પરણ્યાના પાંચ દહાડા પૂરા થશે એટલે સાસુ આ બધી જવાબદારી મને સુપરત કરી દેશે. પણ આજે પંદરમો દિવસ પસાર થવા છતાં એવુંતેવું કાંઈ મને સોંપાતું નહોતું. ઊલટું મને એ દિવસે આગ્રહ કરીને એ દેવદર્શને સાથે લઈ ગયાં. ઘેર બે મહેમાન જમવા આવવાના હતા છતાં એમણે મને રસોડામાં જવા ન દીધી. અલબત્ત, પૂર્વીને સાથે લીધી હતી. રસ્તે મેં વાત કાઢી :
‘મા, પ્રીતિબહેનને માથે આજે ઝાઝું કામ છે. મને ઘેર રહેવા દીધી હોત તો…. સૌરભે પણ મને તાકીદ કરી હતી.’
‘શું કરવું શું નહીં તેની મને બધી ખબર છે. તું હું કહું એથી એક અક્ષર પણ વધુ ના વિચારીશ.’ એ દિવસે પ્રીતિબહેને જાણીજોઈને રસોઈ કથળાવી. સાસુએ એ જોયું. એક શાક એમણે પોતે બનાવી લીધું ને બાકીનું બજારમાંથી તૈયાર મંગાવીને એમણે ખાસ ઊણપ ના વર્તાવા દીધી. પણ મહેમાનોના ગયા પછી એ રીતસર પ્રીતિ ઉપર જાણે ઓરમાન મા હોય એમ તૂટી જ પડ્યાં: ‘મહેમાન આવવાના હોય એવી એક ટંક પણ તારાથી સારી રીતે ના સચવાઈ ! આવું રાંધતાં મેં તને શીખવ્યું છે ?’
‘પણ મમ્મી ! કામવાળીય નહીં, બધું મારે એકલીને જ કરવાનું. મદદમાં કોઈ નહીં ને…..’ પ્રીતિનો અવાજ રડમસ થઈ ગયો, એની દરકાર કર્યા વિના સાસુ તાડૂક્યાં :
‘ચૂપ રહે, તું એકલી પચ્ચીસ જણની રસોઈને પહોંચી વળે એટલી સાબદી મેં તને કરી છે !’ એ સાંજે અમારો પિક્ચરનો પ્રોગ્રામ હતો. પ્રીતિબહેનની ઈચ્છા હતી પણ સાસુમાએ એને સાંજની રસોઈ સોંપી અને પોતે બોરીવલી એક સ્નેહીની ખબર કાઢવા જતાં રહ્યાં.
રસ્તે અમને અમારી કામવાળી જમના મળી ગઈ. મારા પતિ ઘરમાં કામની ટકટક થતી એથી થોડાક અવગત થયેલા તે ગૃહસ્થને છાજે એવી ગંભીરતાથી જમનાને કહેવા લાગ્યા : ‘તમે તો કાંઈ દેખાતાં જ નથી. હજીય તમારા દીકરાનાં લગ્નમાંથી નથી પરવાર્યાં ?’
જમના હસી પડી : ‘કેવો દીકરો ને કોનાં લગ્ન ? મને તો બાએ ઑર્ડર દીધો છે, એ ના કે’વડાવે ત્યાં લગી મારે કામે નહીં આવવાનું ! પગાર પણ આગમચથી આલી લીધો છે !’ હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ. મેં સૌરભ સામે જોયું. એય મૂંઝવણમાં પડી ગયો હતો. મારા મનમાં ફરી પાછી શંકા ઘોળાવા લાગી : છેલ્લા પંદર પંદર દિવસથી હું જોતી આવી હતી, મારાં સાસુ એમની પેટની દીકરી પર બરાબરનો કડપ વર્તાવી રહ્યાં હતાં. એમની એક વાત સાચી હતી: મેં નવું નવું લગ્નજીવન આરંભ્યું હતું એટલે મારે હરવાફરવાના દિવસો હતા. પણ સામે પક્ષે પ્રીતિબહેન મહેમાન હતાં, ઘરની દીકરી હતાં, યુવાન હતાં. અને મા સગી દીકરી પર નોકરાણી કરતાંય આકરો અત્યાચાર ગુજારી રહ્યાં હતા. મારા મને વિચાર્યું કે પ્રીતિ દ્વારા આ દાખલો મારા પર બેસાડાઈ રહ્યો છે. સગી દીકરી સાથે જે મા આમ વર્તે એ વહુ પર સારી રીતે કેમનાં વર્તે ! પ્રીતિબહેન અહીંથી જશે એટલે એ તમામ કામનો બોજો મારે માથે મારવાનાં. ‘મારી સગ્ગી છોકરી કરતી’તી. તું નવી નવાઈની ક્યાંથી આવી ?’ એમ ટોણો દેવાનાં. લોકો સાચાં હોય છે – પોતાના પ્રત્યાઘાત આપવામાં, ‘પલોટે ત્યારે જોજે.’
‘કેમ સાવ મૌન બની ગઈ !’ અચાનક સૌરભે પૂછ્યું ને હું મનના પ્રદેશમાંથી વાસ્તવ જગતમાં આવી ગઈ.
આજે અમે આકસ્મિક જ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું, એટલે ઍડવાન્સ બુકિંગ કરાવ્યું નહોતું. ટૉકિઝ પર ટિકિટોના બ્લૅકમાં ભાવ બોલાતા હતા. અમે બેએક ટૉકિઝ ફર્યા. બધે જ એ જ હાલ. સૌરભ કદીયે બ્લૅકમાં ટિકિટ ના જ ખરીદે. આખરે બ્લૅકમાં અપાત એટલા જ પૈસા ટેક્સીમાં ખર્ચીને અમે પાછાં ફર્યાં. આમેય જમનાની વાત સાંભળી ત્યારથી મારું મન જરાક આળું થઈ ગયું હતું. મને બનાવટ નહોતી સદતી ! સાસુજી મારી સાથે સીધી રીતે નહોતાં વર્તતાં એનું મને દુઃખ હતું. સાંતાક્રુઝ સ્ટેશને ઊતરીને અમે ઘરભણી ચાલતાં હતાં ને સૌરભના એક મિત્ર મળ્યા. એમને સૌરભનું ખાસ કામ હતું એટલે એમનો આગ્રહ છતાં હું સાથે ના ગઈ. ઘરે જઈ મારે પ્રીતિબહેન સાથે થોડીક પેટછૂટી વાતો કરવી હતી. હું ઘરે પહોંચી. મુખ્ય દ્વાર માત્ર આડું જ કરેલું હતું. ધીરે રહી એ ખોલીને હું અંદર ગઈ તો મેં જોયું પ્રીતિબહેન કોઈને ફોન કરી રહ્યાં હતાં. એમની પીઠ મારા ભણી હતી અને એટલાં તો મગ્ન હતાં, આવેશમય હતાં કે હું આવી ગઈ છું એનો એમને ખ્યાલેય નહોતો આવતો. એ કહેતાં હતાં :
‘નિખિલ પ્લીઝ ! આજે જ-અબઘડી આવ અને મને લઈ જા. મારી મમ્મી આટલી વહુઘેલી હશે એ તો મેં ધાર્યું જ નહોતું. સગ્ગી છોકરી સાથેનો આવો વ્યવહાર ! હવે મારાથી ઝાઝું નથી ખમાતું. લોકો સાચું કહે છે, પરણ્યા પછી પિયરના ઝાઝા ઓરતા ના રાખવા ! ગુસ્સો કરીને ઘરેથી ચાલી આવી હતી. નણંદના લગ્ન કરતાં મારા ભાઈના લગ્નને મેં વધારે પડતું મહત્વ આપ્યું. મારા ઘરનો વ્યવહાર ના સાચવ્યો. આપણાં મમ્મીનેય આવેશમાં આવીને થોડુંક અજુગતું બોલી ગઈ છું. પણ….પણ….’
પ્રીતિના અવાજમાં આદ્રતા ભળતી હતી. એ રડી પડે ને એની હું સાક્ષી બનું તો એ ઉચિત નહીં નીવડે એમ માની બિલ્લીપગલે હું બહાર નીકળી ગઈ અને રિસીવર મૂકવાનો અવાજ થયો ત્યારે જ ડૉરબેલ દબાવ્યો. પ્રીતિબહેન બારણે આવ્યાં. એમના મુખ પર ગ્લાનિ હતી. આંખોનાં પોપચાં ભારે હતાં.
‘કેમ પાછાં ? શું થયું ?’
‘ટિકિટ ના મળી !’
પ્રીતિબહેન એમનાં અને પૂર્વીનાં વસ્ત્રો એકઠાં કરવામાં લાગી ગયાં. હજી એમણે સાંજની રસોઈ માટે કશું જ નહોતું કર્યું. ત્રાસીને એ પિયરઘર છોડી જવાનાં હતાં અને હવે પછીથી રસોઈ મારે માથે જ પડવાની હતી. તો ચાલ, આજથી જ એના શ્રીગણેશ કરી દઉં, એમ વિચારી મેં પ્રીતિબહેનને પૂછ્યું :
‘પ્રીતિબહેન ! તમે કહો તો હું રસોઈ કરું ? શું રાંધવાનું છે ?’
‘હાંડવો આથી મૂક્યો છે. હમણાં ચડાવીએ છીએ. ભાઈને ભાખરી વિના નહીં ચાલે. પણ તમે રહેવા દો, હું હમણાં કણક બાંધું છું !’ થોડી વાર થઈ ને મારાં સાસુ આવ્યાં. રસોડું શાંત જોઈ એ અકળાવાં જોઈતાં હતાં, પણ એ કાંઈ જ ના બોલ્યાં. સહેજ ત્રાંસી નજરે એમણે પ્રીતિ ભણી જોઈ લીધું. પછી મને કહે : ‘દિવ્યા ! આજે તારા હાથે રસોઈનાં શુકન કરાવવાં છે. તું તૈયાર થઈ જા.’
એ બોલી રહ્યાં ને બારણે ડૉરબેલ વાગ્યો. જઈને મેં જોયું તો મારા નણદોઈ નિખિલકુમાર ! સાસુ તો સાવ આશ્ચર્યમાં પડી ગયાં હોય એમ બોલી ઊઠ્યાં : ‘અરે તમે ! ફોન તો કરવો’તો ! અચાનક !!’
‘હા, બા. પ્રીતિ આવે તો મારે અત્યારે સાથે જ લઈ જવી છે. લગ્ન આડે હવે દસ જ દિવસ બાકી છે. અને મારાં મમ્મી કહ્યા કરે છે કે, પ્રીતિ અને પૂર્વી વિના ઘર સૂનું લાગે છે.’ પપ્પાને જોઈને પૂર્વી ખુશખુશાલ થઈ ગઈ. પ્રીતિની આંખોમાં મેં સ્વમાનનો ઝબકારો જોયો. હોંશે હોંશે મેં શીરો બનાવ્યો. મારાં સાસુએ બાકીની રસોઈ કરી. જમાઈને હેત-હરખથી જમાડ્યા. સૌરભ ટૅક્સી લઈ આવ્યા. પ્રીતિબહેન કશું જ બોલતાં નહોતાં. એ વિદાય લેતાં હતાં ત્યારે મેં મારી પાસેની મોંઘામાં મોંઘી સાડી, જે પ્રીતિબહેનને ખૂબ પસંદ હતી-એનું પૅકેટ એમને આપતાં મારી આંખો પણ સહેજ ભીની થઈ ગઈ, પણ મારાં સાસુમા અચળ હતાં.
ટૅકસી પસાર થઈ અને અમે બેઠકમાં આવ્યાં. અવશપણે મજબૂરીએ કશુંક નામરજીનું કરતાં રહ્યાં હોય અને એમાંથી છુટકારો મળતો હોય એવી હળવાશ ધારણ કરતાં સાસુમા સૉફા પર બેઠાં. મારી સામે એ જરાક વાર નજર નોંધી રહ્યાં ને પછી ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડ્યાં. હું અને સૌરભ બંને અવાક થઈ ગયાં. સૌરભ પોતેય નહોતો ધારતો કે એનાં બા આમ મન મોકળું મૂકીને રડે ! આવું તો એ પ્રીતિનું પહેલીવાર આણું વળાવ્યું ત્યારેય નહોતાં રોયાં. હું પાણીનો ગ્લાસ લઈ આવી. બે ઘૂંટ પાણી પીને જરાક સ્વસ્થ થતાં એ બોલ્યાં:
‘દિવ્યા ! આ પ્રીતિ મારી સાત ખોટની દીકરી, સૌરભ જેટલી જ વહાલી, લાડકોડને કારણે સ્વભાવે જરાક આકળી બની. એની સાસુ મારી સહેલી છે, ને મારા કરતાંય સારી છે. પણ આ છોકરી સાસરામાં કોઈને ગણકારે જ નહીં. સાસુ સાથે વઢીને-ઝઘડીને અહીં લગ્નમાં વીસ દહાડા પહેલેથી જ આવી. લગ્ન પત્યે સૌ ગયાં પણ એ હજીય અહીં જ રહી. જમાઈ ખૂબ સમજદાર. અમે બંનેએ પ્રીતિને રાગે લાવવાનું નક્કી કર્યું. મેં નોકરાણીને એક પગાર મફતનો આપીને આ મહિનો કામ પર આવવાની ના પાડી. તનેય કશું જ ના કરવા દીધું. કામનો આખોય બોજો એના માથે નાખ્યો. એ પહેલેથી જ થોડીક આળસુ છે. મેં છાતી પર પથ્થર મેલીને એને કામ તો કરાવ્યું જ. કવચિત કડવા બોલ પણ કહ્યા છે. આજે સવારે જ એ મારી સામે દલીલ કરવા માગતી હતી, ત્યારે મેં એને સંભળાવી દીધું હતું : ‘જ્ઞાન અને ગુમાન બધુંય પોતાના ઘરે જ શોભે !’ ને આજે જ બોરીવલીથી મેં જમાઈને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રીતિનો ફોન આવે તો મારતે ઘોડે ધસી આવજો !’ નિખિલકુમાર ખૂબ શાણા માણસ. બીજો હોય તો આ ઘર ભાંગ્યા વિના ના રહે. ને મને લાગે છે કે પ્રીતિના ઘડતરમાં મારી આટલી કસૂર રહી ગઈ હતી તે આ ફેરા મેં પૂરી કરી નાખી !’
એક વાર ફરી મને મારાં સાસુની સાચી ઓળખ લાઘી અને હું આંસુસભર આંખે એમને વળગી પડી : ‘મા ! મને માફ કરજો, એક વાર ફરી મેં તમારે માટે ખોટી ધારણા બાંધ્યાનો અપરાધ કર્યો છે !’

