Category Archives: રામનારાયણ પાઠક

રામનારાયણ પાઠક

Standard
જન્મનું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક
જન્મ રામનારાયણ વિશ્વનાથ પાઠક
9 એપ્રિલ 1887
ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો
મૃત્યુ 21 ઓગસ્ટ 1955 (68ની વયે)
મુંબઈ
ઉપનામ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
વ્યવસાય કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, પિંગળશાસ્ત્રી
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
શિક્ષણ
  • બી.એ.
  • એલ.એલ.બી.
શિક્ષણ સંસ્થા વિલ્સન કોલેજ, મુંબઈ
સમયગાળો ગાંધી યુગ
મુખ્ય રચનાઓ
  • બૃહદ પિંગળ
મુખ્ય પુરસ્કારો
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
  • સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૫૬)
જીવનસાથી હીરા પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફશેષસ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.

તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાનમાસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.

તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.

તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.

ઉમાશંકર જોષી એ તેમને “ગાંધી યુગના સાહિત્યગુરુ” તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ ‍(૧૯૪૦) મટાે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.

– મુકુન્દ રાય – રામનારાયણ પાઠક

– જક્ષણી – રામનારાયણ પાઠક

– હૃદયપલટો – રામનારાયણ પાઠક

– છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

– વૈશાખનો બપોર – રામનારાયણ પાઠક

– પરથમ પરણામ – રામનારાયણ પાઠક

– હજીયે ન જાગે મારો આતમરામ ! – રામનારાયણ પાઠક

– સૌભાગ્યવતી !! – રામનારાયણ પાઠક

– માગું બસ રાતવાસો – રામનારાયણ પાઠક

મુકુન્દ રાય – રામનારાયણ પાઠક

Standard
મુકુન્દ રાય  રામનારાયણ પાઠક

રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઇ ઢોર માંડમાંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિ: સ્તબ્ધ થઇ ગોવાળની રાહ જોતાં બેઠાં છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી, ત્યાંથી જડેલ પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઇ ગઇ છે, પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે.
તે વખતે તે દેરી પાસે ધર્માદાની જાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઇને કેટલાક પોપટ દેરી ઉપર અત્યારે મોટાં માથાં હલાવતા હલાવતા જાણે કોઇ કારભારાં ડહોળતા હોય તેમ વાતો કરતા હતા. તે સમયે એક જણે બેઠેલાં ઢોરમાંથી વાંકોચૂંકો રસ્તો કરતો ધીમે ધીમે ગામમાં ગયો. એક શેરીે વટાવી તે ચૌટામાં ગયો. ચૌટામાં પેસતાં જ તેણે એક નવી ઉઘડેલી ચાની દુકાનેથી ચા પીધી અને દેવતા માગી ચલમ લીધી. પછી માથાબંધણાનો છેડો છોડતો તે બજારના મધ્ય તરફ ચાલ્યો અને વાણિયાની દુકાને આવી તેણે ‘રઘનાથ’નું ઘર પૂછ્યું. ત્રણચાર દુકાનના વાણિયાઓએ કોઇએ માત્ર ડોક લંબાવી, કોઇએ બહાર કૌતુકની નજર નાખી અને કોઇએ વૈખરીથી ‘શું છે ? શું છે ? કોનું કામ છે ?’ એમ પૂછ્યું. પેલાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવા. ને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતાં પહેલાં બોલે છે તેેમ ‘કોણ રઘનાથ કે ?’ એમ બેત્રણ વાર બોલી એકે કહ્યું : ‘રઘનાથ તો બે છે : રઘનાથ જોશી, પણે જોશીફળિયામાં રહે છે, અને રઘનાથ ભટ, આ ખાંચામાં, પહેલું ખડકીબંધ ઘર.’ ‘રઘનાથ’ નામ બેત્રણ વાર બોલતાં એ ઘરમાંથી એક બાવીસેક વરસની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. આવેલા આદમીના હાથમાં તાર જોઇ તેણે ઘર સામું મોં કરી કહ્યું : ‘બાપુ, જાઓ જોઇએ, ભાઇનો તાર આવ્યો લાગે છે.’ બાઇએ થીંગડાવાળું પણ ચોખ્ખું આખોટિયું પહેર્યું હતું. તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું. અને માથાના વાળ આજે જ કઢાવેલા હતા છતાં તેના અંગ-અંગમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી દેખાતાં હતાં અને પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે તે તેનામાં હતી.
રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઇ ઢોર માંડમાંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિ: સ્તબ્ધ થઇ ગોવાળની રાહ જોતાં બેઠાં છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેરી, ત્યાંથી જડેલ પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તો ઘણી જ પ્રસિદ્ધ થઇ ગઇ છે, પણ આપણી વાર્તાનો સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે.

ઘરમાંથી, પહેરેલી ધાબળીએ, પાઠની ભગવદ્ગીતાનો ગુટકો આમ ને આમ હાથમાં રાખી, તેના પિતા બહાર આવ્યા અને આગંતુક પાસેથી તાર લીધોે. બાપદીકરી ઘરમાં ગયાં. તારવાળો તેમનો ઉદ્વેગ જોઇ શીખની આશા છોડી ચાલતો થયો. રઘનાથ ભટ્ટ ધોતિયું પહેરી માથે પાઘડી નાખી, ખુલ્લે ખભે એક ધોળું ખેપિયુ નાખી. હાથમાં લાકડી લઇ બજાર તરફ ચાલ્યા. ધૂ્રજતા હાથ અને અસ્થિર પગ જોઇ ગંગાએ કહ્યું : ‘બાપુ ! એમાં ચિંતા ન કરશો. ભાઇને આ વરસ આવવામાં મોડું થયું એટલે તાર કર્યો હશે. કોઇ રોકાણ થયું હશે. તમે કહો તો હું ગામમાં જઇ વંચાવી આવું.’ ડોસાએ પોતા પર કાબૂ મેળવી માથું હલાવી ના પાડી, ચાલવા માંડયું. ગામમાં કસળચંદ વાણિયાનો દીકરો ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યો હતો. તેની પાસે જઇ રઘનાથે તાર વંચાવ્યો. ઘણી મુશ્કેલીએ છોકરાએ તાર બેસાર્યો કે, ‘મુકુન્દરાય મિત્રો સાથે લોકલમાં આવે છે.’ કેટલા મિત્રો તે તારમાંથી નક્કી ન થઇ શક્યું. તાર સાંભળી ડોસા ચાલવા માંડયા એટલે કસળચંદે બે ઘડી બેસવા આગ્રહ કર્યો. ડોસાએ, કહ્યું ઘેર રસોઇ કરાવવી છે એટલે ઉતાવળ છે. કસળચંદે બહુ જ મમત્વથી ડોસાને કહ્યું કે આ વખતે તો ભાઇની પાસે જરૃર ટપાલની અરજી કરાવવી છે.

રવૈયામાં ટપાલનું દુ:ખ હતું. ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફતે તેમને ટપાલ આવતી. હવે રાવૈયા સ્ટેશન ચાર જ માઈલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂૂૂની જ કાયમ રહી હતી, તેથી એક દિવસ નકામો જતો. રેલવેમાં નવી લાઇન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ ખાતાને શું ? એ ખાતું તો સ્વતંત્ર છે ને !

રઘનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડોસાના મોં પરથી કુશળ સમજી ગંગાએ કહ્યું : ‘હું નહોતી કહેતી ! તમે નકામી ચિંતા કરતા હતા ! ભાઇ આવે છે ને ?’ ‘હા. અને સાથે તેના ભાઇબંધોને તેડતો આવે છે. હવે જમવાનું કેમ કરીશું ? ગાડી આવવાનો વખત થઇ ગયો છે, નહિ ? તેં દાળમાં હવેજ નાખી દીધો છે ?’ ‘હા.’ ‘ત્યારે લાડુ કરીશું ?’

‘ના, ભાઇને લાડુ પસંદ નથી. તેના કરતાં તો શીરો તેને ભાવે છે એમ એક દિવસ કહેતા હતા. અને સાથે ભજિયાં પણ કરીશું. તમે ભજિયાં માટે જે મળે તે લઇ આવો, ઘી પણ જોઇએ. શીરા માટે બદામ તો છે.’ રઘનાથ ઘીનું વાસણ લઇ એમ ને એમ ગામમાં ગયા. બીજી બાજુ ગંગાએ તુવેરની દાળનું પાણી કાઢી નાખી તેની લચકો દાળ કરી અને દહીં સરસ હતું તે ભાંગીને કઢી કરવા માંડી. થોડી વારે રઘનાથ તપેલીમાં તાજું, લીલી ઝાંયવાળું ઘી અને બીજા હાથમાં કોળું લઇ આવ્યા અને કહ્યું : ‘બીજું તો કાંઇ ન મળ્યું.’

‘કાંઇ ફિકર નહિ. તમે એનાં પાતળાં પતીકાં કરો. એ તો કોળાનાં પણ સરસ ભજિયાં થશે.’ ગંગા ઊઠી અને ભજિયાં માટે ચણાની દાળ દળવા બેઠી. ડોસા અતિ ચીવટથી ભજિયાં માટે પાતળાં પતીકાં કરવા બેઠા. એમ આ થોડી મિનિટ પર ચિંતાજન્ય શાંતિમાં ડૂૂૂબેલું ઘર ઘડીમાં હર્ષજન્ય વ્યવસાયમાં પડયું.

રઘનાથ ભટ ગામના પ્રતિષ્ઠિત અને નાતજાતમાં સારી આબરૃવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં માબાપ ગુજરી ગયાં હતાં, પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જઇ અભ્યાસ કર્યો હતો. તે સંસ્કૃત સારું જાણતા. જ્યોતિષ, કાવ્ય, ભાગવત, કર્મકાંડ વગેરે ભણેલા હતા. તેમનો કંઠ ઘણો મધુર હતો અને જ્યારે ભાગવતની કથા કરતાં, કૃષ્ણ યમુનામાં પડતાં યશોદાએ કરેલા વિલાપનનું વર્ણન કરતા કે ગોપિકાગીત ગાતા ત્યારે અભણ માણસ પણ આંસુ પાડતાં.

પોતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાાતિજનોના દ્વેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમનાં જૂના ઘરાકો અને ગિરાસ તેમના કંકાસિયા કાકા પાસેથી એની મેળે પાછાં આવ્યાં. વખત જતાં તેમણે ગિરાસમાં કંઇક વધારો પણ કર્યો. તે મોટી ઉંમરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉંમરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં ગણાતું હતું. હરકોરને રસોઇ ઘણી સારી અને ત્વરાથી કરતાં આવડતી. તેના જેવી પાતળી, મોટી, ફૂલેલી બરાબર ચોડવેલી રોટલી કોઇક જ કરી શકતું પૂરણપોળી તો સ્ત્રીઓ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કોઇ ન કરી શકતું.અને એક જાડી વાટ કરતાં બે પાતળી વાટનો પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શોધ હતી.

પણ આ સુખ ઝાઝા દિવસ ટકી શક્યું નહિ. નવ વરસની ગંગા અને છ વરસના મુકુન્દને મૂકી હરકોર ગુજરી ગઇ. રઘનાથને સારાસારા ઘેરથી કહેણ આવ્યાં પણ તેણે મોટી ઉંમરે ફરી પરણવાની ના પાડી અને છોકરાંને ઉછેરીને મોટાં કરવા ઉપર જ જીવન ગાળવા માંડયું. છોકરાં નાનાં હોવાથી અને સગાં દ્વેષીલાં હોવાથી તેમને બહારગામ જવાનું છોડી દેવું પડયું; છતાં કરકસરથી અને અંગમહેનતથી તે સારી રીતે રહી શકતા અને પાંચ પૈસા બચાવી પણ શકતા.

ગંગા ચૌદમે વરસે વિધવા થઇ એ એમના જીવન ઉપર બીજો વધારે કારી ઘા પડયો. પશ્ચિમ વયમાં આ ઘા ઠેઠ સુધી રુઝાઇ ન શક્યો. ગંગામાં માતાની આવડત, સુઘડતા અને પિતાનું સંસ્કારીપણું, ધીટપણું ઊતર્યાં હતાં. તેણે જ નાના ભાઇને ઉછેરવાનો અને ઘરનો બીજો બધો ભાર ઊઠાવી લીધો.

રઘનાથની સેવા તે માતા જેવા કોમળ સ્નેહથી કરતી; પણ રઘનાથમાં જૂનો ઉલ્લાસ કદી ફરી આવ્યો નહિ. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા એની એ રહી, પણ નવાં કાર્યોનો ઉત્સાહ મંદ થયો અને દહાડે દિવસે તે ઓછાબોલા થતા ગયા. ભગ્ન હૃદયમાંથી જાણે તેમનું જીવન વેગથી સરવા માંડયું – માત્ર પુત્રને પ્રતિષ્ઠિત જોવાની તેમની જૂની ઈચ્છામાં નિ:શબ્દ નિષ્ક્રિય તીવ્રતા આવી; આવી સ્થિતિમાં પણ ગામમાં તેમની પ્રતિષ્ઠા એ જ રહી હતી, ઊલટું દુ:ખમાં રાખેલી ધીરજથી તેમના તરફ પૂજ્યભાવ થયો હતો.

મુકુન્દમાં માબાપની સર્વશક્તિ ઊતરી આવી હતી ખરી, પણ તેના પિતાના ઔદાસીન્યને લીધે તે કેળવાઇ નહોતી. નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી. અને એ ટેવ અંગ્રેજી શિક્ષણ લેવા તે બહારગામ ગયો ત્યારથી વધવા માંડી. મેટ્રિક થયા પછી તે કોલેજમાં ગયો હતો. અત્યારે બી.એસસી.ના પહેલા વર્ષમાં હતો અને ઉનાળાની રજા પડેલી હોવાથી ઘેર આવતો હતો. કૉલેજ અભ્યાસના આ વર્ષમાં વિદ્યાર્થીનું ચારિત્ર્ય અને ભાવી કારકિર્દી કાંઇક ચોક્કસ સ્વરૃપ પકડે છે. અને કૉેલેજના સ્વાતંત્ર્યના વાતાવરણને લીધે અને પરીક્ષાની ચિંતા ન હોવાથી આ વરસમાં વિદ્યાર્થીમાં માનસિક અને શારીરિક ઉલ્લાસ પણ ઠીક હોય છે. આપણા મુકુન્દરાયમાં પણ આ વરસ ઠીક ઉલ્લાસ આવ્યો હતો . તે ટેનિસ સારું રમી શકતો. ટેનિસની છેલ્લી રમતમાં જ માત્ર તે હાર્યો હતો અને તેની રમવાની છટા ઘણી જ વખણાઇ હતી. તેની છટાથી જ અને સામાન્ય રીતભાતથી સ્ત્રી-વિદ્યાર્થીઓનો તે ખાસ માનીતો થયો હતો. સ્ત્રીવિદ્યાર્થીઓ ટેનિસમાં તેને ભાગીદાર તરીકે માગતી. અને હમણાં તો ટેનિસ કરતાં પણ સ્ત્રીઓ તરફની રીતભાતથી સર્વ પુરુષ-વિદ્યાર્થીઓ પણ તેને ઘણું માન આપતા. કૉલેજમાં મિસ ગુપ્તા કરીને એક બહુ જ જાજરમાન વિદ્યાર્થિની હતી. પુરુષો તરફથી કંઇક તિરસ્કારની નજરથી તે જોતી. ડિબેટિંગ સોસાયટીમાં તે પુરુષોને હસી કાઢતી. પણ ઘણી વાર સ્ત્રીઓનો આવો તિરસ્કાર પુરુષોને વધારે આકર્ષવા માટે જ હોય છે. મિસ ગુપ્તાને પણ તેમ થયું. અનેક પૈસાદારો અને ફેશનેબલ યુવાનો તેની સેવા કરવા તલસતા. ટેનિસમાં, સામા પક્ષના પુરુષો તરફથી બહુ જ સહેલાં પોઇન્ટસ તેને મળતાં અને તેના વળતાં ફટકા નહિ લઇ શકવામાં પુરુષો પોતાને ધન્ય માનતા. પણ તેમાં અનન્ય સેવાનો લાભ તો મુકુન્દને મળ્યો.

