Category Archives: Gujarat

શેલ નદીનું સૌંદર્ય, પ્રકૃત્તિની સમીપ”બુઢેશ્વર મહાદેવ”

Standard

શેલ નદીનું સૌંદર્ય, પ્રકૃત્તિની સમીપ
“બુઢેશ્વર મહાદેવ”

કાઠીયાવાડની આ ભૂમિ પર અનેક લોકવાર્તાઓએ પોતાનું અસ્તિત્વ જમાવી રાખ્યું છે. શૂરવીરતા અને બહાદુરીની દંતકથાઓએ કાઠિયાવાડની જનતામાં વખતોવખત જોમ અને જુસ્સાનું સિંચન કર્યું છે. વટ વચન અને વેર માટે કાઠિયાવાડ અને સોરઠના લગભગ મોટાભાગના ગામડાઓમાં વીરતાની સાક્ષી પૂરતી ખાંભીઓ – પાળિયા હજુ પણ મોજુદ છે.
રાષ્ટ્રીય શાયર શ્રી મેઘાણી ની એક લોકવાર્તા “દીકરો” અને આ વાર્તાનું અદભુત પાત્ર “હીરબાઇ” કે જેણે દુશ્મનના માથાને
વાઢી તેના અંગના ટુકડે ટુકડા કરી પછેડીમાં બાંધી સવાયા દીકરા તરીકે પોતાના પિતાનું નામ રોશન કર્યું હતું. આ લોકવાર્તા હાલના ધારી તાલુકાના લાખાપાદર નામે ગામમાં ગામધણી શ્રી લાખા વાળાના સમયમાં બની હતી. શેલ નદીના ખળખળતા જળપ્રવાહની સાક્ષીએ નાની મોટી થયેલી હીરબાઈએ તે વખતે મગરના મોંમાંથી વાછરુંને બચાવ્યા ની પણ લોકવાયકાઓ છે.
હાલ જમાનો બદલાઈ ગયો છે ગામનો ટીંબો મટી આજે થોડું સમૃદ્ધ ગ્રામ્ય જીવન બન્યુ છે. શેલ નદી પર પણ કેટલીક જગ્યાએ ચેકડેમ તો ક્યાંક મોટા ડેમ બની ગયા છે પરંતુ આ માટી અને નદીની રેતમાં વર્ષોથી ધરબાયેલ હીરબાઈની લોકવાયકા હજુ અકબંધ છે. શેલ નદીના કાંઠે આવેલ સ્વયંભૂ પ્રગટ એવા શ્રી બૂઢેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. ડુંગરોની અડાબીડ ટેકરીઓ વચ્ચે આવેલ દેવાધિદેવ શ્રી બુઢેશ્ચર મહાદેવ પ્રત્યેની અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પ્રકૃતિએ આ વિસ્તારને પર્વતીય ભલે બનાવેલ હોય પરંતુ ચોમાસાની ઋતુમાં નાના નાના ઝરણાઓથી ખળખળતું સૌંદર્ય કુદરતની સમીપ લઈ જાય છે.
સાવરકુંડલાથી લગભગ 38 કિ.મી દૂર આવેલા લાખાપાદર પ્રકૃતિપ્રેમીઓ માટે અનુપમ સ્થળ છે. આ સ્થળે જવા માટે અમરેલી થી વાયા ચલાલા ખાંભા રોડ પર ધારગણી ગામથી લાખાપાદર તરફનો રસ્તો વળે છે. ગીરના નાકા પર જ આવેલું અદભુત સૌંદર્ય પાથરતું લાખાપાદર ગામ અને ગ્રામ પરિવેશને જીવંત રાખતું નયનરમ્ય સ્થળ છે.
શેલ નદીના કાંઠે બરાબર ગામને અડીને શ્રી શેલ હનુમાનજીનું પણ સુંદર મંદિર આવેલું છે. હાલ અવિરત વહેતો શુદ્ધ જળ પ્રવાહ શ્રી શેલ હનુમાનજી અને શ્રી બૂઢેશ્વર મહાદેવના પાવન ચરણોને પખાળે છે.

|| આભાર ||
ગિરીશ કથીરીયા

સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ-ક્લાસ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશન પાછળનો એજન્ડા..

Standard

સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ-ક્લાસ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશન પાછળનો એજન્ડા..

વિદ્યાનાં વેપારીઓને તો ધંધો જ કરવો છે વિદ્યાર્થીઓનાં વાલીઓએ જે સમજવાનું-શીખવાનું છે તે અહીં લખ્યું છે.. વાંચો અને વંચાવો.. વાસ્તવિકતા લાગે વહેંચો..

ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ અને જાયન્ટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ-ક્લાસની મોડેસ ઓપરેન્ડી વચ્ચે કેટલીક નાની-નાની ખાનગી શાળાઓ અને પર્સનલ ટ્યુશન કલાસીસની કામગીરી પ્રમાણમાં સારી છે