( સમાપ્ત )

એલચીની સુગંધ

Standard

લેખક – ગિરીશ ગણાત્રા

વર્ષોથી નાનકડા શહેરની એક શાળામાં આચાર્ય રહી ચૂકેલા રમણભાઈ ભટ્ટ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી અમદાવાદ રહેવાનું નક્કી કર્યું એટલે નાનકડો ફ્લૅટ કે ટેનામેન્ટ શોધવા માંડ્યા. નિવૃત્ત થયા પછી હાથમાં સાઠ હજાર રૂપિયા જેટલી રકમ આવેલી. જિંદગીભરની બીજી બચત પણ ઘર પાછળ રોકી દેવાનો નિર્ણય કર્યો. જાતે તો મકાનની શોધ કરી શકે એમ નહોતા, એટલે અમદાવાદમાં વસતા એક સજ્જન મિત્રની ભલામણથી મોહનભાઈ મકાન-દલાલને આ કામ સોંપ્યું.

મોહનભાઈ વર્ષોથી મકાનદલાલીની લડાઇમાં, પણ બહુ કમાયા નહોતા. કડદા કરતાં આવડે નહીં, સીધી રાહે ભોળાભાવે કામ કરે અને દલાલીના ભાવતાલ કર્યા વિના ગ્રાહક જે કંઈ આપે તે પત્રમ્‍ પુષ્પમ્‍ સમજીને લઈ લે.

મોહનભાઈએ રમણભાઈ માટે શહેરના સીમાડે બંધાતી એક સોસાયટીમાં નાનકડું ટેનામેન્ટ શોધી કાઢ્યું. રમણભાઈને જોકે એ દૂર પડતું હતું, કારણ કે નિવૃત્ત થયા પછી એ ટ્યૂશનો અને એક શાળાની પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતા. છતાંય દીકરાઓએ સલાહ આપી કે લઈ લ્યો. ખૂટતા કરતા અમે ભરીશું. એટલે સવા લાખમાં ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું. બીલ્ડર જોડે થયેલી મોહનભાઈની વાત પ્રમાણે એવું નક્કી થયું કે ચાળીસ હજાર બ્લેકના ને બાકીના વ્હાઇટમાં પહોંચાડો એટલે દસ્તાવેજ કરી કાઢીએ. ટેનામેન્ટ આમ તો તૈયાર હતું પણ અંદર ટાઇલ્સ લગાડવાનું બાકી હતું, એટલે પંદર-વીસ દિવસમાં પઝેશન મળે એમ હતું.

આજે સાંજે પંચોતેર હજાર રૂપિયા રોકડા લઈને એ મોહનભાઈને ઘેર આવ્યા. મોહનભાઈ ઘેર બેઠા હતા. એમની પત્ની કોઈને ત્યાં બેસણામાં જઈ શાકભાઈ લઈને ઘેર આવવાના હતાં એટલે મોહનભાઈએ જાતે ચા બનાવી.

રમણભાઈએ મોહનભાઈને પંચોતેર હજાર રૂપિયા આપ્યા. મોહનભાઈએ કહ્યું :

‘આજે તબિયત બરોબર નહોતી એટલે બીલ્ડર પાસેથી કૉન્ટ્રેક્ટ-ફોર્મ લેવા નહોતો જઈ શક્યો. કાલે સવારે કૉન્ટ્રેક્ટ-ફોર્મ લઈ સહીસિક્કા કરી લેશું, એટલે જો કાલે સવારે આ પૈસા લઈને આવો તો અંકે સો કરી લઈએ.’

‘અરે ભગવાન !’ રમણભાઈથી નિસાસો નખાઈ ગયો. ‘બપોરે બૅન્કમાંથી પૈસા કાઢ્યા ત્યારથી બિલાડીના બચોળિયાની જેમ આ પૈસાનું પડીકું સાચવતો આવ્યો છું. બસમાં આવ્યો ત્યારેય સાચવીને લાવ્યો છું. હવે પાછો જઈશ ત્યારેય… એના કરતાં તમે રાખો ને. સવારે કાલે તમારે ઘેર આવું છું.’ મોહનભાઈએ બહુ આનાકાની કરી તોયે રમણભાઈ ન માન્યા એટલે પૈસાનું કવર લઈને એમણે કબાટમાં મૂકી દીધું. કબાટની ચાવી ઝભ્ભાની નીચે પહેરેલા જાકીટના ખિસ્સામાં મૂકી દીધી – વૃદ્ધ માણસોની ખાસિયત પ્રમાણે.