એક વાર મુકુદે તેા પક્ષકાર થઇ તેને ત્રણ સેટોમાં લાગલાગટ જીત અપાવી ત્યારથી એમની મૈત્રી વધી, લેબોરેટરીમાં પણ બંને અનાયાસે ઘણી વાર એક જ ટેબલ પર ભેગાં થઇ જતાં. એક વાર મુકુન્દના ટેબલ પર મિસ ગુપ્તા જઇ ચડયાં. મુકુન્દે ટેસ્ટ-ટયુબમાં એક સુંદર વાદળી રંગનું ડિપોઝિટ બનાવ્યું હતું તે બતાવી કહ્યું : ‘મિસ ગુપ્તા, શું તમને આ રંગ સુંદર નથી લાગતો ?’ મિસ ગુપ્તાએ હા પાડી. મુકુન્દે વાત લંબાવી : ‘સાયન્સને લોકો જડ માને છે, પણ કોણ કહેશે આમાં સૌંદર્ય નથી ?’ મિસ ગુપ્તાએ ફરી હા પાડી. મુકુન્દ આગળ વધ્યો : ‘તમને નથી લાગતું આ રંગની સાડી હોય તો શોભે ?’ મિસ ગુપ્તાએ કહ્યું : ‘હા, એ રંગની સાડી હોય છે પણ ખરી.’ મુકુન્દે જરા વધારે બહાદુર થઇ કહ્યું : ‘હોવી જ જોઇએ. હિન્દુસ્તાન તો રંગનો દેશ છે. આપણે રંગોના પ્રયોગો કરવા જોઇએ. આ રંગને આપણે સરખાવી જોઇએ તો કેવું ?’ મિસ ગુપ્તાને આમાં ઘણો રસ પડ્યો.

બીજે દિવસે મિસ ગુપ્તા એવી જ સાડી પહેરીને આવી અને મુકુન્દને એ રંગનું સોલ્યુશન બનાવવા કહ્યું : મુકુન્દે કહ્યું : ‘તમે પોતે જ બનાવો. હું બધી સામગ્રી કરી આપુ.’ મુકુન્દે તેમ કર્યું. બધી ક્રિયા પછી એક હાથમાં ટેસ્ટટયુબ અને બીજા હાથમાં શીશી લઇ મિસ ગુપ્તા છેવટનું દ્રવ્ય રેડતી હતી; અંદર ધીમે ધીમે રંગ થતો જતો તે જોતી હતી, અને તે જ વખતે તેના માથામાં ખોસેલી પિન નીકળી ગઇ, અને છેડો સરવા લાગ્યો, અરધું જાણતાં અરધું અજાણતાં તેનાથી મુકુન્દરાયનું નામ દેવાઇ ગયું અને મુકુન્દે ‘કંઇ નહિ’ કહી તેનો છેડો બહુ જ વિવેક અને મર્યાદાના દેખાવથી ખભા ઉપર સરખો કરી આપ્યો. બસ, ત્યારથી જ મુકુન્દ આખી કોલેજમાં ધન્યતમ યુવાન ગણાવા લાગ્યો.

મુકુન્દની પ્રતિષ્ઠા હવે વધવા માંડી. બધા વિદ્યાર્થીઓ તેને માન આપવા લાગ્યા. નોકરો પણ તેને સલામ ભરવા લાગ્યા અને તેનો હુકમ ઉઠાવવા લાગ્યા. તેનો ટેસ્ટ વખણાવા લાગ્યો. તેની મૈત્રી કરવી એ ફેશન થઇ. તેને ઘણા પૈસાદાર મિત્રો થયા. તેમને તે કેટલીક ઉત્તમ ચીજોના ઉપયોગ શીખવતો, ટાઈના પ્રકારો શીખવતો, રેકેટ સંબંધી અને ફટકા મારવા સંબંધી સલાહ આપતો, છેલ્લામાં છેલ્લી ઢબ સંબંધી અભિપ્રાય આપતો. આ બધા પ્રસંગોમાંથી તે પોતે ન ખરીદી શકે એવી ઘણી ચીજો તેને વગર પૈસે મળતી.

મિત્રો આગળ તે ગરીબ દેખાવું પસંદ કરતો નહિ. પૈસાદાર દેખાવાની કળા તેને સિદ્ધ છે એમ તે માનતો. તેની પાસે પૈસા ઓછા હતા પણ તે પાકીટ ઊંચી જાતનું વાપરતો. તે બનાતના ઊંચા જોડા લઇ શકતો નહિ પણ બ્લેન્કો લગાડી તેને બરાબર સફેદ અને ડાઘા વગરના રાખી શકતો. પાટલૂન-નેકટાઈ પહેરવાનો રિવાજ તેણે હજી દાખલ કર્યો નહોતો, પણ ઝીણાં ફરફરતાં ધોતિયાં તે સુંદર રીતે પહેરતો. આ બધાંનું પરિણામ એ થતું કે જોકે તેના બહારના દેખાવના પ્રમાણમાં તે બહુ કરકસરથી રહેતો પણ પોતાની સ્થિતિથી ઘણું વધારે ખરચ કરતો અને બાપ પાસેથી ચોપડીઓ મંગાવવાના ખોટા બહાનાથી તેને ઘણી વાર પૈસા મંગાવવા પડતા. તેની છેવટની ફત્તેહોથી અંજાઈ પાસેના કેટલાક પૈસાદાર મિત્રો તેને ત્યાં આ વખતે વેકેશન ગાળવા આવતા હતા.

ગંગા અને રઘનાથ, ભાઇ માટેની ધામધૂમમાં પડયાં હતાં એટલામાં બાપના તીવ્ર કાને બહાર એકાનો અવાજ સાંભળ્યો. તે સાંભળી તે ખડકી તરફ ધીમે ઊઠીને જાય છે, એટલામાં એકામાંથી એકદમ ઊતરી ‘કમ ઓન, કમ ઓન,’ કરતો મુકુન્દરાય ખડકીમાં આવ્યો. તેની પાછળ બે જણા ખાખી ખમીસ, ખાખી નેકટાઈ અને ધોતિયાં પહેરેલા, એક હાથમાં બિસ્ત્રો અને બીજા હાથમાં ટેનિસનું પ્રેસમાં દબાવેલું અને ખાખી રબરની ખોળવાળું રેકેટ લઇને ખડકીમાં પેસતા હતા. રઘનાથે ‘ભાઇ, આવ્યો,’ કહ્યું, પણ મુકુન્દરાયનો મિત્રો તરફનો વિવેક હજી પૂરો થયો નહોતો એટલે તેણે કાંઇ જવાબ ન દીધો.

અંદર આવી મુકુન્દરાય, ઘંટીના અવાજથી, જાણે પોતે દોરી રાખેલું કોઇ સુંદર ચિત્ર કોઇએ ભૂંસી નાખ્યું હોય તેમ, ચિડાઇને બોલ્યો, ‘આ અત્યારે ઘંટી કોણ ચલાવે છે ?’ ગંગાએ, જરા લોટવાળા હાથ ખંખેરતા હસતે મોઢે બહાર આવી કહ્યું, ‘ભાઇ, તમારે માટે ભજિયાંનો લોટ જરા દળતી હતી. મોઢું કેમ સુકાઇ ગયું છે ?’ મુકુન્દે એ જ અવાજમાં કહ્યું : ‘પણ હજી તમે રસોઇ ન કરી ? મેં તાર કર્યો હતો ને ? કેટલું બધું મોડુ થયું ? અલ્યા એકાવાળા , ટ્રંકો અંદર લાવ. આવો ને મિસ્ટર પંડિત, મિસ્ટર ચોકસી.’ બંને મહેમાનો, ઘંટીના અવાજથી મુકુન્દરાયને જે આઘાત લાગેલો હતો તેના સાક્ષી થઇ તેની સ્થિતિ વધારે કફોડી ન કરવા ખડકી બહાર સામાન લેવા પાછા ગયા હતા તે અંદર આવી ઊભા રહ્યા.

મુકુન્દરાયની પૂર્વની મૂંઝવણ હજી બંધ પડી નહોતી અને તેથી અંદર બોલાવેલા મિત્રને શું કહેવું તે તેને તરત સૂઝ્યું નહિ. ખુરશી-ટેબલ હોય તો મિત્રોને અંગ્રેજીમાં કહી શકાય કે, ‘કૃપા કરી તમારી બેઠક અહીં લ્યો,’ પણ આ તો ઓટલો, તેના પર ચડવાનાં પગથિયાં, તેમાં મિત્રોને શું કહેવું ? આ ગામની અને ઘરોની રચના તેને બહુ જ અર્થ વિનાની લાગી. તેના પિતા તેના આગલા પ્રશ્નોનો જવાબ ગળી જઇ તેની વિહ્વલતા કંઇક સમજી બોલ્યા : ‘આવો ને ભાઇ, અહીં બેસવું હોય તો અહીં બેસો, ખાટલા ઉપર, નહિ તો ખડકી ઉપર મેડીએ તમારો ઉતારો રાખ્યો છે ત્યાં સામાન મુકાવો.’

મુકુન્દને પોતાની પ્રતિષ્ઠા સાચવી રાખવા અને મિત્રો માટેની ચીવટ બતાવવા હજી જરા વધારે પ્રશ્નો કરવાની જરૃર લાગી. ‘ઉપર સાફ કરાવ્યું છે ?’ ડોસાએ અતિ ભારપૂર્વક કહ્યું : ‘રજાઓ પડી ત્યારથી બહેન એ મેડી હમેશાં સાફ કરે છે.’ આ ઉત્તર પણ તેને રુચ્યો નહિ. એકાવાળાને બિસ્ત્રો અને ટ્રંકો ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું : ‘પણ ત્યારે હજી સુધી રસોઇ કેમ તૈયાર થઇ નથી ? મેં આટલા માટે તો તાર કર્યો હતો.’ ‘પણ ભાઇ, તાર તો હજી હમણાં આવ્યો. અને ગામમાં વંચાવવાનું પણ દુ:ખ !’

રેલવેનો તાર, મૂકનાર મુસાફર પહેલાં જવલ્લે જ પહોંચે છે એ હકીકત સર્વ જાણે છે, પણ માણસ કોણ જાણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હમેશાં અર્થહીન હોય છે અને તેને નહિ સ્વીકારનારનાં કાર્યોને અર્થહીન કરે છે. મુકુન્દે ઘણા જ વેગથી કહ્યું : ‘અરે, તાર તે કેમ મોડો આવે ? મેં ઠેઠ ઝાંખરિયા જંકશનથી કર્યો હતો ને ?’

ગંગાએ ભાઇની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું : ‘ભાઇ, એ તો અમને શી ખબર પડે ? પણ જે તે તમારે જમવાનું નહિ મોડું થાય. ચા-બા પીશો, નાહશો, ત્યાં રસોઇ તૈયાર હશે.’ ગંગાના હાસ્યથી મુકુન્દના મનનું હાસ્યદ્વાર ખૂલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે માફી માગતો હોય તેમ પોતાના મિત્રો તરફ વળીને તેણે હસીને કહ્યું : ‘આ તો ગામડું છે, તાર કરીએ તોપણ આ સ્થિતિ !’ મિત્રોએ ‘કંઇ નહિ’ કહી પોતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ ટ્રંકો અને બિસ્ત્રા ઉપર ચડાવી દીધા હતા એટલે ‘ચાલો ત્યારે ઉપર જઇએ’ કહી તે મિત્રોને લઇ મેડી તરફ ચાલ્યો. ત્યાં એકાવાળાએ ભાડું માગ્યું. મુકુન્દે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, તેની ચાંપો ચપ ચપ ઉઘાડી અને અંદરથી એક રૃપિયો કાઢી એકાવાળા તરફ જાણે રૃપિયામાં શું છે એવા અભિનયથી ફેંક્યો. એકાવાળો રૃપિયો લઇ ચાલવા જતો હતો ત્યાં રઘનાથ ભટે કહ્યું : ‘કેમ ભાઇ, આટલું બધું ઠરાવ્યું હતું ? એકા તો આઠદસ આનામાં આવે છે.’ મુકુન્દે બેદરકારીથી જવાબ આપ્યો : ‘અમે તો કોઇ દિવસ ભાડું ઠરાવતા જ નથી, એટલી રકમમાં પાછું શું માગવું ? એની પાસે છૂટા પણ નહિ હોય. કેમ અલ્યા, છૂટા પૈસા છે ?’ પેલો તો ના જ પાડે ને !

મુકુન્દે વાત બંધ કરાવવાને માટે મોઢાનો ફેરફાર કર્યો, પણ તેના પિતા એ સમજી શક્યા નહિ. તેમણે કહ્યું : ‘એટલા પૈસા તો ઘરમાથી પણ નીકળશે; નહિ તો બજારમાથી પણ મળશે.’ મુકુન્દે આખરે છેવટના ફેંસલાના અવાજથી કહ્યું : ‘કાંઇ નહિ, બિચારો ગરીબ છે.’ એકાવાળો આ રઘનાથ ભટના દીકરાને સલામ ભરી ચાલતો થયો. પણ પોતાના ઘરની સ્થિતિ આમ ચાર-છ આના પાછા લેવા જેવી છે એ બાબત આટલી બધી ખુલ્લી રીતે ચોળાઇ ગઇ તેથી મુકુન્દને ઘણું માઠું લાગ્યું. પ્રયત્નથી હસતું મોં રાખી તે ઉપર ગયો. સમાન સાથે નિરર્થક હાસ્ય અને અસમાન તરફ નિરર્થક તોછડાઇ એ આધુનિકતાનાં લક્ષણો છે. ઉપર જઇ થોડી વાતચીત કરી પછી ચા પીધી. ચા પીધા પછી જ સવારનાં શારીરિક નિત્યકર્મો કરવાનો આ મિત્રોનો રિવાજ હતો અને આવી ટેવો પોતાની વૈયક્તિક વિશિષ્ટતા તરીકે તેઓ જાળવી રાખતા હતા અને વધારતા જતા હતા. ધીમે ધીમે ચા પી સિગરેટ પીતા પીતા, – મુકુન્દ કોઇ વાર બીજાની આપેલી સિગરેટ પીતો પણ આજે તેના પિતાના માનમાં તેણે લેવા ના પાડી હતી – ત્રણે જણા બહાર ગયા.

