Category Archives: પદ્ય

હમીર જી ગોહિલ

Standard

વીર હમીરજી ગોહિલ
”  આઈ માં મારા મરશીયા ગાશો ને ! ”
             મરશીયા
વેલો આવે વીર, સખાતે સોમૈયા તણી ;

હિલોળવા હમીર, ભાલા અણીએ ભીમાઉત.
(અર્થાત :; હે વીર હમીર, સોમનાથજી ની સખાતે – રક્ષણ કરવા અને ભાલાની અણીઓથી દુશ્મનોને હિલોળવા- રંગળવા વહેલો આવજે.)
પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણા ;

સેલે માહીં શૂર, ભેંસાસણ શો ભેંસાસણ
(અર્થાત :; હે હમીર  ! પ્રભાસપાટણમાં ખળહળતા – ધોધબંધ ખાંડા- તલવારોનું પૂર આવ્યું, તેમાં ભેંસાસણ – પાડાની પેઠે સેલારા મારી – ચોટ દઈ – શૂરવીર હમીર ! તું રમે છે.)
વન કાંટાળા વીર , તુજ ણે જુવા થયા ;

આંબો અવળ હમીર , ભાંગ્યો મ્હોરી ભેંસાસણ.
(અર્થાત :; હે આંબારૂપી હમીર ! તારા રક્ષણરૂપી કાંટાવાળી વાડ અર્થાત શસ્ત્ર સહીત લશ્કર, તે તારાથી જુદું થયું એટલે તારી પાસે તે નથી. એથી તારું રક્ષણ થઇ શક્યું નથી. તેથી તને મહોર – ખીલતી યુવાની આવી ત્યાં તું ભાંગી ગયો અર્થાત રણ સંગ્રામ માં કામમાં આવ્યો.)
એકે અહર હણે, શર લઇ એકે સાચવ્યો ;

એમાં વખાણીએ વડે, કીઓ હાથ હમીરકો.
(અર્થાત :; હે હમીર ! એક હાથ અહર – અસુર – દુશ્મનોને હણ્યા અને બીજાં હાથે તારા શર – માથાનું રક્ષણ કર્યું. આ બે હાથમાં તારા ક્યાં હાથના વખાણ કરવા?)
વેળ તાહરી વીર, આવીને ઉવાટી નહિ ;

હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
(અર્થાત :; હે સાગરરૂપી હમીર ! તારામાં શૌર્યરૂપી વેળ – ભરતી આવી પણ ઉવાટ – ઓળ નાંખ્યો નહિ, કારણ કે, હાકમ એટલે કે ઝફરખાનરૂપી આડી ભેખડ આવી એટલે તારા મોજાં ફેલાઈ પાછાં પડ્યાને તેમાં તું મરાયો.)
કરમાં શર કરમળ કરે, જુવે શરને જગદીશ ;

(એમાંથી) શર ચડ્યું હર શીષ, તે ભજાડ્યું ભીમાઉત.
(અર્થાત :; હે વીર હમીર ! જયારે તારું માથું પડ્યું ત્યારે તેને હાથમાં લઇ લીધું. તે શર – માથાને જગદીશ – શંકરે જોયું પછી તારું માથું હર – શંકરના શીષ ઉપર  ચડ્યું અર્થાત તારું માથું શંકરને અર્પણ થયું.)
પડ્યા હાથ હમીર , શરમ પરય સાઢુ તણી ;

કિસાસે સધીર , ભીડ પડી એ ભીમાઉત.
(અર્થાત :; હે હમીર ! તું અને શંકર બંને સાઢુ થાઓ છો, કેમ કે શંકર ભીલડી ઉપર મોહયા હતા. તું PQAN પણ ભીલ કન્યાને પરણ્યો, એટલે સાઢુનાં સગપણે તેને શરમ લાગી, એટલે સાઢુનું રક્ષણ કરવા તું આવ્યો અને તેને માટે તે પ્રાણ આપ્યા.)
પૈયે શંકર પૂજીયો, માથું ઉતારી હાથ ;

ધડ લડયા ધુડતા, ભલે ચડી ભીમાઉત.
(અર્થાત :; હે હમીર ! અનેક વિધિથી શંકરને પૂજ્યા અને માથું આપી ધડથી લડ્યો : તારા ભાલાથી દુશ્મનોને માર્યા અને તારા ધડને પણ ભાલાથી વીંધાવી વીરગતિ પામ્યો.)
બોલ જ જે બાપુ તણા, હામુ તને ચડ્યા હૈયા ;

સાચા સાચવિયા, ભાંગે કાંધે ભીમાઉત.
(અર્થાત :; હે હમીરજી ! બાપના બોલથી તે સોમનાથજીને શીષ અર્પણ કર્યું હતું. તે આજે યાદ કર્યું. અને તે વેણને સાચવી રાખી, હે ભીમજી ગોહિલ નાં પુત્ર ! તે તારું કાંધ કપાવી – ગરદન ભંગાણી – સાચું કર્યું.)

સંત ચાલણા તે વાય, અંગ જે અણસારો થયો ;

કમ તોય કુલ એવાય, તે ભરિયા પાગજ ભીમાઉત.
(અર્થાત :; હે ભીમજી ગોહિલ નાં પુત્ર હમીર ! તારા ચિતમાં દુશ્મનસામે ચાલવા માટે અંગમાંથી અણસારો – ઈશારત – થઇ, તેનું કારણ એ જ છે કે તારા ગોહિલ કુળનો ક્રમ – રીત એવી છે , તેથી દુશ્મન સામે પગલાં ભરીને સામે પગલે મરાયો.)
માથે મૂંગીપુર ખરું, વસાયા વર શીશ ;

સોમૈયાને શીષ, અર્પ્યું અર્થીલા ધણી.
(અર્થાત :; હે અર્થીલા નાં ધણી ! તારે માથે મુંગીપુર છે, અર્થાત તું શાલિવાહન નાં વંશનો છે. વળી તારું મોસાળ પણ વીશ વાસાનું છે. – કુલીન છે. તેથી જ તે સોમનાથજીને શીષ અર્પણ કર્યું છે.)

શંકર તણે શરીર, માથે મ્લેચ્છાયેણ તણા ;

પડિયા હાથ હમીર, ભોય તાહરા ભીમાઉત.
(અર્થાત :; હે હમીરજી ! શંકર ઉપર મુસલમાનોનાં હાથ પડ્યા, તેમાં તું લડી મારયો, પણ અખંડિત રાખી શક્યો નહિ તેથી  તારા હાથે ભોયે – જમીન પર પડ્યા.) 
રડવડીયે રડિયા, પાટણ પાસ્વતી તણા ;

કાંકણ કમળ પછા, ભોંય તાહરા ભીમાઉત.
(અર્થાત :; હે ભીમજી નાં પુત્ર ! તું મરાયો તેથી પાર્વતીના પાટણમાં સૌ લોક રડ્યાં અને સોમનાથજીનું માન હરાતાં પાર્વતીના કમળ જેવા કંકણ ભોંયે રખડ્યાં.)
તું મરતે મરિયા, હર શીયર હિમાયતી ;

છો ચુડા ચડીયા, જે ભજ ત્રી ભાંગ્યા ભીમાઉત.
(અર્થાત :;  ઓ ભીમજીના વંશના ! તું મરતા ત્રણ જણ મુઆ : એક તો શિવ, બીજો શિવના મસ્તકનો ચંદ્ર અને ત્રીજો તું, તેથી તેઓની ત્રણે સ્ત્રીનાં ત્રણના છ ચુડા ભાંગી પડ્યા.)
તું જ હમીર, હમીર શંભુ તાને સારાહિયો ;

વાઢ પડંતે વીર જ  કે, ન ભાંગ્યો ભીમાઉત.
(અર્થાત :;  હે હમીર ! તું જ ખરો હમીર (અમીર) શંભુએ તારી પ્રશંસા કરી કે ઝટકા પડ્યા છતાં તું ભાંગ્યો નહિ .) 