બીજે દિવસે સવારે રમણભાઈ મોહનભાઈને ઘેર આવ્યા ત્યારે મોહનભાઈના ઘર આગળ ખભે ધોતિયાં નાખી ડાઘુઓ નનામી બાંધતા હતા.

‘કોણ ગયું ?’ રમણભાઈથી પુછાઈ ગયું.

‘મોહનભાઈ – મોહનભાઈ મકાનદલાલ.’ એક ડાઘુએ કહ્યું.

રમણભાઈ એક ધબકારો ચૂકી ગયા. હવે મૃત્યુના પ્રસંગવાળા ઘરમાં કહેવું પણ કોને ? છતાંય, વારંવાર આ ઘેર આવતા હોવાથી એ મોહનભાઈનાં પત્ની કંકુબહેન આગળ ખરખરો કરવા ગયા, પણ બૈરાઓની વચ્ચે વીંટળાઈને કંકુબહેન છાતીફાટ વિલાપ કરતાં હતાં એટલે રમણભાઈથી કંઈ બોલાયું નહીં.

મોહનભાઈના બે છોકરાઓ આજુબાજુ જ રહેતા હતા. એની સાથે એ મોહનભાઈની સ્મશાનયાત્રામાં જોડાયા, પણ ત્યાંય કંઈ વાતચીત ન થઈ શકી.

છેવટે સાંજે ફરી એને ઘેર ગયા અને છોકરાઓને વાત કરી. છોકરાઓએ એની બાને વાત કરી. ક્યા કબાટમાં પૈસાનું કવર મૂક્યું હતું એની એંધાણી આપી.

કબાટ ખોલ્યું. રમણભાઈએ આપેલું કવર ક્યાંય હતું નહીં. આખું કબાટ ફેંદી વળ્યા પણ કવર ન મળ્યું તે ન જ મળ્યું.

રમણભાઈની હાલતની તો કલ્પના કરવી જ રહી ! જિંદગીભરની કમાણી આ કવરમાં હતી. એ કવર એમનું સ્વપ્ન હતું – ઘડપણનું ઘર હતું, પણ મોહનભાઈના બન્ને છોકરા સમજુ ને શાણા હતા. એકે કહ્યું :

‘જુઓ રમણભાઈ, તમે પૈસાની જરાયે ચિંતા ન કરો. મારા બાપાએ આજ સુધી કોઈના પૈસા ઓળવ્યા નથી. એમના સ્વભાવમાં જ એ નથી. ઘણાને ઘર લઈ આપ્યાં છે, બંધાવી આપ્યાં છે, દલાલી આપતી વખતે ઘણાએ અખાડા કર્યા છે, બે ટકા કહીને માત્ર પા ટકો જ દલાલી આપી છે, છતાંય બાપાએ ‘હશે’ કહીને હસતાં મોંએ ઝેર પચાવ્યું છે. ખુદ બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરો બાપાના આ ભોળિયા સ્વભાવ માટે ટકોર કરે છે. કેટલાકે તો માથે રહીને દલાલી અપાવી છે. તમે ચિંતા નહીં કરો. કોનું ટેનામેન્ટ તમે નક્કી કર્યું છે તે કહો તો ત્યાં પૂછપરછ કરીએ.’

રમણભાઈએ નામ આપ્યું.

નાના દીકરાને મૂકી મોટો રમણભાઈને સ્કૂટર પર બેસાડી બીલ્ડરને ઘેર ગયો. બીલ્ડર અંદર ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા એટલે દિવાનખંડમાં બેઠા.

બીલ્ડર જમીને બહર આવ્યા એટલે મોહનભાઈના પુત્રે હળવેકથી કહ્યું :

‘બાપા સવારે પાંચ-છ વાગ્યે ગુજરી ગયા છે…’

‘અરેરે ! કેમ કરતાં બન્યું ?’

‘કશી ખબર નહીં. બા સવારે ઉઠાડવા ગઈ ત્યારે એમનો પ્રાણ ઊડી ગયો હતો…’

‘અરેરે !’

‘હશે, ભગવાનને જે ગમ્યું તે ખરું, પણ માથે ધર્મસંકટ આવી પડ્યું છે. આ ભાઈને તમારું ટેનામેન્ટ બાપા અપાવી દેવાના હતા. સાંજે પંચોતેર હજાર રોકડા બાપાને આપી ગયા ને…’ કહી એણે બધી વાત કરી.

બીલ્ડરે બન્‍નેની સામે વારાફરતી જોયું. રમણભાઈનો ચહેરો ને મોહનભાઈના છોકરાના ચહેરા સામે નજર કરી કહ્યું :

‘તમને ચાનું કહેવું કે ન કહેવું એની મને સમજણ પડતી નથી. મારે ઘેર આવેલો કોઈ ચા વિના ગયો નથી. આજે સવારે જ તમારા બાપાનું અવસાન થયું છે એટલે…’ કહી એ થોડું અટક્યા. ને પછી બોલ્યા, ‘વાંધો નહીં. આજે ચા પીઓ. સ્વર્ગમાં બેઠેલા મોહનભાઈ ધોખો કરશે તો પ્રાયશ્ચિત હું ભોગવી લઈશ. હવે વાત જાણે એમ છે કે ગઈકાલે આ ભાઈ ગયા પછી દસેક મિનિટે હું તમારે ત્યાં આવ્યો હતો. મોહનભાઈને છાતીમાં દુખતું હતું એટલે બપોરે મારે ત્યાં આ ટેનામેન્ટના દસ્તાવેજના કાગળો લેવા આવવાના હતા તે ન આવ્યા. એટલે હું જાતે જ તમારે ઘેર આવી ગયો. મને એમણે પંચોતેર હજાર આપી દીધા છે. મેં દસ્તાવેજના કાગળો પર સહી કરી બધું એમને આપી દીધું છે. તમે ઘરમાં, ખાસ કરીને એમના ચામડાના દફ્તરમાં તપાસ કરો. મકાનના દસ્તાવેજ એમાં પડ્યા હશે. જો ન મળે તો બીજો દસ્તાવેજ કરી આપીશ, પણ મળશે જ, કારણ કે મારા દેખતાં એમણે એ કાગળો ચામડાના દફ્તરમાં મૂક્યા છે.’ કહીને એ ઊભા થઈને અંદર ગયા ને કબાટમાં સો-સોની કેટલીક નોટો લઈને આવ્યા ને છોકરાના હાથમાં નોટો મૂકતાં કહ્યું :

‘આ એની દલાલીના.’ કહી એમણે રમણભાઈને કહ્યું: ‘માસ્તર સાહેબ, તમે કોઈ વાતે ચિંતા ન કરશો. અત્યારે આપણે એગ્રીમેન્ટ ઑફ સેલ કયું છે. બાકીના પૈસા મને પહોંચાડી દેશો એટલે પાકા દસ્તાવેજ કરી દઈશું. તમારું ઘડપણ અને મોહનભાઈનું મૃત્યુ હું નહીં બગાડું…’

અંદરથી એલચીની સુંગધવાળા ત્રણ કપ ચાના આવ્યા.

( સમાપ્ત )

ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !

Standard

ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા

એક ગામમાં એક અત્યંત ફૂવડ સ્ત્રી રહેતી હતી. એ એટલી બધી ગોબરી હતી કે કોઈ એના ઘરે જવાનું પણ પસંદ ન કરતું. એને જોઈને લોકો મોં બગાડતા, છતાં એ સ્ત્રીના વર્તનમાં કોઈ જ ફેરફાર થતો નહીં.

એક દિવસ કોઈએ એ સ્ત્રીને એક ગુલાબ ભેટમાં આપ્યું. લાંબી ડાળખી સાથે એ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર લાગતું હતું. એ ફૂવડ સ્ત્રીને પણ ગુલાબનું સૌંદર્ય અત્યંત આકર્ષી ગયું હતું. એણે એના ટેબલ પર પડેલા ફલાવરવાઝ (ફૂલદાની)માં એ ગુલાબને ગોઠવી દીધું, પરંતુ એ સાથે જ એક તકલીફ ઊભી થઈ. ગુલાબનું ફૂલ એટલું બધું સરસ લાગતું હતું કે પેલી ફૂલદાની એની પાસે ગંદી દેખાવા લાગી. એના પર દિવસોની ધૂળ જામી હતી એ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

એ ફૂવડ સ્ત્રીએ થોડીક વાર સુધી તો એ જોયું ન જોયું કર્યું, પરંતુ પછી એનાથી ન રહેવાયું. ઘણાં વરસ પછી એણે એ ફૂલદાનીને બરાબર ધોઈને ચોખ્ખી કરી નાખી. ચકચકિત ફૂલદાનીમાં ડાંડલી સાથેનું એ ફૂલ એણે ગોઠવી દીધું. પછી એ કેવું લાગે છે તે જોવા એ બે ડગલાં પાછળ હટી, પરંતુ એ સાથે વળી એક ઉપાધિ ઊભી થઈ ! હવે ટેબલ ગંદું દેખાતું હતું ! આટલા સરસ ગુલાબની આજુબાજુ ટેબલ પર પડેલ કચરો એ સ્ત્રીથી સહન ન થઈ શક્યો. એણે આખું ટેબલ સાફ કરી નાખ્યું. એને એ પણ યાદ નહોતું કે છેલ્લે એણે એ ક્યારે સાફ કરેલું ! ટેબલ સાફ કરી, એના પર પેલી ગુલાબના ફૂલ સાથેની સ્વચ્છ ફૂલદાની ગોઠવતાં એને અત્યંત ખુશી થતી હતી. હવે એ સહેજ દૂર ઊભી રહીને આ દશ્ય જોવા લાગી. પરંતુ સૌથી મોટી ઉપાધિ તો બાકી જ હતી ! હવે એને ટેબલની સરખામણીમાં આખો રૂમ જ ગંદો લાગવા માંડ્યો હતો ! જોતજોતામાં એ સ્ત્રીએ પોતાનું ઘર તેમ જ આંગણું વાળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું !

ઉપસંહાર :
જિંદગીના એકાદ ખૂણે થોડોક જ પ્રકાશ ફેલાય તો આપણે સમજી પણ શકીએ એ પહેલાં આપણા જીવનનો ખૂણેખૂણો પ્રકાશિત અને ઊજળો બની જતો હોય છે. બસ, જરૂર હોય છે એક કિરણને અંદર આવવા દેવા જેટલી જગ્યા કરવાની !

ગુજરાતનો વારસો

Standard

1. જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે – પોરબંદર
2. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર – પ્રો. મૌલાબક્ષ
3. ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ – અસાઇત
4. કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે – ગિરનાર
5. ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે – નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6. કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે – ગોંડલ
7. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું – વીરચંદ રાઘવજી ગાંધી
8. ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે – બનાસ, સરસ્વતી અને રૂપેણ
9. ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા – ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10. જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે – જૂનાગઢા
11. ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે – શ્રી સ્વામિનારાયણ
12. ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે – માંડલ
13. બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે – ભાવનગર
14. ‘મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી – ભાસ્કર અને રાધા મેનન
15. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે – કચ્છ
16. ઉનડબાપુની જન્મભૂમિ કઇ – પાળિયાદ
17. વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો – કુમારપાળે
18. વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી – સ્વામી યોગેશ્વરનંદજી
19. રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો – મહંત નૃસિંહદાસજી
20. રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી – મહંમદ બેગડો
21. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે – ગુજરાત સરકાર
22. એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે – કામરેજ
23. “એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી” પંક્તિ કોની – ઉમાશંકર જોશી
24. સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે – સરસ્વતી, હિરણ અને કપિલા
25. હોળી ક્યારે ઉજવાય – ફાગણ પૂનમ
26. કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે – મેર
27. અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ – બાલકૃષ્ણ દોશી
28. કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે – ભરતગૂંથણ
29. કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા – કોરી
30. સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે – કાઠી
31. પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે – નળકાંઠા
32. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે – મોઢેરા
33. માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે – ખોડિયાર માતા
34. શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે – વડોદરા
35. મોતી ભરત કયા લોકોનું જાણીતું – અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે – વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37. સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે – પરબવાવડી
38. સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો – માંડવી
39. ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે – મહુડી
40. નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા – કાથ્થક
41. વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી – અંબુભાઇ પુરાણી
42. સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
43. પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું – ફિલ્મ સંગીત
44. ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી – કચ્છ
45. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ – પ્રો. મૌલાબક્ષ
46. શાયલા શાના માટે જાણીતું છે – લાલજી મહારાજના સ્થાન માટે
47. પટારા માટે કયું શહેર જાણીતું – ભાવનગર
48. કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે – ભવનાથના મેળામાં
49. પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ – માનવીની ભવાઇ
50. તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે – સુરત
51. ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
52. કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
53. ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે – ખ્રિસ્તી
54. નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા – સિતાર
55. શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે – ભાલણ
57. બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું – કાર્ટૂનિંગ
58. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59. પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું – ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60. કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે – અષાઢ સુદ બીજ
61. દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – લોકસંગીત
62. કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે – અંબાજી
63. પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું – ચાંપાનેર
64. અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું – ચિત્રકળા
65. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ – ચકોર
66. જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે – વેડછી
67. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – હવેલી સંગીત

ગુજરાતી સાહિત્ય વિશે જાણવા જેવું

Standard

♥️💭♥️💭♥️💭♥️💭♥️💭♥️💭

💭♥️ જાણવા જેવું 💭♥️

♦️ લિંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા.

♦️ ગંગાસતી અઢારમી સદીમાં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના વતની હતા, ગંગાબાઈ ગોહિલ રાજપુત, પોતના પુત્ર અજોભાતી પત્ની પુત્રવધૂ પાનબાઇને સંબોઘી પદો રચતાં હતાં.

♦️ હલ્લીસક ક્રિડા રાસ (એક પુરૂષ અને અનેક સ્ત્રીઓ હોય છે.)

♦️ ગરબી માત્ર પુરૂષોની રાસ છે.

♦️ ગરબો મોટાભાગે સ્ત્રીઓનો અને ક્યારેક સ્ત્રી-પુરૂષોનો રાસ છે.

♦️ કુલમંડનગણિનું રચેલું ‘મુગ્ધાવબોધ ઓકિતક’ ગુજરાતી ભાષામાં લખાયેલું સંસ્કૃત ભાષાનું સર્વપ્રથમ વ્યાકરણ પુસ્તક છે…

♦️ નરસિંહ મીરાની હારમાં ઊભો રહે તેવો જૈન કવિ *આનંદ ધનજી*

♦️ ભૂપૈન્દ્ર ત્રિવેદી એ ‘અનુભવ બિંદુ’ને અખાની ઘડાયેલી કલમનું ફળ ગણાવી છે. અખાને હસતો કવિ ગણાવ્યો છે.

♦️ વલ્લભનો શણગારનો ગરબો ગુજરાતી કવિનું ‘સૌંદર્યલહેરી સ્રોત’ છે…

♦️ જેઠાલાલ ત્રિવેદી : નરસિંહ મહેતા વૈષ્ણવ હોવા છતાં વાડાબંધીથી મુકત છે.…

♦️ ભાલણ પોતે વાપરૈલી ભાષાને ‘અપભ્રંસ’ ગણાવે છે.

♦️ ‘ગુજરાત’ એવો નામ નિર્દેશ વસ્તુપાળ-તૈજપાળ રાસ માં જોવા મળે છે.

♦️ મહાદેવભાઈ દેસાઈ અખાને ગુજરાતનો ‘સેમિનલ પોએટ’ વીર્યવંત કવિ ગણે છે.

♦️ મધ્યકાલીન ગુજરાતનો કલાપી – દયારામ

♦️ ગુજરાતનો હાફિઝર અને બાયરન – દયારામ

♦️ નરસિંહ પોતાની ભાષાને “અપભ્રષ્ટગીરા’ કહે છે.

♦️ ઈ.સ. 1200 થી 1500 સુધી માળવા રજપૂતાના ગુજરાતમાં એક જ ભાષા સ્વરૂપે પ્રચલિત હતું, જેને તેરિસ્તોરી જુની પશ્ચિમી રાજસ્થાન તરીકે ઓળખાય છે.

♦️ ગોવર્ધનરામ ઇ.સ. ના 11 માં શતકથી નરસિંહ મહેતાના આગમન સુધીના કાળને ગુજરાતી ભાષાને ગુજરાતી ગર્ભદશાનો કાળ કહે છે.

♦️ કવિ પદ્મનાભ તેના કાન્હડદે પ્રબંદ્યની ભાષાને પ્રાકૃત ભાષા ગણાવે છે.

♦️ કવિ ભાલણ તેના નળાખ્યાનવની ભાષાને ગુર્જર  ભાષા ગણાવે છે.

♦️ પ્રેમાનંદ તેની ભાષાને ગુજરાતી ભાષા ગણાવે છે.

♦️ અખો નામના નાટકની રચના – ચંદ્રવદન ચીમનલાલ મહેતા

♦️ જીવણ સાહેબ (દાસી જીવણ) સંતના પદો ‘કટારી’ નામથી ઓળખાય છે.

♦️ કલાપી “ખરા ઇલ્મી ખરા સૂરાં” કહી નરસિંહ-મીરાને બિરદાવે છે.

♦️ ડૉ. પિતાંબર દાસ – મીરાનું જન્મ નામ કઇંક અને મીરાં એનું ઉપનામ ગણાવે છે.

♦️ દલપતરામ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોને ત્યાં સરસ્વતીનું પિયર હોવાનું ગણાવે છે.

♦️ અનંતરાય રાવળ : નરસિંહ મહેતાની કવિતાને ગુજરાતી કાવ્યગંગાનું ગંગોત્રી શિખર ગણાવે છે.

♦️ બળવંતરાય ઠાકોર : મહાકાવ્યથી નાનું અને ખંડકાવ્યથી મોટું એવું જ કથાકાવ્ય તે આખ્યાન ગણાય.

♦️ ક.મા.મુનશી : વ્યાખ્યાનો ‘વિમાન’ છે.
♦️ પ્રેમાનંદ વિશે : “Most Gujarati Of All Gujarati Poets”
♦️ નરસિંહ વિશે : His taste is Often Loud and Vulgar.
♦️ દયારામ વિશે : મસ્ત પ્રણયી છે.

♦️ ન્હાનાલાલ : દયારામને બંસીબોલનો કવિ અને ગુજરાતની ગોપી ગણાવે છે, દયારામ ની ગરબીને ન કરમાય એવા વેરલા ફૂલ ગણાવે છે.

♦️ પ્રેમાનંદ વિશે : પ્રેમાનંદના વન વર્ણનો જંગલ ખાતાની જેવા છે.

♦️ પ્રેમાનંદ વિશે : ગુજરાતની નાની રંગભૂમિ પરનો વ્યાસ

♦️ નિરંજન ભગત : મીરાંબાઈ – ભક્તિ રસનો ફુવારો છે.
♦️પ્રેમાનંદની કવિતા અખંડલહેરી જ્યારે શામળની ખંડલહેરી છે.

♦️ કેશવ હર્ષદ ધ્રુવ : વસંતવિલાસ ચમક-ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય છે.

♦️નાકર : ’જે હોય કવિતા કુડી કવે, તેવું પાપ તેને શિર વસમે’ આમ આખ્યાન સર્જનને પૂણ્ય પ્રવૃત્તિ ગણે છે, નાકર અને વિષ્ણુદાસે આખ્યાનો માટે ઓપપ્રબંઘ શબ્દ પ્રયોજયો છે.

♦️અખાની આગળ ભાષા નાચે છે.

♦️નરસિંહના પ્રભાતિયા તેની પાછલી વયનું સર્જન ગણી શકાય.
♦️નરસિંહ ઉજ્જવલ વાણીનો કવિ છે.

♦️’જાગને જાદવા કૃષ્ણ ગોવાળિય’ પદ ગુજરાતી ભાષાનું ધરેણુ છે.
♦️હસતો કવિ – અખો , હસતો સંત કવિ – નરભેરામ.

💭♥️💭♥️💭♥️💭♥️💭♥️💭♥️

💭♥️ જાણવા જેવું 💭♥️

♥️💭જ્ઞાન કી દુનિયા💭♥️

પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા

Standard

ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું,
પણ લલિતાઓર્મિઓનું ધન હતું, સાહસનું સાથી હતું, વાચાવિહોણુ તોયે વાતું કરનારુ હતું, અને કવિતાઓનું પ્રેરક હ્તું, ઘોડો એટ્લે જીવનના ત્રિવિધ સાફલ્યતા માંહેનુ એક સાફલ્ય :

તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ;
જનમ આકરણ હી ગયો , ગોરી ગળે ન લગ્ગ..

તેજસ્વી ઘોડા જો ન માણ્યા, સુભટ શત્રુનાં શિર પર જો સમશેર ન ભાંગી,
અને ગોરી નારી જો ન લાગી, તો તો જન્મ વ્યર્થ ગયો કહેવાય!

પતાળ લોક ની નાગપાદમણી આવુ બિરૂદ મેળવેલી ભેંસો. જેણે લોકકવિ ઓના નયનોમાં જે કાવ્યાંજન આંજતી તે આજની બબ્બે ચોટ્લા વાળતી સુંદરીઓથી જરાક પણ ઊતરતું નહોતું..

મેયું અંબોડાળિયું , દો દો શીંગડા વટ ,
શેડ્યુંરા ધમોડા મચે, તલ માચે ગેગટ..”

આંટા લઇ ગયેલાં બેઉ શીંગડારૂપી બે અંબોડા વડે શોભતી ભેંસો હોય અને એનાં દૂધની ધારઓ દોહતી વેળાએ ગુંજતી હોય , ત્યારે જીવનમાં મસ્તી મચે.

આ માટે તો કવિઓએ ભેંસ માટે બિરુદ-ગાન પણ બાનાવ્યું છે…. પચ્ચીસ વર્ષના એક કવી ગીગા બારોટ દ્વારા રચાયેલું પશુધન માટેનું કાવ્ય..

ગણું નામ કુઢી તણાં , નાગલ્યું ગોટક્યું,
નેત્રમ્યું, નાનક્યું શિંગ નમણાં.

ગીણલ્યું , ભૂતડ્યું , ભોજ , છોગાળિયું,
બીનડ્યું , હાથણી , ગજાં બમણાં.

ભીલીયું , ખાવડ્યું , બોઘડ્યું , ભૂરીયું ,
પૂતળ્યું ઢીંગલ્યું ,નામ પ્રાજા.

ભગરીયું ,વેગડ્યું , વાલમ્યું , ભાલમ્યું,
રાણ ખાડુ તણાં જાણ રાજા !

દાડમ્યું , મીણલ્યું , હોડક્યું દડકલ્યું ,
ગેલીયું , મુંગલ્યું , રૂપ ગણીએ.

સાંઢીયું , બાપલ્યું , ધ્રાખ ને સાકરું ,
પાડ ગાડદ તણા કેમ ગણીએ.

ઉપર પંક્તિઓમાં નામો હતાં અને હવે ભેંસોના રૂપ વિશે એઓ લખે છે :

ઓપતાં કાળીયું , શિંગ આંટાળીયું,
ભાળીયું પીંગલાં આઉ ભારે ;

ધડા મચરાળીયું , ડુંગરા ઢાળીયું,
હાલીયું ગાળીયું , ખડાં હારે.

એકલું રૂપ જ નહિં પણા એના બચ્ચા પરનું મસ્ત વાત્સલ્ય, એ એના રૂપનો અનિવાર્ય અંશ હતો, તે વગર તો પયદાત્રી જનેતાની શોભા શી !

હાલીયું પારવાં પરે હેતાળીયું,
ઝરે પરનાળીયું મેઘ જેવાં.

દાખતાં વીરડા જેમ દુધાળીયું,
મોંઘ મૂલાળીયું દીએ મેવા.

ચારણ ગીત : રચનાર ગીગા બારોટ

આઈ સુંદરબાઈ

Standard

(છત્રાવા)

            અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું.આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને અહીં ઠલવાય છે અને અહીંનો કાપ દરિયા ભેળો થાય છે.

            ચોમાસાના ચાર મહિનાતો આ પ્રદેશ પાણીથી ઘેરાયેલો રહે.કોઇ મહેમાન આવી ચડે અને એકાદ વરસાદ થઇ ગયો તો થયું.પછી દિવાળી સુધી ઘરે જવાપણું નહિ.ધેડ પ્રદેશમાં ચાર-પાંચ નદીઓ ભાદર, ઓઝત, મીણસાર, ઉબેણ છલી વળે એટલે પોરબંદરથી માધવપુર સુધીનો મુલક પાણીમાં તરતો હોય.દર વરસે વહેણ અને રસ્તા બદલતા રહે.ચોમાસામાં આ દશા ત્યારે ઉનાળામાં પાણી પીવા મળે નહિ.નીચે જમીનનું તળ ખારચ, પણ કાંપને હિસાબે શિયાળુ મોસમમાં જુવાર-ક્પાસનો પાક મબલક ઊતરે.

            ગામની નજીક્માં ભાદર નદી એટલે ઘેડ પંથકના નામધારી માણસોના સગાં-સાગવાં છત્રાવામાં બહુ જ રહે.સૌ કોઇ દીકરી દેવા કરે કરે કે દીકરીને પાણીની તો ઉપાધી નહિ ! ગાઉ ગાઉ પાણી ભરવા જવુ પડે અને એમા પણ વાટકીયે વારો.છોકરું ઘોડીયામાં રડી રડીને વિસમી રહે ત્યારે મા પાણીનું બેડું ભરીને આવે.પણ એ તક્લીફ છત્રાવામાં નહિવત ગણાતી, કારણકે છત્રાવા ગામડું નદીનાં કાંઠાનું એટલે રિધ્ધિસિધ્ધિવાળું ખરું.મોટા પ્રમાણમાં મેરની વસ્તી.પચીસેક ધર મજૂરોનાં, સાત-આઠ ઘર મહાજનનાં અને દસ-બાર ચારણ કુટુંબના.

             ચારણ કુટુંબમાં સુંદરબાઇ કરીને એક માતાજી થઇ ગયા.આઇની ઉંમર તો માંડ ત્રીસેક વર્ષનીજ હશે.સંતાનમાં આઠેક વર્ષની સતબાઇ દીકરી અને પાંચ વર્ષનો નાનુભાઇ દીકરો.

            આઇના પતિ ધાનો લીલો દોઢેક વર્ષ પેહલા ગુજરી ગયા છે.છોરું અમુક વખત છત્રાવા રહે અને અમુક વખત પોતાના માવતર ડુંગાયચ લાંગાને ત્યાં ખીજદડ ગામે રહે.

        આઇ પાસે પંદર પ્રાજા જમીન છે.તે ગામના જેઠા મેર પાસે ભાગવી ખેડાવતાંને તેમાંથી પોતાનો નિભાવ કરતાં.આઇ સુંદર બાઇ હરપલ માતાજી જોગમાયા નવલાખ લોબડીયારીનું સતત સ્મરણ કરતા.  જીવન આખું ભક્તીમય.ધરની બહાર નિક્ળતા નહિ. બહુ શાંત અને અબોલ આંખોમાં કરુણાં અને કાંઇક ઉદાસ જેવા જ રેહતાં હતા.
     