ગંગાનું કહેવું અક્ષરશ: ખરું પડયું. મુકુન્દ અને તેના મિત્રો આવીને નાહી રહ્યા ત્યારે જમવાનું તૈયાર થઇ ગયું હતું. વૃદ્ધ રઘનાથ, જુવાનો સંકોચ ન પામે માટે, પોતે પાછળથી જમવાની ઇચ્છા બતાવી અધૂરી રહેલી માળા પૂરી કરવા બેઠા. ગંગાએ પાટલા અને લોટા ભરીને તૈયાર મૂક્યા હતા ત્યાં ત્રણેય કૉલેજિયનો બેઠા. મુકુન્દે કહ્યું : ‘ગંગા, લે પીરસ.’ ગંગા શીરો,પૂરી, અને દાળ પીરસેલી થાળીઓ બહાર લાવી એ જોઇને જ મુકુન્દનો પિત્તો ગયો. તે બોલી ઊઠયો : ‘શીરો કેમ કર્યો છે ?’ ગંગાએ ધીરજથી જવાબ આપ્યો : ‘ભાઇ, આજે બીજું કરવાનો વખત જ નહોતો.’ મુકુન્દે જ એક વાર કહેલું કે શીરો એને બહુ ભાવે છે પણ ગંગા કુદરતી રીતે જ કળી ગઇ કે એ જવાબથી ભાઇની સ્થિતિ ખરાબ થશે, એટલે તે ગમ ખાઇ ગઇ. પણ મુકુન્દ એમ શાંત થાય તેમ નહોતો. ‘એનો એ જવાબ ન આપ. પૂરણપોળી કરવી હતી.’ ‘ભાઇ, દાળમાં હવેજ નાખી દીધો હતો. ફરી દાળ મૂકું તો ઘણી વાર થઇ જાય.’

‘અને શાક તો બિલકુલ કર્યું જ નથી !’ ‘બીજું કાંઇ મળતું નહોતું પણ ભજિયાં કર્યા છે.’ ઉપરી અમલદાર તાબેદારનો ખુલાસો સ્વીકારતો હોય એવે અવાજે મુકુન્દે કહ્યું : ‘ઠીક, ત્યારે શેનાં કર્યાં છે ?’ ‘કોળાનાં.’ મુકુન્દને આ અસહ્ય લાગ્યું. તેણે ચાખવા જેટલી રાહ જોઇ હોત તો તેને અને તેના મહેમાન મિત્રોને સમજાત કે શહેરનાં ભજિયાંથી આ કોઇ રીતે ઊતરે તેવાં નહોતાં. પણ તેને તો કોળાનું નામ જ ખરાબ લાગ્યું. તેનાથી મોટા અવાજે બોલી જવાયું : ‘કોળાનાં તે કાંઇ ભજિયાં કહેવાય !’ ગંગાને ઘણું ઓછું આવ્યું. તેણે કાંઇ જવાબ ન આપ્યો. મુકુન્દને પણ પોતાની પ્રતિષ્ઠા માટે એ જ જોઇતું હતું. બહેનના સામું પણ મુકુન્દે જોયું નહિ. તેણે થોડીવાર રોષભર્યે મોંએ ખાધા કર્યું અને પછી મિત્રો સાથે શહેરની સિનેમા પાર્ટીઓ વગેરેની વાતો કાઢી તેમનું મનોરંજન કરવા માંડયું.

મુકુન્દરાયને અંગ્રેજી ભણેલા તરીકે સ્ત્રી માટે માન પણ હોય એ વાંચનાર કદાચ માનવા તૈયાર નહિ હોય, પણ હું એમ ક્યાં કહું છું ? તો પહેલેથી જ જણાવ્યું છે કે મુકુન્દરાયને સ્ત્રીઓ માટે માન હતું. સ્ત્રીઓ તરફ ઘણો સારો આદરભાવ રાખવા માટે તેના મિત્રો તેના તરફ ઘણો આદરભાવ રાખતા. પણ સ્ત્રીઓ એટલે કઇ સ્ત્રીઓ ? જેમના તરફ સ્ત્રીભાવ થઇ શકે તે સ્ત્રીઓ. સ્ત્રીઓનો એક અર્થ પત્ની પણ થાય છે : ઘણી વાર અનેક અર્થોમાંથી એક જ અર્થ હૃદયમાં અને કાર્યમાં ઊતરવા પામે છે.

સવારે ટપાલ સંબંધથી થયેલ વાતચીત મુકુન્દને કહેવાને રઘનાથ ઘણા વખતથી રાહ જોતા હતા, પણ તેમને વાતનું મુખ મળતું નહોતું, છતાં ધીમેથી વાત કાઢવા તેમણે કહ્યું : ‘કેમ, હવે તો આરામ લેશો, ખરું ના ?’ મુકુન્દે ટૂંકમાં હા કહી. રઘનાથે આગળ ચલાવ્યું : ‘પછી જરા આ ભાઇઓને ગામ દેખાડજો. પેલી તળાવની પાળ ઉપરની દેરી બતાવજો. તેમાં શિલાલેખ છે તે બતાવજો.’ મુકુન્દને ગામડાની વાત જ કાપી નાખવી હતી. તે કહે : ‘હવે એમાં તે શું જોવું છે ?’

ડોસા ત્યાં પણ પાછા પડયા, તો પણ આગળ બોલ્યા : ‘તો-પણ જરા નમતે પહોરે કસળચંદને ત્યાં જજો. તેઓ સંભારતા હતા તમને. અને કહેતા હતા કે આ વખત તો ભાઇની પાસે ટપાલની અરજી જરૃર લખાવવી છે.’ આ બધી ક્ષુલ્લક બાબતોથી વળી મુકુન્દને માઠું લાગ્યું. તેણે જવાબ આપ્યો : ‘તે આમ કૉલેજમાં ખૂબ કામ કરીને થાકીને આવ્યા હોઇએ ત્યાં વળી અરજી ક્યાં લખવા જઇએ ?’ અને આમ કહેતાં માથાની બાબરી આંખ પર સરી આવતી હતી તેને જગાએ પાછી ફેંકવા તેણે મોઢું ત્રાંસું ઉછાળ્યું, તેથી તેના મનના અને વાણીના ઉછાંછળાપણાનો એ બરાબર ઉચિત અભિનય થઇ રહ્યો. તેના બાપે બોલવું બંધ કર્યું. ત્રણેય જણા મેડીએ સૂવા ગયા. મિ. પંડિત અને ચોકસી તો ઊંઘી ગયા. પણ મુકુન્દને ઊંઘ ન આવી. તેનું ચિત્ત વિચારે ચડયું.

‘ડોસાએ મારી બધી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું. હવે આ ચોકસી ને પંડિત એમ જ માનશે કે હું ગરીબ છું. કૉલેજમાં બધેય કહી દેશે. મેં નિશાની કરી તોય એકાવાળાની વાત પડતી ન મૂકી ! હું કૉલેજમાં કેટલી કરકસર કરું છું તે એ સમજતા જ નથી. મિ. દલાલ પચીસ રૃપિયાનું રેકેટ વાપરે છે અને હું આઠ રૃપિયાનું વાપરું છું. તેથી જ તે દિવસ ટુર્નામેન્ટમાં હારી ગયો. છતાં સ્ટાઇલ તો મારી જ વખણાઇ હતી. કલેકટરે અને તેની પત્નીએ મારું નામ પૂછ્યું હતું. હવે આમ ક્યાં સુધી સહન કરવું ? ક્યાં સુધી માન રાખવું ? હવે મારે ડોસા સાથે ચોખવટ કરવી જ જોઇએ. માન રાખવું એ મનની નબળાઇ છે….’

મુકુન્દ, મિત્રો જાગે નહિ એમ, બાપને કહેવાનો નિશ્ચય કરી ઊઠ્યો. રઘનાથ પાસે ગયો. મુકુન્દની વર્તણૂકથી એમને માઠું લાગ્યું હતું અને ‘રુચિ નથી’ એમ કહી તે જમ્યા પણ નહોતા. અત્યારે ઉદાસ થઇને થાકીને જરા આડેપડખે થયા હતા. જરા સળવળાટ સાંભળતાં જ આંખ ઉઘાડી મુકુન્દને જોઇ તેઓ બેઠા થયા. મુકુન્દ પાસે બેઠો પણ કોણ જાણે, તેના મિત્રો અને કૉલેજનું વાતાવરણ નહોતું તેથી કે પિતા પાસે છૂટ લેવાની ટેવ નહિ તેથી, તે વાત શરૃ કરી શક્યો નહિ. તેણે ફરી સબળ થવાનો નિશ્ચય કર્યો અને કૃત્રિમ વેગ અને બળથી તે બોલવા માંડયો. પણ આથી તેના બોલવામાં કાંઇ મર્યાદા કે ઢંગધડો કે ક્રમ કે વિચારસંકલના પણ રહી નહિ.

‘આવું હું ક્યાં સુધી સહન કરી શકું ? તમે મારી પ્રતિષ્ઠા મારા ભાઇબંધોના દેખતાં ખોવરાવી છે. મારે રેકેટ વગર ચલાવવું પડે છે, તમે નકામો લોભ બહુ કરો છો! હું તમારી આમન્યા ક્યાં સુધી રાખું ?’ વગેરે જેમ આવે તેમ બોલી ગયો. રઘનાથ પોતાની ટેવ પ્રમાણે ચૂપ જ રહ્યા. ફરી મુકુન્દને ન સમજાયુ કે હવે શું કરવું. પણ એટલે આવ્યા પછી વાત પૂરી કર્યા સિવાય ઉપાય નહોતો. તેણે ફરી બળનો નિશ્ચય કર્યો અને પૂછ્યું : ‘ત્યારે શું કહો છો ?’

રઘનાથ ખિન્ન પણ શાંત વદને બોલ્યા : ‘શેનું ?’ ‘આ પૈસામાં હેરાન થાઉં છું તેનું ?’ ‘પણ પૈસા તો છે તેટલા મોકલું છું. બીજા ક્યાંથી કાઢું ?’ મુકુન્દને તો હવે વાતને ઠેઠ પહોંચાડવી હતી. તેણે કહ્યું : ‘તો ખેતરો વેચી નાખો. હું મારા અભ્યાસ ખાતર ગમે તેટલો આત્મભોગ આપવા તૈયાર છું !’ ‘પણ ખેતરો એમ વેચી દઇએ તો ગંગાનું શું થાય ?’

મુકુન્દને એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા. વિધવાવિવાહ નહિ કરવાનાં અનેક અનિષ્ટ પરિણામો ઉપરાંત તેને બીજાં ઘણાં દેખાયાં. આ ઉપાય પિતાને સમજાવવાનુ તેને મન થઇ ગયું. પણ જીભ ન ઊપડી. બધા વિચારો સંકેલીને તેણે એટલું જ કહ્યું : ‘ગંગાની ચિંતા કરવાની જરૃર નથી. અત્યારે બરાબર ખરચ કરીએ તો મારે સારી ઓળખાણપિછાણ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો થાય. ગંગાનો નિભાવ તો તેથી સહેજમાં થઇ જશે.’ તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુન્દ મોટો થઇને કમાય એ એમને એટલું બધું અસંભવિત ન લાગ્યું. પણ કમાઇને બહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુન્દ કૉલેજમાં કેવાં ખરચ કરે છે અને બીજાં તેને કયાં કયાં કરવાં છે તે તે જાણતા નહોતા, પણ મુકુન્દે આજ સુધી સારાં રેકેટ, સારા જોડા, કોટ, પેન્ટ, જાતજાતનાં કૉલર ટાઇ, હેટ વગેેેરે લેવાના અનેક મનસૂબા કરી કરીને અંતરમાં સંઘરી રાખ્યા હતા, તેનો ભાવ તેના મોં પર શું જાણે શાથી રઘનાથ કળી ગયા. તેમને સમજાયું કે મુકુન્દની કમાણીમાં ગંગાનો સમાસ થવાનો નથી અને એક દીર્ઘ નિ:શ્વાસ નાખી તે માત્ર એટલુ જ બોલ્યા : ‘એમ ન થાય.’ મુકુન્દ હજી પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂઝ્યું નહિ તેથી ‘ઠીક ત્યારે’ કહીને ઊઠ્યો. છેલ્લા શબ્દો બોલતાં તેણે ફરી મોઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયો.

ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેથી તેને ઘણું જ માઠું લાગ્યું હતું. પણ મનનો ભાવ દબાવી તે નિત્ય સમયે પાણી ભરવા ઊઠી. આજે પાણી વધારે વર્યું હતું, તેથી તે બે હાંડા લઇ પાણી ભરવા નીકળી અને મોઢું ન દેખાય માટે એકદમ પસાર થઇ ગઇ. તેને જોઇ રઘનાથ સ્વાભાવિક રીતે જ ઊઠયા અને બારણામાં જઇ કહ્યું : ‘ગગા બે હાંડા શા માટે લે છે ? બહુ પાણી જોઇએ તો પૈસા દઇ મગાવ.’ ‘આ તો નાનો હાંડો છે’ એમ કહેતાં તો તે ખડકી બહાર દૂર ચાલી ગઇ.

મુકુન્દ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખોલી વાંચવા માંડયો હતો. થોડી વારે તેના મિત્રો જાગ્યા. ‘કેમ, ચા કરીશું ?’ કહી તેણે ચા કરવા શરૃઆત કરી. મિત્રોએ હવે કાંઇક પ્રશ્નો પૂછવા શરૃ કર્યા. મુકુન્દની નાત જાત, તેનાં ભાંડુ વગેરેથી શરૃ થઇ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યો હતો અને તે ઉત્સાહમાં મુકુન્દ સ્ટવને જોરથી પંપ કરતો જતો હતો અને બધા ઊંચે સાદે વાતો કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને આવી અને ખડકીમાં બંને હાંડા સાથે પેસાય તેમ નહોતું તેથી ઉપલો હાંડો ઉતરાવવા તેણે મુકુન્દને સાદ કર્યો. મુકુન્દ તે સાંભળ્યો નહિ પણ પિતા ગંગાના જ વિચારો કરતા હતા, તે ખડકીએ આવી પહોંચ્યા. હાંડો ઉતારતાં દરમિયાન તેમણે ઉપરથી મુકુન્દનાં કેટલાંક તૂટક વાક્યો સાંભળ્યાં. અનેક અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે, નાત, વિધવાવિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રઘનાથ અને ગંગા બંને મુકુન્દે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયાં કે મુકુન્દ ઘર, ગંગા, પોતા સિવાય સર્વને વિશે ઘણું જ અપમાનકારક બોલતો હતો. બંને બોલ્યા વિના ઘરમાં ગયાં. સાંજના પાંચેક વાગ્યે મુકુન્દ ગામમાં જઇ એકો કરી આવ્યો. એકાવાળા પાાસે સામાન એકામાં મૂકાવી, ઓટલા પાસે ઊભો રહી બોલ્યો : ‘મારા મિત્રો જાય છે. તેમને મૂકવા હું સ્ટેશન સુધી જાઉં છું. સાંજે મારે જમવું નથી. મારી રાહ ન જોશો.’ જવાબની રાહ જોયા વિના હાથમાં લાકડી ફેરવતો એ મિત્રોની સાથે ચાલ્યો.

ઘરમાં સર્વત્ર સૂનકાર થઇ રહ્યો. કોઇ મોટું તોફાન આવે, અનેક વહાણોને ફાડી, તોડી ડુબાડી પસાર થઇ જાય અને પછી દરિયામાં શાંતિ ફેલાય તેવી શાંતિ ઘરમાં ફેલાઇ રહી. રઘનાથને ઘણી વાર ઉદાસીનતા થઇ આવતી ત્યારે થોડા સમયની શાંતિથી જ તે સ્વસ્થ થતા તે ગંગા જાણતી હતી માટે તે કશું બોલી નહિ. ઠેઠ રાત પડવા આવી ત્યારે તેણે ધીમે રહી કહ્યું : ‘બાપુ, જમવા ઊઠોને, તમે સવારના જમ્યા નથી.’ પણ આજની ઉદાસીનતા હજી ઊતરી નહોતી. ગંગા પિતાની પાસે આવીને બેસી રહી, પણ રઘનાથ કશું બોલ્યા જ નહિ, કોઇ એક જ બિન્દુ ઉપર નજર કરી બેસી રહ્યા.

ગંગાને લાગ્યું કે ડોસાના મનનો ઊભરો વાત કરાવ્યા વિના શમશે નહિ. તેણે કહ્યું : ‘તમે એમાં દિલગીર શું થાઓ છો ? તેણે તાર મોકલ્યો છતાં રસોઇ બરાબર ન કરાઇ તેથી ભાઇ ઘણા ચિડાઇ ગયા, તેમાં તમે શા માટે દિલગીર થાઓ છો ?’ ડોસા છતાં પણ શાંત જ રહ્યા. નજર પણ ન ખસેડી. વસ્તુસ્થિતિનો વધારે મર્મભાગ ખોલવાની જરૃર જણાઇ. ગંગાએ કહ્યું : ‘તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો ? હું કાંઇ અશક્ત કે નિરાધાર નથી થઇ ગઇ. અને મારે ભાઇ જેવો ભાઇ છે !’ ડોસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હોય તેમ કહ્યું : ‘એ હવે આપણો નથી રહ્યો.’ ડોસા બોલવા માંડયા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું : ‘હવે એવું તે હોય !’ ડોસાએ ફરીથી કહ્યું : ‘હા, એ આપણો ન હોય. એ ગયો જ સમજો.’ એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આવ્યો : ‘એ… મુકુન્દ ગયો છે.’

મુકુન્દે પોતાના જેવા સુધરેલા માણસને, કોઇ મિત્ર નહિ, કોઇ વિનોદનું સાધન નહિ, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે, તે ઘણી જ નિખાલસતાથી મિત્રોને કહ્યું, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાલ્યો ગયેલો. તેણે એકાવાળા સાથે કહેવડાવ્યું હતું કે પોતે ગયો છે. તે સંદેશો એકાવાળાએ બરાબર રઘનાથ ભટને ત્યાં પહોંચાડયો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મળી ગયું કે રઘનાથ કે ગંગાને કશું પૂછવાનું રહ્યું નહિ. ગંગાએ જોયું કે હવે દલીલને અવકાશ નથી. તેણે પિતાને વધારે શાંતિનો સમય આપવા પથારી વગેરે કેટલુંક ઘરનું કામ કર્યું. તે ફરી રઘનાથની પાસે બેઠી. આ વખત રઘનાથ જ પહેલા બોલ્યા : ‘આપણે અંબાજી ગયા હતાં એ યાદ છે ?’

વિષયાન્તરની આશાથી ગંગાએ કહ્યું : ‘હા.’ ‘ત્યાંથી કુંભારિયાંનાં દેરાં જોવા ગયેલાં તે તને યાદ છે ?’ ‘હા.’ ‘એ દેરાં વિમળશાએ બંધાવેલાં.’ ‘એમ કે ?’

‘એ વિમળશા અંબાજીનો ભક્ત હતો.’ પિતા સ્વસ્થ થતા જાય છે એમ માની ગંગાનો ઉત્સાહ વધતો જતો હતો અને તે સરળ ઉત્સાહથી હોંકારો દેવા લાગી. ‘એક વાર અંબાજી દર્શન કરવા જતો હતો. રસ્તામાં એક મોટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયો. વાવનાં પગથિયાં પર વણજારો બેઠો હતો. તેણે પાણીનો પૈસો માગ્યો. વિમળશાએ ‘શેનો’ એમ પૂછ્યું. વણજારાએ વાવનો શિલાલેખ બતાવી કહ્યું કે, ‘આ વાવ બાંધનાર પીથો મારો દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઇ એટલે હું મારી બાપુકી વાવ પર લાગો લેવા આવ્યો છું.’ વિમળશાને થયું કે, ‘મેં આવાં દેરાં બંધાવ્યાં પણ મારી પછવાડે કપૂત જાગે તો મારાં દેરાંનીય આવી દશા થાય !’ ગંગાનો હોંકારો શિથિલ પડતો ગયો – ‘પછી અંબાજી પાસે ગયો. તેને અંબાજી પ્રસન્ન થયાં. તેણે કહ્યું : ‘બેટા, માગ માગ.’ વિમળશાએ કહ્યું : ‘માજી, બીજું કાંઇ ન માગું, માગું એક નખ્ખોદ-‘ હવે ગંગાનો હોંકારો નિ:શ્વાસ જેવો થઇ ગયો હતો – બીજી વાર કહ્યું : ‘માગ, માગ.’ ફરીવાર પણ નખ્ખોદ માગ્યું. ત્રીજા વાર પૂછ્યું : ત્રીજી વાર પણ નખ્ખોદ માગ્યું. ડોસા ફરી નીરવ શાંતિમાં પડયા. આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઇ રહી.

-૦-

જક્ષણી – રામનારાયણ પાઠક

Standard
જક્ષણી  રામનારાયણ પાઠક

મેં કહ્યું, ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’ ‘પણ ક્યાં ! શા માટે જાય છે ?’
હું ભાતું કરતી હતી, ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન હોય છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટેલતા હોય છે, એ બધું હું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડયા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે  : ‘કેમ ?’ પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા. ‘કેમ, આ શું આદર્યું છે ?’

‘મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા.’

એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એમ કે એ શું કહેશે, ત્યારે ધીમે રહીને કહે કે ‘જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે. કારણ કે સ્ત્રીઓ તે દરમ્યાન કાગળો લખે છે, તે સિવાય તેમને લખવાનો મહાવરો થતો જ નથી.’ અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશ જ ફરિયાદ કરે છે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી.

‘પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો ? આ મોતી શું કરશે ?’ મોતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી. મેં કહ્યું  : ‘હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહિ કરનારને મળી રહે છે. માણસને નથી મળતું પણ કૂતરાં, કીડીઓ, મંકોડા, માછલાં એમને મળી રહે છે. તો મને તમારી કોઈ ચિંતા થતી નથી.’ ‘ભલે, જવાની ના નથી, પણ ક્યાં જવું છે ?’

પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું  : ‘છૂપી પોલીસો અને ગુના પકડયાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો.’ કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે, માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે તેમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર દબાવીને મૂકી હતી. ‘તારી આંખોમાંથી તો કાંઈ એકસ-‘ ‘ગુજરાતીમાં બોલો.’ ‘ક્ષ-કિરણો નીકળે છે.’

મેં પૂરીઓ તળતાં જવાબ આપ્યો  : ‘ક્ષ નહિ, એથી જરા આગળ, જ્ઞા-કિરણો નીકળે છે.’ ત્યારે એ જ્ઞા-કિરણો વડે જરા પ્રેમાનંદનાં નાટકો કોનાં છે તે કહોને મારાં સર્વજ્ઞાા બાઈ ! બિચારા ‘જ્ઞા’ ઘણા વખતથી મહેનત કરે છે, તેમને મદદ થશે. તે દહાડે આપ્યાં પણ વાંચ્યાં કેમ નહિ ?’ ‘ચાલો.’ મેં પીરસ્યું. ‘જમતા જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનંદની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી તો એ પ્રેમાનંદનાં નથી એમ સાબિત થયું કે નહિ ? હવે તમે ખુશીથી કહી શકો કે નાટકો પ્રેમાનંદનાં નથી.’

‘હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનંદનાં નથી ? વાહ !’ મેં કહ્યું  : ‘વાહ કેમ ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતાં શરમાશો ? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઈએ ગાંધીજીનું મોઢું ગમે કે નહિ એ પોતાની બૈરીને પૂછી લીધું, અને પ્રસિદ્ધ પણ કર્યું ! તમે તો કોઈ મહાજન વિશે મને પૂછ્યું પણ નહિ !’ ‘લે, હું એક અગત્યના મોઢા વિશે પૂછું.’ ‘પૂછો.’ ‘મારું મોઢું તને ગમે છે ?’ ‘પણ તમે મહાજન છો ?’ મેં કહ્યું.

‘એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લેન્ડનો પ્રધાન કોણ છે એ કરતાં મારો ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે, તો મોઢાની બાબતમાં કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહિ ?’ મેં કહ્યું  : ‘અને ના પાડીશ તો શું કરશો ?’ ‘તું જે કહીશ તે.’ ‘ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહિ ગમે, અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો.’ એકદમ ગંભીર થઈને પૂછ્યું  : ‘કેમ, કમલાને ઠીક નથી ?’ મેં કહ્યું, ‘કંઈ ગંભીર નથી પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઈસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહિ શકાય. હું એટલા દિવસ કમળા સાથે રહીશ.’ ઓઝા દંપતી અમારાં સ્નેહી હતાં.

જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃતા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો ? વાંઢો. પરણ્યા પછી ? વળી પછી શું – પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તેનું નામ જ નહિ ? રાંડયા વિના વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહિ  : વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, એમ ન હોય, તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય ને સ્વાતંત્ર્ય હરી લેનારો ! ધણી એટલે જ મૂર્ખ. વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફાં મારનાર, સ્ત્રી મળે તો પાછો ધણી અને ન મળે તો વાંઢો, સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ? તો શું કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય ? અથવા ‘થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ !

‘સ્ત્રી ન હોય તો શું થઈ ગયું ? શું તમને ખાવા નથી મળતું ? પહેરવા નથી મળતું ? પૈસા નથી મળતા ? શું નિરાધાર થઈ ગયા ? તમને શી ખોટ છે ? ઊલટું વિધુર એટલે થોડો વખત ધુરા-ધોંસરી નીકળી ગઈ !’ મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના તેને અડવું લાગે છે. હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે એક મકરાણી અધમણની જામગરીવાળી દેશી બંદૂક લઈ સાથે આવતો હતો  : ‘મેં કહ્યું  : ‘જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઈ ભો જેવું નથી.’ જમાદાર કહે  : ‘એ બોજસે ઠીક ચલા જાતા હે.’ પ્રેમાનંદ કહે છે તેમ ધણી ‘સુરભિસુત’ છે. તેને ધોંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી. એક દિવસ ઓઝાનો છોકરો મંદવાડમાંથી ઊઠયા પછી જમવા બેઠો હતો, જમી રહ્યો, કમળા કહે  : ‘ઊઠ, મોં ધોઉં.’ કીકો ઊભો થયો અને રડવા લાગ્યો, કહે ચલાતું નથી, પગમાં કંઈ થાય છે, કાંટા વાગે છે.’ બેઠેલાં બધાં હસી પડયાં. તેને પગે ખાલી ચડી હતી. સ્ત્રી જાય છે તેથી ઝાઝું કાંઈ થતું નથી. હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરાજરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે ! બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે.

હવે કરવું શું ? શાસ્ત્રકારોએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રોષિતભર્તૃકા, વિધવા, સર્વનાં કાર્યોનો વિધિ રસના સિદ્ધાંત ઉપર ઠરાવેલો છે. પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું ? નાહવું નહિ ? પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું ? ચા ન પીવી ? ખરાબ કરીને પીવી ? બહાર ખાવું ? ઘેર ખાવું ? હજામત ન કરવી ? વાળ ન ઓળવા ? ઓફિસમાં વખતસર ન જવું ? રાત્રે દીવો ન કરવો ? ખુરશીમાં ઊંઘવું ? રાતે જાગી દિવસે ઊંધવું ? શું કરવું ને શું ન કરવું ? ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં, ઊઠયો. કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફૂરે છે, મને નીચેનું કાવ્ય સ્ફૂર્યું.

ધણિયાણીને સ્મરછ કનિ તું વહાલી તેની હતી તે ?

તમને આમાં દોષો લાગશે, પણ મોતી તો આ સમજી ગઈ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું. પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. જરા મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો. પણ જાણે ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહે  : ‘ઓહો ! સાહેબ, ઘણા દિવસે આવ્યા ? આવા દૂબળા કેમ પડી ગયા ? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ?’ હું એની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું. મેં કહ્યું  : ‘હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસો.’ ‘જે દી નવરો દીનાનાથ.’ તે દી મહારાજને ઘડયાં હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખીએ એવો ધોળો અને એની ઉપર કાળા, રાતા, પીળા તલની ઝીણી છાંટ હતી, તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે, કાછિયો સૂરણબટાટા ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધી બાંધેલાં હતાં. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા. અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું. ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહિ પણ દાંતની બે હારો જેવું. અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઈ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામાં જ તેને કપાળે અને બરડે થાબડયો હશે – કપાળ તરફ માથું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો. મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે છે  : ‘મહારાજનો સ્વભાવ બહુ સારો !’ મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઈ આવ્યા અને કાંઈ પણ જરૃર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું. અને પછી અમારી બેની સામે પગ પર પગ ચડાવી બેસીને, પગનાં તળિયાં પર ડોલતાં ડોલતાં હાથ ફેરવતાં ફેરવતાં બોલવા લાગ્યા  :

‘મારો તો જીવ મોટો. અમે તરવાડી કોઈ દી લોભ ન કરીએ. આ શેઠ છે ને શેઠ, એ પંડયા. એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અરધા ભાર ઓછા લોટાનું લહાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે  : ભલેને અહીં નોકર હોઈએ, પણ નાતમાં સૌ સરખા. એમ કોઈની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચોવચ સંભળાવી દઈએ. હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા, નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી માંગી માગી ખાતાં કાંઈ ઓછી શરમ લાગવાની હતી. કેમ હેં ?’ મહારાજને વાતના ટેકાની જરૃર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો  : ‘આ પંડયા તમારી નાતના છે ?’

‘હા, સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગે હાથે ચાંદલો કર્યો છે. પણ મારાં લગ્ન માટે એણે બે વેણેય કોઈને કહ્યાં નથી.’ મેં રેવાશંકર સામું જોઈને કહ્યું  : બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે ! એમને જક્ષણીની વાત કહું ?’ રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠયા  : ‘જક્ષણી કોણ ?’ મેં કહ્યું  : ‘મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત્ મહામાયા જોઈ લો. રાતે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જે માનતા માનીએ તે ફળે એવાં છે !’ ‘ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓને !’

મેં કહ્યું  : ‘અરે ! અરે ! એ શું બોલ્યા ! એ તો કોઈને મળતાં જ નથી. બસ દિવસ આખો ઘરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ! અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહિ ને માગ્યો તે આંધળો છોકરો આપ્યો, બોલો !’ હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કાંઈક હેઠો બેઠો અને બોલ્યા  : ‘પણ મારા નસીબમાં તો છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે, પણ કન્યા જરા નાની છે પણ રૃપાળી બહુ છે હોં ! અને નાની છે પણ મૂઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે મારા સારુ શું લાવ્યા ? અને પાણી મંગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે !’ છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેના શીકરો ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા અને મને અને રેવાશંકરને બંનેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે.

