Category Archives: History

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

Standard

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.

સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.

એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.

રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે.

– સૌરાષ્ટ્રની રસઘાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો

સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫

Standard

હનુભા

લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માંહે ચકલુંય માર્ગ કરી શકે તેમ નથી. બાર બાર મહિના થયાં પટેલના ચાર દૂધમલિયા છોકરાએાએ દિવસ અને રાત કોસ હાંકી હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. ચિચોડાની ચીસો ગાઉ ગાઉને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થાતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા, સાધુ કે ફકીરફકીરાં તો કીડિયારાંની જેમ ઊભરાણાં છે.

આજ લાઠીના ધણી લાખાજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું : “પટેલ, જસદણના ધણી શેલા ખાચરની દાઢમાં ધરતીના સવાદ રહી જાય એવી શેરડી ખવરાવજો, હો કે ! ”

પોરસીલો પટેલ ભારા ને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મંડ્યો. દરબાર શેલો ખાચર અને એના ત્રણસો અસવારો ‘હાંઉ બા, હાંઉ ! ! ‘ ઢગ્ય થઉ ગી બા, બસ કરો !’ – એમ બોલતા બોલતા માથાબંધણાંના ઊંડા ઊંડા પોલાણમાંથી ધારદાર સૂડીઓ કાઢીને એ અધમણઅધમણ ભારના સાંઠાને છોલવા મંડ્યા. પાશેર પાશેર ભારનાં માદળિયાંની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા માંડી; અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ, પોતાના મોઢામાં કેમ જાણે ચિચેાડા ફરતા હોય તેમ, ચસક ચસક એ પતીકાંને ભીંસી ભીંસી ચૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ-દાનવોની સભા બેસી ગઈ હોય એવી મેાજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી.

“વાહ લાખાજી ! શેરડી તો ભારે મીઠી !” દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યા.

લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો : “ હા, બા ! મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે. ”

ત્યાં કાઠી-ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો : “બા, આથી તો પછેં ગળપણનો આડો આંક આવી ગયો હો ! અમૃતના રોગા ઘૂંટડા ઊતરે છે.”

“ હા, બા !” ફરી વાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. “તમ જેવા ભાઈઓની દયામાયા, કે લાઠીના લોક બાપડાં મહેનત કરીને ગદર્યે જાય છે.”

પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બૂરી આદત હતી, તેથી હમણાં કંઈક બરછી જેવા બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણોય માર્યો, છતાં રંગે ચઢેલો કાઠી-ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઊઠ્યો : “ ભણેં, બા લાખાજી ! આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો ! આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે?”લાખાજીથી ન રહેવાયું : “ખબર નથી, બા ! તમારા વડવાએાનાં માથાં વાઢી વાઢીને ખાતર ભર્યું છે, એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા ?”

લાખાજીથી એટલું બોલાઈ ગયું, અને એનાં વેણ પડતાં તો “થૂ! થૂ !” કરતા તમામ કાઠીઓ શેરડીનાં માદળિયાં થૂકી નાખીને બેઠા થઈ ગયા. સહુની આંખો રાતીચોળ થઈ ગઈ, રંગમાં ભંગ પડ્યો, અને આંખેા કાઢીને કાઠીઓ ચાલવા મંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું : “એ બા ! લાઠીમાં બરછિયું ઘણીયુંય મળે છે. એકેક બાંધો છો તો હવે બબ્બે બાંધજો ને લાઠીને ઉખેડી નાખજો !’

શેરડીનો રસ ખારો ધૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો.ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીંસ થાતી આવે છે; દખણાદી દશે આંસોદર, લીલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે; ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ-ભીમોરા જેવાં ખાચરોનાં જોરાવર મથકો બરછી તોળીને ઊભાં છે, અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે –

કાઠી બળ થાક્યા કરી, કટકે ત્રાઠી કેક,
(તોય) અણનમ નોઘાટી એક, (તારી) લાઠી લાખણશિયડા !

હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા, ઘણાં લશ્કર તારા ગામના સાથે ત્રાટક્યાં, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે; તેમ તમારી જમીન પણ નથી ઘટી.

મારુ, માટીવટ તણું, બળ દાખછ બળ ફોડ્ય,
કાઠી ચારે કોર, (વચ્ચે) લાઠી લાખણશિયડા !

હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તેં તોડ્યું છે, અને તારું માટીપણું (પુરુષત્વ) પણ તું અન્યને દેખાડી રહ્યો છે. ચારે બાજુ કાઠી છે, અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે.એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જિવાઈમાં લીંબડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઊતર્યા.

એની બરછીની સાધના જબરી હતી. પીઠા ચાંદસૂર નામને ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના એકસો ઘોડેસવારને લઈને ચડતો ને ચોમેર હાક બેાલાવતો. પણ હનુભાઈ કહેતા : “જો મારી સીમમાં પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એનાં ઘોડાં ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં.”

આવાં કડક વેણ તો રણકાર કરતાં પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યાં. મૂછોને ત્રણ વળ દઈને પીઠો લીંબડા લૂંટવા આવ્યો : પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાનાં વેણ તો સ્વપ્નેય સાંભરતાં નહોતાં, એટલે એણે ગફલતમાં પોતાનાં બધાં ઘોડાં બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીંબડે રાખ્યા હતા. આજ લીંબડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા.

લીંબડાથી અઢી ગાઉ ઉપર, લાખાવાડ ગામને સીમાડે, ડુંગરાની સાંકળી નાળ્યમાં, દુશ્મનો સાથે ભેટા થયા, પણ શત્રુ પાસે જાડાં માણસો હતાં. એ ધીંગાણામાં હનુભાઈનાત્રણ આયર કામ આવ્યા, એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી : “બાપુ, હવે ભાગો.”

“ફટ્ય ! હનુભાઈ ભાગે ?”

“હા, હા; જુઓ હમણાં રંગ દેખાડું. તમને નહિ લજાવું ! ફિકર કરો મા. હું વેતમાં છું.”

બેય અસવારે ઊભી નાળ્યે નીચાણમાં ઘોડાં વહેતાં મૂક્યાં. વાંસેવાંસ પીઠાએ પોતાની ઘેાડી છોડી. ઊંટવઢ મારગની અંદર એ ત્રણચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે એકસો ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો બરાબર લગેાલગ પહેાંચ્યો. એક ભાલું ઝીંકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી. પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો : હનુભાઈની પીઠ ઉપર સોનાના કૂબાવાળી ઢાલ ભાળી એણે પછવાડેથી ચીસ પાડી : “એ હનુભા, છોડી નાખ્ય, છોડી નાખ્ય – ઢાલ છોડીને નાખી દે, જો પ્રાણ વહાલા હોય તો !”

પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, “હાં બાપુ, હવે ઝીંકો બરછી.”

હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીંક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળ્યમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી, એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો થયો.

લાઠીની લાઠીધણી, ચોડી છાતીમાંય,
પીઠાને પડમાંય, કાઠી ગળ મીંડું કર્યું.

હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તેં દુશ્મનની છાતીમાં જ ચોડી. અને બાળકો જેમ ગળમીંડાની રમત રમીનેપોતાના સામાવાળાને પોતાના કૂંડાળામાં રોકી રાખે છે, તેમ તેં પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડારૂપી કુંડાળામાં પૂરો કર્યો.

એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો; આવીને બોલ્યો : “બાપુ ! મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું. મારા છોકરાને રાબ પાવા એક ડૂડુંય ન રહ્યું.”

“કોણે ભેળવ્યું, ભાઈ ?” કુંવરે પૂછ્યું. “કુંવર”_એ હનુભાઈનું હુલામણું નામ હતું.

“ભાવનગર મહારાજ વજેશંગજીના કટકે.”

“એ શી રીતે ?”

“મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. મારગકાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડાં ડૂંડાં હીંચકતાં હતાં. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોંક પાડવા ડૂડાં વાઢ્યાં ને બાકી રહ્યું તેની, ઘોડાને જોગાણ દેવા, કોળી કોળી ભરી લીધી. હવે મારાં પારેવડાં શું ખાશે, બાપુ ?” એમ કહીને કણબી રોઈ પડ્યો.

કુંવર હસી પડ્યો, જવાબ દીધો : “પણ એમાં રુએ છે શીદને, ભાઈ? એ તો વજેસંગજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય ! આપણે એમનો ચારગણો બાજરો વસૂલ કરશું, લે બોલ્ય. તારો બાજરો તું કેટલો ટેવતો હતો ?”

“બાપુ, પચીસેક કળશી.”

“બરાબર ! હવે તેમાંથી સાડાબાર કળશી તો અમારા રાજભાગનો જાત ને ?”

“હા, બાપુ !”ત્યારે જા, તારા ભાગનો સાડાબાર કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા, પછી વખત આવ્યે હું અને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું.”

પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડુ કરતાં વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયેા.
ખળાટાણું થયું. લીંબડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરનાં બે ગામ આવેલાં છે. બરાબર ખળાં ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા, અને તજવીજદારને કહ્યું : “અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારાં ગાડાં જોડીને લીંબડે પહાંચતા કરો.”

દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું : “પણ બાપુ, મને કાંઈ–”

“હા, હા, તમને કાંઈ ખબર ન હોય, પણ મને તો ખબર છે ને ! ઝટ બાજરો પહોંચાડો છો કે નહિ ? નહિતર હું મારી મેળે ભરી લઉં ?”

તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવા ત્રણસો કળશી બાજરો લીંબડે પહોંચાડ્યો, અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા.

વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ્ય આવી છે. પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુબાઈ ને એક હોંકારે હાજર થાય તેવી તૈયારી હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા.

મહારાજા વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેઅદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આકડિયાવાળા વીકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા.

કચેરીમાં મહારાજાની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતાં વીકાભાઈને પૂછ્યું : “વીકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપુર-માંડવાનાં ખળાં ભરી ગયા !”

“એ તો હોય, બાપ ! એ પણ આપના જ કુંવર છે ને? એટલાં લાડ ન કરે ?” વીકાભાઈ એ મીઠો જવાબ વળ્યો.

“પણ, વીકાભાઈ ! અવસ્થાના પ્રમાણમાં સહુ લાડ સારાં લાગે ને ! અને હવે કંઈ કુંવર નાના નથી. આજ એ લાડ ન કહેવાય, પણ આળવીતરાઈ કહેવાય.”

મહારાજાનાં વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો :

“પણ, મહારાજ ! કુંવરે તો રાણિયુંને ઘણુંય કહ્યું કે, હાલો, આપણે બધા લાણી કરવા સીમમાં જાયીં, એટલે રોટલા જોગું કમાઈ લેશું, માણું માણું મૂલ મળશે. પણ રાણિયુંએ ગઢમાંથી કહેવરાવ્યું કે, ભૂખ્યાં મરી જાયીં તો ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું એાઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દા’ડી કરવા નહિં જાયીં; ભાવનગરને ભેાંઠામણ આવે એવું કેમ કરાય ?”

“એટલે શું ?”

“બીજું શું ? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો !”

“કાં ?”

“મહારાજનાં ઘોડાંને જોગાણની તાણ પડી. ને મહારાજના સપાઈનાં છોકરાં પેાંક વિના રેતાં’તાં, તે સો વીઘાંના ખેતરનો બાજરો ભેળી દીધો !”

વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઊતરી ગયો પણ મોં મલકાવીને એમણે કહ્યું : “ભલા આદમી ! પચીસ કળશીને સાટે ત્રણસો કળશી બાજરો ભરી જવાય ?”

વીકોભાઈ કહે : “બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે સો સો કળશી ભર્યો છે. ખેડુ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત.”

“સાચું! સાચું ! ખેડુનાં આંસુ તો સાચાં મોતી કહેવાય. રંગ છે તમને, કુંવર !” મહારાજાએ કુંવરની પીઠ થાબડી, રોકીને મહામૂલી પરોણાગત કરી.

બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતાં રમતાં જસુભાની એક પાકી સોગઠી ઢિબાઈ ગઈ. કુંવરે જસુભાની અાંગળી જોરથી દાબી કહ્યું: “યુવરાજ! અત્યારે તો અમારા – લાઠી ભાયાતોના – ગરાસ પૈસા આપી આપીને બાપુ માંડી લ્યે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે તેમ અમે એ બધાં ગામ પાછાં કઢાવશું, હો !”

જસુભાની આંગળી એટલા જોરથી ભીંસાણી કે લોહીનો ટશિયો નીકળ્યો. એને જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર અા છોકરાએાને ગરાસ ખાવા નથી દેવાનો. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા.
એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે; આઘે આઘે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીંબડા દેખાતું હતુંલીંબડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું; બાકી, આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉચ્ચારી :

“જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠુંઠું ઊભું છે તે બહુ નડે છે, હો !”

“ફિકર નહિ, બાપુ! કાઢી નાખશું.” એવો માર્મિક જવાબ ગોવાળિયાઓએ વાળી દીધો. આ જેઠો અને મેરામ બાપ-દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની સાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીએાને ભળાવી દીધું.

મહારાજ ઘેર આવ્યા. ફરી વાર બેાલ્યા : “ગોવાળિયાઓ, મારા વાંસામાં ડાભોળિયું ખૂચે છે, હો !”

તુરત ચાકરો દોડીને પૂછવા મંડ્યા : “ક્યાં છે, બાપુ ? લાવો, કાઢી નાખીએ.”

મહારાજ કહે : “ભા, તમે આઘા રહો. તમારું એ કામ નથી.”

ગોવાળિયા બોલ્યા : “બાપુ, ડાભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રે’વું ક્યાં ?”

“બાપ, હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં.”

ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપાડ્યે કાઠિયાવાડ હલમલી ઊઠશે, અને ક્યાંય જીવવા નહિ આપે. પણ મહારાજે ભાવનગરનું અભયવચન આપ્યું. ઘાટ ઘડાણો.

જેઠા ગોવાળિયાએ કહ્યું : “પણ, મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસૂંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગંદ લીધા છે, અને હવે કેમ કરશું ? મહારાજની પાસેય બેાલે બંધાણા !બાપુ ! એક રસ્તો સૂઝે છે. ખીજડિયાવાળા લાઠીભાયાતોની સાથે હનુભાઈને મોટું મનદુઃખ છે. આપણે લીંબડા ઉપર ન જવાય, પણ ખીજડિયાનો માલ વાળીએ; હનુભાઈ કાંઈ ખીજડિયાવાળા સારુ ચડવાના નથી. એટલે મહારાજને કહેવા થાશે કે, “શું કરીએ, હનુભાઈ બહાર જ ન નીકળ્યો ! આમ પેચ કરીએ તો સહુનાં મોઢાં ઊજળાં રહે એવું છે.”ત્રણ દિવસ થયાં હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. કોઈ પૂછે, તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે; પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. ત્રણ દિવસ પહેલાં પછેગામના કોઈ જોષી આવેલા. એણે ભવિષ્ય ભાખ્યું હતું કે, “ આ ત્રણ દિવસમાં તમારે માથે ઘાત છે માટે બહાર નીકળશો મા !”

હનુભાઈ બોલ્યા : “ભટજી ! હું હનુભાઈ ! મોતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં ? ડાયરામાં બેઠા વિના મારે ગળે કસૂંબો શેં ઊતરે ?”

પણ રાણી કાલાવાલા કરવા લાગ્યાં : “ત્રણ દિવસ દેખી-પેખીને શીદ બહાર જવું ? ધીંગાણાનો ગેાકીરો થાય તે ટાણે હું આડી ન ફરું, મારા લોહીનો ચાંદલો કરીને વળામણાં આપું. હુંય રજપૂતાણી છું. પણ ઠાલા ઠાલા જોષીનાં વેણને શીદ ઠેલવાં? અમારા ચૂડા સામું તો જરા જુઓ !”

કુંવરનું હૈયું પીગળી ગયું. છાનામાના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા.

આજ એ કાળ-દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ ૫ડશે એટલે કુંવરની બેડીઓ તુટશે. કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય. તેમ,કુંવર વાટ જોતા તલપી રહ્યા છે. એના નખમાંય રોગ નથી. દસે દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઊઠીને મેડીને પાછલે ગોખે દાતણ કરે છે, ત્યાં નીચેથી કાળવાણી સંભળાણી :

“બંકો હનુભા કસૂંબાની ચોરીએ બસ આમ બાયડિયુંની સોડ્યમાં પડ્યો રે’ ?” બરછી જેવાં વેણ કુંવરને કાને પડ્યાં.

કુંવર ડોકું કાઢે ત્યાં નીચે ચારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કસૂંબાપાણી બરાબર નહિ મળ્યાં હોય, એટલે આજ અત્યારે હનુભાઈને ભાળી જવાથી એણે દાઝ કાઢી. એ ચારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો.

કુંવરે જવાબ દીધો : “ ગઢવા ! હું લાઠી ગયો હતો. રાતે મોડે આવ્યો. ચાલો, હમણાં ડેલીએ આવું છું.”

પોતે છતા થઈ ગયા ! હવે કાંઈ ભરાઈ રહેવાય છે ?

રાણી કરગર્યા : “અરે, રાજ ! આજુની સાંજ પડવા દ્યો, પછી તમતમારે કસૂંબાની છોળો ઉડાડજો ! બધાનાં મે’ણાં ભાંગજો. પણ બે બદામના કાળમુખા ચારણને બેાલે કાં મારાં વેણને ઠેલો ! આજ મારું જમણું અંગ ફરકે છે.”

પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસૂંબામાં ગરકાવ છે. ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે, ખીજડિયાનો મોલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડિયામાં કોઈનું ગજુ નથી.

“ઠીક થયું !” ડાયરામાં કોઈ બોલ્યું : “આપણા અદાવતિયાને આજ ખબર પડશે.”

“બોલો મા ! એવું બોલો મા ! અદાવતિયા તોય મારા
ભાઈ !” – એમ કહેતાં જ હનુભાઈ ઊભા થઈ ગયા. “અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપિ લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહું ? ઘોડી ! ઘેાડી ! અરે. કોઈ મારી ઘોડીને અહીં લાવો. મારા ભાઈએાને આજ ભીડ પડી છે.”

છોકરો ઘોડી છોડવા ગયેા. રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા. રાણીજીએ કહ્યું : “એક વાર એને આંહીં મોકલો. એક વાર મોઢું જોઈ લેવા દ્યો, પછી ભલે જાય, પણ મળ્યા વિના ઘોડી છોડવા નહિ દઉં.”

પણ હનુભાઈને અને કાળને છેટું પડે છે. એને ફડકો છે કે રજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે ચીસ પાડી : “ ઘોડી ગઈ ઘોળી ! આ વછેરાને પલાણો.”

“બાપુ ! હજી તાજો ચડાઉ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે ?”

“આજ મારું હૈયું મારા કબજામાં નથી. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. મને ઝટ વછેરો આપો !”

વછેરા ઉપર સામાન માંડ્યો. હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા. જાતાં જાતાં લીંબડાના ઝાંપાને હાથ જોડ્યા. વસ્તીને છેલ્લા રામરામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો.

રજપૂતાણીએ ગેાખલામાંથી ડોકું કાઢ્યું. પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહિ.

મારતે ઘોડે કુંવર આકડિયે આવ્યા; આકડિયે વીકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા : “ચોર ગાયુંને કઈ દશ્યે હાંકી ગયા ?”કુંવર, પછી કહું. પ્રથમ છાશું પીવા ઊતરો.”

“ગઢવા, અટાણે – મોતને ટાણે ?”

“પણ તમારે તે માલનું કામ છે કે બસ બાધવાની જ મરજી થઈ છે ?”

“કાં ?”

વીકાભાઈએ વાત કરી : “અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા; કહીને ગયા કે પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો તો આવવા દેજો, પણ કુંવર હોય તો રોકીને કહેવરાવજો એટલે એકેએક કાન ગણીને આપી દેશું. અમે આજ ન કરવાનો કામો કરી બેઠા છીએ; પણ શું કરીએ ? મહારાજ આગળ જીભ કચરી છે. “

“બસ ત્યારે !” કુંવર બેાલ્યા, “મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? બાકી, મારા ભાઈયુંને માથે હાથ પડે એટલે તો મારે મરવું જ જોવે ને, વીકાભાઈ!”

હનુભાઈ છાશું પીવા રોકાયા. જ્યાં કસૂંબો લિયે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વીકાભાઈની સાથે શાંતિથી કસૂંબો ઘેાળે છે ! ફતેસંગ ન રહી શક્યા. એણે ત્રાડ નાખી : “એ કુંવર ! અટાણેય કસૂંબાનો સવાદ રહી ગયો કે? આ ચારણ તને ગોવાળિયા ભેળો નહિ થાવા આપે ! હું જાણું છું.” એમ કહીને એણે તો ઘોડાં વાજોવાજ મારી મૂક્યાં. હનુભાઈએ સાદ કર્યો:

“એ ભાઈ ! ઊભો રહે, જરા સમજી લે ! હું આવું છું.”

પણ ફતેસંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો
હાથમાં અંજલિ ભરી હતી તે ભોંય પર ઢોળીને
હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા. બોલ્યા:

“બસ. વીકાભાઈ ! હવે હું નહિ જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે. હું જાણું છું કે એ આખાબોલો સખણો નાહિ રહે. મારા નસીબમાં આજ કસૂંબો નથી, ભાઈ ! મારો વછેરો લાવો !”

માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછેરાએ બટકું ભરીને એની આંગળીએ લેાહી કાઢ્યું. કહે : “કુંવર ! લોહી – ?”