હું જાઉં હર પાલણાં, તું રે સાવ સધીર ;

હવે પાટણ હમીર, તો ભળાવ્યું ભીમાઉત.
(અર્થાત :;  હે શંકરનું રક્ષણ કરવાવાળા હમીર ! હવે હું ઘરે જાઉં છું, માટે તું સાવધાન થઈ રહેજે, કારણ કે, પાટણ(પ્રભાસ) તને જ ભળાવ્યું છે, માટે જીવતાં સુધી રક્ષણ કરજે .)

✒✒✒(સુરપાલસિંહ ગોહિલ  સાથે યુવરાજસિંહ ગોહિલ ભડલી …..)
જય સોમનાથ દાદા

જય હમીરજી દાદા 

જય ગોહિલવાડ 

Advertisements

” કાઠિયાવાડમાં કો’ક દિ, , ,”

Standard

” કાઠિયાવાડમાં કો’ક દિ, , ,”
મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,,,
          “કાઠિયાવાડમાં કો’ક દિ
          અહીં  ભુલો પડય ભગવાન,
          પણ મારો થાજે મેમાન
          તારુ સવર્ગ ભુલાવું શામળા”;

તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી?  જવાબમા અહીં ગોવિંદભાઈ  ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે  કે,
1)     ” સુદામાંને દેતા સંપત્તિ
          તને રોકતી રાણીયું તોય,
          પણ દિકરો ખાંડીને ખવરાવે
          અમારી કાઠિયાવાડી કોય.”
સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે.

2)કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,,,,,
    “ભોજન ઉતારા ભાવથી
     અહીં તો ભૂતની ભલકયુ જોય,
     પણ મર્દ પટાધર માઁગડો
     અમારી કાઠિયાવાડી કોય”
આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે.

3)ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ  તો,,,
      ” તોળી આપે ત્રણ દાનમાં
       અહીં તો ચોરને સન્માન હોય,
       પળમાં પાપ બાળીને પીર ભણે
       અમારી કાઠિયાવાડી કોય; “

4)મિત્રો હજી આપણે ગામડાઓમાં ઘણા લોકો ભગવાનને બહુ માને કાંઈ પણ  સંપત્તિ મેળવી હોય તો એમ કહે કે ભગવાનની કૃપા અથવા તો ભગવાનની છે પણ કોઈ પત્ની સામે આંગળી ચીંધે તો તરત કહે ઈ મારી છે.
પણ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ કે ઈ પણ ભગવાનની છે,,,
“જલિયાણ નારી માગવા
જેદી હરીવર આવ્યા હોય,
  તેદી હાથ ગ્રહીને દીએ હરખથી
ઈ અમારી કાઠિયાવાડી કોય;”

આવી કવિતા કેવા વંટોળમાંથી જન્મી હશે? – વિનુ બામણિયા

Standard

:::::::::::::::::::

મનની મુરાદ મનના મેળા મનના મૂળમાં રોગ,
મનની મોજ માણો જોગી
આઠે પ્રહરા ભોગ.

ઘોર વગડો જાળું ઝરણાં ડાળ ટહુકે ને અજવાસ,
ચાસ વગરની ખેડ ફકીરા ઠૂંઠે થાય અમાસ.

ભરમાંડોની કાળાશ પહેરી ડોશી ખી ખી કરતી,
પળ ચૂકેલા મનવા તારી શ્વાસ રજોટી ખરતી.

કૂવાને કાંઠલિયે બેઠો ફણીધર ઝાંખે અંદર
એક કમંડળ જળ ભરવાને સાતે દરિયે ચેત મછંદર.

ભળી ગયા તે ભળી ગયા છે ડૂબી ગયા કે તર્યા?
ચપળ જનતો ચપ ચપ ચાલ્યા
ડૂબ્યા એવા સર્યા.

ચલ મન અલખ અનંત ઓટલે ભીતરનો ભપકાર,
બેઠે ડાયરે ઘૂંટ ભર્યો ત્યાં રણઝણયા છે તાર.

તું ગયો છે હું ગયો છું ચાલે વળી સરકાર,
મારે તળિયે મૂળ ક્યાં જોડી તરંગ અપરંપાર.

ડૉ રાજેશ વણકર

   અખંડ પંચમહાલમાં સાહિત્ય ક્ષેત્રે કેટલાંક નામ હોઠ પર રમતા હોય છે.જેમાં રાષ્ટ્રીય પુરસ્કૃત સર્જકો માં પ્રવીણ દરજી પછી તરત રાજેશ વણકર યાદ આવે.મણીલાલ હ પટેલ,કાનજી પટેલ,વિનોદ ગાંધી ને આ લખનાર સહિત સાહિત્યને ગુજરાતની ભૂમિ પર રમતું ભમતું ને ગમતું કરનાર એક એવું નામ જેને આખું ગુજરાત એના કામથી ઓળખે તો મનેય થયું ,મારા મનને થયું કે ચાલ મન આ કવિતા ને જ રમતી મુક..