 • zoom એપ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એ ઓનલાઈન એજ્યુકેશન નથી. ધોરણ ૧થી ૮નાં બાળકોને zoom કે અન્ય કોઈપણ એપ પર અપાતું એજ્યુકેશન એ સારું નથી, એ યોગ્ય નથી અને એ કામનું પણ નથી. અને તેને ઓનલાઈન એજ્યુકેશન ગણાવી પણ ન શકાય એટલું નિમ્ન કક્ષાનું સમય, શક્તિ, સંપત્તિ અને સ્વાસ્થ્યની બરબાદી કરનારું માત્રને માત્ર એક ગતકડું છે. જેનો સીધો ફાયદો શાળાઓને અને નુકસાન વિદ્યાર્થીઓ-વાલીઓને ફાળે જાય છે. પહેલા તો ઓનલાઈન એજ્યુકેશન, ઈ-એજ્યુકેશન અને વર્ચ્યુઅલ ક્લાસરૂમનો કન્સેપ્ટ સમજવા જેવો છે. ઓનલાઈન એજ્યુકેશન કોને કહી શકો જ્યાં ઓનલાઈન પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે. શિક્ષક અને વિદ્યાર્થીઓ ભણાવવા-ભણવામાં Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. સામસામે એક સાથે ઓનલાઈન થઈ કઈક બોલવું-સાંભળવું ઓનલાઈન એજ્યુકેશન નથી.
 • સૌ પ્રથમ તો શાળાઓ – ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન આપતી વેદાતું, ટોપર અને બાયઝૂઝ જેવી એપ્લીકેશનનો અભ્યાસ કરવાની જરૂરી છે અને માતા-પિતાઓએ પણ પોતાના સંતાનોને આ એપમાં અભ્યાસ કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ઉપરાંત એડમિશન24ની દરેક વ્યક્તિએ ખાસ મુલાકાત લેવા જેવી છે. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ એનું બેસ્ટ એક્ઝામપલ અહીંથી મળશે. આ સિવાય અનએકેડમી નામથી પણ એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે એ પણ શ્રેષ્ઠ છે. Impartus Innovations, Oliveboard, Tutorip, Avanti, Imarticus Learning.. zoomની જંગલમાંથી બહાર આવી આ બધા જ ઓનલાઈન લર્નિંગ-ટીચિંગ પ્લેટફોર્મની મુલાકાત એકવાર અવશ્ય લેવી જોઈએ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડિજીટલ લર્નિગ-ટીચિંગ ઝોનમાં ચાર કૌશલ્યો Critical Thinking, Communication, Collaboration and Creativity વિકસિત થવા અગત્યનાં છે. આ બધું તો દૂર રહ્યું.. લોકડાઉનમાં દરરોજ બેથી ત્રણ કલાક ઓનલાઈન થઈ તમારું કે તમારી આસપાસનું બાળક શું શીખ્યું એ બાળકને નહીં તમારા આત્માને પૂછો.
 • ઘર બેઠા શિક્ષણ આપવું અને મેળવવું હોય તો ઘરમાં પણ લોકડાઉન પાળવું પડે. ક્લાસરૂમ જેટલું જ સાઈલન્ટ ડ્રોઈંગરૂમમાં પણ હોવું જોઈએ. હાઈસ્પીડ ઈન્ટરનેટ જોઈએ અને મોટી સ્ક્રીનવાળો ફોન અથવા ટેબલેટ અથવા પીસી-લેપટોપ. જો ઓનલાઈન એજ્યુકેશન આપવું કે મેળવવું નાછૂટકે ફરજીયાત જ હોય તો ફેસબૂક, યુટ્યુબ, ગુગલ ક્લાસરૂમ જેવા માધ્યમોનો ઉપયોગ કરી શકાય. વેબપેજ એન્ડ બ્લોગ બેસ્ટ રહે. zoom એપ અનઈન્સ્ટોલ કરો. યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ અને ગુગલ હેન્ગઆઉટ મીટ અને સ્ટ્રીમ યાર્ડ દ્વારા લાઈવ સેશન લઈ જ શકાય છે. ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સ જેવા કે સ્કાઈપ, ગૂગલ મિટિંગ, NPTEL દ્વારા પણ ઓનલાઈન ટીચિંગ-લર્નિંગ થઈ જ શકે છે. zoom જ શું કામ? પણ ના.. આપણે તો આ બધું લોકડાઉન પૂરતું જ કામ ચલાઉ છે, ટાઈમપાસ માટે છે એટલે ને? પછી તો હતું એને એ જ.. આપણે અહીં જ પાછળ રહી જઈએ છીએ અને પછી પશ્ચાતાપ કરતા રહીએ છીએ.
 • એક વધુ વાત યાદ રાખજો.. કશું જોયા-જાણ્યા કે સમજ્યા-શીખ્યા વિના વિદેશમાં મોબાઈલ, આઈપેડ, કોમ્પ્યુટર, લેપટોપ પર ભણનારા બાળકો ‘ઈન્ટરનેટ એડીક્શન ડિસઓર્ડર’ જેવી ગંભીર બીમારીનો શિકાર બની ગયા છે. તેથી વાલીઓને વિનંતી છે કે, કોઈપણ પ્રકારનાં ઓનલાઈન એજ્યુકેશનનાં ટૂલ્સ-મોડલમાં પોતાના બાળકોને શિક્ષણ આપતા પહેલા સો વાર વિચારજો.. ચકાસજો.. બાળક સચવાઈ જાય.. શાંતિથી બેઠું રહે.. તેનું ભણતર ન બગડે.. કઈક નવું શીખે.. ફી ભરી જ છે તો પૂરી વસૂલી જ લઈએ.. વગેરે જેવા વિચારો કરી સંતાનોનાં હાથમાં મોબાઈલ પકડાવી દેવાનો કોઈ અર્થ નથી. તમારા બાળકને સ્કૂલ-ક્લાસમાં મૂકતા પહેલા સો વાર બધી જ ચકાસણી કરો છો ને? તો બાળક જેમાં ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યો છે એ એપ, ટૂલ્સ, મોડેલની પણ ડિટેઈલ્સ તપાસો. શાળા સંચાલકો અને ટ્યુશન માલિકો ટૂંકસમયમાં ઓનલાઈન એજ્યુકેશનનાં નામે અવનવા ગતકડાં લઈ આવવાનાં છે, તેનાથી છેતરાશો, ભરમાશો નહીં.. તેને સંપૂર્ણ તપાસજો.. ચકાસજો..
 • જેમ ઓનલાઈન શોપિંગ વિરોધ કરનારા નાના-નાના દુકાનદારો-વેપારીઓ હવે ઓનલાઈન સેલિંગ કરવા લાગ્યા છે, ઓનલાઈન શોપિંગનો વિરોધની જગ્યાએ એકાએક વખાણ કરી રહ્યાં છે તેમ મોબાઈલ તો બાળકોને આપવો જ ન જોઈએ એવી ખાલીખોટી ફિસયારીઓ મારનારા હવે ઓનલાઈન એજ્યુકેશનનાં નામે બાળકોનાં હાથમાં ધરાર ફોન પકડાવી રહ્યાં છે. આ બંને ઘટનાની પાછળનું મુખ્ય કારણ ધંધો છે. જ્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશનનો એજન્ડા ધંધો જ હશે ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન, ઈ-એજ્યુકેશન કે વર્ચ્યુઅલ ક્લાસરૂમનો કન્સેપ્ટ સક્સેસ જવાનો નથી. બીજી એક વાત..વિદ્યાનાં વેપારીઓ એવું પણ વિચારે છે કે જેમ બીજા વેપારીઓએ આર્થિક નુકસાનીનું કારણ આગળ ધરી સરકાર પાસે લોકડાઉનમાં પણ વેપાર કરવાની છૂટછાટ મેળવી લીધી, જેમ લોકડાઉનમાં ડરાવી-ધમકાવી પાન-મસાલાનાં ગલ્લા પણ ખોલાવી નાખ્યા એમ અમે પણ શાળા-ક્લાસ ખોલાવી જ નાખીશું. કેરી, મસાલા, અનાજની જેમ જ આ ફી ઉઘરાણીની સિઝન છે એક પૈની પણ જતી ન કરીએ. કોરોના વાયરસથી ઘાતક આવા શિક્ષણમાં સડો કરનારાઓથી બચજો.. ચેતજો.. દો ગજ દૂરી રાખજો..
 • જો કે આ જ સમય છે જ્યારે ભારતમાં ડિજીટલ એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે છે પરંતુ તેની પ્રથમ શરત છે તેને એજ્યુકેશન માફિયાઓથી બચાવો. બહુ જ સીધી સાદી સમજવા જેવી બાબત છે કે, કોરોના વાયરસ – લોકડાઉનને કારણે ઓછામાં ઓછા આવનારા ચારથી છ મહિના કે લગભગ એક વર્ષ સુધી પહેલાની જેમ જ સામાન્ય રીતે સ્કૂલ-ક્લાસ શરૂ થવાના નથી જ. એવા સમયે શૈક્ષણિક માળખું ન ખોરવાઈ કે શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે પણ એ વિકલ્પ પાછળ સ્કૂલ-ક્લાસનાં માફિયાઓની મેલી મુરાદ સ્પષ્ટ જોઈ શકાય છે. મકસદ માત્ર ફી ઉઘરાણી જ નથી. હવે તો ઓનલાઈન એજ્યુકેશન આપવાના નામે ફી તો ઉઘરાવી જ શકાય સાથોસાથ જે નાનીનાની ખાનગી શાળાઓ – પર્સનલ ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન એજ્યુકેશન આપતા નથી કે આપી શકતા નથી તેના વિદ્યાર્થીઓ પડાવી લેવાનો પણ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ઓનલાઈન એજ્યુકેશન. અધૂરામાં પૂરું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝનાં મોટામોટા મગરમચ્છ નાનાનાના માછલાઓને જે સ્કૂલ-ક્લાસ હકીકતમાં સારું કામકાજ કરી રહ્યાં છે તેને ડરાવી-દબાવી ગળી જવા માંગે છે અને એટલે જ તો આજે નાના સ્કૂલ-ક્લાસવાળાને પોતાની સાથે લેવાની-રાખવાની વાત મોટા સ્કૂલ-ક્લાસવાળા કરે છે. જો ઓનલાઈન એજ્યુકેશન આવી બદીઓથી બચી ગયું તો તેના કેટલાંક ફાયદાઓ પણ થવાના છે તેની ના નહીં.
 • હું માનું છું ત્યાં સુધી કામચલાઉ zoom એપ પર અપાતું-મેળવાતું એજ્યુકેશન વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે જ ઓનલાઈન એજ્યુકેશનનાં નામે ફી ઉઘરાણી કરતા સ્કૂલ-ક્લાસ માટે પણ જોખમી સાબિત થવાનું છે. કારણ કે, જો વિદ્યાર્થીઓ-વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન કેમ મેળવવું એ આવડી-ફાવી ગયું તો શાળા કે ટ્યુશન ક્લાસનું કોઈ મહત્વ જ નહીં રહે. અને એટલે જ તેઓ હવે પોતપોતાની પર્સનલ એજ્યુકેશન આપતી એપ્લીકેશન બનાવવા દોટ મૂકી છે. મતલબ કે, કોરોના વાયરસનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ ઓનલાઈન એજ્યુકેશનનું અસ્તિત્વ રહે એવું સ્કૂલ-ક્લાસ સંચાલકો ઈચ્છે છે. ટૂંકમાં પતી જાય છે તો ઠીક છે પણ જો લાંબુ ચાલે તો પોતાની જ વેબસાઈટ-એપ્લીકેશન પરથી પોતાના વિદ્યાર્થીઓને ભણવવાનાં. પછી માત્ર વાલીઓને જ શાળાએ આવવાનું એ પણ ફીનાં રોકડા પૈસા આપવા કે ફીનો ચેક દેવા. શાળા-ક્લાસ સંચાલકો ઓનલાઈન એજ્યુકેશ નાછૂટકે અપનાવી રહ્યાં છે જેવું બધું સામાન્ય થશે કે આ લોકો જ ઓનલાઈન એજ્યુકેશન, બાળકોને મોબાઈલ આપવા વગેરે જેવી બાબતનો વિરોધ કરશે અને સ્કૂલ-ક્લાસમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળે એવું સાબિત કરવા મથશે.
 • વાલીઓ પાસેથી જ પૈસા લેવાના.. પછી એ પૈસામાંથી પોતાનું કમિશન કાપી હોલસેલર્સ પાસેથી જથ્થાબંધ માલ લેવાનો.. એ માલમાં સંસ્થાનું સ્ટીકર ચોંટાડવાનું.. ૨૦૦ રૂપિયાની બેગ, ૨૦ રૂપિયાની વોટરબેગ, ૧૦ રૂપિયાનો લંચબોક્સ અને ૫ રૂપિયાનો કંપાસ બોક્સની કીટ આપનારા આ દલાલો-વેપારીઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનની કીટ નહીં આપે. ઈન્ટરનેટ કનેક્શન કે આઈપેડ નહીં આપે. એ વાલીઓએ જ ખરીદવા-લેવાનું રહેશે. સ્કૂલ-ક્લાસ સંચાલકો માત્ર પોતાની વેપારી પેઢીનું માર્કેટિંગ થતી ઓનલાઈન એપ્લીકેશન બનાવશે. જેમાં તેમની સંસ્થાનું માર્કેટિંગ વધુ અને તમારા સંતાનોને અભ્યાસ ઓછો મળવાનો છે. એ પણ પાછુ ટૂંકસમય માટે જ.. એટલે ઓનલાઈન એજ્યુકેશન પાછળ ખોટો ખર્ચ ન કરતા. આ કાયમી નહીં કામચલાઉ કાવતરું છે, કોનું એ તમને ખબર છે.
 • હું તો વર્ષોથી ઓનલાઈન એજ્યુકેશનનો વિરોધી છું કેમ કે, આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશનનું એટમોસ્ફીયર જ નથી. આપણે આજ સુધી દેખાદેખી, આંધળું અનુકરણ અને સ્વાર્થવૃત્તિથી જ બધું કર્યું છે એટલે આમાં પણ ભાગ બન્યા, આનો પણ ભોગ બન્યા. વળી, ઓનલાઈન એજ્યુકેશનમાં ભણવા સિવાય બીજું કરવાનું શું? જ્યારે શાળા ફક્ત ભણવા માટે નથી. તેમા બાળકમાં શિસ્ત, સંસ્કાર અને વિચારોની અભિવ્યક્તિ વગેરેથી કેળવણી થતી હોય છે. બાળક શાળાએ ગયા વિના શિક્ષણ લેશે તો તેનામાં માનવીય-મૂલ્યનિષ્ઠ તત્ત્વનો છેદ જ ઉડી જવાનો છે. ઓનલાઈન એજ્યુકેશન નુકસાનકારક છે સાથે તેની ઘણી બધી મર્યાદાઓ પણ છે. વાલીઓ પોતાના સંતાનોને ઓનલાઈન ભણવવા કે ન ભણવવા એ એમની વ્યક્તિગત બાબત છે પણ હા, જાણકારોએ આ અંગે નક્કર અભ્યાસ અને ચોક્કસ સંશોધન કરવાની ખાસ જરૂર છે.
 • અંતમાં એટલું જ કે, ઓનલાઈન એજ્યુકેશન, ઈન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ આપતા વેબીનાર સફળ શું કામ જઈ રહ્યાં છે? કારણ કે તે ક્લાસ માટે છે, માસ માટે નહીં. નિષ્ણાંત લોકો દ્વારા નક્કી કરેલા લોકોને અપાતી જાણકારી. માહિતી આપનાર અને લેનારમાં પણ ઘણી સમાનતાઓ અને સમજણ છે. મોટાભાગે ફ્રી હોય છે, કોઈ ફી હોતી નથી. ગમે ત્યારે જોઈ શકાય. એવું નહીં કે ફક્ત zoom એપ પર જ આવે, ફેસબૂકથી લઈ યુટ્યુબમાં પણ જોઈ શકો. કોઈ નિયમ કે ફરજીયાતપણું નથી. પૈસાની ઉઘરાણી કે માર્કેટિંગથી વાહવાહીનો મકસદ નથી. તમે ખુદ જોઈ શકો છો, અનુભવી શકો છો. છેલ્લા કેટલાંક દિવસોમાં ઘણા વેબીનાર સુપરહિટ રહ્યા અને એ જ દિવસોમાં ઓનલાઈન એજ્યુકેશન સુપરડુપર ફ્લોપ. કારણ.. કહેવાતું ઓનલાઈન એજ્યુકેશન નાના બાળકો માટે નથી જ, નથી જ અને નથી જ.. બોર્ડ વિદ્યાર્થી માટે ઠીક છે. એ માટે પણ સ્કૂલ-ક્લાસ સંચાલકોએ ઘણી મહેનત કરવાની છે. શિક્ષકોએ પણ આ બધું જ અપનાવવા, ખુદને ધરમૂળથી બદલાવવા અને વિદ્યાર્થીઓને શિખવવા તૈયારી રાખવી પડશે. સક્ષમ અને શક્તિશાળી વાતાવરણ ઉભું કરવું પડશે તો જ પરિણામ પ્રમાણસર આવશે.
 • હાલમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં સરકારી શાળાનાં શિક્ષકો સૌથી આગળ છે અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે. યુટ્યુબમાં તેમના વીડિયો જોઈ વિદ્યાર્થીઓ ઘર બેઠા પોતાની શરતે-ફુરસદે ભણી-શીખી રહ્યાં છે. ફ્રી ઓનલાઈન એજ્યુકેશન સાથે સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન.. એવી જ કંઈક સરસ કામગીરી નાની-નાની ખાનગી શાળાઓ અને પર્સનલ ટ્યુશન ક્લાસ પણ કરી રહ્યાં છે. વાલીઓ પાસે ફીની ઉઘરાણી નહીં, વાલીઓના મોબાઈલ પર ફી ભરો એવા મેસેજ કરોની જગ્યાએ બાળકોને જાતે ભણાવો એવું કહે. સ્કૂલ-ક્લાસનાં શિક્ષકો વાલીઓના વોટ્સઅપ નંબર પર લેશન મોકલી આપે, વીડિયો લિંક મોકલે. વાલીઓ તેમના બાળકોને કેમ ભણાવવા એ કહે.. જૂઓ સ્કૂલ-ક્લાસ બંધ છે એ સમસ્યા છે તો એ સમસ્યાનું સીધું સાદું અને સરસ સમાધાન પણ છે. ભળશે બાળક, શીખશે બાળક પણ સૌ પ્રથમ વાલીઓ સમજશે તો જ આ બધું શક્ય બનશે..

– ભવ્ય રાવલ લેખક-પત્રકાર

જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટરને બદનામ કરવા પાછળ કોનો હાથ? “ધમણ” વિશેના નકારાત્મક સમાચાર પર કોંગ્રેસ કેમ રાજી થાય છે?

Standard

જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટરને બદનામ કરવા પાછળ કોનો હાથ? “ધમણ” વિશેના નકારાત્મક સમાચાર પર કોંગ્રેસ કેમ રાજી થાય છે?

આત્મનિર્ભર બનવાની દિશામાં જેમ-જેમ આગળ વધતા જઈશું, આવા વિઘ્નો વધતા જ જશે

દેશી ભુતાવળો એવી ખુશ થઈ રહી હતી જાણે પાકિસ્તાનના ઘોરી મિસાઈલનું પરીક્ષણ વિફળ રહ્યું હોય

રાજકોટની જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટર, “ધમણ” પરનો વિવાદ જોયો તમે? અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉકટરે જ્યારે “ધમણ”ને વગોવતો પત્ર લખ્યો ત્યારે કેટલાક કોંગ્રેસીઓ અને દેશી મીડિયા એટલા રાજી થયા કે, જાણે તેમણે પોતે કોઈ નવું હાઈ-એન્ડ વેન્ટિલેટર વિકસાવ્યું હોય. તબલિગી અને પોલીસ પર થતા એટેક બાબતે મૌન રહેતા જનાબ પરેશુદ્દીન અમરેલવીએ તો “ધમણ”ની એવી ધોલાઈ કરી જાણે તેઓ પાકિસ્તાનના ઘોરી મિસાઈલ વિશે બોલી રહ્યા હોય. “ધમણ” સુરક્ષિત અને કાર્યક્ષમ છે અને એ બાબતે આજે અધિકૃત સ્પષ્ટતા થઈ ચૂકી છે. મારે બીજા કેટલાક મુદ્દા પર સાવ ટૂંકમાં વાત કરવી છે:

*મોદીએ આત્મનિર્ભરતાની વાત કરી ત્યારે ઘણાં ભૂત-પલિત જોરજોરથી ખીખીયાટા કરી રહ્યા હતા. “ધમણ” પર હસનારા પણ એ જ લોકો છે. આ લોકો શુદ્ઘ સ્વદેશી ભૂતાવળ છે. એ બાબતમાં આપણો દેશ પૂર્ણ આત્મનિર્ભર છે.

*”હવે તો આપણે રાફેલ નહિ મંગાવીએ ને…?” ટાઈપના પ્રશ્નો પૂછનાર લોકો દેશની ઈજ્જત માટે તો દુશાસન છે જ, પણ આવા પ્રશ્નો દ્વારા તેઓ જાતે જ પોતાની કોમન સેન્સનું પ્રદર્શન કરી રહ્યા છે.

*આત્મનિર્ભર બનવાની દિશામાં આવા અગણિત વિઘ્નો આવશે જ. જ્યોતિ CNCએ માત્ર એક લાખ રૂપિયામાં આ વેન્ટિલેટર મૂક્યું તેમાં ઘણી વિદેશી કંપનીઓના પેટમાં સલ્ફયુરિક એસિડ રેડાયો છે. આવી કેટલીક વિદેશી કંપનીઓના વેન્ટિલેટરની કિંમત સાત-આઠ લાખથી તો સ્ટાર્ટ થાય છે. આ બધી કંપનીઓને પોતાનાં પાટિયાં પડી જવાની ભીતિ છે.

*”ધમણ” અંગે વિવાદ ઉભો કરવા પાછળ પણ એક યુરોપિયન કંપની હોવાનું કેટલાક લોકોનું માનવું છે. શું આ કંપનીએ ડૉક્ટરને સાધ્યા હતા? લાગે છે તો એવું જ…

*ભૂતકાળમાં અનેક સ્વદેશી કંપનીઓ સાથે આવા ખેલ થઈ ચૂક્યા છે, હવે વધુ થશે. આવી સ્થિતિમાં ખોટા સમાચારોથી દોરવાશો નહિ, ભોળવાશો નહિ, ઓફિશિયલ સ્પષ્ટતાની રાહ જોજો.

-કિન્નર આચાર્ય

આજની પોઝિટિવ સ્ટોરીઃ

Standard

આયુર્વેદની મદદથી કઈ રીતે કોરોનાને દૂર રાખી શકાય કે હરાવી શકાય ?
કોરોના પોઝિટિવના 213માંથી 203 કેસને માત્ર સાત દિવસમાં નેગેટિવ કરનારા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા આપે છે અમૂલ્ય ટીપ્સ.

આલેખનઃ રમેશ તન્ના

લોકડાઉન ચારનો પ્રારંભ થઈ ગયો છે અને કોરોના વાયરસ વિદાય લેવાનું નામ લેતો નથી. આપણે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની છે ત્યારે કોરોનાનો સામનો આયુર્વેદની મદદથી કઈ રીતે કરી શકાય તે જાણવાની જરૂર છે. તેના માટેની ટીપ્સ વૈદ્ય મહેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા આપી રહ્યા છે. તેઓ તળાજાના દિહોરમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર છે. તેમની વિશેષતા એ છે કે તેમણે કોરોના સામે આયુર્વેદનો જયજયકાર કરાવ્યો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રખાયેલા 213 કોરોના પોઝિટિવ દર્દીઓને નેગેટિવ કરવામાં તેઓ સફળ રહ્યા છે.

કોરોના સાથે જેમણે પરિચય કેળવી લીધો છે એવા યુવા વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયા કહે છે કે અત્યારે ત્રણ પ્રકારના કોરોનાગ્રસ્ત લોકો સમાજમાં છે. 1. જેમને કોરોના થયો નથી. 2. જેઓ શંકાસ્પદ છે. 3. જેઓ કોરોના પોઝિટિવ છે. આ ત્રણેય પ્રકારના લોકોને ઉપયોગી થાય તેવી ટીપ્સ તેઓ આપે છે.

તેઓ કહે છે કે કોરોનામાં મૃત્યુ થવાનું કારણ ન્યુમોનીયા તાવ હોય છે. ફેફસાંમાં કફ જમા થઈ જતો હોય છે. કોરોનાગ્રસ્ત વાતાવરણમાં આપણા બધાએ કફથી ચેતવાનું છે. શરીરમાં કફ ના થાય તેની બધાએ ખાસ તકેદારી રાખવાની છે.

બચાવ માટેનાં ત્રણ પગલાં સરવૈયા સાહેબ સૂચવે છે. તેઓ કહે છે હવા, પાણી અને ખોરાકની બાબતમાં આપણે કાળજી લેવાની છે.

સાૈ પ્રથમ વાત કરીએ હવાની. હવા એટલે વાયુ. દરેક વ્યક્તિએ આગામી ત્રણ-ચાર મહિના ભૂલ્યા વિના સવાર અને સાંજ એક-એક કલાક પ્રાણાયામ કરવા જોઈએ. તેમાં ખાસ કરીને અનુલોમ-વિલોમ કરવા જોઈએ. આ એક ઊંડા શ્વાસના યોગ છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો (એ વખતે બાજુનો ભાગ બંધ રાખવાનો) અને બીજી બાજુથી શ્વાસ છોડવાનો. આ કવાયત ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

બીજી બાબત છે નાસ સેવાની. ગરમ પાણીમાં અજમા-સૂંઠનો પાવડર નાખીને 10-15 મિનિટ સુધી નાસ લેવાનો. નાસ લેવાનો છે, તેની વિધિ ટુવાલ કે દુપટ્ટો એવું કોઈ કપડું માથા પર ઢાંકીને નાસ લેવો જોઈએ. દરરોજ સવાર-સાંજ 10-15 મિનિટ નાસ લેવાનો છે. ના, કંટાળવાનું નથી કારણ કે ભવિષ્યમાં પણ જો કંટાળવું હશે તો જીવતા રહેવું પડશે. કોરોના આપણી શ્વાસનળીમાં ગયો હોય તો તેને ફેફસામાં જતાં અટકાવવાનો છે. જો એ હોજરીમાં જતો રહે તો ગંગા નહાયા. માટે નાસ લેવાનો.

હવે વાત કરીએ ધૂપની. ઘરમાં ગૂગળ-લીમડો અને કપૂર,દેશી ગાય ના ઘી સાથે જે મળે તેનું આ ત્રણેયનું ધૂપ સવાર-સાંજ કરવું. (ચરકસંહિતા જ્વર ચિકિત્સા પ્રમાણે પલંકષાદિ ધૂપ પણ વાપરી શકાય.)

હવા-વાયુની વાત પૂરી.

હવે વાત કરીએ પાણીની. કેરાલા રાજ્યની સફળતાનું રહસ્ય છે ગરમ પાણી. એ લોકોએ કોરોના પોઝિટિવને સતત ગરમ પાણી પીવડાવ્યું છે. આયુર્વેદ-ચરકસંહિતામાં વિમાનસ્થાન અધ્યાય ત્રણમાં મહામારીની મુખ્ય ચિકિત્સા ગરમ પાણી જ બતાવી છે. જે લોકોને શરદી-ઉધરસ હોય તેમણે 500 મી.લી પાણી માં 1થી 2 ગ્રામ નાખી સૂંઠવાળું ગરમ પાણી આખો દિવસ પીવું. આ સિવાયના લોકોએ ઉનાળો હોવાથી દિવસમાં ત્રણ-ચાર વખત સૂંઠવાળું ગરમ પાણી પીવું.

હવે વાત કરીએ ખાણી-પીણીની. કાચું દૂધ, કોઈ પણ પ્રકારનું દહીં, ઠંડાં પીણાં, મીઠાઈ, પચવામાં ભારે કોઈ પણ વાનગી, બેકરીની આઈટમો, મેંદામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ.. આ બધુ સદંતર બંધ કરવાનું છે. સંયમ રાખવો જ પડશે. ભલે ઉનાળો હોય ફ્રીઝનું પાણી ના જ પીવાય. એક વર્ષ ફ્રીઝનું પાણી નહીં પીવો તો મરી નહીં જાવ, પણ કોરોના થશે તો… ? માટે સાવધાન. એકવાર કોરોના ભાગી જાય પછી જે ખાવું હોય તે ખાજો, હમણાં તો સંયમ. નિયંત્રણ. પ્રતિબંધ.
ચા પીવાય કે નહીં ? ના પીવાય તો સારું. વિકલ્પ છે હર્બલ ટી. હવે તો બજારમાં હર્બલ ટી પણ સરસ મળે જ છે. (એનો સ્વતંત્ર લેખ કરવાના છીએ.) જોકે સવારે ચાના વિકલ્પે નીચેનો ઉકાળો પીવો જોઈએ તેવું સરવૈયા સાહેબ કહે છે.

એક વ્યક્તિ માટે ઉકાળો બનાવવાની રીતઃ એક કપ પાણી, ચાર ચપટી ગળો (લીમડા ની ઉત્તમ -અમૃતા)નો પાવડર, ચાર ચપટી હળદરનો પાવડર, તુલસીનાં ચાર પાન, એકથી બે ચપટી સૂંઠ.. આ બધાને મિશ્ર કરીને તેને ઉકાળો. 25 ટકા પાણી બાળી નાખો. બસ આ ઉકાળો દરરોજ સવારે ખાલી પેટે પીવાનો. રોગપ્રતિકાર શક્તિને વધારવામાં તે ખૂબ જ મદદ કરશે.

સરવૈયા સાહેબ કહે છે કે જે લોકોને શરદી-કફ વગેરેની તકલીફ હોય તેણે મગ-મઠ-સરગવો અને કળથીના સૂપ પીવા જોઈએ.

રોજ સવારે બાળકોએ ગળો, યુવાનોએ આમળાં અને વૃદ્ધોએ રસાયણચૂર્ણ (ગળો-ગોખરું-આમળાં) લેવાં જોઈએ.
જેને કોઈ લક્ષણો નથી તેમણે સાંજે દેશી ગાયના દૂધ – હ‌‌ળદર અને સૂંઠ , એલચીસાથે લેવું જોઈએ. અને કોરોનાં માંથી મુક્ત થયી 3 મહિના આ ઉપાય વય પ્રમાણે અવશ્ય કરવા.

આ ઉપરાંત દેશી ગોળ અને આદુની ચટણી બનાવી લેવી જોઈએ. બપોરે તે લેવી. (ચરકસંહિતામાં શોથ ચિકિત્સા શરદી-ઉધરસ-કફ-શ્વાસ વગેરેને મટાડવા તેનો ઉલ્લેખ કરેલો છે.ગુડ -આદ્રક)

આ વાયરસનો ચેપ નાક દ્વારા ફેલાતો હોવાથી દિવસમાં બે-ત્રણ વખત ગાયના ઘી અથવા એરંડિયું-દિવેલનાં બે-ત્રણ ટીપાં નાખવાં જોઈએ.

સરવૈયા સાહેબ કહે છે કે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ખોરાક-પાણીનું અમૃતીકરણ કરવું જોઈએ. એટલે કે પાણીને ખાવાનું અને ખોરાકને પીવાનો. પાણીને લાળ સાથે મિશ્ર કરીને, અમૃત પીતા હોઈએ એ રીતે ઘૂંટડે-ઘૂંટડે પીવાનું. અને એક કોળિયો ઓછામાં ઓછો 32 વખત ચાવવાનો.

વૈદ્યરાજ કહે છે કે આપણા પ્રાણને મજબૂત કરવા અને બચાવવા, પ્રાણશક્તિને સંવર્ધિત કરવા ત્રણ પ એટલે કે પીનું ધ્યાન રાખવું જોઈએ.

 1. પ્રાર્થના. રોજ સવાર-સાંજ સપરિવાર સર્વ ભવન્તુ સુખીનાં.. એ પ્રાર્થના કરો.
 2. પ્રાણાયામ કરો.
 3. પેય.. અમૃત પેય પીઓ (ઉકાળો પીઓ.)

ટીવી-9 ગુજરાતીના પત્રકાર-એન્કર જયેશ પારકરને પણ કોરોના પોઝટિવ થયો હતો. તેઓ આયુર્વેદની મદદથી બચી ગયા. તેમણે સાજા થયા પછી આપેલા ઈન્ટર્વ્યુમાં ખાસ મહેન્દ્રસિંહ સરવૈયાનો આભાર માન્યો હતો. સેંકડો દર્દીઓ સરવૈયા સાહેબનો આભાર માનીને કહે છે કે તેમણે અમને બચાવ્યા છે.

સરવૈયા સાહેબ ભગવાન અશ્વિનીકુમાર, ધન્વંતરિ ભગવાન અને તેમના ગુરુજી, પરિવાર, આયુર્વેદના વૈદ્યો, ગુજરાત સરકાર આયુર્વેદની ટીમ અને દર્દી નારાયણના હૃદયથી આશીર્વાદ અને હૃદયની પ્રાર્થના આ સફળતા માટે પ્રેરક માને છે.

મિત્રો.. ઉપર જે વાતો લખી છે, સરવૈયા સાહેબે જે ટીપ્સ આપી છે તેનો અમલ કરવા જેવો છે. આપણે એક વાત ધ્યાનમાં રાખીએ કે અત્યારનો સમયકાળ ખૂબ-ખૂબ-ખૂબ જ જોખમી છે. કોરોના પોઝિટિવથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ઈલાજ કરતાં કરતાં ડોકટરો અને નર્સો અને પેરા-મેડિકલનો સ્ટાફ માંદો પડ્યો છે અને થાકી ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં તો આઠ-નવ લાખ રૂપિયાનો ચાર્જ લે છે. એલોપથીમાં દવા તો પાછી છે જ નહીં. એમાં પ્રયોગો જ થાય છે. જેની રોગપ્રતિકાર શક્તિ વધારે હોય છે તે જ જંગ જીતે છે. માટે કંટાળો આવે, ના ગમે, ના ફાવે તો પણ અહીં લખેલું કરવું જ પડશે. એનું એક જ કારણ છેઃ જીવવાનું છે. જો જાન હશે તો જ્હાન રહેશે. પાણી પહેલાં પાળ બાંધવાની છે. માંદા પડવાનું જ નથી. કોરોના વાયરસને શરીરમાં ઘૂસવા જ દેવાનો નથી. સંકલ્પ કરવાનો છે અને સંયમ કરીને સંકલ્પને પાળવાનો છે.

બળબળતો ઉનાળો છે. આપણા શરીરને આપણે ઠંડા પાણીની, સોફ્ટ પીણાંની, આઈસ્ક્રીમની, બરફગોળાની કુટેવ પાડીને બગાડી દીધું છે એટલે એ ઝટ નહીં માને, પણ એ જ શરીર કોરોનાગ્રસ્ત થશે તો ચીસાચીસ પણ કરશે. માટે સમયસર ચોકક્સ ચેતી જવાનું છે.

આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આયુર્વેદ છે. આજે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ઘડી છે. તેનો ઉપયોગ કરીને
કોરોનાથી બચી જઈએ અને આપણા તન-મનને સ્વસ્થ કરીએ. જરૂર લાગે ત્યાં આપણા નજીકના આયુર્વેદ નિષ્ણાત વૈદ્યરાજોની સલાહ લઈએ.

આ અંગે આપ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ,તળાજા, ભાવનગર નો 9824871648 (સમય સાંજે 8 થી 8:30) પર સંપર્ક કરી શકશો.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, (હરતો-ફરતો) 9824034475, ગાતું ઘર, સી-3, સૂરસાગર ટાવર, કલાસાગર મોલની સામે, સત્તાધાર, સોલા રોડ, અમદાવાદ 380061 ફોન (જમીન સાથે જોડાયેલોઃ 079-27493724)

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

Standard

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.


તેમનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું, ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.


કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે.

ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. . બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું. ભાવવંદન

જીથરી(અમરગઢ) TB હોસ્પિટલ માટે 450 વિઘા જમીન દાન કરી હતી
-મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)

આજે તા:19/05/2૦20 ના રોજ ભાવનગર રાજ્યનાં નેક. નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ની જન્મ જયંતિ નિમિતે અને મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.

1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.

આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.

વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ.
આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.

જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી.

“મરીઝ” – અજાણ્યો મરીઝ

Standard

કહે છે કે મિર્ઝા ગાલિબે આશરે અઢાર હજાર શેર રચ્યા હતા. જે બધા તો વાંચકોના પલ્લે પડે એવા નહોતા.એટલે પોતાના સસરા ઇલાહીબક્ષના આગ્રહને કારણે ગાલિબે ફક્ત હજારથી બારસો શેર સરળ ઉર્દુમાં ફરી લખ્યા એ જ પાછળથી ‘ક્લિક’ થયા. મોટાભાગના જમાઈઓ તેમના સ્વશુરને ગાંઠતા નથી, એમનું કહેવું લગભગ માનતા નથી, એથી અવળું જ કર્યા કરે છે, પણ ગાલિબે માન્યું ને પરિણામે આ જ શેરોએ એમને કીર્તિ અપાવી . આ કીસ્સામાંથી બોધ એટલો તો તારવી શકાય કે સસરાની (એની દીકરીને સુખી કરવા સિવાયની) સલાહ કાયમ ખોટી નથી હોતી.

👉 અને એક દિવસ મરીઝને પૂછ્યા વગર જ તેમના સમકાલીન કવિ સૈફ પાલનપુરીએ તેમને ગુજરાતના ગાલીબ-‘ગાલિબે ગુજરાત’ કહી દીધા. આપણી આ જ ખૂબી છે, સહેજ-સાજ ઉપરછલ્લું મળતાપણું દેખાય કે તરત જ એકને બીજામાં ઢાળી દઈએ છીએ, પહેલા સાથે સરખાવીને બીજાની આગવી ઓળખ ભૂંસી નાખીએ છીએ. આ કારણે બીજો ઢળી જાય છે,વેરાઈ જાય છે. મરીઝસાહેબના કિસ્સામાં પણ બરાબર એવું જ થયું.ગાલીબ બનવાની લાયમાં મરીઝ તન,મન અને ધનથી ખુવાર થઇ ગયા.

મરીઝે માનો કે પીવામાં ગાલીબની બરાબરી કરી હોય તોપણ ફક્ત એટલા જ કારણસર તે મરીઝ મટી ગાલીબ બની જતા નથી.(અને આપણે ય બે-બે ગાલીબોની ક્યાં જરૂર છે?) આમ થવાથી ગાલીબને તો કઈ ફેર ના પડ્યો ,પણ આથી મરીઝને પારાવાર નુકશાન થયું. તે પોતે ગુજરાતના ગાલીબ છે એ વાત જાગતા કે ઊંઘતા ભૂલી શકતા નહિ. એક મુશાયરામાં મરીઝ રાબેતા મુજબ અસલ ‘રંગ’માં હતા.મોઢામાંથી અવાજ પણ માંડ નીકળી શકે એટલા તે અંદરથી ભરેલા હતા. કવિ શેખાદમ આબુવાલાએ મરીઝને સમજાવતા કહ્યું : ‘દોસ્ત, શરાબ કમ કરી નાખ. જોને તારી આંખોની રોશની ય ઓછી થવા માંડી છે.’ પોતાના બચાવમાં મરીઝ લથડતા અવાજે બોલ્યા :’તને ખબર છે ,આદમ? હું ગુજરાતનો ગાલીબ છું.બધા મને ગાલીબ કહે છે, એટલે ગાલીબ જેટલી તો પિઉં કે નહિ?’

આદમે તેમને ગંભીરતાથી જણાવ્યું કે :’બહુ પીધા કરીશ તો આંધળો થઇ જઈશ પછી તને બધા ગુજરાતનો મિલ્ટન કહેશે.’

👉 મરીઝ માટે એક વાર ફંડફાળો કરવામાં આવ્યો હતો. તેમના માટે એકઠો થયેલો ફાળો લઈને એક જણ નાસી ગયો. કોઈએ મરીઝને આ સમાચાર આપ્યા ત્યારે તેમણે આશ્વર્યથી પૂછ્યું હતું: ‘એમ? તો મારું પીવાનું એ ખાઈ ગયો? કોઈ બાત નહિ એને મારા કરતા પૈસાની વધારે જરૂર હશે.’

 • વિનોદ ભટ્ટ લિખિત ‘તમે યાદ આવ્યાં’ માંથી…. 👉 કપરી આર્થિક સ્થિતિથી તંગ થઈને ૧૬ વર્ષની ઉમ્મરથી જ દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં પાંચ-દસ રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ ન કરી શકતા. ધર્મ-નિરપેક્ષ હોવા છતાં, પૈસા માટે મુસ્લીમ ધર્મગુરુઓ માટે ‘ઇન્સાફ’ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા.
  ૧૯૬૫માં એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર ૧૯૬૬માં દર્દ નામે ૧૨૫ પાનાંના પૂસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્યજગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

👉 ગઝલ

ઊર્મિ પૃથક્ પૃથક્ છે, કલા છે જુદી જુદી
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’
તમે પસંદ કરી છે એ સારી રીત નથી

એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે

જરા સંભાળજો કે કોઈ રમતમાં છે ‘મરીઝ’
કે એ બેઠો છે સુરાલયમાં ને ચકચૂર નથી

કે આ મહેફિલ તો બધી એમની સર્જેલી છે
લાગણી દૂર દૂર હડસેલી છે

દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે
દુ:ખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો

મારા અને દુશ્મનમાં ફરક છે એક જ
ટીકાથી એ બેપરવા તારીફથી હું પર

ઈનકાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો
હસ્તાક્ષરો તારા મને સુંદર લાગ્યા

 • મરીઝ

-:જીવનભરના તોફાન ખાળી રહ્યો છું:-

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

 • મરીઝ

-:જીવન બની જશે:-

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

 • મરીઝ

-:મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે:-

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

 • મરીઝ

-:કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં:-

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં

 • મરીઝ

-:રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !:-

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

 • મરીઝ

-:મને એવી રીતે કઝા યાદ આવી:-

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

 • મરીઝ

-:લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો:-

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

 • મરીઝ

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇએ

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,—(2)
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ
પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,—(2)
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો ભેદી રીતે મને માફ ના કરો,—(2)
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.
મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,—(2)
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.
પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,—(2)
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

 • મરીઝ આભાર શબ્દ ખુબ જ નાનો લાગે છે છતા પણ આભાર :- કાનજીભાઇ
 • Vasim Landa

દૂર્દશા.

Standard

.

માર્ચ માસથી શહેરોના હોર્ડિંગ્સ ઉપર
“ખાનગી શાળા”ની જાહેરાતોની વસંત ખીલશે.

”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો
જાહેરખબરો માટે નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેન્સ પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી ‘નાઈસ નાઈસ ઈમેજીસ’ બનાવી છટકાં ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે, સિવાય કે
“ફીની વિગત”.

મગજને લીલુંછમ કરી,
હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ,
બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની
“ઓળખ” ગુમાવી ચૂક્યો છે.
તે સ્ટુડન્ટ નથી રહ્યો,
રનર બની ગયો છે, રનર.
“લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.

15 કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો
બાળકને ઘરથી 20 કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !

[મને મિત્રો પૂછતા કે..
પોતાનો રાચરચિલા વાળો ફ્લેટ છોડી, ચિલોડા ભાડે રહેવા ગયા ?, જવાબ : મારી પૌત્રી અડાલજની સ્કુલમાં ભણે છે, તે માટે.]

ઓલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે
‘આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય !’

વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ ક્યાં લખે છે કે
‘દફતરનું વજન કેટલાં કિલો હશે’ ??

ગુજરાતનો એક સર્વે કહે છે કે,
શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં
પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં ૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં

“નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ”નાં કારણે
વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!

ગુજરાતની કહેવાતી ઈન્ટરનેશનલ શાળામાં
‘રિબોક’ના ‘શૂઝ’ ‘કમ્પલસરી’ છે.
કિંમત માત્ર 3500 રૂ. (આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ ન્યુઝપેપર્સમાં આવે છે !)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું ‘મેન્યુુ’ શાળા નક્કી કરે છે.
અઠવાડિયાના અમુક દિવસ માટે
જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ એડમિશન આપવામાં આવે છે.
(‘ઈન શોર્ટ’ એટલું જ કે “આર્થિક રીતે નબળા” અને
“માનસિક રીતે નબળા” માટે આ શાળાઓ નથી.)

ખાનગી શાળામાં ભણતા બાળકોની માતાશ્રીઓ બાળકને મળતા હોમવર્કના “પ્રમાણમાપને આધારે”

“આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે” એમ જાહેર કરે છે.
લેશન વધારે હોય તો
“એક ડીશ બટાકાપૌંઆ” અને લેશન ઓછું હોય તો
“દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ” મળે છે !!

આખા ઘરના સંચાલનનું કેંદ્રબિંદુ સ્કૂલ બની ગઈ છે.

એ દિવસ પણ દૂર નથી કે
પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે
વાલીઓએ પ્રો.ફંડ ઉપાડવા પડશે.
હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે લોન આપતી બેંકો
પ્રાથમિક શિક્ષણ માટેની ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે
અમારે ફલાણી-ઢીંકણી બેંક સાથે ટાઈ-અપ છે,
લોન પેપર ઉપલબ્ધ છે.
બાળકના દફતર પર લખેલું જોવા મળશે
“ ‘ફલાણી’બેંકના સહયોગથી”..

બીજી એક ખોડ છે, તેઓની શિક્ષણ પધ્ધતિ.
એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય.
જે પાઠમાંથી પરીક્ષામાં વધારે ગુણનું પૂછાવાનું હોય તેના આધારે જે-તે પાઠને મહત્ત્વ આપવામાં આવે છે.
“છત્રપતિ શિવાજી”ના કોઈ ગુણ બાળકમાં ન આવે તો ચાલશે,
વાર્ષિક પરીક્ષામાં ગુણ આવવા જોઈએ. 😩😭

ચાલો,
છેલ્લે છેલ્લે
‘ઈન્ટરનેશનલ લેવલ’એ આપણી શિક્ષણની ગરીબાઈ પણ જોઈ લઈએ.

પાંચ-છ આંકડામાં ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના શિક્ષણની વાતો કરનાર
ભારતની એક પણ સ્કૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ 500માં પણ નથી.

માત્ર 13/14 વર્ષની કાચી ઉંમરે આત્મહત્યા કરતા બાળકો
સમાજને દેખાય છે ?
આ આત્મહત્યા પાછળની તેની વેદના સમજાય છે ?

મારી વાત સાથે કોઈ સંમત થાય કે ન થાય એ અલગ વાત છે પણ હું
“પ્રામાણિક અભણ મજૂર” અને
“અપ્રામાણિક સાક્ષર અધિકારી”
માંથી પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.

જો નજરમાં દમ હશે તો થાંભલા અને પેન્સિલ વચ્ચેનો આ તફાવત સમજાઈ જશે.

આ કોઈ નકારાત્મકતા નથી.

ઘણી સારી શાળાઓ છે જ.

આ તો એવી શાળાઓની વાત હતી જે
સરસ્વતી માતાની છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

[તેના શિક્ષકોની લાયકાત તથા ચૂકવતા પગારની તો હજુ વાત બાકી છે .. પ્રાઈવેટ ટ્યૂશન વિશે પણ વિચાર જો …!!]

લેખક ;- અજ્ઞાત

ઝંડ હનુમાન

Standard

વડોદરાથી લગભગ ૯૦ કિલોમીટરના અંતરે , પાવાગઢથી ૩૨ કિલોમીટર પર અને જાંબુઘોડાથી ૧૧ કિલોમીટરે આદિવાસી વિસ્તારમાં “ઝંડ હનુમાન” બિરાજ્યા છે.
શનિવારે, હનુમાનજીના વારે, અચાનક જ આ ઝંડ હનુમાનના મંદિરે દર્શન કરવાનો મોકો મળી ગયો.

સામાન્યરીતે નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ પગપાળા કે પોતાની સગવડ અને પોતાની શક્તિ પ્રમાણે પાવાગઢ માતાજીના જરૂર જાય.
પણ મારા મિત્ર શ્રી. આશુતોષભાઈ બુચ અને હું હનુમાનજીની નિશ્રામાં પહોંચી ગયા.

પાવાગઢ સુધી ઘણીવખત જવાનો મોકો મળ્યો હતો પણ એનાથી આગળ જવાનો આ પહેલો મોકો હતો

એમ કહેવાય છે કે ઝંડ હનુમાનજીની જગ્યાએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો અને દ્રૌપદી એકવર્ષ સુધી રહયા હતા.

જે તે સમયે તેઓની હાજરીની શાક્ષીના પુરાવાઓ અજેય અહીં મોજુદ છે.

એમ મનાય છે આ જગ્યાએ એ અતિપ્રાચીન શિવમંદિર છે જયાં પાંડવો નિયમિત પૂજા કરતા હતા એ સદીઓ પુરાણુ શિવમંદિર આજેય ખડેર હાલતમાં અહીં મોજુદ છે.

ઝંડ હનુમાનજીની લગભગ ૧૮ ફૂટની એક જ પથ્થરમાંથી કોરેલી મૂર્તિ અહીં બિરાજમાન છે

લોકોક્તિ પ્રમાણે ઝંડ હનુમાનની મૂર્તિ પોતાના નખ વડે ભીમે જાતે કોરી કાઢી હતી.

ઝંડ હનુમાન , નામ બાબત પણ બે અલગ અલગ લોકોક્તિ પ્રચલિત છે

૧. ઝંડ હનુમાનજીની મૂર્તિમાં દર્શાવ્યા પ્રમાણે તેમના ડાબા પગ નીચે એમણે પનોતીને કચડી છે. એટલે પોતાને પનોતીના નડતર સમયે લોકો અહીં આવી અને પનોતીના કષ્ટ નિવારણ માટે બાધા અથવા માનતા રાખે છે.
વળી હજુ થોડા વર્ષો આ મંદિરમાં “ઝંડ” અથવા “ભૂત” નિવારણની વિધિ કરતી હતી જે હવે અંધશ્રદ્ધાના નિવારણરૂપે બંધ કરાઈ છે.
૨. અહીંના સ્થાનિક આદિવાસીઓ હનુમાનજીની લાંબી પૂંછડીને ઝંડ તરીકે ઓળખે છે એટલે આ મંદિરને ઝંડ હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવૅ છે.

જમીન તળથી લગભગ ૫૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થાપિત આ મંદિરથી લગભગ ૧૦૦ ફૂટ દૂર એક મીઠા પાણીનો કૂવો છે. જે આજેય મીઠા પાણીથી હંમેશા ભરેલો રહે છે અને એ ઉભરાતા પાણીનો રેલો આજુબાજુના ગામો માટે મીઠા પાણીનો એકમાત્ર સ્તોત્ર છે.
એમ મનાય છે કે અહીં ગુપ્તવાસમાં રહેવા આવ્યા બાદ દ્રૌપદીની પાણીની તરસ લાગી હતી ત્યારે અર્જુને જે તે જગ્યાએ પોતાનું એક બાણ ચલાવ્યું જેના પ્રતાપે અહીં મીઠા પાણીનો આ કૂવો બન્યો છે.

આસ્થાળુ આજેય ત્યાં પાણી પીને પોતાની તરસ બુઝાવે છે અને પોતાના સ્વજનો માટે એ કુવામાંથી પાણી ભરીને પોતાના ઘેર પણ લેતા જાય છે.
જોકે અમે એ પાણીમાં અસંખ્ય નાનામોટા સાપ તરતા જોયા

અહીં ઝાડના થડની બખોલમાં એક મંદિર છે
જે શિવમંદિર તરીકે પ્રસ્થાપિત થયેલ પણ તેમાં ક્યારેય શિવલિંગનું સ્થાપન થયું નથી.

અહીં લગભગ ૭૦૦ ફૂટ દૂર એ ખુબ જ મોટી પથ્થરની ઘંટી આજેય જોવા મળે છે.
એનું કદ અને વજન એટલુ બધુ હોવાનું મનાય છે કે કદાચ એકસાથે ૪૦ – ૫૦ શક્તિશાળી લોકોએ એના પડને ફેરવવા પ્રયત્ન કરે તો પણ એ હાલી શકે તેમ નથી.

આ બધી લોકોક્તિઓ પાંડવોની જે તે સમયે અહીં હાજરી હોવાની શાક્ષી આપે છે.

જાંબુઘોડાથી આ મંદિર સુધી પહોંચવાના રસ્તે બંને તરફ છવાયેલી વનરાજી પણ તમારૂ ધ્યાન ખેંચે છે.
જાંબુઘોડાના જંગલોમાં અને અભ્યારણ વચ્ચે આવેલ આ મંદિર ખરેખર જોવા લાયક છે

ક્યારેક માર્ગમાં મોટામસ સાપ કે નાગ અને દીપડાઓ જોવા મળી આવે છે.

આપણે ચારધામ , વૈષ્ણોદેવી કે એવા જ ખ્યાતિ પ્રાપ્ત મંદિરોમાં દર્શન કરવા જવા ટેવાયેલા છીએ અને એ મંદિરોએ જવામાં ગૌરવ અનુભવીએ છીએ પણ ક્યારેય આપણી આજુબાજુ કે નજીકમાં આવેલા ઝંડ હનુમાનજીના મંદિરના દર્શને પણ જતા નથી કે એની કથાવાર્તા કે જે તે ધાર્મિકસ્થળના ઐતિહાસિક મહત્વને જાણવાની કોશિશ પણ નથી કરતા.

આ મંદિરે શનિજયંતીના દિવસે, હનુમાનજયંતીના દિવસે, દરેક શનિવારે , દરેક અમાસના દિવસે , દરેક શનિવારી અમાસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે છે.

કહેવાય છે કે અહીંના પૂજારી સાથે અહીં બિરાજેલા હનુમાનદાદા વાર્તાલાપ કરે છે.

ચોમાસામાં આજુબાજુના ડુંગરાઓ પરથી આવતા ઝરણાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

હવે તમે પાવાગઢ જાવ ત્યારે પાવાગઢની ડુંગરમાળામાં ભાગમાં વસેલ ઝંડ હનુમાનજીના દર્શન કરવા જરૂર જજો.

‘જય જય ગરવી ગુજરાત’

Standard

‘જય જય ગરવી ગુજરાતની’ ના શબ્દશિલ્પી રમેશ ગુપ્તા
ઓછું ભણ્યા છતાં સરસ્વતી તેમની કલમ પર બિરાજમાન હતી. જન્મ દિલ્હી પરતું કર્મભૂમિ અમદાવાદ રહી હતી.
પૂ. ગાંધીજીના રંગે રંગાયેલા કવિએ અનેક દેશદાઝના ગીતો લખ્યા. ૪૦ જેટલી હિન્દી ફિલ્મોમાં ગીતો લખ્યા. ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવ્યું.
ક્યારેક એવી પરિસ્થિતી સામે આવીને ઊભી રહે છે કે એ માનવીની ઓળખ કરાવવી તો કઈ રીતે કરાવવી ? હૂઁ પણ એ માનવીની ઓળખ માટે શબ્દો શોધવામાં મૂંઝાઇ ગયો. એમ કહું તો જરાપણ અતિશયોક્તિભર્યું મારા માટે તો નથી જ નથી અને તેમને મે મારી સમજણ મુજબ ‘શબ્દોના શિલ્પી’ એવું નામ આપ્યું.
મૂંઝવણનું કારણ એ જ છે કે તેમની પધ રચનાઓ વાંચતાં આપણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ જઈએ છીએ તો ક્યારેક ‘બીના મધુર મધુર કછુ બોલ’ જેવા સંગીતમય શબ્દોમાં ખોવાઈ જઈએ છીએ. એકતરફ રાષ્ટ્ર ભાવનાના રંગમાં ગીતો લખે છે અને ગાય છે તો બીજી તરફ ‘ભારતકી એક સન્નારીકી હમ કથા સૂનાતે હૈ’ ગીત દ્વારા સ્ત્રીની કરૂણા સશક્ત શબ્દોમાં રજૂ કરે છે. એટલે મે તેને શબ્દોના શિલ્પી કહેવાનું ઉચિત માન્યુ.
આવી ધારદાર કલમના જાદુગર અમદાવાદનાં હતા અને અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. અંહી જ પૂ. ગાંધીજીની દાંડીકૂચ યાત્રામાં સામેલ તાયા હતા એ સાવ સાચી વાત છે. તેમનું નામ તમને કહું, તમે કદાચ ઓળખતા હશો. જો ઉમરવાળા હશો તો તેમને મળ્યા પણ હશો. તે શબ્દકારનું નામ છે રમેશ ગુપ્તા.
એકદમ નિખાલસ વ્યક્તિત્વના તેઓ સ્વામી હતા. શબ્દોનો તેમની પાસે જાણે ઇજારો હતો. જ્યારે ગુજરાત રાજી અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેમનું એક ગીત, ગુજરાતની ધરતી, ગુજરાતનાં સંસ્કાર અને સંસ્કૃતિને લગતું લખ્યું હતું. જે આજે પણ ગુજરાતી ચોથા ધોરણમાં ભણાવાય છે. એ ગીત પર ગુજરાત સરકાર દ્વારા સરસ ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી. જે તે સમયે સિનેમાહોલમાં ફિલ્મના પ્રારંભમાં બતાવાતી હતી. ગીત હતું…..
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણપ્રભાત
જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
રમેશ ગુપ્તા નથી એ કવિઓને ભૂલ્યા, નથી એ ભક્તોને ભૂલ્યા, તેમના આ ગીતમાં ક્રુષ્ણ-સુદામાની મૈત્રીનો ઉલ્લેખ છે. નરસિંહ મહેતા, કવિ નર્મદ, વલ્લભભાઈ પટેલ, કવિ દયાનંદ, પ્રેમાનંદ, દલપત, નાનાલાલ, મેઘાણી, મહી, સાબરમતી, ગોમતી બધાને ગીતમાં ગૂંથી લીધા છે. રમેશ ગુપ્તા ભલે ઓછું ભણેલા હતા પરંતુ તેમને ઇતિહાસ અને ભૂગોળનું જબરૂ જ્ઞાન હતું. સહજાનંદ, જલારામ, દાતાર, બોડાણો ભૂલ્યા નથી. મહાદેવ દેસાઇ, દાદા તૈયબજી, કસ્તુરબા, વિઠ્ઠલભાઈ પટેલ તેમના આ ગીતમાં સામેલ છે. એક એક પંક્તિમાં તેમનો ગુજરાત તરફનો અનન્ય પ્રેમ દેખાઈ આવે છે.
રમેશ ગુપ્તા ગુજરાતનાં હતા ? એવા સવાલના જવાબમાં સામો સવાલ કરી શકાય, શું ક્રુષ્ણ ગુજરાતનાં હતા ? નહીં ને, એ જ રીતે દિલ્હીમાં જન્મેલા રમેશ ગુપ્તા દોઢ – બે વરસના હતા અને તેમના પિતાશ્રી અમદાવાદમા આવીને વસ્યા હતા.
રમેશ ગુપ્તાનો જન્મ ૧૯૧૫ના ૨૬મી ઓકટોબરે દિલ્હીમાં થયો હતો. પિતા નન્નેમલ અને માતાનું નામ નથ્થીબેન હતું. ખંડેવાલ વૈશ્ય હતા. તેમના વડવાઓ છેલ્લા ૨૫૦ વર્ષથી દિલ્હીમાં વસતા હતા. આજે પણ તેમની પેઢી દ્વારા બાંધવામાં આવેલી ‘જરાયલ પ્યાઉ’ દિલ્હી ગેટની બાજુમાં શિવ મંદિર પાસે આવેલી છે. પિતા નન્નેમલના સંઘર્ષભર્યા દિવસો શરૂ થયા અને કંટાળીને તેઓ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં આવીને વસ્યા હતા. સૌ પહેલા ધી કાંટા મોટાભામની પોળમાં રણછોડજીના મંદિરમાં રહેતા હતા. એ વરસ કદાચ ૧૯૧૮ – ૧૯ નું હશે. એ સમયે દેશની આઝાદીની લડતના નગારા વાગવા લાગ્યા હતા. રમેશ ગુપ્તા જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ રાષ્ટ્રભાવનાના રંગે રંગાવા લાગ્યા હતા. તેઓએ મૃદુલાબેન સારાભાઇ, ઇન્દુમતિબેન શેઠ, જીવણલાલ દિવાન, કલલબાઈ કોઠારી, દાદાસાહેબ માવલંકર જેવા નેતાઓના ભાષાનો સાંભળ્યા હતા. તેમનો રાષ્ટ્રધર્મ વધુ ઘેરો બન્યો હતો. ‘સાયમન કમિશન’ અને પૂ. ગાંધીજીના ‘મીઠાના સત્યાગ્રહ’ માં રમેશ ગુપ્તા તેમના મિત્રો સાથે જોડાયા હતા. તે સમયે તેઓ દોશીવાડાની પોળમાં વસવાટ કરતાં હતા. એ સમયે આજે જે ગાંધીબ્રિજ છે તે હતો નહીં. ગાંધી આશ્રમ જવા માટે નદીની રેત ખૂંદવી પડતી હતી. બે વાગે રમેશ ગુપ્તા તેમના મિત્ર સાથે નીકળી પડ્યા હતા ગાંધી આશ્રમ જવા માટે. આવો તેમનો રાષ્ટ્રપ્રેમ હતો એ સમય જ એવો હતો કે રમેશ ગુપ્તાની કલમમાંથી રાષ્ટ્રગીતો જ સર્જાતા હતા. આવા ૨૦૦૦ જેટલા રાષ્ટ્રીય ભાવનાના ગીતો તેમણે લખ્યા છે. તેના થોડાક ગીતો આ રહ્યા.

બાપુને મંત્ર દિયા હૈ હમે, હમ જાનકી બાજી લાગા દેગે, ગાંધીજીકે અનુનાયી હૈ હમ દુનિયાકોં દિખલા દેગે
આઝાદ હુઆ આજકે દિન દેશ હમારા, ઇસ વાસ્તે પન્દ્રહ અગસ્ત હૈ હમે પ્યારા
લાખો સરદારોકા સરદાર ગયા, કિસને યે પૈગામ દિયા, લાકે મઝધારમે માંઝીકો હમસે છીન લિયા

પૂ. બાપુને જ્યારે ગોડસેએ ગોળીથી વિંધ્યા ત્યારપછી રમેશ ગુપ્તાએ ગીત લખ્યું હતું….
દિવ્ય માર્ગ દિખલાકર જગકો, આજ તેજમે તેજ મિલા
બાપુ તુમ્હારે આતમ ભોગસે, ભારતકા યે ભાગ્ય ખિલા
આજ અહિંસાકી દીવારે ડોલ ઉઠી, આજ શાંતિ મરણ રાગમે બોલ ઉઠી
કિન્તુ દેશકા મહાસારથિ આંખ મુંદકર સોયા, અપને હી હાથોસે હમને અપના બાપુ ખોયા

રમેશ ગુપ્તાએ એવા પણ ગેરફિલ્મી ગીતો લખ્યા છે જે આજે પણ ગુજરાતનાં સંગીતપ્રિય માનવીના હૈયામાં હજુ જીવે છે. મુકેશે ગાયેલું ગુજરાતી ગીત…..
ઑ નીલગગનના પંખેરૂ, તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવે

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરીને

તારી ને મારી જોડી, ઇ મારી ને તારી જોડી, ઇ તારી ને મારી જોડી, જામી જાય તો મજા પડે, ધન્ના ધતૂડી પતૂડી

પાર્શ્વગાયક તલત મહેમૂડ પાસે પણ આ ગીત તેમણે ગવરાવ્યું હતું.
શાને ગુમાન કરતો, ફાની છે જિંદગાની

ગઝલ સમ્રાટ જગજીતસિંહ પાસે ‘મેરા જનમ સફલ હો ગયા’ રચના ગવરાવી હતી.

૧૯૭૫માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મેના ગુર્જરી’ ણો ગરબો હતો.
‘સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારા આંગણે પધાર્યા માં અંબાજી
આ ગરબાના કારણે ફિલ્મ રજત જયંતી ઉજવવા માટે કદાચ ભાગ્યશાળી બની હતી.
આ ફિલ્મનુ એક સરસ મજાનું ડ્યુએટ હતું.
અડધી રાતલડીએ મુને રે જગાડી
છંછેડી મનવીણાના તારા… આ તો કોણ રે…
આ ફિલ્મમાં દિગ્દર્શક દિનેશ રાવલ સંગીતકાર અવિનાશ વ્યાસને લેવા માગતા હતા પરંતુ રમેશ ગુપ્તાએ એમ કહીને ફિલ્મ છોડી દીધેલી કે આમાં હું કહું તે સંગીતકાર હશે તો જ હૂઁ આ ફિલમમાં ગીતો લખીશ અને અંતે દિનેશ રાવલે હારીને સંગીતકાર દિલિપ ધોળકિયાને લેવા પડ્યા. જેનું સંગીત ત્યારે ખૂબ લોકપ્રિય થયેલું.

રમેશ ગુપ્તાની બે ફિલ્મો શામાટે પરદો નથી જોઈ શકી ?
ગુજરાતી ફિલ્મ ‘અમે નીલગગનના પંખેરૂ’ બનતી હતી ત્યારે સી.એમ.પટેલ રમેશ ગુપ્તા સાથે કામ કરતાં હતા અને શૂટિંગ તથા ઓફિસની તમામ જવાબદારી તેઓ સંભાળતા હતા. તેઓના કહ્યા મુજબ ફિલ્મ જ્યારે તૈયાર થઈ ગઈ અને મનોરંજન કરમુક્તિ માટે ફાઇલ મૂકવાનો સમય આવ્યો ત્યારે ગુજરાતી ફિલ્મનુ અડધું શૂટિંગ ગુજરાતનાં ફિલ્મ સ્ટુડિયોમાં થવું જ જોઈએ તેવો નિયમ હતો. રમેશ ગુપ્તાની આ આખી ફિલ્મ આઉટડોરમાં બની હતી એટલે તેમને કરમુક્તિ મળી શકે તેમ નહોતી. રમેશ ગુપ્તાને કહેવામાં આવ્યું કે તમે ફિલ્મ સ્ટુડિયોની રજા લઈ આવો તો કરમુક્તિ મળી શકે. પરંતુ સ્વમાની રમેશ ગુપ્તા આ માટે તૈયાર ન થયા અને ફરી એક ફિલ્મ રીલીઝ ન થઈ શકી. આવા સ્વમાની હતા રમેશ ગુપ્તા.

૧૯૭૯માં રમેશ ગુપ્તાએ ‘અમે નીલગગનના પંખેરૂ’ નામે અંતિમ ફિલ્મ બનાવી હતી. જેમાં અદિતિ ઠાકર, સત્યકિરણ, જશવંત ઠાકર, રક્ષા નાયક, ઉમા જોશી, નટુ ઉમતીયા જેવા કલાકારો હતા.
રમેશ ગુપ્તાનું અવસાન ૧૯૯૨ના જાન્યુઆરી મહિનાની ૧૯મી તારીખે હ્રદયરોગના હુમલાના કારણે અમદાવાદમા થયું હતું. ત્યારે તેમની વય ૭૬ વરસની હતી.

— ગજ્જર નીલેશ

ગુજરાતી સારસ્વત પરિચય

Standard

– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

ગુજરાત તને વંદન !