“બસ વીકાભાઈ ! હું જાણું છું, આજ મારે માથે કાળ ભમે છે. પણ હવે હું છટકીને ક્યાં જાઉ ? હવે તો હરિ કરે તે ખરી !”

ચડીને હનુભાઈ ચાલ્યા, પહોંચ્યા. ઢોર બધાં નેરામાં ઊભાં છે. ગોવાળિયા કસૂંબા ઘૂંટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈને જોતાં જ ગોવાળિયા બોલ્યા : “ ભલે આવ્યા, કુંવર ! કાનેકાન ગણીને લઈ જાઓ. તમારી ઉપર અમારો હાથ ન હોય.”

માલને વાળીને ફતેસંગ પોતાનાં માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસૂંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે. એને માથે માથું ડોલે છે.

જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલિ ભરી છે. હનુભાઈએ પણ પોતાના હાથમાં કસૂંબો લીધો છે. બેય જણ સામસામા “અરે, વધુ પડતું ! મરી જાઉં બા !” – એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું : “ હે ખૂટલ કાઠી !”

“હશે બા ! ગઈ ગુજરી !” જેઠો બેાલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું : “કાઠીનો તે વિશ્વાસ હોય,બા ? કસૂંબો હવે કઈ હોંશે પીવો ? ખૂટલ કાઠી!”

“પત્યુ, ભા ! હવે એ વાત ન સંભારો !”

પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી ‘કાઠી ખૂટલ’ એવો ઉચ્ચાર નીકળ્યો, ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલિ ઉડાડી નાખી અને કહ્યું : “બાપુ, સાંભળતા નથી ? કઈ વારનો જે ‘ખૂટલ ! ખૂટલ !’ કહ્યે જ જાય છે એને વળી કસૂંબા કેવા ? ઊઠો, બાળો એનું મોઢું !”

હનુભાઈ બોલ્યા : “મેરામભાઈ ! તું સાચું કહે છે; મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારેય રમત રમી નાખવી છે. ઊઠ ! ઊઠ ! સાત વાર કહું છું કે, કાઠી ખૂટલ ! હવે ઊઠ છ કે, નહિ !”

બેય જુવાનો ઘોડે ચડ્યા. બેય જણાએ ઘોડાં કૂંડાળે નાખ્યાં : આગળ મેરામ ને વાંસે કુંવર; બીજા બધાય બેઠા બેઠા જુએ છે. કુંવર હમણાં મેરામને ઝપટમાં લેશે કે લીધો, લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલાં ખરા બપોરના સૂરજને સામે જવાબ દઈ રહ્યાં છે. આસપાસની ધારો સામા હોકારા કરી રહી છે. ઘેાડાની કારમી હણહણાટી અને શત્રુએાના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાંના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું છે.

મેરામને માથે ભાલો ઝીંકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બેાલ્યો: “એ કુંવર ! છોકરાની સાથે ? લાજતો નથી ?”

“આ લે ત્યારે ભાયડાની સાથે.” એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાનો પીછો લીધો. આગળ જેઠો, વચમાં કુંવર, પાછળ મેરામ: દુશમનાવટ જાગી ગઈ, મિત્રતા ભુલાઈ ગઈ. બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જડતર કરી દીધું. પણ એક અભિમન્યુને સાત જણાએ ગૂડ્યોતેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતાં મરતાં કુંવરે આંખોની પાંપણોને પલકારે દોસ્તોને છેલ્લા રામરામ કીધા. કાઠીએાએ કુંવરના મોંમાં અંજલિ ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરશિયા જોડાણા :

કાલીરે સર કુંભ કેતા દી ?
ખત્રવટ ન છોડતો ખનુ,
રાજે વરસ, ત્રીસ લગ રાખ્યો,
હોળીરો, નાળેર હનુ.

કાલીઘેલી નારીને માથે પાણીનો ઘડો કેટલા દિવસ સાજો રહે ? એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ કેટલો વખત ટકી શકે ? ત્રીસ વરસ સુધી હનુભાઈને ભગવાને જીવતો રાખ્યો તે તો હોળીનું નાળિયેર બનવાને માટે જ.

અધપતિયાં હૂતો મન આજો,
સૂરા વરસ ના જીવે સાઠ,
લોઢે લીટ મરે લાખાણી,
ગેાયલ તણી પટોળે ગાંઠ.

શૂરવીરો કાંઈ સાઠ સાઠ વરસ સુધી જીવે ? એને તો જુવાનીમાં જ મોત શોભે. લાખાજીનો દીકરો હનુભાઈ તો હમેશાં લોઢામાં લીટી જેવો નિશ્ચય કરીને જ મરે; એ લીટો જેમ ન ભૂસાય, તેમ હનુભાઈની પ્રતિજ્ઞા પણ કદી ન લોપાય, ગોહિલોની પ્રતિજ્ઞા તો પટોળાંની ગાંઠ જેવી, એ કાપડગાંઠ જેમ ન છૂટે તેમ ગોહિલોની પ્રતિજ્ઞા પણ ન તૂટે.

બકે હનુ એમ કર બોલ્યો,
અવળા પગ ભરુ કેમ આજ ?
જનારા પગ લંગાર જડાણા,
(મારે) લાઠી તણા તખતરી લાજ,

તાડૂકીને હનુભાઈ દુશ્મનોની સામે બોલ્યો કે હું પાછો પગ કેવી રીતે માંડી શકું ? હું તો જૂનાગઢ જેવો અટંકી રાજનો ભાણેજથાઉં. મારા પગમાં મોસાળની કીર્તિરૂપ બેડીઓ જડાઈ ગઈ છે. અને બીજી બાજુથી લાઠીના તખ્તની આબરૂ મને રોકે છે. ધીંગાણાથી હું હલીચલી ન શકું.

હનુભાઈના મૃત્યુ વિષેનું આ લોકરચિત કથાગીત (“બેલડ” )
મળી આવ્યું છે; તે રાસડા તરીકે સ્ત્રીઓ ગાય છે:

રંગ્યા તે રંગ્યા રૂપાના બાજોઠ જો ને,
સાવ રે સોનાનાં સોળે સોગઠાં હો રાજ !

હનુ ફતેસંગ માડીજાયા વીરા જો ને,
ભેરુ ભડીને બેઠા રમવા હો રાજ !

રમ્યા તે રમ્યા બાજીયું બે-ચાર જો ને,
રાયકો આવ્યો ખીજડિયા ગામનો હો રાજ!

વાળ્યું તે વાળ્યું ખીજડિયાનું ધણ જો ને,
જેઠે ગોવાળિયે ધણ વાળિયાં હો રાજ !

કુંવરને કાંઈ ચટકે ચડી રીસ જો ને,
પાસા પછાડી કુંવર ઊઠિયા હો રાજ !

ઘોડારમાંથી રોઝી ઘોડી છોડી જો ને,
ખીંતીએથી લીધાં મશરૂ મોળિયાં રે હો રાજ !

રાણીજીને મેડીએ થિયાં જાણ જો ને,
ફાળું પડી છે રાણીજીના પેટમાં હો રાજ !

ધ્રોડ થેાભી ઘોડીલાની વાગ જો ને,
આજે ઘાત્યું છે રાજને માથડે હો રાજ !

ઘેલા તે રાણી, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

મેડી ઊતરતાં લપટાયો ડાબે પગ જો ને,
માઠે શુકને તે રાજા નો ચડો હો રાજ !
ઓશરિયું માં આડી ઊતરી મંજાર જો ને,
ઘોડીએ ચડતાં પડિયાં મશરૂ મોળિયાં હો રાજ !

વારેતે વારે હનુભાનાં માત જો ને,
અવળે અપશુકને કુંવર નો ચડો હો રાજ !

માતા મારાં, કાંઈ ન કરીએ સોસજો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

ડેલી જાતાં મળી કાનુડી કુંભારણ જો ને,
હાથમાં ત્રાંબડી[૩] એને છાશની હો રાજ !

વારે તે વારે લીંબડા ગામનાં લોક જો ને,
માઠે શુકને રે રાજા મા ચડો હો રાજ !

ઘેલાં તે લોકો, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

સીમાડે જાતાં ઊતર્યા આડા સાપ જો ને,
ફોજું માં આયરડા એમ બોલિયા હો રાજ !

અપશુકનનો ન મળે રાજા પાર જો ને,
વાર્યા કરો તો વળો પાછલા હો રાજ !

હું હનુ ભૈ રણજાયો રજપૂત જો ને,
હનુ ચડ્યો તે પાછો ઓ ફરે હો રાજ !

વારનાં ઘેડાં મારગે ચાલ્યાં જાય જો ને,
આડબીડ હાલે હનુભાની રોઝડી હો રાજ !

આકડિયામાં ચારણને થાય જાણ જો ને,
વીકોભૈ ચારણ આડા આવિયા હો રાજ !

કુંવર તમે ચારણનો કરજો તોલ જો ને,
કસૂંબા પીને તે રાજા સંચરો હો રાજ !
નથી ગઢવા કસૂંબાનાં ટાણાં જો ને,
જાવા દિયે વીકાભૈ તમે આ સમે હો રાજ !

પરાણે કાંઈ ઊતર્યા પલાણ જો ને,
રેડિયા કસુંબા તેણે કાઢિયા હો રાજ !

આવ્યાં આવ્યાં વીકાભૈની માડી જો ને,
આવી પૂછે છે એક વાતડી હો રાજ !

મારાં વાર્યા કરે તમે રોજ જો ને,
મારે વીકાભૈ ધણ લૈ આવશે હો રાજ !

તમે કુંવર ઘડીક ધીરા થાવ જો ને,
ધણ રે વાળી વાકોભૈ આવશે હે રાજ !

આઈ મા તમને લળી લાગું પાય જો ને,
ઘડીયે ખેાટી કરો મા આ સમે હો રાજ !

લાજે મારાં સિંહણ કેરાં દૂધ જો ને,
લાજે ગોહેલ ગંગાજળ ઊજળો હો રાજ !

હું હનુભૈ રણુજાયો રજપૂત જો ને,
જુદ્ધે ચડ્યો તે પાછો નો ફરે હો રાજ !

ત્યાંથી હનુભાઈએ રોઝી ઘોડી છોડી જો ને,
જેઠે ગોવાળિયો પડકારિયો હો રાજ !

જેઠિયો કાંઈ લળીને લાગે પાય જો ને,
માફ કરો હનુભૈ આ સમે હો રાજ !

ત્રણ ગાઉને તરભેટે ધણ લાવ્યો જો ને,
હવે વાતુંએ નહિ ઊગરો હો રાજ !

તરવાર્યું નાં બંધાણાં તોરણ જો ને,
ભાલાં ભળકે હનુભાના હાથમાં હે રાજ !

લડે લડે કાઠીડો રજપૂત જો ને,
લડે હનુભા કુંવર વાંકડા હો રાજ !
પાછળ આવી કરેલો પડકારો જો ને,
ફતેશંગે આવા જુદ્ધ જમાવિયાં હો રાજ !
મરાણા કાંઈ હનુ ફતેશંગ વીર જો ને,
રણમાં પડ્યા ફતેશંગ વાંકડા હો રાજ !
મરાણા કાંઈ આયરડા દશબાર જો ને,
લીંબડાધણી ૫ડ્યા રણચોકમાં હો રાજ !
રુએ રુએ લીંબડા ગામનાં લોક જો ને, –
હાટે રુએ રે હાટ વાણિયા હો રાજ !
દાસિયું કાંઈ રુએ છે દરબાર જો ને,
રાણિયું રુએ રે રંગમેાલમાં હો રાજ !
આથમિયે કાંઈ લીંબડા ગામને ભાણ જો ને,
મીંઢોળ સોતા ફતેશંગ મારિયા હો રાજ !

ગરુડ પૂરાણ

Standard

ગરુડ પૂરાણ : મૃત્યુ બાદ શું થાય?

મૃત્યુ બાદ જીવન છે?

શું મૃત્યુ પીડા દાયક છે?

પૂન:જન્મ કેવી રીતે થાય?

મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે?

આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે, જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય. આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો? શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?

આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ – પૂરાણ માંથી મળશે. ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ… મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે.

પ્રુથ્વી-ચક્રનું જોડાણ છુટવુ: અંદાજે મ્રુત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. આ લક્ષણો એમ સૂચવે છે કે પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે. મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે. જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

જીવાદોરી ( Astral Cord ): જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ. મ્રુત્યુ નો સમય થતાં, યમદૂતના માર્ગદર્શન થી જીવાદોરી કપાય છે અને આત્મા નું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે. આ પ્રક્રિયા ને જ મ્રુત્યુ કહેવાય છે. એક વાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે. મ્રુતદેહ ની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે મ્રુત્યુ થયા પછી પણ મ્રૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે. તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મ્રુત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે. પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે. આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે. તે મ્રુતશરીરની આસપાસ , જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્મા ને સંભળાય છે. એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે, પરંતુ કોઈને સંભળાતુ નથી. ધીરે ધીરે આત્મા ને સમજાય છે કે તેનું મ્રુત્યુ થયું છે. તે આત્મા શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે. સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે. હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રા માં સામેલ થયા હો, તે મ્રુતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે. જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીર ને પંચમહાભૂત માં વિલીન થતાં જોય છે, ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે.

આ ઉપરાંત તે ને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જ્ઈ શકે છે. પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તે ની મનગમતી જગ્યાએ ફરે છે. જો, એ આત્મા ને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાન ના રૂમમાં રહેશે… જો, એમનો જીવ રુપિયા માં હશે તો તેના કબાટ નજીક રહેશે… સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબ ને વિદાય લઈ , પ્રૃથ્વી ની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે. આ મ્રુત્યુલોક માં થી પરલોકમાં જવા માટે એક ટનલ માં થી પસાર થવું પડે છે. આજ કારણસર કહેવાય છે કે મ્રુત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે. મ્રુતકના સગાં સંબંધીઓ એ તે ની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માં ની શાસ્ત્રોક્ત વિધિ , પીઙદાન તથા ક્ષમા-પ્રાથૅના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા , કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા ,રાગ, દ્વેષ, વગેરે પોતાની સાથે ન લઈ જાય. તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જા થી થઈ હશે તો તેમની ઉધ્વૅગતિ માં મદદરૂપ થશે. મ્રુત્યુલોક થી શરૂ થતી ટનલ ના અંતે દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.

પૂર્વજો સાથે મિલન: જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિત્રુઓને , સ્વગૅવાસિ મીત્રોને તથા સ્વગૅસ્થ સગાઓ ને મળે છે. આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવીરીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે. ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે. તેને ચિત્ર ગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

મ્રુત્યુલોક ના જીવન ની સમીક્ષા: અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી. જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પ્રૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે. ગત્- જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે. પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછી ના જન્મ માં શિક્ષા ભોગવાનુ માગી શકે છે. અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે. આજ કારણસર દેવલોકમાં સ્વિકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે. ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો -કરાર ( બ્લુ-પ્રીન્ટ) બનાવે છે. આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે. હકીકતમાં જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા – નરસા અનુભવો, વગેરે … આ જીવાત્મા પહેલાં થી જ નક્કી કરે છે.

દાખલા તરીકે: કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારી ને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવા નું નક્કી કરે છે. તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ): દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે , તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવ ને આધારીત જ હોયછે. જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેના માં બદલાની ભાવના પ્રબળ હશે. જેટલી તીવ્રતા ની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે. આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે, નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે. એકવાર જીવ પોતાના આગામી જન્મના કરાર ની બ્લુ-પ્રીન્નટ નક્કી કરે છે , ત્યારબાદ વિશ્રાતિનો સમય હોય છે. દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

પૂનઃજન્મ : દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે, પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે. દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે. જીવ અંડકોષ ના મિલન દરમ્યાન, ૪થા- ૫માં મહીને અથવા પ્રસૂતિ ના અંતિમ સમયે પણ ગર્ભ માં પ્રવેશ કરી શકે છે. આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેનીજ બ્લુ-પ્રીન્ટ નીકળશે. દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો. દરેક જીવ, દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મ્રુત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાન ને દેય છે.

આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ), તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ , માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરે ની પસંદગી પણ આપણે જ કરેલ છે. આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.

એક વાત ધ્યાનમાં રાખો, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે, તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ?

શું મ્રુત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? : મ્રુત્યુ બાદ આપણાં સ્વજનો ને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે. ગતિ એટલે આત્મા એ મ્રુત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું. જો ગતિ ન થાય તો જીવ પ્રુથ્વીલોકમાં જ અટકી જાય છે. ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય અથવા જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ,અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પ્રૃથ્વીલોકમાં રહેવું છે… આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે. પરંતુ મ્રુત્યુ બાદ દરેક જીવાત્મા એ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે, ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પ્રૃથ્વી ઉપર પ્રેતયોની માં અધવચ્ચે રહી જાય છે. આમ તે આત્મા ને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું. આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદ્ ગત્ આત્માની ગતિ થાય. અત્યાર ના સમયમાં નવી પેઢી ને આ બધા રીતીરિવાજો , માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી. આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પ્રૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી. દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ ગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિ ની ઉપેક્ષા કદી કરવી નહીં. જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં, આત્માનુ કદી મ્રુત્યુ નથી થતું. સમય આવતાં આપણે સ્વજનો ને મળવાનાં જ છીએ.

લેખ: ગરુડ પૂરાણ પર આધારિત

સૌજન્ય : અજ્ઞાત

Standard

શનિ ભગવાનનું જન્મ સ્થળ ભાણવડ નું હાથલા ગામ. જયાં મુખ્ય મંત્રી – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દર્શને ગયા છે. આ હાથલા ગામમાં ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે.

ઈ.સ.ની 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ પુરાતત્વ દ્વારા રક્ષિત છે. હાલ આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. શનિકુંડથી ઓળખાતી વાવ ઊંડી છે. આ કુંડમાં કોસ અને રેંટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધવામાં આવ્યો છે. સાંકળી જગ્યામાં પગથીયાં, રેંટ, કોસનો સમાવેશ થતો હોય તેવી વાવ મેં કયાંય જોઈ નથી.

હાલના આ શનિદેવ અને શનિકુંડ જેઠવાઓના ઘુમલી રાજથી કેટલાય સમય પહેલાના મૈત્રકકાલીન સમયનો હોય શકે.

જેઠવાઓના સમયમાં જેઠવાઓ અને જાડેજાઓની લડાઇઓ આ વિસ્તારમાં બહુ થઈ છે તેના કારણે આ વિસ્તાર ઉજજડ થઈ જતાં 200-250 વર્ષ સુધી

અહીં લોકો દર્શને આવેલ નથી. હાલના બરડા ડુંગરનું ઋષિકાલિન જુનું નામ બટુકાચળ અને તેમના જંગલનું નામ પીપ્પલાવન હતું. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હસ્થથલ, અને અત્યારનું આપણું હાથલા નામ છે. અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી ઉપર બિરાજે છે એવો થાય છે.

હાથલાના અવશેષો 1500 વર્ષથી જુના છે. શાસ્ત્રોક્ત રીતે શનિદેવનાં દશ નામો, દશ વાહનો અને દશ પત્નીઓ છે. તેમાંથી એક નામ આ સ્થળના વનના નામ ઉપરથી પિપ્પલાશ્રય અને વાહન હાથીની સવારી તે અહીની જ છે.

હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી ઉપર નથી. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે.

શનિદેવ ન્યાય કરવામાં કોઈની પણ લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઈ થાય છે. આ કારણ યમુના સ્નાનથી યમની, અને તાપી સ્નાનથી શનિદેવની નડતર દુર થાય છે.

મુગદ્દલ ઋષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કરેલ હતા. આ ઋષિએ આ સ્થળે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા સ્તોત્રની રચના કરી છે. તેમાંથી શનિમાનસ પૂજા સ્તોત્ર થોડા ફેરફાર સાથે આજે પણ પ્રપ્રખ્યાત છે.

આ શનિદેવના દર્શને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અવાર નવાર આવતા.

પોરબંદરનાં રાજમાતા શ્રી રુપાળીબા તથા જામનગરના રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આવેલાં છે.

આ સ્થળે બ્રાહ્મણો દ્વારા શનિ મૃત્યુ જય યજ્ઞ અને ચારણો દ્વારા શનિ માનસ ગાન થયેલ છે.

હાલમાં ગુજરાત સરકારે શનિદેવ સ્થાનના વિકાસ માટે 2-3 કરોડ ગ્રાંટની જોગવાઈ કરી છે.

મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના ના ઈતિહાસના વર્ણનમાં તેમનું જન્મ સ્થળ સૌરાષ્ટ્ર પ્રાંતમાં છે તેવું લખવામાં આવે છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જરુરી છે.

હાથલા જામનગરથી ભાણવડ થી 20 કી.મી. હાથલા.

માહિતી – અજ્ઞાત.

બનાસ નદી નો ઈતિહાસ

Standard

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી…


રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. આ ડેમ દ્વારા ડીસા અને પાટણવિસ્તારના લગભગ ૧ લાખ કિ.મી. વિસ્તારમાં પિયત થાય છે..

પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી, જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે. પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.

બનાસ નદી બે છે તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે. જે પૂર્વાગામીની છે. જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે જે પશ્ચિમગામિની છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે. આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તે કોઈ સાગર કે મહાસાગર ને મળતી નથી, પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.

બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે. અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધસંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે. આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઇને વહે છે. કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.

તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે. બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે. અહીં રહી, લેફ. એડવિનને બાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું તે સમયે બનાસ નદી બારે માસ વહેતી હતી. આદિકાળથી અવિરત વહેતી આ નદી ૧૮૮૫ની આજુબાજુ હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ, ચારે બાજુ પાર વગરના વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતા. બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે. ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા. ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી….

અરે ઓહ બનાસી જ્યા હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય ,પણ તોય બાજરી લીલી છમ લહેરાય છે. એવો મારો બનાસ કાઠો છે.

વૈષાખની ગરમી મા લગનો ની સીજન ચાલતી હોય,પણ તોય લગ્નગીતો મીઠા ગવાય છે એવો મારો બનાસ કાઠો છે.

જ્યારે હાડ થીજાય એવી ઠંડી પડતી હોય,સવારના પરોઢીયે ઉઠીને ભેશો દોહવા જાય છે . એવો મારો બનાસ કાઠો છે.

ચોમાસા ના ઘોઘમાર વરસાદમા નદીનુ પુર આવ્યુ હોય,પોતાનો જીવને જોખમ મા નાખીને ગાયો ભેશો ને બચાવા જાય છે એવો મારો બનાસ કાઠો છે.

મર્યાદા નો ઘુઘટો કાઢીને જ્યારે દીકરી સાસરે જાય છે ,ત્યારે પીયરની લાજ રાખવા ઝેરના ઘૂટડા પણ પી જાય છે. એવો મારો બનાસ કાઠો છે.

ખમ્મા મારા વીરા એમ બહેન ભાઈને કહે છે, ત્યારે ભાઈના આખમા આશુડા પડી જાય છે. એવો મારો બનાસ કાઠો છે.

ગામ મા એક ઘરે પ્રસંગ હોય ને આખુ ગામ દોડીને જાય છેત્યારે વેરી પણ ભેળા બેસીને જ્યા અમલ કશુબા પીવાય છે . એવો મારો બનાસ કાઠો છે.

જ્યા રેતાળ રણ જેવો પ્રદેશ છે તોય માનવી દીલના નમણા છે આવે કોઈ કોઈ મહેમાન તો બધા ઘરથી ચા લઈઆવે છે એવો મારો બનાસ કાઠો છે.

બનાસની ભોમ મા ઘરે ઘરે રેગડી ડાકલા વાગે છે ત્યારે મા જગદંબા પણ ગબ્બર છોડી ને દરશન આપવા આવે છે. એવો મારો બનાસ કાઠોછે.

ધોળુ ધોતીયૂ ને ધોળી પાઘડી જ્યા પેરાય છે જ્યા બટાકા નગરી તરીકે મારુ ડીસા ઓળખાય છે.. એવો મારો બનાસ કાઠો છે.

બે સાડી જોડીને કાળી,ગુલાબી,લાલ,વાદળી, કોર વાળો સાડલો જ્યા પહેરાય છે એ પહેરવેષને જોઈને આખો અંજાઈ જાય છે.

એવો મારો બનાસ કાઠો છે.

એવો મારો બનાસ કાઠો છે.

બનાસ મારી જૂગ જૂની ને, જૂગ જૂનો તારો ઈતીહાસ આ ભવમા બનાસ વાસી બ્નયો આવતા ભવમાય હે બનાસ, હૂ હોઇશ તારો મહેમાન.

(ગોવિંદ ગઢવી)

​૨૬/૧૧ના આતંકવાદી હુમલા સમયે એક હોટલના સ્ટાફની ખુમારીની ગાથા 

Standard

આવી અપેક્ષા તમે કોઈપણ ફરી કોઈપણ પેઢીતારણીયા પાસે ના રાખી શકો !
.

.

એક ફાઈવ સ્ટાર હોટેલના બેન્કવેટ હૉલમાં પાર્ટી ચાલી રહી છે. એક મલ્ટિનેશનલ કંપનીના જૂના સીઈઓનો વિદાય સમારંભ અને તેમના સ્થાન પર નવા આવી રહેલા સીઈઓને આવકારવા માટે આ પાર્ટીનું આયોજન થયું છે. જાતભાતની વાનગીઓથી બુફે ટેબલ ભરચક છે. જાતભાતની મોંઘીદાટ શરાબની બોટલો ખુલ્લી છે. પાર્ટીનો માહોલ જામ્યો છે. એ હોટેલમાં બેન્કવેટ હોલની જવાબદારી સંભાળતી મેનેજર આવે છે અને પાર્ટી માણી રહેલા મહેમાનોને શક્ય એટલી સ્વસ્થતાથી કહે છે કે હોટેલમાં કંઈક પ્રૉબ્લેમ છે. મને બરાબર ખબર નથી કે શું થયું છે, પણ પરિસ્થિતિ જોખમી લાગી રહી છે. અમે બેન્કવેટ હૉલના દરવાજા બંધ કરી રહ્યા છીએ અને તમે બધા મહેરબાની કરી જમીન પર સૂઈ જાઓ. તે છોકરી આ મહેમાનોને સૂચના આપે છે કે આ હૉલમાં જેટલાં દંપતીઓ છે તેઓ અલગ થઈ જાઓ અને જુદા જુદા ખૂણામાં ચાલ્યાં જાઓ.

.

હા, અમે વાત કરી રહ્યા છીએ ૨૬ નવેમ્બર ૨૦૦૮માં મુંબઈની તાજમહાલ હોટેલ પર થયેલા આતંકવાદી હુમલાની. અહીં વાત આતંકવાદની નથી કરવી, પણ આ હોટેલના સ્ટાફની કરવી છે. એ દિવસે આ હોટેલના સ્ટાફે જે ફરજપરસ્તી દર્શાવી હતી એ અમેરિકાની વિશ્ર્વવિખ્યાત બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહી છે. આ આખી ઘટનાને કેસ સ્ટડી તરીકે લઈ તેને સમજવાની કોશિશ થઈ રહી છે કે આ હોટેલમાં એ વખતે ફરજ બજાવી રહેલા સ્ટાફમાં એવું તે શું છે કે આવા સંકટના સમયે પોતાના પરિવારનો અરે, ખુદ પોતાના જાનનો વિચાર કર્યા વિના તેઓ પોતાની ફરજને વળગી રહ્યા?

.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભારતીય મૂળના પ્રોફેસર રોહિત દેશપાંડેએ તેમના વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે તાજમહાલ હોટેલ પર આતંકવાદી હુમલો થયો ત્યારે હોટેલમાં જનરલ મૅનેજરથી માંડીને વેઈટર અને ટેલિફોન ઑપરેટરો સુધીનો ૬૦૦ જણનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. તમને શું લાગે છે કે આ ૬૦૦ જણના સ્ટાફમાંની દરેક વ્યક્તિ હોટેલના પ્રવેશદ્વાર સિવાયના બહાર નીકળવાના તમામ રસ્તાઓથી વાકેફ હતી તો એમાંના કેટલા જણા આતંકવાદીઓ ત્રાટક્યા છે એની જાણ થતાં હોટેલ છોડીને ભાગી ગયા હશે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે વધુમાં વધુ ૧૦૦-૧૫૦ જણા સિવાયના બાકી બધા રફુચક્કર થઈ ગયા હશે. તેમના પ્રોફેસરે કહ્યું કે રોંગ આન્સર. તમારા બધાનો જવાબ ખોટો છે, કારણ કે એ દિવસે તાજમહાલ હોટેલના ૬૦૦ જણના સ્ટાફમાંથી એકપણ સ્ટાફ મેમ્બર ભાગી ગયો નહોતો કે ન તો ભાગી જવાની કોશિશ કરી હતી.

.

જે બેન્કવેટ મેનેજરની વાતથી આ લેખની શરૂઆત કરી હતી તે બેન્કવેટ મેનેજર મલ્લિકા જગડને મોબાઈલ ફોન પર તેના સહકર્મચારીએ કહ્યું કે હોટેલમાં કંઈક ભયાનક બની રહ્યું છે. શું થયું છે એની ખબર નથી. આ સંજોગોમાં તેલ લેવા ગઈ યુનીલિવર કંપનીની પાર્ટી અને ખાડામાં જાય તેમના મહેમાનો, કહીને મલ્લિકા હોટેલના પાછલા દરવાજેથી ભાગી ગઈ હોત તો માનસશાસ્ત્રના અત્યાર સુધીનાં સંશોધનો અને તારણો પ્રમાણે એ અજુગતું નહોતું. કોઈ પણ ભયજનક સ્થિતિમાં માણસ આ જ માર્ગ અખત્યાર કરે એ સ્વાભાવિક ગણાય, પણ જે કંપનીની પાર્ટી ચાલી રહી હતી એ યુનીલિવરની વાઈસ પ્રેસિડન્ટ લીના નાયરે એ વાતની શાખ પૂરી છે કે મલ્લિકા અને બેન્કવેટ હૉલમાં સેવા આપી રહેલા તમામ સ્ટાફ મેમ્બર્સ એક ઘડી માટે પણ અમને મૂકીને ગયા નહોતાં. લીના નાયરે કહ્યું છે કે બીજા દિવસે અમે બધા અગ્નિશામક દળના જવાનોની મદદથી બહાર નીકળ્યાં એ ઘડી સુધી એ સૌ અમારી સાથે જ હતા એટલું જ નહીં, પણ એ સંકટની સ્થિતિમાં મલ્લિકા અને અન્ય સભ્યોએ જે સ્વસ્થતા જાળવી રાખી અને અમને બધાને જે હિંમત બંધાવી હતી એને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. આવી મુશ્કેલીભરી સ્થિતિમાં ૨૪ વર્ષની હા, માત્ર ૨૪ વર્ષની છોકરીએ આવીને એ હૉલમાં હાજર ગેસ્ટને સૂચન કર્યંુ કે તમે જમીન પર ચત્તાપાટ સૂઈ જાઓ એટલું જ નહીં, પણ દંપતીઓ જુદાજુદા ખૂણામાં સૂઈ જાઓ. આવું કહેવા માટેનું કારણ ભલે તેણે શબ્દોમાં ન આપ્યું પણ તેનો કહેવાનો મતલબ સમજાય એવો હતો કે જો હુમલો થાય જ તો પતિ-પત્ની જુદા-જુદા ખૂણામાં હોય તો બંનેમાંથી કમસે કમ એકના બચવાની તો સંભાવના રહે અને તો ઘરે તેમનાં બાળકો સાવ અનાથ ન થઈ જાય!

.

આખી રાત આવી રીતે વીતી અને સવારે જ્યારે બહારની આગના ધુમાડાથી બેન્કવેટ હૉલ ભરાઈ ગયો ત્યારે બહાર નીકળવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બહાર બારીમાંથી સીડી લગાડીને અગ્નિશામક દળના જવાનો અમને ઉતારવા માટે હાથ કરી રહ્યા હતા. પાર્ટીમાં હાજર સો જેટલા મહેમાનોમાંના બધ્ધેબધ્ધા ઊતરી ગયા બાદ જ સ્ટાફના સભ્યો ઊતરીને બહાર આવ્યા હતા.

.

મલ્લિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તને ડર નહોતો લાગ્યો? ત્યારે ૨૪ વર્ષની આ યુવતીએ કહ્યું હતું કે હા, ડર તો લાગ્યો હતો, પણ એ વખતે મારા માટે એનાથી પણ મહત્ત્વની વાત હતી અને એ હતી મારી ફરજ. આઈ વોઝ ડુઇંગ માય જૉબ. એ રાત્રે હોટેલમાં આશરે સાડાનવ વાગ્યે આતંકવાદીઓની બંદૂકોમાંથી ગોળી છૂટી ત્યારથી લઈને બીજા દિવસે સવારે ૪ વાગ્યા સુધી ટેલિફોન ઑપરેટરો સતત હોટેલની દરેક રૂમમાં ફોન કરીને લોકોને જણાવી રહી હતી કે મહેરબાની કરી તમારા રૂમનો દરવાજો લૉક કરી દો. કી-હૉલમાંથી કાર્ડ કાઢી લો જેથી રૂમમાં ઈલેક્ટ્રિસિટી બંધ થઈ જાય અને આગ લાગવાની સંભાવના ઓછી થાય અને તેમણે હોટેલમાં રહેતા ગેસ્ટને સૂચનાઓ આપી કે ધીમેકથી બહાર નીકળી કૉરીડોરની લાઈટ પણ બંધ કરી દો જેનું બટન તમારી રૂમની બહાર જ છે જેથી અંધારામાં આતંકવાદીઓ માટે કંઈ પણ કરવું મુશ્કેલ બને. આખી રાત તેમણે ગેસ્ટ સાથે વાતચીત ચાલુ રાખી. આ બધી જ ટેલિફોન ઑપરેટરોએ ધાર્યંુ હોત તો પાછલા રસ્તે ભાગી જઈને ઘરે જઈને પતિના પડખામાં ભરાઈને ગોદડું ઓઢીને સૂઈ જઈ શકી હોત અથવા ટેલિવિઝન પર અન્ય દર્શકોની જેમ આખી ઘટના જોતી રહી હોત. પણ ના, તેમાંની કોઈ પણ ટેલિફોન ઑપરેટર પોતાની ખુરસી છોડીને ગઈ નહોતી. ઊલટું તે ઑપરેટરોએ જનરલ મેનેજરથી માંડીને બધા સ્ટાફ અને ગેસ્ટ વચ્ચે સંદેશવ્યવહાર ચાલુ રાખવામાં અતિશય મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

.

એ તો બધાને હવે ખબર છે કે એ દિવસે હોટેલની રેસ્ટોરાંમાં જમી રહેલા તમામ મહેમાનો સલામતીપૂર્વક બહાર નીકળી શકે એ માટે બધા શૅફ (રસોઈયા) અને અન્ય સ્ટાફના સભ્યોએ માનવસાંકળ બનાવી રેસ્ટોરાંમાં ફસાયેલા લોકોને ફાયર એક્ઝિટ તરફ દોરી ગયા હતા પણ આ વાતનો અંદાજ એક આતંકવાદીને આવી જતા તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં પાંચેક જેટલા શૅફના જીવ ગયા હતા.

.

હોટેલના જનરલ મેનેજર કરમબીન સિંહ કાંગા સતત આ સંક્ટના સમયે કાર્યરત રહ્યા અને સ્ટાફ સાથે સંપર્કમાં રહીને કામગીરી નિભાવતા રહ્યા. તેઓ કહે છે કે મારા પિતા આર્મીમાં હતા અને જ્યારે હું જનરલ મેનેજરના પદ પર પહોંચ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે હવે તું આ જહાજનો કેપ્ટન છે. મુશ્કેલીની સ્થિતિમાં જહાજનો કેપ્ટન જહાજ છોડી જાય એ કઈ રીતે બને? કાંગાએ પિતાની એ શીખને શબ્દશ: નિભાવી હતી અને એ નિભાવતાં તેમણે તેમની પત્ની અને બંને દીકરાઓ ગુમાવ્યાં હતાં કારણ કે તેમનો પરિવાર હોટલના છઠ્ઠા માળે કવોર્ટર્સમાં રહેતો હતો જે આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયો, જેમાં તેમની પત્ની અને બે દીકરા ભડથું થઈ ગયાં હતાં!

.

ટાટા ગ્રુપના રતન ટાટા પણ કહે છે કે આવી સ્થિતિમાં કઈ રીતે વર્તવાનું કે શું કરવાનું એની માહિતી કે સૂચનો આપતી પુસ્તિકા, નિયમો કે તાલીમ ન હોવા છતાં અમારા સ્ટાફે આખી પરિસ્થિતિમાં જે રીતે ફરજ નિભાવી એ કાબિલે-દાદ હતી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોહિત દેશપાંડે માટે તાજમહાલ હોટેલના સ્ટાફે દેખાડેલી ફરજપરસ્તી નવાઈ ઊપજાવે એવી હતી. તેમના ભણતરમાં, સંશોધનમાં કે જાણવામાં આવી ઘટના વખતે સ્ટાફ આવી નિષ્ઠા દાખવે એવું ક્યારેય આવ્યું નહોતું. આવું કંઈ રીતે થયું અને એવું તે કયું કારણ હતું કે આ સ્ટાફ પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતો રહ્યો?

.

રોહિત દેશપાંડેએ આનાં મુખ્યત્વે ત્રણ કારણ શોધી કાઢ્યાં છે. પહેલું આપણા દેશની સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની ભાવના છે. આ ભાવના હિંદુસ્તાનીઓના લોહીના કણ-કણમાં વણાયેલી છે. એટલે જ અતિથિઓના રૂપમાં હોટેલમાં આવેલા દેવી-દેવતાઓની સલામતી જાનના જોખમે પણ સ્ટાફે જાળવી હતી.

.

બીજી સૌથી વધુ અગત્યની અને નોંધનીય બાબત એ છે કે ટાટા ગ્રુપ અને ખાસ તો તાજમહાલ હોટેલના એચ. આર. વિભાગે આવા ફરજપરસ્ત, ઈમાનદાર અને નિષ્ઠાપૂર્ણ સ્ટાફની શોધ ક્યાંથી અને કેવી રીતે કરી એ રોહિત દેશપાંડેએ પૂછ્યું હતું. તેમને જાણવા મળ્યું કે ટાટા ગ્રુપે મુંબઈ, દિલ્હી, કોલકાતા કે ચેન્નાઈ જેવાં શહેરોની જાણીતી કૉલેજોમાં ભણતાં અને અવ્વલ નંબરે પાસ થતાં યુવક-યુવતીઓને નોકરી પર નહોતાં લીધાં. તેમને ત્યાં કામ કરતો સ્ટાફ નાસિક, ત્રિવેન્દ્રમ, રાયપુર કે એવાં નાનાં-નાનાં શહેરોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો.

.

સ્ટાફ પસંદ કરતી વખતે તે વ્યક્તિની માર્કશીટને જ મહત્ત્વ નહોતું આપવામાં આવ્યું, પણ તેનો અભિગમ અથવા જેને આપણે સંસ્કાર કહી શકીએ એના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જે છોકરા કે છોકરીની પસંદગી કરવામાં આવી હોય તેના શિક્ષકને અથવા તે જે સ્કૂલ-કૉલેજમાં ભણ્યો હોય તેના પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ તેના શિક્ષકને માન આપતો હતો, તેને તેના વડીલો પ્રત્યે આદર હતો. તે ઉમેદવારનાં નૈતિક મૂલ્યો. સિદ્ધાંતો, રહેણીકરણી કેવાં છે એના પર ધ્યાન અપાયું હતું.

.

બીજી તરફ ટાટા ગ્રુપે તેમના સ્ટાફને ખૂબ સરસ રીતે સાચવ્યો હતો. હોટેલના કોઈ પણ ગેસ્ટ કોઈ પણ સ્ટાફની પ્રશંસા કરતી એક લીટી પણ લખે તો એના ૪૮ કલાકની અંદર સ્ટાફના તે સભ્યના કામની નોંધ લેવામાં આવતી અને એ મુજબ તેને આર્થિક વળતર પણ અપાતું. એના માટે તેણે દિવાળી, દશેરા કે અકાઉન્ટિંગ વર્ષ પૂરું થાય એની રાહ ન જોવી પડતી.

.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોહિત દેશપાંડે કહે છે કે આ કેસ સ્ટડીમાંથી હું ઘણું બધું શીખ્યો. સ્ટાફ નિષ્ઠાપૂર્વક કામ નથી કરતો, ભારતીયો બધા કામચોર થઈ ગયા છે, જવાબદારી અને ફરજનું ભાન નથી એવી ફરિયાદો કરનારા માલિકોએ પણ આમાંથી શીખવા જેવું ઘણું છે.

દેહુમલ જાડેજા

Standard

(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે.ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે.જેમા કુંવારીકાઓ દેદાની પરીવાર નુ કોઇ સભ્ય બની વિંટળાય કુટતી મરશીયા ગાય છે.

   ‘દેદાને દસ આંગળીએ વેઢ રે

    દેદો મરાણો લાઠી ના ચોકમાં

   દેદાને પગ પીળી મોજડી રે

   દેદા ને જમણે હાથે મીંઢોળ રે.. દેદો…

   દેદાના માથે છે કેસરી પાઘડી રે

   દેદા ના ખંભે ખંતીલો ખેસ રે… દેદો..’……
*રાજપુત  દેદા જાડેજા ની બલિદાની કથા નુ સાહિત્ય શ્રી નાનાભાઇ જેબલીયા દ્વારા એમની કથા શ્રેણી મા થયુ હતુ જે અહિ પ્રસ્તુત છે.*)

        ઉગમણા આભની ઝાંયલીએ હેમંતઋતુ ના સોહાગી સૂરજ નારાયણ અજવાળા ની ગાડી જોડી ને આવ્યા કે ગઢાળી ગામ ની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો. શરણાઇઓએ રાજપૂતી લગ્નગીતો ની તરજ છોડી.ઉંમરે વરસ અઢાર નો આંબા ના રોપ જેવો રુપાળો વરરાજો દેહુમલ જાડેજો છલાંગ મારી ને ઘોડે ચડ્યો. ગઢાળી ના ગોહિલો અને દેહુમલ ના મામાઓ બાંધ્યા હથીયારે ઘોડે ચડ્યા. ગઢાળી ના ગોહિલો આજ પોતાના ભાણેજ દેહુમલ ને પરણાવા કેરીઆના સોલંકિ ના માંડવે જાન જોડી ને સાબદા થયા હતા. ડાયરો ભારે ઉમંગ મા છે. કેસરી,લીલી,પીળી અને ગુલાબી પાઘડીઓ ના તોરણ બંધાયા છે.સાફાઓ,સીગરામો,ડમણીઆં અને બળદગાડીઓ મી હેડ્ય લાગી છે. ગરાસણીઓ ના તીણા મધુર કંઠે ભાણુભા નાં લગ્નગીતો ગવાયાં છે.પાછળના ભાગે ઘોડા ના મોવડ અને ઉંટ ના ફંદા ઝૂલે છે.ગઢાળી દાયરા ને આજ પોતાનુ આયખું લેખે લાગે છે.કચ્છ ના જાડેજા સાસરા માથી દુખાઇને,દુભાઇ ને આવેલી એક ની એક વિધવા બહેન નો લાડકો દિકરો અાજ પીઠી ચોળી ને પરણવા જાય છે.કુદરત ની ગતી ન્યારી છે.કચ્છ મા જાડેજા કુળ મા પરણાવેલી સજુબાનો સંસારરથ સુખ ની વાડીના છાયડાં મા મહાલતો હતો.ઉપરવાળા એ કારમી થપાટ મારી બહેન સજુબાના સેથાનુ સિંદુર ભુંસાઇ ગયુ.સજુબા ની નણંદે ગુસપુસ કરી જાણી લિધુ કે ભોજાઇ સજુબા ને ચોથો મહિનો જાય છે, આખા પરિવારમાં કૂડ-કોળ નો વાયરો વાઇ ગયો કે પુત્ર જનમશે તો ગિરાસ માં ફાડિયું માંગશે અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચી ને પણ કરીયાવર માં લઇ જશે.પરિવારે આકંડા ભીડીને સંતાપ ની કૂડી ચોપાટ પાથરી દિધી.સજુબા કુવો હવાડો કરે તો ગિરાસમાંથી ડાભોળીયું જાય અને સજુબા માથે જુલમ ના ઝાડ ઊગ્યાં,બાઇ નાં અન્નપાણી અગરાજ થઇ ગયાં.

        સજુબા એ પિયર ગઢાળી છાનો છપનો માણસ  અવદશા ના સંદેશા સાથે મોકલ્યો કે ,’વીરા ને માલુમ થાય કે બહેનનું મોઢુ જોવુ હોય તો છેલ્લી વેળા ના આવી જાઓ.બાકિ મારે તો ઉંચે આભ અમે નીચે ધરતી સીવાય કોઇ આધાર નથી. ભાઇઓ પોતાની દુખીયારી બહેન ને પીયર તેડી આવ્યા. સજુબાને ફુલ ની જેમ સાચવી ને હૈયાળી આપી.પિયર ના આંગણે લાડકિ બહેનના ભાણા ના પારણા બંધાણા.બહેન ના રુપાળા ભાણા ને નજર ના લાગે માટે મામાઓ એ ઉડસડ નામ ‘દેદો’ પાડ્યુ.મોસાળ મા રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છ ના જાડેજા કુળ ની ઓળખાણ આપવામાં આવી,જનેતા ના અન્યાય ને કાનસ્થ કરી દેદો અઢાર ની ઉમરે પહોંચ્યો ત્યારે કચ્છ મા જઇ પોતાની જાગીર સંભાળવા તૈયારી કરી.જનેતા ના દુખ ને ત્રાજવે તોળી તલવાર સજાવી,મોસાળ ને પોરસ થયો પણ કુંવારા ભાણેજ ને રણમેદાને ના મોકલવાના ઇરાદા સાથે અમરેલી ના કેરીઆ ગામની સોંલકી રાજપુતની દિકરી જોડ્યે ભાણા ના વેવીશાળ નક્કિ કર્યા,જાન હરખ ના મોજા છલકાવતી કેરીઆ જવા રવાના થઇ.વરરાજા ની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા. લાઠી ગામનો સીમાડો આવતા વરરાજા ના કાને વા વળોટ ઝીણી ઝીણી ચીસો ના,હિબકા ના,રુદનના ટુકડા અથડાયા.

   દેહુમલે આથમણી દિશા મા આંખો નાખી. ધૂળની ડમરીઓ ઉડાડતા સીગરામો દોડતા દેખાયા આગળ પાછળ હથીયારધારી સિપાઇઓ ના લશ્કરી ખાખી ફેંટા જોયા. વાતની વસમાણને પામીને વરરાજે ઘોડી ધૂળ ની  ડમરીઓ તરફ મારી મુકિ.

     સિપાહિઓ ની લગોલગ થઇને જમાદાર ને પુછ્યુ 

‘આ સિગરામ માં કોણ છે?!’

      ‘ભાઇ,!બાપા! ,સીગરામમાંથી બાળા ના સાદના બોકાસા ઉઠ્યા ‘અમને બચાવો! આ કાણીઓ જમાદાર અમને વટલાવા જુનાગઢ લઇ જાય છે.’

      વાત એમ હતી કે લાઠી લુંટવા આવેલ આ સેનાએ લાઠી ને એ દિવસે નધણીયાતી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓ ને પકડી સિગરામ મા પુરી દિધી એનો વિરોધ કરનાર ને કત્લ કરી નાંખ્યા.કુલ ચાલીસેક કન્યાઓ ને 

પકડી હતી.

      રકઝક મા જાનૈયાઓ પણ પહોંચી ગયા, ‘મારો, મારો’ નો ગોકિરો થયો,સમશેરો થી જંગ મંડાણો. સિપાહિઓ મર્યા અને અમુક ભાગી છુટ્યા.પાંચ સીગરામ માંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઇ, 

   ‘વીરા,મારા ભાઇ’! અમારા પરિવાર મા કોઇ નથી અમને જાન મા તેડી જાઓ.’ કન્યાઓ એ હાથ જોડતા કહ્યુ.

    ‘હાલો! હવે તમે જ મારી બહેનો, અને અપહરણ ના સીગરામ જાન ના વાહન બન્યા,જાન આગળ ચાલી. લાઠી ના પાદર પહોંચતા દેહમલ ઘોડીએ થી નીચે પડ્યો,નાસી ગયેલ કાણીઓ રાજપુતી પોશાક પાઘડી ધારણ કરી જાન મા ભળી ગયો તો અને લાગ મળતા વરરાજા પાસે જઇ પેડુ મા તલવાર હુલાવી દિધી.જાનૈયાઓ એ કાણીઆ ના ટુકડા કરી નાખ્યા પણ દેદો શહિદ થઇ ગયો.લગ્નગીતો કારમા રુદન ના મરશીયા મા ફેરવાઇ ગયા.ચાલિસે કન્યાઓ એ દેહમલ ની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયા લિધા.સદિઓ થી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લિધો. કુંવારી કન્યાઓએ તે દિ છાતી કુંટી બહેનપણા નો ચિલો પાડ્યો! લાઠી મા એની દેરી પુજાય છે.

   વિગતઃવાઘજીભાઇ પરમાર(ભોરીંગડા)

“વળાવીયો”

Standard

​`          મદારસંગ ચુડાસમો કેશોદ જૂનાગઢ ના ચુડાસમા નો ભાયાત હતો, એના જીવન ની એક ધૂન હતી કે કોઈ પણ જાન નું વળાવું કરવું હોય તો તે દરેક વખતે તૈયાર, ઘેડ અને નાઘેર માં એનું વળાવું વખણાતું. ટેકિલો, એકવચની, તેજસ્વી અને શૂરવીર મદારસંગ, કેશોદ ના તથા આજુબાજુ ના મહાજન વર્ગ માં સર્વપ્રિય હતો. મહા મહિનો તો મદારસંગ ના જીવન માં ખરેખર મહાન નિવડતો, આખોય મહિનો તેને જાનો માં જવું પડતું, વળાવીયા તરીકે એમના નામ ની શાખ હતી.

          મદારસંગ ને ગરાસ માં બે ખેતર હતા. તે ભાગા માં ખેડાવી લેતો અને તેમાંથી જે દાણો આવે તેમાં જીવન નિર્વાહ ચલાવતો, બાકી ડેલી એ કાયમ જે કાવા કસુંબા ચાલતા તે વળાવામાંથી પતતું.

          કોઈ પણ ચારણ આવે તો મોટા ગિરસદારો ને છોડી મદારસંગ નો જ મહેમાન થતો, અને મદારસંગ ની કીર્તિ આખાયે સોરઠ માં એ વખતે ગવાતી.

          મદારસંગ ને સહુકોઈ વળાવીયા તરીકે જ ઓળખતા. ચોર, લૂંટારા અને બહારવટિયા મદારસંગ નું નામ સાંભળી ને જ છેટા રહેતા. મદારસંગ બે બંદુક બાંધતો અને તેના નિશાન અચૂક ગણાતા. જ્યાં જાન ગઈ હોય ત્યાં વળાવીયા ની બહાદુરી ની હરીફાઈ થતી. ગામને પાદર ઊંચો પીપળો હોય તેની છેલ્લી ડાળીએ એક કામઠું બાંધી તેમાં એક નાળિયેર લટકતું રાખવામાં આવે, જો જાન નો વળાવીયો એ નાળિયેર પહેલે જ નિશાને પડે તો જાન જીતે અને નહીં તો એ વળાવીયો હાર્યો ગણાય. મદારસંગે એવા સો નાળિયેરો જીત્યા હતા, એટલે એને સહુ સો નાળિયેરો કહેતા.
          “ક્યાં છે મદારસંગ બાપુ !” ડેલી બહારથી કોઈ નો અવાજ આવ્યો,

          “એલા એ કોણ છે ?”

          “બાપુ ! રામરામ, એતો હું રામજી”

          “ઓ હો, રામજી શેઠ, આવો ! આવો !”

          “બાપુ આપને તકલીફ આપવાની છે.”

          “ત્હમે નહીં આપો તો કોણ આપશે ?” મદારસંગે પોતાની મરોડદાર મૂછ પર હાથ ફેરવ્યો.

          “અમે તો માનીએ છીએ કે બીજા મોટા દરબારો છે પણ આપ જ અમારા સાચા દરબાર છો.”
રામજી એ મદારસંગ ની સામે બેઠક લીધી.
          “રામજી શેઠ ! હું તો બધાય થી ન્હાનો માણસ છું. બોલો તમારું શું કામ કરી આપું ?”

          “આપની પાસે તો એક સિવાય બીજું શું કામ હોય ?”

          “એટલે ?”

          “આ આપણા જમનાદાસની જાન માધવપુર જવાની છે એટલા માટે આવ્યો છું.”

          “લગ્ન ક્યારના છે ?” મદારસંગે હોકા નું ફૂંક ખેંચી.

          “લગ્ન તો અજવાળી પાંચમના છે.”

          “દસમ ને દિ કરમશી શેઠની જાન અજાબ જવાની છે, એને મેં વચન આપ્યું છે એટલે જમનાદાસ ના લગ્ન માં ક્યાંથી અવાય ?”

          “બાપુ ! આઠમ ને દિવસે તો આપણી જાન પાછી આવી જશે એટલે આપ કરમશી ને આપેલું વચન પાળી શકશો.”

          “રામજીશેઠ ! તમારા બાપુ ને મારા બાપુ બેય ભાઈબંધ હતા એટલે મારે તો તમારે વચને આવવું જ જોઈએ.”

———————————–
           છઠ નો ચંદ્રમા આકાશે ચડ્યો, માધવપુરના પાદરમાં પવનમાં ઝૂમી રહેલા નાળિયેરીના વનમાં જાણે ભાતીગળ ચંદરવો હોય તેવા તેજ વેરાયા.

           “દરબાર અહીં કૃષ્ણ ભગવાને રુક્ષમણીનું હરણ કરી લગ્ન કર્યા હતા તે વાત તો યાદ છે નાં ?”
વિશ વરસની નવયૌવના કેસરની આખો અજવાળીયામાં નાચી.

દરબાર આ વખતે નીચું જોઈ રહ્યા.
           “મદારસંગ ! હું બધાની લાજ મરજાદ છોડી તમારી પાસે આવી અને તમે તો મૂંગા મંતર થઇ ઉભા છો.”
           બ્રાહ્મણ જળથી ઓસરે,

                  ક્ષત્રિ રણથી જાય :

           વૈશ્ય ડરે વેપારથી,

                  એ કાયર કહેવાય ;
          “કેસર તે બરાબર કહ્યું. ક્ષત્રિએ રણથી કાયર ન થવું. પણ આ તો રણ ને બદલે અનીતિનો અખાડો જમાવવાની વાત છે.”

          “મદારસંગ ! નીતિ અનીતિ એતો વાતો જ છે. હું તો આજ બે વરસથી તમારા નામની માળા જપુ છું. ત્રીજે વર્ષે તમે કાનજીની જાનમાં અણીયાળે વળાવીયા તરીકે આવ્યા હતાં ત્યારથી હું રોજ તમારા તરફ પ્રભુની માફક જોયા કરું છું. આજે તમે કૃષ્ણ થાઓ અને હું તમારી રુક્ષમણી બનું.”

          “કેસર ! ભગવાન ને નામે તને હું કહું છું કે એ વાત મૂકી દે. હું ચુડાસમો રાજપૂત છું, મહાજનની વહુ દીકરીઓ એ મારી બહેનો ગણાય.”

          “આટલી બધી કાયરતા ?”

          “આને તું કાયરતા કહે છે ?”

          “જરૂર કાયરતા ! આવી એકાંતમાં આવી દિલની વાત કહેનારી મારા જેવી મળે ત્યારે તમે નીતિ ના પુરાણો ઉકેલો એ કાયરતા નહીં તો બીજું શું ?”
               સોના સરીખા રંગની,

                       હાલે મોડા મોડ :

               પાલવ નૈપુર ઠમકતાં,

                        બોલ્યે ઝાઝું જોર ;
          “કેસર હું હવે ત્યારે તને સાચી વાત કહી દઉં ?”

          “મારે મન સો વાતની એક વાત છે, બોલો હા કે ના ?”
મદારસંગ જવાબમાં તિરસ્કારથી હસ્યો.
          “કેસર હું વળાવીયો છું. વળાવીયો એટલે આખી જાનની નીતિ રીતિ અને જાનમાલ નો રક્ષક. એને તું ભક્ષક થવાની સલાહ આપે છે ?”

          “મારે એ તમારું કાઈ સાંભળવું નથી.” કેસરે તોછડાઈ થી કહ્યું.

          “કેસર ! ગુપચુપ જાનને ઉતારે બારણેથી ચાલી જા. મદારસંગને એના ધર્મમાંથી ચતરાવવા અપ્સરા અવતરે તો એનું પણ કઈ ચાલે એમ નથી તો તું કોણ ?”

           “દરબાર, પીરસેલી થાળી ઠેલો છો તો પસ્તાશો.”

           “પસ્તાવાનું તો મેં મારા જીવન માં કઈ રાખ્યું જ નથી. પણ તને ચેતાવું છું કે ફરી થી જો આવું કઈ કરીશ તો ગોળીએ દઈશ. ઘરડેરા સાચું કહી ગયા છે કે સ્ત્રીઓ ને જાનમાં લઇ ન જવી.”

          “દરબાર, હજુ કહું છું માનો !”

          “બાપુ જા ! ભગવાનને ખાતર જા. મ્હારો પિત્તો ઉછળશે તો રંગમાં ભંગ થશે. મેં તારા જેવી તો ક્યાંય દીઠી નથી.”

          “દરબાર તમે તો રાજપૂત નહીં કાયર છો કાયર.”
મદારસંગ નો પિત્તો ઉછળ્યો, તેણે તલવાર પર હાથ નાખ્યો, પણ તેટલામાં તો કેસર જાનના ઉતારા તરફ ચાલતી થઇ.

          માધવપુરમાં રામજીના દીકરા જમનાદાસની જાન આવી પાંચમના લગ્ન ધામધૂમથી થઇ ગયા. જાનને ગામની બહાર નાળિયેરીના વનથી થોડે દૂર એક વાડામાં ઉતારો અપાયો હતો. મદારસંગ જાનમાં વળાવીયા તરીકે સાથે આવ્યો હતો તેણે પોતાનો ઉતારો નાળિયેરીના વનમાં કર્યો હતો.

          આજે લગ્નનો બીજો દિવસ છે, સહુ જાનૈયા ગામમાં વેવાઈ ને ઘરે ગયા એ વખતે તક સાધી રામજીના સાઢુભાઈની દીકરી કેસર વનમાં મદારસંગ પાસે આવી પહોંચી. કેસરનું નામ કેશોદમાં પણ હલકું હતું. એનો વર પાંચ વરસથી પરદેશ ગયો હતો એટલે એને માટે ગામમાં જેમતેમ વાતો થતી. દરબાર મદારસંગને એ વાતો આજે સાચી લાગી.

———————————–
          જાન માધવપુરથી કેશોદ તરફ રવાના થઇ. કેસરનો પ્રસંગ બન્યા પછી મદારસંગને બે દિવસ માધવપુરના બહુ ભારે લાગ્યા. એને કાવા-કસુંબા કડવાં ઝેર જેવા લાગ્યા, કેસરના વર્તનથી એનું દિલ ડંખતું હતું.

          “કેમ મદારસંગ બાપુ ! કઈ તબિયત મોળી છે ? બે દિવસથી આપનો ચેહરો ઉતરી ગયેલો કેમ લાગે છે ?” રામજીએ સોપારી ભાંગીને એનો ભૂકો મદારસંગ તરફ ધર્યો.

          “એતો અમસ્તું, કોઈ વખત વાદળા આવે ત્યારે આકાશ જેમ તેજ વિનાનું થઇ જાય છે એમ માણસને પણ આડા કોઈ દિવસ વાદળા આવે.”

          “આપને શૂરવીર ને વાદળા કેવા ?”
પંચાળાની સિમ માં જાન ઠૂંગો કરવા ખોટી થઇ ત્યારે રામજી અને મદારસંગ વચ્ચે આવી સહજ વાતો થઇ પણ મદારસંગે ખરી વાત છુપાવી કેસર સાથે બનેલો પ્રસંગ કોઈને કહેવો કે નહીં એ વિચારમાં મદારસંગ મુંજાતો હતો.

          જાનના કામ એટલે ઉતાવળ કરતા કરતા પણ માધવપુરથી નીકળતા મોડું થયેલું એટલે પીપળીને પાદર જાનને દિ આથમી ગયો. આ વખતે નાઘેરમાં કાદૂનું બહારવટું જામ્યું હતું. જાન એટલે જોખમ ઘણું છતાં મદારસંગ વળાવીયા તરીકે હોવાથી રામજીને એ બાબતનો કઈ વિચાર પણ ના આવ્યો.

          કેસર વરના ગાડાંમાં બેઠી હતી એટલે મદારસંગ થોડે છેટે ચાલતો હતો. એ પોતાની વિચારઘટનામાં એટલો બધો ગૂંથાઇ ગયો હતો કે મોડું થયું છે, એ બાબત પર કઈ ખાસ ધ્યાન ગયું નહીં.

          પીપળીથી જાન નીકળી ત્યારે દૂર દૂર શિયાળયા બોલ્યા, જાનમાંના એક વૃદ્ધ પુરુષે બીજાને કહ્યું, ” અત્યારે ચિન્હ સારા દેખાતા નથી.”

          વૃદ્ધની વાત સાચી પડી, પીપળીની ધાર આગળ ગાડાં પોહચ્યા ત્યાં રાત જામી ગઈ હતી. પીપળીની ધાર એટલે દિવસમાં પણ સુમસામ લાગે, રાતનાં તો મુસાફરો ત્યાંથી જાય તો જરૂર એના ધબકારા વધે એવી એ જગ્યા. દૂર દૂર કેશોદ દેખાય અને પશ્ચિમે ઉઠી ઉઠી પીપળીનાં ઝાડવા ઝાંખા ઝાંખા લાગે એવું એ ઉજ્જડ સ્થળ છે. 

          ગાડાં એક ધાર ઉતરી બીજી ધાર ચડે ત્યાં તો સામે ધાર ઉપર પાંચ બુકાની બાંધેલા યુવાનો ચડતા હોય તેમ લાગ્યું.

          સહુએ આ વખતે મદારસંગ તરફ આંખો ફેરવી. રામજી ગાડાંમાંથી નીચે ઉતરી મદારસંગ પાસે આવ્યો. 

          “મદારસંગ બાપુ ! ધાર ઉપર કોઈ જણ એવું જણાય છે.”

મદારસંગ જવાબમાં હસ્યો.

          “કોની માંએ શેર સૂંઠ ખાધી છે કે મદારસંગ વળાવીયો હોય અને જાનનો એક વાળ પણ વાંકો કરી શકે ?”

          “ત્યારે બાપુ આપ આગળ ચાલો એટલે ગાડાં ચાલે.”

મદારસંગ સહુની મોખરે થયો. પોતાની બંને બંદૂકો તેણે તૈયાર રાખી. 

          ગાડાં બરાબર ધાર ઉપર ચડ્યા; એટલામાં પાંચ બુકાની બાંધેલા પુરુષો ગાડાંના ચીલામાં આડા ઉભા.

          “એલા કોણ માટી ?” મદારસંગે પડકાર કર્યો.

મદારસંગનો અવાજ પેલા પાંચે જણાએ ઓળખ્યો.

          “એ તો અમે.” પાંચમાના એકે દ્રઢતાથી જવાબ આપ્યો.

          “આઘા ખસી જાઓ, જાનના ગાડાંને જાવા દિયો, નહીંતો મદારસંગના હાથનો રસ ચાખવો પડશે.”

           પેલા ત્યાં પત્થરની માફક જડાઈ રહ્યા. ન ખસે કે ન બોલે.

           રામજી આ દ્રશ્ય જોઈ ગભરાયો. તેણે મદારસંગના કાનમાં પોતાનું મોઢું ધર્યું.

           “બાપુ ! હવે શું કરશો ?”

          “હું મરીશ ને મારીશ, બીજું શું કરીશ ? હું જીવતો છું અને તમને એ લૂંટે એતો સુરજ પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે તોજ બને – જુવાનો કાદૂ ને કહેજો કે મદારસંગ મળ્યો હતો. ખસી જાઓ !”

          આ વખતે એમાંના એકે દૂર જઈ શિયાળ્યું બોલે તેમ અવાજ કર્યો. તુરત જ ધારને બીજે પડખેથી એવો જ અવાજ આવ્યો. આંખના પલકારામાં તો બીજા પાંચ જણાઓ આ દિશામાં દોડતા આવ્યા.

          આવનારમાંથી એક બોલી ઉઠ્યો.

          “મદારસંગ ખમી જા ! આજ તો અમને આ જાન લૂંટવા દે. તું વળાવીયો હોય ત્યારે દર વખતે અમે તારી શરમ રાખીયે છીએ પણ આ વખતે નહીં રાખીએ.”

          મદારસંગ આ અવાજ ઓળખી ગયો.

          “કાદૂ ! હું જીવતો હોય ત્યાં સુધી મારા શેઠ લૂંટાય જ નહીં. એતો મદારસંગનું માથું પડે પછી જ એના ઉપર કોઈ હાથ નાખી શકે.”

          “કાદૂ” શબ્દ સાંભળતા જ ગાડાંમાં બેઠેલ જાનૈયાઓનું લોહી ઠંડુ પડી ગયું. રામજી પણ ખુબ ગભરાયો.

          “મદારસંગ ! નકામો શું કરવા મરી જાછ.” કાદૂએ શિખામણ આપી.

          “એમ મરવાની તો અમારા કુળ ની રીત છે.”
              “શ્યામ ઉગારી રણ રહે,

                       એ રાજપુતા રીત :

               જ્યાં લગ પાણી આવતે,

                     ત્યાં લગ દૂધ નચિંત ;”
          બીજીજ પળે ધીંગાણું જામ્યું. ગાડાંવાળામાં ત્રણ આહીર હતા એને પડકારી મદારસંગે જુસ્સો ચડાવ્યો. આ રીતે મકરાણીઓ સામે મદારસંગ થયો.

          બંદૂકો ખાલી થઇ એટલે તલવારો ઉછળી, ગાડાંવાળા આહીરો તો ગાડાંમાં નાંખેલા આડા લઇ કૂદી પડ્યા.

          જાનના બાકીના માણસો તો ધ્રુજતા હતા. વરના ગાડાંમાં બેઠેલી કેસર મદારસંગના પરાક્રમ જોઈ રહી હતી, તેને લાગતું હતું કે સામેના માણસો મદારસંગને આજ પૂરો કરશે પણ સહુની અજાયબી વચ્ચે મદારસંગ અજબ રીતે લડી રહ્યો હતો, વચમાં એક વખત કાદૂએ પડકારો કર્યો. 

          “મદારસંગ, રહેવા દે ! રહેવા દે ! આ જાનની લૂંટ નો અરધો-અરધ ભાગ તને આપીશ..!”

          “ઈ ઘર બીજા – કાદૂ ! એ ઘર બીજા.” એમ બોલતા મદારસંગે કાદૂના બે જણને પુરા કર્યા.

          હવે મદારસંગ સહેજ થાકતો હોય તેમ લાગ્યો.

          જાનનાં સર્વે માણસો તેના તરફ જોઈ રહ્યા હતા. સઘળાના જીવનની આશા તેના ઉપર હતી. એટલામાં તો મદારસંગને એક તરવારનો સખ્ત ઝાટકો ડાબા હાથ પર લાગ્યો. તે ઘવાયો, પેલા આહીરો શૂર પર ચડ્યા. ઘવાયેલા મદારસંગે હં-મારો વીર, મારો કાપો એવું બુમરાણ કરી મેલ્યુ.

          ધીંગાણામાં આ રીતે બહારવટિયાઓએ વિજય થશે એ આશાએ જોર માર્યું. પણ એટલામાં ધનસારી તરફથી ઘોડાના ડાબલા સંભળાયા, બહારવટિયાઓએ છેલ્લો હુમલો કર્યો અને બીજી પળે ઉત્તર તરફ નાસ્યાં, નાસતા પેહલા કાદૂના એક સખ્ત ઝાટકાએ મદારસંગને પાડ્યો, ધીંગાણાની જગ્યાએ આઠ ઘોડેસ્વારો આવી ઉભા તેમાંના છ જણાઓએ પોતાના ઘોડાઓ બહારવટિયાઓની દિશામાં મારી મુક્યા.

———————————–
           મદારસંગ ઘાયલ થયો તેથી આસપાસ જાનના સર્વ માણસો તથા આવેલ ગિસ્તના બે સવારો ફરી વળ્યાં.

          આઠમનાં અજવાળાંમાં મદારસંગનું મુખ કેસરે જોયું. મદારસંગના મુખ પર હાસ્ય ફરક્યું, એ હાસ્ય જાણે કેસરને એમ કહેતું હોય કે પેલું સાચું રણ નહોતું પણ આ સાચું રણ છે અને એમાં ક્ષત્રિ તરીકે પોતે પ્રાણ આપ્યા છે.

          દરબારને પ્રાણઘાતક ઘા લાગ્યો છે એ વિચારે રામજી ખુબ દુઃખી દેખાયો.

          “મદારસંગ બાપુ ! આજે આપે અમારા માટે પ્રાણ આપ્યા છે.”

          મદારસંગ બોલી શક્યો નહીં પણ તેણે હાથથી વાત કરી કે એ તો વળાવીયા તરીકેની મેં મારી ફરજ બજાવી છે.

         “હું તમારા કુટુંબનું જીવનાન્તે ભરણ-પોષણ કરીશ. બીજું કઈ કેહવું છે ?”
          મદારસંગે આ વખતે આકાશમાં ખીલી ઉઠેલા ચંદ્રમાં તરફ જોયું – આંખો મીંચી અને તેમનો આત્મા પરલોક પહોંચી ગયો.
(પીપળીની ધારપરનો પાળિયો આજ પણ એ કાદૂના જમાનાની સાક્ષી પુરી રહ્યો છે, અને નીતિ ના રક્ષક તથા વફાદાર વળાવીયા મદારસંગ ચુડાસમાની શૌર્યભરી યાદ આપે છે.)
– કાઠિયાવાડની શૌર્યકથાઓ…

ધર્મરાજસિંહ વાઘેલા..!!!

Standard

​હું ને હર્ષદભાઈ ગ્વાલિયરથી ટ્રેન દ્વારા પાછા ફરી રહ્યા હતા, આમ તો ટ્રેનમાં પેટિયું રળવા ઘણા વાજિંત્રો વગાડતા, ગાતા કે નિત નવા કરતબ બતાવી પેસેંજરનું મનોરંજન કરતા જોવા મળતા હોય છે, પરંતુ તે દિવસે ટ્રેનમાં એક યુવાન પોતાની સાથે નવીન પ્રકારનું વાજિંત્ર એક પ્રકારે તંતુવાદ્ય વગાડતા સુંદર સૂરો વહાવતો એક હિન્દી ફિલ્મનું ગીત ગાતો આવ્યો અમે જોયું કે એની પાસે જે વાદ્ય હતું એમાંથી સુંદર સૂરો નીકળતા હતા પણ એ કોઈ પ્રોફેશનલ ઇંટ્રુમેન્ટ ન હતું બલ્કે એક એલ્યુમિનિયમના શીશાને કાપી એમાં ચામડું ફિટ કરી તાર બાંધી એને વાયોલિનની જેમ વગાડતો હતો અને વાયોલિન માં પણ ન નીકળે એવા મધુર સૂરો એમાં નીકળતા હતા એને પૂછતાં ખબર પડી કે એ ઇંટ્રુમેન્ટ એણે જાતે બનાવ્યું છે. આપ ફોટોગ્રાફ જોઈ શકો છો અને વીડિયો માં સૂરો પણ સાંભળી શકો છો.

ખરેખર ભારત એ રતનની ખાણ છે પણ અફસોસ કે આવા રાતનો કાદવમાં રોળાંયેલા છે જે જડ્યા એ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે ને બીજા હાજી આમ જ રજળી રહ્યા છે. કોઈને શાયદ એની કદર નથી ! જાણે કળાની જ કદર નથી કે શાયદ ભારતની જ ખબર નથી!

 આમ એટલે બોલવું પડ્યું કે આપણે આપણા વિષે જાણતા નથી, આપણી કળા-કારીગરી વિષે જાણતા નથી, અરે આપડા ઇતિહાસને જાણી એને પીછાંવાનો પ્રયત્ન કરતા સુધ્ધા નથી. કારણ ઉપજાવી કાઢેલ ઇતિહાસ માં એવું કહેવામાં આવે છે કે આપડું સંગીત એટલું સમૃદ્ધ ન્હોતું એતો વિદેશી આક્રાંતાની સાથે આવેલ મહાન વિદ્વાનો એ એને સમૃદ્ધ બનાવ્યું! એવું કહેવામાં આવે છે કે “આમિર ખુશરો એ આનદ્ધ વાદ્ય માં આપણા પરંપરાગત વાદ્ય પખવાજના બે ભાગ કરી તાબલની શોધ કરી અને તંતુવાદ્ય માં સિતારની” હકીકતે એકેય વિદ્વાનો ન્હોતા અહીંથી શીખીને કદાચ થયા હોય પણ આ નર્યું જુઠાણું જ છે તબલા પ્રાચીન કાલથી આપડા વાદ્યોમાના એક છે એની સાબિતી ગ્વાલિયરના કિલ્લામાં રહેલ અર્કયોલોજીકલ મ્યુઝિયમ માં ગુપ્તકલીન શિલ્પ છે (જેના ફોટા આપ આ પોસ્ટ માં જોઈ શકો છો) આમ જો એ શિલ્પમાં તબલા અને સિતાર બંને દર્શાવેલ છે જેનો મતલબ કે ગુપ્તકાળમાં એ વાદ્યો નું અસ્તિત્વ હોય તો એના સદીઓ પછી આવેલ ખુશરો એ એની શોધ કરી એમ કેમ કેહવાય છે?? હકીકતે આપડી જ નિર્માલ્યતા… 

આપણા માંથી કેટલાને શાસ્ત્રીય સંગીત, શાત્રીય વાદન, લોક સંગીત, લોકવાદ્યોની ખબર છે લોકકલાઓ, હસ્ત ને લલિત, શિલ્પ, સ્થાપત્યકલાઓ માં કોને ખબર પડે કે રસ છે, મફત જેવું ને શ્રેષ્ઠ મનોરંજનનો આદેશ પણ અફસોસ ‘ઘરની ગંગાનું માતમ ના હોય’ કહેવત છે છતાં થોડો જાણકારી આપડા મનોરંજનના વારસા વિષે એક લેખ ધ્યાન માં આવ્યો એ જણાવવાનો પ્રયન્ત કરું છું.
સૌરાષ્ટ્ર/ગુજરાતનું લોકસાહિત્ય અને લોકસંગીત: 
સમગ્ર ભારતવર્ષમાં સંસ્કૃતિની દ્રષ્ટિએ અને સાહિત્યની દ્રષ્ટિ એ અનેક વિશિષ્ટતાઓથી સભર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનું એક આગવું સ્થાન અને માન છે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્ર પ્રદેશ‚ ધર્મ‚ અધ્યાત્મ અને સાહિત્યના ક્ષેત્ર તરીકે પૂરાણગ્રંથોમાં વર્ણવાતો આવ્યો છે. સોરઠ‚ હાલાર‚ ઝાલાવાડ‚ પાંચાળ‚ ગોહિલવાડ‚ ઘેડ‚ ગીર‚ નાઘેર‚ ઓખો‚ બાબરિયાવાડ‚ બરડો‚ ભાલ‚ વળાંક અને ઠાંગો… એમ જુદા જુદા નામથી ઓળખાતા પ્રદેશોમાં સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન સમુદાયો‚ બોલી‚ ભાષા‚ રીતરિવાજો‚ વિધિવિધાનો‚ પહેરવેશ‚ અલંકારો‚ રહેણીકહેણી વગેરેમાં પોતપોતાના પોતીકા આગવાં લક્ષણો સચવાતાં આવ્યા છે. ને છતાં એ દરેકમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા તો અખંડ-અવિચ્છિન્ન પણે જળવાતી આવી છે.

ભારતના અન્ય પ્રદેશોના સાહિત્યની માફક સૌરાષ્ટ્રના પ્રાચીન મધ્યકાલીન જૈનસાહિત્ય‚ જૈનેતર સાહિત્ય‚ સંતસાહિત્ય‚ ચારણી સાહિત્યનો પણ આગવો મિજાજ છે. પ્રકાર કે વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ  ઢાળ‚ ઢંગ‚ તાલની  અને સંખ્યાની દ્રષ્ટિએ  અન્ય કોઈ પ્રદેશનું સાહિત્ય એની તોલે ન આવી શકે એટલી વિપુલતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયકાળથી રચાતું-ગવાતું આવેલું આ સાહિત્ય સમસ્ત જનસમુદાયનું સાહિત્ય છે. એમાં કોઈ એક કવિ કે કર્તાની છાપ જોવા નહિં મળે પણ સૌરાષ્ટ્ર પ્રદેશનાં લોકસમાજના ધાર્મિક‚ સામાજિક‚ નૈતિક‚ ઐતિહાસીક આધ્યાત્મિક વલણો લક્ષણો‚ લોકમાન્યતાઓ  અને સમસ્ત જીવન વ્યવહારનું પ્રતિબિંબ એમાં પડેલું જોઈ શકાય છે. પ્રકૃતિ પરાયણ લોકજીવનમાં કંઠોપકંઠ ઉતરી આવેલું લોકસાહિત્ય એટલે તો આપણા આંતરમર્મ સુધી પહોંચે છે ને અંતરના તાર ઝણઝણાવે છે.

સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસાહિત્યને સમજવા માટે સગવડતા ખાતર આપણે છ વર્ગમાં વહેંચી શકીએ. (૧)લોકગીતો‚ (ર)ગીતકથાઓ‚ (૩)લોકવાર્તાઓ લોકકથાઓ‚ (૪)લોકનાટય‚ (૫)કહેવતો‚ (૬)પ્રકીર્ણ લોકસાહિત્ય. જેમાં વરત ઉખાણા‚ લોકોક્તિઓ‚ જોડકણા‚ રમતગીતો ઈત્યાદિનો સમાવેશ થઈ શકે.

કંઠોપકંઠ લોકહૈયામાં સચવાતું આવેલું સૌરાષ્ટ્ર પ્રદેશનું આ લોકવાંઙમય કે લોકસાહિત્ય સમૂહનું સર્જન છે. ભલે કોઈ એક સર્જનશીલ વ્યક્તિ દ્વારા એનું બીજારોપણ થયું હોય કે ઘાટ બંધાયો હોય પણ પછી એમાં સમસ્ત લોકસમૂહનું કર્તૃત્વ કામ લાગે છે અને આખા લોકસમૂહ દ્વારા એની રચના થતી આવે છે. એમાં લાઘવ‚ સરળતા‚ ગેયતા‚ સ્વાભાવિકતા અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે તત્વોની સાથે જીવાતા જીવન સાથેનો સુમેળ સધાયો હોય છે. તમામ માનવ સંવેદનોની સાથે જ પ્રકૃતિના તમામ તત્વો-અગ્નિ‚ આકાશ‚ તેજ‚ વાયુ‚ ધરતી‚ વૃક્ષો‚ સૂર્ય ‚ ચન્દ્ર‚ તારા‚ પશુ પક્ષીઓ‚ ડુંગરો‚ નદીઓ‚ મંદિર-મહોલાતો‚ વાવ‚ કૂવા‚ તળાવ‚ ને પાણીયારા‚ ઝાડી ને જંગલ‚ દરિયો ને નાવડી‚ ઘોડાં ને ઘમસાણ… એમાં વર્ણવાતા આવે છે. સંસાર જીવનનાં સુખઃદુખ આ લોકસમુદાયે પોતાના સાહિત્યમાં ગાયા-કથ્યા છે. પોતાની અંગત ઊર્મિઓ સાર્વજનીન રીતે પ્રવાહિત થઈ જનસમસ્તની ઊર્મિ તરીકે વિશિષ્ટ ભાવ સંવેદનો દર્શાવે છે.

‘ઓરલ ટ્રેડીશનલ લિટરેચર’ (Oral Traditional Literature ) ‚ ‘ફલોટીંગ લિટરેચર’Floting Literature ‚ ‘કંઠસ્થ પરંપરાનું સાહિત્ય’ Oral Literature ‚ ‘દેશજ સાહિત્ય’ Folk Literature ‚ ‘લોકવાંઙમય’‚.. જેવા જુદી જુદી ભાષાઓમાં અને આપણે ત્યાં પણ જાણીતું એવું આ લોકસાહિત્ય સમસ્ત લોકસમુદાયનું પ્રતિબિંબ ઝીલે છે.

એક સંસ્કાર સમૃદ્ધ વારસા તરીકે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું અવગાહન કે અવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાવ સીધા‚ સાદા‚ સરળ શબ્દોમાં વ્યક્ત થયેલા સમસ્ત લોકસમુદાયના મનોભાવોમાં તળપદા સમાજ અને મૂળ‚ આદિમ‚ પ્રાકૃત‚ જીવન સંસ્કારોની ઝાંખી થાય છે. પ્રકારની દ્રષ્ટિએ લોકગીત હોય કે લોકવાર્તા‚ ગીતકથા હોય કે ભવાઈ વેશ‚ કહેવત હોય કે પરંપરિત લોકભજનો… એમાં નરી વાસ્તવિક્તા નિરુપિત થતી આવી છે.

સંઘ જીવનનો પરિપાક

વહેલી સવારના પરોઢિયાથી માંડીને ગળતી માઝમ રાત સુધીનું હાલરડાથી માંડીને મરશિયાં સુધીનું‚ તમામ પ્રકારોમાં વિભાજીત થયેલું સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય પ્રાચીન સમયથી કાઠી‚ કણબી‚ બ્રાહ્મણ‚ કોળી‚ વાણિયા‚ લોહાણા‚ સુથાર‚ લુહાર‚ કુંભાર‚ માળી‚ મોચી‚ વાળંદ‚ ગરાશિયા‚ રાજપૂત‚ રબારી‚ ભરવાડ‚ આહિર‚ સતવારા‚ માલધારી‚ ચારણ‚ બારોટ‚ હરિજન‚ વણકર‚ ચમાર‚ ભંગી‚ મેર‚ ખાંટ‚ દરજી‚ ભાટ‚ ભાટીઆ‚ ખત્રી‚ ભણશાળી‚ વાઘરી‚ ડફેર‚ સોની‚ કંસારા‚ સલાટ‚ ભાવસાર‚ છીપા‚ વાંજા‚ ખલાસી‚ ખારવા‚ પઢાર‚ ઘાંચી‚ મિયાણા‚ ઠાકરડા‚ માછી‚ અતિત‚ રામાનંદી‚ વેરાગી‚ મારગી‚ વણઝારા‚ ઓડ‚ રાવળિયા‚ બજાણીયા‚ સરાણીયા‚ વાદી‚ જોગી‚ ભાંડ‚ સુમરા‚ ખવાસ‚ રાવળ‚ વહીવંચા‚ તૂરી‚ મીર‚ લંઘા‚ સૈયદ‚ મેમણ‚ ખોજા‚ સીદી‚ વોરા‚ પિંજારા‚ સિપાઈ‚ જત‚ મુમના… એમ જુદી જુદી કોમ-જાતિના લોક સમુદાયો દ્વારા સર્જાતું આવ્યું છે.

અને આ લોકસાહિત્યના વિભિન્ન અંગો દ્વારા જ લોકજીવનમાં કૌટુંબિક‚ વ્યવહારિક‚ સામાજિક ને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહાત્મ્ય પરંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતના દુઃખ-દર્દો‚ હર્ષ-ઉલ્લાસ‚ ગમા અણગમા‚ પ્રસન્ન દામ્પત્ય‚ વિરહ ને મિલન‚ કજોડાનાં કલહ ને શોકયના સાલ‚ વડાછડ ને મીઠો ઝઘડો‚ વેરણ ચાકરી‚ અબોલા‚ રૂસણાં-મનામણાં‚ સાસુ નણંદના ત્રાસ‚ કવળાં સાસરિયા‚ મેણાના માર‚ તપ‚ ત્યાગ‚ શૌય  બલીદાન‚ ટેક માતૃત્વની ઝંખના‚ વરત-વરતુલા ને ભક્તિ… એમ અપાર ભાવ સંક્રમણોનું વૈવિધ્ય ઘૂંટાતું આવે છે.

કહેવતો‚ વરત (ઉખાણા)‚ લોકઆખ્યાનો‚ લોકગીતો‚ રાસ‚ રાસડા‚ ગરબા‚ ગરબી‚ ધોળ‚ મંગળ‚ લોકપૂરાણકથાઓ‚ લગ્નગીતો‚ બાળગીતો‚ હાલરડાં‚ જોડકણાં‚ વ્રતગીતો‚ કથાગીતો‚ ગીતકથાઓ‚ લોકદૂહા-લોકવાર્તાઓ‚ લોકછંદો‚ લોકકિર્તનો‚ ઝીલણીયાં‚ છકડિયાં‚ મરશિયા‚ રાજિયા‚ વાર‚ તિથિ‚ મહિના‚ ભવાઈવેશોમાં તત્કાળ પ્રયોજાતા પદો (જે પાછળથી જે તે ગામમાં લોકવાંઙમય તરીકે પ્રચલિત પ્રવાહિત થઈ જાય)‚ ઋતુગીતો‚ લોકભજનો એમ પ્રકારભેદે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય જીવનનાં તમામ ક્ષેત્રોમાં એક સરખું વિહરતું રહ્યું છે.

જીવતરમાં વિષ અને અમૃત ઘોળીઘોળીને સંસારસાગરનું મંથન કરતો લોકસમુદાય જ્યારે પોતાના વિભિન્ન મનોભાવોને વાચા આપે છે ત્યારે સર્જાય છે લોકસાહિત્ય. એમાં શૃંગાર‚ વીર‚ કરુણ‚ હાસ્ય‚ અદભૂત‚ શાંત‚ વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નિપજાવે છે. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં દરેક માનવીને પોતાના જ જીવનધબકાર સંભળાતા લાગે છે.

કોઈપણ પ્રકારના વિશિષ્ટ માનવસમૂહો દ્વારા ભાષાનું જે ઉચ્ચરિત રૂપ પ્રગટ થાય છે. તે છે Folk Speech અથવા ‘લોકવાણી’. એનો સંબંધ શાસ્ત્રીય ગ્રંથો સાથે નહિંવત છે. એને સંબંધ છે જીવાતા જીવન સાથે અને માનવ વ્યવહારો સાથે. એનું વર્ગીકરણ કરવા માટે કોઈ એક જ દ્રષ્ટિકોણ કામ નહિં આવે. વિવિધ માપદંડોથી‚ વિવિધ દ્રષ્ટિકોણથી એનું વિભાગીકરણ-વર્ગીકરણ કરી શકીએ છતાં ય પર્યાપ્ત વર્ગીકરણ ન થઈ શકે એટલું વૈવિધ્ય આ કંઠસ્થ પરંપરાથી લોકમુખે જળવાયેલું લોકસાહિત્ય જાળવે છે. છતાં અભ્યાસની સગવડતા ખાતર આપણા સંશોધકો જાતિભેદની દ્રષ્ટિએ (સ્ત્રી પુરુષનું સાહિત્ય)‚ અવસ્થાભેદની દ્રષ્ટિએ (બાલ્યાવસ્થા‚ કિશોરાવસ્થા‚ યુવાવસ્થા‚ પ્રૌઢાવસ્થા‚ વૃદ્ધાવસ્થાનું લોકસાહિત્ય)‚ જ્ઞાતિભેદની દ્રષ્ટિએ‚ પ્રદેશભેદની દ્રષ્ટિએ‚ વસ્તુ કે વિષયભેદની દ્રષ્ટિએ‚ પ્રકારભેદની દ્રષ્ટિએ‚ સંબોધન કે નામકરણની દ્રષ્ટિએ‚ સમયભેદની દ્રષ્ટિએ‚ સ્વરૂપભેદની દ્રષ્ટિએ‚ રસભેદની દ્રષ્ટિએ કે પ્રકૃતિભેદની દ્રષ્ટિએ… એમ જુદા જુદા પ્રકારે એના ભેદો પ્રભેદો પાડે છે. અને વર્ગીકૃત કરે છે. એ જ રીતે દ્રષ્ય‚ શ્રાવ્ય અને ગદ્ય-પદ્ય-પદ્યમય… એમ પણ વિભાગો પડે છે.
લોકગીતો

Folk Songs Of Saurashtra
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ભાવવૈવિધ્યની દ્રષ્ટિએ‚ પ્રકારોની દ્રષ્ટિએ‚ સંખ્યાની દ્રષ્ટિએ અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે લોકગીતો. માનવસ્વભાવની નાનીમોટી તમામ ખાસિયતો લોકગીતોમાં પ્રતિબિંબ થઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની પ્રાકૃતિક‚ સામાજિક‚ ધાર્મિક અને ઐતિહાસિક વિશિષ્ટતાઓ આ લોકગીતોમાં ઊતરી આવી છે. એક લાંબા સુવિશાળ ક્ષેત્રને આવરી લેતી સંસ્કાર પરંપરાએ લોકગીતોમાં કલાદેહ ધારણ ર્ક્યો છે. જેનું અનેક દ્રષ્ટિકોણથી વર્ગીકરણ વિભાગીકરણ થઈ શકે.

સમગ્ર લોક જીવન જેને આશરે ટકી રહ્યું છે એવું તત્વ છે લોકધર્મ‚ સૌરાષ્ટ્રનો લોકસમાજ કયારેય ધર્મથી વેગળો નથી પડ્યો. જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનમાં આવતા તમામ પ્રસંગોએ ધર્મના તત્વો અને ધાર્મિક વિષયો ધરાવતા લોકગીતો અચૂક ગવાય છે. જેમાં ધાર્મિક વિધિઓ સમયે ગવાતાં ગીતો‚ ધાર્મિક વિષયવસ્તુ ધરાવતા કથાગીતો તથા રાસડા અને પ્રાસંગીક સંસ્કારગીતોનો સમાવેશ થાય છે.

ગણપતિ સ્થાપનાનાં ગીતો‚ રાંદલમાંનાં ગીતો‚ ગોર્યમાંનાં ગીતો‚ તુલસીવિવાહનાં ગીતો‚ નવરાત્રીના ગરબા‚ લોકદેવોની ઉપાસના સમયે ગવાતાં ગીતો‚ રામાયણ મહાભારત‚ શ્રીમદ ભાગવતના પ્રસંગો‚ કૃષ્ણચરિત્ર‚ દાણલીલા‚ રાસલીલા‚ શિવચરિત્ર‚ વગેરે પૌરાણિક પાત્રો‚ પ્રસંગો વર્ણવતા રાસડા અને ખોળો ભરતી વેળા‚ ગર્ભવતીને રાખડી બાંધતાં‚ બાળકના જન્મ પછી છઠા દિવસે છઠ્ઠી કર્મ વખતે‚ નામકરણ વિધિ સમયે‚ યજ્ઞોપવિત સમયે‚ સગાઈ‚ ચૂંદડી‚ માળારોપણ‚ મંડપારોપણ‚ કંકોત્રી અને લગ્ન પ્રસંગના દરેક ક્રિયાકાંડ સમયે ગવાતાં લગ્નગીતો‚ યજ્ઞયાગ સમયે કે અન્ય શુભ કાર્યો વખતે ગવાતાં ધાર્મિક ગીતો તથા છાજિયા‚ રાજિયા કે મરશિયાંમાં પણ ધર્મનો અનુબંધ જોવા મળે છે.

સંસારી જીવનની વિવિધઅવસ્થાઓ વર્ણવતાં સામાજિક વિષયવસ્તુ ધરાવતાં લોકગીતો પણ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અગત્યનો હિસ્સો ધરાવે છે. દામ્પત્ય જીવનની મધુરતા વર્ણવતાં‚ રાધાકૃષ્ણ‚ શિવપાર્વતી કે રામસીતાને નામે પત્નીના વ્હાલ ભર્યા રસિક જીવનનું ચિત્રણ કરતાં સ્નેહગીતો‚ રૂસણા‚ અબોલા‚ વેરણ‚ ચાકરી‚ ક્રુરતા‚ તકરાર‚ કજોડા કે દારૂ-જુગારની બદીઓએ જન્માવેલી સાંસારિક મુશ્કેલીઓનું આલેખન ધરાવતાં કરુણ ગીતો‚ કોડભરી વહુવારૂ અને કવળાં સાસરિયાની કહાણી‚ સાસુના સીતમ‚ સંયુકત કુટુંબની કૂરુઢિઓ‚ મેણાના માર‚ દિયર ભોજાઈ કે નણંદ ભોજાઈના વેરનું આલેખન કરતાં ગીતો‚ શોકયનું સાલ‚ બંધુપ્રેમ‚ ભગિનિપ્રેમ‚ માતૃપ્રેમ  કે પિતૃપ્રેમના આદર્શ રજૂ કરતાં પ્રસંગગીતો કે કથાગીતો‚ સમાજને ખાતર બલિદાન આપનારાઓની અમર કહાણી રજૂ કરતી કારુણ્ય અને વીરત્વસભર ગીત કથાઓ‚ પતિપ્રેમથી વંચિત રહેલી ખારવણોની મનોવેદના વર્ણવતા વિરહગીતો અને પરકિય પ્રેમસંબંધો વ્યક્ત કરતા ગીતોની સાથોસાથ જશમા ઓડણ‚ સધરો જેસંગ‚ રાજાગોપીચંદ‚ રાજા ભરથરી‚ નરસિંહ‚ મીરાબાઈ જેવા ઐતિહાસીક પ્રાચીન પાત્રો કે સંત ભક્તોના ચરિત્રો આલેખતા ધોળ કિર્તન‚ ભજન ને લોકઆખ્યાનો‚ કેટલીકવાર બહારવટીયાઓના શૌર્યના વર્ણનો કરતાં રાસડાઓ કે લોકદૂહાઓ‚ છપનિયોકાળ‚ મચ્છુ કે ભોગાવાની રેલ કે કોઈ વિનાશકારી આપત્તિ માનવી ઉપર પડી હોય તે સમયના વર્ણનો ધરાવતા પ્રાસંગિક ગીતો ઉપરાંત ધોળ‚ મંગળ‚ આરતી‚ થાળ‚ આંબો‚ હમચી‚ ટીટોડો‚ શણગાર‚ ધૂન‚ કિર્તન‚ લોકપદો‚ ઝીલણીયા‚ લોકબારમાસી‚ મહિના‚ તિથિ‚ વાર‚ પહોર‚ કક્કા‚ છકડિયા‚ ડીંગ વગેરે નામ ધરાવતા વિશિષ્ટ પ્રકારના લોકગીતો-પદ્યોએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિશિષ્ટ પરિમાણ બક્ષ્યું છે.

પરંપરિત‚ દેશી‚ રાગ‚ ઢાળ‚ તાલમાં ઊર્મિની મુકત અભિવ્યક્તિ થઈ શકે એવા નર્તન સાથે આ લોકગીતો સાહજીક રીતે જ લોકકંઠે સચવાતા રહ્યા છે. દરેકે દરેક થરના નોખા નિરાળા પ્રસંગોને કે બાળકથી માંડીને ડોસા ડગરાને‚ સાધુ સંતથી માંડી બહારવટીયા સુધીના પાત્રોને ગીત‚ વાર્તા‚ કહેવતો‚ નૃત્ય‚ નાટય કે સંગીત સાથે લોકોએ આજ સુધી જીવતા રાખ્યા છે. નાવણ‚ ભોજન‚ મુખવાસ અને પોઢણ સુધીની દરેક પ્રક્રિયાનું નિરુપણ લોકસંગીતના સથવારે‚ લોકનૃત્યના અંગમરોડે‚ લોકવિદ્યાના તાલે થતું રહ્યું છે.
લોકવાર્તાઓ

Folk Tale Of Saurashtra
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો પછી અત્યંત લોકપ્રિય પ્રકાર તરીકે લોકવાર્તાઓને મૂકી શકાય. લોકવાર્તાઓનો ઉદભવ અત્યંત પ્રાચીન સમયમાં થયો હશે એવું માનવામાં આવે છે. એમાં નામકરણ અથવા સંબોધનની દ્રષ્ટિએ-બાળકથા‚ પ્રેમકથા‚ વ્રતકથા‚ હાસ્યકથા‚ કહેવતો કે દ્રષ્ટાંતકથા‚ શૌર્યકથા‚ ચમત્કારલક્ષી અદભૂતકથા‚ દંતકથા‚ શિકારકથા‚ સાહસકથા‚ દંતકથા‚ સંતકથા જેવા પ્રકારો મળી આવે છે. વસ્તુની દ્રષ્ટિએ ધાર્મિક‚ પૌરાણિક‚ એતિહાસિક‚ અધએતિહાસિક‚ કલ્પિત કે કાલ્પનિક‚ ચમત્કારિક‚ રાજનૈતિક‚ અને આધુનિક વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓ. ઉદ્દેશની દ્રષ્ટિએ ઉપદેશ માટે‚ મનોરંજન માટે‚ ધર્મસંપ્રદાયબોધ માટે અને બુદ્ધિના વિકાસ માટે રચાયેલી વાર્તાઓ. વિષયની દ્રષ્ટિએ શૌર્ય પ્રધાન‚ પ્રેમપ્રધાન‚ હાસ્યપ્રધાન‚ નીતિપ્રધાન‚ કૂતુહલપ્રેરક તથા નિર્વેદપ્રધાન‚ ભક્તિપ્રધાન વાર્તાઓ‚ દેવી દેવતા સંબંધી‚ રાજા-રાણી સંબંધી‚ પ્રિયતમ-પ્રિયતમા સંબંધી‚ પશુ-પક્ષી-પ્રાણી સંબંધી‚ રાક્ષસ-ભૂતપ્રેત‚ ચૂડેલસંબંધી‚ જાદુમંત્ર-તંત્ર સંબંધી‚ સાધુ ફકીર સંત સંબંધી‚ શિકાર‚ બલીદાન કે વીરતાભર્યા પ્રસંગો સંબંધી વાર્તાઓ. હિન્દુધર્મ‚ ખ્રિસ્તિધર્મ‚ જૈનધર્મ‚ બૌદ્ધધર્મ‚ મુસ્લીમધર્મ સંબંધી વાર્તાઓ. કદની દ્રષ્ટિએ – લાંબી‚ ટૂંકી‚ સરળ‚ જટિલ‚ દુહાબદ્ધ કે ટૂચકા પ્રકારની વાર્તાઓ. રસની દ્રષ્ટિએ – શૃંગાર‚ વીર‚ અદભૂત‚ શાંત ‚હાસ્ય‚ કરુણ કે ભક્તિ રસની વાર્તાઓ. કાળની દ્રષ્ટિએ – પ્રાચીન‚ મધ્યકાલીન કે અર્વાચીન સમયની વાર્તાઓ‚ પ્રકૃતિની દ્રષ્ટિએ – સર્વદેશીય અને સ્થાનીય વાર્તાઓ જેમાં ઘટનાપ્રધાન‚ પાત્ર  કે ચરિત્રપ્રધાન‚ ભાવનાપ્રધાન‚ પ્રભાવપ્રધાન કે વિવિધ વિધાનપ્રધાન વાર્તાઓને ગણાવી શકાય.

કથનશૈલીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ તપાસીએ તો તેમાં (૧)પરંપરાગત સામાજિક કથનરીતિની વાર્તાઓ-જેમાં દાદીમાની-દાદાજીની વાર્તાઓ‚ વ્રતકથાઓ‚ બાળવાર્તાઓ‚ ટૂચકાઓ‚ કહેવતકથાઓ વગેરે ગદ્યમાં કે પદ્યમાં રજુ થતી વાર્તાઓ આવે.

(ર)વ્યવસાયી વાર્તાઓ Story Taler (જે લોકસાહિત્ય-લોકવાંઙમયના વાહકોની કથન શૈલી મુજબની પદ્યમય લોકવાર્તાઓ) જેમાં ચારણી શૈલીની‚ જેને રાજદરબારી વાર્તાઓ તરીકે ઓળખવામાં આવે તેવી ડાયરામાં કહેવાતી લોકવાર્તાઓ. જે વાદ્ય સાથે કે વાદ્ય વિના માત્ર ગદ્યમાં કે વચ્ચે વચ્ચે બીજી અનેક નાની મોટી વાર્તાઓ- ટૂચકાઓ આવતા જાય‚ વિવિધરસ ઉત્પન્ન કરવા અને રસ જમાવવા દષ્ટાંત રુપે આડકથાઓ પણ‚ આવતી જાય એવી સભારંજની શૈલીની કંઠ કહેણી અને કાવ્ય‚ શબ્દ‚ સૂર અને સંગીત એ ત્રણે તત્વોનો સમન્વય સાધીને શ્રોતોઓનો સમન્વય સાધીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી વાર્તાઓ.

(૩)બારોટ શૈલીની (જેમાં સિતાર જેવા તંતુવાદ્ય  સાથે રજુ થતી બારોટ રાવળ‚ ઢાઢી‚ મીર‚ લંઘા જેવી યાચક જાતિઓ દ્વારા વાર્તાની રજુઆત થતી હોય.) રાવણહથ્થા‚ સુંદરી કે રવાજ જેવા તંતુવાદ્યો સાથે રજુ થતી હરિજન‚ બારોટ‚ તૂરી વગેરે જાતિઓની શૈલીની લોકવાર્તાઓ.

(૪) ભાંડ વહીવંચા‚ ભરથરી‚ નાયક‚ બહુરુપી‚ મદારી વગેરે વિશિષ્ટ જાતિઓની પોતપોતાની વિશિષ્ટ કથનશૈલી ધરાવતી લોકવાર્તાઓ.

(૫) ભવાઈ રજૂ કરતાં પહેલા‚ ‘બેસણા’ સમયે‚ તરગાળા ભવાયા જાતિના કલાકારો દ્વારા રજુ થતી ભવાઈ શૈલીની વાર્તાઓ.

(૬) માણભટૃ કે કથાકાર બ્રાહ્મણો દ્વારા રજૂ થતી આખ્યાનશૈલી વાર્તાઓ.  આમ છ જેટલા વિભાગોમાં સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને વહેંચી શકાય.

સામાન્ય બોલચાલની-લોકબોલીમાં રજૂ થતી સામાજિક કથનશૈલીની વાર્તાઓ અને વિશિષ્ટ લોકવાર્તાઓના કથકો દ્વારા રજૂ થતી લોકવાર્તાઓમાં રજુઆતની દ્રષ્ટિએ ઘણો ફરક જોવા મળે છે. ધંધાદારી લોકવાર્તા કથકો દ્વારા રજુ થતી ડાયરાઓની વાર્તાઓમાં પરંપરિત લોકમુખે સચવાયેલી ઘટના કે કથા હોવા છતા મૌલિક સર્જકતાનો ઉન્મેષ જોવા મળે છે. કથાવસ્તુની પસંદગી અને એની ખીલાવટ‚ કહેણી‚ નાદવૈભવ‚ કંઠની તાકાત‚ ધારદાર મર્મીલી વેધકતા કવિત્વભરી કલ્પનાઓ‚ વર્ણનોમાં આલંકારિકતા અને લોકભાષાની બળુકાઈ જેવા તત્વો સાથે વાર્તાકારના હાવભાવ‚ સ્વરના આરોહ-અવરોહ અને અંગભંગી પણ અદભુત મોહિની પ્રસરાવી દ્યે.

પ્રેમ‚ શૌર્ય‚ ભક્તિ‚ શક્તિ‚ સૌંદર્ય‚ આદર-આતિથ્ય અને ખાનદાની જેવા તત્વો ધરાવતી લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર પ્રદેશની આગવી મૂડી છે.
લોકનાટ્ય – ભવાઈ

Folk Drama -BHAVAI
માનવજાત જ્યારથી સમજણી થઈ સમૂહમાં વસવા લાગી ત્યારથી સંગીત‚ ચિત્ર‚ નૃત્ય‚ નાટ્ય‚ શિલ્પ‚ સ્થાપત્ય વગેરે કલાઓનો જન્મ થયો. ભારતના જુદા જુદા પ્રદેશોમાં એ કલાઓ પ્રાદેશિક લક્ષણો અને સ્વરુપ પ્રકારો મુજબ વિકસતી આવી છે. લોકસંસ્કૃતિઓમાં ગીત‚ વાર્તાઓની સાથોસાથ લોકનાટ્યનું સ્વરૂપ પણ એ રીતે પ્રદેશભેદે-રામલીલા‚ જાત્રા‚ નૌટંકી‚ તમાશા‚ રાસલીલા‚ ભવાઈ‚ કે રામામંડળના નામે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ભવાઈ. ભવાઈની રજુઆત એક ચોકકસ જાતિ દ્વારા (ભવાયા‚ તરગાળા‚ વ્યાસ કે નાયક જાતિના કલાકારો દ્વારા) કરવામાં આવે છે. ગુજરાતની લોકનાટ્યની પરંપરા ભવાઈથી બંધાઈ હશે અને ભવાઈવેશોના આદ્યપુરુષ અસાઈત ઠાકર એમ મનાય છે. પરંતુ અસાઈતના સમય પહેલા પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં લોકનાટ્યની જુની પરંપરા સચવાઈ હશે એવા નિર્દેશો પ્રાચીન મંદિરોના શિલ્પ સ્થાપત્યોમાં મળતા ભવાઈ કલાકારોના શિલ્પો પરથી મળી આવે છે. એમાં ભુંગળ વગાડનાર‚ ઝાંઝ‚ પખવાજ‚ વગાડનાર અને અરિસામાં મોઢું રાખીને વિવિધ અભિનય કરનારા લોકોનાં શિલ્પો જોઈ શકાય છે. આમ‚ મંદિરો સાથેનો લોકનાટ્યોનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આપણી ભવાઈનો ઉદભવ પણ શક્તિ ઉપાસનાના માધ્યમ માટે થયો હશે એમ માનવામાં આવે છે. ગાયન‚ વાદન‚ નર્તન અને સાથોસાથ પ્રસંગકથનની આ કળાની ઉત્પત્તિ પણ અત્યંત પ્રાચીન સમયમાં‚ તમામ સંગીત‚ નૃત્ય‚ નાટ્ય‚ સ્વરૂપોની જેમ જ ધાર્મિક વિધિ વિધાનોના ભાગ રૂપે થઈ છે પણ ધીરે ધીરે એમાં ખુબ જ પરિવર્તન આવી ગયું છે. જેટલું મહત્વ શૃંગાર અને હાસ્યને અપાયું છે તેટલું મહત્વ ભક્તિ રસને નથી જ અપાયું પણ જીવાતા જીવનના સુખ દુખ‚ હર્ષ-શોક અને વિસંવાદિતાનું બયાન એમાંથી પ્રાપ્ત થાય છે.

ભવાઈના વેશો જે સ્થળે ભજવવાના હોય એ મેદાનને ‘ચાચર ચોક’ કહેવામાં આવે છે. અસાઈત ઠાકોર રચિત ભવાઈના વેશોમાંથી ગણપતિ‚ જૂઠણ‚ અડવો‚ ઝંડાઝૂલણ‚ છેલબટાઉ‚ મિંયાબીબી‚ જસમા‚ ઓડણ‚ સધરો જેસંગ‚ દેપાળ પદમણી‚ કાન-ગોપી-રામ-રાવણ‚ લાલવાદી-ફુલવાદી‚ કજોડાનો વેશ… વગેરે વેશોમાં જુના અંશો સચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ગ્રામજનતાનું સ્થાનિક મનોરંજન આવા ભવાઈ કાર્યક્રમો છે. એમાં ધાર્મિક‚ સામાજિક અને ઐતિહાસિક વસ્તુ ધરાવતા લોકનાટ્યના વેશો ભજવવામાં આવે છે. ભવાઈનું સંગીત વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભૂંગળ‚ પખવાજ‚ ઝાંઝ ને પતરાના ડબ્બા જેવા સંગીત સાધનો- સાજ દ્વારા લોકઢાળ અને જુદા જુદા રાગોની દેશીઓનું ગાન નૃત્ય સાથે કરવામાં આવે છે. સંવાદ‚ અભિનય‚ નૃત્ય અને સંગીત એ ચારે અંગોનો સમન્વય ભવાઈમાં થતો હોય છે. તદન મયાર્દિત વેશભૂષા‚ પ્રકાશ આયોજન કે વેશભૂષાનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક રીતે લોકોનું મનોરંજન પૂરું પાડનાર આ લોકનાટય પ્રકારનો સમાજ સુધારણાના કાર્યો માટે પણ અવાર્ચીન સમયના રેડિયો ટી.વી. જેવા માધ્યમો ઉપયોગ કરે છે.
વરત(ઉખાણા)‚ કહેવતો અને લોકોક્તિઓ

Folk Speak & Illustration
સૌરાષ્ટ્રના લોકસાહિત્યના પ્રકીર્ણ પદ્ય સ્વરુપોમાં વરત‚ પદ્યમય કહેવતો‚ લોકોક્તિઓ‚ જોડકણાં‚ ભડલીવાક્યો‚ વરતારા‚ રેડી‚ શલોકા વગેરેને ગણાવી શકાય. તત્કાલીન લોક જીવનની આછી રેખાઓ એમાં સ્પષ્ટ રીતે ઉઠેલી જોવા મળે છે. એમાં લોકોના ગૌરવ‚ ખુમારી‚ વાત્સલ્ય‚ પ્રેમ‚ વિરહ‚ બલીદાન‚ દર્દ‚ આંસુ‚ પ્રકૃતિ સાથેના સંબંધ સહજીવનની સુવાસ‚ જુદી જુદી કોમ-જાતિઓની લાક્ષણિકતા પ્રાદેશિક વિશિષ્ટતાઓ વગેરે તત્વો સરળ‚ સીધા અને યાદ રહી જાય એટલા ટૂંકા શબ્દોમાં લોકકંઠે રમતા રહ્યા છે. સૂત્રાત્મકતા‚ સંક્ષિપ્તતા‚ તીક્ષ્ણતા‚ તીવ્રતા અને લોકપ્રિયતા જેવાં લક્ષણો આ પ્રકીર્ણ લોકસાહિત્ય સ્વરૂપોમાં જળવાતાં આવે છે. એક એક કહેવત પાછળ લોક જીવનનો મર્મ છૂપાયો હોય એવી કથાઓ છૂપાયેલી હોય છે.

લોકવાણીની તાકાત પૂરી ત્રેવડથી કહેવતો વરત ઉખાણા કે લોકોક્તિઓમાં શબ્દબદ્ધ થયેલી જોવા મળે છે. માનવીના જીવનનો‚ જીવન અનુભવોનો નીચોડ એમાં સંગ્રહાયેલો દેખાય. ઘણું કરીને એક બે જ પંક્તિમાં શકય એટલા લાઘવથી લયાત્મક શબ્દોમાં રોજબરોજના જીવનમાં અનુભવાતા કડવા-મીઠા તમામ અનુભવોનું ભાથું એમાં સચવાયું હોવાને કારણે લોક જીવનના અભ્યાસીઓ માટે લોકસાહિત્યના અન્ય અંગોની માફક આ પ્રકીર્ણ લોકસાહિત્ય પ્રકારો પણ એટલા જ મહત્વપૂર્ણ બની રહે છે.

આમ‚ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય તેની તમામ પ્રાદેશિક લાક્ષણિકતાઓ વડે સભર રસભર્યું સાહિત્ય છે. સૌરાષ્ટ્રમાં વસતાં તમામ જાતિ-કોમ-વર્ણના માનવીઓ આ ‘લોકસમુદાય’માં સમાવિષ્ટ છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં લોકસંસ્કૃતિ અને શિષ્ટસંસ્કૃતિ એવા ભેદ ઓછા જોવા મળે છે. તમામ જાતિ‚ ધર્મ‚ સંપ્રદાયના સ્ત્રી-પુરૂષો દ્વારા સંઘગાન-સમૂહગાન રૂપે અવતરેલું આ લોકવાંઙમય ટૂંકાં છતાં ઊર્મિસભર લોકગીતો-લોકવાદ્યો- લોકોક્તિઓ અને લોકદુહાઓમાં વિશેષ ખીલ્યું છે.

જેનું સર્જન લોકબોલીમાં જ થયું હોય છે ; જેનો સર્જક અગ્નાત છે  ; જેનો તત્કાલ આરંભ થાય‚ ધસમસતો વેગ હોય ; પ્રદેશે-પ્રદેશે‚ જાતિએ-જાતિએ‚ સમયે-સમયે પાઠાંતરો થતાં રહે ; જેમાં શબ્દ‚ સ્વર‚ ગતિ અને તાલનો સમન્વય છે ; સમૂહને કંઠે ચડીને ટકી શકે એવી સરળ શબ્દાવલી છે ; જેમાં પુષ્કળ પુનરાવર્તનો થયાં કરે છે ; જે મૌખિક રૂપે જ જળવાતું આવ્યું છે ; જેમાં પરંપરાનું અનુસરણ થતું રહે છે ; જેમાં કથા કે સંગીતનું તત્વ સર્વજન પરિચિત હોય છે ; જેનો હેતુ મનોરંજન‚ ઉપદેશ‚ જ્ઞાન‚ ઈતિહાસની જાળવણી કે કામનો બોજો હળવો થાય એ માટેનો હોય છે‚ અને જે સર્વભોગ્ય સાહિત્યપ્રકાર છે એવું આ લોકવાંઙમય લોકસંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે.
લોકસંગીત

Folk Music Of Saurashtra
લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે તેટલું જ‚ કયારેક તો શબ્દથી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે‚ સ્વર સાથેનો શબ્દ તે જ લોકવાંઙમય. ઉચ્ચારાતો-લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય. જેમાં શબ્દ‚ સૂર અને તાલ મળે એટલે ભાવ ઉત્પન્ન થાય.

લોકજીવનના દરેક ક્ષેત્રમાં માનવીએ સંગીતનો સહારો લીધો છે‚ લોકસંસ્કૃતિને લોક જીવનને સુમધુર કરનારૂં તત્વ હોય તો તે છે લોક સંગીત. એમાં તમામ માનવભાવો સ્વરબદ્ધ થયા હોય છે‚ લોકસંગીતનો ઉદભવ જ માનવ સંવેદનાઓના ઉદભવ સાથે થયો છે‚ જ્યારે આદિ માનવીએ પોતાના હદયના ભાવોને વ્યકત કરવા સૂરનો સહારો લીધો ત્યારે સ્વયંભૂ‚ સ્વર‚ લય‚ તાલ અને શબ્દાવલીનું સહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટ થયું લોકસંગીત.

મીઠી-મધુરી કર્ણપ્રિય લોકધૂનો જે યુગોથી લોકોના કંઠમાં-તન-મન-પ્રાણમાં વસી રહી છે‚ અને તેના મોહક માદક સ્વભાવને કારણે કયારેય ભૂલી શકાય નથી એનો પ્રારંભ કયારે થયો હશે‚ એનો ઉદભવ કોણે કર્યો હશે તેનો કોઈ જ ઈતિહાસ આપણને મળતો નથી. પણ‚ ઝરણાંના કલકલ મધુર ધ્વનિ‚ પક્ષીઓના કલબલાટ‚ પશુઓની ત્રાડો‚ પવનના સૂસવાટા‚ મેઘગર્જના‚ દરિયાના હિલ્લોળનો સંબંધ જેમ નાદ સાથે છે તેમ લોકસંગીત પણ આ પ્રકારના જુદા જુદા ધ્વનિ સંકેતો દ્વારા જન્મ પામ્યું છે.

સંગીતના ઈતિહાસમાં લોકસંગીત આદિ સ્થાન ધરાવે છે. ભારતીય સંગીતનો ઈતિહાસ સામવેદ જેટલો જૂનો છે પણ એ સામવેદની રચના થઈ હશે એ પહેલાં પણ લોક જીવનમાં લોકસંગીતના સ્વરો વહેતા હશે એવું માનવામાં આવે છે. લોકસંગીતમાંથી જ શિષ્ટ-શાસ્ત્રીયસંગીતનો જન્મ થયો છે.
લોકસંગીતના લક્ષણો

Definition & Property Of Folk Music
લોકસંગીતના મુખ્ય લક્ષણોમાં કૃત્રિમતાનો અભાવ‚ સહજ‚ સરળ તદન ઓછા સ્વરો દ્વારા પ્રગટ થતું માધુર્યૅ‚ નૈસર્ગિક‚ પ્રાકૃતિક સ્વર અને તાલનો સમન્વય પરંપરાગત રીતે ઉતરી આવેલો સંસ્કારવારસો‚ પ્રદેશે-પ્રદેશે વૈવિધ્ય‚ યુગોથી સચવાતા આવેલા સ્વરોનું સંયોજન અને પ્રસંગ કે ભાવને અનુકૂળ તાલ‚ રાગ‚ ઢાળ‚ જેવા તત્વો ગણાવી શકાય. સાધારણતયા ત્રણથી માંડીને ચાર‚ પાંચ કે છ કે સાત સ્વરોમાં (લોકગીતોમાં તો બહુધા પાંચ કે તેથી ઓછા સ્વરોમાં) લોકસંગીત સીમિત હોય છે. એની સાથે જોડાઈ હોય છે સંઘગાન રુપે લોકનૃત્ય અને લોકવાંઙમયની રચનાઓ.

કોમળ‚ સરળ‚ ઢાળ‚ સહજ તાલ અને લયનું રહસ્ય હોય એવા લોકસંગીતની અભિવ્યક્તિ આકર્ષક હોય છે. લોકસંગીતએ અભ્યાસ કે રિયાઝનો વિષય નથી‚ લોકોને જન્મથી જ મળ્યું હોય છે. એ સ્વરો ઉત્તેજક નહિં પણ ઉત્સાહપ્રેરક હોય છે. અને એમાં કોઈ ચોકકસ શાસ્ત્રીયબંધારણ હોતું નથી. એકનું એક ગીત પ્રદેશે-પ્રદેશે કે સમયે સમયે જુદા જુદા રાગ‚ તાલ‚ ઢાળમાં ગાઈ શકાય અને છતા એ તમામ રાગ પરંપરિત હોય. સર્વભોગ્ય એવું આ સ્વરસંયોજન વારસાગત રીતે જ ઊતરી આવ્યું હોય છે તેથી તેને શીખવા કોઈ જ પ્રકારનો આયાસ કરવો પડતો નથી.

ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અઘરા આરોહ-અવરોહ નથી જોવા મળતા. લોકસંગીતનું સંગીત આરોહનું નહીં અવરોહનું સંગીત છે. શાસ્ત્રીય રાગોમાં આરોહી સંગીત હોય છે જ્યારે સૌરાષ્ટ્રના લોકગીતોમા બહુધા અવરોહી સંગીત મળે છે. એમાં પણ પ્રધાનતા સ્વરની નહીં પણ ઊર્મિ કે ભાવની હોય છે. લોકવાંઙમયનો પૂરેપૂરો અર્થ અને ભાવ લોકસંગીતના સથવારે જ સ્ફૂટ થાય છે.

સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના અભ્યાસી અને મરમી સંશોધક શ્રી જયમલ્લભાઈ પરમારે લખ્યું છે ‘લોકસંગીતમાંથી ગાયન‚ વાદન અને નર્તનની ત્રણે ય પાંખો વિકસી છે‚ એટલે કે લોકસંગીતમાં રાગ છે પણ નિયમબદ્ધ થયેલા શાસ્ત્રીય રાગના પૂર્ણ સ્વરો નથી‚ વાદ્યો છે પણ એના સ્વર કે તાલ શાસ્ત્રીય ચોક્કસ બંધારણ નથી…’

આપણા લોકસંગીતમાંનું સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં જૂદાં પ્રકારનું છે. કુદરતી રીતે ખૂબ જ આકર્ષક લાગતું આ ધ્વનિ માધુર્ય સમૂહગાનને કારણે જળવાયું છે. એક જ ધૂનમાં અનેક ગીતો ગાઈ શકાય કે એક ગીતને અનેક ધૂનમાં ગાઈ શકાય એવી સરળતા એમાં કોઈ બંધન-ચોકકસ સ્વરલિપિ-નિશ્વિત બંધારણ નથી એ કારણે છે. શબ્દ અને સ્વરોનું આવર્તન એ લોકસંગીતનો પ્રાણ છે. સંગીતનો લય સાચવવા‚ તાલ સાચવવા ‘એ…’‚ ‘એ…જી…રે’‚ ‘હે…જી…રે’‚ ‘રે…’‚ ‘લોલ…’‚ ‘માણાં રાજ…’‚ ‘હાં…હાં…હાં…’ જેવા સ્વરો લોકગીતોમાં ઉમેરવામાં આવે છે. સામવેદમાં જેને વર્ણસ્તોભ‚ પદસ્તોભ અને વાકયસ્તોભ તથા કયાંક કયાંક માત્રાસ્તોભને નામે ઓળખવવામાં આવ્યા છે તેવા પ્રયોગો લોકસંગીતમાં અનેક જગ્યાએ જોવા મળે.

સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અનેક જાતની વિશિષ્ટતાઓનો તથા અનેક પરંપરાઓનો સમન્વય થયેલો જોવા મળે છે. શૈવ‚ શાક્ત‚ વૈષ્ણવ‚ બૌદ્ધ‚ જૈન‚ ઈસ્લામ એમ અનેક ધર્મ-પંથ- સંપ્રદાયોના આગવા સંગીત સંસ્કારાનો લોકસંગીત ઉપર પ્રભાવ પાડયો છે.

સામાન્ય રીતે ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસંગીતમાં સારંગ‚ માઢ‚ પીલુ‚ કાફી‚ ધનાશ્રી‚ કેદાર‚ ભીમપલાસી‚ બિહાગ વગેરે શાસ્ત્રીયરાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીયરાગોના શુદ્ધ બંધારણ મુજબના તમામ સ્વરો લોકગીતોમાં પ્રયોજાતાં નથી.

કેરવા‚ ધમાર‚ ત્રિતાલ‚ હીંચ‚ દાદરા‚ દીપચંદી‚ લાવણી‚ ખેમટો‚ તેવરા‚ મણિયારો‚ દોઢિયો જેવા તાલ લોકસંગીતમાં પ્રયોજાય છે. લોકસંગીતના આ તાલ પણ નિયમબદ્ધ હોતા નથી. એની ચોકકસ આટલી જ માત્રાઓ એમ જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્વિત હોય છે તેમાં લોકસંગીતના તાલોની માત્રામાં વધઘટ જોવા મળે. લોકગીતના શબ્દો અને ભાવ મુજબ એમાં માત્રાની વધઘટ થાય‚ ગાયકની પ્રકૃતિ અનુસાર પણ લોકસંગીતનો વાદક તાલમાં વધઘટ કરી શકે. છતાં પરંપરા અનુસાર એ સ્વૈચ્છિક બંધનમાં પણ હોય. જે ગાયકને અને નર્તકોને એક ચોકકસ લયમાં જાળવી રાખે.
લોકવાદ્યો

Folk Instruments Of Saurashtra
સૌરાષ્ટ્રમાં લોકસંગીત માટે ચાર પ્રકારનાં લોકવાદ્યોનો ઉપયોગ થાય છે.

(૧)આનદ્ધ વાદ્યો – ઢોલ‚ ઢોલક‚ ડાક‚ ડમરૂં‚ નગારું‚ ત્રાંસા અને નોબત વગેરે… ચામડાંથી મઢેલાં તાલવાદ્યો.

(ર) સુષિર વાદ્યો – પાવો‚ જોડિયા પાવા‚ બંસી‚ શરણાઈ‚ શંખ‚ શીંગી‚ ભુંગળ અને મદારીની મોરલી વગેરે

(૩) તંતુવાદ્યો – એકતારો રામસાગર‚ તંબૂર‚ રાવણહથ્થો‚ જંતર‚ દેશી સિતાર વગેરે…

(૪) ઘન વાદ્યો – મંજીરાં‚ ઝાંઝ‚ કરતાલ‚ દાંડિયા‚ ઝાલર‚ ઘંટ વગેરે…

લોકસંગીતની વર્તમાન પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં આજે લોકસંગીત ઉપર શાસ્ત્રીયસંગીત‚ સુગમસંગીત‚ ફિલ્મીસંગીત‚ પશ્ચિમના મનોરંજક સંગીતે રીતસરનું આક્રમણ કર્યું છે. ધીરે ધીરે સમૂહગાન ઘસાતું ગયું લોકનૃત્ય વિસરાયા‚ લોકગીતોનાં ધંધાદારી ગાયકોએ આધુનિક પશ્ચિમી સંગીતના સાધનોનો ઉપયોગ શરૂ ર્ક્યો અને પરંપરાગત લોકસ્વરને સ્થાને નવા સ્વરો‚ કંઠની હરકતો ને કરામતોની કસરત શરૂ કરી છે. એકાદ જાણીતા ગાયકની નબળી નકલખોરી હજારો કલાકારો કરવા લાગ્યા છે પરિણામે મૂળ‚ પરંપરિત રાગ‚ તાલ‚ ઢાળ‚ ઢંગ‚ વિસરતા ચાલ્યા છે. શહેરીકરણ‚ ઓદ્યોગિકરણ‚ પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે.

આજે ગુજરાત સૌરાષ્ટ્રની આગવી લોકસંસ્કૃતિ કે લોકસંગીતનું પ્રતિનિધિત્વ કરતા કલાકારો કે કલાકારોની મંડળીઓ જે કલા રજૂ કરે છે તેમાં નૈસર્ગિક સ્વરૂપ જળવાયું નથી‚ પણ દર્શકો અને શ્રોતાઓને મનોરંજન કરવાના હેતુથી એમાં અનેકવિધ ફેરફારો કરવામાં આવે છે. સ્વર‚ તાલ‚ ઢાળ કે લોકનૃત્યોમાં અનેક જાતનાં પરિર્વતનો આવ્યાં છે. મિશ્ર ગાયકીની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે‚ જેમાં રચના લોકપરંપરાની લોકસંગીતની હોય પણ સુગમસંગીત‚ ફિલ્મી સંગીત અને રાગદારી સંગીતનું મિશ્રણ કરવામાં આવે છે‚ જેથી શુદ્ધ રાગ પણ બંધાય નહીં અને લોકસંગીત મરી જાય. ત્યારે જરૂરત છે ‘લોકવિદ્યા સંશોધન ભવન’ની ‘ઈન્સ્ટિટયૂટ ઑફ ઍથનિક આર્ટસ’ની. જેમાં ગુજરાતના તમામ પ્રકારના ગ્રામીણ પરંપરિત કલાકારોની ક્ષેત્રકાર્ય દ્વારા ભાળ મેળવી તેની પાસે સચવાયેલી સામગ્રી અને પરંપરિત સૂર-તાલ-ઢંગ ઢાળ-નૃત્યનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિઅંકન થતું હોય‚ અને તેની કલાનો સર્વાંગી અભ્યાસ કરી જગત સામે એના મૂળ પરંપરિત પ્રસ્તુત કરવામાં આવે. ભૌગૌલિક પરિમાણ મુજબ દરિયાકાંઠાની જાતિઓમાં‚ વનવાસી આદિવાસી જાતિઓમાં‚ રણવિસ્તારની જાતિઓમાં મોટા શહેરોની આજુબાજુના ગામડાંઓમાં અને દૂરના ગામડાંઓમાં સચવાયેલી સામગ્રી તથા વ્યવસાય મુજબ માલધારી‚ ખેડુત‚ માછીમાર‚ ખલાસી દરિયાખેડુ‚ મજુર‚ વ્યાપારી એમ વિવિધ વ્યવસાયો કરતી લોકજાતિઓમાં સચવાયેલી લોકવિદ્યાઓ લોકસંસ્કૃતિ લોકવાંઙમય અને લોકસંગીતની સામગ્રીનું સંકલન-સંશોધન-સંમાર્જન-સંપાદન-સંરક્ષણ થતું હોય અને પછી એનું આંતરવિધાકીય મૂલ્યાંકનપદ્ધતિથી પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન પણ થતું હોય.પણ‚ આવાં સપનાં ક્યારે સાચાં પડે ?

અત્યારે તો ચાલો‚ મારી પાસે ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિમુદ્રિત સ્વરૂપે મળેલી સામગ્રીમાંથી‚ મારા કંઠમાં જે મૂળ પરંપરિત સ્વર ઢાળ‚ દેશી મૂળ ઢંગ અને તાલ ઉતારી શક્યો છું એનું આચમન કરીએ. તમામ જનસમુદાય ઝીલી શકે એવા સર્વભોગ્ય સરળ સીધાસાદા બહુ ઓછા સ્વરોની બાંધણી હોવા છતાં એ અલ્પ સ્વરોના આરોહ-અવરોહનાં આવર્તનોથી એક જાતનું જે સંગીત માધુર્ય ખડું થાય એનો રસ માણીએ.

(૧) સિમંત ગીત –

લીપ્યું ને ગુંપ્યું મારું આંગણું‚ પગલીનો પાડનાર દ્યો ને   રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

રોટલા ઘડીને ઊભી રહી ચાનકડીનો માગતલ દ્યો ને રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

(ર) હાલરડાં –

ઓળી ઝોળી પિપર પાન‚ ફઈએ પાડયું રામજી નામ..

ભાઈલો મારો ડાહ્યો…‚ પાટલે બેસી નાયો…પાટલો ગયો ખસી‚ ભાઈલો આવ્યો હસી… હાં… હાં… હાં…

(૩) લગ્નગીતો

Marriage Songs

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠ કે ફરતી મેલો ને કંકાવટી

તેડાવો રે કાંઈ પાટણ શેરના જોશી‚ કે આજ મારે લખવી છે કંકોતરી…

મોર જાજે ઊગમણે દેશ ; મોર જાજે આથમણે દેશ‚ વર તું જાજે રે વેવાયું ને માંડવે હો રાજ…

એસા ને અલબેલા.મનોજભાઈ ઊભા રયો એકવાર…વિદ્યાનગર શેરના ચોકમાં વીરા ! શેણે લાગી વાર….ઢોલીડા રીઝવતાં બેની ! અમને એણે લાગી વાર…

તારા નખના પરવાળા જેવી ચૂંદડી રે  તારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાયબજાદી ચૂંદડી રે…

પેલું પેલું મંગળિયું વરતાય‚    કે પેલે મંગળ ગાયુંના દાન દેવાય…

કોયલ બેઠી આંબલિયાની ડાળ‚   મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે… માણાં રાજ… હોંશીલા વીરા – તમે કોયલને ઉડાડો આપણ દેશ…

(૪) કન્યાવિદાય –

એક આવ્યો તો પરદેશી પોપટો  બેની રમતા’તાં માંડવ હેઠ ધૂતારો ધૂતી ગિયો…

બેની – મેલ્યાં ઢીંગલ મેલ્યાં પોતીયાં  બેની મેલ્યો છે સૈયરૂંનો સાથ‚ મેલીને હાલ્યાં સાસરે…

(પ) રાસ અને રાસડા

Circular dance accompanied with singing

રાધાજીના ઊંચા મંદિર નીચાં મોલ‚ ઝરૂખડે દીવા બળે રે લોલ…

રાધા ગોરી ગરબે રમવા આવો‚ સાહેલીયું ટોળે વળે રે લોલ…

આવી રૂડી અંજવાળી રાત‚  રાતે તે રમવા નીસર્યારે માણાંરાજ…

રમ્યાં રમ્યાં કાંઈ પોર બે પોર‚ સાયબોજી તેડાં મોકલે રે માણાંરાજ…

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો‚ માતાજી રમવા મેલો રે રંગ ડોલરિયો…

જોડ જોતાં તે જોડલું જડી ગિયું રે લોલ… કરમ આડેથી પાદડું ખસી ગિયું રે લોલ…

હવે થોડી રહી પ્રીત ઝાઝું બોલ્ય મા રે લોલ… ફળ પાક્યા વિનાનું કાચું તોડય મા રે લોલ…

ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં લીલી નાઘેરમાં ને હરિ વનરાઈમાં…

મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો‚ મારા મૈયરનો રે મારા રે પિયરનો..

મારા હિરાગર મોરલા ઊડી જાજે…

ઢોલીડા ઢોલ રે વગાડય મારે હિંચ લેવી છે…

કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે…

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ… ચાંદો ઊગ્યો ચોકમાં…

મારા લેરિયામાં લાગી લૂંટાલૂંટ રે નણદલ માગે લેરિયું રે બાઈ…

વા વાયા ને વાદળ ઊમટયાં‚ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા…

હું તો ઢોલે રમું હરિ સાંભરે રે…

ચંદન તલાવડી રોકી કાનુડે‚ જળ ભરવા નો દિયે કાનુડો મારી ખેધે પડયો છે…

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા…

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મીઠુડી મોરલી વગાડતા રે લોલ…
(૬) કથાગીતો

Folk Ballads of Saurashtra
માડી ! હું તો બાર બાર વરસે આવીયો માડી ! નો દીઠી મારી પરમાર રે જાડેજી મા..મોલ્યુંમાં દીવડો શગે રે બળે…

આભમાં ઝીણી ઝબુકે વીજળી રે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી !  નૈં રે જાવા દઉં વેરણ ચાકરી રે…

વેલ્યું છૂટિયું વાડીના વડ હેઠય એવા ધોરીડા બાંધ્યા રે વડને વાંકિયે….

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી  બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી…

બાર બાર વરસે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યાં જી રે…

સોનલ રમતી ગઢડાને ગોખ જો રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

(૭) ભવાઈગીતો –

કે મું ને ઝીણી ઝીણી વાય છે ટાઢ લાલ સનેડો…

(૮) દુહા –

એક આવ્યે દુઃખ ઉપજે‚ એક આવ્યે દુઃખ જાય ;  એક પરદેશે ગિયો સાંભરે‚ એક પાસે બેઠો ન પોસાય.

(૯) મણિયારો –

આજ રે જોધાણા ગઢને મારગે રે ઘોળી જાઉં‚ ઝીણી રે ઊડે છે રે ગુલાલ ;

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚ વાંકલડી મૂંછારો રે મણિયાર…

ઊંચી રે ચડું ને નીચે ઊતરું રે ઘોળી જાઉં‚ જોઉં રે મણિયારા તારી વાટ ;

મણિયારો રે જિયો ગોરલ જો સાયબા રે‚ ભૂંભળિયા નેણાં રો રે મણિયાર…

તારા રે દેશમાં આંબા આંબલી રે ઘોળી જાઉં‚ મારા રે દેશમાં રે દાડમ ધ્રાખ ;

કોઈ રે મૂલવે હીરા મોતીડાં રે ઘોળી જાઉં‚ મેં તો રે મૂલવિયો રે મણિયાર…

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો રે કેસરિયા દુપટારો રે મણિયાર…
સંદર્ભગ્રંથ સૂચિ

Reference Books For Gujarati Folklore

૧.    લોકસાહિત્યનું સમાલોચન               ઝવેરચંદ મેઘાણી

ર.       લોકસાહિત્ય (ધરતીનું ધાવણ ૧ – ૨)   ઝવેરચંદ મેઘાણી

૩.    રઢિયાળી રાત (ભાગ ૧ થી ૪)          ઝવેરચંદ મેઘાણી

૪.      આપણી લોકસંસ્કૃતિ                   જયમલ્લ પરમાર

પ.   લોકસાહિત્ય તત્વદર્શન અને મૂલ્યાંકન   જયમલ્લ પરમાર સં.બળવંત જાની

૬.    લોકસાહિત્ય વિમર્શ     જયમલ્લ પરમાર

૭.    લોકસાહિત્ય અને સંસ્કૃતિ                 જયમલ્લ પરમાર

૮.      ગુજરાતમાં સંગીતનું પુનરુજ્જિવન       નારાયણ મોરેશ્વર ખરે

૯.    ગુજરાતી લોકસાહિત્ય                    ડો.હસુ યાજ્ઞિક

૧૦.   લોક વાંઙંમય                            કનુભાઈ જાની

૧૧. ગુજરાતનાં લોકવાદ્યો                     ઇન્દ્રશંકર રાવળ

૧ર.      લોકવાર્તા                                પુષ્કર ચંદરવાકર

૧૩.  લોકામૃત                                 પુષ્કર ચંદરવાકર

૧૪.  લોક દ્વારેથી                                    પુષ્કર ચંદરવાકર

૧પ.  ‘લોક ગુર્જરી’ના અંકો               પ્રકા.લોકસાહિત્ય સમિતિ

૧૬.  ‘ઊર્મિ નવરચના’ના અંકો                 સં.જયમલ્લ પરમાર

૧૭.  ‘વીરડો’ના અંકો                          સં.હરેન્દ્ર ભટૃ

૧૮.      ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો                   હરકાન્ત શુકલ

૧૯. લોકસાહિત્ય – વિભાવના અને પ્રકાર    ડો.હસુ યાજ્ઞિક

૨૦. ગુજરાતની લોકવિદ્યા           ડો.હસુ યાજ્ઞિક

૨૧. લોકવિદ્યા વિજ્ઞાન          ડો.હસુ યાજ્ઞિક

અને શ્રી નિરંજન રાજ્યગુરુ નો ખુબ ખુબ આભાર 

લી. ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર).

મઢડાવાળા : શક્તિસ્વરૂપા આર્ષદૃષ્ટા આઈ સોનબાઈમા

Standard

મઢડા તા.:- કેશોદ જી.:- જૂનાગઢ
સદ્ અને અસદ્, ઇષ્ટ અને અનિષ્ટ, ધર્મ અને અધર્મનાં તુમુલ યુદ્ધોનો સિલસિલો આજે પણ જારી છે. માનવીના એક જ ખોળિયામાં આ બે તત્ત્વો, વિચારધારાનાં આંતર્દ્ધન્દ્ધો યુગોથી ચાલ્યાં આવે છે. દરેક ધર્મોના મૂળમાં રાક્ષસીવૃત્તિને પરાસ્ત કરવાનો સંસ્કાર ધરબાયેલો છે. સંતો, ભક્તો અવતાર પુરુષોએ ધર્મ સંસ્થાપન માટે તેમના અથાક પ્રયત્નો કર્યા છે, પરંતુ આ બધામાં નારી શક્તિમાં વિજયગાનનો ઉદઘોષ સતત સંભળાયો છે. 
અંધશ્રદ્ધા, કુરિવાજ, વ્યસનો, ઊંચનીચના ભેદ, માનવીય મૂલ્યોનો હ્રાસ થતો હોય ત્યાં આસૂરીવૃત્તિ અલગ સ્વરૂપે સક્રિય હોય છે. ગુજરાતથી માંડીને બલુચિસ્તાનમાં સીમાડા સુધી ચારણ આઈ પરંપરામાં ઉજ્જવળ અવતારોએ સામાજિક ચેતનાને બેઠી કરી આસુરી વૃત્તિ સાથે ભીડવવાનું કામ કરીને એક અનોખી કેડી કંડારી છે. 
આ ચારણ આઇઓના યુગધર્મને કે કાર્યક્ષેત્રને ઓળખવા માટે સમાજ ક્યાંક થાપ ખાઈ ગયો છે. બહુજન સમાજ આજે પણ તેમની પુણ્યજ્યોતના પ્રકાશે આશ્વસ્ત થઈને બેઠો થાય છે. જૂનાગઢ જિલ્લાના કેશોદથી આથમણી દિશાએ આવેલા મઢડા ગામે એક દીપશિખા પ્રગટી, જેને સમગ્ર ચારણ સમાજ અને વિવિધ ચારણેતર કોમ ‘આઈ સોનબાઈ’નાં નામથી ઓળખે છે. આઈમાને સદેહે જોનાર લોકોની મુખેથી સાંભળેલું વર્ણન આ મુજબ છે. 
તેજોમય ગૌર વાન ઊંચી દેહકાઠી જેની સામે આંખ ન માંડી શકાય તેવી વેધક આંખો, કાળા કેશકલાપ સૌમ્ય છતાં પણ પ્રબળતા પ્રગટાવતો સ્વભાવ, સાત્વિક આહારથી પુષ્ટ દેહદૃષ્ટિ, જીમી, કાપડુ અને ભેળીયો અસલ ચારણ આઈઓના પહેરવેશ, પગમાં કાંબીયું અને ધીર-ગંભીર ચાલ હજાર માણસોની નજર તેમના પર મંડરાઈ રહે તેવું ચુંબકીય વ્યક્તિત્વ તત્કાલિન રાજ્ય સંસ્થાનો ભાવનગર, મોરબી, પોરબંદર, સાણંદ, જૂનાગઢ, કુતિયાણા, માણાવદર વગેરે વિસ્તારોમાં ફેલાયેલું છે. કાઠી, મહિયા અને મેર સમાજ જેની સંપૂર્ણ અદબ રાખતો તેવા અસામાન્ય વ્યક્તિત્વનાં ધની આઈ સોનબાઈ માએ પોતાનું અવતારી કાર્યક્ષેત્ર કંઈક જુદું જ કંડાર્યું. 
તેમણે જોયું કે દારૂ, જુગાર, અફીણનાં વ્યસનોમાં ચારણ સમાજ ડૂબેલો છે. એક સગી જનેતાની જેમ જાહેરમાં વઢતાં. અંધશ્રદ્ધાની સામે પડ્યાં, ધૂણવું, દાણા જોવા, પશુ બલિદાનોની વરવી વાસ્તવિકતાને શ્રદ્ધાનાં નામ સાથે જોડતા ભૂવા, ભારાડીની બોલતી બંધ કરી દીધી. કજોડાં લગ્નો, કન્યાવિક્રય, વિધવાઓને સંતાપવું, આળસને પરિણામ ભોગવવાતી આર્થિક સંકળામણો હુંસાતુંસી, પેઢી દર પેઢીના વેર, ખૂનોની પરંપરા, અપૈયા અને આકરી પ્રતિજ્ઞાની આત્મવંચનામાં ગળાડૂબ સમાજનું આ બળૂકા દૈવત્યે કાંડું પકડ્યું. સમાજને બેઠો કરી હામ પૂરી પાડી. મા એ આ બધાં આસૂરી કર્મોનું મૂળ શોધી લીધું હતું. શિક્ષણનો અભાવ, અક્ષર જ્ઞાન વગર દિશાઓ નહીં ઉઘડે, શરૂઆત પોતાનાથી કરી. તેઓ ખુદ પ્રશિક્ષિત થયાં. રામાયણ, મહાભારત, ચારણી સાહિત્યમાં હરિરસ, દેવીયાણ, અવતાર ચરિત્ર જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. અભિજાત સંસ્કારને લઈને કવિતાઓ પણ રચી. કાગબાપુ અને પિંગળશીબાપુ જેવા વિદ્વાન ચારણોને વિચારતા કરી દે તેવા નવા તર્કો આપ્યા. 
સુષુપ્ત સમાજમાં ચેતના લાવવા પ્રવાસો કર્યા. નજરે ચડેલા આપ્ત જ્ઞાતિબાંધવોનાં પતનને જોઈ સગી જનેતા રાણબાઈમાની વિદાયે ન રોનાર આઈ સોનબાઈ ખૂબ રડ્યાં. સંકલ્પ કર્યો કે મારી ચારણની દીકરીઓ શિક્ષિત નહીં બને ત્યાં સુધી હું ‘આઈ’નહીં. સ્વમાન સાચવીને ફંડ માટે ચારણોને પ્રેર્યા. ગીતાકારે કીધું છે કે, હે ! પાર્થ! શુભ સંકલ્પોનો ક્યારે નાશ થતો નથી. પરિણામે ગામેગામ શાળા અને બોર્ડિંગ બાંધવા પ્રણ લેવાયા. ખવડાવીને રાજી થનાર ‘આઈ’ અન્નપૂર્ણા જ હતાં. બીજી જરૂરિયાતો અને અતિથિઓ પૂરતો રોટલો અને ઓટલો હતો. સહૃદયતાથી, ફરજના ભાગરૂપે રાજવીઓ મોંઘી મોટરો લઈને મઢડા આવતા. કંઈ સેવા હોય તો જણાવો, ઐશ્વર્ય અને સંપત્તિનાં પ્રલોભનો હતાં, ત્યારે આઈમાના મીઠા ઘેઘૂર અવાજનો જવાબ હતો કે ‘મારી પૂર્વજાઓ આઈઓ નેસડે અને ઝૂંપડે જનમ લેતી આવી છે વિહામા ! માટે કંઈ નથી જોતું, મા જાનબાઈએ અભરે ભર્યું છે.’ 
આર્ષદૃષ્ટા સમાં આઈમાએ જોયું કે જે ચારણ સમાજ કોઈ કાળે રાષ્ટ્ર અને દેશને દોરવણી આપતો હતો તે આજે દિશા શૂન્ય કેમ ? કવિતાના સર્જકો ક્ષુલ્લક પ્રલોભનમાં કેમ પડ્યા? આ અધ:પતન શાના કારણે ? 
વિદ્વત સમાજને તેના મૂળ સુધી લાવવાનો પ્રયત્ન મા એ આદર્યો. ચારણ ઋષિઓએ પ્રબોધેલા ધર્મ અને કર્મને પાળવા સોગંદ લેવડાવ્યા. સસ્તાં સમાધાનો કરીને સ્વમાન અને સ્વત્વને નેવે મૂકનારા ચારણોને ખખડાવ્યા. ઇતિહાસ પુરુષોનાં પ્રમાણ આપીને એને સાચે માર્ગ ચઢાવ્યા. 
આઝાદીજંગનો એ સમય હતો. જૂનાગઢ નવાબની આડોડાઈને કારણે સમગ્ર સોરઠનો જીવ અદ્ધરતાલે હતો ત્યારે સોનબાઈમા પ્રવાસો કરીને સમરસતા કેળવવા સતત પ્રયત્નશીલ રહ્યાં. મઢડાની સીમમાં માનતા માનવા આવેલ નવાબ પાસેથી બકરા છોડાવ્યા. જૂનાગઢ ન છોડી જવા અને ભારતમાં ભળી જવાની નવાબ સાથે ચર્ચા કરી. છતાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિનાં પરિણામે જૂનાગઢ છોડીને પાકિસ્તાન ગયેલા નવાબનો પરિવાર આજે પણ માનાં વચનો યાદ કરીને પસ્તાય છે. 
નવરાત્રિના પર્વે પ્રગટેલા કરોડો દીવાઓની દીપશિખાઓની આશકા, સુગંધિત દ્રવ્યો અને ગુગળની ધૂમ્રશેરોનો ધૂમાડો, ડાક ઉપર ગવાતી અરેડીઓ કે શ્લોકગાન, કુમારિકાઓનાં ચુલબુલા શબ્દોની અર્ચના કે નગારે પડતા જયઘોષનો નાદ ત્યાં પહોંચે છે કે જ્યાં આઈઓનો નિવાસ છે. હિમાલય નંદિની અપર્ણા પાર્વતીનાં આશિર્વાદે દૈવત્વને વરેલી આ ચારણ દુહિતાઓ વિવિધ નામે કુળદેવીઓ બનીને બિરાજમાન છે. આ સોનબાઈમાએ આ પ્રણાલિને જાળવી છે. આજે પણ માએ ઉચ્ચારેલો શબ્દ સમગ્ર સમાજ માટે એ આખરી બોલ છે. અવતારી ચેતનાઓનાં સ્થૂળ જીવનમાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે જેને અન્યોએ ચાહ્યા છે, તેને સ્વજનોએ સંતાપ્યા છે. યાદી બહુ જ લાંબી છે. 
વિ.સં. ૧૯૮૦ પોષ સુદ બીજના હમિર મોડ અને માતા રાણબાને ત્યાં જન્મેલાં સોનબાઈમાએ વિ.સં. ૨૦૩૧ કારતક સુદ ૧૩ ના રોજ આયખાનો વાવટો સંકેલી લીધો યુગદૃષ્ટા આઈમા ઘણું બધું આપીને ગયાં. મીરાએ મેવાડ મૂકવો પડેલો એમ માએ મઢડા પૈતૃક ગામ મૂકવું પડ્યું. મોસાળના ગામ કણેરીમાં ગામે આ તેજપુંજ વિશ્વ જ્યોતમાં ભળી ગયો. 
પરિવર્તનો અટકી નથી શકતાં બદલાતા પ્રવાહોનો જબરજસ્ત ફોર્સ હોય છે. વ્યક્તિના સ્વત્વ જાળવવા અઘરા છે. વૈચારિક ભૂમિકા અને પોતાના અસ્તિત્વનાં સરનામાં જાળવવાં અઘરાં છે ત્યારે આઈમા ! એક એવું બળ આપો જેના આધારે જીવી શકાય. જે સત્યથી નજીક હોય. જીવનમાં તમસને ઘેરતી અહોરાત્રી, ભાવરાત્રિ, મહારાત્રિ કે નવરાત્રિ હોય ત્યારે અમો એટલા માટે આશ્વસ્ત છીએ કે તેજ શિખા રૂપે સોનબાઈ કે અન્ય રૂપે, નામે અમને મારગ ચિંધશે. 
મઢડે આઈશ્રી સોનલમા
મોડ શાખ મઢડા મહિ, જુનાગઢ દ્રશ્ય જાણ;

મા રણલ હમીર પિતા, ભવા સોનલ ચારણ ભાણ.
ભેળિયાળી ભગવતી, તોળું નવખંડ ગુંજે નામ;

તાત હમીર રાણલ મૈયા, ગરવુ મઢડા ગામ.
શુભ વિચાર સંસ્કારના, અમને પાયા આઈ;

એથી સઘળો ચારણ સમાજ, તોળો ઋણી સોનબાઈ.
દેવીયું કંઈક દિપતી, આ અવની માથે અનેક;

પણ ભોળાંપણું ને ભાવના, એવી સૌ માં સોનલ એક.
દયાળી નાખે દળી, દાળીદર ને દુ:ખ;

સૌને આપે સુખ, અમણી સોરઠવાળી સોનબાઈ.
સુખ સંપ અને સંપતી, આપે અખુટ આઈ;

બાળે વિઘન બાઈ, સૌ છોરૂના સોનબાઈ.