મેં કહ્યું  : ‘ત્યારે તો તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી.’ મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યા  : ‘તમે વૈદું જાણો છો ?’ ‘ના.’ ‘હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા. તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ’ – નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ધદૃષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાાત ‘ડેપ્યુટી’ તરફ મને ઘણું માન થયું – ‘બૈરી નાની તે વૈદને પૂછીને તેમણે ટોપરું ખવરાવ્યું. તે બૈરી તો મોટી આવડી થઈ !’ મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેકવ્યો. ‘હું એક વાર સાંભળું તો ભૂલું નહિ. મેંય ખવરાવવા માંડયું છે, પણ હજી ઊંચી નથી થઈ. ઓંમ કાઠું કર્યું છે. પણ હજી દીઠે નીચી લાગે.’ મેં કહ્યું  : ‘ત્યારે બીજી બાયડી જોઈએ છે ?’ ‘ના, ના. બીજી આવી ન મળે. જક્ષણી માતાને કહીને મોટી થાય એમ કરો. અને મારે ઘેર બૈરી સુખી થાય હોં. જુઓ, કશું કામ છે ? રાંધું પણ હું, એને દાળચોખા વીણવા પડે, અને હું રસોઈયો ખરો, પણ બાર વાગે છુટ્ટો. ગામમાં નીકળું તો મને કોઈ રસોઈયો ન જાણે. હજામત તો હેરકટિંગમાં જ કરાવવાનો, આઠ આના, તો લે આઠ આના. ને માથામાં તેલ, અત્તર, પોમેટેમ. મહિનામાં એક-બે વાર નાટકસિનેમા તો ખરાં જ, બૈરી દુઃખી ન થાય હોં.’ મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું  : ‘ત્યારે જક્ષણી માતાનાં દર્શન કરવા આવું ?’

મેં કહ્યું  : ‘ના, એમ તો નહિ. એ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઈને વળગે. તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ.’ મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું  : ‘એ રાત્રે તો જમતાં નથી, સવારે છોકરો મોકલીશ એટલે પહેલાં તેની સાથે મોકલજો. સાંભળો, ફક્ત ચાર રોટલી, ભાત, દાળ, શાક નહિ. ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. એ મફત ખાતાં નથી. પણ વખતસર કરવું.’ મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું. ૩ હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉઘાડયું. સ્ત્રી-પુરુષના સમાન હક હોવાથી ઘરની કૂંચીઓ અમો બંને પાસે રહે છે. ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામે આવી. પણ આખા ઘરમાં જ માત્ર એ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ-ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, પણ એમ ને એમ પડેલી. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગળ-દાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી તે એમની એમ ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડયા હશે ! મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું. રસ્તાનો થાક અને આ ધૂળ ! મનમાં થયું, લાવ, માથે નાહી લઉં. માથું છોડયું ત્યાં કમાડ ખખડયું. મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઈ ઉઘાડયું. આ કોણ ? એક ઘણો જ કદરૃપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઈ. મેં કહ્યું  : ‘અલ્યા કોણ છે ? કેમ આવ્યો છે ?’ ‘જક્ષણી માતા ! ખમા કરો, સેવકના ઉપર મહેર કરો.’ મેં કહ્યું  : ‘પણ હું જક્ષણી કે દા’ડાની ?’ ‘હંમેશ નીકળતો, પણ ઘર બહારથી બંધ, આજ જ તાળું નથી એટલે દરશન કરવા આવ્યો છું. મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કહેશો એ માનતા માનીશ.’ ‘ભાઈ, તને કોઈએ ભરમાવ્યો છે. હું જક્ષણી નથી.’ કહી મેં કમાડ બંધ કરવા માંડયું તો અંદર આવવા લાગ્યો અને કહે  : ‘માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામું જુઓ !’ હું ચિડાઈ ગઈ. ‘વળી તું ખાવાનું મોકલનાર કોણ ? જાય છે કે નહિ કે આ ધોકાણું લગાવું ?’ અને અંદરથી મોતી ઘૂરકી. મેં લગાવ્યું જ હોત પણ તેની દીન મુદ્રા જોઈ પાછું મૂક્યું. તે વળી બક્યો  : ‘માતાજી, મારા નસીબમાં બૈરી છે. મારે નવી નથી જોઈતી. તે ઝટ મોટી થાય એટલું કરો.’ હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધોકાણું લીધું. ‘હરામખોર.’ કહી મારવા જતી હતી ત્યાં ‘ચંડી, કોપ ન કરો.’ કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી, એ અંદર પેઠા. મને ફરી કહ્યું  : ‘ચંડી, પ્રસન્ન થાઓ.’

-૦-

હૃદયપલટો – રામનારાયણ પાઠક

Standard
હૃદયપલટો  રામનારાયણ પાઠક

‘સાહેબ, ચોમાસું પાસે આવ્યું. આવી નવ આંધીઓ ચડે એટલે વરસાદ આવે. ઓણ ચોમાસું વહેલું આવશે.’ ‘પણ હજી બીજી આઠ આંધી ચડશે ત્યારે આવશે ને?’ ‘સાહેબ, પણ દેડકી અત્યારથી બોલવા લાગી છે, ચોમાસું વહેલું આવશે.’ ‘વહાલી જેની!’ ફૉન્સેકાએ પત્નીને સંબોધીને કહ્યું  : ‘હવે તું મુંબઈ વહેલી જાય તો સારું. વરસાદ આવશે તો તો અહીંના કાદવમાં મોટર ચાલશે નહિ અને તને મોકલાશે નહિ. તેમ જરૃર પડશે તો ડૉક્ટરને પણ બોલાવી નહિ શકાય.’
સાધારણ કરતાં કાંઈક વધારે ઊંચી વંડીવાળા એક નવા નાના સાદા ઘરમાં ચોકમાં સાંજના ચારેક વાગે ફૉન્સેકા અને તેની પત્ની જેની ચા પીવા બેઠાં છે. બંનેએ સાદો પણ યુરોપિયન સાહેબોના જેવો પહેરવેશ પહેર્યો છે. ત્યાં તેમના નોકર ચુનિયાએ ચાની ટ્રે મૂકી અને જેનીએ બે પ્યાલા ભરી તેમાં દૂધ સાકર નાંખી ચા હલાવી. બાહ્ય તૃપ્તિથી અને આંતર રસહીનતાથી જીવનમાં જે શૂન્યતા આવે છે તેની શાંતિમાં બંને ચા પીવા માંડયાં. એટલામાં સખત વંટોળ ચડયો. આસપાસ ઊંચી વંડી હતી અને નીચે પાણી છાંટેલું હતું છતાં તોફાને આમના ચા ઉપર હુમલો કર્યો અને વધતાં વધતાં આંધીનું રૃપ લીધું. ધૂળવિનાની મુંબઈ પહેલી જ વાર છોડીને આ અજાણ્યા પ્રદેશમાં આવેલાં આ ક્રિશ્યન દંપતીને આ દ્રશ્ય વિચિત્ર લાગ્યું. એમને ચકિત થયેલાં જોઈને ચુનિયાએ કહ્યું  : ‘સાહેબ, હવે તો આવી આંધીઓ ચડયા જ કરવાની.’ શેઠે કહ્યું  : ‘તેં કેમ જાણ્યું?

‘વહાલા, મારો હાથ જોઈને એક જણે કહ્યું છે કે આ વરસ મારે ભારે છે. હું તારાથી જુદી નહિ પડું.’ ‘આવા હાથ જોનારા કોણ જાણે ક્યાંથી તને મળે છે. તું જાણે છે કે અહીં આપણે એકલાં છીએ. નજીકમાં આપણી કોમનું કોઈ નથી. આસપાસનાં માણસો આપણને બિલકુલ મદદ કરે તેમ નથી. છતાં તું અહીં રહેવાની હઠ કરે છે તે કેટલું બેહૂદું છે?’

‘મેં તો તમને ના જ કહી હતી કે આ દેશી લોકોના નિસાસાની જમીન તમે ન લો તેમ છતાં તમે લીધી.’ પહેરવેશમાં તેમજ દ્રષ્ટિબિંદુમાં, બંનેમાં, દેેેશી ખ્રિસ્તીઓ પરદેશી થતાં જાય છે. ફૉન્સેકા જરા ચિડાયો. ‘રહી રહીને એનું એ જ બોલવાનું? બીજું કશું મળે જ નહિ! શું તને ગામડામાં સુંદર બગીચા ને વિલ્લા કરી રહેવાની ઈચ્છા નહોતી? અને હિંદુ લોકોને અને આપણે શું? કૌંસિલની ચૂંટણીમાં તે લોકોએ પ્રોફેસર ડી. સૂઝાને એક પણ વૉટ આપ્યો?’

‘આપણે પણ ક્યાં એ લોકોને વૉટ આપીએ છીએ! પણ આપણે પણ એક દિવસ તો તેમના ભેગાં જ હતાં ને! અત્યારે પણ તેમના હક્કો ડુબાવીને આપણે જમીન લીધી પણ તેઓ આપણને કાંઈ કહે છે?’

બંને વચ્ચે ટપાટપી લાંબી અને ગરમાગરમ ચાલી. છેવટે તેના પ્રત્યાઘાતરૃપે બંને સમાધાન ઉપર આવ્યાં. જેનીએ વચન આપ્યું કે હિંદુઓની જમીન લીધા બાબત હવે પછી કદી મહેણું ન મારવું. ઓપટીના પ્સંગ માટે અત્યારથી જ એક સારી નર્સ બોલાવવાનું નક્કી થયું.

ધૂળનું તોફાન હવે શમ્યું હતું. સાંજે બંને સાથે ફરવા નીકળતાં તે મુજબ ફૉન્સેકાએ ફરવા નીકળવા કહ્યું. જેનીએ આજે ફરવા જવાની ના પાડી. અને ફૉન્સેકા સામી ભીંતેથી બંદૂક લઈ એકલો જ ફરવા ચાલ્યો. ફરવા જતાં તે બંદૂક સાથે લઈને જતો. પોતે શિકારે જાય છે એમ બહારથી બતાવતો, કોઈ કોઈ વાર ચકલાં પારેવાં સસલાં મારી પણ લાવતો, પણ ખરું તો તેને લોકોની બીક હતી અને તેથી લોકોને ડરાવવા તે બંદૂક સાથે રાખતો. બંદૂકનો પરવાનો તેણે અહીં આવ્યા પછી જ લીધો હતો.

ફૉન્સેકા ગયા પછી જેની ત્યાં જ બેસી રહી. આજની ટપાટપીથી તેને અહીં આવવાનો આખો પ્રસંગ યાદ આવ્યો. સરકાર પાસેથી ન્યાય ન મળતાં દેવુસણા તાલુકાના લોકોએ મહેસૂલ અટકાવ્યું. સરકારે બધા દોરદમામથી જપ્તીઓ કરી જોઈ પણ કાંઈ ન વળ્યું, પછી જમીન ખાલસા કરી, છતાં લોકો હઠયા કે ડર્યા નહિ. છેવટે જમીન હરરાજ કરી પણ કોઈએ લીધી નહિ. જમીનની હરરાજીની ખાસ શરતોની જાહેરખબરો બહાર પડી. ગવર્મેન્ટ ગેઝેટમાંથી ફૉન્સેકાએ તે જેનીને વાંચી બતાવી.

જેનીને ગામડામાં એક સાદું, સુખમય, સુઘડ જીવન ગાળવું હતું, વળી ફૉન્સેકાને એક્સાઈઝ ખાતાની નોકરીમાં ઘણા દિવસ બહાર રહેવું પડતું. ભયંકર જંગલોમાં ભટકવું પડતું, તેથી તે કંટાળી ગયો હતો. જેનીના પિતા મોટા જમીનદાર હતા તેથી આમને પણ આ જમીન લેવાનો વિચાર થયો. જેનીએ નિસાસાની જમીન લેવાનો વિરોધ કર્યો પણ છેવટે સુખી કલ્પેલા જીવનની લાલસાથી દોરાઈ તેણે હા પાડી. દેવુસણાની જે જમીન કોઈ હિંદુએ ન લીધી, કોઈ મુસલમાને ન લીધી, કોઈ પારસીએ ન લીધી, તે છેવટે આ ક્રિશ્યનોએ લીધી. ગામથી અરધો માઈલ દૂર આશરે ૮૦ એકરમાં સારામાં સારી જમીન તેમણે પસંદ કરી.

જમીન લેતાં શું લીધી તો ખરી પણ પછીની મુશ્કેલીઓ ઓછી નહોતી. દેવુસણા ગામમાં કે તાલુકામાં તેને જમીન ખેડવા તો કોઈ ન મળે પણ ઘર ચણવા કે ઘરનું કામ કરવા પણ ન મળે. બજારમાં ચીજ ન મળે, રૃપિયાનું પરચૂરણ પણ ન મળે. ફૉન્સેકાના કાકાએ રેલવેનાં મકાનોનો કોન્ટ્રેક્ટ લીધેલો તેણે પોતાના મજૂરો પાસે ઘર બંધાવી આપ્યું. ફૉન્સેકાના એક મિત્ર એક દેશી રાજ્યમાં બેન્ડમાસ્તર હતા, તેને ત્યાં કડીનો એક દુકાળિયો ઘણાં વરસથી રહેતો તે વિશ્વાસુ નોકર ચુનિયો તેમણે ખાસ ફૉન્સેકાને આપ્યો અને એ રીતે આ દંપતીનું ઘર ચાલવા માંડયું.

જેનીનાં ગામડાનાં સ્વપ્ન તો ક્યાંય રહી ગયાં અને તેને બદલે તેને જીવન એક કેદખાના જેવું લાગવા માંડયું. ઘરની ઊંચી કાચના કટકા ખોસેલી વંડી તેને ખરેખર જેલની દીવાલ જેવી લાગતી હતી. આખો દિવસ વાત કરવાને પણ કોઈ મળે નહિ. ધણી સાથે પણ તે કેટલુંક બોલે, કે વાત કરે, કે પ્રેમ કરે ! બહારની બધી જરૃરિયાતોની તૃપ્તિથી તે ઊલટી વધારે મૂંઝાતી હતી. બહાર નીકળતાં લોકોની ‘આ અમારી જમીન લઈ ગયાં છે’ એમ કહેતી દ્રષ્ટિથી તે જાણે દાઝતી હતી, શોષાતી હતી. તેને લાગ્યું કે આ પાપ કરવામાં ધણીની સાથે પોતે પણ ભાગીદાર છે.

વળી તેનું વિચારચક્ર ફર્યું. તેણે વાંચ્યું હતું કે ખરાબ વિચારોની ગર્ભના બાળક પર ખરાબ અસર થાય છે. તેણે સારા વિચારો કરવાનો પ્રયત્ન કર્યો. જમીનનો વિચાર કરવાનું બંધ કરવાનો નિશ્ચય કર્યો. ફૉન્સેકાને પણ તેણે હમણાં જ એ નહિ બોલવાનું વચન આપ્યું છે. કંઈ નહિ, આ જમીનની ઊપજમાંથી પણ લોકોનું ભલું કરી શકાશે. નિશાળ કાઢી શકાશે, દવાખાનું કાઢી શકાશે, નાનું સરખું દેવળ બાંધી શકાશે અને આ લોકોને ખ્રિસ્તી ધર્મનો બોધ કરીને ખ્રિસ્તી બનાવી શકાશે. આ ‘સારા’ વિચારોના સુખમાં તે અર્ધનિદ્રિન થઈ ગઈ. માણસ પોતે કરેલા ખરાબ કૃત્યને સુધારીને નહિ, પણ તેને વિસારીને સારો થવા માગે છે !

રાતના દશેકનો સુમાર છે. જેનીને પ્રસૂતિની સખત પીડા થાય છે. ફૉન્સેકા વારંવાર નર્સને તેની તબિયત પૂછવા જાય છે અને કશો ખાસ ઉત્તર મળતો નથી. તે ગાભરો ગાભરો ચૉકમાં અતિ વ્યગ્ર મને આંટા મારે છે. એકદમ કાંઈ નવું જ સાંભર્યું હોય તેમ નર્સ પાસે જઈ તેણે પૂછ્યું  : ‘પ્રસૂતિમાં ગમે તેવી મુશ્કેલી હોય તોપણ તમે કામ કરી શકશોને ?’

આ પ્રશ્ન જરા પણ નવો નહોતો. તેણે તે લગભગ હરરોજ પૂછ્યો હતો અને આજની વેદનામાં આ ચોથી વાર પૂછ્યો હતો. પણ નર્સને માણસની આ પ્રકૃતિની ખબર હતી. તેણે ધંધાને અંગે કેળવેલ ધીરજથી અને મૃદુતાથી જવાબ આપ્યો  : ‘નૉર્મલ કેસ હશે તો વાંધો નહિ આવે.પણ કાંઈ ઍબનૉર્મલ હોય તો ડૉક્ટરની જરૃર પડે.’ આ જવાબ ફૉન્સેકાએ પૂરેપૂરો સાંભળ્યો પણ નહિ અને સાંભળત તો તે સમજી પણ ન શકત. આંખો દુ : ખમાં મીંચી દઈ, કપાળ પરના વાળનો જોરથી બાચકો ભરી, તેણે પાછું ચૉકમાં અનિયમિત ફરવા માંડયું.

થોડી વાર તે ફર્યો હશે એટલામાં નર્સ આવી અને ફૉન્સેકાને કહ્યું કે બાળક આડું છે. ખાસ હોંશિયાર ડૉક્ટરની જરૃર છે. તમે એકદમ બોલાવો. બાઈને અસહ્ય દરદ થાય છે. સાધારણ રીતે ગામમાં કોઈ ડૉક્ટર રહેતો નહોતો. પણ આજે એક આવ્યો હતો. ગુલાબભાઈ દેસાઈની દીકરીનાં આજે લગ્ન હતાં અને તેમના વેવાઈ ડૉક્ટર હતા. પણ તે આવશે કે નહિ તે કહેવું મુશ્કેલ હતું. ગુલાબભાઈ મહેસૂલ ન ભરવાની હિલચાલના સ્થાનિક નેતા હતા. સ્વભાવે ઉગ્ર હતા અને આખા ગામમાં તેમની રાડ ફાટતી. ફૉન્સેકા પહેલાં તો તેમને એકદમ તેડી લાવવાના વિચારથી બારણા તરફ દોડયો, પણ પછી, કોઈએ બાંધેલા દોરડાથી પાછો ખેંચ્યો હોય એમ, એકદમ પાછો વળ્યો. આજ સુધી ગામના એક પણ માણસને તે મળ્યો નહોતો, ગુલાબભાઈને પણ મળ્યો નહોતો, સર્વને તે પોતાના શત્રુ સમજતો. તે શી રીતે અત્યારે બોલાવવા જાય ! તે પાછો ફરી ખુરશી પર માથું નાખી પડયો. દીન વદને તેણે નર્સને કહ્યું  : ‘તમે એક ધંધાનાં છો, એટલે તમારું માનશે.’

પાસે પેલો ચુનિયો નોકર હતો તે બોલ્યો  : ‘અબ્દુલ ઘાંચીને કહો તો બોલાવી લાવું.’ આપણા દેશની પ્રાચીન શક્તિ, આવડત, વિદ્યા, કલા, કૌશલની અનેક વિભૂતિઓ હજી ગામોમાં છૂટીછવાઈ પડેલી હોય છે. હજી કંઈક ગામોમાં કુશલ તરનારા, સાપ ઉતારનાર, કમળો ઉતારનારા, ડામ દેનારા, કાન વીંધનારા, હાડકાં ચઢાવનારા, કંઠમાળ જેવા હજી અસાધ્ય મનાતા રોગો મટાડનારા, યોગપ્રક્રિયાઓ અને ઉપાસના કરનારાઓ હોય છે. તેઓ પોતાની રીતે કામ કરી, પોતાની આસપાસ સુકૃત્યોનો પમરાટ ફેલાવી સમય પૂરો થયે ચાલ્યા જાય છે.

આ જાહેરખબરોના જમાનામાં તેમને વિશે કોઈ કશું જાણતું નથી. તેમનામાં સાચું કેટલું હતું, વહેમ કેટલો હતો તે કોઈ વિચારતું નથી, અને તેમની જગા કોઈ પૂરતું નથી. અબ્દુલ ઘાંચી એવી એક વિરલ વિભૂતિ હતો. પ્રસૂતિનો ગમે તેવા મુશ્કેલ કેસ તે પાર પાડી શક્તો. સ્ત્રીઓને સંકોચ ન થાય માટે તે પાટો બાંધીને કામ કરતો. એવી તેની કુશળતા હતી, એવી તેની ટેક હતી. તે પોતાનો ઇલમ ઈશ્વરદત્ત માનતો અને જે બોલાવે તેને ત્યાં જતો. કદી પૈસા લેતો નહિ. આ નવાં આવેલાં ક્રિશ્ચિયનો તો ગામમાં કોઈ સાથે ભળતાં નહિ પણ ચુનિયો સર્વને ઓળખતો થયો હતો. તેણે આ વાત સાંભળી હતી અને શેઠશેઠાણીને કહી હતી. ડૉક્ટરને આવવાનો સંભવ ઘણો ઓછો છે એમ માની ફૉન્સેકાએ, દેશી લોકોની ચીડ છોડી દઈ, અબ્દુલને બોલાવવાની હા પાડી.

ફૉન્સેકાની જમીનની સામે ઇનામી જમીનના આંબાવાડિયામાં ખોડીદાસ પટેલ રહેતો હતો. તે નામ પ્રમાણે ખોડો જ હતો. અને એ ખોડી બિલાડી અપશુકન કર્યા વિના રહી નહિ. કેટલાક માણસો જોઇને કે સાંભળીને નહિ પણ ગંધથી બનાવ જાણી જાય છે તેમ તે જાણી ગયો હતો કે બાઇને કાંઈક મુશ્કેલી છે. સત્યાગ્રહની લડતમાં તેણે પાઇ પણ ખોઈ નહોતી. સહી કરવામાં તે સૌથી છેલ્લો હતો તોપણ અત્યારે તે આટલી મોડી રાતે નર્સ કે ચુનિયાની પહેલાં ઘેરથી નીકળ્યો અને પ્રથમ અબ્દુલને ત્યાં ગયો. અબ્દુલ હજી જાગતો હતો. તેનો નાનો છોકરો ‘મા’ ‘મા’ કરી રોઇ રોઇને હમણાં ઊંઘી ગયો હતો, અને તે પોતે ઓટલા ઉપર શૂન્ય થઈ બેઠો હતો. પાણીમાં ઊંડા ઊતરી જતાં, આંખો બંધ હોઈ ડૂબનાર પાણી દેખતો નથી, છતાં પાણી તેને ચારે તરફ દબાવે છે અને ગૂંગળાવે છે, તેમ અબ્દુલ પોતાનાં દુ : ખનો વિચાર કરતો નહોતો, પણ ચારેય તરફનાં દુ : ખો તેને દાબીને મૂંઝવતાં હતાં.

‘અબ્દુલ કાકા, પેલો તમારો જમીનચોર બરાબર લાગમાં આવ્યો છે. ઘેર ખાટલો આવ્યો છે. જોજો ભોળા થતા !’ કહીને ગુલાબભાઇને ઘેર વધામણી ખાવા દોડયો. ગુલાબભાઈને ત્યાં બરાબર હસ્તમેળાપનો સમય હતો. ગુલાબભાઈ પાટલા પર બેઠા હતા. ખોડીદાસ આસપાસના લોકોને બહુ અગત્યનું કામ છે એમ સમજાવી ઠેઠ ગુલાબભાઈના પાટલા પાસે ગયો અને કાનમાં કહ્યું  : ‘ગુલાબભાઈ, પેલો જમીનચોર લાગમાં આવ્યો છે -‘

‘અલ્યા, પણ તારી કઈ જમીન ગઈ છે તે તું એને જમીનચોર કહેવા આવ્યો !’ ગુલાબભાઈ ખોડીદાસને ઓળખતા હતા.’ ‘પણ ગુલાબભાઈ-‘

‘રે જા હવે, મધરાતે ટાંગો ઉલાળતો આવે છે ! અત્યારે હસ્તમેળાપનો વખત છે એટલું પણ સમજતો નથી ! શું જાણીને ડાહ્યો થઈ બોલવા બેઠો છે. જા ઊઠ અહીંથી.’ ખોડીદાસ ત્યાંથી નાઠો. એટલામાં નર્સ આવી પહોંચી. તેણે ગુલાબભાઈને વાત કરી. ગુલાબભાઈ ખોડીદાસની વાત હવે સમજી ગયા. તેમણે તરત જ ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું  : ‘એ તો જમીનચોર થયા પણ આપણાથી એવાં થવાય ? તમે હમણાં ને હમણાં જાઓ.’ ગુલાબભાઈને મહાત્માજીનો અહિંસાનો સિદ્ધાંત કાર્યમાં પાળવાની ચીવટ હતી. અને તે સાથે જગતની નજરે સરકારના પક્ષકાર થઇ જમીન લેનાર ક્રિશ્ચિયનને નૈતિક મહાત આપવાની ઇચ્છા પણ હતી. ‘પણ મારી પાસે અહીં કશાં સાધનો નથી.’ ડૉક્ટરે કહ્યું,

‘જે ગમે તેમ હોય પણ તમે જાઓ અને જે થઇ શકે તે કરો. બાઇને બચાવો.’ ડૉક્ટર માથે ટોપી નાખી હાથમાં લાકડી લઈ ચાલ્યા. ડૉક્ટર પહોંચે તે પહેલાં અબ્દુલ પહોંચ્યો હતો. કંઈક અપરિચયથી ફોન્સેકા અબ્દુલને આવકારનો શબ્દ સુદ્ધાં કહી શક્યો નહિ. પણ અબ્દુલે પોતાના સ્વભાવની સરળતાથી કહ્યું  : ‘હાથ ધોવા પાણી લાવો. ધૂપ કરવા દેવતા લાવો.’ ચુનિયાએ પાણી આપ્યું તેનાથી હાથ ધોયા, પછી દેવતા પર સાથે પડીકીમાં આણેલો લોબાન નાખી ધૂપ કર્યો. તે પર હાથ ધરી કાંઈક બોલ્યો, હાથ આંખોએ અડાડયા. પછી સાથે આણેલો પાટો તેણે ધૂપ પર ધર્યો. અને ચુનિયા પાસે આંખે પાટો બંધાવ્યો. ‘હવે મને બાઈના ઓરડામાં લઈ જાઓ.’

પ્રસૂતિના ઓરડામાં જતાં જ તેણે કહ્યું  : ‘નહિ હોં માઈ ! તું તો મારી બહેન થાય. ગભરાઈશ નહિ. આંખો જરા વાર મીંચી જા અને હું કહું તેમ કરજે બહેન !’ તેના મુખ પર ઓપરેશન કરનારની ચપળતા નહોતી પણ ધર્મક્રિયા કરનારની ગંભીરતા હતી, તેનું મોં અને આંખ ઉપરનો પાટો-એ પાટો ગાંધારીએ જીવનભર રાખેલા પાટાથી ઓછો પવિત્ર નહોતો -જોઈ આ ક્રિશ્ચિયન બાઈને શ્રધ્ધા થઈ. તેણે આંખો મીંચી દીધી.

અબ્દુલે પોતાનું કામ શરૃ કર્યું. એટલામાં ડૉક્ટર અને નર્સ આવ્યાં. ફોન્સેકા જરા સ્વસ્થ થયો હતો. તેણે ડૉક્ટરને આવકાર આપી અબ્દુલની વાત કરી. ડૉક્ટરે અબ્દુલની વાત સાંભળેલી, તેથી તેણે તેને જ કામ કરવા દીધું. ડૉક્ટર અને નર્સ જોતાં દૂર ઊભાં રહ્યાં.

ફોન્સેકા બહાર ઊભો હતો. કોઈ કોઈ વાર જેનીના વેદનાના અવાજો, અબ્દુલના સાંત્વનના શબ્દો અને સૂચનાઓ ‘ફિકર નહિ હોં બહેન, જરા જોરથી દમ લે…’, વચમાં વચમાં નર્સે ઉચ્ચારેલા પ્રશંસાના ઉદ્ગારો, શ્વાસ અદ્ધર રાખીને તે દૂરથી સાંભળતો હતો. થોડા વખત પછી અબ્દુલે આશ્વાસનનું ‘બસ’ કહ્યું અને તે પછી થોડી વારે નવા બાળકનો રડવાનો અવાજ, જાણે જગતમાં પોતાને માટે માર્ગ કરતો હોય, જાણે એક નવા જીવની ગણના કરવા ફરજ પાડતો હોય એવો આવ્યો. અને અબ્દુલે અર્ધહાસ્યથી કહ્યું  : પોર્યા, જન્મતાં આટલું પરાક્રમ કર્યું તો મોટો થઈને શુંએ કરીશ ? તેણે અવાજ ઉપરથી છોકરો છે એમ પારખ્યું હતું.

ડૉક્ટર બહાર નીકળ્યો. ફોન્સેકા આગળ તેણે અબ્દુલનાં ઘણાં જ વખાણ કર્યાં અને નર્સને સામાન્ય સૂચના આપી તે ગયો. થોડી વારે અબ્દુલ પણ બહાર નીકળ્યો, અને પાટો છોડાવી ચાલ્યો ગયો. ફોન્સેકા આ બનાવથી દિગ થઈ તેના સામું જ જોઈ રહ્યો.

અબ્દુલ ત્રણ દિવસ ખબર પૂછવા આવ્યો. જેનીની તબિયત સારી હતી. ત્રીજે દિવસે તેણે અબ્દુલ સાથે છૂટથી વાતચીત કરી. અબ્દુલ ચાલ્યો ગયો. તે પછી બેએક કલાકે જેનીએ નર્સ મારફત ફોન્સેકાને બોલાવ્યો. ફોન્સેકા આટલા બનાવોથી ગરીબ થઈ ગયો હતો. તે જેનીનું વચન ઉપાડી લેવા આતુર, દૂર દીન વદને ઊભો રહ્યો.

‘જો વહાલા, આ અબ્દુલની વાત તું જાણે છે ? આજે મેં એને બધી વાત પૂછી જોઈ, તેની બધી જમીન ખાલસા થઈ ગઈ છે. તેની બૈરીની મરજી જમીન રાખવાની હતી પણ તેણે કહ્યું કે બધાં માણસોથી જુદાં પડી જમીન રખાય નહિ. તેની બૈરી જમીનને માટે રડતી કકળતી મરી ગઈ.’ જેનીએ એક દીર્ઘ શ્વાસ લીધો. ‘છતાં તેણે તો જમીન જવા જ દીધી. અત્યારે તેનો ધંધો ચાલતો નથી સરકારે ઘાણીનો બળદ પણ તેનો લઈ લીધો છે. તેના ઘરમાં ખાવા નથી. મેં તેને બસો ત્રણસો જોઈએ તેટલા રૃપિયા આપવા કર્યું પણ તેણે ના જ પાડી. આ ધંધાનું તે કાંઈ લેતો નથી. ફક્ત છોકરાંને દૂધ પીવરાવે છે. અત્યારે પરદેશ જવા વિચાર કરે છે પણ નાનો છોકરો ક્યાં મૂકવો તેની તેને ચિંતા છે.’

જેનીએ ફોન્સેકાના મોઢા પર ફેરફાર થતો જોયો. તેણે લાંબો શ્વાસ લીધો અને ફરી બોલવા જતી હતી, એટલામાં ફોન્સેકાએ મોટા અવાજે ‘મારા ખોદા’ એમ કહી રડી દીધું અને મોં પર હાથ ઢાંક્યા. જેનીએ તેને વહાલથી પાસે બોલાવ્યો, ‘નહિ, વહાલા, હું તને ઠપકો દેવાની નથી. પણ-‘ ‘નહિ, નહિ વહાલી, હું તેની જમીન પાછી આપી દઈશ.’

‘પણ તે વાત પણ મેં તેને પૂછી જોઈ. ગામથી જુદાં પડી તે પોતે એકલો જમીન લેવા માગતો નથી.’ ‘હું સાંભળતો હતો. હું બધી જમીન છોડી દેવાનો છું. આપણે અહીંથી ચાલ્યાં જઈશું.’ ફોન્સેકા જેની પાસે એક ખુરશી પર બેઠો. બંને નીરવ શાંતિમાં કેટલીયે વાર એમ જ બેસી રહ્યાં. જેની માત્ર સૂતી સૂતી તેનાં ઢીંચણ પર હેતમાં હાથ ફેરવતી રહી. આપણે કહીએ છીએ કે પુરુષના કર્મ આડું પાંદડું હોય છે – પાંદડાંને ઊડતાં વાર લાગે તેટલી જ વાર પુરુષનું નસીબ ખૂલતાં લાગે છે. એથી પણ વધારે સાચું એ છે કે માણસના સૌજન્ય આડું માત્ર પાંદડું હોય છે. આપણે આપણી અશ્રધ્ધામાં તે ઉડાડવા પ્રયત્ન કરતા નથી.

કહેવાની જરૃર નથી કે આ નવી વસવાટ કરવાના પહેલા અખતરામાં સરકાર નિષ્ફળ જવાથી તેણે લોકો સાથે સમાધાન કરી દીધું છે. સત્યાગ્રહમાં કામ કરવા આવેલામાંથી ત્યાંના અસલ વતનીઓની સ્થિતિ સુધારવા, તેમને કેળવવા, એક મંડળ સ્થપાયું છે અને ફોન્સેકા અને જેની તેમાં જોડાઈ ગયાં છે. તેમણે પોતાની જમીન ગામના લોકોને આપી તેનું એક ટ્રસ્ટ કર્યું છે, જેમાંથી ‘અબ્દુલ પ્રસૂતિગૃહ’ ચાલે છે. એક પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટર અબ્દુલ સાથે કામ કરે છે, ત્યાં પ્રસૂતિનું શિક્ષણ અપાય છે, અને આખા તાલુકાની સ્ત્રીઓ તેનો લાભ લે છે.

-૦-

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

Standard
છેલ્લું દર્શન  રામનારાયણ પાઠક
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-૦-

વૈશાખનો બપોર – રામનારાયણ પાઠક

Standard
વૈશાખનો બપોર  રામનારાયણ પાઠક
[ મિશ્રોપજાતિ ]
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કૈં રજાનો.
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યાં હતાં આળસમાં હજી જનો,
જંપ્યાં હતાં બાળક ખેલતાંયે,
ટહુકવું કોકિલ વીસર્યો’તો,
સંતાઇ ઝાડે વિહગો રહ્યાં’તાં,
ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ ‘સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?’

ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમેઃ
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉગાડે પગયે ઉઘાડે,
આઠેકનો બાળક એક દૂબળો.
‘બચ્ચા લખા! ચાલ જરાક જોયેં
એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યોઃ
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ.
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા છરી કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે!

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું: ‘અલ્યા તું કહીંનો, કહે તો!’
‘બાપુ! રહું દૂર હું મારવાડે.’
દયા બીજાને થઈને કહેઃ ‘જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી?
જુઓ જુઓ દેશ ગરીબ કેવો!’
અને કહે કોઈ વળી ભણેલોઃ
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ;
ચાલે નહિ આવી સરાણ હાવાં!’
ને ટાપશી પૂરી તહીં બીજાએઃ
‘નવી સરાણે જણ એક જોઈએ
પોસાય ત્યાં બે જણ તે શી રીતે? ‘

‘બાપુ સજાવો કંઈ ‘ ‘ ભાઈ ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો
‘સજાવવાં ચપ્પુ છરી!’ કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ ‘છરી ચપ્પુ સજાવવાં છે?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડીઃ
‘બચ્ચા લખા! ધોમ બપોર ટહેલ્યા
છતાં મળી ના પઈની મજૂરી! ‘
ને ફેરવી આંખ, દઈ નિસાસો
બોલ્યોઃ ‘અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,
આધાર કૈં થાય જરાક પાણીનો!’
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે
‘અરે! બધો દેશ ભર્યો ગરીબનો,

કોને દિયેં ને દઈએ ન કોને?’
કોઇ કહેઃ ‘એ ખરી ફર્જ રાજ્યની!’
ને કો કહેઃ ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!’
ત્યાં એકને કૈંક દયા જ આવતાં
પત્ની કને જ કહ્યું : ‘કાંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દો!’
‘જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,
ભૂલી ગયા છેક જ આવતાં દયા?’
દયાતણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સુઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહેઃ
‘દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બૂઝર્વા જન માત્ર કલ્પિત!’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર,
‘મજૂરી કે અન્નની આશ ખોટી!’
છતાં વધુ મન્દ થતાં અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતાં ગાંઠ અને પડીકાં
હાંલ્લાં, જરા કૈં બટકાવવાને.
બોલાવિયા આ પરદેશી બેઉનેઃ
‘અરે જરા ખાઈ પછીથી જાજો!’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!

-૦-

પરથમ પરણામ – રામનારાયણ પાઠક

Standard

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
– રામનારાયણ પાઠક

-૦-

હજીયે ન જાગે મારો આતમરામ ! – રામનારાયણ પાઠક

Standard

હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન !
આ તે આવે છે તુફાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

સઢ સંધા ફડફડે, દોર ધીંગા કડકડે,
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન !
મારાં સૂનાં છે સુકાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું ?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ !
મારા મૂળગાય દામ !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ !
મારો ફેરો આ નકામ !
જાગો જી જાગો મારા આતમરામ !
વ્હાલા આતમરામ!
– રામનારાયણ પાઠક

-૦-

માગું બસ રાતવાસો – રામનારાયણ પાઠક

Standard

પૃથ્વી – છંદ

ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.

બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.

વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.

મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.

-૦-

સૌભાગ્યવતી !! – રામનારાયણ પાઠક

Standard

મલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૃ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે, પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહિ થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જાુવાની રહે ? કશી ટાપટીપથી નહિ, સ્વાભાવિક રીતે જ. અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી.

વિનોદરાય પણ સુંદર, પડછંદ શરીરવાળા ! મને બરાબર યાદ છે, એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે. રાતના દસ વાગે ઓચિંતા ‘ડોક્ટર સાહેબ’ કરતા આવ્યા ! હું અને ડોક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાંખી બેઠેલાં. અલબત્ત, સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઈઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડયા, પૂછ્યું તો કહે, ‘જુઓને ડોક્ટર, ગાલે ઝરડું ઘસાયું છે.’ ડોક્ટરે ટોર્ચ નાખી જોયું તો ખાસ્સો અરધોક ઈંચ ઊંડો ઘા પડેલો. તે ને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડોક્ટર કહે, ‘આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે.’ અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઊતરે અને ઘણી વાર ઇનામ લઈ જાય.

કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતું તે પણ હશે. માણસને ઘણી વાર પોતાની વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે, અમે બંને શાંત સ્વભાવનાં, અને આ વિનોદરાય ! અદમ્ય પ્રેમવાળા ! એક વાર મળવા આવ્યા હતા, અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો, ત્યારે ડોક્ટર કહે, ‘વિનુભાઈ, રાતમાં એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું ?’ ત્યારે કહે – મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો. કહે : ‘મારો ઊંટવાળો એક દુહો ઘણી વાર ગાય છે : પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અસવાર; કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર !

તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાઉં ના ? દસ ગાઉમાં હોઉં તો નક્કી જાણવું કે રાત અહીં જ ગાળવાનો ! અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એક વાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં લાંબું રહેવાના હોય ને મલ્લિકા એકલાં હોય ત્યારે ઘણી વાર એમને ઘેર હું બેસવા જતી. એક વાર અમે બંને વાતો કરતાં હતાં ત્યાં ધબ ધબ કરતા વિનોદરાય દાદર ચડયા અને ઓફિસેય ગયા વિના, પરભાર્યા ઘરમાં જ

કાં ગોરીમાં ગુણ નહિ, કાં નાવલિયો નાદાર ! ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું, અને સારું થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ ! પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા. હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી. મને થયું : ‘હું અને ડોક્ટર જેવાં માણસોની વાત જુદી છે. પણ સામાન્ય લોકોમાં, દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું જુદું રહેવાનું આવે, તો તેમના જીવનનો કંટાળો, પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ, પ્રેમ તો શી ખબર, પણ જીવનમાં રંગ તો આવે.’

પણ એક વાત મને નહોતી સમજાતી. ઘણી વાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુ: ખ હોય એવું મને જણાતું. એને છોકરાં નહોતાં, પણ છોકરાંનું દુ: ખ કરે એવી એ નહોતી. અને એ દુ: ખ સાચું હોવુ જોઈએ. એ કાલ્પનિક દુ: ખથી દુ: ખી થાય એવી નબળા મનની નહોતી. એનો સ્વભાવ જોતાં હું પૂછવાની હિંમત કરી શકતી નહિ. એ પોતાનું દુ: ખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનિની હતી. દહાડા જતા ગયા તેમ તેમ તેના દુ: ખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું.

એક વાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી. બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે. મારાથી કહેવાઈ ગયું કે, ‘પધારો ગુણવંતી ગોરી, તમારા નાવલિયા આવ્યા.’ પણ એમ કહીને તેમની સામે જોઉં છું તો એટલી જાુગુપ્સા, સંતાપ, તિરસ્કાર, વ્યથા મલ્લિકાના મોં પર દેખાઈ કે હું આભી જ બની ગઈ. એ લગભગ મારી ઉંમરની જ, છતાં મેં તે તદ્દન જુવાન હોય એવી મશ્કરી કરી તેથી, કે મારી મશ્કરીમાં તે છોકરાં વિનાની છે એવા કટાક્ષનો એને વહેમ પડયો તેથી, કે તેના ઉપર પ્રેમની સ્થૂલતાનો કે ઘેલછાનો તેને આક્ષેપ જણાયો તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી. તેને પૂછવાને, તેની માફી માગવાને, મેં તેની સામે જોયું પણ તે મારી સામું જોયા વિના ચાલી ગઈ. બે-ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે, પહેલાં મળવા આવી ત્યારે હતી તેટલી જ ખુશમિજાજમાં તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો. મેં તેને પૂછ્યું નહિ, પણ મારું કૌતુક દહાડે દિવસે વધતું ગયું.

એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી. અમે બંને એક કોચ પર બેઠાં હતાં ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની છ વરસની દીકરીને લઈને આવી. જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે. ઊંચી અને કદાવર ! તેનું શરીર જાુવાનીમાં જાડું નહિ પણ પુષ્ટ અને ભરાવદાર હશે. વર્ણેગોરી છે, જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય એવી મોટી અને ગંભીર ચાલે તે ચાલે છે. તેની ચામડી તેજસ્વી છે. જોકે આંખના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે. ત્રણેક વરસ ઉપર અહીં આવી ચડેલી. અમારે ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક-ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું. અમને હંમેશનો અસંતોષ રહેતો ત્યાં આ બાઈએ આવી ઘરાકી બાંધવાનું કહ્યું. ભાવ પણ તેણે જરાક ઓછો બતાવ્યો, અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડોક્ટરને કહ્યું, ને ત્યારથી તેનું જ દૂધ અમે લેવા માંડયાં. કદી ભેગ નહિ, કદી બગડે નહિ. એના સામું જોઈ મેં કહ્યું : ‘કેમ આવી અત્યારે ?’ મલ્લિકા કહે : ‘તમે ઘણી વાર વાત કરો છો જે બાઈની તે આ ?’

મેં કહ્યું : ‘હા, કેમ જીવી આજ આટલું વહેલું દૂધ કેમ લાવી ?’ જીવી કહે : ‘બહેન, દૂધ તો નિતને વખતે લાવીશ. આ તો મારી પાડી વિયાણી, તે કહ્યું લાવ બહેનને આપી આવું ! બળી કરીને શાબને ને છોકરાંને ખબરાવજો. પહેલવેતરી છે. નહિ તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી’તી, – એ પાડી ! રૃપાળી બળી થશે.’ મેં કહ્યું : ‘ઠીક, સારું, પાડીને શું આવ્યું ? પાડી કે પાડો.’

‘બહેન, આવી છે તો પાડી !’ કહેતાં જીવીથી જરાક મલકાઈ જવાયું. હું ઊભી થઈને કબાટમાંથી પૈસા લેવા જતી હતી, તે જીવી સમજી જઈને બોલી : ‘મારા સમ બહેન ! તમારે પ્રતાપે તો અહીં હું ઠરીને રહી છું. અને આ તો શી વિસાત છે, પણ તમ જેવાં મારે ઘેર આવ્યાં હો નાં, તો હું તો તમારા દૂધે પગે ધોઉં ! મેં તો ચાર ચાર ભેંશનાં વલોણાં કર્યા છે, ને મહેમાનોને હોંશે-હોંશે દૂધ ને ઘી પીરસ્યાં છે.’ મેં પૂછ્યું : ‘તે અલી, તારું ગામ કર્યું ?’ ‘આ નહિ રહ્યું જીવાપર ? અહીંથી આઠ ગાઉં થાય.’ ‘તે ત્યારે ત્યાંથી ઢોરબોર બધું ફેરવી નાંખ્યું !’ ‘ના બહેન, ત્યાં બધુંય છે. ચાર ભેંશું છે, ચાર બળદ છે.’

‘ત્યારે એ બધાનું કોણ કરે છે ?’ ‘કાં, દીકરાની વવું છે ને ! ચાર દીકરા છે, બેની વવું છે, એકની હમણાં આવશે, બે દીકરીયું છે, તેમાં એક તો આણું વળાવવા જેવડી છે, મારો પટેલ બેઠો છે !’ મને વાતમાં વધારે રસ પડયો. મેં કહ્યું : ‘જીવી, આજ તો વહેલી આવી છે તે બેસ, અમે કરેલી બળી ચાખતી જા.’ નોકરને બળી કરવાની સૂચના આપી ને પછી આવી હું ફરી કોચ પર બેઠી. ટિપાઈ જીવી આડી આવતી હતી, તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૃ કરી.

‘લે જીવી, નિરાંતે બેસ. વાત કર. મને કહે. એવું ઘર મૂકીને અહીં કેમ આવી ?’ ‘કંઈ નહીં બહેન, વળી અહીં આવી, બીજાું શું ?’ ‘કેમ, છોકરાની વહુઓ સાથે ન બન્યું, કે દીકરીઓને પરણાવવામાં કાંઈ તકરાર થઈ, થયું શું ? કહે.’ ‘અરે બહેન ! હું તો વવુંને હથેળીમાં રાખું એવી છું. મારે દીકરીઓ ને વહુવારુમાં જરાય વહેરોવંચો નહિ. બધાંને સાથે લૂગડાં લઉં !’ મેં કહ્યું : ‘ડાહી થઈને કહે છે, પણ જરૃર વહુઓ સાથે નહિ બન્યું હોય. એવી જબરી છો, કે બધું ધાર્યું કર, ને ધાર્યું કરવા જતાં નહિ બન્યું હોય.’ ફરી જીવીએ કહ્યું : ‘ના બહેન, સાચું કહું છું.’

એટલામાં બળી તૈયાર થઈને આવી. ટેબલ ઉપર મૂકી. જીવી કહે : ‘બહેન, ઊની ઊની ચાખી જાુઓ. ગોળ લઈને ખાઓ. ગોળ સાથે સારી લાગે.’ પણ મને તોફાન સૂઝ્યું તે કહ્યું : ‘ના, એ તો તારી વાત કહે તો જ ખાઉ, નહિ તો ભલે ટાઢી થઈ જાય, એમ ને એમ પડી રહેશે, હાથ અડાડે એ બીજાં !’ જીવી જરા હસી. ‘બહેન, તમે ય તે.’ પછી ધીમે રહીને છોકરીને ‘જા, બેટા, લોટો લઈને ઘેર જા, ભેંશું આવવા વેળા થશે. જા, હું હમણાં આવી હોં.’ કહીને તેને ઘેર મોકલી. મેં કહ્યું : ‘ભલે ને બેઠી.’ જીવી કહે : ‘ના, મોટાંની વાતુમાં છોકરાંને બેસાડવાં સારાં નહિ. જા બેટા.’ મેં તાજી બળી પાંચ-છ ચોસલાં છોકરીના હાથમાં માય એટલાં આપ્યાં, ને લોટામાં ગોળનું દડબું નાંખ્યું ને કહ્યું, ‘સંભાળીને જજે હો !’છોકરી ગઈ એટલે મેં કહ્યું : ‘આને કેવડી લઈને આવેલી ?’

‘બે વરસની.’ ‘ત્યારે કહે, કેમ આવેલી ? લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી ? કેમ કાંઈ ઘરડી થઈ એટલે પટેલે બહાર ફરવા માંડયું, કે શું થયું કહે ?’ ‘ના, બહેન ! એની પીઠ સાંભળે છે, મારાથી ખોટું ન બોલાય. પટેલ એવો નથી.’

‘ત્યારે રિસાઈ હો તો તારા પટેલને બોલાવું. તને મનાવીને લઈ જાય. તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે !’ ‘અરે, એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે. પાડી લઈને આવી, એને ખબર પડી, મને તેડવા આવ્યો, ને કહે શહેરમાંથી કહે એ લૂગડાં ને ઘરેણાં લઈ દઉં હાલ્ય, બસેં રૃપિયા બાંધીને આવ્યો છું. હાલ્ય જાણે શહેરમાં માલ લેવા આવ્યા’તાં. તને ગમશે એમ રાખીશ. પણ મેં જ ના પાડી.’ મને બહુ આશ્ચર્ય થયું. બાઈને પટેલ માટે ભાવ હતો, સ્નેહ હતો, એ હું જોઈ શકતી હતી. અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી ! મને તો સમજાયું નહિ. મારું કુતૂહલ વધ્યું. ‘ત્યારે કેમ આવી કહ. મારા સમ ન કહે તો !’ જીવી બોલી : ‘બહેન, એવા સમ શા સારુ દેતાં હશો ? તમ જેવાં નસીબદારને મારે શું કહેવું ?’ ‘ના જો, મારા સમ દીધા ને ! મને કહે.’

‘જાુઓ બેન ! હું ઘરડી થઈ. હવે મન છોકરાં થાય એ ખમાતું નથી. એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી.’ ‘પણ એવું હોય તો તને છોકરાં ન થાય એવું કરાવી આપું. હવે આ મોટાં મોટાં માણસો એવું કરે છે, જોતી નથી ? આ દેસાઈ સાહેબ. ત્રણ છોકરાં છે. નાનું છોકરું આઠ વરસનું થયું, પણ તે પછી છોકરાં નથી !’ ‘પણ બહેન, મારે તો સંસાર વહેવાર જ નથી જોઈતો. હું ધરાઈ રહી છું. હું ઘરડી થઈ ને એ તો એવો ને એવો જાુવાન રહ્યો ! હું વીસ વરસની આવી ને હતો એવો છે, મૂઈ હું મરી યે ન ગઈ, નહિ તો એ એની મેળે જાુવાન બૈરી લાવત ને એના બધા કોડ પૂરા થાત. પણ બહેન, હવે આ ઘરડા શરીરે, એક જરા અડે છે એય નથી ખમાતું ! કોણ જાણે કેમ, એને મારાં હાડકાં ચામડાંની માયા હજી નથી છૂટતી ! હોય, માણસને જાુવાનીમાં મદ હોય, મારે ય જાુવાની હતી, પણ બધી વાતનો નેઠો હોય કે નહિ ? આ તો એવો ને એવો જ રહ્યો !’

હું તો બાઈના સામું જ જોઈ રહી. થોડી વારે કહ્યું : ‘જો જીવી ! આવી વાત હોય તો ધણીને સમજાવવો જોઈએ. એમાં શરમાવું શુ ! ચોખ્ખે-ચોખ્ખું કહી દેવું જોઈએ કે આનું આમ છે.’ ‘બહે…ન, મેં નહિ કહ્યું હોય ? કેટલી વાર કહ્યું. ઘરમાં કહ્યું, ખેતરે કહ્યું, એક વાર તો સાનમાં કહ્યું. મારો નાનો છોકરો, કેરી ચૂસી રહ્યા પછી એકલા ગોટલાનાં છોતાં ચૂસતો હતો, એને પટેલે કહ્યું, ‘અલ્યા, હવે તો છાલ મેલ. એમાં શું રહ્યું છે તે ચૂસ ચૂસ કર છ ?’ મોટાં છોકરાં-છોકરી કોઈ ઘરમાં નહોતાં તે મેં પટેલને સંભળાવ્યું : ‘એને કહો છો ત્યારે તમે જ સમજો ને !’ એ સમજ્યા, હસ્યા, પણ રાત પડી ત્યાં એના એ ! એ રાતે મોટાં છોકરાં-છોકરીઓ હોય એમના દેખતાં મારાથી ભવાડા થાય ?

અમારાં તો ઘરેય નાનાં, ઉતાવળું બોલાયે નહિ ! ને બહેન, સાચું માનશો ? હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય. મારી ના સમજે જ નહિ ને ! જાણે પચીસ વરસનો જાુવાન ! કેટલાં વરસ તો મેં ખમી લીધું. કોક કોક વાર તો એટલી ચીતરી ચડે એ વાતથી, પણ શું કરું ? બૈરીનો ઓશિયાળો અવતાર ! કોક વાર તો ચિડાઈને, જે થાય તે થવા દીધું જાણે એ મારી કાયા જ નથી. છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે. એ તો સારું છે, બહેન, મારો ઉબેય લાંબો છે, નહિતર સવાસૂરિયાં છોકરાં હોય તો કોઈ દી ઊઠવા વારો ન આવે ! બહે…ન ! હું બધી હિંમત હારી ગઈ ત્યાં પછી નાઠી ! નહિતર, ઘર, ખેતર, વહેવાર, વભો, છોકરાં છૈયા, બધું છોડીને કોઈને જવું ગમે ? ને ગામમાં તો અમારી બેઉની કેવી આબરૃ ! હું અખોવન તે નવી વહુઓ તો બધી મને પગે લાગવા આવે. ભગવાને મને બધી રીતે સુખ આપ્યું. પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારી ને નાઠી !’ હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી ! મને તેના તરફ ખૂબ માન થયું. તેની હિંમત, સમજણ, ડહાપણ ! થોડી વાર રહી મેં કહ્યું : ‘અલી, તારી જબરી હિંમત. તને એકલાં એકલાં ખાશું શું એવી ફિકર ન થઈ ?’

‘ના બહેન ! અમે ક્યાં તમારા જેવાં નસીબદાર છીએ, તે એવો વિચાર આવે. કામ કરીએ તો રોટલો તો મળી રહે, તમ જેવાં મળી જ રહ્યાં ના ! અમારામાં એક ભેંશ ઉપર તો રાંડીરાંડ જન્મારો કાઢે ! તો મારે તો શું છે ? એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ. અમે તો મહેનતુ વર્ણ તે કામ કરીને અમારું ફોડી લઈએ !’ અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી તે બોલી : ‘અરે બાઈ, તું જ સાચી નસીબદાર છે, તે આમ છૂટી શકી. અને અમે નસીબદાર ગણાઈએ છીએ, તે જ અભાગિયાં છીએ. અમારાં જેવાને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ, કહે જોઈએ.’ જીવીએ કહ્યું : ‘બહેન, એવું તમારા જેવાં નસીબદારને હોય જ નહિ. એ તો અમે ભણ્યા ગણ્યાં વગરનાં, કશું સમજીએ નહિ, અમારો તે કાંઈ અવતાર છે. લ્યો, પણ હવે બેસો, બળી ખાઓ, છેવટે ટાઢી તો થઈ જ ગઈ. અમારા જેવાંની વાતમાં નકામો તમને ઉદ્વેગ થયો.’

મેં તેને થોડી બળી ચાખવા કહ્યુ, પણ અમારી આગળ ખવાય નહિ કહી માન્યું નહિ. મેં આપવા માંડી એટલે લ્યો, તમારો શુખન રાખું છું કહી બે ચોસલાં લઈ ચાલતી થઈ. હું તેને ઉબરા સુધી વળાવવા ગઈ. ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભય રીતે ચાલી ગઈ. એને જતી જોઈને થોડી વારે પાછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું, તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી. મેં કહ્યું, ‘સાંભળ્યું બહેન, બિચારાં ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે ?’ અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો : ‘માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહો છો ? એણે કહ્યાં એવાં નસીબદારને પણ હોય છે, માત્ર એટલું કે એ નસીબદાર જ ખરાં કમનસીબ છે કે એનો કશો જ ઉપાય કરી શકતાં નથી !’

મેં કહ્યું : ‘સાચું કહે છે મલ્લિકા ?’ અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એટલાં મિત્રો થયાં હતાં. ‘સાચું જ નહિ પણ અનુભવથી કહું છું.’ ‘શું કહે છે !’ ‘હા, એ બોલતી હતી તે જાણે એકેએક મારી જ વાત કરતી હતી. એની પેઠે જ મને પણ સ્પર્શની સૂગ થઈ છે, એટલે વાત સાચી છે. એની પેઠે જ મેં ઘણી યે વાર તિરસ્કારથી અને જાુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ, એમ મારો દેહ સોંપી દીધો છે. એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી. આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ. મને એમ લાગતું કે મારે છોકરાં ન થયાં, તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે, પણ આજ સમજી કે એવું નથી. બીજાું એ કે મને જરા આશા હતી કે, જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે. આજ એ બંને વાત ખોટી પડી છે. મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી. હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે.’

જ્વાલામુખીમાંથી જ્વાલા નીકળે એમ એનો અંત: સ્પાત ભભૂકી નીકળતો હતો. મેં એને બાથમાં લીધી, આશ્વાસન આપ્યું. તે એકદમ અનગળ આંસુએ રડી પડી. મેં તેને પાણી પાયું. તેને ઉઠાડી મોં ધોવડાવ્યું. તેને થોડી બળી ખાવાનું કહ્યું, પણ મને કહે : ‘આજે હવે નહિ ખાઈ શકું. મને આવું થાય છે ત્યારે ગળે ડચૂરો બાઝે છે.’ પછી મેં કોફી પાઈ, ઘણી વાર બેસાડી તેને ઘેર મોકલી. થોડી વારે ડોક્ટર આવ્યા. ટેબલ પર રકાબીઓમાં પીરસેલી બળી જોઈ કહે : ‘કેમ, મારા આવ્યા પહેલાં બધું પીરસી રાખેલું છે.’ મેં કહ્યું, ‘આ બળી ઉપર એવો શાપ છે કે એ ખાવાની વાત કરીએ ને ખવાય નહિ. મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે અઢી કલાકથી એમ ને એમ પીરસેલી પડી છે. એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યાં.’ ડોક્ટરે કહ્યું : ‘એવી શી વાત હતી વળી ?’

મેં કહ્યું : ‘એક વાર ખાઈ લો પછી કહીશ.’ ‘અરે, પણ અમે તો મડદું ચીરીને પણ તરત ખાવા બેસીએ ઓપરેશનમાં જીવતા માણસને કાપીને પણ તરત પાછી ખાવા બેસીએ.’ મેં કહ્યું : ‘ના, તોય ખાઈ લો. પછી કહીશ.’

ડોક્ટર કહે : ‘ના, ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ, નહીંતર નહીં ખાઉં.’ ડોક્ટર માન્યા નહિ. મેં જીવીની ને મલ્લિકાની બંનેની આખી વાત કહી સંભળાવી. વાત પૂરી થયે મેં કહ્યું : ‘એ પેલો દુહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું.’ ડોક્ટરે કહ્યું : ‘ખરાબ માણસ બૈરીને અને કવિતાને બંનેને બગાડે છે.’ પછી એક ખાવા ખાતર બળી ખાધી, પણ એ વિચારમાં પડી ગયા. મને કહે : ‘હું વિનોદરાયને વાત કરીશ જ.’ મેં કહ્યું : ‘એને મલ્લિકા વિશે ખરાબ નહિ લાગે ?’મને કહે : ‘અમે ડોક્ટરો તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ. હું તો એને છોકરાં નથી એ વાતમાંથી પણ તે વાત કાઢી શકું.’

પછી એમણે વાત તો કરી પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ જોઈ નહિ. આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી. મારી પાસે પોસપોસ આંસુ રોઈ. મને કહે : ‘હવે ઝાઝું નહિ જીવી શકું. કદાચ તમને કાગળ ન લખી શકું, પણ મરતાં તમને સાંભરતી મરીશ એમ માનજો.’ મને થયું માણસની કેવી નિરાધારતા છે ? અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ ! અને વરસેકમાં તેણે પોતાના જીવનનો અંત આણ્યો. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ. તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારાં ઓળખીતાં મારે ઘેર આવ્યાં. અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યાં. બધાં કહેતાં કહાં : ‘કેવી રૃપાળી !’ ‘કેવી નમણી !’ ‘કેવી ભાગ્યશાળી !’ ‘એને જોઈએે ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે !’ ‘ને સૌભાગ્યવતી જ મરી ગઈ.’ મને મનમાં થયું : ‘સૌભાગ્યવતી !!’

– રામનારાયણ પાઠક

-૦-