શાહબુદ્દીન રાઠોડ કહે છે કે તું કયા વેંતનો પડી રહ્યો છે? આ બુદ્ધ, મહાવીર,ભર્તૃહરી એક ક્ષણની થપાટમાં બહાર નીકળી ગયા.કદાચ કવિના ચિત્તમાં આવી કોઈ ક્ષણનો ઝબકાર આવી કવિતા પોતાની કલમવાટે પ્રસવવા આવી હશે.આ મન માણસને બધું કરાવે. સતીષ પ્રિયદર્શી ની પંક્તિઓ છે કે
-આ મન કેવું ચરાડું છે
ઢોર જાણે કે અરાડું છે.
“મન હોય તો માળવે જવાય”આપણું લોક કહે છે એમજ મન જો હોય તો -આગ પણ બાગ બને અને આધુનિકોની જેમ ચોમેર ઉત્સવ આનંદની વચ્ચે મન એકલું પણ હોય.પણ આ મનની મોજને પામી જનાર ચિત્તનો ચિદાનંદ પામી શકે છે.આ કવિતા કોઈ સ્વરૂપમાં બંધાતી નથી.સહજ સ્ફુરેલી કવિની વાણી છે. વાલ્મિકીને આમજ લય મળ્યો હતો અને એ લયને બધાએ ભેગા મળી કોઈ નામ આપ્યું હતું.એમ આ સર્જન પણ એક ઉચ્છવાસ છે.એમાં જીવનનાં અનેક સત્યો છે.
     વિચારોના વગડામાં કોઈ ટહુકાર કહો કે કોઈ ચમકાર કહો કે કોઈ આધ્યાત્મિક  મિલન ચાસવિના જ ખેડ કરી આપે અને જીવન લહેરાઈ ઉઠે એમ પણ બને.
    “ભરમાંડો કાળાશ” એટલે આખું ભ્રહ્માંડ બ્લેક છે કાળાશ છે.ક્યાંક ક્યાંક અજવાસ છે.પેલી ડોશી રૂપી પ્રકૃતિ માણસને ક્યાંક ને ક્યાંક ચૂકાવીદેવા માટે પ્રયત્નો કરે છે.આ પ્રકૃતિના હાથમાં ન આવવું અને પોતાના મનને ઉજ્જવલ ચિદાનંદમાં મસ્ત રાખવું એ નિયતિમાં વહેવું.
   આગળની પંક્તિનો ફણીધર  ઝેરી છે એ ગમે ત્યારે ડંખ મારી દેશે અને પાડી દેશે નામશેષ કરી દેશે એટલેજ ચેતવું એક કમંડળ જેટલું સાચું જીવન જીવવા માટે સાત જનમ સુધી રાહ જોવાની.જીવવું મરવું મરવું જીવવું ક્રમ જારી જ રહે છે અને સાચું જીવન પકડાતું નથી એ ફક્ત નાનકડું એક કમંડળ ભરાય એટલુંજ પણ એની શોધમાં જન્મજન્માંતર વહી જાય છે.
    આ સંસારમાં આવીને કેટલાય મનુષ્યો નોકરી, ધંધો, પત્ની,બાળકો,મકાન,ગાડી,દવાખાના,શિક્ષણ વગેરેમાં ભળી જાય છે એક પ્રવાહ બની જાય છે.પ્રવાહમાં ઢસડાતા કોઈ રજકણ જેવું જીવીને ચાલ્યા કરે છે.અસ્તિત્વનું ભાન પણ ખોઈ બેસે છે પરંતુ અંદર રહીને પણ પોતાના અસ્તિત્વની સભાનતા ન ગુમાવે ડૂબે છતાં સ્વ-મોજમાંજ સરે એ જીવનની કવિ હિમાયત કરે છે.
     અને અંતિમ પડાવ સુંધી પહોંચતાં તો કવિ અલખ ઓટલે લઈ જાય છે.પોતાની ભીતરના ભપકાર ના તેજે જિંદગી ગુમાવવાની હિમાયત કરે છે. અને એટલે જ ક્યાંય કશી શોધની દોડાદોડ સંતો મહંતો મંદિરો મસ્જિદો,ગુરુદ્વારા કશામાં ન જતાં બેઠા બેઠાજ  પોતાની અંદરના એકતારાથી તારને જોડી દેવાથી જીવન સંગીત ગૂંજવા લાગે છે.
    અંતિમ પંક્તિઓમાં કવિ કોઈને ઉદ્દેશીને કદાચ ભાવકને ઉદ્દેશીને કહે છે કે “તું ગયો છે હી ગયો છું’ બધા ક્યાંકને ક્યાંક અટવાયા છે સંસારની જાળ જ પેલા કબૂતરોની જાળ જેવી છે.દરેક ક્ષણ ક્યાંકને ક્યાંક કોઈને કોઈના હવાલે કરી દેવાઈ છે.કોઈ નોકરીના કોઈ સંસારના કોઈ રાજકારણના કોઈ ધર્મના કોઈ જાતિના અનેક વાડાઓ-બંધનોમાં આપણે છીએ ને ઉપરની સરકાર એટલે કે આ સૂર્ય ચન્દ્રનું ઉગવું, ફૂલોનું ખીલવું, પાંદડાનું ફૂટવું,વૃક્ષોની ડાળીઓનું તૂટવું અને ફૂટવું સતત ચાલ્યા કરે છે પણ પેલો ચેતી ગયેલો મનુષ્ય તો એમ કહે છે કે મનુષ્યને નહિ પણ ખભાની જોડી ને કહે છે કે વિરામ કરશું તો ક્યાંક અટવાશું ચાલ ભાઈ ચાલ આપણે ક્યાંય મૂળિયા નાખવા નથી આ અનેક તરંગો આપણી અંદર છે એના નિજાનંદે બસ આગળને આગળ જવું છે
       કવિને આવી ચિત્ત-ચૈતન્ય-વિલાસની કવિતા સર્જવા બદલ અભિનંદન.મનોસાગરના આવા આવા અનેક મોતી સાહિત્યમાં મનુષ્ય ચિત્તમાં સીંચતા રહે એના અજવાળે આપણે જીવીએ તો  ભયો  ભયો…..