       સંસાર ઉપરનો વેરાગતો ધાનો લીલો ગુજરી ગયા ત્યારથી હતો.પોતે સત લેવા ચાલી નીક્ળેલ.પણ કુટુંબના અને ગામના માણસોએ આઇને ખૂબ ખૂબ આજીજી કરી કે, “આ નાનુ દીકરો અને સતબાઇ દીકરી બહુનાના છે તે કોને ભળાવવા? આપ તો જોગમાયા જ છો.આપ સત લિયો તો જ સતી કેહવાય એવુનથી.આઇ આપ તો મહાસતી અને સાક્ષાત જગદંબા સ્વરૂપ જ છો.આઇ નાગબાઇએ સતનોતુ લીધું તો પણ સતી કેહવાયા. માટે આપ કૃપા કરીને સત નહિ લેતા અમારા સૌની ઉપર અમીની નજર રાખો.અમે તમારા થકી ઉજળા છીએ.” કુટુંબીજનોના આગ્રહ અને દીકરા-દીકરીના બાળપણ, આવા કારણસર આઇએ સત લેવાનું બંધ રાખેલ.

        અખાત્રીજના સપરમાં દિવસોમાં સુંદરબાઇ આઇની દીકરી સતબાઇ સાથે બોધરા મેરની દીકરી રૂડકીએ કોડીઓની રમતમાં ક્ચ કરી.એટલે માજનની છોકરીઓ અને સતબાઇ હાલી નીક્ળી.રૂડકીની ઉંમર તો દશેક વર્ષની પણ બહુ ધુતારી.બાધોડકી પણ એટલીજ.જીભની ભારે જોરાવર.આખા ગામને આંટો લઇને આવે તોય વધે.

         રૂડકી સામે બાધવામાં કોઇ મેરની દીકરી પોંહચે નહિં.આ તો બોધરાની દીકરી.વડ એવા ટેટાને આહાર એવો ઓડકાર.બોધરો મેર એટલે છત્રાવામાં મોટામાં મોટો ડાંડ માણસ.વાતની વાતમાં જેના તેના સામે બાધે.નીતિ ધર્મનું તો નામજ નહિ.માણસાઇ એનાથી સો-સો ગાઉ છેટી રહે.મોટું આફ્તનું જ પડીકું સીમમાંથી ચોરી કરવી, જેના તેના મોલ ભેળવવા, કોઇના કાલરાં સળગાવી દેવા, ગરીબોને સંતાપવા, કામ કરાવી મજૂરી આપવી નહિ, મેધવાળ મૂલી તો બોધરાથી તોબા પોકારતા.બોઘરાનો ત્રાસ કહ્યો જાય નહિ.ઉડતા પાણા પગમાં લિયે.કોઇપણ કારણ વિના કૌક્ને રંજાડે.

           બોઘરો કારણ વિના મરજી પડે તેના સાથે બાધે તો આજ તો કારણ મળી ગયું.રૂડકીને ખંભે બેસાડીને આઇ સુંદરબાઇને ત્યાં હાલ્યો આવે છે.

            રસ્તામાં સામે મળતા જેઠામેર અને માજને “સતના પારખા ન હોય” એમ કહી સમજાવ્યો.પણ બોધરે આઇને ધેર આવીને બોલવામાં માજા મૂકી છે.બોઘરાના ક્ડવા વેણ સાંભળ્યા જતા નથી.કાનમાંથી કીડા ખરે છે.એટલે આઇ ઘરની બહાર નીક્ળીને નાકા ઉપર આવ્યાં.બોઘરોતો વધારેને વધારે અવાજ કરવા લાગ્યો,એટલે ફરીયામાંથી આઠ દશ ચારણોના આદમી પણ નાકા ઉપર આવ્યા.ચારણોને આવતા જોઇ બોધરો વધારે ભુરાયો થયો અને ચારણોની સામે જોઇ બોલવા લાગ્યો.”બધાય એક થઇને કાંવ કરવા આવ્યાસ? બોઘરાની પછવાડે કાંવ બધાય મરે ગાસ? ચાચંડની જીં ચોરે નાખાં ઓરખોસ મને?હું બોધરો!” આવો આવાજ સાંભળતા બોઘરા પક્ષના મેર પણ ત્યાં ભેળા થઇ ગયાં.

         ‘વીરા બોઘરા! તું અથર્યો થા મા.’ સુદર આઇએ કહ્યુઃ ‘તારી સામે કોઇ ન બોલે,કોઇ ને બોલવા દઉં નહિ, પણ તું તારી જીભને વશ્ય રાખ્ય તો સારી વાત છે.’બોધરાની જીભ એમ વશ રહે? માંડ્યો તકરાર કરવા.મેર અને ચારણો ભેગા થઇ ગયા. સામાસામા પક્ષ ખેંચાણા.

            આઇ સુંદરબાઇ તકરાર શેની થવા દિયે ! ચારણોને તો માં એ સમજાવીને રોકી દીધા. બે હાથ જોડી મેરના ડાયરાને સમજાવે છે: “ભાઇ તમે સૌ ઘેર જાવ અને આ બોધરાને અહીંથી તેડી જાવ.એના વેણ મને રૂંવાડે રૂંવાડે આગ મૂકે છે. અને હવે હદ થાય છે, માટે ભલા થઇને જાવ.આવી નજીવી વાતમાં કાળો કેર શા માટે વોરો છો મને સંતાપો મા !”

           ‘કાંવ બોલ્યમાં તી ? તું નાગબાઇ થે ગીસ? ઇ ધુતારા વેરા મારી પાસે ની ચાલે. કાઢ ઇ છોકરીને, બારી કાઢ્ય. મારી રૂડકીને  મારી સે ઇ તાં હું એકની લાખેય નીં સાંખાં.’

         આઇ સુંદરબાઇએ દીકરી સતબાઇની પીંખડી ઝાલીને ફંગોળિયો કર્યો કેઃ ‘આ લે ભાઇ, મારી નાખ્ય.’

          આઇએ સતબાઇનો જે ફંગોળિયો કર્યો એવી બોઘરે હડી કાઢીને સતબાઇ ઉપર પાટુનો ઘા કર્યો.

ચારણને સંતાપમાં વહરાં બોલી વેણ,
જાતો રે જીવલેણ બાળમાં કાળજા બોધરા.

          બોધરે પાટુનો ધા તો કર્યો પણ ‘જાઇશ જાનબાઇના ઝાખી ! તુંને ભુખિયું ભરખે બોધરા.’એમ કહી માતાજીયે હાક્લ દીધી.પ્રંચડ અવાજનો પડઘો પડયો.લાલ ધમેલ પતરાં જેવી આઇની મુખમુદ્રા થઇ ગઇ.જાણે જવાળા ભભૂક્વા લાગી.ખરેખર ચંડીકા રૂપ ધારણ કર્યુ.જાણે મહિસાસુર સંહારવા જોગણી ઉતરી કે શું? હમણા જ ભરખી જાશે આવું સ્વરૂપ દેખાણું. હાથનો પંજો ધરણી ઉપર પછાડયો.લોહીની શેડયુ છુટી.હાથ ઝંઝેડીને બોધરા માંથે લોહીનાં છાંટણા કર્યાને મોટે અવાજે શ્રાપ દીધો કે “બોધરા, તું તો શું પણ, છત્રાવીયા મેરનો જો દીકરીએ દીવો રહેવા દઉં તો હું ચારણ્ય નહિં.”

          બધા મેર ભયંકર રૂપ જોઇને ભાગી છુટયા.બોધરાના પણ ટાટીયાં ધ્રુજવા લાગ્યાં.ઊભી શક્યો નહિ ભાગી છુટયો,પણ ભાગતા ભાગતા બબડયો,” ઇ કાંવ થોડે મરે જાશ્યું ?”
આઇએ કહયું “મર્ય નહિને તું જીવ ખરો?”

ત્રીસાં માથે તોય  બે  દિ જીવે  બોધરો;
(તો) નાગાઇ પાડુસુંનોય,તલ જેટલું જ તાહરૂં.
ચક્મક લોઢાની ક્ડી પન્નગઝેર પરાં;
અમૃત પીધે ઉગરીશનહી ચારણવેણ બરાં.

         જેઠોમેર આઇનો ખેડુ આ ચમત્કાર જોઇ નોધારી લાક્ડી પડે તેમ આઇના પગમાં પડી ગયોઃ ‘માતાજી ખમયા કરો, ધરતી સરગી ઉઠશે આઇ આવો કોપ તમારાથી ન થાય.તમારે તો દયા રાખવી જોયે અમારા અવગુણ સામું તમે ના જુઓ!’ આમ કાક્લૂદી કરે છે.આઇના મુખમાંથી શાપ નીક્ળી ગયો છે એ શાપ ફરે નહિ એમ જેઠો મેર સમજતો હતો, એટલે વળી બોલ્યોઃ  “આઇ ! મારું શું થશે ? આ તો સુકા ભેરું લીલુ બરે સ.આઇ તમારે શરણે છું.હું તમારો છોરું દયા કરો માં.”
          
            આઇએ જેઠામેર ને બેઠો કરીને કહ્યું ‘જેઠા ! વેણ તો નીક્ળી ગયું છે. છત્રાવીયા મેરનું નામ રહે તો મારું ચારણપણું જાય, પણ તે મારી નોકરી બહુ કરી છે.દીકરાની જેમ કામીને ખવરાવ્યું છે.એટલે એટલું કહું છું કે તું તારી જિંદગી પૂરી ભોગવીશ.બાકી બીજા છત્રાવીયા મેર ક્મોતે મરશે તેમાય બોઘરો ત્રીસ દિવસ ઉપર એક દિ જીવે તો જાણજે હું ચારણ્ય નો’તી બોલી.

સતી કુળ સતી નીપજે, સતી કુળ સતી થાય;
છીપ મહેરામણ માંય, ડુંગર ન થાય દાદવા.

             આઇ સુંદરબાઇ માતાજીએ શ્રાપ આપ્યો.એટલે શ્રાપ આપનારે પોતાનુ જીવન સમેટી લેવુ જોઇએ અગનકાટ અને કાં હિમાળો.ચારણો અપવાસ પર ઉતર્યા પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ સાત દિવસમાં સમાધાન ન થાય તો ધરણે બેસે.એટલે જ્ઞાતીના માણસ ત્યાં આવીને સહકાર આપે.છેલ્લે દિવસે ત્રાગા કરી લોહી છાંટે.કોઈ આત્મહત્યા પણ કરે.ચારણોમાં મોટામાં મોટું શસ્ત્ર અપવાસ ગણાતું.આજે છત્રાવે તમામ ચારણોએ અપવાસ કર્યો અને સવારે સુંદરબાઇએ સત લેવાનું નકકી કર્યું.

        બરાબર અરધી રાતના સુમારે બરડામાં બખરલા ગામે વૈદ ખૂંટીને સ્વપનુ આવ્યું.જાણ્યે આઇ સુંદરબાઇ કહે છે કેઃ “ભાઇ વૈદ, સવારે સત લેવુ છે તો સતની સામગ્રી ધૃત, શ્રીફ્ળ લઇને મહારાજ ઉગતાં છત્રાવા આવી છેલ્લુ કાપડું આપી જા.” વૈદ વર્ષો થયાં સુંદરબાઇ આઇને કાપડું દેતો.છત્રાવામાં પોતાન સગાં સાંગવાને ત્યાં આવે જાય.આઇની પવિત્રતા અને જોગમાયા છે એવું જાણ્યા પછી દર વર્ષે પસલીની નોમ ઉપર ઘેડમાં ગમે તેવા છેલપાણી હોય તો પણ કાપડું લઇને આવતો.આઇએ તેમને ધર્મનો ભાઇ માનેલ.

             વૈદને સ્વપનું આવતા હાંફ્ળોફાંફ્ળો બેઠો થયો.ઘરવાળીને જગાડીને વાત કરી કેઃ “સુંદર આઇ સવારે સત લીયે છે, મારી પાસે છેલ્લુ કાપડું માંગે છે, મને સ્વપનું આવ્યું.” ઘરવાળીએ કહ્યુઃ ‘એ તો આળપંપાળ છે .આમ ઓચિંતું આઇને સત લેવાનું કારણ શું હોય? છતાં જાવું હોય તો ભલે.’

            વૈદે તો એ જ ટાણે ઘોડી ઉપર ઘીના ઘાડવા ને નાળીયેર લઇને છત્રાવાના રસ્તે રવાના થયો.

            અખાત્રીજને દિવસે સવારના પોહરમાં ગામને ઉગમણે ઝાંપે ઝૂંપી ખડકાવી આઇ સુંદરબાઇ સત લેવા હાલ્યાં.

            બાઇઓ, ભાઇઓ માતાજીની સ્તુતી કરે છે.ચારણો ગળામાં અંતરવાસ પાઘડી નાખીને દેવિયાણ બોલે છે.

             આઇએ આંખની નેણ સુધી ભેળિયો ઓઢીયો છે.ગૂઢી જીમી અને લાંબા પેટનું કાપડું પેહર્યા છે.ધીમે ધીમે ડગલે પગ માંડે છે.દીકરી સતબાઇ અને દીકરા નાનુ ઉપર હાથ મુકતા આવે છે. સૌને ભલામણ કરે છે. સૌ ને ભલામણ કરે છે. “સૌ સંપીને રેહજો, ક્ળજુગ કારમો છે, ચારણપણાંની ચીવટ રાખજો.ધર્મ તો રાખ્યો રહે.” આમ કેહતા ગામને ઝાંપે આવ્યાં.

          બરાબર ગાયોના ગાળા છૂટીયા ને સૂરજનારાયણે કોર કાઢી એવે ટાણે આઇ સુંદરબાઇ ‘જય અંબે’ કહીને ચિતા ઉપર બેઠાં.સૂરજ સામે હાથ જોડ્યા.ધી, નાળિયેર હોમાણાં.બધાને દૂર ખસી જવાનું કહીને અગ્ની પ્રગ્ટાવ્યો.ત્યાં ઘીના ઘાડવા લઇને બખરલા ગામેથી વૈદ ખૂંટી આવી પોંહચ્યો.

આઇ બોલ્યાઃ “આવી પોંહચ્યો ને ભાઇ?”

         ‘હા, માડી ! ‘ કેહતાં વૈદે સામે હાથ જોડયાં. કાંઇ બોલી શકતો નથી, હદય ભરાઇ ગયું છે.

        ‘ બાપ ! આયાં નજીક આવ્ય.’ આઇએ કહ્યુઃ ‘ભાઇ, આ ગામનું તોરણ તારે બાંધવાનું છે.તારો પરિવાર ખૂબ પાંગરશે, સુખી થાશે, મારગ મૂકશો નહિ, ગરીબોને કોચવશો નહિ.’ આમ ભલામણ કરી આઘો ખસી જવાનું કહ્યું. વૈદ દૂર ખસ્યો, ત્યાં અગ્નીએ સ્વરૂપ બદલાવ્યું.શીખો નીક્ળવા લાગી.આઇ ‘જય અંબે, જય અંબે’ એવા ઉચ્ચાર કરવા લાગ્યાં.

           દીકરી સતબાઇને થયું કે કાયમ ખોળામાં બેસાડી માથું ઓળી મીંડલા લઇ દસેય આંગળીના ટચાકાં ફોડનારી જનેતા મારી માં આજ મને કોના વસુ મૂકી જાય છે?
             
       સતબાઇએ દોટ દીધીઃ ‘એ મા, મા, મા, બળતી જવાળામાં જઇને આઇના ખોળામાં  બેસી ગઇ.

ઉમર વરસાં આઠ બાળા જે સતબાય;
ચોપેથી કાટે ચડી મા ભેળી મહામાય.

              થોડી વારમાં મા-દીકરીના દેહ બળીને ખાખ થયા.કુટુંબીજન વાની પૂજીને હાલી નીક્ળ્યા.અખાત્રીજ જેવા સપરમાં દિવસે આખું ગામ સૂનકાર થઇ ગયું.સાંજ સુધી એક માણસ બહાર નીક્ળ્યું નહિ.ચારણ કુટુંબે આજે બીજી લાંઘણ ખેંચી. છોકરાને ધાવણ અને ઢોરને નીરણ-પાણી બંધ છે.

            સાંજે બધા મેર ભેળા થયા કે ગામના ઝાંપામાં ચારણ્ય બળી મૂઇ એટલે એ ઝાંપો હવે ગોઝારો થયો.માટે એ બંધ કરીને ગામની દખણાદી બાજુ ઝાંપો પાડીએ.એ ઝાંપે હાલતાં-ચાલતાં બધાના મન કોચવાશે.આઇનો અગનકાટ નજર સામે તાજો થયા કરશે ગામનાં માણસો સંમત થયા.

                  થોર કાપતાં કાપતાં કોઇનો ધા બોધરાના દીકરાને વાગી ગયો ને બોધરે જીભને વેહતી મૂકી છે. સામે મેરના દીકરા છે.એ કાંઇ બોધરાથી ગાજ્યાં જાય એમ નથી.માંડ્યા પક્ષી ખેંચવા ને અંદરોઅંદર તકરાર જામી.પછી તો દ્યો દ્યો બીજીવાત નહીં.આ બધું પાપ બોધરાનું છે, એને તો ટૂંકો કરો.માંડ્યા કુહાડીઓ ઝીંક્વા.સામ સામા અરધો અરધ પક્ષ પડી ગયા.હથિયાર કોઇને લેવા જવું પડે તેમ ન હતું.માંડ્યા સોથ વારવા.ખરેખર જાદવાસ્થળી જામી.બોપરટાણું થયું ત્યાં મેરના માણસો કપાઇ મૂઆ.

ઝાંપે બધા ઝાખિયું, ખારે ખપી ગયા;
રોવા રહિયું ના, ચોતા જેટલું છોલરું.

         આઇનો કોપ માની ગામની બાઇઓ,ભાઇઓ સૌ સૌનાં છોકરાંછૈયા લઇને માવતર-મોસાળે ભાગી છૂટ્યાં.છત્રાવિયાનું એક છોકરું ગામમાં મળે નહિ.

           છ-આઠ મહિને વૈદ ખૂંટીએ આવીને ગામનું નવું તોરણ બાંધ્યું.તેના ભેળા બે દીકરા આવ્યા, વાધો ને ભોજો.આત્યારે આ બેય ભાઇઓનો મોટો વિસ્તાર છે.ભોજાના ભોજાણી અને વાઘાના વાઘાણી આવી બે પાંખી છે.છસોથી સાતસો માણસની એકજ કુટુંબની વસ્તી છે.
               આઇએ જે ઠેકાણે સત લીધું ત્યાં પાણાનું ઘોલકું છે.થોડે છેટે આઇની દેરી છે.દેરી પાસે દીકરી સતબાઇનો પાળીયો છે.નવરાત્રીમાં ગામ તરફથી હવન થાય છે. સવંત ૧૬૯૫ના વૈશાખ સુદ ત્રીજને શુક્ર્વારના રોજ સુંદરબાઇ આઇએ સત લીધું. જેને આશરે ૩૭૮ વર્ષ જેટલો સમય થયો. આ પ્રસંગની નોંધ ભાણવડ પાસે આંબલિયારા ગામનાં ચારણોના બારોટના ચોપડામાં લખેલી છે.

સવંત સોળપંચાવન વદાં માસ  વૈશાખ,
સત લીધુ તે ચારણી સુંદરબાઈ સમરાથ.

પખ ઉજ્જવળ ત્રુતિયાં તીથિ, વળતો શુક્રવાર,
ચડી કાટ તું ચારણી, આઈ સુંદર અવતાર.

અવતાર  અંબા બહુચરી, કે ખોડલી તું ખૂબડી ,
મોણીઆની માત નાગલ, માત ભીને વરવડી.

ત્રિશુલ હાથાં આડય, ભાલે રંગ ગૂંઢે લોબડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

મત કમત બેઠી કાંધ માથે, ભાન સઘડી ભુલીયા,
બોલી કથોરા વેણ કડવા, બાઈ કાળજ બાળીયા.

મહામાય  મતીયા ફેર મેહરે, કોચવી બહુ કળકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.!

બેફામ  યાતુધાના ફરતા,વણય કારણ વીફરી,
હેરાન કરતા પાપ હાથે, કંઈક તે અધરમ કરી.

અસરાંણ ના ઉત્પાત દેખી, હાક મારી હૂકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

જાપે બરાબર જૂદ્ધ જામ્યું, મામલોં  એવો મચ્યો,
ખપીયા ઘડીકમાં જંગ ખેલી, પચા ઉપર પાંચસો.

છતરાવિયા ચડી ચોંટ લીધા, વાર પલમાં વરવડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

📌 લેખકઃ
પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી
📌 પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર

જાણો લાઠી સ્ટેટ ની ખાનદાની વાતો

Standard

રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની એટલે રાણી સાહેબા રમણીકકુંવરબા, એટલે કલાપી સાહેબના એક માત્ર દીકરી, તેમની સ્મૃતિમાં આજે પણ રમણીકકુંવરબા કન્યા વિદ્યાલય રાજકોટમાં ઉભું છે. અને બીજી સ્મૃતિ વિશેષ, લાઠીના મૃદુકવિ શ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધની સ્મૃતિમાં એક રાજમાર્ગ પણ છે. 
લાઠીના રાજવી કવિ કલાપી માત્ર 26- વર્ષની ભરયુવાનીમાં દેહ-છોડી ગયા, તેમના સ્નેહરાજ્ઞી એટલે સુમરી-રોહા કચ્છના રાજવી શ્રી વેરીસાલજીના દીકરી રાજબા રમાબાની કુંખે જન્મેલા દીકરી તે રમણીકકુંવરબા. લાખાજીરાજના લગ્ન લેવાયા ત્યારે કલાપીના વિધવા રમાબાએ દીકરીના લગ્નમાં કોઈ કચાશ ના રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું, લગ્ન સમયે આજુબાજુના તમામ રજવાડાના રાજવીઓ વિન્ટેજ કારોના કાફલા સાથે લાઠી પહોંચેલા મહેમાનો માટે, દરબારગઢ ઉપરાંત બીજા મકાનો અને તંબુ ખાનામાંથી તંબુ કાઢી ઉતારા તયાર કાર્ય હતા, રાજકોટથી ખુબજ મોટીજાન લાઠીગામ પહોચી ત્યારે, લાઠીના તમામ નગરજનો સ્વયંભુ સેવાદારી, અને આગતા સ્વાગતામાં જોડાયા હતા, જે લાઠીના રાજવી પરિવાર તરફનો પોતાનો પ્રેમ પ્રગટ કરે છે

.

એ જમાનામાં શાહી રીત – રીવાજ મુજબ રાજવી પરિવારે ખુબજ મોટો અને ગજા બહારનો કરિયાવર કર્યો હતો, આ જાન ત્યારે લાઠીમાં એક અઠવાડિયા સુધી રોકાયેલ હતી અને સમસ્ત-લાઠી નગરજનો એ આ લગ્ન-ઉત્સવને મ્હાણ્યો હતો.

ઈ.સ. 1870 માં રાજકોટમાં કાઠીયાવાડ સમસ્ત રાજવી પરિવારોએ, પોતાના રાજકુમારો માટે સ્કુલ-કોલેજનું નિર્માણ કાર્ય આરંભ્યું ત્યારે નાના-મોટા તમામ રજવાડાએ પોતાનું યોગદાન આપ્યું ત્યારે, લાઠી જેવા નાનકડા અને આર્થિક દ્રષ્ટિએ ચોથા દરજ્જાના સ્ટેટ એ પણ એ જમાનામાં રૂપિયા 2000/- રોકડા અને દસ- ગાડા ઘઉં-બાજરાનું અનુદાન આપેલું, અત્યારે હવે આ કોલેજમાં દરેક રાજવીની એક સ્કોલરશીપ -સીટ છે તેમ લાઠીની પણ એક સીટ છે, અને લાઠી પણ ”રાજકુમાર કોલેજના ફાઉન્ડર મેમ્બર છે, એ સ્કોલર-શીપના લાભ સાથે લાઠીના કેટ-કેટલા વિદ્યાર્થી ક્યાં સુધી પહોચ્યા તેની વાત ફરી ક્યારેક કરીશું.
રાજકુમાર કોલેજનું બાંધ-કામ થયું તે વખતે કલાપીના મોટાભાઈ, શ્રી ભાવસિંહજી લાઠીના રાજા હતા, અને કલાપીના નાના કુંવર શ્રી જોરાવરસિંહજી એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેજ સંસ્થામાં વિંગ-માસ્ટર તરીકે સેવા આપેલ, અને અત્યાર સુધીમાં લાઠીની સાત-પેઢી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી ચુકી છે, રાજકોટ સ્ટેટ કોઈ પણ રમત-ગમતનું આયોજન કરતુ ત્યારે લાઠીની ક્રિકેટ ટીમ, હોકીટીમ તેમજ ઘોડાની રેસ માટે લાઠીથી ચુનિંદા ખેલાડીઓ રમવા માટે આવતા, કલાપીજીના પ્ર-પૌત્ર અને ઠાકોરસાહેબ શ્રી પ્રહલાદ્સિંહજી (રાજહંસ) સારા સાહિત્યકાર અને પોલો ના અચ્છા ખેલાડી પણ હતા, તેમજ તેમના અંગત મિત્ર વાંકાનેરના મહારાજા પ્રતાપસિંહજી સાથે તેઓ કાર રેસ પણ કરતા.
રાજકોટના રાજવી ધર્મેન્દ્રસિંહજીના શાસન-કાળમાં ‘મહાત્મા ગાંધી ‘ આઝાદીની ચળવળના ભાગરૂપે ઉપવાસ પર બેસેલા, પૂજ્ય બાપુના ટેકામાં રાજકોટના તમામ નગર-જનોએ સ્વયંભુ પોત-પોતાના ઘરની લાઈટ બંધ રાખેલી, આખા શહેરમાં અંધારું રહેતું, અને રાજવી પેલેસમાં ઝાકમઝોળ અંજવાળું રહેતું, આ ઘટના પૂજ્ય બાપુ માટે અપમાન જનક લાગતા લાઠી ઠાકોરસાહેબ શ્રી પ્રહલાદસિંહજી નાં સાહિત્યકાર-મિત્રો શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ચં.ચી. મહેતા, ડો જીવરાજ મહેતા વિગેરેની વિનંતીને માન આપી લાઠી ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજી ને સમજાવવા ગયા હતા, ખુબ દબાણ ઉભું કરીને ભાણુભાને મનાવી ને પૂજ્ય ગાંધી બાપુને પારણા કરાવ્યા હતા, તે સમયે રાજકોટના દિવાનની ઈચ્છા ખરી કે ઉપવાસ લાંબા ચાલે અને પૂજ્ય બાપુને કંઈ થઈ જાય અને રાજકોટ મોટું યાત્રાધામ બની જાય.
રાજકોટમાં કાશી-વિશ્વ નાથ મંદિર પાસે ચાર-પાંચ હજારવારના કમ્પાઉડ વાળો લાઠીનો ઉતારો હતો, જે લાઠીના અમલદારો અને પ્રજાજનો દવા-દારુ કરાવવા આવતા તે માટે જ વપરાતો, આઝાદી સમયે લાઠી ઠાકોર સાહેબ શ્રી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી ગોહિલે સૌરાષ્ટ્ર સરકારને લાઠીનો ઉતારો આપી દીધો, જ્યાં પછી સૌરાષ્ટ્ર હાઈસ્કુલનું નિર્માણ થયું, લાઠીને બે-ખુબ બાહોશ દીવાન મળેલા શ્રી બી.એમ બુચ અને શ્રી ડી એમ બુચ તેમાં પણ શ્રી ડી એમ બુચ તો આઝાદી પછી સૌરાષ્ટ્રનાસૌ પ્રથમ મુખ્ય-સચિવ બનેલા.
તમામ-માહિતી શ્રી, કીર્તીકુમારસિંહજી પ્રહલાદ્સિંહજી ગોહિલ, નેક નામદાર ઠાકોર સાહેબ ઓફ લાઠી.
સવિશેષ પરિચય

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) :

કવિ, પ્રવાસલેખક.

જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં.

૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૯૮૯ માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . ~~- કવિ દાદ

Standard

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી….