Category Archives: Literature

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી..

Standard

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા.

મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.

બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને, જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.

ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.

ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.

રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.

સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.

એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.

આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.

પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.

ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.

રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.

ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!

આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને ગરમીને હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી…

લે. – અજ્ઞાત

સૌજન્ય વોટ્સએપ

Advertisements

કલાપી – ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી

Standard
જન્મ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૨૬મી જાન્યુઆરી ૧૮૭૪
લાઠી
મૃત્યુ ૯મી જૂન ૧૯૦૦
લાઠી
વ્યવસાય લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
રાષ્ટ્રીયતા ભારતીય
સમયગાળો ૧૮૯૨-૧૯૦૦
મુખ્ય રચનાઓ કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય), કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર,માયા અને મુદ્રિકા

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.

ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.

રામનારાયણ પાઠક

Standard
જન્મનું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક
જન્મ રામનારાયણ વિશ્વનાથ પાઠક
9 એપ્રિલ 1887
ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો
મૃત્યુ 21 ઓગસ્ટ 1955 (68ની વયે)
મુંબઈ
ઉપનામ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
વ્યવસાય કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, પિંગળશાસ્ત્રી
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
શિક્ષણ
 • બી.એ.
 • એલ.એલ.બી.
શિક્ષણ સંસ્થા વિલ્સન કોલેજ, મુંબઈ
સમયગાળો ગાંધી યુગ
મુખ્ય રચનાઓ
 • બૃહદ પિંગળ
મુખ્ય પુરસ્કારો
 • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)
 • સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૫૬)
જીવનસાથી હીરા પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફશેષસ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.

તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાનમાસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.

તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.

તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.

ઉમાશંકર જોષી એ તેમને “ગાંધી યુગના સાહિત્યગુરુ” તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે. તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ ‍(૧૯૪૦) મટાે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.

– મુકુન્દ રાય – રામનારાયણ પાઠક

– જક્ષણી – રામનારાયણ પાઠક

– હૃદયપલટો – રામનારાયણ પાઠક

– છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

– વૈશાખનો બપોર – રામનારાયણ પાઠક

– પરથમ પરણામ – રામનારાયણ પાઠક

– હજીયે ન જાગે મારો આતમરામ ! – રામનારાયણ પાઠક

– સૌભાગ્યવતી !! – રામનારાયણ પાઠક

– માગું બસ રાતવાસો – રામનારાયણ પાઠક

ઝવેરચંદ મેઘાણી

Standard
જન્મની વિગત ૨૮ ઓગસ્ટ ૧૮૯૭
ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુની વિગત ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ, ભાવનગર, ગુજરાત
મૃત્યુનું કારણ હ્રદય રોગ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
અભ્યાસ બી.એ. (સંસ્કૃત)
વ્યવસાય સાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબ રાષ્ટ્રીય શાયર
જીવનસાથી દમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતા ધોળીબાઈ-કાળીદાસ

તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રકઆપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું “માણસાઇના દીવા”માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

 

 

ધર્મરાજસિંહ વાઘેલા “અજાન”

Standard

ગુજરાત રાજપૂત સમાજમાં વર્તમાનમાં પણ ઘણા એવા વિરલાઓ રહેલા છે જે અલગ અલગ ક્ષેત્રોમાં જોડાયેલા છે, અને સમાજ ને ગૌરવ અપાવી રહ્યા છે. પરંતુ સમાજના મોટા ભાગના વ્યક્તિઓને તેમનો ખ્યાલ જ નથી હોતો, સંસારના કોઈ પણ એક ક્ષેત્રમાં જોડાવું તે પ્રતિભા છે અને એક કરતાં વધારે કળાને હસ્તક કરવી તે બહુમુખી પ્રતિભા છે. આજે આપણે આવી જ એક બહુમુખી પ્રતિભાની વાત કરવી છે.

નામ :- લેફ્ટનન્ટ ધર્મરાજસિંહ જે. વાઘેલા (પાઘડીવાળા)
ગામ :- છબાસર
તાલુકો:- બાવળા
જિલ્લો :- અમદાવાદ
મોસાળ :- જલાલપુર(ગોહિલ,ગોહિલવાડ)
રહેઠાણ :- રાજકોટ
સંપર્ક :- 9903554075

સમાજ માંથી લુપ્ત થઈ રહેલી પાઘડીની પરંપરા ને જાળવવા અને તેનું જતન કરવા માટે ધર્મરાજસિંહ ભાઈએ સ્વયં મોટાભાગના પ્રદેશો અને રાજ્યો ની પાઘડી વિશે જાણકારી મેળવી, અને તેને બાંધતા શીખ્યા. તથા ગુજરાત ના અલગ અલગ સ્થળોએ પ્રદર્શનો રાખી સમાજ ના પ્રત્યેક નાગરિક સુધી પાઘડી અને સાફાના જ્ઞાન ને પહોચાડ્યું. વિસરાઈ રહેલી રાજપુતી પરંપરાને ઉજાગર કરવાના પ્રયત્નના ભાગરૂપે ધર્મરાજસિંહભાઈએ “શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સાંસ્કૃતિક સંસ્થાન”ની શરૂઆત કરી અને પરંપરાની ધૂણી ને સદાય પ્રજ્વલિત રાખવા નો પ્રયાસ આદર્યો. પાઘડી સાફાની સાથે સાથે ધર્મરાજસિંહભાઈએ બીજી કળાઓ હસ્તગત કરી છે, જેમકે રાઇફલ શૂટિંગ માં તેઓ રાષ્ટ્રીય કક્ષાએ જઇ આવ્યા છે, હોકીમાં પણ તેઓ રાષ્ટ્રીય કક્ષાએ જઇ આવ્યા છે. તેઓ એક ઉમદા ચિત્રકાર અને રચનાકાર પણ છે. સાથે સાથે સારા એવા અશ્વ-અસવાર પણ છે. ધર્મરાજસિંહભાઈ ઇતિહાસ વિષયમાં પણ ઊંડું જ્ઞાન ધરાવે છે.

ધર્મરાજસિંહ ભાઈનું કાર્ય જોઈને એક પંક્તિ યાદ આવે,
“હમને જબ ભી પંખ ખોલે હૈ ઉડાન કે લિયે,
ચુનોતી બન ગયે હૈ આસમાન કે લિયે..”

 • લિ. ધ્રુવરાજસિંહ જાડેજા (જાખોત્રા)

તેમણે લખેલા લેખ તથા કાવ્ય રચનાઓમાંથી નીચે આપેલા અમુક અંશો..

 1. લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ

 2. “ગોંડલ રાજ્ય”

 3. “ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.” 

 4. “શિરસ્ત્રાણ – ભાગ :-૧” 

 5. “એક રાજા, ચારણ, વાણિયો અને એક નાનકડી નાર આ ચાર જીવ એવા કે જેને જલ્દી ભક્તિ લાગે નઈ અને જો લાગીજાય તો બેડોપાર” 

 6. શસ્ત્રો જ રાષ્ટ્રની રક્ષા કરી શકે..

 7. આ ઘટનાની આખા વિશ્વએ નોંધ લીધી છે..

“ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.”

Standard

“ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.”
રચના:- વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર)
પ્રસ્તાવના :
ભારતવર્ષના સનાતન ધર્મ અને પ્રાચીન આર્ય સંસ્કૃતિમાં આદિકાળથી પરમાર્થ કે લોકહિત કાજે નિસ્વાર્થ પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ને લોકમાતા કે લોકદેવ તરીકે આપણો સમાજ પૂજે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આર્યસંસ્કૃતિમાં નદી, વૃક્ષ (વડ, પીપળો, તુલસી વગેરે) પ્રાણીઓ માં ગાય, અશ્વ, વૃષભ વગેરેની પૂજા કરવામાં આવે છે નદી નિસ્વાર્થ પોતાનું જળ આપી સંસારને જીવંત રાખવામાં મોટોભાગ ભજવે છે માટે આપણી સંસ્કૃતિમાં તેને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, આમ ગાય તો આપણને માંની જેમ દૂધ પાય છે માટે આપણે તેનામાં ૩૩ કરોડ દેવના દર્શન કરીએ છીએ અને લોકમાતા તરીકે પૂજીએ છીએ આથી ગાયું માટે કે પરમાર્થ કાજે પોતાના પ્રાણો ના બલિદાન આપનાર શૂરવીરોના પાળિયાને આપણે લોક્દેવતા ના સ્થાને પૂજીએ છીએ, મારું આ કાવ્ય લોકમાતા ગાયું ને માટે નિઃસ્વાર્થ પોતાના ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના ધર્મે લીલા માથાનું બલિદાન આપનાર ‘ક્ષાત્રત્વ’ ને સમર્પિત છે. જેનો ભાવાર્થ મારી લાગણી અને વિચારો મુજબ છે જે બાદમાં રજુ કરશું…

ચિત્ર વિશે : – એક રાજપૂત જે રણ મેદાનમાં પોતાનો ક્ષાત્રધર્મ બજાવવા જાય છે એ સમયે તે મીટ માંડી કૈક જાણે પૂછે છે ખાલી માથા(પ્રાણોનું જ બલિદાન) આપવા ના હોય તો તો ઠીક પણ માં-બાપ (પુત્રધર્મ) પત્ની-પ્રેમિકા (પતિધર્મ), સંતાન(પિતાધર્મ) વગેરે કરતા આજ ક્ષાત્રધર્મ શ્રેષ્ટ ગણી બધુ ભુલી ને જાઉં છું શામાટે??? ….
(કાવ્ય) :—— રણ ચડ્યાતા(આ) રાજપૂતો… :——–
ધડ-માથા ધીંગાણે એના, ને પાળિયા પાદરમા છાજે;
રણ ચડ્યાતા(આ) રાજપૂતો, લોકમાત ગાયુની કાજે…….૧
નોતી ફિકર વરમાળ તણી, મંગળ ગીત કે ઢોલ ભલે બાજે;
સાદ સાંભળી દેવલઆઈનો, (તેદી)તેગ તાણી તી વચ્છરાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો…૨
રાવ સાંભળી ગોવાળો તણી, બુંગીયો ને સિંધુડા ગાજે;
રણવાટ પકડીતી રખાયત જેઠવે, ધરી કેશરીયા સાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો…૩
વડ રૂવે લોહીની ધારે, કોણ પૂછે એને આ શિદને કાજે;
મરવા હાલ્યો માંગડાવાળો, પ્રીતભૂલી રાજપૂતી રિવાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૪
રણવાટ ચઢો વેગે વર્ણવો, જોજે આજ ગાવલડીના લાજે;
ધડ કરે ધીંગાણું પરમારનું, પાણ થઇ મસ્તક ધેન ધા’જે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૫
પ્રાણ દઈ કંથને રણ વળાવતી, રાજપૂતાણી કોન મલાજે;
રોમ રોમ કેશરિયો કાથડજી, ચડ્યો તુરી જેમ કાળ બિરાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૬
મીંઢળ બંધા ને ચોરીએ ચડેલા, ભલે શરણાયુંના સુર બાજે;
કાપી તલવારથી વરમાળને હાલ્યા ભાથી ભીડભાંગવા કાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૭
તારીખ: ૨૩-૦૩-૨૦૧૪ સ્થળ: રાજકોટ..
કોટી કોટી વંદન ક્ષાત્રત્વ ને …… ધર્મરાજસિંહ જે. વાઘેલા (આભાર) જય માતાજી

“શિરસ્ત્રાણ – ભાગ :-૧”

Standard

“શિરસ્ત્રાણ – ભાગ :-૧”

ભારતીય સંસ્કૃતિ સંપૂર્ણ વિશ્વમાં પોતાની વૈવિધ્યતાને કારણે હંમેશા આકર્ષણ નું કેન્દ્ર રહી છે. આ વૈવિધ્યતા જ તેને સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ટ સંસ્કૃતિ સાબિત કરે છે, ભારતીય સંસ્કૃતિ એ મૂળ આર્ય સંસ્કૃતિ પરથી ઉતરીઆવેલી છે અને ‘આર્ય’ શબ્દનો અર્થજ ‘શ્રેષ્ટ’ એવો થાય છે.
ભારતીય સંસ્કૃતિ ને બોલચાલ ની ભાષામાં ‘ભાતીગળ સંસ્કૃતિ’ એમપણ કહેવામાં આવે છે, ભારત ના વિવિધ પ્રાંતોમાં વૈવિધ્ય, એ પ્રાંતો માં વસતા લોકોમાં વૈવિધ્ય, એ લોકોની ભાષા-બોલી, રહેણ-સહેન, રીતિરીવાજો, પહેરવેશ, ધર્મ અને એમાંય સંપ્રદાયો માં પણ વૈવિધ્ય વગેરે. આ સિવાય કલાઓ, સંગીત, બાંધકામ ની શૈલી વગેરેમાં પણ વૈવિધ્ય જોવામળે આમાં અમુક વૈવિધ્યતા વિદેશી સંસ્કૃતિ સાથે ના સમન્વય થી પણ ઉદભવેલી જોવા મળે છે,
આમ ભારતીય સંસ્કૃતિ માં પહેરવેશ અને એમાંય ‘શિરસ્ત્રાણ’ નું પણ આગવું મહત્વ જોવા મળતું.
શિરસ્ત્રાણ માં મુગુટ, પાઘ, પાઘડી, સાફા અને ટોપીઓ નો સમાવેશ થાય છે, આમ મુગુટ(શોભા માટે અને યુદ્ધમાં મસ્તકના રક્ષણ માટે), પાઘ અને પાઘડી એ ભારત ની મૂળ સંસ્કૃતિ છે, જયારે સાફા અને ટોપીઓ આયાતી સંસ્કૃતિ છે. ભારતમાં ઈ.સ. પૂર્વે ૩૨૩ દરમિયાન થી વિદેશી આક્રમણો થતા આવ્યા છે સૌપ્રથમ યુરોપ થી સિકંદર નું આક્રમણ થયું પણ એની અસર સંસ્કૃતિ પર થઇ નહિ પછી ઈ.સ. ૭૧૫ પછી અફઘાન અને તુર્ક આક્રમણો થયા ત્યાર થી ભારતીય મૂળ સંસ્કૃતિ પર વિદેશી સંસ્કૃતિ ની અસરો થવાની શરુ થઇ ત્યારબાદ ઈ.સ.૧૦૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણ અને ઈ.સ. ૧૩૦૪ માં કર્ણદેવ વાઘેલા ની વીરગતિ બાદ ભારત માં સંપૂર્ણ પાણે મુસ્લિમ સત્તા સ્થપાતિ ગઈ ઈ.સ.૧૫૦૦ આજુ બાજુ અફઘાની પઠાણો ના ભારત આગમન બાદ “સાફા” નું ભારત માં આગમન થયું અને એ આપડા રાજવીઓ એ અલગ અલગ સ્વરૂપ આપી અપનાવ્યો અને તે બંધાવા લાગ્યો જેથી ભારત માં તેનું ચલણ વ્યાપવા લાગ્યું અને આપણી મૂળ સંસ્કૃતિ પાઘ અને પાઘડી ને એની માઠી અસર થઇ જે પરિણામે આજે લુપ્તતા ને આરે પોહચી છે.
બાદમાં ઈ.સ.૧૬૦૦ માં પાછા યુરોપીયનો ભારત માં વ્યાપાર અર્થે આવ્યા હતા પરંતુ ભારત ની રાજનૈતિક પરિસ્થિતિ ની અરાજકતા જોઈ તેમણે એ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને ભારત ને પાયમાલ બનાવ્યું તેથી લોકો ગરીબ થતા ગયા અને એલોકો અમીર લેખાવા લાગ્યા હકીકતે સંસ્કૃતિક દ્રષ્ટીએ તો આપડે વિશ્વમાં સૌથી અમીર હતા પરંતુ દુર્ભાગ્યે આપડે એ તરફ વિચારવાને બદલે એલોકો ના રહેણ સહેન અને પહેરવેશ થી અંજાઈ એમનું અનુકરણ કરવા લાગ્યા અને પરિણામે ભારતીય સંસ્કૃતિ જે આપડા માટે સહજ હતી તે દુર્લભ બની અને પાઘ પાઘડી ભૂલી ટોપીઓ આપનાવવા લાગ્યા આમ અંગ્રેજો સાથે ભારતમાં ટોપીઓ આવી.
આ ટોપીઓ ના પણ વિવિધ પ્રકારો જોવા મળે છે. જે નીચે મુજબ છે
જેમાં મુખ્ય ૧૨ પ્રકારો છે અને બીજા પણ ગૌણ પ્રકારો જોવા મળે છે જે નીચે મુજબ છે.
૧. બોવ્લેર, ૨. ઈવી કેપ, ૩. ફેડોરા, ૪. બોએટર, ૫. ટ્રાયલબી, ૬. કાઉબોય,
૭. ટોપહેટ, ૮. પોરકીપ, ૯. હોમ્બર્ગ, ૧૦. એસ્કોટ કે બેરેટ, ૧૧. પનામા, ૧૨. ન્યુંસબોય અને ગૌણ માં ૧. પી કેપ, ૨. ઓફિસર કેપ, ૩. રાઉન્ડ કેપ. ૪. હેલ્મેટ.. આસિવાય પરિવર્તિત ટોપીઓ માં ૧. ગાંધી કેપ, ૨. ચાઇનીઝ કેપ, ૩. ઉત્તરાખંડ ની કેપ, ૪. મુલ્લા કેપ, ૫. વોરા ની કેપ વાગેરે જોવા મળે છે…

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) હાલ રાજકોટ
મો. ૯૯૦૯૩ ૫૪૦૭૫ Email : djvaghela12raj@gmail.com

ગુજરાતી સારસ્વત પરિચય

Standard

– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

ગુજરાત તને વંદન !

” યાના “

Standard

યાના …બૂમ પડી ધીરેક થી ….યાના એ આંખો ખોલી. સામે‌
કોઈ handsome men હસી ને એને બોલાવી રહ્યો હતો . યાના એ કોઈ જવાબ ના આપ્યો .” hey હું આપને ‌બોલાવી
રહ્યો છું .”.પેલા એ કહ્યું …. યાના કઈ ના બોલી .પેલો બાજુ
માં ખુરશી ખેંચી બેસી ગયો .યાના એ હવે આંખ ઉઘાડી ને
ધ્યાન થી જોયું.આધેડ ઉંમર,ગોલ્ડન ફ્રેન્ચ સ્ટાઈલની લેટેસ્ટ
ફ્રેમ,વાળ માં આછી સફેદી ની છાંટ દેખાતી‌ હતી.મો પર
હળવાશ.. સ્પોર્ટ્ વોચ ..નાઇકી નુ ટી-શર્ટ, બ્રાન્ડેડ જીન્સ બિલકુલ સરળ વ્યક્તિત્વ ….જોઈ રહી યામા…અહીં હોસ્પિટલમાં લોકો કડકાઈ થી બોલતા હોય .લાફો મારી
દેવા સુધી કરે એમાંઆ કોણ angel આવી ગયો ..યાના
નામ છે તારું બરાબરને !…
“હું અહીં નવો ડોક્ટર ” આવનારે
યાના એ ‌કહયુ ” મને અહીં થી બહાર જવું છે ”
” તો પછી તારે મારી સાથે.ફ્રેન્ડશીપ ‌કરવી પડશે …હું રોહન.
તારી સાથે મને બહાર જવુ ગમશે ….” રોહને કહ્યું .
હળવી વાતો કરતા કરતા‌ રોહને યાના માં એના માટે વિશ્વાસ
જગાવવા ની શરુઆત કરી.યાના ને‌ એણે સમયસર દવા લેવાનું
અને સહકાર આપવા નું શીખવ્યું .યાના હવે ધીરે-ધીરે રોહન નું
માનવા લાગી.થોડા દિવસ પછી એકવાર યાનાએ જિંદગી કરી
મને બહાર લઈ જાવ.રોહને‌‌. આજે. સ્પે પરમિશન લીધી અને
પાગલ કરાર થયેલ પેશન્ટ સાથે પોતાના જોખમ‌ પર ઞયો‌.
બહાર ગયા પછી યાના પોતાની યાદોં તાજા કરી
રહી.રોહન ખૂબ ખુશ હતો કેમકે યાના સાજી થઈ રહી હતી .
યાના સાથે રેસ્ટોરન્ટ માં બેસીને પીઝા વીથ જ્યુસ લીધા બાદ
બન્ને કાર મા પાછા ફર્યા .યાનાએ રોહન નો આભાર માન્યો .
રોહને યાના ને દવા આપી ને શાલ ઓઢાળી સૂવા નુ
કહ્યું ‌. યાના સૂઈ ગઈ. યાના ના કેસ ની હિસ્ટ્રી થી. પરિચિત રોહન હવે એક પ્રયોગ કરવા જઈ રહયો‌ હતો .આજે‌‌ એણે‌
યાના ને કહ્યું ” યાના હું જાવ છું ”
યાના એ કહ્યું ” ક્યાં જાવ છો !!!!! ”
રોહને કહયુ ” U S A “હવે હું ત્યાં જોબ કરીશ. તું આમ સરસ રીતે ‌રહેજે .
યાના ચમકી ગઈ ” તમે જઈ રહ્યા. છો !

રોહને ‌કહયુ ” યાના હું જાઉં છું ”
રોહન આમ કહી હસી‌ને‌ યાના ની‌ સામે જોયુ
રોહન ને જતો જોઈ રહી યાના
થોડે દૂર ગયો ત્યારે સફાળી ચમકી ને દોટ મૂકી યાના એ
દોડી ને રોહન ના રસ્તાને રોકીને કહ્યું. ના જા રોહન
મને‌ એકલી છોડી ન જા…
કોઈ કશું સમજે એ પહેલાં બેભાન થઈ ગઈ ‌હતી યાના
યાના ની વ્યથા ને આજે પહેલીવાર મોકળાશ મળીતી
આખી જીંદગી યસ ની રાહ જોવા માં વીતી ગઈ.પાગલ
કરાર સાબિત થયેલ યાના ને રડવા દીધી રોહને…..દવા
ઓ ના ઘેનમાં સૂતૂલી યાના બહુ હળવી લાગતી ‘તી .
રોહન ઓફિસ માં ટેબલ પર માથું ઢાળી
સૂતો હતો.યાના ભાનમાં આવી ગઈ છે ડોક્ટર ……
સાંભળતા જ સફાળો જાગી ગયો ‌રોહન…..દોડી ને‌
ગયો રોહન ..યાના અચરજ થી પોતા ને અરિસામાં
માં જોઈ ચિડાઈ. મને આવા વાળ ની ચોટટી કોણે‌
કરી છે !‌મારે ઘરે જવું છે ડોક્ટર pl્ચમકવા‌નો વારો‌
હવે રોહન નો હતો .યાના બધુ ભૂલી ગઈ થી.એની
માનસિક સારવાર વખત ની વાતો એના માટે શેષ હતી
યાના ના ઘરે થી એના માતા પિતા લેવા
આવેલા એને .એની મા એ એને એની પસંદના કપડાં
પહેરાવ્યા.વાળ સરખા કરી આપ્યા અને બધા ને bye
કરી યાના કાર માં બેસી તેની આગામી જીદઞી જીવવા
પ્રયાણ કર્યું. રોહન શૂન્યમનસ્ક થઇ બેઠો હતો.એની
જીંદગી યાના ને સાજી કરવા મા એટલી ઞૂથાઇ ગઈ
થી કે એ કશુ આગળ વિચારવા સક્ષમ નહોતો .
. પેશન્ટ નં 26 ……ચલો હવે સૂઈ જાવ….
રાત પડી ગઈ છે આ દવા લીધી ને…..હા આમ ‌….
હમ ચલો શાલ ઓઢી લો જોઈ….લાઈટ બંધ કરી
નર્સ. ચાલી ઞઈ. એક જીદગી સ્વસ્થ થઈ ને જીદગી
ના મેદાન માં ઉતરી રહી થી…એક જીદગી પોતાની
માનસિક નિયંત્રણ કોઈ ને આપી ને ખુદ અંધકાર માં
વિલીન થઈ ગઈ …..
Pinky Mehta shah ” Disha” ‌‌ ‌

હેમાનું ગીત

Standard

” અલ્યા મોદનો છેડો બરાબર પકડ, હા. હવે… ઠીક છે, આમ ઘરે પ્રસંગ રાખ્યો હોય ને કુટબીઓ આવે એટલે પાથરણું તો હોવું જોઈએ. લો હવે આવતા રો બધા બેસો આ મોદ પર.” હાથનો ઈશારો કરતો લખમણ બોલ્યો.
” આંય..આંય..તમે બધાથી મોટા છો તે છેવાળે બેસો એ હારુ ના દેખાય બધાની વચ્ચે બેસો વડીલ, જીવાભા ” વજો જીવાભાને સૌની પાછળ બેસતા અટકાવતો બોલ્યો.
” અલ્યા હેમા , કોઈ છોકરાને મેલને ઘરમાંથી બીડિયાંનાં પડીકાં ને બાકસું એક થાળીમાં નાખીને લાવે ને સુડી-સોપારી ભુલાય નઈ જોજે” લખાને ક્યારનીયે બીડીની તલપ લાગેલી હતી.
” આ ભાવલો ચ્યમ દેખાતો નથી ? જો તો ભાણા, ઊઠ એના ઘર હુધી થાતો આય.” જીવાભા નજર ફેરવતા ફેરવતા બોલ્યાં.
” એ ભાણાથી નઈ આવે. એને મનાવવો પડશે.એને થોડું વાંકુ પડ્યું છે.” રઘુ બીડીની સટ મારતાં મારતાં બોલ્યો.
” એમ કરો ભઇ વિસણું તું ને હીરો બેય જણા ઘરધણી હેમાને લઈ જાઓ મનાવીને લાવો પછી હું જોવું કે એને શું પેટમાં દુઃખે છે.”

આ બધા કુટુંબીભાઈઓ આજ એટલા માટે હેમાને ઘેર ભેગા થયા હતા કે હેમાની બહેન લખમીનાં લગન લખવાનાં હતાં. આમતો આ લખમીની ઉંમરની મ્હેલ્લાની બધી છોકરીઓના લગ્ન કયારનાંય થઈ ગયાં હતાં અને કેટલીકતો મા પણ બની ગઈ હતી. લખમીની સગાઈ થઈ ગયેલી હોવાથી એને તો કયરનોય વિવા કરી નાખવો હતો પણ વેંત થાતો ના હતો. છેલ્લા બે વર્ષથી વરસ નબળું આવતું હતું ખેત પેદાશના ભાવ બરાબર આવતા ના હતા. જે આવતું એમાંથી પોણા ભાગનું વાણિયાને નામામાં ચોપડા ચોખા કરવામાં ભરી દેવું પડતું .આતો લખમીની ઉંમર વધી ગઈ હતી ને વેવાઈ પક્ષના દબાણથી બહેનના હાથ પીળા કરવા તે સંમત થયો હતો.

એના ભાગમાં સાત વિઘાનું ચરેળીયું ખેતર આવેલું. ભાડાથી ખેતર વવરાવે બાકી મહેનત જાતે કરે. હેમો, ઘરવાળી અંબા, બહેન લખમી અને છ વર્ષનો જગો રાત દિવસ ખેતરમાં પડયાં હોય. પંડનો પરસેવો પાઈને મોલ ઉછેરે. ઘડીનો વિસામો નઈ. કપાસ વિણ્યો નથી ને તરત બાજરી વાવી નથી. ધરાઈને ધાન ખાવા ભેગાં ના થાય, તોય જાણે આ કરમના કાઠા, હેમાને વરહના અંતે કાંઈ વધતું નહીં ને ક્યારેક પારકી મજૂરી પણ કરવી પડતી. એવા આપણા આ હેમાભાઈ ને ના છૂટકે ઉંમર લાયક થયેલી બહેનનાં લગન લેવાની ફરજ પડી.

” જો ભઈ હેમા, આપણે રયા પછાત વરગના પણ જમાના હાથે હેંડવું પડે. જાન શેરમાંથી આવવાની સે તે જમવાનું કાંઈક શોભે એવું આલવું પડશે.” જીવાભાએ વાત ઉપાડી.
” આમતો આપણી પછાત નાતના રીવાજ પરમાણે આપણે આવતી જાનને ચા-પાણી પછી બપોરે શીરો ને મગની દાળ આપીએ સિયે, ” હેમાએ પોતાનો મત જણાવ્યો.
થોડીવારતો બધા ચૂપ રહયા. પછી ગણગણાટ ચાલુ થયો.
” ઇ જમાના ગયા હેમાકાકા, હવે જરા સુધરો. જાન અમદાવાદ જેવા શેરમાંથી આવતી હોય ને આપણે શીરો ને મગની દાળ ખવરાવતાં સારા ના લાગીયે.” રઘલો ખૂણામાંથી ઊભો થઈને બોલ્યો.
” જો હેમા તારે આ છેલ્લો અવસર સે માનને , આ તારો જગો તો હજુ વિહ વરહ કાઢશે ત્યારે પૈણાવે એવડો થાશે, તો થોડો કાઠો થઈ જા ને એમ કર આપણે મોહનથાળ,બટેટાનું શાક, પુરી ને દાળ-ભાત રાખીએ” જીવાભાએ પોતાનો મત જણાવ્યો.
” ભજિયાં, ગોટા કે ખમણ જેવી ફરસાણની એક આઈટમ હોવી જોઈએ.” લખો હેમા સામે નજર કરતાં બોલ્યો.
” તમારે તો ઠીક છે પણ મારો પનો પહોંચાવો જોઈએને જીવાભા, ચ્યમ બોલતા નથી?”

બેઠેલા ભાઈઓમાં કેટલાય ગણગણાટ ને ખીખિયારા કરતા હતા આખા ડાયરામાં હેમો એકલો પડી ગયો હોય તેમ તેને લાગ્યું.

ચર્ચાના અંતે નક્કી થયું કે મોહનથાળ, પુરી, શાક, ને દાળ-ભાત જાનને અને કુટુંબીઓને જમણવારમાં આપવું.

જાનનો ઉતારો ક્યાં રાખવો. એ બાબતે થોડી માથાકૂટના અંતે લાભુ મેતરના વાડાવાળા ઘરે જાનનો ઉતારો રાખવાનું નક્કી થયું.

પંદર દિવસની વાર હતી ત્યાં સુધીમાં હેમાએ ગામના શાહુકારો ને વેપારીઓને મળીને ખર્ચા -પાણીની વ્યવસ્થા કરી લીધી. લાંબુ ખર્ચ કરવાની ઈચ્છા ના હોવા છતાં ભાઈઓના દબાણથી અને વેવાઈનું ઘર જોઈને હેમાએ બહેનના વિવાહમાં જમણવારમાં અને કરિયાવર આપવામાં સારું એવું ખર્ચ કર્યું . સારું એવું દેવું થઈ ગયું.

આ વર્ષે વરસાદ સારો હતો. ખેતી પણ સારી હતી. ખેતરમાં બિટી કપાસ માથા ઢંક આવી ગયો હતો. વરિયાળી અને વિઘોએક જીરું જોઈ હેમાની વહુ અંબાના હરખનો પાર ના હતો.

”બહું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય,
રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય.”
હેમો ખુશમાં હોય ત્યારે આવું કાંઇક ગણગણી પોતાની ખુશી વ્યક્ત કરતો.

” કઉસુ, સાંભળો ઓણ સાલથી આ જગાને ખેતરમાં કામ કરાવવાનો મોહ છોડી દ્યો ને એને નેહાળમાં ભણવા બેહાળો.” અંબા માથા પરથી ભાતની સુન્ડલી ઉતારતાં બોલી.
” તારી વાત હાચી હો જગાની મા, ઇ આમેય હોલાં ચકલાં ટોવા સિવાય કાંઈ બીજું ભારે કામ તો કરી શકે નઇ , તો ઓણથી એનેય નેહાળમાં દાખલ કરી દઈએ.” આંબાના છાંયે બેસતાં એ બોલ્યો.
“અને જુઓ ભગવાને આલ્યું સે તે આ રોજ તૂટમુટ ખાટલીમાં સુઓ સો તે એક બે હારા માંચા ઘડાવો તે હખે સુવાયતો ખરું. ને આ કઉસુ થિંગડાવાળું આ પે’રણ ખેતરમાં ચાલે પણ ગોમમાં પે’રવા હાતું એક જોડ હારાં લુઘળાં પણ લ્યો” અંબા ખાવાનું કાઢતાં કાઢતાં બોલતી હતી ને હેમો ઠંડા નિસાસા નાખે જતો હતો.
રોટલો, ચટણી ને છાસ ખાધી પણ ખેતરના ખોળે એ આંબાના છાંયલે ખાધેલું ભાત જાણે સાત જાતનાં પકવાન ખાધાં હોય એવો હોડકાર ખાતો હેમો ધુમાડાના થોકે થોક ઉડાડવા લાગ્યો અને વિચારોના પણ. પછી આડે પડખે થયો. જગો વળી માટીમાંથી બનાવેલા બળદોની સાથે રમવા લાગ્યો. અંબા ગાય માટે ખેતરમાં ઉગેલા ઘાસને વાઢવામાં પડી ગઈ.

” તારે આ બુધા પગે ફરવું પડે સે તે ઓણ તો કંડલા-કાંબીયું બનાવડાવી લઈએ.” એમ હેમાએ એક વખત કિધેલું તે તેને યાદ આવ્યું. ને અંબાનું દાતરડું એના વિચારોની ઝડપે ચાલવા લાગ્યું. અંબાએ તો સાચેજ જાણે પગમાં કંડલા પહેર્યા હોય તેમ તેની ચાલ બદલાઈ ગઈ. એ ઊભી થઈ ખેતરના એક શેઢેથી માંડી સામેના શેઢા સુધી નજર નાખી. લહેરાતા પાકને જોઈ તે ભવિષ્યના અવનવા મિનારા ચણતી ચણતી અંબાના છાંયે જ્યાં હેમો સૂતો હતો ત્યાં આવી.

” એ ભાઈલા થોડું તો રાખો, બસ થોડુજ. મારી બૈરી છોકરાને શું ખવડાવીશ ” હેમો ઊંઘમાં બકતો હતો.એની આંખોમાંથી પોષ પોષ આંશુ નીકળતાં હતાં.
અંબા આ જોઈ, સાંભળી બેબાકળી બની ગઈ. એને હેમાને જગાડ્યો. હેમો આળસ મરડી ઊભો થયો. અંબાએ એને પાણી આપ્યું.એ પાણી પી ને કાંઈ પણ બોલ્યા વગર ખેતરમાં કામે ચાલ્યો ગયો.

હવા સારી ચાલી.ઠંડી ખૂબ પડી. હેમાની મહેનત રંગ લાવી. ઉપજના ઢગલા થઈ ગયા. કપાસ, જીરું ને વરિયાળી સિમ આખી મધમધી ઊઠી. ખેતર ખેતર ધનના ઢગલા. દેખી મોહયા લોકો જગના. ગામ આખું રૂપીએ રમતું થઈ ગયું. હેમો લેરમાં હોય ત્યારે ગાતો, ‘ રઘુવીર રાજડો રીઝે નવખંડ લીલો લહેરાય ‘ એમ ઓણ સાલ રઘુવીર રિઝયા હતા. અંબાનાં સપનાં સાચાં થવા જઈ રહયાં હતાં. એમનો જગો નવો ડ્રેશ પહેરી જાણે નિશાળે જતો થઈ ગયો હોય એવું લાગ્યું.

એટલામાં હેમાને અંબા ખેતરના ખોડીબારે દેખાણી. આજ એ ભાતની સુંડલી ભરી વહેલી આવી હતી ને એ સુંડલીમાંથી ગાયના ઘીમાંથી બનાવેલા લાડવાની સોડમ એક ખેતરવા દૂરથી આવી રહી હતી. કાયમ ચટણીને રોટલો ખાતીને ખવડાવતી અંબાને મોલના ઢગલા જોઈ આજે લાડવા ખાવાની હોંસ થઈ આવી હતી.
એ આંબાના ઝાડ પાસે બનાવેલી ઝૂંપડીએ આવી. ખરામાં પડેલ કપાસ, જીરું ને વરિયાળીના ઢગલા એના જોવામાં ના આવ્યા.
” જગાના બાપા આપણો માલ ચ્યો ગયો ?”

” જગાની મા !” હેમાની આંખમાંથી શ્રાવણ સરી પડ્યો. ” આ ખેતરતો મેં લખમીના વિવા ટાણે વાણિયાને ચાલી હજાર રૂપિયામાં ગીરો લખી આપેલું. એનું આલેલું આપણે ખાધું ને લોકોને ખવડાવ્યું. માલતો ટ્રેકટર ભરીને શેઠના માણસો આવીને સવારે ઉપાડી ગયા. આપણે તો ખાલી મજૂરી લેવાની.”

આ સાંભળીને અંબાને ચક્કર આવી ગયા ને માથે ઉપાડેલી ભાતની સુંડલી પડતી થઈ. જોરથી હવાની એક લહેરખી આવીને ખાલી થઈ ગયેલા ખેતરમાંથી ઉડેલી ધૂળ ઢોળાઈ ગયેલા ભાતમાં ભળી ગઈ.

✍ સરદારખાન મલેક સિપુર તા. સંખેશ્વર જી. પાટણ

કથા બીજ :-કવિ શ્રી રાહુલ તુરી ‘ ઝીલ’ નું હેમાનું ગીત

હેમાનું ગીત

લિલ્લાંછમ ખેતરનો લિલ્લોછમ મોલ જોઇ હેમાનો હરખ ના માતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો પાક્યો સ પાક રૂડો આતો.

ઉંણ સાલ લાલિયાન નેહાળે મુચ્યાવું અંબાનો દાગીનો હાચો,
તુટમુટ ખાટલીન વેગળી કરીન મું ઘડાવું મસમોટો માંચો.

આવું આવું તો કૈં કેટલું વિચારીને હેમા એ ગાળીતી રાતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો પાક્યો સ પાક રૂડો આતો.

આંબાના છાંયડે બેઠેલા હેમો ભૈ ખેતરને આંખોમાં ભરતા,
બીડીના થોક થોક ધૂમાડે હેમો ભૈ આશાના આકાશે ચડતા.

હરખના હિલ્લોળે ઉંઘીગ્યાં હેમો ભૈ મંદમંદ વાયુ પણ વાતો.
પંડયનો પરસેવો પીવરાયો તાણતો પાક્યો સ પાક રૂડો આતો.

અચાનક હેમાની આંખ જયાં ઉઘડી ત્યાં ખેતરના માલિકને જોયો,
સઘળી આશાઓને ખંખેરી હેમો તો પોહ પોહ આંસુડે રોયો.

મારૂં વાયેલું એ મારૂં ચ્યોં હતું! મુતો કોક્નું આલેલું ખાતો,
પંડયનો પરસેવો પીવરાયો તાણતો પાક્યો સ પાક રૂડો આતો.

– તુરી રાહુલ “ઝીલ”