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

Standard
છેલ્લું દર્શન  રામનારાયણ પાઠક
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-૦-

વૈશાખનો બપોર – રામનારાયણ પાઠક

Standard
વૈશાખનો બપોર  રામનારાયણ પાઠક
[ મિશ્રોપજાતિ ]
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કૈં રજાનો.
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યાં હતાં આળસમાં હજી જનો,
જંપ્યાં હતાં બાળક ખેલતાંયે,
ટહુકવું કોકિલ વીસર્યો’તો,
સંતાઇ ઝાડે વિહગો રહ્યાં’તાં,
ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ ‘સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?’

ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમેઃ
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉગાડે પગયે ઉઘાડે,
આઠેકનો બાળક એક દૂબળો.
‘બચ્ચા લખા! ચાલ જરાક જોયેં
એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યોઃ
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ.
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા છરી કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે!

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું: ‘અલ્યા તું કહીંનો, કહે તો!’
‘બાપુ! રહું દૂર હું મારવાડે.’
દયા બીજાને થઈને કહેઃ ‘જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી?
જુઓ જુઓ દેશ ગરીબ કેવો!’
અને કહે કોઈ વળી ભણેલોઃ
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ;
ચાલે નહિ આવી સરાણ હાવાં!’
ને ટાપશી પૂરી તહીં બીજાએઃ
‘નવી સરાણે જણ એક જોઈએ
પોસાય ત્યાં બે જણ તે શી રીતે? ‘

‘બાપુ સજાવો કંઈ ‘ ‘ ભાઈ ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો
‘સજાવવાં ચપ્પુ છરી!’ કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ ‘છરી ચપ્પુ સજાવવાં છે?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડીઃ
‘બચ્ચા લખા! ધોમ બપોર ટહેલ્યા
છતાં મળી ના પઈની મજૂરી! ‘
ને ફેરવી આંખ, દઈ નિસાસો
બોલ્યોઃ ‘અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,
આધાર કૈં થાય જરાક પાણીનો!’
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે
‘અરે! બધો દેશ ભર્યો ગરીબનો,

કોને દિયેં ને દઈએ ન કોને?’
કોઇ કહેઃ ‘એ ખરી ફર્જ રાજ્યની!’
ને કો કહેઃ ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!’
ત્યાં એકને કૈંક દયા જ આવતાં
પત્ની કને જ કહ્યું : ‘કાંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દો!’
‘જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,
ભૂલી ગયા છેક જ આવતાં દયા?’
દયાતણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સુઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહેઃ
‘દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બૂઝર્વા જન માત્ર કલ્પિત!’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર,
‘મજૂરી કે અન્નની આશ ખોટી!’
છતાં વધુ મન્દ થતાં અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતાં ગાંઠ અને પડીકાં
હાંલ્લાં, જરા કૈં બટકાવવાને.
બોલાવિયા આ પરદેશી બેઉનેઃ
‘અરે જરા ખાઈ પછીથી જાજો!’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!

-૦-

પરથમ પરણામ – રામનારાયણ પાઠક

Standard

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
– રામનારાયણ પાઠક

-૦-

હજીયે ન જાગે મારો આતમરામ ! – રામનારાયણ પાઠક

Standard

હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન !
આ તે આવે છે તુફાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

સઢ સંધા ફડફડે, દોર ધીંગા કડકડે,
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન !
મારાં સૂનાં છે સુકાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું ?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ !
મારા મૂળગાય દામ !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ !
મારો ફેરો આ નકામ !
જાગો જી જાગો મારા આતમરામ !
વ્હાલા આતમરામ!
– રામનારાયણ પાઠક

-૦-

માગું બસ રાતવાસો – રામનારાયણ પાઠક

Standard

પૃથ્વી – છંદ

ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.

બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.

વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.

મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.

-૦-

“બેફામ”

Standard

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

-બરકત વિરાણી ‘બેફામ’

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . ~~- કવિ દાદ

Standard

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી….